Shayar - 18 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ - ૧૮

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૮.

'યાહોમ કરીને પડો '

થોડા દિવસમાં એ ઘરનું વાતાવરણ આખું ફરી ગયું. કકળાટ એ કેવળ ભૂતકાળની ભૂલાઈ ગયેલી વાત બની હતી. સાથે ખાવું, સાથે હરવું ફરવું, સાથે ગાવું ને સાથે વાતો કરવી એ પણ થાક

ઉતારવાનાં કાર્યસાધક સાધનો છે એની એ ઘરમાં પાકી પતીજ લઈ ચૂકી હતી. હવે તો ચતુરદાસ સાંજે સાંજે બાળકોને લઈને ફરવા જતા. ને કોઈ કોઈવાર ચંચળને પણ ભેગા ઘસડતા.

રેલ્વે સ્ટેશનથી ઓરંગા નદી ફરવા જવાય એટલી નજીક હતી. એનો પટ વિશાળ હતો. ઓરંગા નદી ગામથી ત્રણેક માઈલ દૂર દરિયાને મળતી. પહેલાં તો લોકો વાતો કરતાં કે ભરતીમાં

પાણી વલસાડની પણ ઉપરવાસ જતાં. મોટાં મોટાં વહાણો છેક વલસાડ સુધી આવતાં. પરંતુ વલસાડથી ત્રણેક માઈલ દૂર જ્યાં ઓરંગા સાગરને મળતી હતી ત્યાં આજે ભાગડા બંદર હતું,

ને વલસાડનો મલબાર સાથેનો ઇમારતી લાકડાનો વેપાર હવે ત્યાં જ થતો હતો.

નદીના પટમાં ચતુરદાસ અલકમલકની વાતો કરતા ઃ કાંઈક સાંભળેલી, કાંઈક જોયેલી, કાંઈક જોડી કાઢેલી. એના હૈયાની ગૂફામાં એમને અકળ એવી સંતાઈ રહેલી અનેક વાતો હવે બહાર

આવતી હતી. એમની પાસે વલસાડની અનેક નવીજૂની વાતો હતી. સુરતની અનેક નવીજૂની વાતો હતી. વલસાડના અપ્તરંગી તરંગી દેસીઓની એનેક કથાઓ હતી ડાંગના જંગલની

એમની પાસે અનેક કહાણીઓ હતી. ચંચળને તો જાણે ઘણી બદલાઈ ગયો જ લાગ્યો. છોકરાંઓને પોતાના જૂના ક્રોધી બાપને બદલે આનંદી બાપ મળ્યો.

રેલ્વેને પણ જાણે એનો જૂનો નોકર બદલાઈ ગયો લાગ્યો. એની પ્રસન્નતાની વચમાં એમને એક વાત કાંટા જેવી ખૂંચતી હતી. પોતે એક સારા માણસને સતાવ્યો હતો, એક વિદ્વાન માણસને

હડધૂત કર્યો હતો ને જેની પાસે સૂતેલા હૈયાને સાદ દેવાની બાજી હતી એવા કવિને એણે એક સાદા ધુતારાની જેમ ધક્કો માર્યો હતો. કોણ હશે એ મુસાફર ? શું નામ હશે એનું ? કયાં

ગયો હશે ? એની ગરીબ ગઠડી લૂંટાઈ ગયા પછી એણે પહેરેલ લૂગડે શું કર્યું હશે ? ને કપરી વાત તો એ હતી કે ખૂબ ખૂબ કોશિશ કરતાં પણ એનો ચહેરો એને યાદ નહોતો આવતો.ભવિષ્યમાં કદીક પણ એ સામો આવીને ઉભો રહે, તો પણ એને પિછાની શકે એમ ન હતું.

કાગળો એણે કાળજીથી ગોઠવ્યા હતા. કાળજીથી જોઈ તપાસ્યા હતા. ક્યાંય એ માણસનું નામ ન હતું. ક્યાંય એનું કોઈ સરનામું યે નહોતું. અંતરીક્ષમાં એ લુપ્ત થયો હતો. પારસમણિ

સાથે કથીરને ભેટો થઈ ગયો હતો, ને પોતે નોકરીના ગુમાનમાં એને હડસેલીને ફેંકી દીધો. બળી એ નોકરી. ચતુરદાસને નોકરી ઉપર કંટાળો આવ્યો હતો. ' લાવજો ટિકિટ ' એ શબ્દો

એને અત્યાર સુધી એના જીવનમંત્ર સમા લાગ્યા હતા અત્યાર સુધી એને એ શબ્દો જીવનસર્વસ્વના સત્ય સમા લાગતા હતા. એક વાર ચાહવાળાએ એની મશ્કરી કરી કે ચતુરદાસ

ભાઈ મરશેને તોય છેલ્લાં વેણ ' લાવજો ટિકિટ ' ના જ હશે. ત્યારે એને ચાહવાળાએ પોતાની સાચી પરખ કરી લાગી હતી. આજ એને કંટાળો આવ્યો હતો.

સ્ટેશન માસ્તર કહેતા કે વગર ટિકિટે પોતાના બાપ પણ જતા હોય તો ચતુરદાસ સગા બાપને ય ધોલ મારીને હેઠા ઉતારી મૂકે. અત્યારે સુધી પોતાના ઉપરીએ પોતાનો સાચો ક્યાસ

કાઢી શકવા બદલ એના તરફ એને માન હતું. આજ એને સ્ટેશન માસ્તર પણ પોતાના જેવો ધાનનો કીડો જ લાગ્યો. અત્યારે સુધી રેલ્વે કંપની પોતાની તમામ વફાદારી માગી લેતી.

એની અન્નપૂર્ણા સમી એને લાગતી. હવે એને લાગ્યું કે આપણા દેશના માણસો થકી જ આપણા જ દેશના માણસોને ઓ્છામાં ઓછી સગવડ આપીને એમને લૂંટવા માટેની એ એક

પરદેશી પેઢી જ હતી. હવે એ સ્ટેશન ઉપર સભ્યતાથી ટિકિટ માગે છે. કદાચ એમાં બીજો કોઈ કવિ હોય તો ? કદાચ એવો જ કવિ એમાં હોય તો ? હવે વગર ટિકિટનાને ઉતારી મૂકતાં

એનો જીવ નથી ચાલતો. રેલ્વેનું લૂણ વધારે સમય એ ખાઈ શકે એમ એને ના લાગ્યું. રેલ્વેની સાંકડી દુનિયા અને ટિકિટ તપાસવાની એની વામણી અમલદારી હવે એને રીઝવી શકતાં નહોતાં. પોતે પણ માણસ જેવો માણસ છે એ બળવાવીરો, એ મૂળુમાણેક, એ પાતાભિ દરબાર, બધા જેવો એ પણ માણસ છે. તો શા માટે એ વળી સાહેબને માથું નમાવે ?

સ્ટેશન માસ્તરને લાગ્યું કે ચતુરદાસ બિમાર પડ્યા છે. ચાહવાળાને લાગ્યું કે ચતુરદાસનું ખસવા માંડ્યું છે. માસ્તરે એને સલાહ આપી કે ઃ તમારી આટલી લાંબી નોકરીમાં તમે એકે ય

દિવસ રજા નથી ભોગવી. હવે તમે હક્કની રજા ઉપર ઊતરી જાઓ.

' મારો વિચાર તો માસ્તર, રાજીનામું આપવાનો થાય છે.' ચતુરદાસનાં વેણ માસ્તરને અજાયબીમાંથી ગરક કરનારાં થઈ પડ્યાં. કેવળ નોકરી, અને નોકરીમાંથી ફલિત થતી વામણી અમલદારીને ખાતર જ જીવતો લાગતો આ માણસ આ કેવી વાત કરે છે ?

' તને શું થઈ ગયું છે ? હવે તો તારો ડેપ્યુટીનો ચાન્સ લાગે એમ છે. '

' આ નોકરી, એમાં ન આપણું ચિત્ત આપણું રહે ન આપણો જીવ આપણો રહે. માણસ માણસને ઓળખે જ નહિ. આપણે મન બધાં જ મુસાફર, છડિયાં , કાં. બધા ચોર. ને કાં તો ચોરી કરવાની

તક ન મળી માટે સીધા. એવી આપણી નજર. નજર એમાં આપણું પણ કેટલું પતન થાય છે ? એમાં આપણો જીવ પણ કેટલો બગડે છે ? મુસાફરો તો ચોરી કરતાં હવે શીખશે. આપણે તો

શીખી ગયા. એ તો બિચારા ચોરી કરીને રાંક થાય છે, આપણી તંડમુજાજી સહન કરે છે, આપણી ઝોટઝાપટ સહન કરે છે. ને આપણે તો પાછા શેઠ પણ બન્યા. આવી હાલત થઈ છે આપણી.'

માસ્તર તો ફાટી આંખે ચતુરદાસ સામે જોઈ રહ્યા. પોતે જાણે સાચું સાંભળ્યું છે કે નહિ એનો પોતાના કાન ઉપર એમને વિશ્વાસ ન આવતો હોય એમ કાન ખંખેરવા લાગ્યા.

' લે ભાઈ ! તું તો એક રાતમાં પંડિત થઈ ગયો. મને લાગે છે કે તારી તબિયત જ બરાબર નથી. તું થોડા દિવસ રજા લઈ લે. '

ત્યાં એક સાંધાવાળો એક ગરીબ બાવા જેવા લાગતા માણસને ત્યાં ઉપાડી લાવ્યો. ' માસ્તર સાહેબ, આ માણસ અહીં આંટા મારે છે. ગાડીનો વખત થયો છે તે, ટિકિટ વગર જ ચડી બેસવાની

એની વાત લાગે છે. પૂછ્યું તો કહે છે કે ટિકિટ નથી. '

માસ્તર ખુરશી ઉપરથી ઊભા થવા જતા હતા, એને ચતુરદાસે વાર્યા. અને કહ્યું ઃ ' હવે જવા દે એને જેરામ. કોઈક ટિકિટ વગર બેસી જાય તો શું ? બાપડાને કામ હશે ને પૈસા નહિ હોય.

જવા દે એને. '

આ નવી વાતથી મૂઢ બનેલો સાંધાવાળો તો ચતુરદાસ સામે તાકી જ રહ્યો, ગરીબ બાવા જેવો લાગતો મુસાફર તો આ સાંભળ્યું એ સાચું હોય તો પણ ફરી વાર આવું સાંભળવાને મળે કે કેમ

એની દ્વિધા અનુભવતો ત્યાંથી સરકી ગયો. માસ્તર આભા જેવા ચતુરદાસ સામે તાકી રહ્યા. ચતુરદાસે પોતાની વાત વિસ્તારીને સમજાવવી જોઈએ એમ એમનાં વિસ્ફારિત નયયો માત્ર ચતુરદાસને

આદેશ આપી રહ્યાં.

' પૈસા અને પૈસાથી થતાં કામ એ બેની વચ્ચે બારમો ચંદ્રમા છે. ઘણીવાર જેની પાસે પૈસા હોવા જોઈએ એની પાસે પૈસા હોતા નથી, ને એનાં કામ રઝળી પડે છે ઃ ને ઘણી વાર એ કામ

આપણાં કામ કરતાં ઊંચાં હોય છે. આપને યાદ છે સાહેબ, મેં એક વાર એક માણસને ટિકિટ વગર મુસાફરી કરવા માટે ઉતારી મૂકયો હતો. અહીં આપની પાસે આવ્યો હતો ને ધોલ

મારી કાઢી મૂક્યો હતો. મને પાછળથી ખબર પડી કે એ માણસ મોટો માણસ હતો. સમર્થ કવિ હતો. મારાં ને તમારાં હૈયાંની વાત જાણનારો હતો. હું ને તમે ને બીજાં માણસો કેવાં છીએ

એની આપણી સામે આરસી ધરનારો હતો ને મારે ને તમારે કેવાં થવું જોઈએ, એનાં ફાંકડાં ચિત્ર દોરનારો હતો ! એના એક પગરખાંમાં હું તો શું પણ આખી રેલ્વે કંપની સમાઈ જાય

એવો એ માણસ હતો. પણ એ ઘડીએ એની પાસે પૈસા હતા નહિ. ને કોણ જાણે કેવાં કામે એ નીકળ્યો હશે, આપણે એનું કામ રખડાવી માર્યું. '

' લે, કર વાત ! '

' સાચું કહું છું. મને તો મોડે મોડે ખબર પડી. પછી મને થયું કે એની પાસે ફૂટી બદામ પણ ન હતી. ને સામાન હતો તેય આપણે લઈ લીધો હતો. તે હજી કદાચ વલસાડમાં જ હોય. હું આખું

ગામ ઢૂંઢી વળ્યો. પણ...પણ.. મને તો એનો ચહેરો મહોરો પણ હજી યાદ નથી રહ્યો. તમને યાદ આવે છે કાંઈ ?'

' મને શેની યાદ ? '

' એ માણસા ચહેરાની ? યાદ આવે છે ? હું એને આંહીં આપની પાસે લાવ્યો હતો ?'

' આ ઓફિસમાં તો એવા રોજ બે-ચાર આવે. એના મોઢાં યાદ રાખવા બેસીએ તો બીજું કામ પણ ન થાય. '

' સાચી વાત છે. મોઢાં યાદ રાખવાની જરૂર, પણ આપણને મોડે મોડેથી સૂઝે છે ને ? '

' પણ ' માસ્તરે પૂછ્યું ઃ ' ભલા, તને એનું નામ યાદ નથી, સુરતમૂરત યાદ નથી, ઠામઠેકાણું નથી, તો પછી તેં જાણ્યું કેમ કે એ મોટો માણસ હતો કે ' વિધાઉટ' હતો ? '

' સાપ જાય પણ લીસોટા રહી જાય, સિંહ જાય પણ એનાં પગેરાં રહી જાય એમ એ તો ગયો. પણ પાછળ એનું પગેરું રહી ગયું. યાદ છે એના સામાનમાં કાગળના થોકડા હતા ને છોકરાંને દાળિયા માટે પસ્તી થશે, સમજીને હું ઘેર લઈ ગયો હતો. એ કાગળોમાં તો એની કવિતાઓ હતી.' ચતુરદાસે પોતાની થેલીમાંથી એક પાકા પૂંઠાની બાંધેલી નોટ કાઢી. એમાં કોઈ શાહીથી

તો કોઈ સીસાપેનથી લખેલા કાગળો કાળજીથી બાંધ્યા હતા. 'આવી તો કેટલીયે નોટો મેં બંધાવી છે.'

માસ્તરે નોટ લીધી. ઉઘાડી જોઈને પાછી બંધ કરી. ' ચાલો બધું ગડબડ ગોટાળા પંચક જેવું લાગે છે. '

' એ બધી કવિતાઓ છે, સાહેબ ! સાહેબ લોકોનું બાઈબલ ને આપણી ગીતા બેય આની પાસે હિસાબમાં નથી. '

' તું તો રંગાઈ ગયો સાવ. ગેરૂથી જ નહાઈ રહ્યો ને શું ? આમાં છોકરાં છાશ ભેગાં નહિ થાય. કાળજીથી નોકરી કર તો એમાં શકરવાર વળશે. '

' નોકરીમાં યે શું શકરવાર છે ?' ચતુરદાસે નોટબુક સરખી બંધ કરીને પાછી થેલીમાં મૂકી. ' મારો વિચાર તો હવે બસ પરદેશમાં ઝુકાવવાનો થયો છે સાહેબ. સાહસ કર્યા વગર કાંઈ ભલી

વાર થવાની નથી.'

' ગાંડો થા મા ગાંડો. દેશમાં અરધો રોટલો મળતો હોય તો કોણ મુરખ હોય કે આખા રોટલાને બાઝવા બહાર દોડે ? પરદેશની વાટ. માંદા થયા. સાજા થયા. ત્યાં આપણું કોણ? વળી

આપણે કાંઈ થોડાં નીચ વરણ છીએ ? ઉંચ વરણ કહેવાઈએ. ખાવાપીવાની આપણે લાખ પંચાત. ને પરદેશમાં ખાજ અખાજ ખાવાં પડે. ગાંડો થા મા ગાંડો. બહુ વિચારીશ તો ક્યાંય

વિચારવાયુ થઈ જશે.'

માસ્તરે ચતુરદાસને આમ પતાવ્યા. પરંતુ ચતુરદાસ એમ પત્યા નહિ. રાત્રે ઘેર જઈને એમણે ચંચળબહેનને કહ્યું ઃ ' મારે હવે નોકરી નથી કરવી ?'

' ત્યારે ? ખાશું શું ?'

' હું તો પરદેશ જવાનો વિચાર કરું છુ ! '

' પરદેશ ? હાય મા ! ' માંદા, સાજા પડો તો તમારું કોણ ? '

' અરે ગાંડી !' ચતુરદાસના અવાજમાં ચંચળ્બહેને આવો ઉમળકો સાંભળ્યો ન હતો. શરમથી એમનું મોઢું લાલ થઈ ગયું.

' શાત્રમાં કહ્યું છે ને કે તૂટીની બૂટી નથી ને બૂટીની તૂટી નથી પણ એક વાર તો પરદેશ ખેડી નાંખવો છે. એમાં મીનમેખ નથી. આ પચાસ રૂપરડીમાં મારો ને તારો ઉધ્ધાર શું ? મારી પાછળ

તારું શું ? છોકરાંનું શું ? '

' લાખ વરસના કરે તમને ભગવાન. આવું અપશુકનવાળું શું કામ બોલો છો ? '

' શુકન અપશુકનવાળી વાતથી બીવું ને માંદાસાજા સુખીદુઃખી થવાની બીકે ઘરનો ઉમરો પકડીને બેઠા રહેવુંં - એવું બધું માયકાંગલું ને દુબળુ ને ધાનના કીડા જેવું જીવન મને નથી ગમતું.

આપણે પરદેશ ખેડવો છે. મલક મલકનાં માનવી જોવાં છે. મલક મલકના આચારવિચાર જોવા છે. મલક મલકના ધંધા જોવા છે. બોલ , તું શું કહે છે ? '

' તો હું ય આવીશ સાથે .'

' તને હમણાં સાથે નહિ લઈ જઉં. પછી બોલાવીશ. પહેલાં તો હું જઈને જોઈશ. ગોઠવાઈશ. થોડું રખડીશ. પછી તને જરૂર બોલાવીશ. મારે તો તને ય દુનિયા બતાવવી છે. મલક મલકનાં

માનવી જોઈએ. મલક મલકની ખાનપાન જોઈએ, એના ડુંગરા જોઈએ, એના વગડા જોઈએ, એના ઘંધા જોઈએ તો આ બાપના કૂવામાંથી જરાક બહાર આવીએ ને બીજાઓને પણ બહાર

ખેંચી લાવવામાં મદદગાર થઈએ. '

' પણ પરદેશ જવા માટે પૈસા જોઈશેને ? '

' હા. ને એમાં મારે તારી ગરજ છે. પરદેશ જવું છે એ ચોક્કસ છે. હવે જો કહે તો કયાંકથી ચોરી કરું ને કાં તું મને તારા ઘરેણાં આપ. '

' મારાં ઘરેણાં ? ઘરેણાં તે વેચાર ખરાં ? નાતજાતમાં ખબર પડે તો મારે બૂડી મરવા જેવું થાય. '

' ભલે ત્યારે એમ. તુ બૂડી ન મરીશ. હું ક્યાંકથી ચોરી કરીશ નહિ પકડાઉં તો પરદેશ જઈશ ને પકડાઈશ તો જેલમાં જઈશ. પંદર પંદર દિવસે તને મળવા દેશે મને. આવીશને તું મને મળવા ? '

' મારે વાવકૂવો જ પૂરવો પડેને તો ? તમે આવી વાતો કેમ કરો છો ? '

' તારે નસીબે તને નાતજાતની જ્યાં સુધી બીક રહેશે ત્યાં સુધી આમ કે તેમ પણ વાવકૂવો જ છે ને. હું જેલમાં જઈશ તો તારે સાચો વાવકૂવો છે. ને તું ઘરેણાં વેચીશ તો નાતજાતમાં હલકાપણું

છે. '

' મારાં માબાપ ને ભોજાઈઓ મને જીવતી પીંખી નાંખે. '

ચતુરદાસ હસ્યા. વાતવાતમાં ગુસ્સે થઈ જવાની. છોકરાંઓ દેખતાં પણ ગાળ દઈ દેવાની કે હાથચાલાકી કરી નાખવાની એમની આદતને બદલે હમણાં હમણાં એ ઠીક ઠીક વાત કરતા હતા,

હડછડ કરતા નહતા. ભૂલચૂક હસીને નિભાવી લેતા હતા. ચંચળને આ સંસાર ઘણો સુખકર લાગ્યો હતો. પિયરમાં, ભોજાઈઓમાં સખી સાહેલીમાં અરમાન વધારનારો હતો. એમાં વળી આ

પરદેશનું ટીખળ ક્યાં જાગ્યું ?

' એમ કર. તમે મારામાં પતીજ હોય તો તું મને ઘરેણાં દે ને તારાં માબાપને, ભોજાઈને કહેજે કે મને ખૂબ મારીને મારી પાસેથી લઈ ગયા. બધા તારી દયા ખાશે મારે માટે ભલેને એ અવળું

ધારે, ત્રણ વરસમાં એની બધી ધારણા ઊંધી વળશે. ને તું અસલ કરતાં પચાસગણા દાગીના પહેરીને ફરજે ને ? '

ચંચળબહેન ભણ્યાં નહોતાં ને ભોજાઇઓ ને નાતમાં સરખાં થઈને રહેવા સિવાય એમની નજર વધારે દૂર પણ નહોતી જતી. કોઈ એની દયા ખાય એ એને માથાના ઘા જેવી વાત હતી. પણ ઘરેણાં ન આવે ને ઘણી જો સાચે ચોરી કરવા જાય તો એને તો વાવ કૂવો પૂરવો પડે એમાં પણ કાંઇ અન્યથા ન હતું. એમનાથી

પ્રગટેલા નવા વાતાવરણને જાળવી રાખીને ખેંચાય એટલું એમણે ખેંચ્યું. પણ આખરે એ પલળી ગયાં. વેપારીને ત્યાં ચતુરદાસે ઘરેણાં મૂક્યાં. પૈસા ઉપાડ્યા. એમાંથી અરધા પૈસા એમણે ચંચળબેનને આપ્યા. ગામમાં નાનું મકાન ભાડે રાખ્યું.

ચંચળબેનને કહ્યું કે ઃ ' તું અહીં જ રહેજે. ક્યાંય જઈશ ના. હું ત્યાં પહોંચીને સગવડ કરીને તને તરત બોલાવી લેવાનો છું. '

ચતુરદાસે નોકરીનું રાજીનામું આપ્યું. વલસાડનો મલબાર સાથે લાકડાનો વેપાર મોટો. પહેલાં પગલાં તરીકે ચતુરદાસ મલબાર જતાં એક વહાણમાં ચડી ગયા. રેલ્વેની નોકરીને કારણે ગામમાં વેપારીમાં ઠીક ઓળખાણ. ને એવા એક ઓળખાણવાળા વેપારીની દાદીમાં હાથ નાંખીને સામાનમાં લૂંગડાંની જોડ થોડું ટીમણ અને કવિની થોડી નોટબુકો લઈને એ મલબારને રસ્તે ચાલી નીકળ્યા. ઓરંગા નદીની ફાંગમાંથી વહાણ નીકળ્યું ને એના તૂતક ઉપર રહીને ચતુરદાસે પોતે પોતાની પાછળ જે દુનિયા મૂકી જતા હતા એના તરફ છેલ્લી નજર કરી.

દૂરદૂર જંગલમાં અજગર સરતો હોય એમ એની ભૂતકાળની દુનિયા આગગાડીનો વેગ ધારીને સરકતી દેખાતી હતી. ને ચતુરદાસને ખબર પણ નહોતી કે એ આગગાડીના એક ડબ્બામાં આશા નામની એક યુવતી પોતાના વતનને છેલ્લા પ્રણામ કરીને મુંબઈ તરફ જઈ રહી હતી. ચતુરદાસ આશાને ઓળખતા જ નહોતા. એની હસ્તીની પણ એને કશી શરત ન હતી. એને મન તો એની ભૂતકાળની દુનિયા ધુમાડારૂપે આકાશમાં ઓગળતી હતી. સર્પ રૂપે એના જીવનમાંથી સદાને માટે લુપ્ત થતી હતી.

શઢે પવન પકડ્યો. ને વહાણ સંચરવા લાગ્યું. દૂર દૂર આંબાવાડિયામાં આંખમિંચોલી ખેલતાં હોય એમ મકાનોનાં લાલ છાપરાં સંતાકૂકડી રમતાં હતાં. વધારે નજીક ભાગડા બંદરનાં ઝૂંપડાંઓ જાણે ચતુરદાસને વિદાય દેતાં હોય એમ નાચતાં હતાં. વહાણની પાછળ દરિયાનાં પાણીમાં સફેદ શિકોટો પડતો હતો. ને ચતુરદાસ જમીનવાસીને માટે પહેલીવાર માટે અજબ લાગતા એ દ્રશ્યને જોઈ રહ્યા. શિકોટા ઉપર સૂર્યનાં કિરણો ચમકતાં હતાં ને મેઘધનુષની સપ્તરંગી કમાન રચી રહ્યાં હતાં--જાણે પોતાના થનારા ભાગ્યની એમને ગવાહી મળતી હતી. જાણે એના સાહસને રત્નાકર મંગળ આશિષ આપતા હતા.

ને એમ ચતુરદાસ કોઠો સાવ દેખાતો બંધ થયો ત્યાં સુધી પોતાની પાછળ જોઈ રહ્યા. જિંદગીમાં જાણે એમણે છેલ્લી પાછળ નજર નાંખી લીધી. હવે એનો પંથ આગળ, આગળ જ ને આગળ હતો. હવે એ પાછળ જોવાના જ ન હતા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED