Shayar - 22 books and stories free download online pdf in Gujarati

શાયર-પુસ્તિકાનું પ્રકરણ - ૨૨.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ--૨૨.

અનામીનું નામ

ચતુરદાસ શેઠ પોતાના બંગલામાં બેઠા હતા. ત્યાં બહારથી માણસે આવીને વરધી આપી કે એક વૄધ્ધજન આપને મળવા માગે છે. ચતુરદાસ શેઠે વરધી આપી. અને માણસનો દોરવ્યો

ગવરીશંકર ચતુરદાસને બે હાથે નમસ્કાર કરતો ઊભો રહ્યો.

' બેસો' ચતુરદાસે નમસ્કાર સ્વીકારીને આગંતુકને એક કોચ ઉપર બેસવા ઇશારત કરી. ગવરીશંકર બેઠો એટલે ચતુરદાસે પૂછ્યું ઃ ' પાણી પીશો ?'

' જી, ના. '

ચતુરદાસે ઊભા થઈને પાનસોપારીની રકાબી ગવરીશંકર સામે મૂકી અને પોતાના આસને બેસીને પૂછ્યું ઃ 'ફરમાવો.'

' આપને ફરમાયેશ કરવાની તો મારી ગુંજાયેશ શી ? હું તો આપની મદદ માટે આવ્યો છું. ' પોતાની મદદ માગવા માટે આવનાર માણસોની ચતુરદાસને કોઈ નવાઈ નહોતી. ' કહો.'

' જી. હું સુરતથી આવું છું. મારું નામ ગવરીશંકર.'

' સુરતથી આવો છો એમ ? સુરતમાં તો ભારે થઈ.

' ઇશ્વરનો કોપ ઊતર્યો. શેઠજી, માણસ લાચાર હતું. એક બાજુ અમાસનો જુવાળ ચડ્યો ને બીજી બાજુ નદીમાં વીસ વીસ હાથના ઘોડા આવ્યા. જેટલું બચ્યું એટલું ય કેમ બચ્યું એ જ

અજાયબી છે ! '

' ઈશ્વરને ગમ્યું તે ખરું. પણ તમે સુરતથી આંહી કેમ આવ્યા ? મારા મુનીમને ખુદને મેં સુરત મોકલ્યા છે. ત્યાં એમણે પેઢી ખોલી છે. ને મારાથી મારા ગજા પ્રમાણે જેને જેટલી સહાય આપી

શકાય એટલી એ ત્યાં જ રૂબરૂ જોઈ તપાસીને આપે છે. તમે એમને જ સુરતાં જ મળો તો સારું. મેં એમને સોંપી દીધું છે, પછી વચ્ચે પડવું મને લાજમ નથી ઃ એ તો તમે સમજી શકશો.'

ગવરીશંકર હસ્યો ઃ ' જી. એવી કોઈ મદદ માટે હું આપની પાસે નથી આવ્યો. '

' ત્યારે? '

' જી, છેક સુરત સુધી આપની ખ્યાતિ પહોંચી છે કે આપ કવિઓની કદર કરો છો. '

' તમે કવિ છો ? તમે કાંઈ લખ્યું છે ? '

' જી, મુજ ગરીબનું ગજું છે કવિ થવાનું ? એ તો કાં અમીર કે કાં ફકીરને પાલવે. હું તો ગરીબ બ્રાહ્મણ છુ. નોકરી કરું છું. '

' તો તમે કોઈ બીજાને માટે મદદ માગો છો ?'

' જી. મારી પાસે એક નાટક છે. '

' નાટક ? ગુજરાતીમાં ? '

' આ રહ્યું. ' ગવરીશંકરે થેલીમાંથી નાટક કાઢ્યું. ' એનું નામ છે નીલદર્પણ. '

ચતુરદાસે નાટક હાથમાં લીધું. ઉપર નાટકનું નામ જોયું. કવિનું નામ જોયું . પોતાને સમજાય નહિ એવું કાંઇક પરિચિત લાગ્યું. ઉપરની દોરી તોડીને એમને ઉપર ઉપરથી નજર ફેરવવા

માંડિ. પરિચિતતાની ગંધ ગહરી બનવા માંડી. આમાં કાંઇક પોતાને જાણીતું છે --- ખૂબ જાણીતું છે. એમ એમને લાગ્યા જ કર્યું. એમણ એમણે મજફર જરા વધારે ધ્યાનથી વાંચવા માંડયા,

પરંતુ એમાંથી એમને કોઈ પિછાન ન ઊગી. એમણે પાનાંઓ ઉથલાવી જોયાં ને એમને એ વિચિત્ર લાગ્યું કે પાને પાને એમને કાંઇક અવ્યક્ત છતાં ખૂબ જાણીતું લાગતું હતું. મજફર એમના

થી અજાણ્યો હતો ત્યારે.....

' તમે જો કાલે આવો તો હું આ વાંચી જાઉં અને પછી આપણે વાત કરીએ તો ? '

' જી, મારે પાછું સુરત જવું છે. મારા શેઠ અર્ધચિત્તભ્રમની દશા ભોગવે છે.'

' એમ કે ? '

' જી, નાટક આપ આપની પાસે રાખો. આપ આજે જ શું કામ ? આપની સગવડે વાંચજો. મારે પૈસા જોઈતા નથી. પરંતુ આપનો ગુજરાતી કવિઓનો પરિચય ઘણો બહોળો છે. તો આપની પાસેથી મારે આ કવિની ભાળ મેળવવી છે. મારે આપની એ મદદ જોઈએ છે.'

' પરંતુ હું કોઈ ગૌતમ નામના કવિને ઓળખતો નથી. એનું નામ પણ હું આજ પહેલવહેલું સાંભળું છું. તમને નથી લાગતું કે જ્યાંથી તમને નાટક મળ્યું ત્યાંથી જ એમની ભાળ તમને મળી શકે?'

' જી, નાટક તો સુરતમાંથી મળ્યું છે. પરંતુ મારી જાણની વાત છે કે તેઓ વરસોથી મુંબઈ આવ્યા છે.'

' મુંબઈ આવ્યા છે... વર્ષોથી..... ' ચતુરદાસના મગજમાં એકાએક જાણે પ્રકાશ છાયો. ' ઊભા રહેજો. ' કહીને ચતુરદાસ ઉતાવળા ઊઠીને એક કબાટ તરફ ગયા. કબાટમાંથી એમણે કે પાકી

બાંધેલી નોટ કાઢી. એનાં પાનાં ઉથલાવી જોયાં. પાછા આવ્યા. બેઠા. એક હાથમાં નોટ ઉઘાડી રાખીને બીજા હાથે નાટકનાં પાનાં જોવા માંડ્યાં. નાટકના પાનાંમાં પરિચિતતા કેમ લાગતી હતી

એ એમને પ્રત્યક્ષ સમજાયું.

પોતાના અનામી કવિના અને નાટકના કવિ ગૌતમના અક્ષરો એક જ હતા. નોટ બાજુએ મૂકી. નાટક બાજુએ મૂક્યું. ને આભા બનેલા ગવરીશંકરે ચતુરદાસ જેવા દેખાવે ગરવા માણસે

ધોતિયું પગમાં આવતાં પડી જતાં માંડ સમતોલપણું જાળવીને દોડીને બૂમ પાડતા સાંભળ્યા ઃ

' ચંચળ ! ચંચળ ! '

પતિનો સાદ કોઈ દિવસ આટલો ઊંચો કે આટલો આતુર ન હતો. ચંચળ ઉતાવળાં અંદર આવ્યાં. ગવરીશંકરને જોઈએન સહેજ સંકોચાયાં. પતિનો દેખાઈ આવે એવો ઉશ્કેરાટ જોઈને ચિંતાતુર બન્યા.

' શું છે ? '

' ચંચળ ! ' ચતુરદાસે ચંચળ્નો હાથ પકડીને એને ઘસડીને ગવરીશંકર સામે ઊભી રાખી ઃ ' ચંચળ ! તને આપણા કવિરાજની વાત યાદ છે ને ? '

' હા.' ચતુરદાસના ઘરમાં ચંચળ તો શું પણ ઘરનો ઘાટી પણ કવિરાજ્ની વાત ભૂલી શકે એમ હતું જ નહિ ઃ ' કવિરાજ જેની કવિતાઓ તમે છપાવી છે તેજ ને? '

' એજ તો. બીજા કવિરાજ છે જ કયાં ? એમનું નામ ગૌતમ , ને એ રહેવાસી સુરતના. '

ચંચળ હસી. પતિને પ્રસન્ન જોઇને પોતે પ્રસન્નતા અનુભવતિ એવી એ નારીના વદન ઉપર ચતુરદાસના આનંદનો જાણે પડછાયો પડ્યો.

' તો બસ હવે શું ? એમને બોલાવો અહીં .'

' બોલાવું શું ? હું જાતે તેડવા જઈશ એમને ! ' ચતુરદાસે ગવરીશંકર સામે જોયું. ને એના ચહેરા સામે જોઈને એમનો ઉત્સાહ હરાઈ ગયો. ' અરે, પણ આપણે નાહકના અધીરા થઈએ છીએ.

આ ભાઈ પોતે એની ભાળ કાઢવા અહીં આવ્યા છે ! '

' તો આ ભાઈને ય એમની ભાળ નથી ? ' ચંચળે પૂછ્યું ઃ' તો એમનું નામઠામ એમને ક્યાંથી ખબર ? '

' જી. એ વાત જરા લાંબી છે. એનું નામ ખબર છે કેમકે એના બાપ મારા મિત્ર હતા, વડીલ હતા. ને મને એમણે એમના ગજા પ્રમાણે મદદ કરી છે. વળી એ મારા શેઠના જમાઈ થાય ! '

' તો એમને જ પૂછીએ તો શું ? એમને તો એમની દીકરીની ખબર હશે જ ને ? '

' એમને પણ ખબર નથી.'

' આ કેવી વાત કરો છો તમે ? '

' જી. એજ દુઃખ છે. મારા શેઠની વતી એમની દીકરીની ભાળ મેળવવા તો હું અહીં આવ્યો છું. મનમાં કહ્યું ચતુરદાસ શેઠને ત્યાં કવિઓ ભેગા થાય છે એટલે એમને ગૌતમભાઈ વિષે ખબર

હશે. ને એ રીતે મને આશાબહેનનો પત્તો લાગશે. '

' એમનાં પત્નીનું નામ આશાબહેન ? કવિની પત્નીને શોભે એવું નામ છે ! ' ચતુરદાસે કહ્યું.

' જી. કવિની પત્ની થવા માટે જ એ પોતાના બાપનુમ ઘર છોડી ગયાં હતાં. શોભારામભાઈ એટલે કે કવિના બાપ - બહુ લાયક માણસ. ગરીબ માણસ. પણ પેટે પાટા બાંધીને એમણે

ગૌતમભાઈને બી. એ. સુધી ભણાવ્યા.

' બી.એ. ? '

' હા. અહીં મુંબઈમાં જ ભણાવ્યા હતા. અમારા શેઠ પ્રભુરામભાઈ. એમના ભાઈ મયારામભાઈ બહુ સુધરેલા વિચારના ને અમારાં આશાબહેન એમને ઘેર રહેતાં ને એય કોલેજમાં ભણતાં. '

' છોકરી કોલેજમાં ભણતી ? ' ચંચળના અચરજનો પાર ના રહ્યો.

' જી, કોલેજમાં ગૌતમભાઈ ને આશાબહેન સાથે ભણતાં. એમાં એમનાં દિલ મળી ગયાં. ને ગૌતમભાઈ બી.એ. થઈને આવ્યાં કે સુરતની સદર અદાલતમાં મોટા પગારથી અમલદાર નિમાયા.

ને મારા શેઠ પ્રભુરામભાઈએ આશાબેનનું સગપણ એમની સાથે કર્યું. પણ પછી ગોરા સાહેબને અને ગૌતમભાઈને વાંધો પડ્યો. '

' શેનો વાંધો પડ્યો ? '

' ગોરો કહે કે ઃ તમારે અમલદારી કરવી હશે તો ગુજરાતીમાં કવિતા લખાય નહિ. ને ગૌતમભાઈ કહે કે ઃ તો તારી અમલદારી પડી રહે ઊંચે. આ એમ ગૌતમભાઈ અમલદારી મૂકીને ઘેર

આવ્યા. મારા શેઠ તો પછી સગાઈ તોડતા હતા, પણ આશાબહેન કહે ઃ ' પરણું તો એને જ પરણું.' એટલે તમારા શેઠનો મિજાજ ગરમ. એમણે આશાબહેનને ઘરમાંથી કાઢી મૂક્યાં.

મયારામભાઈ જીવતા હતા ને શોભારામ જીવતા હતા ત્યાં સુધી તો ઠીક - પણ પછી ભારે મુશ્કેલી ઊભી થઈને ગૌતમભાઈ મુંબઈ તરફ રવાના થયા ! '

ચતુરદાસે કહ્યું ઃ ' એ મુંબઈ જતા હતા તે મને ખબર છે. પણ મુંબઈ પહોંચ્યા કે નહિ એની મને ખબર નથી. '

' એ મુંબઈ તો આવી ગયા હતા. કેમકે એમણે તરત જ આશાબેનને મુંબઈ બોલાવી લીધાં હતાં ! '

સાત સાત વરસથી પોતાને સતાવતા પ્રશ્વનો ચતુરદાસને જવાબ મળી ગયો. ' ચાલો, એ બહુ ઠીક થયું. '

' હવે સાહેબ સુરતમાં રેલ આવી. એમાં ઘણાં માણસોનું ઘણું ગયું. અમારાં શેઠના ઘરવાળાં ને બીજું બધું પણ તણાઈ ગયું. હવે શેઠને એકલવાયુ લાગે છે ને એમને આશાબેનનો પત્તો જોઈએ

છે. મનમાં થયું કે આપ કંઈક મદદ કરી શકો એમ સમજીને આ નાટક લઈને આપની પાસે આવ્યો છું.' ' હું પણ આજ વર્ષો થયાં કવિરાજની ભાળ મેળવવા કોશિશ કરું છું. મેં ઠેર ઠેર સભાઓ ગોઠવી છે. મેં એમનાં કાવ્યો છપાવ્યાં છે ને બહોળે હાથે વહેંચ્યાં છે. આજ કવિરાજનાં કાવ્યોનું વાંચન

કરવા, સમજવા માટે ઘણે ઠેકાણે કવિરાજ - મંડળો પણ સ્થપાયાં છે. શાળાઓમાં એમનાં કાવ્યો ભણાવવા શરૂ થયાં છે. મને એમ કે પોતાનાં કાવ્યોની આટલી ખ્યાતિ, પોતાની ખ્યાતિ જોઈને

જ્યાં હશે ત્યાંથી આ કવિરાજ બહાર આવશે. પરંતુ હજી સુધી મારી કોઈ તજવીજ કામયાબ નથી થઈ. '

ગવરીશંકર નિરાશ થયો. આજ કેટલે વરસે એનું ગરીબ મન અને પારકી નોકરી - પરાયણતા ગંગાજમનાની જેમ સંગમ પામતાં હતાં. ત્યારે એ મોટી આશાએ આવ્યો હતો. એને મનમાં

શ્રધ્ધા હતી કે આવા સાહિત્યરસિક શેઠિયા અને કવિઓને ઉદાર હાથે મદદ કરનાર માણસ પાસેથી કાંઇ ને કાંઇ નક્કર માહિતી મળવી જોઈએ. અગર તો એની મારફત મેળવી શકાવી જોઈએ.

એને ખબર પણ ન હતી આજકાલ સુરત શહેર જેની કવિતાઓથી ગાજી રહ્યું હતું ને જે કવિરાજના નામનો ગર્વ ધરતું હતું, એ એનો ગૌતમ જ છે. પોતાના મિત્રનો પુત્ર આટલો પ્રસિધ્ધ થયો

એનો એને ગર્વ થયો. પોતાના મિત્રના પુત્રની પ્રસિધ્ધિ જે કવિતાઓથી થઈ એ કવિતાઓ એણે કદી જોઈ પણ નહોતી એનો એને ખેદ થયો. એ કવિતાઓને એ ધારત તો લખતી વેળાએ

ખુદ કવિના સ્વમુખેથી એ સાંભળી સમજી શકત. એ તક એને હવે ફરી કદી નહિ મળે એની એને ગ્લાનિ થઈ. પોતે એને થોડો ઘણો ઉપયોગી થઈ શક્યો હતો એનો એને આનંદ થયો.

અને ખરે વખતે, ખરી ભીડની વેળાએ પોતે પોતાની વામણી સાંસારિકતાના જાળામાં ફસાઈ ગયો ને એનાથી દૂર ખસી ગયો એનો એને અફસોસ થયો.

અને આશા ! સંસારની આ ખેપમાં એનો જે કાંઇ ઉદય થયો હતો એના બીજ સમી આશા ! ગુલાબના ફૂલ જેવી એ છોકરી, સરસ્વતીના અવતાર સમી એની વિદ્યા ને વિદ્યાની હોંશ, નાનાં

ઝરણાં જેવો એનો કલકલતો ઉમંગ, .... ફૂલની શૈયામાં પોઢવાને સરજાયેલી એ અપ્સરા.... આજ ક્યા અગોચર પાતાળમાં દટાઈ ગઈ હશે ! મુંબઈ જેને ઉપાડે છે એને સાતમા સ્વર્ગ

ઉપર ચડાવી દે છે. આ ચતુરદાસનો એ દાખલો આંખ સામે જ છે. મુંબઈ જેને ચાંપી દે છે એને સાતમા પાતાળમાં ચાંપી દે છે. આશા ને ગૌતમનો દાખલો.

બિચારા પ્રભુરામ ટૂંકા સ્વભાવનો માણસ. ટૂંકી નજરનો માણસ. ટૂંકી આબરૂના કાંપમાં આળોટનારો નાતજાતનો સંસારી જીવડો . એ બિચારાને નાતની કિંમત હતી એટલી આશાની કિંમત નહોતી. કોઈ ધુરાતો જેમ કોઈ ડફોળ માણસને કાચનો કટકો આપીને સાચો હીરો ઠગી જાય એમ પ્રભુરામ સાંસારિક આબરૂથી ઠગાઈ ગયા હતા ને આશાને હાથથી ખોઈ બેઠા હતા.

ભગવાન કોઈનું અભિમાન સાંખતો નથી, નથી કોઈનો અન્યાય સાંખતો. પ્રતિષ્ઠા પાછળ આંધળી દોટ મૂકનાર પ્રભુરામ આજ અર્ધા ગાંડા જેવો, પોતાનાં સાધન ગુમાવીને બેઠો હતો ને જેનો

એણે તિરસ્કાર કર્યો હતો. એ આજ ધેર ધેર ગવાતો થયો હતો. જગતમાં માણસને બીજાં ગમે એટલાં લેણાં ચુકવવા પડે, કાળનું લેણું ચુકવવાનું કોઈને ય નસીબે ન આવે ! ને આશા ! એને

શોધવી ક્યાં ? મુંબઈ શહેર જો એને ઓઝલ રાખવા જ માગશે તો એની ખબર ક્યાંથી પડશે ? કેમ પડશે ? ....

ગવરીશંકરની આંખો ભીની થઈ. થોડી વાર એ પોતાના મનોવ્યાપારના જાળામાં - કરોળિયાનાં જાળામાં તરફડતી માખીની જેમ તરફડી રહ્યો. ચતુરદાસને પોતાને પણ હોઠ સુધી આવેલો

દૂધનો પ્યાલો ઢ્ળી ગયેલો લાગતો હતો, થોડીવાર એ પણ ચૂપ રહ્યો. આખરે એણે કહ્યું ઃ ' તમે એમ હિંમત હારશો નહિ. એમની શોધમાં હું કાંઈ કમીના નથી રાખવાનો. અત્યાર સુધી તો

મને એમનાં નામઠામની ભાળ ન હતી. હવે તો એમનું નામ મળ્યું છે. એમના પિતાનું નામ મળ્યું છે. એમના પત્નીનું નામ મળ્યું ચે. એમની જીવનકહાણી મળી છે, અનાયાસે, વિધિના

જોગાનુજોગે, હજાર ટુકડાઓમાં ચિરાયેલું ચિત્ર જેમ ધીમે ધીમે સંધાતુ જાય એમ મારી પાસે એની સળંગ કથા આવી છે. બાળક જેમ એક મોંઘું રમકડું અકારણ ચીડમાં ભોંય ઉપર પછાડીને

તોડી નાંખે, ને એનો પિતા જેમ એ ટુકડાઓને જોડીને ફરીને સળંગ ઊભું કરે, એમ વિધિએ કોણ જાણે કોના ઉપરની ચીડ એમના ઉપર ઉતારી. ને એમનું જીવન છિન્નભિન્ન કરી નાંખ્યું. ક્યાંક

એમના વહાલસોયા ને ભોળા પિતાને ફેંકી દીધા, ક્યાંક એમની શ્રધ્ધા ફેંકી, ક્યાંક એમનું અરમાન ફેંક્યું. ક્યાંક એમનો ઉમંગ ફેંક્યો. ક્યાંક એમની કવિતાઓ ફેંકી ને ક્યાંક એમનો દેહ ફેંક્યો.

હવે ભગવાન બાલિશ વિધિએ કરેલા ટુકડાઓ જોડવા બેઠા છે. નામઠામ વગરની એમની શ્રધ્ધા એક પથ્થર નીચે દટાઈ હતી, એ મા તાપીએ ખોદીને બહાર કાઢી. નામઠામ વગરની એમની

કવિતાઓ મધરાતે ધરતીનું અશરીરી ગાન જેમ સંભળાય એમ આજ દેશભરમાં ઘેર ઘેર ગવાતી થઈ છે. આજ એ અશરીરી કાવ્યોને એના સર્જકનું નામ સાંપડ્યું છે. ટૂંકી આબરૂ અને ટૂંકી

અમલદારીના તોરમાં દીવાભીંત બનેલા માણસોએ એમને હડધૂત કર્યા હતા. આજ એ માનવીઓ એમની ભાળ મેળવવાને આભપાતાળ એક કરે છે. નસીબના પગદડાની રમત હવે ખતમ

થઈ છે. ભગવાને હવે તૂટેલા તારો સાંધવાનું માથે લીધું છે. જરૂર મળશે એમનો પત્તો. જરૂર મળશે. મારું મન કહે છે કે વલસાડના સ્ટેશને મારી સામે ઊભો થયેલો અણ ઉકેલ લાગતો

કોયડો આટલે સુધી ઉકેલાયો છે હવે એ પૂરો ઉકેલાશે જ ને એકવાર ભગવાન મને એમનાં દર્શન કરાવશે. એમની ક્ષમા માગવાની તક આપશે. એમના ઉધ્વેગથી ભરેલાં મન ઉપર શીતળ જળ રેડશે - રેડશે જ. મને એ શ્રધ્ધા છે - ને તમે પણ એજ શ્રધ્ધા રાખો. પુરુષાર્થ કરો, માણસ માત્રના પુરુષાર્થનો હામી ભગવાન છે. કવિરાજનો એ સંદેશો છે. ઇશ્વર કરે ને એમનો સંદેશો એમને જ ફળશે. '

' જી. આપણે તો માણસ. આપણી નજર ટૂંકી. દોટ ટૂંકી. ભગવાને ધાર્યું હશે તે થશે. તો હવે હું આપની રજા લઉં. મારા શેઠને ખબર કરું. આજ તો એમને મારા સહારા સિવાય કોઈ નથી.

મારે એમના સહારા સિવાય કોઈ નથી. આપને કાંઈ ખબર મળે તો આપ જણાવશો ને ? '

' મારા ભાઈ ! મને જે દિવસે ખબર મળશે તે દિવસે મારે ખભે સોનાની પાલખીમાં બેસાડીને હું એ બન્ને તમારા શેઠ પાસે જાતે લાવીશ. '

' તો આ નાટક ?'

' આ નાટક તમે અહીં મૂકી જાઓ. હું એમને કવિરાજનાં કાવ્યોની જેમ છપાવીશ. હવે તો એમનું નામ મને ખબર છે એટલે એક એક કાવ્ય, એમના લખાણની એક એક લીટી, આપણી છૂપી પોલીસ બનશે ને એમને સાતમા પાતાળમાંથી પણ શોધી કાઢશે. '

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED