પ્રણય ભંગ. . . . 2.
ફરીથી 14મી ફેબ્રુઆરીનો દિવસ હતો. અવિનાશના હૈયાના રાજસિંહાસન પર કમલીના રાજ્યાભિષએકને બે વર્ષ વીતી ગયા હતા. કિન્તું જેના નામે એ બે સાલ સુધી લાગણીના લાડ લડાવતો રહ્યો એનો પ્રેમ એક ઘડી માટે પણ એને ન મળ્યો. અવિનાશની હેસિયત તો નહોતી કે એ કમલીને શાનદાર અને દમદાર ભેટ આપી શકે. તેમ છતાંય વહેલી સવારે ગુલાબનું ફૂલ લઈને એ કમલીને બંગલે પહોચી આવ્યો.
કમલી એને જોઈ અકળાઈ ઊઠી. અવિનાશને થપ્પડ મારી દેવાની ઈચ્છા જવાન થઈ. કિન્તું એણે સંયમ જાળવ્યો. હોઠ પર બનાવટી પ્રેમ ઉભરાવીને બોલી:અવિનાશ. . દશ વાગ્યે દેરાશરના દરવાજે આવી જજે.
એ સાંભળી અવિનાશનું રોમ રોમ નાચી ઉઠ્યું. દશ વાગ્યે તો એ દેરાસરના દરવાજે હતો. એના અચરજ વચ્ચે કમલી ગુલાબનો મઘમઘતો ગુચ્છ અવિનાશને પકડાવી બેઠી. ને એ જ ઘડીએ આવેશભેર અવિનાશ કમલીને ચુંબન ભરી બેઠો!
અવિનાશને બે વર્ષની ભક્તિ ફળી. એના પરિપાકરૂપે મધુરી મુલાકાતો મળી. પ્રેમાળ વાતોથી વખત આનંદના અતિરેકમાં વીતતો જતો હતો.
એવામાં ઉનાળો આવ્યો. ચારેકોર લગનની ધૂમ મચી પડી હતી. એ બંનેએ લગ્નની ઉજવણી માણી.
'અવિનાશ. . ! બકાં સોરી, કાલે આખો દિવસ હું તને નહી તો મળી શકું કે ફોન પણ નહી કરી શકું!પરંતું પરમ દિવસે બાર વાગ્યે મહાદેવના મંદિરે મારો ઈંતજાર કરજે. 'રીક્ષામાંથી ઊતરતા-ઊતરતા કમલી બોલી.
બારના ટકોરે અવિનાશના ઉરને ટકોર્યું. એણે મંદિર ભણી દોટ મૂકી. ત્યાં જઈને જુએ છે તો આખું રોમ ફાટી જાય એવું ગોઝારું દશ્ય!અવિનાશની આંખે અંધારા ઊતરી આવ્યા. કમલી એના મનના માનેલા કોઈ માણીગરને બાહુપાલમાં જકડીની ભરપેટ રોમાંશ માણી રહી હતી! એ જોઈને અવિનાશના હાથમાંથી ગુલાબ સરી પડ્યું. આંખોમાંથી અશ્કના દરિયા વહી આવ્યા. જીગરમાથી જાણે જીવ નીકળી ગયો હોય એમ એ બેભાનીને શરણે થયો!
પ્રથમ પ્રેમના એ કુદશ્યએ અવિનાશના હૈયામાં આજીવન સળગતી રહે એવી હોળી સળગાવી મૂકી. એના લીલાછમ્મ દિલમાં અગ્નિએ ભડાકા દેવા માંડ્યા.
એ રાતે અવિનાશ બબડ્યો હતો, 'હે કિરતાર આવા દગાખોર દિલને તું શાને સર્જતો હશે?'
પ્રથમ પ્રેમમાં છેતરાયેલ, જખ્માયેલ અવિનાશ હૈયામાં સળગતી આગ લઈને હર મંઝીલે છેતરામણી અને દગાથી ભરપૂર જખ્મોનો ભોગ બનતો રહ્યો. ને અશક્ના દરિયા વહાવતો રહ્યો.
2. વહેમ. .
'અહોહો. . . . અવિનાશ! સુરત રહીને આવ્યા બાદ કેટલો બદલાઈ ગયો છે તું ?'લગભગ બારેક મહિના બાદ અવિનાશને જોઈને અક્ષરા આશ્ચર્યથી બોલી પડી.
'તું પણ શહેરમાં રહીને ઓછી નથી બદલાઈ હો. . ! જો ને તારા નખરા!કૂતરાને બીવરાવે એવા!'અવિનાશે પણ મસ્તીભર્યો રણકો બોલાવ્યો.
પછી ક્યાંય લગી એ બંને એકમેકને તાકી રહ્યા.
અવિનાશ જ્યારે બારમામાં હતો ત્યારે પ્રથમવાર અક્ષરાએ એને જોયો હતો. એ મૂળે ગામડાની. પણ એનો ઉછેર અને વિકાસ અમદાવાદમાં થયો હતો. ભલા અમદાવાદી ગોરી ગામડિયા છોરાને ક્યાંથી ભાવ આપે?છતાંય અવિનાશની માસુમિયત એની આંખે વળગી.
પ્રથમવાર જોતા જ પ્રથમ નજરે જ અક્ષરાએ અવિનાશને બેય કીકીમાં કેદ કરી રાખ્યો હતો. અવિનાશનો એકલતા અને પુસ્તક પ્રેમ એને બહું જ ગમી ગયો હતો. અવિનાશ જ્યારે પણ ટેરેસ પર જઈને વાંચતો હોય ત્યારે અક્ષરા ક્યાંકથી ચૂપચાપ આવીને એને ટગર ટગર માણ્યા કરતી.
પોતાના ભાવિના ઘડતર માટે થઈને અવિનાશ પુસ્તકોને આંખોથી સહેંજેય અળગા નહોતો કરતો. ઉજળા ભાવિની ભવ્ય મંઝીલનું એને ખુબ જ વળગણ હતું. નવરાશની પળોમાં પુસ્તક સિવાય એનું કોઈ જ નહોતું. એ કહેતો-'ભણનારને વળી નવરાશ શાની? મિત્ર શાના?' ને એટલે જ પોતાને ટગર ટગર માણતી રહેતી અક્ષરા તરફ આંખ પણ નહોતો ઉઠાવતો. અવિનાશ વાંચવામાંથી ઊંચો નહોતો આવતો ને અક્ષરા એને માણતા ધરાતી નહોતી.
માત્ર ચાર જ દિવસમાં અવિનાશને આંખોમાં વસાવી ચૂકેલી અક્ષરાને અમદાવાદ જવાનું થયું!મન નહોતું માનતું તોપણ જવું પડ્યું. પોતાની લાગણીનો, મહોબ્બતનો એકરાર કર્યા વિના બળતા હ્દયે એ અમદાવાદ પહોંચી.
અવિનાશને તો કંઈ જ જાણ નહોતી ને અક્ષરા શહેરમાં એના વિના ઝુરી રહી હતી.
સમયને વીતતા ક્યાં વાર લાગે છે?કોઈ જીંદગી ક્યાંક કોઈની રાહ જોઈ લે છે પણ સમય કોઈના બાપનીયે રાહ જોતો નથી. લગભગ એકાદ વર્ષ વીતી જવા આવ્યું હતું. આ વર્ષમાં અવિનાશની જીંદગીમાં આનંદની ક્ષણિક ભરતી અને દર્દની ઊંડી ઓટ આવી ચૂકી હતી. એક સમયે જે અવિનાશને પ્રેમની દિવાનગીનું ભાન નહોતું એ અવિનાશના પ્રેમના ચૈતન્યમય શ્પર્શથી મ્હોંરાઈને પછી સાવ સાવ જ ખરી પડ્યો હતો. એના પ્રેમની ઘાતે એને ભયંકર આઘાતમાં ધકેલી દીધો હતો.
વસંતની માફક નવપલ્લવિત થતી જતી અવિનાશની પ્રથમ પ્રેમની કોમળ પાંદડીઓને કમલી નામની કલીએ ચીમળાવી દીધી હતી.
વરસ બાદ બીજીવાર અવિનાશ અને અક્ષરાની નજરોએ એકમેકને જોઈ. બંનેમાં ગજબનો બદલાવ આવી ચૂક્યો હતો. એકના ચહેરા પર કાયમ ઉદાસી આવી ગીઈહતી, તો બીજીના વદન પર પ્રણયના પુષ્પો જવાન થઈ ગયેલા લાગતા હતા.
શિયાળાની સાંજ હતી. સૂરજ ડૂબવાની અણી પર હતો. અવિનાશ ઉદાસ વદને એ ડૂબતા સૂરજને માણી રહ્યો હતો. એવામાં ક્યાંય અવિનાશ ન દેખાતા અક્ષરા અગાશી પર આવી ચડી. પળભર માટે એ અવિનાશને તાકી રહી પછી અચાનક જ દોડતી આવીને એને બાથમાં ભરી બેઠી!અક્ષરાની આવી હરકતથી એ અકળાઈ ઊઠ્યો. શાંત સાગરમાં સુનામી સર્જાઈ!એણે ભરી આંખે અક્ષરાને અળગી કરી.
પ્રેમ નામના તત્વથી જેણે સંન્યાસ લઈ લીધો હોય એ અવિનાશ અક્ષરાની આવી અણધારી હરકતોથી ખળભળી ન જાય તો શું કરે?સૂરજને માણવાની પરવા કર્યા વિના એ પગથિયા ઉતરવા માંડ્યો.
એ બેએક પગથિયા ઉતર્યો હશે ને એનો હાથ પકડાયો. પાછુ વળીને જુએ એ પહેલા તો અક્ષરાએ એને છાતી સરસો દબાવી દીધો!બોલવા માંડી:'અવિનાશ હું તને પ્રેમ કરું છું ને તું આમ દૂર ભાગે છે! છેલ્લા એક વર્ષથી તારી યાદોમાં, તારા વિરહમાં સળગતું આ હૈયું તારો મધુરો સાથ ઝંખે છે. અને તું આમ તરછોડી જાય એ કેમનું ચાલે?'
જવાબમાં અવિનાશે વરસતી આંખોને વધારે વરસાવી. ક્યાંક ખોવાઈ ગયેલો એ મૂર્તિની માફક જડવત બની ઊભો હતો. અક્ષરા એને વીંટળાઈને શ્પર્શભીની આહલાદકતા માણી રહી હતી.
બેભાનીમાંથી કળ વળે એમ અચાનક હકીકતનું ભાન થતા એણે કહેવા માંડ્યું, 'અક્ષરા! આ ગાંડપણ હવે રહેવા દે. '
'મારા પ્રેમને શું ગાંડપણ કહે છે?'
'તારા પ્રેમને સો-સો સલામ. . . ! કિન્તુંઆ પ્રેમની દુનિયાથી તો હું ભેખ ધરી બેઠો છું. જો હવે આ દુનિયામાં પાછા આવવું મારા માટે સાવ અશક્ય છે. '
આવવું પડશે, અવિ. . . આવવું જ પડશે! એકવાર નહી પણ સાડી સત્તરવાર આવવું પડશે. અરે, તારા પ્રેમને પામવા ખાતર તો હું એક વરસથી તારા વિરહમાં સળગતી રહી છું ને તું આવી વાતો કરે છે?મારા પ્રેમને, મારી લાગણીને સમજ બકા, સમજ. '
'અક્ષરા, હું પ્રેમને લાયક નથી. અને મારો પ્રેમ કોઈને માફક આવે એવો નથી. તુ મને એકલો જ રહેવા દે. '
'તું જ મારા પ્રેમને લાયક છે અને તારો પ્રેમ મને સો ટકા માફક આવશે. બસ, એકવાર તું મને આઈ લવ યું કહી દે. '
સાંજ ઓગળી જવા આવી હતી. એવામાં અવિનાશના ઉરમાં કંઈક સળવળ્યું. એનું હૈયું કહી રહ્યું હતુ કે 'અવિનાશ!કમલીએ તારા પ્રેમને ઠુકરાવાથી તારી શી વલે થઈ છે એ ધ્યાનમાં છે ને?જો ધ્યાનમાં હોય તો આવી બુરી દશા કોઈની કરતો નહી. તારી જીંદગી તો ઉજડી પણ બીજાની શા સારું ઉજાડે છે?'
અચાનક પ્રકાશમય ઝબકારો થયો ને અવિનાશ આવેશભેર અક્ષરાને બાહુપાશમાં ઝકડી લેતા બોલી ગયો-'આઈ લવ યું અક્ષરા. . '
અને અક્ષરાએ ચુંબનોથી એને નવરાવી દીધો.
ત્રીજા દિવસે બંને એકાંતમાં બેઠા હતા. શ્પર્શમિલનની પ્રેમભરી આપ-લે થઈ ચૂકી હતી. રોમાંસની મોજ માણી લીધી હતી. હોઠ મૌન અને નયનો વાતે વળગ્યા હતા. પલંગમાં આડા પડેલ અવિનાશની બાજુમાં બેઠી-બેઠી અક્ષરા એની આંખોના લાગણીભીના પ્રણયકસુંબા પી રહી હતી.
ઉત્તર દિશા તરફની બારી પર બેઠેલી વિધાતા ક્યારનીયે આ પ્રણય રમત જોઈ માહેની માહે સળગી રહી હતી. જાણે અવિનાશથી એને વેર હોય એમ!
બંનેની આંખોમાં અને હ્રદયમાં અપાર ખુશી વરતાતી હતી. અક્ષરાના પ્રેમના અપાર સાનિધ્યમાં અવિનાશ એના પ્રણયભગ્ન ભૂતકાળને ભૂલી રહ્યો રતો. કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું. જો એણે અવિનાશને પડખું ફેરવવા મજબૂર કર્યો. એણે જેવું પડખું ફેરવ્યું કે એને પંપાળતી અક્ષરા ડગાઈને સફાળે આઘી ખસી ગઈ!પળભરમાં તો પ્રેમાળ લાવરીમાંથી એ વિકરાળ વાઘણી બની ગઈ. ઘડી પહેલા પ્રેમના પીયુશ પાનારી ઘડીકમાં જ શબ્દોના ઝેર ઑકવા માંડી.
ડઘાયેલ અવિનાશ બાઘાની જેમ તાકી રહ્યો! એવું તો શું બની ગયું કે અક્ષરાએ અચાનક અંગારા વરસાવવા માંડ્યા? એય વિચારે ચડ્યો.
છંછેડાયેલ નાગણની જેમ અક્ષરાએ શબ્દઝેર કાઢવા માંડયું:'
ક્રમશ: