સરકારી ત્રાસદી
બે વર્ષ બાદ; બગદાદમાં - ગુરુવાર ૪ જુલાઈ, ૧૯૭૨.
નીરસને શુષ્ક બગદાદમાં સમય જાણે થંભી ગયો હતો. અહીં કશુ જ સારુ નથી બનતુ. અરે મારો વિકાસ પણ જાણે કુંઠીત થઈ ગયો હતો.. મને એમ હતુ કે મારી બારમી વર્ષગાંઠ સુધીમાં તો મારુ શરીર ભરાઈને હું પણ મારી કુર્દીશ પિતરાઈ બેહેનોની જેમ રૂપરૂપનો અંબાર બની જઈશ. પણ હજુ પણ હું તો એવીને એવીજ - બધા મારા પાતળા સોટા જેવા પગની હજુ પણ મજાક ઉડાવે છે, શરીર પણ નથી ભરાયુ, મારી છાતી પણ એવીને એવી સપાટ છે. એવીને એવી નાનકડી બાળકી જ લાગુ છુ.
માની ઈચ્છા વિરૂધ્ધ મેં મારા વાળ તો વધારીને લાંબા કરી દીધા, અને એને માટેતો બધાને મારી નોંધ લેવી જ પડે એવુ છે. મારા કમર સુધીના લાંબા કાળા ભમ્મર વાળના હું ક્યારેક એક તો કયારેક બે ચોટલા લેતી; જેમ મારી પેલી સુલેમાનિયા વાળી મનગમતી કુર્દીશ સુંદરી લેતી હતી ને એમ જ.
એ બહેનોની છબી ક્યારેય મારા મનમાંથી ખસતી નહોતી. મારુ હ્રદય પણ એમની જેમ જ મારી કુર્દીશ મા-ભોમને સમર્પિત હતુ. મારા ઘરના જો કે મને હજુ નાની છોકરી જ ગણતા હતા પણ હું ક્યારેય મને બાળક નહોતી માનતી કે નહોતુ મારુ વર્તન પણ બાળકો જેવુ. મારી જિજ્ઞાસાએ મને મારી ઉંમર કરતા વધારે મોટી બનાવી દીધી હતી. હું ગર્વથી કહી શકુ કે મારા કેટલાય ઓળખીતા-પાળખીતા મોટેરાઓ કરતા હું કુર્દીશ ભુગોળ અને રાજનિતીની બાબતમાં વધારે જાણતી હતી.
હું હવે બાર વર્ષની થઈ ગઈ હતી. એ ઉનાળે અમારી સુલેમાનિયાની સફર ધારવા કરતા થોડી વધારે લંબાઈ ગઈ. પિતાજી કોઈ અગમ્ય બિમારીને કારણે પથારીવશ હતા. એમની ભૂખ મરી ગઈ હતી અને એ ઘણા અશક્ત પણ થઈ ગયા હતા. એમની બિમારીને કારણે અમે બધા પરેશાન હતા, ગુંચવાયેલા હતા કે એમને આવુ કેમ થઈ ગયુ? કારણ કે, એ ભલે બોલી-સાંભળી નહોતા શકતા પણ એ સિવાય એ કાયમ માટે સંપૂર્ણ તંદુરસ્ત રહેતા. જો કે, હવે એમની તબિયતમાં સુધારો થતો જતો હતો, અને મા એ અમને બધાને ધરપત આપી કે જો એમની તબિયત આવી રીતે જ સારી થતી રહેશે તો એકાદ અઠવાડિયામાં આપણે સુલેમાનિયા માટે નીકળી જઈશુ.
મારે તો જલ્દીથી ત્યાં સુલેમાનિયામાં - મારા સ્વર્ગમાં પાછા ફરવુ હતુ. પણ એ ઉનાળે કંઈક એવુ બન્યુ કે અમે કુર્દીસ્તાન જઈ જ ના શક્યા. એ ત્રાસદાયક ઘટના જુલાઈ મહિનાના એ બળબળતા દિવસે ઘટી, એ સમયે બગદાદીઓને વાતાવરણની ગરમી કરતા સરકારની ગરમી વધારે દઝાડતી હતી. ઇરાકની બાથપાર્ટીની સરકારનુ દબાણ લોકો પર પહેલા કરતા ઘણુ વધારે થતુ ગયુ હતુ. કોઈ વ્યક્તિ ક્યાંયપણ પોતાના વિચારો મુક્તતાથી વ્યક્ત નહોતા કરી શકતા. લોકોમાં વાત ફેલાઈ હતી કે કેટલાય લોકોને વાંકગુના વગર ધરપકડો કરીને પૂરી દેતા હતા. કેટલાય નિર્દોષ લોકો ગાયબ થઈ ગયા હતા.
ગરમીને લીધે પણ લોકોના મિજાજમાં કંઈ ફેર નહોતો પડ્યો. અમારુ ઘર આમતો મોટા મોટા પામના ઝાડની છાયામાં હતુ પણ, તે છતાંય અમારા એ નાનકડા ઘરને ખૂણે ખૂણે દિવસનો તીખો તડકો અસહનીય થાય તે હદે પહોંચી જતો. પસીનો મારા શરીર પરથી વહેવા લાગે અને મારા કપડા ભીના થઈ જાય ત્યાં સુધી હું ઘરમાં નહોતી રહી શકતી.
માત્ર મારા પિતાજીના રૂમમાં ઠંડી હવાની સગવડ હતી. અને અમને કોઈને એની અદેખાઈ પણ નહોતી. કોઈને યાદ નહોતુ કે ક્યારે કોણે એની શરૂઆત કરી. પણ, મેસોપોટેમિયાના ગરમપ્રદેશના રહેવાસીઓએ ગરમીથી બચવા એક નવી જ રીત શોધી કાઢી હતી. પામના ઝાડના પાંદડાની સળીમાંથી સરસ મજાની ફ્રેમ બનાવતા અને એમાં બીજી સળીઓ ત્રાંસી ભરાવીને ચટ્ટાઈ જેવી રચના કરતા, એવી બે પામના પાંદડાની ચટ્ટાઈઓની વચ્ચે રણપ્રદેશના એક કાંટાળા ઝાડ 'અગૂલ'ના ઝાંખરા ભરાવીને એક જાડી ચટ્ટાઈ જેવુ બની જતુ. આ ચટ્ટાઈને બારી પર સારી રીતે ઢંકાય એમ લગાવી દેવામાં આવતી. દર છ કલાકે અમે બાળકો એના પર પાણી છાંટતા. બારીમાંથી આવતુ પવનનુ દરેક ઝોકુ એ પાણી વાળી ચટ્ટાઈમાંથી પસાર થઈને ઠંડુ બની જતુ અને રૂમની અંદરની હવાને ઠંડી બનાવી દેતુ. જો કે, એ સમયે બહુ ઓછા ઈરાકી લોકો ઠંડી માટે આ જૂની પુરાણી પધ્ધતિનો ઉપયોગ કરતા પણ પિતાજી તો હજુ એને જ વળગી રહ્યા હતા.
ગરમીના દિવસોમાં બગદાદના બધા લોકો ઠંડી હવાની મજા લેવા રાત્રે છત પર કે પછી બહાર બરામદામાં સૂઈ જતા. એ સાંજે હું, મુના, સા'દ અને મા પણ અમારા ઘરના પાછલા બારણે બરામદામાં ગાદલા નાખીને સૂવાની તૈયારી કરવા લાગ્યા. તાજેતરમાં અમારા ઘરના સભ્યોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો હતો. અમારા અઝીઝ મામા એમની બીજી બહેનને ત્યાં થોડો વખત માટે રહેવા ગયા હતા. અને રા'દ હવે યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનુ ભણવાનુ ચાલુ કર્યુ ત્યારથી મારી મોટી બહેન આલિયા અને એના પતિ હાદીને ત્યાં શહેરને બીજે છેડે રહેવા ચાલ્યો ગયો હતો. આલિયાને ઘેર રા'દને બે સગવડતા હતી, એક તો એનુ ઘર ટૅક્નોલોજી યુનિવર્સિટીથી નજીક હતુ અને બીજુ કે એને ત્યાં આલિયાએ એને માટે અલાયદો રૂમ કાઢી આપ્યો હતો એટલે એને ભણવામાં પણ સગવડતા રહેતી. રા'દ એના પિતાની માફક એન્જિનિયર બનવા જઈ રહ્યો હતો. અરબ અને કુર્દીશ કુટુંબોમાં સૌથી મોટા દિકરાને માટે ભણવુ ખૂબ જરૂરી હતુ. કારણ કે, જતે દિવસે એણે જ આખા કુટુંબની જવાબદારી ઉપાડવાની હતી.
ગાદલા પથરાઈ ગયા એટલે અમે બધા સૂવા માટે આડા પડ્યા, પણ કંઈ તરત જ ઉંઘ થોડી જ આવે? ભલે બગદાદમાં ઉનાળાના દિવસો અસહનિય રીતે ગરમ હોય પણ રાત પ્રમાણમાં ઠંડી રહેતી, એ સાંજે પણ સૂર્ય ડૂબી ગયો અને લાલ-ગુલાબી ક્ષિતિજ ધીમે ધીમે કાળી રાતમાં પલટાવા લાગી ત્યારે વાતાવરણમાં ઠંડી પણ પ્રસરવા લાગી. પામના ઝાડના પાંદડામાંથી પૂર્ણચંદ્રના કિરણો ચળાઈને અમારા પર પડતા હતા. દૂર પામના પાંદડામાં ઘર બનાવીને બેઠેલા સોનેરી ઘુવડની ચમકતી આંખો અમને જોઈ રહી હતી. એ ઘુવડને જોતા મને અચાનક મારા ભાઈ રા'દની યાદ આવી ગઈ, કેટલીય વાર એણે મને એ ઘુવડ બતાવ્યુ હતુ. એ કહેતો ઘુવડ અપશુકનિયાળ હોય છે.
શાંત ઝાડીમાંથી ક્યારેક ક્યારેક કોઈના બોલવાના અવાજો સંભળાતા. પડોશના ચોકીદારો કદાચ વાતો કરતા હશે, એમને અહીં 'ચરખાચી' કહેતા. આ ચોકીદારો ઘૂંટણ સુધીના લાંબા અને બ્રાસના બટનો વાળા કોટમાં સજ્જ રહેતા. માથે રંગબેરંગી પાઘડી પહેરતા, અને ખભે જૂની બ્રિટીશરોના જમાનાની બંધ પડી ગયેલી બંદૂક ભરાવતા. આ બંદૂકો એમને હિંમત આપવા સિવાય બીજા કોઈ કામમાં નહોતી આવતી, કારણ કે એ ક્યારેય ફૂટી નહોતી શકવાની. ધીમે ધીમે બગદાદના વાતાવરણમાં નીરવતા છવાતી ગઈ અને મારા મગજમાં સુલેમાનિયાના વિચરો ઘુમરાવા લાગ્યા. મારા બધા પિતરાઈઓ અત્યારે કદાચ નાની અમીનાના ઘરના ધાબે સૂતા હશે અને એમની આંખો પણ આ પૂનમના શીતળ ચાંદ પર મંડાયેલી હશે. હવે તો હું પણ જલ્દીથી એમની પાસે પહોંચી જઈશ. એ ખુશનુમા વિચારોમાં હું પણ ધીમે ધીમે મીઠી નિંદરમાં સરી પડી.
થોડા જ કલાકોમાં મારા એ સુલેમાનિયાના સોનેરી સ્વપ્નમાં તિરાડ પડી, કોઈ અમારા ઘરનો મુખ્ય દરવાજો જોર જોરથી ઠોકતુ હતુ, જાણે તોડવાનો પ્રયત્ન ના કરતા હોય એમ ધાડ-ધાડ અવાજો આવતા હતા. સા'દ કૂદકો મારીને ઉભો થઈ ગયો . ભલે એ માત્ર પંદર વર્ષનો હતો, પણ એની ઉંમરના પ્રમાણમાં એની કદ કાઠી ઘણી વિકસી ગઈ હતી. કંઈક ખતરાનો આભાસ થતા એણે અમને કહ્યુ ' તમે અહીં જ રહો'. જ્યારથી રા'દ બીજે રહેવા ગયો છે ત્યારથી સા'દ પોતાને ઘરની સ્ત્રીઓનો રખેવાળ માને છે.
મને ફાળ પડી, અને આમેય તે મારા જેવી બંડખોર છોકરીને કોઈનો હુકમ નહોતો ગમતો. મુના તો માથે મોઢે ઓઢીને ચુપચાપ ત્યાંની ત્યાં જ પડી રહી. પણ હું અને મા - મારી માફક એ પણ હઠીલી હતી - જેવો સા'દ બરામદામાંથી નીકળ્યો એટલે અમે બંને પણ ઉભા થઈ ગયા અને રસોડુ અને પરસાળ પસાર કરીને અમારા મોટા ડ્રૉઈંગરૂમમાં આવી ગયા. અહીં આવીને અમે પણ ઉભા રહી ગયા. કોણ હશે? શું કોઈ ચોર છટકીને ભાગ્યો હશે અને પડોશના ચોકીદારો અમને ચેતવવા આવ્યા હશે? મારા પિતાજી હજુ સૂઈ રહ્યા હતા અને એમાં કંઈ નવાઈ પણ નહોતી, એ કદાચ બિમાર અને અશક્ત ના હોત તો પણ એમની બહેરાશને લીધે એમને આ બધી ધમાલની કંઈ ખબર પડે એમ નહોતી.
સા'દે બરાડો પાડ્યો "કોણ છે?" પણ, પ્રતિસાદ બહુ જ અણધાર્યો અને આઘાતજનક હતો; બારણા પર સતત જોર થી જોર થી લાતોના પ્રહાર થવા લાગ્યા. અમારા મજબૂત બારણામાં પહેલાતો ઠેકાણે ઠેકાણે તિરાડો પડવા લાગી અને છેવટે બરાબર વચ્ચેથી મોટુ બાકોરુ પડી ગયુ અને દરવાજો બે ભાગમાં તૂટી ગયો. ડરમાંને ડરમાં મારા મોંમાંથી હાયકારો નીકળી પડ્યો. પાછળથી હજુ પણ બહુ જ જોરદાર પ્રહારો થતા હતા. દરવાજાના બે મોટા ટુકડા અમારા ડ્રૉઈંગ રૂમમાં આમતેમ વિખેરાઈને પડ્યા હતા અને બચ્યાખુચ્યા ટુકડા લટકી રહ્યા. જે કોઈપણ લાતો મારી રહ્યુ હતુ એણે માણસ પેસી શકે એવુ બાકોરુ બનાવ્યુ અને ધાડ-ધાડ કરતા ઈરાકી પોલીસના યુનિફૉર્મમાં ત્રણ જણા એ ટુકડે ટુકડા થઈને પડેલા દરવાજાને પગનીચે કચડતા અમારા ડ્રૉઈંગરૂમમાં આવીને ઉભા રહી ગયા. એ લોકોને અમારા સુધી પહોંચવાની એટલી તો ઉતાવળ હતી કે એમાંનો એક જણ આ અફડાતફડીમાં અંદર આવતા ગબડી પડ્યો તો બાકીના બે જણા એના પર પગ દઈને અમારા સુધી પહોંચી ગયા.
ત્રણેયમાં જે સૌથી તગડો હતો એણે એનો શીળીના ચાઠાવાળો લાલઘૂમ ચહેરો તંગ કરીને સા'દને તતડાવ્યો "સા...લ્લા..... જાસૂસ!! કયાં છે તારો રેડિયો?"
સા'દ ક્યારેય કોઈનાથી ગભરાતો નહી, એ જાનવરથી પણ નહી. માર્મિક ભાવ પોતાના ચહેરા પર લાવીને એણે સામો જવાબ દીધો "જાસૂસ?? અહીં કોઈ જાસૂસ-બાસૂસ નથી".
"અમારી પાસે પૂરાવા છે કે ઘરમાં જાસૂસ છે." એ માણસની જીભ સાપની જીભની માફક લપકારા લેતી હતી. ભયંકર નફરતથી હું ધ્રુજવા લાગી હતી. એણે રાડ પાડી "ઈઝરાયેલ ના જાસૂસ".
ઈઝરાયેલના?? મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. આ શું બોલી રહ્યો છે? જો હું એટલી ડરી ગયેલી ના હોત તો એ માણસના આવા મૂર્ખામી ભર્યા દાવા પર ચોક્કસ ખડખડાટ હસી પડી હોત. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી અમારા આખા ખાનદાનમાં ક્યારેય કોઈ ઈઝરાયેલીને મળ્યુ નહોતુ. અરે, એ દિવસોમાં ભાગ્યે જ કોઈ અરબ કે કૂર્દ ઈઝરાયેલ વિષે કંઈ વિચારતુ હશે. અમે અમારી પોતાની સરકારે આપેલી મુશ્કેલીઓમાંથી ઉંચા નથી આવતા તો દૂર-સુદૂરના પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના ઝગડાની કોને પડી હતી? પણ પેલો ગાંડાની માફક થૂંક ઉડાડતો બબડ્યા કરતો હતો "આ ઘર મુલ્લા મુસ્તફા બરઝાનીને ટેકો આપી રહ્યુ છે."
એની પેલી ઈઝરાયેલી જાસૂસ વાળી વાત સાવ હાસ્યાસ્પદ હતી પણ આ વાતે મારી ભ્રમરો તણાઈ ગઈ. આ તહોમતે મારી સ્વસ્થતા હચમચાવી દીધી. એમાં કોઈ બે મત નહોતો કે મુલ્લા મુસ્તફા બરઝાનીને અમારા કુર્દીશ ઘરમાં હીરો માનતા હતા, મને અચાનક રા'દના રૂમમાં ટીંગાડેલુ એ બરઝાનીનુ પોસ્ટર યાદ આવી ગયુ. એ રૂમમાં ટીંગાતો અમારા હીરોનો ફોટો આ માણસના હાથમાં ચોક્કસ આવી શકે છે. આમતો ૧૯૭૦થી અમને અમારા મુલ્લા બરઝાની જેવા હીરોને ટેકો આપવાનો કાયદાકીય અધિકાર મળેલો હતો. પણ, હું એટલી તો સમજણી હતી કે આવા કાયદા કંઈ અત્યારે અમારી મદદે ના આવી શકે. મારી અંદરથી અવાજ ઉઠ્યો કે 'જોઆના કંઈક કર, એ પોસ્ટર અમારી બરબાદી નોંતરી શકે એમ છે'.
એ લોકો સા'દની સાથે ભેજાફોડીમાં પડ્યા હતા એટલે હું સાચવી રહીને ત્યાંથી છટકી અને ઝટ દઈને રા'દના જુના બેડરૂમમાં પહોંચી ગઈ. બરઝાનીનુ એ પોસ્ટર રા'દના પલંગની સામેની દિવાલ પર લાગેલુ હતુ. માર્ચ ૧૯૭૦માં જ્યારે કુર્દ લડવૈયા ઈરાકી આર્મીને ઉત્તરમાં બરાબર લડત આપી રહ્યા હતા ત્યારે બગદાદની સરકારે છેવટે કૂર્દપ્રજા સાથે વાટાઘાટની તૈયારી બતાવી અને ત્યારથી એ પોસ્ટર રા'દની જીંદગીનો હિસ્સો થઈને રહ્યુ હતુ. એ વાટાઘાટોને અંતે કુર્દીસ્તાનની સ્વાયત્તતાનો કરાર થયો. કુર્દીશ ભાષાને માન્યતા આપવાનુ વચન અપાયુ. બંધારણમાં સુધારો દાખલ કરવામાં આવ્યો કે "ઈરાકની પ્રજા બે પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે - અરબ અને કુર્દ" ત્યારથી અમને કુર્દીશ રાજકીય પક્ષોને ટેકો આપવાનો અધિકાર મળ્યો. પણ, હકિકતમાં આ બધુ કાગળ પર જ હતુ, ઈરાકની સરકારે જે દિવસથી કરારો થયા તે જ દિવસથી તેને તોડવાના ચાલુ કરી દીધા હતા. ભોળેભાવે જે કુર્દોએ એમને આપવામાં આવેલા હક્ક ભોગવવાના ચાલુ કર્યા એમને નિશાન બનાવીને જેલમાં નાખવા લાગ્યા કે એનાથી પણ બદતર હાલત કરી. કુર્દોના ભોળપણ નો લાભ ઉઠાવી કેટલાયને મોતને ઘાટ પણ ઉતારી દીધા, માત્ર એટલા માટે કે એમણે કુર્દીશ નેતાઓને સાથ આપ્યો હતો.
કદાચ એ લોકો રા'દની પણ હત્યા કરી નાખે તો? મને એ દિવસ યાદ છે જ્યારે રા'દ એ પોસ્ટર ઘરે લઈને આવ્યો હતો અને એને લટકાવ્યુ હતુ. એના હીરો માટે એને મનગમતી જગ્યા મળવાથી એ દિવસે કદાચ આખા બગદાદમાં એ સૌથી વધારે ખુશ યુવાન હતો. પોસ્ટરના નીચલા ભાગમાં એણે ખુશી ખુશી લખ્યુ હતુ "પહાડોનો સિંહ અને કુર્દોનો રાષ્ટ્રપિતા" બહુ જ દુઃખ અને ખિન્નતાથી હું એના પલંગ પર ચડી અને કિનારીએથી પકડીને પોસ્ટર ઉતારવાનુ ચાલુ કર્યુ. ડરના માર્યા એકી શ્વાસે મુલ્લા બરઝાની પ્રત્યેના એ આદરના પ્રતિકના લીરે લીરા કરી નાખ્યા. ઝીણા ઝીણા ટુકડા કરીને એને મેં મારા નાઈટ ગાઉનમાં છુપાવી દીધા, કેટલાક ટુકડા મેં મારા પેન્ટના કમરબંધમાં ખોસી દીધા. થોડી જ વારમાં મેં પેલા લીડરને બોલતા સાંભળ્યો; એના એક માણસને એ બહારના દરવાજાની અને ધાબા પર જતા પગથિયા પર નજર રાખવા કહી રહ્યો હતો જેથી કોઈ ભાગી જવાની કોશીશ કરે તો ઝડપી લેવાય.
"અમે રા'દ અલ-અસ્કારીને શોધી રહ્યા છીએ. ક્યાં છે એ જાસૂસ?" બહારથી આવતા આ શબ્દો સાંભળીને હું તો જ્યાં હતી ત્યાં ખોડાઈ જ ગઈ. મેં રૂમમાં ચારે બાજુ ત્વરાથી નજર દોડાવી કે બીજી કોઈ વાંધાજનક ચીજ તો નથી ને?? પણ મને એવુ કંઈ દેખાયુ નહી, રા'દના મેજ પર નજર ફેરવી લીધી કે કોઈ કુર્દીશ ચોપાનિયા કે પુસ્તિકાઓ કોઈ ખાનામાં ના પડી હોય. પણ વધારે તપાસ કરવાનો મારી પાસે કોઈ સમય નહોતો. એ લોકો પરસાળમાંથી મારી તરફ આવી રહ્યા હતા. આ બાજુ ગુરુત્વાકર્ષણ એની ફરજ બજાવી રહ્યુ હતુ, જે ટુકડામેં પેન્ટમાં છુપાવ્યા હતા એ ધીમે ધીમે મારા પગ પરથી સરકીને નીચે આવી રહ્યા હતા. મને કોઈ રસ્તો ના દેખાયો, મારુ કરતૂત પકડાઈ જવાનુ હતુ. મારી કાચી ઉંમર પણ એનાથી મને નહી બચાવી શકે. મને ત્રાસદાયક વિચાર આવી ગયો કે અઝીઝમામાની માફક મને જેલમાં નાખી દેશે અને જ્યાંસુધી હું માનસિક રીતે ભાંગી નહી પડુ ત્યાં સુધી મારા પર અત્યાચારો થશે તો?
હવે સમય નહોતો મારી પાસે, ઝડપથી મેં જમીન પર પડેલા ટુકડા ઉઠાવ્યા અને કુદકો મારીને પલંગ પર ચડી ગઈ. મારા મોં સુધી ચાદર ખેંચીને હું સુવાનો ડોળ કરતી લાંબી થઈ ગઈ. હજુ હું શ્વાસ લઉ તે પહેલા બે માંથી એક જણ મારી સામે આવીને ઉભો. જાણે ઝબકીને જાગી ગઈ હોઉં એવી રીતે મેં આંખ ખોલીને એની સામે જોયુ.
પેલા માણસોની પાછળથી મને મા અને સા'દની ઝલક દેખાતી હતી. એ બંને મને રા'દના રૂમમાં જોઈને બહુ જ નવાઈ પામી ગયા હતા. એ બંને રા'દના પલંગ સામેની દિવાલ પર જોઈ રહ્યા હતા; અને હું એમના ચહેરા નિહાળી રહી હતી. એમણે નજરથી જ મને શાબાશી આપી. સા'દની આંખોમાં ખુશીની ચમક દેખાતી હતી અને માના ચહેરા પર સ્પષ્ટ રૂપે રાહતની લાગણી દેખાઈ રહી હતી. પેલા બંને જણા જ્યારે આખો રૂમ વેરવિખેર કરી રહ્યા હતા ત્યારે મારી મા એના ગાલ પર ધીમા તમાચા મારી રહી હતી, એની ઉંમરની કુર્દીશ સ્ત્રીઓ જ્યારે હતાશ થઈ જાય ત્યારે સામાન્ય રીતે આવુ કરતી હોય છે. તે છતાં એણે એક ઉંહકારો ય ના ભર્યો. મારી માને અરબી બરાબર સમજાતુ નહોતુ પણ તોય એને સમજ પડી ગઈ હતી કે આ લોકો શું શોધી રહ્યા છે. એમનો એકમાત્ર ઈરાદો એવો કોઈ પણ પુરાવો શોધવાનો હતો કે જેથી એના સૌથી મોટા દિકરાને કસૂરવાર ઠેરવી શકાય. જો એમને કંઈ એવુ મળી ગયુ તો આજે એનુ સર્વસ્વ જ લુંટાઈ જશે.
હું હિંમત બની રહે એ માટે, મનમાં ને મનમાં કુર્દીશ રાષ્ટ્રગાનની મારી સૌથી પ્યારી લીટીઓ ગણગણવા લાગી.
કુર્દીશ યુવાધન સિંહ સમ ઉન્નત છે,
જીવન-મુકૂટને સ્વ-રક્તથી સિંચવા તૈયાર છે,
કોઈ ન કહેશો કુર્દ નાશવંત છે
કુર્દ જીવંત છે....
કુર્દ જીવંત છે.... એ રાષ્ટ્રધ્વજ કદીય ન નમે.
કદાચ હું ઉંમરમાં નાની હતી અને હજુ પણ બાળક જેવી દેખાતી હતી એટલે એ લોકોએ મારી અવગણના કરી. કારણ ગમે તે હોય પણ એ લોકો જ્યારે રૂમમાં ધમધમાટી મચાવતા હતા ત્યારે મારી તરફ લક્ષ સુધ્ધાં ન કર્યુ. એ લોકો બધી ચોપડીઓ ઉંચકતા, પાના ફર્રર્રર્ર કરતાક ને ફેરવતા અને નીચે ફગાવતા, નીચા નમીને પલંગની નીચે ય તપાસ્યુ, પડદાને આઘાપાછા કર્યા જાણે આવડો મોટો માણસ એ પારદર્શક પડદામાં છુપાઈને બેઠો હોય!! એક જણ તો દિવાલો થપથપાવવા લાગ્યો, બીજાથી ના રહેવાયુ તો એ ખુરશી ઉપર ચડીને છતમાં ટકોરા મારવા લાગ્યો. એટલી નાની ઉંમરે પણ એ વાતે મને અસ્વસ્થ કરી દીધી કે અમારુ ભવિષ્ય આવા મંદ-બુધ્ધીના માણસોના હાથમાં જકડાઈને રહ્યુ છે? જો ડરનો માહોલ ના હોત તો ચોક્કસથી એમની આ બધી રીતોથી હું હસી પડી હોત.
મેં સા'દ તરફ નજર કરી, એની ઘેરી આંખો ગુસ્સા અને નિરાશાની મિશ્ર ભાવનાથી ફરકતી હતી. એના હોઠ શાત રહેવા જાણે મથામણ કરી રહ્યા હતા. મેં દિલથી ઈચ્છ્યુ કે એ શાંત રહે અને પોતાનો ગુસ્સો કાબુમાં રાખે; નહી તો એ ગમે ત્યારે એના મુક્કાઓથી આ લોકોનુ સ્વાગત કરી નાખે એમ હતો. જો એવુ કંઈ થયુ તો ઘરના બધાની ધરપકડ નિશ્ચિત હતી. અલ્લાહની દયાથી સા'દે પોતાના પર પુરતો કાબુ રાખ્યો. એ ત્રાસદાયક દિવસે મારા ભાઈના સ્વભાવનુ એક નવુ પાસુ ધ્યાનમાં આવ્યુ : આત્મસંયમ.
મને તો થયુ કે આ લોકો જલ્દીથી જાય તો સારુ; અમે રા'દને સમય રહેતા ચેતવી શકીએ. પણ, રા'દના બેડરૂમનો ઈંચે ઈંચ ચકસ્યા પછી એ લોકો આખા ઘરમાં ફરી વળ્યા. જ્યારે રસોડામાં અમારા ભારે વાસણો ફંગોળાતા સંભળાયા ત્યારે મારાથી ના રહેવાયુ, હું ઉભી થઈ, મારા કપડાની અંદરથી અને પથારી પરથી પોસ્ટરના ટુકડા કાઢ્યા અને પેલા લોકો એ જે કાગળો તપાસીને જમીન પર ફગાવ્યા હતા એની નીચે સંભાળીને દબાવી દીધા. મારુ રહસ્ય હવે અકબંધ છે એ વાતથી આશ્વાસિત થઈને હું રૂમમાંથી બહાર નીકળીને મા અને મુના -જે હવે બહાર બરામદામાંથી અંદર આવી ગઈ હતી- ની સાથે જઈને ઉભી રહી ગઈ. સા'દ અંદર ધ્યાન રાખી રહ્યો હતો અને અમે સ્ત્રીઓ દરવાજે અર્ધ વર્તુળાકારમાં ઉભા રહીને મારી માનુ એ સુઘડ રીતે ગોઠવાયેલુ રસોડુ છિન્ન-ભિન્ન થતુ જોઈ રહ્યા. ડીશોના ઘા થતા ગયા, કાચ તુટતા ગયા, અને એના દરેક અવાજે મુનાના ઉંહકારા પણ નીકળતા રહ્યા.
પેલા લોકોએ નાટકીય રીતે મીઠાની, લોટની અને ખાંડની થેલીઓ રસોડાના ટેબલ પર ઠાલવી દીધી. અરે એમણે ઉપર ખાનામાં રહેલા ચાર ઈંડા પણ ફોડી નાખ્યા. તપાસનીઆ રીતથી મને બહુ નવાઈ લાગી. કોઈ જાસૂસ એ આખા ઈંડાના કોચલામાં શુ છુપાવવાનો હતો? અને જો છુપાવે તો પણ કેવી રીતે?
એ લોકો હવે જંગાલિયત પર આવી ગયા હતા, એમનુ કામ કરતા જતા હતા અને અમારી પર ગાળો અને ધમકીઓનો વરસાદ કરતા જતા હતા કહેતા હતા કે એ લોકો ઈઝરાયેલી જાસૂસ રા'દ અલ-અસ્કારીની કેવી અવદશા કરવાના છે.
એ બહુ જ ત્રાસદાયક ક્ષણ હતી જ્યારે માનો કિંમતી ટી-સેટ એમણે દિવાલ પર અફળાવીને તોડી નાખ્યો. નાજુક કાચની કરચો ફરસ પર વિખેરાઈ ગઈ અને જાણે કેટલીય ઘંટડીઓ એક સાથે રણકી ઉઠી હોય એવો ખણખણાટ થઈ ઉઠ્યો. મુનાનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો, એ જાણે હમણા બેહોશ થઈ જશે એમ ઢળી પડી. મને ડર લાગ્યો કે ક્યાંક એ પણ પોતાનો પિત્તો ના ગુમાવી બેસે.
એમના લીડરે અમને તોછડાઈથી એક ખૂણામાં જઈને બેસવા કીધુ અને અમે ચૂપચાપ એના કહેવા પ્રમાણે એકબીજાને જકડીને બેસી રહ્યા. પેલા લોકો આખા ઘરને ધમરોળતા રહ્યા. આખુ ઘર, ઉપર મેડા પર, ધાબે, અને પાછા નીચે આવીને પાછળના બરામદામાં બહાર બગીચામાં એ લોકો બધે ફરી વળ્યા. મા અને સા'દ એમની પાછળ પાછળ બધે ફરતા રહ્યા અને અમારા ઘરની બરબાદી જોઈ રહ્યા. મા નિરાશાથી અને સા'દ ખિન્ન વદને બધુ નિહાળતા રહ્યા.
મને એ વાતની ખાસ નવાઈ લાગી કે એ લોકોએ મારા પિતાજીને હાથ પણ ના લગાડ્યો. કદાચ એમની ઑફિસમાં અમારા લોકોની આખી ફાઈલ તૈયાર થઈ હશે, અને એ લોકોને ખબર હશે કે બે કારણોથી મારા પિતા તરફથી એમને કોઈ ખતરો નથી; એક તો એ પોતે કુર્દ નથી અને ક્યારેય કુર્દીશ રાજકીય પ્રવૃત્તિમાં એમણે ભાગ નથી લીધો, અને બીજુ એમની બહેરાશ. કદાચ મા એ સૂતા પહેલા એમને આપેલી ઉંઘની ગોળીની પણ અસર હોય, જેના કારણે પિતાજી ગહેરી નિંદ્રામાં હોય ને એ લોકો એમને જગાડી ના શક્યા હોય. કારણ કોઈ પણ હોય, મને એટલુ આજે રાત્રે સમજાયુ કે બહેરાપણુ પણ ક્યારેક આશીર્વાદરૂપ થઈ રહે છે. અમારી જીંદગીની સૌથી ત્રાસદાય્ક ઘટના સમયે જ્યારે અમે બધા ડરના માર્યા ફફડતા હતા ત્યારે એ મીઠી ઉંઘની મજા લઈ રહ્યા હતા.
થોડા કલાકો સુધી અમારા ઘરને તહસનહસ કર્યા પછી એ લોકો અમારા તૂટેલા બારણેથી અમને ગાળો દેતા અને ધમકીઓ દેતા પાછા ફર્યા પણ સાવ ખાલી હાથે. એમને અમારા ઘરમાંથી એવુ કશુ ના મળ્યુ જેનાથી એ એમના મનઘડંત આરોપો સાબિત કરી શકે.
એ હરામીઓ ધમધમ કરતા જઈ રહ્યા હતા ત્યારે હું પણ મા અને સા'દની સાથે અમારા આગળના બરામદામાં જઈને ઉભી રહી. એ લોકો એમની કારમાં ગોઠવાયા અને ગાડી એવી રીતે મારી મૂકી, જાણે પ્રેસીડેન્ટના મહેલમાં આગ ઓલવવા ના જવાનુ હોય?
મારા જીવનની એ પહેલી ત્રાસદી હતી.
સા'દ અને મારી મા હવે આગળ શું કરવુ એની ચર્ચા કરતા હતા અને હું શાંતિથી એમને સાંભળી રહી. સા'દે માને કહ્યુ "હું જલ્દીથી આલિયાને ત્યાં જાઉ છું. રા'દે હવે તાબડતોબ શહેર છોડવુ પડશે. એ ઉત્તરમાં જઈને રહેશે અને આપણે આ બધાનુ કારણ શોધવા પ્રયત્ન કરીશુ." સા'દના શબ્દોએ મને ઉત્તેજનાથી ભરી દીધી. કદાચ રા'દ પણ હવે પશમરગા બની જશે!! ખાલી ચોપાનિયા વહેંચવા ને શાંત રીતે ચળવળ ચલાવવાને બદલે હવે એ એક લડવૈયો બની જશે. મેં પણ તરત જ નક્કી કરી લીધુ કે : જો એવુ થશે તો હું પણ એની સાથે પહાડીઓમાં જઈશ અને કુર્દીસ્તાનની સૌથી નાની વયની પશમરગા બનીશ.
હું ખુશીના માર્યા છળી ઉઠી જ્યારે સા'દે મારી તરફ ફરીને કીધુ કે "જોઆના તું બહુ ચાલાક નીકળી હોં, એ બરઝાનીનુ પોસ્ટર જો એમને હાથ લાગી ગયુ હોત તો એમના ગુસ્સાને ઓર હવા મળી ગઈ હોત અને એ લોકોને રા'દ વિરૂધ્ધ એમને જોઈતો પુરાવો મળી જાત".
પછી સા'દ જલ્દીથી કપડા બદલીને આલિયાને ત્યાં જવા નીકળી પડ્યો. જતા જતા માની પાસેથી ટેક્સી માટે થોડા દિનાર લેતો ગયો. અમારા કુટુંબ પર આવી રહેલી નવી આપદાઓની ધારણાથી મારુ આખુ શરીર કાંપવા લાગ્યુ. એ રાતની ઘટનાઓ મારે માટે એક પરિક્ષા સમાન હતી. જો મારે લડવૈયા બનવુ હોય તો આવી મુશ્કેલ ઘડીમાં પણ મારે શાંત રહેતા શીખવુ પડશે.
મારી માએ મને પ્રેમથી બાથમાં લીધી, મારી હડપચીને હળવેથી ઉંચી કરીને મારી સામે જોઈને મને કહ્યુ "જોઆના, તું ખુબ હોંશીયાર દિકરી છો". હા, તે છું જ. મેં આજે મારી પશમરગા તરીકેની પહેલી પરીક્ષા પાસ કરી લીધી હતી, 'દબાણની મુશ્કેલ ઘડીમાં પણ ચપળ પ્રતિક્રિયા માટે તૈયાર રહેવુ જોઈએ.'
મા અને મુના એકબાજુ સૂનમૂન બેઠા હતા અને હું રઘવાયાની માફક અમારા બરબાદ ઘરને જોતી રહી. મા એ મોં મચકોડ્યુ "આપણે જલ્દીથી બધુ સમુનમુ કરી દેવુ પડશે. તારા પિતાને આજની રાતની કોઈ રીતે જાણ ના થવી જોઈએ. જો એમને ખબર પડશે કે રા'દ મુશ્કેલીમાં છે તો મોટી આફત આવી પડશે. અને તારા અઝીઝ મામાથી પણ આજની રાતનુ રહસ્ય છુપાવીને રાખવુ પડશે."
માની વાત સાચી હતી. જો પિતાને વાતની જાણ થાય તો એ તરત જ સ્થાનિક ઈરાકી સિક્યોરીટી ઑફીસમાં દોડી જાય. એમને ક્યારેય આવી બધી બાબતોનો ડર નથી લાગતો અને કદાચ અમારુ રક્ષણ કરવા એ હાથાપાઈ પર પણ આવી જાય અને છેવટે એમને પણ જેલમાં જવુ પડે એવુ પણ બને. અને ભલે હું નાની હતી પણ જાણતી હતી કે અત્યારે ઈરાકનો સૌથી ખરાબમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. જો બાથપાર્ટીવાળા એમને ઉપાડી જાય તો એમની જેલમાં જીવતા રહેવાની શક્યતાઓ જરાય નહોતી. અને અઝીઝ મામાને પણ આ વાતથી બચાવીને રાખવા પડે, નહીતો એ વળી પાછા ઘોર નિરાશામાં સરી પડે જ્યાંથી ક્યારેય બહાર ના આવી શકે.
"જોઆના, તારા પિતાની તબિયત હવે સારી છે અને કદાચ કાલે સવારે એ જાતે જ ચા બનાવે" જ્યારથી હું સમજણી થઈ છુ ત્યારથી તે એમની અત્યારની આ બિમારી પહેલા સુધી મારા પિતા સવારમાં સૌ પહેલા ઉઠી જતા મેં જોયા છે. એ પોતાની ચા જાતે જ બનાવે અને સવારનો નાસ્તો એ ચા સાથે લે. "એટલે, આપણે આ બધુ સરખુ કરવુ જ પડશે" એણે ધીમે અવાજે કીધુ. હું તરત જ કામે લાગી ગઈ, જ્યારે મા મુનાને લઈને રસોડાને કામે લાગી. હું આગલ રૂમમાં બધુ સમુનમુ ગોઠવતી હતી ત્યાં જ મેં ઘરને રસ્તે અને પછી અમારા બરામદામાં ધડધડ કરતો પગલાનો અવાજ સાંભળ્યો. હું ભાગવા માટે ફરી, મને એમ થયુ કે પેલા લોકો પાછા આવ્યા. પણ. આ તો સા'દ પાછો આવ્યો હતો. એનો ચહેરો ફૂલેલો હતો, એની આંખોમાં ડર ડોકાતો હતો. મને ધકેલીને એ સીધો માને શોધવા અંદર ધસી ગયો. હું પણ એની પાછળ રસોડામાં ગઈ, જ્યાં મારી મા ફર્શ પરથી ખાંડ ભેગી કરી રહી હતી. એણે કીધુ :
"મા, આપણે મોડા પડ્યા"
"મોડા પડ્યા?"
"એ લોકો રા'દ અને હાદીને ઉઠાવી ગયા છે"
"ઉઠાવી ગયા?" માની ચીસ જ નીકળી પડી.
"હા. આપણને સમજ પડવી જોઈતી હતી, કે આવી બધી તપાસ એકસાથે જ કરવામાં આવે. જ્યારે આ લોકો આપણા ઘરમાં તપાસ કરતા હતા બરાબર એ જ સમયે એમના જ યુનિટના પાંચ બીજા લોકો આલિયાને ઘરે પહોંચ્યા હતા. એમણે એના ઘરને પણ રા'દની વિરુધ્ધ પુરાવા શોધવા માટે થઈને આખુ ફેંદી માર્યુ. એ લોકોએ દાવો પણ કર્યો કે એમને એવા કોઈ કાગળીયા મળ્યા છે. અને પાછા જતી વખતે બળજબરીથી રા'દ અને હાદીને પણ એ લોકો લેતા ગયા".
મુના તો રડવા જ લાગી.
મા પણ આજે પહેલીવાર ભાંગી પડી. એના પગ પાણી પાણી થઈ ગયા. પણ ખુરશી પકડીને એણે પોતાની જાતને જમીન પર ફસડાઈ પડતા બચાવી લીધી. "એ લોકો મારા દીકરાને ઉઠાવી ગયા?"
હું જડવત્ થઈ ગઈ હતી. રા'દ અને જેલમાં? અઝીઝ મામા પણ જેલમાં જઈ આવ્યા હતા. શું રા'દને પણ એ લોકો માનસિક રોગી બનાવી દેશે? અને હાદી - એનુ શું થશે? આલિયાને પરણ્યા પહેલાનો એનો અમારા કુટુંબ સાથે સંબંધ છે, મારા જીજાજી ખુબ સારા માણસ છે. એ આલિયાને એટલો પ્રેમ કરે છે કે એના મિત્રો હાદીની વહુને લાડ લડાવવા માટે થઈને મજાક કરે છે. અમારા ઈરાકી સમાજમાં પત્નીનુ આટલુ ધ્યાન રાખનાર કોઈ ભાગ્યે જ મળી આવે અને એ મજાકનુ સાધન જ બની જાય. એને અને આલિયાને બે નાના-નાના બાળકો પણ છે. ચાર વર્ષનો શાસ્વાર અને બે વર્ષનો શવાન. એ ભૂલકાઓનુ હવે બાપ વગર શુ થશે?
પણ, મારી માએ તરત જ પાછી સ્વસ્થતા મેળવી લીધી અને કહ્યુ, "સા'દ, જા તું જલ્દીથી ફાતિમા ફઈને ત્યાં જા. અને એને બધી વાત કર. અને પછી ઓથમાન કાકાને ત્યાં જઈને પણ જાણ કરજે. એ પણ આપણને કંઈક મદદ કરી શકશે'". પિતાની બહેન, ફાતિમા ફઈ, જેમણે મને પેલી કાળા પોર્સેલિનની ઢીંગલી ભેટ કરી હતી એ બહુ વગદાર મહિલા છે, એમના પતિ - મારા ફુઆ - બહુ મોટા વ્યક્તિ છે. ઓથમાન કાકા મારા પિતાના નાના ભાઈ છે. એમને પણ ઘણી ઉંચી ઓળખાણો છે.
માએ ધીમે રહીને સા'દનો હાથ થપથપાવ્યો "સાંભળ, રાત્રે સૂતા પહેલા તારા બાપુ કહેતા હતા કે કાલથી એ પાછા કામે જવા લાગશે. કાલે એ જ્યારે કામ પર હોય ત્યારે આપણે આપણા વિસ્તારના પોલિસ સ્ટેશને પણ જતા આવશુ". એ ખૂબ સાચવી-સાચવીને બોલતી હતી "આપણે તારા પિતાથી આ વાત કોઈપણ રીતે છાની રાખવી જ પડશે" સા'દને આગળ કશુ કહેવાની જરૂર ના પડી, એ આખી વાત સમજી ગયો.
સા'દ ફરી રવાના થયો ત્યારપછી મેં અને માએ મળીને ધાર્યા કરતા પણ વહેલા ઘરને ઠીકઠાક કરી લીધુ. મુના અમારી પાછળ પાછળ ઘસડતી હતી, પણ એ એટલી હતાશ થઈ ગઈ હતી કે એ અમારી કોઈ મદદ કરવાની સ્થિતિમાં નહોતી. જ્યારે હું અને મુના પાછા પથારીમાં પડ્યા ત્યારે સવારનો સૂરજ નીકળવાની તૈયારીમાં હતો. મને એમ લાગ્યુ કે એ થોડા કલાકોમાં જાણે અમારી જીંદગી આખી બદલાઈ ગઈ હતી. ડરને લીધે અમારી સમજણ પણ બહેર મારી ગઈ હતી. અમારા ઘરને રફેદફે કરી નાખ્યુ હતુ. રા'દ અને હાદીને પોલિસ પકડી ગઈ હતી. સા'દ હજુ પણ એમને છોડાવવા માટે દોડી રહ્યો હતો. મા અને મેં મળીને ઘરને તો આ તુટેલા મુખ્ય દરવાજા સિવાય હતુ એવુ પહેલા જેવુ બનાવી દીધુ હતુ; એ ભયંકર રાતની બીજી કોઈ નિશાની બચી નહોતી. મને ખબર નહોતી પડતી કે મારી મા પિતાને આ દરવાજા વિષે શું સમજાવશે?
એ વાતમાં કંઈ આશ્ચર્ય નહોતુ કે મારી માને ઉંઘ નહોતી આવે એમ, એ જાગતી જ રહી. જ્યારે હું આંખો મીચવાની તૈયારીમાં હતી ત્યારે મા એની મક્કા તરફ મોં રાખી એની નમાજની શેતરંજી પર ઘુંટણીયે પડી પ્રાર્થના કરવાની તૈયારી કરી રહી હતી.
જ્યારે મારી આંખ ખુલી ત્યારે મુના હજુ પણ મારી બાજુમાં સૂઈ રહી હતી. ઘરમાં નિરવ શાંતિ છવાયેલી હતી. એ વાતની રાહત હતી કે આજે દશ દિવસ પછી મારા પિતાજી એમના કામે જઈ શક્યા હતા. રસોડાના ટેબલ પર સા'દેએક વાસણની નીચે દબાવીને એક ચબરખી અમારે માટે છોડી હતી - 'આજનો દિવસ અમારે અમારુ કામ જાતે જ કરવાનુ છે, સંભાળ રાખવી અને ઘર છોડવુ નહી. '
મુના અને હું આખો સમય મુંગા મુંગા જ રહ્યા. મને ભૂખ લાગી હતી એટલે હું ખાવાનુ શોધવા લાગી. એક બ્રેડનો ટુકડો અને થોડી ચીઝ મળી આવ્યા, પણ એ આજે ગળા નીચે ઉતારવુ મુશ્કેલ હતુ. ક્યારેય આમ એકલા નહોતા રહ્યા એટલે અમને કંઈ સૂઝતુ નહોતુ કે શુ કરવુ? મુખ્ય દરવાજાના તુટ્યા-ફૂટ્યા ટુકડા હટાવી લીધા હતા પણ એમાં મોટુ બાકોરુ એમનુ એમ જ હતુ. મને થયુ કે સારુ થયુ અમે ઉંઘતા હતા ત્યારે પિતાજીના ધ્યાનમાં આ તૂટેલુ બારણુ આવ્યુ, એમના નારાજગી ભર્યા પ્રતિભાવો જોવા અમે હાજર નહોતા.
આ બધુ ભુલવા માટે હું આખાય ઘરમાં આમથી તેમ ઘુમતી રહી. પણ, રા'દનો ચહેરો મારો પીછો નહોતો છોડતો. જ્યારથી મારો જન્મ થયો ત્યારથી મારા મોટા ભાઈ-બહેને મને લાડકોડથી સાચવી છે. અને એમાંય રા'દ મારી ખાસ કાળજી લેતો. અને એના કારણો પણ છે.
એ માનવુ આમતો મુશ્કેલ છે કે જ્યારે એને ખબર પડી કે એ પાંચમી વાર ગર્ભવતી બની છે ત્યારે મારી માએ મને ગર્ભમાં જ મારવાની ઘણી કોશીશો કરી હતી. એને માથે એ સમયે પારાવાર મુશ્કેલીઓ હતી અને એ એક વધારે બાળકને જન્મ આપી શકે એમ નહોતી. ૧૯૫૮ની ક્રાંતિ સમયે જ્યારે મારા પિતાની ફર્નિચરની ફેક્ટરી નાશ પામી ત્યારે અમારુ કુટુંબ એકદમ જ ગરીબીમાં સરી પડ્યુ હતુ. માને થોડા સમય પહેલા જ જોડીયા બાળકો જન્મ્યા હતા, અને હવે વધુ એક બાળકની જવાબદારી લઈ શકાય એમ નહોતુ. એને મારો જન્મ કોઈ રીતે થવા દેવો નહોતો અને એને માટે એનાથી શક્ય બધુ જ કરી છુટી હતી. સીડીઓ પરથી જાતે જ ગબડી ગઈ, રસોડાના ટેબલ પરથી ભુસકો માર્યો. એનાથી સંતોષ ના થયો તો એણે દવાની ગોળીઓ ગળી લીધી - ઝેરી દવાની ગોળીઓ. ડૉક્ટરના કહેવા મુજબ અમે માંડ માંડ બચી શક્યા હતા. મારી મા જાતે જ આ બધુ કબુલ પણ કરે છે.
જ્યારે ડૉક્ટરે મારા પિતા અને ભાઈ-બહેનોને માની આવી હરકતોની અને એ આવુ કેમ કરી રહી છે એ વાતની જાણ કરી ત્યારે એમણે માની પર પહેરો ગોઠવી દીધો જેથી મારો જન્મ હેમખેમ થાય. આતલુ સહન કર્યા છી પણ જ્યારે મારો જન્મ તંદુરસ્ત બાળકી રૂપે થયો ત્યારે એ જ બધાએ ખુશીના માર્યા મને ફટવી મારી.
રા'દની હાજરી મારા જીવનમાં હંમેશા બહુ જ મહત્વની રહી છે. ભાંખોડીયા ભરતી હતી ત્યારની હું એની પાછળ પાછળ પડછાયાની જેમ ઘુમતી. અરે, ઘરની બહાર પણ હું એનો કેડો ના મુકતી. એ જ્યારે તૈગ્રીસ નદીએ જાય ત્યારે હું કિનારે બેસીને એને તરતો જોયા કરતી. પાણીમાં એ એવો સરસરાટ તરતો કે લોકો એને પ્યારથી તૈગ્રીસનો મગરમચ્છ કહેતા. મારો સૌથી પ્યારો ભાઈ.... જેને હું ખૂબ પ્રેમ કરતી હતી એ આજે મારાથી છીનવાઈ ગયો હતો.
ભાઈ પર થનારા અત્યાચારોનો વિચાર કરતા જ મને કમકમાટી થઈ આવી, આંખની પાંપણો ભીની થઈ ગઈ અને એક આંસુ મારા તરડાયેલા ગાલ પર સરી પડ્યુ.
અમને એના વિષે કોઈ જ જાણકારી નથી, એને માટે કલ્પનાઓ સિવાય અમે કશુ જ કરી શકીએ એમ પણ નથી.
ધીમે ધીમે એક મહિનો પસાર થઈ ગયો, પછી બીજો પણ ગયો. પણ એમના ભવિષ્ય વિષે અમે હજુ પણ અજાણ અને લાચાર હતા.
એમ કરતા ઉનાળો ય પસાર થઈ ગયો, અને ગરમીના દિવસો પણ ચાલ્યા ગયા.
માની પ્રાર્થનાઓ હવે એ ઠંડી હવામાં ઘુમરાતી રહી.
અને એક વેદનાસભર ઈંતેજારથી અમારુ ઘર ભરાઈ રહ્યુ.
પ્રકરણ ૪ સમાપ્ત
ક્રમશ: પ્રકરણ - ૫.