ગઝલ
જખમ પણ લાગે છે વહાલો
એ બહાને હોય પડાવ તમારો.
મલમ તો એક બહાનું હતું,
માણ્યો મધુરો સ્પર્શ તમારો
ના પીધા કરો જામ તમે એકલા
કડવો ભલે, છે હક પણ અમારો.
કર્યો બદનામ અનેક ઉપકારો છતાં,
પણ, સાગર લાગ્યો નથી મુજને ખારો.
છે જિંદગી ઘાચીનાં બળદ જેવી સૌની
સૌ ગોળ ગોળ ફરતા, વારા ફરતી વારો…
પ્રફુલ્લ આર શાહ…
***
જીવ આવે છે ત્યારે
જાણે કોરો કાગળ.
જાય છે ખાલી હાથ
સ્મરણોનાં ફૂલો પાથરીને!
ના આપે છે પળભરની તક
કહેવા 'Thank You! '
પ્રફુલ્લ આર શાહ
***
હાયકુ
મારા ઘરમાં
હું નહીં પણ તું છે
શમણાં રૂપે!
***
વસંત જોઉં
કાલિદાસને ખોળું
વન વન હું!
પ્રફુલ્લ આર શાહ.
***
જ્યારે જ્યારે પુસ્તકાલય જોઉં છું,
જાણે ગૌશાળા જોઉં છું.
રાહ જોઈ રહ્યાં હોય છે
ગાય, વાછરડાંની જેમ
ક્યારે દરવાજા ખૂલે
અને ..
વળગી પડે સ્વજનની
જેમ!
પ્રફુલ્લ આર શાહ.
ગઝલ
***
ભૂલો હું પડ્યો છું કારણ ના કહું.
રજ વીણી રડ્યો છું કારણ ના કહું.
કાગળને જોયા કરતો ને લખતો
ફાડીને નાચ્યો છું કારણ ના કહું.
હોય ખબર તારા આવન જાવનની
જોવાને છૂપ્યો છું કારણ ના કહું.
શું આવે અંજામ ખબર છે મુજને
વિષ પીને તર્યો છું કારણ ના કહું.
કર્મોનાં જાણું છું પરિણામો હું
તો પણ બંધાયો છું કારણ ના કહું.
પ્રફુલ્લ આર શાહ
ફાગણ નો વંટોળ
લહેરાય મુજ તનમન
તલ્લીન રંગ મુજ અંગઅંગ
ખેલાતો જાઉં હું સંગસંગ.
પ્રફુલ્લ આર શાહ
રામ સીતા છે
સૌનાં ઘર ઘરમાં,
કૃષ્ણ ને રાધા
થઈ ઝૂલે સૌ પ્રેમે
બાકી છે આંગણામાં!
પ્રફુલ્લ આર શાહ.
***
પ્રકાશને પ્રકાશ ના ધરો
મંદિર જઈ તમે જરા નમો!
પ્રફુલ્લ આર શાહ
***
મા બાપે બધું આપ્યું
દીકરીને
વળાવતાં
કરિયાવળમાં ,
સિવાય
પોતાની પીડા!
પ્રફુલ્લ આર શાહ
હાઈકુ
અગ્નિ પ્રગટ્યો
જોઈને તડફડું
લાચાર છું હું.
***
પાંખ વીંધાઈ
આભ બન્યું શમણું
જોયા કરું હું
***
.છે સરનામું
ઊડતા પંખીઓનું
વૃક્ષોનું ટોળું.
***
તું હસી અને
અજવાળાંને પાંખ
ફૂટી ઘરમાં!
***
ઝુલ્ફોમાં ખીલે
ફૂલ અને મહેંકે
ફૂલ થઈ તું.
•••
પરસેવાનાં
બુંદો ચમકી ઊઠ્યાં
મોતી થઈને.
+•••+
દર્પણ જોતાં
કોયલડી ટહુકી
વૃધ્ધત્વ ખર્યું
+•••+
પથ્થર હોય,
વૃક્ષે ફળો ઝૂલતાં
ચંચળ મન
ચડે તોફાને ત્યારે
પથ્થર પણ ધ્રૂજે
-
ગઝલ-
આંસુ તારાં કે પછી મારાં દઝાડે છે મને.
આગ તારી હોય કે મારી રડાવે છે મને.
જિંદગીનો શો ભરોસો રાખવો મારે હવે
હાથમાં બાજી ભલે મારી,હરાવે છે મને.
વાત સાચી હોય તો પણ કોણ માને તે ખરી
ગાયને બકરું બનાવી, બનાવે છે મને.
પ્રભુ તણાં વેપારમાં ક્યાં છે હવે કોઈ શરમ
ભક્તિ કેરા તાયફામાં તો લજાવે છે મને.
પ્રફુલ્લ આર શાહ.
***
શબ્દોને
પાંખ ફૂટે છે
ત્યારે
આ ગગન પણ
નાનકડું લાગે છે,
શબ્દો જો
રીસાઈ જાય તો
રજની કણિકા પણ
મહાસાગર લાગે છે!
પ્રફુલ્લ આર શાહ.
છે ફાનસમાં અગ્નિ ના બાળે
દીવાદાંડી જેવા તારે.
માગી જો જે સુદામા થઈને.
તાંદુલ ઝૂંટીને તે આપે.
સંબંધોને પણ નખ હોય છે.
થઈ ફૂલોની પંખડી, કાપે.
અવસર આવે ગામ ગજવતો
ધૂળ ખંખેરીને સૌ નાચે.
ઊભા સૌ કાતર ગજ લઈને
ના ખુદને, પડછાયા માપે.
પ્રફુલ્લ આર શાહ.
ઘર
ઘર ને મારે તાજું રાખવું પડે.
નહીં તો નાના બાળકની જેમ
રિસાઈને પડી રહે.
ના બોલે,ના ચાલે
બાજ શી નજર
આપણા તરફ તાકેલી હોય.
***
ઘર
રાખું સાફ સુથરું
રોજ સવારે.
બપોર કે સાંજ
એને રાખું ચકચકતું
લાડ પણ લડાવું..
વાર તહેવારે
શણગારવું પડે
મનગમતાં ગીત સુણાવું
અને ગલૂડિયાની જેમ
મને વહાલ કરે..
કોયલ કંઠી ગીત સુણાવું
ઝગમગતી લાઈટમાં ફોટા પાડું
ખુશ ખુશ થઈ જાય
ખુદ વસંત બની જાય
વરસાવે પ્રેમનો વરસાદ..
અને
બહાર જાઉં તો
પથરાઈ જાય પાનખર એના ચહેરા પર..
હું કરું કે ના કરું
મારો ઈંતજાર કરતું ઊભું હોય
મારું ઘર...
પ્રફુલ્લ આર શાહ.
આંખો ખૂલે
તો
છે પ્રભાત.
ક્યાંક
ગુલાલ,ગુલાબ,
કે
ખ્વાબ!
પ્રફુલ્લ આર શાહ.
***
હું ગરીબ છું.
આર્થિક બેકવડ્ !
જાતે હિન્દુ!
એય્ વાણિયાનું
ઉદ્ બોધન
મને મારું અપમાન
જાણે સળગતી આગ!
સરકારી ફાઇલમાં
મારા માટે નોકરીનો વિકલ્પ નથી.
ના પિછડી જાતિનો છું
નોકરી માટે ગોળગોળ ફરું છું
છોકરી મોં મચકોડે છે
ભણતર નથી
સાફ સફાઈની નોકરીને લાયક નથી
કારણ
પિછડી જાતનું સરકારી કાગળિયું નથી.
મને મારી જાત નડે છે
હું હિન્દુ છું
બગાવત મારા લોહીમાં નથી..
મારી પાસે મારી આગ છે
વિચારું છું
કંઈક તો કરવું પડશે, પડશે
બાકી જોયું જવાશે..
થઈ થઈને શું થશે?
બોલો, બોલો, કંઈક તો..
-- પ્રફુલ્લ આર શાહ.
આંસુનો દરિયો ડૂબાડે.
જીવન સાગર પાર ઉતારે.
પળભરનો આ તો છે મેળો,
ગીત ખુશીનાં તું ગાઈ લે.
તિનકા શો ભાર સબંધોનો
મૃગજળ ની જેમ જ દોડાવે.
હોય સદા ભીની રેત અને
ભીંજાવે સ્મરણ થઈને.
પડકારોએ ચીંધ્યો માર્ગ
ખુશીઓનાં ફૂલો વરસે!
(ગાગાગાગા ગાગાગાગા)
પ્રફુલ્લ આર. શાહ
April 2015 (2)
મળી ગયું.
મને સુગંધનું સરનામું મળી ગયું.
રંગોનું રંગીન અજવાળું મળી ગયું.
શુષ્ક વહેતી મારી જીવન સરિતાને
ભ્રમર ગુંજનનું ટોળું મળી ગયું.
મોસમને આપી દઉં મારી મોસમ
ફૂલ કાંટાનું હસતું જોડું મળી ગયું.
નાનકડી છાબડીમાં નાનું શું ચમન
કારણ પ્રભુ શૃંગારનું મળી ગયું.
રાત હોય કે ખીલતી સવાર
સદા દ્રાર એનું ઉધાડું મળી ગયું.
19-4-15.
----------
આપણાં પ્રેમનો.
થઈ કોયલ ટહુકો સુણાવો આપણાં પ્રેમનો.
તરસ્યાં છે અધર અધરરસ પીવરાવો આપણાં પ્રેમનો.
ફરી વળ્યો છે વિરહ,થઇને જાણે ગ્રીષ્મની આગ,
થઈ ગુલમહોર શ્રાવણ વરસાવો આપણાં પ્રેમનો.
જોયા કરું ઉદાસી ઢળતા સૂરજની સમી સાંજે,
થઈ આવો આંગણિયે ચાંદ પૂનમનો આપણાં પ્રેમનો.
થઈ ગઈ છે રાત મારી વેરાન તમારા ઈંતજારે,
કરવા એકરાર શમણાંમાં આવો આપણાં પ્રેમનો.
પ્રતિકૂળતાની આંધીમાં ખીલ્યો છે છોડ આપણાં પ્રેમનો,
આવે ના વારો પસ્તાવાનો, આપણાં પ્રેમનો.
પ્રફુલ્લ આર.શાહ
7-4-2015.
***
મધુરો સહવાસ ના ભૂલી શક્યો.
સુવાસ ફૂલોની ના તોલી શક્યો.
થઈ ગયો ખુદ હું આખરે ફના
વિશ્વાસ તમારો એ ના તોડી શક્યો.
ઢળતી ગઈ સાંજ નામ તમારું રટતાં
સ્મૃતિદોષ,નામ તમારું ઉચ્ચારી ના શક્યો.
જરા અમથી તડ જિંદગી બદલાઈ ગઈ
રેશમની દોરી સમો તાર જોડી ના શક્યો.
રહી ગઈ મનની વાત મારાં મનમાં
ઝલક અંતિમ યાત્રાની જોઈ ના શક્યો.
17-4-15
***
થયો છું.
હું મને ગમતો થયો છું.
દર્પણ નીરખતો થયો છું.
લાવીને આશાનાં તોરણો
ખીજાને રંગતો થયો છું.
છે નયનો મારો પટારો
ગમતાને ભરતો થયો છું.
ગમ તો છે પરપોટા જેવા
ફોડી મજા લેતો થયો છું .
કરવા ભાર ક્યારેક ઓછો,
આંસુઓથી ધોતો થયો છું.
રાખવા રસીલાં અધરો
તુજને ગમતો થયો છું.
જોયા કરું છું કોરું આભ
નામ એક લખતો થયો છું.
પ્રફુલ્લ આર શાહ
૧૯-૪-૧૫.
***
મીઠાં લાગે છે સંભારણાં.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
લોલીપોપનો ખટોમીઠો સળવળે જીભે સ્વાદ
ગમખૂશીનાં વરસતાં વાદળ વચ્ચે
જાય ઝબકી વીજળી સમો પ્રસંગ
યાદગાર .
સૂકી આંખે વાગોળતાં રહીએ બાળપણ.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
હરણ સમી રફ્તારે સતત દોડતાં રહ્યાં
હતું જનૂન,માથે કફન હતી એક લગન.
આંધી તોફોનો વચ્ચે આગળ વધતાં અમે
જિંદગી વાગોળી રહ્યાં ધવાયેલાં યોધ્ધા થઇને.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
કશું સમજું એ પહેલાં આવી પહોંચ્યું
થઈને દર્પણ સમી સાંજે મારું ઘડપણ...
જામ્યો છે મેળો વહાલભર્યો લાગણીનાં
મંડપે .
જોયા કરું મારાં જ પ્રતિબિંબો યાદ કરી કરીને.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
17-4-15
---------
સુખનું સરનામું
---------------
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું.
થઈ ટહૂકો કોયલનો ઊડું.
થઈ સુગંધ પવન પ્રસરું.
મીઠી મધુરી લઈ વાણી
રતુમડાં અધરો શણગારું.
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું.
ચહેરો જાણે મારું ઉપવન
આંખે આંજુ સ્નેહનું કાજળ.
મોસમ તો કરે આવનજાવન
મળેલી પળોને હું વધાવું .
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું
April 15
---------
સમી સાંજે.....
ના તું પત્ની,ના હું હવે તારો પતિ.
સમી સાંજે જીવી લઈએ થઈને સાથી.
ના તું મૂંજાઈશ,ના હું મૂંજાઈશ હવે,
ફરશું સાથે દિલનો બોજો માથેથી ઉતારી.
કરી લે જે હૈયું હળવું ખભો મારો માંગી,
રડી લઈશ હું પણ માથું મારું તુજ ખભે ઢાળી.
ના રાખશું આશા,ના કરશું અનાદર એમનો,
ચલાવ્યે રાખશું ગાડી, કરવા તેમને રાજી.
બહું કર્યું મારુંતારું,પણ ના કશું હાથ આવ્યું,
છોડી મોહ ચાવીનો સુખે ભજીશું શ્રી હરિજી.
પ્રફુલ્લ આર શાહ.
૧૪-૪-૧૫.
-----------
શ્યામ તારી સ્મૃતિમાં...
-------
રાધા ઝૂલે થઈ શ્યામની વાંસળી.
લહેરાતાં પર્ણો લહેરાય થઈ કાંબળી.
જોયા કરું હું વહેતાં જમનાજી...
બુંદબુંદ જાણે છલકતાં ઝારીજી.
દોડતી ગૈયા દોડતાં ગ્વાલગોપાલ
ઠેરઠેર પથરાયાં જાણે માખણમિસરીજી.
ઊગતી સવાર કે ટમટમતી ચાંદની
ઊતારે જાણે શ્યામસુંદરની આરતી.
મોરલાઓનો કેકારવ ને મોરપીચ્છ
જાણે ફરફર મલકાતી કલગીજી.
વૃજની રજમાં પડતી પા પા પગલી
અંગઅંગને સ્પર્શે ઝંખના અમી ભરી.
શ્યામ તારી ભૂમિમાં ના રહી મારી મતિ
જ્યાં જોઉં ત્યાં તારી મંગલમય સ્મૃતિમાં...
પ્રફુલ્લ આર શાહ
૯-૪-૧૫.
---------
મારાં અણુઅણુમાં છે સ્પર્શ મોસમનો,ભલે કહેવાવું પથ્થર.
બુંદબુંદમાં વહે વેદનાં નીચોડની,માણે મજા ખુશ્બુની, જેને કહેવાય અત્તર!
આવે છે મુકવાને લેવા સવારસાંજ મા કે બાપ હોંશે હોંશે શાળામાં,
ઝીલતું હોય છે એમની આશાઓનાં ચોપડાંઓનો ભાર મારું દફ્તર.
કોયલનાં ટહુકાથી સૌ કોઈ વીંધાયા છે ના ઈન્કાર થઈ શકે,
પણ નથી વીંધાઈ કોયલ કે નથી સુણ્યો એનો ચિત્કાર.
જીવવા લડવું પડે છે સતત, સંજોગો સામે સતત
ખીલવશું શક્તિ પ્રતિકાર કરવાની,જોવા નહીં મળે બળાત્કાર.
જામ તો હોય છે સતત છલકાતા આપણી જિંદગીનાં,
પણ જોતાં રહીએ બીજાનાં ખાલી જામ
કરી ના શકતાં ઈન્કાર.
પ્રફુલ્લ આર.શાહ
7-4-2015.
--------------
પામવા મંજિલ
---------------
પામવા મંજિલ મારે
આગળ વધવાનું છે,મારે આગળ વધવાનું છે.
નદી છું હું,મારે સાગરને મળવાનું છે.
આવે અવરોધો કરી પાર આગળ વધવાનું છે.
હોય ચઢાણ,ઊતરાણ કે મેદાન આગળ વધવાનું છે.
મોસમની રફ્તારનો ના હવે કોઈ રહ્યો છે ડર,
છે ધ્યેય એક જ મંજિલ પામવા આગળ વધવાનું છે.
સાંજ હોય કે સવાર,પાનખરનો ના છે કોઈ સવાલ
થઈ બહાર ગીતો ગાતા આગળ વધવાનું છે.
ગતિ મારું છે જીવન,ખૂશી મારી છે બંદગી,
વીતેલી વાતોને ભૂલી આગળ વધવાનું છે.
પ્રફુલ્લ આર. શાહ. 5-4-15.
---------------
નિરાંતે
---------
ના ઉંમરનો બાધ આવે,
જોઈ ઝૂલો ઝૂલ્યાં કરું હું નિરાંતે.
ઉપરનીચેનાં હિલોળે મન ચડી જાય
ચકરાવે,
માંડ્યા કરું સુખદુખનાં હિસાબો નિરાંતે!
પવનની પાંખે બેસાડું બાળપણ
ભમ્યાં કરું વનઉપવને કરતાં કલરવ
ભર બપોરે નિરાંતે..
લઈ જાય મુજને આંગળી પકડી
મારાં પૌત્રોપૌત્રી બાગબગીચે,
નીરખ્યાં કરું તેઓને રમતાંખેલતાં
વાગોળ્યાં કરું મારો ઈતિહાસ નિરાંતે.
આપ્યું છે પ્રભુએ તનમન સ્વસ્થ
સમયની ના છે કોઈ કમી
ગુણગાન પ્રભુનાં ગાયા કરું છું
હું નિરાંતે...
પ્રફુલ્લ આર.શાહ
૬-૪-૧૫.
---------------
ક્યારે ફરીશ પાછો
-------------------
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે સુણાવીશ મને વાંસળી વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે રમાડીશ મને રાસ વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે રંગ ફાગુનનાં ખેલાવીશ વ્હાલા
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ભીંજાવીશ વરસાદી હેતમાં વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ફરીશ પાછો વિરહી મારા ગોકુળ ગામમાં વ્હાલા.
18-4-15
------------
2 April kavita
આપણા વચ્ચે
સંબંધ હતો
કે
મન મેળ
કે
પડ્યું પાનું
નિભાવી લેવાની
વૃત્તિ?
પૂછી રહી છું
આપણી પચાસમી
લગ્ન તિથિએ
વાલમ...
બની શકે તો
જવાબ આપજે
સાચે સાચો
પણ ના ખોટો....
પ્રફુલ્લ આર શાહ
April 16
કવ્વાલી
-----------
જરા શો ઘુંટ પી ને ના તું છકી જાજે..
મંજિલ તો ધણી દૂર છે, શાનમાં સમજી જજે.
ચમન જિંદગીનું ના કાગળનાં ફૂલો જેવું છે..
ઘડીક વસંત તો ઘડીક પાનખર ના કંઈ અચળ છે.
ઉછળતાં મોજાં ક્યારે ક પછાડે ક્યારે ક ઉછાળે
એની માજમસ્તીનો ના કોઈ હિસાબ છે.
આ તો સમય છે મૃગજળ જેવો દોડાવતો..
આજે રંક તો કાલે બનાવે રાય ના કોઈ ભરોસો છે.
આવે છે સૌ બંધ મુઠ્ઠી , જાય છે ખૂલ્લી કરીને
ના ખબર આપણા અહમ્ ને ક્યાં એની કબર છે!
પ્રફુલ્લ આર શાહ.
April 16
માર્ચ ૧૫
--------
(1)
છે મારા ગુરુ
----------------
આપે પ્રેરણા દીવો પ્રગટાવાની,એ જ છે મારા ગુરુ.
જેમનાં સાનિધ્યે મન પામે તૃપ્તિ,એ જ છે મારા ગુરુ.
સમજણનો બતાવી અરીસો છૂટો મને મૂકે આ જગમાં
અશ્વ બનાવી ના કરે મુજ પર સવારી એ જ છે મારા ગુરુ.
અંધશ્રધ્ધાનાં તળાવમાં ડૂબાડી ના રાખે દેડકાની જેમ,
આંજે કાજળ મારા ચક્ષુ ખોલી એ જ છે મારા ગુરુ.
બની સખા આપે જ્ઞાન,ઊંચનીચનાં ભેદ ભુલાવે,
ચાંદ શી જેની રાત અજવાળી એ જ છે મારા ગુરુ.
હોઉં જોજન દૂર છતાં લાગે સાવ પાસપાસ,
ક્ષણેક્ષણે યાદ આવતી જેમની એ જ છે મારા ગુરુ.
પ્રફુલ્લ આર શાહ ૨૩-3-૧૫.
------------
(2)
મેં તો સબંધ બાંધ્યો છે
--------------------
મેં તો સબંધ બાંધ્યો છે શ્યામ તારી સાથે.
શણગારીને રાખી છે આ નાવડી તારી માટે.
વલોવીને રાખ્યું છે માખણ
જે છે તારું ભાવતું વ્યંજન.
કરું પ્રતીક્ષા તારી ગૈયા થઈ
કરવા છે મારે તારા દર્શન.
મેં તો સબંધ બાંધ્યો છે શ્યામ તારી સાથે.
શણગારીને રાખી છે આ નાવડી તારી માટે.
જીવી જાઉં થઈ તારી વાંસળી
શોભી જાઉં થઈ તારી કલગી.
સુણવી છે કાલીઘેલી વાણી
સીવીને મારી લસરતી જીભડી.
મેં તો સબંધ બાંધ્યો છે શ્યામ તારી સાથે.
શણગારીને રાખી છે આ નાવડી તારી માટે.
પ્રફુલ્લ આર શાહ
૨૪-૩-૧૫
-------------
સફરમાં.
----------
છે મજા જિંદગીની સફરમાં.
શું બનશે ના જાણે કોઈ સફરમાં.
છે બદલાતી મોસમ જેવી સફર
ક્યારેક શાંતિ,ક્યારેક આંધી સફરમાં.
અનજાણ મળે,પોતીકા ચાલ્યાં જાય પ્રસંગે જાય યાદોં રડાવી સફરમાં.
છલકાતા રાખે જે જામ જિંદગીનાં
ચહેરો હસતો શકે તે રાખી સફરમાં.
છે જિંદગી એક શોધ પરમ સતની
થઈ જવાય ધન્ય જાય એ મળી સફરમાં.
પ્રફુલ્લ આર. શાહ
૨૮-૩-૧૫
----------
મારા માટે.
----------
બચાવીને રાખ્યાં છે આંસૂઓને મારા માટે.
આવશે પાનખરે બનીને દોસ્તો મારા માટે.
વીતી ગયાં વર્ષો દોડાદોડીમાં સમજ્યાં વગર,
ખોલી રહ્યો છું ભીતરીયો દરવાજો મારા માટે.
પાનખર હોય કે બહાર,સમય ઊભો નથી રહેતો,
નથી ફરતો લઈ ભાર સબંધોનો મારા માટે.
અજબગજબનું છે અસ્તિત્વ ના સમજાતું તારું
સમજવા આપ એક મને કાગળ કોરો મારા માટે.
નથી હું સુદામા કે કંસ કે ગામ હું ગોકુળિયું
કર એવાં ઊભા તને મળવા સંજોગો મારા માટે.
પ્રફુલ્લ આર શાહ
૨૬-3-૧૫.
----------
મુંબઈનો દરિયા કિનારો.
---------------------
છે ખારો પણ લાગે સૌને વહાલો
મુંબઈનો લહેરાતો દરિયા કિનારો.
રતાળો સૂરજ સમી સાંજે લાગતો
શાંત,સૌમ્ય,જાણે સાગરને ભેટતો.
ઊભરાય રંગબેરંગી માનવમહેરામણ
અને ખીલી ઊઠે નયનરમ્ય કિનારો.
ચટાકેદાર પાણીપૂરી સાથે હોય રગડો
સ્વાદ રહી જાતો અનોખો ચોપાટી ભેલનો .
છે પ્રેમીઓનું સ્વપ્નનગર,બાળકોનું રેતનગર,
કરી સંભારણા યાદ વડીલો,જોયા કરે સાગર ધૂધવતો.
છે મુંબઈનો મોભો,છે ઈતિહાસનો પટારો.
છે અનોખો,રંગીલો,મસ્તીભર્યો મુંબઈનો દરિયાકિનારો.
પ્રફુલ્લ આર શાહ.
૨૧-૩-૧૫.
---------
યાદ આવી જાય છે.
--------------------------
રહ્યાં નથી સબંધો છતાં તારી યાદ આવી જાય છે.
પાનખરે વસંતની જાહોજલાલી યાદ આવી જાય છે.
જોયા કરું છું રોનક શહેરની રંગબેરંગી લાઈટોમાં
આંખ સાંમે અમાસની રાત્રિ યાદ આવી જાય છે.
જોયા કરું છું આઝાદ દેશનાં નેતાઓનો રાજાઠાઠ
આઝાદી માટે થયેલાં શહીદોની યાદ આવી જાય છે.
વાતવાતમાં કરી નાખતાં મારો તિરસ્કાર મારાં સંતાનો
ઉછેર્યાં હતાં પેટે પાટા બાંધી યાદ આવી જાય છે.
નથી જેને ગણીએ આપણું,છે બધું એક સ્વપ્નું
સમી સાંજે સંતોનાં એ વચનોની યાદ આવી જાય છે.
પ્રફુલ્લ આર શાહ. . ૨૧-૩-૧૫.
----------
આખરી મુલાકાત છે?
---------
એની પાસે કેવળ એનો ઈતિહાસ છે.
આટલી બધી ગિર્દી વચ્ચે બેહાલ છે.
પહાડ જેવું દુખ નહીં જોઈ શકશો
નાનો શો એક વચમાં રુમાલ છે.
પી ગયો કડવાં ઘુંટ તેઓને જોઈને હું,
ગમે તેમ તોય મારાં ઉંબરે મહેમાન છે.
મહેંફિલમાં મારો ગમ મારો શણગાર છે
કરે તેઆો તારીફ,તેમનો ભૂતકાળ છે.
હે ખુદા વરસાવી દીધી બહાર બેમિસાલ
શું આપણી આ આખરી મુલાકાત છે?
20-3-15
------
થઈ કફન ફૂલોની પાંખડી મને અપનાવી લે
ખુદાની હાજરીમાં હસતું મોત મને બોલાવી લે.
દોસ્તોની યારી,દુશ્મનોની નફરતને કરી લઉં સલામ
ના સારશો આંસુ મારાં માટે ખુદને હવે સંભાળી લે.
(2)
ખ્વાબોં ફૂલોનાં મહેંકી ઊઠ્યાં,જોઈ સવાર.
અંધારા રાતનાં ઉલેચાતાં ગયા જોઈ સવાર.
ઉત્સાહનો સાગર ફરી વળ્યો ચારેકોર
લઈ કિશ્તી સૌ નીકળી પડ્યાં જોઈ સવાર.
(3)
ક્યારેય થોભતો નથી સમય
પાછું વળી જોતો નથી સમય
ક્યાં જઈને શોધું એને
કશું કોઈને કહેતો નથી સમય.
પ્રફુલ્લ આર શાહ. . 17-૩-૧૫.
પ્રભુ પ્યારા,
પધારો,પધારો,પધારો, પ્રભુ પ્યારા,
પધારો મારા તન મનનાં આંગણિયે વ્હાલા.
ધરું ફૂલો રુપી શબ્દોની માળા
ઝૂલે નયનો મારા થઈ દર્પણ
ટહુકે અધરો મારા થઈ મોરલાં
ઝૂમતાં હાથપગ થઈ ગૈયા ગોવાળિયા.
પધારો,પધારો,પધારો, પ્રભુ પ્યારા,
પધારો મારા તનનાં આંગણિયે વ્હાલા.
મારું તનમન જાણે રાધાનું અંગ
મારી લાગણીઓ જાણે જમનાં જળ
તારામાં ખોવાયેલો હું આઠે પ્રહર
દે જે જરુર દર્શન મુને પળબે પળ.
પધારો,પધારો,પધારો, પ્રભુ પ્યારા,
પધારો મારા તનનાં આંગણિયે વ્હાલા.
પ્રફુલ્લ આર.શાહ. ૨3-3-૧૫.
***
મજા આવે.
હોય છત્રી છતાં વરસાદમાં ભીંજાવાની મજા આવે.
ઊભા ઊભા ટપકતાં ટીપાં વરસાદી ઝીલવાની મજા આવે.
આપણાં જ આપણી પીઠ પાછળ કરે ખાટીમીઠી વાતો
દિવાલ પાછળ છુપાઈને સાંભળવાની મજા આવે.
જાણીબૂઝીને પ્રિયતમનો જન્મદિવસ ભૂલી જઈએ,
સમી સાંજે અપાતી સરપ્રાઈઝ પાર્ટીની મજા આવે.
વાનગી હોય ભાવતી છતાં ના ના કરતાં જઈએ
પરાણે પીરસે અને પરાણે આરોગવાની મજા આવે.
છે જિંદગી ગુલાબી ફૂલ,કાંટા સાથે મહેંક પણ હોય,
થોડું રડતાં,જરા હસતાં,જીવી જવાની મજા આવે.
પ્રફુલ્લ આર શાહ ૨૩-૩-૧૫
***
થઈને આવે
સ્વપ્નાંઓ હવે રણ થઈને આવે છે.
કીડી જેવી ચિંતાઓ મણ થઈને આવે છે.
કરું છું રોજ હવે હું પૂજાપાઠ,છતાં
ઈશ્વરનો વાયદો પણ થઈને આવે છે.
ના પોસાય છતાં વહેવાર વધે છે,
સહકુટુંબ છેકી "બંને જણ" થઈને આવે છે.
ઓગળે છે જે ક્ષણોએ નફરતની આગ
લાગણીઓ સમર્પણ થઈને આવે છે.
જોયાં કરું છું સમી સાંજે કિલ્લોલ કરતાં બાળકો
તોફાને ચઢેલ અતીત બાળપણ થઈને આવે છે!
પ્રફુલ્લ આર શાહ 19-3-15
***
બચ્ચું મારું છે.
આખરે,આ બચ્ચું મારું છે.
મારી કોખનું સંભારણું છે.
લાગે મારો ખોળો વહાલો
ગૂંજતું અમારું ત્યાં હાલરડું છે.
લાગે તારું નામ એની પાછળ
પણ મારા સંસ્કારોનું પોટલું છે.
કરી નાંખે ગમે તેટલું તોફાન...
તોયે વહાલ ભર્યું એક ઝરણું છે!
હશે મારી દાટ વજ્ર જેવી, છતાં
એનાં શ્વાસોમાં મમ્મીનું ઉપરાણું છે.
ફુલ્લ આર. શાહ. 13-3-15
***
ક્યારે ફરીશ પાછો
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે સુણાવીશ મને વાંસળી વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે રમાડીશ મને રાસ વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ખેલાવીશ ફાગુનનાં રંગ વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ભીંજાવીશ વરસાદી હેતમાં વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ફરીશ પાછો વિરહી મારા ગોકુળીયા ગામમાં વ્હાલા.
પ્રફુલ્લ આર. શાહ16-3-15
***
મારું બચપણ.,
હું કશું સમજું એ પહેલાં
મારું નામ પાડી દીધું!
મને ગમતાં મારાં લાંબા વાળ
કાપી નાખ્યાં અને હું રડતી રહી...
સમયનાં ઘોડા પર સવારી કરાવી
માતૃભાષા ઝૂંટવી પરદેશી ભાષા
સાથે પરણાવી દીધી...
મારો બચપણનો છોડ મુરઝાઈ ગયો
મારી આંખ સામે અને
કૅરિયરનાં ભારથી વળી ગયો..
ના બની શકી
ડાન્સર,સીંગર,પેઇંટર કે ડૉકટર..
મારાં લોભામણાં શહેરમાં..
આજે ઊભી છું હું
એક સામાન્ય વ્યક્તિ થઈને
જોઈ રહી છું
મારાં બચપણનું હાડપિંજર!
સમયની રેતમાં
પ્રફુલ્લ આર શાહ. 15-3-15
----------
છે ટેવ
પડી છે ટેવ દરવાજો બંધ રાખવાની.
લઉં મજા સ્વપ્નો સ્વાદિષ્ટ જોવાની.
પ્રારંભ કરવાની પણ છે એક મૂંઝવણ
પાડી છે આદત કેમ છો પૂછવાની.
જોઈએ છે ખૂલ્લું દિલ રમત રમવાને
શીખી લીધી છે કળા બાળક થવાની.
હોય કોરો કાગળ અને રંગીન પેનો
મળી જાય તક બાળપણને ખીલવાની
પ્રફુલ્લ આર. શાહ13-3-15
----------
ઢળતા સૂરજનાં હાલ
-----------
ના મળ્યો મને કોઈ આંસુઓનો લેવાલ.
સતત નડતી રહી મને સદાય દિલાલ.
જલ્દી હતી મને પહોંચવાની લાય
ઢળી પડાય ઢોળાવેથી,ન હતો ખ્યાલ.
એ ઈશ્વર છે; અને એ છે જાદુગર
છતાં બંનેની કરામતમાં છે કમાલ.
રચાયી છે આપણી આસપાસ નિશાળ
મળી જાય જવાબ,પૂછ જાતને સવાલ.
થઈ જાય મન સૂરજ સામે આંખ મિલાવાની
અને જોયા કરું હું ઢળતા સૂરજનાં હાલ.
પ્રફુલ્લ આર. શાહ. 18-3-15
------
તું નથી પણ છે તારી વાત ,બસ એ જ વાત છે .
અમાસે ઝળહળે ચાંદની રાત,બસ એ જ વાત છે.
નશો એટલે નશો મહોબ્બતનો પણ કેમ ના હોય,
ના ફરક સમજાણો દોરડું કે સાપ,બસ એ જ વાત છે.
આપણી દોર ના આપણા હાથમાં,છતાં ઉડીએ પાંખ વગર,
કટી પતંગ જેવી છે આપણી જાત,બસ એ જ વાત છે.
શીખવાડી બાળપોથી દુનિયાની માથું પકાવીને જેને
શીખવાડી રહ્યો છે એ મને ચાલ,બસ એ જ વાત છે.
નથી સમજી શક્યાં જે વાત,સમજાવા નીકળી પડ્યાં છે સૌ
કરી રહ્યાં સૌ જિંદગી બરબાદ,બસ એ જ વાત છે.
પ્રફુલ્લ આર. શાહ. 12-3--15
---------
વૃધ્ધત્વનો ધાબળો
--------------------------
છે મારી સ્થિતિ હવે
એક ફૂટબોલનાં બોલ જેવી.
ઘડીક અહીં,ઘડીક તહીં
ના કોઈ ચોક્કસ જગ્યા
મારા માટે!
પણ ના અફસોસ,
લહેરાતાં આંગણાંના તોરણો
બેચાર દિવસે જાય છે
કચરાપેટીમાં !
ખરતાં પાન જેવો હું
પવનની લહેરે ભમતો
ક્યારેક આવી જતો કોકની
અડફેટમાં અને સુણી લેતો
બે શબ્દો ગુનેગારની જેમ!
લઈ લીધો છે ઝાંખપે ભરડો
સૂર્યોદય કે સૂર્યાસ્ત
ના કોઈ ફરક
મારા માટે ...
મર્ળ્યો છે એક ખૂણો
સવાર રાત જાણે મારો ઓટલો
મળી જાય ત્યાં જ રોટલો.
સબંધો પણ જાઉં છું ભૂલતો
ઓઢી ચૂક્યો છું હું
વૃધ્ધત્વનો ધાબળો
મારી જાતને ભૂલતો
પીગળતા બરફની જેમ..
પ્રફુલ્લ આર.શાહ. 10-3-15
-----
વીણી લઉં.
-------
સુવાસ સુખની માણી લઉં
છે દવા કડવી પાણી લઉં.
પથરાયું દુ:ખ જાણે ધૂપ
તંબુ મૌનનો તાણી લઉં.
આવ્યો છું તમારે ગામ
હાલ તમારા જાણી લઉં.
થાય પ્રવાસ પૂરો એ પહેલાં
સંભારણાં મધુરાં વીણી લઉં.
પ્રફુલ્લ આર શાહ. 3-3-15.
----------
ટહુકો
-------
લઈ જાય છે દરેક
કેડી મંજિલ તરફ
પણ મૂંઝવણ
કરોડિયાના જાળાની જેમ ફરી વળે છે
કઈ દિશામાં જવું?
જોયા કરું છું
વહેતી નદીનો પથ
અને ઊડી જાય છે
કોયલ ટહુકો દઈને....
પ્રફુલ્લ આર. શાહ. માર્ચ ૪-૧૫
-----------
ખોલીએ
-----------
ખોલીએ બંધ બારીબારણાં આપણાં
ફેલાઈ જાય પ્રકાશ, અજવાળાં ઘરમાં.
ઉત્સાહવર્ધક આનંદસાગર, ઉછળતાં મોજાં, આપતી જાય કુદરત વધામણમાં.
મીઠાં મધુરાં કલરવો ગુંજતા પારેવાનાં
પ્રસરતી જાય મહેંક ફૂલોની, જે લહેરાતાં
નદીનું વહેણ, ઝરણાંનો તરવળાટ
કરી દે ગાગરને તૃપ્તિથી છલકાતાં.
લાગે છે જીવન મને જીવવા જેવું
કુદરતનાં અનમોલ એક સાન્નિધ્યમાં
પ્રફુલ્લ આર.શાહ ૯-૩-૧૫.
--------
કાગળમાં.
-------------
નામ લખી નાખ્યું તારું કાગળમાં.
સતત બસ વાંચ્યાં કરું કાગળમાં.
લાગતો હતો અઢી અક્ષર ભારેખમ
લખાઈ ગયો પ્રેમથી તું કાગળમાં.
વરસાદે તોફાને ચઢ્યું બાળપણ
થઈ હોડી તણાઈ ગયું કાગળમાં.
રંગાઈ ગઈ પાનખર મહોબતમાં
ખીલ્યું ઉપવન ફૂલોનું કાગળમાં.
છે બાળ કોરી કિતાબ જેવું,
લઈ રંગો રંગ્યા કરતું કાગળમાં.
થઈ પતંગ સ્વપ્નો ઊડે આભમાં
દર્દ કટીપતંગનું સુણ્યાં કરું કાગળમાં.
સવારે ખોલું,સાંજ પડે વધાવું,
હિસાબ રોજમેળનો લખું કાગળમાં.
પ્રફુલ્લ આર.શાહ. ૩-૩-૧૫.
------
તું
-------
મને નાનું પડે છે આકાશ
લખવું છે નામ તારું વારંવાર .
થઈ તું કોયલનો ટહુકો
ગુંજી રહી છે મારી આસપાસ.
તું સુગંધનો દરિયો ,તું સૌંદર્યનું કામણ,
ઝૂલતી મારી નાવડી તારી સાથસાથ.
તું નદી હું સાગર,તું ગઝલ હું શાયર,
તું રંગ હું પીછી,રંગાઈ જાશું ખુશીસંગ.
તું હસતું આંગણ,હું ઝૂલતું એક તોરણ
ધરા ઉપર લહેરાતું રહે આપણું જીવન.
પ્રફુલ્લ આર.શાહ. 3-2-15
*****