જૈન પર્વો
તહેવાર શબ્દ અતિ પ્રચલિત છે. ધાર્મિક તહેવારને *જૈન મહર્ષિઓએ “પર્વ” નું વિશિષ્ટ નામ આપ્યું છે.* તહેવારમાં મોજ અને મજા, ધાંધલ-ધમાલ અને ઘોંઘાટ મુખ્ય હોય છે. પર્વમાં હોય છે તપ, ત્યાગ, સંયમ અને આરાધના. પર્વમાં તપપૂર્વક વિશિષ્ટ જાપ અને ક્રિયાઓ કરવાની હોય છે. જૈન પર્વ એક દિવસનું પણ છે અને બેથી વધુ દિવસોનું પર્વ પણ છે. વિશિષ્ટ જૈન પર્વ વિશે વિગતવાર જાણીયે.
નવપદ ઓળી
જૈન ધર્મમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવનું વિશિષ્ટ મહિમાવંતુ સ્થાન છે. તેને “નવપદ” કહેવાય છે.* તેને “સિદ્ધચક્ર” પણ કહે છે. આ નવપદની આગળ આરાધનાના દિવસોને “નવપદ ઓળી' કહે છે.
➡વરસમાં બે વખત તેવી આરાધના કરવામાં આવે છે. દર વરસે ચૈત્ર સુદી 7 કે 8 થી ચૈત્રી પૂનમ સુધી અને આસો સુદી 7 કે 8 થી આસો સુદી પૂનમ સુધી એમ નવ-નવ દિવસ સુધી તેની આરાધના કરાય છે.
➡તેની આરાધનામાં નવે દિવસ સુધી સળંગ “આયંબિલ” કરવાના હોય છે. અને દરેક દિવસે તે તે પદની પૂજા, જાપ, વંદન વગેરે ક્રિયાઓ કરવાની હોય છે.
જૈન પર્વો - પર્યુષણ પર્વ
?જૈનોનું આ મહાનમાં મહાન પર્વ છે. તે આઠ દિવસનું છે. દર વરસે ચાતુર્માસમાં શ્રાવણ વદ 12 કે 13થી તેનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ 4ના અથવા 5ના તેની પૂર્ણાહુતિ થાય છે. પર્વના અંતિમ દિવસને “સંવત્સરી” કહે છે. સાત દિવસ સાધનાના અને આઠમો છેલ્લો દિવસ સિદ્ધિનો છે
?નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના લોકોની ભરચક્ક ભીડ આ આઠ દિવસોમાં દરેક ઉપાશ્રયે જામે છે. આ આઠ દિવસ ઘર અને ધંધાની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને તપ-ત્યાગ કરવાના હોય છે. આ દિવસોમાં જૈનો યથાશક્ય ઉપવાસ કરે છે. પર્વમાં ઉપવાસનું ખાસ મહત્ત્વ અને પ્રવચન છે. નાના બાળકો અને વૃદ્ધો હોંશથી લગાતાર આઠ દિવસના સળંગ ઉપવાસ-અઠ્ઠાઈ વિધિવત્ કરે છે.
?સાધુ ભગવંત આઠેય દિવસ “કલ્પસૂત્ર” નામના ગ્રંથનું ક્રમશઃ સચોટ અને સવિસ્તર વાંચન કરે છે. ઘણાં શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ પૌષધ કરે છે. પૌષધ એટલે લગભગ સાધુના જેવું જીવન. સામાયિક અને પ્રતિક્રમણ આ આઠ દિવસની નિત્ય ક્રિયાઓ છે
?આ દિવસોમાં એક દિવસ સહુ વાજતેગાજતે સ્થાનિક દેરાસરોની યાત્રા કરે છે. તેને “ચૈત્યપરિપાટી” કહે છે. સંવત્સરીના દિવસે સાધુ મહારાજ કલ્પસૂત્રના મૂળ 1250 સૂત્રોનું વાંચન કરે છે. આખો સંઘ ભાવવિભોર બનીને સાંભળે છે.
?પર્યુષણ પર્વ “ક્ષમાપના પર્વ” તરીકે જગતભરમાં ખ્યાત છે. સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા આરાધકો એક બીજાની ક્ષમાપના માંગે છે. *થઈ ગયેલાં મનદુઃખો અને અપમાન વગેરે ભૂલી જઈને મૈત્રીનો હાથ પુનઃ લંબાવે છે. ક્ષમાનું આદાન-પ્રદાન આ સંવત્સરીનું મુખ્ય અંગ છે*
જૈન પર્વો - મહાવીર-જન્મકલ્યાણક (જન્મદિવસ)*
➡શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ આજના બિહાર રાજ્યના ક્ષત્રિયકુંડ ગામમાં, ભારતીય પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ તેરસના થયો હતો. ભગવાનના આ જન્મ દિવસની ઉજવણી સ્નાત્ર મહોત્સવ, રથયાત્રા, પૂજા-ભક્તિ, ભાવના, સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર પ્રવચનો આદિના આયોજનથી કરવામાં આવે છે.
જૈન પર્વો - દીપોત્સવી પર્વ
ભારતીય પંચાંગ પ્રમાણે આસો વદી અમાસની મધરાતે શ્રમણ ભગવાન મહાવીર આજના બિહાર રાજ્યના પાવાપુરી ગામમાં નિર્વાણ પામ્યા. ભગવાન આ દિવસે સકલ કર્મથી મુક્ત અને સિદ્ધ, બુદ્ધ થયા.
➡નિર્વાણના આગલા દિવસે કાળી ચૌદસે ભગવાને આખો દિવસ ધર્મોપદેશ આપ્યો. તેમનો આ અંતિમ ઉપદેશ “ઉત્તરાધ્યયન” નામના સૂત્રમાં આજે ઉપલબ્ધ છે. કાળીચૌદસ અને અમાવસ્યા આ બે દિવસો દરમ્યાન આ “સૂત્ર”નું વાંચન-શ્રવણ કરવામાં આવે છે. અમાવાસ્યાની રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જાપ અને તેમનું ધ્યાન કરવામાં આવે છે. મધ્યરાત્રિએ દેવવંદન (વિશેષ પ્રાર્થના) કરવામાં આવે છે. એવી જ રીતે વહેલી સવારે [કારતક સુદ 1 ના દિવસે] ગૌતમસ્વામીનો જાપ-આરાધના તથા દેવવંદન કરવામાં આવે છે.
➡નિર્વાણની બીજી સવારે કારતક સુદ એકમના ભગવાનના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમસ્વામીને પૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું
➡આમ વરસના અંતિમ ત્રણ દિવસોએ મહત્ત્વની ઘટનાઓ બની હોવાથી તેની સ્મૃતિમાં ભાવિકો ત્રણ દિવસની ઉપવાસ સહ આરાધના કરે છે. નવા વરસના પ્રથમ દિવસે કારતક સુદ એકમની સવારે જૈનો શ્રીગુરુ ભગવંતોના શ્રીમુખેથી માંગલિક સ્તોત્રો (નવસ્મરણ) અને ગૌતમસ્વામીના રાસનું શ્રવણ કરે છે.
જૈન પર્વો – ભાઈબીજ
શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણથી તેમના મોટાભાઈ રાજા નંદિવર્ધન શોકાકુળ બની ગયા. તેમની બહેન સુદર્શનાએ મોટાભાઈને પોતાના ઘરે લઈ આવીને તેમને હૂંફ અને હામ આપ્યા. એ દિવસ કારતક સુદ બીજનો હતો. આ બીજ આ પ્રસંગથી ભાઈબીજ તરીકે મનાય છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ત્યાં જાય છે.
જૈન પર્વો – જ્ઞાનપંચમી
દર વરસે કારતક સુદ પાંચમનો દિવસ જ્ઞાનપર્વ તરીકે આરાધવામાં આવે છે. જ્ઞાનની ઉપાસના અને આરાધના માટે આ પર્વનું ખાસ આયોજન કરાયું છે. આ દિવસે ભાવિકો ઉપવાસ સહ પૌષધ કરે છે. જાપ, ધ્યાન નૂતન અધ્યયન વગેરે કરે છે.
આ દિવસે ઘણે સ્થળે પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું જાહેર પ્રદર્શન કરાય છે. ભાવિકો જ્ઞાનપૂજન કરે છે. જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોનું પ્રમાર્જન, સંરક્ષણ, જાળવણી વગેરે પણ કરવામાં આવે છે.
વરસી તપ
ફાગણ વદ 8 થી શરૂ કરીને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજ સુધી એકાંતરે ઉપવાસ કરવાના હોય છે. એકાંતરે ઉપવાસ એટલે એક દિવસ ઉપવાસ કરવાનો અને બીજે દિવસે બેસણું કરવાનું. વરસ દરમિયાન વચમાં સળંગ બે ઉપવાસ પણ ક્યારેય કરવાના હોય છે.
સળંગ એક વરસ સુધી આ તપ ચાલુ રહેતો હોવાથી તેને વરસી તપ કહે છે.
આ તપનું પારણું શેરડીના રસથી કરવામાં આવે છે.
આ તપ સાથે ભગવાન ઋષભદેવ અને એમના પ્રપૌત્ર રાજકુમાર શ્રેયાંસનું કથાનક જોડાયેલું છે.
સુપ્રસિદ્ધ જૈનતીર્થ પાલીતાણામાં આ દિવસે મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભાવિકો અહીં આવે છે... સમુહ પારણાનો કાર્યક્રમ યોજાય છે
જૈન પર્વો – આષાઢી 14/15
આષાઢ સુદ 14/15 દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી ચાર મહિનાનો સ્થિરવાસ કરે છે.
➡આ દિવસથી માંડીને કારતક સુદ 14/15 સુધી તેઓ ગામ બહાર ક્યાંય ન જતાં એક જ સ્થાનમાં રહે છે.
➡આ દિવસથી સ્થાનિક સંઘોમાં સાધુ-સાધ્વીની પુનિત નિશ્રામાં નિત્ય ધર્મની આરાધના થાય છે. ભાવિકો આ ચાર મહિનામાં વિશેષ તપ-ત્યાગ કરે છે. અને અન્ય ખાસ ચાતુર્માસિક આચારસંહિતાનું પાલન કરે છે.
જૈન પર્વો – કારતક પૂર્ણિમા
આ દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. ચોમાસાના ચાર માસ લગાતાર સ્થિરવાસ રહેલા જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી પોતાની વિહારયાત્રાનો શુભારંભ કરે છે.
➡આ દિવસે સુપ્રસિદ્ધ જૈન તીર્થ શત્રુંજય (પાલીતાણા)ની યાત્રાનું ખૂબજ મહત્ત્વ મનાય છે. આથી હજારો ભાવિકો ત્યાં આ દિવસે યાત્રાએ જાય છે.
➡આ યાત્રાના પ્રતીકરૂપે દરેક ગામમાં શત્રુંજયના પટનું જાહેર દર્શન યોજાય છે. સ્થાનિક ભાવિકો કારતક પૂનમે આ પટના દર્શન કરવા જાય છે. ત્યાં ચૈત્યવંદન, દેવવંદન, સ્તવના, 21 ખમાસમણા વગેરે આરાધના કરે છે.
➡આ દિવસે ગુજરાતના પરમોપકારી, પરમજ્ઞાની અને પ્રભાવક જૈનાચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીનો જન્મ દિવસ છે. આથી તેમનો પણ ગુણાનુવાદ કરવામાં આવે છે.
જૈન પર્વો – મૌન એકાદશી
માગસર સુદ 11ની, જૈનો “મૌન એકાદશી” ના પર્વ તરીકે આરાધના કરે છે.
➡આ દિવસે દોઢસો જિનેશ્વરના જન્મ, દીક્ષા, પૂર્ણજ્ઞાન, નિર્વાણ આદિ વિશિષ્ટ પ્રસંગો બન્યા છે આથી તેનો મહિમા અને મહત્ત્વ છે.
➡આ દિવસે ભાવિકો તપ સાથે વ્રત કરે છે. આખા દિવસનું પૂર્ણ મૌન રાખે છે અને જાપ, ધ્યાન આદિ સાધનામાં રત રહે છે.
➡સુવ્રત શ્રેષ્ઠિની સુંદર કથા આ પર્વ સાથે જોડાયેલી છે.
જૈન પર્વો – અક્ષય તૃતીયા
વૈશાખ સુદ ત્રીજને “અક્ષય તૃતીયા” કહેવામાં આવે છે.
➡સુદીર્ઘ વરસીતપના પારણાનો આ દિવસ છે. વરસીતપના તપસ્વીઓ આ દિવસે મુખ્યત્વે પાલિતાણા જઈને ગિરિરાજ શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં બેસીને શેરડીના રસથી વિધિવત્ પારણું કરે છે.
➡આ કાળચક્રના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે વૈશાખ સુદ ત્રીજના રોજ લગાતાર એક વરસના ઉપવાસનું પારણું કર્યું હતું.
➡આ તપ તેમનું સમ્યક્ અનુસરણ છે.
જૈન પર્વો – પોષ દશમી
➡આ કાળચક્રના ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ માગસર વદ 10ના વારાણસી ગામમાં થયો હતો. આ દિવસ “પોષ દશમી” તરીકે જૈનોમાં ખ્યાત અને આરાધ્ય બન્યો છે.
➡હજારો આરાધકો, ખાસ કરીને શંખેશ્વર તીર્થમાં જઈને અઠ્ઠમ તપ સાથે શ્રી પાર્શ્વપ્રભુની આરાધના કરે છે. તેમના નામનો જાપ કરે છે. ધ્યાન ધરે છે.