અંધારપટ Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારપટ

અંધારપટ

મારું ગામ સરહદ પાસે આવેલું છે. છેલ્લાં એક વરસથી એ કબ્રસ્તાન જેવું છે. માંડ દસપંદર કાચાપાકા મકાનો છે. ઠેર ઠેર કાટમાલ પથરાયો છે. ભર બપ્પોરે નીરવતાનો છવાઈ જાય છે અંધારપટ! અને રાતે ડરાવી જાય શમણાનાં હાડપિંજરો. સવાર ઊગે પ્રશ્નાથ ચિહ્ન લઈને! મારા જેવી વ્યક્તિઓ માંડ માંડ નજરમાં આવે. સૂરજ ઊગે કે ના ઊગે પણ સરહદ પારથી ગમેત્યારે તોપ ગર્જી ઊઠે.

સારું થજો મારા પુત્રનું કે અમારા કુટુંબ પર કોઈ મુસીબત ન આવે તે માટે બચેલી મૂડીને વાપરી નાખી ઘર બનાવવા માટે. ખંડેર શું ઘર નવું બનાવ્યું. ઘર નીચે ભોંયરું. આ ભોયરું શા માટે એ પ્રશ્ન મારા પુત્ર આદિલને પૂછ્યો. મારી સામે જોઈ રહ્યો. મારા ખભે હાથ મૂકી ઉદાસી ઓઢીને બોલ્યો,

“ અબ્બાજાન, ઘરથી દૂર, મને તમારા સૌના વિચારો આવ્યા કરે છે. ટી. વી. પરનાં સમાચારો,સરહદ પારથી થતી ફાયરીંગ અંગેના, મને સુવા દેતા નથી. તેથી આ બંકર બનાવ્યું છે. તમારા સૌની સલામતી માટે. ” કહી આકાશને જોઈ રહ્યો. અમને, ખાસ કરીને મને કહી રહ્યો હતો કે અમે આ ગામ છોડી બીજે જતા રહીએ. અને હું મારી ફીલોસોફી સમજાવી રહ્યો હતો, “ બેટા, જિંદગી કી દોર ખુદા કે હાથમેં હૈ” અને હું જોયા કરતો મારા પુત્ર આદિલને ધડકતા શ્વાસોશ્વાસે. ત્રણ ત્રણ પેઢીનો ઈતિહાસ લઈને ઊભેલ મારા ઘરને હું છોડવા માંગતો ન હતો. “ જૈસી આપકી સમજ . કલ મેરા આખરી દિન હૈ. ” કહી અગાસી પર જઈ લહેરાતી પવનની લહેરમાં ઝૂલી રહ્યો હતો. અચાનક સ્મશાનવત શાંતિ ધ્રૂજી ઊઠી. ફાયરીંના ધમાકા વચ્ચે બાપ,પુત્રની ચીચીયારી ગર્જી ઊઠી. “બેટા, આદિલ. . ” “અબ્બાજાન. . ” “ સંભલ કર . . ”

ચારેબાજુ ઘુમાડાનાં ગોટેગોટા…ફાયરીંગના ધમાકા, વચ્ચે યા ખુદાની વિનંતી ભરી આજીજી. .

સવારે આંખ ખૂલી. આદિલ ટૂંટીયું વાળીને ખૂણામાં બેઠો હતો.

મને જોતાં બોલી ઊઠ્યો, “ કમાલ હૈ? રાતભર આપ સબ આરામસે સૌતે રહે ઔર મૈં ડરકે છાયામેં ! ઈતની ફાયરીંગ કે બીચ “

હસતાં હસતાં મેં સમજાવ્યું કે રોજની આદત સે. કશું નહીં થાય કહી તેનો ડર કાઢવાનો મેં પ્રયાસ કર્યો. જતાં જતાં વિનંતી કરતો ગયો કે આ ગામ અમે જેમ બને તેમ જલ્દી ખાલી કરી બીજે રહેવા જતા રહીએ. એનું કહેવું યથાર્થ હતું. સ્મશાન શી શાંતિ, નીરવતાનો અંધારપટ, ના ભવિષ્ય, સતત મૃત્યુનો પડછાયો, જીવનજરુરિયાત ચીજોનો અભાવ, અને રોશની વગરનો અંધકાર. . એ કેમ સહી શકે?

એ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી ઘરમાં ચહલપહલ હતી. એ એની અમ્મા સાથે, એનાં નાના ભાઈ સાથે લાગણીનાં ઝૂલામાં ઝૂલીને પળબેપળની મુલાકાતને માણી રહ્યો હતો. એ મારી સાથે વાતો કરતો પણ ડરતાં ડરતાં. અમે એકબીજાને જોયા કરતાં. તે શું કહેવા માગે છે તે હું સારી રીતે જાણતો હતો પણ એક મર્યાદા જાળવી કહી ના શક્યો કે, “ અબ્બાજાન, આપકો યહાં સે નિકલના હોગા. . ” વિદાય લેતી વખતે માંડ બે શબ્દો બોલેલો, “ ખયાલ રખના. . ”

દુશ્મની,અદાલત, યુધ્ધ નો અંદાજ શું આવે છે તે સૌ જાણે છે, છતાં આ માનવ જાત તેનાથી મુક્ત થતી નથી અને કારણ વગર આગમાં હોમાઈ જાય છે, કાલ્પનિક સુખ ખાતર! અમારું હરિયાળું ગામ આજે જીવી રહ્યું છે જર્જરિત અવસ્થામાં! મને મારા જન્મભૂમિ પ્રત્યે મોહ છે, પુત્રને એનાં અમ્મી અબ્બા પ્રત્યે! આમ અમે બંને મોતનાં ડર વચ્ચે જીવી રહ્યાં છીએ. એનાં માટે મોત કાલ્પનિક છે જ્યારે અમારા માટે મોત વ્હેંત છેટું.

બે દિવસથી શાંતિ છે. જીવનજરુરિયાતની ચીજો લઈને આવતો કરીમ ની અમે રાહ જોઈ રહ્યાં છીએ. ભૂખ્યા રહેવું આદત બની ગઈ છે. આમ જુઓ તો અમે દુનિયાનાં સંપર્કથી દૂર ધકેલાઈ ગયાં છીએ. ઊડતી ખબરો અમારું મનોરંજન છે. ના ટી. વી. ના નેટ વર્ક ના રેડિયાનાં તરંગો! અગાસીમાં ઊભો ઊભો રહીમ ઈંતજાર કરી રહ્યો છે. આ ઈંતજાર પણ અમારા માટે આર્શિવાદ સમાન છે. ભૂખ, તરસ, વેદના ભૂલી જવાય છે. . હમણાં આવશેનાં શમણામાં!

અચાનક રહીમ દોડતો દોડતો નીચે આવ્યો. હાંફી રહ્યો હતો.

“ અબ્બાજાન, ચલો, ડબ્બા ( ટીવી) મેં જાન આ ગઈ હૈ. ” ના છૂટકે આંગળી પકડી હું તેની સાથે ઉતાવળા પગલે ફારુખના ઘરે ગયો. કારણ ટીવી ગમે ત્યારે અહીં ઠપ થઈ જતો હોય છે. આ ફારુખની વાત પણ અજબ છે. છતે છોકરાઓએ એ નિરાધાર થઈ ગયો છે. દેશાભિમાનનાં રંગે રંગાયેલો એનો મોટો પુત્ર શહિદ થઈ ગયો. ચારેબાજુ ઉદાસીનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક અમારા ગામે ઉત્સાહ સમો માહોલ ફરી વળ્યો. મુખ્ય પ્રધાન આવી રહ્યાં છે ફારુખનાં ગરીબખાનામાં એ વાતનો વંટોળ ફરી વળ્યો. રાતોરાત મુખ્ય પ્રધાનન માટે ખરબચડી કેડી સમથળ થઈ ગઈ. બદસૂરતીને શણગારી દેવાઈ. સરકારી મશીનરીમાં માતમ ને બદલે ઉત્સાહ ફરી વળ્યો હતો. મુખ્ય પ્રધાનનો રસાળો આવ્યો. વાયદાનો વરસાદ વરસ્યો. વંટોળની જેમ આવ્યાં ને ધૂળ ઉડાડતાં ગયા. હજુ તો ઈબ્રાહિમની કબરની માટી સુકાઈ પણ નહીં હોય, અમે સૌ ફારુખનાં ઘરે ગમગીન ચહેરે સમાચાર જોઈ રહ્યાં હતાં. ત્યાં બ્રેક ન્યુઝ આવ્યાં. અમારા દેશનાં વજીરે આલમ દુશ્મન દેશના વજીરેઆલમને જન્મદિવસની શુભેચ્છા આપવા દોડી ગયાં છે. બંને જણ એકબીજાને ભેટી રહ્યાં છે. આ દ્રશ્ય જોઇ ફારુખનો નાનો પુત્ર ઉશ્કેરાઈ ગયો. ઘરની બહાર જઈને એક પથ્થર લઈ આવ્યો અને ટી. વી. પર ઝીંક્યો. “ યહ તો ના ઈન્સાફિ હૈ અબ્બાજાન. ખૂન કા બદલા ખૂન હોના ચાહિયે ઔર યહાં ક્યા હો રહા હૈ? “ કહેતો ઘરની બહાર નીકળી ગયો. .

આ વાતને છ મહિનાં વીતિ ગયા, ફારુખના નાનાં પુત્ર સલીમનાં સમાચાર નથી. જાતજાતનાં સમાચાર અફવા બની અથડાઈ રહ્યાં છે, જેનો ધા ફારુખ અને તેની પત્ની ઝીલી રહ્યાં છે. તે આંતંકીઓના રવાડે ચઢી ગયો છે, તે સરહદ પાર કરતાં વીંધાઈ ગયો છે, તે પાગલ બની ગયો છે, વગેરે ઘડમાથા વગરની વાતો થતી રહી છે. એટલે જ ફારુખ જુનું પુરાણું ટી. વી. ખરીદી આશાભરી નજરે ટી. વી. સામે બેસી રહે છે. ક્યાંક

પુત્રનાં સમાચાર જાણવા મળે! ફારુખની પત્ની આધાત સહન ન કરી શકતા ગાંડપણનો શિકાર બની ગઈ છે.

અમે ફારુખનાં ઘરે પહોંચ્યા ત્યારે ફારુખચાચા ટી. વી. નું એરિયલ ઉપરનીચે કરી રહ્યાં હતાં.

“ શું સમાચાર?” ધરમાં પ્રવેશતા મેં પૂછ્યું.

“ હાલત ખરાબ થતી જાય છે . . યુધ્ધ ગમે ત્યારે ફાટી નીકળશે. ” નિશ્વાસ નાખતાં કહી ટી. વી ચાલુ કરવાની મથામણમાં પડી ગયાં.

ફારુખચાચાની વાતમાં તથ્ય જણાતું ગયું. સૈનિકોની અવરજવળ, સરહદને અડીને નાના નાના કશ્બા ખાલી કરાવાઈ રહ્યાં હતાં. કાન ફાડી નાખતાં ફાઈટર વિમાનોનાં અવાજો, ફાયરીંગની ધ્રૂજારી,દિનપ્રતિદિન ચિંતાનો જ્વાળામુખી વરસાવી રહ્યાં હતાં. હવે તો બાજુનાં ગામથી જીવન જરુરિયાતની આવતી ચીજોનો પૂરવઠો અનિયમિત થઈ ગયો હતો. મિડિયાવાળાઓને મળી રહ્યું હતું વગર પૈસાનું મનોરંજન તથા વ્યાપાર. ધરમાં ચૂલા માંડ માંડ તપી રહ્યાં છે. લાચારી, મોહ, વળગણની આગમાં જાણેઅજાણે અમે ધકેલાઈ રહ્યાં છીએ.

આજની રાત અમારા માટે જીવનમરણની હતી. અમારું ઘર ધમાકા વચ્ચે ધ્રૂજી રહ્યું હતું. અમે ત્રણ સતત ખુદાની બંદગી કરી રહ્યાં હતાં. આદિલનો આજીજી કરતો ચહેરો આંખો સામે વારંવાર છવાઈ જતો હતો. “ આપણાં માથે મોત ભમી રહ્યું છે. છૂટકારો પામવાનો એક ઉપાય છે, અહીંથી નીકળી સલામત જગ્યાએ જતા રહીએ. ખુદા ક્યાં સુધી આપણી રક્ષા કર્યાં કરશે?

કોઈ પ્રત્યુતર ના મળ્યો. છવાઈ ગયો હતો સંતાપ વચ્ચે મૌન નો અંધકાર.

સવાર પડી. રાબેતા મુજબ. ભયગ્રસ્ત શાંતિ, સૈનિકોની અવરજવળ, દૂર દૂર થી દેખાતા આછા આછા ધૂમાડા. મારી અગાશીની પાળો ઝૂકી ગઈ હતી. ઊંડી ઊતરેલી આંખો, નિશ્વાસ શબ્દો, બળવો પોકારી રહ્યાં હતાં. પણ વળગણમાં ખૂંપેલા અમે સૌ લાચાર હતાં. મારી પત્ની આને નાનો પુત્ર રહીમ, અશાંતિ માહોલ વચ્ચે શાંતિથી સૂતાં હતાં.

બપોર ફરી વળી હતી. રિપોર્ટરનાં ઘાડાં ધૂમી રહ્યાં હતાં. જિંદગી અને મોત વચ્ચેની રેખા ભૂંસાઈ ગઈ હતી. રહીમ મારી બાજુમાં ઊભો રહ્યો. ” અબ્બા. . ” એટલું બોલી મને જોઈ રહ્યો. હું તેનો પ્રશ્ન સમજી ગયો. “ કશું ક કરું છું” કહી રાશનપાણીનો ઇન્તજામ કેમ કરવો એ વિચારવા લાગ્યો .

“ અબ્બા, પેલી બિલાડી ઊભી છે?”

“ તો શું?” હું મારી ઉલજનમાં હતો.

“ જરા જુઓ તો. . એનાં માઢામાં . . ”

“ શું છે? મારો જીવ ના ખા. . ” ગુસ્સાથી કહી બિલાડી તરફ મારી નજર ગઈ. તેનાં માઢામાં દૂધની કોથળી લટકતી હતી.

તે અમારી સમક્ષ ધૂળકીને જોઈ રહી હતી. રહીમનાં હાથમાં

નાની પથ્થરની અણીદાર બેચાર ગોળી હતી. “ રહીમ શરારત ના કરતો. ” હું રહીમનો ઈરાદો જાણી ગયો હતો.

એક વાર એને આવી જ શૈતાની હરકત કરી હતી. બકરીનું બચ્ચુ દૂધ પી રહ્યું હતું. બકરીનાં પગ બાંધી, બકરીનાં બચ્ચાને હડસેલી રહીમ બકરીનું દૂધ પી રહ્યો હતો! આજે પણ આ જ ઈરાદો રહીમનો હતો. નિશાન ટાંકીપથ્થરની ગોળીથી, દૂધની થેલી છીનવી લેવાનો! સમયની કેવી છે બલિહારી! રહીમ અને પેલી બિલાડી મને ધૂરકી રહ્યાં હતાં. મેં પ્રેમથી રહીમનાં માથે હાથ ફેરવ્યો. લાગણીનો જ્યાં દરિયો સુકાઇ ગયો હોય ત્યાં, આંખમાંથી આંસુ નીકળવાનો સવાલ જ ન હતો. અમે કશું સમજીએ એ પહેલાં પેલી બિલાડી દોડતી દોડતી મારા પગ પાસે આવીને ઊભી રહી ગઈ અને મ્યાંઉ મ્યાઉં કરી ઈશારો કરવા લાગી. પગ પાસે દૂધની થેલી મૂકી ક્યાંક દોડી ગઈ. મને મારી જાત પર, માનવજાત પર નફરત થવા લાગી.

બેત્રણ દિવસમાં ગામ ખાલી કરવું પડશે એવા સમાચાર ફરી વળ્યાં. આંખ સામે મોત ! ઘર પ્રત્યેનું મમત્વ અમને ધ્રૂજાવી રહ્યું હતું. યુધ્ધની ભયાનકતા હું જાણતો હતો. જવું તો ક્યાં જવું એ ચિંતા મારા માટે યુધ્ધ કરતાં ભયંકર હતી. સતત દુઆ કરી રહ્યો હતો કે હમણાં જ ફાયરીંગ થાય અને અમારું ઘર અમારી કબર થઈ જાય!

લથડતા પગે ઘર પહોંચ્યો. સમાચાર ઘર છોડવાનાં કેવી રીતે આપવા તે સમજાતું નહી. મારી પત્ની, પુત્ર રહીમ મને ધેરીને ઊભા હતાં. અચાનક ફાયરીંગના ધમાકા શરુ થઇ ગયાં. મેં આદેશ આપ્યો કે કોઈએ બંકરમાં જવાનું નથી. ત્રણે જણ એક ખૂણામાં એકબીજાને વળગીને ઊભા રહ્યાં, જાણે આખરી મિલન. એક જોરદાર ધમાકો થયો . આગ, ધૂળનાં ગોટેગોટા ના કંઈ સમજાય કે દેખાય…છવાઈ ગયો હતો ન સમજાય તેવો અંધારપટ!

સમાપ્ત

  • પ્રફુલ્લ આર શાહ.