પ્રકરણ : ૬
મૃત્યુ (બગદાદ; ઑક્ટોબર ૧૯૭૬)
આગલા ૧૦૦ વર્ષ સુધી જો હું જીવતી હોઉ તો પણ રા'દ અને હાદી બાથ-પાર્ટીના ગુંડાઓના સિકંજામાંથી જેવી રીતે છુટ્યા છે એ કદી ભુલાય એમ નથી.
રા'દની તબિયત હવે સુધરી હતી અને એણે યુનિવર્સીટી પર ફરીથી જવાનુ ચાલુ કરી દીધુ હતુ, પણ એણે દર છ અઠવાડીયે સ્થાનિક પોલિસ સ્ટેશનમાં હાજર થવુ પડતુ; અને રિપોર્ટ આપવો પડતો કે "હવે એ કોઈ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો નથી." મારા સીધા-સાદા કાયદા મુજબ ચાલનારા ભાઈની સાથે એક રીઢા ગુનેગારની માફક વર્તન થતુ; એને માટે બધુ બહુ જ શરમજનક હતુ. જો કે એ હજુ પણ કુર્દીશ સ્ટુડન્ટ યુનિયનમાં સક્રિય હોય તો પણ એણે અમને કોઈ દિવસ એ કીધુ નહોતુ.
હાદીની સુરક્ષાને લઈને આલિયાની અસ્વસ્થતાએ એના ઘરની શાંતિ હરી લીધી હતી. હાદી કામ પર પાછો તો ફર્યો હતો પણ જાણે ચીમળાયેલો અને મ્લાન લાગતો હતો. આલિયા માની આગળ રડી પડી; પેલી ખાડા જેવી જેલમાં રહેવાને કારણે એને રાતભર ખરાબ સપના આવતા અને એના દિલને ચીરી નાખતા હતા. શાશવર અને શવાનને માટે પણ એને બહુ ચિંતા રહેતી; બંને માસૂમોએ અત્યાર સુધી જે નિરાંતની જીંદગી જીવી હતી એમનુ હાસ્ય વિલાઈ ગયુ હતુ; એ કાયમ રડ્યા કરતા. જો કે એક વાતની ખુશી હતી કે આલિયા ફરી એકવાર મા બનવાની હતી, અને ત્રીજુ બાળક આવવાની તૈયારી હતી.
મુનાની હાલત ત્રાસજનક હતી. મારી ભીરુ દિલની બહેનને એના ભાઈના જેલવાસના અનુભવો જાણીને એટલો તો આઘાત લાગ્યો હતો કે એ એક ગુંચળુ વળીને બેસી રહેતી. સા'દ તો જાણે ધર્મને તેની ધમનીઓમાં લઈને જ પેદા થયો હતો, પણા જ્યારથી રા'દ પકડાયો ત્યારથી એની ધર્મ પ્રત્યેની આસ્થા બેવડાઈ ગઈ હતી. હવે તો એ ભૂલથી પણ એકેય નમાજ નહોતો ચુકતો. ક્યારેક એ આલિયાના બે છોકરાઓને પણ મસ્જિદમાં લઈ જવાની વાત કરતો, જો કે છ અને ચાર વર્ષના એ બાળકો મસ્જિદમાં જવા માટે હજુ નાના હતા. મને લાગતુ હતુ કે સા'દ મૌલવી બનવાને રસ્તે જઈ રહ્યો છે. આવુ થાય તો કદાચ મારી ધાર્મિક માતાને સૌથી વધારે ખુશી થાય, હું પણ એ વાત સ્વીકારુ પણ ખુશ તો ન જ થાઉ. સા'દની આ ધાર્મિકતાને લીધે એનામાં કડકાઈ વધી ગઈ હતી અને મને મારા સિધ્ધાંતો કે નૈતિકતાને માટે કોઈની દોરવણી કે આધિપત્ય મંજૂર નહોતુ.
મારે માતા સામાન્ય રીતે વર્તવાનો પ્રયત્ન કરતી અને એવુ કરી પણ શકતી હતી, પણ મને ખબર હતી કે એના હ્રદયમાં ઘા લાગી ચુક્યો છે. એના ચહેરા પર ચિંતાની નવી રેખાઓ આકાર પામી ચુકી હતી. બાથ લોકોના બગદાદમાં રહીને મારી માતા અકાળે વૃધ્ધ થઈ રહી હતી. રા'દની સાથે આટલુ બધુ બની ગયા પછી પણ એણે કુર્દિશ દેશભક્તિ યથાવત રાખી હતી.
મને શાતા હતી, મારે ભવિષ્યમાં શુ કરવુ એ હવે તો નક્કી જ હતુ. હું જ્યારે ઉંમરલાયક થઈશ ત્યારે કુર્દિશ ચળવળમાં જરૂરથી જોડાઈશ એ મેં નક્કી કરી લીધુ હતુ. કોઈ મને નહી રોકી શકે. જો કે મારી માનુ કહેવુ હતુ કે જ્યારથી આ બાથીસ્ટોના હાથમાં સુકાન આવ્યુ છે ત્યારથી કુર્દીશ લોકો માટે જીવવુ વધારે ને વધારે દુષ્કર બની ગયુ છે. એનુ કહેવુ હતુ કે એના બાળકો પોતાની સુરક્ષા જાતે કરવાનુ શીખી લે, જે કંઈ બોલે કે જે કંઈ કરે તેમાં પુરતુ ધ્યાન આપે. મેં મારી માને ખાત્રી આપે કે જ્યારે હું કુર્દીશ પાર્ટીમાં જોડાવા જેટલી થઈ જઈશ ત્યારે પણ હું પુરતી તકેદારી રાખીશ.
માત્ર પિતા અમારી આ બધી ચિંતાઓથી એકદમ અલિપ્ત હતા. આટલા વર્ષોના લગ્નજીવન પછી મા એ પિતા સાથે વાત કરવા માટે સાઈન-લેંગ્વેજમાં મહારથ કેળવી લીધી હતી અને એના દ્વારા જ એણે પિતાને મનાવી લીધા હતા કે તે દિવસે કોઈ ચોરોએ અમારા ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો પણ સા'દના હાથમાં છરી જોઈને એ લોકો નાસી છુટ્યા. મારા પિતાજી એક સિધ્ધહસ્ત એન્જિનિયર હતા, એટલે એમણે તરત જ ખાસ પ્રકારના તાળા સહિતનો નવો દરવાજો બનાવીને લગાવી દીધો. આવો દરવાજો મેં પહેલા ક્યારેય નહોતો જોયો. કોઈ માણસની લાતો એ દરવાજાને તોડી શકે એમ ન હતુ; હા, મિલીટરીની ટેન્ક આવે તો કદાચ તુટી શકે.
મારી જીંદગી હવે ક્યારેય પહેલા જેવી નહોતી રહી. ઘર બહાર ક્યારેય પણ કોઈપણ ગાડી આવીને ઉભી રહેતી તો હું તરત જ પડદા પાછળથી એને જોવા દોડી જતી, ઘરના સભ્યોને ચેતવવા કે રસોડાને દરવાજેથી ભાગો અને પાછલી દિવાલ કુદીને સલામત જગ્યા એ છુપાઈ જાવ. હું તો પ્રેક્ટીસ પણ કરતી. ચેતવણીની બુમ પાડી, રા'દના રૂમમાં ટેબલ નીચે મારી ઈમરજન્સી માટે કાયમ તૈયાર રહેતી બેગ ઉઠાવી અને બગીચાની પછીતે આવેલી દિવાલ સુધી પહોંચતા મને માત્ર એક મિનિટ થતી. આવી પ્રેક્ટીસ હું દરરોજ કરતી, મારી મા અને ભાઈબહેનોને હસવુ આવતુ પણ મને ખબર હતી કે આવી તૈયારી એક દિવસ અમારા બધાનો જીવ બચાવવા કામ આવી શકે છે.
મને કાયમ એ વાતની નવાઈ લાગતી જ્યારે મારી મા કહેતી કે દેશના ઘણા નાગરિકો બાથ પાર્ટીના રાષ્ટ્રપતિ અહમદ હુસૈન અલ-બાકિર અને એના જમણા હાથ જેવા સદ્દામ હુસૈન જે ઈરાકીઓમાં મિ. ડેપ્યુટી તરીકે પ્રખ્યાત હતા તેમને સમર્થન કરતા હતા. જો કે એ સ્પષ્ટ હતુ કે ખરી સત્તા મિ. ડેપ્યુટીના હાથમાં જ હતી. મા કહેતી - કે આપણે એ બે જણામાં શુ ફરક પડે છે?? એક જણ ઈંડા મુકે છે અને બીજો સેવે છે, આપણે માટે તો એ બધુ સરખુ જ છે.
કેટલાક લોકો દાવો કરતા હતા કે ઈરાકી લોકો માટે આના જેવા સારા દિવસો પહેલા ક્યારેય નહોતા આવ્યા. નવો કાયદો - અસાક્ષરતા દૂર કરવાની રાષ્ટ્રીય ઝુંબેશ - ના અંતર્ગત દરેક ઈરાકીને માટે શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યુ હતુ. અરે ગામડામાં પ્રૌઢો અને વૃધ્ધો કે જે જીવનમાં ક્યારેય શાળાનો ઉંબરો નહોતા ચઢ્યા એમને માટે પણ સાક્ષરતા વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. એ સાચુ કે આવા સુધારા પ્રજાના ફાયદામાં હતા પણ જોરજુલમનુ વાતાવરણ; ધરપકડનો ડર; અને અનહદ ત્રાસદાયક જેલવાસને કારણે મોટાભાગના ઈરાકી નાગરિકો સરકારની વિરુધ્ધ હતા.
૧૯૭૬ના વર્ષમાં મેં મારી ચૌદમી વર્ષગાંઠ ઉજવી, એક પૂર્ણ યુવતી જેવુ હવે હું મહેસુસ કરી રહી હતી. ઉનાળા દરમ્યાન તો હું આમથી તેમ ફરતી રહી પણ સપ્ટેમ્બરમાં સ્કુલમાં પાછા ફરવાની મને વધારે ખુશી હતી. પછીના મહીને, ઑક્ટોબરમાં, હું હજી રાહત અનુભવી રહી હતી કે રા'દના જેલવાસના આઘાતમાંથી કુટુંબ બહાર આવી રહ્યુ છે; ત્યાંતો મૃત્યુએ અમારા કુટુંબની મુલાકાત લઈ નાખી.
જ્યારે મેં એ સમાચાર સાંભળ્યા, એની સાથે જ મને અનહદ પીડા થઈ આવી. ખબર નહી કેમ પણ મારી પહેલી પ્રતિક્રીયા હતી, મારા બુટ કાઢીને મેં હવામાં ઉછાળ્યા. મારા વર્તનથી આઘાત પામેલા લોકો મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા, પણ મને કોઈની પડી નહોતી. પછી, મેં મારા ભણવાના કાગળીયા બધા ફાડી નાખ્યા અને હવામાં ઉછાળ્યા.
ત્યારબાદ મને દર્દનાક ચિચિયારીઓ સંભળાઈ. કાંઈ સમજ નહોતી પડતી, એ મારી જ ચીસો હતી તે છતાં પણ હું નવાઈ પામી કે ક્યાંથી આ ચીસો આવી રહી છે. હું આખા ઘરમાં એક રૂમથી બીજા રૂમમાં ભાગવા લાગી, ખુરશી-ટેબલ જે કંઈ વચમાં આવ્યુ એ ઉંધુ વાળી દીધુ, રસોડા તરફ ભાગી અને ત્યાંથી પાછલે બારણે થઈ અને અમારા બગીચામાં ભાગી અને ફરી એકવાર જોર જોરથી ચીસો પાડવા લાગી. આજુબાજુથી પડોશીઓ અમારા ઘરની દિવાલે આવી ગયા, એવી નવાઈથી કે આ શું થઈ રહ્યુ છે અલ-અસ્કારીના ઘરમાં, કોઈએ તો પોલિસ બોલાવવાનુ પણ કહી દીધુ. તે છતાંય મને કોઈની પડી નહોતી. એક મોટા ખજૂરીના ઝાડ પાછળ હું દોડી અને એની ખરબચડી કાંટાદાર છાલ પર મારુ કપાળ પટકવા લાગી. મેં ઝાડના પાંદડા સોંસરવી ઉંચે ભુરા આકાશ તરફ નજર કરી. બધુ જાણે પહેલાની માફક જ હતુ એમને કંઈ ફેર નહોતો પડ્યો, બગદાદનુ વાદળ આચ્છાદિત આકાશ એવુને એવુ જ હતુ; પૃથ્વી હજુ પણ સૂર્યની આસપાસ ઘુમી રહી હતી, સૂર્ય પહેલાની જેમ જ પ્રકાશિત હતો, વાદળો પહેલાની જેમ જ આકાશમાં રમતા હતા.
આ સૂરજ, આ આકાશ, આ વાદળો બધા જ શોકમાં કાળા પડી જવા જોઈએ. મારી પીઠ ઝાડની છાલ સાથે ઘસાઈ રહી હતી, અને હું ફસડાઈને નીચે જમીન પર બેસી પડી. સંતાપથી ભરેલી હું જમીન પર આળોટવા લાગી, મારા ચહેરો ધૂળથી ભરાઈ ગયો. પણ અને એની પણ નહોતી પડી. હું રુદન ભર્યા સ્વરે એક શ્વાસે બોલતી જતી હતી "ડેડી, ડેડી, ડેડી" અને ધૂળ મારા હોઠ અને મોં માં પણ ભરાવા લાગી.
દશ દિવસ પહેલા એ એમની કામની જગ્યા - રેલ્વેની ઑફિસમાં અચાનક ઢળી પડ્યા અને એમને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા. જ્યારે સમાચાર મળ્યા ત્યારે મા, સા'દ, મુના અને હું મારતી ટેક્સીએ અધામિયા વિસ્તારમાં આવેલી અલ-નુમાન હોસ્પીટલે પહોંચ્યા. મા પ્રાર્થના ગણગણતી સૌથી આગળ હતી, સા'દ શાંત અને ગંભીર જણાતો હતો, મુના સાવ ફિક્કી પડી ગઈ હતી, તો મારી સ્થિતિ એકદમ વિચિત્ર હતી, રડવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં એક આંસુ નહોતી પાડી શકતી.
અમારા પહેલા અલિયા ત્યાં મોજૂદ હતી, હજુ થોડા અઠવાડીયા પહેલા જ એની ત્રીજી ડીલિવરીમાંથી ઉઠી હોવા છતાં એ અહીં દોડી આવી હતી. એને ત્રીજો પણ દિકરો આવ્યો હતો, ખુબ સોહામણો - શાઝાદ. મેં મારી બહેનને આટલી પરેશાન ક્યારેય નહોતી જોઈ, અરે જ્યારે હાદીને પકડી ગયા ત્યારે પણ એ આટલી દુઃખી નહોતી જણાતી.
અમે જ્યારે પિતાની પથારી પાસે આવ્યા ત્યારે મારાથી એ દ્રશ્ય જોઈ ના શકાયુ. અસહ્ય દર્દથી એ કણસતા હતા, એમનો ચહેરો દર્દથી તરડાઈ ગયેલો હતો, મોં નો એક તરફનો ભાગ લબડી પડ્યો હતો. અકળામણથી એ પોતાના અર્ધ લકવાગ્રસ્ત શરીરને હલાવવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. જીંદગીનો એક વરવો ચહેરો મારી સમક્ષ છતો થયો, મારા મા-બાપ બિમાર પણ પડી શકે છે અને એ અમને છોડીને કાયમને માટે જઈ પણ શકે છે એ વાતનુ એ વખતે ભાન થયુ. મેં આગળ વધીને મારા પિતાનો હાથ મારા હાથમાં લેવાની કોશિશ કરી પણ મા એ મને વારી "જોઆના પછી, હમણા નહી". મેં મારા પિતાની નજરે પડવાની કોશિશ કરી જોઈ પણ એ એટલા બધા દર્દમાં હતા કે મારી પર એમનુ કોઈ ધ્યાન નહતુ.
હું નિરાશ થઈને મારી માની પાછળ ભરાઈને ઉભી રહી, અમે બધા ડૉક્ટરની રાહ જોતા હતા. હૉસ્પીટલના બાજુના રૂમમાંથી નાના બાળકોના રડવાના અવાજો આવી રહ્યા હતા. છેવટે એક નીચી કાઠીનો કાળો, સખત ચહેરા અને પહોળા જડબા વાળો ડૉક્ટર આવ્યો. એણે ખાત્રી આપી કે પિતાજીનો જીવ બચી જશે, પણ બીજી પળે એણે અમને ચિંતામાં પણ મૂકી દીધા 'એમને લકવાનો હુમલો આવેલો છે; શરીર ખોટુ પડી ગયુ છે અને એમને દર્દ પણ ઘણુ થતુ હશે.'
મેં મારી જાતને સ્વગત જ કહ્યુ "જો એ લાંબુ જીવશે તો હું એમની સાથે જ મારી દરેક ક્ષણ વિતાવીશ, એમની જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી કરીશ. કોઈ કામ એમને માટે અઘરુ નહી હોય, કોઈ પ્રકારનો એમને બોજ નહી પડવા દઉ." મારે ત્યાં હોસ્પિટલમાં જ રહેવુ હતુ પણ મારો કોઈ નિર્ણય ચાલે એમ નહોતો. મા ત્યાં પિતાજીની પાસે રહી, અને હું મુના અને સા'દ ઘરે પાછા આવ્યા. આયેશા માસી પણ થોડા જ વખતમાં સુલેમાનિયાથી અમારી સંભાળ રાખવા આવી જવાના હતા. કોઈ મને એમની નજીક નહોતા જવા દેતા તે છતાંય હોસ્પિટલથી નીકળતા પહેલા મેં એમના હાથને અને ગાલને પ્રેમથી ચુમીને અને એમનો ખભો દબાવીને મારા પ્રેમનો સંદેશ એમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હોસ્પિટલમાં મને એમ લાગ્યુ કે જલ્દીથી ફરી પાછુ જેમ હતુ એમ પહેલા જેવુ થઈ જશે.
પણ ડૉક્ટરે અમને સાચુ નહોતુ કીધુ, એને ખબર હતી કે પિતાજી ક્યારેય આમાંથી બહાર નહી આવી શકે. એ દિવસોમાં ડૉક્ટર એમ સમજતા કે દુઃખ આપનારુ આવુ સત્ય છૂપુ રહે તો જ સારુ. એ રાત્રે મેં મારા પિતાજીને છેલ્લી વાર જોયા હતા.
દશ દિવસ પછી હું સ્કુલેથી ઉતાવળી ઉતાવળી ઘરે પાછી આવી રહી હતી ત્યારે મારા ઘર પાસે શોકગ્રસ્ત ચહેરે ભેગા થયેલા સગાઓને જોઈને જ મારા પગ ધીમા પડી ગયા. મને ફાળ પડી કે જરૂર મારા પિતાની માદગી સાથે અને કોઈ સબંધ હોવો જોઈએ. એ જ ઘડીએ હું જાણી ગઈ હતી કે હવેની જીંદગી પહેલા જેવી ક્યારેય નહી હોય. જે માઠા સમાચાર મારી રાહ જોઈને ઉભા હતા એને ટાળવા માટે હું ઘરે જવાને બદલે પડોશમાં એક દોસ્તને ત્યાં જઈને ભરાઈ ગઈ. કોઈ સગાએ મને જોઈ લીધી, એણે દોડતા આવીને મને બહાર બોલાવી ખેંચીને એક તરફ લઈ જઈ સમાચાર આપ્યા - તારા પિતાનુ મૃત્યુ થયુ છે.
મૃત્યુ..!!!
એ દિવસે મને ચીસો પાડતા કોઈ રોકી શકે એમ નહોતુ. મારા વહાલા અઝીઝ મામા પણ નહી. એમનો ચિંતાતુર ચહેરો મારી પર ઝળુંબાયેલો હતો, એ આંસુભર્યા ચહેરે સતત બોલ્યે જતા હતા 'જોઆના..... જોઆના.... જોઆના' એમણે મને બગીચામાંથી ઉઠાવી અને મારા રૂમમાં લઈ ગયા. ધીમે રહીને મને મારા પલંગ પર સુવડાવી અને મને ધાબળામાં લપેટી લીધી.
કાન બહેરા થઈ જાય એવો ઘોંઘાટ હતો, બધા ય એકસાથે બોલી રહ્યા હતા. એ બધા સલાહો આપી રહ્યા હતા કે મને શાંત પાડવા શુ કરવુ જોઈએ, બિચારી ભગ્નહ્રદયી છોકરી એના પિતાને માત્ર એકવાર ફરી મળવા માટે ઝૂરી રહી છે. મેં મારી માને માટે બૂમ મારી પણ એ તો હજુ હોસ્પીટલમાં હતી, એ ત્યાંથી સીધી મારા ભાઈઓ સાથે આવતી કાલની દફનવિધીનુ બધુ નક્કી કરવા કબ્રસ્તાન જવાની હતી; કારણ કે અમને મુસ્લિમોને મૃત્યુના ચોવિસ કલાકની અંદર-અંદર દફનાવી દેવાની પ્રથા છે; એટલે મા ક્યારે ઘરે આવશે એ કંઈ નક્કી નહોતુ.
આયેશા માસી સુલેમાનિયાથી આવી ગયા હતા, એ દોડતા મારી પાસે આવ્યા. હા, આયેશા માસી એક જ એવી વ્યક્તિ હતા જે મને શાંત પાડી શકે એમ હતુ. એમણે બાકીના બધાને બહાર જવાનો હુકમ કર્યો.
મારે પણ એ સમયે મારા પિતાની યાદો સાથે એકલા જ રહેવુ હતુ. પિતા અમારી સાથે વાત નહોતા શકતા એટલે એમના વિષે એમની પાસેથી મને કોઈ માહિતી નહોતી મળી. પણ, હા મારી મા, આલિયા રા'દ અને બીજા સગાઓ કે જે પિતાજીને એમના જન્મ સમયથી જાણતા હતા એમની પાસેથી મને મારા પિતા વિષે ઘણુ જાણવા મળ્યુ હતુ. મારા દિમાગમાં એ બધી યાદો અત્યારે એક સામટી ઘુમરાવા લાગી. અમારા બાળપણથી નોખુ એમનુ બાળપણ કંઈક વિશેષ જ હતુ. ૧૯૧૪માં જ્યારે મારા પિતાનો જન્મ થયો ત્યારે અલ-અસ્કારી કુટુંબ બહુ જ તાકાતવર અને પ્રતિષ્ઠીત હતુ. આગળ જતા તો આ કુટુંબ વ્યક્તિગત અને રાજકિય બંને રીતે ઈરાકના રાજપરિવાર સાથે ઘરોબો ધરાવતુ થઈ ગયુ હતુ. એ રાજ પરિવારે ઈરાક પર પ્રથમ વિશ્વયુધ્ધથી માંડીને ૧૯૫૮ના બળવા સુધી રાજ કર્યુ હતુ.
મારા પિતાનુ બાળપણ બગદાદના ઐવાદિયા વિસ્તારમાં આવેલા એક વિશાળ મહેલ જેવા ઘરમાં વિત્યુ. એ બંગલો ઈરાકી-ખજૂરીના વૃક્ષોથી ઘેરાયેલો હતો. પિતા અને એમના નાના ભાઈ ઓથમાન કાકા બંને જણ સંસ્કૃતિના ઉદયથી માંડીને અત્યાર સુધી માનવ જાતને પ્રેરણા આપતી એવી તૈગ્રીસ નદીને કાંઠે કલાકો ફર્યા કરતા. ત્યાં નદીમાં આવતી-જતી નૌકાઓ નિહારતા અને બગદાદના સમાજમાં એક દિવસ એ પણ પોતાનુ સ્થાન જમાવશે એવા સપનાઓ સેવતા રહેતા.
પણ મારા પિતાના એ સ્વપ્નો બહુ જ નાની એવી સાત વર્ષની ઉંમરે આવેલી એમની બિમારીને લીધે રોળાઈ ગયા. બિમારીની ખબર ત્યારે પડી જ્યારે એક સવારે એ ઉઠ્યા ત્યારે એમને ગળામાં અસહનિય દર્દ થઈ રહ્યુ હતુ, એમને ગળાનીચે કંઈ ઉતરી નહોતુ રહ્યુ. પછી સખત તાવ ચઢ્યો. એમના મા-બાપ એમને ગળે અને છાતી પર ઉપસી આવેલા લાલ ચકામાઓની ચિંતા કરવા લાગ્યા. એમની ચામડી કાચપેપર જેવી રુક્ષ થઈ ગઈ હતી. એમની જીભ પણ સુજી ગઈ અને લાલ થઈ ગઈ. થોડા જ વખતમાં એવો સમય આવ્યો કે વારે વારે બેહોશ થવા લાગ્યા.
એ બચી તો ગયા પણ જ્યારે એમના મા-બાપ એમની પરિસ્થિતિ તપાસવા એમની પાસે આવ્યા ત્યારે એ બૂમ મારી ઉઠ્યા કે "મને કંઈ સંભળાતુ નથી". એમની બોલવાની ક્ષમતા હજુ તો એવી ને એવી જ હતી, ધીમે ધીમે એમની બૂમો ડૂસકામાં પરિવર્તિત થઈ ગઈ અને ડૂસકાઓ દર્દભર્યા રૂદનમાં, એમનુ રૂદન એ ઘરની દિવાલો વચ્ચે પડઘાઈ રહ્યુ. એમના સૌમ્ય હ્રદયના પિતાજી, એ પહાડ જેવો ભડવીર માણસ પણ એમના નાનકડા દિકરાના નાના નાના હાથ પોતાના હાથમાં લઈને એની પાસે બેસીને રડી પડ્યા. એમની માતા તો આઘાતથી લાકડાની પૂતળીની જેમ પાસે ઉભી રહીને જોયા કરતી હતી. એની સુંદર મજાની ભૂરી આંખો કાળી પડી ગઈ, એમની ગોરી ત્વચા જાણે સાવ ફિક્કી થઈ ગઈ હતી.
પિતાજીના મા-બાપ ખૂબ પૈસાદાર હતા, પિતાના ઈલાજ માટે બગદાદના કોઈપણ મોટા ડૉક્ટર એમણે નહોતા છોડ્યા. પણ બધેથી નિરાશા મળી. પિતાની વેદના ત્યારે વધી જ્યારે એ ધીમે ધીમે પોતાની સ્પષ્ટ રીતે બોલવાની ક્ષમતા ગુમાવવા લાગ્યા. સામાન્ય રીતે નાની ઉંમરે જ્યારે બાળકોને બહેરાશ આવી જાય તો એમની વાણી પણ હરાઈ જતી હોય છે, એવુ જ કંઈક એમની સાથે પણ બન્યુ. એમની એમની આ ખામીથી એટલી હતાશા આવી ગઈ કે એમણે પોતાની જાતને સંકોચી લીધી અને પોતાના એકાંતમાં સરી પડ્યા.
૧૯૨૧માં, જ્યારે પિતાની આવી દયાજનક પરિસ્થિતિ થઈ હતી તે સમયે ઈરાક આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા સક્ષમ નહોતુ. આવી પરિસ્થિતિ જે કોઈ બાળક સાથે ઉદભવે એમનુ સ્થાન ઘરના ઉંડાણમાં જ રહી જતુ, એ સમયના મા-બાપો વિકલાંગ બાળકને કુટુંબને માટે શ્રાપ માનતા. પણ પિતાજી એ બધા કરતા ઘણા વધારે નસીબદાર હતા. એમનુ કુટુંબ ઘણુ સમજદાર અને સારી પેઠે ભણેલુ-ગણેલુ હતુ. પૈસા પાત્ર પણ હતુ. અને સૌથી વધારે અગત્યનુ કે એ મહાન જાફર પાશા અલ-અસ્કારીના ભત્રીજા હતા. જાફર પાશા અલ-અસ્કારી, પ્રથમ વિશ્વયુધ્ધના સમયના સૌથી પ્રિતિપાત્ર મિલિટરી અધિકારી હતા, અને એક રાજદ્વારી તરીકે એમનો એ સમયે ઉદય થઈ રહ્યો હતો, કેટલાય મહત્વના યુરોપિયન અને ઈરાકી લોકો એમના મિત્રો હતા. હું એમને ક્યારે મળી નથી કારણકે મારા જન્મના ૨૬ વર્ષ પહેલા એમનુ મૃત્યુ થઈ ગયુ હતુ, પણ એ હકિકત હતી કે એ બીજા બધા કરતા કંઈક જુદા જ હતા.
એમણે જાહેર કરી દીધુ કે એમનો વિકલાંગ ભત્રીજાની કારકિર્દી ક્રિયાત્મક રીતે ઘડવામાં આવશે. જ્યારે એ ૧૧ વર્ષના થયા ત્યારે એમને ફ્રાન્સમાં બહેરા-મૂંગાની શાળામાં ભણવા મોકલી આપ્યા હતા. એમનો ત્યાં પૂરતો વિકાસ થયો અને એમણે લાકડાકામની કારીગરીમાં મહારથ મેળવી લીધી અને ત્યાંથી એમણે એન્જિનિયરીંગની ડિગ્રી પણ મેળવી. એમને ફ્રાન્સમાં એટલુ ફાવી ગયુ હતુ કે એ ત્યાં ૧૨ વર્ષ સુધી રહ્યા, અને જ્યારે એમના પ્રિય કાકા જાફર પાશાની ૧૯૩૬માં હત્યા થઈ ત્યારે એ કુટુંબના દબાણથી ક-મને પાછા ફર્યા.
એમના કાકાની હત્યા બાદ કુટુંબમાં બીજો શોકગ્રસ્ત પ્રસંગ પણ જલ્દીથી આવ્યો. ૨૨મી માર્ચ ૧૯૩૭ને દિવસે, જાફર પાશાના મૃત્યુના લગભગ પાંચ મહિના બાદ પિતાના પોતાના પિતાજી એટલે કે મારા દાદા અલી રીધાએ પણ આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધો. પોતાના ભાઈની હત્યાનુ એમને એટલુ લાગી આવ્યુ હતુ કે એ ભયંકર નિરાશામાં સરી પડ્યા અને પોતાના લમણામાં ગોળી મારીને એમણે આત્મહત્યા કરી લીધી. એમના અવસાનથી કુટુંબને જબરજસ્ત ધક્કો લાગ્યો, ખાસ કરીને મારા પિતાજી પોતાના પિતાના મોતને લીધે નહુ જ શોકમાં ડૂબી ગયા હતા.
ત્યાર પછી મારા પિતાને જો સૌથી મોટો ધક્કો પહોંચ્યો હોય તો ૧૪ જુલાઈ ૧૯૫૮માં, જ્યારે રાજપરિવારની હત્યા કરવામાં આવી. અને એ બધી ઉથલપાથલમાં એમની ફર્નિચરની ધમધમતી ફેક્ટરી એમણે ગુમાવવી પડી. અને મારા પિતાજી કાયમ માટે સાવ ગરીબીમાં સરી પડ્યા.
આગલી સવારે મારા પિતાજી હોસ્પીટલથી ઘરે આવ્યા, પણ મેં જે રીતે ધાર્યુ હતુ એમ નહી. એમને લાકડાના કૉફિનમાં લાવવામાં આવ્યા હતા અને એ કૉફિનને અમારા બેઠકરૂમની વચ્ચોવચ રાખવામાં આવ્યુ હતુ. અમારુ ઘર શોકગ્રસ્ત માણસોથી ઉભરાતુ હતુ. સગાઓ, મિત્રો, ઓળખીતા-પાળખીતા ઘણા લોકો આવ્યા હતા. મારા પિતાની શાખ સમાજમાં એક સજ્જન તરીકેની હતી અને એટલે ઘણા લોકો પોતાનો શોક વ્યક્ત કરવા આવ્યા હતા.
મને મારા કસરતી પિતાજીને એ નાનકડા લાકડાના બોક્સમાં જકડાયેલા જોઈને અકળામણ થઈ આવી. મેં ત્યાંથી નહી ખસવાનો નિર્ણય લઈ લીધો હતો. હું એમના કૉફિનની આસપાસ જ રહી, જે કંઈ બની રહ્યુ હતુ તે મારી આંસુભરી આંખે ધૂંધળુ ધૂંધળુ દેખાતુ હતુ. હું શોક વ્યક્ત કરવા આવેલાઓના ઝાંખા ચહેરા જોઈ શકતી હતી, એ શોકના બોલ બોલતા ત્યારે એમના ફફડતા હોઠ જોઈ શકતી હતી પણ એ લોકો શં કહેતા હતા તે મને સ્પષ્ટ સમજાતુ નહોતુ.
આલિયા કોઈનાથી ઝાલી નહોતી રહેતી. જ્યારે એણે એ લાકડાનુ બૉક્સ જોયુ તો એ પૂરેપૂરી રીતે તૂટી ગઈ, એણે કૉફિન પર પડતુ જ મૂક્યુ, રડતી-કકળતી પિતાજીને પોતાની પાસે પાછા આવવા વિનવણીઓ કરવા લાગી. હાદી અને સા'દ બંનેએ ભેગા મળીને એને ત્યાંથી ખસેડવી પડી. મા અને બીજી કેટલીક માસીઓ પણ એને શાંત રાખવા પ્રયત્ન કરવા લાગી. હું પિતાની પાસે જ રહી, જરા વધારે નજીક આવી, એ નાનકડા બોક્સ પાસે જઈને એમની સામે તાકી રહી, ધીમા સાદે એમને બોલાવ્યા, "ડેડી", હું ઈચ્છતી હતી એ પાછા જીવિત થાય, આંખો ખોલે અને એમના મજબુત હાથોથી એ કૉફિનના ઢાંકણને ફગાવીને મારી સામે જુએ, મારી સામે હસે, પોતાના હાથ પહોળા કરીને મને એમની બાથમાં લઈ લે.
પણ એમાંનુ કંઈ ના થયુ, એ એમના બોક્સમાં જ પડી રહ્યા.
હું બેઠકરૂમમાંથી ત્યાં સુધી ના ખસી જ્યાં સુધી કૉફિનને ઉંચકીને લઈ જનારા માણસો એ રૂમમાં ન આવ્યા. એ લોકો એમને શેખ મારૂફ અલ કાર્ખી કબ્રસ્તાનમાં દફનાવવા લઈ જવાના હતા. અમારે ત્યાં સ્ત્રીઓને દફનવિધીમાં ભાગ લેવાનો રિવાજ નથી, જો કે અમે બધા પછીથી એમની કબર પર જઈ શકીએ. પણ, હું જાણતી હતી કે ત્યાં કબ્રસ્તાનમાં શુ થવાનુ છે. એ લોકો મારા પિતાના પાર્થિવ શરીરને ખાડામાં ઉતારશે અને તમના પર માટી નાખી દેશે.
મને મારી બધી માસીઓ અને કાકીઓએ ઘણી ના પાડી પણ તે છતાંય મેં શવયાત્રામાં ગલીના નાકા સુધી ભાગ લીધો, જ્યાં સુધી એમની છેલ્લી ઝલક દેખાતી હતી ત્યાં સુધી હું ત્યાં જ ઊભી રહી. અને એમ મારા વહાલસોયા પિતાજી ચાલ્યા ગયા.. બસ એમ જ - ક્યારેય પાછા ન ફરવા માટે.