સત્યના પ્રયોગો - ભાગ-3 - 22 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-3 - 22

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૨. ધર્મસંકટ

મેં ઑફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. પણ ઈશ્વરે મને સ્થિર થવા ન દીધો. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા તેટલામાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજ્વરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રિ સન્નિપાતનાં ચિહ્‌ન પણ જમાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તેને શીતળા પણ ખૂબ નીકળેલાં.

દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું : ‘તેને સારું દવા થોડું જ કામ કરશે. તેને ઈંડાં અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’

મણિલાલની ઉંમર દસ વર્ષની હતી. તેને તો મારે શું પૂછવાપણું હોય ? હું તેનો વાલી રહ્યો. મારે જ નિર્ણય કરવો રહ્યો. દાક્તર એક ૂબહુ ભલા પારસી હતા. ‘દાક્તર, અમે તો બધાં અન્નાહારી છીએ. મારો વિચાર મારા દીકરાને એ બેમાંથી એકે વસ્તુ આપવાનો થતો નથી. બીજું કંઈ ન બતાવો ?’

દાક્તર બોલ્યા, ‘તમારા દિકરાનો જાન જોખમમાં છે. દૂધ અને પાણી મેળવીને અપાય, પણ તેથી તેનું પૂરું પોષણ નહીં થઈ શકે. તમે જાણો છો તેમ, હું તો ઘણાં હિંદુ કુટુંબોમાં જાઉં છું. પણ દવાને સારુ તો અમે ગમે તે વસ્તુ આપીએ તે તેઓ લે છે. મને તો લાગે છે કે, તમે તમારા દીકરા ઉપર આવી સખતી ન કરો તો સારું.’

‘તમે કહો છો એ તો સાચું જ છે. તમારે એમ જ કહેવું ઘટે. મારી જવાબદારી બહુ મોટી છે. દીકરો મોટો થયો હોત તો તો હું જરૂર તેની મરજી જાણવા પ્રયત્ન કરત ને તે ઈચ્છત તેમ કરવા દેત. અહીં તો મારે જ આ બાળકને સારું વિચાર કરવાનું રહ્યું. મને તો લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી આવે જ સમયે થાય. ખરોખોટો પણ મેં એવો ધર્મ માન્યો છે કે, મનુષ્યે માંસાદિક ન ખાવાં જોઈએ. જીવનનાં સાધનોની પણ હદ હોય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણે ન કરીએ. મારા ધર્મની મર્યાદા મને, મારે સારું ને મારાંને સારુ. આવે વખતે પણ માંસ ઈત્યાદિનો ઉપયોગ કરતાં મને રોકે છે. એટલે મારે તમે ધારો છો તે જોખમ વેઠ્યે જ છૂટકો છે. પણ તમારી એક વસ્તુ માગી લઉં છું. તમારા ઉપચારો તો હું નહીં કરું, પણ મને આ બાળકની છાતી, નાડ ઈત્યાદિ તપાસતાં નહીં આવડે. મને પોતાને પાણીના ઉપચારોની થોડી ગમ છે. તે ઉપચારો કરવા હું ધારું છું. પણ જો તમે અવારનવાર મણિલાલની તબિયત જોવા આવતા રહેશો ને તેના શરીરમાં થતા ફેરફારોની મને ખબર આપશો, તો હું તમારો આભારી થઈશ.’

ભલા દાક્તર મારી મુશ્કેલી સમજ્યા ને મારી માગણી મુજબ મણિલાલને જોવા આવવા કબૂલ કર્યું.જોકે મણિલાલ પોતાની પસંદગી કરી શકે એમ તો નહોતું, છતાં મં તેને દાક્તરની સાથે થયેલી વાત કરી ને તેનો વિચાર જણાવવા કહ્યું.

‘તમે પાણીના ઉપચાર સુખેથી કરો. મારે સેરવો નથી પીવો ને ઈંડા નથી ખાવાં.’

આ વચનથી હું રાજી થયો. જોકે હું સમજતો હતો કે, જો મેં તેને એ બન્ને ચીજ ખવજાવી હોત તો તે ખાત પણ ખરો.

હું ક્યુનીના ઉપચારો જાણતો હતો. તેના અખતરા પણ કર્યા હતા. દરદમાં ઉપવાસને મોટું સ્થાન છે એ પણ જાણતો હતો. મેં મણિલાલને ક્યુનીની રીત પ્રમાણે કટિસ્નાન આપવાનું શરુ કર્યું. ત્રણ મિનિટથી વધારે વખત હું તેને ટબમાં રાખતો નહીં. ત્રણ દિવસ તો કેવળ નારંગીના રસની સાથે પાણી મેળવી તે ઉપર રાખ્યો.

તાવ હઠે નહીં. રાત્રે કંઇ કંઇ બકે. તાવ ૧૦૪ ડિગ્રી લગી જાય. હું ગભરાયો. જો બાળકને ખોઇ બેસીશ તો જગત મને શું કહેશે ? મોટાભાઇ શું કહેશે ? બીજા દાક્તરને કાં ન બોલાવાય ? વૈદ્યને કેમ ન બોલાવાય ? પોતાની જ્ઞાનહીન અક્કલ ડહોળવાનો માબાપને શો અધિકાર છે ?

આવા વિચારો આવે. વળી આમે વિચારો આવેઃ

જીવ ! તું તારે સારુ કરે તે દીકરાને સારુ કરે તો પરમેશ્વર સંતોષ માનશે. તને પાણીના ઉપચાર પર શ્રદ્ઘા છે, દવા ઉપર નથી. દાક્તર જીવતદાન નહીં આપે. તેનાયે અખતરા છે. જીવનદોરી તો એક ઇશ્વરના જ હાથમાં છે. ઇશ્વરનું નામ લઇને, તેના ઉપર શ્રદ્ઘા રાખી, તું તારો માર્ગ ન છોડ.

આમ ધાલાવેલી મનમાં ચાલતી હતી. રાત પડી. હું મણિલાલને પડખામાં લઇને સૂતો હતો. મેં તેને ભીના નિચોવેલા ચોફાળમાં લપેટવાનો નિશ્ચય કર્યો. હું ઊઠ્યો. ચોફાળ લીધો.

ઠંડા પાણીમાં ઝબોળ્યો. નિચોવ્યો. તેમાં પગથી ડોક સુધી તેેને લપેટ્યો. ઉપર બે ધાબળીઓ ઓઢાડી. માથા ઉપર ભીનો ટુવાલ મૂક્યો. તાવ લોઢી જેવો તપી રહ્યો હતો. શરીર તદ્દન સૂકું હતું પસીનો આવતો જ નહોતો.

હું ખૂબ થોક્યો હતો. મણિલાલને તેની માને સોંપી હું અરધા કલાકને સારુ જરા હવા ખાઇ તાજો થવા ને શાંતિ મેળવવા ચોપાટી ઉપર ગયો. રાતના દશેક વાગ્યા હશે. માણસોની આવજા ઓછી થઇ ગઇ હતી. મને થોડું જ ભાન હતું. હું વિચારસાગરમાં ડૂબકી મારી રહ્યો હતો. કે ઇશ્વર ! આ ધર્મસંકટમાં તું મારી લાજ રાખજે. ‘રામ, રામ’નું રટણ તો મુખે હતું જ.

થોડા આંટા મારી ધડકતી છાતીએ પાછો ફર્યો. જેવો ઘરમાં પેસું છું તેવો જ મણિલાલે પડકાર્યોઃ

‘બાપુ, તમે આવ્યા ?’

‘હા, ભાઇ.’

‘મને હવે આમાંથી કાઢોને. બળી મરું છું.’

‘કાં, પસીનો છૂટે છેં શું ?’

‘હું તો પલળી ગયો છું. હવે મને કાઢોને ભાઇસાબ !’

મેં મણિલાલનું કપાળ તપાસ્યું. માથે મોતિયા બાઝયા હતા. તાવ ઓછો થતો હતો. મેં

ઇશ્વરનો પાડ માન્યો.

‘મણિલાલ, હવે તારો તાવ જશે. હજુ થોડો વધારે પરસેવો નહીં આવવા દે ?’

‘ના ભાઇસાબ ! હવે તો મને છોડાવો. વળી બીજી વાર એવું કરજો.’

મને ધીરજ આવી હતી. એટલે વાતો કરાવી થોડી મિનિટો ગાળી. કપાળેથી પરસેવાના રેલા ચાલ્યા. મેં ચાદર છોડી, શરીર લૂછ્યું, ને બાપદીકરો સાથે સૂઇ ગયા. બન્નેએ ખૂબ નિદ્રા લીધી.

સવારે મણિલાલનો તાવ હળવો જોયો. દૂધને પાણી તથા ફળ ઉપર તે ચાળીસ દિવસ રહ્યો. હું નિર્ભય બન્યો હતા. તાવ હઠીલો હતો, પણ કાબૂમં આવ્યો હતો. આજે મારા બધા છોકરાઓમાં મણિલાલ શરીરે સહુથી વધારે મજબૂત છે.

તે રામની બક્ષિસ છે કે પાણીના ઉપચારની, અલ્પાહારની ને માવજતની, તેનું નિરાકરણ કોણ કરી શકે ? સહું પોતપોતાની શ્રદ્ઘા પ્રમાણે ભલે કરે. મારી તો ઇશ્વરે લાજ રાખી એટલું મેં જાણ્યું ને આજ પણ એમ જ માનું છું.