નસીબ - પ્રકરણ - 1 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ - પ્રકરણ - 1

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

 

 

‘‘સાત વર્ષની સજા કાપીને અજયે જ્યારે જેલની બહાર પગ મુક્યો ત્યારે તેની જીંદગી બદલાઈ ચૂકી હતી. તે હવે એક મોટા રાજકારણી અને ધનાઢ્ય કુટુંબનો પુત્ર રહ્યો નહોતો. તે એક દેશદ્રોહી હતો. જે ગુનો તેણે કર્યો નહોતો એ ગુના સબબ તે જેલમાં ગયો હતો. હવે જેલની બહાર નિકળીને તેનો એક જ મકસદ હતો... પોતાને ખોટી રીતે ફસાવનાર વ્યક્તિઓને નશ્યત કરવાનો... નજરોની સામે જ તેની પ્રેયસી તુલસીને એક્સિડન્ટમાં મરાવી નાખનાર ગુનેગારોને શોધવાનો... અજયના એ મકસદમાં તેને સાથ મળે છે પ્રેમનો... જે થોડા જ સમયમાં તેનો જીગરજાન મિત્ર બની જાય છે... તો શું અજય અને પ્રેમ એ અજાણ્યા ગુનેગારોને પકડી શકશે...???....નહિં... જેમ-જેમ એ બન્ને એ કાવતરાખોરોની નજીક પહોંચતા જાય છે તેમ-તેમ અજાણતા જ એમને સમગ્ર દેશને હચમચાવી મુકે એવા ભયાનક અને હેરતઅંગેઝ કાવતરાની જાણ થાય છે...સાત વર્ષની સજાથી આરંભાતી ઘટમાળામાં સમગ્ર દેશને હચમચાવી નાખે એવા વિસ્ફોટકોનો સામનો શું અજય અને પ્રેમ કરી શકશે...??? શું તે બન્નેના ‘નસીબ’ તેમને એમના મકસદમાં સફળતા અપાવશે...??? બંદુકના નાળચે... ભયના ઓથાર હેઠળ ખેલાતા ભયાનક લોહીયાળ સંઘર્ષની આ કહાની છે... જેમાં આવ્યે જતા ખતરનાક પાત્રોની શૃંખલા તમારા હ્ય્દયના ધબકારા વધારી મુકશે.’’

 

પ્રસ્તાવના

 

પ્રવિણ પીઠડીયા સાથે આપણે આ પહેલા પણ રૂબરૂ થયા છીએ. તેમની પહેલી નવલકથા ‘‘નો રીટર્ન’’ને વાચકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને મળી રહ્યો છે. ‘‘નો રીટર્ન’’ ઈ-બુક સ્વરૂપે અને હાર્ડ-બુક એમ બન્ને ફોર્મેટમાં પબ્લીશ થઈ ચૂકી છે... એ ઉપરાંત એમની થ્રીલર શોર્ટ-સ્ટોરીઓ પણ ઈ-બુક સ્વરૂપે આવી ચૂકી છે જે મેં મન ભરીને વાંચી છે... એન્જોય કરી છે. તેઓ ધાંસુ લખી શકે છે... હવે ફરી એકવાર તેઓ સાહિત્ય રસીકો માટે, રહસ્ય અને રોમાંચના દિવાનાઓ માટે એક નવી ધમાકેદાર, દિલધડક, રોમાંચથી ભરપુર સસ્પેન્સ થ્રીલર નવલકથા લઈને આવ્યા છે... ‘‘નસીબ’’. જો કે પ્રવિણ પીઠડીયાનું નામ આવે એટલે મારે કહેવાનું ન હોય કે તેઓ શું લઈને આવ્યા હશે...! એમની નોવેલ એક જ બેઠકે વાંચી જવી પડે એવી જકડી રાખનાર હોય છે. 

***

‘‘નસીબ’’ પ્રેમ અને અજય નામના બે મિત્રોની કહાની છે... હું ખુદ એક લેખક છું એટલે જાણુ છુ કે સસ્પેન્સ વાર્તા લખવી ખરેખર અઘરી છે. કારણ કે સસ્પેન્સ વાર્તામાં શરૂઆતથી અંત સુધી પક્કડ જળવાઈ રહેવી જરૂરી છે... વાર્તામાં આવતી બધી ઘટનાઓ એવી રીતે એક-બીજા સાથે ગુંથવાની હોય કે વાચકોનો ક્યાંય રસ ભંગ ન થાય. વાચકની ઉત્સુકતા સતત જળવાઈ રહેવી જોઈએ અને કથા પ્રવાહ સાથે તે પોતે ઈન્વોલ્વ થવો જોઈએ... તેમાં વચ્ચે જરાક પણ પકડ છુટવી ન જોઈએ કારણ કે એક વખત વાચકનું મન વાર્તા પરથી પકડ ગુમાવે તો પછી ફરી કનેક્ટ થતા વાર લાગે છે. પ્રવિણભાઈએ પોતાનું કામ અહીં બરાબર નિભાવ્યું છે... મને આશા છે કે તેમની આ નવી નવલકથા ‘‘નસીબ’’ને ખુબ સારો રીસ્પોન્સ મળશે. મારી શુભકામનાઓ તેમની સાથે છે... તો ચાલો એક ઉત્તેજનાની સફરે જઈએ...

ગૌતમ ઠુંમ્મર

પ્રકરણ - ૧

 

‘‘આ અદાલત મી.અજય મોહનલાલ જોષીને તેણે આચરેલા રાષ્ટ્રદ્રોહના ગુના બદલ ૧૦ વર્ષની સખત કેદની સજા સુનાવે છે.’’ અદાલતી ન્યાયાધીશના આ શબ્દો છેલ્લા સાત-સાત વર્ષોથી અજયના જહેનમાં એક ભયાવર ચિત્કારની જેમ ગુંજી રહ્યા હતા. આ શબ્દોની માયાજાળથી પીછો છોડાવતા તેણે ઘણા પ્રયત્નો, ઉધામા કરી જોયા હતા. છતા કોઈ વર્ષો જુની દુશ્મનાવટની જેમ એ શબ્દો એક સેકન્ડ માટે પણ તેના જહેનમાંથી હટતા નહોતા. અજયે જેલના કામોમાં મન પરોવવા મથામણ કરી જોઈ. મનને શાંત રાખવા જેલમાં દર અઠવાડીએ ધ્યાન અને પ્રાણાયામ શીખવવા આવતા ગુરૂજીના ઉપદેશ અને ધ્યાન્કી ક્રિયાઓ અજમાવી જોઈ... તેના પોતાના પાછલા જાહો-જલાલી ભર્યા રંગીન દિવસોની યાદમાં ખોવાઈ વર્તમાનની બિહામણી અને ભેંકાર રાતોને ભુલવાની કોશીષ કરી જોઈ... છતા એ મનહુસ શબ્દો તેના જીવનમાં તેનું નસીબ બનીને લખાઈ ચૂક્યા હતા.

સાત-સાત વર્ષો તેણે જેલની કાળમીંઢ પત્થરોની દિવાલો વચ્ચે રીબાતા-સડતા કોઈ સાચુકલા ગુનેગારની જેમ વિતાવ્યા હતા. જેલવાસે અજયને ભીતરથી તોડી નાખ્યો હતો. તેના કોમળ મનને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. એ સાત વર્ષોમાં અજય કેટલીયવાર માનસીક રીતે મરી ચૂક્યો હતો. તેની માનસીક હાલત એટલી હદ સુધી કથળી ચૂકી હતી કે છેલ્લા એક વર્ષથી તે એકલો-એકલો લવારીએ પણ ચઢવા લાગ્યો હતો. પાગલપણાની શરૂઆતના લક્ષણો તેના મનના દ્વારે દસ્તક દેવા લાગ્યા હતા. જો હજુ આવી જ પરીસ્થીતીમાં તે વધુ એકાદ વર્ષ જેલમાં સબડે તો ચોક્કસ અજયને જેલમાંથી સીધો જ પાગલખાનામાં ભરતી કરવો પડે એવી નોબત સર્જાઈ હતી.

જેલ સત્તાધીશોને, ખાસ કરીને જેલના જેલર ફતેહસીંહને આ બાબત સારી રીતે સમજાણી હતી. તેના મનમાં અજય પ્રત્યે કુણી લાગણી હતી. તેણે અજયના પાછલા સાત વર્ષોના સારા રેકોર્ડને ધ્યાનમાં લઈને આગામી મહિને આવતી ૧૫મી ઓગષ્ટે તેના બાકીના ત્રણ વર્ષની સજા માફીનો રીપોર્ટ બનાવી પોતાના ઉપરી અધીકારીને એ રીપોર્ટ મોકલી આપ્યો હતો. તેને એ રીપોર્ટના જવાબની રાહ હતી. ફતેહસીંહ જેવા કડક અને નિયમપાલનમાં જડતાની હદ સુધી જવા વાળા જેલરનું હ્ય્દય પણ અજયની માનસીક યાતના જોઈને પીગળી ગયું હતું. પાછલા સાત વર્ષોમાં ફતેહસીંહ ભાગ્યે જ અજયને કંઈ બોલતા સાંભળ્યો હતો. અજય નતમસ્તકે જેલના તમામે તમામ નિયોમોનું પાલન કરતો. આથી કેદીઓના ત્રાસને પણ તેણે ચૂપચાપ મુંગા મોએ સહન કર્યો હતો. ભયાનક અને રીઢા ગુનેગારો વચ્ચે એ એક નાનકડા બાળક જેવો છોકરો અજય પીસાતો રહ્યો હતો... તેના મોં એ ફરીયાદનો એક પણ શબ્દ નિકળ્યો નહોતો. મનોમન તે રડતો રહેતો... તેની આંખોમાં આંસુઓ ઉભરતા. તે હિબકે ચઢતો, અંદરો-અંદર તે વલોવાતો પણ ક્યારેય ખુલીને તે કોઈને પોતાની મનઃસ્થિતી કહેતો નથી. ફતેહસીંહને તેની એ જ વાત સ્પર્શી ગઈ હતી. અજયને રીહાઈ મળે એવું તે ઈચ્છતો હતો. તેણે પોતાની સત્તાની રૂએ કોશીષો આરંભી હતી...

વીસ વર્ષના નાજૂક, નમણા, સોહામણા અજયને જાલીનોટો અને ડ્રગ્સની હેરાફેરીના દેશવિરોધી કૃત્ય બદલ ૧૦ વર્ષની સજા થઈ હતી. આ ઉપરાંત તેની વિરૂદ્ધ તેની પ્રેમિકા તુલસીની હત્યા કરાવવા બદલનો ખટલોતો હજુ પણ કોર્ટમાં ચાલુ હતો. જો એ કેસમાં અજય કસૂરવાર સાબીત થાય તો તેને ફાંસી મળવી નિશ્ચિત હતી. પરંતુ પાછલા સાત-સાત વર્ષોથી પોલીસ તુલસી મર્ડર કેસમાં અજયનો હાથ હતો એ સાબીત કરવામાં નાકામીયાબ નીવડી હતી એટલે એ મામલામાં અજય નિર્દોષ છુટી જવાના ચાન્સીસ વધારે હતા...

અજયની ત્રણ વર્ષની સજાની માફી અરજીની ફાઈલ અત્યારે રાજ્યના ગૃહમંત્રી વિમલરાયના ટેબલ ઉપર પડી હતી. વિમલરાયની ખંધી નજર એ ફાઈલ ઉપર મંડાયેલી હતી. તે અત્યારે એની એ.સી. ઓફીસમાં તેના જી.હજુરીયાઓથી ઘેરાઈને બેઠા હતા. મોટી ફાંદ અને લુચ્ચી આંખોવાળા વિમલરાયના ચહેરા પર અજયની ફાઈલ જોઈને કોઈ જંગ જીત્યા હોય એવા ભાવો ઉભરી આવ્યા હતા. પોતાના જમણા પગને એકધારા હલાવતા ખંધુ હસીને એક જીહુજરીયા સામે જોઈને તેમણે પુછ્યુ...

‘‘તને ખબર છે કે આ ફાઈલમાં શું છે...?’’

‘‘શું છે એમાં...? કોઈકનો ઘડો-લાડવો કરવાનો સામાન લાગે છે...’’ જીહજુરીયાએ ખુશામત કરતા કહ્યું.

‘‘તેનાથી પણ ઘણુ વધારે છે આ ફાઈલમાં... મારી જીત અને સ્વર્ગવાસી મોહનબાબુની હારનું સર્ટીફીકેટ છે આમા... તું બોલ, શું કરુ...? તું કહે તો આ સર્ટીફીકેટને ‘પાસ’ની સાઈન કરુ અને જો તારી ઈચ્છા ન હોય તો આ વિદ્યાર્થીને ‘નાપાસ’ કરુ તું જે કહે તેમ કરું...’’ વિમલરાય આટલું બોલીને ખડખડાટ હસી પડ્યા...

ભારતના રાજકારણની આ ભયાનક હકીકત અત્યારે ભજવાઈ રહી હતી. સામાન્ય લોકોના જીવનસાથે રમત રમવી એતો વિમલરાય જેવા ક્રુર નેતાઓ માટે જાણે રમત વાત હતી. કોઈના પણ જીવન મરણની પરવા કર્યા વગર ફક્ત પોતાના અહમને સંતોષવા માટે આ નેતાઓ સાવ છેલ્લી હરોળમાં બેસીને ગમે તેવા હલકા કામો પણ ખંધુ હસતા હસતા કરી નાખવામાં શરમ અનુભવતા નહિં... ફતેહસિંહે અજયની દયા-માફી અરજીની જે ફાઈલ મોકલાવી હતી એ ફાઈલ ઉપર સહી કરવાને બદલે વિમલરાયે અજયના જીવનનો ફેંસલો પોતાના અણધડ અને ચાંપલુસીયા જીહજુરીયા ઉપર છોડ્યો હતો. તેની ‘હા’માં અજયની રીહાઈ હતી અને તેની ‘ના’ સાથે જ અજયની જીંદગી પાગલપણાની ભયાનક ગર્તામાં સમાઈ જવાની હતી. એ ખાદીધારી જીહજુરીયાએ પોતાના ચશ્મામાંથી ડોળા ફાડીને ચોતરફ જોયું. અચાનક તેને ઓવો અનુભવ થવા લાગ્યો કે આ ઓફિસમાં તેનું મહત્વ વધી ગયું છે. તેનો અહમ પોષાયો... બધા કાગડોળે તેના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા એટલે મોઢામાં ચાવતા અને અડધી દાઢી સુધી પહોંચી ગયેલા પાનના લાલ રગડાને રૂમાલથી સાફ કરી કંઈક ગર્વીષ્ઠ અદાથી પોતાનો હુકમ સંભળાવ્યો...

‘‘પાસ કરીદો મહારાજ...’’ વિમલરાયને બધા ‘મહારાજ’ના ઉપનામે જ બોલાવતા. આમ પણ એ એક નાનુ અમથુ ગલુડીયું જ છે ને... જેલમાંથી છુટીને ભલેને એ મોજ કરે. જેલમાં એ જેટલો નથી રીબાયો એટલો એ જેલની બહાર નીકળીને રીબાશે. બાપ તો વર્ષો પહેલા માર્યો ગયો અને બેટો હવે ગરીબી અને અપમાનની ખાઈમાં સડી-સડીને જીવતે જીવ મરી જશે...

‘‘હંમ્‌... તારી વાત તો સાવ સાચી છે. આ લે...’’ વિમલરાયે ટેબલ પરથી ફાઈલ પોતાની તરફ સરકાવીને ખોલી. તેના છેલ્લા પાને પોતાની સહી કરતા બોલ્યા... ‘‘સહી કરી આપી બસ... તું ખુશ, હું પણ ખુશ અને મોહનબાબુનું પેલુ બચ્ચુ પણ ખુશ... હા...હા...હા...હા...’’ વિમલરાયના અટ્ટહાસ્યનો પડઘો ઓફિસની દિવાલોએ અફળાયો. તેના અટ્ટહાસ્યમાં સાથ પુરાવતા જીહજુરીયાઓએ આખી ઓફિસને માથે લઈ લીધી. ગર્વથી છકી ગયેલા એ બધા જુઠ્ઠા અને નપાવટ માણસો એકબીજાની ચાંપલૂસીમાં મગ્ન બનીને જોર-જોરથી ઠહાકાઓ લગાવી રહ્યા હતા. પરંતુ અજયની ફાઈલમાં તેની સજા માફી માટે વિમલરાય પાસે સહી કરાવનાર એ કાવતરાખોર રાજકારણીઓ એક બાબતથી સાવ બે-ખબર હતા કે એ સહી તેમણે અજયની આઝાદી માટે નહિં પરંતુ પોતાની બરબાદીના ફરમાન પર કરાવી હતી. એ એક સહી ભવિષ્યમાં તેમની સમગ્ર રાજકીય કારકીર્દી પર પૂર્ણવિરામ સમાન સાબીત થવાની હતી. એ ફાઈલ નહિ પરંતુ ખુદ વિમલરાયના મોતનું ફરમાન હતું જેમાં ખુદ વિમલરાયે જાતે દસ્તખત કર્યા હતા... અત્યારે તો તેઓ આવનારી આંધીથી બેખબર પોતાની સત્તામાં મદમસ્ત બનીને ગજ-ગજ છાતી ફુલાવતા વિમલરાયની ખુશામત કરવામાંથી ઉંચા આવતા નહોતા... અને વિમલરાય પણ પોતાની ઓફીસમાં ચોતરફથી થતી પોતાની જયજયકાર સાંભળીને ખુરશીમાં બે વેંત અદ્ધર હવામાં બેઠા હોય એમ ફુલાઈ ઉઠ્યા હતા...

સાવ એવુ પણ નહોતુ કે અજય બિકણ કે માયકાંગલો હતો. પરંતુ સમયે તેને એવી થપાટ મારી હતી કે ઐશ્વર્યની છોળોમાં ઉછરીને મોટો થયેલો અજય એકદમ સાવ અચાનક જ જાણે જીંદગીની ફુલ રફતારમાં ભાગતી ગાડીને જોરદાર બ્રેક લાગી જાય અને ગાડી ઠસડાઈને ઉભી રહી જાય એવી રીતે ઠસડાઈને ગુમનામીના અંધારામાં ફેંકાઈ ગયો હતો. મક્કમ મનના અજયે ઘણી કોશીષ કરી હતી કે માથે આવી પડેલી મુસીબતોનો દ્રઢ મનોબળથી સામનો કરે... પરંતુ તેમાં તે નાકામીયાબ નિવડ્યો હતો. ફક્ત વીસ જ વર્ષની નાની ઉંમરે હજુ એની વિચારસરણી એટલી પરીપક્વ થઈ નહોતી કે એ માથે આવી પડેલી અણધારી અને ભયાનક આફતોનો સામનો કરી શકે. એ હજુ કઈ સમજે વિચારે એ પહેલાતો દુઃખના, તકલીફોના ચક્રવાતે તેને ચો-તરફથી ભીંસી લીધો હતો. પછી તેમાંથી તે ક્યારેય ઉગરી શક્યો નહોતો. તે વધુને વધુ ફસાતો ગયો. જે દિવસે પોલીસે તેને પકડીને ઢસડતા પોલીસ વાનમાં ફંગોળ્યો... અને ત્યારબાદ જે જુલમ તેની પાતળી, કોમળ, ગોરી ચામડી પર વર્તાવ્યો હતો એ જ દિવસથી તે ભયાનક રીતે ડરી હયો હતો... પછી તો જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ એ ડર તેના દિલો દિમાગ પર હાવી થતો ગયો હતો. છેલ્લે પરીસ્થીતી એવી આવી કે તે સાવ સુનમુન થઈ ગયો. એક તરફ ડ્રગ્સ અને જાલી નોટોનો કેસ, બીજી તરફ તુલસીના ખુનનો ખટલો, ઉપરથી તેના પિતાજીના મૃત્યુનો આઘાત... મુસીબતો અને આફતો એ ચોતરફથી આક્રમણ કર્યું હતું. જેમાં તે ફસાઈ ચૂક્યો હતો...

પોલીસે અજયનો ગુનો સાબિત કરવા જોરદાર કોશીષો આદરી હતી. સામેની બાજુ અજય વિરૂધ્ધ પુરાવાઓનો ઢગલો ખડકાઈ ચૂક્યો હતો એટલે અજયના સજામાંથી બચવાના કોઈ ચાન્સ જ નહોતા. સતત બે મહિના ચાલેલા અજય વિરૂધ્ધના દેશદ્રોહના ગુનાના કેસને પોલીસે ‘કોઈક’ના દબાણ હેઠળ એટલો જોરદાર રીતે ચલાવ્યો હતો કે ન્યાયાધીશે અજયને રાષ્ટ્રદ્રોહના, જાલીનોટો અને ડ્રગ્સની હેરાફેરીના ગુના સબબ ૧૦ વર્ષની આકરી સજાનો હુકમ ફરમાવ્યો હતો. એ સાથે અજયની પ્રેમિકા તુલસીના મોતનો મુકદમો પણ અલગથી પેશ કરવામાં આવ્યો હતો. જો તુલસીના મોત પાછળ અજયનો દોરીસંચાર હતો એ બાબત સાબીત થાય તો અજયને ફાંસીની સજા થવી લગભગ નક્કી જ હતું... પરંતુ... તુલસીનું મોત અજયની આંખો સામે જ એક ટ્રક એક્સિડન્ટમાં થયું હતું. અને એ બનાવને નજરો-નજર જોનારા ઘણા સાક્ષીઓ હતા જેમણે અજયની તરફેણમાં જુબાની આપી હતી... અને પોલીસ ખાતા પાસે પણ એવા કોઈ જ મજબુત પુરાવા નહોતા કે અજયને દોષિત ઠેરવી શકે... એટલે એ કેસમાં હજુ પણ તારીખો ઉપર તારીખો પડ્યે જતી હતી. સબુતો અને ગવાહોના અભાવે અજય વિરૂધ્ધનો તુલસી મર્ડર કેસ ઢીલો પડવા લાગ્યો હતો. અજય માટે એ ઘણી રાહતવાળી ઘટના હતી. તુલસીના મોતથી તેના જીવનમાં ભયાનક ઝંઝાવાત ફૂંકાયો હતો. ઘેરા આઘાતની લાગણીએ તેને શૂન્યમસ્તક બનાવી દીધો હતો. તેની નજરો સમક્ષ જ તુલસીનું મોત થયું હતું. ચાહવા છતા તે એને બચાવી નહોતો શક્યો એ અપરાધભાવ તેને અંદરથી સતત કોરી ખાતો હતો... અને વળી તુલસીના મોતનું આળ પણ તેના પર આવ્યું હતું. બેવડા આઘાતથી એ સ્તબ્ધ બની ગયો હતો...

તદ ઉપરાંત... અજય હજુ ઘણી બધી બાબતોથી બે ખબર હતો. તેણે હજુ ઘણા જખ્મો સહન કરવાના બાકી હતા. અજયના પીતાજી મોહનબાબુના મોતનું કારણ હાર્ટ એટેક હતું એવું ફલીત થયું હતું. પરંતુ એ મોત પાછળ પણ ઘણા રહસ્યો છુપાયેલા હતા. કોઈ એક વ્યક્તિ એવી પણ હતી જે પોતાની પુરી તાકાતથી અજયને અને તેના પરિવારને બરબાદ કરવા મેદાને પડી હતી. એ વ્યક્તિ અજયને વધુમાં વધુ સજા થાય એવા પ્રયત્નો કરી રહી હતી. ઘણાખરા અંશે તે પોતાના મનસુબામાં કામયાબ પણ નીવડી હતી. અજયને દસ વર્ષની સજા થઈ પરંતુ તે વ્યક્તિ એવું ઈચ્છતી હતી કે અજય ક્યારેય જેલની બહાર જ ન નીકળે. અજયની જીંદગી જેલની અંધારી કાળ કોટડીમાં જ સમાપ્ત થઈ જાય અને એટલે જ તે હજૂ પણ તુલસીના કેસમાં અજયને સજા કરાવવા માટે પોતાનું એડી-ચોટીનું જોર લગાવી રહ્યો હતો...

એ વ્યક્તિ કોણ હતો અને અજય સાથે તેની શું દુશ્મનાવટ હતી એ તો તે પોતે જ જાણતો હતો. તે અજય જોષીના આખા ખાનદાનની બરબાદી ઈચ્છતો હતો. એ વ્યક્તિ પોતાના ખતરનાક મનસુબા સાથે અજય અને તેના પરિવાર ફરતે એવી ભયાનક મોતની જાળ ગુંથી રહ્યો હતો કે તેમાંથી નીકળવું જોષી પરિવાર માટે શક્ય જ નહોતું. અજયના પીતા મોહનબાબુ જોષી તેનો પહેલો શીકાર બન્યા હતા. કોઈ નહોતુ જાણતું કે મોહનબાબુનું મૃત્યુ કુદરતી નહિ પરંતુ એક સમજી વિચારીને બનાવેલી સાજીશનું પરીણામ હતું. તેણે એવી સફાઈ પૂર્વક, પૂર્વ આયોજીત પ્લાન પ્રમાણે મોહનબાબુને મોતની નીંદરમાં સુવડાવી દીધા હતા અને જાહેર એવું થયું હતું કે તે મોત એક સામાન્ય હાર્ટ એટેકના કારણે થયુ હતું... પછી વારો આવ્યો અજયનો... તે વ્યક્તિનું આયોજન એટલું તો પરફેક્ટ હતું કે જે દિવસે અજયને ડ્રગ્સ અને જાલીનોટના કાંડમાં સપડાવ્યો હતો અને સાથે સાથે તુલીસ મર્ડર કેસમાં પણ તેને ફસાવી દીધો હતો. એ પ્લાન એટલો જબરદસ્ત હતો કે કોઈને કંઈ વિચારવાની કે કશું કરવાની સહેજ પણ તક મળી નહોતી. રણ-વગડામાં અચાનક ઉઠતા ઝંઝાવાતની જેમ એક ભયાવહ વાવાઝોડું ફૂંકાયુ અને બાપ-દિકરો બન્ને તેમાં સપડાઈ ગયા હતા... બાપ તો કાયમના માટે ઉકલી ગયો અને બેટો જેલની ચાર-દિવાલો વચ્ચે સપડાઈ ગયો... તેઓની દુશ્મનાવટમાં સાવ ભોળી અને નિર્દોષ તુલસીનો ભોગ લેવાયો હતો. તુલસી સાવ અચાનક જ તેની ઝપટમાં આવી ગઈ હતી અને એ માસુમે તેની ભયાનક કિંમત ચૂકવી હતી...

કોણ હતી એ વ્યક્તિ...? શા માટે તે જોષી પરીવારની બરબાદી ઈચ્છતો હતો...? હવે જ્યારે અજયની સજા માફીની ફાઈલ પર વિમલરાયે દસ્તખત કર્યા હતા અને અજય આઝાદ થવાનો હતો ત્યારે તેની આગલી ચાલ શું હશે...? સવાલો ઘણા છે... પરંતુ એ સવાલોના જવાબ તો આવનારા ભવિષ્યના સમયની ગર્તામાં ઢબુરાઈને પડ્યા છે... એટલે હવે એ સમયની રાહ જોવી રહી...

***