હમ્મીરને ત્યાં જવા માટે Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમ્મીરને ત્યાં જવા માટે

હમ્મીરને ત્યાં જવા માટે

રા’ નવઘણ અને દામોદર બંને મહારાજ પાસે વિદાય લેવા માટે ગયા. તેમણે કુમારપાલને ત્યાં જ બેઠેલ જોયો. દામોદરને લાગ્યું કે કુમારપાલ સાથે વાત કરવાની આ ઠીક તક છે. શી રીતે વાત ઉપાડવી એનો જ એ વિચાર કરી રહ્યો.

રા’ને આવતો જોઈને મહારાજ બોલી ઊઠ્યા : ‘નવઘણજી ! તમે ક્યારે હમણાં આવ્યા ?’

‘આ હાલ્યો જ આવું છું, મહારાજ !’ નવઘણે બે હાથ જોડ્યા.

ભીમદેવ મહારાજે દામોદરની સામે જોયું. ધિજ્જટ ધ્રુબાંગને માટે રાણકી મેળવવાની હતી. મહારાજના મનમાં એ વાત ઘોળાતી હતી. રા’ આંહીં આવી ગયેલ છે, તો એ વાત પતાવી લેવી એવી કોઈ સૂચના મહારાજની નજરમાં દામોદરે વાંચી. પણ તેણે મહારાજને ઈશારતથી જ હમણાં આ વાત ન ઉખેળવાનું જણાવી દીધું. મહારાજ આગળ બોલતા અટકી ગયા.

રા’ ત્યાં બેઠો. ડોસો કુમારપાલ આંહીં શા માટે બેઠો હશે, એ તો એની બેસવાની ઢબ ઉપરથી દમોદર કળી ગયો. કોઈ ઘાની અસર એના શરીરને થઈ ન હોય તેમ એ પોતાની પડખે લાંબી સમશેર રાખીને ત્યાં બેઠો હતો. મહારાજની સામે અચળ રાજભક્તિની દૃષ્ટિથી એ જોઈ રહ્યો હતો. એના મનમાં અનેક તરંગો ઊપડતા દામોદરે જોયા. પણ ડોસાને સુરત્રાણની છાવણીમાં મોકલવાનો હતો. વયોવૃદ્ધ રાજદ્વારી જવાબદાર વ્યક્તિ તરીકે, દુર્લભસેન મહારાજની વતી એ વાત કરવા જાય, એમાં જ ઓછામાં ઓછી શંકા પડે તેવું હતું. આ પણ કુમારપાલને અચાનક વાત કરવા જતાં વાત આડી ફાટે તેમ હતું. જયપાલ - કુમારપાલ વચ્ચે હજાર ગાડાંનું અંતર હતું.

દામોદરે મહારાજ સામે અર્થવાહી દૃષ્ટિથી જોયું, તેણે બે હાથ જોડીને કહ્યું : ‘મહારાજ ! રા’ નવઘણજી ને હું વિદાયની રજા લેવા માટે આવ્યા છીએ. રા’ને નવા સમાચાર મળ્યા છે. અમારે હવે શુક્લતીર્થ નહિ. પણ મંડલીગ્રામ જવાનું છે !’

‘મંડલીગ્રામ ? ત્યાં શું છે ? શું સમાચાર છે નવઘણજી ?’

‘એ તો મહારાજ ! પંચાસરનો વઢિયાર બાજુનો એક રબારી આ બાજુ આવી ચડ્યો હતો. એ ગીરમાં એના સગામાં જઈ રહ્યો હતો. એની સાથે સમાચાર આવ્યા કે સાધુ દેવશીલ મહારાજ મંડલીગ્રામમાં આવીને રહ્યા છે.’

મહારાજ ભીમદેવ વાત સાંભળીને વિચારમાં પડી ગયા, મંડલીગ્રામમાં* મહારાજ મૂલરાજદેવના સમયનું એક મંદિર હતું. મૂલેશ્વર મહાદેવનું. એ ધામ સોલંકીઓ માટે પવિત્રતાની અવધિ જેવું ગણાતું. ત્યાં મહારાજ મૂલરાજદેવ દર સોમવારે દર્શન કરવા જતા. નાના સરખા એ ધામ પ્રત્યે સોલંકી રાજાઓએ હંમેશાં સજીવન ભક્તિ બતાવી હતી, એ ધામ એ રીતે અનુપમ ગણાતું હતું, દુર્લભસેન મહારાજ એ તરફ આવ્યા, એ વાત સૂચક હતી. જીવનની અંતિમ પળોને, મહારાજ મૂલરાજદેવના ધામનો સ્પર્શ કરાવવા માટે જ એ આવ્યા હોય. મહારાજ ભીમદેવને સોલંકીઓની જીવનકથા યાદ આવી ગઈ. મંડલીગ્રામ પાટણની વધારે નજીક છે. એ સાંભરી આવ્યું ને એ બોલ્યા :

‘પણ ત્યાં તો દામોદર ! ગર્જનકના માણસોની વધારે આવ-જા હશે, તેનું શું ? તમારું કામ કપરું બનશે.’

‘એ તો છે જ મહારાજ ! પણ ત્યાં આગળ પંચાસર પાસે મોટો માલધારી કુંડધર રબારી પોતાનો વાડો નાખીને પડ્યો છે. આ રબારીએ જ વાત કરી. ગર્જનકના માણસોની એને ત્યાં વધુ અવર જવર છે.’ રા’એ કહ્યું.

‘કેમ ?’ મહારાજ બોલ્યા.

‘ભોમિયાની શોધમાં !’ દામોદરે હાથ જોડીને કહ્યું, ‘ગર્જનકને ત્યાં મતભેદ વધી પડ્યો છે. વળી એની બાજુ પણ કાંઈક સળગ્યું લાગે છે. આપણે જો ઉતાવળ કરીએ, તો એ ઉતાવળે ઊપડે. કુંડધર રબારીનો વાડો, આપણને ઠીક કામ લાગી જશે.’

-------------------

*વીરમગામ પાસે માંડલને ગણાવવામાં આવે છે.

‘આપણને ત્યાં શું કામ લાગે, દામોદર ?’

‘મહારાજ ! આપણા આ ભોમિયાઓ એ પંથકમાં જ ફરતા રહે. જયપાલને આપણે કહેવરાવી દઈશું, શોધ કરતાં કરતાં એમનો પત્તો લાગે એવું થાય તો એ વધારે ઠીક પડશે.’

કુમારપાલ જરાક સળવળ્યો. એણે તલવાર ઠીક કરીને મૂકી. એક બગાસું ખાધું. મહારાજ પ્રત્યે પ્રેમભક્તિથી એ જોઈ રહ્યો. ડોસાને એનો ભીમદેવ મહારાજ પાછો જોઈતો હતો. એણે દામોદર તરફ જરાક કતરાતી દૃષ્ટિએ જોયું, દામોદરે એનો ભીમદેવ ખોવરાવ્યો હતો.

‘પણ દામોદર !’ મહારાજે અચાનક વાતને નવો વળાંક આપ્યો : ‘પેલી વાતનું શું ?’

‘એ વાત મહારાજ ! ખીલે બંધાઈ ગઈ છે. રા’ નવઘણની સોમનાથભક્તિ સોનાની નીકળી છે.’

ભીમદેવ મહારાજને એ જ જાણવું હતું. રાણકી વિષે. એને આનંદ થયો, તેણે રા’ પ્રત્યે માનથી જોયું. રા’ને ઉત્સાહ આપતા હોય તેમ તે બોલ્યા : ‘નવઘણજી ! અમે તમને આ વખતે લૂંટી જ લીધા છે હો ! તે પહેલાં દીકરો લીધો, અને હવે આ...’ દકરી શબ્દનો અર્થ સમજાતાં ને એમાંથી ઉત્પન્ન થતા બીજા અર્થનો વિચાર કરતાં મહારાજ બોલતાં જ અટકી ગયા. પણ ત્યાં દામોદરે વાક્ય ઉપાડી લીધું.

‘મહારાજ ! ‘રા’એ ઘોડો આપ્યો, ત્યારે કિલ્લો આપ્યો હતો. આ સાંઢણી આપી, ત્યારે રાજ આપ્યું છે.’

‘ખરું ગણો તો આપ્યું કાંઈ નથી, મહારાજ ! દેહ આપવાનો હતો, એ તો સાચવી રાખ્યો છે.’

‘હાં, હવે જૂનાગઢના રા’ બોલ્યા !’ કુમારપાલ ડોસી તાનમાં આવી ગયો.

‘કુમારપાલજી ! તમે આખી વાત જાણશો ને ભગવાન સોમનાથની ભક્તિ કરવાવાળા કેવા કેવા પડ્યા છે. એ સાંભળશો, ત્યારે તમારાં રોમેરોમ ખડાં થઈ જશે. તમે માંદા હતા, એટલે વાત તમારી જાણ બા’રી ગઈ હશે. રા’ના બે માણસ દ્વારપાલ બનીને ભગવાનને મંદિર બેઠા રહેતા, એ તો તમારા ધ્યાનમાં હશે ?’

‘હોવે, એ ધ્યાનમાં નહિ હોય ?’ કુમારપાલે કહ્યું, ‘ક્યો પથ્થર ક્યાં પડ્યો છે એ પણ ધ્યાન બહારું ગયું નથી ને આ કાંઈ ધ્યાન બા’રું હોય ? એમ કાંઈ શાકમાં આખું કોળું હાલ્યું જાય ? એ બે વીર દ્વારપાલો ને એક હતો ત્રીજો...’

‘પંડિતજી !’ દામોદરે કહ્યું.

‘હા, પંડિતજી પૂજારી મહારાજે દીકરો કરીને રાખ્યો હતો તે. શું છે એમનું ? દ્વારપાલ ધિજ્જટજી ને ધ્રુબાંગજી એ તો વીરગતિ પામ્યા છે, એમ સાંભળ્યું હતું !’

‘ત્યારે એ વીરગતિ નથી પામ્યા, પણ ભગવાન સોમનાથના વીરભદ્ર બન્યા છે.’

કુમારપાલ કાંઈ સમજ્યો નહિ. તે વધારે જાણવા માટે દામોદરની સામે જોઈ રહ્યો.

‘કિલ્લેપતિજી !’ દામોદરે હવે વાત શરૂ કરી. ‘ગર્જનક ઘા મારીને ભાગી ગયો. અને એને રાનરાન ને પાનપાન કરનારો કોઈ એક વીરલો પણ આંહીંથી નીકળ્યો નહિ, એવી વાત આપણી થાય, તો એમાં આપણું નાક કપાઈ જાય, એ તો તમે પણ જાણો છો.’

‘એ તો હું જાણું છું, પણ કોઈ વીરલો નીકળ્યો નહિ એમ કેમ કહો છો ? હજી તો ગલઢો ગલઢો પણ મહારાજની સામે મીટ માંડીને હું બેઠો છું. આ જૂનાગઢના અમારા રા’ હમણાં બોલ્યા, ન સાંભળ્યું ? તમતારે તમારી વેતરણ ગમે તે કરો ને મંત્રીજી ! અમારા દેહ તો ભગવાન સોમનાથ માટે પડવાના જ છે ! કેમ કહો છો કે કોઈ ન નીકળ્યો ?’

‘કુમારપાલજી ! આ વાત તો અદ્‌ભુત છે, સાંભળવા જેવી છે.’ મહારાજ બોલ્યા.

‘હા બોલો મંત્રીશ્વર ! તમે શું કહ્યું ? એ વીરભદ્ર બની ગયા છે ? એ તો બને જ નાં ? મારા એક હાથમાં તલવાર હતી. એ તો બબ્બે તલવાર ઘૂમી રહ્યા હતા. મેં સગી આંખે દીઠા છે ને !’

કુમારપાલના વૃદ્ધ વીરત્વને દામોદર મનમાં પ્રશંસી રહ્યો. તે મોટેથી બોલ્યો : ‘કુમારપાલજી ! આખી વાત સાંભળો, પછી તમને લાગશે કે આ તો હદ થઈ ગઈ છે ! તમને થઈ જશે, આવી ભક્તિ ? ભગવાન સોમનાથની પડખેથી ઊભા થઈને દેવી પાર્વતીએ વિજયનો કુંભ સ્વહસ્તે આપ્યો હોય, તો જ આ વાત બને !’

કુમારપાલ હવે એક નજર થઈ ગયો. તે દામોદરને બોલતાં સાંભળી રહ્યો. દામોદર આગળ બોલ્યો : ‘એવું છે કુમારપાલજી ! જયપાળને આપણે મોકલ્યા છે તે તમે જાણો છો. અમે જવાના છીએ, હવે તો મંડલીગ્રામ, એ પણ તમે જાણો છો. શા માટે એ પણ તમે જાણો છો. પણ તમે જાણતા નથી તે આ કે, આ બંને વીરભદ્રોએ એવું શું કામ માથે લીધું છે કે રા’ નવઘણજી જેવા પોતાની રાણકી એમને માટે કાઢી આપે છે ?’

‘રાણકી ?’ કુમારપાલ પણ રાણકીનું નામ આવતાં ચમકી ગયો. રા’ની રાણકી એટલે રા’નું રાજ. રા’ પોતે એ કોઈને દોરીને આપે ત્યારે વાત જેવી તેવી ન હોય. ‘રાણકી આપે છે રા’ ?’

‘ત્યારે એ જ વાત છે, કુમારપાલજી ! તમે ભારત સાંભળ્યું છે, અભિમન્યુના કોઠા સાંભળ્યા છે. પણ અભિમન્યુ તો જુવાન જોદ્ધો હતો. એનું જીવન ગુલાબી આશાઓથી ચમકતું હતું. એની પડખે ભારતનો મહાન ગદાધર હતો. એને મા હતી. બાપ હતો. એને સ્વજનો પડખે ઊભા હતા, પણ આ તો એક એવી વાત છે કે સાંભળતાં તમે છક્ક થઈ જશો...’

કુમારપાલ સાંભળી જ રહ્યો. બોલવાનું હવે એને મન થાય તેવું ન હતું, દામોદરની વાતમાં એને કાંઈનું કાંઈ હોવાનું લાગતું હતું.

‘આ તમારા બે દ્વારપાલો, ધિજ્જટજી, ધ્રુબાંગજી અને ત્રીજા પૂજારીના પુત્ર પંડિત ધૂર્જટિજી. એ ત્રણ જણા જો આવે નહિ, તો અમારી બધી વાત ફોક થઈ જતી હતી. સુલતાન આંહીંથી હમણાં ખસવાનું જ માંડી વાળે, ગઢબીટલીવાળા કાં થાકીને વેરાઈ જાય ત્યારે ખસે. કાં પાટણમાં જ ધામા નાખે. ત્યાંનું સંભાળવા શાહજાદાને એકને મોકલી દે. આમ પણ બને. કેમ બને ને કેમ ન બને, એ બધાં આપણાં અનુમાન હોય, તો પણ સુલતાન આંહીં વાસ લંબાવતો જાય છે. એને આંહીં રહેવાનું ગમી ગયું છે, એ વાત તો સાચી થતી જણાય છે. એટલે મને જેવી આવડી તેવી યોજના મેં કરી. તમે એ જાણી છે. પણ એમાં એક ખરી કડી જ ખૂટતી હતી. ગર્જનક પાછો ફરે, તો એવા ભોમિયા ક્યાં ? ભોમિયા વિના જોજનોના વિસ્તારના નપાણિયા રણમાં એ જાય ખરો ? ને તે પણ કરોડોનાં સોનાં-રૂપાં લઈને ?’

‘ના. એ તો ન જાય.’

‘ત્યારે કુમારપાલજી ? આ ત્રણ વીરભદ્રોએ સંકલ્પ કર્યો. પોતાના મનથી કોઈની વિનતી વિના સંકલ્પ કર્યો, કે આપણે જ હમ્મીરના ભોમિયા થવા બહાર પડવું !’

‘હેં ? ભોમિયા થવા બહાર પડવું ? એ તો હાથે કરીને...’

‘જમની દાઢમાં હાથ નાખવા જેવું ખરું. તમે ગર્જનકને એ રસ્તે જતાં, થોડોઘણો પજવી શકો. મહારાજ, રા’ નવઘણ, તમે, હું આપણે બધા એ માટે તૈયાર પણ થઈ રહ્યા છીએ. નવઘણજીનું સાંઢણીદળ ઊભું થાય છે. પણ ગર્જનકને જો રાનરાન ને પાનપાન કરી નાખવો હોય, તો તો આ એક જ રસ્તો છે કુમારપાલજી ! ગર્જનકનો વિશ્વાસ મેળવીને ગર્જનકને દોરવાનો. તે વિના બીજે કોઈ રસ્તે એ વાત અત્યારે થાય તેમ નથી.’

‘પણ મંત્રીરાજ ! તમે કાંઈ વિચાર કર્યો ? એમનું ત્યાં શું થશે ? આ ભોમિયાનું ? જ્યારે વાત જાણીતી થશે...’

‘બીજું શું થાય કુમારપાલજી ! રેતીના અફાટ રણમાં પણ ગરજાં ને ગીધડાંની માયા, એમને આશ્વાસન આપશે. આપણી રાખોડીને તો દામોકુંડ ઠારશે. એમના અવશેષોને આપણે કોઈક ક્યારેક એ બાજુ જઈશું ત્યારે શોધીશું. બે પથરા ત્યાં ઊભા કરીશું ! બીજું શું થાય કુમારપાલજી ! ભગવાન સોમનાથ પણ જાણે છે, મારે માટે કોઈક ઝેર પિનારા નીકળશે. આ ઝેર પિનારા નીકળ્યા. એ નીકળ્યા એ જ ભગવાનની પ્રેરણા ગણો ને...! નહિતર કાં મારે ને કાં તમારે કોઈકને આ કામ માથે લેવું પડત. બોલો, હવે રા’ નવઘણજી આમને ન આપે તો બીજા કોને પોતાની રાણકી આપે ? રાણકી ઉપર એમની બેઠક હોય, તો વખત છે, એ હાથતાળી દઈને ભાગી છૂટી શકે.’

કુમારપાલ વાત સાંભળીને, ઊંડા વિચારમાં પડી ગયો. પોતાની પડખે પડેલી તલવાર એને સાંઠીકડું થઈ જતી જણાઈ. તલવારનાં જુદ્ધ તો સોરઠની છોકરીઓ પણ જાણે છે. આ વીર નરો તો ભૂમિમાં દટાઈ જવા માટે નીકળ્યા હતા. કેવળ જોગની જીવંત સમાધિ સાથે એને સરખાવી શકાય. વાત સાંભળીને રોમરોમમાં એ વેદના અનુભવી રહ્યો. છેવટે ભગવાન સોમનાથની છત્રછાયામાંથી જ વીરનરો નીકળ્યા હતા.

દામોદરે કુમારપાલ સામે જોયું. તે પણ હાલી ગયો હતો. તેણે તરત જ એને કહ્યું : ‘કુમારપાલજી ! તમારી મહેચ્છા કાંઈ મારાથી અજાણી નથી. એ વીરત્વની અનોખી ભૂમિકા છે. આ એક જુદી જ વાત છે. આપણે જો આમાં ટેકો દઈએ. તો એમનું કામ કાંઈક સરળ થાય છે. એની ભયંકરતા તો એની એ રહે. પણ આપણે કાંઈક કર્યું કહેવાય. આ બીજા કોઈ નથી. ભગવાન સોમનાથની પ્રેરણાનાં સંતાન છે. એટલે હું તમને તે પહેલાં કહેવા માગતો હતો, તે આજે કહું છું. દુર્લભ મહારાજને જો અમે સમજાવી શકીએ, તો પછી એ વાત હમ્મીર પાસે મહારાજ દુર્લભસેન વતી રજૂ કરનાર કોણ ? કોઈક એવો જોઈએ જે વૃદ્ધ હોય. રાજસન્માનનો અધિકારી ગણાતો હોય. મહારાજ દુર્લભસેનનો અંતેવાસી બનવા જોગ હોય. વિમલને મોકલતા, પણ એ ત્યાં અર્બુદ મંડલમાં હોય એ જરૂરી છે. મહારાજ પણ આવા કોઈક માટે તમને પૂછવાના હતા !’

કુમારપાલ વાત સમજી ગયો. દામોદરની વાત સાંભળીને એ ડોલી ગયો હતો. એનું દૃષ્ટિબિંદુ એને ફેરવવા જેવું જણાયું હતું. વાત તો દામોદરની જ છેવટે સ્થાયી પરિણામ લાવનારી હતી. પણ હજી એ નિર્ણય કરતાં અચકાતો હતો. તેણે મહારાજ સામે જોયું. મહારાજ ભીમદેવ એની ગડભાંગ સમજી ગયા : ‘કિલ્લેપતિજી ! તમે સોમનાથના છો. તમે નહિ જાઓ તો બીજા કોણ જશે ? મારી નજરમાં કોઈ નથી. છે કોઈ તમારી નજરમાં ?’

જયપાલ ત્યાં છે. એને એટલા માટે જ મોકલ્યો હતો. પણ એણે હવા તૈયાર કરી છે. તમે જાઓ તો વિશ્વાસ વધારે બેસે તેમ છે.’ દામોદર બોલ્યો.

કુમારપાલે માથું નમાવ્યું : ‘મહારાજ મને આજ્ઞા આપે, તો હું જઈશ !’

‘વધારે યોગ્ય એ જ છે મહારાજ !’ દામોદરે કહ્યું, ‘જયપાલજી ત્યાં છે એ રીતે પણ કુમારપાલજી ઉપર વિશ્વાસ બેસે. આપણે માત્ર ગર્જનકને હાંકી કાઢવો હોત તો તો એ એની મેળે પાંચે પંદરે જ્યારે રવાના થાત ત્યારે આપણે પાછળ પડત. પણ આપણે તો એને આ તરફ દૃષ્ટિ કરવાનું ન રહે. એવો અનુભવ કરાવવાનો છે. અને કુમારપાલજી ! મહારાજ ને રા’ નવઘણજી આ વીરભદ્રોની પડખોપડખ રણખેતમાં ઘૂમતા હશે. એટલે રણનો લહાવો તો મળવાનો જ છે. પણ પહેલાં આ આપણું કામ કેવી રીતે પાર ઊતરે તે વિષે વિચાર કરવાનો રહે છે. અત્યારે તો આ વાત આપણે ખીલે બાંધીએ છીએ. કાં મહારાજ ?’

‘એ તો એમ જ. તમે જઈ આવો, ત્યાર પછી આપણે મંત્રણા કરવી પડશે.’

‘પણ વખત થોડો છે. મહારાજ ! વેશ ઝાઝા છે. ને અમારે મંડલીગ્રામ જવાનું છે. ત્યાં વાતાવરણ હજી જુદું જ છે.’

‘તમે ત્યાં ક્યાં જશો ?’

‘એ વાતનો બંદોબસ્ત રા’ નવઘણજીએ ક્યારનો કરી દીધો છે. એક સાંઢણીસવાર ઊપડી ગયો છે. કુંડધર રબારીનો વાડો ધ્યાનમાં રાખ્યો છે. એ બે બાપ દીકરો-કુંડધર ને ઝીંઝુ-જબરા રબારી છે. મોટા માલધારી છે. તો અમે ઊપડીએ મહારાજ ! ધિજ્જટજીને આપણે કહેવરાવી દઈએ.’

‘શું ?’

‘કે અત્યારે આખો કાફલો સાથે ઊપડે એ ઠીક નથી. ત્યાં જઈને અમે પાછા ફરીએ ત્યાં સુધી એ થોભી જાય. ઝીંઝુ રબારીને ત્યાં એમના રહેવાની વાત અમે નક્કી કરતા આવીશું. અઘોરરાશિજીને મઠપતિજીએ અગાઉથી મોકલી દીધા છે. એ સમાચાર આવી ગયા છે.’

‘થયું ત્યારે, કરો કંકુના. જય સોમનાથ !’

એક સાંઢણીસવારને તરત ખબર આપવા માટે મોકલી દેવામાં આવ્યો.

થોડી વાર પછી રા’ ને દામોદર સાંઢણી ઉપર નીકળ્યા, ત્યારે ઘડીભર તો મહારાજ પણ ભ્રમમાં પડી ગયા. ત્યાં રા’ કે દામોદર મહેતો હતા નહિ. બે રાયકા હતા. દામોદરે વરહોજીને સાથે ઉપાડ્યો હતો.