મંડલીગ્રામમાં
દામોદર ને રા’ મંડલીગ્રામ તરફ ઊપડ્યા. રસ્તામાં એમણે હજી લોકોને સોમનથ ભગવાન વેર લેશે જ, એવી આશા સેવતા જોયા. એમણે લીધેલો માર્ગ આટકોટ પાસેથી ફંટાઈ જતો હતો. નળબાવળી અને ધવલક્કને માર્ગે એ મંડલીગ્રામ જવા માગતા હતા. એ તરફ ગર્જનકનાં માણસો ઓછાં હોવાનો સંભવ હતો. વર્ધમાનપુરને પડખે રાખી દઈને એ સીધા મંડલીગ્રામ પહોંચ્યા.
એ પહોંચ્યા ત્યારે ત્યાં મંડલીગ્રામમાં કોઈ મોટો ઉત્સવ થઈ રહ્યો હતો.
ગામને પાદર એક નાનું સરખું તળાવડું હતું. તેના કાંઠા ઉપર મંડલીશ્વરનું નાનકડું પણ અત્યંત દેખાવડું મંદિર હતું. નાનકડું હોવાને લીધે ને ગામનું ખાસ કોઈ મહત્ત્વ નહિ ને ખૂણે પડ્યું હતું તેથી, અત્યારે તો તે વિનાશમાંથી બચી ગયું હતું.
શાનો ઉત્સવ છે એ પહેલાં તો દામોદર કળી શક્યો નહિ. પણ ગામ આખું આબાલવૃદ્ધ સૌ બહાર નીકળી પડ્યાં હતાં. સૌએ નવાં વસ્ત્રો પહેર્યાં હતાં. ઢોલ, ત્રાંસાં ને શરણાઈઓ વાગતી હતી. શંખ ફૂંકાતા હતા. સૌથી મોખરે ગામના મહાજનના મોવડી, પટેલ, ગ્રામમુખી, બધા ચાલી રહ્યા હતા. એ બધા એક વડ તરફ જતા હતા.
વડ તરફ દામોદરે દૃષ્ટિ કરી, ત્યાં પાથરણાં પથરાઈ ગયાં હતાં. ને દસ-બાર સાધુઓની મંડળી બેઠી હતી. ગામના કેટલાક લોકો ત્યાં અગાઉથી પહોંચી ગયા હોય તેમ લાગ્યું. ત્યાં એક મોટું કૂંડાળું વળીને લોકો બેસી ગયા હતા. વચ્ચે એક મોટી છત્રી ખોડી હતી. તેની નીચે એક ઊંચા આસન ઉપર એક જટાધારી જોગી બિરાજ્યા હતા. તે હાથ ઊંચો કરીને વારંવાર આશીર્વાદ આપતા જણાતા હતા.
પોતાને કોઈ ઓળખી ન કાઢે એની સાવચેતી રાખવાની હતી. કૂંડાળું લઈને વરહોજીએ સાંઢણીને મંદિરના પાછલા ભાગમાં લીધી. મંદિર ટેકરા ઉપર હતું. ત્યાંથી પેલા વડ ઉપર દૃષ્ટિ પડે તેવું હતું. દામોદર ને રા’મંદિરના પાછલા ભાગમાં ઊતર્યા. વરહોજીએ સાંઢણીને પગે બાંધી દીધી. તે પણ રા’ની પછવાડે પછવાડે ચાલ્યો.
મંદિરના પાછલા વરંડાનું એક દ્વાર ઉઘાડું હતું. તેમાંથી બધા અંદર ગયા. અંદર પણ મોટી ધામધૂમ હતી. મંદિરને આસોપાલવથી શણગાર્યું હતું. ફૂલના ઢગલેઢગલામાં આખું મંદિર ઢંકાઈ ગયું હતું. મુખ્ય દ્વાર ઉપર દીપમાલા પ્રગટી હતી.
કોઈ ત્રણ અજાણ્યા માણસને આવતા જોઈને પૂજારી એક ઘડીભર દીવા પ્રગટાવતો અટકી ગયો. દર્શને આવનારા સીધા દ્વારમાંથી આવતા. આ ત્રણે પાછળના ભાગમાંથી આવ્યા હતા.
જમાનો બદલાઈ ગયો હતો. ગર્જનકના એક-બે હિંદુ સૈનિકો એક વખત કોઈ ભોમિયાની શોધમાં આંહીં આવી ચડ્યા, ત્યારે એમણે મહારાજ મૂલરાજદેવ જેવાના શંકર પ્રત્યે જે અદબ રાખવી જોઈએ તે રાખી ન હતી. આ પણ એવા જ કોઈક છે કે શું ? એની ચિંતામાં પૂજારીએ શંકાથી તેમની તરફ જોયું. પછી એમને રબારી ધારીને એ કાંઈક શાંત થયો. કોઈક સાંઢણીઓના સોદાગર હોવા જોઈએ. હમણાં ગર્જનકને ત્યાં સાંઢણીઓના ભાવ સારા આવતા હતા. એટલે આ રસ્તે અવારનવાર કોઈ કોઈ સોદાગર નીકળતા.
પૂજારીએ એમને પડખેને ઓટલે બેસવાનું કહ્યું : ‘હમણાં ત્યાં બેસો ગોકળી ! ક્યાંથી આવો છો ?’
‘આવવું આમ પંચાસરથી !’ વરહોજી બોલ્યો.
‘પંચાસર તો બરાબર, પણ વાડો કોનો ? ત્યાં તો પાર વિનાના વાડા પડ્યા છે નાં ?’
‘વાડો રબારી કુંડધરનો !’ દામોદર બોલ્યો.
‘કુંડધર ને ઝીંઝુ-બાપદીકરો બે સાચા.’ પૂજારીને આ માહિતી સાચી હોવાથી કાંઈક ધરપત થઈ લાગી.
‘આમ ક્યાં જવું છે ?’
‘આમ આંહીં સુધી જ,’ દામોદરે કહ્યું, ‘આંહીં કીધું મંદિરમાં મહંતજીનાં દર્શન કરીને, પછી આગળ જઈએ.’
‘મહંતજી તો આજ આવ્યા છે, એટલે આખું ગામ દર્શને આવ્યું છે. નાનાંમોટાં સૌ. કેમ નો આવે ભાઈ, રાજ જેવું રાજ છોડીને સંન્યાસ લીધો છે !’
દામોદર ચમકી ગયો. એને થયું કે ત્યારે તો આ વડ નીચે મેળો મળ્યો છે તે દુર્લભસેન મહારાજ માટે જ હોવો જોઈએ.
‘હમણાં પોતે આંહીં આવશે. દેવશીલ મહારાજનું નામ તો તમે સાંભળ્યો હશે નાં ?’ પૂજારી દીવાનું કામ પૂરું થવાથી તેમની પાસે આવ્યો.
‘એ કેમ ન સાંભળ્યું હોય ? ત્યાં શુક્લતીર્થમાં નર્મદાકાંઠાના જોગીરાજ. એને તો પાંચ વરસનું છોકરું પણ જાણે. કે’ છે એના નામની તો માનતા પણ હાલે છે !’
‘હાલે ભૈ ! કેમ નો હાલે ? હું કે તમે એક ચાર દ્રમ્મનું ચીંદરડું છોડી શકીએ છીએ ? આમણે આવડું મોટું રાજ, જાણે એક કોડીનું હોય એમ છોડી દીધું, ને ભત્રીજાને સોંપી દીધું એ કાંઈ જેવો તેવો જોગ છે ? પછી એમને સિદ્ધિ નહિ વરે તો કોને મને કે તમને વરશે ?’
પૂજારી ખૂબ વાતોડિયો લાગ્યો. દામોદરને જે સમાચાર જોઈતા હતા. તે મળી ગયા. દુર્લભ મહારાજ પોતે જ આવી ગયા હતા. એને ધરપત થઈ કે રા’ ને મળેલા સમાચાર તો સાચા હતા.
પણ આજે જ દેવશીલ મહારાજ હમણાં પધાર્યા, ને થોડા દિવસમાં જ એ પાછા ઊપડી જાય, તો એ વાતની ચર્ચા જન્મે. એટલે દામોદરને એ વાત વાળી લેવા જેવી લાગી. તેણે પૂજારીને વાતમાં ચડાવ્યો.
‘દેવશીલ મહારાજ હમણાં તો હવે આંહીં રહેશે નાં ?’
‘ભૈ ! કે’ છે. બાકી તો ભેખને કોનો ભે’ ? ને કોની શે’ ? આ તો મહારાજ મૂલરાજદેવનું મંદિર, અને હમ્મીર આંહીં પડખે પડ્યો છે, મફતનો રોળીટોળી નાખે, એટલે પોતે સામે ચાલીને આંહીં આવ્યા છે.’
‘પણ એ એકલા શું કરવાના હતા ?’
‘કેમ શું કરવાના હતા ? મૂઠી હાડકાં લેખે તો લાગ્યાં, એવી મનની ગાંઠ વાળીને ફરનારા આ તો જોગંદર કહેવાય. એને ક્યાં ક્યાંય ભણવાનું હતું કે કિલ્લો શોધવાનો હતો કે રક્ષણ ગોતવાનું હતું ? કે’ છે સોમનાથનું તો ધનોતપનોત થઈ ગયું. સાચું ?’
‘હા, સાચું છે.’ દામોદરે જવાબ આપ્યો. વાત આગળ ચલાવી. :
‘આમના નામની તો માનતા હાલે છે, એમ અમે સાંભળ્યું છે એ સાચું ?’
‘હા, સાચું માનતા કેમ ના હાલે ભૈ ! જોગંદર છે. નાળિયેર વધેરવા અલકમલકથી માણસ આવે છે. આમ હાથમાં નાળિયેર લઈ, માથે અડાડીને પાછું સોંપી દે છે. જાવ બાપા ! ભગવાન મંડલીશ્વર સૌ સારાં વાનાં કરશે. અને કૈંકને ત્યાં ઘોડિયાં બંધાય છે. કૈંકનાં નિર્વિઘ્ને કામ થઈ જાય છે. કૈંકને ત્યાં છોકરાં ઊઝરતાં ન હોય ઊઝરે છે. આ તો મેં સગી આંખે જોયું છે. અમારા ભાઈને ત્યાં એ ત્રણ વરસનો ગટકુડિયો રમે !’
‘એમ ? ત્યારે તો અમને ભગવાન જ આંહીં લાવ્યા. અમારે આ વરહોજીને બચારાને બાર આવ્યાં ને ભારે ભગવાન ઉપાડી ગયા. અમારે હમણાં આંહીં રહીને મહારાજજીની સેવા ઉપાડવી છે. ભગવાન આ વખતે વરહોજીનું પાંશરું પાડી દ્યે ! એટલે ગંગ નાહ્યા !’
વરહોજી મનમાં ને મનમાં હસી રહ્યો. દામોદર મહેતાએ એની જુવાનજોધ મોતડી વહુને બાર વેજાંની મા બનાવી દીધી હતી. પણ મહેતાએ એને ચૂપકીદી રાખવાની આંખ-નિશાની કરી હતી. તે મનમાં ને મનમાં હસતો રહ્યો.
દામોદર મહેતો વધારે રંગમાં આવ્યો. પૂજારીને બહુ ઊતાવળ ન હતી. તે આંહીંથી વડની નીચેનું દેવશીલ મહારાજનું મંડળ દેખી રહ્યો હતો. હજી ત્યાં માણસો ઊભરાતાં જતાં હતાં.
‘મહારાજજીને લોક છોડે નહિ, સૂરજ માથે આવ્યા પહેલાં. કેટલા વખત પછી આવ્યા છે ! ભેખ લીધો ત્યારે આવ્યા હતા.’
દામોદરે મંદિર તરફ ચારે બાજુ દૃષ્ટિ ફેરવી. એને પોતાની રહેવાની ગોઠવણ કરવાની હતી, અને દેવશીલ મહારાજની થોડા વખત પછી થનારી વિદાય માટે પણ, બધાને તૈયાર કરી દેવાના હતા. નહિતર નાહકની વાતચર્ચા જાગે. આ પૂજારી વાતોડિયો હતો. જે વાત થાય તે હવામાં ફેંકી દેવાની એને ટેવ લાગી. દામોદરને કેટલીક વખત વાતોડિયા માણસો, ભગવાન જેવા જણાતા હતા, અત્યારે એને આ પૂજારી સોના જેવો લાગ્યો.
‘અમારી વાત એવી છે, દેવતીરથતજી મહારાજ !....’
દેવતીરથ ભડકી ગયો. ‘અરે ? તમે મારું નામ ક્યાંથી જાણો ? હું તો તમને ઓળખતો નથી.’
દામોદર હસી પડ્યો. તેણે તેની મુદ્રિકા તરફ નજર કરી. ‘ત્યાં લખ્યું છે, જુઓ !’
‘હા, ત્યારે તો તમે ગજબના.’
‘ગજબના તો ઠીક, પણ અમારે આંહીં બે-ચાર દી રોકાવું છે, એનું શું ? અમારા વરહોજીનાં વહુ બચારાં, હવે વાજ આવી ગયાં છે. બાર બાર છોકરે એને ત્યાં ઘોડિયું બંધાણું નહિ !’
વરહોજી મનમાં ને મનમાં હસી હસીને ઊંધો વળી જતો હતો. પણ એની વહુ મોતડી દામોદર મહેતાના શબ્દે શબ્દે ગલઢી થતી જતી હતી તે તેને ગમતું ન હતું. પોતાની વહુ ગલઢી થાય એ કોને ગમે ? પોતે ગલઢો થાય તો ભલે, પણ વહુ પોતાની અમર જુવાની ભોગવે, એ ઇચ્છાએ તો આખી પૃથ્વી રસાતાળ નથી ગઈ ? તો બિચારો વરહોજી, જંગલનો રાજા, એને આવી વાત સાંભળતાં મનમાં મોતિયાં મરી જાય તેમાં શી નવાઈ ?
પણ દામોદર મહેતો સમજી ગયો કે હવે જો વરહોજીની મોતડીને છોકરાં જન્મશે, તો આ તો પછી જંગલનો રાજા, વખતે આડો ફાટશે !
એટલે એણે વાત ફેરવી : ‘એમ તો ભગવાનની કિરપા છે. ઘી-દૂધની બોળપ છે. એટલે શરીર જુઓ તો રાતીરાણ જેવું છે. પણ ભૈ ! ખોટ ઈ તો ખોટ નાં ? એટલે આ સમો, ભગવાને જોગાનુજોગ આપી દીધો છે, તો બે દી રોકાઈ જઈએ. તમારે અમારી વતી બે વેણ બોલવાં પડશે !’
‘હા, હા, બોલવાના. એમ તો કુંડધર રબારી, અમારા યજમાન છે. ધાબળો એક, દર શિયાળે, કારતક સુદ પાંચમે આવી જવાનો !’
‘દેવશીલ મહારાજ આંહીં છે, ત્યાં સુધી અમે અમારી બધી સેવા એમને આપી. અમને ક્યાંક પાછળ એક કોટડી કાઢી દો. એક સાંઢણી અમારા ભેગી છે.’
દેવતીરથને હવે કાંઈક શંકા પડવા લાગી હોય એવું દામોદરને જણાયું, તે જવાબ આપવા જતાં ખચકાતો હતો.
‘આ તમારી ભેગા કોણ છે ?’
‘એ જ વરહોજી ! ને આ છે, અમારા કાકા !’
રા’ નવઘણજી પણ મનમાં હસી રહ્યો.
‘કોટડી તો ઘણીયે છે પાછળ, પણ પછી તમે આંહીંની વાત ફેલાવી દ્યો. તો મફતનું આંહીં વળી કોઈ આવી ચડે... ગરજનક હજી આંહીં આટલામાં પડ્યો છે.’
‘અમે વાત ફેલાવવાવાળા નથી. અમે તો વાત ઢાંકવાવાળા ઈછે. અમે એમ સાંભળ્યું છે કે દેવશીલ મહારાજ આંહીં લાંબા અનુષ્ઠાનમાં બેસવાના છે, કાં ભગવાન સોમનાથ જવાના છે. સોમનાથથી મઠપતિજીએ એક બાવાજીને તેડવા પણ મોકલ્યો છે, આવ્યું છે આંહીં કોઈ ?’
‘આવ્યું હોય તો અત્યારે આ લોકમાં ભળી ગયું હોય. થોડી વાર પછી ખબર પડે. પણ દેવશીલ મહારાજ સોમનાથ હમણાં તો શું જાય ?’
‘તો તો અનુષ્ઠાનમાં આંહીં બેસી જાય એમ પણ સાંભળ્યું છે. આ તો દખિયા લોકની વાતું છે. મહારાજ ભીમદેવ નવો પથ્થર મૂકે, તે પહેલાં આ અનુષ્ઠાન પૂરું કરવાનું છે, એમ સંભળાય છે. જે હોય તે ખરું. તમે જાણતા હશો નાં ?’
‘જાણું તો છું !’ દેવતીરથ બોલ્યો.
દામોદર મનમાં હસી પડ્યો. પોતે સર્વજ્ઞ છે એ વાતનો દેવતીરથને જેવો તેવો શોખ ન લાગ્યો. દામોદરે મનમાં એના આ સ્વભાવની પણ નોંધ લઈ લીધી, પણ દેવશીલ મહારાજ સોમનાથ ઊપડી ગયા છે કે અનુષ્ઠાનમાં બેઠ છે, એમ કહેવાય, તો બેમાંથી ગમે તે એક વાત ચાલે ખરી. દામોદરને તો એ જાણવું હતું.
‘આંહીં છે અનુષ્ઠાન માટેની જોગવાઈ ? એવાં ગુપ્તગૃહો છે ?’
‘આંહીં નહિ હોય ? આંહીં તો ભલભલા જોગંદરો પણ બે ઘડી મોહી પડે એવાં જોગધામો આંહીં છે. આ ઉત્તરાદિ કોરે શિવાલયની નીચે.’
‘હા ભૈ ! હશે તો ખરાં નાં ? ધામ મહારાજ મૂલરાજદેવ જેવાએ બંધાવ્યું છે.’
‘અમારે તો આંહીં ચાર-પાંચ દી રોકાવું છે. ધરમનું થાનક છે, જોગાનુજોગ આવા સિદ્ધ પુરુષની સેવા મળી ગઈ છે. અમારા વરહોજીનું કામ થઈ જાય, પછી ભલે અનુષ્ઠાનમાં બેસી જાય.’
‘તો ભલે, આ બાજુ પાછળની કોટડીઓ તમે જોઈ આવો. હમણાં મહારાજજી ગાજતેવાજતે પધારશે, એટલે મારે સામે જવાનું છે. તમે પાછળ આંટો મારી, તમારું થાનક ગોઠવીને આંહીં આવો. ત્યાં ચોકી ઉપર મૂળભદર બેઠો હશે, તેને કહેજો, દેવતીરથ મહારાજે કહ્યું છે, એટલે ના નહિ પાડે.’
દામોદરે ભૂમિકા તૈયાર કરી લીધી હતી. બહુ માણસો પોતાને આંહીં ન જૂએ એ જ ઠીક હતું. દેવતીરથ એના પૂજાપાઠની તૈયારીમાં પડ્યો, એટલે એ ત્રણે જણા પાછળ ગયા.
વરહોજી હસી પડ્યો : ‘અરે ! શું પ્રભુ તમે પણ ? મારી મોતડીને...’
‘કેટલાં બધાં છોકરાંની મા બનાવી એમ નાં ? અરે ! પણ ગાંડાભાઈ ! પૂછ આ રા’ને દીકરો તો દેવને પણ દુર્લભ છે. આ તો હવે તારે મહારાજજીને પ્રતાપે ઘેર ઘોડિયું બંધાશે ! ’
ત્રણે જણા હસી પડ્યા. પણ જંગલના ભોળિયા રાજા ઉપર દામોદરે બતાવેલી, આ નિક્ટતાની એવી ઊંડી છાપ પડી ગઈ હતી કે તે ત્યાં સ્થિર થઈ ગઈ હતી. કોટડીમાં ઠરીને ઠામ બેઠા ને રા’ જરાક રાણકી પાસે ગયો કે, તરત એ દામોદરને એકલો જોઈને ત્યાં આવ્યો. હાથ જોડીને ઊભો રહ્યો. દામોદરને નવાઈ લાગી, વરહોજીને આંહીં શું વાત કરવાની હશે ?
ત્યાં તો એ બોલ્યો : ‘પ્રભુ ! એક માગણી છે. ભગવાન સોમનાથનું નવું મંદિર બંધાય, એમાં મારી મોતડીએ પાણી મૂકીને બધું ભગવાનને ચરણે ધર્યું છે. એ થઈ જાય પછી મને, પ્રભુ ! પાટણ તેડી જાય. મને પોતાને ત્યાં તમારી પાસે રાખો. તમારો હું ચોકીદાર. મારે હવે બીજે ક્યાંય જવું નથી.’
‘અરે ! વરહોજી ! ભોળિયા રાજા ! એ તો બધું ત્યારે થઈ રહેશે. એનું અત્યારે શું છે ? પણ ગાંડાભાઈ ! તારા જંગલનું રુદન સાંભળીને હું પાટણની હવેલીમાં પણ રાતે જાગી જાઉં એનું શું ? એ તને ખબર છે ? તારા વિના ગીરનાં જંગલ કેવાં અને ગીરનાં જંગલ વિના તું કેવો ?’ ‘મારે તો પ્રભુ ! તમારી સાથે જ હવે રહેવું છે.’
‘ભલે ભલે, તને એક વખત આપણે પાટણ દેખાડવું. બસ ?’
એટલામાં રા’ નવઘણને આવતો જોઈને બંને શાંત થઈ ગયા.