કાલ્પનિક વાસ્તવિકતા
(૨૭)
ભાર્ગવ પટેલ
“તો તમે બંને સમજી ગયા બધું જ પ્લાનિંગ?”
“હા, સમજી તો ગયા પણ આ વખતે થોડું અઘરું કામ છે”, બેમાંથી એકે કહ્યું.
“એ તો મને પણ ખ્યાલ છે, છતાં મને લાગે છે કે આ કામ માટે તમારા બંનેથી સારી જોડી મળી શકે એમ નથી”
થોડી વાર સુધી મુંઝારો વર્તાયો.
“લેટ્સ ડુ ઇટ!”, સંકેતે અચાનક જ કહ્યું.
“કેમ આટલી વાર રહીને આમ અચાનક!?”, જેનિશે પૂછ્યું.
“આના સિવાય એ લોકોને એક્સપોઝ કરવાનું પોસીબલ નથી, પણ શંકા મને એક જ વાતની છે”
“એ કઈ?”
“પોલીસ અને સ્પેશિયલી જાડેજા આપણને ક્લાઈમેક્સમાં મદદ કરવા તૈયાર થશે ખરા?”
“એ માટે તો એમને હવે મનાવવા જ રહ્યા”
“ઓલ્ટરનેટીવ ખરો બીજો કોઈ?”, અમીએ પૂછ્યું.
“ના ભાભી. જો કે હથિયાર હાથમાં લેવા હોય તો લઇ શકીએ આપણે, પણ એ કામ કાનુનનું છે”
“વાત તો સાચી. આપણે એક કામ કરીએ”, પેલી યુવતીએ કહ્યું.
“બોલ પ્રિયંકા”
“આપણે પ્લાનનો પહેલો અને બીજો ફેઝ સકસેસફૂલી પૂરો કર્યા પછી એના જ પુરાવા સાથે પોલીસને મળીએ તો એમને આપણા પર વિશ્વાસ આવી શકે સો ટકા! શું કહેવું?”
“વેલ સેઇડ! આ જ પ્લાન છે મારા મગજમાં! મારી સાથે રહીને અડધી જાસૂસ તો બની જ ગઈ તારી પ્રિયંકા”, જેનિશે અનિલને કહ્યું.
“એ તો છે, બસ ખાલી મારા પર ઇન્ક્વાયરી નથી કરતી એ સારું છે. હા હા હા”
અનિલ અને પ્રિયંકા આમ તો પ્રોફેશનલ ડ્રામા ઇન્સ્ટીટ્યુટમાં પ્રોફેસર હતા પણ રીલ અને પડદા પરની એક્ટિંગ કરતા તેઓ ક્યાય વધુ સારી રીયલ લાઈફ એક્ટિંગ કરવામાં માહેર હતા અને આ જ કારણે તેઓ જેનિશના મિત્રો બન્યા અને જેનિશ એમની મદદથી ઘણાખરા કેસ સોલ્વ કરી શકતો.
“હા તો ફેઝ નંબર એક મુજબ સૌપ્રથમ સુધીર શર્મા કે જેને એકલાને જ આપણે સારી રીતે જાણીએ છીએ એની દરેક હિલચાલની માહિતી લેવી પડશે અને તક જોઇને માત્ર એક મોટી અને અતિશય લાલચથી ભરપુર ઓફર આપવાનું કામ ટોપ પ્રાયોરીટી છે.”
“બરાબર”, અત્યાર સુધી ચુપ બેઠેલો વિશાલ બોલ્યો.
“તમારે એને તમારામાં એક ગજબનો વિશ્વાસ અપાવવો પડશે, પછી જ આપણે બીજા ફેઝની શરૂઆત કરી શકીશું”, જેનિશે અનિલ અને પ્રિયંકાને કહ્યું.
“પણ એની દિનચર્યા જાણવા સૌ પહેલા એનું એડ્રેસ તો જોઇશે ને?” સંકેતે કહ્યું.
“B-૨૦૪, મયુરવાહીની કોમ્પ્લેક્ષ, માણેજા, મકરપુરા”, જેનિશે જાણે પહેલેથી જ જાણતો હોય એમ ફટાફટ કહ્યું.
“તને કેવી રીતે ખબર?”, સંકેતે કુતુહલવશ પૂછ્યું.
“ઓલા બોસ ઓલા”
“એટલે?”
“સુધીર શર્મા જ્યારે એરપોર્ટ પરથી નીકળ્યો ત્યારે એણે ઓલા એપ્લીકેશન મારફત એક ટેક્સી બૂક કરાવી, જેના ડ્રાયવરનું નામ હતું વિજય રાઠોડ. બસ સરનામું એ ભાઈએ જ અપાવ્યું”
“મતલબ? કેવી રીતે?”, અમી હજીયે થોડી અસમંજસમાં હતી.
“એક્ચ્યુલી નસીબે થોડો આપણો સાથ આપ્યો”, જેનિશે કહ્યું.
“એટલે?”, વિશાલે પૂછ્યું.
“એટલે એમ કે આ બધા ક્રિમીનલ કોઈ સીમ કાર્ડ લાંબો સમય સુધી વાપરતા નથી હોતા એટલે એકાદ બે વાર એ સીમ યુઝ કર્યા પછી એનો ખાત્મો બોલાવી દે કે ફેંકી દે. હવે જે નંબર પરથી સુધીરે ફ્લાઈટની ટીકીટ બૂક કરાવી એ જ નંબરથી ઓલા બૂક કરાવી એટલે હવે એ કાર્ડ એના માનવા મુજબ નકામું થઇ ગયું બરાબર?”
“બરાબર”
“એટલે સંજોગોવસાત એણે એ કાર્ડ ડીસ્ટ્રોય કરી નાખવાની જગ્યા એ ઉતાવળમાં બીજું કાર્ડ બદલવા જતા જુનું કાર્ડ ટેક્સીની બેકસીટમાં ફસાઈ ગયું એટલે એ એને શોધી ના શક્યો, બસ આપણું કામ થઇ ગયું પછી”
“હજીયે ના ખબર પડી થોડી”, સંકેતે કહ્યું.
“એક્ચ્યુલી એ નંબરને મેં જીપીએસ ટ્રેકમાં નાખ્યો હતો. સતત ત્રણ વાર એ કાર્ડ એરપોર્ટથી અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરતું હતું એટલે મને શંકા ગઈ અને અનિલને એની છેલ્લી સ્થિર લોકેશન પર જવા કહ્યું હતું. એટલે અનિલે ત્યાં જઈને ડ્રાઈવર પાસેથી સુધીરને ક્યાં છોડ્યો શું થયું બધું પૂછી લીધું”
“સખ્ખત યાર! માની ગયા તને! લાગે છે હવે આ કેસ સોલ્વ થઇ જ જવાનો થોડા સમયમાં”, સંકેતે ગર્વની લાગણી સાથે કહ્યું.
“હજી તો માત્ર શરૂઆતનું વીસેક ટકા જ કામ પત્યું છે. આ પહેલો ફેઝ સફળ થાય તો પછી કંઈક મજા આવશે ખેલમાં”, જેનિશના અવાજમાં પડકાર ઝીલવાની માદક છટા હતી.
“સારું તો હવે અમે નીકળીએ અને બે દિવસ એની હિલચાલ જોઈએ પછી કોઈ અલગ જગ્યાએ મળવાનું ગોઠવીએ”
અંતે ચા-નાસ્તો કરીને છએ જણ છુટા પડ્યા.
એ જ જગ્યાએથી એમના ગયા પછી જાડેજાના ખબરીએ ફોન ઘુમાવ્યો,
“સાહેબ, તમને હાથો બનાવવાનું નક્કી થઇ ગયું છે”
“અહી આવ બેસીને બધી વાત કર”
ખબરીએ જઈને અમી, વિશાલ અને સંકેત ત્રણેય અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે હતા એવી બધી વાત કરી. ચોરીછુપીથી પાડેલા એમના ફોટા જાડેજાને બતાવીને ખાતરી અપાવી કે એણે જેને જોયા છે એ અમી સંકેત અને વિશાલ જ હતા.
“એ લોકોને મેં દુરથી જોયા હતા. કશીક ગંભીર ચર્ચા કરતા હતા એ બધા”
“હમ્મ્મ્મ”
“હવે તું એ ત્રણનો તો ખરો જ, સાથે પેલા ત્રણનો પણ ડેટા આપતો રહેજે. જરૂર પડે તો આપણા બીજા સાગરિતને સાધો. આ લોકો શું કરે છે એ મારે જાણવું છે”, જાડેજાએ કહ્યું.
“જી સાહેબ”, કહીને પેલો બીજા એરિયાના ખબરીને ફોન કરતો કરતો સ્ટેશનની બહાર નીકળ્યો
***
પ્રેમનો એકરાર થયા બાદ દિવ્યા અને જેનિશના સંબંધો રોજબરોજ નિખારવા લાગ્યા હતા. અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ મળવું, રવિવાર એકબીજાની સાથે ગાળવો, ડીનર, મુવી અને બીજું ઘણું બધું કે જે એક રીલેશનશીપમાં થતું હોય.
ઘણી વાર એ બંને રવિવારે જેનિશની ઓફિસે બેસીને કલાકો સુધી વાતો કરતા. બધી ડિસ્કશન પરથી જેનિશને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે દિવ્યાના મમ્મી પપ્પા થોડા રૂઢીચુસ્ત હતા અને પોતાની જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે દિવ્યાને પરવાનગી મળવી લગભગ અશક્ય હતી.
એક રવિવારે બંને જેનિશની ઓફીસમાં હતા અને રોજીંદી વાતચીત કરતા હતા. જેનિશે જાણીજોઈને મમ્મી પપ્પાની વાત શરુ કરી.
“હું આપણા વિષે મારા મોમ ડેડને વાત કરવાનું વિચારું છું”
“હમ્મ્મ્મ”
“તને શું લાગે છે?”
“એટલે?”
“ચાર મહિનાની રીલેશનશીપના બેઝ પર તને શું લાગે છે આપણે બંને લગ્ન કરી શકીએ કે નહિ?”
“કરી જ શકીએ ઓફકોર્સ, પણ ચાર જણની પરમિશન હોય તો જ મારે લગ્ન કરવા છે. કોઈ એકાદ જણનું પણ મન કચવાયેલું હશે તો હું ખુશ નહિ રહી શકું”
“એ તો હું પણ ના રહી શકું ઓબ્વિય્સ વાત છે. એટલે જ હું એટલીસ્ટ મારા મોમ ડેડનેતો વાત કરી લઉં. જો કે એ મને નાં તો નહિ જપાડે, પણ અહી વાત તારા મમ્મી અને પપ્પાની છે. શું એ લોકો આપણા સંબંધોને સંમતિ આપશે?”
“એની જ તો મને ખબર નથી યાર”, આમ બોલતા દિવ્યા ગળગળી થઇ ગઈ.
“પ્લીઝ તું રડીશ નહિ”
“લાસ્ટ ટાઈમ પણ આવું જથયું હતું”, એક અશ્રુબિંદુ દિવ્યાના ગાલ પરથી સરક્યું.
જેનિશે એ તરત લુછીને કહ્યું, “તારા મમ્મી પપ્પા તને ખુશ જોવા માંગતા હોય અને તું મારી સાથે પુરેપુરી ખુશ જ હોય તો પછી એમને શું વાંધો હોવો જોઈએ”
“સમાજ સમાજ અને સમાજ, આ સમાજને કોઈ આગ કેમ નથી લગાવી દેતું યાર”, દિવ્યાને ગુસ્સા સાથે ડૂમો ભરાઈ આવ્યો.
“એ લોકો ચાર દિવસ વાતો કરીને બધું ભૂલી જ જવાના છે. સારું કે ખરાબ, તમે જે કરો એ પણ સમાજ તમારી ખોદશે તો ખરો જ”, જેનિશે પાણીનો ગ્લાસ આપ્યો.
“હું શું કામ તારા પ્રેમમાં પડી હોઈશ જ્યારે સળી અંજામની ખબર જ હતી તો પછી!?”, દિવ્યા ગંભીર અવાજ સાથે બોલી.
“તને બધું જ ખબર હોવા છતાં તું મને પ્રેમ કરી શકી એ ઈશ્વરની મરજી છે. નહિ તો સાલું જેવા વાંદરામાં પ્રેમ કરવા જેવું છે શું?”, જેનિશે દિવ્યાનો મૂડ સરખો કરવા માટે મજાકિયા અંદાજમાં કહ્યું.
“જા ને! હું કાંઈ તને વાંદરી દેખાઉં છું!”, કહીને દિવ્યાએ જેનિશના હાથ પર હલકી થપાટ મારી.
“હમ્મ્મ્મ૧ ધેટ ઈઝ લાઈક મારા વાળી દિવ્યા. રોંદણા રડતી વખતે તું સારી જ નથી લાગતી સાચું કહું તો”
“કેમ?”
“જે છોકરી બેંગ્લોર જેવા સીટીમાં એકલી આવીને રહેતી હોય. મોર્ડન હોય, પોતાની જાતે આર્થિક રીતે પગભર હોય અને અધૂરામાં પૂરું પોતાના જ બોયફ્રેન્ડ સાથેની પહેલી ડેટનું બીલ જાતે ચુકવે એટલી સમજદાર હોય એ છોકરીને મોઢે સ્વાભાવિક છે કે રોંદણા સંભાળવા કોઈને ન ગમે! એટલીસ્ટ મને તો ન જ ગમે”
“ઓહ! આટલા બધા વખાણ હું હેન્ડલ નહિ સારી શકું બકા”
“પણ હું તો તને હેન્ડલ કરી શકું એમ છું ને!”, કહીને દિવ્યાની બાજુ જઈને જેનિશે એને ઉચકી લીધી.
“ઓય! શું કરે છે?”
“પ્રેમ મેડમ પ્રેમ! આને પ્રેમ કરવો એમ કહેવાય”, સોફામાં મુકતા મુક્તા જેનિશે કહ્યું.
જેનિશે દિવ્યાના માથા પાછળ પોતાનો જમણો હાથ મૂકી પોતાની તરફ એને ખેચ્યું.
“આઈ લવ યુ”, કહેતા કહેતા જેનિશ અને દિવ્યાના હોઠ વચ્ચેનું અંતર સતત ઘટતું જતું હતું.
“આઈ લવ યુ ટુ”, કહતા એ અંતર શૂન્ય બન્યું. બંનેનો હાથ એકબીજાના શરીર પર ફરવા લાગ્યો. પ્રેમની તીવ્રતા પ્રબળ હતી. બંને એકમેકમાં ઓતપ્રોત હતા. દિવ્યાનો હાથ જેનિશના જીન્સ તરફ સરક્યો.
“આર યુ સ્યોર?”, જેનિશના આ પ્રશ્નએ દિવ્યાને ભાનમાં લાવી.
“વ્હોટ?”
“આર યુ સ્યોર આપણે અત્યારે આગળ વધવું જોઈએ?”
દિવ્યા થોડી શરમાઈ.
“હું વિચારું છું ત્યાં સુધી તારા મમ્મી અને પપ્પા લગ્નને મંજુરી ના આપે ત્યાં સુધી આપણે આટલે જ અટકવું હિતાવહ છે”
“યુ આર રાઈટ. તું કેટલો સમજુ અને સારો છે જેનિશ! આઈ લવ યુ સો મચ”
“આઈ લવ યુ ટુ, દિવ્યા. પણ હા એક પ્રોમિસ આપવું પડશે”
“બોલ”
“તું જલ્દીથી તારા મમ્મી પપ્પાને આપણા વિષે વાત કરીશ જ”
“આપ્યું”, દિવ્યાએ કહ્યું.
બંને એકબીજા તરફ વ્હાલભરી નજરે જોતા રહ્યા.
***
બે દિવસ સતત રેકી કર્યા બાદ અનિલ અને પ્રિયંકાને સુધીર અને તેની ગેંગ વિષે ખાસી માહિતી મળી ગઈ હતી. સુધીર કોને કોને મળે છે થી લઈને અમુક ચોક્કસ સમયે એ કઈ જગ્યાએ હોય છે એ બધું ટાઈમટેબલ એ લોકોએ જાણી લીધું હતું. દરેક વ્યક્તિના ફોટા પણ સારી ઝૂમ ઈફેક્ટવાળા કેમેરાથી એમણે લીધા હતા.
પહેલી મીટીંગના બે દિવસ પછી બીજી મીટીંગ કોઈ અલગ જગ્યાએ નક્કી થઇ. છ જણ ફરીથી મળ્યા. ફોટો પરથી વિશાલે મહેમુદને ઓળખી કાઢ્યો. અનિલ અને પ્રિયંકાએ આપેલી માહિતી મુજબ અને બતાવેલા ફોટોગ્રાફ્સ મુજબ સુધીર અને મહેમુદ ઘણી વાર મળ્યા હતા. એ બંને પોર ગામની એક જગ્યાએ મોટી જૂની કંપનીના જર્જરિત બિલ્ડીંગમાં રોજ જતા હતા. પ્રિયંકા અને અનિલ એ બિલ્ડીંગની અંદર તો ના જઈ શક્યા પણ એમના દ્વારા મળેલી માહિતી સુધીર અને મહેમુદને જાળમાં ફસાવવા માટે લગભગ પુરતી હતી.
સુધીર અને મહેમુદ છેક મકરપુરાથી વીઆઈપી રોડ સુધી આવતા અને રાત્રી બજારમાં જમીને એક કેફેમાં જતા જ્યાં લગભગ બે કલાક જેટલી વાતો કરી પછી છુટા પડતા.
જેનિશે બીજા દિવસે અનિલ અને પ્રિયંકાને સુધીર અને મહેમુદનું જ ટાઈમટેબલ ફોલો કરી એ જ કેફેમાં મોકલવાનું નક્કી કર્યું. હવે પ્રશ્ન એ હતો કે એ લોકોને અનિલ અને પ્રિયંકામાં વિશ્વાસ બેસે એ માટે અને એમનું ધ્યાન આ લોકો તરફ દોરવા માટે કયું ઈફેક્ટીવ પ્લાનિંગ શક્ય હોય?
(ક્રમશઃ)