જીવન પ્રેમ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન પ્રેમ

જીવન પ્રેમ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ - ૧૮

ડર કરતાં પ્રેમનું બળ અધિક

એક માતા તેના પુત્રના તોફાનોથી પરેશાન હતી. પુત્ર રોજ નવી કોઇ ઉપાધિ ઉભી કરતો હતો.

પુત્રના તોફાનો બંધ કરાવવા તે ગુસ્સો કરતી અને માર પણ મારતી. પરંતુ છોકરો કોઇ વાત સમજતો ન હતો. તેને સુધારવા માટે શું કરવું એ સમજાતું ન હતું. તે પરેશાનીમાં દિવસો પસાર કરતી હતી. અને કોઇ ઉપાય મળી રહ્યો ન હતો.

એક દિવસ ગામમાં એક ફકીર આવ્યા. માતાને થયું કે તેમની પાસે પુત્રને સુધારવાનો કોઇ ઉપાય જરૂર હશે. તે પુત્રને લઇ ફકીર પાસે પહોંચી ગઇ. પુત્રને બહાર ઉભો રાખી તે ફકીરને મળવા ગઇ અને કહ્યું:''મહારાજ, એક સમસ્યા લઇને આવી છું. મારો પુત્ર બહુ તોફાન કરે છે. તે ઘણો ઉપદ્રવી બની ગયો છે. હું બહુ પરેશાન રહું છું. મને લાગે છે કે તમે એને ડરાવી દો તો શક્ય છે કે તે સુધરી જાય.''

ફકીરે છોકરાને અંદર બોલાવ્યો અને આંખો કાઢી એટલા જોરથી ચિલ્લાયા કે તે ભયનો માર્યો ભાગી જ ગયો. જ્યારે માતાને ફકીરના ક્રોધી વર્તનથી એવો આંચકો લાગ્યો કે તે બેભાન જેવી થઇ ગઇ. થોડીવારે તે સ્વસ્થ થઇ. પુત્ર પણ પાછો આવી ગયો હતો. અને બહાર રમવા લાગ્યો હતો.

માતાએ સ્વસ્થ થયા પછી ફકીરને કહ્યું,''મહારાજ, મેં તમને આટલા બધા ડરાવી દેવા માટે કહ્યું ન હતું.''

ફકીર કહે,''બેન, ભય તો ભય જ હોય છે. એનું કોઇ પ્રમાણ હોતું નથી. એવું ના થઇ શકે કે તે એકને ડરાવે અને બીજાને ના ડરાવે. તમારી વાત શું કરો છો. ખુદ હું પણ ડરી ગયો હતો. જ્યાં ભય છે ત્યાં પ્રેમ પેદા થઇ શકતો નથી. એટલે ક્યારેય છોકરાને ભયભીત કરવાનો પ્રયત્ન ના કરશો. બાળકને સુધારવાનું કામ ડરથી નહિ પ્રેમથી થાય છે. પ્રેમનું બળ ડરના બળથી અધિક હોય છે. બાળકને જો સાચા રસ્તા પર લાવવો છે અને સુધારવો છે તો તેના પ્રત્યે પ્રેમભર્યો વ્યવહાર કરો. ડરથી કોઇનું ભલુ થતું નથી અને ખરાબ પરિણામ જ આવે છે એ બતાવવા જ મેં ગુસ્સો કર્યો હતો.''

એ દિવસ પછી માતાએ ક્યારેય પુત્ર પર ગુસ્સો ના કર્યો અને દરેક વાત પ્રેમથી સમજાવવા લાગી.

*

તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,

ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.

– રવીન્દ્ર પારેખ

*

રૂમાલ આંખનાં આંસુ લૂછે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે. – લોંગફેંલો.

***

સાચા વિદ્વાન

સંસ્કૃતના પ્રકાંડ પંડિત કૈયરજી નગરથી દૂર એક ઝૂંપડીમાં રહેતા હતા. તે રાત- દિવસ પોતાના અભ્યાસ અને લેખનમાં જ વ્યસ્ત રહેતા હતા. તેઓ ઘર કે બહારના કામોમાં પત્નીને મદદ પણ કરી શકતા ન હતા. પત્ની સમજુ હતી. તેમને તેમનું કામ કરવા દેતી હતી. તે જંગલમાંથી વસ્તુઓ લઇ આવતી અને સૂતળી બનાવીને વેચીને જે કંઇ મળે તેનાથી ઘર ચલાવતી હતી.

પતિની સેવા, ઘરના તમામ કામ અને ભોજનની વ્યવસ્થા પત્નીએ જ કરવી પડતી હતી. છતાં આ વાતનું કોઇ દુ:ખ તેમના મોં પર ક્યારેય દેખાતું ન હતું. તે પોતાના કામથી સંતોષ અનુભવતી હતી. પતિ વધુ લેખન કરી શકે એ માટે એમને કોઇ કામ સોંપતી ન હતી.

કૈયુરજીની આવી સ્થિતિ વિશે કાશીના કેટલાક પંડિતોને ખબર પડી. તેમણે આ વાતની જાણ રાજાને કરી. અને કહ્યું. ''મહારાજ, આપના રાજ્યમાં એક પંડિત દુ:ખી છે, તમે કંઇક ધ્યાન આપો તો સારું.''

રાજાને પણ દુ:ખ થયું કે તેના રાજ્યના વિદ્વાન વ્યક્તિ કારમી ગરીબીમાં જીવી રહ્યા છે. રાજા જાતે કૈયુરજીને મળવા પહોંચી ગયા. અને હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું,'' ભગવંત, આપ કષ્ટ ભોગવી રહ્યા છો એ મારાથી જોઇ શકાતું નથી. જે રાજ્યના વિદ્વાનોને કષ્ટ પડે છે તેનો રાજા પાપનો ભાગીદાર કહેવાય. એટલે તમે મારા પર કૃપા કરો. હું તમને લેવા માટે આવ્યો છું. તમારા માટે તમામ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવશે.''

રાજાનું બોલવાનું પૂરું થયું કે તરત જ કૈયુરજીએ પોતાના પુસ્તકો બગલમાં દબાવીને ચટાઇ ઉઠાવી. અને પત્નીને સંબોધીને કહ્યું:''ચાલ, મારા અહીં રહેવાથી રાજાજીને પાપ લાગે છે. ચાલ બીજે ક્યાંક જતા રહીએ.''

રાજાને પોતાની ભૂલ સમજાઇ. તેમણે કૈયુરજીના પગમાં પડીને માફી માગતા કહ્યું:'' ભગવંત, મને માફ કરો. હું તો ઇચ્છતો હતો કે મને સેવા કરવાની તક મળે.''

ત્યારે કૈયુરજીએ કહ્યું:''તમે માત્ર એટલું જ કરો તો આભાર કે અહીં ના આવશો. અને મને ધન- સંપત્તિ કે અન્ય કોઇ પ્રલોભન ના આપશો. મારા અભ્યાસમાં વિધ્ન ના આવે એવું કરશો તો મારી સેવા કરી જ ગણાશે.''

રાજાને ખ્યાલ આવી ગયો કે સાચા વિદ્વાન માટે તેનું કામ જ સૌથી વધુ મહત્ત્વનું છે. તેને ભૌતિક સુખોની કોઇ ઇચ્છા હોતી નથી.

*

તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્‍હેરે છે.

- કિરીટ ગોસ્વામી

*

સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની. – વિનોબા ભાવે

***

રાષ્ટ્રની સાચી સંપત્તિ

એક વખત મગધની સેનાએ કૌશલ રાજય પર ચઢાઈ કરી અને કૌશલના રાજાને તેમના અંગરક્ષકો તથા કેટલાક વ્યક્તિઓ સાથે ઘેરી લીધા. રાજા પાસે શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો ન હતો. એટલે કૌશલના રાજાએ મગધના સેનાપતિને કહ્યું કે તે કોઈપણ વિરોધ વગર સમર્પણ કરવા તૈયાર છે. પણ શરત એટલી કે તેમની સાથે આવેલા દસ જણને સુરક્ષિત જવા દેવામાં આવે.

કૌશલ રાજા પોતાના તાબામાં આવી ગયા હોવાથી સેનાપતિએ દસ માણસોને સુરક્ષિત છોડી દીધા. પછી કૌશલના રાજાને બંદી બનાવી મગધના રાજા સામે રજૂ કર્યા. અને તેમને કેવી રીતે પકડી લીધા તેની વિગતવાર માહિતી આપી.

વાત સાંભળીને મગધ રાજાએ સેનાપતિને શાબાશી આપી. પણ એક વાત તેમની સમજમાં ન આવી. એટલે કૌશલના રાજાને જ પૂછયું:''કૌશલ રાજા, એ દસ વ્યક્તિઓ કોણ હતી જેના માટે તમે બંદી બની જવાનું પસંદ કર્યું?'' કૌશલ રાજાએ કહ્યું:''મહારાજ, એ અમારા રાજયના મહાન વિદ્વાનો અને સંતો હતા. મારું માનવું છે કે હું મરી જાઉં તો વાંધો નથી પણ તેઓ જીવીત રહેવા જોઈએ. રાજ્યને તેમની જરૂર વધુ છે.'' મગધ સમ્રાટ કહેઃ''એમના એવા તે કેવા મોટા અહેસાન છે તમારા પર?'' કૌશલ રાજા કહેઃ''મહારાજ, અહેસાન મારા પર નહિ રાજ્ય પર છે. તેઓ રાજયના સાચા ઘડવૈયા છે. તેઓ રહેશે તો રાજયમાં આદર્શ, કર્તવ્ય, દયા, પરોપકાર, સત્યનિષ્ઠા વગેરેની પરંપરા અને ભાવનાઓ જીવીત રહેશે. તેમના થકી આદર્શ અને કર્તવ્યનિષ્ઠ નાગિરકોનું નિર્માણ યોગ્ય રીતે થતું રહેશે. અને એમ થવાથી યોગ્ય શાસક પણ મળી રહેશે. મારું માનવું છે કે રાષ્ટ્રની સાચી સંપત્તિ તેના રાજયના વિદ્વાનો અને સંતો છે.'' મગધ સમ્રાટ કૌશલ રાજાની આ વાત સાંભળી દંગ રહી ગયા. અને સેનાપતિને કહ્યું''જે રાજયમાં જનકલ્યાણનું કામ કરતા સારા માણસોને આટલું મહત્ત્વ આપવામાં આવતું હોય ત્યાં પરિવર્તનની કોઈ જરૂર નથી. તેમની પાસેથી તો આપણે પ્રેરણા લેવી જોઈએ.'' અને મગધ રાજાએ તરત જ કૌશલ રાજાને મુક્ત કરવા સેનાપતિને આદેશ આપ્યો.

*
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ કયારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
- અનિલ ચાવડા
*

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે. કેમકે ભલાઈ કર્મમાં હોય છે પરિણામમાં નહીં.


*****