Shayar - 24 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ - ૨૪.

શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ-- ૨૪. સાકરનો સમુદ્ર

ચતુરદાસ શેઠના મનમાં ભારે વિસંવાદ ચાલી રહ્યો હતો. પીળી પાઘડીઓની વચમાં રાજના ચોર તરીકે શહેરના જાહેર રાજમાર્ગ ઉપરથી એને ચકલા તરફ કૂચ કરવી પડી હતી, એ એક

જીવતા આપઘાત જેવું લાગતું હતું. આ શહેરમાં એણે નામના પેદા કરી હતી. વેપારમાં આબરૂ મેળવી હતી. લોકમાં કીર્તિ મેળવી હતી. એ તમામ એને એકદા સાઉટર સાહેબની ઓફિસ તરફ

લઈ જશે એનો એને સ્વપ્નેય ખ્યાલ ન હતો. એના હૈયાનો ઉમંગ પીળી પાઘડીના પીળા તાપમાં રાખ થઈ રહ્યો ને અનેક આશંકાઓના તણખાંઓ સળવળી રહ્યા.

સરકારી રાજ -- રાણી સરકારનું રાજ, એમાં એવા એવા હાકેમો હતા જેઓએ બળવાને નજરોનજર જોયો હતો, જેઓએ બળવામાં ગુમાવ્યું હતું ને લોકોના જાગેલા રોષના હુતાશની દાઝથી

એમની ચામડીઓ હજી જાણે તપી રહેલી હતી. રાણી સરકારના કહેવાતા દયાળુ શાસન નીચે હજીયે વર્ષો પહેલાંના બળવાખોરોના મુકર્દમા ચાલતા અને એમને માટે જાહેર જગામાં ફાંસીના

માંચડા ઊભા હતા. આ કહેવાતું કાયદાનું રાજ. પણ એમાં અમલદારો મરજી પડે ત્યારે મરજી પડે તેવા કાયદાઓ ઊભા ઊભા ઘડી કાઢતા. પોતાને તો ઠીક, થવાની હતી તે થઈ. પણ

પોતાની પાછળ પોતાને બંગલે તો પીળો પ્રકોપ ફરી વળ્યો નહિ હોય ને ?

આ નાટક ભજવવાની વળી પોલીસની રજા લેવી પડે એ નવું. તોય એમને મોડે મોડે જ્યારે ખબર પડી ત્યારે તો એમણે રજા લેવા ખાલી માણસ દોડાવ્યો હતો. તો પછી એને પરવાનગી

મળી કહેવાય કે ન મળી કહેવાય ?

કવિરાજની છાયામાં અત્યાર સુધી સૂરજની છાયામાં ધતુરાનો રોપ ઊગે એમ એ ઊગ્યો હતો. એને એક પછી એક સવલતો જ મળી. હવે કવિરાજ્ને નામે એને આ એક ઉપાધિ આવી પડી.

એ સારું થયું કે ખોટું ? એણે કવિરાજને વલસાડથી મુંબઈ સુધી પગે ચલાવ્યા હતા. આજે કવિરાજે એને ભર બજારમાં પીળી પાઘડીની વચમાં ચલાવ્યા ! હિસાબ સરભર થયો કે બાકી રહ્યો?

પણ પરવાનગી માગવી રહી જાય એમાં આટલું બધું ન કરવું જોઈએ. એમાં ક્યાં રાણી સરકારનુમ રાજ લૂટાવાનું હતું ?

પણ આ પીળી પાઘડીવાળાનું બખડજંતર નવું સવું છે. એ રાણીસરકારના હાથ પગ આંખ કાન છે. એની નજર પડવી એ તો મેલડીની નજર જેવું. એ જંતર એવું છે જે ન જુએ ન જુએ તો

હાથીના હાથી ના જુએ, ને જુએ તો કીડી સરખી વીણે. એના રાજ્યમાં જાય તો સોયના નાકામાંથી ઊંટના ઊંટ ચાલ્યા જાય, ને ન જાય તો ઊંટના ચાર પગ વચ્ચેથી સોય પણ ન જાય.

પણ પોતેય થોડીઘણી ને મોટી નહિ તો ટૂંકી ને સરકારી નહિ તો દોઢ સરકારી હવાલદારી કરી હતી. વળી પોતે કંઈક પરદેશોનાં જાતજાતનાં પાણી પીધાં હતાં. એટલે એની ફકડની વચમાં

પણ ધરપત ડોકિયાં કરી જતી હતી. પીળી પાઘડીનું ભલું પૂછવું. મારકૂટ ન કરે તો તો જોયું જાય. પણ મારકૂટ કરે તો ? સાંભળ્યું હતું કે એ જમાત વાતવાતમાં મારકૂટ કરી બેસે છે. સાંભળ્યું

હતું કે આસપાસનાં માણસ રાત મધરાતે કાળી ચીસો સાંભળતાં ને એની ગામમાં ચર્ચા ફેલાઈ હતી. એટલે સાઉટર સાહેબે ચકલો ખાલી કરાવ્યો હતો. એની ઓફિસમાં એક વાર માણસ પેઠો

પછી પીળી પાઘડીવાળા એના તન, મન, ધનના ધણી. એમાં ભગવાન પણ વગર રજાએ આવી ન શકે, તો ન્યાયની ને માણસાઈની તો વાત શું કરવી ? આ હરણફડકો ચતુરદાસને

અંગેઅંગ પરસેવો કરી રહ્યો ને પોતાના મોં ને પોતાના કપાળને ખેસથી લૂછતા ચતુરદાસ ઓફિસના નાકામાં પેઠા, ત્યારે એમણે બહાર નજર કરી લીધી. ને પાછા ફરી બહાર નીકળે એવી

બાધા પણ મનમાં ને મનમાં લીધી.

ઓફિસમાં એક છેડે કાચા કામના કેદીઓની કોટડીઓ હતી. બારી વગરની ને કાળા રંગેલા લાકડામાં કાળા રંગેલા મજબૂત સળિયા ખોસેલા એવા બારણાંઓવાળી, દરેક કોટડીમાં એક એક

આરોપી કે શકદાર હતો. ને દરેક ઓરડીને માણસનાં માથાં જેવાં તાળાં માર્યાં હતાં. ખભે લાંબી બંદૂકો ને બંદૂકો ઉપર લાંબી ત્રિકોણ સંગીનો ચડાવીને ફરસબંધઈ ઉપર લોઢાની નાળ જડેલા

જોડા ખખડાવતા સંત્રી પહેરો ભરતા હતા. પરસાળમાં બે ત્રણ જણા ટોળે વળી પોતાના દંડૂકાઓ બાજુમાં રાખીને, પીળી પાઘડીઓ ખોળામાં રાખીને કંઈક સંખ્યાના પોલીસો હથેલીમાં તમાકુ

ચોળતા હતા, કે બીડી સળગાવીને ફૂંકતા ગપાટા મારતા હતા. અસવારો આવતા હતા, જતા હતા. બે એક અસવારો થોડે દૂર ઘોડાને કેળવવા જરા પાટીએ ચઢાવી રહ્યા હતા, જરા દૂર એક

મોટી લાકડાની ત્રણપગી ઘોડી હતી. ઘોડી સાથે માણસની પીઠના ભાગના આકારનું લૂંગડાંમાં ઘાસ ભરેલું પૂતળું બાંધ્યું હતું. એક સૂબેદાર બાજુમાં ઊભો હતો ને પાંચદશ પગલાંની દોડ

મૂકીને બરાબર કમરના નીચેના ભાગમાં ચોક્સાઈપૂર્વક કેમ ફટકા મારવા એની પાંચ છ પોલીસને તાલીમ આપતો હતો ને પરીક્ષા લેતો હતો. પુરાણમાં વર્ણવેલા જમદૂતોના જમેલા જેવો

દેખાતો રાણી સરકારનો કાયદો જાણે એના શબ્દોની ઓઝલમાંથી બહાર નીકળીને શુધ્ધ સ્વરૂપમાં થાણું નાખીને પડ્યો હતો.

ચાવડીએ બેસારવામાં આવનાર માણસ ઉપર છાપ પાડવાને માટે આ બધો સાજ રચાતો હતો કે નહિ એનો જવાબ તો ગોરા હાકેમોના દિલમાં કોઈ પેસીને પામી શક્યું નથી. પરંતુ એક વાત હતી. ચાવડીએ બહાર જે માણસોને બેસારવાના હોય કે કાચા કામની કોટડીઆં જે આરોપી કે શક્દારો હોય એમનાં સ્થાન એવી રીતે યોજાયાં હતાં કે એક પણ વિગત ગુમાવ્યા સિવાય તે આ

બધુમ નજરે જોઈ શકે. અને પાંચ હજાર માઈલની જાત્રા કરીને પરદેશમાં કાયદારાજ સ્થાપવાની રાણી સરકારની તમન્નાની કદર બૂઝી શકે. ચાવડીએ બેસનારની સંખ્યા ઠીક ઠીક હતી.

અરજદારો અને શકદારોનો એ શંભુમેળો હતો. એમાંથી કોઈને કાંઇ કામ માટે ઊઠવું હોય તો આસપાસ હરતા ફરતા રહેલા કે પરસાળમાં ટોળે મળેલા પોલીસની રજા લેવી પડતી. એમને

પાન ખાવાની છૂટ હતી - પોતાની પાસે હોય તો. ખિસ્સામાં પૈસા હોય તો કોઈ પોલીસ પાસે

બહારથી મંગાવવા ની છૂટ હતી. પોતાના આ શોખમાં પોલીસને હિસ્સો આપવાની છૂટ હતી.

અંદર ધીમે સાદે વાત કરવાની છૂટ હતી. એમને છૂટ નહોતી માત્ર રજા વગર આસન

ઉપરથી ઊઠવાની. એવી રીતે ઊઠવાની કોઈ ધૄષ્ટ્તા કરે તો પોલીસનો મિજાજ ઠેકાણે ન હોય તો

પોલીસ ગાળો ખાઈને છૂટકો થઈ જતો. ને પોલીસનો મિજાજ ઠેકાણે ન હોય તો પોલીસની ઠોંટથાપલી ખાઈ લેવી પડતી. કેટલીકવાર એક પોલીસ ગાળ દે ને બીજો ઠોંટ થાપલી કરી બેસે

એમ પણ બનતું. એ બધું રાણી સરકારના કાયદામાં હતું. ને એની સામે ફરિયાદ કરનાર માણસ, પોતાનો સમય નકામો ગુમાવનારો ગમાર લેખાતો ને લાગતાવળગતા અમલદારનો

સમય નકામો ગુમાવનારો તરકારી લેખાતો.

આ ઝમેલામાં ચતુરદાસ શેઠ પણ બેઠા. બેસવાનું પરસાળની ફરસબંધી ઉપર હતું. ને બહારના મોટા રસ્તા ઉપર ચાલનારા અંદર ન જોઈ શકે એટલું વળી ગનીમત હતું. અવારનવાર

પોલીસ આવીને એમાંથી એકાદ માણસનું નામ લઈને એને સામેના અનેક દફતરી કમરાઓમાંથી એકાદમાં લઈ જતો. સ્વર્ગ કે નરકના દરવાજામાં દાખલ થયો માનવી જેમ ફરીને દેખાતો

નથી એમ આવી રીતે યમદૂત કે દેવદૂતનો દોરાયેલો માનવી ફરી પાછો એ શંભુમેળાના કોઈ માનવીને નજરે દેખાતો જ નથી. ને આસપાસના જડતરની વચમાં એ માણસનું શું થયું હશે એની કલ્પના શંભુમેળાના કોઈ ઇસમ માટે સ્વાસ્થ્ય વધારનારી નહોતી.

પોતાના મનમાં જેટલી સ્વસ્થતા શેષ રહી હતી તે પણ લગભગ નીતરી જવા આવી ને એમના રોકાણ ઉપર દોઢ બે કલાકની રેતી સરી હતી ઃ ત્યારે એક પોલીસ આવ્યો અને ચતુરદાસને

સંકેત કરીને ઉઠાડ્યા. ચતુરદાસ એની પાછળ પાછળ ચાલ્યા. જેમ જેમ એક પછી એક કમરા એ વટાવતા ગયા, એમ એમ પોતાની ચાવડી - યાત્રાના આખર વિષે એમની આશંકા વધતી

ગઈ. આખરે એક મોટા કમરા આગળ એ ઊભા રહ્યા. કમરાની બહાર પરસાળની લાકડાની થાંભલીએ એક કદાવર કાળો ઘોડો બાંધ્યો હતો અને એક સાઈસ ઘોડાના વાળની ચમરીથી એના

ઉપરની માખી ઉડાડતો હતો. બારણાની બેય બાજુ પૂરા પોષાકમાં બે બે બંદૂકદારી પોલીસ ખડા હતા. ચતુરદાસને બહાર ઊભા રાખીને પોલીસ અંદર ગયો. તરત પાછો આવ્યો અને

ચતુરદાસને અંદર જવાની ઇશારત કરી. ઉપરની ગરગડીમાંથી પસાર કરેલી દોરી સાથે વજનથી ને કમાનથી જાણે બંધ થતાં હોય ને બંધ રહેતાં હોય એવાં અડધિયાં બારણાંને ધકેલીને

ચતુરદાસ શેઠ અંદર દાખત થયા.

અંદર એક મોટો ઝૂલતો પંખો પાછળની દોરીથી ખેંચાતો ચાલતો હતો. એ વિશાળ ઓરડામાં એક મોટું મેજ હતું. મેજ પર કાગળના થોકડાઓ પડ્યા હતા. મેજની સામી બાજુએ એક ખુરશી

હતી ને ખુરશીમાં કદાવર હાડનો, મોટા ચહેરાનો, મોટી આંખોવાળો ગોરો અફસર કાગળો વાંચી રહ્યો હતો. ક્ષણભર એ અફસર કાગળો વાંચવામાં રોકાયો ને ક્ષણભર ચતુરદાસ એ

અમલદારને નીરખી રહ્યા. પાકા ટમેટા જેવો એનો રંગ હતો. માથે ભૂરા વાળનાં ઝુલ્ફાં હતાં . બેય ગાલ ઉપર ઠેઠ હોઠના ખૂણા સુધી થોભિયા વધાર્યા હતા. ને બે બાજુનાં થોભિયાંને સાંધતી

સંયોગી ભૂમિ જેવિ બદામી, કથાઈ અને લાલ રંગના મિશ્રણ જેવા રંગનિ મોટી મૂંછ દેખાતી હતી. એનું કપાળ વિશાળ હતું. ચહેરો જરા કરડો હતો. હોઠ જરા બિડાયેલા રહેતા. એના દેહના

શેષ ભાગ કરતાં એના કાંડાં સહેજ શામળાં લાગતાં હતાં. એની ખુરશીની પાસે એક મોટો કૂતરો લાંબા પગમાં માથું નાંખી પડ્યો હતો. મેજ નીચે દેખાતા એના પગમાં જાડા નાળબંધ બૂટ

હતા ને બૂટ ઉપર ગોઠણ સુધી ચામડાના પગબંધ બાંધ્યા હતા.

એ હતો સાઉટર -- અથવા કેટલાક એનો વિકલ્પે ઉચ્ચાર કરતા એ સૂટર. બળવો શમી ગયો ને તરત જ કંપની સરકારનો લૂટારું અને લાંચિયો કારભાર ખતમ કરવામાં આવ્યો હતો. રાણી

સરકારનુ રાજ જાહેર કરવામાં આવ્યું હતું. ને કંપની સરકારના વ્યવસ્થિત અંધેરભર્યા તંત્રને પુનર્વ્યવસ્થિત કરવા અને ખાતાંઓની અંગ્રેજી ધોરણે વ્યવસ્થા કરવાને ઇંગ્લાંડથી જે કેટલાક ચુનંદા અમલદારો મોકલવામાં આવ્યા હતા, એમાં લંડનની મશહુર પોલીસ કચેરી સ્કોટલાંડ યાર્ડમાંથી સાઉટર

હિન્દુસ્તાનમાં આવ્યો હતો.

હિન્દમાં આવીને સાઉટરે પહેલાં કલકત્તાની પોલીસ વ્યવસ્થિત કરી. ત્યાંથી એ મદ્રાસની પોલીસ વ્યવસ્થિત કરવા ગયો હતો. કથાકાળ પહેલાં ત્રણેક વર્ષે એ મુંબઈ આવ્યો હતો અને મુંબઈનું

પોલીસ તંત્ર એણે યોજ્યું હતું. જૂની દાંડિયા પધ્ધત્તિ એણે કાઢી નાંખી, પગીઓ અને ચોકીદારોની પધ્ધત્તિ કાઢી નાંખી. કોટવાલ પધ્ધત્તિ એણે કાઢી નાંખી. યુરોપિયન લત્તો, દેશી લત્તો ને

બંદરના લત્તાના ત્રિભેટા સમા ચકલામાં એણે પોલીસ કચેરિ નાંખી. પધ્ધત્તિસરની ભરતી, પધ્ધત્તિસરની કવાયત, પધ્ધત્તિસરની તાલીમ, નિયમિત રોજ, દિનરાત શહેરના તોફાની ગણાય,

તકરારી ગણાય એવા લત્તાઓમાં ફરતી પોલીસ એણે રાખી. પોલીસ ત્રણ ત્રણ ચાર ચારની ટુકડીમાં પચાસ સો વારને અંતરે અંતરે ચાલતી. શહેરના શકદાર તેમજ તકેદારી રાખવી જોઈએ

એવા લત્તામાં એની ઘોડેસવાર પોલીસ પણ રોન મારતી.સાઉટર પોતે પણ નવરાશનો ઘણો વખત ઘોડા ઉપર ચોમેર ફર્યા જ કરતો. જ્યાં એ જતાં ત્યાં લોકો સાથે, પોતાનાં માણસો સાથે

નિકટ સંપર્ક સાંધવામાં એ માનતો ને જ્યાં જતો ત્યાંની ભાષા શીખવા - સમજવા એ કોશિશ કરતો. એ ભાષાની વાત એ સમજી શકતો. એ ભાષામાં વાત પણ કરી શકતો. એવો હતો એ

સાઉટર. કાગળમાંથી માથું ઊંચુ કરીને એણે ચતુરદાસ સામે જોયું. કરડા ચહેરા ઉપર સ્મિત લાવીને એ ખુરશી ઉપરથી ઊભો થયો અને પોતાનો હાથ લાંબો કરીને એ બોલ્યો ઃ ' ચતુરદાસ

શેઠ કે ? આવો બેસો ! '

ચતુરદાસ શેઠને સાનંદ આશ્ચર્ય થયું. સ્મિતથી સાઉટરનો કરડો ચહેરો બિડાયેલું ફૂલ ઊઘડે એમ ઊઘડીને જાણે ખીલ્યો. ચતુરદાસ શેઠે ઉતાવળાં ચાર પગલાં ભરીને સાઉટરના હાથ સાથે

હાથ મિલાવ્યો અને મેજ સામેની ખુરશી ઉપર પોતાનું આસન લીધું. એમની તરફના અત્યાર સુધીના અસ્પર્શ્ય અને કડકાઈ ભરેલા વર્તનની સાથે સાઉટરનું સ્વાગત અસંગત હતું કે સુસંગત

હતું એની મૂંઝવણમાં જ જાણે એ પડી ગયા. અમલદારીના રૂઆબની ભૂમિકા ઉપર અમલદારની સજ્જનતાની છાપ પાડવાની અંગ્રેજી તરકીબો ચતુરદાસને અપરિચિત હતી.

સાઉટરે ઘંટડી વગાડી. જવાબમાં એમનો ઓરડરલી સલામ કરીને અક્કડ ઊભો રહ્યો ઃ ' શેઠને માટે પાણી લાવ. '

પાણી આવ્યું, ઃ એટલે સાઉટરે ચાહની વરધી આપી. ' હિન્દુ ચાયનો કપ લાવો ' ચતુરદાસ શેઠને સાકરના સમુદ્રમાં ગળકાં ખાવાં જ બાકી રહ્યાં

સાઉટરે કહ્યું ઃ 'માફ કરજો. આપને તકલીફ પડી. '

' જી નહિ રે.' ચતુરદાસ શેઠને પ્રિયકર આશ્ચર્ય થયું.

' શહેર ફોજદારે મારી પાસે જ્યારે આપના વિષે વાત કરી, ત્યારે જ મેં એને કહ્યું હતું કે ઃ આમાં ગેરસમજૂત થઈ લાગે છે. ચતુરદાસ શેઠ જાણી બુઝીને આવુ કરે જ નહિ. '

' જી ! '

' મને તો ખાતરી જ હતી કે તમે નાટક વાંચ્યું જ નહિ હોવું જોઈએ !' સાઉટરે ચતુરદાસ શેઠ સામે જોયું. આ સવાલ નો જવાબ એને ચતુરદાસનો અંદાજ આપશે. ચતુરદાસે નાટક વાંચ્યું હતું

કે નહોતું વાંચ્યું એ તો ચતુરદાસને પોતાનેય અત્યારે યાદ ન આવ્યું. ને પ્રયાસે યાદ કરવા જેવી એ વાત મહત્વની ન લાગી, ઉભરાતી મીઠાશમાં કડવાશ ઉમેરવાની એમની નારાજગી

સ્પષ્ટ હતી.

' જી ના, મેં નાટક વાંચેલું જ નહિ. '

ધારેલી ગણતરી સાચી પડી હોય એમ ગોરો સાહેબ હસ્યો. ' મારું એ જ અનુમાન હતું. એટલે તો મેં ફોજદારને કહ્યું કે આવા સમજદાર શેઠ સામે ઉતાવળાં પગલાં લેવાય નહિ. તમે એમને

મારી પાસે લાવજો. ' સાઉટર નાઅ આ વિધાન ઉપર 'હિંદુ ચાય્નો કપ' અંદર દાખલ થયો. ઓરડરલીએ ચતુરદાસ સામે મૂક્યો.

સાહેબે કહ્યું ઃ ' ચાય પીઓ. ' હુક્મને આધીન પૂતળાંની જેમ ચતુરદાસે ચાય પી લીધી. એમને એક આશાયેશ વળી કે એમના ઉપરનું વીતક કેવળ સાહેબ સાથે વાત કરવા માટેનું જ હતું !

ગોરા સાથે વાત કરવી એ પણ એક તપ જ છે તો.

' તમે તો જાણો છો, શેઠ ! ' સાઉટરે મેજ ઉપર જરા આગળ ઝૂકીને વાત કરવા માંડી ઃ હંમેશાં લોકો સમજ્દાર માણસો જેમ કરે તમે કરે છે. માટે તમારા જેવા સમજદાર માણસે જરા વધારે

તકેદારી રાખવી જોઈએ કે નહિ ?'

ચતુરદાસે માથું ધુણાવ્યું. આ વિધાનમાં એમને વાંધો નહોતો.

' તમે તો સમજદાર છો. પરદેશ ફરી આવેલા છો. અને આ મુલકમાં અમારી સામે કેવું મુશ્કેલ કામ છે, એ તમે ન સમજો, એવા તો નથી છે ? '

' આવા મોટા મુલકમાં શાંતિ સ્થાપવી ને નિભાવવી એ સહેલું કામ નથી, સાહેબ ! એ તો હું સમજું છું !'

' હા. બસ, એજ મુદ્દો છે. શાંતિ. રાણી સરકારના રાજમાં બકરીનો પણ કોઈ કાન ના પકડે, રાય ને રંકને એક સરખો ન્યાય મળે. તમામ લોક પોતપોતાનો ધર્મ પાળે, પોતપોતાનો ધંધો

રોજગાર કરે એવું અમારે કરવું છે. આ મુલકના ગરીબ લોકોએ ઘણા જુલમ જોયા છે. શ્રીમંત લોકોએ ઘણી લૂંટ જોઈ છે. ઓરત લોકોએ પોતાની જાત ઉપરના હુમલાઓ જોયા છે. હવે

લોકો એ બધું ભૂલી જાય, સુખેથી સૂવે અને બીક વગર હરેફરે. સલામતીથી વેપારધંધા કરે અને રોજ રાણી સરકારને આશિષ આપે એટલા માટે અમે કંપની સરકારનું રાજ અમારા હાથમાં

લીધું છે. '

' એના લાભ માટે તો સાહેબ, બે મત છે જ નહિ.' ચતુરદાસ જરા વધારે સ્વસ્થતાથી ખુરશી ઉપર ગોઠવાયા. ક્ષણભર લગભગ આવા જ સંયોગમાં એકબીજા ગોરા સાહેબ અને કવિરાજ

વચ્ચે થયેલી મુલાકાતની ગવરીશંકર પાસે સાંભળેલી વાત ચતુરદાસને હૈયે ચડી આવી. પણ ચતુરદાસે એ દબાવી દીધી.

' તમે સમજદાર માણસ છો. ' સાઉટરે આગળ ચલાવ્યું ઃ ' હું રાજનૈતિક માણસ નથી, ને રાણીસરકારના રાજમાં રાજનીતિ જેવું કશું જ છે નહિ. ગોળગોળ વાતો કરવી, બોલવું કાંઇ ને કરવું

કાંઇ, ચેરી મેરી આપીને અમલદારોને મનાવી લેવા, એવું હવે ચાલવાનું નથી. અમારી તો અમલદારોને મનાવી લેવા, એવું હવે ચાલવાનું નથી. અમારી તો પોલીસી એક. એમ પોલીસ છીએ.

પોલીસ તરીકે રહેવાના છીએ ને પોલીસ તરીકે રાજ કરવાના છીએ. તમે સમજ્યાને ? લોકો પોતાની પ્રવૄત્તિઓ કરે એમાં અમને વાંધો નથી. લોકો એવી શાંતિભરી પ્રવૄત્તિ કરે એમાં એમે

રાજી છીએ. અમને નવરાશ હોય તો અમે એમાં રસ લઈએ છીએ. જુઓ, અમારા કેટલા સાહેબો તમારા દેશના પ્રાચીન ગ્રંથો, પ્રાચીન ભાષા વગેરેનાં ભાષાંતર કરે છે ? એની શોધખોળ

કરે છે ? સરકાર એમાં રાજી છે. સરકાર એવાની કદર કરે છે. '

' અમારા મુલક ઉપર રાણી સરકારનો અહેસાન છે, સાહેબ ! એમાં બે મત જ નથી. પચીસ પચીસ વરસ પહેલાંની વાતો અમે સાંભળીએ છીએ ને યાદ કરીએ છીએ ને આજનો વખત અમારી

નજરે જોઈએ છીએ ત્યારે અમારું મન આપના જેવા અમલદારો માટે લાગણીથી ભરાઈ આવે છે. '

ચતુરદાસ શેઠે જોયું કે સાકરનો જે સમુદ્ર અત્યારે હેલારે ચડ્યો ચે એમાં આપણે પણ એકાદ

બે ઠેલા મારવા ઘટે છે. વાતે કરવટ બદલી હતી. કપરો દેખાવ તજી દીધો છે ને જાણે પરદેશી ગોરો અને દેશી શેઠિયો સહેલાણીએ નીકળ્યા હતા ને સહેલાણીમાં એક જ માણસ બધાં જ

હલેસાં મારે એ કાંઇ શોભે ? બીજું કાંઈ નહિ તોય ' એટીકેટ' એ વાત માગતું હતું, ને આજકાલ ધર્મના કે સમાજ્ના શાસન કરતાં ' એટીકેટ' નું શાસન બળવત્તર બનતુમ હતું.

' મેં તમારે વિષે ઘણું સાંભળ્યું છે. ને તમે તમારી ભાષામાં કવિતાઓના ગ્રંથો પ્રગટ કર્યા છે તે પણ જોયા છે. સરસ મજાના સુંદર છે. એમાં જૂઠા વહેમો, જૂઠી રૂઢિઓ સામે કેવું મજાનું લખ્યું

છે ! સાહસ વિષે કેવો ઉપદેશ છે ? પોતાની જાતને આગળ વધારવા માટે કેવી જોરદાર હિમાયત કરવામાં આવી છે. એજ સાચ સમાજ સેવા છે. સાચી દેશસેવા છે, ને સરકારના - નામદાર

રાણી સરકારના રાજની સલામતી હશે તો જ તમારી એ મુરાદો હાસલ થશે, એમ તમને નથી લાગતું ? દેશમાં શાંતિ હોય સલામતી હોય તો જ સમાજસુધારો થઈ શકે. સારી કવિતાઓ બનાવી

શકાય ને છપાવી શકાય. ને તો જ ભાષાનો વિકાસ પણ કરી શકાય. તો જ દેશપરદેશ સાથે વેપારરોજગાર ખેડી શકાય. '

સાઉટર સાહેબનુમ કોઈ પણ વિધાન બે મતને પાત્ર હતું જ નહિ એમ ચતુરદાસે સ્વીકાર્યું.

' અને તમે સમજદાર માણસ છો. છાપાંઓ વાંચતા જ હશો. તમે જોશો કે - જોયું જ હશે કે નામદાર રાણી સરસાકના દિલમાં પક્ષપાત નથી. અગર ગોરાઓ પણ જો કાયદાનો ભંગ કરે તો

તેઓની સામે પણ કેસો ચલાવાય છે. હોલવેલ સાહેબને સરકારે નોકરીમાંથી બરતરફ કર્યા. હેસ્ટીંગ્સ સાહેબ ઉપર મોટો કેસ ચલાવવામાં આવ્યો. પરંતુ સરકારના રાજમાં અન્યાય ન્યાય કોણ

કરે છે તેની તપાસ સરકારી ધોરણે થાય તો જ કામ આવે ને ? હું કે તમે જાહેરમાં એનાં નાટકો ભજવીએ તો લોકોમાં નાટકનો ઉશ્કેરાટ થાય, અસંતોષ થાય. સરકારનું કામ મુશ્કેલ બની જાય.

ને સરકારનું કામ મુશ્કેલ બને તો એ તમારા જેવા સમજુ માણસ જરુર ન ઇચ્છે ! '

' એમાં તો સાહેબ આપ તદ્દન સાચા છો ! '

' એટલે તો મને આવું નાટક જોઇને જરા આઘાત લાગ્યો. અમે લોકો પાંચ હજાર માઈલથી આવીને આ દેશને માટે આટલું બધું કરીએ એના બદલામાં અમારા માટે આ વિચારો ? કોઈ

બિનજવાબદાર માણસે લખી નાંખ્યું, પણ સમજુ માણસ એને વજન આપે ? મેં કહ્યું ફોજદારને , તમે ઉતાવળા થઈને કાંઈ કરી બેસતા નહિ. ચતુરદાસ તો સમજદાર વ્યક્તિ છે. એમનો

શોખ તો કવિતાઓનો છે, ભાષાવિકાસનો છે. ચળવળ કરવાનો નથી. એ નક્કી આ નાટકમાં ફસાઇ પડ્યા છે. કેમકે સરકારમાં એમના માટે ઘણો સારો અભિપ્રાય છે; એ અભિપ્રાય બદલવાનું એમનું

દિલ ન જ થાય '

' આપની વાત સાવ બરાબર છે. '

' સરકાર મુંબઈમાં શેરીફ નીમવા માગે છે શેરીફ એટલે નગર શેઠ જેવું. ને મેં તો તમારી વાજબી તારીફ સાંભળીને તમારા વિષે ભલામણ કરેલી. મેં તો સરકારમાં લખ્યું છે કે ચતુરદાસ શેઠ

દેશ પરદેશ જઈ આવેલા છે. સાહિત્યના પણ શોખીન છે. સમજદાર સખાવતી છે. એમને નીમવામાં આવે તો એક લાયક માણસની કદર કરી ગણાશે. '

' આપની મહેરબાની સાહેબ ! '

' મહેરબાની કેમ ? લાયક માણસનિ લાયક કદર કરવી એ તો સરકારની નેમ છે. ' સાઉટર સાહેબ મેજ ઉપર ઝૂકતા હતા તે ખુરશી ઉપર હવે ઝૂક્યા. ' માફ કરજો આપને તકલીફ પડી

હોય તો, ને આપને મારી પાસે આવવામાં કાંઇ અપમાન જેવું લાગ્યું હોય તો. એક નાના માણસની ભૂલ દરગુજર કરશો. ' સાઉટર ઊભો થયો. ચતુરદાસ ઊભા થયા.

' ત્યારે હું રજા લઉં ? '

' હા. પધારો. '

સાઉટર પોતાના કમરાના બારણા સુધી વળાવવા ગયા. બારણા બહારની પરસાળમાં ઊભા રહીને એણે ચતુરદાસ સાથે હાથ મિલાવ્યા. હાથ મિલાવતાં જરા હસીને એણે કહ્યું ઃ 'પધારજો હોં.'

સાઉટરે ચતુરદાસે સાથે હસ્તધૂનન કર્યું. એ તમામ નાના મોટા પોલીસોએ નજરે જોયું. એમને લાગ્યું કે ચતુરદાસને બીજા અરજદાર કે શકદાર જેવો ગણી કાઢવામાં એમણે ભૂલ કરી હતી.

સાઉટર થોડા સાથે જ આવો વર્તાવ કરતો હતો ને આમ વિદાય આપતો હતો ? એટલે ચતુરદાસ શેઠ બહારના દરવાજા તરફ ચાલવા લાગ્યા તેવા પોલીસો ટંચન થઈને એને સલામ ભરવા

લાગ્યા. જે બે પોલીસ ચતુરદાસને ભુલેશ્વરથી ચાવડી સુધી લાવ્યા હતા એ ચતુરદાસને સલામ ભરીને સામે ઊભા રહીને વિનવણીભર્યા અવાજે બોલ્યા ઃ 'શેઠ, માફ કરજો. અમે ગરીબ માણસ.'

ચતુરદાસ અત્યારે પ્રસન્નતા અનુભવતા હતા. એમણે ખિસ્સામાંથી બેયને એક એક રૂપિયો બક્ષિસ આપી ઃ ' જાઓ, મજા કરો ને ચાહપાણી પીઓ.' એમના ફૂલાયેલા કંઠમાંથી અભયવચન

નીકળ્યું. બહાર નીકળીને કે વિક્ટોરિયામાં બેસીને શેઠ પોતાના બંગલા તરફ જે રસ્તેથી પોતે આવ્યા હતા એજ રસ્તેથી પાછા ફર્યા. સામી બેઠક ઉપર પગ ભરાવીને એ આડા પડ્યા. ને એમ એ પોતને ઘેર પહોંચ્યા. ( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED