વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૨ Vatsal Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૨

પ્રકરણ – ૨ : ગેરડાઈ શેદાન - શહીદોનો ટીંબો

એ પ્રેમાળ ખેડૂતના રાત્રી-રોકાણના આમંત્રણને અમે સહર્ષ વધાવી લીધુ. ખેડૂતનુ કુટુંબ ઉંચી વનરાજીની ઓથે આવેલા નાનકડા બેઠા ઘાટના મકાનમાં રહેતુ હતુ. એના ઘરને જોઈને કોઈને પણ પરીકથાના ઘરની યાદ આવી જાય.

એનુ ટ્રેક્ટર એના ઘરના ધુળીયા ડ્રાઈવવે પર પહોંચ્યુ ત્યારે એના ઘરની કાચ વગરની બારીઓના લવેન્ડર રંગના પડદા પાછળથી ડોકાતા ચહેરા નજરે પડવા લાગ્યા. ખેડૂતે અમને રસ્તે વાતો-વાતોમાં કીધુ હતુ કે એના નસીબે એક ઘરરખ્ખુ પત્નિ અને ત્રણ આજ્ઞાંકિત પુત્રીઓ છે. એના કહેવાથી એના આ કુટુબીઓ ઘરની બહાર વિશાળ પ્રાંગણમાં અમને આવકારવા આવી પહોંચ્યા. હું જ સૌથી પહેલા ઠેકડો મારીને ટ્રેક્ટર પરથી નીચે ઉતરી અને ઝપાટાભેર આંગણામાંથી સીધી ઘરને બારણે પહોંચી ગઈ. મેં જોયુ કે ખેડૂતના કુટુંબ પાસે નહી જેવુ રાચરચીલુ હતી, પણ કૂર્દીશ પરંપરા મુજબ ઘરની સજાવટ એમણે તાજા વીણેલા ફૂલોથી તો કરી જ હતી. કૂર્દીસ્તાનમાં મોટુ કે નાનુ; વૈભવશાળી કે ગરીબ દરેક ઘરની સજાવટ આમ તાજા ફૂલોથી કરવાની પરંપરા છે.

એના કુટુંબે અમારુ સ્વાગત બહુ જ ભાવપૂર્વક કર્યુ. ખેડૂત એ જૂની કૂર્દીશ કહેવત અનુસાર વર્તતો હતો - 'મહેમાનો હંમેશા તેમની સાથે સારુ નસીબ લઈને આવતા હોય છે'. તેની પત્નિએ સૌ પ્રથમતો અમને જંગલના ઝરણાના તાજા પાણીથી હાથ-પગ ધોવડાવી અને એવુ જ તાજુ પાણી પીવડાવ્યુ અને બેઠકમાં બેસાડ્યા. ઘરે મહેમાન આવવાથી એનો આનંદ તો સમાતો નહોતો - પ્રેમથી અમને કહે, 'મહેમાન તો દસ આશીર્વાદ લઈને આવે, એક એમના સ્વાગતમાં વાપરીએ અને નવ અમારા માટે એ પાછળ છોડીને જાય'

"ડૉ (daw)" તરીકે ઓળખાતુ છાશ જેવુ ઠંડુ મજાનુ પીણુ એણે અમને પીવા માટે આપ્યુ. પછી એણે એની ત્રણ દીકરીઓને અમારી સેવામાં લગાડી દીધી. અમારી આગતા-સ્વાગતા માટે એમણે કંઈ કમી ના રાખી, તાજી ઘરની બનાવેલી રોટલી જેવી બ્રેડ, સફેદ પનીર અને અંજીરની વાનગીઓ પહેલા તો પીરસાઈ. પછી એમણે પીસેલા ઘઉં અને પીસેલુ માંસ, ડુંગળી અને બદામના મિશ્રણથી બનાવેલ "કુબ્બા" તરીકે ઓળખાતી એક ખાસ વાનગી પણ પીરસી. જમતા-જમતા રા'દે અમારી સાથે કેવી રીતે છેતરપીંડી થઈ એની આખી ઘટના અથ થી ઈતિ સુધી સંભળાવી, સામે પક્ષે ખેડૂત પણ બહુ વાચાળ હતો, એની વાતોમાં કૂર્દીશ કહેવતોનો ભરપૂર ઉપયોગ રહેતો. એવા જ એક પ્રસંગે જ્યારે એણે કહેવત ટાંકી કે - "ચિંતા નહી કરવાની. જ્યારે તમારુ ગાડુ પલ્ટી મારી જાય છે; ત્યારે તમને મારગ દેખાડનારા ઘણા મળી આવે છે" ત્યારે ખબર નહી કેમ પણ મને ખૂબ હસવુ આવી ગયુ અને મારુ હસવાનુ છુપાવવા મેં અંતરસ ગયુ હોવાનો ઢોંગ કરતા મોં પર હાથ ઢાંકી દીધો. પણ માને મારી હરકતની ખબર પડી ગઈ, અને ગુસ્સામાં એણે મને કોઈ ના દેખે એમ ચુંટીયો ભરી લીધો, અને હું પણ ચૂપ થઈ ગઈ.

રાત્રે સૂતી વખતે એ ભલા માણસે એમના પોચા-સુંવાળા ગાદલા અમને વરંડામાં સૂવા માટે આપ્યા અને એ બધા ચટ્ટાઈઓ લઈને બગીચામાં સદાપર્ણી અને વિલોના ઝાડ નીચે આખી રાત સૂતા. હાદીના કાકા જેવા યજમાન મળવા ખરેખર મુશ્કેલ છે. રાતના સુખરૂપ આરામ બાદ અમારી સવાર પણ એટલી જ સરસ રહી, ગરમા ગરમ ચા અને નાસ્તો, સાથે બાફેલા ઈંડા અને દહી સાથે ઘરની બનાવેલી તાજી બ્રેડ. અમે નાસ્તો પતાવીને તૈયાર થઈએ ત્યાં સુધીમાં તો એ ખેડૂતે એના એક વિશ્વાસુ પિતરાઈની ગાડીની સગવડ કરી નાખી હતી. એ અમને સુલેમાનિયા છેક નાનીના ઘર સુધી મુકી આવવા તૈયાર હતા. એમની ગાડી દેખાવે તો પુરાણી અને જર્જર લાગતી હતી પણ એન્જીનની હાલત એટલી સરસ હતી કે ખેડૂતના ઘરની ગલી છોડતા જ ગાડીએ સ્પીડ પકડી લીધી.

અમીના નાનીને ઘરે સુલેમાનિયા પહોંચવા હું એટલી તલપાપડ હતી કે બે કલાકની એ સફર ક્યારે પૂરી થઈ એ ખબર જ ના પડી, સુલેમાનિયાની નજીક પહોંચતા જ ગાડી પહાડીની ચડાઈ ચડીને ઘુમાવદાર રસ્તા પર થઈને નીચે સુલેમાનિયાની લીલીછમ ઘાટી ઉતરવા લાગી. પહાડીના ઢોળાવો પર એ લીલાછમ્મ ઘાસની ચાદર અને રેગબેરંગી ફૂલોની સુંદર મજાની ભાત - જાણે કાગળ પર ચિતર્યા ના હોય એવા દ્રશ્યો નજરે પડવા લાગ્યા. બે પહાડીઓની વચ્ચે મોટા કટોરાના આકારની એ નયનરમ્ય ઘાટીમાં દરિયાની સપાટીથી ૯૦૦ મીટરની ઉંચાઈ પર ઈ.સ. ૧૭૮૦માં મહાન સુલેમાન પાશાએ આ સુલેમાનિયા શહેર વસાવ્યુ હતુ,

મારી નાની અમીનાનુ એ વિશાળ પુરાતન ઘર શહેરના એવા સમૃધ્ધ વિસ્તારમાં આવેલુ હતુ જ્યાં પડોશમાં એના જેવા જ બીજા વિશાળ ઘરો હતા; ઘરોની આસપાસ સુંદર બગીચા બનેલા હતા એના પર ઉંચા ઘટાદાર વૃક્ષોની ઝાયા હંમેશા રહેતી હતી. મારે માટે તો મારી નાનીમાનુ ઘર એ દુનિયાનુ સૌથી શાનદાર ઘર હતુ. ઘરના બધા જ રૂમના દરવાજા બહાર બગીચા તરફ ખુલતા હતા, વિશાળ આંગણામાં વચ્ચોવચ મોટો ફુવારો બનાવેલો હતો. એ બધા રૂમોની બાલ્કનીઓના છજા દ્રાક્ષના વેલાઓથી આચ્છાદિત રહેતા.

મારી મા ખરેખર નસીબદાર હતી કે એનુ બાળપણ આવા ઘરમાં વિત્યુ હતુ. એનો જન્મ ઈ.સ. ૧૯૨૮માં થયો; એ એના મા-બાપનુ ચોથુ સંતાન અને ચોથી દિકરી હતી. મારા નાના "હસૂન અઝીઝ" અરબ-તૂર્ક મિશ્ર લોહી ધરાવતા બહુ જ વિખ્યાત કુટુંબના વંશજ હતા અને એ પોતે તત્કાલીન ઓટ્ટોમન સૈન્યમાં ઑફીસર હતા; જ્યારે મારી નાની અમીનાના પિયરીયાનુ કુટુંબ સંપૂર્ણપણે કૂર્દીશ હતુ. નાનાને એમના પહેલા લગ્નથી એક દિકરો હતો પણ મારી નાનીની કૂખે તો હજુ સુધી બધી દિકરીઓ જ પેદા થઈ હતી, એટલે જ જ્યારે ચોથી સુવાવડમાં મારી માતાનો જન્મ થયો ત્યારે નાના બહુ ખરાબ રીતે નિરાશ થઈ ગયા અને એમણે માનુ નામ પાડી દીધુ 'કાફિયા' - કૂર્દીશ ભાષામાં એનો અર્થ થાય - બહુ હદ થઈ ગઈ. પણ, એનોથી કંઈ દીકરીઓના જન્મ પર બ્રેક ન લાગી. મારી નાનીએ એ પછી પણ ત્રણ દિકરીઓને જન્મ આપ્યો; અને ત્યારપછી પાછા એમને બે દિકરા જન્મ્યા. જેમાં મારા અઝીઝ મામા સૌથી નાના અને છેલ્લુ સંતાન હતા. સાત બહેનોનો એ સૌથી નાનો ભાઈ એટલે જ આખાય કુટુંબમાં સૌથી વધારે લાડકો હતો.

પણ કુટુંબનુ નામ ઉજાળવાની જવાબદારી તો જાણે દિકરીઓએ લઈ રાખી હતી. બધી ય બહેનો ખૂબ જ સુંદર હતી; ઉંચી-પાતળી દેહયષ્ટી, સુંદર ચહેરો અને કાળા ભમ્મર લાંબા વાળ કોઈપણ લગ્ન વાંચ્છુક મૂરતિયાનુ મન મોહી લેવા પુરતા હતા. એ જમાનામાં એમ કહેવાતુ કે ઑફિસર હાસૂનની દિકરીને પરણવાના સપના ઘણા યુવાનો જોતા હતા. મારી માતા તો માત્ર સુંદર જ નહી પણ ભણવામાં પણ અવ્વલ હતી, અને એના જમાના પ્રમાણે કોઈપણ કૂર્દીશ છોકરી જેટલુ વધુમાં વધુ ભણી શકે તેટલો અભ્યાસ એણે કર્યો હતો - મતલબ કે સ્કુલની છ ચોપડી સુધીનુ ભણતર. એના ભણતરને લીધે જ એને નવુ-નવુ શીખવાનો અને વાંચનનો શોખ હમેશા રહ્યો હતો. ખાસ કરીને કૂર્દીશ પદ્યની પ્રત્યે એને વિશેષ આકર્ષણ હતુ.

પણ મારી માતાના એ સુખી બાળપણને અને સાથે સાથે એના નસીબને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. એના પિતાજી - મારા નાનાજી નુ અચાનક જ એપેન્ડીક્સ ફાટી જવાથી અને એને લીધે શરીરમાં ઝેર ફેલાઈ જવાથી અવસાન થયુ અને એની સાથે જ મારી માના નસીબ આડે પણ જાણે પાંદડુ પડી ગયુ.

બરાબર એ જ સમયે મારી દાદીમા (પિતાજીની મા) પણ તેમના બહેરા-મૂંગા દિકરા માટે યોગ્ય કન્યાની તપાસમાં હતા. બગદાદના અરબી ઈરાકીઓ આમ તો અંદર-અંદર જ સંબંધો નક્કી કરતા હતા, પણ આ વિકલાંગ મુરતિયા માટે ત્યાં કોઈને રસ પડી શકે તેમ ન હતુ. કારણ, મોટા ભાગના લોકોને એવો ડર હતો કે રખે ને આ બહેરાની વિકલાંગતા એના સંતાનોમાં આવે તો?

મારા દાદીમા(પિતાજીના મા)એ તો દેશભરમાં ઓળખીતા-પાળખીતા લોકોને કહી રાખ્યુ હતુ કે કોઈને પણ ત્યાં પરણાવવા લાયક કન્યા હોય તો જાણકારી આપવી. અને એવા જ કોઈ એક જણે હાસૂન અઝીઝની દિકરીઓ વીષે પણ સાંભળ્યુ હશે. એ સમયે મારી માતાની ઉંમર હશે સોળ વર્ષની; એ જમાનામાં દીકરીઓ માટે એ ઉંમર પરણવા માટે એકદમ લાયક ગણાતી. એકબીજાના કુટુંબની ઘણી જાણકારી લીધા પછી છેવટે મારા પિતાજીના કુટુંબે માતા માટે લગ્ન માટેનુ કહેણ મોકલાવી જ દીધુ. મારી માતાને માટે અત્યાર સુધીમાં બીજા પણ ઘણા માંગા આવી ચુક્યા હતા; પરંતુ એ મનોમન એક કૂર્દીશ યુવાનને ચાહતી હતી, અને એને પોતાનો ભાવી પતિ પણ માની ચૂકી હતી. એટલે જ મા એ આ સંબંધનો પણ વિરોધ કર્યો હતો. વિરોધનુ બીજુ કારણ એ પણ હતુ કે એની ઈચ્છા કોઈ અજાણ્યાને પરણવાની નહોતી અને એ ય તે પાછો અરબી યુવક?? એને ખબર હતી કે અરબી લોકો કૂર્દીશો પ્રત્યે કેટલી ધિક્કારની લાગણી ધરાવતા હોય છે. એની ઈચ્છા નહોતી કે એ એક એવા બહેરા-મૂંગા વ્યક્તિને પરણે જે એના કૌટુંબિક ઘરથી આટલે દૂર રહેતો હોય. એ સમયે લોકો લાંબી મુસાફરી બહુ જ ઓછી કરતા હતા. મારી માતાને ખબર હતી કે જો એક વાર એ બગદાદ ચાલી જશે તો પછી એ અસહાય થઈ જશે. કદાચ વર્ષે એકાદ વખત માંડ તેના કુટુંબને મળી શકે, અને પાછુ ત્યાંની અરબી ભાષા પણ એને ના આવડે; એને લાગ્યુ કે જો એ બગદાદ જશે તો એ પાણીમાંથી બહાર નીકળી ગયેલી માછલીની માફક થઈ જશે. એકલી યે પડી જશે અને એની કોઈ સામાજિક જીંદગી પણ નહી રહે.

પણ નાની અમીના હવે એક વિધવા હતી અને એ સમયે નિ:સહાય પરિસ્થિતિમાં પણ હતી. એણે તો આ માંગાને પોતાના કુટુંબને ઈરાકના એક સૌથી પ્રતિષ્ઠીત કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડવાની એક મુલ્યવાન તકની દ્રષ્ટીએ જોયુ. એટલે જ એમણે મારી માતાની ઈચ્છાથી વિરુધ્ધ જઈને પણ આ માંગુ સ્વીકારી લીધુ. બિચારી મારી મા - માત્ર સોળ વર્ષની ઉંમરે એને સુલેમાનિયા જેવુ સ્વર્ગ છોડીને ધોમ ધખતા બગદાદ જેવા અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે રહેવા જવુ પડ્યુ. એની તો જાણે દુનિયા જ ઉજડી ગઈ, પણ એ સમયે છોકરીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો રહેતો, મોટેરાઓ જે કહે એમ કરવુ જ પડતુ. તો એવી રીતે મારા મા-બાપ મળ્યા અને એટલે જ મારો જન્મ બગદાદના અરબી-ઈરાકી પિતા અને કુર્દીશ માતાને ઘરે થયો.

એ દિવસે તો પછી બીજુ કશુ કરવાનુ ન હતુ, એટલે હુ નાનીમાના એ વિશાળ ઘરમાં આરામથી મારી એ પ્યારી કાળી ઢીંગલી બે હાથ વડે છાતીએ વળગાડીને આરામ-ખુરશી પર બેસીને ઝુલતી હતી. આમ તો, સુલેમાનિયામાં આવ્યે કંઈ સમય જ નહોતો થયો પણ સફરના લીધે મને થાક જેવુ લાગતુ હતુ એટલે હું આંખ બંધ કરીને એ ઝૂલણ ખુરશીમાં બસ ઝુલ્યા કરતી હતી. મારી મા, નાનીમા અને બીજી ત્રણ માસીઓ હું સૂતી છુ એમ માનીને વાતોએ વળગી હતી. પણ, હું તો આંખ બંધ કરીને ઠાવકી થઈને આરામ કરવાનો ડોળ કરતી છાનીમાની એમની વાતો સાંભળતી હતી.

ઝૂલતા-ઝૂલતા પેટમાં ભુખ લાગી એટલે આંખો ખોલીને હું મિઠાઈ ખાવા માટે માની રજા લેવા જવાની જ હતી, પણ બરાબર એ જ સમયે મારી આઈશા માસી, જે અમારી જેમ જ વેકેશન હોવાથી પોતાને પિયર આવી હતી, એણે મારી માને પુછ્યુ : 'કાફિયા, અઝીઝ કેમ છે? એના વિષે કેમ કંઈ વાત ના કરી?'

અને મારી ઈંતેજારી વધી ગઈ, મેં જલ્દીથી પાછી આંખ બંધ કરી દીધી, એ લોકો મારા પ્યારા મામા વિષે જ્શુ કહે છે એ જાણવામાં મને ખાસ રસ હતો. મામાની ધરપકડ અને એમને જેલમાં આપવામાં આવેલી યાતનાઓ વિષે કુટુંબમાં ભાગ્યે જ કોઈ ચર્ચા થતી હોય છે કે કંઈ સાંભળવા મળતુ હોય છે. જો હું શાંતિથી પડી રહુ તો કદાચ આ બાબતમાં કંઈક વધારે જાણી શકુ. મા એ પહેલા તો નિરાશાથી મોટો નિઃશ્વાસ મૂક્યો, અને જીભના ત્રણ-ચાર ડચકારા કરીને પાછી શાંત થઈ ગઈ. નાનીમાથી ના રહેવાયુ એટલે એમણે ફરીથી પ્રશ્ન કર્યો - 'કાફીયા, બોલને શુ વાત છે?' "કોઈ ફેર નથી પડ્યો મા; બધુ પહેલા જેવુ જ છે. એનો સમય કાં તો એની ભાણી જોઆના સાથે રમવામાં જાય; અને જો મૂડમાં ના હોય તો દિવસો સુધી બસ એની 'નેય' લઈને વગાડ્યા કરે."

મારા અઝીઝ મામા એક સિધ્ધહસ્ત સંગીતકાર અને ગાયક છે. એ બહુ જ સરસ રીતે 'નેય' વગાડી જાણે છે. નેય, એક જાતનુ લાંબા વાંસમાંથી બનાવેલુ વાંસળી જેવુ વાદ્ય છે; જેમાં છ કાણા ઉપરની તરફ અને એક કાણુ નીચેની તરફ હોય છે. આમ તો બધી નેય વાંસળીને કોઈ સજાવતુ નથી હોતુ; પણ મારા મામાની વાંસળી પર સરસ મજાની ટ્રેડીશનલ ડીઝાઈન ચીતરેલી હતી.

અમીના નાની દુઃખી દુઃખી જણાતા હતા; ગળામાં જાણે કંઈ ભરાઈ ગયુ હોય એમ એમણે પહેલા તો ગળુ ખંખેર્યુ અને પછી નિ:સાસો નાખતા બોલ્યા "એ દિવસે મેં એને ગાડી લઈને બજારમાં મારી સાથે ખરીદી કરવા આવવાનુ ના કીધુ હોત તો જ સારુ હતુ"

'મા, તને ક્યાં ખબર હતી કે મિલીટરીએ એ દિવસે માર્કેટમાં રસ્તો બ્લોક કરી રાખ્યો છે?' ફાતિમા માસીએ નાનીને સમજાવતા કીધુ.

'હા, એ વાત સાચી કે મને રોડ બ્લૉકની ખબર નહોતી પણ, એ દીવસોમાં શહેરની શેરીઓમાં કંઈને કંઈ માથાકૂટ ચાલી રહી છે એ વાતથી કંઈ હું અજાણ નહોતી. મારે અઝીઝને સલામત રાખવો જોઈતો હતો'

પણ અમારી આઈશા માસી, જે કુટુંબમાં સૌથી વધારે ધાર્મિક અને એનાથીયે વધારે મજબૂત મનોબળ વાળા હતા એમણે નાનીમાને એ ગોઝારા દીવસની ઘટનાની જવાબદારી લેતા રોક્યા : 'જે કંઈ થાય છે એ અલ્લાહની મરજીથી થાય છે મા, એ સમયે અઝીઝ ચડતુ લોહી હતો, જુવાનોને એમ હોય છે કે એમને કોઈ કંઈ કરી શકે એમ નથી. જો એ દિવસે એ તારી સાથે બહાર ના નીકળ્યો હોત તો કદાચ કોઈ બીજાની સાથે બહાર નીકળ્યો હોત. અલ્લાહની મરજી હોય એ થઈને જ રહે છે, એમની મરજી સિવાય પાંદડુ પણ નથી હાલતુ, એમાં શંકા-કુશંકા ના કરાય.'

'પણ બધા જુવાન છોકરાઓ પર ખતરો છે એ વાત તો હું સારી પેઠે જાણતી હતી' નાની પણ કોઈ રીતે પોતાની વાતનો તંત મૂકવા તૈયાર નહોતા.

અમારી મુનિરામાસી જે ચાર વર્ષની નાની ઉંમરે જ અંધ થઈ ગયા હતા; કોઈ અજાણ બિમારીને લીધે એમની આંખોના ડોળા અચાનક જ સૂકાઈ ગયા અને આંખો સીધી સપાટ થઈ ગઈ; એ બીજી બહેનો અને પોતાની માની વાતો સાંભળતા-સાંભળતા પોતાની એક દિકરી માટે સ્ટીલના સોયાથી સ્વેટર ગૂંથવામાં મશગુલ હતા. મુનિરા માસી ભલે આંધળા હતા પણ એમનો નમણો ચહેરો ખૂબ જ સુંદર અને સોહામણો હતો. એટલે જ એમના લગ્ન સારા મુરતિયા સાથે થઈ શક્યા હતા અને એમણે પોતાના પતિને ઘણા બધા બાળકોની ભેટ ધરી હતી. મારી માસી એટલી હોંશીયાર હતી કે એને પોતાને ઘરે ઘરકામમાં કોઈની જરૂર ન પડતી, એ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા હકારાત્મક અભિગમ જ અપનાવતી. એણે પણ ટાપસી પુરાવતા કહ્યુ "અલ્લાહનો પાડ માનો કે અઝીઝ આપણા બધાની સાથે તો છે"; જાણે માસી બધાને યાદ અપાવતી હોય એમ બોલી "એવુ પણ બન્યુ હોત કે આજે આપણે બધા એના માટે ગેરડાઈ શેદાન (Gerdai Shhedan)ની મુલાકાત લેતા હોત".

મેં એક આંખ ત્રાંસી ખોલીને જોઈ લીધુ; ગેરડાઈ શેદાનનો ઉલ્લેખ થતા જ મારી મા, નાની મા અને બાકીની ત્રણ માસીઓ પથ્થરની મૂર્તી જેવી થઈ ગઈ, એમની આંખો એકબીજા પર સ્થીર થઈ ગઈ હતી અને હોઠ જોરથી ભીડાઈ ગયા હતા.

બીજા બધા કૂર્દોની માફક મેં પણ "ગેરડાઈ શેદાન" એટલે કે "શહીદો ની ટેકરી"ની વાતો સાંભળી હતી. એ જગ્યા કૂર્દ લોકો માટે એક તીર્થધામ જેવી બની ગઈ હતી, એ જગ્યા - જેની મુલાકાત ઘણા કૂર્દ લોકો લેતા હતા અને ખાસ કરીને મૃતકોના સગાવાહલાઓ મુસ્લીમોના પવિત્ર દિવસ શુક્રવારે ત્યાં ખાસ મુલાકાત લેતા. એ બધા ત્યાં પોતાનુ દુઃખ વ્યક્ત કરવા અને જે નિર્દોષ લોકોની ત્યાં કતલ કરવામાં આવી હતી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા. કૂર્દ લોકો પર બગદાદના સત્તાધારીઓ કાયમથી સિતમ ગુજારતા આવ્યા હતા અને નિર્દોષીની એટલી બધી કત્લેઆમ એમણે ચલાવી હતી કે લોકોને એનો ચોક્કસ આંકડો યાદ રાખવો મુશ્કેલ છે. અને કાળક્રમે કૂર્દ લોકો એ ભૂલતા પણ થઈ ગયા ગતા. પણ, આ શહીદોના ટીંબા પરની કત્લેઆમ વર્તમાન સમયની કદાચ સૌથી મોટી કત્લેઆમ હતી.

મારા જન્મ બાદ તરતના ગાળામાં ઈરાકી સૈન્ય અને કૂર્દ લોકોમાં ઘણા લોહીયાળ સંઘર્ષો થયા હતા. એના જ ભાગ રૂપે એક દિવસ અચાનક સુલેમાનિયા પર તૈનાત ઈરાકી લશ્કરે ૧૪ થી ૨૫ વર્ષની વયના કૂર્દીશ યુવાનોને ઘેરવાના અને પકડવાના ચાલુ કર્યા. સૈનિકો આ યુવાનોને શહેરની શેરીઓ સોંસરવા કૂચ કરાવીને ઉંચે ટેકરી પર એવી જગ્યાએ લઈ જતા જે નીચે રહેલા શહેરીઓને આસાનીથી નજરે પડી શકે. ત્યાં એમને પાવડા-કોદાળી આપીને ખોદકામ કરવાનુ કહેવાયુ. તમાશો જોતી ભીડ અને જે લોકો ખાડા ખોદી રહ્યા છે એ જુવાનો બધામાં ગજબની ધાસ્તી ફેલાઈ ગઈ હતી.. કારણ કે, ખોદનારાને ખબર હતી કે એ લોકો એમની પોતાની કબરો ખોદી રહ્યા છે. અને નીચેથી જે ટોળુ જોઈ રહ્યુ હતુ એને પણ ખબર હતી કે હમણા આમને ગોળીએ દેશે અને એણે પોતે ખોદેલા ખાડમાં જ એને દાટી દેશે. પણ જેવા ખાડા ખોદાઈ રહ્યા કે સૈનિકોએ પકડાયેલામાંથી મોટાભાગના લોકોને એ ખાડામાં ઉતરવાનો હુકમ કર્યો અને કેદીઓમાંના જ કેટલાકને એમની પર માટી નાખવાનુ કીધુ, એમણે એ બધાને આખે આખા દાટવાને બદલે ગળા સુધીનો માથાનો ભાગ બહાર રહે એવી રીતે આખુ શરીર ભોંયમાં દબાવી દીધુ. પછી બાકી રહેલાઓને પણ સૈનિકોએ જાતે જ એવી રીતે ગળા સુધી દાટી દીધા.

એ દ્રશ્ય કોઈનુ પણ કાળજુ કંપાવી દે તેવુ હતુ, દૂર દૂર નજર ફેંકો ત્યાં સુધી જમીનની ઉપર માણસોના ચીચીયારીઓ પાડતા માથા સિવાય કંઈ નજરે નહોતુ પડતુ. કહેવાતુ કે ભેગી થયેલી ભીડ બહુ જ દહેશતભર્યા અચંબામાં હતી. પણ એમને તે છતાંય રાહતની લાગણી હતી. કારણ કે, આજ પહેલા સરકારે ક્યારેય આવી રીતે કોઈની કતલ નહોતી કરી. બધાને એમ હતુ કે આ યુવાનોના શરીર ભોંયમાં દાટી રાખી એમના માથા તાપમાં થોડો સમય તપવા દેશે, પછી તેમને જમીનમાંથી બહાર કાઢશે અને ઘરે જવા દેશે. સૈનિકોનો મકસદ કદાચ એમનુ મનોબળ તોડી નાખવાનો હોય અને સાથે સાથે એમના માથા શેકાઈ જાય એવુ પણ એ લોકો ચાહતા હોવા જોઈએ.

પણ, એટલામાં જ લોકોના આશ્ચર્ય વચ્ચે ટેકરી પર એક મિલીટરી ટેન્ક મંગાવવામાં આવી અને મિલીટરી કમાન્ડરે ટેન્ક ડ્રાઈવરને જુવાનોના માથા પરથી ટેન્ક ચલાવવાનો આદેશ આપી દીધો. એક પછી એક જુવાનોના માથા નારીયેલની માફક ટેન્કના લોખંડી પૈડા નીચે વધેરાવા લાગ્યા. ખોપડીઓ તૂટતી ગઈ અને લોહી વહેતુ રહ્યુ. હાજર રહેલી ભીડ કમકમાટીથી એ જુવાનોના માથા ચગદી નાખવાનો ભયંકર અમાનાવીય ખેલ જોતી રહી. ઈરાકી સૈનિકો એ બધાની આસપાસ અને પગ પાસે ગોળીઓ વરસાવી રહ્યા હતા જેથી કોઈ આગળ ના વધી શકે. પકડાયેલા યુવાનો અને એમને માટે ખોદાયેલા ખાડાઓ એટલા પ્રમાણમાં હતા કે ટેન્ક ડ્રાઈવરને બધેબધા માથા છૂંદી નાખતા ઘણો સમય લાગ્યો. ત્યાંસુધી ભેગી થયેલી ભીડમાં ભયંકર અફડાતફડીનો માહોલ થઈ ગયો હતો. સૈનિકો હજુ પણ ગોળીબાર કરીને ભીડને કાબુમાં રાખી રહ્યા હતા. સૌથી મોટી શર્મનાક વાત એ હતી કે કેન્દ્રમાં રહેલી ઈરાકી સરકારે આ પાશવી જુલમને ઢાંકવાનો જરાપણ પ્રયાસ નહોતો કર્યો. એને લોકોની નજરોથી બચાવેને અંજામ આપવાને બદલે એણે તો જે લોકો ચગદાઈ રહ્ય હતા એ યુવાનોના કુટુંબીઓને એ જોવા માટે બોલાવ્યા હતા કે કેન્દ્ર સરકાર સામે જંગે ચડનારના શા હાલ-હવાલ થાય છે એ નજરે જુઓ.

પણ કૂર્દ લોકો ય કંઈ એમ ડરી જાય એવા નહોતા. ઉલ્ટાનુ આ ઘટનાની અસરો એકદમ વિરોધી થઈ. આ જંગલી પ્રકારની કત્લેઆમના સમાચાર આખાય કૂર્દીસ્તાનમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. ઇરાકી સરકારના આવા ભયંકર અન્યાયના પડઘા આખા કૂર્દીસ્તાનમાં પડવા લાગ્યા. આટલા ભયંકર નરસંહાર પછી કોઈ શાંતિ સમજૂતી કરવાની શક્યતા તો રહી નહોતી. એટલે, ઠેકઠેકાણે સંતાયેલા પશમરગા - સ્વાતંત્ર્ય સેનાની બહાર નીકળી આવ્યા અને યુવાનોની આ ભયંકર કત્લેઆમનો હુકમ આપનાર મુખ્ય ગુનેગાર - ઈરાકના પ્રેસિડેન્ટ અબ્દુલ સલામ આરીફ - નો જીવ લેવાના કેટલાય અસફળ પ્રયત્નો થયા.

પણ એને લીધે લડાઈ વધી પડી અને ઉત્તરની પહાડીઓમાં વધારે ને વધારે ઈરાકી સૈનિકોના ધાડા ઉતરી આવ્યા. કૂર્દ લોકોએ થોડા સમય સુધી તો ઘણી સારી ટક્કર આપી, અને ઈરાકના પ્રેસિડેન્ટ સામે કેમેય કરીને નમતુ ના જોખ્યુ. પણ, જેમ જેમ લડાઈ આગળ વધતી ગઈ, બળવાને કાબુમાં લેવા ઈરાકી સૈન્યની સંખ્યા પણ વધતી ગઈ અને સમય જતા ઈરાકી સૈનિકો કૂર્દીશ સ્વાતંત્રતા સેનાનીઓ પર ભારે પડવા લાગ્યા. પશમરગા-સ્વાતંત્ર્ય સેનાનીઓ હવે જીવ બચાવવા આમથી તેમ ભાગવા અને છુપાવા લાગ્યા. પણ આ પશમરગા લડવૈયાઓની ગેરહાજરીમાં કુર્દીશ આમ-પ્રજાની હાલાકી ઓર વધી પડી, હજારોની સંખ્યામાં આમ-નાગરીકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, લોકોના પશુધનને ગોળીએ દેવામાં આવ્યુ, પાણીના કૂવાઓમાં ઝેર ભેળવવામાં આવ્યુ, ઘરોને આગ લગાડવામાં આવી. મોત અને વિનાશનો આ નગ્નનાચ આખાય કુર્દીસ્તાનના ગામડે-ગામડે ભજવાયો.

ગામાડાઓને તબાહ કર્યા પછી ઈરાકી સૈન્યએ તેના હાથ કૂર્દીસ્તાનના શહેરો તરફ લંબાવ્યા અને તે સમયે મારા અઝીઝ મામા તેમના પંજામાં સપડાઈ ગયા. એમની જીંદગી ધૂળધાણી થવાનુ એકમાત્ર કારણ એ હતુ કે એ એક આજ્ઞાંકિત પુત્ર હતા. એ દિવસે જ્યારે એમની માતા એ કીધુ કે 'મને શહેરમાં જઈને જરૂરી સામાન લઈ આવવામાં મદદ કર' ત્યારે એ માતાની મદદ માટે તરત જ તૈયાર થઈ ગયા હતા. આ બાજુ ઈરાકી સૈનિકો માટે એમના પ્રેસિડેન્ટના ખૂનના પ્રયાસો પછી દરેક કૂર્દીશ પુરુષ શંકાને પાત્ર બની જતો હતો, અરે સાવ નાના વિદ્યાર્થીઓને પણ આ લોકો છોડવા તૈયાર નહોતા. એ દિવસે નાનીમાની સાથે શહેરમાં જતા હતા ત્યારે એમને રસ્તામાં નવા જ ઉભા કરેલા ચેક-નાકા પાસેથી પસાર થવાનુ બન્યુ. મામાના તો બધા કાગળો પણ એકદમ ક્લીયર હતા અને કાગળીય સ્પષ્ટ રીતે કહેતા હતા કે એ એક વિદ્યાર્થી છે અને નહી કે પશમરગા, તે છતાંય કોઈ જાતના કારણ વગર એમની એ સમયે અટકાયત કરી લેવામાં આવી. બિચારા મારા અમીના નાની લાચારીથી જોઈ રહ્યા કે એમના સૌથી નાના અને પ્યારા દિકરાને ઘસડીને મિલીટરી વાનમાં ઠાંસીને એ લોકો ઉપાડી ગયા.

લાચારી ભર્યા કેટલાય મહીના વિતી ગયા પછી અને ઘણી મહેનત બાદ કોઈ જાણીતાએ મામાને ક્યાં રાખવામાં આવ્યા છે ભાળ કાઢી. મોતથી યે બદતર સજાઓ અને ભયંકર યાતનાઓ માટે કુખ્યાત એવી જેલમાં એમને રાખવામાં આવ્યા હતા. જો કે કુટુંબને માટે સૌથી મોટી રાહતની વાત એ હતી કે એમનો દીકરો હજુ જીવીત હતો. એની કેવી હાલતમાં એમનો ભેટો એમના દીકરા સાથે થશે એનો વિચાર કરતા પણ એમને ધ્રુજારી છૂટી જતી હતી. એમને જેલમાંથી છોડાવવાના મરણીયા પ્રયાસો કુટુંબના લોકોએ કરી નાખ્યા અને છેવટે મસમોટી લાંચ આપ્યા બાદ એમનો છુટકારો થયો.

જેલમાંથી છોડાયેલા એ નિસ્તેજ, ક્ષુબ્ધ અને સાવ શાંત છોકરાને જોઈને કોઈ એમ ના કહી શકે કે થોડા મહીના પહેલા ઈરાકી મિલીટરી એક સુંદર તરવરીયા જુવાનને પકડી ગઈ હશે. એમના શરીર પર સીગારેટના ડામના ડાઘ, ઉખાડી નાખેલા નખ જેવા શારીરિક અત્યાચારના નિશાનો હતા પણ તેમના પર થયેલો સૌથી મોટો અત્યાચાર અદ્રશ્ય જ રહ્યો, અથવા શરૂઆતમાં તો બધાને એમ જ લાગ્યુ કે અત્યાચારને લીધે માત્ર શારિરીક નુકસાન જ થયુ છે. પાછા આવ્યા બાદ શરૂ શરૂમાં તેમણે જ્યારે લોકો સાથે બોલવાની કે પોતાની પથારી છોડવાની નારાજગી દર્શાવી ત્યારે ઘરના લોકોને લાગ્યુ એમના પ્યારા અઝીઝને જેલવાસનો અને ત્યાંના અત્યાચારોનો આઘાત લાગ્યો છે અને સમય જતા બધુ સારુ થઈ જશે. પણ, એમની મૂઢ અને પાગલ જેવી વર્તણૂકથી થોડા સમયમાં જ સમજાઈ ગયુ કે એમના પ્યારા અઝીઝનુ તેજ દિમાગ જેલવાસ દરમિયાન છીનવાઈ ગયુ છે. એ લોકો જેને ઓળખતા હતા એ તરવરીયો જુવાન આ નહોતો, એ હવે ગણિતશાસ્ત્રી નહોતો રહ્યો, એની અંદરનો આશાસ્પદ વિદ્યાર્થી હવે મરી પરવાર્યો હતો. એ પહેલા જેવો સંવેદનશીલ દીકરો કે બહેનોને સધિયારો આપનાર ભાઈ નહોતો રહ્યો. એ હવે એના મિત્રો સાથે કલાકો સુધી બૉર્ડ-રમતો નહોતો રમતો, અરે એને કોઈ જાતની રમતમાં રસ નહોતો રહ્યો. એને લગ્નની કે બાળકોની વાતમાં પણ કોઈ જ રસ નહોતો. મારા અઝીઝ મામા જાણે કે જીંદગીથી સાવ અળગા જ થઈ ગયા હતા.

આખરે એના જેલવાસ દરમ્યાન એવુ તો શુ બની ગયુ હતુ?? કુટુંબમાં કોઈને એની સાચી વાતની ક્યારેય ખબર નહોતી પડી શકી, પણ એમની જ કોટડીમાં રાખવામાં આવેલા બીજા એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે તમારી જાણમાં અને કલ્પનામાં આવી શકે એવા દરેક અત્યાચારો અમારી પર ગુજારવામાં આવ્યા હતા. ખાસ કરીને એવા અત્યાચારો જેને યુવાન વિદ્યાર્થીઓ ખૂબ નફરત કરતા હોય. જ્યારે જ્યારે કૂર્દીશ લોકોની વાત આવે ત્યારે ઈરાકી સત્તાધારીઓનુ વલણ સાવ સ્પષ્ટ હોય છે - દરેકે દરેક કૂર્દ તો ખતરો છે જ; પણ જેના હાથમાં પેન હોય એ કૂર્દ તો સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે. એટલે એ લોકો અત્યાચાર કરવામાં કોઈ પાછી પાની નહોતા કરતા. જેલમાં અઝીઝ મામાની કોટડીનો સંગાથી વિદ્યાર્થી એમનાથી ખાસ્સો અભિભૂત હતો, કેમકે જેલમાં કોઈપણ પ્રકારના અત્યાચારો થતા ત્યારે એઓ એકદમ નિડર રીતે વર્તતા અને અગાધ હિંમત બતાવતા હતા. પણ એ સંવેદનશીલ યુવાન સ્ત્રીઓ અને બાળકોને અપાતી પીડા નહોતો જોઈ શકતો. તે છતાંય એમનામાંનો હિંમતવાન યુવાન તૂટ્યો નહોતો. પણ, એકવાર જ્યારે એમને ખુરશી સાથે બાંધીને એક કુમળા બાળક સાથે અમાનવિયપણે થતા અત્યાચાર જોવા માટે મજબૂર કરવામાં આવ્યો ત્યારે છેવટે મામા ભાંગી પડ્યા.

એટલે જ જ્યારથી એ જેલમુક્ત થયા છે ત્યારથી એમને બાળકોને ખુશ કરવાની પ્રવૃત્તિઓ જ સૌથી વધારે ગમે છે. કુટુંબના બધા જ નાના-નાના બાળકો સાથે રમવુ, એમનુ મનોરંજન કરવુ, પોતાનુ પ્રિય વાજિંત્ર વગાડવુ અને ગાવુ આ જ એમની મુખ્ય પ્રવૃત્તિઓ થઈ ગઈ છે. એ જાણે કે ભૂતકાળમાં પાછા પગલા ભરીને પોતે જાતે જ એક બાળક બની ગયા છે, નહી કામ કરવાની ઝંઝટ કે નહી ભણવાની પંચાત, અને બાળક જેવી મસ્ત જીંદગી જીવવાની. આ આશાસ્પદ અને તરવરાટથી ભરેલા યુવાનની આવી દશા થવા પાછળ એનો એકમાત્ર ગુનો એ હતો --- કે એ કૂર્દ છે.

એમની આ બધી ક્રૂર યાતનાઓની અને કૂર્દો દ્વારા કાયમ માટે સહન કરવામાં આવતી ઈરાકીઓના વિકૃત વહેવારની ને એવી બધી વાતોનો ધીમો ધીમો ગણગણાટ સાંભળતા સાંભળતા હું ક્યારે નિંદરમાં સરી પડી એની મને ખબર જ ના રહી.

પ્રકરણ - ૨ સમાપ્ત; પ્રકરણ -૩ ક્રમશ: