"વિષાદી ધરાનો પ્રેમ"
ઈરાકની વીતી ગઈકાલની અને આજની પરિસ્થિતિને આપણે ન્યુઝ-મિડિયા અને સોશ્યલ મિડિયા મારફતે આપણે ઘણી સારી રીતે જાણીએ છીએ. કે ત્યાં જ્યારે સદ્દામનુ રાજ તપતુ હતુ ત્યારે એ દેશ લોખંડી બેડીઓમાં જકડાયેલો હતો; સરમુખ્ત્યારશાહીના લોખંડી દરવાજા પાછળ શુ થઈ રહ્યુ છે તેની દુનિયાને નહીવત્ જાણ થતી હતી અને પછી ત્યાંના વિપક્ષ અને પડોશી મુસ્લિમ દેશોના આમંત્રણ પર અમેરિકાએ યુનોની પણ અવગણના કરીને અને મિત્ર દેશોને સાથે રાખીને સદ્દામના શાસનને ખતમ કર્યુ. પરંતુ, ત્યારબાદ તરત જ દેશમાં ભયંકર અંધાધૂંધીનુ વાતાવરણ થઈ ગયુ અને લગભગ દરરોજ ડઝનોના હીસાબે બોંબ ધડાકા, આતંકવાદી હુમલા, અમેરિકી/ મિત્ર દેશોની સેના પર હુમલા, શિયા-સુન્ની ઝગડા, અરબ-કૂર્દના ઝગડા, મુસ્લિમ-યઝિદીના ઝગડા વગેરે વગેરે સપાટી પર આવતા ગયા. થોડી ચૂંટણીઓ પણ થઈ, લોકશાહી પ્રક્રિયાઓની શરૂઆત થઈ; પણ, પછી તરત જ ભયંકર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની ગતિવીધીઓ વધી અને ઉત્તર ઈરાકના કૂર્દ બહુમતિ વિસ્તારોથી શરૂ થઈને આઈએસઆઈએસના ઘાતકી હત્યારાઓએ ધીમે ધીમે આખા ઈરાકને ગળવાનુ ચાલુ કર્યુ. એમના ઘાતકીપણાની સામે ઈરાકની નવી-સવી સેના પણ હથિયારો મૂકી દેતી હતી. અને હાલના ઈરાકની પરિસ્થિતિ એક અરાજક અને ભયંકર ત્રાસવાદની જકડમાં આવી ગયેલા રાષ્ટ્રની છે.
પણ, પણ, પણ... આજનુ ઈરાક એટલે કે ઐતિહાસિક કાળનુ મેસોપોટેમિયા જે યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીઓના કિનારે વસેલી સભ્યતા હતી તેનો ઈતિહાસ દુનિયાની બીજી પુરાણી સભ્યતાઓથી બિલકુલ ઓછો આંકી શકાય તેવો નથી. અરબી ભાષાનો ઉદય પણ આ મેસોપોટેમિયામાં જ થયો. માત્ર વેપાર-ખેતીવાડીનુ જ નહી પણ જ્ઞાન-વિજ્ઞાન, ખગોળ, સાહિત્ય, કલા, સ્થાપત્ય વગેરે વગેરેનું એક મહત્વનુ કેન્દ્ર એટલે મેસોપોટેમિયા. હજ્જારો વર્ષ પુરાણી આ સભ્યતા ભારત (સિંધુઘાટીની સંસ્કૃતિ) થી યુરોપ (તે સમયે યુરોપમાં રોમની ભવ્ય સભ્યતાનો સુરજ તપતો હતો)ના વેપારનુ એક મહત્વનુ કેન્દ્ર હતી. વેપારીઓના વહાણો અને તેમની વણજારોની સાથે-સાથે ભારત-મેસોપોટેમિયા વચ્ચે વિદ્વાનો, કલાકારો અને ધર્મગુરુઓનુ પણ આદાન-પ્રદાન થતુ. ત્યાંના વિદ્વાનો ભારતિય રાજાઓના દરબારમાં આવતા અને અહીંની સંસ્કૃતિ/સભ્યતાનો અભ્યાસ કરતા, તે જ રીતે ભારતિય વિદ્વાનો પોતાના જેવી જ આ મહાન સંસ્કૃતિના મુખ્ય નગરોની મુલાકાતે જતા. ઐતિહાસિક પુરાવાઓ મળી આવે છે કે ખગોળ-ગણિત-સ્થાપત્ય-વિજ્ઞાન-સાહિત્ય-કલાનુ આદાન-પ્રદાન આ બંને મહાન સંસ્કૃતિ વચ્ચે થતુ હતુ. જેમ કે, અરબ પ્રદેશોમાં આજે પણ વપરાતુ ચંદ્ર અધારિત કેલેન્ડર; બીજગણિત (જે અરબસ્તાનમાં અલ-જિબ્રાને નામે ઓળખાતુ અને ત્યાંથી યુરોપમાં જઈને એ અલ્જિબ્રા બની ગયુ); એમના સ્થાપત્ય અને સંગીતે પણ ભારતને ઘણુ આપ્યુ.
આજે મેસોપોટેમિયાની જે મહાન સંસ્કૃતિની આ હાલત થઈ છે; તે પણ કંઈ એમને એમ નથી થઈ. કેટલાય પાણી તૈગ્રીસ નદીમાં વહી ગયા. બગદાદ શહેર એક સમયે ભવ્ય જાહોજલાલી વાળુ શહેર હતુ. એની ભવ્યતા એવી હતી કે એને પૂર્વનુ પેરિસ કહેવાતુ. ઈસ્લામના આવ્યા પછી પણ પાશ્ચત્ય સંસ્કૃતિના પ્રતિક રૂપ ફેશન અને ભણતરની બગદાદમાં ઘણી બોલબાલા હતી. બગદાદી યુવાનો ભણતર અને ખેલકૂદ બંનેમાં અવ્વલ હતા. બીજા વિશ્વયુધ્ધ પછી ઈરાકનો નવો નકશો બન્યો પણ જાહોજલાલી તો અકબંધ જ રહી હતી. વાસ્તવમાં એ પહેલા કરતા પણ વધી ગઈ હતી કારણ કે ઉત્તર ઈરાકના કીરકુક નજીક તે સમયે દુનિયાનો બીજો સૌથી મોટો તેલનો ભંડાર મળ્યો હતો અને તેલની સાથે સાથે દુનિયાભરની જાહોજલાલી પણ ઈરાકને દરવાજે આવી ગઈ હતી. પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે બીજા વિશ્વયુધ્ધ પછી જ્યારે પશ્ચિમી રાષ્ટ્રોએ ઇરાકની સરહદો દોરી ત્યારે ઈરાક-ઈરાન-સિરિયા-તુર્કીમાં વસેલી કૂર્દ સભ્યતાની પ્રજાની સાવ અવગનના કરવામાં આવી હતી. અને તેમને પોતાનુ અલગ મળવાને રાષ્ટ્રને બદલે ક્ષત-વિક્ષત કૂર્દ પ્રદેશો મળ્યા. આ કૂર્દીશ પ્રજા પહાડી પ્રજા હતી અને તેમની સંસ્કૃતિ મેદાની અને રણના વિસ્તારમાં વસતા અરબી લોકોથી સાવ અલગ પ્રકારની હતી. ખુલ્લા મનના અને રસિક મિજાજના કૂર્દ લોકો અરબીઓથી સાવ અલગ હતા અને તૂર્કી સિવાયના પ્રદેશોમાં હવે તેમના પર, તેમના પ્રદેશો પર અરબી લોકોનુ રાજ આવી ગયુ હતુ. ખુમારી વાળી આ પહાડી પ્રજાને આ એક પ્રકારની ગુલામી જેવુ લાગતુ હતુ. ઈરાકમાં કૂર્દ લોકોની સંખ્યા અને એમના પ્રદેશનો સૌથી મોટો હિસ્સો હોવાને લીધે ત્યાં કૂર્દીશ સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ ગઈ; અને વખત જતા જ્યારે ઈરાકમાં રાજાશાહીને ઉથલાવીને લોકશાહી સરકાર આવી ત્યારે આ ચળવળે મોટુ સ્વરૂપ પકડી લીધુ હતુ. એમાંય જ્યારે સદ્દામ હુસેનની બાથપાર્ટી સત્તામાં આવી (ત્યારે સદ્દામ હજુ પ્રેસિડેન્ટ નહોતો બન્યો) ત્યારે કૂર્દીશ ફ્રીડમ મૂવમેન્ટ તેના ચરમ પર આવી ગઈ હતી અને સદ્દામ (જે સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતો હતો) અને તેના મળતિયાઓએ આ પહાડી મસ્ત-રંગીન મિજાજ પ્રજા પર સિતમો ગુજારવામાં જરાય પાછી પાની નહોતી કરી. તો સામે કૂર્દીશ લડાકૂઓ પણ સ્વતંત્રતા સિવાય ઓછુ કશુ જ નહી એ મંત્ર દીલમાં રાખી અને ગેરીલા યુધ્ધમાં સદ્દામની બળુકી સેનાને જબરજસ્ત ટક્કર આપતા હતા. આ સમયગાળો હતો ૧૯૭૦ના દશકાનો...
આપણી વાર્તાની પૃષ્ઠભૂમિ પણ આ કુર્દીસ્તાનજ છે. આ પ્રેમકહાણી એક કૂર્દીશ માતાની કૂખે અરબી પિતા દ્વારા જન્મેલી એવી યુવતીની છે; જે પોતાને મન અને તનથી સંપૂર્ણ કૂર્દ માનતી હતી અને બચપણથી કૂર્દીશ સ્વાતંત્ર્ય સેનાની સાથે પરણીને તેની સાથે ખભેખભો મિલાવીને પહાડોમાં સદ્દામની અરબી સેનાઓ સામે લડવાનુ સપનુ જોતી હતી અને એ સપનુ પુરુ કરવા તેને જે કરવુ પડે એ કરવા તૈયાર હતી... વાર્તામાં આપણે તે સમયના ઈરાકની પરિસ્થિતિ, ત્યાંનુ સમાજ જીવન ત્યાંની રાજકિય પરિસ્થિતી, કૌટુંબિક જીવન અને ઈરાક-ઈરાન યુધ્ધની વાર્તાને પણ વણી લઈશુ. આખી વાર્તા ઘણી લાંબી છે; તેથી આપણે તેને હપ્તે-હપ્તે પૂરી કરીશુ. યાદ રહે, આ વાર્તા સંપૂર્ણ સત્યઘટના પર આધારિત છે અને વાસ્તવમાં આ એક બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તકનુ મારી પોતાની શૈલીમાં ભાષાંતર છે....
પ્રસ્તાવના રૂપે વાર્તાનો એક નાનકડો ટુકડો.
..... અચાનક થયેલા બોંબધડાકાની ગુંજથી હું ચમકી ગઈ. અમારા લોકો પર કાયમી હુમલા થતા હતા, અમારા દુશ્મનોએ તેમના રોજીંદા શિડ્યુલ પ્રમાણે આજે ફરી એકવાર હુમલો કરી દીધો હતો. એ લોકો સમયના એટલા પાબંદ હતા કે અમે તો અમારી ઘડીયાળો પણ બપોરના અને સાંજના હુમલાના સમય પ્રમાણે ગોઠવતા હતા.
આજે હું ઘરથી ઘણી દૂર હતી એટલે મુંઝાઈ ગઈ કે શું કરવુ. દોડીને ઘરની સલામત દિવાલો વચ્ચે પહોંચી શકાય એમ નહતુ, એટલે મેં મુખ્ય રસ્તો છોડીને નાનકડી કેડી પકડી, અને ભાગીને ઘરે પહોંચવાના મોકાની રાહ જોતી ઉભી રહી.
પણ, આ વખતે થયેલો બોંબમારો કંઈક જૂદો હતો. વિમાનમાંથી આ બોંબશેલ છોડાતા હતા ત્યારે જરાપણ અવાજ કર્યા વગર જમીન સુધી આવી જતા, અને જેવા જમીનને અડે કે તરતજ એમાંથી જાણે સફેદ વાદળ પ્રગટતુ હોય એમ ચારે બાજુ ગેસ ફેલાઈ જતો. હું ખરાબ આશંકાઓથી મને દૂર રાખવા મથતી રહી, પણ મારુ મોં-ગળુ સુકાવા લાગ્યા, અને હુ ચારે તરફ જોતી રહી.
એક જ વખતે બીજી વિચિત્ર ઘટના બની; આકાશમાંથી પક્ષીઓ ટપોટપ પડવા લાગ્યા. હું અકળાઈને બરાડી જ ઉઠી -- "અરે આતો પક્ષીઓનો વરસાદ થાય છે..!!" અવાજ વગરના બોંબ અને આકાશમાંથી પડતા પક્ષીઓએ મારી ધારણા સાવ બદલી નાખી. હું અકળામણમાં ને અકળામણમાં આમતેમ આમતેમ ડાફોળીયા મારવા લાગી. બપોરનુ આકાશ જુદા જુદા રંગના નાના ટપકા જેવા ધબ્બાઓથી ભરાઈ ગયુ હતુ, વધુને વધુ પક્ષીઓ અસહાય બનીને પાંખો ફફડાવતા ટપોટપ જમીન પર પડવા લાગ્યા હતા. જાણે કે પક્ષી નહી પણ પથરા હોય!! એક, બે, ત્રણ, ચાર.... ચારે બાજુ એ ત્રાસદાયક ટપ-ટપના અવાજો સંભળાતા હતા. હું નાનપણથી જે પક્ષીઓને ખૂબ પ્રેમ કરતી અને આ ભયાનક દ્રશ્ય મારાથી જોવાતુ નહતુ.
મેં વિચાર્યુ જો પક્ષીઓ આકાશમાંથી પડી રહ્યા છે તો ચોક્કસ મારે અહીંથી નીકળવુ જોઈએ અને એ પણ બને તેટલી ઝડપથી. મારે જેટલુ બને તેટલુ જલ્દીથી શેલ્ટર મેળવવુ જરૂરી છે. પણ હું જાણે એ જગ્યાએ જાણે કે જડાઈ ગઈ હતી.
હું મારા પતિને શોધવા મથી રહી હતી. હું એને બરાબર ઓળખતી હતી. જો એને ખબર પડશે કે હું મુશ્કેલીમાં છુ તો એ ચોક્કસ મારી મદદે આવશે. પણ કદાચ એણે એમ પણ વિચાર્યુ હોય કે હું સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ હોઈશ કે પછી આમ અચાનક હુમલો થવાથી કદાચ એને પોતાને ગામની વચ્ચે આવેલા કૉમ્યુનિટી શેલ્ટરમાં આશરો લેવો પડ્યો હોય. આવી પરિસ્થિતિમાં કંઈ પણ બની શકે છે.
મેં મારા પતિની ભૂખરી આકૃતિ શોધવાની મથામણ જારી રાખી, મને એની સલામતિની પણ ચિંતા હતી. અને ચિંતામાં ને ચિંતામાં હું મારો નીચલો હોઠ ચાવવા લાગી.
બરાબર એ જ સમયે એક પક્ષી 'ટપ' કરતુ મારા પગ આગળ આવીને પડ્યુ. બિચારા નાનકડા જીવની કાળી ચાંચ કાતરની જેમ પટ-પટ કરતી ઉઘાડબંધ થતી હતી, ધીમે ધીમે એની એ હરકત પણ બંધ થઈ ગઈ, જાણે એને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હોય એમ, અને થોડી જ વારમાં એ નિશ્ચલ બની ગયુ.
એટલીતો મને સમજ હતી જ કે કેમિકલ હુમલાની સૌ પહેલી જાણ પ્રાણીઓની સ્થિતિ પરથી થાય છે. તો શુ આ અલી અલ-મજીદે એની ઝેરી ગેસના હુમલાની ધમકી અમલમાં મૂકી દીધી હતી?? આવા ભયંકર વિચારની સાથે જ મેં પવનની ગતિ-દિશા તરફ ધ્યાન આપ્યુ અને જાન બચાવવા ઘર તરફ સાવ દોટ જ મૂકી દીધી.
ચારેબાજુ બધુ ધૂંધળુ હતુ, પણ એમાંય મને રસ્તે એક ચિત્તભ્રમ થયેલો ગધેડો દેખાયો. જાણે કોઈ એના ખોળિયામાંથી જીવ ખેંચી રહ્યુ હોય એમ એ ગાંડાની માફક ભાગી રહ્યો હતો; પણ એના પગ એવી રીતે પડી રહ્યા હતા જાણે કે ડાન્સ ના કરતો હોય... એ દોડતો દોડતો મારી પાસેથી પસાર થઈ ગયો. મારી આજ સુધીની જીંદગીમાં આટલી ઝડપે ભાગતો ગધેડો મેં ક્યારેય નહોતો જોયો. રસ્તે પડેલા પક્ષીઓથી બચતી હું શ્વાસ રોકીને ભાગતી જ રહી. ઘરે પહોંચતા જ હાશ થઈ અને હું હાંફતી હાંફતી ફસડાઈ પડી. હાશ!! હવે આપણે સલામત !!
થોડી જ પળો બાદ મારા પતિ પણ એવી જ રીતે ઘરમાં ધસી આવ્યા. મોં ખુલ્લુ હતુ, હાંફતા હતા અમે બંને. મેં કંઈ પણ કીધા વગર એમની સામે જોયુ. એ લગભગ બૂમ પાડી ઉઠ્યા : "જોઆના, મારુ માન આ કેમિકલ હુમલો જ છે.."
ચોક્કસ છે જ, હું પણ જાણતી જ હતી. હવે તો મને એ ગંદી વાસ પણ આવવા લાગી હતી. પહેલાના કેમિકલ હુમલામાં બચી ગયેલા લોકો પાસેથી મેં સાંભળ્યુ હતુ કે આ ઝેરી ગેસની વાસ સડેલા સફરજન, સડેલા કાંદા અને લસણ જેવી હોય છે. બરાબર એવી જ વાસ થી મારુ નાક ભરાઈ ગયુ હતુ.
મારા પતિએ જલ્દીથી બારણા પરની શેલ્ફમાં છુપાવી રાખેલો ગેસ માસ્ક કાઢ્યા. મારી તરફ એક માસ્ક સરકાવીને કહ્યુ "જોઆના, આ જલ્દીથી પહેરી લે". બીજો માસ્ક એમણે પહેર્યો અને પટ્ટો કસીને બાંધી દીધો જેનાથી માસ્ક માથા પર ટકી રહે અને બહારની હવા અંદર ના જાય. શ્વાસ રોકીને મેં મારો માસ્ક હાથમાં પકડી રાખ્યો હતો, અને થોડી પળો સુધી એના પટ્ટા જ હું ફંફોસતી રહી. ઉચાટમાં હોઈએ ત્યારે સાવ સાદુ કામ પણ અટપટુ લાગતુ હોય છે. અમે કેટલીય વાર આ માસ્ક વિષે ચર્ચાઓ કરી હશે. મારા પતિ મને કાયમ કહેતા કે તારે આનાથી પૂરી રીતે વાકેફ થઈ જવુ જોઈએ. પણ હું મૂર્ખી દરેક વખતે ભૂલ જ કરતી હતી. છેવટે એમણે મારા હાથમાંથી માસ્ક લઈ લીધુ અને મારા માથે ચડાવીને પટ્ટો કસી દીધો.
એકબીજાનો હાથ ઝાલીને અમે ત્વરાથી ઘરમાં બનાવી રાખેલા ભોંયરા જેવા શેલ્ટરમાં ઘૂસી ગયા અને ભાંખોડીયે ચાલીને એના સાવ છેડે જઈને બેસી ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે મને ભાન થયુ કે મેં આખો સમય શ્વાસ રોકી જ રાખેલો હતો. મેં જલ્દીથી જેટલી બને એટલી વધારે હવા ફેફસામાં ભરવા પ્રયત્ન કર્યો. પણ, હું ખાલી ગળાના સ્નાયુઓ જ ખેંચતી રહી, મારાથી જરાપણ શ્વાસ નહોતો લેવાતો.
જીવ પર આવીને હું માસ્ક ઉતારવા લાગી... ચહેરા પરથી માસ્ક હટતાજ મેં બરાડો પાડ્યો : "આમાં તો હું જરાપણ શ્વાસ નથી લઈ શકતી!!!" મારી તરફ ખસીને એમણે મારા હાથમાંથી માસ્ક લઈ લીધુ અને તપાસવા લાગ્યા.
મને લાગ્યુ કે જાણે હું હમણા જ ફાટી પડીશ; મારે એ ગંધાતા ગેસને શ્વાસમાં ભરવો પડતો હતો. મને લાગ્યુ કે જાણે મારી આંખોમાં તો આગ લાગી છે. વેદના એટલી હદની વધારે હતી કે એની બદલે કોઈ ધગધગતી સોય મારા આંખના ડોળામાં ખોસે તો પણ ઓછુ લાગે. એકપળ પણ મારાથી રહી શકાય એમ નહોતુ. હું પાગલની માફક મારી આંખો ચોળવા લાગી, મને ચેતવવામાં આવી હતી કે કેમિકલ હુમલો થાય તો ક્યારેય આંખો ચોળવી નહી તે છતાં હું મારી જાતને રોકી ના શકી.
"આ ગેસ મારી આંખોમાં ઘુસી જાય છે" મેં લગભગ ચીસ પાડી. અમારા શેલ્ટરમાં પણ બધે એ ઝેરી ગેસ ઘુસી ગયો હતો, અને હું ગુંગળાવા લાગી હતી.
આ ગેસ હવાથી ભારે હોવાથી નીચેને નીચે ઉતરી રહ્યો હતો, અને અમારા એ કામચલાઉ ભોંયરા જેવા શેલ્ટરને ભરી રહ્યો હતો. મારા પતિ જલ્દીથી ભાંખોડીયે ચાલીને શેલ્ટરની બહાર નીકળી આવ્યા અને પાછળને પાછળ મને પણ ખેંચી લીધી, એક હાથમાં માસ્ક રાખી ને બીજે હાથે મને શેલ્ટરમાંથી ઘરની અંદર ખેંચી લીધી.
મેં વિચાર્યુ કે અમારે પહાડીઓ પર ભાગીને જતા રહેવુ જોઈએ. માર પતિએ મને કીધુ'તુ એ મને બરાબર યાદ છે - સાદો હુમલો હોય તો ઘરની નીચે બનેલા શેલ્ટરમાં અને જો કેમિકલ હુમલો થાય તો પહાડી પર નાસી જવુ. પણ, એ પહેલા મારે કામમાં આવે એવા માસ્કની જરૂર હતી.
મારા ગળામાં દર્દ થતુ હતુ. આંખોમાં કાળી બળતરા થતી હતી, હું જમીન પર ફસડાઈ પડી. મારા પતિ પણ નીચે નમીને મારી બાજુમાં પડી રહ્યા. ચીકણા ધુમ્મસ જેવો ગેસ મારી નાડીઓમાં ઘુસી ગયો હતો, મારા દિમાગને ધુંધળુ કરી રહ્યો હતો..
મેં વિચાર્યુ : "હે મૃત્યુ.... તારુ સ્વાગત છે."