Jivan khajano 12 books and stories free download online pdf in Gujarati

જીવન ખજાનો ભાગ - 12

જીવન સંગીત

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૨

સંગીતનું પોતાનું સૌંદર્ય હોય

ફ્રાંસના પ્રસિધ્ધ સંગીતકાર ગાલફર્ડ પાસે એક છોકરી સંગીત શીખવા માટે આવતી હતી. તે અત્યંત કુરૂપ હતી. તેનો અવાજ સારો હતો પણ તે પોતે સૌંદર્યવાન ન હતી એટલે દુઃખી હતી. બીજી છોકરીઓની સુંદરતા સામે તે લઘુતાગ્રંથી અનુભવતી હતી.

એક વખત તેણે ગાલફર્ડને કહ્યું કે તે જયારે કાર્યક્રમ આપવા મંચ પર જાય છે ત્યારે વિચારે છે કે બીજી છોકરીઓ તેનાથી ઘણી સુંદર છે. કયાંક લોકો પોતાની હાંસી તો નહિ ઉડાવે ને? મનમાં સતત એવો ડર રહે છે. અને આવી આશંકાથી તે બરાબર ગાઈ શકતી નથી. પોતાની આ નબળાઈ વિશે તે ચિંતિત છે.

છોકરીએ એમ પણ કહ્યું કે તે ઘરે હોય છે ત્યારે સારું ગાઈ શકે છે. અને ઘરના લોકો તેની પ્રશંસા કરે છે. ન જાણે કેમ મંચ પર જાય છે ત્યારે તે પોતાની ક્ષમતા મુજબ ગાઈ શકતી નથી.

ગાલફર્ડે તેને સ્નેહથી સમજાવતાં કહ્યું:''દિકરી, સંગીતનું પોતાનું સૌંદર્ય હોય છે. જે સાચા શ્રોતા છે તેઓ એ સંગીતનો રસ પીવા આવે છે. તેઓ ગાયિકાનું સૌંદર્ય જોતા નથી. તેઓ તેના સ્વરની મીઠાસને માણે છે. તું એક કામ કર. દરરોજ ઘરમાં અરીસા સામે ઊભી રહીને પોતાનો ચહેરો જો અને ગીત ગા. આમ કરવાથી તારો ડર આપોઆપ નીકળી જશે. અને ખ્યાલ આવશે કે અસલમાં સંગીતની મધુરતા અને સંગીતકારના રૂપ વચ્ચે કોઈ સંબંધ નથી. અરીસા સામે જયારે તું ભાવવિભોર થઈને ગાઈશ ત્યારે મનમાંથી દરેક પ્રકારનો ડર નીકળી જશે. પછી ધીમે ધીમે તું ચિંતા વગર મંચ ઉપર પણ સારું ગાઈ શકીશ.'' છોકરીએ પોતાના ગુરૂ ગાલફર્ડની સલાહ માની અને તેનો અમલ શરૂ કર્યો. અરીસા સામે ઊભા રહીને ગાવાથી તેનો ડર દૂર થવા લાગ્યો. તેની અંદર આત્મવિશ્વાસ આવવા લાગ્યો. તે પોતાની કુરૂપતા ભૂલીને ગાવામાં વધારે ધ્યાન આપવા લાગી.

થોડા દિવસ પછી જયારે તે મંચ પર ગાવા માટે ઉતરી ત્યારે તેનો ડર નીકળી ગયો હતો. પછી તો તેણે સંગીતના ક્ષેત્રમાં સારી ગાયિકા તરીકે ખૂબ નામના મેળવી. તેનું નામ હતું મેરી વુડનાલ્ડ. મનમાંની લઘુતાગ્રંથી નીકળી જાય તો વ્યક્તિ કેવી સિધ્ધિ મેળવી શકે છે તેનું તે ઉદાહરણ બની ગઈ.

***
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,

એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

-હિતેન આનંદપરા

***
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે. -સામવેદ

***

સાચો ચિત્રકાર

પ્રખ્યાત ચિત્રકાર માઈકલ એન્જેલો ખૂબ લોકપ્રિય હતા. તેથી બીજા ઘણા ચિત્રકારો તેમની ઈર્ષા કરતા હતા. એવા જ એક ઈર્ષાળુ ચિત્રકારે વિચાર્યું કે હું એક એવું ચિત્ર બનાવીશ કે એન્જેલોની કલાકૃતિઓ તેની સામે ઝાંખી પડી જશે. તેણે ખૂબ મહેનત કરીને એક મહિલાનું ચિત્ર બનાવ્યું. અને લોકોને બતાવવા તેણે આ ચિત્રને એવી જગ્યાએ રાખ્યું કે ત્યાં લોકોની વધુ અવરજવર હોય અને વધુ લોકો એને જોઈ શકે.

ચિત્ર સુંદર હતું પણ ચિત્રને જાહેરમાં મૂકયા પછી ચિત્રકારને એમ થતું હતું કે તેમાં કોઈક ખામી રહી ગઈ છે. પણ તેનો ખ્યાલ આવતો ન હતો. એ ચિત્રમાંથી ખામી શોધવામાં તે અસમર્થ રહ્યો.

એક દિવસ એ ચિત્ર પાસેથી માઈકલ એન્જેલો પસાર થયા. એમની નજર મહિલાના ચિત્ર પર પડી. તેમને ચિત્ર સુંદર લાગ્યું. પણ તેમાં જે ખામી હતી એ તેમના ધ્યાન ઉપર આવી. માઈકલ એન્જેલો એ ચિત્રકારને ત્યાં પહોંચ્યા. ચિત્રકારે પહેલાં કયારેય તેમને જોયા ન હતા. એટલે તેમનું સ્વાગત કરી આવવાનું કારણ પૂછયું.

માઈકલ એન્જેલોએ કહ્યું:''તમે ચિત્ર તો સુંદર બનાવ્યું છે. પણ એમાં એક ખામી રહી ગઈ છે.'' ચિત્રકારે પણ સ્વીકાર કર્યો:''હા, મને પણ લાગે છે કે એમાં કોઈ ખામી રહી ગઈ છે. છતાં તેનો ખ્યાલ આવતો નથી.'' એન્જેલોએ કહ્યું:''મને તમારી પીંછી આપો, હું એ ખામી દૂર કરી દઉં.'' પહેલા તો ચિત્રકારે ચિંતા વ્યકત કરતાં કહ્યું:''મેં બહુ મહેનતથી ચિત્ર બનાવ્યું છે. એમ ન થાય કે તમારા હાથે એ સુંદર ચિત્ર બગડી જાય.'' એન્જેલો કહેઃ''વિશ્વાસ રાખજો હું તમારા ચિત્રને ખરાબ નહિ કરું.'' ચિત્રકારે થોડા ડર સાથે પીંછી આપી. અને એન્જેલો પીંછી લઈ એ ચિત્ર પાસે ગયા. અને એ મહિલાના ચિત્રમાં બંને આંખોમાં બે બિંદી લગાવી દીધી. અસલમાં ચિત્રકાર ચિત્રમાં આંખોની બિંદી લગાવવાનું ભૂલી ગયો હતો. જેના કારણે ચિત્ર અધૂરું લાગી રહ્યું હતું. હવે એ ચિત્ર જીવંત પ્રતીત થવા લાગ્યું. અને ચિત્રનું સૌંદર્ય વધી ગયું.

ચિત્રકાર એન્જેલોથી ખૂબ પ્રભાવિત થયો અને તેમનું નામ પૂછયું. નામ જાણીને તે નવાઈમાં ડૂબી ગયો. આટલા મોટા ચિત્રકારને સામે જોઇ તે આશ્ચર્યચકિત થઇ ગયો. તેણે સાચું કહી દીધું કે એમના માટે તે શું વિચારતો હતો. અને તેણે એન્જેલોની માફી માગીને કહ્યું:''મને આજે ખબર પડી ગઈ કે તમે મહાન ચિત્રકાર કેમ છો. ચિત્રનું સાચું સૌંદર્ય સાચો કલાકાર જ સમજી શકે છે.''*
સૌંદર્ય તણી આ વાતો છે, સૌંદર્ય તણી આ વાતો છે,

હા હા તો શું એના મુખમાં, ના ના પણ સુંદર લાગે છે.

- 'રુસ્વા ' મઝલૂમી

* કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય દર્શન છે.


***

પરિશ્રમથી પેટ ભરનારો શ્રેષ્ઠ

હાતિમતાઈ પોતાની દાનવીરતા માટે ખૂબ જાણીતા હતા. દૂર દૂરથી લોકો એમની પાસે આવતા અને કોઈ ખાલી હાથ જતા ન હતા. હાતિમતાઈની નામના સમગ્ર પ્રદેશમાં હતી.

આ વાતથી ખુશ થતા તેમના એક મિત્રએ એક દિવસ હાતિમતાઈ સાથે વાતચીત કરતી વખતે પૂછી લીધું:''હાતિમ, લોકો તને શ્રેષ્ઠ માને છે. પણ તું કોઈ એવા વ્યક્તિને જાણે છે જે તારાથી પણ શ્રેષ્ઠ હોય.'' હાતિમતાઈએ તરત જ માથું હલાવી હા પાડી. તેથી તેમના મિત્ર ચોંકી ગયા. મિત્રને હાતિમતાઈની વાત પર વિશ્વાસ ના આવ્યો. તેમણે એ વ્યક્તિ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી.

હાતિમતાઈએ પોતાનો એક અનુભવ રજૂ કરતાં કહ્યું:''એક દિવસ મેં મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભોજન સમારંભમાં દૂર દૂરથી હજારો લોકો પોતાનું કામકાજ છોડીને આવ્યા અને ભોજનનો લાભ લીધો. આખો દિવસ ભોજન સમારંભ ચાલતો રહ્યો. સાંજે હું જંગલ તરફ ફરવા ગયો ત્યારે મેં એક માણસને જોયો. તેણે માથા પર લાકડાની ઢગલી મૂકી હતી. અને ઘર તરફ જઈ રહ્યો હતો. મેં એને અટકાવીને પૂછયું. ''ભાઈ, તું આજે મહેનત કેમ કરે છે? આજે તો હાતિમતાઈ તરફથી ભોજન અપાયું હતું. એક દિવસ મહેનત કરી ના હોત તો ચાલત. તેં એ ભોજનનો લાભ ના લીધો?'' એ વ્યક્તિએ મને જવાબમાં કહ્યું કે મેં ભોજન લેવા જવાનું ઉચિત માન્યું નથી. કેમકે હું માનું છું કે જે લોકો પોતાની આજીવિકા મેળવવામાં સમર્થ છે તેમણે હાતિમતાઈની કૃપા પર આધારિત રહેવાની જરૂર નથી. મારો એવો સિધ્ધાંત છે કે પોતાની મહેનતથી જે મેળવીએ તેનાથી જ પેટ ભરવું જોઈએ. હું તો જાતે મહેનત કરીને જ પેટ ભરવાનો આગ્રહ રાખું છું.

આ અનુભવ જણાવીને હાતિમતાઈ બોલ્યાઃ''ત્યારથી હું એ વ્યક્તિને મારાથી શ્રેષ્ઠ માનું છું. મને એવું લાગે છે કે મારા જેવા દાનીઓ કરતાં એ શ્રેષ્ઠ છે. કેમકે તે કોઈ દાન લઈને આવશે અને પછી બીજાને દાન કરવાની આશામાં બેસી રહેતો નથી. પોતે મહેનત કરીને પેટ ભરે છે. એટલે મારા જેવા દાનવીર કરતાં પણ શ્રેષ્ઠ છે.''

*
કોનો સાથ જીવનમાં સારો 'શૂન્ય' તમે પોતે જ વિચારો,

મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

-શૂન્ય પાલનપુરી

*
આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.


*******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED