Samay sathe samjuti books and stories free download online pdf in Gujarati

સમય સાથે સમજુતિ

સમય સાથે સમજૂતિ

સંગીતા ઘરમાં પ્રવેશી. શરીર પરસેવાથી નીતરી રહ્યું હતું. છાતી હાંફી રહી હતી. સાસુમા ઝૂલી રહ્યાં હતાં. શબ્દોનાં થનગનતાં ઘોડા ને સંગીતાએ સંયમની વાડમાં પૂરી રાખ્યાં હતાં. સાસુમાએ છાપું બાજુમાં મૂકી સંગીતા સામે જોયા વગર કહ્યું, “ સંગીતા વહુ, સોફા પર બેસો. ઠંડા પાણીનો ગ્લાસ ટીપોય પર મૂકેલો ટછે. તમે સ્વસ્થ થાવ પછી નિરાંતે વાત કરીએ . યંત્રવત સંગીતાએ પાણી પી, સ્વસ્થ થઈ. ચહેરા પરનો ગુસ્સો ઓગળી ગયો હતો સાસુમાની સ્વસ્થતા જોઈ.

“ મમ્મી, તમે ઠીક તો છો ને?”

“ તમને જોઈને સારું લાગે છે. એક ક્ષણ આકુળવ્યાકુળ થઈ ગઈ હતી… ના છૂટકે તમને ફોન કર્યો મેં. ”

“ પણ શું થઈ ગયુ્ં હતું? ડોક્ટરને ફોન…”

“ આવા સમયે પોતીકાં જ યાદ આવે…” સંગીતાની સાસુએ ઊભાં થતાં કહ્યું.

“ અતુલ ક્યાં છે? એક જ છત નીચે રહેવા છતાં બે દિવસથી એનો ચહેરો જોયો નથી. ”

“ તારાપુર ફેક્ટરીએ જવા સવારે વહેલાં જતા રહે છે. ”

“ અને રાતે મોડો આવે છે કેમ ખરું ને. . ”

“ હા. કામનું ટેન્શન છે. મારે પણ વાત થઈ નથી. એ આવે ત્યારે હું પણ સૂતી હોઉં છું તમારી જેમ. . ”

“ તમારી ધારણાઓ પણ ખોટી છે વહુ. . જાગતી પડી રહી રહું છું. . મા છું, ઊંધ ક્યાંથી આવે? આજકાલ નીંદર પણ મારી વેરી બની છે. . ” કહેતાં સાસુમા અંદરનાં રુમમાં જતા રહ્યાં.

સંગીતા ગુસ્સાથી સમસમી ઊઠી. સ્પ્રીંગની જેમ ઊભી થઈ. સાસુમાની પાછળ જવા પગ ઉપાડ્યાં,પણ સંયમની પાળ વચમાં આવી. ત્યાંજ ઊભી ઊભી વિચારમાં ખોવાઈ ગઈ.

સાસુમાએ ફોન કર્યો હતો સંગીતાને, “ તબિયત ખરાબ છે, જીવ મુંઝાય છે, પરસેવો છૂટી રહ્યો છે , જલ્દી ઘરે આવ. . ” ફોન કટ થયો. સંગીતા સધળા કામ પડતાં મૂકી ઘર તરફ દોડી અમંગળ વિચારોની પાંખ પર બેસીને!

ઘરે આવીને એ જુએ છે કે સાસુજી હીંચકે ઝૂલી રહ્યાં છે!સંગીતા મનોમન પોતાની જાતને પૂછી રહી હતી કે સાસુમા ખરેખર માંદા પડી ગયાં હતાં કે નાટક કરી રહ્યાં હતાં? આવો વિચાર આવે તે સ્વાભાવિક છે. માંદગીના રતિભર લક્ષણ સાસુમાના ચહેરે જણાયા નહીં. છેલ્લાં બે મહિનાથી તેઓ પોતાના દીકરા વહુને દેશમાં મૂકી જવાની જિદ કરે છે. દીકરા વહુ પૂછી પૂછીને થાકી ગયાં કે આવડામોટા ઘરમાં તેમને શું દુ:ખ છે? મહારાજ ગરમાગરમ મનગમતી રસોઈ કરી જમાડે છે, બહાર હરવા ફરવા લઈ જવા માટે કાર ડ્રાઈવર છે, પાણી માગે તો દૂધ મળે છે . ધરમદાન માટે ક્યારે પણ ના નથી પાડી. તો કઈ વાતનું દુખ છે? સાસુમાનો એક જ જવાબ છે કે આવડા માટા ઘરમાં એકલું શી રીતે રહેવાય?

સાસુમા એટલે ચંચળબેન દેશમાં રહેતાં હતાં. નાનું શું ગામ. ખાધેપીધે સુખી. આવતી કાલની ફિકર નહીં. જાતે નાગર. દીકરો અતુલ પોતાનાં સપના સાકાર કરવા મુંબઈ ગયો. નાગદેવીમાં નોકરી કરવા લાગ્યો. નાની શી રુમ ચાલી સિસ્ટમમાં લીધી. માબાપને તેડાવ્યાં. વિશાળ જગ્યામાં રહેવાને ટેવાયેલાં એના માબાપ નાની શી ઓરડી જોઈ સ્તબ્ધ થઈ ગયાં. જેમતેમ મહિનો કાઢી પોતાને ગામ ગયાં. દીકરો ખાધાખોરાકી મોકલાવતો ગયો. સતત મહેનત કરી પોતાની જગ્યા લીધી. જીવનમાં સમૃધ્ધિની વસંત વરસવા લાગી. પોતે એક મોટી જગ્યા લઈને માબાપને પોતાની સાથે રહેવા મનાવી લેશે એ આશાએ તનતોડ મહેનત કરવા લાગ્યો. પણ કુદરત આપણી દરેકે ઈચ્છા ક્યાં પૂરી કરે છે! પુત્રની ઉન્નતિ જોવા એના પિતા ના રહ્યાં. ઓચિંતા તેઓ દેવલોક સિધાવ્યાં. અતુલ અને તેની પત્ની સંગીતા અફસોસનાં ભાર તળે મનોમન દબાતા ગયા. પિતા સાથે સુખની ઘડી બે ઘડી માણી ના શક્યા. ચંચળબેન હવેલી જેવી જગ્યામાં એકલા રહે એ અતુલને મંજૂર ન હતું. પણ ચંચળબેન કોઈ ન કોઈ બહાનું કાઢી દેશમાં રહેવા લાગ્યાં.

આ બાજુ સંગીતા બેંકમાં મેનેજરની પોસ્ટ પર સરવીસ કરતી હતી. અતુલે અનુભવનાં જોરે કારખાનું શરૂ કર્યું. વખત જતાં તેઓએ વરલી સી ફેસ પર રહેવા માટે મોટી જગા લીધી. ઘરે ગાડી, નોકર, રસોઈ માટે મહારાજ. . માને એવી રીતે લાવ્યાં કે જાણે નાના બાળકને ટીંગાટોળી કરીએ તેમ. સમજાવી પટાવી માની સમક્ષ સુખનો વૈભવ પાથરી દીધો. પણ આ વૈભવ ચંચળબેનને શૂળની જેમ ખૂંચતો હતો! આ વૈભવ ગુલાબની નીચે કંટક સમાન લાગતો હતો. ગામઠી રહેણીકરણીથી ટેવાયેલાં ચંચળબેન શહેરી જીવનને પચાવી શકતાં નહીં. દેશમાં સવારે ઊઠીને દરવાજા ખોલી આડોસપાડોસમાં આંટાફેરા મારવા, મંદિરે દર્શન કરવા જવું, પશુપંખીના મેળાવડાનો આનંદ માણવો, તેમજ ઘરનાં ઓટલે સરખે સરખા સાથે બેસી હૈયું હળવું કરવું, ઊગતા,આથમતા સૂર્યનો નયનરમ્ય વૈભવ જોઈ જીવન મર્મ સમજવો. . આ બધું શહેરી જીવનમાં શક્ય ન બન્યું. દરવાજા બંધ, બારી બંધ, પોતે એક કેદી છે એવો અનુભવ કરવા લાગ્યાં. એમાં દીકરો, પુત્રવધૂ સૌ પોતાનાં કામમાં વ્યસ્ત! બહાર સગાસબંધીને મળવા જવું હોય તો પણ પોતાની મરજી મુજબ જઈ શકતાં નહીં. એકલા જઈ શકાય નહીં, અને ઘર એવી જગ્યાએ કે આવનારને ખર્ચો થાય.

રોજની કચકચથી સંગીતા ચંચળબેનને સમજાવી શકી કે તેમની ઉંમર જેવા સરખેસરખા રોજ બપ્પોરે અનુકૂળ સમયે ચોક્કસ જગ્યાએ ભેગા થઈ સત્સંગ કે કીટી પાર્ટી રાખી ભેગા થાય. કમને ચંચળબેને એ વાત સ્વીકારી અને તે માટે તૈયારી કરી.

ચંચળબેન ખુશ છે એ જાણી અતુલ,સંગીતાને રાહત થઈ. ચંચળબેન પણ ખુશ હતાં. બપ્પોર પછીનો સમય પસાર થઈ જતો. એકબીજાની સમસ્યા ઉકેલવામાં ચંચળબેન કાબેલ હતાં. છતાં ફરી ફરીને વાત સૌની ઘર સમસ્યા પર આવતી. સાસુ,વહુની હું તું, પુત્રોની નિષ્ક્રીયતા, તેમજ સંતાનો તરફથી થતું અપમાન, આ બધું સાંભળી ચંચળબેન ઉદાસ થઈ જતાંહતાં. એવામાં એક દિવસ તેમનાં સત્સંગ મંડળનાં માધવીબેને કહ્યું કે તેઓ ઘરડાઘર રહેવા જઈ રહ્યાં છે. કારણ ઘરની કચકચ, તેમને થતાં અપમાન, તેઓ સહી શકે એમ નથી. વળી નાની રૂમને લીધે તેમને ધણીવાર ચાલીમાં બેસી રહેવું પડે છે. સૌ ચૂપ હતાં. દરેકની આ જ સમસ્યા હતી. સૌ બાંધી મૂઠી લાખની એમ સમજી ચૂપ રહેતાં. પણ કોઈને કોઈ કારણ પેટમાં રહેલી વાત ખૂલી જતી. શશી બહેને ફરિયાદ કરેલી કે એમની વહુએ રસોઈ કરવાનાં વારા કાઢ્યાં છે. સૌ પાસે સમસ્યા હતી, કારણ ઘડપણ! પંદરવીસ જણનું મંડળ જે હતું તે પણ ધીરે ધીરે કરતું વિખરાઈ ગયું. આ બાજુ ચંચળ બેન સંગીતા તથા અતુલની વ્યસ્તતાને કારણ એકલતાનો તાપ સહન કરી શકતા નહીં. એવામાં એમના જ બિલ્ડીંગમાં વીસમાં માળે રહેતાં વૃધ્ધાની ધોળે દિવસે હત્યા થઈ ગઈ. વળી એકલા રહેતાં વૃધ્ધોની હત્યાનાં સમાચાર ટી. વી. પર તેમજ વર્તમાન પેપરમાં વાંચી તેમના મનમાં ડર પેસી ગયો. અરધીરાતે ડરનાં કારણે તેઓ જાગી પણ જતાં. જીવવું તો કેમ જીવવું એ પ્રશ્ન ચંચળબેનને સતાવા લાગ્યો.

ઘરનો પ્રતિષ્ઠિત મોભો મા,દીકરાને અલગ થવા માટે પણ નડતો હતો. સમાજ શું કહેશે એ પ્રશ્ન અતુલને સતાવતો હતો. ચંચળબેનની સતત માંગણી દેશમાં રહેવાની એટલા માટે અતુલ ફગાવી દેતો. વળી તબિયત બગડે તો ત્યાં સંભાળ કોણ લેશે એ સમજાવાની કોશિશ સંગીતા કરતી હતી. લાખ કોશિશ છતાં અતુલ,સંગીતા ચંચળબેન માટે સમય ફાળવી શકતા નહીં. આમ મા દીકરા વચ્ચે ન સમજાય તેવી ખાઈ રચાતી જતી હતી.

ચંચળબેન આજની વિષમ પરિસ્થિતિ સમજી ચૂક્યાં હતાં. ન તો અતુલ કે સંગીતાની ભૂલ હતી કે પોતાની. સમય સાથે કદમ મેળવ્યા વગર આજના જમાનામાં જીવવું મુશ્કેલ છે. સંબંધોની પરવા કર્યા વિના વ્યક્તિએ પોતાની ઉન્નતિનાં શિખરે પહોંચવું જરૂરી છે. માટે પોતે બાધારૂપ ન બનવું જોઈએ. અને પોતાએ પણ પોતાની રીતે જીવવા કોઈ નિર્ણય લઈ લેવો જોઈએ. સમય સમયનું કામ કર્યે રાખે છે જ.

જ્યારે ચંચળબેન બેગ,થેલો લઈ બહાર આવ્યાં ત્યારે સંગીતા ડધાઈ ગઈ. અંગેઅંગમાં જડત્વ સમાઈ ગયું, જાણે પથ્થરની મૂર્તિ. માંડ માંડ શબ્દો નીકળ્યાં, “ ક્યાં જાવ છો. . ”

“ સખી હાઉસ. . થોડા સમય માટે. . ”

“ આમ ઓચિંતા?”

“ ના બેટા. . તમને કહેવાની ધણી કોશિશ કરી, પણ તમે બીઝી હતાં . તમારો દોષ નથી. આ શહેરમાં સૌ નંબર વન થવા રાતદિન દોડી રહ્યાં છે. . દોડવું પડે એવું છે, છૂટકો નથી”

“ પણ અમારી કાંઈ ભૂલ. . ”

“ ના રે ના. હું ભાગ્યશાળી છું કે તમે મને ફૂલની જેમ રાખો છો. . પણ આ વૈભવ મને શૂળ થઈ ખૂંચે છે. તમે મને બધું આપો છો પણ મારી એકલતા મને કેદખાના જેવી લાગે છે. આંખ ખોલું તે મીંચાય ત્યાં સુધી મારે આ ઊભી દીવાલોને જોયા કરવાની? વહુબેટા, ક્યારે પણ તમે એકાદબેકલાક તમે પ્રવૃતિ વગર કાઢ્યાં છે? “

“ મમ્મી, તમારી વાત સાચી છે પણ. . ”

“ પણબણ નહીં. . મારી વેદના સમજવાનો પ્રયાસ કર્યો છે? શું તમે તમારી ઓફિસ, ટેલિફોન, મોબાઈલ, લેપટોપ વગર એક ક્ષણ રહી શકો છો? શનિ રવિ પાર્ટી . . ક્યારે મને તમારી જોડે લઈ ગયા્ છો? અતુલને ખબર નથી કે ઘડપણમાં માનવીને પૈસાની નહીં પણ સથવારાની જરૂર પડે છે. પગ તૂટે ત્યારે લાકડીની અને કાયા થાકે ત્યારે આંગળી પકડે એવા સાથીની જરૂર પડે છે…” કહી ચંચળબેન સ્વસ્થતાથી સોફા પર બેસી ઘડિયાળ જોવા લાગ્યાં. સંગીતા અતુલનો કોન્ટેક કરવા મથી રહી હતી પણ સ્વીચ ઓફ નો જવાબ મળતો હતો.

“ કોને ફોન કરે છે?. . અતુલને કરતી હોય તો રહેવા દે. સ્વીચ ઓફ હશે. ”

“ પણ તમે ક્યાં જાવ છો?”

“ સખી હાઉસ. ત્યાં અમારા જેવા એકલવાયા રહે છે. . ”

“ ઓહ! એટલે ઘરડા ઘર જ ને?”

“ ના. ઘરડા ઘરમાં જનારા બિચારા હોય છે. પરાણે ધકેલાય છે . બળજબરીથી નાખી દેવામાં આવે છે. જ્યારે સખી હાઉસમાં જનારા પોતાની મરજીથી જાય છે. ” કહી ચંચળબેન ઘડિયાળ જોવા લાગ્યાં જાણે કોઈની રાહ ન જોતાં હોય. આ જોઈ સંગીતાએ પૂછ્યું, “ કોઈની રાહ જોઈ રહ્યાં છો?”

“ હા. હું એકલી નથી. ત્રણ જણ છે. મારી જેવા, સરખે સરખા. . ”

“ મમ્મી, સમાજમાં અમે બદનામ થઈ જશું?”

“ નઈ થવા દઉં તમને બદનામ. તમારી દુશ્મન નથી. . ”

“ મમ્મી અતુલ પણ ધણો દુ:ખી હતો. કહેતો હતો કે આપણે બદનસીબ છીએ કે છતે પૈસે માને સુખી નથી કરી શકતાં!”

“ અને હા,એક વાત કહેવાનું ભૂલી ગઈ. . ”

“ કઈ વાત? મમ્મી”

“ તારો આભાર માનું છું. . ”

“ કઈ વાતનો આભાર મમ્મી? સમજાય એવું તો કહો”

“ તે અમારું સત્સંગ મંડળ બનાવવામાં મદદ કરી તે માટે. આ દ્રારા મને સમજાણી સમાજની હકીકત. પરદેશી સંસ્કૃતિની દોડમાં, નંબર વન થવાની હરિફાઈમાં આપણે આપણી લાગણીઓને બાળી નાખી. તમે તમારું માતૃત્વ ખોઈ નાખ્યું. આજે કુટુંબ ભાવનાનું થઈ ગયું છે બાષ્પીભવન. સગાવહાલાં પછી પહેલાં મિત્રો. ઘર ઘર આ જ મોંકાણ છે પુત્રોને મા બાપ માટે ફાજલ સમય નથી! એટલે જ મેં નિર્ણય લીધો છે હું પણ મારી રીતે જીવું અને તમે જીવો તમારી રીતે. કારણ સમયની આ જ માગ છે વહુ બેટા. તમારો લગીરે દોષ નથી. મને હસતે ચહેરે “ આવજો કહી . . ”

ડોરબેલ વાગતાં સંગીતા દરવાજો ખોલવા ગઈ. સામે તેની મમ્મીને જોતાં બોલી ઊઠી “ મમ્મી તું અત્યારે. . આમ ઓચિંતા. . ” સંગીતા એની મમ્મીને, જે ફોન કરીને જ એનાં ઘરે આવતી હતી તેને જોતાં આશ્ચર્ય પામી હતી.

“ અરે દરવાજે બધી પૂછપરછ કરવાની છે. . !”

“ સોરી, આવ અંદર આવ. બેસ. પાણી લઈને આવું. ”

“ના, રહેવા દે. ” કહી એની સાસુને પૂછ્યું, “ વેવાણ, તૈયાર છો ને. . ”

“ હા. તમારી જ રાહ જોતી હતી. ચલો. . ”

“ મમ્મી, તું પણ મારા સાસુ સાથે જાય છે?”

“ હા બેટા. મારે પણ છૂટકો ન હતો. અમે નક્કી કરી લીધું છે તમે તમારી રીતે અને અમે અમારી રીતે જીવનનો આનંદ માણી લઈએ. . ચાલો વેવાણ મોડું થશે. ક્યાંક લાગણીનું વાવાઝોડું ફૂંકાશે તો બસ ચૂકી જવાશે. ”

કહી બંને જણ ઘરની બહાર નીકળી ગયાં અને સંગીતા દરવાજે પથ્થરની મૂરત બની જોતી રહી.

***

સાંજે અતુલ ઘરે આવ્યો. અતુલને જોતાં જ સંગીતા અતુલને વળગી પડીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. બધી વાત સાંભળ્યા પછી અતુલ પાસે બચાવનાં કોઈ શબ્દો ન હતાં. માંડ બે શબ્દો બોલી શક્યો,

“ સંગીતા આપણા બેડલક!”

--- સમાપ્ત ---

પ્રફુલ્લ આર શાહ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED