મણીભદૃ વીર નો ઈતિહાસ
ઉજ્જૈનમાં માણેકશાહ નામના એક શેઠ સોદાગર વસતા હતા. માણેક ના જન્મથી માતા પિતાને ખુબ આંનદ થયો હતો. જન્મોત્સવ ઉજવેલ હતો. દિન હીન દુ:ખીને ઘણું દાન આપી સંતોષ પમાંડ્યો હતો. ઓસવાલ તેમની જાતી હતી. માણેક શાહના પિતાનું નામ ધર્મપ્રિય શાહ અને માતાનું નામ જિનપ્રિયા હતું. તેમને એ એક જ પુત્ર હોવાથી લાડકવાયો હતો. એવા લાડકવાયા પુત્રને જોઇને માતા પિતા ખુબ જ આંનદ અનુભવતા હતા. જયારે બાળક થોડોક મોટો થયો એટલે પિતા ધર્મપ્રિય શાહે નશ્વર દેહને છોડીને આ લોકથી વિદાય લીધી. માતા જિનપ્રિયાએ માણેકને જૈન ધર્મનું શિક્ષણ અને વ્યવહારીક જ્ઞાન આપીને પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો અને તેણે પિતાનો વહીવટ સંભાળી લીધો, બજારમાં શાહ સોદાગરની પદવી પ્રાપ્ત કરી, કારણ કે વ્યાપારમાં અનીતિને દેશવટો પોતે આપેલ. દાન શીલ તપ ભાવના એ ચાર ધર્મોનું યોગ્ય રીતે પાલન કરતા હોવાથી લોકપ્રિય અને રાજપ્રિય માણેકશાહ થયા હતા. પુખ્તવ્ય થતાં ધારાનગરીના જગમશહુર ભીમશેઠની આનંદરતિ નામની કન્યા સાથે માતાએ લગ્ન કરાવ્યાં. અને ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે કર્તવ્યો અબાધિપણે પાલતા સંસારસુખ ભોગવતાં હતા.
જૈન ધર્મમાં તપાગચ્છ શાખાના લાડીલા માણેકશાહના પિતા-માતા ઓસવાલ વંશે અને જૈન ધર્મે તપાગચ્છની શાખામાં પૂ. અણંદ વિમલસૂરી આચાર્યના અનુયાયી હતા. માણેકશાહ પણ એજ ધર્મનું પાલન કરતા હતા. પોતાની હવેલીમાં જિનમંદિર અને પૌષધશાલા હતી. એક વખત લૌકશાહના યતિઓ ત્યાં આવેલ હતાં ભદ્રિક પરિણામી માણેકશાહ ધર્મશ્રવણ કરવા તેમની પાસે જતા હતા તેમની કુયુકિતઓથી માણેકશાહના મનમાં પ્રતિમાપૂજા નહી કરવી એવું ઠસાવી દીધું. અને કુળક્રમથી આવેલ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવક ધર્મ છોડીને લૌકામતિ બન્યા.
એ વાત જયારે તેમના માતૃશ્રી જિનપ્રિયાને ખબર પડી ત્યારે તેમના આત્માને ઘણું દુ:ખ થયું. અને પ્રતિજ્ઞા કરી કે ' જ્યાં સુધી મારો માણેક પાછો સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી વિગઈ ખાવી નહી.' એ જિનપ્રિયા માતાની પ્રતિજ્ઞાની જાણ જયારે માણેકશાહના ધર્મપત્ની આનંદરતિને ખબર પડી ત્યારે તેમને પણ ઘણો જ ખેદ થયો અને પોતાના પતિદેવને માતાની પ્રતિજ્ઞાની જાણ કરી. માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે જયારે કોઈ સદગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ. એમ કરતા છ માસ વ્યતિત થયા.
એક દિવસ અણંદ વિમલસુરીજીની શાખાના આચાર્ય હેમસૂરિજી સતર સાધુઓથી પરિવરેલા ઉગ્ર વિહાર કરતાં કરતાં ભવિજીવોને ગામોગામ ઉપદેશ આપતા ઉજ્જૈન નગરીની બહાર આમ્રવન નામના ઉધાનમાં પધાર્યા. તે સમયે આચાર્ય મહારાજ આવેલા છે. માણેકશાહને એ ખબર પડતા રાત્રે પોતાના સાથીઓની સાથે હાથમાં મશાલ દ્વારા તે સ્થળે પહોચ્યા. અને તેમને હેરાન કરવા લાગ્યા. તેમાંથી એક સાધુની દાઢીના બાલ પણ બાળી નાખ્યા તો પણ સાધુ ભગવંતે ક્ષ્રમાં રાખીને તેને સમતારસ માં રમતા જોયા માણેકશાહને ઘણોજ પ્રશ્રયાતાપ થયો અને પોતાની હવેલીમાં આવી અને પલંગ ઉપર સુતા છતાં નિંદ્રા ના આવીને પોતાની ભૂલનો ખુબ પ્રશ્રયાતાપ કરવા લાગ્યા અને તે સાધુની શ્રમતાને અનુંમોદવા લાગ્યા.
"ધન્ય છે.આવા ક્ષ્રમાંના સાગર મુનિવરને! જરા માત્ર ક્રોધ નથી. મુખ કેવું પ્રફુલ્લિત હતું ? જરાયે ઉદાસીનતા નથી.અહો ! ધન્ય છે. આ મુનિવરોને ! આવા પંચ મહાવ્રતધારી સાધુઓ ક્યાં.? અને ગાદી ઉપર બેસીને ઉપદેશ દેનાર લૌકશાહના યતિઓ ક્યાં? બંનેના આચરણમાં પર્વત અંને જમીનનું અંતર છે. સવારે ઉધાનમાંથી આચાર્ય ભગવંતની પધરામણી મારા ઘરે સંઘ સહીત કરાવું અને ભૂલ ની માફી માગું અને મારી શંકાઓનું સમાધાન કરું અને આવા સમતાસાગર મુનીવરોની પવિત્ર રજથી આંગણ પવિત્ર કરું.” આવી આવી ભાવનાઓથી આખી રાત્રી વ્યતીત કરી સવારે સંઘ ને ભેગો કર્યો. વાજિંત્રોના નાદ અને સ્વાગત પૂર્વક ગુરુ મહારાજને પોતાના આંગણે પોતાની પોષધશાલામાં બિરાજમાન કર્યા. સંઘ ની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી ક્ષ્રમાંયાચના અને વિનંતી કરી કે હે પૂજ્ય ભગવંત મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો.
હે પૂજ્ય મુનિવર શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે.? અને તે ક્યાં શાસ્ત્ર માં છે ?
હે માણેકશાહ ગણા શાસ્ત્રોમાં પૂજા નું વિધાન છે. અને વિધિ પણ છે. અગિયાર અંગમાંથી પાંચમું અંગ જે મહાન ભગવતી સુત્ર છે. તેમાં આનું વિધાન છે. સાથે અનેક આગમોમાં પણ છે.
કોઈએ જીન પ્રતિમા પૂજી છે.? કે જીનબિંબ ભરાવ્યા છે. ?
પહેલા ભરત ચક્રવતીએ અષ્ટાપદ પર્વત ઉપર, જીન બિંબ પોતપોતાના શરીર પ્રમાણથી ૨૪ તીર્થંકરની પ્રતિમાજી ભરાવી ને સ્થાપના કરેલ છે.
તેમજ સંપ્રતિ મહારાજા એ ભગવાન મહાવીર પછી ૨૯૦ વર્ષે સવા કરોડ જીન પ્રતિમા ભરવી સવા લાખ જિન મંદિર બનાવ્યા છે.
ભગવાન મહાવીરના સંસારી ભાઈ નંદિવર્ધન રાજાએ મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવેલ તે હાલના નાંદિયા દિયાણા અને નાણામાં છે.
શ્રેણિક મહારાજે આવતી ચોવીસીમાં થનાર પદમનાભ નામના તીર્થંકરની પ્રતિમા ભરાવી છે. વસ્તુપાલ તેજપાલે અને વિમલશાહે આબુ દેલવાડામાં દેરાસર કરાવ્યાં છે.
ધના સંઘવીએ ૧૪૪૪ સ્તંભયુક્ત રાણકપુરનું દેરાસર સ્વર્ગલોકને વાદ કરતું હોય તેવું બનાવ્યું.
કેસરિયાજી તીર્થમાં આદિનાથજીની પ્રતિમાજી છે.
મુનિસુવ્રત સ્વામીનાં વખતમાં શ્રીપાલ અને મયણાંસુંદરીએ પૂજા કરી હતી અને તેથી શ્રીપાલ રાજાનો કોઢ ગયો હતો.
ઉજ્જૈનમાં અવંતી પાર્શ્વનાથ અતિ પ્રાચિન છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બધાજ દેવલોકમાં ભૂલોકમાં પૂજાણી છે. અને અષાઢી શ્રાવકે ગઈ ચોવીસીમાં ભરાવી છે. શ્રી કૃષ્ણજીના વખતમાં એનું નવણ છાંઽવાથી 'જરા' નામની વિધાભાગી ગઈ હતી.
અંતરીક્ષ પાર્શ્વનાથ અતિ પ્રાચિન છે. શત્રુંજય, ગીરનાર, આબુ વિ. અનેક તીર્થો નો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એમ અનેક શાસ્ત્રો ની શાખ છે, પ્રત્યક્ષ અને પરંપરા સિદ્ધ દાખલાઓ છે. માટે હે માણેકશાહ! જરામાત્ર એ બાબતમાં શંકા રાખવી નહિ.
આ પ્રમાણે ગુરુમુખે માણેકશાહની શંકાનું નિવારણ થયું અને મહાસુદ પાંચમના શુભદિવસે સમકિતમૂલ બારેવ્રતો ઉચ્ચાર્યા. સંઘમાં લ્હાણી કરી ગુરુની વસ્ત્રપાત્રથી પૂજા કરી દીનહીનને અનુકંપા દાન કર્યું અને આઠમ ચૌદશે પૌષધ કરવા લાગ્યા હંમેશા અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. સુપાત્રની ખૂબ ખૂબ ઉત્સાહથી ભક્તિ કરવા લાગ્યા.
ગુરુમહારાજે પણ શ્રાવક પણામાં માણેકશાહને સ્થિર કરીને અન્યત્ર વિહાર કર્યો અને ગામે ગામે વિહાર કરતા કરતા આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા.
માણેકશાહને એક વખતે વ્યાપારર્થે આગ્રામાં જવાનું થયું. ત્યાં સાંભળ્યું કે પૂ. આચાર્ય હેમવિમલસૂરીજી અહીં ચાતુર્માસ માટે પધારેલા છે. એ સાંભળીને જેમ મેઘધ્વની સાંભળી મયુર નાચી ઉઠે તેમ ગુરુ મહારાજના સમાચાર સાંભળી માણેકશાહનું પણ હૈયું નાચી ઉઠ્યું. બધો જ વ્યહવાર અને કામકાજ પોતાના મુનીમોને સોંપી દીધો. પોતે નિવૃત થઈને ગુરુસમક્ષ સવારે ઉઠી સામાયિક, પ્રતિકમણ, પચ્ચક્ખાણ, દેવ-પૂજા ગુરુ-વૈયાવચ્ચ, વ્યાખ્યાનશ્રવણ અને આત્માધર્મની ધર્મ ચર્ચાઓમાં આખો દિવસ વ્યતિત કરવા લાગ્યા.
વ્યાખ્યાનમાં શત્રુંજય માહત્મ્ય નામનો ગ્રંથ ગુરુદેવ પોતાની પાસે આવેલા ભાવિકોને સમજાવતા હતા. એ ગ્રંથમાં શત્રુંજયની યાત્રા છેરી પાલતા જે કરે, ત્યાં જઈને નવાણું યાત્રા કરે, ચૌવિહારો છઠ્ઠ કરી સાત કરે તથા ચૌવિહારો છઠ્ઠ કરીને રાયણવૃક્ષ નીચે ધ્યાન કરે અને રાયણમાંથી જો તેના ઉપર દૂધ ઝરે તે મનુષ્યોનો ભવ પરિમિત બને છે. ત્રીજે, સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઇ જાય છે. શત્રુંજયની સ્પર્શના કરનાર માનવ ટૂંક ભવમાં જ મુક્તિએ પહોંચી જાય છે. સર્વ કર્મોનો અંત આવે છે.
જેમ જેમ શત્રુંજયની યાત્રાનું વર્ણન માણેકશાહ સાંભળતા જાય છે. તેમ તેમ એમના અંતરમાં યાત્રાની ભાવના વધતી જાય છે. એના મનમાં ઉમંગ આવ્યો અને દ્રઢ સંકલ્પ કર્યો મારે પણ ચોવીયાર ઉપવાસ, મૌનપણે અદવાણે પગે શત્રુંજય યાત્રા નવકાર ગણતા એકલાએ કરવી પગે ચાલીને સિદ્ધાચલ જવું
એ પોતાનો સંકલ્પ દ્રઢ બનાવવા માટે પૂજ્ય ગુરુવર પાસે જઈ અને કહ્યું કે ઉપરોક્ત ભાવના પૂર્ણ કરવા માટે મને અભિગ્રહ આપો અને આપશ્રીના શુભ આશિષ મને આપો જેથી મારી ભાવના પૂર્ણ થાય. ગુરુ મહારાજે કહ્યુકે માણેકશાહ એ પ્રતિજ્ઞામાં ઘણુંજ કષ્ટ ઉત્પન્ન થાય તેવું છે આગ્રાથી સિદ્ધાચલ ઘણું દુર છે. માટે એ પ્રતિજ્ઞા તમો કેવી રીતે પાળશો ? માટે સમજીને પછી કાર્ય કરો તો વધારે ઉચિત રહેશે. માણેક શાહે વિંનતી કરી કે, હે ગુરુદેવ આપશ્રીના શુભ આશિષ મારે માટે બસ છે. મને અભિગ્રહ આપો. પૂજ્ય આચાર્યદેવે નવકાર ગણી ને સિદ્ધાચલની છરી પાળતી યાત્રાની પ્રતિજ્ઞા માણેકશાહને કરાવી. ગુરુ મહારાજના શુભ આશીર્વાદ રૂપી માંગલિક સાંભળીને માણેક શાહે શેત્રુંજય યાત્રાના સંકલ્પપૂર્વક નવકાર મહામંત્ર સ્મરણ કરતા પ્રયાણ કર્યું. માર્ગમાં જ્યાં જ્યાં જિન મંદિર પ્રાપ્ત થાય ત્યાં ત્યાં દેવ દર્શન પૂજા કરતા આગળ વધતા હતા જરાય માત્ર થકાવટ નહિ જરાય ઉદાસીનતા પણ નહી, પલમાત્ર પણ શત્રુંજય અને નવકાર સમરણ ચુકતા ન હતા.
એમ કરતા ગુજરાતમાં પાલનપુર નજદિક મગરવાડા ગામની બાજુમાં એક વન હતું ત્યાં પહોચ્યા ત્યાં ડાકુઓની ટોળી હતી એકલા એ વણિકપુત્રને ઉતાવળે ઉતાવળે નિ:શંકપણે જતો જોઇને ડાકુઓએ મોટી રાડ પાડીને કહ્યુકે એ વાણીયા ઉભો રહી જા. પરંતુ માણેક શાહે એ અવાજ સાંભળ્યો નહિ કારણકે એનું ચિત નવકાર મંત્રમાં હતું અને ધ્યેય શત્રુંજય ની યાત્રાનું હતું. તેથી ડાકુઓ સમજ્યા કે નક્કી એની પાસે કંઇક કીમતી માલ હશે તેથી એ ચાલ્યો જાય છે. ડાકુઓ એકદમ તેના પર તૂટી પડ્યા રસ્તો રોકી નાખ્યો. એક તલવારના ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદા કરી નાખ્યા પરંતુ માણેક શાહ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહિ. શત્રુંજયના ધ્યાનમાં જ હતા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને મણિભદ્રદેવ યક્ષોના ઇન્દ્ર દેવ થયા. એ પ્રમાણે માણેકશાહ શેઠ શુભધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા અને એક ભવ પછી દેવગતિથી પાછા મનુષ્યગતિમાં આવી શુદ્ધ ચરિત્ર પાળી મોક્ષે જશે.
હવે બીજું જયારે માણેકશાહે લોકમતિ ધર્મને છોડીને પાછા પવિત્ર શુદ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારી તે પૂજા આદિ ધર્માનુષ્ઠ કરવા લાગ્યા એ જોઈ અમ્તરમાં લોકામતિ કડવામતિના આચાર્યના હૈયામાં પૂ.આચાર્ય હેમવિમલસૂરિ ઉપર તેજોદ્વેષ ઉત્પન્ન થયો. એમને ભૈરવદેવ સિદ્ધ કર્યો અને કડવામતિ આચાર્યે ભૈરવદેવને આજ્ઞા કરી કે જાઓ હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરીને ભટકતા કરી દો.
ભૈરવદેવ પણ મંત્રશક્તિથી બંધાયેલો હોવાથી પૂ. હેમવિમલસૂરિ ચિત્તભ્રમિત થઈ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે. એમ સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ ચિત્તભ્રમિત થઇને મૃત્યુ પામ્યા, કાળધર્મ પામ્યા.
એ ઉપદ્રવ જોઈને આચાર્યદેવ તુમ વિમલસૂરિજી સૂરિમંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા. સૂરિમંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમો અઠ્ઠમતપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે. એ સાંભળી પૂ.આચાર્ય મહારાજ શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતાં કરતાં પાલનપુર પાસે મગરવાડ ગામે આવ્યા.
ત્યાં ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે સમજીને ગામની ભાગોળે એક રાયણવૃક્ષ નીચે અઠ્ઠમ તપ કરી કાઉસ્સગ ધ્યાનમાં ગુરુ મહારાજ પધ્માસને બિરાજમાન થયા. એ અઠ્ઠમ તપ અને ધ્યાન ના પ્રભાવથી મણિભદ્ર ઇન્દ્રનું આસન ચલાયમાન થયું. મણિભદ્ર ઇન્દ્રદેવને અવધિજ્ઞાનથઈ જાણ થઈ કે ‘પોતાના ગુરુદેવ પધારેલા છે અને તે મારા પરમ ઉપકારી છે. જેમના ઉપદેશથી હું રિદ્ધિ સિદ્ધિ પામ્યો છું.’ મારી પહેલાના મણિભદ્ર ઇન્દ્ર અહીનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય મનુષ્યગતિમાં ગયા. (કારણ કે) દેવલોકની સ્થિતિ છે કે જે પહેલાના ઇન્દ્રો અહીંથી અન્ય ગતિ પામે ત્યારે બીજો અહીં ઉત્પન્ન થાય તેને મણિભદ્રદેવ તરીકે જ નામ રહે છે તે રીતે હું પણ ગુરુ મહારાજની કૃપાથી જ વ્રતોનું પાલન કરીને અહીં ઉત્પન્ન થયો છું.
હું ઇન્દ્રદેવ થયો છું. મારું શ્યામ વર્ણ છે. અજ્મુખ(તુદિલ) મનોન્માન સહિત હાથ-પગ, નાક, જીભ અને હોઠ લાલ રંગના છે. લાલ અને તેજસ્વી મુગટ મેં ધર્યો છે. જાત જાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ પર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે. અને તેમાં આદિશ્વર ભગવાનનું ચિન્હ છે. જેથી મારી દ્રષ્ટિ શ્રી આદિશ્વર ભગવાનની ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશુલ, ડમરું, મુદગલ, અમ્કુશ અને નાગ ધારણ કર્યા છે. એરાવત હાથી મારું વાહન છે. અને હું ચૌસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો. વીસ હજાર મારા સામાનિક દેવતાઓ છે. એ બધીજ રિદ્ધિ સિદ્ધિ પૂજ્ય ગુરુમહારાજની કૃપાથી અહિસાં-સંયમ અને તપ-વ્રતના પાલન ના અલૌકિક ફળરૂપે છે. અને ગુરુ મહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે. ગુરુ મહારાજનો એ ઉપકાર સ્મરણ કરતો હતો. માણિભદ્રદેવ તરતજ મગરવાડા ગામની નજદિક જે જગ્યાએ ગુરુમહારાજ છે. ત્યાં પ્રત્યક્ષપણે હાથ જોડીને ગુરુ સન્મુખ ઉભા રહ્યા.
ગુરુદેવને કહે છે કે "હે પૂજ્ય ગુરુદેવ આપ મને ઓળખો છો. ?
ગુરુએ કહ્યું કે તમે કોઈ દેવ છો.?
પૂજય ગુરુદેવ હું દેવગતિમાં છું. માણિભદ્રદેવ દેવ છું. અને આપનો શિષ્ય છું. માણેક શાહ હું પોતે છું. હું આપની પાસેથી અભીગૃહ લઇ શેત્રુંજયની યાત્રા માટે નીકળ્યો અને અહી આ જગ્યાએ ડાકુઓએ આ દેહનો નાશ કર્યો અને શુભ ધ્યાનથી મૃત્યુ પામી માણિભદ્રદેવ તરીકે ઉત્પન્ન થયો છું. ફરમાવો શું આજ્ઞા છે. ?
ગુરુએ કહ્યું કે અમારા સાધુઓને ઉપદ્રવ કોણ કરે છે.? અને તેનું નિવારણ કરો. અમારા દશ સાધુઓ ચિતભ્રમિત થઇ ભટકી ભટકીને મુર્ત્યું પામ્યા છે. અગિયારમાં ચિતભ્રમિત થયેલ છે.
એ વચન સાંભળીને માણિભદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને પોતાની સેનામાં રહેલ કાળા-ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. બંને ને બોલાવ્યા અને કહ્યું કે ભાગ્ય શાળીઓ આ સાધુ-સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની ભક્તિ અને સ્તુતિ કરવી જોઈએ. આવા કાર્યોથી પાપબંધન થાય છે. સંસારમાં ભટકવું પડશે. માટે એ અકૃત્ય ઉપદ્રવ કરવાનું છોડી દો. ભૈરવોએ કહ્યું . હે દેવ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. અને મંત્રથી અને વચનદાનથી અમે અમારા આચાર્યો થી અમે બંધાયેલ છીએ. માટે આ કાર્ય અમારે કરવું પડશે માટે અમો આપને આજ્ઞાનું પાલન નહી કરી શકીએ માટે આપ એ વાત છોડી દો. નહીતર અમો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ.
માણિભદ્ર સાથે કાળા-ગોરા નું યુદ્ધ થયું ભૈરવોની આઠ ભુજાઓ હતી. ત્યારે માણિભદ્રને છ ભુજાઓ હતી અને યુદ્ધ કરીને ભૈરવોને વશ કર્યા. ભૈરવોએ ઇન્દ્રને કહ્યુકે હવે અમે ઉપદ્રવ નહિ કરીશું. પરતું એક વિનંતી અમારી આપને માનવાની રહેશે કે જ્યાં આપનું સ્થાન હોય ત્યાં અમને આપની સેવા માટે સેવક તરીકે સ્થાન આપશો. ભૈરવનો ઉપદ્રવ શાંત થઇ ગયો અગિયારમો સાધુ સાજો થઇ ગયો.
માણિભદ્ર ઇન્દ્રે ગુરુદેવેને વિનંતી કરી કે સાહેબ આ જગ્યાએ મારા પગ પડ્યા છે. પગની પિંડી ની સ્થાપના આપના હસ્તકે કરો જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે અને આપની પાટ પરંપરામાં તપગચ્છની પાટે જે જે આચાર્યો થશે અને તે અહી આ સ્થાને. આવીને અઠ્ઠમનો તપ સર્વ પ્રથમ કરશે તેનાથી મારું આસન ચલાયમાન થશે. મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે તેથી હું તેમની સેવામાં હાજર થઈશ. જે એ પ્રમાણે આવીને મને પણ શાસનભક્તિનો ધર્મલાભરૃપી આશીર્વાદ આપશે. તેની સેવામાં રહીને ધર્મમાં સહાય કરીશ અને એથી મને પણ શાસનભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે. સમકિત નિર્મલ રહેશે. જૈન શાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ. પૂ. હેમવિમલસૂરિજીએ પગની પિંડીના આકારની સ્થાપના મહાસુદિ પાંચમે મગરવાડા ગામની બાહર કરી.
માણિભદ્રદેવના કહેવા મુજબ તેમના ત્રણ સ્થાન છે:
(૧) ઉજ્જૈનમાં જન્મ છે. ત્યાં મસ્તક પૂજાય છે.
(૨) આગલોડમાં ધડ પૂજાય છે. અને
(૩) મારવાડમાં પિંડી પૂજાય છે.
આગલોડ નગરે ધડની સ્થાપના:
પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ ઉપવાસ કર્યા. શ્રી માણિભદ્રવીરદેવ પ્રત્યક્ષ થયા અને માણિભદ્રવીરની આજ્ઞાનુસાર વિ.સં.૧૭૩૩ માં મહા સુદ પાંચમ ના દિવસે આગલોડ નગર બહાર વીરના બતાવેલ સ્થાને માટીમાં પિંડનું ધડ સ્થાપન કર્યું. અને પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી અને માણિભદ્રજીએ કહ્યું કે 'જે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડના માણિભદ્રવીરના સ્થાનકે આવીને અઠ્ઠમ કરશે તેમની ઇચ્છા પૂર્ણ કરીશ. અને મને ધર્મલાભ આશીર્વાદ આપશે, તેમને જિનશાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ.' એ પ્રમાણે કહીને વીર અદ્રશ્ય થયા. તે જગ્યાએ પૂ. આચાર્ય મહારાજના ઉપદેશની શિખરબંધી જૈનશાસન રક્ષક દેવનું દેરાસર શ્રી સંઘે બંધાવ્યું. જે રીતે બુહત સંગ્રહણી સૂત્રમાં છે તે રીતે બંધાયેલ છે, તે આજે પણ મૌજુદ છે.
શ્રી માણિભદ્રદેવ નિયમાં સમકિતધારી દેવ છે માટે જૈન ધર્મનું વિધિયુક્ત પાલન કરનારના દુ:ખો ટાળવા માટે સંપૂર્ણ રીતે તે સહાયક થાય છે.