વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ ૫ Vatsal Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ ૫

પ્રકરણ ૫

રા'દ અને હાદીનુ પુનરાગમન

બગદાદ, ઑક્ટોબર ૧૯૭૪

મા કાયમ કહેતી જ્યારે તમારી પ્રાર્થના અલ્લાહ સ્વીકારે અને તમને એનોઅહેસાસ થાય એનાથી વધારે ખુશીની પળ બીજી કોઈ નથી હોતી. જ્યારથી રા'દ અને હાદીને ઉપાડી ગયા ત્યારથી એ એમના માટે ખાસ પ્રાર્થના કરતી હતી, એટલે જ જ્યારે એ લોકો ઝાંપે દેખાયા ત્યારે ખુશીના માર્યા એના ગળામાંથી કર્ણભેદી ચીચીયારી નીકળી ગઈ. આલિયાના ઘરથી થોડે દૂર ઉભી રહેલી એ ટેક્સીમાંથી એ બંનેને નીકળતા એણે જ સૌથી પહેલા જોયા હતા. મા નો અવાજ સાંભળીને મારી સાથે સાથે આલિયા, એના બંને દિકરાઓ, સા'દ અને મુના પણ દોડીને બહાર આવી ગયા.

પણ, એમના ચહેરા પર નજર પડતા જ માના ખુશીના એ ઉદગારો એકદમ જ થંભી ગયા. મારા એકવારના સોહામણા ભાઈની સિકલ જ સાવ બદલાઈ ગઈ હતી. એ એટલો ફિક્કો પડી ગયો હતો કે જાણે સફેદ ભૂત જ જોઈ લો. એટલો તો વાંકો વળી ગયો હતો કે એ જાણે ચારપગે ઘસડાતો હોય એમ લાગતુ હતુ. છેલ્લે જ્યારે રા'દને મેં જોયો હતો ત્યારે એ મજબુત જુવાન ટટ્ટાર ચાલતો હતો, પણ અત્યારે એનુ સ્નાયુબધ્ધ શરીર સાવ ઓગળી ગયુ હતુ. એના શરીર પર પહેરણ હતુ કે ચીંથરુ કે પછી એને ગાભામાં વિંટાળેલો હતો એ જ ખબર નહોતી પડતી. કદાચ એને મહીનાઓ પહેલા પકડીને લઈ ગયા હતા ત્યારે એણે પહેરેલા એના નાઈટડ્રેસના બચ્યા-ખુચ્યા અવશેષો જ હશે. કંઈક કહી શકાય એમ નહોતુ.

સા'દ એની તરફ દોડી ગયો અને રા'દે એના ભાઈનો મજબુત હાથ પકડી લીધો જાણે કોઈ ઘરડો કૃશકાય માણસ જુવાનને ઝાલીને ચાલે એમ એ હાલક-ડોલક થતો ચાલતો હતો. બગદાદની ગલીઓમાં મેં એવા ઘણા ઘરડાઓ જોયા છે; એ પણ રા'દની સરખામણીએ વધારે તંદુરસ્ત અને ખીલેલા લાગે.

મારી નજર એની પાછળ થતી ધીમી હલચલ પર પડી, એ હાદી હતો; એના હાલ પણ રા'દ જેવા જ હતા. એનો ચહેરો ધોળીપૂણી જેવો સુસ્ત હતો, એનુ એ હંમેશનુ પહોળુ સ્મિત અત્યારે ખોવાઈ ગયુ હતુ. એમને આવી બદહાલ સ્થિતિમાં પણ જીવતા પાછા આવ્યા એની મારી બહેન આલિયાને ખુશી હતી. એનો હરખ મા'તો નહોતો; માની પાસેથી નીકળીને એ એના પતિને મળવા દોડી. મારા શબ્દો ગળે આવીને અટકી ગયા; કે "હાદીની હાલત એટલી નાજુક છે કે એને ભેટવાથી તું એને નુકશાન કરી શકે છે.." પણ હું બોલી જ ન શકી.

મા એના સૌથી મોટા દિકરાને મળવા દોડી અને એનો ચહેરો પોતાની હથેળીઓમાં લઈને એને નીરખવા લાગી; એ દ્રશ્ય એટલુ મમતાભર્યુ હતુ કે મારી આંખો પણ ભરાઈ આવી. એણે એના દિકરાને છાતી સરસો ચાંપ્યો, લગભગ ત્રણ મહિનાથી એણે રા'દનુ મોં નહોતુ જોયુ અને એ દરમ્યાન એને તો એમ જ હતુ કે એ નહી બચ્યો હોય.

એ ત્રણ મહિના ભયંકર કષ્ટદાયક પ્રતિક્ષાના હતા. મા, આલિયા, સા'દ અને અમારા બીજા બધા સગાવહાલાઓએ રા'દ અને હાદીની ભાળ કાઢવા આકાશપાતાળ એક કરી નાખ્યા હતા. છેવટે બગદાદની જેલમાં એમની ભાળ મળી. લાંચમાટેની વાટાઘાટો ચાલી અને એ દિવસે સવારે કેટલાક અમારી બચતના અને થોડા કુટુંબીઓ પાસેથી ભેગા કર્યા એમ હજારો ઈરાકી દીનાર એમની મુક્તિ માટે અમે દલાલોને ચુકવ્યા. એની અમને કોઈ બાંહેધરી કે સંભાવના નહોતી કે એ લોકો આટલા જલદીથી છુટી જશે. જ્યા સુધી એ લોકો ના આવે ત્યાં સુધી આલિયાને ઘરે બેસીને રાહ જોવા સિવાય અમારા હાથમાં કંઈ નહોતુ.

પણ એ લોકો આજે જ છુટીને આવી ગયા, જીવિત..... પણ મૃતઃપ્રાય..!!!

ફળીયામાંથી ઘરના ઉંબરા સુધી આવતા રા'દને એટલો હાંફ ચડી ગયો હતો કે જાણે કોઈ રેસ દોડીને ના આવ્યો હોય. મારા નિર્દોષ-નિખાલસ ભાઈનુ બધુ જ બદલાઈ ગયેલુ હતુ. એના વાળ ઝાંખરાની માફક વધી ગયેલા હતા, એને દાઢી પણ ખરાબ રીતે વધી ગઈ હતી. એનો નીચલો હોઠ એટલો બધો ચીરાયેલો હતો કે એમાંથી લોહી નીકળી રહ્યુ હતુ, લબડી પડેલા એ હોઠ પાછળ એકવખતના સફેદ દાડમની કળી જેવા દાંત અત્યારે પીળા અને છારી બાઝેલા દેખાતા હતા.

એની સામુ જોવાની જ મારે હિંમત ના ચાલી એટલે મેં હાદી તરફ નજર દોડાવી. એને સુજી ગયેલી આંખો આલિયા પર જ મંડાયેલી હતી, એક સમયનો પાતળો સોહામણો એનો ચહેરો ખાડાવાળો અને ફિક્કો થઈ ગયો હતો. મા અને આલિયા એમને બંનેને ઘરમાં લઈ ગયા; જેથી એ કંઈ ખાઈ શકે, નહાય અને થોડો આરામ પણ કરી શકે.

હું અને મુના એકબીજાની સામે જોઈ રહ્યા, કોઈનામાં બોલવાની હિંમત નહોતી. મુના નિરાશવદને ઘરમાં દોડી ગઈ પણ મારાથી તો જાણે ઉભા જ નહોતુ થવાતુ હું ત્યાં જ ફસડાઈને બેસી પડી. એકલી અટુલી કદાચ એકાદ કલાક સુધી હું એમને એમ સુનમુન બેસી જ રહી. મારા ગુસ્સાને અને વિષાદને પોષતી રહી.

એ દિવસે બપોર પછી બધામાં કંઈક જીવ આવ્યો અને બધા આલિયાના ડ્રોઈંગરૂમમાં ભેગા મળીને બેઠા. ઘરમાં જાણે કે ઉત્સવનુ વાતાવરણ બની રહ્યુ હતુ, સગાવહાલાઓમાં આ ખુશીની જાણકારી બધાને કરી હતી એટલે એ લોકો પણ જેલવાસથી છુટીને આવેલા રા'દ અને હાદીને મળવા આવ્યા હતા. મારા માટે મહત્વનુ હતુ કે મારી માસી આયેશા પણ આવી હતી. જ્યારે રા'દને ઉપાડી ગયા ત્યારથી જ આયેશા માસી છેક સુલેમાનિયાથી માને સધિયારો આપવા આવી ગઈ હતી, એણે પણ અમારી જેમ જ લાંબા ઈંતેજારની ઘડીઓ ગાળી હતી. મને મારી બીજી બધી માસીઓમાં આ આયેશા માસીની સૌથી વધારે લાગણી હતી અને એટલે જ અત્યારે પણ હું એને વળગીને જ બેઠી હતી.

માએ એક જણને ઘરે દોડાવીને ખબર પહોંચાડ્યા હતા કે આલિયાની તબિયત સારી નથી એટલે અમે મોડી સાંજ સુધી ઘરે નહી આવી શકીએ. આશ્ચર્યજનક રીતે, અને રા'દ અને હાદીને શોધવાની આ બધી માથાકૂટ વચ્ચે પણ અમે એમના પકડાઈ જવાની અને જેલવાસની ખબર પિતાથી એકદમ છુપાવીને રાખી હતી. એ દરમ્યાન અમારી રોજિંદી જીંદગી કેટલાય જુઠ્ઠાણાઓથી ભરેલી રહેતી. પિતાને એમ હતુ કે આલિયા બિચારી વારેવારે માંદી પડે છે એટલે અમે એના ઘરે ગમે ત્યારે જતા રહેતા હોઈએ છીએ. બીજુ જુઠ્ઠાણુ એ હતુ કે રા'દ એટલો નસીબદાર હતો કે એને યુનિવર્સીટીમાંથી યુરોપ જવાની પરવાનગી મળી છે અને એ યુરોપના પ્રવાસે છે એટલે અત્યારે દેખાતો નથી. પણ આ બધા જુઠ્ઠાણાઓ વચ્ચે જીવવાનુ દોહ્યલુ હતુ, ક્યારેક કોઈ અજાણ પણે પણ કંઈક રહસ્ય ખોલી નાખે તો? હવે તો મને એ દિવસોનો ઈંતેજાર હતો જ્યારે રા'દની તબિયત પહેલા જેવી થઈ જાય અને અમે પિતાજી સાથે અમારી સામાન્ય જીંદગી ફરીથી જીવવા લાગીએ.

બધા જ્યારે કુંડાળુ વળીને સોફામાં ગોઠવાયા ત્યારે, કાયમ હસાવતો હાદી આજે વિચિત્ર રીતે સાવ ચૂપ બેઠો હતો જ્યારે રા'દે એમની કથની કહેવાની ચાલુ કરી.

'હું તમને માંડીને બધી વાત કરુ' એણે શરૂઆત કરી. મેં માસીનો હાથ દબાવ્યો; અને એમણે મારે માથે વહાલથી હાથ ફેરવ્યો. રા'દને એ ખેંચાઈને ઘસાયેલા અવાજમાં વાત કરતો જોવો બહુ જ ત્રાસદાયક હતુ. એનો અવાજ સાવ સીધો સપાટ અને કોઈ આરોહ-અવરોહ વગરનો હતો.

'જે રાત્રે અમારી ધરપકડ થઈ એ રાત્રે અમે શાંતિથી સૂતા હતા. આલિયા, હાદી અને એના બંને દિકરા બહાર બગીચામાં સૂતા હતા, પણ હું ધાબે હતો અને મને હજુ ઉંઘ નહોતી આવતી. હું પથારીમાં પડ્યો પડ્યો મોન્ટે કાર્લો રેડિયો સાંભળતો હતો અને આકાશમાં ઉગેલા પૂનમના ચંદ્રની ચાંદની માણતો હતો. અચાનક મને લાગ્યુ કે મારી બાજુમાં કોઈ છે. મને લાગ્યુ કે કંઈક યાદ આવ્યુ હશે માટે હાદી એ કહેવા માટે આવ્યો હશે. પણ, જ્યારે મેં ઉંચે જોયુ તો મારી સામે પાંચ હટ્ટાકટ્ટા માણસો ઉભા હતા. મને કંઈ ખબર ના પડી બધા જ સાદા કપડામાં હતા અને એમના બધાના હાથમાં એસોલ્ટ રાયફલો તાણેલી હતી. મને કંઈ સમજ ના પડી ક્યારે અને કેવી રીતે એ લોકો ઘરમાં ઘુસી ગયા, કારણ કોઈ જાતનો અણસારો એવા અવાજો પણ નહોતા સાંભળ્યા.'

'મને બોલવાનો કોઈ મોકો મળે એ પહેલા તો પાંચમાંથી ત્રણ જણા મારી પર કુદી પડ્યા, મને ખેંચીને ઉભો કર્યો અને મારવા લાગ્યા. ગાળો દેતા બરાડા પાડવા લાગ્યા કે - નીચે ચાલ અને તારો રૂમ બતાવ. એ લોકો એ મને રીતસરનો દાદરા પરથી ગબડાવ્યો જ. નીચે જોયુ તો હાદી પહેલાથી જ એમના કબજામાં હતો, બીચારી આલિયા અને બંને બાળકો સૂનમૂન આ બધુ જોઈ રહ્યા હતા.'

'જ્યારે મને મારા બેડરૂમમાં એ લોકો ખેંચી ગયા ત્યારે મેં હાદીને સાંભળ્યો - કોણે શું કર્યુ છે એ તો કહો? એ વખતે મેં પહેલી વખત એમનો મોં-માથા વગરનો આરોપ સાંભળ્યો : એમાંનો એક જણ બોલ્યો કે "હું ઈઝરાયલીઓનો જાસૂસ છું અને કુર્દ લોકો માટે પણ જાસૂસી કરુ છુ." મેં એમને કીધુ કે એ લોકો જો મારી કુર્દીશ સ્ટુડન્ટ યુનિયનની મેમ્બરશીપ વિષે કહેતા હોય તો, જાણી લે કે માર્ચ ૧૯૭૦થી એ કાયદેસર ગણાય છે. પણ મારા કહેવાની એ પાગલો પર કોઈ અસર નહોતી થવાની. મેં તાજેતરમાં જ સાંભળ્યુ હતુ કે બીજા પણ કેટલાક કુર્દીશ વિદ્યાર્થીઓને આ લોકોએ નિશાન બનાવ્યા હતા, એટલે કદાચ એવુ બની શકે કે આ લોકો યુનિયનના બધા સભ્યોને પકડવાના હોય. પછી મને યાદ આવ્યુ કે, થોડા દિવસો પહેલા જ મને બાથીસ્ટ સ્ટુડન્ટ ઑર્ગેનાઈઝેશનમાં જોડાવાનુ કહેવામાં આવ્યુ હતુ અને સ્વાભાવિક રીતે જ મેં એમની ઑફર નકારી દીધી હતી. કદાચ એમ પણ બની શકે કે મેં એમ કરવાની ના પાડી એના લીધે આ લોકો તપાસમાં આવ્યા હોય!'

'એ લોકોએ મારો રૂમ ફેંદવાની શરૂઆત કરી અને હું મારા નાઈટડ્રેસમાં જ ઉભો ઉભો લાચારીથી એમને એ બધુ કરતા જોઈ રહ્યો. એમણે મને કપડા પણ ના બદલવા દીધા કે મારો હાઉસકોટ પહેરવાની પરવાનગી પણ ના આપી. જો કે મને ક્યાંકથી મારા સ્લીપર મળી ગયા એ મેં પગમાં પહેરી લીધા.'

કેવી બરહેમીથી અને ક્રુરતાથી એ લોકોએ અમારા ઘરની ખાનાખરાબી કરી હતી એ યાદ આવી જતા મેં અનાયાસ જ ડોકુ હલાવીને રા'દની વાતમાં હકાર ભણ્યો. રા'દે એની ચાનો કપ મોંઢે માંડ્યો એટલે હાદીએ આગળ ચલાવ્યુ: 'ઘરમાં ગેરકાયદેસર કહી શકાય એવુ કંઈ એમને હાથ ના લાગ્યુ. માત્ર રા'દ એક ચોપાનિયુ લખતો હતો જેમાં એણે કુર્દીશ ઈતિહાસની વાત કરી હતી અને સરકારની એ બાબતે પ્રશંસા કરી હતી કે સરકારે એમને કુર્દીશ ભાષાનો પ્રયોગ કરવાની અને કુર્દીશ ઈતિહાસ શીખવાની મંજૂરી આપી - એ એમને હાથ લાગ્યુ. એ લોકો એ જ્યારે એને હાથમાં લઈને હવામાં ફરકાવ્યુ ત્યારે મને ખાત્રી થઈ ગઈ કે હવે અમે નહી બચીએ. પછીતો એમણે અમારી આંખે પાટા બાંધ્યા; પહેલા રા'દને અને પછી મને. આલિયા રડવા લાગી અને ઘણી વિનંતિઓ કરી કે અમને ના લઈ જાય, પણ એ લોકો આલિયાના પિતા મુહમ્મદની માફક જાણે સાવ બહેરા થઈ ગયા હતા. એમને મનસુરમાં આવેલા ગુપ્તચર વિભાગના હેડક્વાર્ટર પર લઈ જવામાં આવ્યા, મેં એ જગ્યા પહેલા પણ ઘણી વાર જોઈ હતી.'

વાત કરતા કરતા હાદીને એટલી હદે ખાંસી આવી કે એને બહાર ભાગવુ પડ્યુ, એટલે આગળની વાત રા'દે ચલાવી 'મને એક ખુરશીમાં ધક્કો મારીને બેસાડ્યો અને આંખો પરથી પાટો ખોલ્યો. મારી સામે એક તપાસ અધિકારી કરડાકી ભર્યા ચહેરે બેઠો હતો. એ દેખાવથી જ ક્રુર લાગતો હતો, અને કંઈક મૂર્ખ પણ લાગતો હતો. એણે મારા પર ટ્રાન્સમીટર રેડિયોથી સંદેશા મોકલવાનો આરોપ લગાવ્યો. મેં મારા દિમાગને ખૂબ જોર આપ્યુ કે આ લોકોને આવો ગાંડો વિચાર કેમ આવ્યો હશે? એવુ તો શું બન્યુ હશે? પછી મને યાદ આવ્યુ કે એકવાર હાદીએ મને ફાતીમા ફોઈને ત્યાં જવા એની ગાડી આપી હતી. પાછા આવીને જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મારુ ધ્યાન ગયુ કે ગાડીનુ એરિયલ ઢીલુ પડી ગયુ છે, એટલે મેં એને રીપેર કરવાના ઈરાદાથી કાઢીને લઈ લીધુ. જ્યારે એ એરિયલ મારા હાથમાં હતુ ત્યારે મને ખબર છે કે પડોશનો એક માણસ પહેલા મારા હાથમાં રહેલા એરિયલ સામે અને પછી મારી સામે ટીકીટીકીને જોયા કરતો હતો. અત્યારે મને લાગ્યુ કે એ માણસ કદાચ બાથ-પાર્ટી સાથે સંકળાયેલો હોવો જોઈએ, અને એણે કંઈક ઉંધુ જ ધારી લીધુ હોવુ જોઈએ. પેલા તપાસ અધિકારીએ કીધુ કે જ્યારે હું એરિયલ પકડીને ઉભો હતો ત્યારે હું હિબ્રુમાં કોઈની સાથે વાત કરતો હતો; અને પછી મેં એરિયલ બીજી દીશામાં ફેરવ્યુ અને કુર્દીશ ભાષામાં ઉત્તરે આવેલી બરઝાનીની પાર્ટી ઑફિસ સાથે વાત કરવા લાગ્યો.'

રૂમમાં બેઠેલા કેટલાય લોકો જોર જોરથી હસી પડ્યા. કોઈ જાસૂસ એવો તે કેવો હોંશીયાર હોઈ શકે કે એ બે એકબીજાથી સાવ નોખા શત્રુઓ માટે જાસૂસી કરી શકે અને તે છતાંય એવો તે કેવુ મૂરખ કે આમ સાવેસાવ ખુલ્લેઆમ બધાના દેખતા દુશ્મનોને રેડિયો પર માહિતી આપે?

રા'દ પણ ધીમેથી મલકી રહ્યો; 'આરોપો એવા વિચિત્ર હતા કે મેં પેલાને કીધુ કે એમણે મને ત્યાંને ત્યાંજ કેમ ના પકડી લીધો? જો હું સિક્યોરીટી ઑફીસર હોઉ તો એવા જાસૂસને રંગે હાથ જ પકડુ. અને જો હું ખરેખર જાસૂસ હોઉ તો સાવેસાવ નક્કામો જાસૂસ કહેવાઉ!! પછી મેં એને એ ઘટનાની ચોક્કસ તારીખ અને સમય પૂછ્યા. એણે કોઈક દિવસ અને સમય કહ્યા, પણ હું તો કોઈ બીજા જ દિવસે ફાતિમા આન્ટીને ત્યાં ગયો હતો. અને એણે જે દિવસનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે તો હું નદીએ તરવા ગયો હતો અને પછી મિત્રો સાથે અમે ફૂટબોલ રમવા ગયા હતા. કુલ બાવીસ જણા એ વખતે મારી સાથે હતા જે મારી આ વાતની સાક્ષી પૂરી શકે એમ હતા. મેં એમને આ બધી વાત કરી અને હકીકત તપાસવાનુ કીધુ.'

'જ્યારે એણે આસિસ્ટન્ટને બોલાવીને મારી પાસેથી એ બધાના નામ લખી લેવાનુ કીધુ ત્યારે મને મારા બોલવા પર ખરેખર અફસોસ થયો. જ્યારે અમને કુર્દીશ સ્ટુડન્ટ યુનિયનમાં જોડવામાં આવ્યા ત્યારે અમને ખાસ તાકિદ કરવામાં આવી હતી કે ક્યારેય સંજોગવશાત્ તમારી ધરપકડ થાય તો તમારા કોઈ સાથીદારના નામ ન આપવા. એક અનુભવી ડાહ્યા સભ્યએ તો ત્યાં સુધી કીધુ હતુ કે; ધડ પરથી માથુ જતુ રહેશે તો ચાલશે પણ તારુ રહસ્ય કોઈ કાળે એમને ન બતાવતો. એ યાદ આવતા મેં ચૂપ રહેવાનુ નક્કી કર્યુ.'

'જ્યારે હું ચૂપ થઈ ગયો એટલે પેલાનો પિત્તો ગયો, એણે ઘંટડી વગાડીને બે સાવેસાવ અજાણ્યા લોકોને અંદર બોલાવ્યા, એ લોકોએ સાવ અણઘડ જુબાની આપી કે જે દિવસે હું તરવા જવાનો કે ફુટબોલ રમવાનો દાવો કરતો હતો એ જ દિવસે એ લોકોએ મને જાસૂસી કરતો જોયો હતો. એ લોકોએ કહ્યુ કે હું જુઠ્ઠુ બોલુ છુ, એમણે મને પહેલા હિબ્રુમાં અને પછી કુર્દીશમાં એરિયલથી વાત કરતા સાંભળ્યો હતો. મેં કીધુ મેં ક્યારેય હિબ્રુનો એક શબ્દ સાંભળ્યો પણ નથી અને કોઈ અત્યારે હિબ્રુમાં બોલવાનુ ચાલુ કરે તો મારી સમજમાં કંઈ કહેતા કંઈ ના આવે.'

'બરાબર એ જ સમયે એ લોકો હાદીને એ રૂમમાં ઘસડી લાવ્યા અને અમારુ શુ સગપણ છે એના વિષે પુછ્યુ. હાદીએ તો જે હતુ એ ચોખ્ખુ કહી દીધુ કે એ મારો બનેવી છે. એ લોકોએ પાછો એના પર કુર્દોના હમદર્દ હોવાનો આરોપ લગાવ્યો. હાદીએ એમ પણ કીધુ કે એ પોતે ય એક કુર્દ છે; પણ એ શાંતિ-પ્રિય વ્યક્તિ છે, એક સારો પતિ અને પિતા છે, અને અન્જિનિયર તરીકે નોકરી કરે છે. એ લોકોને બધી ખબર હતી કે હાદીનો ભાઈ એક પશમરગા છે અને થોડા વખત પહેલા જ હાદી ઉત્તરે જઈને એના ભાઈની ગાડી સાચવવા માટે થઈને બગદાદ લઈને આવ્યો છે.'

'એ પછી ફરીથી અમારી આંખે પાટા બાંધ્યા, અને એ બિલ્ડીંગમાંથી બહાર લાવીને એક ગાડીમાં બેસાડ્યા.' મને એ વખતે મારા અઝીઝ મામા અને એમના પર થયેલા અત્યાચારો સિવાય કંઈ યાદ નહોતુ આવતુ. ખાસ તો એમને અઠવાડીયા સુધી કેવી રીતે ઉંધે માથે લટકાવીને મારતા રહ્યા હતા એ. મને લાગ્યુ કે કંઈક એના જેવુ જ હવે સાંભળવા મળશે.

'થોડીજ વારમાં ગાડી ઉભી રહી અને અમારી આંખેથી પાટા ખોલ્યા. અમને એક અંધારા ફળિયામાં દોરી ગયા, ચારે બાજુ ઉંચી ઉંચી દિવાલો હતી. મને લાગ્યુ કે અમે કોઈ જેલના કમ્પાઉન્ડમાં હોવા જોઈએ. મને અને હાદીને આજુબાજુમાં ઉભા રહેવાનો હુકમ કર્યો. મને થયુ, આ લોકો હવે અમને ઠાર મારવાની અને કબરમાં દાટવાની તૈયારી કરતા લાગે છે. પૂનમના ચંદ્રનુ અજવાળુ પડી રહ્યુ હતુ અને મેં જોયુ કે અમારી બાજુમાં જમીન પર એક મોટુ ધાતુનુ ઢાંકણ હતુ. એક ગાર્ડ અમારી બાજુમાંથી જ નીસરણી લઈને આવ્યો, અને એ લોકોએ એ ઢાંકણુ ખોલ્યુ. મેં નીચે નજર કરી તો ત્યાં કાજળ જેવો અંધારો ઉંડો ખાડો હતો. એક ગાર્ડે પેલી નીસરણી અંદર ઉતારી, અને હાદી અને મને અંદર ઉતરવા હુકમ થયો. મને લાગ્યુ કે આ લોકો અમને ઝેરી સાપથી ભરેલા ખાડામાં ઉતારી રહ્યા છે.'

હાદી એ સમયે રૂમમાં પાછો આવી ગયો હતો અને ઝીણા અવાજે હવે એણે આગળની કહાણી ચલાવી 'સાપ હોત તો ચાલી જાત, આ તો જીવતા કબરમાં ઉતરવા જેવુ હતુ.'

"બરાબર" આટલુ સાંભળીને મા સાવ ભાંગી પડી હતી. એ ધીમેથી રા'દ પાસે ગઈ એની ગરદન પર, ખભે બધે પર હાથ પસવાર્યો અને કીધુ "બાકીની વાત પછી કહેશો તો ચાલશે હવે, દીકરા" રા'દે ઉંચુ જોયુ અને કહ્યુ 'મારી યાદદાસ્ત તાજી છે ત્યાં સુધી બધુ કહી શકીશ. ભવિષ્યમાં કદાચ દુનિયાને એ જાણવામાં રસ પણ પડે કે આ પાગલ સરકારના શાસનમાં નિર્દોષ કુર્દ અને ઈરાકી લોકો પર કેવી કેવી યાતનાઓ ગુજારવામાં આવી હતી. તો અમે એ કબરમાં ઉતર્યા, એ અંધારા ખાડામાં ઉભા હતા. અધુરામાં પૂરુ હોય એમ અમે નીચે ઉતર્યા એટલે એમણે પેલુ મોટુ ધાતુનુ ઢાંકણ અમારી પાછળ બંધ કરી દીધુ. દુનિયામાં આનાથી અંધારી જગ્યા મેં ક્યાંય નહોતી જોઈ.'

હાદી વચમાં કુદી પડ્યો 'પરાકાષ્ઠા તો હજુ આવવાની બાકી હતી. હું ખૂબ ડરી ગયેલો હતો અને અમે શું સાંભળ્યુ?? ઘરઘરાટી વાળો શ્વાસોચ્છવાસ સંભળાતો હતો. મેં બૂમ જ પાડી "કોણ છે ત્યાં?" એટલુ અંધારુ હતુ કે કંઈ જ દેખાતુ નહોતુ પણ અમે સાંભળી તો શકતા હતા. અને અમને ગંધ પણ આવી રહી હતી. કેવી દુર્ગંધ..!!! કંઈક વસ્તુ કે પછી કોઈ વ્યક્તિ અમારી તરફ આવી રહી હતી. મેં માન્યુ કે આ લોકો એ અમને રાની પશુઓના ખાડામાં ધકેલી દીધા છે કે શુ? એ જે કોઈ હોય - જણ કે જનાવર - એની સાથે લડવા માટે મેં મુઠ્ઠીઓ ભીંચી દીધી. અને એ સમયે એક ગરીબડો અવાજ સંભળાયો "ડરશો નહી. હું પણ તમારી જેમ કેદી જ છુ. આ ખાડામાં કેટલાય અઠવાડિયાઓથી એકલો જ છુ. હું નજફ નો છુ." '

નજફ વિષે અમે બધા જાણતા હતા, બગદાદની દક્ષિણે આવેલુ એક મોટુ શહેર છે. શિયા મુસ્લિમોની રાજકિય ગતિવિધીનુ એ કેન્દ્ર છે. અને શિયાઓ માટે એક મોટુ યાત્રાધામ પણ મનાય છે. મોહમ્મદ પયગંબરના જમાઈ ઈમામ અલીનો મકબરો પણ નજફમાં જ આવેલો છે. શિયાઓ બગદાદના સુન્ની શાસકો સામે બહુ જ બહાદુરીથી લડે છે, પણ સદ્દામ જેવા ક્રૂર સુન્ની શાસક સામે એમની કોશીષો નાકામ રહે છે. એ તો નક્કી હતુ કે એ ખાડામાં મારા ભાઈનો આ સાથીદાર શિયા સંપ્રદાયનો હતો.

હાદીએ આગળ ચલાવ્યુ 'મને રાહત થઈ કે આ દુર્ગંધ જે આવતી હતી એ માણસની હતી કોઈ પ્રાણીની નહી, હવે મને એ બદબોથી કોઈ વાંધો નહોતો, મને તો એ માણસને ભેટી પડવાનુ મન થઈ આવ્યુ.'

હાદીની આ વાત પર રા'દ લુખ્ખુ હસી પડ્યો 'એ માણસે જલ્દીથી એની કહાનીથી અમને વાકેફ કર્યા. એનો ભાઈ શિયા રાજકારણમાં સક્રિય હતો, એ અલ-દાવા ઈસ્લામિક પાર્ટીનો સભ્ય પણ હતો, આપણે બધા જ અજાણીએ છીએ કે એ પાર્ટી હમણા-હમણા સદ્દામની વિરુધ્ધમાં બહુ સક્રિય થઈ ગઈ છે. જ્યારે એના ભાઈને ખબર પડી કે એની ધરપકડ થઈ શકે એમ છે, તો એ ફ્રાન્સ ભાગી ગયો. અને આ જે માણસ અમારી સાથે એ ખાડામાં હતો એને એના ભાઈની જગ્યા એ પકડીને બાનમાં લઈ લીધો. એને કહેવામાં આવ્યુ કે જો એનો ભાઈ પોતાની દેહાંતદંડની સજા સ્વીકારવા નહી આવે તો એની જગ્યાએ તારે આ જેલમાં સડી સડીને મરવુ પડશે.'

'અમે આખી રાત વાતો જ કરતા રહ્યા, કદાચ અમારી પર અચાનક આવી પડેલી એ તકલીફોમાંથી મગજ દૂર થાય એટલા માટે અમે એને સાથે વાતો કર્યા કરી. પણ એ માણસ એટલી હદે હતાશ હતો કે એણે અમને મુશ્કેલીમાં સધિયારો આપવાને બદલે અમને નિરાશ કરતો રહ્યો. એ વારે વારે કીધા કરતો હતો કે આપણે ત્રણે ય જણ અહીં આ ખાડામાં મરવાના છીએ એ નક્કી જ થઈ ચુક્યુ છે. અમને એમ હતુ કે આનાથી વધારે પીડાદાયક કંઈ ના હોઈ શકે. પણ, ખરી વેદના સવારે સુરજ નીકળ્યો ત્યારે શરૂ થઈ; ખાડા પર લાગેલા ધાતુના એ ઢાંકણા નીચે અમે રીતસરના બફાઈ રહ્યા હતા. ગરમીને લીધે ટોઈલેટની બદબુ પણ અસહનીય થઈ ગઈ હતી. અમારા એ ખાડામાં જે ટોઈલેટ હતુ એ ક્યારેય સાફ જ નહોતુ કરવામાં આવતુ, અને એ વાસને કોઈ રીતે વર્ણવી શકાય એમ નહોતી. મને અહેસાસ થઈ રહ્યો હતો કે અમારા એ નજફ વાળા સાથીદારની વાત ખોટી નથી, અમે અહીં જ ખલાસ થઈ જવાના હતા. મને લાગ્યુ કે હું એક દિવસ પણ અહીં નહી કાઢી શકુ.'

'એ પહેલા દિવસે હું મારી હતાશાના સૌથી નીચા સ્તરે હતો, કારણકે મારામાં વિચારવાની શક્તિ હજુ બચી હતી. હું માનતો થઈ ગયો કે ઈરાકમાં તમારી ધરપકડ થાય એટલે એક યા બીજી રીતે તમારી જીંદગી ખલાસ થઈ ગયેલી સમજવી. મારુ ભવિષ્ય હવે ખતમ થઈ ગયા જેવુ જ હતુ. કદાચ અહીંથી બહાર નીકળીશ તો પણ મારી પર જાસૂસોની નજર કાયમ રહેવાની, હું ક્યારેય મુક્તતાથી ફરી નહી શકુ'

'એ સવારે મોડેથી પેલુ ઢાંકણુ ખુલ્યુ અને એ લોકોએ ગરમ પાણીનો પ્લાસ્ટીકનો એક જગ નીચે લટકાવ્યો. દોરડેથી બાંધીને એ લોકોએ એવી રીતે નીચે પહોંચાડ્યો કે નીચે પહોંચતા સુધીમાં એમાંનુ મોટાભાગનુ પાણી છલકાઈને ઢોળાઈ ગયુ હતુ. અમને એક મોટી બ્રેડ ત્રણ જણા વચ્ચે ખાવા આપી. પણ હું કંઈ ખાઈ ના શક્યો એટલે મેં તો હાથ પણ ના લગાડ્યો, હાદીએ પ્રયત્ન કર્યો પણ એના ગળે પણ એક ટુકડો માંડ માંડ ઉતર્યો. એટલે અમારો સાથીદાર ખુશી-ખુશી અમારા ભાગની બ્રેડ પણ ખાઈ ગયો.'

હાદી એ ફરીથી વાત કાપી: 'એનો એકપણ દાંત બચ્યો નહોતો. એને ત્રાસ આપનારાઓએ એની પૂછપરછ દરમ્યાન વાત કઢાવવાના ઈરાદાથી એકપછી એક બધા દાંત ખેંચી કાઢ્યા હતા.'

રા'દએ ઉમેર્યુ 'એ લોકોએ એના હાથના અને પગના નખ પણ ખેંચી કાઢ્યા હતા. મને થયુ એ લોકો અમારી પણ આવી જ હાલત કરવાના છે.' બોલતા-બોલતા એ માથામાં ખંજવાળવા લાગ્યો 'જૂ પડી છે' બીચારો શરમાઈ ગયો. મારો ય નિસાસો નીકળી ગયો અને મારાથી આયેશા માસી સામે જોવાઈ ગયુ. રા'દના માથામાં જૂ??!!

'એ દિવસ વિતી ગયો અને બીજો આવ્યો, અને પછી બીજો એક દિવસ, એમ દિવસો વિતતા ગયા, અમને ખબર નથી કેટલા દિવસો અમે એ ખાડામાં ગાળ્યા હશે. અસહનિય ગરમી અને ભયંકર બદબોનો ત્રાસ એવો ને એવો જ હતો. અને બસ અમારી પાસે રાહ જોવા સિવાય કંઈ જ બચ્યુ ન હતુ. અને એ અનંત પ્રતિક્ષાથી વધારે ત્રાસજનક બીજુ કશુ જ ન હોય.' રા'દે સ્નેહભરી નજરે હાદી સામુ જોયુ અને બોલ્યો 'મને હાદીની બહુ ચિંતા થતી હતી. દરરોજ મને લાગતુ કે આ હાદીનો છેલ્લો દિવસ તો નહી હોય ને?' હાદી ફિક્કુ હસ્યો. કહે 'અને હું બરાબર એવુ જ તારે માટે વિચારતો હતો'

રા'દે મોં મચકોડ્યુ અને આગળ ચલાવ્યુ 'પણ ભાંગી પડવામાં મારો નંબર પહેલો હતો. એક દિવસ હું હારી ગયો. અમે સતત ભૂખમરો વેઠતા હતા અને દિવસે દિવસે હું ક્ષીણ થતો જતો હતો. એક ક્ષણ પહેલા હું ત્યાં એમ વિચારતો બેઠો હતો કે અમે ભોગવેલી આ યાતનાઓની વાત દુનિયા સમક્ષ કેવી રીતે રજૂ કરશુ અને બીજી ક્ષણે હું ઢળી પડ્યો'

હાદી એ જણાવ્યુ 'રા'દ મરી ગયેલો જ જણાતો હતો. મેં ગાર્ડને બોલાવવા બુમો પાડી, અમારા પેલા સાથીદારે એની સામે જોયુ, એના ગળે હાથ રાખ્યો અને એને મરી ગયેલો જાહેર કરી દીધો. એ સૌથી ખરાબ ક્ષણ હતી મારે માટે. અમે કોઈ રીતે ગાર્ડનુ ધ્યાન ખેંચી શકીએ એવી સ્થિતિમાં નહોતા એટલે મેં જમીન પરથી ભેગા કરેલા કાંકરા મારા ખીસ્સામાંથી કાઢ્યા અને પેલા ઢાંકણા પર મારવા લાગ્યો. ગાર્ડ તરત જ આવ્યા અને મેં એમને બુમ મારીને કીધુ કે રા'દ અલ-અસ્કારી મૃત્યુ પામ્યો છે. એ લોકો એ એને બહાર ખેંચી લીધો અને એના મોં પર પાણી છાંટ્યુ. મને થોડી જ વારમાં અવાજો સંભળાયા કે એ તો જીવતો છે. એ પછી એ લોકો એ અમારી પર ઢાંકણુ પાછુ ઢાંકી દીધુ અને એ પછી તારી સાથે શુ બન્યુ એની મને ખબર નથી રા'દ.'

'એ બન્યુ ત્યારે ૧૪મી જુલાઈ હતી એ દિવસે લાંબી ક્રાન્તિ બાદ બાથ-પાર્ટી સત્તામાં આવી હતી, અને એનો જલસો જેલમાં ઉજવાતો હતો. બધા ગાર્ડ ભેગા મળીને બિયર અને દેશી દારૂ પીતા હતા, નાચતા હતા. એ લોકો મને જલસાની જગ્યાએ લઈ આવ્યા અને એક પામના ઝાડ સાથે મને સાંકળે બાંધી દીધો. હું એ મૂર્ખાઓને દારૂ પીતા અને નાચતા જોઈ રહ્યો.'

સા'દના મોંમાથી ધીમો અવાજ સરી પડ્યો. અમારા બધા ભાઈ-બહેનોમાં સા'દ સૌથી વધારે ધાર્મિક હતો, ક્યારેય એકપણ નમાજ એ ચૂકતો નહોતો, અને એની બહેનો પણ મર્યાદામાં રહે એનુ કાયમ ધ્યાન રાખતો. સરકારી લોકો ડ્યુટી પર આવી રીતે દારૂ પીવે અને નાચે અને પાછા નિર્દોષોને ખાડામાં પૂરી રાખે એ એને ખૂબ ખુંચ્યુ લાગતુ હતુ.

'મારુ માથુ મારી છાતી પર ઢળી પડેલુ હતુ પણ તે છતાંય મને મારી તરફ આવતા ડગલા દેખાઈ રહ્યા હતા. કોઈ પીધેલો ઑફિસર એનુ પેન્ટ ખોલી રહ્યો હતો, કદાચ એ મારી પર પેશાબ કરવાનો ઈરાદો ધરાવતો હતો. મારમાં બૂમ મારવાની તાકાત ક્યાંકથી આવી ગઈ અને મેં એને ચોંકાવી દીધો. એણે મારી સામુ જોયુ અને બોલ્યો "ઓહ ભગવાન, તુ? હં તને જાણુ છુ; તું રા'દ અલ-અસ્કારી છે ને?" '

'એણે મને અલ-આદામિયા સ્પૉર્ટસ ક્લબમાં બાસ્કેટ બોલ રમતા જોયો હતો. મેં એને કીધુ કે મારે તારી મદદની જરૂર છે, મને અહીં ખોટી રીતે ગોંધી રાખ્યો છે. એણે કીધુ કે એનો હોદ્દો ઘણો નીચલી પાયરીનો છે અને એ પોતાના કેટલાક કુટુંબીઓ જેલમાં છે એમની મદદ પણ નથી કરી શક્યો, એટલે એનાથી શક્ય નહોતુ. મેં એને બીજી વિનંતિ કરી કે તો પછી બીજુ કંઈ નહી તો મારા ઘરે ફોન કરીને જાણ કરી દે તો ઘણુ. એણે માથુ ઠોક્યુ, કહે "હું તને પાગલ દેખાઉ છુ? જો હું તારા સંબંધીઓને ફોન કરુ તો હું પણ અહીં તારી બાજુમાં સાંકળે બાંધીને બેઠો હોઉ"'

'મને એમનો એમ સાંકળે બાંધેલો છોડીને એ તો જતો રહ્યો. દિવસ ઉગ્યો ત્યારે એટલા દિવસોમાં પહેલીવાર મેં એ જગ્યા દિવસના ઉજાસમાં જોઈ. અને મારી નજરે શુ પડ્યુ ખબર છે? ધાતુના સેંકડો ઢાંકણા એ જમીન પર બનેલા હતા. દરેક ઢાંકણુ માનવજાતની સૌથી હ્રદયદ્રાવક કહાની કહેતુ હતુ. એક લાંબા નિ:સાસા ની જેમ એ ઢાંકણાઓની નીચેથી ધીમા કણસવાના અવાજો આવ્યો રાખતા હતા. ભયંકર ત્રાસદાયક એ અવાજો સાંભળીને કોઈના પણ એ ઢાંકણ નીચેના નરકમાંથી જીવિત બચવાની રહી સહી આશા પણ મરી પરવારે એવુ હતુ.'

'બે દિવસ સુધી મને સાંકળે બાંધી રાખ્યો અને ત્રાસ ગુજારતા રહ્યા, હું મદદ માટે વિનંતિઓ કરતો રહ્યો. છેવટે મને ખોલ્યો અને વધારે પૂછપરછ માટે અંદર બિલ્ડીંગમાં લઈ ગયા. આ વખતે ઑફિસર પહેલાના ઑફિસર કરતા ઘણો વધારે ખતરનાક દેખાતો હતો, ઉંચો-કાળો અને પેલા જેવો જ મૂરખ પણ. એની પાસે પિસ્તોલ હતી અને એને એ અણઘડ રીતે હલાવ્યા પણ કરતો હતો. મારે લમણે પિસ્તોલ મૂકી મને ડરાવતો-ધમકાવતો પૂછવા કહેવા લાગ્યો "તું નીચ-કૂતરો છે. તું સા...લ્લા બરઝાનીનો માણસ છે. હરામી, તારો ગુનો માની લે અને મારા ત્રાસમાંથી બચી જા." એ સાવ પાગલની જેમ બોલ્યે રાખતો હતો. એટલામાં બારણુ ખુલ્યુ અને બીજા કેદીને કોઈએ અંદર ફગાવ્યો એટલે પેલાનુ બોલવાનુ બંધ થયુ. એ કેદી કુર્દીશ ભાષામાં મદદ માટે ચીસો પાડતો હતો. ઑફિસર તો અમને મૂકીને જતો રહ્યો!! હું તરત સાવધાન થઈ ગયો. મને ચેતવણી મળી જ ચૂકી હતી કે આ લોકો સરખે સરખા કેદીઓને સાથે રાખીને એકબીજાને એમના મનઘડંત આરોપો કબૂલવા માટે મજબૂર કરે છે. મને લાગ્યુ કે આ લોકોનો ઈરાદો છે કે હું આ માણસમાં ભરોસો મુકુ અને પછી કબૂલ કરી લઉ કે હું ઈઝરાયેલ માટે કામ કરી રહ્યો છુ કે એવુ જ કંઈક વાહિયાત. જો કે તે છતાંય મેં એ કેદીને પુછ્યુ લે તને કેમ લાવ્યા છે? તો કહે એ કુર્દીશ રેડિયો સાંભળતો હતો એમાં એને પકડી લીધો. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કુર્દીશ પ્રસારણ સાંભળવુ ૧૯૭૦ પછી ગેરકાયદે નથી, પણ હું એ વિષે કંઈ ના બોલ્યો.'

'આગળ શુ થવાનુ છે કંઈ ખબર નહોતી. અચાનક ધડામ કરતુ બારણુ ખુલ્યુ અને ત્રણ હટ્ટાકટ્ટા માણસો અંદર આવ્યા. કંઈ બોલ્યા-ચાલ્યા વગર એ લોકો પેલા ગરીબડા કેદી પર તૂટી પડ્યા. બેરહેમીથી એને પીટવા લાગ્યા. ભારે શ્વાસોચ્છવાસના અવાજો આવતા ગયા અને પછી એકદમ શાંત. મને લાગ્યુ કે એ મરી ગયો. એ લોકો એનુ કૃશ શરીર બહાર ખેંચી ગયા.'

'વળી પાછો બીજો એક ઑફિસર મારી પૂછતાછ કરવા આવ્યો. એ એટલુ ધીમુ બોલતો હતો કે મને એનો અવાજ માંડમાંડ સંભળાતો હતો. એ કમરામાં એક બારી હતી અને એની પર પડદો લાગેલો હતો. એણે એ પડદો ખોલી નાખ્યો એની પાછળ ઘટાટોપ પામના ઝાડનો બગીચો હતો. હું એ વૃક્ષો સામે તાકી રહ્યો, અને વિચારતો રહ્યો કે ન જાણે આની નીચે કેટલા લોકોને જીવતા દફનાવી દીધા હશે? અને દુનિયાને એની જાણ જ નથી, કોઈને પડી નથી કે માણસની જીંદગી કેટલી સસ્તી છે આ જગ્યાએ. બહારની દુનિયામાં કરોડો લોકો પોતાની જીંદગી આસાનીથી જીવી રહ્યા છે, કેટલીય વિદેશી સરકારો સદ્દામ હુસેન સાથે દોસ્તી કેળવી રહી છે, અને અહીં હજ્જારો નિર્દોષ ઈરાકીઓને આ લોકો જમીનમાં ખાડો ગાળીને પૂરી દઈ રહ્યા છે, એમને અમાનવિય ત્રાસ આપી રહ્યા છે, વગર કારણે એમેની જીંદગી છીનવી રહ્યા છે. ક્યાં છે દુનિયા? ક્યાં છે બધા? કેમ કોઈને કંઈ પડી નથી?'

'પેલા ઑફિસરે મારી સામે વિચિત્ર નજરે ઉદાસ ચહેરે જોયુ અને મને પૂછ્યુ "શા માટે તેં તારા પોતાના દેશની વિરુધ્ધ આવી ઘૃણાભરી હરકત કરી? ના નહી પાડી શકે તું. અમારી પાસે સાક્ષી છે કે તારી પાસે વાયરલેસ રેડિયોસેટ હતો, અને એમણે એ પણ નજરે જોયુ છે કે તું ઈઝરાયલીઓનો સંપર્ક કરી રહ્યો હતો અને એમને માટે જાસૂસી કરતો હતો. અને પછી તેં ઉત્તરમાં કુર્દીશ ચળવળકારીઓ સાથે પણ વાત કરી. અને આ બધુ તારી પોતાની સરકાર વિરુધ્ધ કર્યુ તેં?'

'મને ખબર નહી કેમ પણ આ ઑફિસરને મેં બધી વાત કહેવાનુ વિચાર્યુ. મેં એને કીધુ કે હું માત્ર કુર્દીશ ભાષા બોલી શકુ છુ કારણ કે મારી માતા કુર્દીશ છે. મેં એ પણ સ્વીકાર્યુ કે હું કુર્દીશ સ્ટુડન્ટ યુનિયનમાં પ્રવૃત્ત છુ, કારણ કે ૧૧ માર્ચ ૧૯૭૦ના રોજ ઈરાકી સરકાર અને કુર્દીશ લોકો વચ્ચે થયેલી સમજૂતી મુજબ મને એવુ કરવાનો અધિકાર મળેલો છે. મેં એને એ પણ કીધુ કે મેં ક્યારેય ઈરાકની બહાર પગ નથી મુક્યો કે હું કોઈ ઈઝરાયલીને પણ ક્યારેય નથી મળ્યો. મેં કીધુ તમે મારા વિષે રિપોર્ટમાં જે કંઈ વાંચ્યુ છે એ સરાસર જુઠ છે.'

'મને લાગ્યુ કે એના પર કંઈક અસર થઈ રહી છે, એટલે હું બોલ્યો કે જ્યારે મેં સાચી હકીકત કહી ત્યારે બધા મારી પર ગુસ્સે થઈ ગયા અને જ્યારે એમણે ઘડેલા આરોપો પ્રમાણે હું જુઠ્ઠુ બોલ્યો તો મારી વાત હસવામાં કાઢી નાખી. મેં એને કીધુ કે તમે કંઈક સમજદાર લાગો છો અને તમને સાચી હકીકત જ સાંભળવી ગમશે એમ લાગે છે. અને મેં મારી વાત ફરીથી દોહરાવી : જે દિવસની વાત તમે લોકો કરો છો એ દિવસે હું તરવા ગયો હતો અને ફૂટબોલ રમતો હતો, અને મારે માટે એ તદ્દન અશક્ય છે કે એક જ સમયે બે જગ્યાએ હાજર હોઉ.'

'એણે મારો એક શબ્દ પણ કાને ના ધર્યો અને વાતને સીધી મોટા-કાકા જાફર પર વાળી દીધી. એણે કીધુ કે જે વ્યક્તિ ઈરાકના પ્રથમ રક્ષામંત્રી બન્યા મને એમની પર ગર્વ હોવો જોઈએ, એ વ્યક્તિ કે જેણે આજનુ આધુનિક ઈરાક ઘડવામાં મદદ કરી, એ મારે માટે હીરો હોવા જોઈએ. અંકલ જાફરને આજે તારા પર શરમ આવતી હશે કે એનો ભત્રીજો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. જવાબની રાહ જોયા વગર જ એણે ફરીથી કીધુ - કુર્દીશ ચળવળ ગુનેગારો અને ઈઝરાયેલી જાસૂસોથી ભરેલી છે.'

'મારી બધી નિરાશાઓની વચ્ચે મને પાછો ખાડામાં ધકેલી દીધો. હાદીને કહેવામાં આવ્યુ હતુ કે હું મરી ગયો છુ, એટલે મને જોઈને એને ઘણી નવાઈ લાગી. અલબત્ત, મને પણ હાદી જીવિત છે એ જાણીને ખુશી થઈ હતી, પણ એ ખાડામાં પાછા આવવાને કારણે ત્રાસ પણ થયો હતો. હાદીને પણ પૂછપરછ માટે લઈ ગયા હતા, અને માર પણ માર્યો હતો. પણ મેં એ રૂમમાં જે જોયુ હતુ એ પછી અમારા જીવતા રહેવા બદલ મેં અલ્લાહનો આભાર માન્યો.'

'ઓહ, એને માટે અલ્લાહની મહેરબાની માન' હાદી બોલી ઉઠ્યો.

'બીજા પાંચ દિવસ સુધી અમે એ ખાડામાં જ રહ્યા, અમારો સાથીદાર મરવાની અણી પર હતો. છઠ્ઠે દિવસે એ લોકો આવ્યા અને અમને ત્યાંથી લઈ ગયા. જો કે આગળઉપર અમારે માટે વધારે ત્રાસદાયક દિવસો આવવાના હતા પણ અલ્લહનો પાડ કે એ ખાડાવાળી જગ્યા અમે ફરી જોવા ના પામ્યા.'

આયેશા માસી એ પૂછી જ લીધુ "પેલા નજફ વાળાનુ બિચારાનુ પછી શુ થયુ?"

હાદી એ કહ્યુ 'એ લોકો અમને લઈ ગયા અને અમારે બદલે બીજા ત્રણ જણને અમારી જગ્યાએ પૂર્યા. પણ એ બિચારો તો છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી ત્યાં જ હતો. એણે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી. જ્યારે બ્રેડ અને પાણી આવતા ત્યારે એ ઉભો થતો અને પોતાની બ્રેડ લઈને પાછો પડ્યો રહેતો. હાજતો પરથી પણ એનો કાબુ જતો રહ્યો હતો. અત્યાર સુધીમાં તો મોતને ભેટ્યો હોવો જોઈએ.'

મા દેખિતી રીતે જ દુઃખી જણાતી હતી, એણે પૂછી લીધુ "પછી શુ થયુ દિકરા?"

'આગળની સફર માટે અમને બધાને બળજબરીથી કાળા રંગે રંગેલા ચશ્મા પહેરાવ્યા. પણ મેં શોધી કાઢ્યુ કે જો હું માથુ ચોક્કસ રીતે રાખુ તો ચશ્માની બાજુમાંથી થોડુ કંઈક જોઈ શકાય છે. અમને પેલી ખાડાવાળી જેલમાંથી કાઢીને પશ્ચિમે લઈ જઈ રહ્યા હતા, બગદાદની બહાર. એકાદ કલાકની સફર રહી હશે કદાચ. જે દિશામાં જઈ રહ્યા હતા એ મને કંઈક જાણીતી લાગતી હતી, હું પ્રાર્થના કરતો રહ્યો કે હું ખોટો હોઉ, પણ થોડી જ વારમાં એ સ્પષ્ટ થઈ ગયુ કે અમને "અબુ ગરીબ"માં લઈ જઈ રહ્યા છે. એ વખતે મેં બધી જ આશાઓ છોડી દીધી.'

ભલે હું આયેશા માસીની સુરક્ષામાં બેઠી હતી તે છતાંય મને ભયનુ લખલખુ પસાર થઈ ગયુ. એ ખતરનાક અબુ ગરીબ જેલ વિષે બધા ઈરાકીઓએ સાંભળ્યુ છે. મારા જન્મની આસપાસના સમયે એટલે કે ૧૯૬૦ના દશકની શરૂઆતમાં બ્રિટીશરોએ એ જેલ બનાવી હતી. પાંચ વિશાળ પરિસર વાળી એ એક ઘણી મોટી જેલ છે, જાણે એક નાનકડુ નગર જ જોઈ લો. અત્યારે ત્યાં મોટે ભાગે કુર્દીશ ચળવળકારીઓ જેવા કે પછી ધાર્મિક સ્વતંત્રતા માટે લડતા શિયા ચળવળકારીઓ હોય એવા રાજકિય કેદીઓને કે બાથ-પાર્ટી સામે અવાજ ઉઠાવનારા સુન્નીઓ જેવા રાજકિય કેદીઓને રાખવામાં આવે છે. જે દિવસથી એ જેલ બની છે ત્યારથી અબુ ગરીબનુ નામ અત્યાચાર અને મોત માટે કુખ્યાત થઈ ગયુ છે.

રા'દે અમને એ જગ્યાની ઓળખ આપી. 'એ લોકોએ અમારી નોંધણી કરી અને અમને ઠાંસોઠાંસ ભરેલી કોટડીમાં પૂરી દીધા. અમારી કોટડીમાં કુર્દ હતા, શિયા હતા, ઈરાકીઓ હતા અને કેટલાક વિદેશીઓ પણ હતા જેવા કે લેબનીઝ, પેલેસ્ટીનીઅન વગેરે. અમે એક સ્પેનીશ પત્રકારને પણ મળ્યા જે ત્યાં એક વર્ષ જેટલા સમયથી હતો. કોટડીઓ સળીયા વાળી હતી એટલે અમે સામીની કોટડીમાં રહેલા બીજા કેદીઓને જોઈ શકતા હતા અને જ્યારે ગાર્ડ દૂર હોય ત્યારે અમે એમની સાથે વાત પણ કરી શકતા હતા. કોઈ એકાંત જેવુ નહોતુ, આટલા બધાની વચ્ચે એક નાનકડી જગ્યા પેશાબ માટે હતી.'

હાદી ખીખી કરતો બોલ્યો 'સ્વર્ગ જેવુ લાગતુ હતુ ત્યાં તો'

'હા, સાચ્ચે જ. અબુ ગરીબ ભલે ત્રાસદાયક હોય પણ પેલા ખાડાની સરખામણીમાં તો એ સ્વર્ગ સમાન જગ્યા હતી, કંઈ નહી તો શરૂઆતમાંતો એમ જ લાગતુ. અમે સાંભળ્યુ હતુ કે અહીં વિશાળ ડાઈનિંગ હોલ પણ છે, એક્સરસાઈઝનો રૂમ છે અને નમાઝ પઢવા માટેનો હોલ પણ બનાવેલો છે. પણ અમારે માટે એ બધુ મજાક જેવુ જ હતુ. જ્યાં સુધી અમે જાણતા હતા ત્યાં સુધી ત્યાં કોઈ કેદી ને ક્યારેય નહોતા જવા દેતા.'

'અમે પહોંચ્યાની થોડી વાર પછી અમને કહેવામાં આવ્યુ કે ત્રણમાંથી એક જ વસ્તુ બની શકે એમ છે. અમને છોડવામાં આવે કે પછી જન્મટીપની સજા થાય અથવા તો દેહાંતદંડ. અને થોડા દિવસોમાં એનો નિર્ણય પણ લઈ લેવાશે. મારે માટે એ દિવસો સૌથી વધારે ત્રાસદાયક હતા, અમે મરી જવાના છીએ કે જીવવાના છીએ કે પછી તમને બધાને ક્યારેય ફરી મળી શકાશે કે નહી કંઈ નક્કી નહોતુ.'

મેં હાદી તરફ નજર કરી. આલિયા તેની બાજુમાં બેઠી હતી, એના ખોળામાં એનો નાનો દિકરો શવાન હતો અને મોટો શાશવાર એના પિતાની બીજી બાજુ બેઠો હતો. એ એક સુખી કુટુંબનુ ચિત્ર પૂર્ણ થતુ હતુ એમાં. એમને જોઈને મારી આંખમાં આવતા આંસુ રોકવા મારે ઘણી મહેનત કરવી પડી.

'સાત અઠવાડીયાથી વધારે સમય સુધી અમને અમારા ભવિષ્ય વિષે કંઈ ખબર નહોતી, જ્યારે અમારી આસપાસના કેદીઓને એક પછી એક વધ માટે લઈ જતા હતા. પછી એક દિવસ મને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે મારી બહુ જ સારી રીતે તપાસ કરી, સલુકાઈથી મને પૂછ્યુ કે મને કોઈ તકલીફ છે? મારે કંઈ જરૂર છે? બીજા કેદીઓએ મને ચેતવ્યો હતો કે ડૉક્ટર ક્યારેક ઝેરની ગોળીઓ લખી આપતા હોય છે કે પછી મોતનુ ઈંજેક્શન આપતા હોય છે માટે સાચવવુ. એટલે મેં કહ્યુ કે મને કોઈ તકલીફ નથી અને મારે મારી આઝાદી પાછી જોઈએ છે બસ.'

'મને લાગ્યુ કે એ ગંભીરતાથી બોલી રહ્યો હતો. એણે મને કીધુ "દિકરા, મોટેભાગે કોઈને છોડી દેવાના હોય તે પહેલા એને મારી પાસે લાવવામાં આવતા હોય છે. પણ એકવાત ગાંઠે બાંધી લે જે કે તેં જે કંઈ અહીં ભોગવ્યુ છે કે તેં જે કંઈ અહીં જોયુ છે એની વાત ભુલથી પણ બહાર જઈને કરતો નહી. જો તેં કીધુ તો તું અહીં પાછો આવીશ." પછી મને પાછો મારી કોટડીમાં લઈ ગયા. એ જાણીને હું દુઃખી થઈ ગયો કે જ્યારે હું બહાર હતો ત્યારે હાદીને એ લોકો ક્યાંક લઈ ગયા હતા. ક્યાં લઈ ગયા હશે એને?'

'હાદીની ચિંતા કરવાનો મારી પાસે સમય નહોતો. જેવુ કોટડીનુ બારણુ બંધ થયુ કે બીજા કેદીઓએ મને ઉઝડવાનુ ચાલુ કરી દીધુ, કદાચ જેલ સત્તાવાળા પાસેથી એમને આદેશ મળ્યો હોવો જોઈએ કે આ આવે એટલે એને પતાવી દેવાનો છે. દરેક જણ જાણે ગાંડો થઈ ગયો હોય એમ વર્તન કરતા હતા. એમણે મને પેટભર જમીન સરસો પાડી દીધો અને મારા બચ્યા ખુચ્યા પહેરણને ખેંચવા લાગ્યા, બે મહિનાથી હું આ એકનુ એક જ પહેરીને ફરતો હતો. મેં દયાની ભીખ માંગવા માંડી.'

'મારી પર તૂટી પડેલા એક જણે મને કહ્યુ; "શાંતિ રાખ, સામાન્ય રીતે જેને ડૉક્ટર પાસે લઈ જાય પછી એને છોડી મુકવામાં આવતો હોય છે. અમે બધા તારી પીઠ પર અમારા ઘરના ટેલિફોન નંબર લખી રહ્યા છીએ. જ્યારે તું ઘેર જાય ત્યારે તારા ઘરના કોઈ દ્વારા એ બધા નંબરો એક કાગળમાં લખી લેજો અને કોઈ પબ્લિક ફોન પરથી દરેક નંબર પર ફોન કરીને માત્ર એટલુ જ કહેજે કે હું અબુ ગરીબ જેલમાં રાજકિય કેદીઓના વિભાગમાં બંધ હતો. એ લોકો સમજી જશે કે કોનો સંદેશો આવ્યો છે. બસ એથી વધારે તારે કંઈ બોલવાનુ નથી."

મને ઈંતેજારી થઈ આવી તે હું આયેશા માસી પાસેથી સરકીને ભાઈની ખુરશીની પાછળ જઈને જોવા માંડી, એના શર્ટના કૉલરની પાછળથી મને એની ગરદન પર કંઈક લખાયેલુ નજરે પડ્યુ.

'સા'દ પછી એ બધા નંબરો લખી લેશે' રા'દે કહ્યુ; 'પછી અમે એ બધાને ફોન કરી દઈશુ. એટલુ તો આપણે એમને માટે કરી જ શકીએ.'

મેં આદરપૂર્વક મારા ભાઈની સામે જોયુ. હું એને ખૂબ પ્રેમ કરતી હતી. રા'દ ધીમુ મરક્યો કહે 'જોઆના, તને જોઈને મને ખુબ સારુ લાગે છે.' મારો ચહેરો એકદમ રતુંબડો થઈ ગયો. મારે મારા ભાઈને ઘણી ઘણી વાતો કરવી હતી. પેલા ઘુવડની અને એની સોનેરી આંખોની; એને એ પણ કહેવુ હતુ કે જે સમયે તું પૂનમાં ચાંદને અને તારા મઢ્યા આકાશને જોઈ રહ્યો હતો તે સમયે હું પણ એ જ કરતી હતી. એના વાળમાં જૂ હતી એ છતાંય હું એની ગાલે ચૂમી કરવાની લાલચ ના રોકી શકી. પછી રા'દે વાતને અંત તરફ વાળી.

'આ બધુ આજે સવારે બન્યુ. હાદી તો અમારી કોટડીમાં પાછો આવ્યો જ નહી એટલે એની પીઠનો ઉપયોગ મેસેજ બૉર્ડ તરીકે ના થયો' હાદી મંદ મંદ મરક્યો; લાગતુ હતુ કે એ ફરી પાછો એના અસલી મૂડમાં આવી રહ્યો છે. એણે આગળ ચલાવ્યુ 'એવુ એટલા માટે થયુ કે જેલના ગાર્ડ મને મારી ઑફિસે લઈ ગયા હતા. એ લોકોનુ કહેવુ એવુ હતુ કે મારી કંપનીના માલિક બાંહેધરી આપે કે જેલમાંથી છુટ્યા પછી મારી કંપની મને પાછો નોકરી પર રાખી લેશે તો જ મારો છુટકારો થઈ શકે. મારી ઑફિસના લોકોના ચહેરા જોવા જેવા હતા. એક તો આટલા દિવસો વગર કીધે હું ગાયબ હતો અને પાછો આવ્યો ત્યારે લઘરવઘર કપડા અને કેટલાય દિવસનો અઘોરી એટલે આખુ શરીર ગંધાતુ હતુ. પણ એ લોકોએ બાંહેધરી લખી આપી અને તાકિદ કરી કે જેટલુ બને એટલુ જલદીથી મારે કામે પાછા આવી જવુ'

'યા અલ્લાહ!! તારો ઘણો ઘણો આભાર' મારી માના મોંમાથી અનાયાસ જ સરી પડ્યુ. એવા કેટલાય કિસ્સા બન્યા છે જેમાં માલિકોથી એમને ત્યાં કામ કરતા લોકોને જોઈતી બાંહેધરી ના મળી હોય એટલે એમણે જેલમાં સડવુ પડ્યુ હોય. રા'દ હવે વાત જલ્દી જલ્દી પતાવવાના મૂડમાં હતો. 'હમણા થોડા કલાકો પહેલા જ એ લોકોએ અમને જેલના દરવાજાની બહાર ધકેલી દીધા. અમારુ મુક્તિનુ સ્વપ્ન આખરે પૂરુ થયુ.' એણે આંગળીથી ચપટી વગાડીને કહ્યુ 'અમે આમ ફટાક કરતાકને છૂટ્ટા..!!' એણે ગળુ સાફ કર્યુ અને પાછુ આગળ ચલાવ્યુ 'તો અમે આઝાદ હતા. અને જેલની બહાર બે પાગલોની માફક ઘુમતા હતા. વધી ગયેલા વાળ, વધી ગયેલી દાઢી, ભુખ અને ત્રાસથી સાવ અશક્ત થઈ ગયેલા લઘરવઘર કપડે આમથી તેમ ભટકતા હતા. કોઈ ટેક્સી ડ્રાઈવર અમારા દિદાર જોઈને ઉભો નહોતો રહેતો. બધા પોતાની ગાડીઓ અમારાથી દૂર ભગાવતા હતા. છેવટે આ એક બુઝુર્ગ ટેક્સી ડ્રાઈવરને અમારા પર દયા આવવાથી ઉભો રહ્યો. અમે અમારી કરમકહાણી એને કહી, કે અમને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. એણે કીધુ હું જાણુ છુ, મારા પોતાના દિકરાને પણ વર્ષ પહેલા આવી જ રીતે વગર વાંકે ઉપાડી ગયા હતા અને પૂરી દીધો હતો. હું તમને મદદ નહી કરુ તો કોણ કરશે?' રા'દ ખુશીના માર્યા તાળી પાડી ઉઠ્યો; 'તો આવી રીતે અમે બચી ગયા.'

મા, આલિયા, આયેશા માસી અને બીજી બધી સ્ત્રીઓ આગળ આવીને રા'દ અને હાદીને જ્યુસ અને ચા પીરસવા લાગ્યા. અમારા ઘરના બે પુરુષો છેવટે હેમખેમ સુખરૂપ પાછા આવી ગયા હતા. અમારે માટે આનાથી વધારે ખુશીની બીજી કોઈ વાત નહોતી, ઉત્સવ જેવુ વાતાવરણ થઈ ગતુ હતુ. એ સમયે મારુ હ્રદય ખુશીથી ઉછળી રહ્યુ હતુ કે હાશ અમારી બધી તકલીફોનો અંત આવ્યો. પણ રા'દ અને હાદી આ બધાની કોઈ મજા નહોતા લઈ શકતા, એ બંને આંખો ઢાળીને શાંતિથી બેસી રહ્યા. હું વિચારી રહી કે એ લોકો જાણે નરકના ઉંડાણમાંથી પાછા આવ્યા છે, અને એમાં અમારુ અને ઈરાકનુ ભવિષ્ય એમને દેખાઈ ગયુ છે.

વાસ્તવમાં આ ગોઝારી ઘટના તો અમારી તકલીફોની હજુ તો શરૂઆત હતી. કરુણતા એ છે કે અમારે આગળ કંઈ કેટલુય સહન કરવાનુ હતુ.

પ્રકરણ ૫ સમાપ્ત

ક્રમશ: પ્રકરણ ૬.