Shayar - 25 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ - ૨૫

શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -૨૫. ચિરવિદાય

' શું કરીએ ભાઈ !' ચંચળે ગવરીશંકરને કહ્યું ઃ ' કવિરાજના નિમિત્તનું જે કાંઈ કરીએ છીએ,

એ અવળું જ ઊતરે છે. '

' તમે કરવા ગયા અમારું ને એમનું ભલું, ને તમને નમાજ પઢતાં મસ્જીદ કોટે વળગી ઃ શેઠ સાહેબને ઊલટા ચાવડીએ લઈ ગયા. '

' મને તો ફિકર થાય છે, ભાઈ. પીળી પાઘડીવાળા એમને ઉપાડી ગયા. એમને ત્યાં શું કરશે ? '

ગવરીશંકરે કહ્યું ઃ ' પીળી પાઘડીવાળાની મજાલ છે કે શેઠને કાંઈ કરી શકે ? ' ગવરીશંકરને પીળીપાઘડીના સંયમ ઉપર કે શેઠના વ્યક્તિત્વ ઉપર વિશ્વાસ હતો એમ ન હતું. ખરે વખતે

બેમાંથી કોણ શું કરે એનો વિચાર કરવા એનું મન ના પાડતું હતું. બાઈ માણસને હિંમત આપવી એ મરદનો ધર્મ.

' તમારા મોઢામાં સાકર. બાકી હું તો એમને..... મેં તો ભાઈ એમને પાછા હેમખેમ જોઉં પછી જ મોંમાં અન્નનો દાણો મૂકવાની બાધા લીધી છે. ને છોકરાંઓ પણ કકળાટ કરી રહ્યાં છે. મને તો

સૂઝ પડતી નથી. મને તો હું ચાવડીએ જાઉં એમ થાય છે.'

' બાઈ માણસથી તે જવાય ? તમે ધરપત રાખો. સહુ સારાં વાનાં થશે. ' ભાઈમાણસથી જવાય કે નહિ એ પ્રશ્ન ગવરીશંકરને રજૂ કરવો અસ્થાને લાગ્યો.

' આપણે ઘેર પોલીસ આવે, આપણા મહેમાનોને હાંકી કાઢે એ કાંઈ ઓછી નાલેશી છે ? મને તો થાય છે કે ગામમાં હું મોં કેમ બતાવીશ ? '

' કાં શું વાંધો છે તમને મોં બતાવવામાં ! ' બારણામાંથી ચતુરદાસ શેઠનો અવાજ સાંભળીને ચંચળ હર્ષના અતિરેકમાં એમની સામે જોઇને રડી પડી. ચતુરદાસે પાઘડી ખીંટીએ મૂકતાં ચંચળ

ને કહ્યું ઃ ' બસ કે ? મારી પાછળ તારે છાતી કાઢીને ઊભું રહેવું જોઇએ કે આમ મીણનું પૂતળું થવું જોઈએ ? આ તો ઠીક છે કે સાહેબ બહુ ભલો માણસ છે. માણસને ઓળખે છે, એટલે તો

હેમખેમ આવ્યા; પણ સરકાર માબાપ છે ને જાણે અજાણે આપણો પગ અવળો પડે ને મને કાંઇ થયું હોત તો તું તો માથે હાથ દઈને રોત જ કે બીજું ? '

' ના શેઠજી, સાવ એમ નથી. શેઠાણી તો ચાવડીએ આવતાં હતાં. મેં એમને રોક્યાં, કે શેઠ તો દેશ પરદેશ ખેડેલા માણસ. એક શું દશ ગોરાને ઘોળીને પી જાય એવા છે. આખરે તો અમારા

કવિરાજના ચેલાને. અમારા કવિએ તો સાહેબને એવા જીભના સપાટાઅ ચખાડ્યા કે સાહેબ તો ચૂં કે ચાં બોલી જ ન શક્યો. મિયાંની મીંદડી ! ચતુરદાસ શેઠ એ કિસમના માણસ છે.

એને સાહેબ વળી શું ડરાવે ? ને ચતુરદાસ શેઠ ડરી જાય એમાં માલ શો ? '

' આમાં ડરવા- ડરાવવું જેવું હતું જ નહિ. ' ચતુરદાસ શેઠને વાતનું વહેન બીજે ધોરિયે

ચડાવવાનું ઠીક લાગ્યું ઃ ' જીભાજોડીનીય વાત ન હતી. વાત હતી કાયદાના એક મુદ્દાની. એ પૂછવા મને સાહેબે યાદ કર્યો ને ફોજદારે વાતનું વતેસર કર્યું. સાહેબે મારી પાસે માફી માંગી. '

' માફી માગી ? કેમ ન માગે ? હું શું કહેતો હતો તમને ? કવિરાજનો ચેલો ક્યાંય દાબ્યો દબાય એ વાતમાં માલ શું ? '

ગવરીશંકરે આવું કે આવી મતલબનું પોતાને કહ્યું હોવાનું ચંચળને ખ્યાલમાં નહોતું. પણ એ કાંઇ મોટી વાત ન હતી. મોટી વાત તો એ હતી કે ચતુરદાસ પાછા આવ્યા હતા - હેમખેમ,

સલામત, હસતા, બીજી વાતો ચંચળને મન ગૌણ હતી.

' હવે કપડાં ઉતારીને તમે બેય જમવા બેસી જાઓ. છોકરાંઓએ કોઈએ ખાધું નથી હજી ઃ ને રસોઈયાને કારણ વગરનું મોડું થાય ને પછી ? '

મનથી એકદમ હળવી બનેલી ચંચળ જમવાની તૈયારી કરવા ગઈ. ગવરીશંકર ભોજન પહેલાંની સ્નાનવિધિ પતાવવા ઊઠ્યો. શેઠ ઊઠીને અંદર ગયા. ચંચળને એણે ઇશારત કરીને બોલાવી.

' એક વધાઈ આપું. હમણાં કોઈને ના કહીશ. તને એકને જ કહી મૂકું છું. સરકાર મને મુંબઈનો શેરીફ નીમવાની છે ! '

' શેરીફ એટલે ? '

' ગાંડી ! શેરીફ એટલે નગરશેઠ. હમણાં વાત ન કરીશ. કોઈને. વાત પાકી છે. સાઉટર સાહેબે મને કહ્યું. ' પતિના ઉદયથી પ્રસન્નતા અનુભવતી ચંચળ અંદર ગઈ. શેઠ બહાર હીંચકતા રહ્યા.

' શેઠજી ? ' રુરુદિષાથી ભરેલો અવાજ પોતાની પાછળથી આવતો જોઇને શેઠે ચમકીને પાછળ જોયું. આજાર દેખાતી , પીળી પડી ગયેલી એક બાઈ ઓશિયાળી જેવી ઊભી હતી. એના

કપડાં ઉપર લોહીના ડાઘા હતા.

' કેમ ? મારું કામ છે બહેન ? જુવાન માનો તો વૄધ્ધ લાગે ને વૄધ્ધ માનો તો જુવાન લાગે એવી, આજારીના બિછાના ઉપરથી પાંડુરોગ સદેહે ઊઠીને આવ્યો હોય એવી દેખાતી બાઈને જોઈને

ચતુરદાસનું સાહજિક હમદર્દ દિલ આદ્ર બન્યું ઃ ' મારું કામ છે બહેન તમારે ? બાઈનું કામ તો એને બોલાવું ! ' બાઈની આંખો ભીની બની.

' ગભરાઓ ના. બહેન ! કામ હોય તે કહો. '

' મારે આપની થોડી મદદ જોઇએ છે ! '

' કહો !'

' મારો પતિ ખૂબ બીમાર છે. મને લાગે છે કે એમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે. જો આપ કોઈ માણસ મોકલીને મને કોઈ વૈદ કે દાકતર બોલાવી અપાવો તો ....હું શહેરની અજાણી

છું, ને કોઈને ઓળખતી નથી. આપનો બંગલો ઉઘાડો જોયો ને આપને જોયા એટલે અંદર આવી. '

' એમાં શું ? હમણાં માણસ મોકલું છું. ' ચતુરદાસ શેઠે હાક મારી ઃ ' અરે રામા ! રામા ! '

કોઈ દિવસ નહિ ને શેઠને ખુદને રામા માટે જોરથી બૂમ પાડતા સાંભળી રામો દોડતો આવ્યો. ચંચળ એની પાછળ ઉતાવળી આવી.

' અરે રામા ! ' શેઠે કહ્યું ઃ ' તું કપડાં પહેર ને આપણા વૈદ ભાણજીભાઈને જલ્દી બોલાવી લાવ. ' ્ચંચળ સામે જોઈને શેઠે કહ્યું ઃ ' આ બહેનનો પતિ બીમાર છે. '

ચંચળે બાઈ માણસ સામે જોયું, એને પારખી. એના અવાજમાં કરૂણા આવી ઃ ' આના ઘણીને ફોજદારે માર્યો હતો. '

' અરરર ! ' ચતુરદાસ બોલી ઊઠ્યા.

વૈદની એકાએક બૂમ ઊઠતાં ગવરીશંકર જલ્દી જલ્દી સ્નાનવિધિ પતાવીને ઉતાવળે અબોટિયું પહેરીને બહાર આવ્યો.

' આશા બહેન ! ' એના કંઠમાંથી ચીસ નીકળી ગઈ ઃ ' આશા બહેન ! ' ગવરીશંકર દોડ્યો. આશા સામે ઊભો રહ્યો. જાણે જોયેલું માનતો ન હોય એમ આશાના માથા ઉપર. હાથ ઉપર હાથ ફેરવી રહ્યો ઃ ' અરે બહેન, તમને શું થઈ ગયું ? '

આ તો સાવેસાવ અજાણી નહિ, પણ ગવરીશંકરની ઓળખીતી નીકળી જોઈને ચતુરદાસ ગવરીશંકર સામે જોઈ રહ્યા.

' શેઠ ! તમે કવિરાજ ને શોધો છો ને ? '

' હા, કેમ ? '

' જેને તમે શોધો છો એ કવિરાજ ગૌતમનાં આ પત્ની છે. જેને હું શોધું છું એજ આ આશાબહેન ! '

ચતુરદાસ ખાટ ઉપરથી કૂદકો મારી ઊઠ્યો.

' કવિરાજનાં પત્ની ! આશાદેવી ? કવિરાજ ક્યાં છે ? '

' હું એમને માટે જ વૈદને બોલાવવા આવી છું. '

' કવિરાજ બીમાર છે ? '

' પાંજરાપોળમાં નાટક ગોઠવાયું હતું. ત્યાં પોલીસ આવી. ને એમને પાંજરાપોળના મહેતાજી તરીકે નાટક ભજવવાની કેમ રજા આપી એનો ગુનો ગણીને ફોજદારે ધક્કો માર્ય. એમાં એ મેજ

સાથે અથડાયા. એમની તબિયત મૂળ નબળી. એમાં એમને છાતીમાં વાગ્યું છે ઘણું ને લોહીની ઊલટીઓ થાય છે, અટકતી જ નથી ! '

પોતાના ઉપર તહોમતનામું ધડાતું હોય એમ ચતુરદાસ સાંભળી રહ્યા. શું પોતે કવિરાજને ધક્કા મારવા ને ધક્કા મરાવવા જ પેદા થયો હતો ? શું પોતાને હાથે કવિરાજની વિડંબના થવાની

જ સરજાઈ હતી ! ' પોતે આ બંગલાંમાં કવિરાજની શોધ કરે. ને પાડોશની પાંજરાપોળમાં એ કવિરાજ ખોડાં ઢોરનાં ઘાસ ને દાનનો હિસાબ રાખનારા મહેતાજી તરીકે કામે !

આખા મુંબઈમાં જોરશોરથી પ્રસિધ્ધિ કરીને પોતે કવિરાજનું નાટક ભજવવાની તજવીજ કરે, એ પોતાનું નાટક એજ પાંજરાપોળમાં ભજવવાનું નક્કી કરે, ત્યાં નાટક જ અધૂરું રહે ને કવિરાજ

ને પોતા થકી પહેલીવાર માર પડ્યો ને પોતે ટિકિટ ચેકરમાંથી શેઠમાંથી નગરશેઠ બન્યો. ઓહ, કેવી ફલદાયી છે પોતાને કવિરાજની પૂજા. ને કેવી દુઃખદાયક છે કવિરાજને એ પૂજા !

' મારે તો તમનેય ઘણું કહેવું છે ને કવિરાજનેય ઘણું કહેવું છે. પણ એ બધું પછી. હમણાં તો આપણે એમની તબિયત સુધારીએ. એમને પાંજરાપોળમાં રહેવા દેવાય નહિ. ને તમનેય એમની

સાથે એકલાં રહેવા દેવાય નહિ. ચંચળ ! તમે આશાબહેન સાથે હમણાં ને હમણાં જ જાઓ. ગવરીશંકર ! તમે પણ જાઓ. રામા ! તું પણ જા. ખાટલામાં નાંખીને કવિરાજને આહીં લઈ

આવો. ને દીવાનખાનામાં એમને મારા પલંગ ઉપર જ સુવાડો. હું જ જાતે જઈને વૈદને તેડી આવું છું - અરે વૈદ શું, સારા દાક્તરને જ તેડી આવું છું. તમે જાઓ. ' ચતુરદાસ શેઠ પોતાના

કપડાં ઉતાવળા ઉતાવળા પહેરવા માંડ્યા. આશાને આ બધું સાંભળીને કાંઈક હોંશ આવી. ગવરીશંકરે ઝપાટાબંધ કપડાં બદલ્યાં. ચંચળ તો પહેરેલે કપડે જ નીકળી. જ્યારે તેઓ ઓરડી

એ પહોંચ્યા ત્યારે ગૌતમને આશા એશ વળી હતી કાંઈક. એણે ગવરીશંકરને પિછાણ્યો ને કાળજાં સોંસરવું ઉતરી જાય એવા મ્લાન સ્મિતથી એનો આદર કર્યો. આશાને કહ્યું ઃ ' આ ગવરીશંકર

ને આ પાડોશના શેઠનાં પત્ની તમને અહીંથી લઈ જવા માગે છે ઃ બાજુના બંગલામાં. '

ગૌતમે માથું ધુણાવી ના પાડી.

' કેમ ભાઈ ! શેઠ ને શેઠાણી માણસ સારાં છે. ને અહીં તમને કેમ રહેવા દેવાય ! ' ગૌતમે માથું ધુણાવ્યું. ધીમે ધીમે એ પથારીમાં બેઠો થયો ઃ ' ખોડાં ઢોર પાંજરાપોળે જ શોભે. મારે ક્યાંય

નથી જવું ! '

' એમ તે કાંઈ ચાલે ? ને તમારી આવી બેવકૂફ વાત કોઈ માને કે ? '

' બેવકૂફ ? હું બેવકૂફ જ રહ્યો છું જિંદગીભર. હવે શાણા નથી થવું. મારી હાંસી કરાવવા માટે નથી જવું. આશા ! મારે ક્યાંય નથી જવું. '

ગવરીશંકરે કહ્યું ઃ ' પણ તમારે માટે શેઠ દાકતર બોલાવવા ગયા છે ! '

' મારે કોઈ દાક્તર નથી જોઈતા. કોઈ શેઠે નથી જોઈતા. તમે આવ્યા એ તમારો પાડ. પણ તમેય જાઓ. આશાને એકલી રહેવા દો. આશા ! જિંદગીભર મારી કહ્યાગરી બનીને રહી, હવે મને

શું કામ પજવે છે ? શા માટે મારી બેવકૂફીનું પ્રદર્શન કરે છે ? રહી રહી ને મારી નાલેશીમાં તને મજા આવે છે ? આશા ! તને હવે વધુ નહિ સતાવું. મોત આવી ચૂક્યું છે મારું ને હું મારી માતા

મને બોલાવે છે એ સાદ સાંભળું છું . મને શાંતિથી મરવા દે આશા ! મારી બેવકૂફીમાં મરવા દે. લોક મને બેવકૂફ માને છે. હું પોતે મને બેવકૂફ માનું છું, અરેરે ! મેં જેટલી કવિતાની સેવા

કરી એટલી જો ભગવાનની સેવા કરી હોત તો મારે મરતી વેળાએ આશાનું જીવતું પ્રેત જોવું ના પડત.....બેવકૂફ.....બેવકૂફ....બેવકૂફ......'

' ગૌતમ ! ગૌતમ ! ' આશા રડી પડી.

સ્તબ્ધ બનેલા ગવરીશંકર ને ચંચળ બહેન ગૌતમના માથાના ઉપરવાસે ઊભાં રહ્યાં. ગૌતમ એને જુએ નહિ ને ઉશ્કેરાય નહિ !

' આશા ! મારી પાસે બેસ. તારે બહુ થોડીવાર બેસવાનું છે હવે હો. આ બેવકૂફ માણસ તને સુખી નથી કરી શક્યો ! આહ ! તને સુખી જોવાની મારી કેટલી ઇચ્છા હતી ! આશા ! મને વચન

આપ. મારા મૃત્યુ પછી તું પુનર્લગ્ન કરજે ! '

' ગૌતમ ! '

' સાચું કહું છું આશા ! તાંરો શું વાંક ? '

' ગૌતમ ! હું તને મરવા નહિ દઉં . '

' મારી ટિકિટ કપાઈ ગઈ. આ વખતે વગર ટિકિટે મારે મુસાફરી નથી કરવી. ટિકિટ કપાઈ છે. ગાડીયે આવી ગઈ છે. હવે મને ક્યાંય ખેસવીને મારુમ મોત ના બગાડીશ કોઈ માણસને

આવવા દઈને મારા મોતની હાંસી ન કરાવીશ. આશા ! આ ઓરડી બંધ કરી દે. એને તાળું મારી દે. એની ચાવી મને દે ! '

' ગૌતમ ! '

' આશા ! તું આટલી નિર્દય આ સમે થાય છે ? મારી કવિતા ગઈ. મારી શ્રધ્ધા ગઈ. મારી માણસાઈ ગઈ. મારી નિરાશા પણ તું મારી પાસેથી લઈ લેવા માંગે છે ? મારુમ એટલુમ ભાથું યે તારે મારી પાસે નથી રહેવા દેવું ? '

' ગૌતમ ! ગૌતમ ! '

' સમજ્યો. તને તારો બાપ યાદ આવ્યો. ગવરીશંકર તને તેડવા આવ્યો છે ને તારે જવું છે. તું યે જા. ખુશીથી જા. '

આંસુ લૂછી હોઠ પીસીને આશા ઊભી થઈ. એણે ગવરીશંકર અને ચંચળને બહાર કાઢયાં, કહ્યું ઃ ' માફ કરજો. પણ હવે દાકતરની જરૂર નથી. એ કેટલા ઉશ્કેરાય છે એ તમે જુઓ છો. '

ઓરડીની એણે સાંકળ દીધી. માથે તાળું દીધું. ચાવી ગૌતમને આપી. પોતે ગૌતમ પાસે બેઠી.

' ગૌતમ, હવે તો ખાતરી થઈને કે મને બાપ નથી સાંભર્યા ને બાપના ઘરનું તેડું પણ મને નથી આવ્યું. જ્યાં તું ત્યાં હું -- જીવ્યે અને મૂવે. '

ચતુરદાસ શેઠ બહાર કોટમાંથી ગોરા દાક્તરને તેડીને આવ્યા ત્યારે એમણે ગવરીશંકર અને ચંચળને હતાશ જેવાં બેઠેલાં જોયાં. ચંચળે એમને સમાચાર આપ્યા.

' ગૌતમ ક્યાંય જવા માગતો નહોતો, ગૌતમ કાંઇ દવા કરવા માગતો નહોતો. ગૌતમનો અંતકાળ આવી ચૂક્યો હતો ને કોઈ દાક્તર કે દવા હવે એને મદદ કરી શકે એમ ન હતું. ને ગૌતમ

કોઈને મળવા કે જોવા કે સાંભળવા માગતો ન હતો ! ને એના ઉપર હવે કશું દબાણ કરવું એ નર્યો અત્યાચાર થશે ! '

ચતુરદાસે દાકતરને વિદાય કર્યા પછી પૂછ્યું ઃ ' તેં કવિરાજને નજરો નજર જોયા '

' હા. '

' કેવા છે ? '

' ઝૂંટારાને હાથે જખમી થઈને આપણો છોકરો ઘેર મરવા આવ્યો હોય એવા એ લાગે છે. '

' હું જઉં આશાબહેન પાસે. મારે બીજું કાંઇ નથી જોઈતું. એકવાર દર્શન કરવાં છે. ' ચતુરદાસે ગયા. ઓરડીના બંધ બારણા આગળ ઊભીને એમણે કહ્યું ઃ ' આશા બહેન ! મને એક્વાર દર્શન કરાવો. મારે બીજું કાંઇ નથી જોઈતું. ' પરંતુ ઓરડાનાં બારણાં ઊઘડ્યા નહિ. અંદરથી કોઈએ જવાબ ન આપ્યો.

' બહેન, હું ક્યાંય જવાનો નથી. ક્યાંય ખસવાનો નથી. બહાર ઊભો છું. કામ હોય તો બોલાવજો. મારું ૠણ અદા કરવાનિ એટલીયે તક નહિ આપો મને ? ' ધીમેથી ઓરડીનાં બારણાં જરા

ઊઘડ્યાં ને આશાએ ધીમે સાદે કહ્યું ઃ ' આપનો તો હું શું ઉપકાર માનું ? પણ એ ઉશ્કેરાય છે. ને મને એ ખોટું લાગે છે. ' બારણું પાછું બંધ થયું.

સવારના પહોરમાં સારા મુંબઈ શહેરમાં સમાચાર ફરી વળ્યા કે જે કવિરાજની કવિતાઓએ જુવાનોને પાગલ બનાવ્યા હતા ને બુઢ્ઢાઓને જુવાન બનાવ્યા હતા, એ તો પાંજરાપોળમા મહેતાજી

તરીકે કામ કરતા હતા ને એમનો અંતઃકાળ આવ્યો છે. એમનો જીવન- દીપ કાં બુઝાયો હશે કે કાં તો બુઝાઇ જશે- ઘડીતાલમાં . ને લોકોનાં ટોળા પાંજરાપોળ આગળ જમા થયાં.

' કવિરાજ ! કવિરાજ ....કવિરાજ ! '

ચતુરદાસે આશાને ફરીને વિનંતી કરી ઃ ' બહેન ! મને એક્ને તો તક આપો. એમનાં દર્શન કરવાનીયે મારી પાત્રતા નથી. એમના હજારો પ્રેમીઓ આવ્યા છે. શું એમને પણ તમે દર્શનથી

વંચિત રાખશો ? ' આશાએ અર્ધ બેભાન ગૌતમ સામે જોયું. બારીમાંથી નીચે ટોળે વળેલાં લોકવૄંદ સામે જોયું . નીચે આખો રસ્તો લોકનાં ટોળાંથી ચિકાર ભરાઈ ગયો હતો. લોકોનાં ટોળા

માંથી વારંવાર એક જ અવાજ ઊઠતો હતો. લોકો આતુર વદને ઊંચે જોઈ રહ્યા હતા. માનવીઓના મનોભાવ તરત કળવા મુશ્કેલ છે. માનવીના ટોળાના મનોભાવ ક્ષણમાત્ર પણ છાના રહી

શકતા નથી. આશાએ ગૌતમને કહ્યું ઃ ' ગૌતમ, હજારો માણસો તને જોવા આવ્યા છે. '

' એક બેવકૂફ કેમ મરે છે એ જોવાને ? '

' નહિ, એના કવિને જોવાને. '

' કવિ ક્યારનોય મરી ગયો. પાંજરાપોળનો મહેતો છે હવે ! '

' ગૌતમ, તારે મારું મોઢું સદાય કાળુમ કરવું છે ? '

' કેમ ? '

' મારું મોઢું તો ઉજળું રાખ. ઉજળું બનાવ. તને લાગે છે કે માણસો તારો ઉપહાસ કરે. બતાવી દે કે સિંહ બોડમાં ભરાય છે. એ હરણોના ટોળાંથી ડરીને નહિ; શિકારીઓનાં ટોળાંથી ત્રાંસીને નહિ, માત્ર પોતાના જખમ પંપાળવાને. '

' હા.'

' તું રાજા હો તો મારી બેવકૂફીનો ઉપહાસ છેલ્લો વહેલો સાંભળીશ. મને ટેકો આપ. મને રવેશમાં લઈ જા. ' ગૌતમે મહાપ્રયાસે બેઠો થયો. આશાએ ટેકો આપ્યો. રવેશમાં આવીને તેઓ

ઊભાં. ગૌતમે લોકટોળાં સામે જોયું ને લોકટોળાએ ગૌતમ સામે જોયું. લોકટોળાંએ કવિનું મોટા હર્ષની બૂમથી સ્વાગત કર્યું. ગૌતમે લોકનો મનોભાવ પારખ્યો. આદર અને પ્રેમ પારખ્યો.

આમાંથી કોઈ ઉપહાસ કરવા નથી આવ્યા, પણ બધાયે એની વિદાય લેવા આવ્યાં છે. ને કોણ જાણે ક્યાંથી એની કાયામાં જાણે બળ દોડવા લાગ્યું. એના હૈયામાં જાણે સુકાયેલાં ઝરણાં

ફરી તાજા થયાં. એણે આશાને દૂર ધકેલી. બારણાં ઊઘડતાં દોડી આવેલા ચતુરદાસ સામે જોયું નહિ.

કેવળ લોક - જેને માટે એણે લખ્યું હતું - અને જે એમને પહોંચી ચૂક્યું હતું એવા લોકો - સામે જોયું . એના ચહેરા ઉપર પ્રભા ખીલી ઊઠી અને બીમારીનો થડારોય ન સંભળાય એવા બૂલંદ

સૂરે એણે લોકોની વિદાય લેતું હૈયામાંથી ગંગાસરવણીની જેમ પ્રગટતું કાવ્ય ગાવા માંડ્યું.

એકાએક એનો અવાજ જરા થડક્યો. એણે એક એક લથડિયું ખાધું. કોઈનેય કાંઇ સમજ પડે એ પહેલાં સમતોલપણું ગુમાવીને રવેશમાંથી એ નીચે ઊથલી પડ્યો. નીચે ઊભેલા લોકોના માથા ઉપર એ પડ્યો - ને એના પ્રાણ ઊડી ગયા હતા. (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED