Shayar - 20 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ ૨૦.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૨૦.

જયંતી-ઉત્સવ

મુંબઈમાં લોકોમાં સામુદાયિક કુતૂહલ જગવવું એ કાંઈ સહેલું નથી, ને કુતૂહલ જગવ્યા પછી એને શમાવવું એ તો એનાથીયે સહેલું નથી. કેટલાય સમયથી મુંબઈમાં કુતૂહલ જાગ્યું હતું. આ

ચતુરદાસ છે કોણ ? ક્યા અગોચર પ્રદેશમાંથી આ ધૂમકેતુ નીકળી આવ્યો છે ? ' મુંબઈ શહેર ધૂમકેતુઓની આકસ્મિક મુલાકાતોથી તો અજાણ નથી. એના આકાશમાં કંઈયે વાર ઘડી બે ઘડી

ધૂમકેતુઓ ચમકી જાય છે ને પાછા ગેબ પણ થઈ જાય છે. એની એને નવાઈ નથી. એનું એને કોઈ અચરજ પણ નથી. પણ આ તો એક અચરજનો આરંભ થયો હતો. અચાનક આકાશમાંથી

એકદા વાત પડી કે કોઈ ચતુરદાસ નામના માણસે ગુજરાતી ભાષાનો અભ્યાસ વધારવાને, એના કવિઓને યોગ્ય સહાય કરવાને અને લોકોને ઉપયોગી થાય એવા ગ્રંથો તૈયાર કરવા કરાવવાને રૂપિયા એક લાખની રકમ કાઢી છે.

આ આખી વાત અચરજ ઉપજાવે એવી હતી. કોઈ માણસ ધર્મશાળા બંધાવે, સદાવ્રત બંધાવે, નાની મોટી ઇસ્પિતાલ બાંધે, પાંજરાપોળમાં પૈસા આપે.... આ સખાવત કહેવાય. સાચી સખાવત

કહેવાય. સરકાર એની કદર કરે. મોટા શેઠિયા એની કદર કરે. હા. હજી કોઈ અંગ્રેજી શાળા પણ નીકળી શકે, ને એ કેળવણીનો પ્રચાર કહેવાય. પણ આ શું વળી ? ગુજરાતી ભાષાનો પ્રચાર ?

ભાષાનો પ્રચાર શું ? વાત શી ? એ તો ઘેર ઘેર બૈરા ં બોલે છે ને. એમાં ઝઘડે છે ને એમાં ગાળો દે છે. એમાં લગ્નના ગીત ગાય છે, ને મૂઆ પાછળ મરસિયા યે એમાં ગાય છે. એમાં પ્રચાર

શું ? એ ભાષા જાણનારને ક્યાંય નોકરી થોડી મળવાની છે ? સરકારમાં કોઈ પટાવાળા તરીકેય ઊભો ના રાખે ! બાકી લાખ રૂપિયામાં તો એક સારી હાઈસ્કૂલ ઊભી થાય. એમાં બસો-પાંચસો

છોકરા ભણતા થાય. અંગ્રેજી ભણીને કાલે ઠેકાણે પડતા થાય. સરકારને કારકુનો ઘણા જોઈએ છે. પચીસ - ત્રીસ વર્ષે પેન્શન પણ મળે. પણ આ ગુજરાતી ભાષાનો પ્રચાર ? વાત હસવાજોગ

હતી. પણ રૂ. એક લાખ હસવાજોગ ન હતા. ને જે માણસ પોતાની બેવકૂફમાં બેવકૂફ વાતને રૂપિયા એક લાખનું પીઠબળ આપી શકે એ માણસ પણ હસવાજોગ ન ગણાય. પણ એ

ચતુરદાસ છે કોણ ? ક્યાંનો છે ?

આ એક અજાયબી શંઇ નહિ ત્યાં તો નાના મોટા કવિતાઓના ગ્રંથો ઉપર ગ્રંથો ગુજરાતીમાં પ્રગટ થવા લાગ્યા. પહેલાં માણસો હસવા લાગ્યાં. ગુજરાતીમાં કવિતા ! એ કાંઈ વર્ડ્ઝવર્થ કે શેલીને તોલે આવે ખરી કે ? વર્ડ્ઝવર્થ અને શેલીનાં કાવ્યો વાંચ્યાં તો બહુ થોડાએ હતાં. બીજાઓ તો જેમ અંગ્રેજી પોષાક પહેરીને પોતાને અંગ્રેજ માનતા થયા હતા તેમ બે ચાર અંગ્રેજ કવિઓનાં નામો મોઢેથી બોલીને

ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવાનો પોતાને અધિકાર પ્રાપ્ત થયેલો માનતા. ગુજરાતીમાં તો

માણભટ્ટનાં આખ્યાન હોય. વાર તહેવારે ગાવાની ગરબી હોય કે નવરાતના રાસડા હોય. એમાં

કાંઈ અધ્યતન કવિતા હોય ? આવા મત દાખવનારા ઘણા હતા. એ બધાયે કે બધામાંથી કોઈએ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ કે દયારામને વાંચ્યા હતા એમ ન હતું. પરંતુ એમનો એક જરૂરી

મત હતો કે જે તેઓ વાંચતા નથી, એ વાંચવા જેવું હોતું નથી. ને જેને સાહેબ લોકની સમંતિની મહોરછાપ ન લાગે એ કાંઇ ઉપયોગનું હોતું નથી.

પરંતુ એમનેય મોડે મોડે એક વાત સ્વીકારવી પડી કે આ નામ વગરના કવિએ કામ તો ભારે મજાનું કર્યું છે. એની કવિતામાં શેલી જેવું દર્દ છે. વર્ડ્ઝ્વર્થ જેવી રસિકતા છે. ગોલ્ડસ્મિથ

જેવી પ્રાસાદિકતા છે. ને એમણે આટલું ય કબૂલ કર્યું કે એ ગનીમત હતું. કેમકે એમના મત પ્રમાણે પરદેશીઓ સાથે સરખાવી ન શકાય એવી કોઈએ સ્વદેશી વાતમાં સત્વ પણ ન હતું.

એ તો ગમે તેમ હો. પરંતુ આ પણ પેલા ચતુરદાસનું કામ હતું. એણે આ નામ વગરના કવિની કવિતાઓ ઢગલા મોઢે છપાવી હતી. ને લગભગ લૂંટાવી કહી શકાય એમ છૂટે હાથે વહેંચી

અને વેચી હતી. સાહેબ લોકોને માનપત્ર આપી શકાય. સારી નાત જમાડી શકાય. એકાદ સાહેબના નામ ઉપર એકાદ બાગ સ્થાપી શકાય. એકાદ સાહેબના નામનું બાવલું ઊભું કરી

શકાય. આ બધા જાહેર સેવાના સ્વીકારેલા માર્ગ.

ને આ કોઈક બાપકમાઉ નવલશા હીરજી ગુજરાતી કવિતાઓની ચોપડીઓ છપાવતો હતો ને જેને તેને વેચતો હતો- વહેંચતો હતો ! ને અચરજમાં એક ઓર અચરજ. દરેક ચોપડીના પહેલાં

પાન ઉપર લખ્યું હતું કે ઃ ' આ કવિતાઓ અનાયાસે મારા હાથમાં આવી ચડી છે ને મારો ધર્મ સમજીને મેં પ્રગટ કરી છે. આ કવિતાઓના લખનારા કવિનું નામ કે ઠામ હું જાણતો નથી.

પરંતુ કોઈ ભાઈ મને એમની પિછાન આપશે તો આભારી થઈશ. આ કવિને મેં એકવાર જોયા છે, પછી ક્યાંય જોયા નથી. કોઈ ભાઈ મને એનાં દર્શન કરાવી આપશે તો હું ૠણી થઈશ.'

આ પણ એક અજાયબી જ ને !

ચતુરદાસ શેઠની મુંબઈમાં પેઢી તો હતી. પેઢીમાં એમના મુનીમ કામ કરતા. આ વાત પછી મુનીમની કામગીરી ઘણી વધી ગઈ હતી. એની પાસે ચિત્રવિચિત્ર નામો આવવા માંડ્યાં ને જેટલાં નામો આવે એની દરેકની ખાત્રી તજવીજ કરવાનો મુનીમને હુકમ હતો. કવિતાઓ વાંચીને પછી એક બે માણસને અનામીને સ્થાને પોતાનું નામ મુકાવી દેવાની હોંસ જાગી હતી.

પણ પિછાન કરવાની કોણ જાણે મુનીમ પાસે કોઈક એવી છૂપી ચાવી હતી કે કોઈ કરતાં કોઈ એ મુરાદ પૂરી કરી શક્યું ન હતું. પરંતુ એવી એક શોધ ચાલી રહી છે અને શોધ ગંભીર છે એ

વાત કુતૂહલ જગવવાને માટે પૂરતી હતી. આ બધું હજી થાળે ન બેઠું ત્યાં ગુજરાતમાં મોટો દુકાળ પડ્યો. એ દુકાળમાં ચતુરદાસ શેઠે ભારે કરી. ગરીબગુરબાને તો અનાજ મળે, એમને

માટે ક્યાંક ક્યાંક રોજીઓ ખૂલી હતી, ક્યાંક ક્યાંક મોટા નાનાં કામો તળાવો વગેરે શરૂ થયા હતાં, પરંતુ નિશાળના માસ્તરો, નાના મોટા દુકાનદારો, વાણોતેરો કારીગરો- એક બહોળો વર્ગ

એવો હતો કે જે ક્યાંય રોજીએ જઈ ના શકે, માગવા જઈ ના શકે. કમાનાર એક ને ખાનાર ઘણાં. ચતુરદાસની મુંબઈની પેઢીનાં માણસો આવા માણસોની શોધમાં ફરતાં ને એવાં માણસોને

ઘેર બીજાઓને ગંઘ સરખી ન આવે એમ અનાજની ગુણો પહોંચી જતી.

ને એણે લોકોની અજાયબીમાં માનભાવનો ઉમેરો કર્યો. ના, પણ સાચો શેઠિયો તો ખરો. ખોટી નામના ને ખોટા જશ ને ખાલી સરકારી રજવાડી માનનો ભૂખ્યો આ શેઠિયો નહિ. એ ધન

વાપરી તો જાણે ખરો. આ છે કોણ ભાઈ ?

અરે, તમને ખબર નથી ? એ વલસાડનો વતની છે. વલસાડમાં એ ટિકિટચેકર હતો ! અરે, એને ટિકિટ ચેક કરતો જોનારા માણસો આજ વલસાડમાં હયાત છે. એની સાથે નોકરી કરનારા

માણસો આજ હજી પણ નોકરી કરે છે. એક દી એને ભાગ્યનો સાદ પડ્યો. નોકરી છોડી ને મલબાર ગયો. ત્યાં લાકડામાં ને નાળિયેરમાં સારું કમાયો. ત્યાંથી લંકા ગયો. ત્યાંથી જાવા ગયો.

ને મસાલા ને ચા, હમણાં નવીસવી જાવાઈ ખાંદ આવવા માંડી છે ને. એમાં અઢળક કમાયો. ભાઈ ! વેપાર તો નિમિત્ત છે. ભાગ્ય આપવા માંડે છે ત્યારે એ નાળિયેરમાંથીય આપે છે ને

ખાંડમાંથીય આપે છે. અરે, કાંઇ ન હોય તો જમીનમાંથીય દાટેલાં ઘન મેળવી દે છે. વેપાર તો નિમિત્ત છે. માત્ર. મોટી વાત તકદીરની છે. તકદીર ન હોય એ ટાંટિયાતોડ કરીને તૂટી

જાય તોય કંઇ ન વળે. ને તકદીર હોય તો સૂતેલાને ઉઠાડીને ક્યાંનો ક્યાં લઈ જઈને એને ખોબે ને ખોબે બસ આપવા જ માંડે છે. બાકી ક્યાં ટિકિટચેકર ને ક્યાં આ શેઠિયા જેવો શેઠિયો.ક્યાં વલસાડ ને ક્યાં જાવા ? હવે આ ચતુરદાસ શેઠ પરદેશમાંથી પાછા આવી મુંબઈમાં વસવાટ કરવાના છે. ભૂલેશ્વર ઉપર એમનો મોટો બંગલો બંધાય ચે. એના આવવાની તારીખ પણ નક્કી છે. એની બોટ પણ નક્કી છે. એમનો નવો બંગલો પણ તૈયાર થઈ ગયો છે. મુંબઈ જેને ઉપાડી લે છે એને ફૂલથી ઉપાડી લે છે. ચતુરદાસ શેઠને એમનું કુટુંબ જ્યારે મુંબઈના ધક્કા ઉપર ઊતર્યું ત્યારે એમને લેવાને માટે કેવળ એમના મુનીમ ને એમની પેઢી સાથે સંબંધ રાખનાર શેઠિયાઓ માત્ર નહોતા, ક્તુહલથી પ્રેરાયેલું લોકોનું ટોળું પણ હતું. એ ને આ દેખાય એ ચતુરદાસ શેઠ ! જોયાને ! કપાળ જેટલું ઝગારા મારે છે ! અને આ એમની પાછળ ઊતર્યાં એ એમના પત્ની. નામ ચંચળબહેન. કાનમાં કાંપ છે એ સાચા હીરાના છે હોં. હોય કેમ ન હોય ? શેઠિયા માણસ છે કે વાત છે ?

આ એમની મોટી છોકરી કમળા. આ એનો ્છોકરો રતનદાસ. ને આ બીજાં બે-ત્રણ છે એમનાં નામો જાણમાં નથી. બધા પરદેશમાં જ જન્મ્યા છે. સુવાવડ પણ

પરદેશમાં. શુમ કામ ન હોય ?

શેઠિયા માણસને શું કમી ના હોય? હા કહેતા હજાર દાયણ હાથ જોડીને ઊભી રહે, કેમ ન ઊભી રહે. દામ કરે કામ ને બીબી કરે સલામ. મા ને દીકરી તો જાણે સોને ને હીરેથી મઢ્યાં છે ને ?

શેઠ સાવ સાદા. ને લાગે છે ય ગરવા. ધન કમાવવું મુશ્કેલ છે, પણ કમાયેલું ધન વાપરવું એ તો વધારે મુશ્કેલ છે. ધન ઉપર હજાર જણનાં છાનાં આંસુ ને મૂંગી ગાળ હોય છે. એવા ધન ઉપર લોક્નો આશીર્વાદ મેળવવો એ કાંઈ જેવી તેવી વાત છે ? પૂર્વજ્ન્મનાં મોટાં પુણ્ય હોય તો આ ભવમાં ધન મળે. પણ પચાસેક પૂર્વ જન્મનાં એક સામટાં પુણ્ય હોય તો જ એ

ધન ઉપર લોકના આશીર્વાદ ઊતરે. ધનપતિ તો આ દેશમાં હજારો વર્ષમાં લાખો થઈ ગયા છે, પણ કેટલાંના નામ લોકને મોઢે છે ? જૂના કાળના જગતશેઠ, જગડુશા ને ભામાશા. છે કોઈ

બીજું નામ યાદ ? આ ચતુરશેઠ પણ એજ હેડીનો સમજવો.

આવા ચિત્રવિચિત્ર કુતૂહલની વચ્ચે શેઠ ને એમનું કુટુંબ એમનાં નવા બંગલામાં ગયું. માણસો વિખરાયા, મહેમાનો વિખરાયો. બંગલામાં શેઠ અને એમનું કુટુંબ રાત રહ્યાં.

' કેમ ભાઈ !' ચતુરદાસ પોતાના પુત્ર રતનદાસને કહ્યું ઃ ' જોયું ને મુંબઈ ? '

' હા. જી.'

' હવે તમે ને મોટી બેન જાઓ. આપણો બંગલો જુઓ.'

ચતુરદાસે રતનદાસને વિદાય આપી. ને રતનદાસ 'કમુબેન, કમુબેન'ની બૂમો પાડતો દોડતો ગયો એની પાછળ શેઠ સંતોષથી જોઈ રહ્યા. બાળકો ગયાં, એટલે ચતુરદાસ ખાટ ઉપર હીંચકવા

લાગ્યા ઃ ' કેમ છો ચંચળ શેઠાણી ! '

' અરે કોઈ સાંભળશે ? તમે આમ ઘાંટા શું કાઢતા હશો ?'

' કેમ ન કાઢું ? ઘાંટા કાઢીશ ને બરાબર ઘાંટા કાઢીશ. કેમ વલસાડની રેલ્વેની ઓરડીઓ યાદ આવે છે ? '

' સાચું કહું છું હો. મારું તો મન નહોતું માનતું. પણ તમે મને એવી સાણસાંઆં લીધી કે ઃ ' કાં તુ આપધાત કર ને કાં હું આપઘાત કરું ?' ભગવાનનો પાડ કે બધું સીધેસીધું ઊતર્યું ! '

' ભગવાનનો પાડ સાડી સાતવાર. પણ ભગવાન પછી તો ખરો પાડ માનવાનો છે આપણે પેલા કવિરાજનો. એની કવિતા મને મળે નહિ, છોકરાં વાંચે નહિ, મને સંભળાવે નહિઃ ને મને બસ સાહસ કરી છૂટવાનું મન થાય નહિ.'

' પછી તમને એનો કાંઇ પત્તો ન મળ્યો કે ? ' ચંચળે સાહજિક હમદર્દીથી પૂછયું ઃ ' પણ તમે એને બિચારાને માથે કેવું કર્યું ?' ચતુરદાસ એકદમ ગંભીર થઈ ગયા. એકદમ ઉદાસ થઈ ગયા.

એક દીર્ધ નિશ્વાસ એમના મુખમાંથી નીકળી ગયો ઃ ' તારા બોલ મને ઠપકો આપે છે. વાજબી ઠપકો આપે છે. પણ આ કાળજું મને રોજ સૂતાં ને જાગતાં જે ઠપકો આપે છે એ એ તને કેમ

વર્ણવી બતાવું ? અરેરે ! એક સાંકડા દિલની ને ભોઈની પટલાઈ જેવી હવાલદારીના તોરમાં મેં એના ઉપર હાથ ઉપાડ્યો. માણસને જો પાપની સજા મળતી જ હોય તો મારા હાથે તો કોઢ

નીકળવો જોઈએ. '

' દુશ્મનનેય ન નીકળે. તમે આવું કેમ બોલો છો ?'

' ભગવાન દયાળુ છે. ચંચળ ! એના દરબારમાં પશ્વાત્તાપને પણ અવકાશ છે. હવે તો એ હાથે થાય એટલું પુણ્ય કરવું. ને કોણ જાણે પણ એમ કરતાં કરતાં પણ મને કોઈક દિવસ ભગવાન

એનો ભેટો કરાવી દેશે. '

ચંચળે પતિને મોઢેથી આવી વાત આજ પહેલાં કેટલીયે વાર સાંભળિ હતી. ને એ વાતો સાંભળી સાંભળીને એને પણ એ અનામી માનવી ઉપર કરૂણા ઉપજી હતી એટલે કહ્યું ઃ 'પુણ્યે પાપ

ઠેલાય. તમે એનો અફસોસ ક્યાં સુધી કરશો ?'

' અફસોસ ન કરું તો શું કરું ? ને અફસોસ કરીને ય શું કરું ? એ એવું ચક્ર છે કે હું એનો પાર જ નથી પામી શકતો.જો મેં એમને હડધૂત ન કર્યા હોત તો મને એની કવિતાઓ મળ્ત નહિ.

તો હું મારાં બાળકોને ન ઓળખી શકત, તને ય ન ઓળખી શકત, મારી જાતનેય ન ઓળખી શકત, મારા દેશનેય ન ઓળખી શકત, ને હજીયે તને ગાળો દેતો દેતો વલસાડમાં ટિકિટો

માગતો દિવસ કાપતો હોત. તો હું વલસાડ છોડવાનો વિચાર સરખો ન કરત. સાહસ કરત નહિ. તને ને બાળકોને દેશપરદેશ જોવા ન મળત. આજ હું ન શેઠ હોત, ન તું શેઠાણી હોત.

ન આ બંગલો હોત, ન આ વેપાર હોત. કાંઈ જ ન હોત. કેવળ મહાથાક, મહાકંટાળો અને મહાજડતામાં દિવસો પૂરા કરતાં હોત.'

' તમારા મનમાં આવું છે ને એટલે ભગવાન કોઈક દિવસ તમને મેળાપ કરાવશે ખરો. '

' તમારા મનમાં આવું છે ને એટલે ભગવાન કોઈક દિવસ તમને મેળાપ કરાવશે ખરો. '

' ઓહ ! ક્યારે આવશે એ દિન-કે જ્યારે હું એ મહાપુરુષના પગમાં પડીને એની માફી માંગું એની

ગરીબીમાંથી એમને ઉગારું. આ મહાકવિને છાજે એવા સરસ કો નદી કાંઠો દરિયાકાંઠે ફૂલો

ના બગીચાવાળા તપોવન જેવા આવાસમાં એમને સ્થાપું. આજ મને એની સુરતમુરત યાદ નથી આવતી. ચંચળ પણ એનો કંગાલ દિદાર તો મારા કાળજામાં શૂળ ભોંકે છે એના સ્પર્શ માત્ર

થી મારો કથીર જેવો સંસાર સુધરી ગયો. પણ એના સંસારનું શું હશે ? એની કવિતા મને ફ્ળે ને એને પોતાને ભૂખે મારે એ કેવો ન્યાય !બસ. મને કવિએ ઘણું દીધું છે. આટલું કવિને હું આપી

શકું તો મારી જાતને ધન્ય માનું. મારી બાયડી આજ શેઠાણિ થઈને ફરે, ને એમનાં પત્નીનું શું હશે ? '

' ભગવાન સહુને ભૂખ્યાં ઉઠાડે છે કોઈને ભૂખ્યાં સુવરાવતો નથી. એનેય એનું નસીબ હશે. એની પત્નીને ય એનું નસીબ હશે. આપણે પુરુષાર્થ કરીએ બીજું શું થાય આપણાથી ? '

' જાણે છે ચંચળ, આજ શી તિથિ છે. આજ એ દિવસ છે જે દિવસે મેં પામર માણસે એક દેવતાને હડધૂત કર્યો હતો. આજ એ દિવસ છે જે દિવસે જેને મેં પસ્તી માનવાની બેવકૂફી કરી હતી.

એ પારસમણિ મારે હાથ આવ્યો હતો. તને ખબર તો છે ને કે દર વરસે આ દિવસે હું ઉપવાસ કરું છું. સરસ્વતીની આરાધના કરું છું. મા પાસે એના પુત્રની ભાળ માગું છું. '

' તમે ઉપવાસ કરો છો વરસમાં એક દિવસ, પણ એ આને માટે કરતા હશો એ મને ખબર નહોતી ! '

' આને માટે જ . દર વરસે તો આપણે પરદેશમાં હોઇએ એટલે હું એકલો મારી આરાધના કરતો. હવે હું દેશમાં આવ્યો છું તે હવે જાહેરમાં આરાધના કરીશ. '

' જાહેરમાં એટલે ?'

' આજ રાતે આપણા બંગલાના ચોકમાં હું કવિરાજની કવિતાઓ વાંચીશ. એમની અસલ પોથી મેં જીવની જેમ જાળવી રાખી છે એનું પૂજન કરીશ. સારા મુંબઈ શહેરમાંથી જે કોઈ ભાવિકને

આવવું હશે એ બધા આવી શકશે એમને માટે ચાહ-નાસ્તાનો બ્ંદોબસ્ત થશે. અમે કવિતા વાંચશું. કવિતા ચર્ચશું. તમે આજ ખાવાપીવાની ને દીવાબત્તીની ને એ બધી સગવડ કરાવજો.

જાહેર આમંત્રણની હું સગવડ કરાવીશ ! '

' ભલે. પણ તમે બેસશો ક્યાં સુધી ?'

'હું તો આખી રાત બેસીશ. બાકી તો જેને જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસશે. '

' તો હું ય બેસીશ. '

' બેસજો. લાજમલાજાના વહેમ તો આપણે પરદેશમાં રાખ્યા નહોતા ને આંહી રાખવાના નથી. ને તમે બેસશો તો બીજી બહેનો પણ વહેલી મોડી આવતી થશે. એટલો કવિનો સંદેશ વધારે

ફેલાશે ? ' શેઠના મુનીમ દેખાયા. શેઠ અને શેઠાણી બેયને બેઠેલાં જોઈને એ વૄધ્ધ માનવી સંકોચથી બહાર ઊભો રહ્યો.

' અરે આવો મુનીમજી ! ' ચતુરદાસે આદર આપ્યો. મુનીમ સંકોચાતો આવ્યો. ભરેલા શરીરની , જરા હાડેલી, દેખાવે સોજી અને ગરવી લાગતી શેઠાણી તરફ માનભાવથી જોઈ રહ્યો. ' આ આપણી અહીની પેઢીના મુનીમ છે, ને આપણા વિધામુ છે.' ચતુરદાસે ચંચળને મુનીમની ઓળખાણ આપી.

' ઘેર તો બધાં મજામાં છે ને?' ચંચળે મુનીમને પૂછ્યું ઃ ' તમે જાણો છો ને મુનીમકાકા ! હું તો આંહીની અજાણી ને વળી એકલી. મારાં કાકીને ને બીજાંને મોકલજો તો ખરા. મારે

ઓળખાણ થશે. '

' જી. મોકલીશ. મોકલીશ. ' શેઠાણીના મોઢેથી કાકાનું ઉપનામ પામેલો ને એ રીતે અવસ્થાથી પોતાને પાત્ર થતી વડીલવટનો તમામ નોકરચાકરો સમક્ષ જાહેર સ્વીકાર પામેલો મુનીમ

હર્ષથી અધૂરો ઓછો થઈ ગયો. ' આપની દયા છે. '

' દયા ઠાકોરજીની કાકા ! ' ચંચળે કહ્યું ઃ ' એ કોના નસીબનું કોણ આપે છે ને કોના ભાણામાં કોના રોટલા પૂરે છે એની આપણને થોડી ખબર છે ? જરૂર મોકલજો હો. એ આવશે તો

એમને સાથે લઈને હું મુંબઈ જોવા જઈશ તમને તો ખબર હશે કાકા ! કે મેં મુંબઈ કોઈ દિવસ જોયું જ નથી. '

' જી. જરૂર મોકલીશ. આપની દયા છે.'

' કાકા, હવે તમને જરા ઉમર લાગે છે. ને હવે તો મારા કાકા ગણાઓને તમે ? વળી અમારી પેઢીના તમે મુનીમ. વળી વિશ્વાસુ ઘરના માણસ કહેવાઓ તમે. તમારે આવવા જવા માટે,

પેઢીના કામકાજ માટે, કાકીને દેવદર્શન માટે એક ગાડી રાખવી જોઈએ. એમને માટે એક અલાહેદી ગાડીનો બંદોબસ્ત કરી આપોને. ' ચંચળે ચતુરદાસને સૂચવ્યું.

' તમે કહો, એટલે કરવો જ જોઈશે ને. મુનીમજી તમે જ પેઢીને ખાતેથી એક ગાડીનો બંદાબસ્ત કરી લેજો હો.'

શેઠ જાતે આવે એટલે શહેરમાં નોકરચાકરમાં પોતાના મરતબા વિષે મુનીમને સંશય હતો એ આ વાતથી ટળી ગયો. શેઠાણી ભલી બાઈ હતી એમાં શક ન હતો. એની નજર ઝીણીવીસીની હતી, એમાંય શંકા નહોતી. શેઠાણીનો બોલ શેઠ ઉથાપતા નથી એ પણ એને પ્રત્યક્ષ સમજાયું પોતાને શેઠાણી મારફત થઈ શકે એવી ખટપટો પેઢીમાં જાગવાની ભીતિ હતી એ નકામી હતી એમાં પણ શક ન હતો. આ શેઠ ને આ શેઠાણીમાં શરણમાં પોતાનું શરીર ઘસી નાંખવાનો મુનીમે ત્યાં ને ત્યાં પાકો ઇરાદો કરી લીધો.

' કેમ મુનીમજી ! સહેજ કે ખાસ કામે ?'

' જી. આ બ્ંગલામાં આપને માટે બધી જ સગવડ તો મેં રખાવી છે. નોકરચાકર, રસોયા, વાહન, દીવાબત્તી, પાણી વગેરેની પણ મનમાં થયું કે કાંઇ ભૂલચૂકથી રહી ગયું હોય તો જાતે જોતો

જાઉં. ' ચંચળ ઊભી થઈ. ચતુરદાસ સામે જોઈને ભોળા દિલનું હાસ્ય કરીને બોલી ઃ ' હું ય કેવી કે આવીને આંહી બેસી જ રહી. સારું થયું કાકા તમે આવ્યા. નહિ તો વાતોમાં કેટલીય વેળા

થાય. જોઈ લઉં બધું. ને કાંઈ બાકી હશે તો તમને કહેવરાવીશ. આમ તો અમે પરદેશનાં પંખી ખરાંને. સગવડ અગવડ ચલાવી લઈએ. '

' ના....ના...' શેઠાણી માટે પોતાને વાપરવા જોગ સંબોધનની મુનીમના વૃધ્ધ મગજમાં આંધળી શોધાશોધ ચાલી રહી. આખરે મુનીમે દરિયામાં ઝંપલાવતા હોય એમ જાણે ઝંપલાવ્યાં.

' ના. ના. બેનબા ! શું કામ ચલાવવું જોઈએ ? ' મુનીમે જોયું કે પોતાનાં સંબોધનથી શેઠાણી અજુગતું લાગ્યું ન હતું. ત્યારથી ચંચળ પોતાના બંગલામાં તેમજ બંગલાની બહાર પોતાના

આખા વર્તુળમાં ' બેનબા' બની ગઈ.

આગળ મુનીમ અને પાછળ ચંચળ બંગલો જોવા ને ચીજવસ્તુઓ જોવા નીકળ્યાં. એમની સાથે એમનો જૂનો નોકર હતો એટલે સરસામાન સાથે લાવેલા તે ચોક્કસ ધોરણ મુજબ ગોઠવાઈ

ગયો હતો. આખા બંગલાન ગોઠવણ જોઈને સંતોષ જાહેર કર્યો. રસોઈયા ને કામવાળાંઓને શેઠાણી શોધવા લાગ્યાં. ત્યાર પછી ચંચળ પોતાના વ્યવસાયમાં પરોવાઈ અને મુનીમ શેઠ

પાસે ચાલ્યા. મુનીમે શેઠ પાસે આવીને કહ્યું ઃ ' બેનબાસાહેબને બંગલો બતાવી દીધો છે ને એમને સંતોષ થયો છે.'

' બરાબર છે. ' ચતુરદાસે પૂછ્યું ઃ ' પણ મેં તમને પેલાં વલસાડનાં કામ બાબત લખ્યું હતું તેનું શું થયું ? '

' હાજર છે, સાહેબ ! '

' તેમને આંહી મોક્લાવજો.'

' જી. અહીં જ હાજર છે.' મુનીમ બહાર ગયો. થોડીવારમાં એક નાનો ડબરો લાવીને એણે મૂક્યો.

' સારું. હવે સાંજની વ્યવસ્થા કરજો. '

' જી. બધું તૈયાર કરાવી રાખીશ.'

' હવે તમે જાઓ. હું મોડેથી પેઢી ઉપર આવીશ. ને રાતે પેઢીના બધાં માણસોને આમંત્રણ આપજો. ને બીજાં આમંત્રણો મોકલવાની તજવીજ કરજો.'

' સારું સાહેબ.'

' જુઓ મુનીમજી. મને તમારે સાહેબ કહીને ન બોલાવવો સમજ્યા, પેઢીમાં પણ બધાને તમે સૂચના આપી દેજો. '

' ત્યારે ...સાહેબ...ત્યારે ? '

' મને ચતુરભાઈ કહીને બોલાવજો.'

' પણ...નાના મોટાનો...'

' મને એવો અંગ્રેજી વિવેક પસંદ નથી. આપણી દેશી ઢબ શું ખોટી છે? ગોરા સાહેબ બધા વહેલા કે મોડા પાછા વિલાયત ભેગા થઈ જશે, ને કાળા સાહેબો એમની પાછળ રંડાઈ જશે. હું ને

તમે તો આ દેશના ને આ દેશમાં રહેવાના છીએ. એટલે મને તો ચતુરભાઈ જ ગમશે. '

મુનીમને લાગ્યું કે શેઠ તો અરધા ગાંડા ન હોય તો ઘણા સાદા ને ભોળા છે. બેમાંથી ખરું શું છે એનો તોલ કરવાનું ભવિષ્ય ઉપર રાખીને મુનીમ બે હાથ જોડી વિદાય થયો. થોડી વારે ચંચળ

પાછી ત્યાં આવી. એને ચતુરદાસે ઘરેણાંનો ડબરો બતાવ્યો; ' જો આ તારા દાગીના, જેટલી ઉપકારથી એ લીધા હતા એટલા ઉપકારથી પાછા આપું છું.'

' અરે, તમે આવુ ગાંડુ કેમ બોલતા હશો ?'

' ગાંડુ ને? આજ હું થોડોક હરખઘેલો થઈ ગયો છું. સાત વરસે વતનમાં પાછો આવ્યો છું. બોલ કોને હરખ ન થાય ? '

' હવે તમે જરા ટાઢા પડો. આપણે જરાક ઠરીને બેસીએ એટલે કમુને માટે ઠેકાણું શોધવું પડશે ! '

' એ બધી જંજાળ તને સોંપી છે. આપણે તો બસ હવે આરામ કરવાના છીએ. ' એમ ને એમ રાત પડી. ચંચળ્ને કમુ ને રતન ગાડીમાં બેસીને મુંબઈનાં પહેલા દર્શન કરી આવ્યાં. દૂરથી

સાંભળેલા, બીજાઓને મોઢેથી વર્ણવાયેલાં સ્થળો પહેલી નજરે જોઈ આવ્યાં. ચતુરદાસ પેઢી ઉપર જઈ આવ્યો. પેઢીના તમામ નાનામોટા માણસોની રૂબરૂ ઓળખાણ કરી, બધાના ખબર

અંતર પૂછ્યાં. વેપારધંધાની વાતો મુનીમ સાથે કરી. પેઢીના માણસો તમામને શેઠને પહેલી જ વાર નજરે જોવાના હતા. માલિક સારો હોય, તીખો હોય, એની કામકાજ ઉપર સીધી ને

આડકતરી અસર પહોંચે છે. પેઢીના માણસોનો મત થયો કે ' શેઠ' અને 'સાહેબ'ના સંબોધનને નાપસંદ કરનારો ને પોતાને માટે કેવળ ' ભાઈ ' નું સંબોધન રાખવાનો આગ્રહ કરતો શેઠ

લાગે છે તો નરમ સ્વભાવનો. શેઠના ખરા સ્વભાવની ખબર તો પેઢીના કોઈક માણસને હાથે નુકસાન થઈ જાય ત્યારે પરખ પડે. પરંતુ બધાનો મત એવો તો થયો કે એવા પ્રસંગે પણ

આ શેઠના મોંમાથી બીભત્સ ગાળો કે આકરો ઉકળાટ વરસશે નહિ.

તે રાત્રે ચતુરદાસના બંગલામાં ઝાક્ઝ્માળ થઈ રહી હતી. કેટલાક માનબુધ્ધિથી, કેટલાક ફરજની ને કેટલાક કુતૂહલથી પ્રેરાઈને મિજલસમાં આવ્યાં હતા. ચોકમાં બિછાત પાથરવામાં આવી

હતી. એના ઉપર ગાદીઓ ને તકિયાની બેઠકો હતી. વચમાં મીણબત્તીઓના તેજમાં એક પોથી મૂકવામાં આવી હતી. મિજલસનો આરંભ ચતુરદાસ શેઠે નાના પ્રવચનથી કર્યો ઃ ' હું જ્યારે

જાવામાં હતો ત્યારે ત્યાં મેં એક સરસ રિવાજ જોયો. જાવાના લોકોનો મોટો ભાગ મુસલમાનોનો છે, તેઓ હજરત પેગંબર સાહેબની જન્મતિથિ ઊજવે છે. તેમાં રાત્રે કોઈ જાહેર ને ઉઘાડી

જગામાં શોખીનો એકઠા થાય. સારી સારી કવિતાઓનું વાંચન કરે. કોઈ નવો કવિ હોય તો એ પણ પોતાની કવિતા વાંચે. આપણા જીવમાં રસ જેવું ઓછું રહ્યું છે, એનું કારણ આપણા જીવન

માં નિજાનંદ જેવું રહ્યું નથી. જૂના કામમાં તો લોકો હરિકથાઓ દ્વારા, વાર્તાઓ દ્વારા ભજનો દ્વારા, માણભટ્ટો દ્વારા, સાહિત્યનો શોખ જીવતો રાખતા હતા ને સાહિત્યની મોજ મેળવી શકતા હતા.

આજ એવું કાંઇ રહ્યું નથી.'

' અનાયાસે મને એક કવિરાજનો મિલાપ થઈ ગયો. એ મિલાપ લાંબો તો ન હતો. ને આજે જ્યારે જ્યારે જે સ્થિતિ સંયોગમાં એ મિલાપ થયો એનો ખ્યાલ કરું છું ત્યારે મારી ઉધ્ધતાઈ ઉપર

પારાવાર અફસોસ થાય છે. છતાંયે એ મિલાપે મારો તો ઉધ્ધાર કર્યો. પારાવાર અફસોસ થાય છે. છતાંયે એ મિલાપે મારો તો ઉધ્ધાર કર્યો. એ ઉધ્ધારનાં મારા ઉપર આજે ત્રણ ૠણ છે ઃ

એક તો એ અનામિ કવિ- હું એનું નામ પણ જાણતો નથી ઃ એનાં કાવ્યો પ્રગટ કરવાં. એ કાવ્યોમાં રસ છે, લિજ્જત છે. હરકોઈ સામાન્ય માનવી એ સમજી શકે એવાં છે, ગાઈ શકે એવાં છે.

એમાં જડબાતોડ સંસ્કૄત શબ્દો નથી. એમાં એટલા જ અપરિચિત ગ્રામિણ શબ્દો પણ નથી. મારા અને તમારા ઘરમાં સ્ત્રીઓ જે ભાષામાં વાતો કરે છે એ ભાષા એ કાવ્યોની છે. છતાંયે

સંસ્કૃત શબ્દોના બહોળા ઉપયોગ કર્યા વગર એક નાનું ગુજરાતી કાવ્ય પણ ન લખી શકાય કે અંગ્રેજી ન હોય એ કાંઇ સાહિત્યકીય ગણી ન શકાય એમ માનનારાઓને આ કાવ્યો નવો જ

પ્રદેશ ઉઘાડશે. એ કાવ્યોમાં પ્રાણ છે, બળ છે. તમારા જૂના વહેમો, કુરૂઢિઓ, કુરિવાજોનો મરેલો બોજો ઉઠાવીને ફેંકી દેવાનું કૌવત છે, એમાં વતન માટે મમત્વ જગવવાની ચિનગારી છે.

એમાં સ્વદેશાભિમાન પ્રેરવાની સંજીવની છે. આ કાવ્યો મેં પ્રગટ કર્યાં છે. આજ આખા પ્રાંતમાં એ ધેર ધેર વંચાય છે, આજ શહેરમાં ને ગામોમાં આ અનામ કવિરાજના મુરીદો પેદા થયા છે.

એ એક ૠણ. '

‘બીજું ૠણ છે એ પુરુષને શોધવાનું. એનાં કાવ્યો ઠેર ઠેર ફેલાયાં છે. અને પુરુષ વહેલા કે મોડા કયાંકથી પણ મળી આવશે એ મને શ્રધ્ધા છે. એ મને જ્યારે મળે ત્યારે એમના તરફનું મારું

ૠણ અદા થશે. આજ તો માત્ર એ ૠણ હું કરી શકું એટલી પ્રાર્થના જ કરું .

' ત્રીજું ૠણ છે એમની સાહિયોપાસનાને જીવતી રાખવી. એ દિશામાં મારાથી થાય એટલું કર્યું છે ને થશે એટલું કર્યા જ કરીશ. પરંતુ આજની આ સભા પણ એ ત્રણનો એક અલ્પ અંશ છે.

આજ છે એ તિથિ જે દિવસે મને એમનો અનાયાસે અને અણપારખ્યો મિલાપ થયો હતો. આ તિથિ આજ આપણે એ કવિરાજના કાવ્યો વાંચીને, ચર્ચીને ઉજવીએ છીએ. પ્રતિવર્ષ આ તિથિ

આજ જ ઉજવવામાં આવશે. અને પ્રતિવર્ષ મને આપનો આવો જ સહકાર મળ્યા કરે એવી મારી વિનંતિ છે.'

' એક વાત. આ સભામાં આજે કોઈ નાનું નથી. મોટું નથી બધા જ કવિરાજના ઉપાસકો છીએ. કવિરાજને વધારે સમજી શકે, વધારે સમજાવી શકે, એનાં કાવ્યો વધારે હોંશથી ને વધારે સારી

રીતે ગાઈ શકે એ મોટો છે, આદરણીય છે. '

ચતુરદાસ શેઠ નીચે બેઠા. અને કમુ અને રતએન કવિરાજનું કાવ્ય ગાયું. એક ચતુરદાસે ગાયું.

વૄધ્ધ મુનીમના પુત્ર બેચાર કાવ્યો ગાઈ બતાવ્યાં. સ્વદેશાભિમાન કોને કહેવું, પ્રેમ અને શોર્ય કોને કહેવાં, વગેરે થોડી પ્રાસ્તાવિક ચર્ચા થઈ. પછી નાસ્તો આવ્ય. પછી મોટી મિજલસમાં મોટાં આકર્ષણનું સામ્રાજ્ય જમાવવા માંડેલો ચાહ આવ્યો. ને મોડી રાતે એમ આ પ્રથમ ઉત્સવ પૂરો થયો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED