મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મેઘાણીની નવલિકાઓ ખંડ ૧


મેઘાણીની નવલિકાઓ

ખંડ-૧


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. ચંદ્રભાલના ભાભી

૨. બેમાંથી કોણ સાચું?

૩. બબલીએ રંગ બગાડયો

૪. શિકાર

૫. મરતા જુવાનને મોંએથી

૬. રોહિણી

૭. પાપી!

૮. ઠાકર લેખાં લેશે!

૯. ડાબો હાથ

૧૦. કલાધરી

૧૧. પાનકોર ડોશી

૧૨. કારભારી

૧૩. શારદા પરણી ગઈ!

૧૪. રમાને શું સૂઝ્‌યું!

૧૫. જયમનનું રસજીવન

૧૬. છતી જીભે મૂંગા

૧૭. ’હું’

૧૮. બદમાશ

૧૯. વહુ અને ઘોડો

૨૦. અમારા ગામનાં કૂતરાં

અર્પણ

પ્રિય ડૉ. ભાનુભાઈ શુક્લને અને શ્રી પ્રભાબહેનને

નિવેદન

’ધૂપછાયા’

આંહી રજૂ થતી ચૌદ વાર્તાઓ માંહેની ’વહુ અને ઘોડો’, ’જયમનનું રસજીવન’,’ઠાકર લેખાં લેશે’ તથા ’પાપી’ એ ચાર વાર્તાઓ ત્રણેક વર્ષ પૂર્વે લખાઈ છે, અને બાકીની બધી ગયા અઢારેક માસના ગાળામાં રચી છે. ફક્ત ’પાપી’નો ઉદ્‌ભવ એક અંગ્રેજી માસિકની વાર્તા થકી પ્રેરિત છે; બાકીની તદ્દન સ્વતંત્ર છે.

’સ્વતંત્ર’, ’મૌલિક’ વગેરે શબ્દો આજકાલ ઠીક ઠીક વપરાય છે અને કલાની પરખમાં સારી પેઠે ગૂંચવાડો ઊંભો કરી રહેલ છે. જગતના પહેલી કોટિના સાહિત્યસ્વામીઓને બાદ કરીએ તો સ્વતંત્ર સર્જનનો દાવો ઘણા જૂજનો ટકી શકશે. પહેલી કક્ષામાં બિરાજતા ગ્રંથકારો પણ વાચન, અવલોકન અને અમુક બનતા બનાવોની વિગતોમાંથી નવસર્જનના તાર ખેંચી કાઢી તેના વાણાતાણાના અનેકવિધ વણાટ વડે નવલકૃતિઓ ઉતારી ગયા છે. તેઓએ આમ કર્યું તેટલા કારણે જ દુનિયાએ તેમને અમૌલિક, ચોર અથવા ઉધારિયા લેખવ્યા નથી.

એટલે અમૌલિકોમાં ખપવાની કોઈ ધાસ્તીને કારણે આ વાર્તાઓને ’સ્વતંત્ર’ કહી ઓળખાવવી પડે છે એમ નથી. ’લેબલ’ માત્ર મારવાથી કોઈ કૃતિ જીવતી રહેવાની નથી. એ જીવશે એની પોતાની આંતર્ગત તાકતના જોરે. એ તાકાત તે કૃતિમાં થઈ શકેલા રસાયનમાંથી જ પેદા થાય છે. તત્વોની મેળવણી જો કાચી રહી ગઈ હોય તો એવાં કઢંગા સર્જનોને જીવવાનો હક્ક પણ શો છે? એને જીવતાં રાખવાની જરૂર પણ શી છે?

એટલી ટૂંકી વાર્તાના પ્રદેશમાં આ વાર્તાઓને એમનું સ્વયં પ્રાપ્ત સ્થાન લેવાની આંતર્ગત શક્તિ હશે તો વાચકો જ એનો હોંકારો આપશે. એવો હોંકારો જો નહિ મળે તો ’સ્વતંત્ર’, ’મૌલિક’ વગેરે શબ્દોથી ઓળખાવવામાં આવતો કોઈ પણ પમ્પ આ વાર્તાઓમાં પ્રાણવાયુ નહિ પૂરી શકે.

આ વાર્તાઓ વાસ્તવલક્ષી હોવાથી એના વણાટામાં ધરતી પરના, પોતાના તેમ જ પારકા સાચા અનુભવોની વણકરી તો અનિવાર્ય જ બને છે. કૌતુકરંગી, અલૌકિક, ભાવનાલક્ષી વાર્તાઓના લખનારાઓને આકાશ-પાતળ અને સચરાચાર દુનિયા ઉપરાંત એવી સેંકડો દુનિયાઓને છાઈ દેનારી અસીમ કલ્પનાભોમનો અવકાશ છે. એ અસીમની અંદર ભાવનાલક્ષી કલમ ચાહે ત્યાં ઘૂમી શકે છે, મન ફાવે તેવી વાર્તા સામગ્રી ઊંંચકી શકે છે, ને તેમાંથી ધારે તો નિર્મલ તેજોમય ભાવનાકૃતિ નિપજાવી શકે છેઃ સહુને જોવી ગમે તેવી રમ્ય અને કોઈને ન દુભવે તેવી નિરપેક્ષ.

વાસ્તવલક્ષી વાર્તાઓ દોરનાર ઘણુંખરૂં માટીનાં માનવીઓ વચ્ચે જ આથડે છે, બનતા બનાવોને ભાળે છે, જીવતાંજાગતાં માનવ હ્ય્દયોને સારા-નબળા ધબકાર, મનોવ્યાપાર, આવેશ, વિચાર, વિકાર ઈત્યાદિની બહુરંગી લીલા જોતો એ ઊંભો હોય છે. એની સૃષ્ટિના સીમાડા મુકરર છે, તે સાથે સાંકડા પણ છે. એના સર્જનને વાસ્તવના વર્તુલમાંથી બહાર જવાની મનાઈ છે. એને યોજવી પડતી કલ્પના, ભાષા તેમજ પાત્ર સૃષ્ટિ પાર્થ્િાવ જીવનની માટીને જ આધીન છે. આરસની પ્રતિમાને હીરાની આંખો મઢી શકાય, પણ રૂધિર-માંસના બનેલા માનવ-પાત્રને જો ચૂંચી આંખો હોય તો તે ચૂંચી જ રહેવા દેવી પડે છે. ઓપરેશન કરીને કદાચ તે ચૂંચી આંખને સ્થાને હીરો ગોઠવવામાં આવે તો તે જોઈ પણ નહિ શકે, સુંદર પણ નહિ લાગે.

ભાવના અને કલ્પનાની ભોમ છોડીને વાસ્તવજગતની ખાડાખબડિયાવાળી, વાંકઘોંકથી ભરેલી, કંઈક અંશે અસુન્દર તેમજ અસુગંધિત ગલીકૂંચીઓમાં ઘૂમવાનું કેમ ગમે છે ? કોણ જાણે. ગમવા - ન ગમવાની આ બાબત નથી. સુંદરને ત્યજી અસુંદરમાં વિચરવાનો ય આ પ્રશ્ન નથી. પ્રશ્ન એક જ છેઃ કે આલેખનારો કયા ઉદ્દેશે માનવીના મનોરાજ્યને નિહાળવા અને પ્રકટ કરવા નીકળેલો હોય છે? કોઈ એકાદ વાદનું સમર્થન કરવા માટે ? કોઈ ચોક્ક્સપક્ષ લેવા માટે ? કોઈ નીતિ અથવા આચારનો પ્રચાર કરવા માટે? કોઈ ઢોંગ, દંભ અથવ દુષ્ટ મનોવ્યાપારનું ઢાંકણ ખોલવા માટે ? જગતના સમગ્ર નિર્માણને દુષ્ટ સમજનાર કોઈ શ્રદ્ધાવિહિન ’સિનીક’ તૉરથી? કે જીવનની કોઈ સમસ્યાનો ઉકેલ સૂચવવાની કલ્યાણબુદ્‌ધિથી ? કયા ઉદ્દેશથી? કયા વલણથી ?

જવાબ આટલો જ છેઃ આવા એક પણ ઉદ્દેશથી નહિ. કશા પણ વલણ વગર, કેવળ નીરખવાને ખાતર. દુનિયાને નીરખવામાં જ એક હેતુવિહીન, દ્વેષરહિત છતાં સહેજ સહાજ કઠોર કૌતુકભર્યું રહસ્ય જડે છે તે રહસ્યને સૌંદર્ય ભોંય પર ઉકેલવા માટે.

સાહિત્યકાર પોતાને વિષે કેટલાક સાચા-ખોટા ધર્મો માની બેસે છે. આ એક બૂરી જ નહિ પણ ભયાનક આદત છે. અમુક કર્તવ્ય મારૂં છે; અમુક સેવાધર્મનો હું ભેખધારી છું, અમુક વિચારોનો કે વાદોનો હું પ્રચારક છું એવાં એવાં ચગદાંને પોતાના કપાળ પર ચોળી લેનાર સાહિત્યકાર પોતાના મનના વહેમો, ભ્રમો, ગમા અને અણગમાનું એક જાલ-જગત સરજે છે. પોતે એમાં અટવાય છે તેમ જ પોતાના વાચકોને એમાં અટવાવે છે.

લાગે છે કે આ તો વાત વિવાદાસ્પદ ભૂમિ ઉપર આવી પહોંચી. મારે વિવાદમાં ઊંતરવું નથી. ખુલાસો માત્ર આટલોજ કરવાનો છે કે મારા નાનકડા ગામનું વાતાવરણ ગૂંથીને ઊંભી કરેલી ’પાનકોર ડોશી’થી લઈ એકાદ કોઈ શહેરમાં એક પુખ્ત વયની કન્યાનું પૂર્ણ મરજિયાત લગ્ન અટકાવવાની, સુધારાને નામે કોશિશ કરનારી યુવાન મનોદશાને છણનારી ’શારદા પરણી ગઈ’ની વાર્તા સુધીનો પ્રદેશ કોઈ પણ મત-સમર્થનને સારૂ મેં નથી ખેડયો. તેમાં કોઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના ચોક્કસ સમૂહની અવહેલના કે પ્રશંસા નેમમાં નથી રાખી. ’વહુ અને ઘોડો’ની વાર્તામાં એક અગ્રણી નગરજનની ઘોડાગાડીને સાધન બનાવવાથી જો કોઈ બે જણા એમ કહે કે અમુક ઠેકાણે એવી ઘોડાગાડી હોવાથી આખી વર્તાનું લક્ષ્ય એ ઘોડાગાડીના માલિકનું કુટુંબ છે, તો એ એક રમૂજ પમાડનારી બિના ગણાય. ’પાનકોર ડોશી’ તદ્દન કલ્પિત પાત્ર છે. પણ પેલી પાલાગાડીઓનું વર્ણન વાંચીને મારા પિતૃ-ગામ બગસરાનોઈ કોઈ વતની મારી અથવા તેની માતાને પાનકોર ડોશીના પાત્ર જોડે બંધબેસતી કરવા મથે તો તેને મારવાનું જ મન થાય.

અનુભવોના તો જીવનને માર્ગે વગડા ને વગડા પડેલા છે. મનની મધમાખી ભમતી ભમતી કેરડાં, આવળ અને આંબાઆંબલીનાં ફૂલોમાંથી ય પરાગ પી લે છે. એનું મધ સર્જનના મધપૂડાને પૂરે છે. કયા ફૂલના પરાગમાંથી બનેલું કેટલું મધ , તે તો કોણ જાણે!

અનુભવોના સંઘરા જ્યાંથી ને ત્યાંથી થયા જ કરે છે. લેખન જેનો વ્યવસાય હોય છે તે માણસનું દુર્ભાગ્ય એવા સંઘરાનો ભાર, એ મધુરૂપ ન ધારણ કરી લ્યે ત્યાં સુધીને માટે વહેવાનું છે. ફૂલોની રજને સાહિત્યના મધુસ્વરૂપે પલટી નાખવાની કલા વેદનાઓથી ભરેલી હોય છે. એ રૂપાન્તર, એ રસાયન, એ મેળવણી પાંચ-દસ વ્યક્તિઓની વિડમ્બના માત્રમાંથી નથી નીપજતી. ને વાચકને જ જો એમાં વ્યક્તિપ્રહાર ભાસે તો વાર્તાલેખનની કલા આપોઆપ પોતાની નિષ્ફલતાને સિદ્ધ કરી આપે છે.

આપણો સમાજ જેમ રૂપાન્તર પામતો જાય છે, તેમ તેમ સમસ્યાઓ પણ એની રૂપાન્તર પામતી જાય છે. સંસારની દિન પર દિન પલટાતી આ અનંત લીલાને લેખક ફાવતી રીતે નિહાળી નિહાળી એનું પોતે કરેલું કૌશલયુક્ત પૃથક્કરણ, સમગ્ર દર્શન તેમ જ જુદા જુદા ખૂણાઓ પર ઊંભીને કરેલું દર્શન બીજાઓને બતાવવામાં આનંદ માને છે, પોતાના આનંદમાં અન્યને સાથીઓ બનાવે છે ને ગર્ભિત ભાવે જાણે કે એ અન્યને પૂછે છે કે ’કેમ, આ વાતનું રહસ્ય તને આમ જ લાગે છે ને?’

આથી મહત્તર કોઈ ઉદ્દેશને આ વાર્તાકારના શિર ઉપર નહિ આરોપો તો ઉપકાર થશે.

પાત્રાલેખન પરત્વે તદ્દન નિસ્પૃહી રહી શકતો વાર્તાકાર વંદનને પાત્ર છે. છતાં લખનાર કોઈ પાત્રનો પક્ષ ન લેતાં અળગો ઊંભો રહી પોતાની સહાનુભૂતિ, કરૂણા અને મૃદુતા અમુક અમુક પાત્રો ઉપર ન ઢળવા દે તે તો બને જ કેમ? સહુ ય લેખકો એટલા તો માનવી છે. એવી દોહ્યલ તટસ્થતા અહીં જેટલી ઓછી લોપાયેલી ભાસે તેટલીજ આ લેખકની કૃતાર્થતા લેખાશે

મુંબઈ ઃ ૧-૯-૧૯૩૫

ઝવેરચંદ મેઘાણી

’મેઘાણીની નવલિકાઓ’, ખંડ ૧

નવા થતા આ સંગ્રહમાં મોટો ભાગ તો જૂના માલનો છે, એવું જાણી કોઈ વાચક પોતાની ઠગાઈ થઈ માને તે બીકે પહેલે પાને ખુલાસો જરૂરી માન્યો છે.

૧૯૩૧થી જે સ્વતંત્ર ટૂંકી વાર્તાઓ લખાતી થઈ હતી તેના ચાર સંગ્રહો પ્રકટ થયાઃ ’ચિતાના અંગારા’ (૨ ખંડ), ’આપણા ઉંબરમાં’ અને ’ધૂપછાયા’. આ બધા સંગ્રહો અણસરખા હતા. તે પછી જે થોડી વધુ લખાઈ તેનો તો સ્વતંત્ર સંગ્રહ થયો જ નથી.

પ્રકાશકોની સાથે મસલત કરી એવું વિચાર્યું કે પ્રકટ અને અપ્રકટ આ બધી ટૂંકે વાર્તાઓના દળદાર ત્રણેક સંગ્રહો કરી નાખવાથી વાચકોનો રસ વધુ સંતોષાશે તેમજ મારી વાર્તાઓ યુનિવર્સ્િાટી ઉચ્ચતર ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકાનું સ્વરૂપ શીખવા અંગે ભલામણ પામેલી હોઈને વિદ્યર્થીઓને પણ પરિચયની વધુ સગવડ રહેશે.

પરિણામે ’ધૂપછાયા’ની વાર્તાઓમાં પહેલી પાંચ તેમજ છેલ્લી એક એમ કુલે છ નવી વાર્તાઓ ઉમેરીને ’મેઘાણીની નવલિકાઓ’ ખંડ પહેલો કર્યો છે. ’ધૂપછાયા’ નામનું પુસ્તક જ લુપ્ત થાય છે.

’ચિતાના અંગારા’ ના બન્ને ભાગો તથા ’આપણા ઉંબરમાં’માંથી વાર્તાઓ એકત્રિત થઈને ’મેઘાણીની નવલિકાઓ’ ખંડ બીજો હવે પછી તરતમાં પ્રકટ થશે; ને તે પછી ’મેઘાણીની નવલિકાઓ’ ખંડ ત્રીજામાં બધી જ નવી વાર્તાઓ મુકાશે.

’ધૂપછાયા’ની પહેલી વાર્તા ’વહુ અને ઘોડો’ આ પહેલા ભાગમાં લગભગ છેલ્લે મૂકવા સિવાય બીજો ખાસ ફેરફાર કર્યો નથી.

રાણપુર ઃ ૮-૩-’૪૨

ઝવેરચંદ મેઘાણી

આવૃતિ ૨

મારી નવલિકાઓના બંને ખંડોને જે લોકાદર મળ્યો છે તે માટે વાચકોનો ઋણી છું; અને ત્રીજો ખંડ આપવાની જે ધારણા સેવી હતી તે ચાર વર્ષે ફળીભૂત થાય છે, તેથી પણ કૃતાર્થતા અનુભવું છું. મારી લઘુકથાઓના ત્રીજા ખંડનું નામ રાખ્યું છે ’વિલોપન અને બીજી વાતો’, ને તે ’પ્રજાબંધૂ’ સાપ્તાહિકના ભેટ-પુસ્તક તરીકે હમણાં પ્રકટ થયો છે. નવલિકાઓના આલેખનનો મહાવરો છે ૧૯૩૪થીએ છૂટી ગયો હતો, તેને ફરીથી ’ઊંર્મિ’ માસિકમાં ૧૯૪૫માં ઘૂંટવા માંડયું; પરિણામે આ ’વિલોપન’નો સંગ્રહ શક્ય બન્યો. મને આશા છે કે મારી નવલિકાઓના પ્રેમીજનોને ’વિલોપન’માં મૂકેલા પ્રયોગો ગમશે.

લઘુકથા-આલેખનનો દોર તૂટી ગયો તે દરમ્યાનના દાયકામાં - બેશક, અન્ય પ્રકારો દ્વારા - એ સરવાણી તો ભૂગર્ભમાં ચાલુ જ રહી છે. ’માણસાઈના દીવા’માં જે કલા-નિર્માણ છે, તે પણ લઘુકથાની ઘાટીને અનુવર્તે છે.

અમદાવાદઃ બળેવ, ૨૦૦૨ સન ૧૯૪૬

ઝવેરચંદ મેઘાણી

વાર્તાકાર એટલે વકીલ નહીં, પક્ષકાર નહીં, ટીકાકાર નહીં, સારા અને નરસા બે વિભાગમાં જગતને વહેંચી નાખવાનું કામ વાર્તાકારનું નથી. એક માણસ નિર્દોષ અને તેની સામેનું પાત્ર ખલ અથવા દુષ્ટ, એવી સહેલી માન્યતાના પાયા પર થતું વાર્તાનું ચણતર ખોટીલું હોય છે. અને અને ત્રીજી વાત, વાર્તાકાર જે જગત સરજાવે છે તેમાં પાત્રોનો હ્ય્દય-પલટો કાં તો ક્રમે-ક્રમે કુદરતના નિયમાનુસાર આવવો જોઈએ, અથવા તો સંક્ષોભની એવી અસાધારણ ઘટના ઊંભી થવી જોઈએ કે જે ઓચિંતા પરિવર્તનને પણ સહજ બનાવી શકે.

આવી તાકાત નથી હોતી ત્યાં અણીશુદ્ધ નવલિકા નથી નીપજતી. છો ન નીપજે. વાર્તા તો જે સંસાર જોઈએ તેના શુદ્ધ સંવેદનમય વાસ્તવ-નિરૂપણ વડે પણ સરજાય છે.

૧૯૩૭

ગ્રીક નાટ્‌યકારોના કાળથી નિયમ એવો ચાલ્યો આવે છે કે તમારાં પાત્રોને સતત ક્રિયાશીલ રાખો તેમજ એકબીજાથી સંકલિત રાખતા રહો, ને પરાકાષ્ટા આવે ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ક્રિયાને વધુ વધુ પ્રકાશિત કરતા રહો. પરાકાષ્ટા આવે, પાત્રો પૂરેપૂરા રજૂ થઈ જાય, એટલે પછી તો વાર્તાકારે વાર્તાને સમેટી લઈ, પાત્રોને એવા કોઈ ચલણી વાતાવરણમાં મૂકી દેવાં કે જેમાં તેઓ વાર્તાની સમાપ્તિ પછી પોતાનું જીવન ચાલુ રાખે એવી આશા બાંધી શકાય.

આ નિયમને તો આજે દરરોજ અને દરેક પ્રકારે વાર્તાકારો ઉથપી રહેલ છે. ઉથાપ્યા છતાંય તેઓ ઉગરી જાય છે, કારણકે કલામાં તો એક જ નિયમ સાચો છેઃ બરાબર વહે છે પ્રવાહ ? ચોટ પકડે છે?

અનેક નામાંકિત વાર્તાકારોએ નિયમોનાં જડ બંધનો ફગાવી દેવાની ધૃષ્ટતા કરી છે. પણ એ ધૃષ્ટતાને તેમણે પાછી શોભાવી છે. નિયમની દુનિયા બહાર નીકળીને સૌંદર્ય તેમજ નવીનતા પકડી લાવવાની તેમની શક્તિ હતી.

ટૂંકી વાર્તાનું સ્વરૂપ ક્યું? સમર્થ લેખિની જે ઘડે તે સ્વરૂપ એનો વળી નિયમ કેવો? મારા તાકાત હોય તો હું એક હજાર ને એક સ્વરૂપોમાં નવલિકાને રમાડું.

૧૯૩૭

ઝવેરચંદ મેઘાણી

ચંદ્રભાલના ભાભી

વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમાંથી માર્ગ પર વેરાતાં ખાલી પરબીડિયાં જાણે ધોળાં, કાબરાં ને આસમાની કબૂતરો જમીન પર ચણવા ઊંતરતાં હોય એવી ઉપમા ચંદ્રભાલને સૂઝવા લાગી.

મરનાર સ્ત્રી પોતાની પાછળ એક નાના, દસ-બાર મહિનાના બાળકને મૂકી ગઈ હતી. બાળક માંદલો હતો. એના બરડાની કરોડમાં એક હાડકું પણ વધતું હતું. એને પાવામાં આવતું દૂધ કે પાણી એ બીજી જ ઘડીએ ઓકી કાઢતો હતો.

જે જે માસિકો-અઠવાડિકો ચંદ્રભાલની વાર્તાઓમાંથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરતાં તે સર્વના સંપાદકોને મૂંઝવણ થઈ પડી. કેટલાકોની તો ચાલુ સળંગ વાર્તાઓમાં પણ ભંગાણ પડયું. મરેલનો વિયોગ અને જીવનારની જંજાળ એ જુવાન વાર્તાલેખકને દાણાની જેમ પીસી નાખતાં ઘંટીનાં બે પડો સમાં બની ગયાં.

ચંદ્રભાલની જ વાર્તાઓના સંગ્રહને પોતાની ’માળા’ના આવતા પુષ્પ તરીકે બહાર પાડવાનું વચન આપીને લવાજમો મેળવી રહેલા એક પ્રકાશકે ચંદ્રભાલને કહ્યું કે "આ લ્યો વધારે રૂપિયા. છોકરાને માટે આયા રાખી લો. બે નોકરો વસાવો. ફિકર ન કરો. ને તમે પછી માથેરાન - મહાબળેશ્વરની એક સહેલ મારી આવો. મન ચાહે તો તાજમહાલની પ્રેમયાત્રા કરો. પ્રેરણા મળશે."

પણ ચંદ્રભાલને ફક્ત નોકરોથી ચાલે તેમ નહોતું. એને તો કોઈ આશ્વાસક અને ગૃહની શૂન્યતાને પૂરે તેવી સહાય જોઈતી હતી. ચંદ્રભાલે એક મિત્રને કહેવરાવ્યુંઃ "આંહી મારી જોડે આવીને તમે અને વૃંદાબહેન રહેશો?"

મિત્રે કાગળનો જવાબ વાળ્યોઃ પોતાને તો ઑફિસમાંથી રજા મળવાની નથી, ને એકલા પુરૂષવાળા ઘરમાં વૃંદાને તો કેમ જ મોકલાય? લોકાપવાદ લાગતાં કંઈ વાર લાગે? પત્નીને એણે ઘેર જઈ વાત કરી, તે સાથે લોકાપવાદનો ડર પણ બતાવી દીધો.

પત્નીને વાર્તાનરેશ ચંદ્રભાલના ઘરનો અંધકાર હરવા જવાના કોડ તો હતા, પણ લોકાપવાદની ચિંતા એને સાચી લાગી.

એક બીજા સ્નેહીએ વગર પૂછાવ્યો જ સંદેશો મોકલ્યો કે આવતા ગુરૂવારે હું અહીંથી મારાં બાળબચ્ચાંને તારી સંભાળ લેવા રવાના કરૂં છું; તારે ઠીક પડે ત્યાં સુધી રોકજે.

ચંદ્રભાલે વળતો જ તાર કર્યો કે ’ન મોકલતા. કાગળ વાંચો.’

પણ તાર પછી જે કાગળ ગયો તેમાં ખરી વાતનો નિર્દેશ નહોતો. ખરી વાત આ હતી કે આટલી મમતા બતાવનાર એ મિત્રનાં પત્ની ઝબકબહેન હંમેશાનાં આજારી રહેતાં તેમ જ એમની સાથે પાંચ છોકરાનું કટક હતું. ચંદ્રભાલને લાગ્યું કે આ મિત્રસહાયનો મર્મ કુટુંબને હવાફેર તેમ સ્થળફેર કરાવવાનો હતો. ઝબકબહેનનું આગમન જાતજાતનાં સરકારી કમિશનો માયલા એક કમિશન જેવું થઈ પડશે તેવી એને ખાતરી હતી.

પોતાના વાર્તાસંગ્રહો જેને અર્પણ કર્યા હતા તેવી કેટલીક સ્નેહી સ્ત્રીઓથી પણ ચંદ્રભાલનું જીવનવન મહેકમહેક હતું. મા વિનાનાં બાળકો વિષે અને સ્ત્રીને હારેલા સ્વામીઓ વિષે ચંદ્રભાલે લખેલી વાર્તાઓ વાંચીને આ સ્નેહમૂર્ત્િા બહેનો ચિત્રકારનાં ચિત્રોને વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી. તેમણે પણ ચંદ્રભાલને ’મન કઠણ કરીને કામમાં લાગી જજો!’ કરતાં વધુ કશું લખ્યું નહિ.

છેવટે, પિસ્તાલીસેક વર્ષની એક વિધવા કણબણને ચંદ્રભાલે છોકરાની સંભાળ રાખવા માટે રોકી. પહેલા જ દિવસે સાંજના અંધારાં ઊંતરવા લાગ્યાં એટલે બાઈએ કહ્યુંઃ "ત્યારે હું જાઉં છું, ભાઈ ! સવારે આવીશ."

"કેમ?" ચંદ્રભાલ ચમક્યો. બાઈ પણ વિસ્મયતાભરી ઊંભી થઈ રહી. "તમે રાત નહિ રહો?"

"રાત! ના રે, ભાઈ! તું મને કહેતાં લાજતો ય નથી!"

"અરે પણ, માજી!" ચંદ્રભાલ એને સમજાવવા માગતો હતો. "આ છોકરાને..."

"ચૂલામાં જાય તારો છોકરો, હું ઘરડી આખી તારા - વાંઢાના - ઘરમાં છોકરૂં સાચવવા રાત રઉં!!! મને તેં એવી નકટી જાણી!"

"ઠીક, માજી! કાંઈ નહિ. મારી ભૂલ થઈ." એવું રગરગીને હાથજોડ કરતો ચંદ્રભાલ ઘરમાં ચાલ્યો ગયો.

પ્રભાતની પ્હો ફાટતી હતી ને બાળકની મૂંગી જીભમાંથી અસ્પષ્ટ ચીસો ફાટતી હતી. વધતું હાડકું એક વરસના છોકરાના વાંસામાં ખીલાની માફક ઠોકાતું હતું. સ્ટવ ઉપર દૂધ ગરમ કરતો ચંદ્રભાલ શીશી સાફ કરવા જતાં શીશી પરની રબરની ડીંટડીને ક્યાંક ભૂલતો હતો.

તે જ વખતે સડક પર એક ટપ્પો અટક્યો. ઘરનું કમાડ ભભડાવીને ટપ્પાવાળાએ હાક મારીઃ "સંદરભાણ શેઠ, ઉઘાડો; મે’માન છે."

ચીસો પાડતા બાળકને અને સ્ટવ પર ઊંભરાતા દૂધને મૂકીને ચંદ્રભાલ બારણા સુધી ચાલ્યો તે દરમિયાન એક જ મિનિટમાં એનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ પોતાની સાહિત્યસખીઓના તેમ જ મિત્ર-પત્નીઓના મધુરા ચહેરા સળવળી રહ્યા. વાર્તામાં શોભે તેવી કોઈ મર્મવેધક મિલનઘડી જાણે આવી પહોંચી છે. અંતરની વેદનાનાં હિમશૃંગો હમણાં ઓગળશે અને આવનાર સ્નેહજનના આશ્વાસનથાળમાં ઝિલાશે!

પરંતુ કમાડ ઊંઘડયું ત્યારે ચંદ્રભાલની કવિતા-કૂંપી ફૂટી પડે તેવું જાણે કે એના જીવનમાં એક ઠેબું આવ્યું. ઊંઘડતા દ્વારમાં પહેલી તો ત્રણ દિવસનાં જૂનાં ઢેબરાંની ગંધ આવી. એ ગંધમાં અપચાના ઝાડાની વાસનું મિશ્રણ હતું. આવનાર સ્ત્રીના અંગ પર કાળો સાડલો હતો. ચહેરા પરનાં હાડકાંનો આખો માળખો જ જાણે કે હચમચી ગયો હતો. એના હાથમાં પંદર-વીસ ચોમાસાં ખાધેલી એક નાની જૂની ટ્રંક હતી.

"ભાઈ! મારા બાપા!" એટલું કહી એ ચાલીસેક વર્ષની બાઈએ ચંદ્રભાલના દુઃખણાં લીધાં, એ હાથમાંથી ચંદ્રભાલને નાકે છીંકણીની ગંધ આવી.

"હાશ! ખમા તમને, ભાઈ! મારે તો એટલું જ કામ હતું. દેવને દીવેટ માનેલી ઈ મારી ભેરે આવી! તમે સાજાનરવા છો એટલે હાઉં!"

એમ કહીને બાઈ અંદર પેઠી.

"ભાડું કેટલું આપવું છે, ભાભી?" ચંદ્રભાલે મહેમાન સ્ત્રીને પૂછતાં જ ટપ્પાવાળાએ જવાબ આપ્યોઃ "ભાડું તો ચૂકવી દીધું છે. મેં ઘણી ય ના પાડી; કહ્યું કે સંદરભાણ શેઠ મને વઢે, પણ મે’માન માન્યાં જ નૈ ને! હેં-હેં-હેં!"

"હવેથી ન લેવું હો કે, સાંઈ!" એટલું, કશા જ અર્થ વગરનું બોલીને ચંદ્રભાલ જ્યારે અંદર ગયો ત્યારે બાળકની ચીસો એકાએક અટકી ગઈ હતી. આવેલ સ્ત્રીએ બાળકને તેડી પોતાના ખોળામાં સુવાર્યો હતો ને પોતાના એક કપડાને છેડે બાંધેલ ચીંથરી છોડીને તેમાંથી એક ગાંઠિયાનો દાણો છોકરાના મોમાં મૂક્યો હતો. બાળક એ ગાંઠિયો મમળાવતું હતું. નિત્યના મીઠા દૂધ કરતાં કોઈક નવીન તરેહનો સહેજ ખારો સ્વાદ અને ફરસો સ્પર્શ અનુભવતાં બાળકનાં પેઢાં તેમ જ જીભ લહેર લેતાં હતાં.

"કેમ ભાભી! મારો તાર નહોતો પહોંચ્યો?"

"પોં’ચ્યો’તો, ભાઈ!" બાઈએ જવાબ આપ્યોઃ "પણ હું તે લાખ વાતે ય આવ્યા વિના રઉં! રઈ કેમ શકાય? અમારા તો ત્યાં શ્વાસ ઊંડી ગયા’તા, માડી! તમે શુંનું શું કરી નાખશો? તમારા ભાઈ તો કે’ કે જોડે આવું. પણ એનું હૈયું તો તમે જાણો છો ને ફૂટી જતાં વાર નૈ. મેં કહ્યું કે નથી આવવું તમારે, હું બાપ-દીકરાને આઠ જ દા’ડામાં આવી સમજો ને! આ એમ કઈને નીકળી પડી. મરતીમરતી પોગી, હો ભાઈ!" એમ કહીને મે’માન સ્ત્રી પોતાને બેસી ગયેલા ઘાંટામાંથી ખડખડાટ હાસ્ય ખેંચવા લાગી.

"કેમ?"

"રસ્તામાં સૂરતથી મને ઝાડો ને ઊંલટી! ઝાડો ને ઊંલટી! તમારા પુણ્‌યે જ પોગી છું."

*

ચારેક દિવસ ગયા છે. ચંદ્રભાલને ઘરની કોઈ જંજાળ રહી નથી. છોકરો તો પોતાની ભાભીનો જ થઈ ગયો છે. ચંદ્રભાલનાં અધૂરાં લખાણો ચાલુ થઈ ગયાં છે. આંસુડે છાંટ્‌યા કાગળો પણ પોતાના સાહિત્યપ્રેમી મિત્રોને લખવાનો એને સમય મળે છે. ભાભીની જોડે બહુ બોલવું એને ગમતું નથી; કેમ કે ઘરમાં જતાં જ એને ભાભીનાં ગંદાં વસ્ત્રોની કશીક ઘ્‌રાણ આવે છે. પોતે જોયું છે કે મુસાફરી કરીને આવ્યા પછી પણ ભાભી હજુ નાહ્યાં નથી.

આઠમા દિવસે એણે પોતાનું બાળક ભાભીની જોડે વળાવ્યું. ખોબો ભરાય તેટલાં આંસુ પાડીને ભાભીએ દિયરને જોડે આવવા વીનવ્યો. "તમને આંઈ એકલા વિચારવાયુ થઈ જશે. ચાલો, ખાડામાં પડે તમારી ચોપડીઉં! તમારા ભાઈને શું તમે ભારે પડશો? હાલો ને હાલો!"

ચંદ્રભાલને આ નોતરામાં સ્વાદ નહોતો. એકલા બાળકને જ એણે મોકલ્યું. સ્ટેશન પર એ ખૂંધાળા બાળકનું દયામણું મોં ન સહાતાં ચંદ્રભાલ બીજી બાજુ મોં રાખી ખૂબ રડયો. સ્ટેશનની પગથાર ઉપર પોતાના સુકાએલા પગને ડગુમગુ માંડતાં એ બાળકે ચંદ્રભાલનો પીછો જ ન છોડયો. આખરે બાળકને છેતરીને જ ડબામાં લઈ જવો પડયો. ગાડી ઊંપડી ત્યારે ચંદ્રભાલ ત્યાંથી સરકી ગયો હતો.

ભાભીના ચાલ્યા ગયા પછી ચંદ્રભાલનું અંતર ઊંંડી લાગણી અનુભવતું હતું. સ્નેહીજનો અને પાડોશીઓ પણ ચકિત થયાં ને પૂછવા લાગ્યાંઃ "અમને તો ખબર જ નહિ કે તમારે ભાઈ કે ભાભી કોઈ છે. તમે અહીં દસ વરસથી રહો છો છતાં કોઈ દા’ડો કેમ આંહીં આવ્યાં જ નથી તમારાં ભાઈ-ભાભી?"

"દૂરની વાટ. ટૂંકી આવક. નીકળી ન શકે."

એ જવાબ દેતો ચંદ્રભાલ પોતાના અંતરમાં એકાદ ડંખ પણ અનુભવતો હતો.

ત્રણ વર્ષો આવ્યાં ને ગયાં. ખાનદેશથી આવતા ઓળખીતાઓ ચંદ્રભાલને બાળકના સમાચાર આપી જાય છેઃ "તમારો છોકરો લહેરમાં છે, હાડકું વધતું’તું તે બેસી ગયું છે. તમને ખાસ કહેવરાવ્યું છે કે એકવાર આવીને છોકરાને જોઈ જાવ."

"મારે જોવાનું શું છે?" ચંદ્રભાલ જવાબ આપતોઃ "એ તો હવે એનો જ છોકરો છે; ચાય જીવે, ચાય મરે."

ભાઈના કાગળો પણ આવતાઃ "તારી માન્યતા સાચી છે. તારી ભાભીનાં છેલ્લાં છ વર્ષથી સુવાવડ નથી આવી, એટલે એ તો તારો છોકરો સાચેસાચ પોતાનો હોવાની ભ્રાંતિમાં પડી ગઈ છે. વાતવાતમાં એમ કહી બેસે છે કે ’મારે આ છોકરો આવ્યો ત્યારે...’ વગેરે વગેરે!"

બાળકે તેડીને બેઠેલાં ભાભીનો એક ફોટોગ્રાફ પણ ભાઈએ ખાનદેશથી મોકલ્યો છે. એ છબીને ચંદ્રભાલે પોતાના લખવાના ટેબલ પર બરાબર બત્તીની નીચે ગોઠવી છે; હંમેશ ઊંઠીને પોતે એ છબીની પાસે પુષ્પો ધરે છે. કોઈ પણ વાર્તા લખવી શરૂ કરતાં પહેલાં પોતે એ ભાભીની પ્રતિમાનું જાણે આવાહન કરે છે.

એ ત્રણ વરસના ગાળામાં ચંદ્રભાલે જે કંઈ લખ્યું તેણે સાહિત્યમાં ભાત્ય પાડી. અનેક સાહિત્યપ્રેમી સ્નેહિઓ તેમ જ સખીઓના એને કાગળો મળ્યા તેમાં લખાઈ આવ્યું કે ’તમારી આ બધી વાર્તાઓ અમે જેટલી વાર વાંચીએ છીએ તેટલી વાર રડીએ છીએ.’

બે વાર્તાસંગ્રહો એણે ભાઈને ને ભાભીને અર્પણ કર્યા.

ત્રણ વર્ષ વીત્યે ચંદ્રભાલને વિચાર ઊંગ્યોઃ લગ્ન તો નથી જ કરવાં. એકપત્નીવ્રત હિમાયત કરનારી અનેક વાર્તાઓ મેં લખી મારી છે. પરણીશ તો ઠેકડી થશે. લગ્ન-બંધન જોઈતું પણ નથી. મુક્ત જીવન શું ખોટું છે? બાળક હવે આંહીં હશે તો મારે સોબત થશે, ને પુરૂષ-નોકરથી હવે ચાલી શકશે.

શરમાતે શરમાતે એણે ભાઈને કાગળ લખ્યોઃ "બાળક મૂકવા ભાભીને મોકલો. મારા દિવસો જતા નથી. મેં અહીં બધી સગવડ કરી છે, સુંદર બાલમંદિર ચાલે છે તેમાં મૂકી દઈશ."

બાળકને લઈ ભાભી આવ્યાં ત્યારે એનું વય તેતાલીસ વર્ષનું હતું. મોં પ્રફુલ્લિત બન્યું હતું. ગાલના ખાડા પુરાય હતા. ભાભીનું વય જાણે ઘટ્‌યું હતું.

છોકરાને માટે ભાભી પંદર દિવસ રહ્યાં. તેટલા વખતમાં એનું વય સાઠ વર્ષ પર પહોંચી ગયું.

"છોકરાને આટલો બધો શો હેડો?" ચંદ્રભાલ ખિજાયો. "હજુય ભાભીની પથારી છોડતો નથી! એ નહિ ચાલે. તમે એને ન પંપાળો, ભાભી!"

"હું શું કરૂં, ભાઈ?" કહીને ભાભી છાનાં છાનાં રડતાં. શું કરવું, હેડો કેવી રીતે છોડાવવો, પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે હેત પહેરાવી દેવાનું બાળકને કેવી રીતે કહેવું! કશી ગમ પડતી નહિ.

"તમે જશો એટલે એ તો એની જાણે જ ઠેકાણે આવી જશે." ચંદ્રભાલે કહ્યું.

આ વખતેય પાછા એને ભાભીના વણનાહ્યા દેહની, કપડાંની તેમ જ છીંકણીની દુર્ગંધ આવવા લાગી હતી.

"ભલે, ભાઈ! તો એમ કરૂં." ભાભીએ તૈયારી કરી.

જમવાનું પતી ગયું હતું. ઢેબરાં ભાભીએ કરી લીધાં હતાં. રસોડામાં એ છોકરાને લઈ એકલા બેઠાં હતાં. રાતની ગાડીમાં તો ઊંપડવાનું હતું.

થોડા કલાકોમાં છોકરાને જેટલો બને તેટલો પોતાની જોડે હેળવી લેવા તલપાપડ બનેલ ચંદ્રભાલે બાળકને શોધ્યો. મીઠો અવાજ કર્યોઃ "કાકુ!"

જવાબ ન આવ્યો. ચંદ્રભાલ અંદર ગયો. રસોડામાં પેઠો. ભાભી બેઠાં હતાં. ખોળામાં કાકુ હતો. કાકુના હાથમાં ગાંઠિયાથી ભરેલો વાટકો હતોઃ કાકુના મોંમાં એક ગાંઠિયો હજુ તો પેસતો હતો.

"લાવ!" કહી ચંદ્રભાલે ગાંઠિયાનો વાટકો ઝૂંટવી લીધો. કાકુના હોઠ વચ્ચેનો ગાંઠિયો પણ ખેંચી લીધો ને કહ્યુંઃ "જમ્યા ઉપર પાછા ગાંઠિયા આપ્યા! માંદો પડશે તો ચાકરી કોણ કરશે?" એમ કહી એણે ગાંઠિયાની વાટકી ભોંય પર પછાડી.

ભાભી અને કાકુ હેબતાયેલાં થંભી ગયાં.

બેમાંથી કોણ સાચું?

તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છુંઃ કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?

લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો તમે કોઈ પણ કલ્પી શક્શો. પોતાની પત્નીનું એવું કમોત કોને ન ઉશ્કેરી મૂકે? રોમેરોમ શૂળા પરોવાય.

શેઠની રજા લેવા પણ હું નહોતો ગયો. એનું મોં જોવામાં પણ મેં પાપ માન્યું. એણે મને મોટર મોકલી સ્ટેશને પહોંચાડવા,તે મેં પાછી કાઢી. એ મને વિદાય આપવા આવ્યા, પણ એના લાંબા થયેલા હાથમાં મારો પંજો નહોતો મૂક્યો.

એણે શું મને આટલા માટે જ પોતાનો સેક્રેટરી નીમ્યો હતો? મારી અણઆવડત એ શું એટલા માટે જ દરગુજર કરતા હતા? ઓહ-ઓહ... એ બધું યાદ કરૂં છું ત્યારે મને ઝાળ લાગે છે. એ ભડકા આખી દુનિયાને ખાક કરવા પૂરતા થઈ પડે તેમ છે.

હું મારા વતનમાં આવ્યો. પણ મોં કોઈને નહોતો બતાવી શક્યો. છાનોમાનો જ હું ઘરમાં પેસી ગયો. ત્રણ દિવસ સુધી તો મને ભાન નહોતું રહ્યું કે દુનિયા ફરે છે કે થંભી ગઈ છે.દિવસ અને રાત્રિ પોતાનો ક્રમ સાચવે છે કે શું એકલા રાત્રિને જ વિશ્વનું રાજ સોંપાઈ ગયું છે!

ચોથે દિવસે મને સાન આવી. મેં મારો સામાન ઉખેળ્યો. લાહોરના શેઠનું મંત્રીપદ યાદ કરાવે તેવી જે જે ચીજ, છાપેલાં નોટ પેપર, મુલાકાતનાં કાર્ડ, શેઠનાં આપેલાં પ્રશસ્તિપત્રો, વિલાયતની મુસાફરી વખતના ટ્રંકો પર ચોડેલાં લેબલ,શેઠે મને પ્રત્યેક નવા વરસે આપેલી યાદગીરીઓ, એ તમામને હું ત્યાં ને ત્યાં વિસર્જન દેતો ગયો.એના પ્રમાણપત્રોને તો મેં મારી બત્તીમાં સળગાવ્યાં તે વખતે મને એમ જ થયું કે જાણે હું શેઠને પોતાને જ સળગાવી રહ્યો છું. એના કાગળો નહોતા જલતા - એના શરીરના જાણે ટુકડા સળગતા હતા.

તે પછી મેં મારી પત્નીની પેટીઓ પીંખી નાખી. ઓહ! એમાં મેં શું દીઠું! મારા જુવાન માલિકે એના જન્મદિવસે અને અમારા લગ્નદિવસે ભેટ કરેલાં સંભારણાંઃ એ સાડીઓ ને એ મોતીમાળાઓ, એ બધાં મને સાપ-વીંછી સમ ડંખતાં હતાં. એને અડકતાં જાણે મારી આંગળીઓ કોઈ વાઘદીપડાનાં દાંતો વચ્ચે ભીંસાતી હતી. વીજળીનો પ્રચંડ પ્રવાહ જાણે મારા દેહને જકડી લેતો હતો. મને શું શું થતું હતું તે તો કોઈપણ ભાષાશક્તિના સીમાડા બહારની વાત છે. ઓ ભાઈ વાર્તાકાર! ઓ કવિ! મારી મનોવેદનાને આલેખવા તમે કોઈ ન બેસતા. દુઃખીના દુઃખને તમે શબ્દમાં ન ઉતારી શકો તો ફિકર નથી; એ દુઃખની તમે હાંસી કરશો નહિ.એ દુઃખને તમે તિરસ્કાર દેશો નહિ. એને તમારી ફોગટ શબ્દબાજીમાં ઝીલી હળવું પાડશો નહિ. એ જ્યાં છે ત્યાં જ છો રહ્યું.

ટ્રંકો ઉખેળતાં મને એક નાની દાબડી જડી. દાબડીના ઢાંકણ પર મારી અને મારી પત્નીની સજોડે પડાવેલી છબી મઢી હતી. એ જ એ છબી, જે મારા જુવાન શેઠને અતિ ઘણી ગમી હતી; જેની એક નકલ એ પિશાચના ઓરડામાં ત્યારે લટકતી હશે એ વાત યાદ આવતાં મારા કલેજાના હજાર ટુકડા થતા હતા. એ મેં પાછી કાં માગી ન લીધી? એને હવે વધુ વાર કલંકિત ન કર, દુષ્ટ! એટલું પણ હું એને કાં ન કહી શક્યો? એમ થતું હતું કે હજુ ત્યાં એના ઓરડામાં છૂપો પ્રવેશ કરીને હું એ તસ્વીરને તોડી આવું.

એ દાબડી અગાઉ મેં કદી પણ નહિ દીઠેલી. હેમુ એ એમાં શું સંધર્યું હશે? મારા કાગળો? હા લાગે છે તો એ જ. મને શેઠ જ્યારે જ્યારે મુસાફરીએ મોકલતા ત્યારે ત્યારે મેં હેમુને લખેલા, દરરોજના એક-એકને હિસાબે લખેલા એ કાગળો. હેમુ એને જીવનના કેટલા ઊંંડાણમાં ગોપવી ગઈ!

કાગળનું પરબીડિયું સાદા દોરા વડે નહિ, પણ મંગળસૂત્ર વડે બાંધેલું હતું. મંગળસૂત્રનું ચગદું જેમ એની ગૌર છાતી પર વિરાજતું તેવી જ છટાથી પરબીડિયાપર પહેરાવેલું હતું એણે. હેમુ! ઓ મારી હેમુ!

પણ મારા હાથ તો પાણી પાણી થઈ ઉઠ્‌યા, મેં પરબીડિયું ખોલીને જોયું તો એ કાગળો મારા નહોતા! ઓહ ઓહ! એ મારા નહોતા. એ હતા એ રાક્ષસના. એના જ હસ્તાક્ષરો; ખડમાંકડી જેવા એના જ એ અક્ષરો. મિલના શેઠિયાને, કરોડપતિના ખડમાંક્ડી જેવા એના એ જ અક્ષરો. મિલના શેઠિયાને,કરોડપતિના જુવાન વારસદારને, દુર્જનને સારા અક્ષરો ક્યાંથી લખતાં આવડે?

"મારી વહાલી! હા-હા-હા, પ્રભુ! એ વાંચતાં મારી આંખો નીકળી પડે છે. એ શબ્દો જાણે કે અવાજ કાઢે છે.એ અવાજ મારા તાળવાને ફાડી નાખે છે. લખનાર કોઈક, વાંચનાર કોઈક, છતાં મારા માથાની ખોપરી ફાટફાટ કેમ થાય છે?

એક, બે ,ત્રણ...કેટલા,ક્યારે લખાયા?હેમું ક્યાં ગઈ હતી ત્યારે લખાયા? કોના સરનામે લખાયા? શું એ કવર મારાં ગણાઈને હેમુ પાસે પહોંયાં હતાં? મારાં ગણાઈને? ઓહ! ઓહ! ઓહ!

ને એક-એકના જવાબો હેમુએ એને લખ્યા હશે? મારાં જ આપેલાં સુગંધી કવરો એ કાગળોને પોતાના કલેજામાં બેસાડીને લઈ ગયાં હશે? ટપાલની પેટીઓ પાપના ભારથી ફાટી કેમ ન પડી? આગગાડી એ બોજાને ઉપાડી શી રીતે શકી?

મને કોઈકોઈ વાર શંકા તો ગઈ હતી, પણ મેં તરત હેમુને વીનવી-વીનવી પૂછ્‌યું હતુંઃ"હેમુ, મારી હેમુ, મને કહે તો ખરી, સાચે સાચું બોલ! શંકાનો કીડો મને કોરી ન ખાય તે માટે બોલ."

જવાબમાં હેમુની આંખો બોર બોર આંસુ વહાવતી. એનાં ભવાં મને મારવાના જમૈયા હોય તેવા વળાંક લઈ લેતા. એના હોઠમાંથી ધુમાડા ઊંઠતા.

ને હું એના ખોળામાં માથું ઢાળીને કહેતોઃ "મને ક્ષમા કર. મારી એ શંકા તો મારાં જીવનનું મોટામાં મોટું પાપ છે."

એ જ હેમુ આ કાગળ સંઘરનારી કે? ભર્તૃહરિનો યુગ શું એક અને અનંત છે કે? સાહિત્યની વાતો જૂઠી નથી કે? ઓહ દુનિયા! એણે જૂઠું બોલીને ઝેર પીધું. એણે મારી સગી આંખે જોયેલું પાપ-દ્રશ્ય મજાકમાં ઉડાવી દીધું. એણે મને એટલે સુધી ટોણો મારી લીધો કે "તમે પોતે જ શું મને આમાં નહોતા ધકેલી રહ્યા? તમારે જ દૈવતવિહોણા છતાં ઊંંચે ચઢવું હતું. હું તમારે ચઢવાનું પગથિયું બની."

આ સાચું હશે? મારૂં દિલ શું અરધી હા નથી પાડતું?

પાછલી રાતનો એ કાળામાં કાળો પહોર હતો. અંદરને બહાર બધે કાજળ કાજળ હતું. રાત્રિ જાણે વિશ્વ-કાલિકાની કાજળઆંજી એક આંખ હતી.

અચાનક મારા અંતરમાં ઉજાસ પેટાયો. કાગળોનું પરબીડિયું જાણે મારૂં તારણહાર બન્યું. કોઈ ક્યાંયથી જોતું નથી ને? હું ઘરમાં ચોતરફી તપાસ કરી આવ્યો. કોઈ નહોતું. એ મોટો પડછાયો તો સુધરાઈના ફાનસના કાચ પર બેઠેલી એક ઢેઢગરોળીનો જ મારા ઘરની ભીંતે પડી રહ્યો હતો. ચૂં-ચૂં તો ઉંદરો જ કરતા હતા.

કોણ બોલ્યું? કાંઈ નહિ. હું પોતે મનમાં મનમાં કંઈક બોલતો હતો.તેનો જ અવાજ મને મોટો લાગેલો.

કરોડ રૂપિયાનાં જવાહીરો ચોરનાર પણ જેટલી સાવધાની રાખીને નહિ ચાલ્યો હોય તેટલી સાવધાનીથી જઈને મેં પરબીડિયાંને છુપાવ્યું. ત્રણ વાર તો મેં એને છુપાવવાની જગ્યાઓ બદલી. રખે કોઈને હાથ પડે! વેરની વસૂલાતનું હથિયાર મને વિધાતાએ જાણે કે હાથોહાથ આપ્યું; નહિ તો છેલ્લાં પાંચ વર્ષો... ઓહ! ઓહ! પાંચ વર્ષોની મારી નોકરી દરમિયાન, એ પાંચેય વર્ષોનો આવો સંબંધ ચાલુ હશે; ઘણા કાગળ લખાયા હશે; તેમાંથી આ એક જ પરબીડિયું કેમ અણસેવ્યું રહી જાય?

પાપ પોકારે છે. પાપ લોઢાના થાંભલા ફાડીને પણ ડોકિયું કરે છે.પાપની જીભ કોઈથી રૂંધાતી નથી.

રાતના એ જ વખતે મેં લાહોર કાગળ લખ્યો; એનાં નોટપોપર પર નહિ, સાદા જ કાગળમાં. મારી પાસે કેવા પુરાવા, એના હસ્તાક્ષરના જ, મોજૂદ છે તેની મેં એને મોઘમ ધમકી મોકલી.

લખ્યા પછી મને વિચાર આવ્યોઃ આમ શા માટે? એને લખવાનું શું પ્રયોજન? એનો નાશ કરવાની જ વાત છે ને? તો તો સવારની વહેલી ગાડીમાં જ મુંબઈ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાન ઑફિસોમાં જ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાનપત્રોને માટે એક મિલમાલેકની સામે આટલો મસાલો શું ઓછો છે?

પણ તો પછી મને સ્વયંસ્ફુરણા કેમ આ પ્રકારની થઈ? કશુંક કારણ - કોઈ વિધિસંકેત...

હા,હા, સમજાયું. એ નરાધમને બદનામ કરવાનું તો છે જ છે;પણ તે પહેલાં એને દંડી શા માટે ન લેવો? આજે હું ચૂક્યો તો મારો ક્યાં પત્તો લાગશે? હું ક્યાં બીજી કોઈ રીતે ઠેકાણે પડવાનો છું? રૂ.૧૦૦ની પણ નોકરી મને કોણ આપવાનું હતું? ને એક વખતનો પાંચસો રૂપિયાનો દરજ્જો ભોગવનાર હું હવે ક્યાં જઈ ઊંભો રહીશ? એણે સેંકડોને લૂંટ્‌યા છે, તો આ જ હું એ સેંકડોનો બદલો કેમ ન લઉં? કાગળ મેં ટપાલમાં નાખ્યો.

મારો કાગળ પહોંચ્યો ને તાર-ટપાલની દોડાદોડ થઈ રહી. સંદેશા આવ્યા કે "ન મૂંઝાઓ. એક વાર અહીં આવી જાવ. તમારૂં અસલનું સ્થાન સંભાળી લ્યો. રૂપિયા પાંચસો આ સાથે સામિલ છે" વગેરે વગેરે. હું ન ગયો. મારો બદલો એમ કેમ વળી જાય? હું મૌન સેવીને જ બેઠો રહ્યો. મને ખબર હતી કે ત્યાં શા ફફડાટો ચાલશે.

પાંચ જ દિવસ થયા,ને રાત્રિએ મારૂં ઘર શોધતા શોધતા એ કોણ આવી રહ્યા હતા? મારા જુવાન શેઠના ખુદ કાકા! એક કરોડપતિને મારે ઘેર રાતનાં ઠેબાં ખવરાવવાની સત્તા આપનાર એ પરબીડિયાંનો કેટલો ગુણ! કેટલી પ્રભુક્રપા!

શેઠના કાકા પ્રભુભક્ત હતા, પવિત્ર નર હતા, પ્રાતઃસ્મરણને યોગ્ય હતા. એના પર મને ઈતબાર હતો. એની એક આંખમાં જુવાન ભત્રીજા પ્રત્યેનો ધિક્કાર જલતો હતો ને બીજી આંખ મારા પ્રત્યેક કરગરીને રડતી હતી.

એણે મૂંગે મોઢે જ પોતાની પાઘડી ઉતારીને મારા પગમાં મૂકી. પોતાના શ્વેત વાળની પૂણીઓ પ્રત્યે એણે આંગળી ચીંધાડી.

-ને હું એમની જોડે લાહોર ગયો. ઑફિસમાં મને કાકાસહેબ લઈ ગયા ત્યારે જુવાન માલિક મોં નીચું ઢાળીને બેઠા હતા. કાકાસાહેબે એ માથાં પર પોતાની મોજડી મારી તો પણ એ માથું ઊંંચું નહોતું થતું. અમને બંનેને એકલા છોડીને કાકાસાહેબ બાજૂના ખંડમાં ચાલ્યા ગયા; મને એ કહેતા ગયા, કે "બચ્ચા,તારા જાનનો હામી હું છું ,હો કે?"

જુવાન શેઠે મને ગરીબડા શબ્દોમાં કહ્યુંઃ"ગઈ ગુજરી ભૂલી જાઓ, ભાઈ! મારા મોં પર જૂતો લગાવો. મેં ન કરવાનું કૃત્ય કર્યું છે. મને ઈશ્વર પણ સંઘરશે નહિ."

એનાં નેત્રો ભીંજાયાં. ને મારૂં પણ હૃદય ભીંજાયું.

મેં એને કહ્યું,"હું જાણું છું. તમે કંઈ હૃદયથી દુષ્ટ નહિ હો. તમારા સંયોગોએ જ તમારૂં ભાન ભુલાવ્યું હશે. મારે કંઈ વેર વાળવું નથી. હું તો તમારી ઈન્સાનિયતને તક આપવા તૈયાર છું." વગેરે વગેરે.

એમણે મને કહ્યુંઃ "નોકરી માટે નહિ, પણ મને તમારી સોબત મળે ને હું દુઃખ વીસરૂં એટલા ખાતર પણ અહીંનો ચાર્જ સંભાળી લ્યો."

મેં કહ્યુંઃ"સાહેબ, મને મારા ભાવિનો શો ભરોસો?"

"ભાવિનો ભરોસો કેટલોક માગો છો?"

"પચીસ હજાર."

શેઠે ચેકબુક લીધી. મોં મલકાવ્યું. ચકચકિત ફાઉન્ટનપેન ખોલીને હાથો ચડાવ્યો. એક પર એની ટાંકે શબ્દો ટપકાવ્યાઃ"પચાસ હજાર."

મારી સામે જોયુઃ"બસ?"

"ઉપકાર;" કહીને મેં પેલું પરબીડિયું ગજવામાંથી કાઢ્‌યું. કાઢીને જ્યાં એમની સામે ધરૂં છું ત્યાં તો કેબિનનું બારણું આસ્તે આસ્તે ઊંઘડયું. ચપરાસી રસૂલ દાખલ થયો. એના હાથમાં પણ એક પરબીડિયું હતું. એની સામે જુવાન માલિકે મોં મલકાવીને પૂછ્‌યુંઃ "ક્યા હય, રસૂલ?"

"ચિઠ્‌ઠીકા જવાબ હે, સા’બ!" કહીને એણે પોતાના ગજવામાંથી છૂરી ખેંચી શેઠના પેટમાં પહેરાવી દીધી.

"અરે! અરે!" મારાથી બોલાઈ ગયું. મારી સામે શેઠની છેલ્લી જીવનપળો તરફડતી હતી.

"ખામોશ!" રસૂલે મારી સામે ચુપકીદીની ઈશારત કરી કહ્યુંઃ "મેં ભાગ નહિ જાતા. ખામોશ રખ કે પુલિસકો બુલાવ!"

આખી ઑફિસનો સ્ટાફ રસૂલને ઘેરી વળ્યો. સૌને એણે એક જ વાર કહી દીધુંઃ"આજ મુંહમેં રમઝાન હયઃ મુઝકો મત છૂના, ભાઈલોક!"

શાંતિથી એ ત્યાં ઉભો રહ્યો. પોલીસે આવીને રસૂલનો, લાશનો, પચાસ હજારના ચેકનો, મારા પરબીડિયાંનો ને છૂરીનો કબજો લીધો.

છૂરીના ફળા ઉપર એણે એક ચિઠ્‌ઠી પરોવેલી હતી.પોલીસે એ વાંચી.એ ચિઠ્‌ઠીમાં મરનાર શેઠના હસ્તાક્ષરોનું લખાણ હતું. એ લખાણ રસૂલની ઓરત પરના પ્રેમપત્રનું હતું.

હું ગભરાયો. મારા ગજવામાંથી મેં ટેબલ પર કાઢેલું મારી પત્ની પરના શેઠના પ્રેમપત્રનું પરબીડિયું પણ પોલિસે હાથ કર્યું.મને પણ રસૂલ સાથે પકડી ગયા. જતે જતે હું વિચારતો હતોઃ

કોણ સાચું? કોનો માર્ગ સાચો? મારો કે રસૂલનો?

(પૂર્ણ)

બબલીએ રંગ બગાડયો

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊંપડવાનું છે. - તૈયાર છો ને ?"

"હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું."

"વારૂ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઈન પર ... જંકશને જ મળજો. તમારે રહેવું હોય તો બે દિવસ વધુ ઘેર રહી શકો છો."

"ના જી. મારે જરૂર જ નથી."

"તમારી ટિકિટ પણ ફર્સ્ટ કલાસની જ કઢાવજો, હાં કે !"

"આપણે જંકશને મળશું ત્યાંથી જ કઢાવીશ."

"નહિ નહિ, તમારા જ સ્ટેશનથી કઢાવી લેજો. એમાં શી વિસાત છે ?"

"તો હું આજે જ ઊંપડું ?"

"હા, ને ત્યાં હિમાલયમાં ઠંડી બહુ પડે છે; તમારે માટે ગરમ કપડાં જોઈશે. આપણા દરજીને માપ આપી આવો આજે. અમે તમારાં કપડાં લેતાં આવશું."

બક્ષી માસ્તરને અને શેઠાણીને આટલી વાત થયા પછી બક્ષી માસ્તર ઊંઠ્‌યા. પોતાના પ્રત્યેની શેઠ-કુટુંબની આટલી બધી કાળજી એને અચંબો પમાડી રહી. શેઠનાં બાળકોના ટ્‌યૂટર થવાનો મોટામાં મોટો લાભ બક્ષી માસ્તરે આ જ માન્યો હતો ઃ પોતાનું સ્વમાન રક્ષાતું હતું; પોતાના તરફ ખુદ શેઠ જેટલી જ સંભાળ રખાતી હતી.

બીજો લહાવો હતો હિમાલયના ખોળામાં આળોટવાનો. કૉલેજમાં હતા ત્યારે બક્ષી માસ્તરે ’કુમાર-સંભવ’ નામનું કવિવર કાલિદાસનું મહાકાવ્ય લગભગ કંઠે કર્યું હતું. હિમાલયનાં હિમ-શૃંગો, ઝરાઓ, હર-ગૌરી બન્નેનાં તપસ્થાનો અને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ઊંગમસ્થાનો જોવાનું સ્વપ્ન પણ એ પોતડી પહેરીને ભણનાર એક બ્રાહ્‌મણપુત્રને મન દોહ્યલું હતું. કોઈ બીજા ઠેકાણાની નોકરી મળી હોત તો બીજી બધી વાતે ચાહે તેટલું સુખસાધન મળત છતાં હિમાલયના સૂર્યોદય ને સૂર્યાસ્ત તો એને માટે કદી ન પહોંચાય તેટલા દૂર જ રહ્યા હોત ને ! આંહીં તો પ્રત્યેક ઉનાળે આખા દેશનાં શીતળ ક્રીડાસ્થળોનાં પર્યટનો સાંપડવાની સગવડ હતી.

જુવાન પત્નીને અને નાનાં બાળકોને પોતાને ગામડે માતપિતા પાસે મૂકી આવીને જ્યારે બક્ષી માસ્તરે ગામડાના નાનકડા સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ માગી ત્યારે સ્ટેશન-માસ્તરને દોડાદોડ થઈ પડી. પોલીસ કોન્સ્ટેબલે દૂર ઊંભે ઊંભે આ ફર્સ્ટ ક્લાસ પેસેન્જરના દીદાર તપાસ્યા. એનું બિસ્તર પડયું હતું તેમાં કોઈ ચોરીનો અથવા દાણચોરીનો કિંમતી માલ હોવાનો પણ શક ગયો. પણ બક્ષી માસ્તર પાણીદાર જુવાન હતા. એણે એક પણ આડાઅવળા પ્રશ્નનો જવાબ આપવાની ના કહી. માસ્તરને જણાવી નાખ્યું ઃ "કાં ટિકિટ ફાડો નહિ તો તમારા ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ પરનો આ તાર સ્વીકારો."

સર્વ ઉતારૂઓને અજાયબ કરતા બક્ષી માસ્તર છેવટે પૂર્ણ દરજ્જાથી પહેલા વર્ગના પ્રવાસી બન્યા. સાંજે ... જંક્શન આવ્યું તે પછી રાતના અગ્િાયાર વાગ્યા સુધી પહેલા વર્ગના ડબામાં ચૈત્ર મહિનાના અંધારિયા પખવાડિયાની મોડી રાતની ચાંદની રેલાતી રહી. અને શેઠની નાની પુત્રી વિશાખાનાં નૃત્ય ચાલ્યાં. મોટી પુત્રી મયંકીએ પોતાનાં ચિત્રોનું એક આલ્બમ તૈયાર કર્યું હતું તે સૌએ જોયું ને તેની ખૂબીઓ પર બક્ષી માસ્તરે ટૂંકી ટૂંકી વિવેચનાઓ આપી. પછી શેઠાણીના દિલરૂબા પર બેઠેલા હાથનો પણ પરિચય જડયો. બીજા જે બે-ત્રણ સાથીઓને સાથે લીધા હતા તેમણે પોતપોતાની કરામતો બતાવી. આખરે શેઠનો વારો આવ્યો. બક્ષી માસ્તરને સહુથી મોટું આશ્ચર્ય તો એ લાગ્યું કે આડા દિવસનું પોતાનું તમામ અક્કડપણું સરપ પોતાની કાંચળી ઉતારી નાખે એટલી આસાનીથી ઉતારી નાખીને શેઠે હાસ્ય-રસની જમાવટ કરી મૂકી.

પોતપોતાના ડબામાં સૂઈ ઊંઠીને વળતા પ્રભાતે સહુ પાછા શેઠ-શેઠાણીની જોડે ચહા-નાસ્તામાં જોડાયા. ભેળા વનસ્પતિશાસ્ત્રના શિક્ષકને લીધા હતા, તેણે સડકની બેય બાજુનાં નવાં નવાં ઝાડો વિષેનું જ્જ્ઞાન શેઠપુત્રી વિશાખાને આપવા માંડયું. બીજા એક મણિપુરી નૃત્યકાર હતા, તેણે વિશાખાને નવા નૃત્યનાં પગલાં બતાવ્યાં. ચિત્ર-શિક્ષકે મયંકીને તેમ જ શેઠપત્નીને નવી કૃતિ દોરવાને માટે એ ઊંઘડતા પ્રભાતનું દૃશ્ય બતાવ્યું.

જબલપુર બાજુની નર્મદા નદી આરસના પહાડો વચ્ચે થઈને એ પ્રત્યેક પહાડ-સૌંદર્યની જાણે કે પદ-ધૂલિ લેતી જતી કોઈ પૂજારણ જેવી ચાલી જતી હતી. એને તીરે ઊંભેલ બે હરણાં જાણે કે એ સૌંદર્ય-યાત્રિકાનાં નીરમાં પોતાના પડછાયા પાડીને પણ પાવન બનતાં હતાં. આઘેઆઘે ગોવાળ કોઈ વિરહ-ગીત ગાતો હતો. પણ ધમધમાટ દોડી જતી આગગાડી એના શબ્દો પકડવા આપતી નહોતી.

"બક્ષી માસ્તર !" શેઠાણી વિનયપૂર્વક બોલ્યાં ઃ "આ બધા પ્રદેશોનાં ઈતિહાસ-ભૂગોળ પણ વિશાખાને કહેતા જશો ને ?"

"હા જી; પછી વિશાખાબહેન એ પરથી વાર્તારૂપે જે પરિચય લખશે તેને આપણે ’જીવતી ભૂગોળ’ નામથી છપાવીએ પણ કાં નહિ ?"

"હા, એ તો લખે તેવી છે."

"મેં એની શૈલીનો વિકાસ થાય તેવી તાલીમ આપ્યા જ કરી છે."

"એ તો ઝટ પકડી લેશે."

યાત્રાળુઓ પૂર્વ બંગાળમાં પહોંચ્યાં, ને બક્ષી માસ્તરે પોતાની નોંધપોથીમાં ટપકાવ્યું કે ’કુદરતે સંન્યાસ લેતાં પહેલાં છેલ્લાં આભૂષણો જાણે કે આંહીં ઉતાર્યા હશે.’

ટપકાવીને તરત એણે વિશાખાને વંચાવ્યું. વિશાખાને કંઠે એ વાક્ય રમતું થઈ ગયું. દોડતી ને કૂદતી એ પોતાના ચિત્રગુરૂ પાસે ગઈ. ચિત્રગુરૂએ પોતાની પોથીમાં જે રેખાઓ પાડી હતી તેનું વિશાખાએ બારીક નિરિક્ષણ કર્યું. પછી વનસ્પતિના શિક્ષક પાસે ગઈ. એમની પાસેથી આ વનરાજિના ગુણદોષ જાણ્‌યા. સંગીતાચાર્યે વિશાખાને પદ્‌મા નદીના નાવિકોના ગાનની સરગમ બાંધી આપી. મણિપુરી નૃત્યકારે નદીના નીરની ગતિમાંથી નવો એક નૃત્ય-પ્રકાર વિશાખાને માટે ઊંભો કરી આપ્યો.

બે મહિનાના પર્યટનની રસલૂંટ લૂંટીને યાત્રિકો પાછાં વળ્યાં. બક્ષી માસ્તર સીધેસીધા પાછા પોતાના કુટુંબને તેડવા પોતાને ગામ ચાલ્યા.

"ત્યાં રોકાશો નહિ, હાં કે માસ્તર !" શેઠાણીએ કહ્યુંઃ "વિશાખા આ બધું ભૂલી ન જાય તે માટે આપણે તરત જ ’લેસન્સ’ શરૂ કરી દેવાં છે."

ફરી પાછા માસ્તર એ નાના સ્ટેશને પહેલા વર્ગના ડબામાંથી ઊંતર્યા ત્યારે સ્ટેશન-માસ્તર અને પોલીસ-કોન્સ્ટેબલ ચકિત થયા. વળતા દિવસે એ જ જુવાનને કુટુંબ સહિત ત્રીજા વર્ગની ટિકિટ માગતો સાંભળીને સ્ટેશન-માસ્તરની મૂંઝવણ વધી ગઈ.

રસ્તે બક્ષી માસ્તરે પત્નીને પણ પ્રવાસની વાતો કરી. ચાતક મેઘજળને ઝીલે તેટલી મુગ્ધતાથી એ ગ્રામ્ય સ્ત્રીએ પતિના મોંની વર્ણનધારાઓ પીધી.

"પણ વિશાખાબેનની તો શી વાત !" બક્ષી માસ્તરે તમામ વર્ણનોની વચ્ચે વચ્ચે વિશાખાનાં વખાણની વેલ્ય ગૂંથ્યા કરીઃ "અમે જે કંઈ એક વાર બતાવીએ તે વિશાખાબેન તો પકડી જ પાડે, ભૂલે જ નહિ."

"આ તમારી બબલીય..." માસ્તર પત્નીએ ખોળામાં સૂઈ ગયેલી પોતાની બે વર્ષની છોકરીને મોંએ હાથ ફેરવીને કહ્યુંઃ "આ તમારી બબલીયે અસલ એવી જ થવાની છે, જોજો ને !"

એટલું કહીને બબલીની માએ મોં નમાવ્યું. બબલીના સૂતેલા મોં પર એણે એક ચૂમી ચોડી, એ એક ચૂમીથી ન ધરાતાં એણે ઉપરાઉપરી નવી બચીઓ ભરી. પ્રત્યેક બચીએ એ બોલતી ગઈઃ "એવી..ઈ...ઈ જ થશે - જોજોને ! જોજોને એવી ઈ...ઈ જ થશે !"

પછી બબલીની બાએ વૈશાખ-જેઠ બે મહિનાભરના બબલીની બુદ્‌ધિચાતુરીના નાનામોટા પ્રસંગો યાદ કરવા માંડયાઃ

"એક દિ‘ તો બાપુ શ્લોકો ગાતા, તે બબલી એકધ્યાન થઈને સાંભળી રહી.

"રાતે આપણા ચોકમાં રાસડા લેવાય, એટલે બબલીય તે માથે મારી સાડીનું ફીંડલું ઓઢીને હારબંધ ઊંભી રહી જાય; પછી તાળીના કાંઈ લે‘કા કરે, કાંઈ લે‘કા કરે ! બધા તો હસીહસીને બેવડ વળી જાય.

"અરે, શું વાત કરૂં ? મારૂં કંકુ લઈને એક દા‘ડો તો કાંઈ પોતાનું મોં રંગ્યું‘તું એણે !

"જે કોઈ પંખીને બોલાતું સાંભળે તેની બોલી કર્યા વિના બબલી રહે જ નહિ ને !

"બાપુજીએ તો બબલીના ચેનચાળા જોઈને પચીસ વાર કહ્યું છે કે, આ છોકરી રાંડ મોટપણે શુંનું શુંય કરશે !"

ગાડીનો વેગ વધતો જતો હતો. પણ એનો ગડુડાટ બક્ષી માસ્તરને યાદ રહ્યો નહિ. સ્ટેશનો પણ અણપેખ્યાં જ આવ્યાં ને ગયાં. બક્ષી માસ્તર બબલીનાં પરાક્રમો સાંભળતા રહ્યા. છતાં પત્નીના હસવામાં એનાથી શામિલ ન થવાયું. પત્ની જ્યારે જ્યારે બબલીની કોઈક બુદ્‌ધિશક્તિ પર આનંદના ઓઘ ઠાલવતી હતી ત્યારે ત્યારે બક્ષી માસ્તરના મોં પર ખારાપાટના પોપડા વળી જતા હતા.

બીજા બાર મહિનાભર વિશાખાનો જીવન-વિકાસ સર્વ શિક્ષકોના ધ્યાનનું મધ્યબિંદુ બની રહ્યો. વિશાખાને ભણાવનારા માસ્તર સાહેબોની પ્રતિષ્ઠા વધતી ગઈ. જાહેર તેમ જ ખાનગી કલાના સમારંભોમાં નાનકડી વિશાખા નામ કાઢતી જ રહી. એ પરથી કેટલાક અમીરોએ તો સાચેસાચ વિશાખાના વિદ્યાગુરૂઓમાંથી કેટલાકને પોતાની નોકરીમાં આવવા લાલચો આપી. અનેક શેઠાણીઓને એકાએક એવું જ્જ્ઞાન થવા લાગ્યું કે એ લોકોની વિશાખા કરતાં પણ વધારે તેજસ્વી બને તેવી અમારી છોકરીઓની શક્તિ છે પણ એ લોકોને તો સુભાગ્યે સારા શિક્ષકો જડી ગયા છે તેથીસ્તો !

આ વસ્તુનો ફાયદો વિશાખાના શિક્ષકોને જ થયો. મણિપુરી નૃત્યકારે એક દિવસ દમ દઈ દીધો કે મને તો બીજે ઠેકાણે વિશેષ લાભ મળે તેમ છે. પરિણામે સહુના પગારો વધ્યા. બધા ખુશ થયા. એ ખુશાલીના પ્રવાહમાં ન ખેંચાઈ શક્યા એક બક્ષી માસ્તર. જડ પથ્થર જેવા એ તો બની ગયા હતા.

બાર માસ વીતી ગયા. તે દરમિયાન બબલીને તો બક્ષી માસ્તર સવારનો એકાદ કલાક મળી શકતા; ને સાંજરે બબલી વહેલી સૂઈ જતી તેથી, ઘણુંખરૂં, પિતા-પુત્રીનું મિલન તો ચોવીસ કલાકે જ થઈ શકતું.

રાત્રીએ બક્ષી માસ્તર બબલીના બિછાના પર લળીને મૂંગા મૂંગા જોયા કરતા. એમના મોં પર શૂન્યતાનો ખારોપાટ ફરી કદી ભીનો થતો જ નહોતો. સવારે રમતી બબલીમાં એને અનેક અણદીઠ શક્યતાઓ નાચતી દેખાતી.

પત્ની પૂછતીઃ "શું જોઈ રહો છો ? એવડું બધું તે કયું રૂપ દેખી ગયા છો તમારી છોકરીમાં !"

એનો જવાબ બક્ષી માસ્તર ગોઠવી શકે તે પૂર્વે જ પાછી બીજી ગ્રીષ્મ આવી; અને એ સળગતા નગરમાંથી શેઠિયા કુટુંબો શીતળ ગ્િારિશૃંગો તરફ ઊંપડવા લાગ્યાં.

ફરીથી શેઠાણીએ ખબર આપ્યાઃ "કાં માસ્તર, તૈયાર છો ને ?"

બક્ષી માસ્તરે મૂંગા મોંની હા પાડવા માટે કેવળ માથું જ ધુણાવ્યું. પણ એમની આંખોમાં એક જાતની દયાજનકતા હતી.

"તો પછી તમે કુટુંબને જલદી દેશમાં મૂકી આવો છો ને !"

આ વાક્ય આગલે વર્ષે બક્ષી માસ્તર પોતે બોલ્યા હતા. આ વખતે બોલનાર બદલાયું.

"ભલે." માસ્તરે મંદ જવાબ વાળ્યો.

"આ વખતે તો તમારી નવી શિષ્યાનેયે તમારે તૈયાર કરવાની છેઃ જાણો છો ને ?" કહીને શેઠાણી સહેજ મરક્યાં.

બક્ષી માસ્તર જરા બેધ્યાન હતા.

"કેમ ? યાદ ન આવ્યું ? આપણી રોહિણી ! હવે બે વર્ષની થઈ ગઈ."

શેઠાણીએ પોતાની નાની પુત્રીની વાત કરી.

"હા જી, સાચું." એવો લૂખો જવાબ વાળીને બક્ષી માસ્તર પાછા વિદ્યામંદિરમાં ગયા.

જતાંજતાં એનું મન કશોક એવો બબડાટ કરતું હતું કે ’કાલ વિશાખા હતી, આજે હવે રોહિણી, આવતે વર્ષે કોઈ ત્રીજું નક્ષત્રનામધારી...’

ઘેર જવાની તૈયારી વખતે બક્ષી માસ્તરે બંગલાની બેઠકમાં ગરમાગરમ અવાજ સાંભળ્યો. બહાર ઊંભા રહીને એણે કાન માંડયા. બાઈ કોને ઠપકો દેતાં હતાં ? શંકરિયાને ? કદી જ નહિ ને આજ શા માટે ? બાઈનો ઉગ્ર અવાજ આવ્યોઃ "એટલે તું અમારી જોડે નહિ આવે - એમ ને ?"

"નઈ. બાઈ, મને મારે દેશ જવા દો."

"રોહિણી તને આટલી બધી હળી ગઈ છે તેનું શું ?"

"ખરૂં, બાઈ; પણ મને આ વખતે છોડો."

"એમ કે ?" શેઠાણીના અવાજમાં વેદના હતીઃ "તમને સૌને અમે ઘરના કરી સાચવ્યા એટલે જ છેવટ જતાં અમને જૂતિયાં આપો છો, ખરૂં ને ?"

"નઈ, બાઈ, એમ નઈ...!"

"ત્યારે કેમ ?"

"હું ક્યાં એમ કહું છું ?..."

"ત્યારે તું શું કહે છે ?"

"મારેય, બાઈ, દેશમાં મારી છોકરી..." શંકરિયો પૂરૂં સમજાવી ન શક્યો. પણ બાઈ સમજી ગયાં.

એ પછી વધુ વાતચીત સાંભળ્યા વિના જ બક્ષી માસ્તર મોટરગાડીમાં ચડયા. ઘેર પહોંચતાં સુધીમાં એણે આ વખતના પર્યટનનું બધું જ આકર્ષણ કલ્પનામાં ગોઠવી લીધું. આ વખતે તો દક્ષિણનો પ્રવાસ છે. સુખડથી મહેકતો મલબારઃ સંગીતધામ બેંગલોરઃ નાળિયેરની વનરાજિઓઃ હિમાલયનાં શૃંગોને હિંદુ પ્રજા કેમ જાણે ઉતારી ઉતારીને દક્ષિણમાં સાથે લઈ આવી હોય તેવા ગગનચુંબી મંદિરોઃ મહાબલિની વિરાટ પ્રતિમાઃ કથકલી નૃત્યોઃ જળઘેરી ને કાજળઘેરી સુંદરીઓઃ અને સ્વપ્નભૂમિ સિંહલદ્વીપ. પછી એ સઘળા પર્યટનોમાંથી હું નવીન જ ઢબે હિંદના ઈતિહાસ-ભૂગોળ આલેખી શકીશ. જ્જ્ઞાનનો વારિધિ મારી કલ્પનામાં ઉછાળા મારશે. આટલા બધા માનપાન સાથે મને આવી યાત્રાઓ કરાવનાર માલિકો બીજે ક્યાં મળે ?

પણ... મારા દિલ જોડે મારે આ વખતે આટલી બધી દલીલો કેમ કરવી પડે છે ? ગયા વર્ષે તો આ બધા પ્રલોભનો ગણી ગણી તપાસવાની જરૂર નહોતી પડી ! આ વખતે મન પાછું કેમ હટે છે ? વારે વારે મારા એ દક્ષિણના કલ્પના-વિહારોમાં કોણ હડફેટે આવે છે? મોટી વિશાખા અને નાનકડી રોહિણીને હું સેતુબંધ રામેશ્વરની વાત કરતો હોઈશ એવું જ્યારે કલ્પું છું ત્યારે કોણ મારા હાથ પકડીને ખેંચતું મને કહે છે કે ’બા-પા...બા-પા...મને...મને...મને...’

મોટરમાંથી ઊંતરીને પોતે શોફરને કહ્યુંઃ "થોડી વાર થોભજો તો, ચિઠ્‌ઠી મોકલવાની છે."

અંદર જઈને પોતે શેઠાણી ઉપર કાગળ લખ્યોઃ

માનવંતા બાઈશ્રી,

પ્રવાસમાં હું નથી જોડાઈ શકતો, દરગુજર ચાહું છું. હવે પછી પણ ઉનાળાના પ્રવાસોમાં મને જોડે ન લઈ જવાની શરતે જ હું નોકરીમાં રહી શકીશ.

તમારા તરફથી તો મને કોઈ જ કારણ મળ્યું નથી. તમારી રીતભાત અને રખાવટમાં જે સમાનતાનો ભાવ છે તે તો વિરલ છે.

પરંતુ નાની રોહિણીને અને મોટી વિશાખાને જ્જ્ઞાનસમૃદ્ધ બનાવવાની ચોવીસેય કલાકની મારી તન્મયતાના પાયા તળે એક નાનું બાળક ચંપાય છેઃ એ છે મારી બબલી.

રોહિણીને અને વિશાખાને આખા જગતનું સૌંદર્ય પીવા મળે તેની મને ઈર્ષા નથી; પણ મારી બબલીને હું મારા ગામડાની સીમડીએ તો ફેરવું, એટલી જ મારી ઈચ્છા છે.

તમારી સૌની વચ્ચેનાં મારાં ગુલતાનો ગયા વર્ષે જડ હતાં, આ વખતે એમાં એક જ બિંદુ ઝેર જેટલી સમજ પેસી ગઈ છે કે ચોવીસેય કલાક તમને હું આનંદ કરાવતો હોઈશ ત્યારે મારી ગ્રામ્ય પત્ની મૂઢ સંતોષ પકડીને મારે ગામડે બેઠી હશે.

આ વિચારો પર આપણી મંડળી પેટ ભરીભરીને હસશે એ હું કલ્પી શકું છું

પત્ર લખી કાઢ્‌યો, વાંચી જોયો, ફરીફરી વાંચ્યો. બીડયો. લઈને બક્ષી માસ્તર મોટર સુધી ગયા.

એકાએક એણે શોફરને કહ્યુંઃ "કંઈ નહિ... ચિઠ્‌ઠી નથી આપવાની. લઈ જાઓ ગાડી."

પાછા આવીને કાગળને એણે પોતાના ખાનગી કાગળોની ફાઈલમાં પરોવ્યો. પરોવતાં વિચાર્યું કે આજે તો હું સ્થિતિનો ગુલામ છું, મૃત્યુ પછી મારા મનના અગ્નિની પિછાન આ કાગળ કરાવશે.

બબલીને અને બબલીની માને ગામડે મૂકીને ત્રીજા દિવસે જ્યારે બક્ષી માસ્તર એ પહેલા વર્ગની મુસાફરોની મિજલસમાં જોડાયા ત્યારે એમણે જોઈ લીધું કે નાની રોહિણી ચીસો પર ચીસો પાડતી હતી.

શંકરિયો નહોતો આવ્યો.

શિકાર

વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊંથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંંડી નજર પડી ગઈ છે.

જર એટલે ઝાડ, પાંદ અને પાણીથી ભરેલી - અથવા તે ત્રણેયમાંથી એક પણ વગરની - ખોયા ભમ્મરિયા ખીણો ઃ દસ બાર મથોડાં ઊંંચી ભેખડના કાંઠા વચ્ચે સાંકડી, સૂરજના અજવાળાને પોતાના પોલાણમાં માંડમાંડ પેસવા આપતી નહેરો ઃ ધરતીના કલેજામાં એકાદ-બબે ગાઉના ચીરા ઃ શિકાર-શોખીન રાજાઓને પોતાના દીપડા સંઘરવાનાં મોકળાં પાંજરા.

એવી એક સૂકી જરને માથે ઝૂલતો બપોરનો સૂર્ય ચાલ્યો જતો હતો. રાતનું મારણા કરીને ધરાયેલો એક લાંબો દીપડો જરના એક પોલાણમાં હાંફતોહાંફતો આરામ લેતો હતો. એનું સફેદ પેટ કોઈ છત્રીપલંગના ગાદલા જેવું ઉપસતું હતું. .

પણ આજ એને જાણે હસવું આવતું હતું. ઘણાં વરસો સુધી જરા-કાંઠાનાં માણસોને એણે મૂર્દા જ માન્યાં હતાં. પોતાને ફાવે તે ગાય, ભેંસ કે બકરૂં ઉઠાવી જઈ જરમાં ભક્ષ કરવાનો એને સાદર પરવાનો હતો. ગામલોકોની ભરી બંદૂકો અને તરવારો લાકડીઓ આ દીપડાને મન તરણાં હતાં. એ જાનવરને પણ સાન આવી ગઈ હતી કે પોતે એક રાજમાન્ય પશુ છે, ને રાજમાન્ય હોવાથી માનુષ્યોનો પણ પોતે હાકેમ છે જાણે જીવતો વેરો ઉઘરાવનાર અમલદાર છે.

એની એવી અમલદારીના આરામમાં આજે થોડી ખલેલ પહોંચી છે. સામે કાંઠેથી મનુષ્યો એને ’હો-હો-હો-હો’ એવા હાકલા પાડીને શું કહેવા માગે છે? બંદૂકોના ખાલી બાર આ માણસો શા સારૂ કરી રહ્યા છે? શું તેઓની પાસે બે તોલા સીસું નથી? કે શું મારો લગ્નોત્સવ ઊંજવનારૂં આ ટોળું છે!

દરેક હોકારાને તો એ નિગાહમાં પણ લેતો નથી. કોઈક કોઈક જ વાર એ પોતાના છરા જેવા દાંત દેખાડીને માથું ધુણાવતો ધુણાવતો વ્યંગમાં જાણે કહે છે કે ’કઈ ગાય જોડે મારૂં વેશવાળ કરવા આવ્યા છો!’

હોકારા પાડનારા માયલા ચાર-પાંચ રજપૂતો હતા, ચાર-છ સંધીઓ હતા, કોળી પગીઓ હતા, રબારીઓ ને આહીરો હતા. એમાંના જુવાનો એ જરને કાંઠે ઓચિંતા ઉગી નીકળેલા નીલાછમ સોટા જેવા હતા; બુઢ્‌ઢાઓ વડલાનીએ વડવાઈઓની યાદ દેતા હતા. તેમના હાથમાં કડિયાળી લાકડીઓ , ગાંઠવાળા ગોબા અને બંદૂકો હતાં; છતાં તેમનાં મોં પર શિકારે નીકળેલા સેલાણીઓની છટા નહોતી, તેમ દીપડાની કશી દહેશત પણ નહોતી. તેમના મોં પર આશા અને ચિંતાની ગંગા-જમની ગૂંથાયેલી હતી.

"હો-હો-હો, કુત્તા!" એક જુવાને પણકાનો ઘા કર્યો. ઘાએ બરાબર દીપડાના ગોરા ડેબાને આંટ્‌યું. બોદા ઢોલ ઉપર ધીરી દાંડી પડે તેના જેવો અવાજ થયો. તે વાતની નોંધ દીપડાએ પણ લીધીઃ જરાક ઊંઠીને એ આગળ ચાલ્યો. પાછો એ બેઠો, ને રિસાયેલા વરરાજાની પેઠે એણે ફરી પાછી પોતાની કાયા લંબાવી; જાણે લાંબો કોઈ અજગર પડયો. તે પછીના પથ્થરોને એને ગણકાર્યા નહિ.

"એલા, ભાઈ!" સીમાડા વેધતી તીણી નજર નાખીને પગીએ કહ્યુંઃ "બાપુ તો મે’માનને લઈને વળી પાછા આગળ જઈ બેઠા!"

"પણ ઈ તે કેવા શિકારી!" બીજાએ કહું.

"સૂરજ ઈમને આંખ્યુંમા આવતો લાગે છે." ત્રીજો બોલ્યો.

"પણ દી હમણાં આથમશે તેનું કેમ?"

"તો તો આપણી તમામ આશા ધૂળ મળશે." એક બુઢ્‌ઢાએ નિશ્વાસ નાખ્યો, અને જવાનોને કહ્યુંઃ"બેટાઓ, ગામ ખોઈ બેઠા છીએ ઈ પાછું મળવાનો આ મોકો પે’લો ને છેલ્લો છે, હો કે!"

"પણ શું કરવું, બાપુ?" બુઢ્‌ઢાના બે દીકરાઓમાંથી એકે ચીડ બતાવીઃ "આ પલીત જાનવર ખસે જ નહિ! માંદણે બેસી ગયેલું ડોબું જાણે! આ તે કાંઈ દીપડો છે!"

"એ જુઓ, કો’ક જણ બાપુની પાસેથી દોડતો આવે છે. એલા, હોકારો દીપડાને, હોકારો ઝટ. આ તો પ્રભાતસંગ સા’બ જ લાગે છે. ઝટ હોકારો, મારા દીકરાઓ! આ મોકો પે’લો ને છેલ્લો છે , હો બાપ!"

એમ કહીને બુઢ્‌ઢો પોતાના થાકેલા પુત્રોને પાણી ચડાવતો હતો. બેઉ દીકરાએ એક પછી એક જવાબ દીધોઃ " તમે, બાપુ, અમને કોઈક ધિંગાણે પડકારતા હોત તો તો અમારાંય પારખાં થાત. પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે તો અમારૂં શું બળજોર ચાલે?"

"નીકર તો ઘણુંય એને લાકડિયે-લાકડિયે ટીપી નાખીયે." બીજો ભાઈ બોલ્યો.

"અરે, એક કવાડીનો ઘરાક છે." સંધી જુવાને કહ્યું.

"ના બાપ!" ડોસો બોલ્યોઃ"જીવતો ને જીવતો ક એને તો ગવન્ડર સા’બ સામે પોગાડજો; નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું."

"એ હેઈ હરામ..." દોડીને આવતા એ ખાખી પોશાકધારી આદમીએ લાંબો હાથ કરીને પોતાના તપેલા તાળવામાંથી અરધો કુશબ્દ કાઢ્‌યોઃ "ત્મારો દી કેમ ફર્યો છે!"

"પણ શું કરીએ, સા’બ!" બુઢ્‌ઢાએ માથે હાથ મૂક્યોઃ " ઠેઠ સવારના તગડીએં છીએં, ઠેઠ જરના ઓતરદા છેડાથી ઉઠાડયો છે, પણ ઈ પલીત હાલે જ નહિ તેનું કરવું શું?"

"પણ આ દી હાલ્યો ને ઓલ્યો તમારો કાકો ત્યાં બેઠો બેઠો ઊંકળી હાલ્યો છે. ઈ તમને સૌને તેલની કડામાં તળશે, ખબર છે?"

"અમેય એ જ વિચારીએ છીએ." બુઢ્‌ઢો બોલ્યોઃ "પણ..."

“પણ-પણ લવો મા, ને હાંકો ઝટ તમારા બાપને - દીપડાને.”

“પણ અંધારૂં થઈ જાશે ને ત્યાં પછેં જરા થઈ જાશે છીછરી; ને પછી આ હાથ આવશે? બાપુએ કહીને સા’બને જ ઓરા લાવશો?”

“સાહેબા તમારો નોકર હશે!” અમલદારના દાંત કચકચ્યા “ “હોલ હિંદુસ્તાનનો હાકેમાં તમ સાટું થઈને હીં આવશે - એમ ને? તમારો ડોસો ચીરીને રાઈમેથી ભરશે - જાણો છો, સાંધીડાઓ?”

અમલદારની આ તોછડાઈને ગામડિયાઓ પી જતાં હતા; બહુ મુશ્કેલીથી ગળે ઉતારતા હતા.

“પણ ત્યારે આપ કહો તેમ કરીએ.” ડોસો ફરીથી કરગર્યો.

"અમલદારે એક ક્ષણ નજર ટેકવી આઘે આઘે ગાયોનાં ઘણ અને ભેંસોનાં ખાડુ ગામડા ભણી વળતાં હતાં.

"દોડો દોડો ઝટ, મલકના ચોરટાઓ!" એણે દાંત ભીંસી ભીંસીને કહ્યું ઃ "ભેંસુના ખાડુને વાળી આવો - ને નાખો જરમાં."

"સાંભળતાંને વાર જ એકએક મોં નિસ્તેજ બન્યું. સૌએ એકબીજાની આંખોમાંથી પોતાના ડૂબતા હૈયાનો આધાર શોધ્યો. આખા ગામની ભૅંસોને એક દીપડાના મોઢામાં ઓરવાની વાત પણ એ પૃથ્વી પરની જરના જેવી એક માનસિક જર બની ગઈ. એ વાત કરનારનાં જડબાં અને સામે સૂતેલ પશુના ડાચા વચ્ચે કોઈ ભેદ ન રહ્યો.

"થીજી કેમ રિયા છો...?" અધિકારીએ પોતાની જીભ પર ધસતાં વિશેષણોને હોઠની વચ્ચે દબાવી દેવ કોશિશ કરીઃ " આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં..."

"ચાલો, મોટાભાઈ!" બુઢ્‌ઢા રાજપૂતના બે દીકરામાંથી નાનાએ મોટાભાઈનો હાથ ઝાલ્યોઃ "આપણે જ ઊંતરીએ."

"ઊંતરો તો પછી! એ શુક્ન જોવાં છે હજી!"

એટલું બોલીને અધિકરીએ પોતાની બંદૂક આ જુવાનોને જાણે કે જરમાં હડસેલવા માટે લાંબી કરી.

એ એક પળમાં બુઢ્‌ઢાનો બુઢાપો બેવડો બની ગયો. એનો હાથ ચોરની માફક લાંબો થયો.

જુવાન છોકરા - જેવી એની મૂછો જરી જરી મરોડ ખાવા લાગી હતી. તેણે - જરની ભેખડ પરથી નીચે નજર નાખી ત્યાં તો -

"હણેં હલ હલ, તૈયબ" એક સંધીએ બીજાને કહ્યું. કહેવાની સાથે જ એનો હાથ ઝાલ્યો. રજપૂતો જોતા રહ્યા ત્યાં તો ઘટાદાર દાઢીવાળા બે સંધીઓએ ભેખડ પરથી દસ મથોડાંના ઢોળાવમાં શરીર રોડવ્યાં. ""પાંજો ગામ... પાંજો ગરાસ..." એવા બોલ એ ખાબકતા સંધીઓના મોંમાંથી સંભળાયા.

એ બોલ પૂરો થતાં પહેલાં તો અંદરની કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારીઃ નીચે ઉતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈઃ નીચે પાનીનો ખાડો ભર્યો હતો, ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું.

પાછળ પહોંચેલા સંધીઓ પોતાના ભાઈને ચૂંથાતો જોયો. એની પાસે બંદૂક નહોતી. એણે ચીસ પાડીઃ પગી, પગી, ભડાકો કર મારા ભાઈ..."

પણ ભેખડ પર ઊંભેલા પગીના હાથમાં બંદૂક થંભી જ રહી. હાકેમના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?

સંધીઓએ બંદૂકની વાટ જોવાનું છોડી દીધું. એણે દોટ દીધી ને લાકડીનો ઘા કરો... એ ઘા દીપડાના ઝડબા પર ઝોંકાયો.

"વે-હ" એવો એક જ અવાજ કરીને દીપદો એક બાજુ જઈ પડયો. ઊંથીને એણે ઊંભી જરનો માર્ગ લીધો.

થોડાંક જ કદમો અએ દીપડો સલામત બન્યો.

કારણ?

કારણ કે અહીં જરની ભેખડોનાં માથાં સામસામાં ઢૂંકડા થઈ જાય છે. બેય કાંઠા જાણે કે કમાન કરીન એકબીજાને અડું-અડું થતાં અટકી ગયા છે.

તળીયે પડેલા પહોળાં નદી-પટને માથે બેઉ કિનારા એવા તો લગોલગ ઝૂકી પડયા છે કે માથે થઈને હરણાં ટપી જાય. એની એક બાજુએ લપાઈને દીપડો બેસી ગયો.જખમી સંધીને લઈ એનો ભાઈ મથાળે ચડયો. એની બોચી દીપડાએ ચૂંથી નાખી હતી.

પ્રભાતસંગ સાહેબ ત્યાં ઊંભા હતા, એણે આઠ-દસ મોટરોના કાફલામાંથી એકને ત્યાં બોલાવી કહ્યુંઃ "નાખો એને અંદર; ઝટ ઉપાડી જાવ રાવળગઢ."

"પણ પણ, સાહેબ," સંધી આડો પડયોઃ "ગામમાં જ લઈ જઈને અમે દવાદારૂ કરીએ તો?"

"એમ?" ગરાસિયા અધિકારી ફરીવાર ગરમ થયાઃ "ગામમાં જઈને ભવાડો કરવો છે, ગગા? એમ ગામ પાછું મળશે?"

જખ્મીને ઉઠાવીને મોટર ચાલી નીકળી. એ જુવાનને તો સાહેબની ગાળમાંથી પણ આશાનો તાંતણો જડયો કે, ભાઈનું તો થવું હોય તે થાશે, પણ ગયેલા ગામના તો ફરીથી ગામેતી બની શકાશે! ભાઈનાં છોકરાંના તો તક્દીર ઊંઘડશે!

દરમિયાન જરના આગલા ભાગમાં રાજપરોણા ગોરા હાકેમની શિકાર-મંડળી ઢોલિયા પર બેઠી બેથી ઊંતરતાં સૂર્યને જોઈ અધીરાઈમાં ગરમ થતી હતી. આ બાજુ બાકી રહેલા ગામડિયાઓ ભેખડની કમાન હેઠળ બેઠેલ દીપડાને દેખી શક્તા નહોતા. ઉપર છેક કિનારી સુધી જઈ જઈને પછેડીઓ અને ફાળિયાં ઉડાડતા હતા, પણ તેનો દીપડાને તો વાયે વાયો નહિ!

ફરીવાર પ્રભાતસંગ આહેબની જીભ ચાલુ થાય છેઃ "કોઈ વાતે પણ દીપડાને સાંકડી જગ્યાના પોલાણમાંથી કાઢો! નીકર રાઈ રાઈ જેવડા કટકા કરશે બાપો તમારો."

"બાપુ!" બુઢ્‌ઢા ગરાસિયાના દીકરાએ પોતાના બાપ સાથે છૂપી મસલત ચલાવીઃ"શિકાર ઘોળ્યો જાય. ઈનામનીયે અબળખા રહી નથી. પણ આ દીપડાએ હવે લોહી ચાખ્યું. હવે એ વકર્યો. જીવતો રિયો તો આપણાં ગામડાંનું તો આવી બન્યું. ગરાસિયાનાં ઘરને વાસવાના કમાડ નથી રિયાં. અંદર પેસી પેસીને દીપડો આપણાં ગળાં ચૂસશે. એટલે હવે તો એનો શિકાર કરાવ્યે જ છૂટકો."

"શું કરવું પણ?" બુઢ્‌ઢાએ મૂંઝવણ અનુભવી.

"એ તો હવે ઠાકર ઠાકર!"

"એટલે?"

"એટલે એમ કે હું ને મોટોભાઈ ઊંતરીએ. ને પાણે મારી મારી કુત્તાને જરને સામે છેડે કઢીએ. બીજુ શું થાય?"

"હા જ તો! બીજુ શું થાય? ગામને ચૂંથે તે કરતાં તો આપણને જ ભલે ચૂંથતો!"

બાપ જોઈ રહ્યો, ને બેય જુવાનો પાણકાની ખોઈ વાળીને જરમાં ઊંતરી પડયા. ભાગવાની કોઈ જગ્યા નથી રહેતી તેવા પોલાણ નીચેથી એમણે હાંફતા દીપડાના ગોરા ડેબાને પાણકેપાણકે કૂટ્‌યું.

"ખબરદાર!" ઉપરથી અમલદારની હાક આવતી હતીઃ "દીપડો ન મરે હોં કે!"

જીવતા દીપડાને એ પાણકાની ચણચણાટ લાગતી ગોળીઓએ પોલાણની આગલી બાજુએ કાઢ્‌યો.

"સા’બ! સા’બ!" પગીએ અમલદારને કહ્યું ઃ હવે ઝટ પોગો, ને બાપુને કહો કે ગોળિયું ચોડે; નીકર હમણાં દીપડ જર બા’ર ગયો સમજો. હવે જર છીછરી થઈ ગઈ છે."

"પણ, ભૈ!" અમલદારે કહ્યુંઃ"ઈ ત્યાં પોગાડયા વિના શિકાર નહિ કરે."

"પણ આ તો ગયો હો!"

"એને જરાક જખ્માવી નાખ તું, પગી, પણ ખબરદાર! જોજે હો, મરે નહિ."

"પગીએ આ વખતે બંદૂકમાં ગોળી ભરીઃ બંદૂક છોડીઃ દીપડાનો પાછલો એક પગ સાથળમાંથી ખોટો પાડયો."

"લંગડાતો દીપદો દોડીને એક બાજુ નાની એવી બખોલમાં પેસી ગયો. એનું સફેદ ડેબું ત્યાં જાણે કે મહેમાનોની ગોળીઓનું અદલ નિશાન બનવા માટે જ ગોઠવાઈ ગયું. "હાં, યસ! ધેરઝ ધ મિલ્ક વ્યાઈટ સ્ટમક! શૂટ!" - બરાબર ! ઓ રહ્યું પેલું દૂધીયું સફેદ ડેબુંઃ લગાવો ગોલી! - એવા હર્ષ ભર્યા અંગ્રેજ લલકાર થયા.

મહેમાન અને મિજબાન બન્નેની છેલ્લામાં છેલ્લી ધબની બંદૂકોમાંથી ઉપરાછપરી ગોળીઓ વછૂટી. નિશાન લેવાની તો જરૂર નહોતી. ઢોલિયે બેઠાંબેઠાં જ શિકાર પૂરો થયો.

દિવસ આથમતા પહેલાં ત્યાં જરને કાંઠે દસ મોટરોની ધૂળના ગોટા ઉડયા.

ધૂળ ઊંડીને પાછી ધરતીને ખોળે ઢલી. સૂરજ સૂરજને ઘેર ગયો.

રહ્યા માત્ર એ બે ગામના સંધીઓ અને રાજપૂતો. તેઓએ એકજાની સામે જોયું.

મરી ગયેલા દિવસની મૈયત જેવા ઢોલિયા ઉપાડીને ગામડિયાઓ ગામડાં ભણી વળ્યાં.

(પૂર્ણ)

મરતા જુવાનને મોંએથી

બનેલી ઘટના પરથી

ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊંપડયો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે.

"હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓરડાની બહાર ફળિયામાં ઊંભા રહીને પુછાવ્યું. તેના જવાબમાં જુવાન દીકરાએ ખાટલામાંથી ઊંઠીને ઠેક મારી, દાબ્યો દબાય નહિ અને બોલવા લાગ્યોઃ "ના, ના, ઈ કાળા મોઢાવાળાને મારી કને ન આવવા દેશો અને મારી છેવટની મનવાછા એક જ છે ઠાકોર આતાભાઈને કોઈ વાતે આંહીં એક વાર તેડી લાવો, મારે એમનાં દર્શન કરી લેવાં છે."

મરતો દીકરો પોતાના સગા બાપને નજરે થવા દેતો નથી, એવી ભાવનગરના રાજાજી આતાભાઈ ઉર્ફે વખતસિંહજીને જાણ કરવામાં આવી. મરતો જુવાન મને મળવા ઝંખે છે તો મારે જવું જોઈએ, એમ વિચારીને ઠાકોર આતોભાઈ વડવામાં ઉમેદસીંગ ગોહિલને ઘેર ચાલ્યા.

તે વેળામાં ભાવનગર હજી ’નગર’ નહોતું બન્યું. મૂળ ગામ તો વડવા જ હતું. વડવાની આજુબાજુમાં વાડીઓ હતી. વાવેતર કરનાર ખેડૂતો-ગરાસદારો જ વડવામાં મોટે ભાગે રહેતા. ઉમેદસીંગ ગોહિલ પણ વડવામાં છસો વીઘાની વાડી ખાતા હતા.

દરબાર આતોભાઈ જેવા રણજોધાર હતા તેવા જ પાછા રખાવટે ચતુર હતા; એટલે પોતાની જમીનમાં સોનાનો કસ પૂરનારી વસતીને ઝૂંપડે અરધે વેણે અને અડવાણે પગે જઈ ઊંભા રહેતા. જમઝાળ કાઠીઓનું મથક ચિત્તળ ભાંગવામાં કાઠીઓની ધૂંવાધાર તોપોને કાને ખીલા ઠોકી આવનાર એકલવીર આહિર જાદવ ડાંગર જેવા જણ પોતાના જમણા હાથ હતા, એ વાત ઠાકોર આતોભાઈ વીસર્યા નહોતા.

"કાં, કેમ છે, બેટા?" એમ કહીને ઠાકોર આતોભાઈ જેવા એ આજાર માણસની પથારી પાસે ઊંભા તેવો જ એ મરતો જુવાન સૂતો હતો ત્યાંથી બેઠો થઈ ગયો, ને ઠાકોરના હાથ ઝાલીને બોલ્યોઃ "બાપુ, તમે થોડી વાર આંહીં મારી કને બેસશો? મારે એક છેલ્લુકની વાત કે’વી છે."

ઠાકોર એ જુવાનના તાવે શેકાઈ રહેલ બિછાના ઉપર સમતા રાખીને બેઠા. માંદા જુવાનનો ધનુરવા કોણ જાણે શાથી પણ અટકી ગયો. શુદ્ધબુદ્ધ ઠેકાણે રાખીને જુવાને વાત આરંભીઃ

બાપુ, તમને ખબર હશે કે આ ભાવનગરનાં તોરણ બાંધનાર તમારા દાદા ભાવસંગજીને રાજુલેથી ભાગવું પડયું હતું.

"સાચું." ઠાકોર આતાભાઈએ મોં મરકાવીને કબૂલ કર્યું. જુવાને વાત ચલાવી;

પેશ્વાની ચોથ ઉઘરાવવા માટે કંથ-પીલા ગાયકવાડ વડોદરેથી ઊંતરેલા. એમની ફોજનો પડાવ રાજુલાના ડુંગરમાં પડયો હતો. ઠાકોર ભાવસંગજીને શિહોરથી તેડાવીને કંથા-પીલાએ નજરકેદ રાખ્યા હતા. પેશ્વાની ચડત ચોથ ભરવાનાં નાણાં તમારા દાદાના ખજાનામાં નહોતાં રહ્યાં, ને નાણાં ન ભરે ત્યાં સુધી કંથા-પીલા એને અટકાયતમાંથી છોડનાર ન હતા.

"સાચું." ઠાકોર આતાભાઈએ પોતાના મોં પર જ આ શરમકથા કહેનારો માનવી પહેલો પ્રથમ દીઠો.

આખરે તમારા દાદાને તરકીબ કરવી પડીઃ વિજયાદશમી આવી, અને ઠાકોર ભાવસંગએએ ગાયકવાડ પાસે અરજ ગુજારી કે "બીજું કાંઈ નહિ, પણ આજ આમારો રજપૂતોનો મોટો તહેવાર છે, આજ અમારે ગામ સીમાડે શમીવૃક્ષનું પૂજન કરવું જોવે; ન કરીએ તો અમારાં પરિયાં પાણી ન પીએ, અમારી સાત પેઢી અસદગતિમાં પડે. માટે, મહારાજ ગાયકવાડ, બે હાથજોડીને વીનવું છું કે કૃપા કરી તમારી ફોજના ચોકી પહેર હેઠળ અમને આ ગામના સીમાડા સુધી આજ શમીપૂજન કરવા જ્વાની આજ્જ્ઞા આપો.

કંથ-પીલા હતો ભોળા દિલના. એમણે ઠાકોરને વેણે વિશ્વાસ રાખીને છૂટી આપી. ને પછી લાગ ગોતીને ઠાકોર પોતાના પાંચ અસ્વારે રાજુલાને સીમાડેથી શિહોરને માર્ગે નાઠા.

"નાઠા, ભાઈ, નાઠા!" વાત સાંભળનાર આતાભાઈએ ફરી એકવાર મોં મલકાવ્યું. જુવાને પાછો વાતનો તાગડો સાંધ્યોઃ

ભાવસંગજી ચોર બની નાઠા , અને પછવાડે પેશ્વાઈના ફોજનાં ડંકાનિશાન ગડગડી ઊંઠ્‌યાં. કંથ-પીલાનો હુકમ છૂટ્‌યો કે ’ઠાકોર ભાવસંગને જીવતો યા મૂવો પણ ઝાલીને પાછો મારી પાસે હાજર કરો. એ મારો ચોર છે; એણે દગલબાજી કરી છે.’

ભાગી રહેલ ઠાકોરભાવસંગજીને ખબર પડી કે પછવાડે પેશ્વાઈ ફોજ પગલાં દબાવતી આવે છે, અંતર ઓછું પડતું જાય છે, અને દિવસ આથમ્યા પહેલાં જો મને દુશ્મનો આંબી લેશે તો આ ચોરી મોંઘી પડી જવાની છે!

સૂરજ મેર બેસી રહેલ છે, અને શિહોર તો હજુ ઘણાં લાંબા પંથે પડયું છે. શત્રુની ફોજાના હાકોટા પણ કાને પડયા હાથ પડયા તો મરચાંના પાવરા મોંએ બાંધીને ભૂંડે મોતે મારશે. અને આ તો સામે ઊંભી છે ડુંગરમાળઃ બીજો કોઈ રસ્તો નથી - નાની પગદંડી નથી આસપાસમાં. ને આ રહ્યું ભોકળવાની ભરડયનું ડાચું. આ ભરડય એ એક જ રસ્તો ડુંગરમાળને સામે નીકળવાનો છે. પણ ભરડયમાં દાખલ થયો તો ભીંસાઈ જવાનો. પોણા ગાઉની આ સાંકડી ઊંંડી નાળ્યમાં તો મને જાંગલા (મરાઠા) ગૂંગળાવીને મારી નાખશે!

એવે કટાકટીને ટાંકણે, બાપુ, પોતાની સતાવીસું સાંઢ્‌યો ઘોળીને એક રબારી ત્યાં ઊંભો હતો - ત્યાં ભોકળવાની ભરડયના મોં પાસે. એ રબારી હાજા આલે ઓળખ્યા કે આ તો ઠાકોર ભાવસંગજી!

ઠાકોરે કહ્યું કે, " હા, ભાઈ હાજા આલ, આજ અમે ઘેરાઈ ગયાં છીએ. શિહોર છેટું રહ્યું ને આંહીં થોડી ઘડીમાં અમારાં કમોત થાશે."

રબારી હાજો આલ જાતવંત હતો. ઠાકોરના બૂરા હવાલ દેખીને એનું દિલ ઉમળકે ગયું. એણે છાતીએ પંજો મૂકીને કહ્યુંઃ "ઠાકોર ભાવસંગજી, આ ભોકળવાની ભરડયમાં થઈને તમે તમારે ભાગી નીકળો. અને હરમત રાખજો, વશવાશ કરજો, કે હરિ કરશે ત્યાં સુધી તો ગાયકવાડની ફોજને દી ઊંગ્યા મોર આ ભરડય નહિ વલોટવા દઉં."

ઠાકોરે પૂછ્‌યું કે "શી રીતે, ભાઈ? તું એકલો શું કરીશ?"

હાજો કહે કે, ઠાકોર, અત્યારે એ બધી વાતોની વેળા નથી. તમે તમારે પોગી જાવ શિહોરા ગઢની અંદર. પછે હું છું ને પેશ્વાઈ ફોજ છે."

ઠાકોરના પાંચ અસવારોને ભરડયમાં ગાયબ કરી મૂકીને પછી રબારી હાજા આલે પોતાની સાતે વીસું સાંઢ્‌યોને ભરડયના મોંમાં જ ઠાંસી. ઠાંસો કરીને પોતાની તરવાર ચલાવી... એકપછી એક સાતે વીસ સાંઢ્‌યુંને ગૂડી નાખી. મોંમાંથી "બાપ! બાપ મારા! મા મારીઉં!" એવા વહાલપના બોલ કહેતો સાંઢ્‌યોને થંભાવી રાખે છે; અને એક પછી એક કતલ થતી સાંઢ્‌ય મોંમાંથી ચૂંકારોય કરતી નથી.

જોતજોતાંમાં તો સાતવીસ સાઢ્‌યુંનાં શબોનો ઠાંસો ભરડયના ઊંંડાઊંંડા ગાળામાં દેવાઈ ગયો. એ ઠાંસાને માથે હાજો આલ ઉઘાડી તરવારે ઊંભો રહ્યોઃ ને રાતના અંધારામાં ગાયકવાડી ફોજ ભરડયના બીડેલ મોં પાસે ઊંભી રહી.

સતાવીસ સાંઢ્‌યોનાં મડદાને એ ઠાંસામાંથી ખેસવવાં એ સહેલ નહોતું. ઉપરથી હાજા આલના ઝાટકા વરસતા હતા. ભરડયનું મોં ખુલ્લું કરતાં કરતાં તો ફોજને પોણી રાત વીતી પણ પછી તો પ્રભાતે જ્યારે ફોજ શિહોર પહોંચી ત્યારે ઠાકોર ભાવસિંહજી ગઢમાં દાખલ થઈ ચૂક્યા હતા અને કિલ્લાની ભાગોળો ભિડાઈ ગઈ હતી.

જુવાનની આ કથા આતાભાઈના મોં પર વિવિધ રંગો પૂરતી જતી હતી. ઠાકોર આંખમાં જળજળિયાં ડોકાયાં.

જુવાન આગળ વધ્યોઃકોપાયમાન કંથ-પીલાએ રાજુલાથી પડાવ ઉઠાવીને શિહોર ઘેર્યું. ત્રણ હજારની એમની ફોજ હતી અને ભેળી એક તોપ હતી. શિહોરથી ચારેક વીઘાને છેટે ’ફાંકડો’ નામની એક ટેકરી છે; એ ટેકરીની ટોચે પીલાજીએ પોતાની તોપ ચડાવી. ત્યાંથી એના ગોલંદાજે મારો શરૂ કર્યો.

મરાઠાના એ ગોળા સીધેસીધા શિહોર ગામની અંદર પછડાઈને વસતીનાં ઘરબારનો ભુક્કો બોલાવવા લાગ્યા.

એક દિવસ, બે દિવસ ને ત્રણ દિવસ થયા ત્યાં તો શિહોરની વસતી ઉચાળા ભરવા લાગી. ઠાકોરનું મોં ખસિયાણું પડી ગયું. ઠાકોર શું લઈને વસતી રોકવવાનું કહે? રાજા જેવો રાજા આજ રૈયતનું રક્ષણ નહોતો કરી શકતો.

લોકો બધાં જોતાં હતાં કે ઠાકોર ભાવસંગજી આમ રઘવાયા થઈને ગામના ડુંગરાની ટૂંકે ટૂંકે કાં દોટાદોટ કરે? ઠાકોર કેમ બોલતા નથી? ડુંગરા ઉપર ચડીને, આંખે હાથના ભૂંગળાં વાળી ફાંકડા ટેકરીની સન્મુખ મીટ જ કાં માંડયા કરે?

અંતે ઠાકોર ’રનાનો ચોરો’ નામને જે અસલી બ્રાહ્‌મણ રાજવેળાને જગ્યા ઊંંચી ડુંગરટોચે બંધાયેલી છે તેના ઉપર ચડયા. ત્યાંથી ’ફાંકડા’ ઉપર નિશાન લીધું... ને પછી આજના કરી કે આપણી જમના તોપને આંહી ચડાવો.

સહુએ પૂછ્‌યું કે શું કરવું છે ત્યાં તોપ માંડીને?

ઠાકોર કહે કે ’પેશ્વાઈ તોપનું ડાચું ફાડાવું છે. જમના તોપના ગોળાનું નિશાન આંહીથી જ માંડી શકાશે : બરાબર ફાંકડા ડુંગરાની ટૂકે."

જમના તોપને બળદો જોડયાંઃ એક જોડ, બે જોડ... પાંચ... દસ... અને છેવટે બળદની બાવીશ જોડી જોતરી છતાં જમના તોપ રણાને ચોરે ન આંબી. શિહોર ગામના અસલ બળદોની કંઈક જોડીઓ તૂટી ગઈ.

અને ’ફાંકડા’ની ટોચેથી પેશ્વાના ગોળા ગામને ફૂંકતા જ રહ્યાં.

એવા લાઈલાજીના સમયે ઘાંઘળી ગામનો એક બ્રાહ્‌મણ પોતાનું ભરત ભરેલું ગાડું હાંકતો શિહોરને પાદર નીકળ્યો. એણે આંખો ઉપર નેજવું કરીને રણાના ચોરા સામી નજર માંડીઃ બલદોની કતાર પર કતારઃ હાકોટા ને રીડિયાઃ કેટલાય બળદો ડુંગરાને અધગાળેથી ગબડી પડે છે, માંયેથી લોહીના કોગળા નીકળી પડે છેઃ માણસોની ઠઠ જામી છે.

ઘાંઘળીના બ્રાહ્‌મણે ઢાંઢાની રાશ ખેંચીને માણસોને પૂછ્‌યું : "શું છે આ બધો મામલો?"

લોકોએ કહ્યું : વાત બધી આમ છે, ને જમના તોપ જો રણાને ચોરે ન ચડે તો શિહોર ઉજ્જડ થાય તેમ છે.

સાંભળીને ઘાંઘળીના બ્રાહ્‌મણે ગાડું ગામમાં વાળ્યું. પોતાન બે બળદિયાને લઈ એ ઠાકોરની સન્મુખ હાજર થયો, અને એણે કહ્યું : "એક વાર મને અજમાવવા દેશો?"

"ભલે, ભાઈ; તારીય જોડી સહુની સાથે જોતરી લે."

"ના, બાપુ; એમ નહિ"

"ત્યારે કેમ?"

"મને એકલાને જ જોતરવા દ્યો"

"ભાઈ ગાડાખેડુ!" ઠાકોર એની સામે જોઈ રહ્યા! તારા ઢાંઢા જીવતા નહિ રહે ને બ્રાહ્‌મણના દીકરાની ખેડ ભાંગશે."

"ઠાકોર ભાવસંગના માથેથી ઓળઘોળ. ને હું નુકસાનીનો એક પૂળો કડબેય નહિ માગું. પણ મને એકવાર અજમાવવા દ્યો."

"પણ કંઈક જોડી તૂટી ગઈ, ભાઈ!"

"તોય એકવાર મહેર કરો"

"બ્રાહ્‌મણે બે જ બળદ જમના તોપને જોતર્યા. પછી બળદના વાંસામાં હાથ મૂકીને ડચકાર્યા. બળદે જમનાને ખસેડી ઉપાડી અને એક જ વિસામે રણાના ચોરા સુધી ચડાવ વટાવી દીધો.

લોકોના મોંમાંથી ’વાહ-વાહ’ ના વેણ સુકાય તે પહેલાં તો બ્રાહ્‌મણના બેય બળદ ત્યાં ઢગલો થઈને ગબડી પડયા... પડયા પછી પાછા જ ન ઊંઠ્‌યા.

ઠાકરે બ્રાહમણની સામે નજર કરી.

"ઠાકોર!" બ્રાહ્‌મણે જળજળિયાં ભરેલ આંખે ભાવસંગજીને ચેતવ્યાઃ "અત્યારે બીજી કોઈ વાતનો સમો નથી. જે કામના ત્રાજવામાં આજ આપણી લાજાઅબરૂ તોળાઈ રહેલ છે તેની ફતેહ કરો. ઠાકોર! બ્રાહ્‌મણના આશીર્વાદ છે."

એ વેણ બોલતાં હતાં તે વખતે ફાંકડાની ટેકરી ઉપર ધુમાડાની શેડ ઉઠતી હતી. મરાઠી તોપ દગાઈ રહી હતી. શિહોરની ડુંગરમાળનાં પેટાળ જાણે કે ઊંખડી જતાં હતાં.

જમના તોપમાં ઠાકોર સ્વહસ્તે દારૂગોળો ભર્યો. ગોલંદાજને કહ્યું કે " ભાઈ, તું છેટો ખસી જા; મારૂં તકદીર મને અજમાવી જોવા દે."

એમ બોલીને પોતે જ જમનાની નાળીનું નિશાન ફાંકડા ટેકરી પરની પેશ્વાઈ તોપના ડાચા તરફ ગોઠવ્યું. પછી કાકડી લઈને સ્વહસ્તે જ ઠાકરે જમનનાને દાગી.

ભાવનગરના રાજવંશનું ભાગ્ય જબરૂં નીવડયુંઃ ઠાકોરની તાકર અફર થઈઃ ફાંકડાની ધાર પર મરાઠી તોપના જડબામાં જ જમનાનો ગોળો અંટાણો : મરાઠી તોપનું ડાચું ફાટી ગયું.

પછી ઠાકોરે મારતે ઘોડે મરાઠાઓ ઉપર હલ્લો ચલાવ્યો. તોપ વગરના નિરૂપાય કંથા-પીલાએ વડોદરાની વાટ લીધી.

ઠાકોરે ફતેહનો દરબાર ભર્યો. ભરદરબારમાં ઘાંઘળીના બ્રાહ્‌મણને છસો વીઘાં જમીનની ભેટ ત્રાંબાને પતરે લખી આપી.

"ધન્ય એ રાજા પ્રજાને!" ઠાકોરા આતાભાઈએ ઉદ્‌ગાર કાઢ્‌યોઃ પછી કહ્યુંઃ "હવે, જુવાન, તું થાક્યો હોઈશ!"

ના, ના; મુદ્દાની વાત જ હવે આવે છે, બાપા! - કહીને એણે ચલાવ્યુંઃ

ભગાભાગ કરતી મરાઠી ફોજના બે ઘાયલ પૂરબિયા પછવાડે રહી ગયા હતા. વતનની વાટ આ બેય જણાને બહુ છેટી થઈ પડી. પેટને કારણે બેઉ જણાએ વહાલા-સગાંને તજ્યાં હતાં. બેયની કેડયમાં ત્રેવીસ-ત્રેવીસ સોનામો’રની ચીંથરીઓ બાંધી હતી. પોતાના મુસારામાંથી બચાવી રાખેલ એ સોનામો’રૂં બાયડી-છોકરાંને ઘરખરચી માટે મોકલવાનો હવે કોઈ મારગ નહોતો. પૂરબિયા નાઠા.

એક જ ઝાળું હલાવીએ તો આખી ને આખી હલે એવે ઘાટી ઝાડવેઝાડવું ગૂંથ્યું હોય તેવી ગોરડ બાવળની કાંટ્‌ય, તે દિવસોમાં શિહોરથી ઠેઠ ભાવનગર સુધી જામી પડી હતી.

બેય પૂરબિયા એ ઘટાટોપ કાંટ્‌ય સોંસરવા ઠેઠ અહીં વડવા લગી પહોંચ્યા. પછી રસ્તો ન જોયો ને હાલવાની તાકાત તૂટી પડી.

બેય જણા જમીન પર બેસી ગયા. પાસે પાણીની કોથળી હતી તેમાંથી પૂરા ઘૂંટડા પાણી પીધું. કેડયેથી બેય જણાએ ચીંથરીઓ છોડીને બચાવેલી સોનામો’રૂં કાઢી. બેયનો સરવાળો સુડતાળીશ સોનામો’રૂંનો થયો.

બેયની વચ્ચોવચ્ચ એ સુડતાળીશ સોનામોરૂંને ભોંયમાં દાટી દઈને પછી બેય પૂરબિયા સૂઈ ગયા... એ બે પણ ફરી પાછા ઊંઠ્‌યા જ નહિ.

પૂરબિયા મરીને બે સાપ સરજ્યા. સુડતાળીશ સોનામો’રૂં સગાંવહાલાંને પહોંચાડવાની વાસના રહી ગઈ હતી. એ દાટેલી માયાની ચોકી બેય સાપ કરવા લાગ્યા.

સોનામો’રૂં દાટી હતી તે જમીન ઉપર તો તે પછી એક વાડી થઈ. દિવસ રાત કોસ ચાલતા થયા. બળદો બંધાવા લાગ્યા. વાડીના ખેડૂતો, ખેડૂતોની બાઈઉં, એનાં બચ્ચાં તમામના એ વાડીમાં તો કલ્લોલ મચી ગયા.

વાડીના એ પશુઓ તેમ જ માનવીઓની જોડે બે મોટા કાળા સાપ પણ વાડીનાં સંતાન જેવા બની રહ્યાઃ વાડીના ઊંભા લીલા મોલમાં આંટા મારે, ઠાઢા ટાઢા ધોરિયામાં લાંબા થઈને ઉનાળાના દા’ડામાં સૂઈ રહે, બળદોના શીંગ ઉપર ચડીને પૂંછડી વીંટાળી બેય સાપ ઊંંધે માથે હીંચકા ખાય. છોકરાંના પગમાં હડફેટે આવે, પણ કોઈ કરતાં કોઈને ફૂંફાડોય ન કરે.

રેશમના જાડાં આંટલાં હોયની જોણે, એવા બેય સાપ લાગતા હતા. માનવીઓનો સહવાસ એને બહુ મીઠો લાગતો. બાઈઉંને અને બચળાંને દેખી બેય ગરીબડા બની જતા. કાળસ્વરૂપ ઝેરી જનાવર જેની કલ્પના કરતાંયે માનવીનાં હાડ થીજી જાય એવાં એ જનાવરોનાં અંતરમાં શી શી મૂંગી મમતા અને ઝંખના સમાઈ હતી, એ કોણ જાણી શકે, બાપુ? કોને એની કલ્પના આવે? દાટેલી માયાને કાઢી ઉત્તર હિન્દના એક ગામડામાં ફલાણીફલાણી બાઈઉંને પહોંચતી કરજો, ભાઈ! એવું એ કોને કહે? કેમ કરીને કહે? ને ન કહે ત્યાં સુધી ક્યાંથી જંપે?

વાત કરતો કરતો જુવાન આંસુડાં રેડતો હતો. સાંભળનારાઓની અજાયબીનો પાર નહોતો કે આ જુવાન શી વાતને લવારે ચડયો છે ને શા હેતુથી રોઈ રહેલ છે? સહુને લાગ્યું કે કંઈક ઠેકાણા વિનાનું બકબક કરી રહ્યો છે.

જુવાને થોડો વિસામો લઈને ગળું સરખું કર્યું, ને પછી વાત આવલ ચલાવીઃ

પછી તો છેલ્લો જ બનાવ કેવાનો રે’ છે બાપુ! એક દિ’ ઉનાળાના બપોર હતા. કોસ છૂટી ગયા હતા. ભતવારીઓ ભાત લઈને આવેલી, તે વાડીના વડલાને છાંયે ધોરિયાને કાંઠે બેઠીબેઠી ધણીઓને ખવરાવતી હતી; અને નીરણ ચાવીને ધરાયેલા બળદો બેઠા બેઠા વાગોળતા હતા. એમાંથી એક બળદનાં શીંગ ઉપર પૂંછડીનો વીંટો કરીને ઓલ્યા બે માંયલો એક સાપ ઊંંધે માથે ઝૂલતો ને ગેલ કરતો હતો.

એ જ વખતે ત્યાં વાડીનો માલેક ગરાસિયો આવ્યો, એણે બળદને શીંગડે કાળા સાપને હીંચકતો દીઠો. એનો અવાજ ફાટી ગયો.

એણે રીડિયા પાડયા કે "એલા, ધોડો, હમણાં જ આ સાપ આપણાં બળદને ફટકાવી ખાશે! એલા, કોઈ સાણસો પરોણો લાવો!"

એના રીડિયા સાંભળીને કોસિયા, પણોતિયા તેમ જ બાઈઉં ને છોકરાં ખડખડ દાંત કાઢવા લાગ્યાં. કોઈ ઊંઠ્‌યું જ નહિ.

"અરે, હસો છો શું, રાંડુની જણીનાંઓ!" માલિક ભય અને ક્રોધમાં ભાન ભૂલ્યોઃ "તમારો બાપ હમણાં જ મારા પાંચસો રૂપિયાના ઢાંઢાને અળસાવી દેશે. કોઈ મારી કને લાકડી લાવો !"

સાથીઓએ કહ્યુંઃ "બાપા, તમે ગભરાવ મા! ઈ નાગ નવો આજકાલનો નહિ પણ આદુ કાળનો આંઈ છે; ને ઈ તો રોજેરોજ આવા ગેલ કરે છે. કોઈને રંજાડતો નથી. ઈ તો કોઈ દુઃખિયો જીવ છે."

"હવે રો’ રો’, વાયડાઓ! લાવો એક પરોણો મારા હાથમાં..."

કોઈએ એને લાકડી ન દીધી. આખરે એણે એક બાળકના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી, અને અને સાથીઓ "હાં- હાં" કરતા આડા ફરે તે અગાઉ ઓ એ શિંગડે ઝૂલતા નાગને બળદના શીંગ પરથી પછાડીને વાડીના ધણી એ ટીપી નાખ્યો.

પથારીમાં પટકાઈ પડીને જુવાને પોતાના દૂર ઊંભેલા પિતા પ્રત્યે આંગળી કરીને આક્રંદ ભર્યું કહ્યુંઃ

ઈ ટીપનાર તે આ કાળા મોઢાવાળોઃ અને ઈ નાગનું ખોળિયું ખાલી કરીને આને ઘેર અવતરનારો તે હું પોતે જ છું બાપુ! એણે મને બહુ ટીપ્યો, નિર્દય રીતે ટીપ્યો મને નિરાપરાધીને, આશાભર્યાને. માનવીઓના એક કુટુંની જેવા બની ગયેલ આ કાળા મોઢાવાળા ટીપી નાખ્યો. મારે એનું મોં નથી જોવું, મારે તો મારા કોઠાની આટલી વાત તમને કહેવી’તી. લ્યો બાપુ! હવે રામ રામ!

એટલું કહીને જુવાન ચૂપ થઈ ગયો. ઠોડી જ વારે એનો જીવ પરલોકને માર્ગે ચડયો.

(પૂર્ણ)

રોહિણી

આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.

તે છતાં રણજિતે હજુ પ્લૅટ્‌ફોર્મ છોડયું નહોતું. કદાચ રસ્તામાં કંઈક ભાંગતૂટ થાય, ને ગાડી પાછી ધકેલાતી સ્ટેશનમાં આવેઃ એવી અશક્ય આશા એને પોતાને પણ અગોચર રહી એના મનના ઊંંડાણમાં લહેરાતી હશે.

સ્ટેશનના ફેરીવાળા અને પહેરાવાળાઓએ નવરા પડી, હથેળીમાં જરદાની ચપટી જોડે ચૂનો ચોળી જ્યારે તાળોટા માર્યા, ત્યારે જ રણજિત ધ્યાનભંગ થયો. પેલાઓના તાળોટા તો જરદામાંથી વધારાનો ચૂનો ઉડાડી નાખવા પૂરતા જ હતા, પણ રણજિતને લાગ્યું કે કોઈક પોતાની ઠેકડી કરી રહેલ છે, નક્કી કોઈકે એની અને રોહિણીની પ્રેમચેષ્ટાઓ નિહાળી લીધી છે.

"સા... તમામ માણસો મવાલી જ બની ગયા !" એવી એક ટીકાનું તીર દુનિયા પર ફેંકતો એ પ્લૅટ્‌ફોર્મ બહાર નીકળ્યો.

તારના રેઈલિંગ ઉપર એક મજૂર છોકરી અને તેના જ જેવો મેલોઘેલો જુવાન ઊંભાંઊંભાં ફક્ત હાથનાં આંગળાં જ ચોરીછૂપીથી અડકાવીને હસીહસી વાતો કરતાં હતાં, તે તરફ રણજિત તીરછી નજરે તાકી રહ્યો. જતાંજતાં એણે ને-ચાર વાર પાછળ નજર નાખી.

એક ક્ષણ એને યાદ આવ્યું કે આખી દુનિયાને મવાલી કહેનાર હું પોતે શું કરૂં છું !

મનથી ને મનથી પોતે જવાબ મેળવ્યોઃ ’હું તો જગતનું નિરીક્ષણ કરૂં છું. મારે તો એમાંથી મજૂર-જીવનની એકાદ કરૂણ સ્નેહકથા દોરવી છે. બાકી તો, આવાં કંગાળ કદરૂપોની ચેષ્ટામાં શું બળ્યું છે કે મારા જેવાને રસ પડી શકે ! મારે તો હવે શી કમીના રહી છે...’

પાછો તાંતણો પેલી ચાલી ગયેલી આગગાડી જોડે સંધાઈ ગયો. એક જ દિવસની ઓચિંતી મુલાકાતમાં, એક કલાકની ટૂંકી ટ્રેઈન-યાત્રામાં, પોતે એક ખૂબસૂરત અને સંસ્કારી સ્ત્રીનું હૃદય જીતી લાવ્યો છે એ વિષે તો હવે તેને કશી જ શંકા રહી નહોતી.

જીવનમાં પહેલી જ વાર એને વિજયનો અવસર સાંપડયો; એકધારી અને વિશિષ્ટતા વિનાની એ ફીક્કીફસ સંસારલીલામાં પોતાને ગર્વ ક્કરવા જેવું, નવીનતાનો આઘાત આપનારૂં ને ફિક્કાશમાં ગુલાબની લાલી ભરનારૂં એક સ્વપ્ન લાધ્યુંઃ એણે એક સ્ત્રી-હૃદયને જીત્યું હતું.

રોજ પગપાળો ચાલતો હતો તેને બદલે આજે એણે ઘોડાગાડી ભાડે કરી. રસ્તામાં એક હાટડી પરથી મસાલેદાર પાન કરાવતાં કરાવતાં એણે પાનવાળાના મોટા અરીસામાં પોતાનું મોં એક મુગ્ધ માનવીની છટાથી ધારીધારીને નિહાળ્યું. તે દિવસે પહેલી જ વાર એને ભાન થયું કે પોતે બબ્બે દા‘ડે હજામત કરે છે ! આજે પોતાની અણબોડી રહેલી દાઢીની એને શરમ ઊંપજી.

દાઢી ઉપરથી એને પોતાની પરણેલી પત્ની તારા યાદ આવી...

તારાને મેં કેટલી વાર કહ્યું છે કે મારે માટે ગરમ પાણીની વાટકી અને હજામતનો સામાન હંમેશાં તૈયાર જ રાખવો ! પણ એનો સ્વભાવ ભૂલકણો છે; એ તો સવારથી જ ચંચીને કડવાણી પાવામાં ને ભૂપલાનાં ફાટેલાં ચડડી-પહેરણ સંધવામાં પડી જાય છે.

તારાને શી પડી છે મારી ! એને મારો ચહેરો સારો હોય કે નરસો તેની શી ખેવના હોય !

પટ-પટ-પટ અવાજ કરતા ઘોડાના ડાબલા રણજિતની આ વિચારસરણીને જાણે કે થાબડી રહ્યા હતા.

પોતે ઘેર પહોંચ્યો તેટલા વખતમાં તો રણજિતને એક તારતમ્ય જડી ગયું હતું કેઃ મારી પત્ની તારા મને ચાહતી નથી, મારા મન જોડે તારાના મનને કશો જ મેળ નથી; એણે તો એનાં છોકરાં અને એના રસોડાની જ નિરાળી સૃષ્ટિ વસાવી લીધી છે, એ સૃષ્ટિમાં જ એ મસ્ત છે; રઝળી પડયો છું ફક્ત હું જ.

છેલ્લાં પાંચ વર્ષોના જીવનપટ ઘૂમી વળેલા એના હૃદયને પ્રત્યેક વિચારમાર્ગેથી એક જ મુકામ મળી આવ્યું કે તારા મને ચાહતી નથી, મને એ સમજતી નથી, અમારે કશો જીવન-મેળ નથી.

જીવનના એક વિરાટ પ્રશ્ન ઉપર આવો સ્વચ્છ વિચાર કરવાની શાંતિભરી અનુકૂળતા આપનાર ગાડીવાનને એણે એક આનો વધારાનો ચૂકવ્યો.

"વેણી લો... વેણી !" એક બાઈનો અવાજ સંભળાયો.

રણજિત એ ફૂલવાળીના કરંડિયા પર નમ્યો. એણે એક બેવડ ગુચ્છની ફૂલવેણી લીધી. વેણીની કળીએ પોતાના મનની એક દલીલ પોતે લખતો હતોઃ તારા છો મને ન ચાહતી, હું તો એને ચાહું જ છું; તેથી તો આ વેણી લઈ જાઉં છું.

પણ અરેરે ! તારાને વેણી પહેરવા જેવડો ઘાટો અંબોડો જ ક્યાં છે ?

દરેક સુવાવડ પછી એના ઢગલાબંધ વાળ ખરી જાય છે; ને એને તો વાળ સાચવવાની તમા જ ક્યાં છે !

વેણીને શોભાવે તેવો અંબોડો તો ત્યાં રહ્યો રેલગાડીના ડબ્બામાં.

સંધ્યાના દીવા ઘરઘરની બારીમાંથી અંધારાને ધકાવતા હતા. ખીજે બળતો પવન આંકડી વિનાનાં બારીબારણાંને અફળાવી દીવલઓનાં ચૂનો-કાંકરી ખેરતો હતો. રસ્તો ભૂલેલું એક ચકલું ઘરમાં અટવાઈ જઈ તેજમાં અંજાયેલી આંખે બારીના સળિયા જોડે પાંખો પટકતું હતું.

બારણું ઉઘાડતાં જ રણજિતે જોયું તો તારાની બગલમાં કમર પર, ગરમ પાણીની કોથળી દબાયેલી હતી ને એના વાળ વણઓળેલા, વીંખાયેલા પંખી-માળાનાં તણખલાં જેવા, જાણે લમણાંની જોડે ચોંટી રહ્યા હતા.

અંદર જઈને રણજિતે ટેબલ પર વેણીનું લીલું પડીકું પછાડયું. એ દેખીતા સંતાપમાંથી એક દલીલે આકાર ધારણ કર્યોઃ કુદરતી સ્નેહ જ નથી; એટલે જ મારાં ફૂલોની આ વલે થાય છે ને ! એમાં એનો બાપડીનો દોષ શો કાઢું ! અમારો યોગ જ કુયોગ છે.

જેવું તેવું વાળુ જમીને રણજિતે પથારીઓ પાથરી. તારાને એણે ફરીવાર સ્ટવ પેટાવી શેકની કોથળીમાં ગરમ પાણી ભરી દીધું. ને પછી પોતે ભૂપલાને ઉંઘાડવા મંડયો. ઉઘાડા બરડા પર પિતાના હાથની મીઠી ખૂજલી માણતો ભૂપલો ઝોલે જતો જતો બોલતો હતો કે -

"બાપુ ! આજે અમાલે લઝા પલી‘ટી."

"કેમ, આજે મંગળવારે શાની રજા ?"

"અમાલા એક માસ્તલ ગુજલી ગયા. કેવી મઝા ! લોજ લોજ એક એક માસ્તલ ગુજલી જાય તો લોજ લોજ લજા પલે ખલું, બાપુ !"

"અરે, ગાંડિયા ! માસ્તરો તે કેટલાક છે ? એમ થાય તોય થોડાક જ દિવસમાં રજાઓ ખૂટી જશે !"

"પન પછી પછી માસ્તલની બા (અર્થાત બૈરી) લોજ લોજ મલે તો લજા ન પલે, હેં બાપુ, ન પલે, હેં બાપુ !" અનંત રજાઓનાં એવાં ગુલાબી સ્વપ્નમાં ભૂપલો ઢળી પડયો.

પછી રણજિતે તારાને ગોદમાં ચાંપી પણ એમાં સ્વાદ નહોતો. તારાના શરીર પર હાથ પસવારતાં ઘણીઘણી પ્રેમકવિતાઓ એણે સંભારી જોઈ; ચિત્રપટોમાં નીરખેલાં અનેક મદીલાં, ભિન્નભિન્ન મરોડવાળાં સ્નેહાલિંગનોને એણે યાદ કરી જોયા; પણ તારાના ખોળિયામાંથી કશો જ તનમનાટ પ્રજ્જવલ્યો નહિ. ઘડીભર રણજિતને એવો ભ્રમ થયો કે પોતે કોઈ શબને ઝાલ્યું હતું.

તારાને છોડી દઈને એકલા પડયાં પડયાં રણજિતે એ દિવસની ઘટનાના મણકા ફેરવવા માંડયા... શું બન્યું હતું ? કોણ હતી એ ? વિધાતા એના ને મારા જીવનના વાણાતાણા વડે શી નવી ચાદર વણી રહ્યો હશે !

સૂતાંસૂતાં એનાં અંતઃચક્ષુનો કૅમેરા ભૂતકાળ તરફ ખેંચાતો ગયો....

’કડડ...ધબ !’ ભૂતકાળની પહેલી જ સ્મૃતિમાંથી એક અવાજ ઊંઠ્‌યો; પાંચેક વર્ષ પહેલાંનો પડદો ઊંઘડયો...

એ અવાજ હતો એક બાઈસિકલના પછડાટનો અને સાઈકલ પર બેઠેલ આદમીના લઠ્‌ઠ કલેવરની પ્રચંડ જમીનદોસ્તીનો.

રોહિણીને રણજિતે તે દિવસે પહેલી જ વાર એના અવિજેય, દુર્દામ ચંડીરૂપે દીઠેલી. કૉલેજમાંથી મોડી સાંજે પરવારીને રોહિણી સાઈકલ પર ઘેર જતી હતી. ’સરદાર બાગ’ના ખૂણા પર વળાંક લેતી વેળા એક બીજી સાઈકલ એની બાજુએ લગોલગ આવી ગઈ; સંધ્યાના ભૂખરા ઉજાસનો અને એકાંતનો લાભ લઈ સાઈકલના અસવારે રોહિણીના ગળા પર હાથ નાખ્યો... રોહિણીએ એને ધક્કો મારી સડકની ફરસબંધી પર ચત્તોપાટ પટક્યો ને પછી એ ગંભીર ઈજા પામેલા મૂર્ચ્છિત માણસને ગાડી કરી ઈસ્પિતાલે પણ રોહિણીએ જ પહોંચાડયો.

રણજિત વગેરે ને-ત્રણ જણાં ત્યાં ફરતા હતા. સહુએ કહ્યું કે આ બાબત રોહિણી ફરિયાદ કરે તો અમે એના સાક્ષીઓ થશું.

રોહિણીએ જવાબ આપેલો કે "ફરિયાદ તો એને માર પડયો છે માટે એ કરશે. ને હું ઈચ્છું છું કે તમે, એના જાતભાઈઓ તરીકે, એને જ પક્ષે સાક્ષી પૂરજો. તમે બધા કંઈ એનાથી જુદા નથી - તમારી પોતપોતાની સ્ત્રીઓને પૂછી જોજો."

એમ કહીને એ કડવું હાસ્ય કરતી પોતાની સાઈકલ દોડાવી ગઈ હતી.

ભૂતકાળની સ્મૃતિનું બીજું પડ ભેદાયું...

કૉલેજના વર્ગો શરૂ થયા છે, પણ એક આળસુ અધ્યાપક હજુ આવેલ નથી.

બસો છોકરાના ગણગણાટ થભી ગયા; ચારસો આંખોએ જોયું કે રોહિણી પ્રોફેસરની બેઠક ઉપર જઈ ઊંભી છે, ને એક ચિઠ્‌ઠી હવામાં ફરકાવતી ફરકાવતી આખા વર્ગને સંબોધી રહી છેઃ "આજે સવારે મને આ ચિઠ્‌ઠી મળી છે. એમાં મારા પર લખાઈ આવેલ છે કે -

હું તારી જોડે ફરવા આવવા આઅતુર છુંઃ મને તારો સાથ નહિ આપે ? મારા દિલમાં બીજું કંઈ નથી - એક વાર તારી જોડે ફરવાની ઝંખના છે.

લિ. તારા સ્નેહનો તરસ્યો..."

ચિઠ્‌ઠી વાંચીને પછી એણે એ નિઃશબ્દ વિદ્યાર્થી-સમુદાય તરફ મોં મલકાવ્યું, ને કહ્યુંઃ "લખનારને હું અહીં જ જવાબ આપું છું કે જરૂર, હું તારી જોડે ફરવા આવું. તમે સૌ યુવાનો છો. હું પણ યુવતી છું. તમને કોઈને મારી જોડે ફરવા મન થાય એમાં પાપ નથી. શરમ નથી. તમે માગણી કરો તો હું સુખેથી તમારી માગણીનો વિચાર કરૂં; હા કે ના કહું. પણ આ નામ છુપાવવાની નામર્દાઈ શા માટે ? નનામી માગણી કરનાર કાયર પોતાની જાતે જ પોતાનો તિરસ્કાર કરાવે છે. મારી જોડે ફરવા આવનારને જો પ્રગટ થવું નથી, તો એનો જવાબ એક જ હોઈ શકે ને તે આ રહ્યો..."

એમ કહીને એણે એ નનામી ચિઠ્‌ઠીના ઝીણા ઝીણા ચૂરા કર્યા હતા, ને એ પછી શાંત દર્પ સમેત પોતાને સ્થાને જઈ બેઠી હતી.

અધ્યાપકને આવતાં પા કલાકનું વધુ મોડું થયું. પણ એ પંદર મિનિટો સુધી જાણે વર્ગમાં બેન્ચો તેમ જ દીવાલો સિવાય કોઈ જીવતા જીવની હાજરી જ નહોતી.

પછી તો રોહિણીના નામના ભણકારા ઠેર ઠેર અથડાતા. ’રોહિણી’ શબ્દમાંથી અગ્નિચક્રની પેઠે તણખા છૂતતા. એ એક સ્ત્રી હતી તેથી એના તેજપુંજનો દ્વેષ કરતા પુરૂષ વિદ્યાર્થીઓ કૉલેજના વ્યાખ્યાનખંડની સભાઓ દરમિયાન બેશક, ગૅલેરીની અંદર બેઠા બેઠા ઈંડું કે ભજિયું રોહિણીના શરીર પર તાકીને પોતાની નિર્વીર્‌યતાને વ્યક્ત કરતા. પણ પ્રત્યક્ષપણે રોહિણીની આડે ઊંતરવાની, એની છાયાનેય કાપવાની, કોઈ જુવાનની મજાલ નહોતી.

રણજિત એ અરસામાં કૉલેજનો નરમ અને ભદ્‌રિક ગણાતો વિદ્યાર્થી હતો. નારી સન્માનનો એનો ભાવ આ મવાલી છોકરાઓની હીન ચેષ્તાને કારણે ક્ષણે ક્ષણે ઘાયલ બનતો. અને એક દિવસ એણે રોહિણીને કૉલેજના દરવાજા કને જ આંબી જઈને કહેલું કે "મને મારા બંધુ વિદ્યાર્થીઓનાં આવાં અપકૃત્યથી શરમ આવે છે. એક પુરૂષ તરીકે હું આપની ક્ષમા ચાહું છું."

રોહિણીનો જવાબ પણ એને યાદ હતો. વક્ર હાસ્ય કરીને રોહિણીએ સંભળાવેલું કે " ’શીવલી’નો દંભ ન કરો. તમારામાં રોષની લાગણી હોત તો તમે ત્યાં ને ત્યાં એ મવાલી છોકરાની સામે તમારી મર્દાઈનો મુકાબલો કરાવ્યો હોત. તે સિવાય તો હું તમારા જેવા દુર્બલોના નારી-સન્માન કરતાં એ મવાલીઓના નારી-ધિક્કારને ચડિયાતો ગણું છું."

વિદ્યુત-શી ન ઝલાતી, વાતવાતમાં છટકી જતી, ચપલા રોહિણી તે પછી તો પોતાના પડઘા મૂકીને સંસારમાં ચાલી ગઈ હતી. ને સાંભળવા પ્રમાણે, એણે એના પિતાના ઘરનો પરિત્યાગ કરેલો. કારન એમ બોલાતું હતું કે પિતાએ રોહિણીની માતાના મૃત્યુ પછી ઘણાં બાળકોને લારણે રીતસર લગ્ન ન કરતાં એક આધેડ ઉમ્મરની ઉપ-પત્ની રાખી લીધી હતી. અને ઘરની રખેવાળ તરીકેનો એને દરજ્જો આપ્યો હતો. પરંતુ એનું સાચું સ્થાન તો નવી ગૃહરાજ્જ્ઞીનું જ હોવાથી એ વારંવાર પોતાનાં સાવકાં છોકરાં ઉપર સત્તા ચલાવ્યા કરતી, એની આજ્જ્ઞાને વશ બની રહેનાર બાલકોમાં અપવાદરૂપ એક રોહિણી જ નીકળી. એણે પિતાજીને સંભળાવી દીધું કે -

"આપ એને રીતસર પરણી લો તો હું એને ’બા’ શબ્દે બોલાવી એની આજ્જ્ઞાઓ ઉઠાવવા તૈયાર છું; પણ રખાત પ્રત્યે તો માતાનો ભાવ બતાવવાનું મારે માતે અશક્ય છે."

આ અશક્યતાના મુદ્દા પર રોહિણીને બાપનું ભર્યું ઘર છોડવું પડેલું. ટ્‌યુશનો રાખી એ જુદો એકલ સંસાર ચલાવતી. લોકો વાતો કરતાં કે એકવાર રાત્રીએ રોહિણીએ એક ગૃહપ્રવેશ કરવા આવનાર પુરૂષને રિવોલ્વર વતી જખમી કરેલો.

લોકોની આવી અત્યુક્તિ પછવાડે સત્ય ફક્ત એટલું જ હતું કે રોહિણી હંમેશા એક છૂરી પોતાની બાજુમાં દબાવીને જ નિદ્રા લેતી.

તે પછી તો ધરતીનાં પડોને પલાળી ચાર-પાંચ ચોમાસાં ચાલ્યાં ગયાં. દુનિયા ઘડીક નવી તો ઘડીક જૂની ને ઘડીક બુઢ્‌ઢી તો ઘડીક બાળા બનતી બનતી ઘણી ઘણી ફેરફૂદરડીઓ ફરી વળી. ને જગત જેને ચમત્કાર ગણી વંદે છે તેવા કોઈ વિધિયોગનું ટાંકણું આવતાં આજે આ બીજા જ નગરમાં ઓચિંતા એક ટ્રેઈનમાં બેઉ જણાનો મેળાપ થયો.

ગાડીમાં ગ્િારદી ઘણી હતી. એક બાઈને ઊંભેલી દેખી કેટલાક જુવાનો બેઠક ખાલી કરી ખડા થયા. પણ એ તમામને તિરસ્કારયુક્ત ના પાડતા રોહિણીએ રનજિતની જોડે દૃષ્ટિ મળતાં મોં ઉપર હાસ્યના ફૂલદડા રમાડયા; સાભાર એણે રણજિતનું આસન સ્વીકારી લીધું. બીજે સ્ટેશને તો ગાડી ખાલી થતાં બેઉએ સામસામી બેઠક લીધી.

અને પછી કૉલેજની જૂની ઓળખાનના એક પછી એક પડદા ઊંપડતા ચાલ્યા. રોહિણી ત્યારે વિદ્યુતના અગ્નિ-ચમકારા છોડીને શ્યામલ વાદળી-શી સ્નેહવર્ષણ બની ગઈ. "તમે ક્યાં છો ?" "તમે શું કરો છો ?" ... "કોલેજમાં હું એક તમારા મોંને જ નથી ભૂલી શકી..." એવા એવા ઉદ્‌ગારો એના મોંમાંથી વહ્યા.

"શા માટે નથી ભૂલી શક્યા ?"

"કોન જાણે, કોઈક અકળ દૈવોદેશ." એણે નિશ્વાસ નાખ્યો.

"હમણાં અહીં રહેશો ?" રણજિતે પૂછી લીધું.

"તમને વાંધો ન હોય તો...!" રોહિણીએ રમૂજ કરી.

"મને શાનો વાંધો હોય ?"

"ક્યારેક આ રીતે ટ્રેઈન-ટ્રામમાં ભટકાઈ જવાનો ભય તો ખરો જ ને !"

"ભય ! ભય શાનો ?"

"તમને નહિ - બીજાં કોઈને."

"બીજાં કોને ?"

"અમારી જાત બહુ ઈર્ષાળુ છે, રણજિતભાઈ !"

રણજિત સમજ્યો, ને એને પોતાને ઊંતરવાનું સ્ટેશન આવતાં એ ઊંઠ્‌યો.

કેટલીક આગગાડીઓ થોભે છે ત્યારે થડકાર કરે છે. એનો થડકારો હજારો ઉતારૂઓને થડકાવે છે. એ હજારોમાંથી કોઈક કોઈકને નસીબે એ થડકાર મીઠો અને ઉપકારક બની જાય છે.

આગગાડીએ બાકીની ફરજ બજાવી... ઢળતા રણજિતને રોહિણીએ હાથ ટેકવીને સ્થિર કરી લીધો...

ક્યાં એ હાથનો સ્પર્શ ! ક્યાં બાજુમાં પડેલ નિઃસ્નેહ માનવ-કલેવર !

ને સ્વપ્નમાં રણજિત પેલી ચાલી જતી ટ્રેઈનનો પછવાડેનો ડાંડો ઝાલીને જાણે કે ઘસડાયે જાય છે...

તે રાત્રિએ રોહિણીના હૃદયમાં પણ ઉત્પાત મચ્યો. જીવનમાં પહેલી પ્રથમ વારનો જ એ ખળભળાટ હતો.

પ્રથમ તો એ હસી ઃ કેવો બેવકૂફ બનાવ્યો એ પામરને !

પણ પોતાનું હસવું પોતે ન જોઈ શકી. ઊંઠીને અરીસામાં જોયું. અટહાસ્ય કર્યું.

પણ પ્રતિબિંબનો પ્રતિહાસ એને ગમ્યો નહિ. એને લાગ્યું કે જાણે રાંડ પ્રતિછાયા મને ઠઠ્‌ઠે ઉડવી રહી છે !

બંદૂક ફોડતી વેળા બરકંદાજના હાથ જો ઢીલા પડે તો બંદૂકનો કુંદો પોતાનું જોર એ ખુદ વછોડનારની જ છાતીને જફા કરે છે.

પુરૂષોનો દ્રોહ કરનારી રોહિણીના કલેજામાં આજ પહેલી જ વાર એ રોષનો પ્રત્યાઘાત પછડાયો.

પણ પાછું એણે યાદ કરી જોયું ઃ મેં તો ભલાભલા યુવાનોનો તેજોવધ કરીને વિજય મેળવ્યો છે; મારાથી સવાયા પુરૂષોનાં સ્નેહ-વલખાં ઉપર હું ખડ ખડ હસી ચૂકી છું. ને આજે રનજિત જેવો અદનો યુવાન મારા હૃદય બંધોને કાં તોડી વછોડી રહ્યો છે ? બંડખોરીનો શું અતિરેક થયો ?

સૂતા સૂતા અનુભવનાં, અવલોકનનાં તેમ જ વાચનનાં પાનાં ફરી ફરી સ્મરણમાં ઉથલાવી ગઈ. પણ એનો જૂનો જાતિવિદ્રોહ તે સમય પોતાની ફેણ માંડી શક્યો નહિ.

મનને રોહિણીએ પટાવ્યુંઃ કદાચ આ મારી અનુકમ્પા જ છે માત્ર - એથી વધુ કશું નહિ.

અનુકમ્પા - માત્ર અનુકમ્પા - વધુ કશું નહિ... એવું રટણ કરતી રોહિણી સૂતી.

થોડા દિવસો ગયા. મનને થયુંઃ શહેર સારૂં છે, મારે જરા સ્થળફેરની જરૂર છે. અહીં મારા કામકાજને માટે પણ બહોળું ક્ષેત્ર છે. અહીં જ રહી જાઉં તો કેમ ?...

રહી ગઈ. ટ્‌યુશનો પણ મળ્યાં.

"તારા !" રણજિતે એક રાત્રીએ શિક્ષણનો બહોળો વિષય છેડયોઃ "તું ઘેર થોડો અભ્યાસ ન કરે ?"

"તમે ભણાવો તો કરૂં."

"ધણી કદી માસ્તર બની જ ન શકે."

"જોઈએ."

જોયું, એક અઠવાડિયામાં રણજિતે તારાને થકાવી દીધી; પૂછ્‌યુંઃ "હવે ?"

"પુરૂષ-શિક્ષકની કને તો નહિ ભણું."

"કેમ, ખાઈ જાય ?"

"કોણ જાણે, ગમે નહિ."

"મને કશો વાંધો નથી, હો ! ખરૂં કહું છું - મારા પેટમાં જરીકે શંકા કે ઈર્ષા નથી."

પણ તારાએ ન માન્યું... ને શિક્ષિકા આવી - રોહિણી.

વારંવાર મળવાનું એ નિમિત્ત ખડું થયું. રોહિણીએ રણજિતને એક સ્નેહભર્યો ને ગૃહપ્રેમી સ્વામી દીઠોઃ તારા ભણે ત્યારે રણાજિત બન્ને બાળકોને લઈ બહાર નીકળી જાય.

તારાની આંખો ન દુખે તે માટે રણજિત વહેલો ઊંઠી રસોઈ માંડી દે.

કામવાળો ન આવ્યો હોય ત્યારે રણજિત તારા કનેથી ઝૂંટવીને તમામ કપડાં લઈ ધોઈ નાખે.

"ના, તારા; તારો અભ્યાસ બગડે !"

સાચા હૃદયથી રણજિત તારા પર વહાલ ઠેરવવા મથતો હતો. પણ એની દશા સામા પૂરે નદી પાર કરનારા જેવી હતી; પગ નીચે લપસણા પથ્થરો હતા.

"ઓહોહો !" પલેપલ રણજિત એ જ વાત ગોખતોઃ ’તારાને મારા દિલ સાથે ભીડી રાખવા હું કેટલા પ્રયત્નો કરૂં છું ! હટો, રોહિણીના વાળની સુંવાળી શ્યામલ લટો ! - મારા મોં પરથી ભલી થઈને હટી જાઓ !’

પણ પોતાનું મોં લૂછતો લૂછતો એ વારંવાર થંભી જતો. એ કેશલટો ઊંડી ઊંડીને એની કલ્પના પર પથરાતી.

તારા પિયર ચાલી. રોહિણી સ્ટેશને વળાવવા આવી હતી. બંને છોકરાં રોહિણીને બાઝી પડતાં હતાં.

એક બાળક રોહિણીને ’ફઈબા’ કહી સંબોધતું, ને બીજું એને ’માસીબા’ કહેતું.

તારાને તો બેવડી સગાઈનો લહાવ લેવાની મઝા પડતી.

રોહિણીથી છૂટી પડતાં તારાનેય વસમું લાગ્યું. રોહિણીબહેન તો તારાને નવી સંજીવની આપનારાં હતાં. પોતાના જીવનમાં આટલો ઊંંડો રસ લેનાર પહેલું જ માનવી રોહિણી હતી. રણજિતને જાણે કે રોહિણીબહેને જ પત્નીમાં ને બાળકોમાં વધુ રસ લેતો કર્યો હતો.

ગાડી ઊંપડી ત્યારે જ બરોબર રોહિણીએ બેઉ છોકરાંને માટે રેશમી કપડાંની અક્કેક જોડ ડબ્બાની અંદર ફેંકી.

ને તારાએ બેઉ બાળકોના નાના હાથ ઝાલી બારીની બહાર છેક ક્યાં સુધી ’માશી-ફઈબા’ના લહેરાતા રૂમાલની સામે વિદાય-નિશાની કીધા કરી !

ગાડી ચાલતી હતી. તેનાં પૈડાંના અવાજ જોડે મોટું બાળક તાલ મેળવતું હતુંઃ

માશી-ફઈબાઃ ખડ-ખડ-ખડ-ખડ !

માશી-ફઈબાઃ ધબ-ધબ-ધબ-ધબ !

માશી-ફઈબાઃ ધડબડ-ધડબડ !

નાનું બાળક ’માશી’ની આપેલી બિસ્કિટનો અરધો રહેલો ટુકડો બે હોઠ વચ્ચે લબડાવતું ઊંંઘતું હતું.

વાદળીઓ ચંદ્રને ગળતી અને પાછો બહાર કાઢતી આકાશને માર્ગે ગેલતી જતી હતી. નીચે દરિયો, થાકી લથબથ પડેલો, સુખવિરામ-શ્વાસ લેતો હતો.

દરિયાની તમામ જીવલેણ તરંગાવળ જાણે કે સામટી મળીને વરાળ બની એક તરતા મછવામાં સંઘરાઈ ગઈ હતી. બે માનવીઓનાં હૃદય વચ્ચે એ વહેંચાઈ ગઈ હતી.

રોહિણી રણજિતના ખોળામાં રડતી રડતી પડી હતી. મછવો એ રૂદનનો બોજો જાણે માંડમાંડ વહેતો હતો. માછીઓ હળવાં હલેસાં નાખતા માછી-ગાનના તાન મારતા હતા.

"આપણે એમ કરીએઃ" રણજિતના સૂરમાં સ્વસ્થતા આણવાનો પ્રયત્ન હતોઃ "હું જગતને જાહેર કરીશ કે મારે અને તારાને પ્રથમથી જ હૃદયમેળ નહોતો; મેં બધા પ્રયત્નો કરી જોયા, પણ..."

રોહિણી એક બાજુ ફરી ગઈ. રણજિતે ઉમેર્યુંઃ

"ને તમે એમ જાહેર કરો કે મેં તો સમાજના રૂઢિ-દુર્ગને આઘાત દેવાના હેતુથી જ બંડ કર્યું છે. પછી આપણે ક્યાંઈક નીકળી જઈશું."

"હં - પછી ?" રોહિણીએ પડખાભેર મોં રાખીને જ પૂછ્‌યું.

"ને હું સમાજને કહીશ કે તારાને એની ખુશી પડે ત્યાં પોતાનું દિલ જોડવાની છૂટ છે."

રોહિણીએ પાસું બદલ્યું. એની આંખોની જ્વાલાઓ રણજિતની આંખોને સળગાવતી રહી. એણે એક પણ શબ્દ ન કહ્યો. નિર્મોહી ને નિર્વિકાર કો યોગી જેવો મછવો આવડા બધા જ્વાલામુખીને પોતાના હૈયામાં સંઘરતો કિનારે પાછો આવ્યો.

બેઉ જણાં જુદાં પડયાં.

ત્રીજે દિવસે તારાને લેવા સ્ટેશન ઉપર રોહિણી જ ગઈ હતી. રણજિતને ખબર જ નહોતી.

છોકરાં ’ફઈબા-માશી’ને બાઝી પડયાં, પેલું ’ફઈબા-માશી ધડબડ’નું જોડકણું સંભળાવ્યું. તારાએ પણ રોહિણીને ગળે હાથ વીંટીને વહાલ કર્યું; પૂછ્‌યુંઃ "તાર કેમ તમારા નામનો હતો ?"

"કેમ કે મેં જ તમને તેડાવ્યા છે."

રોહિણીના મોં પરથી આપત્તિના અક્ષરો વાંચી શકાતા હતા. તારાના દિલમાં ફફડાટ મચ્યો.

ઘેર જઈને રોહિણી તારાના ખોળામાં ઢગલો થઈ પડી. તારાએ રોહિણીના શરીર પર અકથ્ય કરૂણ કહાણી ઉકેલી લીધી, ને પછી તો રોહિણીએ પોતાનું તમામ હૈયું ખોલી નાખી પોતાનો સંકલ્પ ધરી દીધો.

તારાને બેમાંથી એક પસંદગી કરી લેવાની હતીઃ કાં તો ઘરની અંદરથી રણજિત-રોહિણીની સદાકાળ હિજરત; અથવા તો રોહિણીનો સદાકાળનો ઘરમાં ઉમેરો.

હિજરત કરશે તો આ બેઉ જણાં જગતના ચક્રમાં પછડાઈ છૂંદો બની જશે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. ને જો રોહિણી ઘરમાં પ્રવેશ કરશે તો કદાચ પોતાને પિયરવાસ સ્વીકારવો પડશે, એવી ખાસ ધાસ્તી હતી.

તારાએ પોતાનું જ અમંગળ પસંદ કરી લીધું. પોતાની જ સાક્ષીએ એણે બેઉ જણાંનો હસ્તમેળાપ કરાવ્યોઃ પોતે જ રોહિણીના હાથમાં પાણીભર્યું શ્રીફળ રોપ્યુંઃ પોતે જ કંકુનો ચાંદલો કર્યો.

પ્રભાતનાં છાપાંમાં હાહાકાર સૂચવતાં મથાળાં હેઠે આ એક સામાજિક ઉલ્કાપાત ઉપર આગ-ઝરતાં લખાણો આવ્યાં.

સર્વ છાપાંનો સૂર એ હતો કે એક પુરૂષે અધમ રીતે એક કોમળ હૃદયની સન્નારીને ફસાવી ને બીજી એક સ્ત્રીનો ભવ સળગાવ્યો.

રોહિણીએ છાપાવાળાને બીજે દિવસે એક નિવેદન લખ્યુંઃ

ફસાવનાર પુરૂષ નથીઃ મેં જ પુરૂષને પહેલું પ્રલોભન આપી લપસાવ્યો છે. મારી પ્રતિષ્ઠાને રક્ષવા માટે પુરૂષ તો ધરતી ભાર ન ઝીલી શકે એવું સ્વરૂપ અમારા લગ્નને પહેરાવવા તૈયાર હતો; પરંતુ એટલો વધારે પાપભાર મારાથી સહેવાય તેમ નહોતું

તમે પૂછશો કે રોહિણી જેવી બંડખોર નારી શી રીતે આટલી સહેલાઈથી ભુક્કો થઈ ગઈ ?

જવાબ એ છે કે મારી બંડખોરી પોતાનું આખરી લક્ષ્ય ચૂકી જઈને પછી તો પોતાના વિજયગર્વની જોડે જ એકાકાર બની હતી. શક્તિ જ્યારે નિરૂદ્દેશ બની કેવળ વિજયના મદને બહલાવવા જ બહાર નીકળી પડે છે, ત્યારે એ પોતે પોતાને જ ખાઈ જાય છે. કૃપા કરીને કોઈ મારા આચરણની જોડે મહાન ઉદ્દેશને જોડશો નહિ.

પાંચ મહિના સુધી રોહિણીએ તારાના આશરામાં એકલવ્રત પાળ્યું; રણજિતનું મોં સુધ્ધાં ન જોયું.

પછી એક દિવસ રોહિણીના પુત્ર-પ્રસવની કિકિયારીઓએ સુવાવડખાનાને જાહેર ઉપહાસનું સ્થાન બનાવી મૂક્યું. કેમેરાની ચાંપો ત્યાં દિન બધો ચીંકાર કરી ઊંઠી. એ બધા લોક-હલ્લાને ઠેલી પાછા વાળનાર તારા ત્યાં હાજર ને હાજર હતી.

છાપાવાળાઓ તારાને પૂછતા હતાઃ "તમારે આ બાબત કાંઈ કહેવું છે બહેન ?"

"હા, ભાઈ; કહેવાનું આટલું કે ભલા થઈને મારી દયા ખાવી છોડી દો, ને મને આ બે જીવતા જીવોનું જતન કરવા દો."

નિંદા, તિરસ્કાર ને ઠઠ્‌ઠાના આ ગરમ વાતાવરણ વચ્ચે રોહિણી માંડ માંડ સુવાવડમાંથી ઊંભી થઈ. તારા એને ઘેર લઈ આવી; બાળકને રમાડતી નાક ખેંચતી બોલી ઊંઠીઃ "ચીબલા, તારા બાપ જેવો જ ચીબલો કે ! ને નમણો તો બા જેવો, કેમ !"

રોહિણીની આંખોમાં આંસુ ન માયાં. એના મોંમાં તારાએ ઠાંસીઠાંસીને દિવસરાત હાસ્ય ભરી દીધું.

બે મહિને રોહિણીએ તારાના પગને આંસુએ પખાળી પખાળી માંડ રજા મેળવી; બાળકને લઈ જુદું ઘર વસાવ્યું. ફરી પાછાં એનાં ટ્‌યુશનો બંધાયાં.

જગતની યાદદાસ્ત અતિ ઉદાર, અતિ ભૂલકણી છે એટલે જ જગત જીવતું રહ્યું છે.

તારાએ રણજિતની પથારીનો ઓરડો સદાને માટે સમજણ કરી લઈને ત્યજ્યો હતો; અને રોહિણીને ઘેર પણ તારાને સાથે લીધા સિવાય રણજિતે ન જવું, એવો રોહિણી રણજિત વચ્ચેનો હંમેશાંનો કરાર હતો.

(પૂર્ણ)

પાપી!

રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊંઘડે! આટલા સરવા કાન એણે આજ જીવતરમાં પહેલી જ વાર માંડયા હતા. ઘરની અંદર શો શો સંચાર થાય છે, કષ્ટની ચીસો કેટલી વાર પડે છે, એ ઉંહકારો પંદરમી વારનો હતો કે ચૌદમો... એ બધું એના કાન તલ્લીન બનીને વીણતા હતા - તરૈયાઓ દરિયાને તળે જઈ બીજી તમામ વાતો પ્રતિ આંધળા બની સાચાં મોતી વીણે છે તેવી રીતે.

સાડાચાર વાગ્યે ઘરમાંથી ગંભીર સુખનો શબ્દ સંભળાયો કે "વાહ! શાબાશ, બેટી!"

પાંચ બજ્યા અને કમાડ બહુ ધીરેથી, જરીકે કચૂડાટ કર્યા વગર ઊંઘડયું. અંદરથી હાથમાં બેગ લઈને દાક્તરદાદા બહાર નીકળ્યા. કાળુ સફાળો ખડો થઈને સામો દોડયો. એને પોતાના તકદીરનો ફેંસલો સાંભળવો હતો.

ધસી આવતા જોધાર કાળુને ખંભે હળવો પણ મક્કમ હાથ મૂકીને નસરવાનજીદાદા ઘેરા નાદે બોલ્યાઃ "કાળુ! બેટા! જો, તારી વહુને બહુ થાક લાગ્યો છે. કેટલા કલાકની મહેનત કર્યા પછી એને માંડમાંડ નીંદ આવી છે. તું ઉતાવળ કરીશ ના, હો ગાંડિયા! નર્સ અંદર છે તે તને બોલાવે ત્યારે જ ઘરની અંદર દાખલ થજે; નહિતર આ બુઢ્‌ઢાના હાથના પાંચ ગડદા તારી પીઠનાં હાડકાંનો ચૂરો કરી નાખશે, હાં કે!"

કાળુના માથા પર હાથ ફેરવીને દાક્તરદાદા સવાપાંચે ગયા. મોટરના શોફરને કહ્યું કે "બિલકુલ હોર્ન ના મારતો, હાં કે! અને ખૂબ ’સાઈલેન્ટલી’ ગાડી બહાર કાઢી લે". ગાડી દૂર ન થઈ ત્યાં સુધી બારણું પણ દાદાએ બીડયા વિનાનું જ રાખ્યું. આંબલી પરનાં નાનાંમોટાં તમામ પક્ષીઓ જરીકે ચોંક્યા વગર જંપેલા રહ્યાં.

દાદા હજુ જાણે એની સફેદ દાઢીમાં હાથ પરોવતા સામે જ ઊંભા હોય એવી અદબ રાખીને કાળુ પાછો બાંકડા પર બે ગોઠણ વચ્ચે મોં દાટીને બેસી રહ્યો. રેલગાડીમાં વીજળી-બત્તીનું ખાનું સાચવતો કાળુ દર એકાંતરે આટલી આટલી રાતો થયાં મુસાફરીઓ ખેંચતો હતો; પણ અત્યારે એણે આકાશનો એક ચળકતો તારો જેવો એકીટશે જોયો તેવી રીતે કદી નહોતો જોયો. પોતાની સ્ત્રી સુખે જંપીને સૂતી છે એટલું જાણ્‌યા પછી જ પરોઢના સુંવાળા પવનની ઠંડકનું એને ભાન આવ્યું. પરસેવે રેબઝેબ થઈ ગયેલું પહેરણ શરીર પર ચોંટી ગયું છે તેની એને હજુ હવે જ ખબર પડી. ’સવિતા થાકીને સૂતી છે!’ એને નિરાંત વળી.

પણ હજુ એને પૂરી ખબર નહોતી પડી. ઘણાં છોકરાં જેમ નાનપણથી જેમ વધુ પડતું સમજી જાય છે તેમ ઘણા જુવાનો મોટી ઉમ્મરે પણ એવી જાડી બુદ્‌ધિના, બોઘા રહી જાય છે કે એની સંસારી સાન જલદીજલદી વાત પકડતી નથી. કાળુ એવો એક બોઘો બ્રાહ્‌મણપુત્ર હતો. અરે, એને બ્રાહ્‌મણનું ફરજંદ જ કોણ કહે? એની જાતિ ’ઝોડ’ની હતી. ઝોડની માફક ઊંંધું માથું ઘાલીને ઉદ્યમ કરવાનું જ એ સમજતો. એકલ મિજાજનો કાળુ વ્યવહારવિદ્યા શીખવાની દુનિયાઈ શાળામાં ભમ્યો જ નહોતો.

"કાળુ, તારે ઘેર દીકરો અવતરેલ છે - દાદાએ કહ્યું ને?" અંદરથી આવીને દાઈએ ખબર દીધા ત્યારે પ્રભાતનો પવન કાળુનાં નયનોમાં એક ઝોલું ભરી રહ્યો હતો.

કાળુએ જાણે કે સ્વપ્નમાં સાંભળ્યું. દાઈને એણે નિહાળી નિહાળીને જોઈ ત્યારે ખાતરી થઈ કે આ સ્વપ્ન નથી - સત્ય છે.

’સવિતાએ મને દીકરાની ભેટ દીધી! એણે મને જીવતું માનવી અર્પણ કર્યું!’ આ રોજની સાદી વાતમાં પણ કાળુ જેવા બોઘા જુવાન કો મહાતપસ્યાનું ફલ, કો દેવનું વરદાન દીઠું, સવિતા એને પરમેશ્વરી-શી લાગી, પત્નીએ હ્ય્દયના ક્યા ગુપ્ત આવાસમાં આ બાલને સંઘરી રાખ્યું હતું!

દાઈએ કહ્યુંઃ "અંદર આવઃ જોવો છે ને બચ્ચાને?"

"સવિતા જાગી છે? એણે કહ્યું છે?" દાદાના પાંચ ગડદા સંભારીને કાળુએ પૂછી જોયું.

"હા; આવ."

કાળુ અંદર ગયો. કોઈ દેવાલયમાં, કોઈ પ્રાચીન ખંડેરમાં, દાખલ થાય તેવી શાંત પગલીઓ ભરીને એ સવિતાના ખાટલા સુધી પહોંચ્યો. એનો હાથ હળવેથી ઝાલીને પોતાના મોં પર મેલવાની, પોતાના ગાલ પર ફેરવવાની, પોતાની છાતી પર ઠેરવવાની ઈચ્છા થઈ - પણ આભડછેટ નડી.

’આ-હા-હા-હા!’ ગમાર કાળુના અંતરમાંથી હજુયે અચરજ મટતું નથી કે ’આવા જીવતા જીવની માનવી જેવા માનવીની ભેટ મને મારી સવિતાએ ક્યાંથી આણીને આપી? ક્યાં સંઘર્યું હતું આ ગુપ્ત ધન! કેવું રૂપાળું બાળક!’

સવિતા કશું બોલી નહિ; પણ ધણીની આ મૂંગીમૂંગી ભક્તિ દેખીને એની આંખો ભીની થઈ. કોણ જાણે શાથી, પણ કાળુએ પ્રથમ બારણામાં પગ મૂક્યો ત્યારે સવિતાનું મોં લોહી વિનાનું. ભયભર્યું અને લજ્જાથી તૂટી પડતું હતું. એને ધણી આટલી મમતા કરશે એવો ભરોસો નહોતો. જાણે એ કોઈ ભયંકર ફેંસલો સાંભળવા થઈ રહેલ અપરાધિની હતી.

પણ તેને બદલે સવિતાએ ધણીની આંખમાં મીઠાશનાં સરોવરો ભાળ્યાં.

ઘરમાં કોઈ મોટેરૂં-નાનેરૂં આત્મજન નહોતું. સવિતાના બાપ કાશીની જાત્રાએ ચાલ્યા ગયા હતા; મા મૂએલી હતી. કાળુને તો નાનપણથી જ એકલદશા મળી હતી. પોતે પંદર દિવસની રજા પર ઊંતરી ગયો હતો. એના ખરા આપ્તજન નસરવાનજીદાદા જ હતા. એ પારસી દાક્તર ગામ સમસ્તના આધાર હતા. એમણે એક આયાને કાળુને ઘેર કામકાજમાં રોકી દીધી.

એક મહિનો થઈ ગયો. પણ હજુય કાળુને ઘરમાં જાણે કે કોઈ ચમત્કાર બનેલો લાગ્યા કરે છેઃ ’આહા! સવિતાએ મને એક માનવીની ઓચિંતી ભેટ આપી. સવિતા પરમેશ્વરની કેટલી બધી નજીક હશે!’ બાળકોને જન્મ દેનારી બધી જ જનેતાઓ એને સર્જનહાર સાથે સીધી ઓળખાણવાળી લાગી. અને પુરૂષોમાં તો એવા એણે એકને જ માન્યા હતાઃ દાદાને.

પણ... આ બધાં લોકો મારી પછવાડે હસતા શા માટે હશે? કાળુના મનમાં સમસ્યા ઊંપડી. એ ચાલ્યો જતો હોય તો પાછળ બાઈઓ ગુસપુસ કરી રહેતીઃ

"આ ઓલીનો વર - વિવાહ પછી પોણાસાત મહિને જ..."

એટલે આવીને એ વાક્ય ભાંગી જતું. ખિખિયાટાથી એ અધૂરૂં વેણ પૂર્ણવિરામ પામતું.

ગાડી ઉપર કાળુ કામે જાય ત્યારે પાનપટ્ટી ઉપર ચૂનો-કાથો ચોપડતા ઊંભેલા નાનામોટા અમલદારોથી લઈ હાથમાં ઝંડી-ફાનસ લઈ ફરતા સાંધાવાળાઓ પણ મોં મરોડીને હસતાઃ "કાં, કાળુ! છોકરૂં મજામાં છે ને! ચહેરોમોરો કોને - તને મળતો છે, કે એની બાને?"

"હજુ અત્યારથી શી ખબર પડે?" કાળુ સહેજ મોં મરકાવીને જવાબ આપતો. ને સાચોસાચ, એનું બાળક બેમાંથી કોની સૂરત પ્રગટ કરે તો સારૂં, તે વાતની એના મનમાં મીઠી ચળ ઊંપડતી. આખરે એ મનથી નક્કી કરતો કે ’બસ, મારો બાળક સવિતાનાં જ રૂપરંગ ધારણ કરે તો સારૂં. મારા રૂપમાં તો શું બળ્યું છે!’

આખી રાત ગાડીમાં જાગતો એ વીજળી બત્તીની જ્યોતોને બાળકની આંગળીઓ સાથે જ સરખાવી રહેતો.

પરંતુ... આજ આટલાં વર્ષો લગી મારી એક કૂતરા જેટલી પણ ગણતરી નહોતી ને હવે આ બધાં લોકો કેમ મારા ઉપર આવડું ધ્યાન આપી રહેલ છે? મારા જંતુ જેવા ક્ષુદ્ર જીવનમાં આ તમામને નવો રસ ક્યાંથી ઊંભરાઈ નીકળ્યો છે! મારા સામે આંગળીઓ કાં ચીંધાઈ રહી છે? લોકો આટલા બધા સ્નેહભાવે મારા ને મારાં વહુ-બાળકના ખબર કાં પૂછે?

બોતડ કાળુને ધીરે ધીરે રહસ્ય સમજાયુંઃ ’આ લોકો મારૂં ટીખળ કરે છે. મારી સવિતાને લગ્ન પછી સાત જ માસે બાળક જન્મ્યું, એ બનાવની પાછળ એક લોકાપવાદ ઊંભો થયો છે.’

’બાળકનો સાચો બાપ હું નથી - કોઈ બીજો...’

પછી તો આખી સાંકળના મકોડા કાળુના મનની સ્મૃતિમાં બેસતા ગયા...

સવિતાનો બાપ મારો પાડોશી હતો. હું જ્યારે જ્યારે ’લાઈન’ પર જતો ત્યારે કંઈક ને કંઈક ચીજ લાવીને સવિતા સારૂ દઈ આવતો. એના બાપા મને આવકાર આપતા; પણ સવિતાના અને મારા વિવાહની વાત તો એને સ્વપ્નેય સૂઝે તેવું નહોતું. ક્યાં એ શુદ્ધ કુલીન બ્રાહ્‌મણ, ને ક્યાં હું કુળહીણો, લઘરવઘર, ઊંતરેલ ધાન સમાન, નામનો જ માત્ર જનોઈધારી! હું સવિતાને ભવિષ્યની અર્ધાંગનાના ભાવે જોઈજોઈને જ બધી ભેટો લાવું છું, એવું લાગે તો તો એ બ્રાહ્‌મણ મને કુત્તાને હવાલે જ ઘરનું બાર છોડાવે તેવો હતો. એમાં એકાએક ઓચિંતા એણે તે દિવસે મને કન્યા દેવાનું મન જાહેર કર્યું, અને ’કાળુ શર્મા, દરદાગીના કે લૂગડાંની કશી તરખડ કરવાની નથી...’ એવું અભયવચન દીધુંઃ પૂરી તિથિ પણ બરાબર જોયા વગર મૂંગામૂંગા અમારો હસ્તમેળાપ કરાવી આપ્યો; અને સવિતાને મારા શૂન્ય, નિર્જન ઘરમાં તે ને તે સાંજરે વળાવી આપી. પોતે, એકદમ વૈરાગ્ય ઊંભરાયો હોય તેમ, જાત્રાએ નીકળી પડયાઃ જતી વેળા ન એની પુત્રી પ્રત્યે કે ન મારી પ્રત્યે કોઈ મમતાની લાગણી પણ બતાવીઃ જાણે કોઈ ચુડેલની ચૂડમાંથી છૂટવા માગતા હોય તેમ નાસી ગયાઃ એ બધું શા માટે એમ બન્યું?

કાળુને એ કોયડાનો ઉકેલ હવે જડયોઃ સવિતાના ઉદરમાં પાપ હતું. એના બાપે મને ’બળતું ઘર કૃષ્ણાર્પણ’ કર્યું હતું; કન્યાદાન નહિ પણ સર્પદાન દીધું હતું.

બીજી વાતો પણ સાંભરી આવીઃ વેવિશાળ થયું તેના આગલા દિવસોમાં સવિતા મોં સંતાડીને જ ઘરમાં પેસી રહેતી. સગપણ થયું તે પછી પણ એની આંખોમાં આનંદ નહોતો; જાણે કોઈ અકળ મનોવેદના એને અંદરથી ભક્ષી રહી હતી. લગ્નમાં પણ એને જાણે લાગતું વળગતું નહોતું. હસ્તમેળાપમાં પણ એના હાથ શબના હાથ જેવા ટાઢાબોળ હતા. એ ઘેર આવી ત્યારે રાતે સૂવાના ઓરડામાં પગ મૂકતાં પહેલાં એને જાણે કે ભાગી છૂટવું હોય તેવા એના હાવભાવ હતા. અંદર આવ્યા પછી જ્યારે શરમાળ કાળુએ પહેલીવહેલી ભુજાઓ પહોળી કરીને એ જીવનસખીને જકડી લીધી હતી - જાણે ’તને હું હૈયાની સાથે મરણાન્ત સુધી જડી લઉં છું’ એવો પ્રગાઢ ભાવ ઠાલવ્યો હતો ત્યારે પણ સવિતાનું કાળજું એણે કોઈ વીંધાયેલી મૃગલીના સમું થડકતું સાંભળ્યું હતું. અંધકારમાં જાણે એ કશુંક ટેકણ શોધતી હતી.

એ ફફડાટ એના ઉદરમાં પડેલા મહાપાપનો જ હતોઃ ખરૂં!

તે પછીના સાત મહિના! દંપતીસુખના અખંડ સરિતા જેવો એ સમય વહેતો જતો હતો. કાળુ દરેક મુસાફરીથી જ્યારે ઘરે આવે ત્યારે એને કંઈક ને કંઈક નવીનતા ઘરમાં જોવાની જ હોય. એની થાળીમાં વારે વારે ભિન્ન ભિન્ન મીઠી વાની પિરસાતી, તેથી કાળુ બોલી ઊંઠતો કે "આ શો ગજબ માંડયો છે? ગરીબનું ઘર તારે શું ફના કરી દેવું છે, સવિતા?"

એ તો પાડોશીને ત્યાંથી આવ્યું છે... આમ છે... તેમ છે... વગેરે ઉડાઉ જવાબ દીધા પછી સવિતા મોડો મોડો ફોડ પાડતી કે "એ તો મેં ટાઢી વધેલી રોટલીનાં બટકાંને જરાક ઘીમાં વઘારી કટકોક ગોળ અને બે એળચીદાણા વાટી ભભરાવેલ છેઃ બીજું કશું જ એમાં નથી!"

ઉનાળે સવિતા વારંવાર શ્રીખંડ પીરસતી, ને કાળુને ટગવતી કે "ગામમાંથી વેચાતું મંગાવ્યું". પછી મોડોમોડો ખુલાસો મળતો કે "રાતે મારા વાળુ માટે રખાવેલું દૂધ હું મેળવી દઉંઃ સરખું મેળવણ પડવાથી ઢેફા જેવું જામી જાયઃ સવારે કપડામાં બાંધીને લટકાવી દઉંઃ પછી જેરણીથી ઝેરી નાખુંઃ જરીક હોય તેમાં દૂધ ભેળવીને થોડું જાયફળ ભભરાવુંઃ એ આ શ્રીખંડ છે! હું આ ખરચ નથી કરતી; બીઓ માઃ ખાઓ તમતમારે!"

કોઈ વાર સાંજે એ આવે ત્યારે ખાટલો, બાંકડો અને ફાનસ મૂકવાની ઘોડી સફેદા વતી રંગેલાં નવાંનકોર નીરખીને કહેઃ "આ શું ફનાગીરી માંડી છે! આપણે સાહેબલોક કે’દુનાં થઈ ગયાં!"

એનું મોં દાબી દઈને સવિતા સમજાવે કે "સાંભળો તો ખરા! બે પૈસાનો સફેદો અને પૈસાનું બેલતેલ મંગાવીને મેં જ રંગ્યા છે આ."

"તેં પોતે જ?" કાળુ ચકિત થતો.

"હા. પણ તમે કહો જોઉં, ભલાઃ અર્ધા પૈસાનો પિરોજી રંગ મંગાવીને આને માથે અક્કેક આછી દોરી કાઢી હોત તો કેવું સરસ લાગત!"

હાઈકોર્ટની ફૂલ બેન્ચના જજોને પણ ઝાંખા પાડે તેવું ભારેખમ મોઢું કરીને કાળુ જોઈ રહેતો. ને પછી ડોકું ધુણાવીને કહેતો કે "ના રે! તો તો સફેદ રંગની ખૂબી મારી જાય!"

એ રીતે કાળુના ફાટેલ ધોતિયામાંથી આછા જળેલા ટુકડા રંગત સાડલાના ટુકડાની કિનાર ભરેલ પડદાઓ બનીને ઘરની બારી આડા લટકતા થયા. જૂનાં, ઊંતરેલાં પહેરણોની ચાળમાંથી ટુકડા કાઢી, તેની કોર ઓટી છ-બાર નૅપકીન સવિતા સંઘરી રાખતી, અને કોઈ મહેમાન જમવા આવે ત્યારે દરેક થાળીની બાજુમાં અક્કેક અક્કેક મૂકતી.

આમ સવિતાએ કાળુના શૂન્ય ઘોરખોદિયા નિવાસને સાચી કવિતા વડે સજાવ્યો હતો. એ સાત મહિના તો સાત દિવસની પેઠે વહી ગયા હતા. ને છતાં - યાદ કરતો ગયો કે છેલ્લા એક માસથી સવિતાની જૂની અકળામણ સજીવન થઈ હતી. એ જાણે ક્યાંઈક નાસી છૂટવાના મનસૂબા કરતી હતી; વિના કારણે રો રો કરતી હતી.

આ બધા ફૂલ-ઢગલાની નીચે પેલો પાપનો સર્પ બેઠો હતો - ખરૂં?

કાળુને કલેજે ઝેર ચડવા લાગ્યું. લોકમુખના બોલની બદબો એનાથી સહી જાતી નહોતી. ઘડીક થતું કે આ ગંદું બોલનારાંની ગરદનો મારાં પાંચ પહોળાં આંગળાંમાં પીસી નાખું! ઘડીક સવિતા પર કાળ ચડતોઃ ઘડીક પોતાની જિંદગી ખતમ કરવાનું મન થતું.

નાસી જાઉંઃ આંહીંથી ક્યાંઈક દૂરદૂર નીકળી જાઉંઃ આ સાત મહિનાના સંસારને છેક ભૂંસી નાખુંઃ એવા વિચાર ઊંપડયા. સવિતા અને બાળક સાંભરી આવ્યાં, તેને જાણે આંખોની સામેથી ખેસવી નાખતો હોય એવી રીતે એ વારંવાર હાથ પસારવા લાગ્યો.

આજે સવા મહિને નહાઈને સવિતા ઊંઠી છે. ક્યાંઈક બહાર ગઈ છે. પોતાને ઑફ ડયુટી’નો દિવસ છે. છેલ્લો નિકાલ લાવ્યા વિના એ રાત પણ કાઢવી કઠણ છે. કાળુને એક વાત સૂઝીઃ ’દાદાને ખોળે દિલ ઠાલવીને એક વાર રસ્તો સમજી લઉં, પછી મન નહિ માને તો એક જ ઠેકે દુનિયાની બહાર ભુસ્કો મારીશ. લોકોનું બોલ્યું હવે મારાથી સહ્યું જતું નથી.’

નસરવાનજીદાદાના દવાખાનાના કમ્પાઉન્ડમાં કાળુ જ્યારે પહોંચ્યો ત્યારે અંધારૂં થઈ ગયું હતું. પચીસેક સુવાવડીઓના ખાટલા સમાય તેવી નાનકડી દરિદ્રનારાયણ ઈસ્પિતાલ શાંતિમાં પડી હતી. બાળકોના રૂદન-સ્વરો એ આખા ધામને સજીવન બનાવતા હતા. કોઈ કોઈ ભાડૂતી ઘોડાગાડી આવીને ઊંભી રહેતી, અને અબોલ દાઈઓ શ્વેત પડછાયાઓ જેવી તરવરતી હતી. આત્માને - દુરાત્માને પણ નમવાનું મન થાય એવું એ વાતાવરણ હતું. જાણે કોઈ અકળ, અગમ ધૂપ ફોરતો હતો. દવાખાનાની નજીકમાં જ નિરાળો, બેઠા ઘાટનો દાદાનો બંગલો હતો. મોખરે ફૂલઝાડોની ઘટાદાર કુંજ હતી.

કાળુનાં પગલાં થંભ્યાં. કુંજની અંદર દાદા કોઈ બીજા એક માનવીની સાથે વાતો કરી રહેલ હતા. સૂર પરખાયો... અને શબ્દો પણ પકડાયા.

એ તો સવિતા જ હતી! બાળકને ખોળામાં ધવરાવતી એ ભોંય પર બેઠી હતી. દાદા જરી છેટે બાંકડા પર બેઠા હતા. વાતના તાર બંધાઈ ગયા હતા; તેમાંથી કાળુના કાને શબ્દો પડયાઃ

"શું કરૂં, દાદાજી! હું તે દિવસે પાપમાં લપસી પડી. રજપૂત પાડોશીને ઘેર હું લગ્નનાં ગીત ગાવા કોણ જાણે ક્યાંથી જઈ ચડી, અને એ અમલદારના દીકરા કરૂણભાનો હું ભોગ થઈ પડી, દાદાજી!"

કાળુના રોમેરોમે શૂળા પરોવાઈ ગયા.

"તે પછી તો, દાદાજી, મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારી પ્રાણદોરી ખેંચી લ્યે. હું તો તે દિવસે મારી આવરદા ટૂંકી કરવા જ બેઠી હતી; રાતનાં અંધારાં ઊંતરે એટલી જ વાર હતી. ત્યાં તો આ આવ્યા, ને મારા બાપાએ એની પાસે વાત મૂકી. એણે કબૂલ કર્યું. મને લાગ્યું કે જગદીશ્વરીએ જ મારી ધા સાંભળી."

"બેટા!" દાદા બોલ્યાઃ "એમ સમજીને તેં કાળુનો અવતાર બગાડી નાખ્યો?"

સવિતાના ધ્રૂસકા સ્પષ્ટ સંભળાતા હતા.

"સાચું છે. મારા પોતાના પાપનું મને જેટલું લાગી આવે છે તે કરતાં વધારે તો મને આ છેતરપિંડીની વાત પીડે છે. મેં શીદ આ ભોળા જુવાનનું જીવતર રોળી નાખ્યું..." સવિતા ખૂબ રડવા લાગીઃ ’મને આ છેતરપિંડી બહુ ન ડંખત જો મારે ને એને સાધારણ ઘર-સંસાર હોત તો. પણ, દાદાજી, એ બાપડો મને શું પૂજે છે! શું પૂજે છે! અરે, મને ઈશ્વરથી બીજી ગણીને ભજે છે. એને મેં...’

"અને તને એના ઉપર કેવું વહાલ છે, બેટા?"

"હું શું કહું, દાદાજી!" સવિતાએ છોકરાના માથા પર હાથ મૂક્યોઃ "એનું કલંક ધોઈ નાખવા સારૂ તો હું મરવાના જ મનસૂબા કરૂં છું. હું તો હવે ગંધાઈ ગયેલ હાંડલું થઈ ગઈ. મને હવે કોઈનો ભો નથી. પણ આની સાથે જીવ એવો મળ્યો છે કે જળમીનની ગતિ છે. એના હેતને કારણે હું એ કહે ત્યાં ચાલી જઈશ; કહેશે તો ટૂંપો ખાઈશ."

સંતાયેલો કાળુ વધારે સાંભળી ન શક્યો. એ ત્યાંથી ચાલવા ઊંભો થયો. દાદાજીનું છેલ્લું વેણ એના કાનમાં ઝિલાતું ગયુંઃ

"જા, બેટા! આવડો બધો પ્યાર તો ચાહે તેવા પાપને પણ જલાવી નાખે છે. પાપ રહ્યું જ ક્યાં! અને બાળક? બાળક તો બીજા કોઈનું નથી - ભગવાનનું છેઃ એને કોણ પાપ કહી શકે! આવડા બધા હેતની આગ પાસે પાપ ખાક થઈને જ પડે. તું જા; અને ઘેર જઈને બધી કબૂલાત કરી દેજે. જો એનો પ્યાર ખરો હશે તો દુનિયા જખ મારે છે; છતાં જો એનું દિલ ન ચાહે. તો તું બચ્ચું લઈને ખુશીથી આંહીં ચાલી આવજે."

કાળુ ત્યાંથી નીકળી ગયો; અંધારે અંધારે તળાવની સડકે ચાલતો થયો. દાદાના છેલ્લા બોલ એના અંતઃકરણમાં ગુંજતા હતાઃ સાચા પ્યારની આગમાં પાપ બળીને ખાક થાય છે... બાળક તો કોઈનું નથી - એકલા ભગવાનનું છે... સાચો પ્યાર હોય તો દુનિયા જખ મારે છે.

વાળુટાણે એ ઘેર ગયો. હંમેશની માફક એણે સવિતાનું માથું બન્ને હાથમાં લીધું. પોતે પતિને અભડાવતી હોય એમ એ ધીરેથી દૂર હટી ગઈ. એણે શરૂ કર્યુંઃ

"આજે હું દાદા પાસે ગઈ હતી."

"મને ખબર છે."

"ક્યાંથી?"

"હું ત્યાં હતો."

"તમે બધું સાંભળી ગયા છો?" સવિતા ફફડી ઊંઠી.

"ના, બધું સાંભળવાની જરૂર નહોતી. ફક્ત એટલું જ યાદ રાખ્યું છે કે - સાચા પ્યારની આગમાં પાપની ખાક થાય છેઃ બાળક ઈશ્વરનું છેઃ ને દુનિયા જખ મારે છે."

ઘોડિયે પોઢેલા બાળક ઉપર એ લળી પડયો.

અને પછી કાળુએ જ્યારે સવિતાને હૈયાસરસી લીધી, ત્યારે આઠ મહિનામાં તે દિવસ પહેલી જ વાર કોઈ નિષ્પાપ, હળવાફૂલ જેવી બનીને સવિતા એની છાતી ઉપર ઢળી પડી.

ઠાકર લેખાં લેશે!

"તું જાણ્‌યને ઠાકર જાણે,ભાઈ!"

પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંંધી વળી રહી હતી, અને એની આંખો એક ઊંંચી મેડીના બંધ થતાં બારણાં સામે ઠેરાયેલી હતી. બોલતાં બોલતાં એણે ઠાલવેલો એક નિશ્વાસ જાણે કે ઠાકર પરની આસ્થાના આકાશે અડકતો એક થાંભલો રચતો હતો.

શહેરની એ એક દેવમંદિરવાળી પોળ હતી; અને તે કારણે શહેરનાં લોકો જેટલે દરજ્જે શ્રધ્ધાથી ભીંજાયેલાં રહેતાં હતાં, તેટલે દરજ્જે એ પોળ પણ સદૈવ કાદવકીચડથી ભીંજાયેલી રહેતી. એ કચકાણ પર પદમાની ટોપલીનો દસ શેર લોટ ઠલવાયો કે તત્કાળ કૂતરાંનાં ટોળાંએ ત્યાં મહેફિલ જમાવી દીધી.

ખાલી ટોપલીને હાથમાં ઝુલાવતો પદમો ચાલતો થયો; પણ બબ્બે ડગલાં માંડીને એ પાછો અટકતો હતો. અને એ ઊંંચી મેડીનાં કમાડ સામે ઘાતકી નજરે તાકતો હતો. મનુષ્યની આંખોના ડોળા એ જો વછૂટી શકે તેવા તોપગોળા હોત તો જીવનભરનો અંધાપો સ્વીકારીને પણ પદમા કણબીએ એ મેડીને ફૂંકી દીધી હોત.

લોકોનું ટોળું તો તરત એકઠું થઈ ગયું. રોજગાર વિનાના દુકાનદારોને આ એક રમૂજનો અવસર સાંપડયો. પદમાને તરેહતરેહના દિલાસા આપવા લાગ્યાઃ

"અલ્યા પદમા, મૂરખા, એ તો સતગુરૂની પરસાદી લેખાય!"

"અલ્યા, આજે મોટે દા’ડે તારે કૂતરાં ધરાવવાનું પુણ્‌ય સરજ્યું હશે!"

"અનીતિના દાણા તારા ઘરમાં આવી પડયા હશે, પદમા! પથ્થરખાણવાળા અભરામ શેઠ કનેથી ખોટી રોજી પડાવી હશે તેં. મારો બેટો પદમો કાંઈ કમ નથી."

એક મોટા કેસરિયા ચાંદલા વડે શોભતા કાપડિયાભાઈએ યાદ આપ્યુંઃ

"ખેડ કરતો ત્યારે ગાડાના પૈડામાં તે દા’ડે ગલૂડિયાંની પૂંછડી ચગદી નાખેલી - યાદ છે ને? એ અપરાધની તને ઈશ્વર સજા આપી રહ્યો છે, સમજ્યો ને? હજુ તો તારૂં સત્યાનાશ નીકળી જવાનું, જોજે! તે દી તો અધમણ જુવાર પારેવાંની ચણ્‌યમાં નાખતાં ઝાટકા વાગતા’તા, મા’જન જેવા મા’જનનું મોં નો’તું રાખ્યું - ને આજે કેમ સાંખી રિયો, ગગા!"

"એ..એ સાચું, બાપા! - તમારા સૌનું સાચું!"

પદમો ખેરના અંગાર જેવું સળગતું અટ્ટહાસ્ય કરીને આગળ વધ્યો. માથામાં ચક્કર આવતાં પાછો એ થંભ્યો. મિયાણાની જોટાળી બંદૂક-શી બે આંખો એણે પેલી મેડી તરફ તાકી. પણ આ વેળાની મીટ મેડીના દ્વારથી ઊંંચી ચાલી. આકાશના અદીઠ તારાનાં ચાંદુડિયાં પાડતો એક સુવર્ણ-કળશ કોઈ ધનપતિ ધર્માચાર્‌યના પેટની ફાંદનો આકાર ધરીને સૂતેલા મંદિર-ઘુમ્મટની નાભિ સમો શોભતો હતો; અને તેથીયે ચડિયાતા ગગનમાં ફરકતી નવી ધજા એ મેડીના છાપરાપર કાળી નાગણી જેવી છાયાને રમાડતી હતી.

પદમા કણબીને આટલા બધા છેડાઈ જવાની જરૂર નહોતી. વાત માત્ર એમ બની હતી કે બપોરે પથ્થરખાણેથી પથ્થર તોડીને એ ઘેર આવ્યો, ને કંકુવહુ સીમમાંથી છાણાં વીણીને પાછી આવી, ત્યારે ઘરમાં લોટ નહોતો. બરાબર આસો માસ ઉતરીને કાર્ત્િાક સુદનો બીજો દિવસ બેઠો હતો, એટલે જૂની જુવાર થઈ રહી હતી - ને નવા ધાન્યનો દાણો હજૂ નહોતો મળતો. દશ શેર બાજરો ઉધાર લાવીને પદમો ઝટઝટ સંચે દળાવવા ગયો. લોટની સુંડલી માથા પર મુકીને એ ચાલ્યો આવતો હતો. નાની-શી પોળમાં ત્રણ-ચાર ધર્માલયો હોવાથી એનાં એઠવાડ-પાણીનાં ખાબોચિયાં રસ્તામાં ભરાતાં, અને એ પ્રવાહી કીચડની સપાટી ઉપરની પવનની લહેરીએ મચ્છરોના થર ઝૂલી રહેતા. પદમો એક બાજુ તરીને ચાલવા ગયો ત્યાં તો ઉપરથી એક મોરીની ધાર લોટની સુંડલીમાં પડી.

એ મેડી હતી ધર્મગુરૂઓના વસવાટની. શહેરમાં દેવજાત્રાના વરઘોડા વારંવાર નીકળતા; ઉત્સવો ઉજવાતા. ચાતુર્માસમાં પ્રત્યેક સંપ્રદાય શક્ય તેટલાં ઈનામો અને લહાણાં આપી આપીને વાસોને ઉત્તેજતો, તેમ જ ધર્મોપદેશનાં વ્યાખ્યાનો, ભજન-કીર્તનો, ભોજનો, ધર્માચાર્‌યોનાં વિદાય-સ્વાગતો એકબીજા સંપ્રદાયો વચ્ચે હરીફાઈના અવસરો બની રહેતા. સ્થાનિક અમલદારોને પોતપોતાના સમારંભોમાં હાજર રખાવવા પ્રત્યેક પંથને ચીવટ હતી. આ બધાં સારૂ જેમ ધજાપતાકાઓ અને ડંકા-નિશાનોની જરૂર પડતી, તેમ બહોળા સાધુમંડળની હાજરી પણ જરૂરી હતી. સંખ્યાનાં પ્રમાણમાં સ્નાનાદિકનાં પાણી પણ મોરીમાંથી વિશેષ પ્રમાણમાં વહ્યા કરતાં. પરંતુ એક તો, મ્યુનિસિપાલિટીની સાથે માથાકૂટ કરવી પડે અને, બીજું, પ્રભાતને પહોર હંમેશાં ઊંઠીને ભંગીની જોડે તકરાર કરવી પડે એ કારણે ધર્મપાલોએ મોરીનું ભૂંગળું છેક ભોંય સુધી ઉતારીને કૂંડી બાંધવાનું મુનાસિબ નહોતું માન્યું. મોરીનું બે તસુ લાબું નાળચું મોકળું વહેતું હતું. અધ્ધરથી પડતી ધારે તે દિવસે બપોરે પદમાની સૂંડીનો દસ રતલ આટો બગાડયો, ને પોતાની કંગાલિયતને હિસાબે જરા વધુ પડતા સુગાળવા સ્વભાવથી દોરવાઈ જઈને પદમા કણબીએ પોતાનો તમામ લોટ રસ્તા ઉપર ઉંધો વાળ્યો!

હસમુખા ધર્મપાલોએ ઉપલી બારીમાંથી ઊંભા રહીને આ ટીખળ જોતાં જોતાં, લોકવૃંદને જમા થતું દેખી દ્વાર બંધ કર્યાં, તે જ વેળાએ પદમાએ આ હાયકારો કર્યો કે -

"તું જાણ્‌ય - ને ઠાકર જાણે, ભાઈ!"

"વાતવાતમાં જ, બસ ’ઠાકર’! શી ટેવ છે અનુયાયીઓની હવે તો!" ચીમળાયેલા ગાજરના જેવા વર્ણના એક ધર્મપાલે ટકોર કરી.

"જર્મન તત્વવેતા ગંટિંજન અને રશિયન ગ્રંથકર્તા વોચાસ્કીનું પણ એવું જ મંતવ્ય છે કે..." એમ એક લાંબું અંગ્રેજી અવતરણ કહીને એક ભવ્ય મુખવાળા સાધુએ સર્વને ચમકાવ્યા. એના ચશ્માંની આરપાર ફિક્કી આંખો ફરતાં ગોળ, કાળાં ચકદાં દેખાતાં હતાં.

"ઓહોહોહો!" પોતાની પેટીમાંથી સાધુઓને માટે ઊંંચી ઔષધિઓનાં પડીકાં વાળતાં, ખાસ તેડાવેલ વૈદરાજે વિસ્મય બતાવ્યુંઃ "ગુરૂશ્રી, આપ તો એ બધા પાશ્ચાત્ય તત્વજ્જ્ઞોને પણ ઘોળી ઘોળી પી ગયા દીસો છો!"

આઠ-દસ અનુયાયીઓ ત્યાં બેઠેલા હતા, તેઓએ ખાતરી આપી કે ગુરૂશ્રીનું કોઈ પણ પ્રવચન એવાં પંદર અવતરણો વગરનું જતું નથી; વેદ, કુરાન તેમ જ બાઈબલનાં પણ અનેક સમાન સૂત્રો પોતે ટાંકી બતાવે છે.

વૈદને વીંટળાઈ વળી કેટલાક શિષ્યો ભાતભાતની બીમારીઓની ફરિયાદ કરતા હતા, તે વેળા બાજુના ખંડમાં બે સુંદર કૂકડાની પેઠે કલહ કરતા હતાઃ

"શા માટે તમે મારી પાછળને પાછળ ચોકી કરો છો, નંદન!" એ બોલનારના કંઠમાં મધુર વેદનાનો ઝંકાર હતો.

"શા માટે, કેમ?" એની પાછળ જનાર ચાલીસ વર્ષના સુક્કા, સળગી ગયેલા વૃક્ષ-સા ત્યાગીએ ત્રાડ મારીઃ "આચાર્યની આજ્જ્ઞા છે તે માટે, સમજ્યા, સુમેરૂ! તમને લપટાતાં ક્યાં વાર છે જે?"

"નંદન, ભલા થઈને મને એક વાર છોડો. મને એકલવાયો બહાર ભિક્ષા માટે જવા દો. મને મુક્ત નેત્રે નિહાળવા દો.."

"કોને નિહાળવા? હું જાણું છું! નહિ જવાય. તો પછી ભેખ શા સારૂ પહેર્યો’તો - મલીદા ઉડાવવા માટે?"

"ન બોલો... હું ગાંડો થઈ જઈશ. મારૂં હૃદય ધસે છે, મારૂં માથું ચક્કર ફરે છે."

"તો આચાર્યદેવ ડંડો લઈને તમારાં ચક્કર ઠેકાણે આણશે."

ધર્માલયની અંદર આવી જાતની ભિન્ન ભિન્ન જીવનચર્યા ચાલી રહી હતી. તે વેળા ધર્માલયની ખડકી ઉપર પોતાનાં ત્રણ છોકરાંને તેડી પદમા કણબીની વહુ બેઠી હતી. બેઠી બેઠી તે લવતી હતીઃ

"આવું તે કંઈ હોય! અમારો દસેદસ શેર લોટ કુતરાંને મોંએ નિરાવ્યો અને આ છોકરાનો બાપ ભૂખ્યો અને દાઝભર્યો પાછો પાણા ખાણે પાણા તોડવા હાલ્યો ગયો. હવે અમે બીજા દાણા બજારેથી ક્યારે લાવીયે, ક્યારે સોઈયે ઝાટકીયે, ક્યારે દળાવીયે ને ક્યારે રોટલા ભેળા થાયેં! આમ તે હોય! મોટા મા’રાજ ક્યાં ગયા? અમને ખાવાનું અલાવે ઝટ!"

"ક્યાં ગ્યા મોટા મા’રાજ!" કંકુનો અવાજ ફરી દેવાલયના ઘુમટ્ટ પર અફળાયો.

કંકુના બોલવામાં બીજાઓને સાધારણ હિંમત ભાસે; વસ્તુતઃ એની વાચામાં કોઈ જૂની પિછાણના પડઘા હતા. પચીસ કરતાં વધુ વર્ષો એ નહોતી વળોટી; છતાં એની લાલી અને તેજી ઓસરી ગઈ હતી. ભસ્મ બનેલી ફૂલવાડી પણ પોતે પૂર્વે એકાદ વાર કેવી પલ્લવિત હશે તેનું અનુમાન કરાવી શકે છે.પદમાની વહુ કંકુ પણ એક વાર યૌવનમાં નીતરી રહી હશે એવું, એના દેહ પર્ની કાળી દાઝો પરથી, કળાઈ આવે. ફરીને એણે બૂમ પાડીઃ"મોટા મા’રાજશરીને મારે મળવું છેઃ ક્યાં ગયા ઈ!"

ખડકીના અર્ધખુલ્લા દ્વારમાંથી એક ભરાવદાર મોં દેખાયું. એ મોં બોલી ઊંઠ્‌યુંઃ "શા માટે બૂમો પાડે છે?’

પોતાને ચીતરી ચડતી હોય એ ભાવે એ મોં આડું ફરીને ઊંભું હતું.

કંકુએ ચોમેર જોઈ લીધુંઃ કોઈ ત્યાં નહોતું. તૂટક તૂટક વાક્યો લવવા લાગીઃ "હાંઉ! બૂમો હવે વસમી.. તમારી તેલફૂલેલ કાયા ને મને ભળાવ્યો આ રૂંવેરૂંવે રોગ..તમારાં પાપે આ છોડી આંખ્યો વિનાની..હું ક્યાં જાઉં?"

"મને ફજેત કરવો છે?" પેલું મોં બોલ્યું.

"ફજેત કરવા હોત તો હું પાંચ વરસથી અલોપ ન થઈ ગઈ હોત! તમારે શું છે ફજેત થવાનું?"

"શા માટે આવી છો?"

"એકવાર તમને નીરખી લેવા અને આ આંધળું બાળ તમારી નજરે કરવા. જુઓ તો ખરા! પાંચ વરસની થઈ ગઈ. વિના ભાળ્યે શેરીઉંમાં ભમે છે. એક વાર તો આની સામે મીટ માંડો!"

કંકુની ઉપલી માગણીના જવાબમાં ધર્મપાલના બે હાથોએ જ્યારે ખડકીનાં કમાડ વાસ્યાં, ત્યારે એના બેવડમાં બે વસ્તુઓ ભીંસાઈને ચગદાઈ ગઈ એક તો, પોતાનું પાંચ વર્ષ પૂર્વેનું ગુપ્ત પિતૃત્વ ;ને બીજું, કંકુની આંગળીનું એક ટેરવું.

કમાડના હૈયામાંથી એક તીણી ચીસ સંભળાઈ. મોટા મહારાજને ખુદને જ ખડકી પર એક ઓરત સાથે જિકર કરતા જાણીને શિષ્યો ધસી આવ્યા હતા. એમની હાજરીથી ભાન ગુમાવીને દ્વાર ભીંસવામાં એમણે જરા વધુ પડતું જોર નિચોવ્યું. બહારથી શબ્દો સંભળાયાઃ "ઠાકર તારાં લેખાં લેશે, બાપ?"

સહુ મહારાજને પૂછવા લાગ્યાઃ"શું થયું? આટલું બધું એ કોણ બકી ગઈ આપની સામે?

"કશું જ નહિ... કહે કે, તમારા મંદિરના ’હિંડોળ’ માટે ફાળો થયો’તો તેમાં મેં મારા ચૂડલાની ચીપો ઉતારી આપી’તી માટે મને ખાવાનું અપાવો, ને મને રોગ છે તેનાં ઓસડિયાં તમારા વૈદ કને કરાવી દ્યો - નીકર હું તમને ફજેત કરીશ... એવું અજ્જ્ઞાનભર્યું બકતી’તી." ફિક્કો ચહેરો હસ્યો.

"અરેરે!" શિષ્યો બોલ્યાઃ"ક્યાંક કાળી ટીલી લગાડત ને એ રાંડ!"

"હશે! એવું ના બોલો. લોકો તો બાપડાં અજ્જ્ઞાની છે."

હિંદુ લોકો જ્યારે લોહીમાંસ ભાળે છે ત્યારે તેમનાં હૈયાં ફફડી ઊંઠે છે. એટલે જ બાવા-ફકીર સૂયા-ચાકુ વડે શરીર પર કાપા કરી દુકાને દુકાનેથી પૈસા મેળવે છે, ધોરાજી તરફના મેમણો રેલગાડીના ડબામાં માંસની વાનીઓ ખુલ્લી કરીને આખાં ખાનાં મેળવે છે; અને દરેક લોહિયાળા ત્રાગાની અસર શ્રાવક દુકાનદારો ઉપર સચોટ થાય છે. આમાં દયા નથી હોતી - ચીતરી ચડતી હોય છે.

પદમાની વહુની આંગળીએથી લોહી વહેવા લાગ્યું એટલે માણસો પાછાં ટોળે વળ્યાં મદારી માકડાં રમાડે, મકાનને આગ લાગે અથવા તો રાષ્ટ્રીય સરઘસ નીકળે એવા હરકોઈ પ્રસંગે લોકોને તમાશો જોવાનું મળે છે. સહુને આ તો જુલમની વાત લાગી. લોકોનું એક મોટું ટોળું, જે હમેશાં તમાશા ઊંભા કરવામાં તત્પર ખડું હોય છે, તેણે પહેલું કેટલુંક કિકિયારણ મચાવ્યું; ને પછી પદમાની વહુને સરઘસના રૂપમાં ઈસ્પિતાલે ઉપાડી. મોખરે પદમાની વહુની લોહી નીતરતી આંગળી, આંગળીની પાછળ કંકુ પોતે, તેની પાછળ રોતી આંધળી છોકરી, તેની પાછળ માણસોનું ટોળુંઃ સરઘસ બજાર સોંસરૂં નીકળ્યું.

દુકાને દુકાને વાત ચાલી. જુવાનિયાઓએ આ ’ખૂંટડા જેવા’સાધુઓના ઉપાડા સામે બળાપા કાઢ્‌યા. મોટેરાઓએ જુવાનોને ધરમની બાબતમાં ક્યાંય ભેખડે ન ભરાવાનો ડાહ્યો બોધ દીધો.

કંકુની આંગળી સારી પેઠે ચેપાઈને છૂંદો થઈ હતી. જોરાવર મનુષ્યોનું જોર તરેહતરેહનું હોય છેઃ કોઈ સાવઝ મારે છે, કોઈ એક હજાર દંડ પીલે છે,તો કોઈ ગાડાંની ઊંંધ ઝાલીને ગાડું ઉથલાવી નાખે છે. મહારાજશ્રીનું જોર મંદિરની ખડકીનાં કમાડ ભીડવામાં પ્રગટ થયું હતું. એક વાર જે કૌવતે પદમાની વહુના ભારવદાર સુડોળ યૌવનને ભીંસવામાં પ્રેમાંધતા બતાવેલી, તે જ કૌવતે અત્યારે એટલા જ અંધ ધિક્કારથી એક વારની ચૂમેલી આંગળીઓ ચગદી.

દાક્તરે આંગળી પર ’ડરેસિંગ’ કરતાં કરતાં ચકોર દ્રષ્ટિએ કંકુના દેહ પર છવાયેલ વિષ રોગને નિહાળ્યોઃ સાથે આંધળું બાળક દીઠુંઃ મુખી મહારાજશ્રીનો દેહ પણ એણે એકવાર તપાસેલો. ત્રણેય જણાંના રોગમાં કશુંક સામ્ય પારખ્યું. ડરેસિંગ થઈ રહ્યા પછી એમણે કંકુને પૂછ્‌યુંઃ "તારે બીજું કશું કહેવું છે, બાઈ? શરીરની બીજી કોઈ માંદગીની દવા..."

"ના, દાદા! એ માંદગીનાં લેખાં તો ઠાકર લેશે - તમે નહિ."

દાક્તર કનેથી વાત ફોજદારને કાને ગઈ. એમને ધર્માલય ઉપર કેટલાંક કારણોસર દાઝ હતી. એમણેય પદમાની વહુને તેડાવી કહ્યુંઃ"કંકુ, તું જરા મક્કમ થા તો તને મોટી રકમ અપાવી દઈશ ઈ સાલા પાસેથી."

"ના, દાદા; એનાં લેખાં તો ઠાકર લેશે."

પથ્થરખાણ પર આખો દિ ચલમ પી પીને પથ્થરો કાપતો પદમો દિવસ અથમાવી ઘેર આવ્યો.જાતનો કણબી, એટલે ઝનૂન તો ચડયું નહિ; પણ રોટલા ઘડી દેનારા તેમ જ છાંણાં વીણી લાવનારા કંકુના હાથ એને વહાલા હતા. ચેપાયેલી આંગળીવાળો હાથ ઝાલીને આખી રાત એ ફૂંકતો ફૂંકતો વહુની પથારી પાસે બેસી રહ્યો. એને પણ એક મહાન ઈન્સાફ પર આસ્થા હતી કે "તું જાણ્‌ય ને ઠાકર જાણે, ભાઈ!"

વાણિયા-બ્રાહ્‌મણ વગેરે ઊંંચા વર્ણો શાંત જ રહ્યાં. સહુને લાગ્યું કે આ કણબાંફણબાં જેવી વસવાયાની જાતો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથીઃ ધરમમાં પણ એ બધાં રોટલાદાળની જ વાત પહેલે દરજ્જે લાવીને ઊંભી રાખે છેઃ ધરમ તો આ પાપી માનવજન્મરૂપી મહાસાગરને તરવાનું નાવ છે, એનું તો ભાન જ નથી આ લોકવરણનેઃ એટલે જ ઈશ્વરે ઊંંચનીચના ભેદ દોર્યા હશે ને ,ભાઈ! ઈશ્વર કાંઈ ગમાર નહિ હોય... વગેરે વગેરે ધર્મતત્ત્વનું મથન ચોરે-ચૌટે ને હાટે-બજારે ચાલતું હતું.

આમ, તુલસીના ક્યારાવાળા ફળિયામાં ગમે તેવી ગ્િાલા થઈ પણ નીચા લોકવર્ણોમાં તે રાતથી ધીરો ધીરો અગ્નિ ધૂંધવાવા લાગ્યો. પદમાની વહુને ઓથે ઓથે તો બીજી ઘણી વાતોની ચણભણ થતી ચાલી.

"આપણી બોનદીકરિયુંને જગ્યામાં અનાજ સોવા ઝાટકવા તેડે છેઃ અસૂરવાર ત્યાં શા સારૂં જવું?"

"ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીના તોરણ કરવા ને ઠામડાં ઘસવા, ફળમેવા સમારવા બોલાવે છે."

"સાધુઓની આંખ્યું ચકળવકળ થાય છે. છમકલાંય થાય છે."

"લાજનાં માર્યા કાંઈ કહેતાં નથી."

"ને આપણી પાસેથી આટલો બધો પૈસો ઉસરડી જઈને એનું કરે છે શું?"

"આપણા ઘરની ગાયું-ભેસ્યુંના કઢા ઉકાળીને આ સાધુડાને શીદ પાઈ દઈએ છીએ? આપણાં છોરૂ તો ટળવળે છે પાવળું દૂધ વન્યાં."

"ઠાકર તો સંધાય દેરામાં સરખો બિરાજે છે; ફાવે ત્યાં દરશન કરી આવશું. પણ આ આંકેલ ખૂંટડાઓનો વાડો તો હવે નભાવવો નથી."

સંપ્રદાયના વહીવટકર્તાઓને બીક પેઠી કે આપણા કિલ્લાની અંદર આ તો નાનું એવું પણ ગાબડું પડયું; અશ્રધ્ધાનાં પૂર બહાર છોળો મારી રહેલ છે; નાનું બાકોરૂં ભેદાઈને મોટી દિવાલ તૂટી પડશે જતે દહાડે. મહારાજશ્રીને ઉપલી ધર્મસત્તા તરફથી આજ્જ્ઞા આવી કે "ચાલ્યા આવો!"

પાંચેક વર્ષ પછી એ જ સાધુ સમગ્ર પંથના ગાદીપતિ બન્યા. એક દિવસ ગામમાં વધાઈ આવી કે ગાદીપતિ પધારે છે - સાથે ચાર લખપતિ શેઠિયા પણ છે - મોટી ત્રીજનો મહોત્સવ કરવા સારૂ. ગામ્લોકોએ રાજ્યની સાથે ખાસ મસલત કરીને હાર-તોરણે શણગારેલી એક મોટર સામે મોકલેલી, પણ બે ગાઉ ઉપર સ્ટેશનેથી ઊંતરી જઈને ગુરૂ મહારાજ અડવાણે પગે ચાલતા ગામમાં આવ્યા.લોકોએ મહારાજનું મુખડું નિહાળીને વાતો કરીઃ "ઓહોહોહો! કેવું રૂડું દર્શન! જાણે સાક્ષાત કૃષ્ણાવતાર!"

પેલા લખપતિઓ ચામર ઢોળતા હતા. ગુરૂની ચાખડીઓ મસ્તકે ઊંપાડીને સામૈયામાં સાથે ચાલતા હતા.

લોકો તો છક જ થઈ ગયાં - આભાં જ બની ગયાં.

ભાણો કહેઃ"પશવા,ગાદીપતિનાં તેજ જોયાં? મોઢડે કૃષ્ણ મા’રાજની કાંતિ ઝગે છે ને!"

પશવો ભાણાને કહેઃ"ગાદીપતિ નક્કી કોઈક સમરથ પુરૂષ! એના હેઠલા તાબેદારો જ નિરદય લાગે છે."

ભીમો કહેઃ"સમરથ વન્યાં કાંઈ અમથા આ લખપતિયું ઊંઠીને ચામર ઢોળતા હશે!"

પછી તો ભીમો , ભાણો, ઠાકરો વગેરે તમામ કેડ બાંધીને, કાંસિયાં લઈ કૂદી પડયા; સામૈયામાં ગીતોના ધ્વનિ ગાજી ઊંઠ્‌યા કે-

મારો વા’લો આવ્યાની વધામણી રે -

ઃઃઆજની ઘડી રળિયામણી!

પશવા, ભીમા,ભાણા વગેરેની વહુઓ પણ ત્રણ-ત્રણ છોકરાંને રઝળતાં મૂકીને બાઈઓનાં ઘેરામાં સાદ પુરાવવા લાગીઃ

શેરી વળાવીને સજ કરૂંઃઘેર આવો ને!

આંગણિયે વેરૂં ફૂલઃ વાલમ ઘેર આવો ને!

મહારજશ્રીએ કૃપા કરીને સુથાર, લુહાર,કણબી,સથવારા વગેરે વસવાયાં ભાવિકોને ઘેર માત્ર રૂપિયો સવા અને અક્કેક શ્રીફળ સ્વીકારીને જ પધરામણી કરી. આખું અઠવાડિયું ધર્મના ઉદ્યોત વડે ઝળાંહળાં થઈ રહ્યું. રોજ સાંજે જમણ અપાયાં. ફરતાં પચીસ ગામોના ભાવિકો ઊંમટી આવ્યા. દેખાદેખીના નિયમ પ્રમાણે અન્ય પંથોએ પણ પોતાના પંથનો સવાયો તેજેપુંજ પથરાય તે રીતના ઉત્સવો આદર્યા. ગામ ધર્મમય બની ગયું.પચાસ ગરીબોને ઘેર મહારાજશ્રીએ અક્કેક મણ દાણા નખાવ્યા. પોતાની પાંભરીના ટુકડા ફાડી ફાડીને મહારાજશીએ ગરીબોનાં બચ્ચાંઓને ગળે બંધાવ્યા. મહારાજશ્રીના માણસોએ વાત ચલાવી કે,"આ પાંભરીનો એક ટુકડો ગુરૂજીએ અગાઉ પોતાને પાંચ હજાર રૂપિયા ભેટ ધરનાર કિસનલાલ ક્રોડપતિને બક્ષ્યો હતો - બાકી કોઈને નથી આપ્યો. કેટલા કેટલા ધનિકો તેમજ પંડિતો એ પાંભરીનો સ્પર્શ લેવા સારૂ પણ વ્યર્થ ઝૂર્યા હતા! પણ મહારાજને તો ગરીબ ભાવિકો બહુ વહાલા છે."

ગરીબોએ ખેતીના બળદો વેચી વેચી અને સ્ત્રીઓએ ચુડલીની છેલ્લી ચીપો ઉતારી ઉતારીને મહારાજશ્રીને ચરણે ભેટ ધરી દીધી.

તે દિવસ ફરીવાર એ ધર્માલયની દીવાલો ભાતભાતની જીવનચર્યા વડે ગુંજી ઊંઠી. કોઈ શિષ્ય ચર્ચા કરતાં કરતાં ડોસ્ચોવોચાસ્કી નામના રશિયન તત્વવેત્તાનાં અવતરણો ટાંકી રહ્યો છેઃ કોઈ વળી વૈકુંઠમાં એકલાં ઘોડાં છે કે ગધેડાં પણ છે તે પ્રશ્ન પર દલીલો ચલાવે છે. સાધુથી કપડું સવાત્રણ હાથનું પહેરાય કે સવાત્રણ હાથ ઉપર એક આની વધુ લેવાય, તેની મીમાંસાનો તલસ્પર્શ ચાલી રહ્યો છે. અને દસ જ દિવસ ઉપર પેલો સુમેરૂ નામનો યુવાન શિષ્ય મુસાફરીમાં ગળાફાંસો ખાઈને મરી ગયો હતો તેની ગતિ કેવી થઈ હશે તેની ચર્ચા જામી પડી છે. કોઈ સાધુ કહે કે સાધુ અવસ્થામાં ’મા!મા!’ને ’બ્હેન!બ્હેન!’ ઝંખતો હતો માટે બકરીને પેટ ગયો હશે; તો કોઈ બીજાની દલીલ પ્રમાણે સુમેરૂને શ્રી આચાર્યે છાણ ખાવાની સજા કરી હોવાથી એ છાણનો જીવ બન્યો હશે. કોઈના મત મુજબ સુમેરૂનું ગાંડપણ બનાવટી હોવાથી એને પાંચ હજાર વર્ષ જળચર બનીને રહેવું પડશે...વગેરે વગેરે વાતો પરના બુધ્ધિ-ચમકારા જોઈ શિષ્ય-મંડલની તારીફ કરતા કરતા એ જ વૃધ્ધ વૈદરાજ ઓસડિયાંની પડીકીઓ વાળી પ્રત્યેકની ચિકિત્સા કરતા હતા.

મોડી રાત સુધી ધર્મનું પ્રવચન સંભળાવીને લોકમેદનીને વિસર્જન કરી દીધા પછી મહારાજશ્રી ઓરડામાં ગયા ત્યારે આખા દિવસના દ્રવ્યોપાર્જનનો હિસાબ ચાલતો હતો. રૂપિયા, પૈસા અને સોનાની નોખી નોખી ઢગલીઓ થઈ ગઈ હતી. ક્યાં ક્યાંથી શું શું નાણું ભેટ ધરાયું તેની નોંધ સાથે મહારજશ્રી આ સિલક મેળવતા હતા. પરંતુ રૂપિયાના ખખણાટ વચ્ચે વચ્ચે અટકી જતા ત્યારે ધર્માલયની ખડકીનાં ઢીલાં કમાડ પવનને ધક્કે ધક્કે કડડ કડડ અવાજ કરતાં હતાં. આ અવાજ મહારાજશ્રીને કોણ જાણે શા કારણે ચીડવતો હતો. એ પૂછતા કે "આ શું કોઈ કૂતરો હાડકું કરડી રહ્યો છે?"

"ના જી, એ તો ખડકીનાં કમાડ અવાજ કરે છે;" બારીમાંથી અનુચરે ખડકીનાં દ્વારની હિલચાલ બતાવી.

ચંદ્રમાના પ્રકાશમાં મેડી પરથી ખડકી પર નજર ફેંકતાં મહારાજશ્રીને ભ્રાંતિ થવા લાગી કે કમાડની બેવડમાં જાણે કેટલીય કુમળી આંગળીઓ કોઈ ટોળું બહારથી સેરવી રહ્યું છે. મહારાજ બોલ્યાઃ "હજી શા સારૂ લોકો ખડકીએ ઊંભાં છે? અત્યારે અમે દર્શન નહિ દઈએ."

"ઠાકર લેખાં લેશે!" કોઈ ઝાડના એકલ ઠૂંઠાં પર બેઠેલું ઘૂવડ બોલતું હોય એવો અવાજ આવ્યો.

"આ કોણ છે વળી?" મહારાજે પૂછતાં પૂછતાં કંઠે કંઈક ઘૂંટડો ઉતારવા યત્ન કર્યો. મંદિરના અનુચરે ઉત્તર આપ્યોઃ

"જી મહારાજ, એ તો એક આંધળી છોકરી છે. રોજ રાતે મંદિરને ઓટે બેસી લવ્યા કરે છે કે - ઠાકર લેખાં લેશે."

"કોની છોકરી?" મહારાજ ગરદન પરથી પસીનો લૂછતા હતા.

"પાંચેક વરસ પહેલાં આંહીં એક પદમો કણબી રે’તો’તો, એની આંધળી છોડી છે. એની માને ડિલે કંઈક રોગ ફૂટી નીકળ્યો’તો. લોકોએ પદમાને ભંભેર્યો કે વહુ ગેરચાલ્યની છે. કોઈકે વળી પદમા પાસે આપણા મંદિરના સાધુઓનાંય નામ લીધાં. પદમો હતો જરા વધુ પડતો વહેમી તે ગળાટૂંપો ખાઈને મૂવો. વહુ વિસ્ફોટકમાં સડીને મૂઈઃ ખાટલે પડી પડી લવ્યા કરતી કે ’ઠાકર લેખાં લેશે’. તે દીના આ આંધળી છોકરીનેય હેવા પડી ગયા છે બોલવાના કે ’ઠાકર લેખાં લેશે’."

"પણ એમાં નવું શું કહી નાખ્યું એણે?" મહારાજશ્રી કડકડતી ટાઢમાં ઠંડે પાણીએ નહાતાં નહાતાં બોલતા હોય એવો એમનો અવાજ ધ્રૂજ્યો.

સહુ સૂતા પછી મહારાજ અનિચ્છાએ પણ ખડકી તરફ ખેંચાયા. ખડકીની દોઢ્‌યની આરપાર પેલી આંધળી છોકરીને બેઠેલી દીઠી. કોઈ અમંગલ ભેરવ પક્ષીના જેવા અવાજ કરતી છોકરી કેવળ આદતને જ વશ બની જઈને બોલ્યે જતી હતી કે -

"ઠાકર લેખાં લેશે...ઠાકર લેખાં લેશે."

દેહમાં સહેજ થરથરાટી અનુભવીને મહારાજે ખડકીનાં દ્વાર સજ્જડ બંધ કર્યાં. પાછા વળે ત્યાં જાણે કોઈક તેમના ધોતિયાનો છેડો ઝાલી ખેંચી રહ્યું છે એવું લાગ્યું. એના ધ્રૂજારીભર્યાં શરીરમાંથી એક ઝીણી હાય નીકળી પડી. પણ વળતી પળે જ પોતે હસી પડયાઃ પોતાનું ધોતિયું પેલાં ખડકીનાં કમાડોની દોઢ્‌યમાં લગાર દબાઈ ગયું હતું - બીજું કશુંય નહોતું!

’મનની શી નબળાઈ!" મહારાજશ્રીની ચાખડીઓના તાલબધ્ધ ઠમકારાથી રાત્રીની એકાંતને વિદારતા પાછા વળ્યાઃ ’સુમેરૂના ગળાફાંસાનો આખો પ્રસંગ હસીને જ પતાવી દેનારો હું આજ કેવો પામર બની ગયો! હા...હા... હા... હા! ઠાકર લેખાં લેશેઃ કેવી ભ્રમણા છે મનુષ્યોની!’

આટલું થયું ત્યાં તો શયનખંડમાં પોતે આવીને ઘસઘસાટ સૂતા. પ્રભાત થયું ત્યારે એમને પોતાની આગલી રાતની હૃદય-દુર્બલતા રજેરજ સાંભરી આવી - ને પોતે અત્યંત શરમિંદા બન્યા. ’ઠાકર લેખાં લેશે’ એ વાકય પર તો ફરી ફરીને એટલું હસ્યા કે ઓરડો જાણે એ હાસ્ય-ધ્વનિના ભારથી ભાંગી પડશે!

લગભગ પાંચેક હજાર રૂપિયાની ધર્મભેટ લઈને મહારાજશ્રી પાછા ગાદીની જગ્યાએ ગયા ત્યારે ભાણાને ને પશવા વગેરેને ભેળા લેતા ગયા.

વીજળીની રોશની આજુ-બાજુના પાંચ ગાઉના ઘેરાવામાં ચાંદનીનું લેપન કર્યા કરતી. નીરખી નીરખીને ગામેગામનાં લોકો હાથ જોડી દર્શન કરતાં હતાંઃ "વાહ મારો વાલોજી, વાહ! શી કરામત છે ગાદીપતિની!"

મંદિરમાં ગ્રામોફોન અને રેડિયો નવાં વસાવવામાં આવેલઃ પશવાએ ને ભાણાએ આ બધી ગુરૂજીની જ વિદ્યા માની.

જગ્યામાં સવાર-સાંજ નૃત્ય કરવા એક વારાંગના વસાવી હતીઃ પશવા-ભાણાને થયું કે વૃંદાવન આંહીં જ વસ્યું છે ને શું!

મોડી રાતે પશવો-ભાણો સૂઈ ગયા ત્યારે -

મહારાજની મેડી ઉપર ચાર લક્ષપતિઓની જોડે મહારાજશ્રી પેલા પાંચ હજારની વહેંચણી કરતા હતા.

ને મધરાત્રીએ એકલા પડેલા મહારાજ હસતા હતાઃ "હા...હા...હા...ઠાકર લેખાં લેશે!!!"

(પૂર્ણ)

ડાબો હાથ

જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું, ચા તથા પાનપટ્ટીને સારૂ ગાડીને પાંચ-દસ મિનિટ મોડી ઉપાડવાનું... વગેરે અસલી જાતનું અભિમાન હતું.

બ્રાંચ લાઈનમાં જતી ટ્રેઈન એક્વાર તો ઉપડી ચૂકી હતી. પરંતુ એકાએક પછવાડે ’હો! હો!’ એવા હોકારા મચ્યા.

સ્ટેશન-માસ્તરે કોઈ મહાસંકટની નિશાનીરૂપે, યજ્જ્ઞવેદી પર ઊંભેલા કો ઋત્વિકની માફક,બેઉ હાથ ઉંચા કર્યા, અને ’હો! હો!’ પુકાર્યું તે વેદ સ્વર જેવું સંભળાયું.

"લાલ બતાવ...લાલ બતાવ..." એવી એક પછી એક સાંધાવાળાની બૂમ સંધાઈ ગઈ.

કોઈ હિંસ્ર જાનવરની રાતી આંખો જેવી ઝંડીઓ નિહાળી પેટમાં ફાળ ખાતું એન્જિન જાણે ભયાનક રોષ ફૂંકીને ઊંભું રહ્યું.

ગાર્ડનું ખાવાનું ભાતોડિયું જ નહોતું આવ્યું અથવા એવો કંઈ અગત્યનો ગોટાળો મચી ગયેલો.

ગાડી પાછી આવતાં સેકન્ડ ક્લાસનો એક અરધિયો ડબ્બો જે સ્થળે થંભ્યો તે સ્થળે ’રીઅર સાઈડ’માં (પછવાડેની બાજૂએ) એક પુરૂષ ઊંભો હતો; તેના મોં પર ગર્વ ભર્યો આનંદ છવાયો ને એ બોલી ઉઠ્‌યોઃ"લ્યો નીચે આવો, નીચે આવો; અંતઃકરણની બ્રેક લાગી છે ત્યાં સુધી ક્યાં જવાનાં હતાં તમે!"

એક યુવાન અને એક યુવતી ડબામાંથી ડબાની નાની પરશાળમાં બહાર આવ્યાં કે તરત નીચે ઊંભેલા પુરૂષે કહ્યુઃ"ચંદુભાઈ, આપ પાછા પ્લેટફોર્મ પર પધારો. અમે બેઉ અમારી વાત પૂરી કરી લઈએ."

"સુખેથી, સુખેથી;" કહી યુવાન આગલી બાજુ ઊંતરી ટહેલવા લાગ્યો, ને તેની પત્ની પાછલી બાજુએ ’ભાઈ’ની પાસે જઈ ઉભી.’ભાઈ’ શબ્દનાં સંબોધનમાં એ પતિપત્નીનો આ મિત્ર પરનો પરમ ભાવ અને પૂર્ણ વિશ્વાસ ઘોષણા કરી ઊંઠતો.

એક બાજુથી, કેટલી મિનિટોનો વિલંબ નોંધવો તે વિષે ગાર્ડ અને સ્ટેશન-માસ્તર વચ્ચે તકરાર લાગી પડીઃ બીજી બાજુ,ગાર્ડે પોતાનું ટિફિન મોડું કરનાર ઘરનાં માણસો પ્રત્યે "સાલાં બઈરાંની જાત નોકરી ખોવરાવશે ત્યારે મોંકાણ મંડાશે.." વગેરે બરાડા સ્ટેશન લાઈન્સની દિશામાં ફૂંક્યા કર્યાઃ ત્રીજી બાજુ, એકાદ-બે કપ પણ ખપશે એમ સમજી "બા..આ..આ..મણિયા ચા’ની ફેરી પાછી ચાલુ થઈ ગઈ.

પછી આખરે ગાર્ડે શિયાળુ સાંજની વળેલી ઠંડી સામે સંગ્રામ રમવા ગળા ફરતી શાલ વીંટાળીને સિસોટી ફૂંકી, ત્યારે ફરીવાર પાછાં ડબામાં ચડવા જતાં પતિ-પત્નીએ મસલત કરી.

પત્નીએ કહ્યુંઃ" ભાઈ ક્રોસિંગ સુધી આપણી જોડે ન આવી શકે?"

"હેં ભાઈ!" પતિએ વિનવણી કરીઃ"સુભદ્રાનું બહુ જ મન છેઃ મારે ખાતર નહિ પણ એને ખાતર ચાલો ને!"

"ખરેખર! હું આવું!" ભાઈએ ચોગમ જોયું.

પતિએ કહ્યું,"હવે આટલાં વર્ષે તો થોડા કલાકનો મારાં ભાભી જોડેનો વિયોગ કશું જ હતું - ન હતું નહીં કરી નાખેઃ ચાલો ને!"

"ચાલો ને!" સ્ત્રીની આંખોમાંથી કાકલૂદી નીતરી.

ને સ્ટેશન-માસ્તરોના તેમ જ ગાર્ડોના હમેશના એ ઓળખીતા પુરૂષે ગાર્ડને ઈશારત કરી ચાલતી ગાડીએ ચડી, સેકન્ડ ક્લાસના ડબામાં બેઠેલાં વર-વહુ ઉપર આભારની ભાવના છવરાવી દીધી.

પછી તો ક્રોસિંગ આવ્યું. ક્રોસિંગ ગયું. છેલ્લું સ્ટેશન આવ્યું. ત્યાં દિવસની છેલ્લી જે ગાડી ’ભાઈ’ના ગામ ભણી જતી હતી તેને પણ જવા દીધી. ને ’સવારની ટ્રેનમાં પાછા જવા દઈશું’ એવું વચન આપી વરવહુએ ’ભાઈ’ને ગામમાં જોડે લીધા.

આ ત્રણેય જણાંને જોતાં જ સ્ટેશન પર ઊંભેલાં ગામલોકોમાં વાત ચાલીઃ

"ખરો ભાઈબંધ! આનું નામ ભાઈબંધ!"

"ખરેખર, હો! પોતાના દોસ્તદારનું જોગીવ્રત ભંગાવીને પરણાવ્યે રહ્યો."

"બીજા મથી મથીને મરી ગયા, ડોસોને ડોસી ખોબલે આંસુડાં ખેરતાં ખેરતાં મસાણે જવા બેઠાં, તોય જે ન માન્યો તેને આ એક ભાઈબંધે પલાળ્યો."

"ને વિવામાં શું? - આ મે’રબાનને કાંઈ થોડી ગતાગમ હતી! સગપણ, સમૂરતું, સાકરચુંદડી, લગનની તમામ તૈયારી - વાહન, ગાડીઘોડાં, વાજાંગાજાં, સાજન-મંડળને તેડાં...અરે, કન્યા સારૂ કંકુની શીશીઓ ને અરીસોય એ માઈનો પૂત ભેળું કર્યે રિયો."

"ને કકડાવીને ભુટકાડી દીધાં બેઈને!" બોખલા ડોસાએ એટલું બોલીને હસાહસ કરી મૂકી.

"છાતીવાળો! ગજબ છાતીવાળો! ને જમાનાનો ખાધેલ!" ગામના ઘાંચીએ પણ રસ્તે ચાલતાં પુરવણી કરી.

"ને શું -" ત્રીજાએ સહુને રસ્તા પર ઊંભા રાખી સોગંદ ખાધાઃ"અવલથી આખર સુધીનું કુલઝપટ ખરચ પણ આ લગનમાં એણે જ ચૂકવ્યું."

"ભાઈબંધી તે અજબ વાત છે, ભાઈ! જૂનીઉં વાતું કાંઈ વગર મફતની જોડણી હશે."

ગામ ભણી વળતાં આ વાર્તારસીક મોજીલાં પેસેંજરોને પાછળ છોડતી પેલાં ત્રણેય જણાંની ટેક્સી દૂર દૂરથી પોતાની પછવાડેનું ત્રીજું રક્ત-લોચન ફાડતી દોડતી જતી હતી.

ટેક્સીમાં પણ પહેલી બેઠક ’ભાઈ’ની, વચલી પત્નીની ને છેલ્લે પોતાની રાખીને પતિએ ’ભાઈ’ તથા પત્ની વચ્ચેનો અધૂરો વાર્તાલાપ પૂરો કરવાની સગવડ આપી હતી.

ઘેર જતાં જ ડોસા-ડોસીને ચંદુએ સાદ દીધોઃ મા! બાપુજી! ઉઘાડો ઝટ! ભાઈ ભેળા આવ્યા છે."

"કોણ છે?"

"અરે, આપણો ચંદુને વહુ આવ્યાં! ભાઈ પણ ભેગા છે.ઝટ ઉઘાડો.ઉઘાડો."

ડોસો બીડીનું ખોખું ઝેગવતા હતા તે છોડીને ધોતિયાનો છેડો ખોસતા દરવાજે દોડયા ગયા.

ડોસી ચૂલે રસોઈ કરતાં હતાં, તેમના હાથમાં લોટનો પિંડો રહી ગયો.

’ભાઈ’ના પ્રવેશમાત્રથી આ ગરીબ ઘરમાં ઝળહળાટ વ્યાપી ગયો. હૃદયમાંથી સીધાં સરી આવતાં હાસ્યો અને મર્મો વડે એણે ઘરની દિવાલોને લીંપી દીધી.

આજુબાજુ રહેતાં કુટુંબીઓ પણ ધીરે ધીરે એકઠાં થઈ ગયાં, ને ’ભાઈ’ને તે રાત્રીએ નિરાંતથી એ બધાંએ ચંદુનું ઘર બાંધી આપવા બદલ શાબાશી દીધી.

"અરે, ભાઈ!" સહુએ કહ્યુંઃ"ખાનદાન કુટુંબને માથેથી ગાળ ઉતારી."

"હા; નીકર, બે પગે હાલતું એકોએક માણસ ટોણો મારતું’તું કે, દાળમાં કશુંક કાળું હશે ત્યારે જ પચીસ વરસનો જુવાન ઠેકાણે નહિ પડતો હોય ના!"

આ બધા ધન્યવાદનો ખરો ઉત્તર ચંદુના મિત્રનાં મોમાંથી નીકળતો જ નહોતો. બડો ધૈર્યવાન હોવા છતાં એ કંટાળી ગયો, ને આ કુટુંબ-મેળો જલદી વિખરાઈ જાય તેવું કરવા બગાસાંપર બગાસાં ખાવા લાગ્યો.

મોડી રાત સુધી ચંદુને એણે પોતાની કને બેસાડી રાખ્યો. તે બધો સમય ચંદુની પત્ની સુભદ્રા બાજુના ઓરડામાં પહારીમાં પડી પડી અનુભવી રહી હતી કે જાણે પોતાના અંતઃકરણ ઉપર ’ભાઈ’ની મહાકાય છાયાનું ઓઢણ થઈ ગયું છેઃ પોતાના વેવિશાળથી માંડી આ લગ્ન થઈ ગયા પછીની પાંચમી રાત્રિ સુધી પણ એ માણસનું વ્યક્તિત્વ ભરપૂર ગુંજારવ કરી રહ્યુ છેઃ પોતે માયરે બેઠેલી ત્યારે પણ મુક્ત હાસ્ય તો આ મનુષ્યનું જ લહેરાતું હતુંઃ પોતાનો પતિ ચંદુ તો જાણે ’ભાઈ’નો જીવાડયો જ જીવી રહ્યો હતોઃ ’ભાઈ’ કહે તેટલું જ કરવામાં ચંદુને સુખ હતું.

વિચારતાં વિચારતાં સુભદ્રાની દ્રષ્ટિમાંથી ચંદુ તો છેક ઓગળી અદ્રશ્ય બની ગયો. ચંદુ રાત્રિના નાના-શા ચાંદરડા જેવો જીવન-આકાશના ઊંંડાણમાં કેવળ તબકી રહ્યો.ઘોર અંધકારની માફક જીવનના અણુએ અણુમાં વ્યાપી ગયો આ પતિનો મિત્ર ’ભાઈ’.

મોડી રાતે જ્યારે ચંદુ સુવા ઊંઠ્‌યો ત્યારે ’ભાઈ’ છેક એના ઓરડાના દ્વાર સુધી વળાવવા ગયા, ને પીઠ થાબડતાં કહ્યુંઃ"જોજે, હો; હું તો તને પવિત્ર રાત્રિ જ ઈચ્છું છું."

આ શબ્દો સુભદ્રા એ સાંભળ્યા. આજ પાંચમી રાત્રિ ઉપર પણ એણે પરાયા પુરૂષનું શાસન ચાલતું સાંભળ્યું.

ચંદુએ પત્ની ને પૂછ્‌યુંઃ "તમને અત્તર ગમશે કે અગરબત્તી!"

સુભદ્રા સમસમી રહી; પછી બોલી કે "તમને ગમે તે."

"અગરબત્તીની સુવાસ અત્તરના જેવી માદક નથી, પણ સાત્વિક છે. એ આપણા મનોભાવોને અકલંકિત રાખશે. ’ભાઈ’નો બહુ જ આગ્રહ છે કે આપણે શુધ્ધ જીવન જિવાય ત્યાંસુધી જીવીએ."

અગરબત્તીના ધુમાડા સુભદ્રાના કંઠ ફરતાં ગૂંચળાં રચી રચી બારીમાંથી બહાર નીકળવા લાગ્યા ને ચાંદનીના હૈયા પર રેખાઓ દોરતા દેખાયા.

"રાત્રિ પવિત્ર ભાવે પસાર કરી શકાય,"ચંદુએ કહ્યુંઃ"તે માટે આપણે કશુંક વાંચીશું? શું વાંચીશું? હા હા; ’ભાઈ’ના તારા પરના પત્રો."

વેવિશાળના દિવસથી માંડી આજ સુધીના થોકબંધ કાગળો સુભદ્રાએ પોતાની પેટીમાંથી કાઢ્‌યા. એ તમામમાં પતિના આ અદ્‌ ભુત મિત્રની મોતી સમી અક્ષરાવળ હતી. એવો લેખન-મરોડ સુભદ્રાએ અગાઉ કદી જોયો નહોતો.

એ પત્રોની લખાવટમાં કાવ્યો હતાંઃ"ચંદ્ર તારલાની રંગક્રીડા હતીઃ આકાશની નીલિમા હતીઃ સમુદ્ર હિલ્લોળ અને વાયુનાં લહેરિયાં હતાંઃ એ સર્વને આચ્છાદિત કરતું પ્રભુ,ધર્મ, પવિત્રતા ને જીવન-કર્તવ્યનું સાત્વિક તત્વ હતું.

એકાદ કલાકના સુધીના એ પત્ર-વાચને ચંદુને ખાતરી કરાવી કે પોતાના લગ્નજીવનને એક શિલ્પીની માફક ઘડનાર તોએ ’ભાઈ’નો હાથ છે.વાંચતાં વાંચતાં એની આંખો સજલ બની રહી.

રાત્રિમાં થોડા થોડા સમયને અંતરે બાજુના ઓરડામાંથી ’પ્રભુ!’ ’પ્રભુ!’, ’હે નાથ!’, ’હે હરિ!’ એવા ઉદગાર ઊંઠતા હતા.

ચંદુ એ સમજતો હતો કે ’ભાઈ’ના એ ભક્તિ-ઉદગાર પોતાના જ જીવન પર આશીર્વાદ રૂપે વરસી રહેલ છે.

સવારે ચંદુ જાગ્યો ત્યારે સુભદ્રા પથારીમાં નહોતી; ભોંય ઉપર એક લાકડાંની પાટલીનું બાલોશિયું બનાવી સૂતી હતી.એની રેશમી સાડી ધૂળમાં રગદોળાતી હતી.

પ્રભાતે ’ભાઈ’ને વળાવવા સ્ટેશન પર ચંદુએ સુભદ્રાને આગ્રહભેર સાથે લીધી. સાસુ-સસરાએ પણ રાજીખુશીથી સ્ટેશને જવા કહ્યુંઃ"’ભાઈ’ તો મોટા ધરમેશરી છે; ડાહ્યું માણસ છે. એનાં બે વેણ તમારે કાને પડશે તેમાં સહુની સારાવાટ છે, દીકરા!"

ગાડી ઉપડવાને વાર હતી. સ્ટેશન-માસ્તરના ધર્મગુરૂ આજે ઊંપડવાના હતા. પણ તેમને હજું નિત્યકર્મ પૂરૂં થઈ રહ્યું નહોતું. માસ્તરના નવા જન્મેલ પુત્રને ગુરૂજી કશીક વિધિ કરાવવામાં રોકાયા હતા, તે માટે પાંચ-દસ મિનિટ ગાડી મોડી ઊંપડવાની હતી.

"ઓ પાખંડ!" ચંદુના મિત્રે ઉદગાર કાઢ્‌યો, ને પછી કહ્યુંઃ"ચંદુ, તું અમને એકલાં પડવા દે; મારે સુભદ્રાબહેનને થોડી છેલ્લી ભલામણ કરવાની છે, તે કરી લઉં."

"સુખેથી, સુખેથી;"ચંદુ સ્ટેશન પર જ ટહેલવા લાગ્યો, ને સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગુરૂ-શિષ્યા જ રહ્યાં.

ટ્રેઈન ઊંપડી ગયા પછી ગામ તરફ વળતાં સુભદ્રાએ ચંદુને પૂછ્‌યુંઃ"ભાઈ આપણા દંપતી જીવનમાં આટલો બધો રસ શા માટે લે છે?"

"ભાઈ જગતને બતાવી આપવા માગે છે કે આદર્શ જોડલું કેવું બને."

સુભદ્રાનું સ્ત્રી-હૃદય પાપના દ્વાર પર પહોંચી ગયું હતું. છતાં તેનાથી છેલ્લો એક આંચકો અનુભવ્યા વગર ન રહેવાયું. એનાથી બોલાઈ ગયુંઃ "ભાઈ મારી જોડે આમ કેમ વર્તે છે? મને કંઈ સમજાતું નથી."

"કેમ, મારી નિન્દા કરી કે શું?"ચંદુએ ગમ્મત માંડી.

"ના, ગઈકાલે સાંજે અને અત્યારે એમણે તો મારો ડાબો હાથ ઝાલ્યો..."

ચંદુ ચમક્યો. એના મોં પર કરડી રેખાઓની ધનુષ્ય-કમાનો ખેંચાઈ.

"પછી?"

"પછી કહે કે ’જુઓ, સુભદ્રાબહેન,તમારો જમણો હાથ ચંદુનો ને ડાબો તો મારો જ,ખરૂં?’એટલું બોલીને મોંએથી બચકારા કરતાં કરતાં એમણે મારો હાથ બહુ જ દાબ્યો..."

ચંદુ જાણે ચંદ્રલોકમાંથી પટકાયો;એના કપાળમાં કોઈએ વજ્ર ફટકાર્યું.

"ને તું કશું ન બોલી?" એણે તપીને સુભદ્રાને કહ્યું.

"કેમ? હું શું બોલું? તમારી ને એની ભાઈબંધી કેટલી બધી ગાઢ છે! મારા પરના એના કાગળો તમે તો કેવા વખાણ્‌યા છે!"

ચંદુના હોઠ વિચારમાં દબાયાઃ એ કાગળો, મારા લગ્ન-જીવનમાં આટલો બધો રસ, આટલી કાળજી, આટલા ઊંભરા -તમામ શું સુભદ્રાના દેહમાં અરધો હિસ્સો પડાવવા માટે હતા?

ચંદુ ચુપ રહ્યો. પોતાની પત્નીને પોતે જ ગોટાળે ચડાવી દીધી હોવાનું એને ભાન થયું. ઘેર જઈને એણે મિત્રનો પત્રવ્યવહાર ભસ્મ કર્યો; ને એ ભસ્મ ’ભાઈ’પર એક ડાબલીમાં બીડી. ઉપર લખ્યું હતુંઃ

"ડાબો હાથ!"

(પૂર્ણ)

કલાધરી

"આજે ન જા તો?"

પુરૂષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઈ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊંતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઈ પણ કવિની કલમને એક ડઝન ઊંર્મિગીતો ઠાલવી નાખવાની પ્રેરણા આપી હોત.

"ભલે;" એવી ઊંંડી દુભામણથી ભરેલો, ટૂંકો જવાબ આપીને તનુમતી ચૂપ રહી.

પુરૂષોત્તમદાસના ચાલ્યા જવા પછી કેટલીક વેળા તનુમતી રસોડાની પાળ ઉપર બેઠી રહી. તાજાં સ્નાન પછી વીખરાતા મૂકેલા એના વાળની લટો એની પીઠ તથા છાતી પર આષાઢી મેહના દોરિયા જેવી છવાઈ રહી.

આંસુનાં બિન્દુઓ રસોડાની લાદી પર ટપકેલાં નિહાળી નિહાળીને છેવટે જયારે એણે ઊંંચે જોયું ત્યારે એણે મોં મલકાવીને મીઠો ચમકાટ દાખવ્યોઃ કોઈક ઊંભું હતું.

"ક્યારના આવ્યા છો?" તનુમતીએ પૂછ્‌યું.

"પાંચેક મિનિટ થઈ હશે." બારણામાં ઊંભેલા કુમારભાઈએ પોતાના સ્વરમાં બની શકે તેટલી મીઠાશ મૂકીઃ "તમે આટલાં બધાં તન્મય શામાં હતાં? કંઈ બન્યું છે?"

"બનવાનું શું નવું હતું? જીવશું ત્યાં સુધી બન્યા જ કરશે એ તો." કહેતાં કહેતાં આંસુની નવી વેલ નયનોમાં ઝલકી ઊંઠી. કુમારભાઈએ પણ નયનો સજળ કરીને કહ્યુંઃ "તનુમતીબહેન ! તમારા દુઃખમાંથી હું તો કલાની કારૂણ્‌યભરી મૂર્ત્િા નિપજાવીશ."

તનુમતી મોં ઉપર ઉષા અને સંધ્યાના રંગો રેલાયા. એનાં ગાલ-કપાળ અને નાક-હોઠની રેખાઓએ કેટલા કેટલા આકારો રચ્યા. પોતે પોતાના પતિને મન પામર હતી, તો બીજી બાજુ એક કલાકારને કલ્પનાઓ સ્ફુરાવે એવી એક મુખમુદ્રા પોતાને મળી હતી તે એના જીવનનું પરમ આશ્વાસન હતું.

કુમારભાઈ હજુ બેઠા હતા ત્યાં જ ચંદ્રશેખર અને જનાર્દન પણ આવી લાગ્યા.

કુમારે અને ચંદ્રશેખરે ’જય-જય’ કર્યા; પણ એ જય-બોલમાંથી સામસામી તલવારોનો અફળાટ -ધ્વનિ સંભળાયો.

ચંદ્રશેખર સંગીતપ્રેમી જુવાન હતો. આવીને તરત જ એણે કહ્યુંઃ "તનુબહેન, કેમ ગળું ખરડાય છે આજે? પાછાં રડયાં છો કે?"

"ના રે ના..." બોલતાં બોલતાં તનુમતીએ આંસુઓની બીજી ઝાલક છાંટી.

"આમ કંઠને વેડફી નાખશો તો હું મારૂં સ્વપ્ન શી રીતે પૂરૂં કરી શકીશ, તનુબહેન? તમને કઈ કદર જ નથી માણસનાં મનોરથની!"

"પણ હું તે હવે શું કરૂં, ભાઈ?" તનુમતીએ મીઠી અકળામણ બતાવી. આ ચિત્રકાર ને આ સંગીતભકત જુવાન બંને જુવાનોએ એના જીવનમાંથી એક સ્વપ્નમુર્ત્િા સર્જવાના કોડ સેવ્યા હતા, તે વાત તનુમતી જાણતી હતી. વની દ્રષ્ટિ બેઉ જણાની વચ્ચે દોર બાંધવા લાગી.

"કેમ, જનાર્દનભાઈ !" તનુમતીએ ત્રીજા જણને સંભાળ્યોઃ "તમે ક્યાંથી ભૂલા પડયા!"

"આ રસ્તે સદાય ભૂલો પડું એવું થાય છે!"

જનાર્દનનું આ બોલવું ચંદ્રશેખરને કે કુમારભાઈને રૂચ્યું નહિ તે જનાર્દને સ્પષ્ટ જોયું. ચન્દ્રશેકારે કટાક્ષ કર્યોઃ "આજકાલ કવિતાના તો ચકલેચૌટે રેલા ચાલે છે રેલા, હો તનુબહેન!"

"જ્યાંથી ચિત્રકારની પીંછી પ્રેરણા મેળવે છે, ને સંગીતપ્રેમીના મનોરથો સંતોષાય છે, ત્યાં મારા જેવા રંક નાટ્‌યકારને મારી આકાંક્ષાઓ મૂર્ત કરવાનું પાત્ર જડે, એમાં તમને શી નવાઈ લાગી ? “ કહીને જનાર્દન તનુમતી તરફ વળ્યો “ “તનુબહેન, મારા ‘ગુર્જરી’ નાટકમાં ગોવાલણનો પાઠ તમારા વિના હૂં કોઈને નથી સોંપવાનો, તે કરતાં તો બહેતર છે કે નાટક જ મારે બાળી નાખવું. “

“પણ શા માટે? મારા કરતાં કોઈ લાયક શું નથી મળતી ?”

“લાયક હો યા ના હો - પણ મેં તો તમને જ મારી કલ્પના સમક્ષ રાખીને મેના ગુર્જરીનું પાત્ર આલેખ્યું છે; તમારા જ કંઠેથી પડતાં હોય તેવા બોલ મેં ગૂંથ્યા છે. ઉપરાંત ગુર્જરીના વરની ભૂમિકા મેં મને અનુલક્ષીને આલેખી છે...”

કુમારભાઈ અને ચંદ્રશેખરના માથા પર જાણે વીજળી ત્રાટકી.

“અજબ નાટક !” કુમારભાઈથી ના સહેવાયું” ‘મેના ગુર્જરીનો વર શું મૂળ લોકકથામાં મોટા હોઠવાળો, ચીબાનાકવાળો ને ઠિંગુજી હતો !”

“જૂનો જમાનો એટલે કજોડું જ હશે ને !” ચંદ્રશેખરે ટાપસી પૂરી.

તનુમતીએ પણ ખૂબ દાંત કાઢીને કહી દીધું : “ તો તો, જનાર્દનભાઈ, મારો પાઠ જ હું ભૂલી જઈશ !”

“ના, એમ નથી;” જનાર્દને ખુલાસો કર્યો : “ મૂળ લોકકથાને મેં એવું રૂપ આપ્યું છે કે ગુર્જરીનો પતિ અનાકર્ષક હતો તે કારણે જ ગુર્જરીને બહારના બાદશાહી લાલિત્યની મોહિની લાગી હતી. પણ પાછળથી ગુર્જરીને એ પતિના દિલાવરીભર્યા ને ક્ષમાશીલ શૂરાતન પ્રત્યે ભક્તિ ઊંપજી, ને એના બાહ્ય મોહ મરી ગયા."

"ત્યારે એ હિસાબે તો આપણું કજોડું નહીં થાય!"

"નહીં જ; ઊંલટાનું ઔચિત્ય જળવાશે, ને જો આ બંને ભાઈઓને વાંધો ન હોય તો - "

બેઉની આંખો પ્રદીપ્ત બની.

"-તો હું તેઓની કનેથી આટલી સેવા માંગું; કુમારભાઈ નાટકને દહાડે તનુમતી બહેનના શોભાશણગારનું કામ ઉઠાવવનું કબુલ કરી લ્યે; ને ચંદ્રશેખરભાઈ મેના ગુર્જરીનાં ગીતોમાં તનુમતીબહેનનએ તૈયાર કરે."

એટલે કે આ રીતે એકસામટા ત્રણેય કલાકારોએ તનુમતીની ઈશ્વરી વિભૂતિઓમાંથી એક પરિપૂર્ણ સૌંદર્યનું સર્જન કરવાનો ધર્મ નક્કી કરી લીધો. કુમારભાઈનાં તથા શેખરનાં વાંકી છૂરી જેવાં બની ગયેલ નેણોએ કુમાશ ધારણ કરી લીધી.

પરંતુ સહુથી અગત્યનો મુદ્દો હંમેશા પાછળથી જ સૂઝે છે, એ સત્ય બિલાડીની ડોકે ટોકરો બાંધવાના ઉંદરોની પરિષદના પ્રશ્ન જેટલું પ્રાચીન છે; તનુમતીબહેનના પતિ પુરૂષોત્તમદાસભાઈ આ જાતનો પાઠ કરવાની પરવાનગી પોતાની સ્ત્રીને આપશે કે નહિ?

પુરૂષોત્તમદાસભાઈની પાસે હા પડાવવા જવાની હિંમત કોણે કરવી?

પુરૂષોત્તમદાસભાઈ તો કરિયાણાના વેપારી છેઃ એ તનુમતીબહેનની કલધરતાને ક્યાંથી સમજી શકશે?

શિષ્ટ અને સંસ્કારી સમાજમાં સન્માતિન થવું એ માંડવીમાં સબળતા હિંગ-ધાણાજીરાના કીડાને ક્યાંથી ગમશે?

પુરૂષોત્તમ નામ જ એટલું કલાહીન અને જુનવાણી હતું કે એના વારંવાર થતા ઉચ્ચારથી તનુમતીને અણગમતો ઊંપજતો. કુમાર, ચંદ્રશેખર અને જનાર્દનનાં નામ-કુસુમોની વચ્ચે પુરૂષોત્તમ નામ માટીના ઢેફા જેવું ભાસ્યું. હમણાં હમણાં તો તનુમતીને પતિના શરીર પર ઓચિંતાની મેદ ચઢેલી જણાયાથી, ને વાળ વધુ સફેદ બન્યા દીઠાથી, દુઃખ થયું હતું તે તો હતું જ; તે ઉપરાંત, પતિના કરિયાણા-જીવનમાં એક કલાધરીને પિંજરવાસી સારિકા બની રહેવું પડે છે તે ખ્યાલથી તનુમતીને અચાનક આઘાત થયો.

સંધ્યા ઊંતરતી હતી. નોકર ઝાડુ કાઢવા આવ્યો, તેને તનુમતીએ તે દહાડે ચાલ્યા જવાનું કહી દીધું. ચારેય જણાં આ પુરૂષોત્તમભાઈની પરવાનગી વિષેનો તોડ કાઢવા બેઠાં.

અનેક પ્રશ્નો છણાયા : કજોડે પડી ગયેલી કન્યાઓનો; સ્ત્રી-હ્ય્દયને ન ઓળખી શકનાર બૂડથલ પુરૂષોનો; ખુઈદ પોતાની પત્નીની જગપ્રસિદ્‌ધિ ઉપર પણ ખારે બળનાર પતિઓનો; સીધી દમદાટી દઈ સ્ત્રીને કબજે રાખનાર, તેમ જ ’આમ ન કરો તો ?’... ’તેમ ન કરો તો કેવું સારૂં’... ’મને તો આમ લાગે : પછી તમારી મરજી પ્રમાણે કરો...’ એવી એવી તરકીબો વડે બાયડી ઉપર શાસન ચલાવનાર ધણીઓનો; ખરાબ નામવાળા, ચડેલી ચરબીવાળા ને લબડવા લાગેલી ચહેરાની ચામડીવાલા ધણીઓનો એવા એવા ઘના પ્રશ્નો છેડાયા.

દરેક પ્રશ્નમાં તનુમતિએ પોતાના દુઃખી જીવનનું પતિબિમ્બ દીઠું.

ક્યાં એક બાજુ લલિતકલાના ક્ષેત્રોમાં નવી પગલીઓ પાડવાની કુદરતી શક્તિઓ અને ક્યાં આ કરિયાનાના કોથળા જોડે જકડાયેલું જીવન !

બલવો ! બળવો ! બળવો !!

તનુમતીના લમણાંમાં ’બળવો’ શબ્દના ધણ ઝીંકાયા. એ પ્રત્યેક પ્રહારમાંથી તિખારા ઝર્યા.

પતિઓને સામે બંડ કરીને પણ કલાના ક્ષેત્રમાં ઝંપલાવવાનું હવે કર્ત્યવ્ય છે - એવા આ આંદોલનો સળગાવીને પછી ત્રણેય કલાકારો વીખરાયા.

"આજે તો બહુ જ ભૂખ લાગી છે."

"પણ મને શી ખબર કે તમે વહેલા ભૂખ્યા થશો ? કહીને ગયા હોત તો મેં પાંચ વાગ્યામાં તૈયાર કરી રાખ્યું હોત."

તનુમતી હમણાં રડી પડશે એવી બીકે પતિ બીજા ઓરડામાં ચાલ્યો ગયો.

"માડી રે... કેટલો જલ્દી ગુસ્સો કરે છે!"

એટલું વાક્ય પતિએ સાંભળ્યું.

’બહુ ભૂખ લાગી છે’ એમ કહેવામાં રસોઈ તૈયાર ન થવાની ફરિયાદ નહોતી, પણ પત્નીનું મન પ્રસન્ન કરવાની ધારણા હતી.

તનુમતીને લાગ્યું કે આજે વહેલા આવવામાં નક્કી પતિનો શક્કિ આશય હશે.

જમાડતાં જમાડતાં તનુમતીએ વાત કાઢીઃ

"હેં, તમે મને ચિત્રને સંગીત શીખવા આપો છો તે તો ફક્ત તમારી પૂતળી શણગારવા માટે ને?"

"શા માટે ન શણગારૂં?" પતિને કલાની ભાષા આવડતી નહોતી, સમજાતી નહોતી.

"મારા એ હક છે તેમ તો નથી ને?"

"મને તો બીજી કંઈ ગમ નથી પડતી; પણ તું રીઝે તે મને ગમે છે."

"તે મારે આ નવી વાતનું શું કરવું?"

"કઈ વાતનું?"

"મેના ગુર્જરીના નાટકમાં ઊંતરવાનું..."

"વેપારી વર્ગમાં આપણી ટીકા થશે... હે-હેં-હેં-" પતિએ એટાલું કહેતાં કહેતાં ભાતમાંથી એક કાંકરી ચૂંટી. થાળીમાં કાંકરીનો ઘસારો થયો.

તનુમતીનાં નેત્રો ભીંજાયા : ’મેં એવું શું કાળું કામ કરી નાખ્યું છે? વેપારીઓ શા માટે મારી પાછળ લાગ્યા છે ? હું વેપારીને ત્યાં પરણવા કરતાં આપઘાત કરીને મરી કાં ન ગઈ?"

"ના, ના, હું એવું નથી કહેતો. ભલે ટીકા થાય. તમે તમારે જજો."

"તમે ક્યાં ઉમળકાથી કહો છો? માથેથી ફક્ત આફત ઉતારતા હો એવી રીતે બોલો છો"

પોતાનો સ્વર પલટાવવો એ પુરૂષોત્તમ શેઠને માટે કઠિન હતું. વ્યાપારી દુનિયામાં ઊંથલપાથલે એના ચહેરા પર એક જ રંગ ચડાવી દીધો હતો ને એના કંઠમાં એકધારો સૂર ઘૂંટી દીધો હતો. હર્ષ-શોકની ઊંર્મિઓ અને મુખે કે કંઠે કળાતી નહોતી. ઘરાકો જોડે સમતાને તથા મીઠપથી કામ લેવાની શરૂઆતની બનાવટની પ્રથાએ હવે એ સમતાને તથા મીઠપને એનાં લોહીમાંસની અંદર વણી નાખી હતી. એટલે એણે તો ફરીથી પણ એ-ના-એ નીરસ અવાજે ઉચ્ચાર્યું; "કહ્ય્ેકહ્ય્, તમને જેમ ગમે તેમ કરો."

તનુમતીને પોતાનો પરાજય થતો લાગ્યો. પતિ વાંધો લઈ ઊંઠશે, રોષ કરશે, શંકાઓના પ્રહારો મારશે, ને તેની સામે હું બળવો કરીશ એવી ગણતરી કામ ન લાગી.

’તમને ગમે તેમ કરો’ એક વાક્ય પોતાને ખટકવા લાગ્યું : આવા પતિને ઉદાર બનવાનો શો હક છે ? એ કેવી કદરૂપી ઉદારતા છે ! કેમ જાણે એ મમતાની સખાવત કરતો હોય ! મને ગમે તેવું કરવાની મંજૂરી આપવાનો આવા પુરૂષને શા માટે હક મળ્યો ?

વળતા જ દિવસથી નિયમિત ’રિહર્સલ’ શરૂ થઈ ગઈ. વહેલી રસોઈ ઢાંકી રાખી એ ચાલી જતી. ધણી પોતાને ટાણે આવીને પોતાની મેળે જમી લેતો.

રિહર્સલ સંધ્યાકાળ સુધી ચાલતી. બે-ત્રણ વાર અસૂર થઈ જતાં પતિ એને તેડી લાવવા ગાડી કરીને ગયો હતો. પાછાં વળતી વેળા વાટમાં તનુમતી રિસાયેલી રહેતી.

નાટકના દિવસે તનુમતી જ્યારે જવા નીકળી ત્યારે પતિએ પૂછ્‌યું : "મારા માટે ટિકિટ લીધી છે ને ? પાંચ રૂપિયાની લીધી છે ને ? મારે નજીકમાં બેસીને જોવું છે."

"ના, મેં નથી લીધી તમારી ટિકિટ."

"કંઈ નહિ. સાંજે મળશે તો ખરી ને? અમે દસ-બાર જણા આવીશું. બીજા ભાઈઓને પણ તમારૂં કામ જોવાનું ખૂબ દિલ છે. હું આવીને જ ટિકિટો લઈ લઈશ. તું તારે જા."

તનુમતી થોડીવાર થંભી. પછી તેને પતિને કહ્યુંઃ "એક વાત કહું ?"

"કહે ને!"

"તમે નાટકમાં ન આવશો..."

"કેમ?"

"તમને દેખીશ તો હું મારો પાઠ ભૂલી જઈશ. મારાથી પાઠ થઈ જ નહિ શકે."

પછી એ ક્યારે ગઈ તેનું ભાન પુરૂષોત્તમને નહોતું રહ્યું. દુકાન તરફ એ ચાલ્યો ત્યારે મોટરની હડફેટે આવતો બચી ગયો.

સાંજે પ્રદીપો ચેતાયા ત્યારે-

કુમારભાઈની રંગ-પીંછી થકી કંડારેલા વાંકાં કાળાં ભમ્મરોએ પાટણની પટોળીમાંથી તમનુમતીના વદનને રૂપ રૂપ કરી મૂક્યું. ચંદ્રશેખરે એના કંઠમાં પંદર દિવસથી પૂરેલી મેના ટહુકી ઊંઠી. અણગમતાઅ અને કદરૂપા પતિના ઔદાર્ય સામે ઢળી પડીને આંસુ સારતી મેના ગુર્જરીના છેલ્લા દ્રશ્યે તો પ્રેક્ષકોની છાતી ભેદી નાખી.

ત્રણેય કલાકારો તનુમતીને મોટારમાં લઈને ઘેર મૂકવા જતા હતા. મોટર ફરતી ચિકાર દુનિયા વાહ-વાહ બોલતી હતી.

’તનુમતી ! શહેરની અજોડ કલાધરી તનુમતી !" યુવાનોને સ્વપ્નો આવવા લાગ્યાં. (પુર્ણ)

પાનકોર ડોશી

એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદાન કરી નાખ્યું.

દર ત્રણ-ત્રણ ઘર છોડીએ એટલે અક્કેક મકાનનું ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયા કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતાં ગધેડાંમાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડયું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે’ક દિવસ લોકોને મળી રહે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડયે જ રહેતો.

એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝ્‌મ ઝ્‌મ અંધારૂં વરસાવતી હતી. સુધરાઈ ખાતાનાં ફાનસો એકબીજાંને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરૂં ગોઠવતાં શેરીઓનાં વાંકધોંકમાં ભટ્‌ ભટ્‌ કાકડે બળતાં હતાં. ને તાજી રાંડેલી કોઈ કોઈ જુવાન સ્ત્રીઓ, ખૂણો પાળતી પાળતી, લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી.

એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યાઃ ઠક ! ઠક ! ઠક ! ઠક !

જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એના અવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઈ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા.

પછી મને ઘોઘરો અવાજા સંભળાયોઃ

“પાનકોર ડોશી! એ હે... પાનકોર ડોશી! એલી એ ડોકરી! આવવું છે કે નૈ?”

ફરી પાછા સાંકળના શિરા-પછડાટાઃ ઠક! ઠક! ઠક!

ઊંંઘમાં ને ઊંંઘમાં મને એમાં થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સૂનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી.

કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ઘોઘારા હાકોટા અમારી ખડકી એ નહિ પણ બાજુની ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બેલાસા વધ્યો. જુદા જુદા બોલા સંભળાયાઃ

“એલા આમદ ! બોકાસામ શું નાખી રિયો છો?”

“આ પાલાવાળા આખી રાત કોઈને ઊંંઘનું મટકુંય લેવા થોડા આપે છે, માડી!”

“પણ તઈં ઈ રાંડ ડોકરીને જ કોઈક કહોને કે માવડી, હવે ઝટ હોંકારો તો દે- એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે!”

“રાંડ બેરકી છે ને ! કાન તે કોના લેવા જાય!”

ફરી પાછી સાંકળ ટિપાવવા લાગી, ને આમદ પાલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે “ઈ ડોકરીને રાંડને કે’ જો કો’ક - કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય; નીકર હું પાલો હાંકી મેલશ. હમણે અસવાર આવી પોગશે; પછેં તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહિ રઉં. મારાં બીજા છડિયાં ફાસ ગાડી ચૂકે ! ને ઈ રાંડ ડોકરીને કે’જો કે હું ફદિયાં રોકડાં લઈ મેલશ કાલ સાંજે આવીને.”

મારી બારીમાંથી - બારી તો એને કેમ કહેવાય ? મારા નાનકડા જાળિયામાંથી - મેં ઊંઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેશથી છવાયેલું, ધુમાડિયું ફાનસ લઈ ને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો.

અમારી આસપાસના લત્તામાં લધામાં લધા સોની ખડકીમાં, વેલજી ખત્રી ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં ઠેકાણે ઠેકાણે અક્કેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધિંગી સાંકળો માથાં પછાડતી હતી. સાત ગાઉ દૂર આવેલા રેલ્વે-સ્ટેશને ઉતારૂઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીયે કાળ-વાણી સાંભળીને કૂતરાં લાંબા સ્વરનાં રૂદન કરતાં હતાં. બુઢ્‌ઢો ગામ-ચોકિયાત માલૂજી સિપાહી ખોં ખોં ઉધરસો ખાતો ખાતો ને ખોંખારા મારતો ગામ ગજાવતો હતો કે "હૂ-ઉ-ઉ ખબડદાર ! જાગતા સૂજો! જાગો છો કે પીતાંબરભાઈ?"

"હવે હા, ભાઈ હા; જાગીએં જ છયેં ને?" કોઈક સામો જવાબ દેતું.

"અરે, ગાંગલા મેરાઈ!" માલૂજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠબકારીને બોલી ઊંઠ્‌યોઃ"ગાંગલા, તારી બારી ઉઘાડી છેઃ બંધ કર ! બંધ કર ! જાગછ કે , ગાંગલા?"

અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતોઃ "માલૂજીભૈને કહીએં કે ઠીક, બાપા, ઠીક! બંધ કરી વાળું છું, હો! ઈ તો ગાંગલો કે’ કે, માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીક વા આવે તે ઉઘાડી મેલ્ય ને! આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈને આંખ મળી ગઈ..."

"ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવોને, બાપા! પણ આ તો તમારા ત્રીસ વરસના જૂના ચોકિયાતને કપાળે તમે કો’ક દી કાળી ટીલી બેસારશો, વઉ! હવે તો હેમખેમ નોકરી માથેથી ઊંતરી જાયેં તો હાઉઃ ગંગ નાયા! થોડાક દી આ માલૂજી ડોસની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાંગલા! મોટા જાટલીમેન!"

આટલું બોલીને માલૂજી સિપાહી આગળ વધ્યો.ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયોઃ

"હૂ-ઉ-ઉ... જાગતા સૂજો! જાગતા સૂજો! પાનાચંદકાકા જાગો છે કે? હા, ખબરદાર રે’જો! હૂ-ઉ-ઉ..." એવો ’સ’ અને ’હ’ વચ્ચેનો અવાજ કાઢીને માલૂકી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો

જુદા જુદા લત્તાઓના ચોકિયાતોએ પોતાના ’હૂ-ઉ-ઉ...’ સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડયા. આમ આખી રાત ગામાં જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંંઘતાં હશે? શી રીતે થાકા ઉતારતાં હશે? ચોકિયાત જો સહુને જાગતાં સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે, તો ચોકી શાની! અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે! આખી રાત આ છોકરાં રડે છે ને માંદાં ફફડે છે, આખી રાતા ફળિયે ફળિયે કોઈ રોગના કાણકાટ ચાલે છે. ને આઘે આઘે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે?- ‘રા...મ! મ...હા...વી.. ર!રા...મ!’ આટલા કાના ફાડી નાખતા અવાજે આ કોણા આવી ભીષણ પ્રાર્થાના કરી રહ્યું છે? “ગગા!” મારી માએ કહ્યુંઃ “ઈ તો ત્રીકમ વાલજીના ધીરૂને ખેન (ક્ષય) થ્યું’તુને, ઈ અંતકાળ લાગે છે એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવા ઊંંડો ઉતરી ગયો હશે ને, તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો?” હું રોમ રોમ ધ્રૂજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદારા બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે “ગગા, હવે તારૂંય ટાણું થઈ ગયું. તારીય પાલાગાડી હમણે ખડકીએ આવીને ઊંભી રે’શે તું મોં-બો ધોઈ લે , માડી! ને ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળિયે ઝમકુ માની દિવાળીના હવે દા’ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વારા ઝોબો આવી ગ્યોઃ હજુ પોર જ પરણ્‌યો’તો બાપડો; હવે એકાદ રાતનો મે’માના છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખ્ખનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ-બોલ બોલતા સાંભળીએ કે તરત વરતી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડયું...”

જીવનનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામનાં માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારૂં વતન કોઈ કબરના ઊંઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેણે ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોં ખોં કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત આકરો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો. પત્નીને શાંત પાડયા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાતૂટ્‌યાં ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલાંગો મારતાં વનનાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંમણાં ઉઠાવ્યા હતાં. સ્ત્રીના વાળનાં લટિયાં દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતં. ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંની જોડે ગેલ કરતી હતી.

આ ઘર, આ માથા પરનો વર્ષોજૂનો મેડો. આ ભાંગલાંતૂટલાં પેટીપટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માનવ-પ્રકૃતિઓ મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ; ને પેલા દૂરના લત્તામાં ’રામ’, ‘મહાવીર’ જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંંડાણોમાં શાતાને સાટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી-પુરૂષોઃ એ-ની એ જ દુનિયા, કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડીઘણી પોષાયેલી, તે આજે મને નકહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડીવર એમ થયું કે આ ચોકિયાતોના બુમારણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા, ગધેડાં, કૂતરાં તેમ જ બળતાં કરતાં સો ગણા પ્રજાના હૈયાંને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરૂં.

ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊંભી રહી, ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે "દાઉદ ! બોકાસાં ન પાડતો , હો કે; હું જાગેલો જ છું."

"એ હો, ભાઈલ; નહિ પાડું"

એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું એ એટલા જોરથી બોલ્યા કે મારો છોકરો ઊંંઘમાંથી જાગી ઊંઠ્‌યોઃ મારે જે અટકાવવું હતું તે જ બન્યું!

નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે ’નવી નવાઈ ના આવ્યા, ભાઈ! ગળાં તાણીએ અમે ને કહે કે બોકાસાં પાડતો નૈ! અલ્લા! દુનિયાય કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે..."

બાલિસ્ટર એટલે બારીક!

મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તારાપ મારી તેથી કરીને દાઉદ ચિડાયો છે.

પાછો દાઉદ બબડતો હતોઃ "આપણે શું? આપણે દસ છડિયાં ગોતવાં પડત, દસેયને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો! આપણે શું ? બોકાસાં નહિ પાડીએ, બાપા ! તમે શેઠિયા છો, મુંબી ખેડો છોઃ મા’લોને , બાપા, સુવાંગ ગાડી! ને આઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીય હલે! તો તો દાઉદની સાત પેઢી લાજે! ખબર છે?..."

બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યોઃ

ધન્ય અલા! ધન્ય મોલા! ધન્ય તેરી સાયબી! ધન્ય અલા! જમીં કા તેને જલેસા બનાયા રાવટી અસમાનકી ધન્ય અલ! ધન્ય મોલા! ધન્ય તેરી સાયબી!

મારા રડતા છોકરાને છાનો રાકહ્‌વાના મારા પ્રયત્નો એળે ગયા. "ભાઈ હાલે જાવું થે! જાવું થે!"... "આંઈ બાઉ કરડે થે! કરડે થે!" :આંઈ ઠાઠડિયું બઉ નીકલે થે!" "આંઈ નથી લેવું" એ બધી મારા બાળકની ધા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે "ભાઈ, તું તારે જા, માડીઃ ઈ તો હમણાં છાનો નહિ જ રહે. તું તારે જા. સવારે તને નહિ દેખે એટલે આફૂડો છાનો રહી જશે. ને કાલથી એને પંડયાની નિશાળે જઈને સોંપી આવશું."

સૂનમૂન હ્ય્દયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું - કેમકે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી.

"તમે ભાઈ, બહુ ખોટીપો કર્યો. એક છોકરાના કજિયા જેવી વાતમાં..." દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને ભળાવ્યુંઃ" આપણે ટેશનનઓ આઠ ગાઉનો પંથ કાપવો છે; ને મુંબઈવાળી ગાડી તો સાત બજ્યે આવી જાય છે. બીજી તમામ પલાગાડીઉં જાતી રહી હશે."

અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલા ગાડી ઊંભી હતી, ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધરામાં પાંચ-સાત ઘોઘરા અવાજ અફળાતા હતાઃ

"તમે મારૂં છડિયું નહીં બેસાડવા દ્યો - એમ?" એ અવાજ આમદ પાલાવાળાનો હતો.

"ના ના;" એની ગાડીની અંદરથી અવાજ આવ્યોઃ "ચારની બોલી કરી’તી ને સાત ખડકી દીધા - ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છો? શરમાતો નથી?"

"તો ઊંતરો હેઠા."

"ઊંતરે શેનાં? છ-છ ફદિયાં મફત આવે છે? અમે ઉજાગરે મૂઆં એ શું જખ મારવા?"

"અહીં ક્યાં - અમારા માથા ઉપર બેસારીશ?"

"સલોસલ ખડક્યાં છે રોયા એ : જાણે ખજૂરના વાડિયાં ભર્યાં."

"પણ ઈ છડિયું છે કોણ?"

"અરે, ઓલી..."

"કોણ?"

"અત્યારમાં દાતણપાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું , બાપા!’

"મૂઈ રાંડ ડાકણ!"

"કોણ પણ?"

"અલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી."

"અરે, ભોગ લાગ્યા! એલા આમદ! હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડીઃ નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડયું એટલે આમાંથી કો’કનું ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલવગરના! છડિયું બાંધવામાં જરા સરત રાખતો જા! તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નો’તો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને ? આ લેઃ છ ફદિયાનો લોભ હોય તો આ લઈ લે અટાણેથી જ. છ ફદિયાંને બદલે બે આના; પણ ઉપાડ ઝટ, ગાડી ઉપાડ હવે."

’ડોશી! તુંને હવે કાલ લેતો જઈશ, કાલ. અટાણે જઈને સૂઈ રે’."

એટલું કહીને આમદે ગાડાની ઊંંધ ઉપર એક ઠેક દીધી, રાશ હાથમાં લીધીને બળદોનાં ઢીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદ્રશ્ય બન્યું.

અંધારામાં એક માનવી, કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊંભું હતું. એના માથા પર એક ડબો હતો, તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી.

બે-ચાર માણસો બીડી પીતાં પીતાં પાનકોર ડોશીનું ટીખળ કરતા હતાઃ

"લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી!"

"પણ, એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂઝ્‌યું! ઘર ઝાલીને બેસી રે’ ને!"

"અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટારોને ભૂ પાઈ દેશે, જો જો તો ખરા!"

"આવે મોટે કામે હાલી છો તું, હેં પાનકોર, ને મોટર ભાડે કરતી નથી?"

અમારી બળદગાડી હજુ બહુ દૂર નહિ ગઈ હોય ત્યાં જ આટલી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગુ મૂંગુ અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે.

પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારૂઓએ કરેલી વાતો. ’ડાકણ’ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. શાહુડીનાં પીછાંની પેઠે પાનકોર ડોશીના માથાના તમામ વાળ જાણે ઊંભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડાબો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો; પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવી છે તેથી હું બીઉં છું. એવું કહેવાની મારી હિંમત નહોતી.

મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલાં પડયાં પડયાં, ઉનાળાનો બાફ હોવા છતાં, માથા ઉપર કામળ ઓઢી લીધી.

થોડી થોડી વારે આકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડયું હતું. મેં મારા હૃદયમાં ને હ્યદયમાં મારા બાળકની રક્ષા માટે ’ગાયત્રી’ રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે "હે ડાકણ! તારા દાંત પાડે હડમાન..."

આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યુંઃ "કોણ છે? કોના દાંત પાડાવાનું

કહો છો - હેં શેઠ?"

"કોઈક ગાડીની ઠાઠે વળગ્યું આવે છે, દાઉદ..." મારો સ્વર માંડ માંડ નીકળ્યો.

કૂદકો મારીને દાઉદ નીચે ઊંતર્યો; ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. "એલી કોણ છે તું?" કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝાપટો આવ્યોઃ દીવો ઠરી ગયો.

"અરે ભાઈ હું પાનકોર છું" અંધારામાંથે પેલો અવાજ નીકળ્યો - જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હૂ-હૂ કરે છે.

"ડોશલી!" દાઉદ બહાદૂર બન્યોઃ "શા સાટુ મારી ગાડીને ઠાઠે વળગી આવછ? મારા ઢાંઢાં ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરખતી નહિ માવડી! આઘી હટ."

"અરે, ભા! ઠાઠું ઝાલીને પાંચગાઉ તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને દીકરા!" ડોશી કરગરી.

"મેલી દે મેલી હવે; નીકર હવે એક અડબોત ભેળા બત્રીસ દાંત ખેરી નાખીશ;" કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો.

ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ.

દાઉદે ફરીથી ગાડીની ઊંંધ પર છલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા.

હું હેતબાઈને અંદર પડયો હતો. દાઉદ કોઈ પીરપીરાણાંનાં નામ જપતો હય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું એ મેં ચાંદારડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિમ્મતમાં આવી ગયો. મને પોતાનેજ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો!

"હું ય મોતો બેફકૂફ જ ને, હેં શેઠ?" દાઉદ હસ્યો.

મેં પૂછ્‌યુંઃ " કેમ?"

"ડોશીના બત્રીશ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને! પણ એને તો

એકેય દાંત ક્યાં રિયો છે હવે!"

"તમે બધા એને કેમ હુડકારો છો - હેં દાઉદ?"

’અરે ભાઈ, હુડકારે નહિ ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે - અણ આ એંશી વરસની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે! એના ત્રણ છોકરા ઊંડી ગયાઃ એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો."

"આપઘાત!" મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા સો જણની ફાંસીના કરતાંય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો..

"આપઘાત તો કરવો જ પડે ના, ભાઈ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસું સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના!"

પછવાડે નજર કરી દાઉદે બળદોનાં પૂંછડાં ફરી એક વાર મરડયાં ને પાછી વાત આગળ ચલાવીઃ

"મારો બાપ વાતું કરતો કે પાનકોર તેર વરસે અપ્રણીને આવી તે વેળા તો એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજાર ને હાટડે હાટાડે ટોળાં બેસતાં. ત્રણ વરસમાં એને ત્રણ સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઊંડી પડયો. એનાં દેરિયાં જેઠિયાંએ બધી ઈસ્કામત દબાવી દીધી એ’મ કે’વાય છે. સાચું ખોટું ખુદાને માલમ, પણ નાનાં ટાબરિયાં સોતી પાનકોર દિરિયાં-જેઠિયાંને આંગણે પાંચ દા’ડા લાંઘી. પછી દળણાં દળીને ત્રણેય છોકરાને મંડી મોટા કરવા, ગામે એનો પીછો લીધો કે તારા વરનો દા’ડો જમાડય ને જમાડય, પાનકોર કે’ કે, જમો અમારાં લોઈ.

"આ... તેને વળતે જ દા’ડે જુવાનજોધ જેઠને લોહી વમનમાં ચાલ્યાં."

"હેં!" મારાથી કહેવાઈ ગયું.

"હેં શું - ત્રીજે દા’ડે તો હોકો ભરીને હાલી નીકળ્યો! તે દિવસથી જુવાન પાનકોર ડોશી ડાકણ કે’વાણી!"

અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યાં; ચલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવીઃ લોબાનની ધૂંવાડી ભભકી ઊંઠી.

"હાજર સો હથિયાર, ભાઈ!" દાઉદે સમજ પાડીઃ " ભૂત પલીત કે ડેણડાકણ હોય તો ભાગે એટાલા સારૂ, હું તો સમજણો થ્યો ત્યારથી જ લોબાનની પડીકી ભેળી ને ભેળી જ રાખું છું"

"હં, પછી પાનકોરનું શું થયું?"

"પછી તો, ભાઈ, એના ખોરડાની થડોથડ દેરજેઠની ચૂનાબંધ મેડીઉં ખેંચાણી. વચ્ચે ભીંસાતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી. બેય મેડીઉંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે, એટલે ત્યાં આપણે રસોડાં ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. ઓલ્યા કે’કે , ખોરડું મૂકી દે. પાનકોર કહ્યુંઃ લાવો કિંમત. ઓલ્યા કે’કે લે રૂપિયા એકસો. પણ પનાકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં શી રૂપાળી મેડી બનત! ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઈમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર, શેઠિયાઉં - અરે ખુદ દરબારસાહેબ આવીને સમજાવી ગયા કે’ પાનકોર, ભૂંડી, આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી, પણ અમારૂં શહેર લાજે છે. દરબાર કે દિલ્લીનો હાકેમ જોઈને છક્ક થઈ જાય એવી મારી બજારને, પાનકોર, તું એક તારા ’ઊંંહુ’ વાસ્તે મ બગાડય. મ બગાડય. પણ પાનકોરની જીદ્દ છૂટી નહિ. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઊંઠયાં."

"હાં પછી?" દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું.

"ઈ જાન ત્યાં જમતી’તી ત્યારે, એમ કહેવાય છે કે, પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વીંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે, કો’ક ઉઘાડોને... મારા છોકરાને મૂંઝવણ થાય છે.... વૈદને બોલાવવો છે. ઉઘાડયું તો કોઈએ નહિ, પણ જાન જમીને જાનીવાસે ગઈ કે તરત જ બધાંને ઝાડા-ઊંલટી હાલી મળ્યાં. કોઈ કહે દૂધપાકમાં ઢેઢગરોડી પડી ગયેલ, ને કોઈ કહે

કે નક્કી પાનકોરની નજર લાગી, પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો દસમે વર્ષેથી જ આંધળો બન્યો; બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસૂરી વેળાએ પીરપરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો; ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ ચાર અંગ્રેજી ભણીને ઉઠી જવું પડયું. પાનકોરના છોકરાનો કોણ હાથા ઝાલે? એના પોતાનાજ ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાયા તે પાનકોર રોટાલીમાં ઘીની ધાર ન કરે. એકવાર તો એક સાધુને એણે ‘મારા પીટ્‌યા... મારા રોયા’ કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંયે પૂછ્‌યું કે, પાનકોરા શું થયું? પાનકોરે જવાબા ના દીધો તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે, પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી’તી મેં એને ઉયપદેશા દેવા માંડયો એટલે ડાકણ ખિજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણીછાંટોયા લેતું ગામ બંધ પડી ગયું. એકા છોકરો આંધળો, એકા ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો : ત્રણેયના પેટા ભરવાને સારૂ પાનકોરે હાથમાં દોરડીને દાંતરડું લીધાં. વગાડે ઘાસ કાપવા નીકળી, ને ભરી બજારે ઘાસની ગાંસળી લઈ ફાટેલ કાળે સાડલે જેવીતેવી લાજ કાઢી પ્રથમ જ દી ઊંભી રહી, તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગ્યો. નાતજાત ને બીજાં વરણ પણ ફિટકાર દેવા લાગ્યાં કે, મોટા ફળીની જુવાનજોધ વિધવા વહુએ શા આવળા ધંધા માંડયા! આ , શેઠ, એમ કરતાં આજ ત્રીસ વરસ વયાં ગ્યાં.

“ડોશીની ઉંમર કેટલી?” મેં પૂછ્‌યું.

“લાગે સિત્તેર, ફણા સાચોસાચ પચાસ-પંચાવન,એનો સૌથી મોટો આંધજળો છોકરો આજ જીવતો હોત તો ચાલીસનો હોત, વચેટ આડત્રીસનો, ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યાઃ ત્રણેયની આગ એણે જ લીધેલીઃ પોતે એક આંસુય ન પાડયું એવી તો કઠોર કલેજાની! છોકરા મૂવા ત્યારે નાતજાતમાંથી કોઈ આભડવા નો’તું નીકળ્યું.”

“ત્યારે?”

“રોજ ખડ વાઢવા જાયને , તે વસવાયાં જોડે વહેવાર થયેલો. એ

લોક દે’ન પાડવા આવેલા."

"ડોશી રાજકોટ શું જાય છે?"

"બબડે છે કે, ગવન્ડરને બંગલે જઈને લાંધીશ."

"શી બાબત?"

"આ તમારૂં હિન્દુઓનું મોટું દંગલ ઊંપડયું’તું ને સરકાર સામે?

"હા."

"તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસુંની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી’તી."

"અરે, રામ રામ!"

"ડોશીને કોઈ કહેવા ગ્યાં કે, આ તો સરકારી નોકરીઉં છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઊંઠીને જનમભોમનું લૂણ હરામ કરી રહી છો? ડોશી કહે કે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રિયો ઘરમાં ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે, તમારા વૈકુંઠ શેઠ ને કરસનપરસાદ દેસાઈ ખેડુની ખાલસા જમીનું છાનામાના હરરાજીમાં રાખી લ્યે છે, એને પીટો ને! આ બે મોવડીઓનાં એણે નામ લીધાં, એટલે તો પછી બાકી શું રે’? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયાઃ પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો, ને ડોશી હવે આવલાં મારે છે એ છોકરાંના બે નાનાં બાળસારૂ સરકારી જિવાઈ મેળવવા."

"બે છોકરાંને ઘેર મૂકીને નીકળી છે?"

"હા, ઈ બેય પણ, ભાઈ, પાનકોરનો વસ્તાર છે! પરાક્રમી છે, પાંચવરસનો છોકરો છે ,ને ત્રણ વરસની છોકરી છે. મા તો મરી ગઈ છે; પણ ડોશી ઢેબરાં કરીને મૂકી આવી છે. એ ત્રણચાર દા’ડા ચાલશે. બાકીના દી અરધાં ભૂખ્યાં કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે."

હૂં ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યુંઃ "એની દયા ખાવા જેવું કોઈએ નથી, હો ભાઈ! એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરાં માનજો. ન મૂંઝાય - આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊંભા રહે - ઈ રકમ છે, બાપા! ઈ તો પાનકોર ડાકણના પોતરાં છે. હે-હે-હે-હે... "

દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પ્હો ફાટી.

મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે , દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેઈન સુધી રોકાવું પડે.’

પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે, મારે શું? આવી આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન-સંગ્રામ ખેડતી બુઢ્‌ઢી વગરનું નથી. એ વેઠે છે કેમકે એનાં લક્ષણ એવા છે.

ઘડીક મનસૂબો ઊંપડયોઃ આવી આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી-ફોજ બનાવે તો! ગાંધીજી મીઠાના આગર ઉઅપ્ર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો? તો તો બરાબરની જામેઃ કટકા થઈ જાય તોયે પોલીસની લાઠીને મચક અ આપે ને જેલમાં પણ ત્રાહિ ત્રાહિ પમાડી દે અમલદારોને!

આમ, ઉપયોગ્િાતાની દ્રષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી; દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે , તમારા લાભની વાત છેઃ આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારાં મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી પિસ્તાલીસ વરસના પુરૂષને પરણતી હોય તેની સામે, હરકોઈ નાનામોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છેઃ રાખી લો તો કેવું સારૂં!

આ વિચારોએ મારી પાંપણો ઉપર મણીકાં મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં ’હાલાંવાલાં’ ગૂંજ્યાં. હું નીંદરમાં પડયો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠીઃ કોઈ કાળાં તો કોઈ શ્વેત વસ્ત્રોવાળીઃ સાડલામાં થીગડાં એટલાં બધાં કે મૂળ કપડું ક્યું તે કળી ન શકાયઃ કોઈને માથે મૂંડો, તો કોઈને માથે ખરી પડેલાં આછાં ઝંટિયાઃ બોખા દાંતઃ સૂક્લ આંખોઃ શૂન્ય દ્રષ્ટિઃ ખોળામાં નાના અનાથ છોકરાંઃ પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમળાવે છેઃ સામે સાક્ષાત્ જમદૂતો ઊંભેલા છે, તેની કરડી નજરથી ખોળાંના છોકરાંને સાડલામાં લપેટી છુપાવી રાખે છે.

સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારૂં ગામ દેખાય. ઘડીક ગામ મટીને ડોશી દેખાયઃ ગામ અને ડોશી એકાકાર બની ગયાં.

"શેઠ, જાગો જાગો હવે! આમ તો જુવો!"

એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલતી હતી.

ઊંંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંંટને ઝોકારતો હતો. ઊંંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી.

હસતાં લોકો બોલતાં હતાંઃ

"રાંડ ડાકણ આખરે આવ્યે રહી! ઊંંટ માથે બેસીને આવીઃ છે ને પણ! શી રૂડી લાગે છે! આને કોણ પોગે! જમનેય ભરખી જાય ને!"

ત્યાં તો મારી ટ્રેન આવી લાગી.

કારભારી

બનેલી ઘટના પરથી

આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊંભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે.

સ્ટેશન પર રાજનું કોઈ વાહન હાજર ન જોવાથી મહેમાન ભાડે ઘોડાગાડી કરીને બનેવીને ઘરે ગયા; માન્યું કે કાગળ પંહોચ્યો નહિ હોય.

ઘોડાગાડી શહેરની બજાર વચ્ચેથી નીકળી ત્યારે દુકાને દુકાનેથી ઝવેરીના અસ્વાગતની માર્મિક ચેષ્ટાઓ થતી ગઈ. પરંતુ હરાજી તો ઉઘાડેછોગ થવાની હતી, એથી સીધો તો કોઈ આક્ષેપ કોઈથી થઈ શકે તેવું હતું નહિ. ક્યો એવો માર્ગ છે કે જે માર્ગે કારભારી પોતાના સાળાને ખટાવશે ? લોકોને ગમ ન પડી. પણ ગમ ન પડી તો થઈ શું ગયું ? સાળો-બનેવી કોઈક ને કોઈક ઈલમ અજમાવ્યા વિના કંઈ થોડા રહેવાના છે ! ને કારભારી સાહેબને તો હવે જઈફી બેઠીઃ જમાનો બદલાઈ ગયોઃ હવે એ લાંબું નહિ ચલાવેઃ તો પછી જતાં જતાં થોડોઘણો હાથ માર્યા વિના તો થોડા જ રહેવાના ? રહે તો એના જેવો હૈયાફૂટો કોણ ! - તો તો એના કારભારામાં ધૂળ પડી !

"પણ ભાઈ," ડાહ્યા માણસો બોલી ઊંઠતાઃ "હાથ મારવામાંય હિંમત જોઈએ છે. હાથ કેમ મારવો તે તો આ ગોરા એડમિનિસ્ટ્રેટરો જ જાણે છેઃ આમ જુઓ તો કડકા ને કડકા - તરવારની સજેલી ધાર જેવા; ને આમ નજર કરો તો પાંચ વર્ષે પેન્શન લઈને વિલાયતમાં જઈ મરે ત્યાં સુધી લીલાલહેર કરે મારા બે.....ટ્ટા !"

શહેર જ્યારે કાળા ગોરા અમલદારોની આવી સરખામણી કરી રહ્યું હતું, ને ’આપણા કાળાઓને ગોરા અમલદારોની જેમ સિફતથી ખાતાં આવડતું નથી’ એવો ખેદજનક નિર્ણય થઈ રહેલ હતો, ત્યારે ઝૂંઝા કારભારીને ઘેર સાળો-બનેવી પાટલા પર બેસી વાળુ કરતા હતા. કારભારીનાં પત્ની જશોદાબહેન, શરીરે સોજા છતાં, રસોડામાં રોટલી વણતાં હતાં.

બહેનના ભાઈની નજર, દરેક જમવા બેસનાર પરોણાની આદત હોય છે તે પ્રમાણે, બહેનના ઘરની દીવાલો ઉપર અને ખૂણાઓમાં, આજુબાજુ, આરપાર બીજા ખંડોમાં સર્વત્ર ચુપકીદીથી ભમતી હતી. થાળીમાં હજુ પીરસવાનું શરૂ થતું હતું. પરોણાના હાથનાં આંગળાં ઉપર બે હીરા જડિત વીંટીઓ હતી, તે વડે થાળીના કાંઠા ઉપર એ ટકોરા મારી રહ્યા હતા.

જમતાં જમતાં સાળા બનેવી વચ્ચે આડીઅવળી વાતો થઈ. તેમાં એકાદ બે વાર ઝવેરાતનો ઉલ્લેખ થયો.

"કુલ કેટલું હશે ?"

"એનો કંઈ નેઠો જ નથી. નોંધબોંધ રાખેલી જ નથી. રાઓલજીની પેઢીનેપેઢીથી એ જ રસમ ચાલી આવે છે કે હોય તેટલું તાળાચાવીમાં પડયું રહે; જરૂર પડે ત્યારે વેચીને નાણાં કરવામાં આવે ને સગવડ હોય ત્યારે નવી ખરીદી કરીને ઉમેરવામાં આવે. તે સિવાય તો ભગવાન જાણે - ને બીજો ચાવી રાખનારો."

દેશી રાજ્યોનાં જામદારખાનાંને વિષે આવું કહેવું એમાં અતિશયોક્તિ નથી. જામદારખાનાંના રત્નહીરાના ને મોતીમાણેકના ખજાના હંમેશાં અક્લિત તેમ જ ભેદી રહેતા આવ્યા છે. એ અઢળક દોલતની ચાવીઓ કેવળ વિશ્વાસને જોરે જ સચવાતી આવે છે. એમાંથી પગ કે પાંખો કરી પલાયન થઈ જતાં જવાહિરોને કોઈએ જાણ્‌યાં નથી. જામદારખાનાંની દુનિયા અતલ છે; એણે કંઈકને નિહાલ કર્યા છે.

ફરી એક વાર અને પછી તો ફરી ફરી વાર ઝવેરીએ બહેનના ઘરની ભીંતો નજરમાં લીધી; બનેવીને પણ ટીકી ટીકીને નીરખ્યા કર્યું. ઝૂંઝા કારભારીની ઉંમર તે વખતે સાઠ વર્ષની હતી. એની આંખોમાં ખીલનો રોગ ખૂબ જોર કરતો હતો, ને બહેનના શરીરે સોજા ઊંતરતા જ નહોતા.

બહેનનાં છ-સાત છોકરાં રમીને ઘરમાં આવ્યાં ત્યારે પણ મામાએ બધાંને ધારી ધારી નિહાળ્યાંઃ તે તમામના મોં ઉપર, શરીર ઉપર, કપડાંમાં ને શણગારમાં ગરીબી બોલતી હતી.

વાળુ કરીને કારભારી આવતીકાલના લિલામની તૈયારીને માટે બહાર ગયા. સામી પરસાળે મહેમાનોને માટે રાખેલા ઓરડાની હિંડોળા ખાટે ઝવેરી લાંબું અંગ કરીને સૂતા હતા, ને સામે એક ચાકળો નાખીને પચાસ વર્ષની વયનાં જશોદાબહેન ભાઈ સારૂ પાન ચોપડતાં બેઠાં.

"જશોદા !" ભાઈએ હોકો પીતે પીતે વાત કાઢીઃ "તારૂં તો ઘર જોઈ જોઈને આજે હું સળગી ગયો છું."

"હોય, ભાઈ !" જશોદા સમજી ગઈ.

"શું ’હોય, ભાઈ’ ! કામદારની આંખો જવા બેઠી.... તારૂં શરીર અટકી પડશે.... છોકરાં હજી નાનાં છે - પણ કામદારને કશો વિચાર જ ન આવે ? કઈ જાતના માણસ !"

"હશે, ભાઈ; જેવા છે તે મારે તો ગ્િારધર ગોપાળ સમાન જ છે." જૂના યુગની ભદ્‌રિક બહેને જવાબ દીધો.

"મને બીજું કાંઈ નથી લાગતું, જશોદા ! પણ આવતી કાલે પહેલી ને છેલ્લી તક જેવું છે. હું ક્યાં કહું છું કે કામદાર હરામી કરે કે લબાડીકરે ? હું કશા છળપ્રપંચનીય વાત કરતો નથી. રાજને એણે દેવામાં કશું બાકી નથી રાખ્યું. રાઓલજીને ગાદી અપાવવામાં એણે ગાંઠનાં ગોપીચંદન ખરચ્યાં છે. ને હવે શું રાઓલજીની પાસેથી થોડીક કદર પણ ન કરાવી શકાય ?"

બહેને જવાબમાં ફક્ત નિઃશ્વાસ નાખ્યો. એને ઝાઝું બોલતાં આવડતું નહોતું.

"એમ ઊંંડા નિસાસા નાખ્યે તારાં પાંચ છોકરાં નહિ ઊંછરે, બાઈ ! અને આ ત્રાંબા પિત્તળનાં ઠામડાંય વેચવા પડશે એવા માઠા દા’ડા તું દેખવાની. માટે મારૂં કહ્યું માન."

તે પછીની વાત ઘણા જ ધીમા અવાજે થઈ.

મધરાતે કારભારી ઘેર આવ્યા ત્યારે પલંગ ઉપર એમના પગ દાબતાં દાબતાં જશોદાએ વાત ઉચ્ચારી. પ્રથમ તો વર્ણન ઘરની ગરીબી વિષે જ થવા લાગ્યું. નિર્ધન સ્વામીની છાયા જેવી પત્ની જશોદા - ઓછાબોલી ને સંતોષી જશોદા - આવી વાત વર્ષે છ માસે એકાદ વાર ઉચ્ચારતી; અને એ ઉચ્ચારતી ત્યારે સૂતો સૂતો સ્વામી પીઢ વયે પણ પત્નીના દેહમાં પોતાના પગની આંગળીઓ વડે ગલીપચી કરી ગરીબાઈની વાતમાંથી યૌવનનો રસ ચૂસતો. આજેય બેઉએ યુવાવસ્થાને ફરી એક વાર પોતાની પાસે તેડાવી.

રાજકાજમાં પ્રભાવશીલ અને ઉપાધિમગ્ન રહેતો પતિ જો કોઈની જોડે ટીખળ કરતો, તો બસ, ફક્ત આ જશોદાની જોડે - તેયે કોઈક વિરલ વેળાએ. આજે ટીખળની જરૂર પડી, કેમકે જશોદા, પુત્રી સાવિત્રીને બીજી વારનું આણું વળાવવાના ખર્ચની માર્મિક વાત કાઢી બેઠી હતી.

"પણ તું ચિંતા શાની કરે છે? ગ્િારધર ગોપાલની મૂર્ત્િાને રોજ ટપકાં કર્યા જ કરે છે તે શું નાહકની? ઓલ્યો નરસૈંયો ને મીરાં ને બોડાણો કેવાં દોંગાં હતાં ! ફાવી ગયાં ! તું થોડીક હુંશિયાર બનીને માગી લે ને હારબાર !"

"પણ હુંયે હારની જ વાત કરૂં છું. હાર તો મારો લાલ અનેક જૂજવી જૂજવી રીતે આપે છે...."

"કહે, તને શી રીતે આપવાનો છે ?"

"હું તો માનું છું કે એણે જ - મારા વલાજીએ જ - મારા ભાઈને આજે અહીં મોકલેલ છે."

"હં-હં !" કારભારીનું કુતૂહલ વધ્યું.

જશોદા પતિને કોઈ અકળ સમસ્યાની ચાવી બતાવતી હોય તે પ્રકારે બોલી ગઈઃ "મારા ભાઈએ જ કહ્યું કે તમેતમારેય ઊંંડા પાણીમાં ન ઊંતરો; ફક્ત આટલું કરો કે એ જેના સામી આંખ માંડે, તેની ચિઠ્‌ઠી ઉખાડી નાખવી."

"શું-શું ?" કારભારી આ સતજુગી સ્ત્રીના ગોટા ઉપર રમૂજ પામતા હતા.

"એમ કે, જામદારખાનું છે ને.... ?"

"હા."

"તે ત્યાં તમે લિલામ વખતે જાવ ને... ?"

"હા."

"તે લગરીક વે’લા જાવ ને.... ?"

"હા."

"મારા ભાઈને જોડે લઈ જાવ - નંગો બતાવવા સારૂ લઈ જાવ ખરા ને ?"

"હા હા !"

"એ જે નંગ ઉપર નજર માંડેને તમને ઈશારો કરે તે નંગ ઉપરથી તમારે ચિઠ્‌ઠી ઉખાડી નાખવી; એટલે એ નંગને લિલામમાં કોઈ માગે નહિ. પછી કાલે તમે એ ઘેર લઈ આવો. પછી મારો ભાઈ છે.... ને એ નંગો છે ! બે-ચાર નાના નંગ હશે તેનું પણ મારો વાલોજી ગ્િારધર ગોપાળ સાત પેઢી સુધી ખાઈએ એટલું અપાવશે."

કારભારીનાં પગનાં આંગળાં પત્નીના શરીર ઉપર કોમળ સ્પર્શથી ફરી રહ્યાં હતાં, તે ધીમેથી બંધ રહ્યાં. સ્ત્રીએ જોયું કે પતિને આ વાત કંઈક ગળે ઊંતરતી જાય છે, એટલે એણે જેટલું કહેવાનું હતું તેની પૂર્ત્િા કરીઃ "કોઈ કરતાં કોઈને જાણ થવાની નથી. રાજમાં કોઈને આ વાતનો હિસાબ નથી. તમે એકલા જ બધું જાણો છો. અરે, તમનેય ક્યાં ખબર છે કે, કેટલાં ફલાણાં નંગ ને કેટલાં ઢીકણાં નંગ ! અઢળક ખજાનો.... ખજૂરાના હજાર પગઃ એક ભાંગ્યે શો તૂટો આવી જવાનો ?"

કારભારીએ આંગળાં સહેજ સંકોડી લીધાં. જશોદા ફરીથી બોલીઃ "તમે ભલેને ગંગોત્રીના જળ જેવા નિર્મળ રહ્યા છો, પણ ગામ કાંઈ કહ્યા વિનાનું રહ્યું છે? ગામ તો તમામ ગપત ભંડારની કંઈક વાતો હાંકે છે. આમેય જશ નથી ને આમેય લાભ નથી; તો પછી, મારો ભાઈ બચારો કહે છે કે, આવા હૈયાફૂટા શા સારૂ થવું? કોણ જશના પોટલા બંધાવી દેવાનું છે ? ને આમાં તો જામદારખાનામાંથી લેવું છે ને ! એ ક્યાં કોઈની ચોરી છે ?"

કારભારી પલંગ પરથી ખડા થયા. બોલ્યાચાલ્યા વિના એ બહાર નીકળ્યા. ચોગાન ઓળંગીને સામી પરસાળે ચડયા. અવાજ કર્યોઃ "નૌતમ ઝવેરી !"

મહેમાન જાગી ઊંઠ્‌યા. કારભારી કશીક મસલત કરવા આવ્યા હશે એમ માન્યું; કહ્યુંઃ "પધારો ને ! કયારે બહારથી આવ્યા ?"

"હું તમને કહેવા આવ્યો છું કે પરોડિયાની ચાર વાગ્યાની ટ્રેઈન છે; તમારે એ ટ્રેઈનમાં ઊંપડવાનું છે."

"કેમ ? ક્યાં ?"

"તમારે ઘેર."

"પણ લિલામ ?"

"લિલામમાં તમારે ઊંભા રહેવાનું નથી - તમારા નામનો ભાગ સુધ્ધાં કોઈ જોડે રાખવાનો નથી. ને તમારી પઢાવેલી બહેનને પણ તમારે જોડે લઈ જવાની છે."

"કેમ ? કેમ ?"

"તમને ઝવેરાતના વેપારમાં જશોદા ઘણી જ મદદગાર થઈ પડશે."

"પણ...."

"પણ-બણ કશું જ નહિ. હું ઘોડાગાડીની વરધી આપું છું જશોદાને તૈયાર કરૂં છું. તમને પટાવાળો પોણાચારને ટકોરે જગાડવા આવશે."

એટલું કહીને કારભારી પોતાને ઓરડે ગયા. ત્યાંથી ઠંડીગાર હવાનું કાળજું વીંધીને આવા આવા તૂટક સ્વરો ઝવેરીના કાનમાં પ્રવેશતા હતાઃ

"ત્રીશ વર્ષ તેં મારૂં પડખું સેવ્યું - ત્રીશ વર્ષ.... ધિઃક છે.... હું ભૂલ્યો - કુળ ભૂલ્યો, જોવામાં ભૂલ્યો,... સ્ત્રી મારી શત્રુ.... મને ખબર નહોતી... જાત નહિ, કજાત...." વગેરે વગેરે.

"પણ...."

"પણ ને બણ કશું નહિ. જાઓ પિયર."

"પણ...."

"પણ ને બણ કશું જ નહિ. ચાવીઓ નહિ મળે. તોડો તાળાં"

એ જ ઘરમાં. એ જ પરસાળ ઉપર, પાંચ વર્ષ પછી આ જ બોલના ઘોષ ઊંઠી રહ્યા છે. બે અવાજો પૈકી એક અવાજ એ-નો એ જ છે.

પાંચ ચોમાસાંનાં પાણી આ બનાવ ઉપર વરસી ગયાં હતાં.

કારભારી વિશેષ જઈફ બન્યા હતા. જશોદાને વધુ સોજા ચઢ્‌યા હતા. જુવાનજોધ પુત્રના અવસાનના જેવો મામલો મચી રહ્યો હતો. રાજના પોલીસ-અધિકારી ફતેહખાન પોતાની ટુકદી લઈને કામદારના ઘર પર આવી ઊંભા હતા. પોલીસને બહાર ખડી કરી ફતેહખાન અંદર લાચાર ચહેરે વિનય ધરીને કારભારીને સમજાવતા હતાઃ

"પણ, સાહેબ, આપને ખાતરી છે, તો પછી ચાવીઓ આપવામાં વાંધો શો છે ?"

"નહિ, નહિ; ચાવીઓ નહિ આપું. મહારાજા રાઓલજીનું જ આ મકાન છે, એની જ આ ધરતી છેઃ સુખેથી એ જડતી લઈ શકે છે પણ તે તાળાં તોડીને, મારી ચાવીઓ વતી તાળાં ખોલીને નહિ."

"સાહેબ, પણ આમાં મારી કમબખ્તી છે. હું આપનું ફરજંદઃ મારે ઊંઠીને તાળાં તોડવાં !"

"જરૂર, રાઓલજી ઊંઠીને પોતાના ફરજંદની જડતી લે છે, તો તમને શો વાંધો ? તોડવાં !"

"રાઓલજીને કોઈએ ભરાવ્યું છે, તે તો અબઘડી નીકળી જશે ને એ શરમિંદા બનશે, સાહેબ ! ફક્ત આપ જો...."

"કશું જ બીજું બનવાનું નથી, ખાનસાહેબ !" કારભારીનું શરીર ધ્રૂજી ઊંઠ્‌યું હતુંઃ "તોડો તાળાં ને ગોતી લ્યો ગંઠો."

એક પહેરણભર કારભારી ચોગાનમાં ઊંભા રહ્યા. પરસાળને ખૂણે એનાં નાનાં ભાણેજડાં રડારોળ કરતાં હતાં, ને જશોદા બે હાથ જોડીને વિનવતી હતી કે, "શા સારૂ તોડાવો છો ? ચાવીઓ આપવામાં આપણું શું જાય છે ?"

"તું ઊંઠીને મને આવી શિખામણ આપે છે કે ?"

કારભારીના સ્વરમાં ચિરાડો પડી રહી હતી.

ફતેહખાને બહાર જઈ ત્રણ-ચાર ઠેકાણે ટેલિફોનો કર્યા. ભારે પગલે એ ઘરમાં આવ્યા; સાથે સીદી સિપાહીઓ હતા.

મુખ્ય ઓરડામાં જઈને ફતેહખાને સિપાહીઓને પહેલી પેટી બતાવી.

એ પેટી ઉપર સિપાહીઓના હથોડા જે ક્ષણે પ્રથમ વાર પટકાયા, તે જ ઘડીએ એકસામટાં પંદર કુટુંબીજનોના કંઠમાંથી કિકિયાટા ઊંઠ્‌યા. રડારોળ ન સહેવાય તેવી બની. ફતેહખાન લડાઈમાં જઈ આવેલો, કઠણ છાતીવાળો અફસર હતો; પણ આજથી પચીસ વર્ષ ઉપર એક કારભારીના ભર્યા ઘરનાં તાળાં રાજના દાગીનાની ચોરીના આળસર તૂટે એ બનાવમાં જે ભેદકતા રહી હતી, તે ભેદકતા યુદ્ધક્ષેત્રની કાપાકાપીમાં એને કદી જ નહોતી લાગી.

સુવાવડી બે દીકરીઓ ભીંત સાથે શિર પટકવા લાગી ત્યારે ફતેહખાનથી ન જોવાયું. એણે કારભારી તરફ નજર કરીઃ ડોસા ચૂપચાપ અડગ ઊંભા છેઃ ડોસાના કપાળ પર એકસામટાં દસ હળ હાલતાં હોય તેવી ઊંંડી કરચલીઓ ખોદાઈ રહેલ છેઃ ડોસાની સફેદ પાંપણો આંખો ઉપર ઢળી પડેલ છે.

ફતેહખાને જઈને કહ્યુંઃ "સાહેબ, આ દીકરીઓ તાજી સુવાવડી છેઃ એની તબિયતનો વિચાર કરો...."

"રાઓલજીનીય દીકરીઓ છે ને, ખાનસાહેબ ! રાઓલજીને પણ ગમત માણવા દો !"

હથોડાની ઝીંકાઝીક બોલી. એક વાર મર્યાદાનો પડદો તૂટ્‌યા પછી સિપાહીઓને ભાંગફોડની લજ્જત આવી. એ ભાંગફોડે એક કલાકમાં તો ઘરને ખેદાનમેદાન કર્યુંઃ તૂટેલાં પેટીઓ ને કબાટોમાંથી લૂગડાંલત્તાં ફેંદાઈ ફેંદાઈ આખા ઘરમાં ફેંકાયાંઃ એકસામટી પચાસેક ઠાઠડીઓનાં ખાંપણો વડે પથરાયેલા સ્મશાન જેવું ભીષણ દીવાનનું ઘર બની ગયુંઃ ફૂટ ફૂટ ઊંંડી તો ઘરની જમીન ખોદાઈ ગઈ. ઘરની ચોપાસ ગામલોક સૂનમૂન જમા થયું હતું.

ઓરડેઓરડો ફેંદીને ફતેહખાન બહાર નીકળ્યા, "કંઈ જ નથી, સાહેબ !" કહીને શરમિંદા બન્યા, ત્યારે બહાર ઘોડાગાડીનો સંચાર સંભળાયો. ન્યાયાધીશ સાહેબ દોડતા અંદર આવ્યા; ફતેહખાન પ્રત્યે બોલી ઊંઠ્‌યાઃ "બહાર બાપુ પધારેલ છે; કહે છે કે જડતી બંધ કરો. ગંઠો જડી ગયો છે."

"હેં ગંઠો જડી ગયો ?" એક અવાજ સંભળાયો.

એ બોલનારી કારભારી સાહેબની સુવાવડી પુત્રી હતી. સહુનું લક્ષ ત્યાં ગયું.

"ગંઠો જડયો કે ? મારા બાપુએ નો’તો ચોર્યો કે ? હેં, નો’તો ચોર્યો કે ? ચોર બીજા હતા કે ? બાપુજીને અમથા અમથા ચૂંથ્યા કે ? હેં-હેં-હેં-હેં-"

એવું બોલતી, હસતી, ચીસો પાડતી, રડતી, દાંતિયાં કરતી એ સુવાવડી દીકરી નીચે પટકાઈ. પરસાળના પથ્થરોએ એનું માથું ફોડી નાખ્યું.

વૃદ્ધ કારભારીએ માથું ખોળામાં લીધું ત્યારે એમાં જીવ નહોતો રહ્યો.

(પૂર્ણ)

શારદા પરણી ગઈ!

મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊંઠ્‌યાઃ "આવી, બા...પા! કો’ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્‌યાં સમજો, બાપા! બાપડાને બિલાડાનો અવતાર લઈ આખો ભવ ’વ...ઉ! વ...ઉ!’ કરવું પડશે, બાપા!"

"આજ કાંઈ પત્રિકાઉં વેંચાઈ છે ગામમાં?" બીજાએ મૂળાનાં પાંદડાં ઝોળીમાં પેસાડતાં પૂછ્‌યું.

"એ બધો દારૂગોળો આ મોટરમાં હશે, અત્યારે નહિ, બરો...બર ટાંકણે જ ભડાકો કરશે આ રાજેશ્વરભાઈ!"

"કોની? હેં, કોની - રાજેશ્વરભાઈની મોટર હતી?"

એ સવાલ શાક-મારકીટની હાટડીએ હાટડીએ ફરી વળ્યો. તે પછી શાક લેવા આવેલાઓનાં નાનાંનાનાં વૃંદોમાંથી કંઈક અવનવા ઉદ્‌ગારો ઊંઠ્‌યાં જેમાંના કેટલાક તો માત્ર વિચિત ભાવ દાખવનારા અવાજો જ હતાઃ "બાપો! બાપો! તાલ, માલ ને તાશેરો!"

"આલા, આલા, આલા! ભાઈ ચાલીસિયા, તેરા કાલા!"

"મારો વાલીડો! મકરાણી કાદુ જેમ ગામડાં માથે ત્રાટકતો ને એમ જ આ રાજેશરીઓ ત્રાટકે છે, હો કે!"

"પણ આજનું ખોરડું ઠીક લાણમાં આવ્યું છે. ભારી ઉફાંદે ચડયા’તા બેટા!"

"કોણ?"

"પેલો વિભૂતિયો, અને એનાં તમામ વા’લાવાલેશરી. એની સગી બેનને સાચવી રાખે છે કોઈક પચીસ વર્ષના વિલાયતી સારૂ. અને પેલી એની આશ્રિતને વટાવવા બેઠાં છે પિસ્તાલીસ વર્ષના ત્રીજવરની પાસે."

"ત્યારે તો, ચાલોચાલો, આપણેય રાજેશ્વરભાઈને બનતી મદદ કરીએ."

શાક-મારકીટ તરફથી ઘેર જતાં લોકોએ બજારમાં સહુને જાણ કરી દીધી પણ રાજેશ્વરભાઈની સહીવાળી પત્રિકા દુકાનેદુકાને આ આગમચ જ વહેંચાઈ ગઈ હતી. રાહદારીઓ એ પત્રિકા વાંચતાં વાંચતાં એકબીજાં જોડે, તેમ જ ગાયો-ભેંસો જોડે પણ ભટકાતાં હતાં.

કારણ કે પત્રિકાની ભાષા બહુ અસરકારક હતી.

લોકો મોટા અવાજે કંઈક આવા શબ્દો વાંચતાં હતાં કે -

અમારા લોહીને અક્ષરે લખાયેલી -

અમે અમારૂં લોહી છાંટીશું

દરેક યુવકનું લોહી ઊંકળવું જોઈએ.

આ લગ્ન નથી, લોહીનું વેચાણ છે.

આમ ’લોહી’ શબ્દ પત્રિકામાં બંદૂકની ગોળી-શો ઊંછળતો હતો, અને ઉચ્ચ વર્ણના હિન્દુઓ, વનસ્પતિના આહારી હોવાથી, ’લોહી’ શબ્દના ઉચ્ચારે ચમકી ઊંઠતા હતા. તેઓને એમ જ લાગતું કે જાણે તેઓની નજર સમક્ષ જ કોઈ કપાઈ રહેલ છે.

ગામના જુવાનિયાઓ જંગેશૂર હતા. તેમને શાંતિ ગમતી નહોતી. ’યૌવનને શાંતિ કે સમતા હોઈ શકે નહિ’ એ રાજેશ્વરે આપેલો મુદ્રાલેખ જવાનોએ પીધો હતો. તેના કેફથી ભરેલી જુવાનોની આંખોએ આજે પોતાની સામે એક સમરાંગણ જોયું - ને એ સમરાંગણમાં ’લોહી’ની નદીઓ વહેતી કલ્પી.

વિભૂતિના ઘર ઉપર ધસારો કરવાને માટે રાજેશ્વરના આદેશ માત્રની રાહ જોઈ ઊંભેલા જુવાનો રણશિંગડાં ફૂંકતા હતા, અને રાજેશ્વરભાઈના ’સેવા મંદિર’ના દરવાજા પાસેથી પસાર થઈ રહેલ પનિહારીઓને પત્રિકા આપતા હતા. પનિહારીઓ પૈકીની જે જે આનાકાની કરતી હતી તેને તેને જુવાનો આ જ શબ્દો કહેતા કે "તમારી જ એક બહેનનાં લોહીમાંસનું આજે લિલામ..."

સુગાઈને થૂંકતી પનિહારીઓ અધૂરે વાક્યે જ ત્યાંથી ચાલતી થતી. જુવાનો આ જુગજુગની પતિત અબળા જાતિની જડતા ઉપર હાસ્ય કરતા પાછા બ્યૂગલો બજાવતા.

આ બ્યુગલના પડઘા અને આ પત્રિકાઓના થોકડા વિભૂતિને ઘેર પણ પહોંચી ગયા. થોડીવાર થઈ ત્યાં તો વિભૂતિ જે શાળામાં શિક્ષક હતો તે શાળાની જુવાન કન્યાઓ કેસરિયા રંગની સાડીઓ પહેરીને નાના નાના વાવટા ઉડાડતી આવી પહોંચી. તેઓ જે ગાન ગાતી હતી તેમાં આવા કશાક શબ્દો હતાઃ

અટકાવીશું!

અટકાવીશું!

લોહીનાં લિલામ અટકાવીશું

બીજું જોડકણુંઃ

વિભૂતિભાઈ!

તમે ભાઈ કે કસાઈ!

ઊંઠો, માંડવડે લાયઃ

આંહી ગાવડી કપાય-

હાય! હાય! હાય! હાય!

કન્યાઓ આખરે થાકીને ચૂપ થઈ. કેટલીક તો રડતી પણ હતી. તેઓએ પૂછ્‌યુંઃ "વિભૂતિભાઈ, અમારે શારદાબહેનને જોવાં છે."

વિભૂતિ જવાબ આપે તે પહેલાં જ ત્યાં બેઠેલ એક પુરૂષે કહ્યુંઃ "શારદાને અત્યારે ફુરસદ નથી."

"ફુરસદ નથી! એવું જૂઠું શીદ બોલો છો?" આગેવાન કન્યાએ રોષ બતાવ્યોઃ "કહોને કે મળવા નથી દેવાં!"

"બિચારી પારેવડીને પૂરી રાખી છે;" બીજી કન્યાએ ભેદાતે કંઠે કહ્યું.

ત્રીજીએ ઉમેર્યુંઃ "શારદાબહેન આંહીં ઘરમાં છે કે કેમ તે વાતનો જ મને તો હવે વહેમ છે."

"ક્યાં ઉપાડી ગયા છો?" ચોથીથી ન રહેવાયું.

"બહેનો!" પેલા અજાણ્‌યા પુરૂષે ઉત્તર દીધોઃ "મને બીક છે કે હવે પાંચમી કોઈ એમ જ બોલશે કે શારદાને મારીને ભોંમાં તો ભંડારી નથી નાખી ને! માટે, ચાલો, હું તમને શારદા કને લઈ જાઉં."

કન્યાઓના ટોળાને મકાનની અંદર લઈ જતા એ પુરૂષનાં કપડામાંથી અત્તરની સુગંધ મહેકતી હતીઃ એનો લેબાશ રેશમનો હતોઃ પગમાં સુંદર ચંપલ હતાં, ને મોંમાં મીઠી તમાકુવાળી સિગારેટ સળગતી હતી.

"હવે અહીં અટકો;" એણે સહુને એક ખાલી ઓરડામાં ખડાં કર્યાંઃ "ને ચૂપચાપ એક વાર આ બારીમાંથી તમારી બહેનપણીને નિહાળો. કોઈ બોલશો નહિ."

કન્યાઓએ ત્યાં ઊંભાંઊંભાં જોયું કે દૂરના એ ખંડમાં એક શારદા હતી, ને બીજી હતી હીરા. હીરા વિભૂતિની સગી બહેન, ને શારદા એની દૂર દૂરની, માબાપવિહોણી, નિરાધાર, આશ્રિત બહેન.

આ શારદા! જોનારી કન્યાઓ વિસ્મયમાં પડી ગઈ. ખાદીનાં જાડાં કપડાં વિના કશાંને ન અડકનારી શારદા તે વખતે રેશમના શણગારો સજી રહી છેઃ બુટ્ટાદાર પીળા રેશમની સાડીના સળ પાડતી શારદા પોતાના દેહ આખાને સમાવી લેનાર એક કબાટજડિત આયના સામે મલપતી ઊંભી છેઃ એના અંબોડામાં ગુલાબની વેણી છે, હીરાજડિત ચીપિયા છેઃ ટ્રંકો ને ટ્રંકો ખુલ્લી પડી છેઃ અક્કેક ટ્રંકમાંથી જુદી જુદી વસ્તુ, કોઈમાંથી તેલ, કોઈમાંથી અત્તર, કોઈમાંથી હાથની બંગડી ને કોઈમાંથી એરિંગ શારદા પોતાના શરીરે સજી રહી છે.

અને શારદાની આ સમૃદ્‌ધિ સામે લોલુપ, લાચાર, ગરજવાન મોં વકાસીને નીરખી રહી છે.

હીરા કાકલૂદી કરે છેઃ "શારદાબેન! ઓ શારદાબેન! મને એ એક એરિંગ આપશો?"

"લે...!" એમ કહેતી શારદાએ અંગૂઠો દેખાડયો.

"બાપુ છો ને! ભાઈશા’બ છો ને!"

"હં...! મને તું ટગવતી હતી આટલાં વર્ષો સુધી! બબ્બે આનાનાં ખોટાં એરિંગ પણ તારે માટે મામી લાવતાં; ને મને?... ભૂલી ગઈ? ભૂલી ગઈ એ બધું?"

"હવે એમ શું કરો છો, શારદાબેન! તમારે શી ખામી આવી જવાની છે!"

"આ લે! તારા જેવું કોણ થાય!" કહીને શારદાએ હીરા તરફ એક સાચા નંગનું એરિંગ ફેંક્યું.

એક ભિખારીના કંગાલ ભાવથી હીરાએ એરિંગ ઉપાડી લીધું, ને એ શારદાને પગે બાઝી પડી.

"લે, હવે છોડ, હીરા!" શારદાએ પગ સંકોરતાં સંકોરતાં રૂવાબ છાંટ્‌યોઃ "મારે પાછાં એમની જોડે મોટરમાં જવું છે છબી પડાવવા."

"મને નહિ લઈ જાઓ, હેં શારદાબેન!"

"ક્યાં? છબી પડાવવા? અમારી જોડે! તેં ને વિભૂતિભાઈએ ને મામીએ તે વર્ષે જોડે બેસીને છબી પડાવી ત્યારે મને અંદર બેસવા દીધી હતી? મને જોડે લઈ જઈને પછી બહાર રડતી ઊંભી રાખી હતી - યાદ છે? ને પછી હું બહુ રડી, એટલે ટીકુને તેડીને મને એક ચાકરડી પેઠે ફોટામાં તમારી સહુની પછવાડે ઊંભી રાખેલી - યાદ છે?"

હીરા નીચે જોઈ ગઈ. શારદાએ કહ્યુંઃ "તારે મોટરમાં આવવું હોય તો, ચાલ, ઝટ તૈયાર થા. પણ, ગાંડી, ફોટામાં તે વર વહુની જોડે તારાથી બેસાય! તું ઊંભી ઊંભી જોજેઃ અમે ફોટો પડાવશું."

પેલા ખંડમાંથી આ અંદરનો તમાશો જોતી વિદ્યાલયની કન્યાઓ સ્તબ્ધ બની હતી. શારદાને ચોધાર આંસુડે રૂદન કરતી નિહાળવાનું સ્વપ્ન ભાંગી ગયું. અહીં તો શારદાના જોબનનું સરોવર છોળો દેતું હતું.

ટ્રંકેટ્રંકને જતનથી તાળાં વાસીને અંગના અનેક મરોડો કરતી શારદાને સોનાની ચેઈનમાં પરોવેલી ચાવીઓના ઝૂડાને સોનાના આંકડિયા વતી પોતાના કમ્મરે લટકાવ્યો. હીરા તરફ તિરસ્કાર ભર્યા કૃપાકટાક્ષ ફેંકતી ફેંકતી ને નવનવી ચીજો માટેની હીરાની કાકલૂદીઓ સાંભળતી, એ બહાર નીકળતી હતી.

વચ્ચે જ હીરાની બા એને મળ્યાં. હીરાએ કહ્યુંઃ "બા, શારદાબેનને કહો ને મને એમનું પેલું એક બ્લાઉઝ આપે!"

બાએ હીરાને કહ્યુંઃ "શારદા! મારી શારદી તો બહુ મોટા દિલની છે. એને હવે શી ખોટ છે! આપશે આપશે! કેમ નહિ. શારદા!"

શારદાએ આજે પહેલી જ વાર કોઈ યોદ્ધાનો વિજય-મદ અનુભવ્યોઃ મામી - આ ખુદ મામી - જેમણે મને આજ સુધી હરેક શુભ અવસરે કે સુખને પ્રસંગે તારવવામાં, તરછોડવામાં, પોતાની હીરાથી હેઠી પાડવામાં પાછું વાળી જોયું નથી, તે જ મામીના મોંમાં આજે ’મારી શારદા’!

વિદ્યાલયની બહેનપણીઓને તો શારદા ભેટી જ પડી. બીજી કશી પૂછપરછ થાય તે પહેલાં તો શારદાના મોંમાંથી ટપ ટપ રસભર્યા ઉદ્‌ગારો છૂટ્‌યાઃ "આ જોયાં મારાં એરિંગ...?

"આ બાજુબંધ તમને કેવા લાગે છે?...

"આ લૉકેટમાં મારે એમની નાનકડી છબી પડાવીને મૂકવી છે...

"આ કાંડા-ઘડિયાળ તો એમણે મને બે વર્ષ પહેલાં ભેટ આપેલું. હવે તો એ કહે છે કે જૂનું થયું, બદલાવી નાખ. આ જૂનું તો હવે હીરા માંગે છે. છોને હીરા પહેરતી! એને બિચારીને કોઈ નહિ લઈ આપે."

કન્યાઓ બધી દિગ્મુઢ ઊંભી હતી. ધીરેધીરે એ બધી પણ નજીક આવી. શારદાનાં એરિંગો, લૉકેટ, હાર અને બૂટાદાર સાડી ઉપર અનેક હાથો કુમાશથી ફરવા લાગ્યા.

બહાર મોટરનું યંત્ર ચાલુ થયું.

"હું અત્યારે તો નહિ બેસી શકું;" શારદાએ સહુની ક્ષમા માગીઃ "જુઓ, મોટર મારી રાહ જુએ છે ને અમારે ફોટો પડાવવાનો છે અત્યારે ચાલો ત્યારે... પછી નિરાંતે મળશું."

કપડાંના ઘેરદાર ઘુમરાટથી ઓરડાની હવાને કંપાયમાન અને મહેકમહેક કરતી શારદા બહાર નીકળી ત્યારે એણે જુદો જ તમાશો જોયોઃ બે-ત્રણ મોટરગાડીઓ ઊંભી હતી. જુવાનોના હાથમાં પત્રિકા, બ્યૂગલો અને વાવટા હતા. રાજેશ્વર પોતાના હોઠ પીસીને, છટાદાર અદબ ભીડીને બેઠો હતો. રાજ્યની પોલીસના ઉપરી અધિકારી પણ યુનિફૉર્મ ધારણ કરીને કમ્મરે તમંચો ટિંગાડતા આવી પહોંચ્યા હતા.

સુગંધી તમાકુની સિગારેટ પીતા પેલા આધેડ પુરૂષની જોડે રાજેશ્વરને વાતો થતી હતી.

રાજેશ્વરે કહ્યુંઃ "આપની ઉંમર આજે પિસ્તાલીસ વર્ષ, બે માસ અને સાડા-ત્રણ પહોરની છે. અમે આપની જન્મકુંડળી મેળવી લીધી છે. આપ આ બાબતનો ઈન્કાર નહિ કરી શકો."

"કેમ નહિ કરી શકું?"

"કેવી રીતે!"

"એ જન્મકુંડળી તો બનાવટી છે."

"તો આપનું સ્કૂલ સર્ટિફિકેટ પણ શું ખોટું!"

"હા જ તો; અમે સ્કૂલમાં પણ ઉમ્મર ખોટી લખાવેલી..."

"આપની ઉમ્મર કેટલી?"

"પૂરાં સાઠ વર્ષની."

"મશ્કરીની આ વાત નથી, આપ આ બહેનની જોડે લગ્ન નહિ કરી શકો."

"મારી જોડે કરવાં કે તમારી જોડે તે તો એ તમારાં બહેનને જ પૂછોને!"

"આપ તો પાંચ વર્ષ પછી મરી જાઓ એવી ધારણા છે."

"તો પછી આપને ’ચાન્સ’ રહેશે ને!"

"આ માણસ બિનજવાબદાર છે. ક્યાં છે શારદાબહેન?"

"આ રહી હું..." શારદા બહાર આવી.

"બહેન, તમે...તમે..." રાજેશ્વર શારદાના રસ-છલકતા દીદારથી ઓઝપાયો.

"શું, ભાઈ? મેં તમારૂં શું બગાડયું છે?"

"તમે ફસાયેલાં છો; અમે તમને બચાવવા આવી પહોંચ્યા છીએ."

"ભાઈ, તમે ભૂલો છો. મને કોઈએ નથી ફસાવી. આ લગ્ન મેં મારી દેખતી આંખે જ કર્યું છે."

"બહેન, તમારી આંખ ભૂલી છે."

"છતાં તમારી આંખે દોરાવા હું તૈયાર નથી."

"બહેન, આ લગ્ન કજોડું છે."

"કશો વાંધો નહિ; મને ગમે છે ને મેં કર્યું છે. હું કાયદેસર ઉમ્મરલાયક છું."

"બહેન, તમે વર કરતાં ઘર ઉપર જ વધુ મોહાયાં છો. તમારી બુદ્‌ધિનો હ્યસ થયો છે."

"ભાઈ, હવે વધુધટુ બોલવાની જરૂર નથી. તમારી કોઈની બહેનદીકરીના ઉપર હું શોક્ય બનીને તો નથી જતી ને?"

"તમે કેળવણી લજવી!" કહીને રાજેશ્વર પોલીસ અમલદાર તરફ ફર્યા, ને બોલ્યાઃ "આ બાઈને મતિવિભ્રમ થયો છે. એને આ લોકની અસરમાંથી નિકાલીને આઠ દિવસ અમારા ’સેવા-મંદિર’માં રખાવો."

"એ અમારા અધિકારની વાત નથી;" કહીને પોલીસ અમલદાર ઊંઠ્‌યાઃ "બાઈ કાયદેસર ઉમરલાયક છે."

"ત્યારે તો અમે અમે હવે અમારા અધિકારને જોરે જ આ લોહીનાં લિલામ અટકાવીશું." એટલું કહીને રાજેશ્વરે વિભૂતિ તરફ આંખો માંડીઃ "તેં નવા યુગની કન્યાઓ કને ભાષણો આરડયાં, તારી બહેનોને નવું ભણતર ભણાવ્યું; શારદાએ નિબંધો લખ્યા અને સ્ત્રી-પરિષદોમાં ઠરાવો મૂક્યાઃ તે બધું..."

"તે બધું તમે સહુએ પઢાવેલું ને ભજવેલું નાટક." વિભૂતિએ પોતાની ચુપકીદી તોડીઃ "રાજેશ્વર, તારે શું જોઈએ છે?"

"તારી બહેનનું યોગ્ય લગ્ન."

"એટલે કે, ભાઈ, તમે જેને પસંદગી આપો તે લગ્ન ને?" શારદા બે ડગલાં આગળ આવીઃ "ને તમારી મરજી વિરૂદ્ધનું લગ્ન મને પરણનારને મીઠું લાગતું હોય તો પણ, તમારી મરજી નથી માટે, મારે ન પરણવું એમ ને? એટલે કે જૂના કાળની ન્યાતોનાં મહાજનો તોડીને એને ઠેકાણે હવે તમે તમારી જોહુકમીને સ્થાપવા માગો છો એમ ને? કૃપા કરીને પધારો. હવે અમારે ફોટો પડાવવા જવાનું મોડું થાય છે. જુઓ, સાંજ પડી ગઈ છે. ચાલો!" કહીને શારદાએ એના પિસ્તાલીસ વર્ષના પતિનો હાથ ઝાલ્યો.

પતિએ મોટર ભણી જતાં જતાં રાજેશ્વરને કહ્યુંઃ "શારદાને જલદી વહેલું વૈધવ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરાવજો ને!"

રાજેશ્વરે આ લગ્નની શક્ય હતી તેટલી તમામ ફજેતી કરી લીધી, છતાં લગ્ન થયું તો થયું, પણ શારદાના ખાસ આગ્રહથી માંડવાના શણગારો, દીવારોશની, વાજિંત્રો ને જલસાઓ, વરઘોડો ને મહેફિલ વગેરે તમામ લહાવા લૂંટાયા. વર-વધૂ ક્ષેમકુશળ પોતાને ગામ ચાલ્યાં. જતાંજતાં સ્ટેશન ઉપર શારદાએ સહુ લોકોના દેખતાં હીરાને બોલાવી, પોતાનું જૂનું કાંડા-ઘડિયાળ કાઢ્‌યું, ને હીરાને કાંડે બાંધતાં બાંધતાં કહ્યુંઃ "યાદ છે ને? મામીએ તને બે આનાનું ખોટું જાપાની ઘડિયાળ લઈ આપેલું, તે મેં મારા હાથ પર બાંધેલું ત્યારે તેં આવીને એ ઝૂંટવી લીધેલું; ને મામી બોલેલાં કે એક તો આશ્રિત, અને વળી વાતવાતમાં હીરાનો વાદ! યાદ છે ને?"

કાંડા-ઘડિયાળ બંધાઈ રહ્યું, ને શારદા પોતાના વિજયના વાવટા સરીખો રૂમાલ ફરકાવતી આગગાડીના પાટાના વાંકમાં અદૃશ્ય બની.

"મોઈ!!!" હીરાની બા સ્ટેશન પર સ્તબ્ધ બની રહ્યાંઃ "એને તો વેર વાળવું હતું વેર! વાળ્યું બરાબરનું."

"બા!" વિભૂતિએ પોતાની વાત કહીઃ "બહુ બહુ દબાવવી પડેલી અભિલષાઓએ બહાર નીકળવાનો માર્ગ શોધ્યો."

*

"આપણા કાળા વાવટાની કશી જ કારી ન ફાવી. કેટલી નફ્ફટ!" ગામના જુવાનોએ નિઃશ્વાસ નાખ્યો.

"આ દેવેન્દ્રે નકામો રાજેશ્વરને ચડાવ્યો." એક જુવાને બીજા એક જુવાન પ્રત્યે આંગળી ચીંધી.

દેવેન્દ્રે દાઝથી સળગતાં કહ્યુંઃ "આખરે તો સ્ત્રી ખરી ને! એને સાયબી જોઈતી’તી."

"હા, અને દેવેન્દ્ર શારદાને એમ આગ્રહ કરતો’તો કે તારે સાયબી નહિ પણ સુંદરતા જ સ્વીકારવી જોઈએ!" બીજાએ કટાક્ષ કર્યો.

"અ...હો!" બીજા જુવાનો દેવેન્દ્રની દાઝનો ભેદ સમજ્યાઃ "ત્યારે તો આ દિવ્ય સૌંદર્ય કેવળ પેલી દિવ્ય સાયબીનું હરીફ જ હતું, કેમ!"

એમ કરતાં કરતાં સ્ટેશન ખાલી પડયું; ને રાજેશ્વર પણ જ્યારે પોતાની મોટરકારમાં ઢગલો થઈને પડયો. ત્યારે અરણ્‌યને માર્ગે એને મનોમંથન શરૂ થયું; આ પણ પેલી જુનવાણી જાલિમીનું જ પુનરાવર્તન નથી શું? ’સમાજ’ - ’સમાજ’ને નામે આ મારી નવી આપખુદી નહોતી શું?

મેં શરૂઆત કરી ’સ્ત્રીની સ્વતંત્ર પસંદગીનું લગ્ન’ એ શબ્દો વડે; ને હું આજે આવીને ઊંભો છું ’મારી પસંદગીનું લગ્ન સ્ત્રીએ કરવાનું છે...’ એ શબ્દો ઉપર!

ન જોયો એનો જીવન-ઈતિહાસઃ ન ઊંકેલ્યું એનું લાગણીતંત્રઃ ન પિછાની મને ચડાવનારાઓની છૂપી મનેચ્છા ને પછી તો વળગી રહ્યો કેવળ મારા અંગત વિજયની જ વાતને!

મને સાચેસાચું શું ખટકે છે?

શારદાનો મેં માનેલો વિનાશ?

કે મારો તેજોવધ!

રાજેશ્વરની મોટરકારના ધૂળ-ગોટાને પોતાનાં કપડાં પરથી ખંખેરતા લોકો ફરી પાછાં શાકભાજી ખરીદતાં બોલ્યાં કે, "આ વખતે આને કાંઈક ચાંપી દીધું લાગે છે પેલા પિસ્તાલીસિયાએ!"

એકાદ વર્ષ પછી રાજેશ્વરે પોતાના પર આવેલો એક કાગળ વાંચીને મોં મલકાવ્યું. એમાં લખ્યું હતુંઃ

તમારા નાના ભાણેજને રમાડવા તો આવી જાઓ એક વખત!

લિ. સેવક

પિસ્તાલીસિયો.

રમાને શું સૂઝ્‌યું!

ગાડી ઊંપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો.

રાવબહાદુર સુમંતે નજર કરી તો રસ્તો બંધ કરવાનું કોઈ પણ કારણ નહોતું; સડક ટ્રાફિક વગરની, નદીના પટ જેવી સાફ હતી. માત્ર એક ગવલી એની તાજી વીંયાયેલી ગાય લઈને ઊંભો હતો. તેને ગાય દોરીને રસ્તો પાર કરવા દેવાની ખાતર જ લાલજીએ રાવબહાદુરની ગાડી રોકાવી.

ગાયનું વાછરડું, કે જે પાછળ રહી ગયું હતું. તેને તેડી લેવા ગવલી ફરીથી રસ્તો વીંધીને આવ્યો; વાછરડાને સહીસલામત ગાય ઊંભી હતી ત્યાં પહોંચતું કર્યું. ભાંભરતી ગાય બચ્ચાને ચાટતી ચાટતી ચૂપ થઈ ત્યારે જ લાલજી સિપાહીનો હાથ સ્ટેશન રોડને મોકળો કરી તળાવ રોડ પર ખેંચાયો.

રાવબહાદુરે ગાડી ચાલુ કરી લાલજીની નજીકમાંથી હાંકી. લાલજીએ સલામ કરી, રાવબહાદુરે સલામ ઝીલી નહિ; એમની આંખોમાંથી અંગાર ઝરતા હતા.

થોડે જ છેટે ગયા ત્યાં તો રાવબહાદુરે સડકની સામે દૂર દૂર ટ્રેઈનને ચાલી જતી જોઈ. મોટરમાં બેઠેલ પોતાની પુત્રીને એણે કહ્યુંઃ

"રમુ, બેટા ! એ કમબખતે જ આપણને ટ્રેઈન ચુકાવી."

"પપાજી ! આપણે પોલીસ-ઉપરી સાહેબનું ધ્યાન ખેંચવું જોઈએ."

"હા જ તો. સીધાં ત્યાં જ જઈએ. પછી જ ઘેર જઈશું."

ગાડી પાછી વાળીને લાલજીના પહેરા તળેથી નીકળવાની ઈચ્છા રાવબહાદુરને બિલકુલ નહોતી. એમણે એક ગલીમાં ગાડી વાળી, પણ ત્યાં નવું પાટિયું લાગેલું હતું કે ’રસ્તો બંધઃ એક બાજુની ગલી’.

લાઈલાજ રાવબહાદુર ટાવર ચોક તરફ વળ્યા. લાલજી ઊંભો હતોઃ એની આંખોમાં સુરમાની દોરીઓ ખેંચાઈ ગઈ હતીઃ એણે ઝીણી મૂછોને વળ દઈ અણીઓ વીંછીના આંકડાની માફક ઊંંચે ચડાવી હતીઃ એણે માથા પર પાઘડી જરા ટેડી મૂકેલી હતી.

મોટરને એની નજીકમાં લગભગ ઘસાતી થંભાવી રાવબહાદુરે સંભળાવ્યુંઃ "મૂછોના વળ ખેંચાઈ જશે. માણસને ઓળખ્યાપાળખ્યા વિના જ હાથના ડાંડા ઊંંચાનીચા કરો છો કે ?"

"મહેરબાની કરકે ટ્રાફિક કો મત ઠહરાઓજી..." કહીને લાલજીએ રાવબહાદુરને વિદાય દીધી.

ચાલી જતી મોટરમાંથી ડોકું કાઢીને રમાએ લાલજી સિપાહીને જ્યાં સુધી જોઈ શકાયું ત્યાં સુધી જોયા કર્યું...

પોલીસ અધિકારીન બંગલા ઉપર સાંજના સમયે જ્યારે લાલજીને ખડો કરવામાં આવ્યો ત્યારે પિતા-પુત્રી બેઉ ત્યાં બેઠાં હતાં.

રાવબહાદુરે અંગ્રેજીમાં પોલીસ અમલદારને એવું કહ્યું સહેજ મલકાતે મોંએ કે ’બીજું તો કંઈ નહિ, રમાને એક ખાસ પિછાન કરાવવા સારૂ જ આ ટ્રેનમાં ટ્રિપ પર મોકલવાની હતી..."

રમાનું મોં, જળાશયને બંકી ગરદને ચૂમી રહેલા ગલફૂલની પેઠે, નીચું ઢળ્યું.

"ધૅટ મેઈક્સ ધ થિંગ મચ મોર રિગ્રેટેબલ ચએ તો વળી વધુ ખેદજનકૃ," કહીને પોલીસ-ઉપરીએ સિગારેટની રાખ રકાબીમાં ખંખેરી.

લાલજી જ્યારે સલામ ભરીને રૂવાબભરી અદબથી ઊંભો રહ્યો, ત્યારેય એની મૂછોના આંકડા કૈસરશાહી છટાથી ઊંંચા ખેંચાયા હતાઃ આંખોમાં સુરમાની શ્યામ વાદળીઓ હતી, એના પઠાણશાહી પાયજામાના સળ, લાંબા ખમીસનો ઝોળ અને ટોપી ફરતો મુગલાઈ બાંધણીનો નાનો આસમાની ફટકો - તમામની અંદર એક જાતનો જંગલી મરોડ હતો.

"હમ તુમકો ડિચાર ચડિસ્ચાર્જૃ દેગા, યુ બ્રૂટ !"

એ છેવટના વાક્ય સાથે ઉપરીએ જ્યારે પગ પછાડયા, ત્યારે લાલજીનો સીનો વીફર્યો. તૂટું-તૂટું થતી ખામોશીને થોડી ઘડી ટકાવી રાખીને એ એટલું જ બોલ્યો કે, "ડિચાર દેના હો તો અભી જ બિલ્લા-પટા લા દેતા હૂં, સા’બ; મગર જબાન સમાલ કે બોલો, હુઝુર !"

ઉપરી ખાસિયાણા પડયા. એનું તીર તૂટી પડયું. એણે બગડતી બાજીને સુધારવા બીજો પ્રયત્ન કર્યો; જરા શાંતિ ધરીને નરમાશથી કહ્યુંઃ "મગર દેખો, લાલજી ! અપની ઔર અપના તમામ બેડાકી ઈજ્જત તુમ્હારે હાથોમેં થી. ઈન બાનુકો કિતના નુકસાન હુવા ! તુમ ઉનકા દરગુજર માંગના ચાહિએ."

"મૈંને કાનૂન બજવાયા હે, સા’બ ! દરગુજર મેં નહિ મંગતા."

"બેસમજ લડકા !" ઉપરીએ પથારો સંકેલ્યોઃ "જાઓ, ઔર અભી સે હોશિયાર રહો !"

લાલજીના ગયા પછી પોલીસ-ઉપરીએ બન્ને મહેમાનોને ઘણી ઘણી દિલગીરી દર્શાવી અનેક રીતે સમજ પાડી કે આ પોલીસ લોકો કેવા જંગલી પ્રદેશમાંથી હિંસક પશુઓ જેવા અહીં ચાલ્યા આવે છે, અને એમને સભ્ય બનાવતાં કેટલો લાંબો સમય લાગે છે.... વગેરે વગેરે.

રાવબહાદુરે પૂછ્‌યુંઃ "પણ આ માણસને નોકરીની આટલી બધી બેતમા કેમ છે ? એ બરતરફ થાત તો શું કરત ?"

"અરે રાવબહાદુર ! જંગલમાં જઈને લાકડાંની ભારી વીણી આવત. એવી બેહાલીમાં પણ એની આંખનો સુરમો, એની પાઘડીની ટેડાઈ અને એના મિજાજની ખુમારી ન ઉતરત."

પછી તો રમાને આવા બેતમા લોકોની વાતોમાં વધુ રસ આવવા લાગ્યો. એણે પોતાની ખુરસી વચલા મેજની નજીક ખેંચી, અને ’આ લોકો’ વિષે પોલીસ-ઉપરી ’કાકા’ને અનેક પ્રશ્નો કરવા માંડયા. કાકાએ પણ પોતાના બહોળા અનુભવની સમૃદ્‌ધિ ઉખેળી. ’આ લોકો’ની એકનિષ્ઠાના, બહાદુરીના, ઝનૂનના તેમ જ પ્યારના કિસ્સાઓ પણ તેમણે પોતાની સાંભરણમાંથી ટાંકવા માંડયાઃ "અરે ભાઈ, જેસંગો સિપાહી કોળી હતોઃ એને લઈને એક અમલદાર, - નામ નહિ કહું - એની છોકરી ભાગી ગઈ. વળતે દિવસ તો છોકરીના વિવાહ થવાના હતા; છતાં, કોણ જાણે શાથી, એ જેસંગાની જોડે ભાગી - ને, સાંભળવા પ્રમાણે, જેસંગો એ છોકરીને ખાતર રાનરાન ને પાનપાન થઈ ગયો.

"બીજો અફલાતૂન નામનો મિયાણો પોલીસઃ ગામના ચીફ જજ સાહેબની વિધવા પુત્રવધૂનો બોલાવ્યો રાતે બંગલા પર ચડયો. ખબર પડી. પોલીસોએ કહ્યું કે ઊંતરી જા ને સુપરત થા નહિતર ફૂંકી દેશું. મિયાણો કહે કે, નહિ ઊંતરૂં; હું જીવતો છું ત્યાં સુધી આ બાઈના બેહાલ નહિ થવા દઉં, એની આડે ઊંભો ઊંભો જ ગોળીઓ ઝીલીશ. માફ કરજો બેઅદબી, પણ, રાવબહાદુર, મરદનો બચ્ચો પટકાયો ત્યાં સુધી બાઈનું કાંડું ઝાલીને જ ઊંભો રહ્યો. કાંડું ન છોડયું"

આમ, શઢમાં પવન ભરાય ને જેમ મછવો છૂટે, તેમ જ પોલીસ-ઉપરીના મગજમાં વાતોનો પવન ભરાયો. દસેક સિગારેટોની રાખની ઢગલી ચઢી, ને મોડાં મોડાં મહેમાનો ઘરે જવા ઊંઠ્‌યાં.

રમાને લઈને સ્ટેશન પર જે વ્યક્તિને મળવા જવાનું હતું તે ભાઈ વીરભદ્ર હતા. વીરભદ્ર એક સુંદર, શિષ્ટ અને જ્જ્ઞાનપ્રેમી જુવાન હતા; વિલાયતથી પાછા વળેલા હતા; ને કોઈ સારી, સુખની નોકરીની શોધમાં હતા. રાવબહાદુર સુમંત પણ રમાને માટે કોઈ મુરતિયાની શોધમાં હતા. આમ, શોધે ચડેલા બે માણસોને એકબીજાની જાણ થઈ હતી. બેઉએ સ્ટેશન પર મળવા કરેલો સંકેત બર ન આવ્યો, તેથી ચાર-પાંચ દિવસે વીરભદ્ર એક ઠેકાણે નોકરીની શોધ કરી પાછા ફર્યા ત્યારે એમને ઉતારી લેવામાં આવ્યા.

બે દિવસ રમા અને વીરભદ્ર જોડે રહ્યાં. બેઉએ એકબીજાને ઓળખવાનો બારીક પ્રયત્ન કર્યો.

બન્નેને એકબીજાંનો મોકળો પરિચય થાય તે સારૂ થઈને રાવબહાદુર જાણીબૂઝીને ઘરમાંથી દૂર થઈ જતા; પત્નીને પણ પોતાની જોડે લઈ જતા.

એકલાં પડેલાં બેઉ ઉમેદવારોમાં વીરભદ્રની ભદ્રતા વિલસી રહી. એની સુજનતા, શાંતિ, નૈતિક જવાબદારીનું સતત સાવધાન ભાન અને એનું અગાધ જ્જ્ઞાન-ડહાપણઃ આ બધાંમાંથી રમા જે શોધતી હતી તે રમાને જડયું નહિ.

"આપણે પેલા પહાડોમાં ફરવા જશું ?" રમાએ સંધ્યા નમતી હતી ત્યારે પૂછ્‌યું.

"અત્યારે.... આટલા મોડા.... કોઈ શું કહેશે.... ?"

પહાડોમાં ઘૂમવાની મસ્ત ઊંર્મિઓ ઉપર વીરભદ્ર જગતની ચોકીઓનો ઓળો ભાળતો હતો; અને ઘરની એકાન્તે બેઠાંબેઠાં અને કોઈની પહેરેગીરીનો ભય નહોતો. તેથી, એ રમાના પગને પોતાના પગની આંગળીઓ વડે ચોરની માફક સ્પર્શ કરતો હતો.

"તે રાત્રીએ મેં સ્ટેશન પર તમારી ઘણી રાહ જોઈ હતી;" વીરભદ્રે કહ્યું.

"તો પછી ઊંતરી કેમ ન પડયા ?"

"પણ છેવટ સુધી તમારી વાટ હતી. પછી તો ગાડી ચાલી...."

"તો છલંગ કેમ ન મારી ?"

"મનમાં એમ કે, કંઈ નહિ.... સાહેબને મળી આવું; નોકરીનું નક્કી થઈ જાય તો ઠેકાણે પડીએ. પછી આપણે તો મેળાપનો સમય છે જ ને !"

રમાને આ ભાષામાં કોઈ ઊંર્મિનો તણખો નહોતો જડતો. નોકરીની અને ’ઠેકાણે પડી જવા’ની ચિંતાનું જ ઘડેલું જાણે પૂતળું હોય તેવો એને વીરભદ્ર ભાસતો હતો.

"નોકરીનું શું થયું ?"

"મારે એ જગ્યા જોઈતી હતી તે તો ન જ મળી. સાહેબ કહે કે એ હોદ્દા પર તો એવો માણસ જોઈએ કે જે સામાજીક જીવનનું કેન્દ્ર બની શકે."

"એટલે ?"

"એટલે કે જેના ઘરમાં ખૂબ ભણેલગણેલ, સંસ્કારી, વાર્તાલાપમાં પ્રવીણ અને સુંદર પત્ની હોય."

"સુંદર પત્ની ?"

"હા-હા-હા..." વીરભદ્ર હસ્યોઃ "જુઓને પેલા ...ને કલેક્ટરમાંથી લઈ બીજી એક જગ્યા પર મૂક્યા, ને ... ભાઈ એનાથી વધુ બાહોશ છતાં ન મુકાયા; કેમ કે ઉપરી અધિકારીએ ભલામણમાં સ્પષ્ટ લખેલું કે મિ. ...ને સંસ્કારી, વાર્તાપટુ અને સુંદર પત્ની છે."

રમા ચૂપ રહી. વીરભદ્રે ઉમેર્યુંઃ "એટલે જો તમે સાથે હોત તો સાહેબનો અભિપ્રાય કંઈક બીજો જ થયો હોત."

વળતે દિવસે રાવબહાદુરે જ્યારે રમાને છેલ્લો વિચાર પૂછી જોયો ત્યારે એમને ચોંકાવનારો જવાબ મળ્યોઃ "થોડા મહિનાની રાહ જોઈએ."

વીરભદ્રને આથી ઊંંડું દુઃખ થયુંઃ રમા કેટલી ગણતરીબાજ છે ! મારી નોકરી નથી થઈ અને કદાચ થાય કે નહિ થાય એવા અવિશ્વાસમાં પડીને જ રમા છ મહિનાનું પગથિયું મૂકે છે. એને તો માયરામાં સપ્તપદી પૂરી કરીને આઠમું પગલું મારી પોતાની મોટરમાં જ મૂકવું છે; નવમે પગલે તો એને હરિયાળો, ફૂલ્યોફાલ્યો બગીચો જોઈએ છે !

રોષે બળતો વીરભદ્ર વિદાય થયો તે પછી રમાએ ઘરમાં જુદા જ પ્રકારની મોકળાશ અનુભવી.

રાવબહાદુરની જોડે જ રોજ સાંજે ગાડીમાં નીકળનારી રમાને હવે પછી નમતા બપોરે ગાડી કાઢીને એકલા નીકળવાનું દિલ થવા લાગ્યું. અને, સૌથી પ્રથમ તો, ટાવર ચોકમાં લાલજીના પહેરા તળેથી જ પસાર થવાની શરમ તોડવાનો એણે મનસૂબો કર્યો.

તે દિવસે લાલજીએ રમાની ગાડી બાજુનો ટ્રાફિક રોકી રાખ્યો ત્યારે રમાને આ માણસ તરફ ઘૃણા ન થતાં માનબુદ્‌ધિ જન્મ પામી. મનમાં થયું કે, આ માણસની ખુમારી તો જુઓ ! બરતરફીની કે નોકરીમાં ખરાબ શેરો થવાની કશી જ બીક વગર, ઈરાદાપૂર્વક એ મારી ગાડીને અટકાવીને ઊંભો રહ્યો છે.

ત્રીજી વાર તો પિતાને અટકવું જ પડે એવી ઈચ્છા જન્મે છે. અને એ જ કારણે રમા ગાડીને ધીરી પાડે છેઃ લાલજીનો હાથ આ તરફ ઊંંચો થવાનો મોકો જોયા પછી જ મોટરને ત્યાં લઈ જઈ ખડી કરે છે.

બેઠીબેઠી એ આ સિપાહીને, એની ચેષ્ટાને, એના સીનાને બારીકીથી અવલોકતી હતી...

રમા જેવી કુળવાન, ખાનદાન કુમારિકાન મનોવ્યાપાર તે વેળા કઈ ખાઈમાં ગબડતા હતા ?

થોડા દિવસ પછીની એક રાત્રિએ પાછલા પહોરનો ચંદ્રમા ઝળાંઝળાં થયો હતો, ત્યારે રાવબહાદુરના બંગલામાં સૂનકાર પથરાઈ ગયો....

રમા એની પથારીમાં નહોતી.

રમાની બાએ હાંફળાંફાંફળાં બની આંગણું ને અગાસી તપાસ્યાં. રાવબહાદુરને જગાડયા ને એણે ધ્રૂસકેધ્રૂસકે રોવું આરંભ્યું કે "મારી રમા કયાં ? રમા નથી. ઝટ શોધ કરો. મારી રમુ, મારી રમુડી...."

રાવબહાદુરે પત્નીને ચેતાવી કે "છાની રહે, છાની રહે - નહિ તો હમણાં જ શહેરમાં બધામાં ધજાગરો બંધાશે; મારી સાત પેઢીની આબરૂ પર પાણી ફરી જશે."

"તમારી આબરૂમાં પાણી ફરો કે આગ લાગો પણ મને મારી રમુનો દેહ જેવો હોય તેવો જીવતોજાગતો લાવી આપો. દીકરી મારી ક્યાં ગઈ ? ક્યાં હશે ? કૂવામાં મીંદડીઓ નખાવો, ખેતરો-કોતરો જોવરાવો...."

જેમ ફાવે તેમ રડારોળ કરતાં જૂના જમાનાનાં પત્નીને ચૂપ રાખવાનું કામ સહેલું નહોતું. માતાના હ્ય્દયનો ધોધ વિવેકની પાળો તોડીને વછૂટ્‌યો ત્યારે એ આબરૂ અને દુનિયાઈ ડહાપણના તમામ મિનારા જળબંબોળ થવા માંડયા.

રાવબહાદુર ચૂપચાપ પોલીસ અધિકારીને મુકામે ચાલ્યા ગયા. પછવાડેથી પત્નીને દમની હાંફણ ચઢી ગઈ; શ્વાસ પણ નહોતા લેવાતા એવી હાલતમાં એમણે લમણે હાથ મૂકીને રમાના જન્મથી માંડીને વીસેવીસ વર્ષનાં ઝીણાંમાં ઝીણાં સંભારણાં ઉકેલવાનું આદર્યું. માતાનું હ્ય્દય, પાઈએ પાઈનો હિસાબ રાખનાર વાણિયાના ચોપડા જેવું, યાદ કરવા મંડી પડયું કે ’અરેરે ! બાપડી દસ વરસની થઈ ત્યાં સુધી સુરવાલ પહેરતીઃ અરેરે મોઈ ! એના બાપ ગામડાંની ફેરણીમાં નીકળતા ત્યારે દરિયાકાંઠાનાં ગામોમાં ગરાસિયાનાં ચરતાં ઘોડાંને માથે છાનીમાની સવારી કરતીઃ મોઈને ઘોડાં પછાડતાં તે ઘેર આવીને છાનીમાની હળદર લેપ લગાવતીઃ અરેરે ! મોઈ લગામ વગરનાં, અજાણ્‌યાં ઘોડાંને કેવી દોટો કઢાવતી ! એના ઘૂંટણ ઉપર હજુ એ પછાડના કેટલા ડાઘ છે ! ને હું નોઈ એને, ઉપર જાતે વેલણ સાણસી મારીને શિક્ષા કરતી - અરેરે...’

"બા ! ઓ બા !" ગંગુ - ઘરની જૂના કાળની વફાદાર નોકરડી - સમજાવવા લાગીઃ "બા, તમે બુમરાણ ન કરો ને ! ઘરની આબરૂનો તો વિચાર કરો !"

"મને કશા જ બીજા વિચાર નથી. અરે મારી રમુ ! ગામડાંની ગલીઓમાં કોળણો ગરબે રમે ત્યાં જવા કેવી તલપાપડ થતી ! તાજપર ગામના તાજિયા જોવા સપારણો જોડે ચાલી જતીઃ રંગનાથને મેળે જવા તો માથાફોડ કજિયો.... પછી એના બાપા સોટી વગર બીજી વાત જ નહોતા કરતાઃ અરે ચૌદ વર્ષની થઈ ત્યારથી તો આ સડક પાસેના ઓરડામાં જવાની જ મારી રમુને મનાઈઃ જાણે ઘરનો કોઈ ચુંવાળિયો ચોર ! ને મોઈ રમુડીય કેવી ! મોઈ કોણ જાણે કેવી ચડીલી થઈ હતી કે એ ઓરડામાં આવ્યે જ રહે, બારીઓમાંથી બહાર ડોકિયું કરે જ કરે. ને પછી એના બાપા મારે, હુંય મારૂં. હજુય એનાં ઢીમણાંના ડાઘા રમુના બરડામાં પડેલા છે. ને, અરેરે, હવે વીસ વરસની થઈ, વર ગોતવાની વેળા આવી.... ન પોસાય ગામડિયાં ઠેકાણાં, કે ન જડે મોટાં ખોરડાં - એટલે પછી સુધારાના રસ્તે ચઢાવી દીકરીને. અરે મોઈ ! મને તો આમાં કશી સૂઝ જ ન પડી.... આંખો આડે ઈંદ્રજાળ જ ઘેરાઈ ગઈ ! ને હું મારી દીકરી હારી બેઠી.... રે.... ઓ રમુ રે...."

વળતા દિવસની સવારે આકાશનો બ્રહ્‌માંડ-દીવો અણુએ અણુની ચોરીછૂપી પ્રકટ કરતો હતો, ત્યારે શહેરથી દસેક કોસ ઉપર, સેંજળી નદીના ખડક ઉપર, બેઉ જણાં બેઠાં હતાંઃ રાવબહાદુરની પુત્રી રમા, અને પઠાણ બાપ તથા બામણી માતાના સંયોગમાંથી નીપજેલો પુત્ર સિપાહી લાલખાં ઉર્ફે લાલજી. લાલજી પોતાના હાથની મુઠ્‌ઠી ઉપર પોતાનું પાળેલ તેતર રમાડતો હતો. રમા છલું છલું સ્વરે વહેતી નદીના પાણીમાં પોતાના પગ ઝબકોળતી હતી.

અને રમા રડતી હતી.

"પણ તું રડે છે શા માટે ? મને અહીં તેડી તો તું જ લાવી ને હવે રડે છે !" લાલજીને અજાયબી થતી હતી.

પાળેલું તેતર જંગલની વિશાળ જન્મભોમને નીરખી, એ વિશાલતામાંય ન ઝીલી શકાય ને ન સમાવી શકાય તેટલા મોટા કિલકિલાટે પોતાના ના કંઠને ભેદતું હતું.

ધરતીમાં બાઝેલું ઝાડ તોફાની વાયરાને સુસવાટે જ્યારે જડમૂળમાંથી ઊંખડે છે ત્યારે એક જાતનું આક્રંદ કરે છેઃ કહેવાય છે કે કેળ જ્યારે વિયાય છે ત્યારે પણ પ્રસવની ચીસો જેવી ચીસો પાડે છે.

રમાના જીવનમાં એવી જ કોઈ ચીસ ઊંઠી હતી. એ ચીસ નહોતી કોઈ દુઃખ કે પશ્ચાતાપની; નહોતી શુદ્ધ સુખ કે સ્વતંત્રતાની. અકલિત કોઈ ઝંઝાવાત એનાં જીવન-મૂળને પૃથ્વીના પેટાળમાંથી ખેંચી રહ્યો હતો.

ઊંંચી ભેખડો પરથી રાવબહાદુર તથા પોલીસ-અધિકારીનાં શરીર ડોકાયાં ત્યારે લાલજી રમાને ખોળામાં લઈને પંપાળતો હતો.

ત્યાંથી એ જમૈયો લઈને ઊંભો થયો. એણે જમૈયાનું ચકચકતું પાનું બતાવીને જ બેઉને ચેતવણી આપીઃ "રાવબહાદુર !" પોલીસ ઉપરીએ સલાહ આપીઃ "આપ પાછા પહોંચો. હું આ પશુને કબજામાં લઉં છું. બે હશું તો એ વાઘ વીફરશે."

"રમા - મારી રમા !" રાવબહાદુરનો સ્વર ફાટી ગયો.

"ઓ મારા બાપાજી !" કહેતી રમા ભેખડ તરફ દોડી.

"નહિ..." લાલજીએ એને હાથ ઝાલીને થોભાવી; લાલ આંખો કાઢીને એણે કહ્યુંઃ "તું મને એકલાને જ ખતમ કરવા માંગે છે ? આવી બેઈમાની ? હવે તો બેઉ સંગાથે જ મરશું યા જીવશું."

રાવબહાદુર અદ્રશ્ય બન્યા. પોલીસ-અમલદારે લાલજીના સામે પોતાના બેઉ હાથ ઊંંચા કરીને પોતાની નિઃશસ્ત્રતાની એંધાણી બતાવી. લાલજીએ જમૈયો મ્યાન કર્યો. રમા ખડક પર બેસી ગઈ.

કુશળ કોઈ પશુશાસ્ત્રીની પેઠે મોં પર સ્મિત ધારણ કરીને પોલીસ-ઉપરીએ લાલજીને હાથ કર્યો; પહેલું કામ એણે એની પીઠ થાબડવાનું કર્યુંઃ "શાબાશ, દોસ્ત ! તેં પણ મર્દાઈ કરી ! અપમાનનું ખરૂં વેર લીધું ! કશી જ ફિકર નહિ. પણ જો, દોસ્ત ! તારી મા રોતી હોત તો તને શું થાય? આની મા છાતીફાટ રૂવે છે. એક વાર તેને મળી લેવા દઈએ. પછી તમે બેઉ ચાહે તો ધરતીના છેડા પર નાસી જજો. હજુ હમણાં તો આ છોકરી પણ અકળાશે ને તને મૂંઝવી નાખશે."

’મા રૂવે છે...’ એ બોલ લાલજીના તંગ દિલને ઢીલું પાડવા લાગ્યા. એણે પોતાની માને કબરમાંથી સાદ કરતી સાંભળી.

લાલજી માની ગયો.

રમાને લઈ, છેક સંધ્યાના અંધાર-પડદા પડી ગયા પછી જ, ગામમાં મોટર દાખલ થઈ.

લાલજી પાછો શહેરમાં પંહોચ્યો ત્યારે એને નોકરી પર ચડાવી લેવામાં આવ્યો.

ગામમાં ચણભણ ચણભણ તો થઈ ચૂક્યું હતું. મોટે અવાજે કોઈ બોલી શકતું નહોતું. ન બોલી શકનારાઓ પોતાની નૈતિક કાયરતાને છાપખાનાની ઓથ લેવરાવવા લાગ્યા. વર્તમાનપત્રોએ પોતાના ખાસ પ્રતિનિધિઓ મોકલીને લાલજી સિપાહીની તસ્વીરો મેળવી લીધી.

રમાનું શું કરવું ?

રાવબહાદુરે મુરતિયા શોધવા માંડયા.

રમાને વચમાં દેશસેવાની લગની લાગી હતી. એ રાષ્ટ્રધ્વજો વેચવા નીકળતી. ખાદીની ફેરી પર ગયેલી; ’પિકેટિંગ’ પણ કરતી.

કોઈ દેશભક્તને પરણાવશું ? સુખી થશે.

દેશભક્તનાં લગ્ન કરાવી આપનાર, કુલગ્નો તોડાવી નાખનાર અને લગ્નની બાબતમાં સમાજના કટ્ટર ચોકીદાર ક્રાંતિકારીઓનું એક મંડળ શહેરમાં ચાલતું હતું. એના સરદાર રાજેશ્વરભાઈની પાસે જ્યારે રાવબહાદુર પહોંચ્યા ત્યારે રાજેશ્વરે ટેબલ પર મુક્કીઓના હથોડા મારતેમારતે તાલબદ્ધ શબ્દોમાં કહ્યું કે "એમાં શી મોટી વાત છે, સુમંતજી ! માફ કરજો. હું તમને ’રાવબહાદુર’ તરીકે નથી સંબોધી શકતો - બાકી, રમાબહેનની આ વિકૃતિ જ છે માત્ર. એને શુભ વહેનમાં વાળી દઈ શકાશે. લગ્નના મુરતિયા તો મારા ગજવામાં જ પડયા છેઃ કહો, પછી કંઈ કહેવું છે ?"

"કોણ કોણ છે, કહેશો ?"

"એક તો અહીંના આર્ય મહિલા વિદ્યાલયના અધ્યાપક છે. બહુ સુશીલ યુવાન છે. પોતાની પત્નીને દેવી ગણી પૂજે તેવા છે. એની સદ્‌ગત પત્નીનાં કપડાં સુધ્ધાં એ ધોઈ દેતા; બાળકને સાચવીનેય પત્નીને સેવાકાર્યમાં ઘૂમવા દેતા. ઊંંચે સ્વરે સ્ત્રીને કદી કટુ શબ્દ સરખોય ન કહે તેવા ભાઈ છે."

"આ બનાવથી એમને કશો વાંધો નહિ આવે ને ?"

"નહિ નહિ. એ તો અતિ ઉદાર ભાવનાવાળા પુરૂષ છે; ક્ષમાદષ્ટિથી જોઈ શકશે. વળી રમાબહેન પણ વિદ્યાલયમાં ભણીગણી પોતાની વિકૃતિનું નિવારણ કરશે. અમારા તમામ શિક્ષકો પ્રખર માનસશાસ્ત્રીઓ છે."

એ અધ્યાપક ભાઈએ રાવબહાદુરને બંગલે તેડાવવામાં આવ્યા. રમાને, એ ઉમેદવાર નજરે પડે તે સારૂ, કંઈ ખબર આપ્યા વગર જ પિતાજીના દીવાનખાનામાં બેસારી રાખી હતી.

અધ્યાપક દાખલ થયા ત્યારે જાણે કે દરેક પગલું વિચારપૂર્વક ભરતા હતા. એના મોંમાંથી ’જી’, ’હાજી’, ’આપ’ વગેરે વિવેક-પુષ્પો ઝરતાં હતાં. એની હાથ જોડીને નમન કરવાની છટા અજંટાનાં ચિત્રોની યાદ દેવરાવે તેવી હતી. એમણે વાતવાતમાં કશોક સુગંધનો પ્રસંગ નીકળતાં પોતાની સુરૂચિનો ભાસ એવું કહીને કરાવ્યો કે "જુઓ સાહેબ, અત્તરની ખુશબો માદક છે, એ બહેકાવી મૂકે છે; જ્યારે અગરબત્તીની સુગંધ વાતાવરણમાં કેવી મીઠી સાત્ત્વિકતા પ્રસરાવી દે છે !"

રમા ઊંઠીને ચાલી ગઈ. એને આ કોઈ નમાલો માણસ જણાયો. અત્તરને વગોવનાર માણસ ઉપર વેર ઘડવાની એની દાઝ એને મેડી પર લઈ ગઈ. કબાટમાંથી એણે અત્તર કાઢીને પોતાને શરીરે લગાવ્યું ને પછી અરીસા સામે જોતી ઊંભી રહી.

સાંજે પોલીસ ઉપરી કાકા આવ્યા. રાવબહાદુરે એમને અધ્યાપકની વાતથી વાકેફ કર્યા.

પોલીસ ઉપરી ખૂબ હસી પડયા.

"કેમ ?"

"અરે રાવબહાદુર, રમાને માટે વર શોધો છો કે કંઈ સ્વપ્નલોકમાં વિહરો છો ?"

"તમારૂં શું કહેવું છે ?"

"એ કે કાં તો અમારી પાસે ફરીવાર શહેરના કૂવાઓ ડખોળાવવા માગો છો; કા એ પંતુજીનું ઘર ભૂંડે હાલે ભંગાવવા માગો છો; કાં એ બાપડાની પીઠમાં જમૈયો ખૂંતે એવી આપની નેમ છે અથવા તો પછી રમાને આખરે વેશ્યાવાડે ધકેલવા માગો છો આપ."

રાવબહાદુરના મોં પર રાતા-પીલા રંગો દોડધામ કરવા લાગ્યા. પોલીસ-ઉપરીએ કહ્યુંઃ ક્ષમા કરજોઃ દેશભક્તોને જેમ એમની ભાષા છે, સુધારકોને અને માનસશાસ્ત્રીઓને જેમ એમનીય શિષ્ટ ભાષા છે, તેમ અમારે પોલીસને પણ અમારી વિદ્યાનું મુકરર ભાષા-વાહન છે."

"તેનો નમૂનો તો તમે બતાવ્યો; પણ હવે શું ?"

"હવે એની મીમાંસા કરી બતાવું. પહેલું તો એ કે પેલો લાલખાં હવે એક જ મનસૂબો ઘડે છે."

"શાનો ?"

"રમાનું કાંડું ઝાલનારને જમૈયો હુલાવવાનો. કહોઃ તમારા દેશભક્ત પંતુજી રમાના કાંડાની કિંમત ચૂકવવા તૈયાર છે ? હોય તો પૂછજો. બીજું એ કે રમાના લગ્નનો સવાલ તે હવે કોઈ દેશ ભક્તોનો, સુધારકોનો કે માનસશાસ્ત્રીનો સવાલ નથી રહ્યો."

"હો-હો ! ત્યારે ?" રાવબહાદુર આ માણસની ભાષા-સમૃદ્‌ધિ પર મલકી ઊંઠ્‌યા.

"એ છે અમારો પોલીસનો કેસ."

"કારણ....""

"- કારણ કે રમા સુધરેલા સમાજનું નહિ પણ એક ગુનાહિત શકદાર ટોળીનું ફરજંદ છે...."

ફરીથી રાવબહાદુરનો ચહેરો કાનનાં મૂળિયાં સુધી રાતોચોળ બન્યો. એણે ફક્ત એટલું જ કહ્યુંઃ "તમે મારી અત્યારની મૂંઝવણોની મજાક કરો ત્યાં સુધી તો ઠીક, પણ રમાની બાનુંય નામ તમારી પોલીસની જીભ ઉપર ચડી ગંદું બને છે..."

"જી નહિ, રાવબહાદુર !" પોલીસ અમલદારે સિગારેટ સાથે બે હાથ જોડયા, ને દાઝતે દાઝતે કહ્યુંઃ "રમાનાં બાને પેટે તો હું દસ અવતાર લેવા તૈયાર છુંઃ પણ મારી ગંદી જીભ ઉપર તો આપનું જ સુગંધી નામ રમતું હતું."

આ માણસની વાચાળતા હવે ક્યાં જઈ કિનારો કરશે તેની રાવબહાદુરને કલ્પના જ નહોતી આવતી. પોલીસ ઉપરીએ આગળ ચલાવ્યુંઃ "સાંભળો, સાહેબ ! રમાબેનની ઉંમર કેટલાં વર્ષની થઈ ? વીસની ને ? વીસ વર્ષ ઉપર આપ હતા જ્યુડિશ્યલ ઑફિસર -મહીકાંઠાના મુલકમાં - ને હું હતો પ્રોસિક્યુટિંગ ઑફિસર. તે વખતે લાગટ છ મહિના લગી આપણી સમક્ષ ઈરાનીઓની રખડતી ટોળીનો મુકદમો ચાલેલો; ને મારી ડાયરી બોલે છે કે આપ, પાંત્રીસ વર્ષના જ્યુડિશ્યલ ઑફિસર, એ કેસ માંહેલી એક જુવાન ઓરતની જુબાની વખતે કોઈ અગમ કલ્પનામાં ગુમ થઈ જતા અને ટીકીટીકીને એને નિહાળતા હતા. એના લબાચા જોવાની જિજ્જ્ઞાસાથી આપે મને જોડે લઈ એના પડાવમાં ઘૂમાઘૂમ કરેલી ને પછી એ ઓરતની તસ્વીરો સહિત ’ટાઈમ્સ’માં ત્રણ લેખો પણ લખેલા... લોકવાયકા એવી હતી કે એ ઓરતે પાગલપુર ગામના ખેડૂતનું ખૂન કર્યું હતું તે છતાંય આપે એને જતી કરેલી; એના કામરૂ નાચ જોવા આપ ગયેલા... વગેરે વગેરે મારી ડાયરીમાંથી ઘણુંઘણું નીકળે છે. સાહેબ ! પણ મારે ટૂંકામાં આટલો જ સાર કાઢવાનો છે કે એ લોકોનાં નાચગાન અને રૂપગુણની ભરપૂર ખુમારીમાં આપ મસ્ત હતા, તે દિવસોમાં જ મારાં માતૃશ્રી તુલ્ય મિસિસ રાવબહાદુરને મહિના રહેલા એ આપને યાદ છે ?" રાવબહાદુરને આ પોલીસ ઑફિસર ભયંકર લાગ્યો. વાઈસરૉયની કારોબારી સભાના એકીક સભ્યથી માંડી પ્રત્યેક સિવિલિયનની પછવાડે સરકારે છૂપી રોજનીશીનો ને પોલીસની ત્રાંસી આંખનો બંદોબસ્ત કર્યાની વાત આજે એને પહેલી જ વાર સાચી લાગી. અને આ ભયાનક માનવીનાં સ્મરણોની કાળી, કારમી ખીણો વચ્ચે રાવબહાદુર સુમંતે એક રમ્ય, રૂપેરી ઝરણું જોયુંઃ લાંબા રેશમી કૂડતાવાળી, માથાનાં સુનેરી જુલ્ફાંને લાલ અટલસના રૂમાલિયામાં બાંધનારી, કાજળઘેરી, મદીલી ને નાનાં પોપચાં અરધાંપરધાં બીડનારી એ ઈરાની તોહમતદારણ રોશન જેના ખભા પરથી ઢળકતી બે ચોસર-ગૂંથી ચોટલા-દાંડીઓ રાવબહાદુરના હૈયાનાં મૃદંગો ઉપર જાણે થાપીઓ મારતી હતી. એને યાદ આવી પોતાની માગણીઃ "રોશન, બીજું કંઈ નહિ તો તારા લેબાસનું એક સંભારણું આપતી જા !"

ને રોશને લેબાસ આપેલો તે રાવબહાદુરે સાચવી રાખેલ હતો. બીજી બધી જ પુત્રીઓ એ લેબાસની ઘૃણા કરતી, ત્યારે એક રમા જ એનાં પરિધાન સજી કોઈ કોઈ ચંદ્રરાત્રિએ બારીમાં ઊંભી રહેતી.

"આપ જો યાદ કરી રહ્યા હો..." પોલીસ અધિકારીએ ચલાવ્યુંઃ "તો હું જરા સમાપ્તિ કરી લઉં, સાહેબ !"

રાવબહાદુરે જ્યારે ડોકું ધુણાવ્યું ત્યારે એની આંખો સજલ હતી.

"રોશન ઈરાનણનો અવતાર આપણાં રમાબહેનઃ એનો આમાં જરીકે દોષ ન જોજો, સાહેબ ! અને સુધારકોના કે માનસશાસ્ત્રીઓના ઘીંસરાના માર્ગો લેતાં પહેલાં વિચારજો, સાહેબ ! રમાને જો જીવવા દેવી હોય તો આપની ઈજ્જતને સામા પલ્લામાં મૂકવી પડશે."

"એટલે શું હું લાલજીની જોડે રમાને પરણાવું ?"

"અરે, રાખો રે રાખો, સાહેબ ! મારી જીભના ટુકડા જ ન કરી નાખું !"

"તો પછી ?"

"દેશભક્તો જોડે તો નહિ જ; તેમ ડાહ્યાડમરા, પત્નીભક્ત પંતુજીઓની જોડે પણ નહિ."

"ત્યારે, પણ, કોની જોડે ?"

"આપની જ ન્યાતના એક જુવાન છે."

"કોણ ?"

"રમણ ભરાડી."

"રમણ સટોડિયો ? એની જોડે મારી રમા પરણે !"

"પરણશે તો એની જોડે ને નહિ તો ભાગી જશે લાલજીની જોડે. રમાની ઉપર સત્તા સ્થાપનારો તમારી ન્યાતમાં રમણ પછી તો બીજો કોઈ હવે જન્મે ત્યારે ખરો."

"અરે ભાઈ, મારૂં નાક કપાય...."

"કાં તો નાકને જતું કરો નીકર રમાના જાનને જતો કરો. લાલજીના જમૈયાને ચૂપ કરે તેવો કોઈ હોય તો તે રમણ છે. હૉટલમાં જાય છે ત્યારે બેઠેલા તમામને ચા પાયા વિના પોતે પીતો નથી. જુગાર રમે છે ત્યારે અમારી પોલીસનું ધાડું અંદરના પાટલા ઊંપડી જતાં સુધી દરવાજા બહાર થંભી રહે છે, ને ગયા હુલ્લડમાં એક રમણ જ પોતાની મોટર લઈ ગલીએ ગલીએ ઘૂમતો, હિન્દુ તેમ જ મુસલમાન બેઉનાં ઓરતો-બાળકોને ગાડી ભરીભરી પોતપોતાના લતા પર પહોંચાડતો હતો."

"પણ.... એનું ચારિત્ર્‌ય ?"

"દૂધ જેવું નિર્મલ ન હોત તો હું એના નામ પર થૂંકત."

"શરાબ ?"

"છાંટો પીતો હશેઃ તે કાં તો રમાબહેન છોડાવશે - નહિ તો રમાબહેન પણ પીવામાં શામિલ થશે."

"રમાને એ ગમશે ? લાલજીની ધૂન છૂટશે ?"

"તે બધી વેતરણ હું કરી દઉં છું."

બીજો દિવસ હતો. પોલીસ-અમલદાર ટાવરચોકમાંથી પસાર થયા. લાલજી પહેરા પર હતો. ખબર પૂછ્‌યાઃ "કેમ, લાલજી !"

"સા’બ ! તુમને હમકો ફરેબ દિયા; હમારા સર કાટ લિયા."

"લાલજી ! ખલકના ખેલ એવા છે. તારામાં તુંપણું હોય તો અજમાવઃ રંડી આપોઆપ જવાબ દેશે."

"સાફ સાફ બોલ દેતા હૂં, સા’બ, મૈં રંડીકા નાક કાટ લૂંગા."

નાક કાપવાની ધમકી પોલીસ-ઉપરીએ રમાના કાન પર પહોંચાડી. એનું લોહી તપી ઊંઠ્‌યું. પછી એ પેલા તપેલા ચરૂને ખદબદાવવા માટે પોલીસ ઉપરી ત્યાં જાતે હાજર થઈ ગયાઃ "નાક કાપવાની ધમકી આપે એમ ? અને તારા નાકની રક્ષા કરનારો કોઈ મર્દ ન મળે ? તને રંડી કહેનારનાં ગાત્રો થરથર કંપી ન ઊંઠવાં જોઈએ ! એવા કોઈ રક્ષક વિના, રમા, બેટા, તુઈં હવે સલામત નથી..."

તે પછી થોડા જ વખતમાં પોલીસ-ઉપરી કાકાની કરામતને પરિણામે રમણ સટોડિયાની ગાડી રમાના દ્વાર પર આવી ઊંભી રહીઃ રમણના લલાટ પર ખુશબોદાર તેલે ચમકતાં જુલ્ફાં ઝૂલતાં હતાંઃ એના કોટનાં બાતુન ખુલ્લાં હતાંઃ એના કંઠમાં સોનાનો એક છેડો હતોઃ મોંમાં સિગાર હતીઃ હોઠ એક રૂપિયાવાળી પાનપટ્ટીથી રંગાયેલા હતા. રમાને પોતાની જોડાજોડ બેસાડીને રમણે બરાબર ટાવર ચોક પર ચલાવીઃ ચોકની વચ્ચોવચ્ચ ગાડી રોકીને રમણે બહાર ડોકું કાઢ્‌યુંઃ રિવોલ્વરને હવામાં વિંઝતો એ બોલી ઊંઠ્‌યોઃ "ખાનદાન ઔરતનું નાક કાપવાવાળાને મારે જોઈ લેવા છે - હાલ્યા આવજો માઈના પૂત હો તો !"

કહેવત હતી કે રમણ ભારાડીની જીભ જ્યારે છૂટી થતી ત્યારે લીલાં ઝાડ બળી જતાં. વનસ્પતિને બાળે તેવું ઘણુંઘણું એ બોલ્યો અને તેની સામે મુકાબલો કરવામાં લાલખાં મિયાંને પોતાની વાણી ઘણી કમજોર લાગી.

પછી એણે મોટરને વેગે ચડાવીઃ મોંમાં સિગાર, એક હાથ વ્હીલ ઉપર, બીજો હાથ રમાને ખંભે આંધીઓ ઉડાડતો સિત્તેર મૈલની ઝડપે ઊંપડયો.... નદીઓ, નાળાં, પહાડોના ગાળા ને અજાણ્‌યાં ખેતરો પર મોટર ખૂંદાવતો ગયો....

એવા વંટોળ-જીવનમાં રમાને કોઈ જલદ કેફ કર્યા જેટલી લહેર ચડી ગઈ. રમાને હવે કશું જ વિશેષ જોઈતું નહોતું.

(પૂર્ણ)

જયમનનું રસજીવન

“કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં -ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં.

દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છેઃ ઢોર વાગોળે છે ; કૂતરાં જીભ લસલસ કરે છે; કબૂતર ડોક ફુલાવીને ઘૂઘવે છે; કાબર ડોલતી ડોલતી ચાલે છે. મનુષ્ય પૈકી અનેક અધમીંચી આંખો રાખી એક પગે હિંડોળો ચલાવે છે; કોઈ ગાયન ગાય છે; કોઈ નાકમાંથી ગૂંગા કાઢે છે; કોઈ ચોટલી ઝાપટીને ગાંઠ વાળે છે; કોઈ દાંત ખોતરે છે. ખુશાલીનો કેફ દર્શાવનારી આવી અનેક ચેષ્ટાઓમાં જયમનભાઈની ચેષ્ટા એ હતી કે બે સુંદર પાનપટ્ટીઓ તૈયાર કરીને પછી રમાબહેનને બોલાવવાં : ‘કાં, તું આંહી આવે છે ને ?’

“એ ...આ આવી !” રમાબહેને રસોડામાંથી જવાબ દીધો.

થોડી વાર થઈ .જયમનભાઈને ઘણો સમય ગયો લાગ્યો ; ફરીને કહ્યું : “કાં, આ તારા સારૂ પાન બનાવેલું તે વાટ જુએ છે.’

“એ... આ ચૂલો પેટાવીને આવી.”

“ પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરીએ કે મજૂરીએ હાજર થવું છે ? ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી સહેવાતું નથી. સ્ત્રી-જાતિ પર ગુજરતો આ જુલમ.....”

ઘણુંખરૂં પુરૂષોને પોતાના ચા-પૂરી વડે ચિકાર થયેલા પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં જ આ ‘ સ્ત્રી - જાતિ પર ગુજરતા જુલમ ‘ ની વાત યાદ આવે છે, પણ જયમનભાઈનું કંઈ તેવું નહોતુંઃ આ તો એમની રગેરગમાં ઊંતરી ગયેલી લાગણી હતી.

“મારા હાથ ગ્યાસલેટવાળા છે; “ ચૂલામાં કાકડી મૂકીને રમાએ કહ્યું : “આ ધોઈને આવી”

“નહિ, ધોવા નથી : એમ ને એમ આવ.”

“હમણાં જ ધોઈ લઉં”

“ કહું છું કે એમ ને એમ ચાલી આવ “

રસોડાના ‘પાર્ટિશન’ની ચિરાડ સોંસરી જ રમાની આંખો ક્યારની જોઈ રહી હતી. રસોડામાંથી ઊંઠતા એના અવાજમાં જે મીઠાશ ગળતી હતી, કોણ જાણે શાથી , એની આંખોમાં નહોતી.

“આવછ કે નહિ?”

એ અવાજ હતો તો જયમનભાઈના જ ગળાનો, પણ એની અંદરના સૂર બદલાયેલા હતા, રમા સફાળી ઊંભી થઈને ઓસરીમાં ગઈ. જયમને કહ્યું : “કેટલીવાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું; બરાડા ન પડાવવા. આંહીં આજુબાજુ માણસોનો પડોશ છે- જાણછ ને ?”

રમાના મોંનો મલકાટ બતાવતો હતો કે એ અત્યારે હાસ્ય અને આંસુ બનેંની સરહદ ઉપર ઊંભી છે.

“લાવો પાન “ રમાએ બગડેલા હાથ ઉપર સાડીનો છેડો રાખીને અંજલિ ધરી.

‘નહિ, એમ નહિ ; ફાડ મોઢું”

“કોઈક દેખશે.” આજુબાજુના બારી-બારણાં ઉઘાડાં હતાં.

“ભલે ;મારે દેખાડવું છે , ઝટ મોં ફાડ ... ફાડછ કે નહિ ? વળી પાછી માથાકૂટ ?”

મદારીના હાથના દબાણથી ચંદન- ઘો મોઢું ઉઘાડે તે રીતે ઊંઘડેલા રમાના હોઠ વચ્ચે જયમને પાનની પટ્ટી સેરવી દીધી.

“વાહ ! બસ ! હવે ડાહી ખરી.” જયમને એના ગાલ પર ટાપલી કરીને કહ્યુંઃ ’કોઈ જોઈ જશે !’ બસ , એ બીક હજુ ગઈ નહિ. આપણે તે શું કોઈના જોવા સારૂ જીવવું છે ? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય. મને એવી પરવા નથી લોકોની. હવે ડાહી થઈને હાથ ધોઈ આવ. કંઈક બતાવું તને .”

પોતાને પ્રોવિઝનની દુકાન હતી, તેને પણ જયમને “શ્રી રમા રસમંદિર ‘ એવું નામ આપ્યું હતું. ઘેર રહીને તેણે રમાને શાક સમારી આપવાનું તેમજ ન્હાનાલાલ કવિની ચોપડીઓ વાચીં સંભળાવવાનું કાર્ય આરંભ્યું હતું.

આજ ની સવારની ટપાલમાં ભાવનગરના ‘વસંત સ્ટુડિયો’તરફથી પરબીડિયું આવ્યું છે. તેમાં થોડા દિવસ ઉપર પોતે અને રમાએ સાથે પડાવેલ છબીની એક પ્રત નીકળી છે. તે જોવામાં પોતે ગરકાવ થતાં બેઠા. છબી ફક્કડ હતી. ચૂલે આંધણ બડબડાટ કરતું રમાને જાણે કે એના આ કવેળાના સહજીવનને સારૂ ઠપકો આપી રહ્યું હતું; પરંતુ જયમનભાઈ એને છોડતા નહોતા. રમાને એ છબી બતાવતા હતા. રમાને પોતાનાથી એક તસુ પણ છેટી બેસીને છબી જુએ તે એમનાથી સહેવાતું નહોતું. “નજીક આવને !... હજુ નજીક! આવે છે કે નહિ ?” એમ કરી કરીને છેક પાસે બેસારી, એના ખભાઉપર હાથ દઈને પોતે છબી બતાવતા હતા.

“કહે જોઉં : આમાં તને વધુમાં વધુ શું ગમે છે?”

“બધું જ ગમે છે.”

“ ના પણ ખાસ ?”

“મને શી ખબર પડે?”

“આ જો : આ તું ખુરશી પર બેઠી છે ને હું ઊંભો છું, તે તો જાણે કે બીજાં બધાં સ્ત્રી-પુરૂષો પડાવે છે તેવું થયું. પણ મારે તો કંઈક વિશેષતા કરવી હતી. આ જોયું ? આનો ખ્યાલ હતો તને ?”

રમાને હવી ભાન થયું કે જયમને એના ખભા ઉપર , છેક ગળાને અડકે એ રીતે , હાથ રાખીને છબી પડાવી છે.

“જોયું? ખબર હતી?”

“ના, આ ક્યારે...”

“બરાબર ફોટોગ્રાફરે ચાંપ દાબી ત્યારે જ મેં ધીરેક થી આ યુક્તિ કરી નાખી હતી. તું તો તે વખતે એવી એકધ્યાન હતી કે તને ખબર જ શાની રહી હોય !”

રમાએ ખાસ કશો ઉમળકો ન બતાવ્યો.

“તું જુએ છે ને , રમા ? હું તો આપણા લગ્નજીવનને બીજા તમામથી કંઈકને કંઈક અદકેરૂં કરવા મથી રહ્યો છું. બીજાઓ જે ઉપલકિયા દંભો કરે છે, તે મારે ન જોઈએ. છો ને પછી લોકો મારાવિષે ગમે તેમ બોલે, જેઓ પોતાના જીવનમાં જ રસ નથી લઈ શકતા, તેઓ જ અદેખા થઈને આવી વરાળો કાઢે છે; આપણે તો સ્વર્ગે કે નરકે ગમે ત્યાં આંકડા ભીડીને એકસાથે જ સંચરવું છે.”

ચૂલા ઉપર આંધણની તપેલી વધુ ને વધુ ખિજાતી હતી. એલ્યુમિનિયમનું કાગળ જેવું બની ગયેલું ઢાંકણું વરાળના જોસે જ્યારે ઊંછળીને નીચે જઈ પડયું ત્યારે પાછી રમા જયમનભાઈનો હાથ હળવેથી હેઠો મૂકીને ઊંઠી.

“પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને ! ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે ! બેસ નીચે. એમ કહીને પાછો રમાનો છેડો ઝાલ્યો.

પ્રયત્ન્પૂર્વકનું હાસ્યકરીને રમા આ વેળા તો છેડો છોડાવતી છટકી ગઈ.

“ચૂલા-તપેલી ને પણ આપણી ઈર્ષા આવે છે, કેમ નહિ રમા?” જયમને સુંદર સાહિત્ય સરજ્યું.

રમા કશું બોલી નહિ, એને પેલી ’ક્યાં તારે વીણવા જવું પડે છે’ની ટકોર ગમી નહોતી.

“તું મૂંગી કેમ રહે છે ?” રસની આવી લૂંટાલૂંટ ફરી ક્યારે મળવાની છે ?... હાં - હાં પણ હું ભૂલી જાઉં છું કે તારૂં અંતર ભાવ થી એટલું ભરેલુ છે કે તારૂં મૌન જ એક કાવ્ય જેવું બની ગયું છે!”

મૌન બે જાતનું હોય છે; એક છલોછલ ભરેલા સરોવરનું ; અને બીજું ,થીજીને હિમ થઈ ગયેલ પાણીનું . જયમનની માન્યતા એવી હતી કે રમાના જીવનનું ખળખળ નાદે વહેતું જળ- ઝરણ અત્યારે પોતાનામાં લીન થઈ સરોવર ની શાંતિ પામ્યું હતું. પણ રમાની હ્ય્દય - તલાવડી જરી જરીયે લહેરિયાં નહોતી લેતી, એ વાત તેને સમજાઈ જ નહિ. એને ગમ જ ન પડી કે પોતે પોતાનું રસ નાવડું તરાવવા જ્યાં મથી રહો હતો ત્યાં પ્રવાહી પાણી નહોતું - જામેલો બરફ હતો.

“આંહી આવનારાંઓ છો જોઈ જોઈને બળતા...” એમ કરીને જયમને પોતાનો તથા રમાનો આ નવો ફોટો બરાબર પોતાની બેઠકની, બારણા સામેની જ દીવાલ પર લટકાવ્યો. રોજે રોજ પોતે એ તસ્વીર તરફ અને વિશેષ કરીને , રમાના ખભે મૂકેલ પોતાના હાથ તરફ એકીટશે તાકી રહેતો.

એક દિવસ બપોરે બાલુભાઈને ઘરેથી નિમંત્રણ આવ્યું; આજે સાંજે મિત્રોને માટે આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે, માટે તમે પધારજો.”

જયમને પટાવાળાને પૂછી જોયું : “નિમંત્રણ મારે એકલાને સારૂ છે કે મારી સ્ત્રીને સારૂ પણ છે ?”

“એ તો મને ખબર નથી , સાહેબ !”

ત્યારે જા, જઈને પૂછી આવ. કહેજે બાલુભાઈનેકે હું એકલો ક્યાંયે આનંદ સમારંભોમાં જતો નથી. યાદ છે ને, ન્હાનાભાઈ કવિએ પોતાનાં ’બાઈ’ને માટે અલાયદું નિમંત્રણ પત્ર ન હોવાથી અમદાવાદની કૉંગ્રેસની બેઠકમાં પણ જવાની ચોખ્ખી ના કહી હતી?”

નોકરને એવું કંઈ યાદ નહોતું; તેથી એ તો પાછો ગયો અને બાલુભાઈનો જવાબ લાવ્યો કે ‘મારે ઘેર કોઈ બાઈ માણસ હાલ છે નહિ, એટલે મેં તો સહુને ફક્કડને જ નોતર્યા છે. પણ તમારે રમાબહેનને લાવવાં હોય તો ઘણી ખુશીથી; મને વાંધો નથી; ઉલટાનો હું તો રાજી થઈશ’.

“બીજાઓને તો સ્ત્રીઓ ઘરની ચાકરડીઓ સરખી છે. એ લોકો શાના સાથે લાવે ? પણ મારો તો જીવન-સિદ્ધાંત છે. હું એકલો નહી જાઉં, રમા, તારે તૈયાર થવાનું છે.”

"પણ પણ...."

"પણ ને બણ. એમાં છૂટકો નથી.મારે તો દાખલો બેસાડવો છે.”

“પણ ત્યાં અજાણ્‌યા પુરૂષો વચ્ચે.”

“કોણ તને ખાઈ જવાનું હતું? અજાણ્‌યા હોય તેથી કંઈ ડરવાનું નથી. ભલેને તારા મોં સામે ટીકી ટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું !”

પાસે ઉભેલો તેમનો નોકર શરમિંદો બનીને બાજુએ જોઈ ગયો. રમા પણ ઝંખવાણી પડી.

“એમાં શરમાવનું શું છે?” જયમને જોર થી કહ્યું : “એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને ! વાણી અને વસ્ત્રોના આવા ખોટા ઢાંક્પિછોડાને લીધે જ બીજાઓની લાલસા વધારે બહેકી ઊંઠે છે.”

પતિના આવા છુટ્ટા વિચારો ઉપર વારંવાર વિશ્વાસ ટેકવવાની મહેનત રમા કરતી હતી પણ એને એવા અનુભવો થતા કે જેથી, લપસણા પથ્થર પરથી પગ લપસી જાય તે રીતે, એનો વિશ્વાસ પણ ધણીનાં આ સૂત્રો પરથી ઊંતરી જતો હતો.

તે દિવસે સાંજે જ એવું બન્યું કે રમા કપડાં પહેરીને તરત નીચે ઊંતરી ત્યારે જયમન જરા કડવી નજરે રમાના શણગાર પર તાકી રહ્યો.

“આ તારા પગમાં સ્લીપર ક્યાંથી ? .. ને આ આસમાની રંગ ની સાડી તો આપણે કદી લીધી જ નથી ને ?”

રમાએ કોઈ ગુનેગાર ની માફક કહ્યું ; “મને આ સ્લીપર અને સાડી લગ્ન ભેટ તરીકે મળ્યાં હતાં.”

“કોના તરફ થી?’

“મારા એક ભાઈ તરફથી.”

“એક ભાઈ તરફથી ! કયો ભાઈ ?”

“મારા પિયરમાં એક નર્મદામાસી નામનાં પડોશણ રહે છે; તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બંને જોડે ભણતાં તે દિવસથી એમણે મને બહેન કહી છે.”

“ઠીક ! ! ! “ એક ઘૂંટડો ઉતારીને પછી જયમને કહ્યું : “હું જાણે કેમ તને કશું ઓઢવા- પહેરવાનું ન લઈ દેતો હોઉં!”

“પણ હું એમ ક્યાં કહું છું ?”

“મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણે છે ને ?”

રમાએ એ આજે પહેલી જ વાર જાણ્‌યું.

“અને આ સ્લીપર ઉપર તો સહુની નજર નાચી રહેશે. તે કરતાં મેં આણેલાં રંગુની ચંપલ શાં ખોટાં છે?”

“તમે કહેતા’તા ને કે , બીજાંઓની ટીકાની આપણને શી પરવા છે ?”

“બસ , હું કહેતો’તો તેનો આવો અર્થ કરીયે નાખ્યો કે ?”

રમાને ગમ જ ન પડી કે તો પછી કેવો અર્થ કરવો જોઈએ.

“રહો , હું અબઘડી જ બદલાવી આવું.”

એમ કહેતી , જયમન સહેજ વિવેકથી ‘કંઈ નહિ હવે... ’ કહેતો રહ્યો તેની પરવા કર્યા વિના, રમા મેડી પર ગઈ, અને સાડી-સ્લીપર બદલાવી લાવી.

“વાહ ! સાંજના તડકામાં કેસરી રંગ હવે કેવો શોભે છે ! તું પણ ,રમા , રંગની રસિકતા બરાબર સમજે છે, હોં.”

જયમનનાં એ વખાણથી મોં મલકાવવા યત્ન કરતી રમાના હોઠ કેમેય મલકાટ કરી શકતા નહોતા. બે પૂછલેલા બળદો કોઈ ઊંંડા કીચડમાંથી ગાડું ખેંચવા મથતા હોયને જાણે એવો તે બે હોઠનો પ્રયત્ન હતો.

“આમથીજ ચાલશું ને?” એમ બોલી, બજારનો પાધરો માર્ગ છોડી જયમને બાલુભાઈને ઘેર જવાનો લાંબો, ફેર વાળો રસ્તો લીધો.રમાનાઉપરએ છત્રી ધરીને ચાલ્યો. રસ્તે ખેડૂતોની ને ગોવાળોની વહુ-દિકરીઓ મોં આડા ઓઢણાંના છેડાદઈને ઊંભી ઊંભી જોઈ રહી.

જયમન કહે : ‘છો ને જુએ ! આપણને એની શી પડી છે !”

પછી રસ્તામાં એણે કેટલાય મિત્રોના સંસાર -જીવનના દાખલા રમાને સંભળાવ્યાઃ “ધૂળ પડી નટુના બી.એ. થયામાં; બિચારી શાંતા તો ચોવીસેય કલાક ગોંધાયેલી ને ગોંધાયેલી, પ્રવીણ ભાઈ દાકતર આખા ગામને ઘેર ઘેર છેક રસોડે પેસીપેસીને ભાઈબંધોની પત્નીઓના હાથેથી ચા પી આવે; પણ પોતાને ઘેર જુઓ તો, બસ જાણેકે અઢારમી સદીના ઓઝલ અને પડદા.

વેણીલાલ આમતો મુનશીના સાહિત્યને વખાણનારો; છતાં એને ત્યાં જઈએ, એટલે પહેલાં પ્રથમ અંદરનં બારણાં બરાબર બંધ કર્યા પછી જ અમને બેઠકમાં દાખલ કરે. જીતુભાઈને બાપડાને વરસને વચલે દા’ડે વહુ-બાળકોને લઈને નદી કાંઠે ફરવા જવાની ઈચ્છા થાય, તો વહુ -છોકરાંને મોકલે ઉત્તર તરફથી ને પોતે ચોરીછૂપીથી પૂર્વ દરવાજાનો ચકરાવો ફરીને નદીએ પહોંચે ! મોહનશેઠની સુખાસંપત્તિને શું આગ લગાડવી છે ! સગો દિકરો એકનો એક છતાં ન વહુની જોડે ગાડીમાં બેસીને નીકળી શકે, કે ન નાટક સિનેમા જોવા લઈ જઈ શકે...

"એ તમામના કરતાં આપણે કેવાં સુખી છીએ , રમા !”

જયમનભાઈની રમા સાથેની એકએક ગોષ્ઠીનું તારતમ્ય આ હતું; પ્રણયના પ્રત્યેક ગાનનું ધ્રૂવપદ આ એકજ હતું : " એ સહુના કરતાં આપણે કેટલાં સુખી છીએ- હેં રમા !”

આ વાક્યનો ગર્ભિત અર્થ પણ એટલો જ હતો કે ‘એ બધા પુરૂષો પોતાની સ્ત્રીઓને અધમ રીતે રાખે છે, જ્યારે મારો વર્તાવ કેવો છે ! તું કેટલી નશીબદાર !”

રમા પતિના દરેક વાર્તાલાપનો આવો મર્મ પકડતાં શીખી ગઈ હતી, અને અહોરાત એ પોતાનું આ ઉગ્રભાગીપણું અંતરમાં ઠસાવવા કોશિશ કરતી હતી. પોતે આવા વરને પૂર્ણ હ્ય્દયથી કેમ ચાહી શકતી નથી તેવાતનું વલોણું એનાં મનમાં નિરંતર ઘૂમ્યા જ કરતું હતું. પરંતુ, કોણ જાણે શાથી, ‘રમા , આંહી આવ !’ એ પતિ-વાક્ય કાને પડતાંની વાર જ રમાને એવો કંટાળો આવતો કે કેમ જાણે જયમનના ઉઘાડા દેહની નજીક જતાં એને કોઈ રોગ્િાષ્ઠ પરસેવાની દુર્ગંધ ન આવતી હોય ! કોઈ ગોબરા માણસની સાથે એક થાળીમાં જમવા બેસતાં જેવી સૂગ ચડે, તેવી સૂગ આ સ્ત્રીને વર સાથે સહજીવન જીવવામાં ચડતી હતી.દરેક વાતમાં એને વરની નબળી બાજુ જ યાદ આવી જતી. ભાવનગરથી આવેલ ફોટોગ્રાફ ઉપર એને કંટાળો છૂટેલો; કેમકે ફોટો પડાવતાં પહેલાં પાંચજ મિનિટ ઉપર કંઈક કારણસર જયમને એના ઉપર દાંત કચકચાવેલા. શાક સમારતી વેળા જયમના ઝીણીઝીણી સૂચનાઓ કર્યા જ કરતો હતો કે ,’તું આટલું તેલ મૂક અને હિંગ મરચું લસણ વગેરેનો વઘાર આ રીતે જ દે.’ એબધું રમાને કડવું લાગતું. પોતે પિયર પર કાગળ લખે તો તેમાં વર કાનો માત્રા અથવા મીંડાની સાચી ભૂલ બતાવે તે પણ તેને અફીણ જેવું લાગતું. વધુ અકારૂં તો એ ભૂલ સુધારવી પડે તે હતું . એથીય વધુ ખટકનાર વાત તો એ હતી કે જયમન પોતે પાછો પોતાના લખેલા સુંદર પત્રો, “જો, કાગળ આમ લખીએ...’ એમ કહીને , જોવા આપતો. ને પછી તો, ઊંંધાં ચશ્માં વાટે બધું જ ઊંંધું દેખાય એ ન્યાયે , ‘પત્રલેખનની કળા’ નામનું પુસ્તક જયમને તાબડતોબ મંગાવી આપ્યું તે ય રમા ને સાલ્યું હતું. અને પેલી આસમાની સાડી ઉતરાવીને નવી પહેરાવેલ કેસરી સાડી જયમને વખાણી કે તરત જ, તે ક્ષણથી પોતાને શરીરે કોઈ પીતવરણી જ્વાળાઓ ન વીંટળાઈ વળી હોય એવી ઊંલટી લાગણીમાં રમા બળબળવા લાગી હતી.

બન્ને જણા દાખલ થયાં કે તરત જ બધા પુરૂષોએ પોતાનાં ઠઠ્‌ઠા -મશ્કરીબંધ પાડી દઈને આ એકાકી સ્ત્રી તરફ અદબ બતાવી, બાલુભાઈએ જયમન અને રમાની બેઠક પડખોપડખ જ રખાવેલી, તે પર બન્ને બેઠાં. પોતાની સ્ત્રી ઉપર આટલી બધી આંખો એકાગ્ર થશે એવી કલ્પના જયમનને પહેલેથી જ ન આવી તેનો એને પરિતાપ થયો; પણ હવે તો નોક રાખ્યા સિવાય ઈલાજ નહોતો.

“કાં , બાલુભાઈ ! “ બેટ્‌સમેન ઊંઘડતી રમતે જ બાઉન્ડરી લગાવે તેવો ફટકો જયમને લગાવ્યો : “ઉષાબેનને પિયર વળાવી પાછળથી આ મહેફિલો કે ! ગળે આઈસ્ક્રીમ ઊંતરશે કેમ ?”

હમણાં તમે જોશો તેમ !” બાલુભાઈએ ટીખળ કર્યું : “ આપણું તો, ભાઈ, બધું જ આદર્શથી ઊંલટું. આવી નિરાંત બધી વેજા ઘરમાં હોય ત્યારે ક્યાંથી મળે ?”

‘જોયા આ પુરૂષો !” એવી સૂચક નજર જયમને રમા તરફ ફેંકી, પણ ત્યાંથી જોઈએ તેવો પડઘો ઊંઠયો નહિ.

એ રીતે અનેક ટોળટીખળ ચાલતાં હતાં, અને જયમન પોતે બાઉન્ડરી ઉપર બાઉન્ડરી લગાવીને બીજા સહુને ઝંખવાણા પાડી રહ્યો છે એમ સમજતો હતો. દરમિયાન , બાજુએ બેઠેલા સ્નેહીઓ રમાબહેનનો પણ ક્ષોભ મટાડવા તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. રમા પોતાના વરની વાતોમાંથી સરી જઈને આ બીજાઓની સાથે ભેળાઈ ગઈ. એનાં હાસ્ય અને સ્વર જયમનને કાને અથડાતાં થયાં. રમાના મોં ઉપર જાણે આજે પહેલી જ વાર સંધ્યા ખીલી ઊંઠી.

’પત્નીના જીવનનો સૂર્ય તો હું છું, તે છતાં એના અંતરનો ઉઘાડ એને અત્યારે પરાયાઓ પાસેથી કેમ મળી રહ્યો હશે ?’ આ સમસ્યા જયમનના મનમાં ઘોળાતી થઈ; એટલે બીજા ભાઈબંધો કેવી નીરસ ઢબથી જીવી રહેલ છે તેનો ખ્યાલ રમાને આપવાની મહેનતમાં પડી ગયો. એણે બાલુભાઈ ઉપર જ ’બોમ્બાર્ડમેન્ટ ’ચાલુ રાખ્યોઃ " ઉષાબહેનને ગયાં કેટલા મહિના થયા, હેં બાલુભાઈ ?”

“પાંચ.”

“એમાં તમે કેટલા કાગળો લખ્યા ?”

“બેઃ એક પત્તું ને એક કવર .”

“ગઝબ- ગઝબ છાતી તમારી !”

“અમારા તો , યાર , જૂના જમાનાનાં લગનઃ લાકડે માકડાં જોડી દીધેલાં! એમાં અઠવાડિયે બે વાર પત્રની આવ-જા ક્યાંથી સંભવે ?”

“ને ઉષાબહેન પાસે જઈ આવ્યા એકેય વખત ?”

“ના રે , રેલગાડીને નાહક કોણ ખટાવે !”

“સિનેમા જોવા તો છેક મુંબઈ સુધી દોડો છો !”

“શું કરીએ , ભાઈ! સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારી ફિલમ તો એક વાર આવી તે આવી !”

"મને તો આશ્ચર્ય જ એ થાય છે કે પર્ણેલી સ્ત્રીઓને તમાર જેવાઓ આમ ખસતી મૂકો છો. નથી ભણાવતા, નથી તમારા આનંદવિનોદમાં ભાગ લેવરાવતા તે છતાં તેઓ તમારા પર મરી શાથી પડે છે?"

"તેથી જ..." એટલો ધીરો બોલ રમાબહેનના હોઠ પરથી સરી પડયો.

સહુએ તાળીઓ પાડી.

"એટલે ?" જયમને ખસિયાણા પડીને પૂછ્‌યું.

રમા કશું બોલી નહિ; પણ બાલુભાઈએ ’એથી’ શબ્દનું ભાષ્ય કર્યું" "એટલે કે અમે અમારી સ્ત્રીઓને એકલા અમારા જ અભિમાની સ્નેહની ધુમાડી દઈને ચોવીસેય કલાક ગૂંગળાવતા નથી. તેથી"

ખૂબ આનંદ કરીને સહુ રાતે છૂટા પડયાં ત્યારે રમાએ જોયું કે, જયમન બહુ બોલતો નથી. "કેમ બોલતા નથી ?"... " શું થયું છે?" વગેરે વગેરે સુંદર વચનો રમાએ જ્યારે વાપર્યા, અને રસ્તામાં મ્યુનિસિપાલોટીનાં બે ઝાંખા ફાનસો વચ્ચેના અંધારા સ્થળમાં રમાએ જયમનના ખભે હાથ મૂકીને, "હેં, કેમ બોલતા નથી? મારા સમ !" એવી દીન વાણી સંભળાવી, ત્યાર પછી જયમનના મન પરથી દાટો ઊંઘડયોઃ "હું કેવો હીણભાગી છું!"

"કેમ?"

"બાલુભાઈને ઘેર એક કલાકમાં તુ જેવી ખુશખુશાલ બની શકી, તેથી દસમે ભાગેય તું મારી આટાઆટલી આળપંપાળમાં નથી ખીલી શકતી."

રમાની પાસે આ સમસ્યાનો શો જવાબ હોઈ શકે ?

રમાના મન પરની ગમગીની ઉડાડવા માટે લાખ જાતના ઉપાયો કરતો જયમન ઘરમાં જ બધો વખત રહેતો હતો. ઘેર સ્નેહીઓ આવતા ત્યારે ’કાં, આવછ કે?’ કહીને પોતે રમાને સર્વની સાથે બેસારતો; અનેક પ્રશ્નો છેડાતા તેની અંદર પોતે પ્રત્યેક વાર પર તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તેવા આગ્રહથી અભિપ્રાય ફટકારતો. બીજા બધા ચૂપ રહેતા તેનું કારણ પોતે રમાને પાછલથી એવું સમજાવતો કે, કોઈની કને કશું કહેવા જેવુ હતું નહિ.

એમ કરતાં કરતાં એને લાગ્યું કે રમા આવી બધી ચર્ચાઓમાં સમજણપૂર્વક રસ લઈ શકે તે સારૂ એને ગુજરાતી સાહિત્ય તથા થોડું એવું અંગ્રેજી શીખવવા માટે એક ગૃહ શિક્ષક રાખી દેવો.

"હાઈસ્કૂલના પુરોહિત માસ્તર ઠીક છે. ઉમ્મરે પુખ્ત છે, ગરવા છે, રસજ્જ્ઞ છે."

"જયમનભાઈ !" પુરોહિત માસ્તરે પહેલેજ દિવસે કહ્યું : "તમે પણ જોડે બેસતા જાઓ ને..."

"શું બોલો છો પુરોહિત ભાઈ ! હું શું સ્ત્રીની નીતિની ચોકી કરવા બેસું?"

"ના , એમ નહિ પણ..."

"બને જ નહિ. છૂટથી ભણાવો. હું તો એટલો સમય બહાર ચાલ્યો જઈશ."

પંદરેક દિવસ થયા હશે. રમાના મોં પર કોઈ અજબ ઝલક આવી. સાંજે માસ્તર આવવાનો સમય થાય ત્યાં, વસંતાગમને કોયલ ટૌકી રહે એવી રીતે, રમા ગુંજવા લાગી.

સોળમે દિવસે માસ્તર સાહેબ ન આવ્યા...

"કેમ થયું?"

જયમને જવાબ દીધો : "બંધ કરવું પડયું."

"કાં?"

"મને ખબર પડી કે એને તો એની સ્ત્રી સાથે બનતું નથી."

"તેથી આપણે શું?"

"પોતાના જ સંસારનું વાજું બસરૂં વગાડનારો પારકાંને શા સારા સંસ્કાર દેવાનો હતો?"

"રમાએ છાનાછાનાં આંસુ સાર્યાં. કોણ જાણે બરાબર હીંચકાનો ફંગોળ ચડતાં જ દોરડું તૂટી પડયું.

ટ્‌યૂશન બંધ કરવાનું સાચું કારાણ બીજું હતું : પુરોહિત માસ્તર રમાની મમતા પોતાની ઉપર આટલી હદ સુધી જાગ્રત કરે, એ એક જાતની ચોરી કહેવાય. પારકાના દંપતી જીવનમાંથી એટલો રસ પડાવી લેવાની એ રીતિ ઘણા શિક્ષકોમાં હોય છે. અને બીજું પુરોહિત માસ્તરે બીજાના અંગત જીવનમાં માથું માર્યું : એક દિવસ કહે કે " જયમનભાઈ, થોડો કાળ જો બ્રહ્‌મચર્ય પાળી શકાય ને, તો રમાબહેનમાં અદ્‌ભૂત પ્રતિભા પ્રકાશી ઊંઠે તેવું છે."

ધૃષ્ટતા !!!

થોડાક જ દિવસમાં જયમને બીજી ગોઠવણ કરી;

"આ ભાઈ તમને ભણાવવા આવશે, રમા. એ મેટ્રિકનો વિદ્યાર્થી છે. કણબીનો દીકરો છે. ગામડેથી અભાસ કરવા આવેલ છે. ગરીબ છે. હાથે રાંધીને ખાય છે. એનું અંગ્રેજી-ગુજરાતી વાંચન સારૂં છે, આપણને તો એક પંથ ને બે કામઃ ગરીબ વિદ્યાર્થીને મદદ આપી કહેવાશે."

બે મહિના થયા ત્યાં જયમનની આંખો ખેંચાવા લાગી : કણબીના છોકરા કૂરજીને શરીરે સ્વચ્છ, સફાઈદાર કપડાં શોભે છે : માથા પરનો મૂંડો મટીને વાંકડિયા વાળ ઓળાતા થયા છેઃ ગાલના ખાડા બુરાયા છેઃ ચામડી ઝગારા કરી રહી છે.

’ઠુંઠુ જાણીને ઘરમાં આણ્‌યું તે ઝાડને આ કૂંપનો ક્યાંથી ફૂટી ? રમાને અને કૂરજીને અન્યોઅન્ય આ કઈ લેણાદેખી ફાટી નીકળી? હું રાખું છું તે કરતાં પણ વધારે રમાની દરકાર રાખનાર આ કોણ? રમા એને રોજ માથામાં નાખવા તેલ શા માટે આપે છે? સાબુની દાબડી પણ દીધી!’

કૂરજી પણ એક દિવસ આવતો બંધ થયો.

"આમ કેમ થયું ?" રમાએ પૂછ્‌યું.

"પાડોશીઓ કચવાતા’તાં"

"શાથી?"

"કૂરજી પાડોશીઓની જુવાન દીકરીઓ સાથે અણઘટતી છૂટ લેતો હતો."

"આવા પાડોશી ! તો આપણે બીજે રહેવા જઈએ."

"ઓહોહો ! આટલી બધી વાત !!!"

જયમન ભવાં ચડાવીને ચાલ્યો ગયો.

’સાલાઓ અંદરખાનેથી બધા પુરૂષો લંપટ છે. સહુને પારકી સ્ત્રીઓનાં અંતઃકરણો પોતાના તરફ વહાવવાં છે. આ કન્યા કેળવણીના વધુ પડતા ઉત્સાહી શિક્ષકોની પણ માયલી વાંછના તો એ જ હોય છે કે સ્ત્રીઓ વર કરતાં વધારે અધિકાર એમને જ આપતી થઈ જાય. મારે તો રમાને ઘણુંય સંગીત વગી શીખવવું હતું; પણ મને કોઈનો વિશ્વાસ નથી રહ્યો. હવે : બધા જ સડેલા લાગે છે. માટે હવે તો એ સેવા પણ હું જાતે જ ઉઠાવું.’

ટ’કખ્ત.ાર ઙ્મકર્ ઙ્મચાર કીહ્લાઃ કબ્;ક’ા";ા અકઅજિ ઙ્ઘઅર્ક/ાાજી એ અજ વિલાપની પંક્તિઓ એને વહાલામાં વહાલી લાગતી હતી. એમાંથી જ એને પોતાનો ધર્મ સૂઝ્‌યોઃ ’રમાને મારી પ્રિય શિષ્યા બનાવું.’

પોતે શીખવવાનું શરૂ કર્યું. ’વસંતોત્સવ’ ઉપાડયું. ત્રણ દિવસમાં રમા ત્રાહિ ત્રાહિ પોકારી ગઈ. મોઢા ઉપર રોજ રોજ લપેટો લઈને ભાતભાતના ’ક્રીમ’ લગાડનાર, ઘેર દરજી બેસારી નવી નવી ’કટ’નાં કૂડતાં કબજા કે અચકન સિવડાવનાર તથા છેક દિલ્હીથી મોજડીઓ મંગાવનાર આ રસભીનો સ્વામી, કોન જ્કાણે શાથી, રમાને ઘરડો લાગતો ગયો; એનાં હાસ્યવિનોદ, મર્મકટાક્ષો, આમોદપ્રમોદો અને રસકથાઓ કોઈ બુઢ્‌ઢાખખના નાક-મોંમાંથી ટપકતાં લાળ-લીંટ જેવાં જણાયાં.

આખરે આ બધી ગૂંગળામણમાંથી રમાને એક વસ્તુએ છુટકારો અપાવ્યો : એ પોતાની પહેલી સુવાવડ સારૂ પિયર ગઈ. પૂરા સાત મહિના ચડયા ત્યારે જયમને માંડ રજા દીધી - બેશક, ઘણે દુભાતે હૈયે.

મોકલ્યા પછી થોડા દિવસ તો જયમનને રાહત રહી. પણ પાછી વિહ્‌વળતા શરૂ થઈ. રાતે અજંપો રહેવા લાગ્યો. ’જયમનભાઈ વહુઘેલા’ એવી છાપ તો છપાઈ ગઈ હતી, અને પોતે હંમેશા લોકાપવાદને હુંકાર દેવાનો દેખાવ કરતા, પરંતુ અંદરની ખરી તાકાત નહોતી. બે દિવસ કાગળ ન આવે તો લાંબો લાંબો પચીસ પાનાંનો ઠપકો લખીને મોકલે. પોતે લખે કે ’તારા શરીરની મને આંહી કેટલી ચિંતા થતી હોય તે સમજી શકે છે, રમા?’

રમા જવાબ વાળે કે ’મારી તબિયતની કશી જ ચિંતા ન કરશો. તબિયત કદી નહોતી તેવી સરસ છે.’

પોતે પાછો લખે કે ’ આટલો ટચૂકડો કાગળ મને કેમ સંતોષે ? તું લંબાનથી કેમ નથી લખતી ? તને લાગણી જ ક્યાં છે ! અને તારી તબિયત કદી નહોતી તેવી સરસ ત્યાં હોય જ ને ! હું તને અહીં કોણ જાણે શું દુઃખ દેતો હતો! ’

આ બધા ધોખાનો કશો જવાબ રમા કને નહોતો. એ તો અટવાઈ જતી.

આંહી જયમનને સંદેહ પડવા લાગ્યો કે નક્કી પેલા આસમાની સાડી અને સ્લીપરની લગ્ન-ભેટ આપનાર ધર્મ-ભાઈ ત્યાં હશે.

આઠ દહાડા થાય ને તાર કરી પુછાવે કે ’તબિયત કેમ છે ?... ફલાણા દાક્તરને બતાવો... મારી જરૂર હોય તો આવું...’ વગેરે. પોતાના ગામમાંથી પણ ’પેટન્ટ’ દવાઓના પાર્સલ મોકલ્યે જાય.

સસરા શું જાણેક જમાઈને આવવાનું મન છે! જવાબ વાળે સાદા કાગળથી કે ’ધંધામાં અંતરાય પાડીને આવવાની કશી જ જરૂર નથી; શરીર ઘણું સારૂં છે.’

’ધંધો ! રમા કરતાં ધંધો વધુ ગણું હું ? તમે મારાથી છુપાવો છો. હું આવું છું.’

સાંજ સુધીમાં એણે મિત્રો, સ્નેહીઓમાં ફરીને એ જ પ્રચાર-કાર્ય કાર્ય કર્યું કે "જૂના જમાનાનાં સાસુ-સસરા બેવકૂફ ને પાછાં કંજૂસ છે. રમાને આવી ગફલાથી જ મારી નાખશે ક્યાંક, મારે જવું જ જોઈએ. ધણી વિના બીજાંને કોને રમાનું દાઝે ? એનાં માબાપને હવે શી પડી છે, ભાઈ !"

સ્નેહીઓએ મોંએ અનુમોદન આપ્યું; પછવાડેથી ’ગધાડો’ કહ્યો.

"પણ ગધાડાને તો સાચી લાગણી હોય છે;" કોઈ બીજાએ ટકોર કરીઃ " જ્યારે આ ભાઈસાહેબમાં પ્રમણિક સચ્ચાઈ ન હોવાનો મને વહેમ છે. રમાનો પરમ હિતસ્વી એક પોતે જ છે એ પેલીના મન પર કોઈ પણ વાતે ઠસાવવું છે."

જયમન પહોંચ્યો ત્યાં તો સુવાવડ આવી ગઈ હતી. શહેરના સારામાં સારા પ્રસૂતિગ્રહમાં રમા સૂતી હતી. બાળક તંદુરસ્ત હતું.

રમાને વર આવ્યાની જાણ થઈ. એણે બાને કહ્યું કે "એને આંહીં, ભલા થઈને, ન લાવશો. હજાર વાતો કાઢીને એ મને મૂંઝવશે."

પણ વર આ પ્રતિબંધને સન્માને કદી ? " હં... નક્કી, મારી રમા સારી હાલતમાં નહીં હોય, તેથી એમ કહો છો!"

જોરાવરીથી ગયો. રમાએ પ્રયત્નપૂર્વક હસતું મોં રાખ્યું. પણ પછી તો ત્યાંથી ખસે નહિ, તડાફડી બોલાવવા લાગ્યોઃ " આ ચાદરો કેમ મેલી છે?... મોસંબી જોઈ કરીને મીઠી કાં નથી લાવતાં ? દવામાં આ લોકો શું નાખે છે ? બાળક કેમ વારેવારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને ! તમે લોભમાં તણાયાં..."

રમાને કહે કે "તેં મારા કાગળો પૂરા વાંચ્યા પણ જણાતા નથી. જવાબોમાં કશો વિગતવાર ખુલાસો જ ન મળે. તું શાની વાંચે? તને મારા પર હેત ક્યાંછે? હું આટલું આટલું કરૂં છતાં..."

પ્રસૂતિના પહેલા દિવસથી જ રમાનું ઓશીકું આંસુએ ભીનું થવા લાગ્યું. કમર દુઃખતી હતી, તેથી મોં પ્રફુલ્લ નહોતું રહી શકતું. જયમન કહે કે "મારૂં મોં તને દીઠું ગમતું નથી, તેથી તું આમ કરે છે!"

નર્સો આ માણસના આંહીં લાંબો કાળ બેસી રહેવાથી કંટાળી ગઈ. તેમણે મેટ્રનને જાણ કરી.

એકાએક જયમનની નજર બે વસ્તુ પર પડી : પેલી આસમાની સાડી અને સ્લીપરોની જોડી.

"હજુયે આ બે ચીજો હૈયેથી નથી છૂટતી ને ?"

"તમને નહોતી ગમતી, તેથી આંહીં પહેરી ફાડું છું."

"નહિ રે...જીવનની મીઠી સ્મૃતિ કરીને સાચવો ને!"

રમાથી મોટે સાદે રડી જવાયું. રડતી રડતી એ બોલી ઊંઠી : " આ કરતાં તો ગળું દાબી દ્યો કાં તો મને રજા આપોઃ તમારા પ્રેમનું આ કેદખાનું મારે નથી જોઈતું."

"એ...મ ! હજુ તો તારો જીવ લઈ..."

અચાનક કોઈએ આવીને એની ગરદન પકડી : એ હતો ઈસ્પિતાલની દક્ષિણી મેટ્રનનો કસાયેલો પંજો.

"ગેટા અપ ! ચઊંભા થાઓૃ!" મેટ્રને કડક હાસ્ય કરતાં શાંત અવાજ દીધો.

"વ્યાય ? વૉટ રાઈટ... ચશા માટે? તમને શો હક્ક...ૃ."

"રાઈટ ટુ સેવ એ લાઈફ ચએક જીંદગી બચાવવાનો હક્કૃ!"

એમ કહી એ ગારૂડીના હાથમાં દબાયેલા સપની જેમ તરફડતા જયમનને મેટ્રન લગભગ ઘસડીને બારણા સુધી લઈ ગઈ. અને એને બહાર હડસેલીને બારણું બંધ કર્યું, ત્યારે જયમનનના મોંમાંથી છેલ્લો શબ્દ એ સંભળાતો હતો કે "મારી પરણેલીને..."

વાક્યની સમાપ્તિ તો કોણ જાણે કેવાયે શબ્દોથી થઈ હશે.

(પૂર્ણ)

છતી જીભે મૂંગા

આજે શાક કેવું થયું છે, રમેશ ?"

"સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો.

"અને દાળ કેવી, મંજરી ?"

પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે નાક ઉપરથી માખી ઉડાડવાને મિષે આંગળી નાકના ટેરવા પર લગાડી. એ જોઈને ઝટપટ મંજરી બોલી ઊંઠીઃ "દાળ બહુ મઝાની થઈ છે, મોટાભાઈ !"

"મ...ઝા...ની !" ચૂલા ઉપર બેઠેલો પિતા મંજરીની બોલવાની છટાને પોતાની જીભ પર રમાડવા મથ્યો. ’ઝા’ વગેરે અક્ષરોના ઉચ્ચારમાં મંજરી ખાસ મીઠાશ મેલતી - સાકરના ગાંગડા પર બેઠેલી માખી એમાં પોતાના મોંનું અમી વહાવે છે તે રીતે.

નિરાંતનો એક ઊંંડો શ્વાસ હેઠો મૂકીને, રસોઈ પર બેઠેલા પિતાએ શરીર લૂછ્‌યું ને શગડીના બાકી રહેલા કોલસા ઉપર પાણી નાખ્યું.

"મોટાભાઈની રોટલીય કેવી ! ઊંપસીને દડો થાય છે." રમેશે ઉમેર્યું.

"હા વળી; આવી ઊંપસીને દડો રોટલી તો કદી બાની..."

બાપની દષ્ટિ મંજરી તરફ ફરે તે પહેલાં તો રમેશે ફરીથી એક વાર સૂચક રીતે નાક પરથી માખી ઉડાડી. એ જોતાં મંજરીનું વાક્ય અધૂરૂં જ રહ્યું.

"ત્યારે હું નાહવા ઊંઠું. તમે જે જોઈએ તે હાથે લઈ લેશો ?" બાપે પૂછ્‌યું.

"હા-હા, મોટાભાઈ, તમેતમારે ઊંઠો;" રમેશ શાકના એક ફોડવાનો છૂંદો કરતો કરતો બોલ્યો.

"બિચારા મોટા ભાઈ થાકી ગયા હશે." મંજરી દાળમાં રોટલી બોળબોળ કરતી હતી પણ ખાતી નહોતી.

પિતા ઊંઠ્‌યો ત્યારે એના માથામાં અભરાઈ અફળાઈ... એની કમ્મરને સીધી થતાં વાર લાગી. એના મોંમાંથી સિસકાર નીકળ્યો, ને ચહેરો ચીમળાઈ ગયો.

"ક્યાં વાગ્યું - હેં મોટાભાઈ ? શું વાગ્યું ?" મંજરીના હાથમાં કોળિયો થંભી રહ્યો હતો.

"હવે ક્યાંય નહિ, ભૈ ! કશુંય નહિ... પંચાત કરતાં જમી લેતાં નથી !"

બેઉ છોકરાંએ નીચું જોયું. બાપ નાહવાની ઓરડીમાં જતા હતા, તેની પછવાડે ત્રાંસી ત્રાંસી નજરે બન્નેએ નીરખ્યા કર્યું; ને જ્યારે ઓરડીનું બારણું બિડાયાનો ચોક્કસ અવાજ થયો, ત્યારે બેઉ છોકરાંએ સામસામે આંખો માંડી.

મંજરી ધીમેથી હસતી હસતી બોલીઃ "આપણે મોટાભાઈને કેવા આબાદ ફસાવ્યા !"

"કેવા આબાદ ફસાવ્યા !" એ પ્રયોગ મંજરી હમણાં હમણાં બહુ કરતી હતી. જાસૂસી વાર્તાઓમાંથી રમેશે જ એ પ્રયોગને ઉઠાવીને ઘરમાં આણ્‌યો હતો.

રમેશ કહેઃ "ચૂપ, મંજરી."

"હવે મોટાભાઈ ચાખશે ત્યારે કેવા આબાદ ફસાશે ! દાળશાક બહુ ખારાં છે, નહિ રમેશભાઈ ?"

શાકના છૂંદી રાખેલા ફોડવામાંથી થોડુંક રોટલીના બટકા પર ચડાવતો ચડાવતો રમેશ પૂરો નિશ્ચય નહોતો કરી શક્યો કે શાક ચાખવું કે નહિ. તેણે પીઢ માણસની માફક ઠપકો આપ્યોઃ "મંજી ! તું બાની વાત મોટાભાઈ કને શા સારૂ કાઢે છે ? હવેથી કોઈ દિવસ કાઢીશ ને, તો..."

અધૂરૂં વાક્ય રમેશે શબ્દોથી નહિ પણ ક્રિયા વડે જ પૂરૂં કર્યુંઃ મંજરીને એણે એક ચૂંટી ખણી. મંજરીએ રડવા માટે મોં ખોલ્યું, એટલે રમેશે ચૂંટી જરા વધુ ’ટાઈટ’ કરી; એથી મંજરીનું મોંનું વર્તુળ વધારે પહોળાયું અને મોંનો કોળિયો પડી જવાથી એ કરૂણ રસનો મામલો હાસ્ય રસ તરફ ઢળી ગયો.

હરિનંદન નાહીને જ્યારે જમવા બેઠો ત્યારે દાળ-શાકને પ્રથમ કોળિયે જ બેઉ છોકરાંની દુત્તાઈ એને સમજાઈ ગઈ. પછી એને યાદ આવ્યું કે મીઠું બેઉ ચીજોમાં બબ્બે વાર નખાઈ ગયું હતુંઃ પહેલી વાર નિત્યની માફક; અને બીજી વાર મંજરીએ ને રમેશે, "મોટાભાઈ જો અમારી જોડે કેરી ન ખાય તો અમારેય કેરી નથી ખાવી." એવું કહી બાપને ચીડવ્યો હતો ત્યારે. માણસ ચિડાય છે ત્યારે કાં તો હાથની ચીજ ફગાવી તોડીફોડી નાખે છે, કાં સામા માણસને ન આપવાની હોય તે વસ્તુ જ દાઝમાં ને દાઝમાં આપી દે છે; ને રસોડાના અનુભવીઓનો અનુભવ કહે છે કે ખિજાયેલું રાંધનાર રાંધણામાં મીઠું-મરચું ખૂબ ધબકાવે છે. અહિંસક ખીજની એ ન્યારી ન્યારી ખૂબીઓ છે.

હરિનંદન પોતાનાં માતૃહીન બે બાળકો ઉપર આવી અહિંસક ખીજ વારંવાર ઠાલવતો. આજે તે આટલા માટે ખિજાયો હતોઃ બે હાફૂસ કેરીઓ પોતે લાવેલો. બાળકો કહે કે "અમે એકલાં નહિ ખાઈએ, મોટાભાઈ; તમે પણ અમારાં બન્નેનાં ચીરિયાંમાંથી ભાગ લો." હરિનંદન કહે કે "ના, મારે નથી ખાવી." છોકરાંએ વધુ આગ્રહ પકડયો, એટલે બાપ રિસાઈને રસોડામાં ચાલ્યો ગયો. આમાં ખિજાવા જેવું શું હતું તેની કશી જ ગમ છોકરાંને ન પડી. બેઉ જણાં પોતપોતાનાં ચીરિયાંની રકાબી પકડીને થીજી રહ્યાં; પછી થોડી વારે રસોડામાં જઈને કહ્યુંઃ "ચાલો, મોટાભાઈ, હવે અમે જ કેરીનાં ચીરિયાં ખાઈ જઈશું; તમને ખાવા નહિ કહીએ."

દરમિયાનમાં તો મીઠાનો અતિરેક થઈ ચૂક્યો હતો.

આખો દિવસ હરિનંદન બહાર રહેતો. છોકરાં નિશાળે ગયા પછી શૂન્ય ઘરમાં એકલા રહેવાની એની હિંમત નહોતી. તેમ આડોશીપાડોશીઓ પોતપોતાનાં ભર્યાં ઘરમાં કલ્લોલ કરતાં એ તેનાથી સહ્યું નહોતું જતું. સ્નેહીઓ એને રવિવારની કે તહેવારોની ઉજાણીઓમાં તેડી જવા કરતાં; ને હરિનંદન એક-બે વાર ગયોય ખરો. પણ તે પછી તો એ ના જ કહેતો.

"પણ કારણ શું છે ?"

હરિનંદન કહેતો કે "તમને સહુને તો ગુલતાન કરવાનો હક્ક છે; પણ એ ગુલતાનમાં ભાગ લેવાને વખતે હું બિનઅધિકારી ચોર હોઉં એવો ભાવ મને થઈ આવે છે."

આવા આવા અનેક પ્રકારે પોતાનું વિયોગ-દુઃખ દાખવવાની તકો એને મળ્યા કરતી. મૂએલી પત્નીનાં સુખદ તેમ જ કરૂણાર્દ્ર સંભારણાં વર્ણવવાના, ઊંંડી ઊંર્મિઓને આંખો વાટે વહાવવાના, સ્ત્રી પ્રત્યેની પોતાની ગત સેવાઓ મિત્રો સામે રજૂ કરવાના અનેક પ્રસંગો એને જુદી જુદી રીતે મળ્યા જ કરતા - અનાયાસે ન મળતા ત્યારે પોતે સામેથી મેળવી લેતો. એ બધાંમાંથી એક સંતોષ તો એને મળી જ રહેતોઃ દુઃખ, સ્નેહ તેમજ કરેલાં કર્તવ્યો જગતની સન્મુખ ધરવાનો. દેવાળું કાઢનારો માણસ લેણદારોને પોતાના ચોપડાઓ સુપરદ કરીને પણ એ જ પ્રકારનો સંતોષ અનુભવે છે.

રમેશ અને મંજરી ભણીને ઘેર આવતાં ત્યારે ઘણુંખરૂં પિતા ઘરમાં ન જ હોય. ભૂખ્યાં થયેલાં બાળકો પાડોશીને ઘેર મૂકેલી ચાવી લાવીને ઘર ઊંઘાડતાં. ઊંંચી સાંકળે વાસેલું તાળું ઉઘાડવા માટે બેમાંથી એક બાળક ઘોડો બનતું, ને બીજું એની પીઠ પર ઊંભું થતું. બન્ને વચ્ચે વિચિત્ર સ્પર્ધા ચાલતીઃ

"મંજી, હું ઘોડો બનુંઃ તું ઉપર ચડ."

"નહિ, રમેશભાઈ, હું ઘોડો."

"ના, કાલે તું થઈ’તીઃ આજે મારો વારો."

ચાર-પગા બનવું એ માણસની કુદરતી ઈચ્છા છેઃ બે પગો મનુષ્ય એ એક બનાવટ છે. પશુવૃત્તિ નિરર્થક નિંદાયેલી છે. એ ગમે તે હો, પણ આ ચોકરાં, ’સાંજે ઘેર જશું ત્યારે ઉઘાડા ઘરનાં દ્વારમાં બા આપણી વાટ જોઈને ઊંભી હશે’ એવા મૂંગા અભિલાષને ’ઘોડો અને સવાર’ની રમતમાં ગાયેબ કરી નાખતાં. ઘર ઉઘાડયા પછી, એમાં કોઈક તો હોવું જોઈએ, આવડું મોટું ઘર ખાલીખમ તો હોય જ કેમ, હમણાં જાણે આ અથવા પેલા ખંડમાંથી બા બોલી ઊંઠશે એવી લાગણી થવી કુદરતી હતી. પણ થોડીવાર ફોગટની રાહ જોઈને બેઠા પછી છોકરાં પાછાં સાચા ભાનમાં આવી જતાં. રસોડાની અભરાઈ પરથી સવારનું રાંધી મૂકેલું ખાવાનું ઉતારવા માટે ફરીથી ’ઘોડો ઘોડો’ રમવાનું બેઉને બહુ મન થતું. પણ એક ને એક તરકીબથી કંટાળતાં બાળકો નવી નવી કરામતો અજમાવતાઃ મીઠાનું ડબલું, તે પર સાકરનું ડબલું ને તેની ઉપર ચાહનો ડબો ચડાવીને સરકસના હાથીની પેઠે રમેશ તે પર ચડતો. એની નકલ કરતી મંજરીને ખાંડનો સાંકડો ડબો દગો દેતો, એટલે તે પડતી ને રડતી. એને રડતી છાની રાખવા માટે રમેશની પાસે તો એક જ ઉપાય હતોઃ વળ દઈને ચૂંટી ખણવાનો ! આ ઉપાયની સામે હસનારાંઓએ ન ભૂલવું જોઈએ કે મોટી ઉંમરના માણસો પણ ’વ્યાધિ હજારઃ ઔષધ બાર’ની છેતરપિંડી સંસારના હરએક ક્ષેત્રમાં રમે જ છે.

સ્નેહીસંબંધીઓને ત્યાંથી વિદાય લેતી વેળા હરિનંદન રોજ રાતે એ જ કારણ બતાવતો કે "છોકરાં એકલાં છે.... એને ખવરાવવાં સુવરાવવાં છે". મિત્રોની જામેલી મિજલસોમાંથી એ ઊંઠી જતો ત્યારે બહાર પરસાળમાં જોડા પહેરતે પહેરતે એના કાન પર મિત્રોના બોલ અફળાતાઃ "મા વગરનાં બાળકોને કેવી કાળજીથી સાચવે છે !" "એ તો, ભાઈ, એનાથી જ થાય..." વગેરે વગેરે. ઘેર પહોંચીને એ જ્યારે ખાઈ કરીને ઊંંઘી ગયેલાં છોકરાંને જોતો ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતોઃ મા વિનાનાં છોકરાંને હું સાચવું છું ? કે પત્ની વિનાના પિતાને છોકરાં સાચવે છે !

દૂધ દૂધને ઠેકાણે ઢાંકી રાખેલું હોય, વાસણો મંજાવીને સુકાવી દીધાં હોય, અને રખે મોટાભાઈને ઓછું પડે તે બીકે છોકરાં શાકને અડક્યાં પણ ન હોયઃ હરિનંદનનું રસોડું રોજ રાતે આ જ કથા કહેવા તૈયાર રહેતું. રાત્રિની સ્તબ્ધ કુદરત જાણે એની રમૂજ કરતીઃ અલ્યા હરિનંદન ! ખોટું માન ખાટી જાય છે ને !

મંજી !"

"હં."

"ખજવાળ બરાબર. ખજવાળવામાં અંચી કરે છે કે ?"

સૂતેલા રમેશના ખુલ્લા બરડામાં ખજવાળતી ખજવાળતી મંજરી પણ સૂતી હતી. થોડી વાર ખજાવાળ્યા પછી એને ઝોલું આવી ગયું; હાથ નીચે સરી આવ્યો.

"અલી મંજલી !" રમેશે બીજે પાસે સૂતાંસૂતાં જ હાક મારી. મંજરી ન બોલી રમેશે મંજરીના મૌનની દવા અજમાવી.... મંજરી બૂમ પાડીને જાગી ઊંઠી.

"ખજવાળઃસૂઈ શેની જાય છે ? કાલે મારો વારો મેં કાઢ્‌યો’તો કે નહિ ? મફતની કાંઈ ખજવાળછ ! કાલે મેં તને ખજવાળી હતી."

"અં-અં.... ઊંંઘ આવે છે."

"હેં મંજી, આપણે એને શું કહી બોલાવશું ?"

"કોને ?" મંજરીનું ઝોલું ઊંડી ગયું.

"કોને ? નથી ખબર ? વિનતાફઈબા ને રમામાશી શું કહેતાં’તાં ભૂલી ગઈ ?"

"હં-હં." મંજરીને સમજ પડીઃ "શું કહી બોલાવશું ?"

"બધા શું કહે છે ?"

"બા."

"તું ’બા’ કહીને બોલાવશે ?"

"ઓળખીએ નહિ ને ’બા’ શાનાં કહીએ ?"

"હું તો નથી જ કહેવાનો. ઓળખીશ પછીય નથી કહેવાનો."

"મોટાભાઈ કહેશે કે ’બા’ કહો, તો ?"

"તોય નહિ."

"કેમ ?"

"બા તો એક જ હોયઃ બા કાંઈ બે હોય ?"

"મોટાભાઈ ખિજાશે તો ?"

"તો શું ? મારશે એટલું જ ને ? માર ખાઈ લઈશ, પણ કોઈને હું ’બા’ નહિ કહું."

"એમાં શું ? મોટાભાઈને ફસાવવા તો જોઈએ જ ને !"

"ના, ’બા’ બોલું છું ત્યાં મને કાંઈનું કાંઈ થઈ જાય છે...."

"શું થઈ જાય છે ?"

"એ ખબર મને નથી પડતી. કાંઈક થઈ જાય છે. જાણે હું નાસી જાઉં."

"હું તો, મોટાભાઈ કહેશે તો, ’બા’ કહેવાની."

મંજરીના આ બોલ પછી થોડી વાર સુધી રમેશ કશું બોલ્યો નહિઃ સળવળ્યો પણ નહિઃ પાસું ફરીને પડયો જ રહ્યો.

મંજરીએ પોતાના નાના હાથનું જોર કરી રમેશને પોતાની તરફ ફેરવવા મહેનત કરી. રમેશ ન ફર્યો. મંજરીએ નાના હાથ રમેશની આંખો પર મૂક્યાઃ ભીનું ભીનું લાગ્યું....

"રમેશભાઈ ! ન રડો; લો, હું પણ બા નહિ કહું. મોટાભાઈ મારશે તો પણ નહિ કહું. આપણે બેઉ ભેગાં ઊંભાં રહીને માર ખાશું. બા નહિ કહું, નહિ કહું."

એક બાજુથી રમેશે પાસું ફેરવીને મંજરી તરફ આનંદભરી નજર કરી, ને બીજી બાજુ બારણા ઉપર ટકોરા થયા.

ઝટ ઝટ મંજરીએ રમેશની આંખો લૂછી નાખી. મોં ઉપર કશું દેખાય નહિ તે માટે રમેશનો ચહેરો એણે સુંવાળા સુંવાળા હાથે ઘસી નાખ્યો. થોડી વાર બેઉ નિદ્રામાં હોય તે રીતનાં નસ્કોરાં બોલાવ્યાં. બારણાં પર ફરીથી ભભડાટ થયો. મંજરીએ ઊંઠીને આંખો ચોળતાં ચોળતાં બારણું ઉઘાડયું.

"રોજના એકને બદલે આજે બે જણ હતાંઃ હરિનંદનની જોડે એક સ્ત્રી હતી.

"રમેશ સૂઈ ગયો છે, બેટા ?"

"હા, મોટાભાઈ ! ક્યારનોય."

"રમેશ !" હરિનંદને અવાજ કર્યો.

રમેશ સફાળો ઘાટી નીંદરમાંથી જાગી ઊંઠ્‌યો હોય તેવો દેખાયો.

"બહુ ઊંંઘ આવી ગઈ’તી બેટા ?" પિતા હસ્યો.

રમેશે આંખો ચોળીને ડોકું ધુણાવ્યું. મંજરી બીજી બાજુ જોઈ ગઈ.

"રમેશ, મંજરી," બાપે નવી વ્યક્તિની આટલી જ ઓળખાણ આપીઃ "આમનું નામ રેણુકા છે. એ આપણી જોડે રહે, તો તમે એમને રહેવા દેશો ?"

છોકરાંના મોં પર કૌતુક ચમક્યું.

"રહેવા દેશો ?... તો શાક-દાળ ખારાં નહિ થાય; મોટાભાઈને વારંવાર ફસાવવા નહિ પડે, મંજરી !"

છોકરાં શરમાઈને હસી રહ્યાં પણ હજુ જવાબ નહોતાં વાળતાં.

"ને એને તમે શું કહીને બોલાવશો ?"

છોકરાંનાં મોં પર વાદળી છવાઈ ગઈ.

"તમને આ છોકરાં શું કહીને બોલાવે તો ગમે ?" પિતાએ નવી વ્યક્તિને પૂછ્‌યું.

"કાં રેણુકા કહીને, ને કાં ’રેનુબેન’ કહીને. શું કહેશો મને ?"

એટલું બોલીને નવી સ્ત્રી પહોળા હાથ કરી બાળકો તરફ ચાલી. બાળકો સામાં આવ્યાં, નવી સ્ત્રીની બાથમાં સમાયાં.

હરિનંદન એ દેખીને બીજી બાજુ વળી ગયો. થોડી વારે એણે કહ્યુંઃ "બા તો એક જ હોયઃ બા બીજી ન હોય."

’બા’ શબ્દ એ ઘરમાં છેલ્લામાં છેલ્લી વાર બોલાઈ ગયો.

(પૂર્ણ)

’હું’

ટપાલની થોકડી લઈને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઈ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાંઃ જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન લેવાનું, ત્રિલોકપુરમાં નવું ’લોક સેવા મંદિર’.

પણ કંઈ નહિ, જવા દઈએઃ તમને કંટાળો આવશે. કેમ ન આવે? બાલકૃષ્ણ મારો દસ વર્ષનો જૂનો કારકુન. તેને પણ હસવું આવે છે કે હું આ બધાં નિમંત્રણોની આટલી ચીવટપૂર્વક તારીખો કેમ મુકરર કરાવું છું. હું જવાબો લખાવું છું, તારો કરાવું છું, છેલ્લી ઘડીએ તારીખો બદલવાના સંદેશા મોકલું છું... એ બધી મારી જંજાળો છે એમ ન માનતા; મને એમાં મોજ પડે છે.

બાલકૃષ્ણ હસે છે, બીજાં ઘણાં મને મદમાં ચકચૂર બનેલો સમજે છે; મારા દરેક સમારંભના અહેવાલ, સમારંભ ખતમ થાય કે તરત જ, હું લખી-લખાવી છાપામાં પ્રસિધ્ધિ માટે મોકલું છું એ પણ બધાં જોઈ રહે છે.

હું પણ તેઓના મારા પરના શબ્દ-કટાક્ષો અને આંખ-મીચકારાથી અજાણ નથી. તેઓ માને છે કે પ્રસિધ્ધિના મોહે મારી આંખોમાં અંધાપો અને મારા કાનોમાં સીસું સીંચેલ છે. પ્રગટ થયેલા સમાચારોની કાપલીઓની નોખી એક ફાઈલ જ મેં રખાવી છે ને ઈરાદાપૂર્વક જ તે મેં મારા મેજ પર મુકાવી છે એથી પણ મારા સાથીઓ મને ચસકી ગયેલો માને છે. પણ તેઓ મારે વિષે જે માની રહેલ છે તે પાછું હું પણ જાણું છું એટલી વાત તેઓ કદી જ નહિ સ્વીકારે!

છેલ્લા બે અવસરોમાં તો હું મારા સાથીદારોની આખી એક મંડળી લઈને જઈ આવ્યો. મેં હવે પછી નોતરનારાંઓને ચોખ્ખું સંભળાવી દીધું છે કે "ઓછામાં ઓછાં દસ જણાનો રસાલો લીધા વગર હું નહિ જ આવું. એ દસેયનું જાતવળતનું ગાડીભાડું તેમ જ બીજું ખર્ચ તમે આપી શકશો?"

"જરૂર,જરૂર.." કહીને એ લોકો તો ઊંલટાના ખુશાલી અનુભવે છે."બહેનોને તો ખાસ લઈ આવજો, હોં સાહેબ!" એવો એ લોકો આગ્રહ સેવે છે. ને મેં પણ જોયું કે તેઓ કંઈ હૈયાફૂટા નથીઃ તેમના સમારંભોમાં મારૂં તેમ જ મારા મંડળનું - ખાસ તો સાડીધારી શરીરોનું - એક ગજબ આકર્ષણ ઊંભું થાય છેઃ ને વિનાબેન્ડે, વિના બીજાં કશાં નાટકોએ આખું ગામ જમા થાય છે.

પછી તો મારાં અને મારાં સંગાથી બહેનોનાં ભાષણોઃ અમારા સહુની ગ્રુપ તસ્વીરો તેમ જ એકલ છબીઓઃ અમારાંમાંના બે-ચારને હાથે જુદાં જુદાં ગૃહો, મંડળો,સંમેલનો ખુલ્લાં મુકાવવાની તડામારઃ ખાસ કરીને મારી જોડેની બહેનોના થોડા કસરત પ્રયોગો, તેમ જ એ પ્રત્યેકની મુલાકાત લઈ ’મિસ મેયો વિષે આપને શું કહેવાનું છે?’ એ પ્રશ્નના મેળવવામાં આવતા ધગધગતા પ્રત્યુત્તરોઃ વગેરે વગેરે - અરે સરઘસ તો હું ગણાવતાં ભૂલી જ ગયો! - સરઘસો વગેરેઃ આ બધા રંગોની રંગોળી એ ભાઈઓ છાપાંમાં તેમ જ પોતાના અહેવાલોમાં એવી તો સરસ રીતે પૂરી લે છે કે હવે પછી મારૂં સાજનમાજન લઈ જવામાં કશો સંકોચ રાખવાની જરૂર નથી. જો લોકો મને ’એક્સ્પ્લોઈટ’ કરે છે, અર્થાત મારો કસ કાઢે છે, તો પછી મારે શા માટે આ છેલ્લાં જીવન-વર્ષોને માણી ન લેવાં? - શા માટે સામો કસ ન કાઢવો?

’માણી લેવાં’ એવો પ્રયોગ કરવા બદલ હું તમારી કોઈની લેશમાત્ર ક્ષમા માગતો નથી. આ દસ્તાવેજ તમને મારા મૃત્યુ પછી હાથ લાગશે, એટલે હું નિર્ભય છું. એ નિર્ભયતાનો પ્રેર્યો જ હું એકરાર કરૂ છું કે એક ફાટેલું, થીગડાં મારેલું, શરીરને બહુ બંધ ન બેસતું એવું કૂડતું પહેરવાથી હું કંઈ વિરક્ત નથી થઈ ગયો. મારી ટૂંકી ધોતલી ને મારા અલગારી રંગઢંગ કંઈ ત્યાગનાં કે શાંત પડેલી વૃતિઓનાં ચિહ્‌નો નથી. મોરલાનો પિચ્છ-કલાપ અને સિંહની કેશાવલિ, કુકડાની માંજર અને કલાકારનાં કેશ-ગુંચળાં - એ તમામની અંદર જે આકર્ષકત રહેલી છે, તે જ આકર્ષકતા મારા લઘરવગર લેબાસમાં તેમ જ દીદારમાં છુપાયેલી છે. તમે સહુ ભરમાઓ છો કે ભાઈ ઘેલા બન્યા છે. પણ તમે, મારી બીજી ચાહે તેટલી ખામીઓ કાઢવા છતાંય, મારી વૃતિઓના લહેરીપણા પર તો અંદેશો નહિ જ આણો, ખરૂં? હું તમને કહેતો જાઉં છું કે હું ઘેલો નથી.

આઠ દિવસ પહેલાંની ટપાલનાં પરબીડિયાં મને કેવાં યાદ આવે છે! તે દિવસ મેં બે પરબીડીયાં કેવી સિફતથી સેરવી લીધાં! મારૂં પડખું સેવનારો શકરોબાજ બાલકૃષ્ણ પણ ન કળી શક્યોઃ મેં એની નજર ચુકાવી..હાં! હાં! હવે તો મને મારા નાના વિજયો પણ વહાલા લાગે છે - બૂઢ્‌ઢા બાપને છેલ્લાં છૈયાં લાગે છે ને, તેવા વહાલા.

સેરવેલું પરબીડિયું હું હવે એકલો પડયો પડયો ફોડું છું. અક્ષરો હું ઓળખું છું. સરનામાંની અંદર જ એ ન ભૂલાય એવો મરોડ છે. વીરમતીનો પ્રદ્યોત પરનો એ કાગળ છે. પ્રદ્યોત મારી કને ઉપરાઉપરી ત્રણ આંટા મારી ગયોઃ પૂછી ગયો કે "રાજેશ્વરભાઈ, મારો કાગળ છે?"

ઠંડાગાર કલેજે મેં એને કહ્યુંઃ "ના ભાઈ; આજે તો નથી."

તોયે એ ક્યાં ખસતો હતો? એનું ધ્યાન તો મારી પાસે પડેલી ટપાલની ઢગલી પર જ ચોંટ્‌યું હતું. મારા ચશ્માંની બાજુએથી તીરછી નજર નાખી હું પ્રદ્યોતના મુખભાવો નિહાળતો હતો. મને લહેર પડતી હતી. ભલે ને એ બેસી રહ્યો! હું શા માટે કહું કે, જા! એને ખાતરી જ ન કરાવું કે હું કદિ અનિશ્ચયાત્મક ના નથી કહેતો! ધીરે ધીરે મેં ટપાલ વાંચ્યા કરી. અક્કેક પરબીડિયું ફોડવામાં મેં કચકડાની છૂરીને કેટલી ભિન્ન ભિન્ન રીતે ચલાવી! પ્રથમ ચોંટાડેલી જગ્યાએ, પછી એક ખૂણા ઉપર,પછી બીજા, પછી ત્રીજા ને ચોથા ખૂણા ઉપર...

પ્રદ્યોતની મજાલ નહોતી કે ટપાલની થોકડીને - મારી ટપાલની થોકડીને - હાથ અડકાડે. નીચે વળી વળી એણે બે-ત્રણ બાજૂએથી કોઈક અમુક રંગનું કવર પારખવાની માથાકૂટ કર્યા કરી...અને આખરે પોતાનો પરાજય પોતાના મોં પર લખી લઈને એ ચાલતો થયો.

એ જતો હતો ત્યારે એ મારી નજરે કેવો જણાતો હતો? કઈ ઉપમા આપું?.. હા, હા, યાદ આવીઃ એ લાગતો હતો સીંચોડામાંથી ચેપાઈને બહાર નીકળેલા શેરડીના સાંઠા જેવો.

ટપાલનાં રંગબેરંગી પરબીડિયાં મારા ટેબલ પર મારી લિજ્જતનાં મેઘધનુષ્યો રચતાં હતાં. એ તમામને પતાવી ઘડીમાં મેઘધનુષ્યો રચતો અને ઘડીમાં મારી રચનાઓને વિખેરતો હું ઊંભો થયો. પ્રદ્યોતને હું શોધતો હતો. અમારી સંસ્થાના ’ગ્રામ સેવક મંડળ’ના ઉતારામાં એ હોવો જોઈએ. લટાર મારતાં મારતાં હું તો એ ઉતારાની તપાસ અર્થે જ જાણે આવી ચડયો હોઉં એવું દેખાડવા માટે મેં માળીને એક ચીમળાતો ગુલાબનો રોપ બતાવ્યો ને કહ્યુંઃ "માળી, તારો ને મારો સમાન ધંધોઃ હું જગતનાં માનવપુષ્પોનો માળી, ને તું આ વનસ્પતિનો. તને આ રોપ સુકાયો દેખી દુઃખ નથી થતુ? મારા તો શ્વાસ ઉડી જાય જો મારૂં એક પણ સહકર્મચારી સુકાય તો."

હું મકાનમાં ગયો."આ પાણીના ગોળામાં ફૂગ તો નથી જામતી ને?" એમ કહેતાં કહેતાં મેં ગોળાની અંદર હાથ ફેરવ્યો, ત્યાં તો અંદરથી પ્રદ્યોતનો નિઃશ્વાસ સંભળાયો.

"કોણ છે અંદર?" કહેતો હું દાખલ થયો. પ્રદ્યોત નાક-મોં લૂછતો હતો.

"કેમ, પ્રદ્યોત, તમને વળી પાછી શરદી લાગી શું?"

પ્રદ્યોતે માથું હલાવ્યું.

"ચાલો, યુકેલિપ્ટસ છાંટી દઉં તમારા રૂમાલમાં."

પ્રદ્યોતે ફરી પાછું માથું ધુણાવ્યું - પણ નકારમાં.

"કેમ? શરીર બગડયું છે, તેથી કંઈ નથી ગોઠતું? ઘર સાંભરે છે? માબાપ યાદ આવે છે?" મેં વહાલભર્યા હાથે ને પંપાળતાં પંપાળતાં પૂછ્‌યું.

એણે ફરી ડોકું ઘુણાવ્યું - નકારમા;પણ એની આંખોએ જૂદો જવાબ દીધો - હકારભર્યાં આંસુઓનો.

"અરે, ગાંડાભાઈ!" મેં હસીને એની પીઠ થાબડીઃ "આટલી પોચી લાગણીવાળા થયે કંઈ ગ્રામસેવા થવાની છે? વજ્ર શો કઠોર બન. મારો દાખલો લેઃ મારૂં કુટુંબ ક્યાં રઝળતું પડયું છે! પણ હુ એને યાદ જ કરતો નથી."

પ્રદ્યોતને ચોધાર રૂદન ચાલ્યું. મેં જોઈ લીધું કે લોઢું તપી લાલચોળ થયું છે. મેં સવેળાનો ઘણ ચલાવ્યોઃ

"જા-જા, ઊંઠ; સાંજની ગાડીમાં ઊંપડ. જઈ આવ તું તારે. કુટુંબ પ્રત્યેનો પણ આપણો ધર્મ રહ્યો છે. સુખેથી જા."

પ્રદ્યોતે કાકલૂદીભર્યા નેત્રે મારી સામે જોયું. મેં જવાબ દીધોઃ

"હું સમજી ગયો... બેફિકર રહેજેઃ કોઈને નહિ કહું કે તું આટલો ભાંગી પડયો હતો - નહિ જ કહું. હું સમજું છું - આપણે સૌ મનુષ્યો જ છીએ."

સાંજની ગાડીમાં એ ઊંપડી ગયો. તે પછીના બે કલાકો મારા માટે જુગજુગ જેવડા ગયા. પ્રદ્યોતને લઈ જતી ગાડીના તથા વીરમતીને લઈ આવતી ગાડીના ’ક્રોસિંગ’નો મને ભય હતોઃ કદાચ એકબીજાંને મળી જશે તો?

પણ મારા બે કલાકના જાપ ફળ્યા.વીરમતી આવી પહોંચી.

શ્વાસભરી એ મારે મકાને આવી. મારી ગાદી ઉપર એ મારી પુત્રી શારદાના જેટલા જ સ્નેહ-દાવાથી એ ઢળી પડી. એના માથામાં તાજી જ બાંધેલી વેણી હતી. સાંજે પેલા જંક્શન પરથી જ લીધી હોવી જોઈએ.

મેં ચકિત થઈ ને પૂછ્‌યુંઃ "તેં શું બીજા વર્ગમાં મુસાફરી કરી?"

એ કહેઃ"ના રે!"

"ત્યારે તારાં કપડાં આટલાં સ્વચ્છ ક્યાંથી? તારા કાનમાંયે એન્જિનના ધુમાડાની કોલસી નથી એ શી નવાઈ?"

અલબત્ત, તમે સમજી શકશો કે હું વીરમતીના કાન લૂછી રહ્યો હતો.

"હેં, કહે તોઃ આ શું?"

એ શરમીંદી બની ગઈ; વાયુની લહરમાં મરોડ લઈને તીરછી છટાથી ફૂલ દાખવનાર કોઈ ફૂલ-છોડની માફક એણે પોતાનું આખું અંગ મરડીને મોં ખોલ્યુંઃ "..જંક્શને નાહીને કપડાં બદલ્યાં’તાં."

"ક્યાં નાહી?"

"સ્ટેશનના નળ ઉપર."

"અરર. એમ નવાય, ગાંડી! આપણી સંસ્થાને માટે કોઈ શું કહે?"

"પણ એ નળો તો નહાવા માટે જ છે ને? ત્યાં પાટિયાં લગાવેલ છે."

"પણ, બહેન, આપણું જીવન કાંઈ પાટિયાને આધારે નથી ચાલતું ને!તેં એ દ્રશ્ય પાટિયું દીઠું કે, આ નળ નહાવાનો છે. પણ જીવનના માર્ગ ઉપર પાટિયાં ન લગાવેલી એવી કેટ કેટલી નીતીરીતિઓ પડેલી છે!"

મેં જોયું કે વીરમતી કશું સમજી ન શકી. મારે પણ એ જ કામ હતું : એને સમજાવવાનું નહિ,અણસમજની મુગ્ધતામાં એને મુંઝવવાનું.

"એ તો ઠીક, પણ બે કલાકમાં શું ખાટુંમોળું થઈ જવાનું હતું? અહીં આવીને નો’તું નવાતું ધોવાતું?"

એ કશો ઉત્તર ન દઈ શકી. એ કશુંક પૂછવા પ્રયત્ન કરતી હતી; પણ હું શા માટે એને સૂચન પણ કરૂં? મેં કહ્યુંઃ " જા,સ્વસ્થ થા."

એ ઊંઠી. બારણા સુધી ગઈ, પછી એણે પાછા વળીને પૂછ્‌યુંઃ "મને સ્ટેશને કોઈ લેવા કેમ નહોતું આવ્યું?"

"તેં ખબર આપી હતી?"

"હા"

"શી રીતે?"

"કાગળ લખ્યો હતો."

"કોના પર?"

એણે આડો જવાબ દીધોઃ "મારૂં કવર મળ્યું નથી કોઈને?"

"કવર? ના કવર શીદ લખવું પડયું? આવવાના ખબર દેવા એમાં કવરનો ખર્ચ? તું કેટલી ઉડાઉ છે, બચ્ચા?

"નોટ-પેઈડ થયું હશે.."એ એની જ વિચાર- ધૂનમાં હતી.

"કેમ, ભાર વધારે હતો? મારા ઉપર કશા ઉદગારો તો નહોતા ઠાલવી મોકલ્યા ને!"

આવી આવી મારી ’અવળવાણી’ સામે વીરમતી એક ખામોશીભર્યો પાઠ ભજવી રહી હતી. પણ હું એને સાંપટમાં લેવા જ મથતો હતો. આખરે, શિકારીએ છેક કોઈ ખૂણામાં પેસાડી દીધેલી હરણી જેમ જવાના માર્ગો બંધ થયા દેખી શિકારીનો સામનો કરે, તેમ વીરમતીએ પણ પૂછ્‌યુંઃ "પ્રદ્યોતચંદ અહીં નથી?"

"વાહ! મારા પ્રશ્નોના જવાબ તો દેતી નથી ને આડું અવળું મારી ઉડાવણી કરનારૂં પૂછ્‌યા કરે છે તું તો, બહેન!"

"કહોને!" એણે શરમ છોડી.

"એને તો જવું પડયું."

"ક્યાં?"

"એને ઘેર."

"કેમ?"

"સહેજ શરદી જણાતી હતી, એટલે માટી મૂંઝાઈ ગયો!"

"ક્યારે ગયા?"

"તમારા બેઉની ગાડીનું ક્રોસિંગ...જંક્શન પર જ થયું હશે."

ને મારા મનમાં એક વાક્ય રહી ગયું તે આ હતુંઃ’તને કદાચ એણે સ્નાન કરતી પણ દીઠી હશે.’

"પણ એ ગયા ક્યાં?"

"બીજે ક્યાં! એને ઘેર."

"એને ઘર જ નથી, માબાપ પણ નથી; કોઈ નથી."

"હવે એ બધી તો મને શી ખબર? એને વિષે મારાં કરતાં તને વધુ ખબર છે એય હું શું જાણું, ભલા!"

મારા એ શબ્દો -હું જાણું છું - શ્વાનના દાંત સરખા હતાઃ તીક્ષ્ણ અને લાંબા. એ શબ્દો એ વીરમતીના કાળજાનો એક લોચો જાણે કે તોડી લીધો.

"રાજેશ્વરભાઈ!" વીરમતીએ દડ દડ આંસુડે કહ્યુંઃ"હું આશીર્વાદ લેવા આવી હતી."

"શી બાબત?

"પ્રદ્યોતચંદ્રની જોડે.." એ અટકી પડી.

"ઓ..હો!" મેં ચિતાજનક વિસ્મય બતાવ્યુંઃ"હવે સમજાયું. આશીર્વાદ... તો હું જરૂર આપત પરંતુ.." હું સહેજ ધગ્યોઃ "તારે મને પૂછવું તો જોઈતું હતું ને?"

"એમાં પૂછવાનું શું?"

"પૂછવાનું શું? એ પણ ભલી વાત! તારૂં આગલું વેવિશાળ તોડાવનાર કોણ? તારાં માતાપિતાને મક્કમ બનાવનાર કોણ? તારા સામાવાળાની નાગાઈનો સામનો સામ,દામ,દંડ ને ભેદથી કરનાર કોણ? બોલ."

"તમે - મારા પિતાતુલ્ય તમે જ."

આ ’પિતાતુલ્ય’નું પદવીદાન મને ગમ્યું નહિ. મારે કોઈના પિતા નથી થવું. મને એનો શબ્દ બહુ ડંખ્યો. શું હું એટલો બુઢ્‌ઢો થઈ ગયો છું કે જુવાન સહકર્મચારિણીઓ પણ મને ’પિતાતુલ્ય’સમજી બેસે? પણ મેં મારી ચીડ છુપાવીને હસતાં હસતાં કહ્યુંઃ "તો પછી, ગાંડી, તને એક વાર બચાવીને શું મારે જ તને પાછી ઊંંડી ખાઈમાં ઉતારવી - એમ?"

"ઊંંડી ખાઈ!" એણે લાલઘૂમ, રડતી આંખો મારી સામે તાકી.

"ત્યારે નહિ! આ પ્રદ્યોતનો પૂર્વ-ઈતિહાસ જાણે છે તું? તું શું જાણે? એ તો તને બનાવી જાય - મને ન બનાવી શકે. હું ૧૯૦૬ ના રાષ્ટ્ર-આંદોલનથી માંડી આજ સુધી દેશજનોની ગોવાળી કરૂં છું. હું તો ભરવાડ છું; હાથ ફેરવીને મારાં ઘેટાંના જૂના રોગો પારખું છું."

"પણ એણે એનો આખોય પૂર્વ-વૃતાંત મને કહ્યો છે."

"એ..મ છે!!" હું દરેક અક્ષર ચીપી ચીપીને બોલ્યો.

"ને એણે.."વીરમતી જરાક થોથવાઈ ગઈઃ "એ પૂર્વ-જીવનને પોતાનાં આંસુઓ વડે ધોયું છે."

"ઓ..હો ! હો !" મેં ગમ્મત કરીઃ"તું તો ગ્રામ-સેવાનું શિક્ષણ લેતી લેતી કવિતા પણ કરવા મંડી ને શું!"

હું યાદ કરતો હતોઃ મારા કયા પુસ્તકનું એ વાક્ય વીરમતી એ ચોર્યું હતું?

"મૂરખી રે મૂરખી!" મેં એને થાબડીઃ "ઉતાવળી બની ગઈ! મને વિશ્વાસમાં તો લેવો’તો! ને હજુય શું બગડી ગયું છે? તારા મનમાં જો એ દ્રઢ સંકલ્પ હોય તો એમ વેતરણ ઉતારી આપું. જા, પ્રભાત થવા દે. અને હા, પ્રદ્યોત ક્યાં ગયો હોવો જોઈએ!"

વીરમતીએ પ્રદ્યોતને સંઘરનાર એક સ્થાનનું સરનામું મને આપ્યું.

એ ગઈ. મેં તરત જ ’અર્જન્ટ’ તાર મૂક્યોઃ "પ્રદ્યોતચંદ્ર,તમારે ફરીથી અહીં આવવાનું નથી."

વળતે દિવસે પ્રાર્થના સભા પૂરી થઈ કે તરત જ મેં અમારાં પચાસેય ગ્રામ-સેવાભ્યાસીઓની મેદની વચ્ચે ગંભીર સ્વરે વાત કરીઃ

"તમને સર્વને ગ્રામ-સેવાના હિતને કારણે એક કલંક-કથા વિદિત કરવાની છે. બહુ વ્યથિત હૃદયે એ કહીશ."

સહુ સંકોડાઈ ગયાઃ કોના પર વીજળી ત્રાટકવાની હશે? પચાસેય ચહેરા ઉપરથી લોહી ઊંડી ગયું. એ લોહી નિહાળીને મેં સંતોષ લીધો.

મેં ’એક ભાઈ અને એક બહેન’ની કલંક-કથા શરૂ કરી ત્યારે સોય પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા પથરાઈ ગઈ. કથાને પૂરી કરતાં સુધી મેં નામો દબાવી રાખ્યાં. નામો જાહેર કર્યાં ત્યારે એ બે જણાંને ફાંસી દેવાઈ ગઈ.

મને સંતોષ થયો. હું વેદનામુર્ત્િા બનીને સહુની વચ્ચેથી નીકળી ગયો ત્યારે જાણે ત્યાં જીવતા જીવો નહિ પણ પાળિયા ઊંભા હતા.

પાછળથી કોઈએ આવીને મને કહ્યુંઃ "વીરમતીને મૂર્છા આવી ગઈ છે."

મેં આદેશ દીધોઃ"એને સાંજની ટ્રેઈનમાં એનાં માબાપ કને મૂકી આવો."

બપોરે વીરમતી મારી કને આવી. રોઈ રોઈને એનો ચહેરો સુંદર બન્યો હતો.

એણે કહ્યુંઃ "એક જ પ્રશ્ન પૂછવા માગું છું."

મેં કહ્યુંઃ "જરૂર પૂછો."

"આમ શા માટે કરવું પડયું?"

"તમે બેઉ મારાથી છૂપી રમત રમ્યાં તે માટે."

"તમે એમ ધારો છો કે અમે નહિ પરણી શકીએ?"

"મેં છાપામાં ખબર મોકલી દીધા છે, તમારાં માતા-પિતાને લખી નાખ્યું છે.પોલીસને પણ ચોમેર ખબર આપી દીધા છેઃ શક્ય એટલું બધું જ કર્યું છે અને જરૂર પડયે વધુ કરીશ."

"રાજેશ્વરભાઈ!" એના કંઠ આડે જાણે કોઈ ડૂચા ભરાયા હતાઃ"તમારાં પુસ્તકો, તમારી જીવન-કલ્પનાઓ, નવરચનાનાં તમારાં સ્વપ્નો - એમાંથી પ્રેરણા લઈને અમે.."

"બસ, વીરમતી! ઝાઝાં ’સેન્ટીમેન્ટલ’ થવાનું મને પસંદ નથી. થયું."

વીરમતીને પાછી મૂર્છા આવી.

એના મોં પર પાણી છાંટતો છાંટતો હું એને પંપાળતો હતો.

સાંજે એ ગઈ. વળતા દિવસની સવારે હું અને મારા પાંચ સાથીદારો ગ્રામ સેવાનું એક નવું મથક ખોલવા ઊંપડી ગયા.

હમણાં જ મને બાતમી મળી છે કે ’અમદાવાદનાં એક પીઠામાં પ્રદ્યોત દારૂ પીતો હતો.

શી નવાઈ! એનું નામ જ જાતીય વિકૃતિ.

ચએક રાષ્ટ્રસેવકની રોજનીશીમાંથીૃ

બદમાશ

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાં ઊંઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ.

ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી. સા’બલોકના પોરિયા થઈ ગયા બધા ! ’પંકચ્યુઅલ’ટાઈમ પર જ આવનારા !"

"ને પછી બૈરૂં કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !"

આ વાક્યે રામલાલને ચમકાવ્યો. ડબામાં કોણ હતું ? પોતે કોને ભલામણ કરી હતી ? યાદદાસ્તને નિચોવી જોઈ.

એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવીઃ એના કાન પર આઠ-દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડયો જ નહોતો; માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્‌યુંઃ "કોણ - સંગાથ હતો, રામલાલભાઈ ?"

"સંગાથ તો કોઈ જ ન મળ્યો."

"ત્યારે તમે એ કોને કહેતા’તા કે, ભાઈ, આ બચ્ચાનું ધ્યાન રાખજો !"

"મેં કહ્યું ખરૂં... પણ કોને કહ્યું તેનું તો મનેય ભાન નથી."

"આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં’તાં."

"હવે મને પસ્તાવો થાય છે."

"કોણ જાણે, આપણાં લોકો આગગાડીને દેખીને ભુરાંટા જ થાય છે, ભુરાંટા."

’ભુરાંટા’ શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે. ઊંંટને ભાળીને ભેંસ વીફરે, મિલ-માલિકને જોતાં આજકાલનો મજૂર-નેતા ચમકે, તેમ જ રામલાલ રેલગાડીના ગાર્ડ-ડબાનું ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો - એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં, વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઈ સામાનનાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં. અરે રામ ! માણસ પોટકાને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી હાફૂસનો કરંડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનોય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે; કેમકે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે, એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો ?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતાં કહેતાં એ કહેનારની આંખો ચારેય બાજુ જોતી હતીઃ જાણે કે રખેને કોઈક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંંચા કરીને છુરી હુલાવવા નીકળી પડવાનો હોય !

તેણે વાત કહી તે આ હતીઃ

"શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો’તો, ને બીજા આઠ-દસ એના ભંગેડીગંજેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊંભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્‌ઠા કરતા’તા. એ રાંડને ધકાવી ધકાવી અલારખાને માથે નાખતા’તા. એ બધી ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસીન્જરોનો ડબો છતાં એમાં દસ ઉપર અગ્િાયારમું કોઈ પાસીન્જર નહોતું બેઠું. મોઢાં જોઈ જોઈને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઈ ભરાયાં. શેઠ , તમે તમારાં બાલબચ્ચાંને વાઘવરૂની વચ્ચે દેખી પેખીને ક્યાં ફેંક્યાં ?"

રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એકવાર ચોમેર નજર ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો, ને કહેવાનું હતું તે પૂરૂં કર્યુંઃ "શેઠ, આઠે-પંદરે દા’ડે અલારખીઓ આંહીંના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશ હાથ આવી, ને શહેરમાં સાતેક લૂંટો થઈ. આ કાળાં કામ કરનાર કોણ છે તે તો સહુ કોઈ જાણે છે. પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો ? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે - પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છેઃ હવે શું કહો છો, મારા સહેબ ! એ તો ’કેના બાપની ગુજરાત’ જેવું છે ! સરકારના રાજમાં ’ઢેઢ મારે ધક્કેઃ દેવ ગ્િાયા ડુંગરે ને પીર ગ્િાયા મક્કે’ વાળી વાત થઈ છે. વરણાવરણી ભ્રષ્ટ થઈ ગઈઃ ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું ? સારા પ્રતાપ માનો અંગરેજી રાજના..."

આવું તો બહુ બહુ તત્ત્વદર્શન ઠાલવી દઈ પોતાના હ્ય્દયનો ઊંભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે, ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો; ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્‌ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો, દૂરથી જોનારાંને ’મીઠા વિનાનો લાગે છે’ એવો કંઈક અર્થ બેસે.

રામલાલને તાર-ઑફિસ પર જવું હતું. તાર-ઑફિસ પોતાની સામે જ હતી. આંધળોય વાંચી શકે એવા અક્ષરો ’તાર-ઑફિસ’ વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં, રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુએથી જતા માણસને પૂછવું પડયું.

તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસારવા લાગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી જોઈ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ-સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જણાતાં પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી બાંધો એક રૂપિયો સેરવ્યો.

"બીજા બે રૂપિયા," તાર-માસ્તરે જરાક ડોકું ઊંંચું કરી પાછું કંઈક લખતાં લખતાં ટૂંકી માગણી કરી.

"શાના ?" રામલાલ સહેજ તપ્યોઃ "અજાણ્‌યા જાણીને શું..."

"એક્સેસ ચાર્જ." તાર-માસ્તરે જવાબ આપ્યો.

"શાનો ?"

"લેઈટ ફી, પ્લસ સન્ડે."

રામલાલને જાણે કોઈએ ગાઢી નિંદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયા ? ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊંભું થયું છે ? શું મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબો બદલી નહિ નાખે ? શું મારાં આટલાં વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહિ વધી હોય... ? કોણ જાણે ! બૈરૂં છેઃ સ્ત્રીની બુદ્‌ધિ હંમેશા પાનીએ જ હોય છે; ભૂલ ખાઈ બેસશે... પણ શું એ કંઈ વિપત્તિ પડતાં સાંકળ નહિ ખેંચી લ્યે ? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને ? પણ સાંકળ ચાલુ હાલતમાં તો હશે ને ? અરે રામ ! આ ચોમાસામાં સાંકળ કદાચ જામ થઈ ગઈ હશે તો ? અમસ્થાય આ રેલ્વેવાળાઓ સંકટ-સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે ?... પણ તો પછી શું એ ચીસ નહિ પાડી શકે ? શું કીકો ચીસ નહિ પાડે ? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો ?...

આવી વિચાર-પરંપરા વહેતી થઈ હતી, તેમાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હડસેલીને ભંગ પાડયો; વિશેષમાં ઉમેર્યુંઃ "શેઠજી, વિચાર કરી સવારે જ આવજો - સોમવાર થઈ જશે !"

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પળે ઊંંડો તિરસ્કાર ઊંપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં, અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે, ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે ફફડીને ક્યારનું ફાટી પડયું હશે!

"ઓ મારા પ્રભુ! ચૌદ લોકના નાથ! ગરૂડગામી!" એવી પ્રાર્થના એના નિશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.

"રિપ્લાય પ્રીપેઈડ?" તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે, ને સમજી લ્યે છે કે બીજાં સહુએ એની ભાષા શીખી લેવી જ રહી.

"હેં જી?...એં-ના-હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો." રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હ્ય્દયમાં એક ગળણી ગોઠવાયેલી હતી, એ ગળણી હતી વ્યવહારૂ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો.

તાર-માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચુડાટ ઊંઠ્‌યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પળ કેવી શાતા વળી ગઈ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલુંઃ ’ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે.’

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલ દેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરૂષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો, ને પલંગમાં પડયો, ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા.

નીંદ નહોતી, પણ મગજ થાકી લોથ થઈ ગયું હતું. જ્જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા; ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન પણ બન્નેની મિલાવટમાંથી નીપજેલ એક ભયકથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો.

એને એવો ભાસ થયો કે પોતે જે માણસને, ’મારાં બાલબચ્ચાંને સંભાળજો...’ એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંઈક ભેટો થયો હતો.

ક્યાં થયો હશે?

હા, હા, યાદ આવ્યુંઃ રેલગાડીની જ એક મુસાફરીમાં. ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે, "ભાઈસાબ, થોડી વાર છિપાવા આપો, એકરાર કરૂં છું કે મારી પાસે અફીણના ચાર ગોટા છે ને મારી પાછળ પોલીસ છે."

આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે, "નહિ નહિ, બદમાશ! યહાં નહિ... નિકલ જાઓ યહાંસે."

એ મારી પત્ની રૂક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે "તું મેરી અમ્મા! મુઝે છિપને દે." પત્નીએ કહેલું કે "છોને બેઠો!" મેં પત્નીને ઝાડી નાખી ’પોલીસ-પોલીસની બૂમ પાડેલી. પોલીસે આવીને પકડયો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે "રામલાલ, છૂટ્‌યા પછી તને જોઈ લઈશ..."

એ જ એ માણસઃ એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું - ખૂન પીધું - હાય! ઓય!... રામલાલ પોતાના ઓયકારાથી જ જાગી ઊંઠ્‌યો.

પ્રભાત આખરે પડવાનું તો હતું જ તે પડયું. દસેક વાગ્યે રામલાલને પોતાના સાળાનો તાર મળ્યો કે બધાં ઘણાં જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રૂક્ષ્મિણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો.

આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત ’વહાલા’ અથવા ’મારા વહાલા’ અથવા ’મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ’ જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ, મુદ્દાની વાત વડે જ, થઈ હતી; એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળીક ટ્રેઈન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ - એમાં ફક્ત વિરામચિહ્‌નો અમારાં કરેલાં છેઃ

તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે, મને, ભલા થઈને, પાણીનો એક કુંજો અપાવો - પિત્તળનો નહિ ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે, ટેશને ટેશને પાણી મળે છે, તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યોઃ તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં, રાડયો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં ’પાણી’ ’પાણી’ કરે, ને ટેશને ટેશને એ ભાઈ દોડી દોડી પાણી આણી આપે; મને તો કાંઈ પૂછે કરે નહિ, પણ જોડેનાને કયા કરેઃ "ઈસકા ધણીએ અમકું બોલ્યા, ઈસકું ધ્યાન રખજો!"

નૈ નૈ ને પચાસ વાર એણે આ-નું આ વચન ગોખ્યું હતુંઃ "ઈસકા ધણીને અમકું કયા હે કે, ઈસકા ધ્યન રખજો!"

બોલતો જાય ને શું રાજી થાય!

હવે માંડીને વાત કરૂં છુંઃ ગાડી ઉપડયા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના - મૂવું શરમ આવે છે - ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે, થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે "ખિલખિલ હસવું બંધ કરો, ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમકે ઈસકા ધણી અમકું બોલ ગ્િાયા કે, ઈસકું ધ્યાન રખજો."

પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણાખરા ઊંંઘી ગયા; પણ એ ભાઈ કે’ કે, "અમ નૈ ઊંંઘું; ઈસકા ધની અમકુ કહે ગ્િાયા કે..." વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાળ ને ફડકો - કાંઈ ફાળ ને ફડકો! કોણ જાણે શા કારણે જાગતો હશે. મને કહે કે, અમ્મા, તમ સૂઈ જાવ. પણ હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રૂવે... રૂવે... બૌની બૌ રૂવે. એ ભાઈ ઊંઠ્‌યો; મને કહે કે, "અમા, કપડા દે." મેં ધાર્યું કે, લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યુંઃ "ભાઈ, વીરા, આ બધુંય લઈ જાઃ ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા." હું તો ઉતારવા માડી ડોકના દાગીના. એ તો ઊંભો ઊંભો દાંત કાઢે. ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું. તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય! મને થયું કે, ’જોતો ખરી, મોઈ! તાલ છે ને! એક તો હસવું, ને બીજી હાણ્‌ય. આ દાઢીમૂછોનો ધણી, સાત હાથનો ઊંંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢી ગાય છે!’ ગાતો ગાતો એ તો મંડયો રોવાઃ આંસુડાં તો ચોધાર આલ્યાં જાય. ખૂબ રોઈને વચમાં વચમાં બોલતો જાય કે "બીબી! બચ્ચા કિધર! તું કિધર! હમ કિધર!"

બબલીયે રાંડ કેવી! હું રોજ મારી-પીટીને ઉંઘાડું ને આંઈ તો આને હીંચોળ્યે ઘોંટી ગઈ. અરેરે! તમે કોઈ દાડો મારી બબલીને હીંચોળી છે? કોઈ દાડો હાલાંનો એક રાગડોય કાઢ્‌યો છે! તમે તો જ્યારે હું વીનવું ત્યારે, બસ, એમ જ કહીને ઊંભા રહો કે "એ મારૂં કામ નહિઃ હું મરદ છું." જોજો મરદ જોયા નહોય તો!

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વીસેક ખાખી દરેસવાળા આવી ઊંભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા... પણ જઈને પાછા તરત ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે કે "બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે."

મેં કહ્યુંઃ "શા માટે?"

એ કહેઃ "ખબર નથી? લોકસેવકની સવારી જાય છે."

હું સમજી ન શકી. મેં પૂછ્‌યુંઃ "તમે સરકારવાળા છો?"

એ લોકો હસ્યા; કહે કે "હા હા, આજની નહિ પણ આવતીકાલની સરકારવાળા! ચાલો ઊંતરો; તમને બાજુના ડબામાં બેસારી દઈએ."

મેં દીન બનીને કહ્યુંઃ "ભાઈ, મારાં નાનાં છોકરાં ઊંંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે."

એ કહેઃ "શરમ છે, બાઈ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરા-મોતીના હાર ઠલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી ’શ્રેષ્ઠ ભિક્ષા’વાળી કથાય નથી યાદ?"

હું તો કશું સમજી નહિ. મારાથી બોલાય ગયું કે "મૂવા તમારા લોકસેવક! જીવ શીદ ખાવ છો?"

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે, ક્યાં જઈશ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડયા, ને મારાં પોટલાં ઊંંચકી બાજુમાં કાઢવા ઉપર ચડયા. હું "એ ભાઈશાબ..." એટલું કહું ત્યાં તો સામેના ખાનાંમાંથી પેલો ઊંઠ્‌યોઃ

ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલીઃ ઝાલીને આંખો ફાડીને એટલું જ બોલ્યો કે, "ઈસ્કા ધનીએ અમકું કહ્યા હે કે, ઈસકા ધ્યાન રખના - માલૂમ ?"

પેલા બધાની તો આંખો જ ફાટી રહી; ને પેલો બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન ઘો ટટળે એમ ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે! પેલો જે મને ઊંતરવાનું કે’તો હતો, ને ’લોકસેવક’ ’લોકસેવક’ કરતો’તો તે જ તરત કહેવા મંડી પડયો કે, "ભાઈઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી નજોઈએ. આપણે ગમે ત્યાં સાંકડેમોકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે."

ને પછી કોઈકની જય બોલાવી, ’અલા હું અકબર’ના અવાજ કર્યા ને રવાના થઈ ગયા.

એકલો પડીને ય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હતો કે "અમકું બોલા -ઈસકું ધ્યાન રખના! એં? અમકું બોલા? અમકું? શાબાશ! અમકું બોલા કે, ધ્યાન રખજોઃ શાબાશ!"

એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડેઃ ગાંડો જ થઈ ગયો હતો એ તો!

સવારે હું ઊંતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલીને ઝાલીને બચીઓ ભરીઃ માથા પર હાથ મૂકી કહ્યું કે "સલામ માલેકુમ."

મેં કહ્યુંઃ "ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર આવજો. અમારૂં ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ ’ર’ અક્ષર પર આવે છે. મારા ભાઈને મેં કહ્યુંઃ "ભાઈ, આમને તમારા બનેવીનું પૂરૂં નામ તો આપો." મારા ભાઈએ કહ્યુંઃ "રામલાલ ચુનીલાલ મેશરી." કહેતાં જ એના કાન ચમક્યાઃ ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડયો.

મારા ભાઈએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી. પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી. લખિતંગ રૂખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઈને પૂછાવ્યું કે ’પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી એની તો ખાત્રી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો, ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો - કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું’.

જવાબમાં સાળાએ બનેવીને એ ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટ-બુકમાં જ રહી ગયેલી.

આમ છતાં, રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી નહોતો; એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસના અધિકારીઓએ પણ, ’આ મામલો ગંભીર છે’ એવી ચેતવણી આપી, રામલાલના મકાન ઉપર રામલાલને ખરચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો.

રૂક્ષ્મિણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યોઃ "તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે..."

રૂક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.

(પૂર્ણ)

વહુ અને ઘોડો

સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએઃ એક હું ને બીજો આ દીવો...

હું ભૂલીઃ જીભ કચરૂં છું. અત્યારે અર્ધી રાતના મારા સંગાથીને મારે પુરૂષ-નામ ન આપવું જોઈએ. દીવાને ’દીવો’ કહેતાં તરત જ મારૂં મન પાછું ભટકવા લાગે છેઃ દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદુ પુરૂષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરૂષની કલ્પનામૂર્ત્િા પણ નહિ સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટશે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર એ દીવાની પુરૂષ-કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેડીમાં અત્યારે એક હું જાગું છું. ને બીજી જાગે છે આ બત્તી.

મને મારૂં બાળપણ સાંભરે છે. જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયાફૂટી કહે છે, કેમકે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે ભૂલી બહુ જાઉં છું, નાહીને કે સૂઈ ઊંઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડયો રહેવા દઉં છું અને, તેને પરિણામે , સહુ મને ’ભાન વિનાની’, ’રોઝ જેવી’ કે ’ગામડાનું ભોથું’ કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છેઃ તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમ જ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે "રે’વા દે, રે’વા દે, પાપણી! નહિ તો તને ઓલ્યે ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો, ને કાં એમના ઘરની વહુવારૂનો, અવતાર મળશે, હો!"

તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યોઃ શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરે રોજ લાકડી ખાઈને ચાલી જતી ટિપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારૂઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું?

"તો તો હું ખૂબ પાપ કરીશ!" નાચતી કૂદતી હું બોલી ઊંઠીઃ "મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે - બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો."

ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારૂં ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંંચાં પગથિયાં પર હું રતનમાની જોડે બેસતી, અને પેલા ઘોડાની વાટ જોતી.

"જો આવેઃ જો, સાંભળ, એના ઘૂઘરા બોલે!" એમ રતનમા કહેતાં કે તરત જ હું તૈયાર થઈ ઊંંચે શ્વાસે ઊંભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેક-લટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નીરખી નીરખીને મારા હૈયાના મોરલા નાચી ઊંઠતાઃ "અહાહા! રતનમા!" હું કહેતીઃ "આવા સુખનો અવતાર પામવા સારૂ તો હું તમે કહો તેવાં પાપ કરૂં!"

"અરે મૂરખી!" રતનમાં સમજાવતાંઃ "આ તો થોડા દીનાં નાચણ ખૂંદણઃ ભલે માણી લ્યે બચાડો..."

પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર-સાંજ, બસ, એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતીઃ રણકાર થાય કે દોડાદોડ ખડકીએ જતીઃ બા નવડાવતી હોય તો એના હાથમાંથી વિછોવડાવીને સાબુએ બળતી આંખે પણ ઘોડો જોવા જતી.

’કેવો ભાગ્યશાળી ઘોડો!’ હું વિચાર્યા કરતીઃ ’એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા, ભપકેદાર લોકોની સવારી શોભે છે! ’ચાઈના સિલ્ક’ના કોટપાટલૂને દીપતા મામલતદાર સાહેબના બન્ને હાથ ભરબજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય, અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા, બગલમાં રૂપેમઢી તલવારોવાળા, મોટા મંદિલવાળા તાલુકદારો એને ’સરકાર! સરકાર!’ કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરૂષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે!’

હરેક ગાડીને ટાઈમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ-કારકુન સાહેબ સુધીના તમામ માનવંતા પેસેન્જરોને ચા-નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નીરખી લેતી; અને રાતના બાર કે ચાર બજ્યાની ગાડી પર જ્યારે એ ચૂપચાપ રબર-ટાયરની ગાડીને રમાડતો, પોતાના નાળબંધ ડાબલાના પડછંદા જગાવતો ઘોડો સૂનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો, ત્યારે ઊંંઘમાંથીય હું જાગતી - નહોતી જાગતી ત્યારે એ ઘોડો સ્વપ્નમાં જોતી.

બજારમાં પણ અનેક વાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણીવાર અટકતી; અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે "મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હો કે! જુદાઈ રાખશો નહિ, હો કે! ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે, શેઠ! ભાઈઓને સારૂ કામ નહિ આવે તો પછી એનું સાર્થક શું છે?"

’ઓહોહો!’ હું વિચાર્યા કરતીઃ કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો! ઊંભો ઊંભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની! માખી ન બેસે માટે તો આખે અંગે જાળીની ઝૂલ્ય.

જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારૂઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડતી હશે!

એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ એક દીઃ

અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતેય ગાડાખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડયા હતા. સાતેય જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોનાં કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં. પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડૂઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝગડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું - આઠ વરસની છોકરી - અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલીઃ "હદ થઈ છે હવે ને હવે તો? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ ને પીટે છે પરગામના ગાડાવાળાઓને! કોઈ દેખનારો જ ન મળે?"

આમ જ્યારે ગાડાં ને ગાડીઓ, રેંકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમ જ વાહનોનો ઠાંસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ઘમકાર સાંભળ્યા. મેં ઊંઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું...

અહાહા! શેઠની ગાડીઃ નવો ઘોડોઃ માંકડાને બદલે ધોળો ધોળોઃ અને અંદર ચાર બૈરાં તથા પાંચ છોકરાં બેઠેલાં.

આજ આટલાં વર્ષે પણ હું એ દેખાવની એકેય વિગત વીસરી નથી શકી. અંદર બેઠાં હતાં તો ચારેય જણાં ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોનાસળીના સાળુ સોંસરવી હું એ મોઢાંની ઝાંખી રેખાઓ જ જોઈ શકી હતી; પણ કોણી સુધી ઉઘાડા તે આઠેય હાથ ઉપર તો મારી નજર, કોઈ ભિખારીનું છોકરૂં દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગનીથી, તાકી રહી હતી.

મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરૂં! અત્યારની મારી દૃષ્ટિ દોષ્િાત બની છે, એટલે એ વખતના મારા નયન-તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું.

અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો!

"શેઠનાં ઘરનાં વહુવારૂઓ છે; વેવાઈ-ઘેર આજ જમવા જાય છેઃ બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!"

એવા ઉદ્‌ગારો લોકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમેને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારૂઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં.

એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે ક્યા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરૂં હોય! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી, અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં, કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા.

ગાલ તો છોને ખચકાવ્યા પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે ’હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ? એવું મને ક્યાંથી મળશે?’

બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીના પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશેઃ બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્જ્ઞાતિના કોઈ મોટા ગુરૂદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે.

પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગ્િાયલપણાની જૂજવી ભાતો લાગી હતી.

આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતીઃ કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.

એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે "ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?"

હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી. તેનો અર્થ એ હતો કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં.

અગ્િાયાર...બાર - તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાગાડીની રૂંધામણ થઈ હતી. તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડયુંઃ કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે "રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયા રાંકા જેવી રહી ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!"

બાપુ જવાબ દેતાઃ "આપણે બીજું શું કરીએ! શેઠના ઘરનાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારૂ થઈને થોડી માંદી પડી શકે છે..."

સાંભળીને બા બેવડાં ખિજાતાંઃ "તમારે ઠીક લાગ આવ્યો છે મારા માથે દાઢવાનો! લાજતા નથી ને ગાજો છો શું ઊંલટાના! હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારૂ મરે..."

"તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બન્નેની એ જ હોય ના!"

"હોતી હશે - તમને ખબર!" બા છણકો કરતાં.

બાપા કહેતાઃ "પણ એમાં આપણે શું અજુગતું કરીએ છીએ? લાયક ઉમ્મરની દીકરી સારૂ તો પ્રત્યેક ચિંતાતુર માબાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારૂ છેવટના દા’ડા કાઢતી મંદવાડમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતાં? તો પછી આપણે ક્યાં મારણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને! આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારૂને મંદવાડ આવવાને નિર્માયો જ હોય, તો જરી વે’લો વે’લો કાં ન આવે?"

"કપાળ-!" દાંત ભીંસીને બા બોલતાંઃ "ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો!"

"પણ આંટો તે કેને ઘેર મારૂં?"

"બોર્ડિંગો તો તપાસોઃ પાંચસો છોકરા ભણે છે."

"પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો!"

"ત્યારે કેને દેશું?"

"સ્ટેશને છાપાં વેચે છે કડવી ભાભુનો રસિકલાલઃ એ શું ખોટો છે?"

બાની આંખે પાણી આવી ગયાં. એનાથી કશું બોલાતું નહોતું. ગળે ડૂમો ભરાઈ આવ્યો; મન મોકળું મૂકીને રડયાં. બાપા બાને પટાવવા લાગી પડયાઃ "ગાંડી, હું તો મશ્કરી કરતો હતો! આપણી તારા જેવી દીકરીને શું હું છાપાંના ફેરિયા જોડે પરણાવું કદાપિ?"

એમ કહી બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોઢું ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડયાં.

હું, તેર વરસની તારા, છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાંવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊંઠ્‌યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપવું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ ’સમાચાર’ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક આખા દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહિ ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતીઃ જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારા આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.

હાય રે, આવા ડાઘા ડાઘા પગપાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊંઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારૂઓના વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, ’ઊંઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊંઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.’ એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! એટલી તો મને બીક લાગતી! ’મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.’

બે’ક વર્ષો બીજા ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ. તે અરસામાં તો મારી અને બાની (કદાચ બાપાજીની પણ) સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.

છ મહિના સુધી રોજેરોજ પંદર-પંદર મહેમાનો એ મંદવાડની ખબર કાઢવા ઊંમટ્‌યાં, ઘોડાગાડીના ઘૂઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાની થરથરાવતી ટાઢમાં હું મેડીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાનાં ધીરાં પગલાં પર કાન એકાગ્ર કરતીઃ ખબ... ખબ... ખબ...ઃ જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આંટા મારી રહ્યું છે; આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લાં ઘડિયાળાંની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક-ફટકો ચોંટતો, તેનો સમસમાટ પણ મારી સોડ સોંસરો સંભળાતો.

મંદવાડ સારૂ મુંબઈથી ફ્રૂટના કરંડિયા ઊંતરતા, તે લેવા સારૂ પણ ગાડી જ જોડાતી; વૈદો-દાક્તરોને લેવા, મૂકવા, પરી-તળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવાહળવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતીઃ એ છ મહિના તો શેઠ-આંગણે મીઠા ઉત્સવના મહિના હતા.

એક દિવસ એવી જાહોજલાલી અટકાવી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીની ચિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ-પુત્રને વહુના અવસાન બાદ પાંચમે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે -

મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અરધી ઉઘાડી નાખી... ને એ ઊંઘડવાનો અવાજ થતાં જ શેઠ-પુત્રની ઊંંચી થયેલી દૃષ્ટે મને જાણે કે આખી ને આખી પી લીધી.

ગભરાટમાં મેં પાછળ જોયુંઃ ધીરી ફૈબા! મારૂં મોં લાલ થઈ ગયુંઃ "ફૈબા! શા સારૂ તમે મારી આવી વલે કરી?"

"એટલા સારૂ તો તને હું ઉપર લઈ આવી’તી!"

"પણ શા માટે?"

"દુત્તી, હજુય પૂછછ - શા માટે?" કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારીઃ "ચાર વરસથી તપ તપો છો..."

મને સમજાયુંઃ આ તો વર-કન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો! હું ભૂલીઃ વર કન્યાને જોઈ લ્યે, એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહિ! મને પોતાને એવી ઉત્કંઠા નહોતી. મારા કોડ તો હતા ઘૂઘરીદાર ઘોડાગાડીમાં ચાર વહુવારૂઓની વચ્ચે સોના-સળીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીનાં હેમ-આભરણ બતાવતાં બેસવાનાં.

એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચીઃ એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ.

આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલાં; અમારૂં વતન હતું રાજકોટ. બાપુની ઈચ્છા આંહીં ને આંહીં લગ્ન પતાવી દેવાની હતી; પણ શેઠવાળાઓએ જીદ કરી કે "એમાં અમારી શી શોભા! રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે, શેઠવાળા એ રેલભાંડાની બીકે, અથવા રાજકોટ મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે, લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘરઘરેણું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી રૂપિયા ૫૦૦ ખરચીના લેજો."

મારા પિતાનું માથું આ સાંભળીને ફાટ-ફાટ થવા લાગ્યું; પણ બાનાં મેણાએ એને ચૂપ બનાવી દીધા. ટૂંકામાં કહી નાખું છું કે અમે રાજકોટ ગયાં, ત્યાં જબ્બર જાન આવી, શહેરનાં ચારેય બેન્ડો બોલાવવામાં આવ્યાં... અનેક જાનૈયાઓ માટે મોળાં શાક, ઘીના મોણવાળી રોટલી, ગળેલા ભાત, તાંદળિયાની ભાજી, તીખાંનો ભૂકો, તળેલી હીમજ, કમાવેલી સૂંઠ, અરધા દૂધની ચા ઈત્યાદિના અનોખા અનોખા સ્વાદ, તબિયત અને શોખ સાચવવામાં મારી બાએ ત્રણ દિવસ સુધી એકલા હાથે અવધિ કરી નાખી. પણ એક દિવસ જેઠજીને માટે ગલકાંનું શાક છેક જામનગરથી પણ ન મળી શક્યું તે વાતે આખી સરભરા ઉપર પાણી ફેરવી વાળ્યું. મારા બાપુની આ ’કંજૂસાઈ’ અને ’બેપરવાઈ’ સારી પેઠે તિરસ્કાર પામી.

"તમને નહોતું કહી રાખ્યું પ્રથમથી જ - કે, ભાઈ, જે ખરચ તમે ન ભોગવી શકો તે મજરે લેજો!" મારા જેઠજી ઉશ્કેરાઈને બોલી ઊંઠ્‌યાઃ "છતાં તમારો સ્વભાવ તમારી જાત ઉપર જઈને ઊંભો રહ્યો, શેઠ! જે અમને છ ટંક ન સાચવી શક્યો, તેનું પેટ અમારા ઘરમાં આવીને શું દા’ડો ઉકાળવાનું હતું!"

"મોં સંભાળીને બોલો, શેઠ!" મારા બાપાજીએ મિજાજ ખોયોઃ "તમારી શાહુકારી તમારે ઘેર રહી..."

"હાં! હાં! હાં!" કરતાં કુટુંબીઓ, સંબંધીઓ, ગામલોકો અને, ખાસ કરીને, જેઓની કન્યાઓની આડેથી હું આ સૌભાગ્ય ઝડપી ગઈ હતી તેઓએ બધાએ આવીને મારા બાપને મોંએ હાથ દીધાઃ "દીકરીના બાપનું આ કામ છે, ભાઈ? દીકરીનો બાપતો મોંમાં ખાસડું લેવા લાયક કહેવાય. જો દીકરીનો બાપ ઊંઠીને બગાડે, તો તેનાં પ્રાછત ભોગવવાં તો રહ્યાં પોતાના સંતાનને જ ને, ભાઈ!"

બાપ બોલ્યા કે "એમ હોય તો હું હમણાં ને હમણાં દીકરીના ગળામાંથી વરમાળા કાઢીને ફગાવી દઉં છુંઃ મારે એવી નથી પડી કોઈની!"

"અરે, બોલો મા... બોલો મા, શેઠ!" સર્વ લોક મારા બાપને વારવા લાગ્યાઃ "પરણી લીધેલ કન્યા તો ઊંતરેલ ધાન બરાબર લેખાય, ભાઈ! ક્યાં જઈ એનો અવતાર કાઢે? તમારાથી આવું ન બોલાયઃ ટાઢા પડો; પાઘડી ઉતારીને વેવાઈની પાસે માફી માગો."

"મારે પાઘડી નથી ઉતારવી."

"તો એને સાટે અમે સહુ ઉતારીએ છીએ, શેઠજી!" ગામલોકો - ખાસ કરીને પેલી મારા સૌભાગ્યથી વંચિત રહેલી કન્યાઓના પિતાઓ - પોતાની પાઘડીઓ ઉતારીને જેઠજીના પગમાં પડયા; બોલ્યાઃ "એ તો છોકરૂં છે; પણ અમે ઘરડા બેઠા છીએ ને રાજકોટની લાજ એમ કાંઈ જાવા દેશું? અમે માફી માગીએ છીએ..."

મારા પિતાજીનો ઉત્તાપ આ બધી વેર-વસૂલાત નિહાળીને માઝા મેલતો હતો.

જેઠજીએ ઉદાર બનીને સહુને જવાબ દીધાઃ "અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી; પણ અમે સરખું કુળ ન જોયું, અમારી વડય ન જોઈ - ફક્ત કન્યાના વખાણ પર જ અમે દોરવાઈ ગયાં - એટલે અમારે આજ આરંભથી જ વેઠવાનું બને છે ને, ભાઈ! હશે. અમને એ વાતનું કંઈ નથી. અમે જો મોટાં મન ન રાખીએ તો વહેવાર ક્યાંથી ચાલે? જેવાં સંચિત અમારાં! પણ તે વાતનું અમારે કંઈ નથી... માણસો જે સામા કુળની ખાનદાની જુએ છે તે કાંઈ અમસ્થાં જોતાં હશે, ભાઈ! પણ હશેઃ ખેર! અમારે એ વાતનું કશું જ નથી... આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું. પણ તે તો હશે! અમારે એ વાતનું કશું નથી."

જમવાને ઉતારે અંદરના ઓરડામાં બેઠાં બેઠાં મેં અને મારી બાએ કજિયો કાનોકાન સાંભળ્યો. મારી બા આંસુ પાડતાં હતાં. હું રડવા જેવી થઈ ગઈ હતી; પણ મને તો, જલદી ત્રણ દિવસ પૂરા થયે સાસરીમાં હેમખેમ પહોંચી જવાની ઊંલટમાં ને ઊંલટમાં, બાપુનું આ અપમાન તે વખતે બહુ ન સાલ્યું.

પછી મારી બાએ બહાર નીકળીને વેવાઈ પાસે ખોળો પાથર્યો. મોંમાં ધૂળની ચપટી લઈને માફી માગી. સાંજે અમે લગભગ વીસેક જાતનાં જુદાં જુદાં રાંધણાં કરીને જાનૈયાઓ માયલા માંદા, બાદીથી પિડાતા, હરસના રોગી, ગરમીના ભોગ થયેલા એવા દરેક ગૃહસ્થની સગવડ સાચવી. મોડી રાતે દાક્તરની જરૂર પડી, એટલે બાએ અમારા સંબંધી લલ્લુભાઈ દાક્તરને ગાડી મોકલી તેડાવી મગાવ્યા. પણ મારા જેઠજીએ લલ્લુભાઈનાં ખાદીનાં કપડાં જોઈ ભારી કંટાળો બતાવ્યો. દરદીને તપાસી લલ્લુભાઈ દાક્તરે સહેજ સ્મિત કરી કહ્યું કે "આમાં કશું જ નથીઃ તમે નાહક ગભરાયા! પેટમાં ગૅસ જ થયો છે..." તેથી તો જાનવાળાં સહુને અત્યંત ગુસ્સો આવ્યો; "તમારૂં કામ નહિ!" એમ કહી લલ્લુભાઈને પાછા કાઢ્‌યા.

"રાજકોટમાં શું કોઈ ગોરો દાક્તર જ ન મળે?" જેઠજી બૂમ પાડી ઊંઠ્‌યા.

મારી બાએ પંદર રૂપિયાની ફીથી મેજર ફિનફેનીને તેડાવ્યા. એમણે દરદીને અરધા કલાક સુધી ઊંંધો, ચિત્તો, પડખાભેર, પેડુમાં, નખમાં, આંખમાં, ગળામાં, કાનમાં વગેરે અંગેઅંગમાં તપાસ્યો; મોઢું ગંભીર રાખીને ભલામણ કરી કે "આખી રાત એક નર્સને આંહીં રાખવી પડશે; સંભાળ નહિ લેવાય તો આ કેસ આંતરડાના સડામાં ચાલ્યો જશે..."

"દોષ તો આમાં ખોરાકનો જ છે ને, સાહેબ?" જેઠજીએ પૂછ્‌યું.

"બેશકઃ ખોરાક અને પાણી."

પછી મેજર ફિનફેનીની મોટર જ્યારે ચાલી ગઈ ત્યારે સહુ ઘણો હર્ષ પામ્યાં. આખી રાત એક ખ્રિસ્તી નર્સને રોકવામાં આવી - અલબત્ત, અમારે ખર્ચે.

બધો વખત મારા બાપુ એક ઓરડીમાં પેસીને સૂઈ રહ્યા હતા.

આખરે હું સાસર-ઘેર આવી પહોંચી. રસ્તામાં મારા બાપુની નાલાયકી એ જ બધાંની વાતનો, ઠઠ્‌ઠા-મશ્કરીનો ને રોષ-ધિક્કારનો મુખ્ય વિષય હતો. મારૂં મોં ઘૂમટામાં હોવાથી તેઓ બેવડાં જોરથી મારૂં અભિમાન હણી રહ્યાં હતાં.

"બીજું તો ઠીક..." મારા જેઠે કહ્યુંઃ "પણ આપણે જેઓને દુઃખી કરીને પારકે ઘેર લઈ ગયાં હોઈએ, તેમની કેવી દશા કહેવાય? એનું આંખ-માથું દુઃખે એ આપણે માટે તો મરવા જેવું ને, ભાઈ!"

આ વચનમાં મારે માટે ઊંંડો દિલાસો હતોઃ આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી!

લગ્નની પહેલી રાતઃ

તે દિવસોમાં મારી વહાલસોઈ બેનપણીને પણ હું એક અક્ષરેય ન કહી શકી હોત. આજ મને થાય છે કે જાણે એક ચોપડી લખી કાઢું. પણ નહિ, નહિ; એ રાતના ત્રણ પહોર કોઈ શબ્દોમાં બાંધ્યા બંધાય તેવા નથી. મારૂં આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશા પામી જશે. જાણે રૂના પૂમડા જેવી બનીને હું પવનવેગે ઊંડી જઈશ. અગરબત્તીની માફક મારાં અંગેઅંગ બળી જઈ સુગંધીદાર ધુમાડાનાં ગૂંચળાં ફોરાવતાં આકાશે ચઢાતાં હતાં. મારૂં હ્ય્દય કોઈ ધૂપિયું બની રહ્યું હતું. કોઈ દિવસ મેં ક્યાંયે ન વાંચેલું, ન સાંભળેલું, ન સ્વપ્નેય અનુભવેલું એવું ગુંજન મારા શરીરની કણીયે કણીમાંથી ઊંઠતું હતું. બા કોઈ વાર કપૂરનો કટકો લઈને અંગારા પર મૂકતી હતી તે મને યાદ હતુંઃ હું જાણે કે એ કપૂરની સળગતી પૂતળી બની ગઈ હતી. મને બહુ ન ભણેલીને, અજ્જ્ઞાનીને, અબૂધને, ગઈ કાલ સુધી પાંચીકે રમનારીને આ કોણ છાનુંમાનું અંતર્ધાન રહ્યું રહ્યું રૂંવાડે રૂંવાડે જીવનની એક અજબ ગોષ્ઠિ કરી રહ્યું હતું? કરોડો મારા જેવી કન્યાઓને શું એ એક જ અદૃશ્ય મિત્ર સદા આ રહસ્ય શીખવી રહેલ છે?

મોડી રાત્રે શેઠ-પુત્ર આવ્યા. એના ચહેરા ઉપર મીટ માંડતાં જ, કોણ જાણે શાથીય, હું થીજી ગયા જેવી થઈ રહી. એને હું ગમીશ કે નહિ ગમું એ ફફડાટ મારો કબજો લઈ બેઠો. એનું મોં દારૂની કશીય દુર્ગંધ વગર પણ મને માતેલું દેખાયું. એની આંખોમાં રૂવાબનો તાપ બળતો હતો. કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની રીતે એણે એની બેહોશ ઈચ્છાને મારા ઉપર ભીંસી દીધી... કપૂરની ગાંગડીને જાણે કોઈએ છૂંદેછૂંદા કરીને મોટી ભઠ્‌ઠીમાં ભભરાવી દીધી. જરીકે સુગંધ આપ્યા વગર જાણે કે મારૂં યૌવન ભસ્મ બની ગયું. હું કશુંય ન બોલી શકીઃ એને કશું સાંભળવા કહેવાનું ન રહ્યું.

સવારે હું નીચે ચાલી ત્યારે એણે કહ્યુંઃ "મોટાભાઈ તારાં માવતર ઉપર ખૂબ ગુસ્સે બળી રહ્યા છે. સંભાળીને રહેજે, લાયકી મેળવજે. નીકર પત્તો નહિ લાગે. તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે - ખબર છે?"

નિહાળી નિહાળીને તો ત્રણેય દેરાણી-જેઠાણીનાં મોં આજ મેં પહેલી વાર જોયાં. જોયાં જ કર્યાંઃ અહોહો! કેટલાં બધાં શ્વેત! પણ લાલ રંગની એક આછી ઝાંય સુધ્ધાં ન મળેઃ સોનાની બંગડીઓ કાંડા ઉપર દોડાદોડ કરતી ઊંંચે ને નીચે સરકેઃ પગના છડા - છેલ્લામાં છેલ્લા મુંબઈ ઘાટના - હમણાં જ જાણે પગની પાની પર થઈને નીકળી પડશેઃ બાવડા પરની સાંકળીઓ આવડી મોટી શા સારૂ, તે દોરો બાંધીને દબાવી લેવી પડી હશે! લમણાં ઉપર વાળની ઘાટપ કાં નહિ?

આવાં રૂપાળાં મોં ઉપર તો મલકાટ જ હોય; છતાં ત્રીજા જ દિવસથી મારા તરફ કાં એમનાં મોઢાં ચડેલાં રહેવા લાગ્યાં? હું મેડી ઉપરથી જરી મોડી ઊંતરી તો મારૂં શરીર કળતું હતું, ને માથું ચક્કર ફરતું હતું, એ કારણે. મને કેમ કોઈ પૂછતાં પણ નથી કે, તને શું થાય છે, તારા? હું કાંઈ કામકાજની આળસુ થોડી હતી? પણ મારા આ શરીરના સાંધા, કોણ જાણે શાથી, ટુકડેટુકડા થઈ જાય છે. રાતના એમના પણ શરીરના સાંધા ટૂટી પડતા હતા. એમણે મારી પાસે ચંપી કરાવી. એ બધા ઉજાગરાને લીધે પણ મારાથી મોડું ઉઠાયું. મારી દેરાણી-જેઠાણીઓને હું આ કેમ કરી સમજાવું?

એ બધાં તો બબડવા લાગ્યાં કે "તમે આવ્યે અમારાં રાંધણાનાં ઘસડબોળા કંઈક ઓછા થશે એમ આશા રાખેલ ત્યાં તો તમેય બાપને ઘેર પૂરૂં ધાન ન ખાધું હોય એવાં જડયાં અમારે કપાળે!"

દેરાણી કહેઃ "મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દી-રાત એકલી તૂટી મરૂં છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?"

નાના ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું ઝૂંટવી લઈને બોલ્યાંઃ "લાવો ભા; તમારાથી નહિ ઊંપડે. તમને એટલીયે ભાન છે કે મહેમાન સારૂ પહેલાં દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવો છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને..."

ઉપરથી પુરૂષો બૂમો પર બૂમો પાડતા હતાઃ "ઊંનું પાણી કેમ હજી નથી આવતું? ક્યાં મરી ગયાં છે બધાં? ખાઓ છો તો થાળીઓ ભરીભરીને! પછી ચા કે’ દી મોકલશો? મેમાનોને ગાડીએ પોગાડવા છે! એલા, ભગા, જોડ જલદી!"

"ટપાલ લેવા કોઈ ગયું કે નહિ?"

"આ ફાનસ હજી કેમ બળે છે?"

"આ છોકરો હજુ કેમ ગોબરો ભર્યો છે? એને પખાળો તો ખરાં કોઈક!"

"બપોરની ગાડીમાં ચત્રભુજ હેમાશાવાળા આવે છેઃ રોટલીનો લોટ રાખી મૂકજો..."

"કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો’તી નાખી? કોઈ જુઓ છો કે નહિ? મારાં સાળાં આંધળાં..."

આવા અનેક અવાજો પુરૂષોનાં મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે "તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? કોથમીર જેવી જ ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દી..."

"તમારે પગે લાગું, ભાભીજી!" મારાથી કહેવાઈ ગયુંઃ "તમે મારા ઉપર સૂઝે એટલું કહો, પણ મારા બાપને બચાડાને શા સારૂ વારે ને ઘડીએ વાતવાતમાં વચ્ચે નાખો છો? એણે શું બગાડયું છે તમારૂં કોઈનું? જેવા સહુના બાપ, એવો જ મારો બાપ..."

મારી આંખો લાલ બની, ને પછી તેના પર ઝળઝળિયાં ફરી વળ્યાં. મારી આંખો આડે મારા બાપુની મુખમુદ્રા તરવરી ઊંઠી, અને હું ઊંઠીને રસોડાની બહાર ચાલી ગઈ - મારાં આંસુ ખાળવા. દેરાણી-જેઠાણીઓએ માન્યું કે મેં છણકો કર્યો. બધાં શું બોલ્યાં તે મારાથી સંભળાયું જ નહિ.

હું ઊંભી હતી ઓસરીની થાંભલીની આડશેઃ ઘોડો ઊંભો હતો ગાડીએ જૂતેલો. એ મૂંગું પશુ ઓટા પર પડેલા તપેલામાં ચોટેલા ગઈ રાતની ચંદીના ચાર ચણા-દાણા તરફ ડોકું ખેંચતું હતું. કૂંડીમાં એઠવાડનું પાણી પડેલું, તે તરફ લંબાઈને એ ખોંખારતો હતો. રાતમાં બહુ ટાઢ પડેલી, તેથી સાઈસ એને ઘાસ નીરવા ઊંઠી નથી શક્યો. એમ મને લાગતું હતું. મને થયું કે એક પૂળો લાવીને એના મોં પાસે મૂકું. ત્યાં તો મેડી ઉપરથી ધડબડ ધડબડ મહેમાનો ઊંતર્યા, અને ઘોડાનો આડોઅવળો ગરદન લંબાવતો દેખીને બોલ્યા કે "સાળો આ સાતમો ઘોડો કજાત્ય નીકળ્યો. એની મા તો હતી અસલ ચોટીલાની ચાંગલી; પણ બાપ કોઈક ટારડો પડી ગયો હોવો જોઈએ."

ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે! ને હવે મને નાનપણની વાત યાદ આવી કે રોજ ખડકીએ ઓટલે બેસીને હું જેની નસીબદારીના વખાણ કરતી તે ઘોડો એકનો એક નહોતોઃ દર વર્ષે-બે વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા.

ચોરીછૂપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવી આવતી. પગી ન હોય ત્યારે પાણી પણ પાતી; એકસામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એક વાર નાના દિયરજી બહુ જ ભઠેલા કે આમ ખડ નાખીએ કોણ આ બગાડ કરી રહ્યું છે? હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ ઉપર ઠલવાઈ ગયો ને ઘોડા સાથેનો બધો મારો ભાઈ-સંબંધ વધારે ગુપ્ત બન્યો.

બારેક મહિના થઈ ગયા હતા. રાતની ગાડીમાં પાંચ મહેમાનો ઊંતર્યા હતા. જામનગરથી તેઓ દીકરીના વેવિશાળ સારૂ એક બીજવર મૂરતિયાને જોવા આવેલા. ઘોડો સ્ટેશને જઈને તેઓને ખેંચી લાવ્યો.

સાંજરે ગામના અધિકારીઓને, મામલતદાર સાહેબનો દીકરો પરણી આવેલો તે અવસરની ખુશાલીમાં, અમારે ઘેર ચા-પાણી હતાં. તેની ધમાલમાં અમે સહુ માંડ નવરાં પડેલાં. એટલે થાકેલું મારૂં શરીર નવાં મહેમાનો માટે રોટલીનો લોટ માંડી, ચૂલામાં છાણાં ભરીને મહેમાનો જમવા ઊંતરવાની વાટ જોઈ બેઠું હતું.

પણ આવતાંની વાર જ મહેમાનોએ ચા પીધી, તેથી વાળુ કરવા ઊંતરવામાં કંઈક મોડું થતું હતું. મોટાં જેઠાણી પિયર ગયેલાં. નાનાં ભાભીજી ચીકાને મોટી ઉધરસ થઈ હોવાથી એને રડતો છાનો રાખવા ઓરડે ધવરાવતાં હતાં. દેરાણી એની એક બંગડી ખોવાઈ હતી તેથી ફાનસ લઈ ઘર તપાસતાં નોકરોને પૂછપરછ કરતાં હતાં.

મારી આંખે ચૂલા પાસે બેઠાં બેઠાં ઝોલું આવી ગયું - ને ઓચિંતાનું મારૂં લમણું ધગતાં હું જાગીઃ જોઉં તો ચૂલાનો તાપ મારી એક બાજુની લટને લાગી ગયેલો. સારૂં થયું કે બળીને એકલી લટ જ ખરી ગઈ. પણ, હું સળગી ગઈ હોત તો શું થાત - એ ફડકામાં ને ફડકામાં રોટલીઓ બગડી. પરોણાઓને ખાવામાં મઝા ન આવી, એવું મારા પતિને લાગ્યું.

મારી લટ બળી ગયાની વાત સાંભળીને તે તો કંઈ બોલ્યા નહિ; પણ સગાસંબંધીઓનાં બૈરાં આ સાંભળીને હસી પડયાંઃ "વાહ રે, વહુ, તમારૂં ભાન! આ તો ઠીક, ઘરનાં પુણ્‌ય જબરાં છે તે એટલેથી પતી ગયું; પણ કાંઈક આડું અવળું થઈ બેસત તો દુનિયા તો ઘેલસાગરી એમ જ હાંકત ને કે, ગમતી નો’તી એટલે સળગાવી મેલી!"

મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારૂં થયું. બીજું કંઈ નહિ, પણ મારા પતિને અને ગામના ફોજદારને કંઈક આડવેર હોવાથી (લોકો મૂવાં એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત.

જેમ જેમ માણસો ઘેર આવતાં ગયાં તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે "કાલે તો, ભાઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે." સહુને ખબર પડી ગઈ કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંંઘણશીપણું તો આજ નવી નવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ મારા પતિને વ્યંગ કર્યો કે, "ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે તે આમ જાગરણ ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્‌યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શું!" વગેરે વગેરે.

એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એમ બોલ તો રમતો રહ્યો કે, "ઘરનાં મોટાં પુણ્‌ય, ભાઈ, કે વહુ બચી ગયાં. આ ખોરડું તો ધરમનો થાંભલો છે."

મને થતું હતું કે, મારાં બાપુનાં કે મારાં પોતાના પુણ્‌ય કશાં હશે જ નહિ શું?

વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગુણી જુવાર અને બોકડાને દસ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જેજેકાર વર્તાવ્યો.

મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊંપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્‌યો. મને કાળી વેદના ઊંપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી - ક્યાંઈક વરધીમાં ગઈ હતી.

ત્રીજે દિવસે હું દવાખાને ગઈ ત્યારે દાક્તર સાહેબે મને નિરાંતે તપાસી. હું પણ એક ધ્યાન દેવા લાયક, કોમલ સ્પર્શે અને કોમલ શબ્દે અડકવા-બોલવા યોગ્ય છું, કોઈક બે આંખોમાં મને દીઠ્‌યે અમી ઊંભરાઈ શકે છે એ વાતની જાણ મને તે દિવસ પહેલી વાર પડી. મારા લમણાની દાઝ્‌ય દેખીને, ’આવું બેવકૂફ ઘારણ!’ અને ’ઘરડાંને પુણ્‌યે બચ્યાં!’ એવું ન ઉચ્ચારનાર આ પહેલાવહેલા જ માનવી મળ્યાઃ "કાંઈ ફિકર નહિ, બહેન; મટી જશે એ તોઃ સહેજ જ છે. એ તો બની જાયઃ શું થઈ ગયું! પણ તમે તો એટલાં સાવધાન કે ભાન ભૂલ્યા વગર એકદમ ઊંભાં થઈ ગયાં, ને ગભરાટ વગર વાળ ચોળી નાખ્યા... શાબાશ...! વાહ! તમને હું દવા લગાવું છું, છતાં તમે કેટલું ખમી રહો છો! સિસકારોય કરતાં નથી, બીજું હોય તો ચીસેચીસ પાડે, હો! એવું છે આ દાઝ્‌યાનું દરદ."

આમ બોલતાં બોલતાં દાક્તર સાહેબે મારી દાઝ્‌યાની જગ્યાએથી તમામ ખરાબ ચામડીને ચીપિયા વતી ઉપાડી કાતર વડે કાઢી નાખી. પછી મલમ લગાડયો. મને વેદના તો ઘણી થતી હતી, પણ દાક્તરના સુંવાળા શબ્દોએ મારામાં હિંમત પણ વધુ જાગ્રત કરી નાખી. "બસ, બહેન, હવે તમે જઈ શકો છો;" દાક્તરે કહ્યુંઃ "કાલે પાછાં આવજો."

તોપણ હું ઊંભી રહી.

"કેમ, કાંઈ બીજું કહેવું છે...?"

મેં ચોરની પેઠે ચોમેર જોયું. અમારી ગાડીનો સાઈસ દૂર રસ્તા પર ઊંભેલો, તેની દૃષ્ટિની પણ મને બીક લાગી.

"કહો, આવો અહીં..." એમ કહી દાક્તર મને ઓસરીમાં લઈ ગયાઃ "કહો હવે."

મેં કહ્યુંઃ "મારા અંગના સાંધા તૂટી પડે છે. ઘણાં તેલ ચોળું છું તોય મટતું નથી."

"તમે આંહી પિયર છો કે સાસરે? કોને ઘેર?"

મેં ઓળખાણ આપી - અને દાક્તર બોલી ઊંઠ્‌યાઃ "કોણ - તું તારા? અરે તારા! તને આ શું થઈ ગયું? ઓળખાતી જ નથી તું તો. તને મેં પાંચ વર્ષ પહેલાં દીઠેલી. પછી તો ક્યાં તારા બાપ તને બહાર જ કાઢતા હતા! તું તો સાવ..."

મેં સંચાની પેઠે ફરીવાર કહ્યુંઃ "સાંધા બહુ દુઃખે છે. ઘણાં તેલ ચોળ્યાં. પણ..."

નિઃશ્વાસ નાખીને દાક્તરે કહ્યુંઃ "તેલ ચોળ્યે ન મટે, બહેન, ન મટે એ સાંધા. એ સંધી-વા નથી, બા! તારો વર..." કંઈક બોલવા જતા દાક્તર વાત ફેરવી ગયાઃ "ક્યાં છે તારો વર? એક વાર એને લઈને આવજે બપોર વેળાએ."

સાઈસ આવ્યોઃ "ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરધીમાં લઈ જવી છે દલ્લા શેઠને ઘેર વરઘોડામાં. મોટાભાઈ ખીજે બળશે."

જતાં જતાં મેં મારી પાછળ એક ઊંંડો નિઃશ્વાસ સાંભળ્યો. દાક્તરનો એ નિઃશ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયુંઃ દાક્તર હજુ ઓસરીમાં ઊંભા હતા; દરદીઓ એનાં મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમ જોતાં હતાં.

આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં, નાનકડી તારાએ, આ ઘોડાનું ને ચાર વહુઓનું સદ્‌ભાગ્ય વારે વારે જોયું હતું - ઝંખ્યું હતું. આજ અત્યારે ફરીવાર જાણે મારો જીવ મારા ખોળિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલ નાની તારા એ પથ્થર ઉપર નવકૂંકરીના લીંટા કાઢવા લાગી; ને નાની તારા મને, મોટી તારાને, પૂછવા લાગીઃ ’મોટી તારા! તારાં કોણી લગીનાં ઘરેણાં કેમ હવે લબડી પડયાં છે! તારી ચપોચપ બંગડીઓ કાં ઊંતરી ગઈ! તારા બાજુબંધની સાંકળી બે તસુ જેટલી કેમ બાંધી લેવી પડી! મોટી તારા, ઘૂમટો ખોલ!’

હું - નાની તારા - જાણે કે ચીસો પાડતી રહી... ને મોટી તારાને લઈ ગાડીવાળો કોઈ ચોરની પેઠે નાઠો. ઘોડાની પીઠ પર ચણચણતા એ કૂમચીના પ્રત્યેક ઘાએ જાણે મારા બરડામાં કોરડો ફાટતો હતો.

"દાક્તરને તો બીજો ધંધો નથી;" મારા પતિએ મારી તે દિવસની વાત સાંભળીને કચવાતે સ્વરે કહ્યુંઃ "હરકોઈ ઈલાજે પ્રેક્ટીસ ચલાવવી છે! ઈંજેક્શનો મારવાં છે મોટા ઘરની બૈરીઓને! આપણે એ ધંધે નથી ચડવું."

મારી સંગાથે એ આવ્યા નહિ. બીજી વાર હું દાક્તર કને ગઈ ત્યારે દાક્તર મારા વરની અનિચ્છા પારખી ગયા; કહે કે, "કંઈ નહિ... કંઈ ખાસ જરૂર નહોતી. બની શકે તો આટલું કરજોઃ પ્રસવ થાય કે તરત જ બાળકની આંખોને તમારા કોઈ સમજદાર વૈદ્ય-દાક્તરને હાથે ધોવરાવીને અંદર દવા નખાવી દેજો. ગફલત કરશો નહિ - નહિ તો બાળકનો ભવ બગડશે, બહેન!"

આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહિ. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્‌યું નહોતું. મને વહેમ પેઠો કે, દાક્તરને ’વિઝિટ’ જો’તી હશે. મેં કોઈને કહ્યું નહિ.

તે દિવસે રાતે બે બજ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડા અને અંધારિયા ઓરડામાં હું અધભાન ગુમાવીને સૂતી હતીઃ મારી આંખો ફાટી રહી હતીઃ મારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતાઃ ગીધડાં મારા પેટમાંથી જાણે જીવતા લોચા તોડી તોડી ખાતાં હતાંઃ હું બૂમો પાડતી હતી કે, "મારા દાક્તરકાકાને કોઈ બોલાવો! કોઈ મારા દાક્તરકાકાને કહો કે, તારા મરે છે..."

"હવે પડી રે’ ને છાનીમાની!" કહીને બે સુયાણીઓ મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી.

મારા વર ઓસરીમાં ઊંભા હતા. મારી ચીસો એને કંપાવી રહી હતી. એના શબ્દોમાં તે રાતે પહેલીવહેલી મીઠાશ હતીઃ "જીવીમા! દાક્તરની જરૂર છે?"

"અરે બાપા, એ તો પહેલી સુવાવડમાં એમ જ હોય. તમેય શું આવાં ગાંડાં કાઢો છો!"

બાર કલાક હું બેશુદ્ધ રહી. કહે છે કે વારે વારે મારે મોંએ ફીણ આવી જતાં હતાં.

આખરે થાકીને મારા વરે દાક્તરકાકાને તો નહિ પણ એક ભેળસેળિયા જ્જ્ઞાનવાળા વૈદ્ય-દાક્તરને તેડાવ્યા. એની ફી ઓછી હતી.

હું જ્યારે પ્રથમ પહેલી શુદ્‌ધિમાં આવી ત્યારે મારે કાને મારી જણેલી દીકરીની કાળી ચીસો, સીસાના ઓગળેલ રસ જેવી, રેડાતી હતી. મેં બોલવા ઘણી મહેનત કરી કે, દાક્તરકાકાએ કહ્યું છે એની આંખો તપાસો ને ધુઓ પણ અવાજ નીકળ્યો જ નહિ.

ચાર કલાકની અણભંગ ચીસો પછી બાળકનો થાકેલો કંઠ વચ્ચે વચ્ચે અટકી પડવા લાગ્યો. એને મારી પાસે ધવરાવવા લાવ્યા...

ઓ મારી દીકરી! મારૂં પહેલું બાળક! મારૂં ફૂલ! એની આંખો ઉપર સોજા ઊંઠીને માંસના લોચા થઈ ગયા હતા - આંખો રહી જ ક્યાં હતી? માંસના એ લોચાઓનાં કોઈ ઊંંડાણોમાંથી આંસુ ઝરતાં હતાં.

"દાક્તરકાકાને બોલાવો! આની આંખો જશેઃ મારૂં કોઈ માનો!" મેં ચીસ પાડી.

વરને પણ સ્થિતિ ગંભીર ભાસી દાક્તરકાકા આવ્યા. પ્રથમ તો એણે દીકરીની આંખો ધોઈ, ટીપાં નાખી, રૂના પોલ બાંધ્યા. પછી એણે વરને બીજા ઓરડામાં લઈ જઈ શું કહ્યું? અરેરે મારા કાનને શા સારૂ ઈશ્વરે આટલા બધા સરવા કર્યા?

"નવનીતરાય!" કાકાએ કહ્યુંઃ "આ બે જીવ તમારા રોગના ભોગ બન્યા છે. દીકરીની આંખો ગઈ છે. ફરીથી હવે આને પ્રસવ કરવા ન પડે તો વિશેષ હત્યામાંથી બચશો. તારા અપંગ બનશે. ગાંડી બની જશે. તમારો રોગ તમે ક્યાંથી લઈ આવ્યા છો તે હું જાણું છું."

મારા વર થીજી ગયા. "જરા વાર ઊંભા રહો, દાક્તર!" કહીને એ મેડી પર ગયા. ત્યાંથી આવીને કોણ જાણે કશુંક દાક્તરને આપવા લાગ્યા..."કૃપા કરીને વાતને અહીં જ દફનાવશો, દાક્તર?" એટલું કરગર્યા.

દાક્તરકાકાનો અવાજ નીકળ્યોઃ "એક હજાર આપો તો પણ ગૌમેટ છે મારે. તારા મારી પુત્રી છે. પણ વાત દફનાવવી તો તમારા હાથમાં છે. ફરી વાર તારાના દેહની આ કમબખતી કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ."

દાક્તરકાકા ગયા. મારી નાની સૂરજને એની દવાથી પીડા શમી છે; પણ આંખનાં રત્નો ફૂટી ગયાં, તે હવે પાછાં નથી આવવાનાં...

આ સૂતી મારી સૂરજઃ મારૂં મોં એ એના હાથ ફેરવીને નિહાળે છે. જાણે એની આંગળીઓને ટેરવે ટેરવે નેત્રો ફૂટ્‌યાં છે. એ સુંવાળાં ટેરવાંના સ્પર્શની ગેબી ભાષામાં મને વાતો સંભળાવે છે. આંખો વિનાની મારી સૂરજ એનાં ટેરવાંને સ્પર્શે મારા ગાલો પર, સ્તનો ને પેટ ઉપર, જે સંગીત બજાવે છે, તેની તોલે ક્યા ગવૈયાની રાગ્િાણી, ક્યા દિલરૂબાના સૂર, ક્યા કૃષ્ણની બંસરી આવી શકે! મારા થાનેલાની ડીંટડી મોમાં લઈને એ જ્યારે ચૂસતી, ત્યારે મને એવું લાગતું કે ઊંલટાની એ મારા અંતરમાં કંઈક ઠાલવતી હતી.

અને લોકો વાતો કરતાં કે, "બાઈ, સાસરિયાંનાં પુણ્‌ય મોટાં તે મા-દીકરી બેઉની રક્ષા થઈ. એણે બચાડાં બેઉએ તો પાપ કરતાં પાછું વાળી નહિ જોયું હોય; પણ ખોરડાનાં પુણ્‌ય આડાં ઓથ દેવા આવ્યાં."

"જુઓને, બાઈ," બીજાએ ઉમેર્યુંઃ "જેઠે તરત જ નીમ લીધું કે, વહુને છૂટકો ન થાય ત્યાં લગી ચા નહિ પીઉં. જેઠાણીએ કુળદેવની આખડી રાખી છે કે, જ્યાં લગી બાળકીને પગે લગાડવા નહિ આવું ત્યાં લગી અડદ નહિ ખાઉં."

"ગલઢાંબૂઢાંનાં પૂન્યઃ તેમાં આ બધાં ઉમેરાણાં ને, બાપા! તમે ભાગ્યશાળી છો, વહુ, કે આવું સાસરિયું પામ્યાં."

આ બધા બોલ હું સ્તબ્ધ બનીને સાંભળી રહેતી.

*

આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે, "ઘોડો તો વળગાડું છું વિઠ્‌ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહિ!"

"ઠીક થયું, મોટાભાઈ!" મારા વર આનંદ પામ્યાઃ "સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી! હમણાં હમણાં બહુ હઠતો’તો. પાધરોદોર થઈ જશે."

"વિઠલો આવે ત્યારે છોડી દેજો. પણ સરક નથી દેવાની; બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી."

ભાડાત ગાડીવાળો વિઠ્‌ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો. જેઠાણીએ કહ્યુંઃ "અપશુકનિયાળ હતો મૂવોઃ છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદા મટે નહિ - આ ઘોડાનાં પગલાં થયાં ત્યારથી જ ઘરમાં જંપ નથી."

હું મેડી ઉપર ચાલી ગઈઃ આંધળી સૂરજને કેડયે લઈને બારીમાં ઊંભી રહીઃ ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખળખળી પડી; વિચાર આવ્યોઃ ’ઘોડાની માફક માણસને શા સારૂ નહિ કાઢી નાખતાં હોય? ઘોડો તો નસીબદાર થઈ ગયો; પણ આવું નસીબ માનવીને કાં નહિ?’

તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે.

હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ!

અમારા ગામનાં કૂતરાં

અમારા ગામનું નવું નામ ’શ્વાનનગર’ પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.

આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાનેઃ એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો જીવતો બેઠો છે. એ સાક્ષી પૂરશે કે, રાત્રે અમે બન્ને પલિતનાથની જગ્યામાંથી ગાંજો પીને પાછા ફરતા, ત્યારે ગામનાં ભસતાં કૂતરાંને અમે જવાબ દેતા કે, "રૈયત!"

’રૈયત’ એવો શબ્દ સાંભળીને કૂતરાં ભસવું અટકાવી, પાછાં ગૂંચળાં વળી પડયાં રહેતાં. પોલીસ-ખાતાના રાત-ચોકિયાતોની આટલી બધી સાન જે ગામનાં કૂતરાંમાં આવી ગઈ હોય, તે ગામનું નામ ’શ્વાનનગર’ પાડવાના પ્રસ્તાવને તમે મશ્કરી કાં માની લ્યો છો?

એક શેઠિયાએ તો અમારા દરબાર સાહેબને રૂબરૂ મળી અરજ કરી હતી કે, ’બાપુ, આ ગામમાં હવે પોલીસના આટલા મોટા બેડાની શી જરૂર છે? પોલીસનું કામ તો પોલીસનાં કરતાં પણ આપણાં કૂતરા સારી રીતે બજાવે છેઃ ચોરને જો પોલીસેય નથી ટપારતા, તો કૂતરાં પણ ચોરને ભસતાં નથી; ને સજ્જનને જો પોલીસ સતાવી શકે છે, તો કૂતરાં પણ સજ્જનને કરડી લ્યે છે.

"ઉપરાંત, પોલીસને ન નભાવવાનું બીજું પણ એક કારણ છેઃ કૂતરાં પોલીસને દેખીને જ રૂવે છેઃ ખાખી લૂગડું દેખતાંની વાર તેમના વિલાપ-સ્વર શરૂ થાય છે. પ્રત્યેક શેરીનાં કૂતરાં પોલીસના ચોકિયાતને સામી શેરી સુધી સહીસલામત પહોંચતા કરવાની પોતાની ફરજ એટલી તો વધુ પડતી રીતે સમજી ગયાં છે કે કૂતરાંને આખી રાત જંપ વળતો નથી. કૂતરાંનો એ અજંપો વસ્તીને પણ રાતોરાત જાગતી રાખનારો થઈ પડે છે.

"આટલો બધો સંગીન બંદોબસ્ત રાખવાની તાલીમ જો કૂતરાંને આપોઆપ જડી રહે છે. તો આ શહેરમાં નાહક પોલીસનો ખરચો નભાવવાની રાજને શી જરૂર છે?"

બાપુસાહેબને આ પ્રસ્તાવ પસંદ પડયો હશે તે તો તેમના મોં પર ફરકી રહેલ મધુર હાસ્ય પરથી જ પરખાઈ આવ્યું હતું. મારો ભાઈબંધ ટભો તો આજ પણ તમને એ વાતની તસલ્લી આપવા તૈયાર છેઃ એ રહ્યો ટભો મસાણિયો જૂનાગઢમાં. જીવતો છે હજુ.

કૂતરાંનો મહિમા અમારા ગામમાં કંઈ ઠાલો મફતનો આટલો બધો નથી વધ્યો. કૂતરાંની સેવા-ચાકરી તો અમારા ફૂલા શેઠને હાજરાહજૂર ફળી છે. સારા પ્રતાપ કૂતરાંના કે અમારા શહેરની દેદીપ્યમાન હવેલી ફૂલાશેઠે બંધાવી. પગ પૂજીએ કૂતરાંના કે ફૂલા શેઠે ગામની પાંજરાપોળને, ગામનાં ઠાકર-મંદિરોને, પાઠશાળાને, પુસ્તકાલયને, અવેડાને, પારેવાંની છત્રીને - સર્વને નિહાલ કરી આપ્યાં.

અમારી બજારમાં બીડીઓ વાળતો ફૂલિયો રાત પડે ત્યારે કૂતરાંના રોટલાની પેટી ફેરવતો. થોડાક દિવસમાં તો પેટીના ખખડાટ બજારને એક નાકેથી બીજા નાકા સુધી સંભળાતા થયેલા. એ પૈસામાંથી ફૂલિયો લોટ લાવીને હાથે રોટલા ઘડતો. એ રોટલા એણે ફક્ત પાંચ જ કૂતરીને ખવરાવ્યા. છ મહિને પાંચના ચાલીસ થયાં. એ ચાલીસેયના આશીર્વાદ લઈને ફૂલિયો મલાયા ગયો તે દસ જ વર્ષમાં તો લખશેરી થઈને, ’ફૂલચંદ અમીચંદ શેઠઃ મલાયાવાળા’ એવા નામે, પાછો આવ્યો.

"આટલી બધી માયા, ફૂલા, તું કેમ કરીને કમાયો?" એવું પૂછવા અમારા વડીલો એકાન્તમાં ફૂલા શેઠને મળ્યા હતા.

"મને બીજી તો કશી ગતાગમ નથી;" ફૂલો જવાબ આપતોઃ "પગ ધોઈને પીઉં આ કૂતરાંનાઃ મને તો એની ચાકરી ફળી છે."

બસ, તે દિવસથી અમારા ગામના વેપારી વાણિયાઓને કોઠે આશાના દીવડા ચેતાયા છેઃ તે દિવસથી તેમણે દેરાસરમાં જવું તેમ જ પર્યુષણના પર્વમાં ઘી બોલાવવું પણ કમતી કરી નાખ્યું છેઃ તે દિવસથી ઘેરઘેર કૂતરાંને ગરમાગરમ શેરો કરીને ખવરાવવાનું શરૂ થયું છે.

શેરાનો ભોગ ધરવામાં સહુથી વધુ મહિમા અમારા ગામના કૂતરા તૈમુરલંગનો છે. અમે તેને ’તૈમુરલંગ’ કહીએ છીએ, કારણ કે એ કૂતરાનો એક ટાંગો ભાંગી ગયો છે, તેમ જ ત્રણ ટાંગે ઠેકતો ઠેકતો પણ એ પોતાની પાસે આવનાર હરકોઈને - ખાસ કરીને પોતાને શેરો ધરવા આવનારને - યુદ્ધનું આહ્‌વાન આપે છે!

પ્રત્યેક સાચા મહાયોગીની જે પ્રતિકૃતિ હોય, તે જ તૈમુરલંગની છેઃ યોગી પોતાને અન્નપ્રાશન કરાવવા આવનારનું પણ ગાળોથી જ સ્વાગત કરે છે. તૈમુરલંગ એક ઓલિયા ફકીરની ભૂમિકાએ પહોંચેલો જણાય છે.

શ્વાન-પૂજા અને શ્વાન-ભક્તિનો એવો તો પાકો રંગ અમારી વણિક પ્રજાને ચડી ગયો છે કે તેઓના સંઘ-બળનો તાપ અમારા પોલીસ-ખાતા પછી અમારા ન્યાય-ખાતા પર પણ પડયો છે. કૂતરાંની સંખ્યાને હદ બહાર વધારી મૂકે એવો તો ઘીના ફળફળતા માનભોગનો સ્વાભાવિક પ્રતાપ છે. આટલી બુલંદ સંખ્યા કૂતરાંની; તેમાં ઉમેરીએ કૂતરા-ભક્ત વણિક ઈત્યાદિ કોમોની સંખ્યાઃ બેઉનો સરવાળો બીજી વસ્તી કરતાં ચડી જવા લાગ્યો, એટલે વાણિયાઓની સાથોસાથ કૂતરાંનાં રક્ષણની જવાબદારી પણ અમારા મુન્સુફો પર આવી પડી.

એ જવાબદારી અમારાં ન્યાય-મંદિરોએ બેધડક બજાવી છે. તેના દાખલાઓ તો અનેક મોજૂદ છે. અમારા મોના મિસ્ત્રીએ ઘરની ઘોડાગાડી વસાવી તે દિવસથી જ ગામનાં કૂતરાંની અને કૂતરાં-પ્રેમી મહાજનની આંખો લાલ બની હતી.

ગાડાંગડેરાં બજારમાં નીકળે તેને તો અમારાં કૂતરાં સામે જોવા જેટલુંય મહત્ત્વ નહોતાં આપતાંઃ ગાડાવાળો બહુ બહુ હોકારો કરે ત્યારે સૂતેલાં કૂતરાં કેવળ ત્રીજા ભાગની આંખ ત્રાંસી કરીને પાછાં આરામમાં લય પામી જાય.

પણ મોના મિસ્ત્રીની ઘોડાગાડીના ઘૂઘરાએ અમારા તૈમુરલંગનો જે તેજોવધ કર્યો, તે તેજોવધ ન તૈમુરલંગથી સહેવાયો કે ન અમારા મહાજન પુત્રોથી સહેવાયો...

ત્રણ પગે ઠેકીને તૈમુરલંગ જ્યારે ઊંઠ્‌યો, ત્યારે એણે ફક્ત નાની-શી કરૂણ બૂમ નાખી હતી.

બૂમ! કરૂણ બૂમ!! તૈમુરલંગની કરૂણ બૂમ!!!

દુકાનદારો બધાં કામકાજ પડતાં મૂકીને સ્તબ્ધ બની ગયા. તેઓએ મોના મિસ્ત્રીની ઘોડાગાડીને એક પછી એક શ્ચાન-મોરચો વટાવતી આગળ ચાલી જતી દીઠી.

"જોઈ શું રહ્યા છો?" એક દુકાનદારે બીજાને કહ્યું.

"મા’જનનું નાક કપાય છે..." બીજાએ ત્રીજાને કહ્યું.

"આમ તો આવતી કાલ્ય આંહીં હત્યાનો સુમાર નહીં રહે."

"આપણામાંથી પાણી જ ગયું ને!" ચોથાએ મુસલમાનોનો દાખલો દીધોઃ "ઈવડા ઈ લોકોની એક બકરીને ચેપવા તો જાય મોનો!"

"કૂતરાંના નિસાપા ગામની આબાદીને ખાઈ જશે - ખાઈ..."

"ગભરૂ બાપડા પશુને પીલી નાખ્યું તોપણ મોનાને એટલુંય ભાન છે કે ગાડી ઊંભી રાખે!"

"એની તો આંખ્યો જ ઓડે ગઈ છે."

તમામ ચર્ચાના પરિણામરૂપે મહાજનના આગેવાનો મુન્સફ પાસે ગયા, અને મુન્સફે તેઓની ફરિયાદ દફતર પર લીધી.

મોના મિસ્ત્રીનો ગાડીવાન ફલજી નામે એક સપાઈ હતો. ગામડાંમાં ખેડ કરતાં કરતાં બાયડી મરી જવાથી એની ખેડ ભાંગી ગઈ હતી. એટલે જ ફલજી સાંતીડાનું બળતણ બનાવીને મોના મિસ્ત્રીની ડેલી પર નોકર થયો હતો. અમે એક વાર એના છોકરાને નદીમાં, ગામથી એક ગાઉ પરના ધૂનામાં, એક માછલું ઝાલતો જોયેલો, ત્યારે ઠીક ઠીક ટીપેલો. ઉપરાંત, એક વાર એ છોકરો બીજે ગામથી ટ્રંકમાં મૂકીને માંસ વેચાતું લઈ આવેલો, ત્યારે પણ મહાજનનાં મન ઉચક થયાં હતાં અને આ સપાઈ ફલજીએ પાઘડી ઉતારી હતી ત્યારે જ એને દંડથી જતો કર્યો હતો.

આવા એક ભરાડી સપાઈને નોકરીમાં રાખનાર મોનો મિસ્ત્રી આખા ગામનું નાક તો વાઢતો જ હતો; તેમાં પાછો આ તૈમુરલંગનો કિસ્સો બન્યો.

"મોનો તો ખાટકી છે - ખાટકી!" એવા અભિપ્રાયો અમે મહાજનને મોંએથી ઝીલીને છેક બાયડી વર્ગને પહોંચાડી દીધા. મારો ભાઈબંધ ટભો ન્યાતનાં નોતરાં દેવા ઘેર ઘેર જતો, તદુપરાંત ન્યાતના જમણવારમાં શાક અને ક્ઢી કરનાર રસોયા તરીકે સહુનો માનેતો હતો; એટલે મોના મોસ્ત્રીનો ધજાગરો બાંધવામાં ટભાની મહેનત વહેલી ફળી ગઈ. ટભાના હાથની બનાવેલી મીઠા લીમડાવાળી કઢીના સબડકામાં જે સ્વાદ હતો, તે જ સ્વાદ સહુ કોઈને ટભા-મુખથી પિરસાતી આ મોનાની વાતમાં પણ આવ્યો.

"હવે મૂકોને વાત, મારી બાઈયું!" મારાં એક ભાભુમાથી આટલું જ બોલાઈ ગયુંઃ "કૂતરાંનો વસ્તાર આટલો બધો વધારી મૂકયો છે તેમાં શી સારી વાત છે? આ નત્ય ઊંઠીને કૂતરાંના મેલાં ઊંસરડયા જ કરવાનાં!"

મારા ભાભુમાને આ બોલ બહુ ભારી પડી ગયા. દેવ-ઠેકાણે પૂજાતાં કૂતરાંની આવડી મોટી ગ્િાલા કોણ ચલાવી લ્યે? મા’જન બેઠું હોય જે ગામમાં, એ ગામની એક વાણિયણના માથામાં શું આટલી બધી રાઈ! એ ન ચલાવી લેવાય. તે જ દિવસથી ભાભુમાને ’હત્યારી’, ’ખાટકણ’, ’ડાકણ’, ’શ્વાનભરખણ’ વગેરે શબ્દોનાં આળ ચડતાં થયાં.

મુકદ્દમો ચાલવાના દિવસ સુધી મોનો મિસ્ત્રી મક્કમ રહ્યો. એણે એના ગાડીવાનને કહ્યુંઃ "ફલજી, તું ડરીશ મા; હું તારો પૂરેપૂરો બચાવ કરવાનો છું."

પણ એક... બે ને ત્રણ મુદતો પડી, ત્યાં મોનો ઢીલો પડી ગયો. ગામલોક એને પીંખવા લાગ્યું. ગામની બજારે ગાડી કાઢવી મોનાને મૂશ્કેલ બની ગઈ.

મહાજનનો તાપ એટલો અસહ્ય હતો. મોનાની સાયબી નિસ્તેજ બની; એની હિંમત ખૂટી ગઈ. મોનાએ મહાજનના આગેવાનો આગળ છાનુંમાનું ’મીનો’ કહ્યું.

"હાં, તો બરાબર..." મહાજનના શેઠિયાઓએ મોનાની સામે અમીની આંખો ઠેરવીઃ "તો પછી હાંઉઃ તું વચ્ચેથી ખસી જા, મોના! અમે ફલજીને તો આરપાર કાઢવા જ માગીએ છીએ."

પછી મોનો સમજુ બનીને ખસી ગયો. એણે પણ ઉઘાડેછોગ હાકલ કરી કે, "કૂતરૂં ચેપાણું હોય તો તો મહાજનથી કેમ ચલાવી લેવાય? બાપડાં કૂતરાંનો ધણીધોરી કોણ? એણે ગામનું શું બગાડયું છે? કૂતરાંનું લોહી હળવું શા માટે? એ તો સારૂં થયું તૈમુરલંગ ચપળ હતો, એટલે ઝપાટામાંથી બચી ગયો; પણ ત્યાં કોઈ બાપડી ગાભણી કૂતરી ગાડીની હડફેટમાં આવી ગઈ હોત, તો ત્યાં ને ત્યાં જ એનો ગાભ જ ઢગલો થઈ જાતને! માટે જે કોઈ માણસ આવી ગફલતનો કરવાવાળો હોય - પછી એ મારો નોકર ફલજી હોય, કે બાપુ સાહેબનો કોચમેન રહેમતખાં હોય - એનો ન્યાય તોળાવો જ જોઈએ. કૂતરાં તો મૂંગાં જાનવર છેઃ એ ક્યાં જઈ ન્યાય મેળવશે?"

પછી ફલજીનો દંડ થયો. દંડ કોર્ટ ખાતે જમા ન કરતાં કૂતરાંપ્રેમી ન્યાયમૂર્ત્િાએ દંડ એ તૈમુરલંગ વગેરે કૂતરાં-કુટુંબને શેરા ખવરાવવા ખાતે મહાજનને જ અપાવ્યો.

તે પછીથી અમારા ગામમાં કૂતરાંની સ્થિતિ સુધરતી જ આવે છે, ને અમે સૌ એવી આશાએ શેરા ખવરાવ્યા જ કરીએ છીએ કે કૂતરાંની આંતરડીની દુવાથી કોઈક દિવસ અમારી સર્વની સ્થિતિ ફૂલા શેઠ જેવી ફાલી નીકળશે.

કૂતરાંના રાતભરના કકળાટ અમને કોઈને ઊંંઘ નથી આવવા દેતા, તો તેથી હિંમત હારી જવા જેવું શું છે? કૂતરાંના ભસવાથી વસ્તીના ઊંંઘતાં છોકરાં ઝબકી ડરી જાય છે એવી દલીલ આજના જમાનામાં કામ આવે નહીંઃ આપણાં વણિકોનાં છોકરાંએ તો નાનપણથી જ કઠણ છાતીનાં બનતાં શીખવું જોઈએ.

કૂતરાંનો પાડ માનીએ કે આખી રાત આપણને જાગતા રાખી અનેક ચોરીઓના ત્રાસમાંથી આપણને બચાવે છે. કાઠિયાવાડનાં કેટકેટલાં શહેરો-કસ્બાઓ તેમ જ ગામડાંઓ અત્યારે કૂતરાંના કટક વડે આબાદાન બની રહેલ છે! ભલે ફૂલા શેઠની પેઠે નવું નાણું અપાવવામાં કૂતરાં ન ફળ્યાં હોય; પણ જે જૂનું નાણું છે, તેની તો આખી રાત ચોકી કરવાનો આપણો ધર્મ કૂતરાંએ જ જાગ્રત રખાવ્યો છે ને! કૂતરાંના પાળનાર રાજાઓ પ્રત્યે કેટલાંક છાપાં મહાજનોની લાગણી ઉશ્કેરવા મથી રહેલ છે; પણ મહાજને પોતાનું કાળજું છાપાંવાળાને ખવરાવી દેવાનું નથી . (અગાઉ આપણે એમ કહેતાં કે અલ્યા, તારૂં કાળજું કૂતરાં ખાઈ ગયાં છે! હવે એવી ભાષા અપમાનસૂચક કહેવાય.) એવા રાજાઓ સદૈવ આબાદાન રહ્યા છે તે બતાવી આપે છે કે કૂતરાંની ભક્તિ કૂતરાંના દેવ દત્તાત્રય વ્યર્થ જવા દેતા નથી.

ફલજી સપાઈ કૂતરાને દુભવ્યા પછી કદી સુખી થયો નથી એ વાત ન માનતા હો, તો પૂછો મારા ભૈઈબંધ ટભાનેઃ એ રહ્યો ટભો જૂનાગઢમાં! બળબળતે ઉનાળે કૂવામાં તારોડિયો તબકતો હોય એટલાં જ જળ જ્યારે જડતાં, ત્યારે અમે મહાજન તરફથી પાણીની ટાંકીઓ બળદ-ગાડીઓ ઉપર ચાલુ કરી હતી. અમે એક ગાઉ છેટેના નવાણનું પાણી ભરી ભરી ગામને ઘેરઘેર ટાંકીઓ ફેરવતાં. એક ટાંકીને માથે હું બેસતો, ને બીજીને માથે ટભલો. શ્રીમંત ગરીબનો કોઈ તફાવત કર્યા વિના અમે સહુને પાણીનાં વાસણ ભરી આપતા ગામમાં ઘૂમતા હતા.

એમાં પહેલે જ દિવસે ફલજી સપાઈનો છોકરો માટલું લઈને દોડયો આવે. ટભાને મેં કહ્યું કે, "ટભા, હમણાં કશું કહેતો નહીંઃ ટળવળવા દેજે ખૂબ!" વારે વારે એ છોકરો માટલું ધરવા જાય... ને વારેવારે હું હોશિયાર રહીને ટાંકીની સૂંઢ બીજાના વાસણમાં ઠાલવી દઉંઃ એને ખબર તો ન જ પડવા દઉં કે હું જાણીબૂઝીને એનો વારો નથી આવવા દેતો. એમ તો હું ને ટભો બેઉ બડા ચકોર છીએ!

પછી તો એ છોકરો રોઈ પડયો. મેં કહ્યુંઃ "કાં ભાઃ એમાં મૂંડકો કેમ બનછ! તને કોઈએ કાંઈ કહ્યું? ગાળભેળ દીધી!"

ડોકું હલાવીને એણે તો આંસુડાં ખેરવાં જ માંડયાં. પછી એ કહે કે, "હું, મારી બોન ને મારા બાપ - ત્રણેય જણાં તાવમાં પડેલાં છીએઃ પાણી ભરીને લાવનારૂં કોઈ નથી. એક ઘડો આપોને, તો ત્રણ દી પોગાડશું, અમારે વધારે ઢોળીને શું કરવું છે? તાવવેલાં છીએ એટલે ખાતાંપીતાંય નથી ને ખાતાંપીતાં નથી એટલે કાંઈ વધુ પાણી પીવા જોશે પણ નહિ. વાસ્તે આપો, ભાઈશા’બ!"

પણ પછી તો મેં ચોખ્ખું કહી દીધું કે, "ભાઈ, પુણ્‌યશાળીઓને પ્રથમ પહોંચાડી દેવા દે, પછી તારો વારો..."

ત્યાં તો લાલભાઈ શેઠના ઘોડાને દોરીને એનો નોકર લઈ આવ્યો, એટલે બાકીનું બધું જ પાણી અમે શેઠના ઘોડાની બાલદીમાં ઠાલવી દીધું, ઘોડો ચસકાવી જ ગયો. સૂંઢ ખંખેરીને મેં ફલજીના છોકરાને બતાવીઃ "જો, ભાઈઃ છે પાણી! હોય તો હું ને મારો ભાઈબંધ ટભો કાંઈ ના પાડીએ?"

"ના શા સાટુ પાડીએ, ભા!" ટભાએ પણ ટાપશી પૂરી, ને અમે ટાંકીઓ હંકારીને ગામમાં ચાલ્યા ગયા.

બજારમાં અમને અજાયબી એ જ વાતની થતી કે આ કૂતરાં તો જો - કૂતરાં! કેટલાં સમજણાં! મહાજનની ટાંકીને જરીકે રોકે છે? ઊંઠીને કેવાં મારગ આપે છે!

"હા." ટભાએ કહ્યુંઃ "અને એની પુણ્‌યે તો આટલુંયે પાણી મળે છે આ કાળે ઉનાળે."

(પૂર્ણ)