કાલ્પનિક વાસ્તવિકતા - ૨૫ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૫

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૫

ભાર્ગવ પટેલ

“ભાભી!”, જેનિશે અમીને કહ્યું, “એ માણસ એવો જ દેખાતો હતો જેવો તમે એ દિવસે જોયેલો? આઈ મીન કોઈ વેશપલટો તો નહોતો કર્યોને એણે?”

“તે વખતે એને થોડી વધી ગયેલી દાઢી મૂછ હતી અને અત્યારે ક્લીન શેવમાં જ હતો, મને બરાબર યાદ છે જેનિશભાઈ”

“તો પછી એની ટીકીટ પરથી એની માહીતી મળી શકે”

“એમ આ એરપોર્ટ ઓથોરીટીવાળા આપણને માહિતી થોડી આપી દે?”, સંકેતે પૂછ્યું.

“ઉમ્મ્મ! એક બીજી વાત ભાભી, તમે એનો સામાન જોયો ત્યારે એના પર કોઈ સ્ટીકર જોયું હતું જે પ્લેનમાં મુસાફરી સમયે સામાનની ઉપર લગાડવામાં આવે છે? યુ નો વ્હોટ આઈ મીન....”

“એકઝેટલી જેનિશભાઈ. હું દોડતી એની નજીક જવા ગઈ ત્યારે મારી અને એની વચ્ચેનું અંતર એટલું ઓછું તો હતું જ કે મને એ સ્ટીકર દેખાઈ શકે. એ બ્લ્યુ અને વ્હાઈટ કલરનું હતું”

“ધેટ મીન્સ ઈન્ડીગો ફોર સ્યોર. એ અહી ઈન્ડીગોની ફ્લાઈટથી આવ્યો હોવો જોઈએ અને આ સમયે ઈન્ડીગોની કઈ ફ્લાઈટ વડોદરાથી ઉપડી હશે એ ઇન્ટરનેટ પર ચેક કરી લઉં”, કહીને જેનિશે ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને ફટાફટ સર્ચિંગ કરવા લાગ્યો.

“આખો કેસ એરપોર્ટ પર જ સોલ્વ કરીશ કે પછી ઘરે પણ જઈએ?”, સંકેતે કહ્યું.

“જરા એક જ મિનીટ દોસ્ત”, જેનિશે કહ્યું, “યેસ આઈ હેવ ગોટ ઈટ, એ ફ્લાઈટ બોમ્બેથી અમદાવાદ વાયા બરોડાની હતી, નંબર છે 6E 433, ધેટ મીન્સ એ વ્યક્તિ બોમ્બેથી વડોદરા આવ્યો હતો અને એણે જનરલી ટ્રેન પકડવી જોઈએ છતાં પ્લેનમાં આવ્યો મતલબ કે એમના પ્લાનમાં કશુક અર્જન્સી હોઈ શકે”

ત્રણેય આ દરમિયાન ચાલતા ચાલતા પાર્કિંગ સુધી આવી પહોચ્યા હતા. સંકેતે જેનિશનો સામાન ડીક્કમાં મુક્યો અને ઘર તરફ ગાડી ગતિમાન કરી.

“હવે એનું નામ અને એ બધું કેવી રીતે જાણી શકીએ આપણે, જેનિશ?”

“એના માટે મારું આ લેપટોપ ક્યારે કામ આવશે?!”, જેનિશ પોતાની લેપટોપ બેગ હંમેશા સાથે જ રાખતો.

“એટલે?”

“એક નાનું અમથું હેકિંગ”

“મને હતું જ કે તું હેકિંગનું નામ ક્યારે લઈશ, હાહા”, સંકેતે ડ્રાઈવ કરતા કરતા કહ્યું.

“હાહા, એ તો ઓબ્વીય્સ છે સંકેત કારણ કે કોઈ પણ ઓથોરીટી તું પૂછે અને બધી જ ઇન્ફોર્મેશન આપી દે એટલા સીધા ક્યાં હોય જ છે?”

“એ પણ છે”

“તો ચાલુ કરું હમણાં લેપટોપ કે પછી..”,

“અરે હમણાં રહેવા દો જેનિશભાઈ, ઘરે પહોચીને આરામથી કામ કરજો વાંધો નહિ”

“ઓકે, ત્યાં સુધી એને કહી દઉં કે એનો વર એટલે કે એના મમ્મી પપ્પાને જેની ખબર નથી એ વર એના મુકામે પહોચી ગયો છે”

“પણ તમે હજી કેટલી વાર કરશો?”, અમીએ હસતા હસતા પૂછ્યું.

“મારે તો વાર કરવી જ નથી, પણ આ તમારા ભાભીને વાર કરવામાં ઘણી મજા આવે છે”, જેનિશે નંબર ડાયલ કરતા કરતા કહ્યું.

“એવું હોય તો અમે બંને વાત કરીએ ભાભીના મમ્મી પપ્પા સાથે બોલ ને ભાઈ”, સંકેતે કહ્યું.

“સીચ્યુએશન એવી આવશે તો ચોક્કસ કહીશ”

એ લોકો ઘરે પહોચ્યા અને જેનિશ પોતાનો સામા લઈને ગેસ્ટરૂમમાં ગયો. ફ્રેશ થઈને બધાએ સાથે ડીનર લીધું. વિશાલ એકલો જ જાગતો હતો. મુકેશભાઈ અને અસ્મિતાબેન એમના સમય મુજબ સુઈ ગયા હતા.

***

જેનિશ સાથેના વાર્તાલાપના અમુક અંશો દિવ્યાના મનમાં સતત રમી રહ્યા હતા. જેનિશના ‘જેકપોટ લાગ્યો છે’ ‘વિશ્વાસને ગણવાની જરૂર નથી’ વગેરે જેવા વાક્યો હજી દિવ્યાના મનમાંથી જતા નહતા. એની પર્સનાલીટીની આભા દિવ્યાને મોહી ગઈ હતી. જેનિશની નિખાલસતા અને સચોટ વાત કરવાની છટાએ દિવ્યા પર એક આગવી છાપ છોડી હતી અને એનો પ્રભાવ એટલો હતો કે દિવ્યાએ હવે પર્સનલ લાઈફમાં આગળ વધવાનો વિચાર કરવાનું શરુ કર્યું હતું.

જેનિશને પોતાના પ્રત્યે આકર્ષણ છે એ વાત દિવ્યા જાણી ગઈ હતી. ઇન ફેક્ટ એ ઘણા એવા યુવકોને મળી હતી કે જેઓ દિવ્યાની પર્સનાલીટી અને સુંદરતા જોઈને આકર્ષિત થઇ જતા હતા પણ જેનિશની વાત દિવ્યાને અલગ લાગતી હતી. એની આંખોમાં દિવ્યાએ પોતાના માટે માત્ર લાલસારહિત પ્રેમ જોયો હતો. એ અડધા કલાકની મીટીંગમાં દિવ્યા અને જેનિશ બંને એકબીજાના મનમાં પોતાના એકબીજા માટે પ્રેમની ભાવના જગાડી ચુક્યા હતા.

જેનિશે એ દિવસે બ્રોકરને એકાવન હજારની રકમ આપીને પોતાની ઓફીસનું ટોકન અમાઉન્ટ આપ્યું અને બાકીની રકમ માટે લોનની વિધિ પણ પૂરી કરી. સાંજે પોતાના રૂમ પર પહોચીને પોતાના સથીમીત્રોને નાનકડી પાર્ટી આપી. સુતી વખતે દિવ્યા વિષે વિચાર કરવા લાગ્યો. એને લાગતું હતું કે દિવ્યા જ એ છોકરી છે જેની એ શોધમાં હતો. મમ્મી પપ્પાએ બતાવેલી બે ચાર છોકરીઓમાં પોતે જે શોધતો હતો એ બધું દિવ્યામાં હતું. બીજા દિવસે સવારે સૌથી પહેલા દિવ્યાને ઓફીસના સમાચાર આપવાનું એણે મનોમન નક્કી કર્યું. પણ મૂંઝવણ એ હતી કે એની પાસે દિવ્યાનો પર્સનલ કોન્ટેક્ટ નહતો એટલે ઓફીસ ટાઈમમાં એણે દિવ્યાને મેઈલ કરવાનું વિચાર્યું. કારણ કે એ પોતે જે ઈ મેઈલ આઈડી પર એરરની માહિતી મોકલી હતી એ દિવ્યાની જ હતી.

જેનિશે સવારે દિવ્યાને મેઈલ કર્યો જેમાં કંઈક આવું લખ્યું હતું,

“હેલો દિવ્યા,

ઓફીસનું ટોકન એમાઉન્ટ અપાઈ ગયું છે. થેન્ક્સ ફોર ધ કેશ પેમેન્ટ. એક્ચ્યુલી મેં તને માત્ર આટલું જ કહેવા મેઈલ નહતો કર્યો”

આમ લખીને પોતે દિવ્યાના મનમાં કન્ફયુઝન ઉભું કરી શકશે જેથી એ રીપ્લાયમાં કશુંક તો લખશે જ એવું એણે વિચાર્યું. કારણ કે એ જાણતો નહતો કે દિવ્યાના દિમાગ અને દિલમાં એનું સ્થાન પણ બનવા માંડ્યું હતું.

દિવ્યા સવારે ઓફીસ પહોચી અને રેગ્યુલર પ્રોસેસની જેમ પોતાનું મેઈલ આઈડી ખોલ્યું. જેમાં દર વખતની જેમ સંખ્યાબંધ મેઈલ આવેલા હતા પણ એમાં જેનિશ મેકવાનના મેઈલ પર એની નજર સ્થિર થઇ ગઈ. વાંચીને એનું તાત્પર્ય સમજી ગઈ હોવા છતાં એના મનમાં ઉત્કંઠા હતી કે હવે પછી પોતાના રીપ્લાયના પ્રત્યુત્તરમાં શું લખાઈને આવશે. કદાચ આ ઉત્કંઠા જ એની જેનિશ પ્રત્યે પ્રેમ થયાની અભિવ્યક્તિ હતી.

“હેલ્લો જેનિશ,

મેન્શન નોટ ફોર ધ પેમેન્ટ. યુ ડિઝર્વ ઈટ, અને આટલું જ નહિ તો બીજું શું કહેવાનું હતું?”

રીપ્લાય મળતા જેનિશ વિચારમાં પડ્યો કે હવે શું લખું તો રીપ્લાય આ જ રીતે ત્વરિત મળે. એણે લખ્યું,

“હેલો મિસ દિવ્યા,

બીજું જે કહેવાનું છે એના માટે શબ્દો શોધું છું પણ મળતા નથી”

દિવ્યાએ મેઈલ વાંચ્યો અને હાલની જેનિશની સ્થિતિની કલ્પનાથી એને હસવું આવી ગયું. પેટમાં થોડા પતંગિયા ઉડે એ પ્રકારની લાગણી જન્મી. એણે રીપ્લાયમાં લખ્યું,

“હેલો મિસ્ટર જેનિશ,

આઈ થીંક મને ખ્યાલ છે કે એ શબ્દો શું હોઈ શકે છે.”

આ મેઈલ વાંચીને જેનિશના શરીરમાં પણ ઝણઝણાટી પ્રસરી ગઈ અંગ્રેજીમાં જેને ગુસબમ્પ્સ કહેવાય એવું જ કંઈક જેનિશ સાથે ઘટી રહ્યું હતું. એણે રીપ્લાય આપ્યો,

“હેલો મિસ દિવ્યા,

શું હોઈ શકે?”

દિવ્યાએ રીપ્લાય આપ્યો,

“હેલો મિસ્ટર જેનિશ,

એ જ કે મારે મિસમાંથી મિસિસ બનવાનો સમય ગઈ કાલે પાકી ગયો. મને ખ્યાલ છે કે તમે અને હું બંને એકબીજાથી પ્રભાવિત થઇ જ ગયા છીએ તો લેટ્સ મેક ઈટ ઓફિસિયલ”

જેનિશની ખુશીનો પાર નહતો. આ મેઈલના દરેક શબ્દને એ સ્મૃતિપટ પર અંકિત કરી દેવા માંગતો હતો. એણે રીપ્લાયમાં લખ્યું,

“હેલો મિસિસ મેકવાન,

આજનો દિવસ ક્રિસમસથી ઓછો નથી. લેટ્સ સેલીબ્રેટ ઇન ઇવનિંગ”

મેઈલ સેન્ડ થયા પછી પોતે લખેલો ‘ક્રિસમસ’ શબ્દ જેનિશને અચાનક ધ્યાનમાં આવ્યો. પોતાના તરફથી તો દિવ્યાના મિસિસ મેકવાન બનવાના પુરા ચાન્સ હતા પણ શું દિવ્યા એક હિંદુ છોકરીના માતા પિતા આ માટે રાજી થશે? શું દિવ્યાના ધ્યાનમાં આ આવ્યું નહિ હોય? એક પછી એક વિચારો એના મનમાં આવવા લાગ્યા અને એવામાં એનો દિવ્યાનો રીપ્લાય આવ્યો,

“હેલો મિસ્ટર મેકવાન,

૮:૩૦ PM એટ સીસીડી નીયર માય ઓફીસ”

જેનિશે ઓકે કહીને મીટીંગ નક્કી કરી અને આ જ મીટીંગમાં એને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવવાનું નક્કી કર્યું.

***

બીજા દિવસે સવારે જેનિશે હેકિંગની મદદથી ગઈકાલની ઈન્ડીગો ફ્લાઈટનું પેસેન્જર લીસ્ટ મેળવ્યું. જેમાં માત્ર ૩ પેસેન્જર બોમ્બેથી બરોડા સુધી આવ્યા હતા, બાકીનાની ટીકીટ અમદાવાદની હતી. ૩ સસ્પેક્ટની ડીટેઈલ્સ માટે ત્રણેયના નામ પોતાની પાસે રહેલા ડેટાબેઝમાં નાખ્યા અને ત્રણમાંથી એક નામ એમાં ક્રિમીનલ ડેટાબેઝમાં મેચ થતું હતું જે નામ હતું ‘સુધીર શર્મા’.

એ સુધીર શર્મા નામનો શખ્સ હતો જે નકલી ઇન્સ્પેકટર બનીને અમીના ઘરે આવ્યો હતો. સુધીરનું મહેમુદ સાથે શું કનેક્શન હોઈ શકે એ જાણવા માટે સુધીરને મળવું ખુબ જરૂરી હતું અને એને મળવા માટે લાલચનું હથિયાર વાપરવું પડે એમ હતું. જેનિશના મનમાં પ્લાનિંગ કેવી રીતે થાય એ મથામણ ચાલી રહી હતી, એ વડોદરામાં આવ્યા પહેલા જે નાટકની વાત કરતો હતો એ સમય બહુ જલ્દીથી આવી ગયો હોય એમ લાગતું હતું.

સુધીર, મહેમુદ, પેલો સ્ક્રેપના બીઝનેસવાળો અને બીજા અન્ય લોકો જે આ નકલી પાર્ટ્સના રેકેટમાં સંડોવાયેલા છે એ બધાને ખુલ્લા પાડવા એથોડું અટપટું કામ હતું. જેનિશ આ માટે એમની જ બનાવેલી જાળમાં એમને ફસાવવા માંગતો હતો. એનું દિમાગ ફટાફટ ચાલી રહ્યું હતું. અચાનક એના મનમાં એક લાજવાબ આઈડિયા આવ્યો..........

(ક્રમશઃ)