હસતાં-રમતાં બાળગીતો Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હસતાં-રમતાં બાળગીતો

હસતાં - રમતાં બાળગીતો

રાકેશ ઠક્કર

ઊંદરડીની ફરમાઇશ

ઊંદરભાઇ ફરવા ચાલ્યા ચાંદ પર;

ઝટપટ બેઠા એ તો રૉકેટ ઉપર!

ઊંદરડી પહેરાવે ઊંદરને મોટી હેટ;

ઊંદર કરે ઉતાવળ, થઇ જઉં ના લેટ!

ઊંદર પૂછે ઊંદરડીને; શું લાવું ભેટ,

જલદી બોલ તું, થઇ જઉં ના લેટ!

ખુશ થતાં બોલી ઊંદરડી રોફથી;

થોડો ચાંદ કાપી લાવજો દાંતથી!


મારા મનની વાત.....

આજે માતૃભારતી એપના માધ્યમથી મારો બીજો બાળગીત સંગ્રહ 'હસતાં-રમતાં બાળગીતો' પ્રગટ થઇ રહ્યો છે ત્યારે આનંદની લાગણી અનુભવું છું. આ સંગ્રહનું પ્રથમ ગીત ઊંદરડીની ફરમાઇશ મારા માટે ખૂબ યાદગાર છે. કેમકે તા.૧૮-૪-૧૯૯૩ ના રોજ જન્મભૂમિ-પ્રવાસી દૈનિકની રવિવારની પૂર્તિમાં હું ભૂલતો ન હોઉં તો આદરણીય સાહિત્યકાર ધીરુબહેન પટેલના સંપાદનમાં ચાલતા બાલવિભાગમાં આ ગીત પ્રગટ થયું પછી તરત જ હિન્દી સાહિત્ય અકાદમીએ તેના હિન્દી અનુવાદની પરવાનગી આપવા મને પત્ર લખ્યો હતો. એ વખતે મને જે આનંદ થયો હતો એ વર્ણવી શકું એમ નથી. માતૃભારતીનો હું ખૂબ આભારી છું કે મારા આ બાળગીતોને વિરાટ વિશ્વ સમક્ષ મૂકવાની તક આપી છે. લગભગ ૧૯૯૨ થી હું બાળગીતો લખી રહ્યો છું. 'ફૂલવાડી' સાપ્તાહિક, જન્મભૂમિ-પ્રવાસીનો બાળવિભાગ, મુંબઇ સમાચારનો બાળવિભાગ, નવગુજરાત ટાઇમ્સનો બાળવિભાગ વગેરેમાં મારા બાળગીતો નિયમિત પ્રસિધ્ધ થતા રહ્યા હતા એટલે તેમનો ઋણી રહીશ. હાલમાં કેનેડાથી પ્રગટ થતા 'ગુજરાત ન્યૂઝલાઇન'માં પણ અવારનવાર બાળગીતો પ્રસિધ્ધ થાય છે. એ માટે શ્રી લલિત સોની અને શ્રી વિજય ઠક્કરનો આભારી છું. આ બાળગીત સંગ્રહમાં મેં બાળપણની મીઠી-મજાની યાદો સાથેના હસતાં-રમતાં બાળગીતો આપ્યા છે. કલ્પનાની દુનિયામાં ફરીને બાળકોને મજા આવે એવા ગીતો મૂક્યા છે. જંગલનાં પ્રાણીઓને પણ સાંકળી ગીતોને મનોરંજક બનાવ્યા છે. આ ગીતોમાં બાળવાર્તાનો રસ જાળવાનો પણ પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે બાળકો સાથે મોટેરાં પણ તેને પસંદ કરશે. એટલું જ નહીં પોતાના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને હેત અને ઉલ્લાસથી વાંચી પણ સંભળાવશે. અને એનો સહિયારો આનંદ માણશે.

- રાકેશ ઠક્કર

મચ્છર

રાત પડે ને આવે મચ્છર;

આસપાસમાં કાપે ચક્કર!

ગણગણતા રહે ઘરઘર;

લોહી પીતા રહે રાતભર!

ગંદકી-કચરો મચ્છરોનું ઘર;

સાફ-સફાઇથી એ રહે દૂર!

નાના અમથા ભલે મચ્છર;

રાજાસિંહ પણ બીએ થરથર!

વહાલી મારી ઢિંગલી

મામાએ મને ભેટ આપી, નાની એક ઢિંગલી;

એની સાથે હું બોલું, ભાષા કાલી-ઘેલી!

રોજ કરું ઢિંગલીને સાદો-સુંદર શણગાર;

મને બહુ ગમે એની બંગડીનો રણકાર!

ઢિંગલી હરપળ રહે મીઠું મીઠં હસતી;

હું રિસાઉ મમ્મી-પપ્પાથી, એ કદી ન રીસાતી!

નાના ભાઇની જેમ મને, ઢિંગલી મારી વહાલી;

રાજા-રાણીની વારતા સાંભળી, કરી જાય આલી!

મારી ઢિંગલી છે અમર, કદી ન થશે ઘરડી;

ઢિંગલી તો રહેશે સદા, ભૂલકાંઓની લાડકડી!

બિલ્લીબેનનું બહાનું !

બિલ્લીબેન ફરે રોજ સૂટ-બૂટમાં;

સૌની સાથે કરે વાત એ રોફમાં!

ઉંદર હોય કે હોય પછી છછુંદર;

બિલ્લીબેનનો કરે ના કોઇ આદર!

બિલ્લીબેનને આવે બહુ ગુસ્સો;

તો પણ એ રાખે ભારે જુસ્સો!

બિલ્લીબેન સમજે ના કાળા અક્ષર,

ભણ્યા હતા ના કદી ભણતર!

કહે જો કોઇ વાંચો અંગ્રેજી;

બિલ્લીબેન કહે આજ તો ભાઇ નાજી!

બિલ્લીબેન બહાનું શાણું કરે:

ચશ્મા ભૂલી ગઇ છું આજ ઘરે!

ટીનીબહેનની મીઠી મજાક !

ટીનીબહેને સ્કૂલેથી આવી મમ્મીને પાડી બૂમ;

સાંભળ મમ્મી! આજે મારો જીવ થયો હોત ગૂમ!

વાત ટીનીની સાંભળી મમ્મીને દિલમાં ફાળ પડી;

વાત કર દિકરી! શું થયું એ જરા જલદી!

રેલગાડી આજે મારા માથા પર ચડી ગઇ'તી;

મમ્મી ત્યારે હું તો બસ યાદ તને જ કરતી'તી!

મમ્મી કહે: પણ તેં જીવ બચાવ્યો કેમ કરીને?

દીકરી એ વાત બેધી તું કર મને હવે માંડીને;

સાંભળ ત્યારે મમ્મી! હું જતી હતી પુલ નીચેથી;

રેલગાડી છુક છુક કરતી ગઇ મારા માથા પરથી!

ટીનીની સાંભળી વાત મમ્મીને થઇ ગઇ રાહત;

મમ્મી કાન આમળતાં કહે; પપ્પા આવે ત્યારે વાત!

બિલાડીબેન સ્કૂલમાંથી કેમ ભાગ્યા?

દસ વાગે સ્કૂલ જવાને આવી ઘોડાગાડી;

બિલાડીબેની બેસી ગયા ઝટપટ દોડી!

બિલાડીબેનનો પહેલો દિવસ આજે;

બનીઠનીને ગયાં છે ભાણવા કાજે!

સ્કૂલમાં બિલાડીબેન હતાં સમયસર;

વિદ્યાર્થી રાહ જુએ; ક્યારે આવે સર!

બિલાડીને આળસ ચઢી; કરે મ્યાઉં;

સર જલદી ના આવે તો ઘરે જાઉં!

ખબર પડી કે નવા માસ્તર આવે છે;

હાથમાં મોટી નેતરની સોટી લાવે છે!

બિલાડીબેન થરથર ધ્રૂજવા લાગ્યાં;

સ્લેટપેન કાઢી એકડા લખવા લાગ્યાં!

માસ્તરે આવી ટેબલ પર સોટી ફટકારી;

બિલાડીબેન બેઠા હતાં નીચી મૂંડી કરી!

બિલાડીબેન વારો આવતા ઉભા થયા;

શ્વાન માસ્તરને જોઇ જીવ લઇ ભાગ્યા!


જય હિન્દુસ્તાન

આ ધરતી બલિદાનની;

જય બોલો હિન્દુસ્તાનની.

સૌ દેશવાસી એકસમાન;

ભૂમિ ગાંધી, બુધ્ધ મહાનની.

શહીદોના રક્તથી પાવન છે;

રક્ષા કરીએ તેની આનની.

દેશભક્તોના કરીએ ગુણગાન;

કિંમત ચુકવીએ અહેસાનની.

ભારત સદા ઉન્નતીના પંથે;

આ ધરતી મહેનતુ કિસાનની.

શિયાળામાં સૂરજ લાગે વહાલો

શિયાળામાં સૂરજ લાગે વહાલો

થાય જ્યાં શિયાળાની રાત,

ઠંડીથી કટકટ કટકટ કરે દાંત!

ગનુ પહેરે ટોપી અને સ્વેટર,

તો પણ ટાઢ ધ્રૂજાવે થરથર!

દાદીમા શિયાળે બનાવે વસાણું,

દાદા ટઢ ઉડાડવા કરે તાપણું!

સૌને વ્હાલા લાગે સૂરજ દેવતા,

ગરમીથી આપે એ તો શાતા!

મને ઓળખો

શાંતિનો સંદેશ ફેલાવું,

હું છું નાનું પારેવડું!

શીતળતાને જગમાં ફેલાવું,

હું છું નાનો ચાંદો!

દુ:ખમાં સુખ બતાવું,

હું છું નાનું કુસુમ!

અંતરનું દર્શન કરાવું,

હું છું નાની દીવડી!

કદી ન અટકવાનું કહેતી,

હું છું નાની ઘડિયાળ!

બુરાઇમાં ભલાઇ બતાવું,

હું છું નાનું કમળ!

મંઝિલ પર સદા દોડાવું,

હું છું નાની પગદંડી!

પ્રેમના સંદેશનું પ્રતિક,

હું છું લાલ ગુલાબ!

ઠંડીનો ચમકારો

રુમઝુમ કરતો આવશે શિયાળો,

તડકે રમશે નાનો બાળ રૂપાળો.

સૂરજ તાપ આપશે હુંફાળો,

થરથર ધ્રુજાવશે સૌને શિયાળો.

ઠંડક પાથરશે એવી જાળ,

પર્વતો થઇ જશે બરફાળ.

બાળકો પહેરશે આનંદે ગરમકોટ,

તાપણે તાપી સૌ થશે હોટ,

સૂરજદાદા બહુ લાગશે હેતાળ,

કાન-ટોપીથી ઢંકાઇ જશે વાળ.

શિયાળો એટલે ઠંડીનો ચમકારો,

આપવાનો રહેશે સુસ્તીને જાકારો!

વર્ષા રાણીને સૌએ માણી

બુંદ બુંદના ઝાંઝર પહેરી;

લો આવી ગયા વર્ષા રાણી!

નદી – નાળાં, નહેર છલકાવશે;

કરી દેશે ઠેર ઠેર પાણી!

ગનુએ બનાવી માટીની મઢૂલી;

પછી સૌએ કરી ખાણીપીણી!

કિસાન માટે વરદાન સમા;

ખેતી માટે લાવે કાંપ તાણી!

બાળ સૌ નહાયા ઉમંગથી;

એમ સૌએ વર્ષાઋતુ માણી!


આવ્યો શિયાળો

ઠંડીનો થઇ રહ્યો ચમકારો;

લ્યો આવી ગયો શિયાળો!

હવે મફલર ને રજાઇનો વારો;

એમ સૌ વધાવે શિયાળો!

પરિશ્રમ હવે થોડો વધારો;

આળસ ટાળવા શ્રેષ્ઠ શિયાળો!

નહીં દેખાશે પરસેવાની ધારો;

થરથર સૌને ધ્રુજાવશે શિયાળો!

આટલું હું જાણું

સત્ય મારી માતા છે,

પ્રામાણિક્તા પિતા છે;

એટલું હું જાણું.

દાન મારો ધર્મ છે,

દયા મારી બહેન છે;

એટલું હું જાણું.

ક્રોધ મારો શત્રુ છે,

ફરજ મારો મિત્ર છે;

એટલું હું જાણું.

શ્રમ મારી આદત છે,

આમાં જ જીવન ધન્ય છે;

એટલું હું જાણું.

નાના ભાઇલાની વાતો

હું ભાઇલો સાવ નાનો;

મને બાબાગાડી લાવી દો!

કાકા, મામા સૌનો વ્હાલો;

કોઇ કહે લાલુ, કોઇ લાલો!

પૂરી ને હું કહું છું પૂલી;

ભાષા મારી કાલી ઘેલી!

ગોઠણથી હું ભાગું છું;

ફોટામાંનો કૃષ્ણ લાગું છું!

ખેતરનો ચાડિયો

હું છું ખેતરનો એક ચાડિયો,

બાળકો મને જોઇ પાડે તાળીઓ.

બાળકો આવે મારી સાથે રમવા,

હળીમળીને આવે ખેતરમાં ભમવા.

કાબર,ચકલી,મેના બધાને ઉડાડું,

હાથ હલાવી સૌ પંખીને ભાગાડુ.

ખેતર માલિકનું કરું કામ,

કરે પ્રેમથી તે મને સલામ.

બાળકો સાથે રમવાની માણું મજા,

પક્ષીઓને ચણવાની કરું સજા.