સાધુ દેવશીલ Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાધુ દેવશીલ

સાધુ દેવશીલ

દુર્લભસેન મહારાજ મંડલીગ્રામના મૂલેશ્વર મંદિર ભણી આવી પહોંચ્યા હતા. તેમાં દેવતીરથ પૂજારીએ કહ્યો એ હેતુ પણ મહારાજનો હોય તો ના નહિ. એ વસ્તુ એમના સાધુધર્મ સાથે સંગત પણ હતી. દામોદર જે વસ્તુ એની પાસે મૂકવા માગતો હતો. તે વિષે હવે એના મનમાં ગડભાંગ થવા લાગી. એકાદ દિવસ પછી અઘોરરાશિ આવી પહોંચ્યો. તેની પાસે ખુદ મઠપતિ મહારાજની આજ્ઞા હતી. દામોદરે કોઈ ન હોય ત્યારે રાતને વખતે, મહારાજને મળવાનો વિચાર કર્યો.

દેવતીરથ પૂજારી રાતે ઘેર જતો હતો. બે-ચાર સાધુ રહેતા હતા. તે આડાઅવળા પડસાળમાં મોડી રાત સુધી ગપ્પાં મારતા બેસતા હતા.

દામોદરે અઘોરરાશિને પાછળથી આવવાનું સૂચન આપ્યું. વરહોજીને કોઈ આવી ન ચડે, માટે ચોકી ઉપર મૂક્યો.

પોતે ને રા’ બંને, દુર્લભસેન મહારાજને મળવા ગયા.

મહારાજે જે દિવસ સંન્યસ્ત લીધું, ને ભીમદેવ મહારાજને બધું સોંપી દીધું, તે દિવસ દામોદરને યાદ આવી ગયો. પટ્ટણીઓ તમામ દરબારગઢ પાસે ભેગા થયા હતા. સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, સામંતો, સરદારો તમામ ત્યાં હતા. વાતાવરણ ગંભીર હતું. તમામની આંખમાં આંસુ હતાં. થોડી વાર થઈને મહારાજ દુર્લભસેન સંન્યાસીને વેશે બહાર આવ્યા. મેદની આખી એમને બે હાથ જોડીને ભાવથી પ્રમાણ કરી રહી. પણ જ્યારે દુર્લભ મહારાજ ગજ પંક્તિઓની પાસેથી નીકળ્યા, અને પોતાના હાથીને જોયો, ત્યારે સોનેરી અંબાડી ધારણ કરેલા, એ મહાન ગજરાજને મળવા માટે, એક પળ એ ત્યાં થોભી ગયા. તેમણે તેની સૂંઢ ઉપર હાથ ફેરવ્યો. જ્યારે ગજરાજે સૂંઢ ઊંચી કરી ને એની સાથે તમામ ગજરાજોએ સૂંઢ ઊંચી કરી, છેલ્લું વિદાયમાન મહારાજને આપ્યું, ત્યારે તેની આંખમાં આંસુ હતાં, ને તમામ ગજરાજો રડી રહ્યા હતા !

આ હતા મહારાજ દુર્લભરાજ. એમને મન યુદ્ધમાં પાછું હઠવું એ મરણ જેવું હતું. એના ગજરાજો લડતા, પડતા મરતા. કોઈ કદાપિ પાછો પગ ન દેતા. આવા એ જબરજસ્ત સેનાની હતા. એમને ગજરાજો ને ઘોડાં સ્વજનો સમાં પ્રિય હતાં. પાછલાં વર્ષોમાં એ જૈન સાધુઓના રંગથી વધુ પડતા એકાકી જ્ઞાની બની ગયા હતા. એમને દુનિયા આખીમાં મૈત્રી દેખાતી. એમણે બાપદાદાનો શૈવધર્મ રાખ્યો. પણ એમાં ડમરુબજંત ભૈરવનાથ કરતાં, એમને રાખ ને ખાખની જ માયા વધારે લાગી. અત્યારે એ જોગી રાજ દેવશીલ મહારાજ નામે ઓળખાતા.

એટલે આ દેવશીલ મહારાજને ડગાવવા, એ હિમાચલને ડગાવવા જેવું દામોદરને લાગવા માંડ્યું. અત્યારે એણે રા’ને ભેગો રાખ્યો હતો કે દેવશીલ મહારાજને એ પણ, ભગવાન સોમનાથને નામે, બે વેણ કહે.

દામોદર ને રા’ નવઘણજી ત્યાં ખંડમાં પેઠા. એક પ્રકારની મોહક સુગંધી ત્યાં આવી રહી હતી. ત્યાં એક વ્યાઘ્રાંબર ઉપર જટા-દાઢીધારી દેવશીલ મહારાજ બેઠા હતા. તેની સામે ઘીનો દીપ બળતો હતો. ખૂણામાં એક દીવીમાં કેટલાક દીપો પ્રગટાવ્યા હતા. ખંડમાં પ્રકાશ રેલાઈ રહ્યો હતો.

દુર્લભસેન મહારાજ ત્યાં બેસીને આંખો મીંચી ભગવાન સદાશિવનું ધ્યાન ધરી રહ્યા હતા. તેમના હોઠ શિવનામનો જપ જપતા જરા જરા હાલી રહ્યા હતા. તે શાંત સ્થિર પદ્માસને વિરાજ્યા હતા. તેમના મોં ઉપર જે તેજ હતું, તે જોતાં જ દામોદરને લાગ્યું કે પોતે આ માણસમાં હજી કદાચ રાજલોભ હોવાની જે કલ્પના કરી હતી તે તો અડબંગ જ હતી.

પણ તેથી તો પોતાનું કામ ઘણું ઘણું જ મુશ્કેલ બનતું હતું. જે માણસ ત્રિલોકના લાભ માટે પણ હવે ભેખ - છોડે, એ માણસ પોતાની આ યોજના માટે ભેખ છોડે ખરો ?

દામોદરને ફરીને ઊંડાં પાણી દેખાયાં.

છતાં તે હિમ્મથી આગળ વધ્યો. મહારાજ દેવશીલની સામે જઈને ઊભો રહ્યો.

એણે બે હાથ જોડી રાખ્યા. દેવશીલ મહારાજની આંખ ઊઘડવાની રાહ જોતો એ ત્યાં ઊભો.

થોડી વારમાં દેવશીલ*નાં નેત્ર ઊઘડ્યાં. એમાં દામોદરે અપાર પ્રેમ નહિ, દયા નહિ, આનંદ નહિ, શાંતિ નહિ... પણ કરુણા જોઈ. અપાર કરુણા. જાણે એક અણુથી પણ નાનકડું, કેવળ સંચાલન વડે જીવન્ત જણાતું જંતુ પણ, આ સાધુરાજની દૃષ્ટિમાં મિત્ર જેવું પ્રિય લાગતું હોય, દુર્લભસેન મહારાજના જબરજસ્ત પરિવર્તને દામોદર પણ પળ-બે પળ ક્ષોભ પામી ગયો.

દુર્લભરાજ મહારાજનાં નેત્ર ઊઘડ્યાં. દામોદરને પ્રેમથી જોઈ રહ્યાં. પછી તેણે રા’ તરફ દૃષ્ટિ કરી. નેત્રસંજ્ઞાથી બંનેને ત્યાં બેસવાનું જણાવ્યું.

------------------------

*લગભગ તમામ િતિહાસકારોએ આ ‘દાબશલીમ’ની દંતકથા થોડાઘણા ફેરફાર સાથે આપી છે. એ દંતકથા પ્રમાણે મહમૂદગજનવીએ રાજ, આ દાબશલીમને સોંપ્યું હતું. દાબશલીમ શબ્દ દુર્લભસેન માટે હોઈ શકે. તે વખત સુધી એ સાધુ તરીકે જીવંત હોય તે તદ્દન શક્ય છે. જો કે દ્વાશ્રય પ્રમાણે તો નાગરાજ અને દુર્લભરાજ તો થોડા વખતમાં જ મરણ પામ્યા હતા. પણ તેથી તેઓ રાજગાદી છોડ્યા પછીના આટલા ટૂંકા ગાળામાં જીવંત હોય તે શક્યતા ઊડી જતી નથી. આ દાબશલીમ-દુર્લભસેન હોય, તો પ્રચલિત દંતકથામાં બે દુર્લભરાજ-બે દાબશલીમની વાત આવે છે. તેથી વાત ગોટે ચડે છે. પણ લોદ્રવાનો રાવળ વચ્ચરાજ (રાવળ બેચર. દુ. શાસ્ત્રી કહે છે તે) વલ્લભરાજનો જમાઈ હતો. તો એનો પુત્ર દુસલરાજ હતો. પાટણના મહારાજ દુર્લભરાજ, ને આ દુસલરાજ એ બે પાટણની ગાદીના નિકટના વારસ ગણાય, એ બંને નામો દુર્લભરાજ ને દુસલરાજ, તુરુષ્કોને એકસરખાં જ લાગે. એ દૃષ્ટિએ જોતાં બે દાબશલીમની વાત દંકથા જેવી છે. છતાં, કાંઈ સત્યનો અંશ જાળવી રહે છે.

ભીમદેવનો કાકો, ભીમદેવનો ભાણેજ, એ બે જ વારસ ગજનવીની દૃષ્ટિએ પડે એ સ્વાભાવિક છે. કાકો વધારે. ને તો વલ્લભની દીકરીનો દીકરો પાટણ ઉપર દાવો કરતો આવશે, એ ફરિયાદ પણ સ્વાભાવિક ઠરે.

મહમદ ગજનવી પાછા ફરતાં ત્યાં જાટો સાથે લડ્યો છે, એ પણ સૂચક છે. છતાં આ કલ્પના જ છે. વધારે માહિતી શોધાય તો વધારે હકીકત મળી રહે. બંને ત્યાં સામે બેઠા. દુર્લભસેન મહારાજ ધરતી તરફ જોઈ રહ્યા હતા. એમનાં નેત્રમાંથી હજી પણ જાણે કરુણા જ વરસી રહી હતી.

દામોદરને લાગ્યું કે શસ્ત્ર ઊતરાવે એવી કોઈ કરુણા શાસ્ત્રોમાં આવે છે. તે આવી જ હોઈ શકે. એને પોતાની અશક્ય વાતની કલ્પના હવે આવી. દુર્લભરાજ મહારાજ તૈયાર ન થાય તો શું થાય ? બચ્છરાવ રાવળનો સંદેશો આવ્યો છે, એટલું સારું છે. નહિતર ગર્જનકને જો વખત મળે તો એ મહારાજના ભાણેજ દુસલરાજને જ શોધી ન કાઢે ?

અત્યારે તો કદાચ નહિ, પણ ભવિષ્યમાં એ વસ્તુ ઊભી થાય તો પાટણમાં ભયંકર ઘર્ષણ* આવે.

દામોદરે દુર્લભ મહારાજને કોઈ પણ હિસાબે પોતાના કામ પૂરતો ભેખ છોડાવવાનો નિર્ણય કરી લીધો. અત્યારે અને ભવિષ્યમાં પાટણને ઉગારવું હોય, તો રસ્તો આ હતો.

દુર્લભરાજ મહારાજે થોડી વાર પછી રા’ અને દામોદર બંનેની સામે જોયું. એમની આંખમાં અમી છલકાતું હતું. દામોદરને એમની આંખ તદ્દન જુદી જ લાગી. દુર્લભરાજ મહારાજ અવસાન પામ્યા હતા. સાધુ દેવશીલ જન્મ્યા હતા. દામોદર એ જોઈ રહ્યો. એટલામાં દેવશીલ મહારાજ બોલ્યા. એમના શબ્દો શાંત, એકદમ સ્વસ્થ, શુદ્ધ અને પ્રેમભરપૂર હતા.

‘બોલો આતમરામ ! કેમ આવ્યા છો ?’

દામોદર આ સંબોધનથી જ મોટી ચિંતામાં પડી ગયો.

‘પ્રભુ ! મને તમે ન ઓળખ્યો ! હું દામોદર ! આ મારી સાથે છે એ રા’ નવઘણજી ! જૂનાગઢના. તમે અમને ઓળખ્યા નહિ કે શું ?’

‘જ્યાં ક્યાંય કોઈ નામ રહ્યું નથી. અને રહેવાનું નથી, ત્યાં નામનું શું મહત્ત્વ છે ? શું કામ છે એ કહો ને !’

--------------

*આવું ઘર્ષણ સિદ્ધરાજ કુમારપાલના જમાનામાં આવ્યું હતું પણ ખરું. એમાં ગાદીના વારસ ભત્રીજા ને ભાણેજનો પ્રશ્ન હતો.

‘હું આપને મળવા આવ્યો છું.’ દામોદર બોલ્યો : ‘મહારાજે સોમનાથની વાત તો સાંભળી હશે નાં ?’

દુર્લભ મહારાજને વાત રુચિ હોય તેમ લાગ્યું નહિ. તેણે ધીમેથી ડોકું ધુણાવ્યું : ‘સાંભળી છે પણ હું સંન્યાસી છું ! સંન્યાસીને કોઈ વેરી નહિ, કોઈ મિત્ર નહિ.’

‘પણ આ તો ગર્જનકની વાત છે. હજી એ પાટણમાં બેઠો છે. એ પાટણ છોડવા ન માગતો હોય તેમ જણાય છે, એટલા માટે મહારાજ ભીમદેવ પોતે તમને આંહીં મળવા માટે આવવાના હતા, પણ ત્યાં સૈન્યરચના કરવામાં રોકાઈ ગયા. એટલે હું આવ્યો. મારે આપને...’

પણ જૂનાં સંસ્મરણોની કોઈ વાત દેવશીલ મહારાજને ખપતી ન હતી. દેવશીલ મહારાજે એક હાથ ઊંચો કરીને દામોદરને આગળ બોલતો અટકાવી દીધો :

‘દામોદર ! તમે કે રા’ અનોખી દુનિયાની કોઈ વાત જાણવા આવ્યા હો, તો કાંઈક બોલો. નહિતર આ તો ભગવાન મહાકાલનું અપમાન થાય છે. અનંતને ઓળખવાની તાલાવેલી હોય, તો જ શબ્દનો વ્યાપાર કરવો ઠીક છે. નહિતર મૌનના જેવો આનંદ બીજો એકે નથી !’

દામોદર અસ્વસ્થ થઈ ગયો. સાધુ દેવશીલ મહારાજ તો લેશ પણ પગલું આગળ માંડતા જ ન હતા. એમાં વાત જ શી રીતે થાય ? જાણે ઓળખતા જ ન હોય તેમ એમની આંખ પણ તદ્દન નિર્લેપ, શાંત, સ્વસ્થ, પોતાનામાં રમમાણ જણાતી હતી. જયપાલે એને કહ્યું હતું, ત્યાં દુર્લભરાજ મહારાજ છે. જ નહિ, એ સાચું હતું. એણે પોતે જે દુર્લભરાજ મહારાજને નડૂલમાં જોયા હતા તે ત્યાં નહિ હોય એ તો એ જાણતો હતો. પણ આટલી બધી પોતાની વાતને, દેવશીલ મહારાજ, રોળીટોળી નાખશે, એની એને નવાઈ લાગી.

દામોદરે વધુ એક પ્રયત્ન કર્યો : ‘જુઓ મહારાજ દુર્લભરાજ !’ એ જાણી જોઈને જૂનું નામ વધારે મોટેથી ને કાંઈક વેગથી બોલ્યો : ‘જુઓ મહારાજ દુર્લભરાજ ! ચૌલુક્યોમાં ગાદીત્યાગ બબ્બે પેઢીથી થતો આવ્યો છે. તમે કાંઈ આ નવી પ્રણાલિકા સ્થાપી નથી. પણ મહારાજ મૂલરાજદેવ જેવા જે દર સોમવારે આ મંડલીગ્રામમાં ભગવાન સદાશિવને પૂજવા આવતા, તે પણ સમજતા હતા કે ધારણ કરેલા ત્યાગધર્મ કરતાં પણ, એક ધર્મ મોટો છે અને તે જાતજન્મધર્મ. મંદિરને પડતું બ્રાહ્મણ જોઈ રહે. પ્રજાને લૂંટાતી ક્ષત્રિય જોઈ રહે. દુકાળપીડિત મરનારાઓને વૈશ્ય જોઈ રહે. અને જાતશ્રમની આળસથી દેશને રંક બનતો શૂદ્ર જોઈ રહે, ત્યારે જાણવું કે હવે દેશના રામ બોલો ભાઈ રામ થઈ ગયા છે. હવે એના પ્રાણ પરવારી ગયા છે. તમે મહારાજ ! સાધુસંન્યાસી થયા છો, પણ અત્યારે તમારા મૂળ રૂપનો અમને ખપ પડ્યો છે તેનું શું ? હું તમને એ કહેવા માટે આવ્યો છું. આ નવઘણજી રા’ પણ એટલા માટે જ આવ્યા છે. આપણે કોઈક જુક્તિ નહિ કરીએ, તો ગર્જનક આ દેશમાંથી કદાપિ પણ જશે નહિ. કાળી ટીલી તમારે નામે ચડશે. ભાવિ પ્રજા તમારા નામ ઉપર ફિટકાર વરસાવશે. તમે ચૌલુક્ય સિંહાસનને છેહ દીધો કહેવાશે. તમે નિર્વશ હતા, માટે રાજા ભીમદેવનું નિકંદન... તમે... ઉપર ઊભા... રહી...’

‘દામોદર ! તું ઊઠીને...’ પછીનું વાક્ય દેવશીલ મહારાજ બોલ્યા નહિ. તે ધરતી ભણી જોઈ ગયા. દામોદરને આ જ જોઈતું હતું. એ આનંદી ઊઠ્યો. અજાણ્યા એકાકી જોગપંથીની પગદંડીમાંથી દુર્લભરાજે, જાણીતા સ્વજનો ભણી જરાક તો પગ માંડ્યો હતો. એને એટલું જ જોઈતું હતું.

‘મહારાજ ! હું જે બોલી રહ્યો છું તે તમારી નિંદા માટે નહિ. દેશ હાલહવાલ થઈ ગયો છે, ગર્જનક જ્યાં જ્યાં ગયો છે ત્યાં ત્યાં એણે પોતાને અધીન રાજાઓની હાર ઊભી કરી છે. એટલે એને આંહીંથી કાઢવો હોય તો કાં મહારાજ ભીમદેવે અધીનતા સ્વીકારવી રહી, પોતાની ટચલી આંગળી* કપાવવી રહી, ચૌલુક્યોની સ્વતંત્રતા ખોવી રહી અથવા તો અત્યારે એમના ઉપરનો આ ઘા, પોતાના ઉપર ઝીલી લઈને, રાજગૌરવને ખંડિત ન થવા દેવા માટે કોઈકે આગળ આવવું રહ્યું. તે વિના ગુજરાત નહિ બચે.’

-------------------

*મહમૂદ ગવનવી ઘણી વખત અધીનતાની નિશારી તરીકે ખંડિયા રાજાની ટચલી આંગળીનું ટેરવનું માગતો. અધીન રાજા સ્વહસ્તે એ કાપી દેવો. એવી ઘણી ટચલી આંગળીઓ એણે ભેગી કરી હતી.

‘પણ કોણ આગળ આવે, દામોદર ?’

‘કોણ આગળ આવે ? પરંપરાથી વાત જાણીતી છે કે પુત્રને બચાવવા માટે પિતા જ આગળ આવે. બીજું કોણ આવે ? મહારાજે પોતે આગળ આવવું રહ્યું.’

‘એટલે ? મારે ભેખ છોડવો એમ ? સંન્યસ્ત છોડવું ? જે અધર્મ શાસ્ત્રકારોએ નિંદ્ય માન્યો છે તે મારે કરવો ? તું બ્રાહ્મણ ઊઠીને મને આવી સલાહ આપે છે ?’

‘હું નથી આપતો, મહારાજ ! સોમનાથના મઠપતિજી જેવા મઠપતિજી પણ એ જ કહે છે.’ ‘મઠપતિજી કોઈ દિવસ એ કહે જ નહિ. મેં રાજ છોડી દીધું છે. હું સંન્યાસ છોડી શકતો નથી. તેં તારા આત્માને પૂછ્યું છે ?’

‘હા, મેં પૂછ્યું છે !’ દામોદરે જવાબ વાળ્યો : ‘મેં પૂછ્યું છે, મહારાજ ! અને ત્યાંથી મને એક જ જવાબ મળ્યો છે.’

‘શું ?’

‘કોઈ આગળ ન આવે, ચૌલુક્યોની ગાદી પોતાનું ગૌરવ ગુમાવે, તારા વખતમાં પાટણ પરાધીન બને, તો હે મંત્રી ! તારે માટે એક જ માર્ગ હોઈ શકે.’

દુર્લભરાજ મહારાજ સાંભળી રહ્યા. એમને ભીમદેવ પ્રત્યે અગાધ પ્રેમ હતો. પણ દામોદરની વાત એમને રુચતી ન હતી.

‘શું માર્ગ હોઈ શકે ?’

‘પ્રભુ ! એક જ માલવાના મુંજ મહારાજને વારી ન શકવાથી જે માર્ગે એનો મંત્રી રુદ્રાદિત્ય ગયો, એ એક જ માર્ગ મારે માટે હોઈ શકે - જીવતાં બળી મરવાનો. ગુજરાતને બચાવી ન શકું, તો મારે-મંત્રીએ-જીવતું બળવું રહ્યું !’

‘અરે !’

‘હા પ્રભુ ! બીજું શું થાય ? જળસમાધિ આરામ ગણાય, ભૂમિસમાધિ શાંતિ ગણાય. અગ્નિસમાધિ એક જ માર્ગ, મારા જેવા માટે હોઈ શકે. અને હું આંહીં આવ્યો છું જ એટલા માટે. મહારાજ મૂલરાજદેવે અગ્નિપ્રવેશ કર્યો હતો. એમનું આ ધામ છે. એમણે આ રચ્યું છે. તમે ના પાડો, એટલે બીજા કોઈકને ગર્જનક રાજવારસ ગણે તેમ છે નહિ. અને બીજો રાજવારસ પોતે આંહીં સ્થાપ્યો એ વાત ન થાય, તો એ જાય તેમ નથી. પછી કાં તો એ આંહીંથી જશે જ નહિ. અને છતાં જશે, તો આંહીં પગદંડો રાખતો જશે, પાટણ રંડાશે, પરાધીન થશે, એનો રાજા ગૌરવ ખોશે. ગુલામ હશે.’

‘એ પગદંડો તમે કાઢી નાખજો. બીજું શું ? ખરો રસ્તો એ છે... આ નહિ, દામોદર !’

‘એ રસ્તે તો એ જાય તો ને પગદંડો એવો મૂકે તો. પણ ન જ જાય તો ? વિલંબમાં ને વિલંબમાં એને આંહીં રહેવાનું ગમી ગયું, તો ? ને ગમી જશે. આ તો એને, આ બધી લૂંટ કાબુલિસ્તાન ભેગી કરવી છે, એટલે એ લૂંટાયા વિના પાછો ફરવા માગે છે, એટલે જાય તેમ છે. એ માટે એ ભોમિયા શોધે છે. મહારાજ ! તમે તો આ સંન્યસ્ત છોડવાની વાત આવતાં અધર્મથી ધ્રૂજો છો, પણ ત્યારે સાંભળો, ખુદ સોમનાથ ભગવાનના પૂજારીનો ધર્મ-પુત્ર પોતે, અમને મદદ કરવા તૈયાર થયો છે એનું શું ? એ ભોમિયો થવાનો છે. મરણનો ભય છોડીને એ નવજૂવાન સંધની રણરેતમાં સુલતાનને દોરવાનો છે... એનો દગો જણાશે, ત્યારે સુલતાન એને રેતમાં જીવતો ભંડારી દેશે, એ એ જાણે છે છતાં એ તૈયાર થયો છે. જીવતો ભંડારાઈ જવા. અને તમે ? થોડો વખત શું વેશ ન છોડી શકો !

‘અરે દામોદર !’

‘એમ નહિ મહારાજ ! મેં માંડ માંડ ચારે તરફથી બધી સામગ્રી ભેગી કરી છે. આ રહ્યા રા’, પૂછો એમને. રા’ એમની રાણકી આપવાના છે... ભોમિયાઓને વાપરવા માટે. પોતાની સાંઢણીને મારવા મોકલનારને પાપ નહિ લાગે ? એનો એ વિશ્વાસઘાત દુનિયાનો નાથ જવા દેશે ? અને જે કોઈનાથી ન બને, જૂનાગઢની અજિત ગિરિમાળાના કીર્તિધ્વજમાં જે કલંક સમાન ગણાય. એ પણ નવધણજીએ કરી બતાવ્યું છે. લાખ્ખો દ્રમ્મ ખરચતાં ન મળે તેવો પોતાનો ઘોડો, એમણે સુલતાનની છાવણીમાં મોકલવા માટે અમને સોંપી દીધો છે. તમે જાણો છો મહારાજ ! કે રા’નો ઘોડો એટલે શું ? એનો કિલ્લો.’

‘મહારાજ !’ રા’એ કહ્યું : ‘દામોદર મહેતાની વાત સાચી છે. બધું ગોઠવાઈ ગયું છે. તમે રાજા થવા આગળ આવો, એટલે તમારે નામે હમ્મીરને વાત કહેવા સારુ કુમારપાલજી જાય. આ બધી વાતનો મેળ જોતાં. મને તો એમાં ભગવાન સોમનાથની પ્રેરણા કામ કરતી લાગે છે. મઠપતિજી જેવા મઠપતિજી માન્યા છે ને !’

‘શું માન્યા છે ?’

દામોદર તરત ઊભો થયો. એણે આવતાં પહેલાં અઘોરરાશિને ત્યાં બહાર ઊભો રાખ્યો હતો. ‘અઘોરરાશિજી ! આવો તો, મહારાજને મઠપતિજીનો પત્ર આપવાનો છે, તે ક્યાં છે ?

અઘોરરાશિએ એક પટ્ટલેખ મહારાજ દુર્લભરાજના હાથમાં દીધો. વાંચીને મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા લાગ્યા.

‘શું વિચાર કરો છો પ્રભુ ? મઠપતિજી બોલ્યા છે, ભગવાન સદાશિવનાં ભીષણ રૂપને પૂજવા માટે આ બધી સામગ્રી છે. એમાં સંન્યસ્તત્યાગ એ કોઈ વસ્તુ નથી. ન માનતા હો તો મહાન કાલિકાચાર્યને સંભારો ! કેટલી શક્તિ ? કેવો ભેખ ? કેવો ભેખત્યાગ ? યુગ અત્યારે તમારી પાસે આ માગે છે !’

‘ભીમદેવ જેવો ભીમદેવ, દામોદર ! તારી પડખે ભીમદેવ ન રહ્યો !’ મહારાજ દુર્લભરાજને હવે લાગી આવ્યું. ‘છેવટે તેં બ્રાહ્મણે - આ રસ્તો બતાવ્યો ?’

‘પણ શા માટે પ્રભુ ? તમે ભૂતકાળ યાદ કરો. ઉયાભટ્ટે શું કહ્યું હતું ? અરધી સદીમાં ગુજરાતને ભારતવિખ્યાત મહાન રાજ બનાવવાનું કોના ભાગ્યમાં છે ? એ ભાગ્યવિધાતાને જાળવવાનો આ મારો પ્રયત્ન છે. બાકી આ નવઘણજી રહ્યા, એમનું સાંઢણીદળ તૈયાર થઈ રહ્યું છે. મહારાજ પણ ત્યાં ચઢવાના છે. મરજીવા ભોમિયા હમ્મીરને દોરનારા છે. તમારી હા ઉપર... બધો આધાર છે. તમે વાત હમ્મીરની સ્વીકારી લો, આ ભેખ બે ઘડી છોડી દો, એના અધીન રાજા થઈ રહો, રાજ્યખંડણીને સ્વીકારો, પાર પડે તેમ છે. બોલો મહારાજ ! તમારો શું જવાબ છે ? પળેપળ કીંમતી છે.’

મહારાજ દુર્લભરાજ હવે વિચારમાં પડી ગયા. એને દામોદરનો પરિચય તો હતો જ. બાર બાર વર્ષથી એ બ્રાહ્મણ ભીમદેવને પડખે ચડ્યો હતો. એણે પાટણની કૈંક ઊથલપાથલો જોઈ હતી. એનું સ્વપ્ન દુર્લભ મહારાજ જાણતા હતા.

પણ પોતે સંન્યાસી અત્યારે પાટણના શું હતા ? કાંઈ નહિ.

દામોદર મહારાજના વિચારને કળી ગયો. તેણે બે હાથ જોડ્યા : ‘જુઓ મહારાજ ! મારું વર્ષો જૂનું સ્વપ્નું તમે જાણો છો. તમે મને નડૂલમાં જોયો છે. તમારી જ્ઞાનદશાએ પાટણને ઘણું ગૌરવહીન કયું છે, એમ મેં હંમેશા માન્યું છે. હું ભીમદેવ મહારાજને મહાન બનાવવા મથી રહ્યો છું. પણ હજી તો અમે સ્થિર થઈએ તે પહેલાં આ આવ્યું છે. એટલે અત્યારે મદદ કરવી એ તમારો ધર્મ છે. તમે હમણાં જ અમને સત્તા સોંપી છે. ભોજરાજ જેવાએ તો તમને ઉપદેશ આપ્યો છે કે, આ સત્તા આને અકાળે છોડવી એ રાજધર્મ જ નથી. તમે એમ સજી લઈને પણ, અત્યારે આ વાત સ્વીકારી લ્યો !’

દુર્લભમહારાજની સમક્ષ મોટો કોયડો ઊભો થયો. સત્તા સ્વીકારતા નથી તો દામોદરની વાત સાચી પડવાનો ભય હતો. સત્તા સ્વીકારે તો પોતે ધર્મ જ તજી દે છે.

‘દામોદર ! તારા દિલની ઉમેદ મારા ધ્યાનમાં છે, પણ તને ખબર નથી લાગતી કે સંન્યાસી કદાપિ પણ સંન્યસ્ત છોડે નહિ. એ મહા અધર્મ છે, હું સંન્યસ્ત ન તજી શકું.’

દામોદરને લાગ્યું કે આ તો વાત લંબાય છે. તેણે તરત છેલ્લા પાટલે બેસવામાં ઉકેલ દીઠો.

‘થયું ત્યારે, ઊઠો રા’ નવઘણજી ! આપણે બહાર ચિંતા ખડકીએ. હું બળી મરું. તમે સાંઢણીદળ દોરીને કેસરિયાં કરો. ભીમદેવ મહારાજને મારા પ્રણામ કહેજો. કહેજો કે દામોદર પણ, કેસરિયાં કરવા આવત. પણ એને તો પ્રાયશ્ચિત કર્યે છૂટકો હતો. એટલે ત્યાં બળી મર્યો. ઊઠો રા’ મહારાજનું સંન્યસ્ત ભલે અમર તપે ! બીજું શું થાય ?’

રા’ નવઘણજી ઊભો થઈ ગયો. તે અત્યાર સુધી બહુ બોલ્યો ન હતો. તેણે પોતાની તલવાર ઉપર હાથ મૂક્યો : ‘મહારાજ ! આના સોગન ખાઈને કહું છું કે અમને પણ જવામાં જે મજો આવે છે, તે આમાં નથી આવતો. પણ કરવું શું ? આ બ્રાહ્મણમંત્રીના મનમાં કોણ જાણે ક્યાંથી કોઈક વાત આવી છે. એ બોલ બોલ ક્યાં જ કરે છે. ‘ગુજરાતને મહાન બનાવવું છે. ગુજરાતને ભારતભરમાં સ્થાન અપાવવું છે. માત્ર ગુજરાતના રાયે જ તુરુષ્કોને કોઈ દિવસ નમતું આપ્યું નથી. હમ્મીરનો આ ઘા જાળવી લો. ગુજરાતનો અણનમ ધ્વજ પછી લહેરાશે. એક દશકો સાચવી લ્યો.’ આ વાત છે માનવી ન માનવી મહારાજની ઇચ્છા. એ આંહીં બળી મરશે. બ્રહ્મહત્યા મહારાજને કપાળે ચોંટશે. અપકીર્તિ થાશે. ગર્જનક ફાવી જશે. મારે શું છે ? હું તો એની રાખોડી ભેગી કરીને દામોકુંડમાં નાખી આવીશ. પણ એ જશે, એની સાથે પાટણનું ગૌરવ પણ જશે. મહારાજથી એ અજાણ્યું નથી. હું એની ભેગો કાંઈ અમથો નથી હાલ્યો !’

દુર્લભરાજ મહારાજ ઊંડા ઊંડા ઊતરી ગયા. દામોદરે એટલો બધો પથારો પાથર્યો લાગતો હતો કે હવે એમાં પગલું લીધે જ છૂટકો હતો. તેમનું મન ઊંડે ઊંડે ઊતરી ગયું. આ બ્રાહ્મણે, પાટણ માટે ભીમદેવ માટે જે કર્યું હતું તે કોઈ જ ન કરે. ભીમદેવની મા લક્ષ્મીદેવીનો એ પડછાયો જ રહ્યો હતો. ભીમદેવને એણે જ સ્વપ્નાં આપ્યાં હતાં. એની વાત હંમેશાં સફળ નીવડતી. અત્યારે પણ, એની વાત જ સાચી હતી. તે ધીમેથી બોલ્યા :

‘દામોદર ! તેં ભારે કરી છે. પણ હવે શું થાય ? આનું પાપ...’

‘મારે માથે મહારાજ !’ દામોદરે ત્વરાથી કહ્યું : ‘માત્ર આ પાપ જ નહિ, મારી આ યોજનાને અંગે જેટલાં પાપ થાય, તે બધાં મારા માથે. પછી છે કાંઈ કહેવાનું ?’

‘અરે ! દામોદર ! તું તો હજી એવો ને એવો રહ્યો. તેં મારી ફજેતી આદરી છે. પણ ચાલ, બોલ, શી વાત છે ? મારે ક્યાં જવાનું છે ? કેવી રીતે જવાનું છે ? કોને મળવાનું છે ?’

‘તે બધી વાત હવે આપણે નિરાંતે ગોઠવીએ છીએ. આ અઘોરરાશિજીને સંદેશો આપીને પહેલાં રવાના કરી દઈએ. એટલે કુમારપાલજી ને મહારાજ જાણી લે. કુમારપાલ તમને આંહીં મળવા આવશે.’

થોડી વાર પછી અઘોરરાશિ ત્યાંથી ઊપડી ગયો. અને મંડલીશ્વરની જોગગુફામાં દામોદરે દુર્લભ મહારાજને પોતાની વાત સમજાવવા માંડી.

દુર્લભરાજ મહારાજ દામોદરની વાતનો અક્ષરેઅક્ષરે ધ્યાનથી સાંભળી રહ્યા. કુમારપાળ આંહીં મંડલીગ્રામ આવે, ત્યાર પછી એની સાથે પાટણ જવાનું હતું. પરંતુ દરમ્યાન પોતે અનુષ્ઠાનમાં બેસવાના છે, એ વાત આંહીં ફેલાઈ જવી જોઈએ. દેવતીરથ તેને માટે યોગ્ય માણસ હતો.

બીજે દિવસે દામોદર ને રા’ ઊપડવાના હતા. દામોદર ફરીને મહારાજ દુર્લભરાજને મળી આવ્યો. તેમને આ નિર્ણયની મહત્તા સમજાવી. જો ભીમદેવ મહારાજના પાટણનું ગૌરવ ભવિષ્યમાં વધે તેવું કરવું હોય તો આ એક જ રસ્તો રહ્યો હતો.

રા’ દુર્લભરાજની રજા લેવા ગયા ત્યારે બંને પ્રેમથી ભેટી પડ્યા.

જૂની વૈરવાતને એ વીસરી ગયા હતા.

દુર્લભરાજ મહારાજ હવે ડગે તેમ નથી, એ ખાતરી થયા પછી જ બંને નીકળ્યા. રા’ નવઘણ ને દામોદર બંને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે જ પાછા વળ્યા. એ રસ્તો નિર્ભય લાગ્યો હતો. તે નિર્વિઘ્ને પહોંચી ગયા, પણ કુમારપાલજીને મોકલવાનું કામ કરવાનું હજી બાકી રહ્યું હતું.

ભીમદેવ મહારાજને દામોદરની સફળતા વિષે શંકા રહેતી હતી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દુર્લભમહારાજે જ્યારે ભેખ જેવો ભેખ છોડવાની તૈયારી બતાવી છે, ને પાટણ જવાના છે, ત્યારે એને આશ્ચર્ય થયું !

કાકાનો પોતાના તરફનો પ્રેમ એમણે જાણ્યો હતો. પણ આ અવધિ હતી. દુર્લભ મહારાજ જ્ઞાનમાર્ગ તજે, એ જેવી તેવી વાત ન હતી.

પછી દામોદર કુમારપાલને મળ્યો. તેને પોતાનું કામ સફળ થયાની વાત કરી. ડોસાને તે દિવસે વાતની જે અસર થઈ હતી તે હજી ભૂંસાઈ ન હતી. તે આનંદી ઊઠ્યો.

એને મંત્રીની અટપટી વાતમાં કોઈ દિવસ કાંઈ બહુ ગતાગમ પડતી નહિ. પણ એણે આ વાત બહુ જ ધ્યાનથી સાંભળવા માંડી.

દામોદરની વાતમાં પહેલાં તો કુમારપાલને કાંઈ સમજ પડી નહિ. દામોદરે એને શાંતિથી સમજ પાડી.

‘જુઓ, કુમારપાલજી ! તમારે સુલતાન પાસે જવાનું. મહારાજ દુર્લભરાજ રૈયતના ત્રાસે ત્રાસી ગયા હતા, ને રાજ છોડ્યું હતું, પણ તે હવે રાજ પાછું લેવા તૈયાર થયા છે. સુલતાનની ખંડણી પણ કબૂલે છે. પણ તમારે સુલતાનને કહેવું કે, એક બીજો હક્કદાર પણ છે.’

‘કોણ ?’

‘કોઈ નહિ. પણ એ તો આપણે સમજવાનું છે. સુલતાનને કહેવાનું કે દીકરીના હક્ક લેખે લોદ્રવાવાળા આંહીં દોડે. જો દુર્લભરાજ મહારાજ હવે પાછું રાજ સ્વીકારે તો, એ ક્યાં ખાતરી કરવા બેઠા છે ? એટલે એ બીજા હક્કદાર દુસલરાજને, તમારા રસ્તામાં આવે છે એટલે તમે વશ કરતા જાઓ, તો અમે ખંડણી કબૂલ કરીએ ને આંહીં રહીએ. આંહીંના બધાને અમે પહોંચી વળીશું, સુલતાને, અમે મદદ માગીએ તો, તરત આપવી.’ વાતનું ઊંડાણ સમજતાં કુમારપાળ ઘડીભર ક્ષોભ પામી ગયો. ‘પણ સુલતાન માનશે ?’

‘તમને મોકલીએ છીએ જ એટલા માટે, કુમારપાલજી ! તમારી વાત એને કુદરતી લાગવી જોઈએ. બધે આ વાત બને છે. રાજ છોડ્યા પછી, હવે દુર્લભ મહારાજને, રાજનો મોહ લાગ્યો છે, માળવાવાળા પણ એમ ઇચ્છે છે. ભીમ મહારાજ કજિયાળા છે. કોઈ એની સાથે મેળમાં નથી. આ બધી વાત કરાય. પછી જેવો મોકો. એને એ કુદરતી લાગે એટલે બસ. આંહીં તમને કહેવું બધું નકામું. એ તો ત્યાં જેવા પડશે, તેવા દેવાશે, એમ રાખવું, બાકી, એક બીજી વાત એ ઉખેળશે ?’

‘શું ?’

‘એ મહારાજની ટચલી આંગળીનું ટેરવું માગશે. મહારાજ દુર્લભરાજ અધીનતા સ્વીકારે છે. એની એ નિશાની રાખે છે.’

‘તો તો ભારે થાય ! ટચલી આંગળીનું ટેરવું આપે એટલે તો નાક વાઢી આપ્યું ગણાય !’ ‘એનો જવાબ એમ વાળવાનો, કુમારપાલજી ! કે તમારા ગયા પછી આ વાત ગઢબીટલીમાં ભેગા થયેલા જાણે, તો અમારા ઉપર સૌ દોડે. તમારી આપેલી સત્તા પૂરા પંદર દી પણ ન રહે. તો ખંડણીનું વચન કોણ આપી શકે ?’

દામોદરની વાત કુમારપાલ મનમાં ઉતારી ગયો. પણ ડોસાને લાગ્યું કે આ કામ મરણથી પણ આકરું છે, કારણ કે એમાં ડગલે ને પગલે અપમાનની વાત છે. તલવારનો તો ખપ જ નથી.

દામોદર તેની વાત કળી ગયો. તે ધીમેથી બોલ્યો : ‘તમને કેવા કામમાં જોડું છું, એ વાત મને આંહીં બેઠી છે, કુમારપાલજી !’ દામોદરે છાતી ઉપર હાથ મૂક્યો : ‘પણ આપણે એક વખત આ વાત સંભાળી લઈએ, તો ભગવાન સોમનાથ ચક્રવર્તીપદ ાપશે. આપણું સોમનાથનું ભવ્ય મંદિર આપણે જોઈ શકીએ એટલા માટે મારી આ મહેનત છે. મારે ભીમદેવ મહારાજનું ગૌરવ ખંડિત થવા દેવું નથી.’