Jivan khajano 11 books and stories free download online pdf in Gujarati

જીવન ખજાનો - 11

જીવન વિચાર

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૧

વિચાર બદલનારા વિશ્વાસપાત્ર નહિ

એક રાજાને પોતાના બધા મંત્રીઓમાં એક વધુ પ્રિય હતો. તે રાજાનો વિશ્વાસુ બની ગયો હતો. રાજા દરેક બાબતે તેની સલાહ લેતા હતા. રાજાના દરબારમાં કામ કરતા કેટલાક દરબારીઓ અને બીજા ઈર્ષાળુ મંત્રીઓને આ વાત સહન થતી ન હતી. એટલે તેના વિરુધ્ધ ષડયંત્ર રચ્યું. કેટલાક મંત્રીઓએ રાજાને ફરિયાદ કરી અને કહ્યું:''મહારાજ, ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. પણ તમે જે મંત્રીને વિશ્વાસપાત્ર સમજો છો એ હકીકતમાં ભ્રષ્ટાચારી છે. રાજ્યમાં જે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે તેમાં મુખ્ય હાથ આ મંત્રીનો છે.'' કેટલાક દરબારીઓ અને બીજા ઈર્ષાળુ મંત્રીઓએ ખોટા પુરાવા અને સાક્ષીઓ રજૂ કરી પોતાની વાત સાબિત કરી. એટલે રાજાએ એમની સામે જ પોતાના પ્રિય મંત્રીને બોલાવ્યો અને કહ્યું:''મંત્રીજી, આ લોકોએ તમારા પર જે આક્ષેપ મૂકયા છે તેને ખોટા સાબિત કરવા એક સપ્તાહનો સમય આપું છું. જો તમે પોતાને નિર્દોષ સાબિત નહિ કરી શકો તો દંડ ભોગવવો પડશે.'' મંત્રીએ મસ્તક નમાવી રાજાની વાત સ્વીકારી અને ઘરે ગયો. મંત્રીએ રાજાને સંબોધીને એક પત્ર લખ્યોઃ ''મહારાજ, અપમાનિત થવા કરતાં મરી જવું સારું છે. એટલે હું મરવા જઈ રહ્યો છું, અલવિદા.'' અને તે કોઈ અજ્ઞાત સ્થળે ચાલી ગયો.

રાજાને એ પત્ર મળ્યો. તેમણે મંત્રીની ઘણી શોધખોળ કરી પણ તે મળી આવ્યો નહિ. એટલે તેના મૃત્યુને સ્વીકારી લઈ શ્રધ્ધાંજલિ આપવા એક શોકસભા ભરી. ત્યારે મંત્રી વેશ બદલીને એ સભામાં પહોંચી ગયો. તેણે જોયું કે લોકો મોટી સંખ્યામાં તેને શ્રધ્ધાંજલિ આપી રહ્યા હતા. તેમાં એ લોકો પણ હતા જેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા.

ઈર્ષાળુ મંત્રીઓને હવે ચિંતા ન હતી. તેમને તો તેમની વચ્ચેનો કાંટો ગયો એમ લાગતું હતું. તેમણે લોકોમાં સારા દેખાવા મંત્રીના ખૂબ વખાણ કર્યા. અને કહ્યું:''મંત્રીજી, બહુ પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોવા સાથે ઉચ્ચ વિચારો ધરાવતા હતા. તેમના અકાળ અવસાનથી રાજ્યને પૂરી ન શકાય એવી ખોટ પડી છે.'' આટલું સાંભળીને એ મંત્રી પોતાના અસલ રૂપમાં આવી ગયો. તેને જોઈને વિરોધીઓના હોશકોશ ઊડી ગયા.
મંત્રીએ રાજાને કહ્યું:''જોયું ને મહારાજ, આ લોકોનો પ્રતિભાવ કેવો બદલાઈ ગયો. જો હું ખરાબ અને ભ્રષ્ટાચારી હતો તો પછી મારી પ્રશંસા કેમ કરી રહ્યા છે? શું તમે એવા લોકો ઉપર વિશ્વાસ કરશો જેમના વિચાર બદલાતા રહે છે?'' રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે પ્રિય મંત્રીને ગળે લગાડી સન્માનથી તેનું સ્થાન પાછું આપ્યું. અને તેના વિરોધીઓને સભામાંથી રજા આપી દીધી.

***

તાપ મારો જીરવી શકતા નથી એ પણ હવે,

લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

- 'બેફામ'

* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જયારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું:''હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ના આવે.''

***

એકની પ્રામાણિકતાથી આખું રાજય સુખી

દક્ષિણ ભારતમાં વીરસેન નામનો એક રાજા રાજ કરતા હતા. વીરસેન એક પ્રતાપી અને સાહસી રાજા હતા. પણ તેમને પોતાની પ્રશંસા બહુ ગમતી હતી. તેમના મંત્રીઓ અને દરબારીઓ તેમને ખુશ રાખવા હંમેશા પ્રશંસા કરતા રહેતા. કેટલાક કહેતા કે વીરસેન જેવા કોઈ રાજા નથી. તેમના રાજયમાં પ્રજા સુખી અને ખુશ છે એટલી બીજા કોઈ રાજયમાં નથી.

રાજાને દરબારના ચાપલૂસોને કારણે રાજયની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો ન હતો. પ્રજાના સુખ દુઃખના સાચા કોઈ સમાચાર તેમના સુધી પહોંચતા ન હતા. રાજા સુખ અને ઐશ્વર્યમાં આળોટતા હતા.

એક સમય એવો આવ્યો કે રાજયમાં દુકાળ પડયો. ધીમે ધીમે લોકોની પરિસ્થિતિ ખરાબ થવા લાગી. પણ રાજાને રાજયના વહીવટકારોએ આ વાતની કોઈ જાણ ના કરી. દુકાળને કારણે વિષ્ણુદેવ પંડિત નામનો એક નિર્ધન બ્રાહ્મણ મુશ્કેલીમાં મુકાયો. ભિક્ષા માગીને તે રોજ પોતાના પરિવારનું પેટ ભરતો હતો. તેને હવે ભિક્ષા મળતી ન હતી. એમ કરતાં ત્રણ દિવસ થઈ ગયા. તેની પત્નીએ બાળકોની ચિંતા કરીને કહ્યું કે તમે રાજાના ભંડારમાંથી થોડું અનાજ ચોરી કરી લાવો. પણ તે તૈયાર ના થયો. તેની પત્નીએ કહ્યું કે હવે મારાથી બાળકોની પીડા જોવાતી નથી. આ રીતે તો બાળકો આપણી નજર સામે મરી જશે. કોઈ પાસે ઉછીનું કે ઉધાર મળે એમ નથી. બધાની હાલત ખરાબ થઈ રહી છે. ચોરી કરવા સિવાય કોઈ આરો નથી.

બ્રાહ્મણને પણ લાગ્યું કે હવે બીજો કોઈ ઉપાય નથી. રાત્રે તે ચોરીછૂપીથી રાજમહેલના અનાજના ભંડારમાં ઘૂસી ગયો. અને પોતાની પાઘડી ખોલી તેમાં અનાજ બાંધી ઘરે લઈ આવ્યો. તેની પત્ની ખુશ થઈ કે હવે સવારે બાળકોને તે ભોજન આપી શકશે. પણ બ્રાહ્મણને આખી રાત ઊંઘ ના આવી. રાત્રે તે પડખા બદલતો રહ્યે અને ઊંઘી શકયો નહીં.

સવાર પડી કે તરત જ તે ઉઠીને અનાજ લઈ સીધો રાજ દરબારમાં પહોંચી ગયો. અને રાજાને કહ્યું કે તેણે ચોરી કરવાનો અપરાધ કર્યો છે. તેને સજા કરવામાં આવે. રાજાએ તેને કારણ પૂછયું. ત્યારે તેણે પોતાની મજબૂરીની કથા સંભળાવી.

બ્રાહ્મણની કથા સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. અને થોડી વાર પછી કહ્યું:''સજા તો હું જરૂર આપીશ. પણ તને નહિ મારી જાતને. આજથી હું દરરોજ જાતે ફરી ફરીને રાજયની પ્રજાના સુખ દુઃખની માહિતી મેળવીશ. જેથી ફરી કયારેય કોઈને ચોરી કરવાની નોબત ના આવે. અને તેં પ્રામાણિકતાથી ચોરીની કબૂલાત કરી છે એટલે તને સજામાંથી મુક્તિ આપવામાં આવે છે.'' આમ એક પ્રામાણિક માણસને કારણે આખા રાજ્યની પ્રજા સુખી થઈ.

*
રાંક બન્યા રાજા કદિ, રાજા બન્યા છે રંક અહીં,

ખેલ ખેલે છે જીવનમાં, તકદીર મારું માન તું.

- રમેશ ચૌહાણ

*
રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી, કદાપિ! – ચાણકય


***

સાધુને મોતનો ડર ના હોય

વીરગઢ રાજયની મહારાણીનો કિમતી હાર ખોવાઈ ગયો. મહારાણીને એ હાર બહુ પ્રિય હતો. રાજાએ એ હારને શોધવા માટે ઘણા પ્રયત્ન કરાવ્યા. પણ હાર કયાંયથી મળ્યો નહિ.

મહામૂલો હાર ન મળતાં મહારાણી ઉદાસ થઈ ગયા. અને એ હાર કોઈપણ ભોગે મેળવવાની જીદ કરી. તેમની હાર પ્રત્યેની લાગણી જોતાં રાજાએ રાજયમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈને હાર મળ્યો હોય તે ત્રણ દિવસમાં આપી જાય. જો એ પછી કોઈની પાસેથી હાર મળી આવશે તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.
હવે સંયોગની વાત એ હતી કે એ કિમતી હાર એક સાધુને મળ્યો હતો. મહારાણી જંગલમાં ગયા ત્યારે કોઈ કારણસર હાર ત્યાં પડી ગયો હતો. સાંજે સાધુ ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમની નજર પડી. તેમણે હાર લઈને પોતાની ઝૂંપડીમાં મૂકી દીધો. તેમને હાર પ્રત્યે કોઈ માયા ન હતી. અને કોઈ શોધતું આવશે ત્યારે આપી દઈશ એમ વિચારી પોતાની સાધનામાં લીન થઈ ગયા. દરમ્યાનમાં રાજાનો ઢંઢેરો સાધુએ સાંભળ્યો. છતાં રાજાને હાર આપવા ગયા નહિ. સાધુ જાણે કંઈ બન્યું જ ન હોય એમ પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા.
રાજાના ઢંઢેરાને ત્રણ દિવસ પૂરા થઈ ગયા. છતાં કોઈ હાર આપવા આવ્યું નહિ. તેથી રાજા ગુસ્સે થઈ ગયા. તેમણે નક્કી કર્યું કે જો હવે કોઈની પાસેથી પણ હાર મળશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે.

ચોથા દિવસે સાધુ એ હાર લઈ રાજા પાસે પહોંચી ગયા. અને તેમની અમાનત સોંપી દીધી. રાજાએ પૂછયું કે હાર કયાંથી અને કેવી રીતે મળ્યો? ત્યારે સાધુએ સાચી હકીકત જણાવી દીધી. રાજાને જયારે ખબર પડી કે સાધુ પાસે ચાર દિવસથી હાર હતો છતાં આપવા આવ્યા નથી ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અને પૂછયું:''શું તમે મારી ઘોષણા સાંભળી ન હતી?'' સાધુ કહેઃ ''મહારાજ, તમારી ઘોષણા સાંભળી હતી. પણ જો હું કાલે તમારો હાર આપવા આવ્યો હોત તો લોકો કહેત કે એક સાધુ થઈને મોતથી ડરી ગયો.'' રાજા કહે:''તો પછી આજે ચોથા દિવસે શા માટે આવ્યા?'' સાધુ કહેઃ ''મહારાજ, મને મૃત્યુનો ડર નથી. પણ હું બીજા કોઈની સંપત્તિ પોતાની પાસે રાખવાને પાપ સમજું છું. હાર જેવી તુચ્છ વસ્તુનો મને કોઈ મોહ નથી. હું મૃત્યુ દંડની સજા ભોગવવા તૈયાર છું.'' સાધુનો જવાબ સાંભળી રાજાને પોતાના વર્તન માટે શરમ આવી. તેમણે સાધુની માફી માગી. મહારાણીને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે એ હાર વેંચીને તેની રકમ ગરીબોમાં વહેંચી દીધી.

*
કયારે આવે, કયાંથી આવે મોત કોને ખબર,

લો, મેં તો ભાઈ ખુલ્લું રાખ્યું છે મારું બારણું.

- નટવર મહેતા

*
કાયર મનુષ્ય મૃત્યુ પહેલાં અનેકવાર મૃત્યુ પામે છે, જયારે વીર પુરૂષો એક જ વાર મૃત્યુ પામે છે.


**************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED