Meghani Ni Navalikao Khand-2 books and stories free download online pdf in Gujarati

મેઘાણીની નવલિકાઓ ખંડ ૨


મેઘાણીની નવલિકાઓ

ખંડ-૨



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.રેલગાડીના ડબ્બામાં

૨.દિવાળીની બોણી

૩.ફક્કડવાર્તા

૪.ગંગા ! તને શું થાય છે ?

૫.છાલિયું છાશ

૬.અણકથી વેદના

૭.બૂરાઈના દ્વાર પરથી

૮.કાનજી શેઠનું કાંધું

૯.કિશોરની વહુ

૧૦.અનંતની બહેન

૧૧.સદાશિવ ટપાલી

૧૨.મંછાની સુવાવડ

૧૩.ચોટલે ઝાલીને

૧૪.મોરલીધર પરણ્‌યો

૧૫.ભનાભાઈ ફાવ્યા

૧૬.કેશુના બાપનું કારજ

૧૭.’લાડકો રંડાપો’

૧૮.ઘૂઘા ગોર

૧૯.ગરાસ માટે

૨૦.દરિયા પરી

’અર્પણ’

ભાઈ ઉમાશંકરને નિવેદન

’ચિંતાના અંગારા’, ખંડ ૧

ઘણા વખતથી ’સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળનો મનોરથ હતો કે મારે ટૂંકી કથાઓ લખવી. જેલમાં રહ્યે રહ્યે એ વિચારે મારા મન પર જોર કર્યું હતું. બહાર નીકળ્યા પછી એ મંથનનું આ રૂપે પરિણામ આવ્યું છે.

આ વાર્તાઓ લખાતી ગઈ તેમ તેમ ’સૌરાષ્ટ્ર’ પત્રમાં પ્રગટ થતી રહી છે. અને એ-નો એ જ ક્રમ જાળવી રાખીને આમાં છપાઈ છે. ક્યાંક ક્યાંક રંગો ઘેરા કરવા સિવાય લખાણમાં કે વસ્તુમાં મોટો ફેરફાર કર્યો નથી. એના મૂળ ગુણદોષો સાથે જ એ બહાર પડે છે.

લેખકના નામના નિર્દેશ વિના જ એ છાપેલી. મારા તરફના પક્ષપાતથી રંગાયા વિનાનો મિત્રોનો અભિપ્રાય જાણવો હતો. એકંદર ઘણા ખરાનો સત્કાર મળ્યા પછી જ પ્રગટ નામે બહાર પાડે છે.

ખાસ કરીને ગ્રામ સેવામાં પડેલા યુવકબંધુઓને આ ચિત્રો આવશ્યક લાગ્યાં છે. ગામડિયા સમાજની નજીકમાં નજીક હોઈ તેઓને આ સાહિત્યની યથાર્થતા વિશેષ દેખાઈ છે. હું તો કલાની કે સાહિત્યની દ્રષ્ટિએ મારી આ વાર્તાઓના ગુણદોષ તપાસવા નથી બેઠો. આપ્તજનોના અભિપ્રાયને ભરોસે આ નાવ તરતું મૂકું છું.

ચિતા જલે છે. એક-બે નહિ, લાખો શબો સામટાં સળગે છે. શબોની નહિ, જીવતાં કલેવરોની એ અગ્નિ-શૈયા છે. વાચક ! ભાઈ અથવા બહેન ! અંગારા ઓલવાઈ ગયા છે એવો ભુલાવો ખાઈશ નહિ. તું જોઈ શકે નહિ માટે માની લઈશ મા, કે આ વાર્તાઓમાં રજૂ થયેલો જમાનો ગયો છે. ચિતા જલે છે; બુઝાવાની વેળા આઘી છે.

કથાઓમાં અમુક સાચી ઘટનાઓનું માત્ર બીજારોપણ થયું છે, તે પછી એનાં ડાંખળાંપાંખડાં તો એકંદર જીવનના નિરીક્ષણમાંથી ફૂટેલાં છે. કોઈ એક જ ઘટનાને સાંગોપાંગ નથી ઉઠાવી.

બાકી રહેલી તેમ જ નવી લખાયે જતી વાર્તાઓનો બીજો ખંડ થશે.

રાણપુરઃ ૨૮-૯-’૩૧ ઝવેરચંદ મેઘાણી

’ચિંતાના અંગારા’, ખંડ - ૨

આમાંની પહેલી ચાર વાર્તાઓ મારી સ્વતંત્ર છે. છેલ્લી ’પરિત્યાગ’ની કથા તો શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની છે. એનો અનુવાદ મેં ’ગુજરાત’માં પ્રગટ કરાવેલો. એ મહાન કલાકારની કૃતિ આંહીં મૂકવામાં મારી વાર્તાઓને હું કદાચ જોખમમાં ઉતારતો હોઈશ. પરંતુ જેના અનુવાદમાં મારા અંતઃકરણે મૌલિક સર્જનનું મમત્વ અનુભવેલ છે, તેના સુખભોગમાં વાચકોને મારા બનાવવાનો મોહ મારાથી છોડી શકાયો નથી.

મારી આ શિખાઉ વાર્તાઓ છે. સહુ સ્નેહીઓ અને શુભચિંતકોનું નિઃસંકોચ નિવેદન હું નોતરૂં છું. તેઓને ખાત્રી આપું છું કે તેઓની ખંડનાત્મક તેમ જ મંડનાત્મક બન્ને પ્રકારની ટીકાઓનો આ કૃતિઓનાં ઘડતરમાં હિસ્સો છે.

બોટાદઃ ૨૪ માર્ચ ૧૯૩૨ લેખક

’આપણા ઉંબરમાં’

જાતમહેનત કરનારાં ઉદ્યમી જનોની એક આખી દુનિયા આપણા ઉંબરમાં જ - આપણી પડખો પડખ જ - જીવે છે. જીવનસંગ્રામ કરે છે, ને મરે છે પણ આપણા ઉંબરમાં, છતાં આપણે અને એ પરસ્પર પરદેશી જેવાં બન્યાં છીએ. એમની સમસ્યાઓ આપણાથી સમજાતી નથી. કાં તો આપણે એની ઘૃણા કરીએ છીએ, ને કાં દયા ખાઈએ છીએ. દયા ખાવી એ પણ તિરસ્કારનું જ એક સ્વરૂપ છે.

આંહીં રજૂ થતાં ચિત્રોમાં કોઈ શ્રમજીવી-મૂડીદાર વચ્ચેના વિગ્રહની ફિલસૂફી નથી વણાઈ. એ પ્રશ્ન તો લેખકને માટે ગહન છે, ને ખાસ અભ્યાસ માગી લે છે.

’ફક્કડ વાર્તા’ અમેરિકાના ’નૅશન’ પત્રના ’નાઈસ સ્ટોરી’ નામના શબ્દચિત્ર પરથી ઉતારેલ છે. બાકીનાં ચિત્રો સ્વતંત્ર છે. ’ગંગા, તને શું થાય છે ?’નું સ્ફુરણ વિલાયતના કોઈ એક ન્યાયમૂર્ત્િાએ, બનતાં સુધી તો જસ્ટીસ મેકકાર્ડીએ, એક કુમારિકાએ કરેલા ગર્ભપાતના ગુના પર આપેલ ફેંસલામાંથી નીપજેલું છે.

ટૂંકી વાર્તાની કલાને ધોરણે કસતાં આ વિચારી વાર્તાઓને ’વાર્તા’ નામ નહિ આપો તો પણ ચાલશે. આ તો ચિત્રો છે. અનર્થ નીપજાવ્યા વિના રેલગાડીનાં મુસાફરોની વાટ ખુટાડવામાં ખપ લાગે તો બસ છે.

બોટાદઃ ૨૩-૫-’૩૨ ઝવેરચંદ મેઘાણી

૧૯૩૨માં આ વાર્તાઓની પહેલી આવૃત્તિનું દર્શન કર્યા પછી છેક આજે એનાં પ્રૂફ વાંચતાં વાંચતાં પુનર્દર્‌શન પમાયું. વચલી આવૃતિ મારી ગેરહાજરીમાં થઈ ગઈ હતી.

પ્રૂફો વાંચતો હતો ત્યારે એવી લાગણી થતી હતી કે જાણે કોઈ નવરૂધિરવંતાં સાત બાળકોનો ફરીવાર આણધાર્યો ભેટો થયો છે.

એ સાત બહેનો સાથેના મેળાપમાંથી મોટામાં મોટો આનંદ તો આ મળ્યોઃ કે સાતેય જણીઓ એમને મેં પહેલીવાર દુનિયામાં રમવા મોકલી તે દિવસના જેટલી ને જેટલી જ સ્ફૂર્ત્િાભરી આજે પણ લાગી.

આ સાત બહેનોના જ એક વિખુટા પડી ગયેલા ભાંડરૂ સમી આઠમી ’કાનજી શેઠનું કાંધું’ મારી ભૂલથી ’ચિંતાના અંગારા’(ભાગ ૧)માં ચડી ગઈ હતી. એને મેં એના ભાંડુ-સાથમાં લાવી મૂકેલ છે.

શરૂમાં થોડાંક ઢોરનો ધણી ગોવાળ થોડાં વર્ષે જ્યારે બહોળી પશુ સંખ્યાનો સ્વામી બને ત્યારે એ કાંઈ એકેય પશુની વ્યક્તિત્વને વીસરી જઈ ભુલાવામાં પડી જતો નથી. હું પણ આજે લાંબી અને ટૂંકી બેઉ પ્રકારની કથાઓની ઠીક ઠીક સંખ્યાનો સર્જક બન્યો હોવા છતાં મારા નવલિકા-સર્જનની પ્રારંભ વેળાની આ ’બકરીઓ’ને, પ્રત્યેકને, વ્યક્તિવાર પિછાની શકું છું. એવી ઓળખાણને શક્ય બનાવવા પૂરતું તાજાપણું તેમનામાં જ હોવું જોઈએ ને! એકલી એ ગોવાળની ઓળખ-શક્તિ શા કામની?

ઓચિંતાનો આ કુટુંબ-મેળાપ કરાવનાર પ્રસંગ તો એ બન્યો કે છેક મધ્યપ્રાંત અને વરાડમાં હાઈસ્કૂલ બોર્ડની સરકારી મીજી તરપથી થોડા દિવસ પર એક કાગળ મળ્યો લખ્યું હતું કે ’આપણા ઉંબરમાં’ નામની તમારી ચોપડી આંહીં અમારે ત્યાં હાઈસ્કૂલોની પરીક્ષામાં પાઠ્‌યપુસ્તક તરીકે મૂકેલ છે. પણ એ કોઈ ઠેકાણે મળતી કેમ નથી?

ગુજરાતની બહાર છેક મધ્યપ્રાંત વરાડમાં મારી નાનકડી પુસ્તિકાને પાઠ્‌યપુસ્તકનું સ્થાન! આશ્ચર્ય થયું. છેક એટલે દૂર કોણે આ વાર્તાઓને વિદ્યાર્થીયોગ્ય તરીકે ઓળખી અને ઓળખાવી હશે? કોનો આભાર માનું? હજુય ખબર નથી.

બીજો ચિંતાભર્યો વિચાર તૂર્ત હાજર થયો, કે ભાઈ, પાઠ્‌યપુસ્તક થનારૂં ચોપડું જો એને ફરજિયાત ભણતર લેખે ભણનાર વિદ્યાર્થીઓને કંટાળો આપનાર બન્યું ને, તો તેઓ તારી સાત પેઢીને મનમાં મનમાં શાપ આપશે ! ને તારા વાર્તાલેખક તરીકેના નામ પર જ ચોકડી મૂકશે. ઉપરાંત તેમાંનો એકાદ મોટપણે જો વિવેચક બન્યો, તો તો તારા સાહિત્યનાં ભીંગડાં જ ઉખેડી નાખશે. પાઠ્‌યપુસ્તકોમાં તારાં પુસ્તકનું મુકાવું, એટલે ૯૯ ટકા તો વિદ્યાર્થીઓનાં કટક સાથેનું ગુપ્ત વૈર બંધાવું એમ જ સમજી લેવું, બચ્ચા લેખક !

પણ પાઠ્‌યપુસ્તકમાં પ્રવેશ કરવાની દુષ્ટબુધ્ધિ કેટલી જોરાવર હોય છે ! મરાઠી મધ્યપ્રાંતના સો-બસો ગુજરાતી છોકરાઓમાં મશહૂર બનવાની તાલાવેલીએ મારે માટે "ભાઈસાહેબ, પાઠ્‌યપુસ્તકના શાપમાંથી મને બચાવો !" એટલું લખી મોકલવાની હિંમત ન રહેવા દીધી. મેં તો ઉલટું એ તાબડતોબ છપાવી બહાર પાડી દીધી છે.

આ ચોપડી મૂળ તો ચાર આનાની, પણ એમાં એક વાર્તા વધારી, અને કાગળો સારા વાપર્યા એટલે છ આના મૂકવા પડેલ છે. આભાર માનજો મારો કે રૂ. એકની કિંમત ફટકારી દઈને વિદ્યાર્થીઓ પાસેથી થોડું રળી લેવાની લાલચ મેં રોકી લીધી. ઉપરાંત, મૂળ વિચાર ’ચિંતાના અંગારા’ના બે ભાગને તથા આ ચોપડીને ભેગાં કરી અઢીસો-ત્રણસો પાનાંનું પુસ્તક કરવાનો છે, છતાં આની થોડીક જૂદી પ્રતો, વિદ્યાર્થીઓ માટે કઢાવી લીધી તે પણ પૈસા રળવાની દ્રષ્ટિએ મેં ખોટું કર્યું એનો હવે મને પસ્તાવો થાય છે.

આવી વાતો ચોડેધાડે કહી દેવી એ દુનિયાદારીમાં એક મોટી બેવકૂફી છે એવો વિચાર પણ છેલ્લે છેલ્લે આવે છે. ને બેવકૂફીના કળશરૂપે એ છેલ્લા વિચારને પણ આંહીં ટાંકું છું, કે જેથી કદાચ કોઈક બીજા લઘુવાર્તાકારને આ પરથી એકાદ નવલિકાનો વિષય મળી રહે. ને ખરે જ શું પાઠ્‌યપુસ્તકમાંથી કમાણી કરવાની કરામતો એકાદ લઘુવાર્તાનો વિષય નથી ?

રાણપુરઃ ૨૦-૧૧-’૩૮ ઝવેરચંદ મેઘાણી

’મેઘાણીની નવલિકાઓ’, ખંડ ૨

ઈતિહાસ -દ્રષ્ટિએ આ બીજો ખંડ પહેલો ગણાય. મારૂં સ્વતંત્ર વાર્તા-લેખન ૧૯૩૧માં, આ ખંડની વાર્તા ’કિશોરની વહુ’થી, આરંભાયું. તે વખતનાં સાપ્તાહિક ’સૌરાષ્ટ્ર’માં બબે હપ્તે આમાંની કેટલીક કથાઓ પ્રકટ થએલી, અને કેટલીએક બીજી ૧૯૩૨-૩૩માં, ’ફૂલછાબ’ નાનકડા સાહિત્યપ્રધાન સામયિકરૂપે નીકળતું તેમાં,અને તે પછી ’ચિતાના અંગારા’ (૨ ખંડ) અને ’આપણા ઉંબરમાં’ નામના લઘુસંગ્રહોમાં બહાર પડેલી.એ બધાં લિકપ્રિય નીવડેલાં.

’દરિયાપરી’ની છેલ્લી મૂકેલી લાંબી નવલિકા સ્વતંત્ર નથી, પણ ઈબ્સનકૃત નાટક ’લેડી ફ્રૉમ ધ સી’ પરથી આલેખાઈ છે. ’ઘૂઘા ગોર’ અને ’ગરાસ માટે’ત્રણેક વર્ષ પૂર્વે લખીને વર્તમાન ’ફૂલછાબ’ સાપ્તાહિકમાં આપી હતી. ’ગરાસ માટે’ એ સાચી ઘટના છે.

નવલિકા-લેખનના પ્રદેશમાં મારૂં ભણતર કેવા ક્રમે થયું તેનો ટૂંકો ઈતિહાસ અસ્થાને નહિ ગણાય.૧૯૨૨માં ’સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે મુખ્યત્વે તો સાહિત્ય-પ્રકાશનો કરવા માટે મારૂં જોડાણ થયું. તે વખતે હું ’ડોશીમાની વાતો’ની હસ્તપ્રત સાથે લઈને જ ગયેલો.

તે પૂર્વે ’બાલમિત્ર’ નામના બાળકોના માસિકમાં અંગ્રેજી બે પુસ્તકો ’સ્ટોરીઝ ફ્રૉમ પ્લાન્ટ લાઈફ’ અને ’સ્ટોરીઝ ફ્રૉમ ઍનિમલ લાઈફ’માંના સીધા કથેલા વિષયો પરથી વાર્તાઓરૂપે મેં ભમરી, ઈયેળ, ગોકળગાય, પતંગ્િાયું, વરસાદનાં ટીપાં વ. આલેખેલાં.

એટલે કક્કા ઘૂંટ્‌યા આ પ્રાણીશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રને લગતી વાર્તાઓ દ્વારા, બારાખડી શીખ્યો બાળકોની વાર્તાઓ દ્વારા, અને કંઈક આગળ ચાલ્યો કવિવર ટાગોરની ’કથા ઓ કાહિની’ નામની પદબંધી કથાઓ પરથી ’કુરબાનીની કથાઓ’નું આલેખન કરતો કરતો.

બીજો તબક્કોઃ તે પછી તુરતમાં જ, એટલે કે ૧૯૨૨-૨૩માં, સૌરાષ્ટ્રી મધ્યયુગના પ્રેમશૌર્યના કિસ્સાઓ વાર્તાકારોને કંઠેથી સાંભળી સાંભળીને ’સૌરાષ્ટ્રની રસધાર’ માંહેની કથાઓ આલેખવા બેઠો. આ પાંચેય ભાગની સો જેટલી કથાઓની માંડણી સાંભળેલ કિસ્સાઓ પર થઈ છે, પણ વાર્તાશિલ્પ મોટે ભાગે મારૂં છે.

તે પછી ’સોરઠી બહારવટિયા’ના ત્રણ ખંડોમાં પણ પ્રાપ્ત કિસ્સાઓની રજૂઆતમાં વાર્તા-રંગો પૂરવાનો અને સંકલન આણવાનો મહાવરો પડતો ગયો. ’કંકાવટી’ની વ્રતકથાઓએ પણ લોકવાણીનાં વાર્તાબળો શીખવામાં સહાય કરી.

રૂપેરી પરદા પર જે ચિત્રપટો જોયાં તેને વાર્તારૂપે ઉતારીને આ કલામાં વધુ રસ લેવાના ’પ્રતિમાઓ’ અને ’પલકારા’ નામના બે સંગ્રહો દ્વારા કર્યા. આ વાર્તાઓ વિદેશની હતી; પુરાંત, તેની રૂપેરી પરદા પરની રજૂઆત ગ્રંથસ્થ વાર્તાથી અનોખા પ્રકારની, અનેરા કલાવિધાનોથી ઓપતી હતી. તેનું શબ્દલેખન તદ્દન જૂદી કલાને માગી લેતું હતું.

’વેરાનમાં’ નામના મારા ૧૯૩૩માં પ્રસિધ્ધ થયેલાં પુસ્તકમાં જેને આપણે નાની લઘુ કથાઓ કે ટુચકા કહી શકીએ તેવા નજરે નિહાળેલા કેટલાક પ્રસંગો આલેખ્યા છે.

મુંબઈ યુનિવર્સ્િાટીના ઉપલા વર્ગોના ગુજરાતી અભ્યાસક્રમમાં લઘુકથાઓનું સ્વરૂપ શીખવા માટે મારી નવલિકાઓની જે ભલામણ થઈ છે, તેને લક્ષમાં રાખીને જ આટલો ઈતિહાસ આપેલ છે. બાકીના વાચક-સમૂહને સારૂ એ બિનજરૂરી ગણાય.

’ચિંતાના અંગારા’ (૨ ખંડ) તેમ જ ’આપણા ઉંબરમાં’ એ ત્રણેય નાનકડા સંગ્રહોને આ પુસ્તકમાં અને ’ધૂપછાયા’ને પહેલા ખંડમાં શામિલ કરી દઈને મેં મારી ઘણીખરી નવલિકાઓને, આમ, ખીલે બાંધી છે. બાકીની જે બહાર વેરણછેરણ છે તેમાં જો, અને જ્યારે, નવી નવલિકાઓ લખીને ઉમેરવાનો સમો આવશે, ત્યારે, એ ’મેઘાણીની નવલોકાઓ’ના ખંડ ત્રીજા તરીકે અપાશે.

રાણપુરઃ ૯-૮-’૪૨ ઝવેરચંદ મેઘાણી

આવૃતિ ૨

આ લઘુકથાઓને એના જોગું સ્થાન મળ્યું તે માટે વાચક-સમૂહનો ધણી છું.

ટૂંકી વાર્તાના આલેખનનનો ઘણા સમયથી અટકી પડેલો પ્રવાહ ’ઊંર્મિ’ના સંપાદક મારા સ્નેહી શ્રી ઈશ્વરલાલના ઉત્સાહ તેમજ પ્રોત્સાહનના પરિણામે ફરી ’ઊંર્મિ’ માસિકમાં વહેતો થયો, અને એ વહેણને ભાઈ ઈશ્વરલાલ ’પ્રજાબંધુ’ સાપ્તાહિક તરફ વાળી ગયા. પરિણામે નવો લઘુ-કથા સમૂહ, ’વિલોપન’ નામથી, ’પ્રજાબંધુ’ની ૧૯૪૬ની વર્ષભેટ તરીકે, ગ્રંથસ્થ બન્યો છે.

’નવલિકા’ઓનો ખંડ ત્રીજો આપવાની ‘૪૨ની સાલની ઉપરલખી ઉમેદ એ રીતે, ’વિલોપન’ દ્વારા બર આવે છે.

આસ્તિકોને મન જે ઈશ્વર-કૃપા છે, પ્રારબ્ધવાદીઓ જેને પરમ ભાગ્ય કહી પિછાને છે, અને પુરૂષાર્થવાદીઓ જેનો નિજસિદ્‌ધિ લેખે ગર્વ કરે છે, તે વસ્તુતઃ તો શું હશે ? કોણ જાણે. જનમ્યા-જીવ્યાની થોડીઘણી સાર્થકતા એ જ જીવનનું શેષ છે, અને એ મારી યોગ્યતા મુજબ મને લાધ્યું છે તેમ સમજું છું. શક્તિના કરતાં ઊંચેરૂં નિશાન કદી તાક્યું નથી તેને માટે તો આટલું જ ગનીમત ગણાય.

અમદાવાદઃ ૧૯૪૬ ઝવેરચંદ મેઘાણી

રેલગાડીના ડબ્બામાં

ગાંડી હશે !

ઘડીવાર ઓશીકે પોટકું મૂકીને આ બાઈ પાટિયા ઉપર સૂવે છે. ઘડીમાં પાછી ઊંઠીને બેસે છે. બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે. બે પળમાં પાછી નીચે ઊંતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંંધી પડે છે. ફરીવાર ઊંઠીને બાંકડા પર બેસે છે. થોડી વાર માથે ઓઢણું ઓઢે છે, તો થોડી વાર ઉતારી નાખે છે.

આ તે ગાંડી હશે ! ઠીક થયું, ગમ્મત આવશે. કાંઈક જોણું તો જડયું !

એ રીતનું એનું સૂવું, ઊંઠવું, બેસવું, બારીએ ઝકડવું, નીચા પડવું, ડોળા તાણવા, હોઠ ફફડાવવા વગેરે ચસકેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી; ગાંડાં-ડાહ્યાં સર્વને ઉઠાવી જતી ગાડી સૂસવાટ દોડતી રહી; અને ડબ્બાનાં લોકો એ બાઈ તરફ હસતાં, ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતાં રહ્યાં.

પડખામાં એ ગાંડીનો આદમી બેઠો હતો. ૩૮-૪૦ વરસની ઉંમરે એના મોંમાં ફક્ત ચાર-પાંચ જ દાંત, કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ બહોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જણ જેવા, સૂનમૂન ઊંભા છે. બાઈ જ્યારે જ્યારે આવી રીતે લોચતી લોચતી બેવડ વળી જાય છે, ત્યારે એ બોખો પુરૂષ પૂછે છે કે, "પાણી પાઉં ?" પુરૂષના હાથમાં પાણીની નાની ટબૂડી છે. ટબૂડીના વણમાંજ્યા પિત્તળ પર નજર કરીને નિહાળીએ તો નાની બાળ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે.

લોચતી લોચતી ને ગોટો વળી જતી બાઈ બે ગોઠણ વતી પેટ દબાવી રાખીને કહે છે કે, "ના રે ના !" પાછી શ્વાસ ખાય છે. વગડાની હવામાં ભરપૂર સૂસવતો પ્રાણવાયુ, કોઈ કંજૂસની માફક, એના ગળામાં પેસતો નથી. એ બોલી શકે છે માત્ર આટલું જ કે, "મારાં છોકરાં ! મારી પોટી ધાવવા...સારૂ... વલવલતી હશે ! અંહ ! અંહ ! અંહ !"

બીજું સ્ટેશન આવે છે. વગર-ટિકિટે એક બાવો ચડે છે. પોતાની છલોછલ ભરેલી ઝોળી, ગંધાતી ગોદડી, સર્પાકાર લાકડી, માળાના લૂરખા, ભિક્ષાનું ખપ્પર વગેરે સરંજામ પાથરીને બાવોજી એ બાઈના બાંકડા પર પથારો કરે છે. રેલગાડીના સાંધાવાળાના એ ’ગરૂ મા’રાજ’ છે. બેસતાંની વાર જ "બચ્ચા ! મારી ચલમ-સાફી ક્યાં ?" કહી ચલમ માગે છે; "ગરૂ દત્ત !" બોલતો ઝોળીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે. ગાંજામાં ડૂલ બનેલી એની આંખો, અને આંખો ફરતાં કાળાં કૂંડાળાંથી કદરૂપ બનેલું એનું મોઢું. એની જિંદગીની હેવાનિયતની સાખ પૂરે છે; એના સર્જનાહારને શરમિંદો બનાવે છે.

ચકચકિત, ઘડીદાર પોશાકવાળાં બીજાં ઉતારૂઓ ચડે છે, અને, બાવાજીના પવિત્ર પથારાને અડક્યા વિના, એ ગાંડી જેવી લાગતી બાઈને જ ઓસીકે બેઠક લે છે. પુરૂષ અને સ્ત્રી વધુ ને વધુ સંકોડાતાં જાય છે. પુરૂષના લીરા-લીરા થઈ ગયેલ કેડિયાની કસે બે પીળી ટિકિટો બાંધેલી છે. બાવાજીને તો ટિકિટ લેવાની શી જરૂર હોય ! ’રામજી કી ગાડી’ હતી.

ગાડી ત્રીજે સ્ટેશને ઊંભી રહી. પાછલે બારણેથી એક ફકીર એનાં બેથી માંડી પંદર વરસ સુધીનાં પાંચ બચ્ચાંને લઈ ઓરત સાથે ચડે છે. વચેટ છોકરાના મોંમાં એ ધમાચકડ વચ્ચે પણ બીડી ઝગે છે. ગાંસડાં-પોટલાંની ફેંકાફેંક ચાલે છે.

આ ધકાધકીએ ડબ્બાના એક મહત્ત્વના મુસાફરની તલ્લીનતાને ઉડાડી દીધી. હાથમાં જગતનાં પીડિતોની ચીસો પાડતું ’ઈન્સાફનો આર્તનાદ’ નામનું પુસ્તક હતું, તે એના હાથમાં જ થંભી રહ્યું. ભીડાભીડથી અકળાઈને પછી નિરૂપાયે, વખત કાઢવા માટે, એણે પેલા બોખલા મરદને પોતાની પડખે બેસારીને પૂછયુંઃ "આ તમારૂં માણસ છે ? ગાંડી છે ? કશો વળગાડ ?"

પુરૂષ બોલે તે પહેલાં તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઊંઠી કે, "ગાંડી નથી, બાપુ ! રોગ છે. પેટમાં પોરની સાલથી રોગ ઊંપડયો છે. રે’વાતું નથી. રાજકોટ જાયે છૈયેં."

"દવા કરી ? કોઈને દેખાડયું ?" વિદ્વાન પુરૂષે મોઢા ઉપર કંટાળો, કુતૂહલ અને કરૂણાના રંગો બતાવ્યા.

"દવા ? માણસુંએ બતાડી તેટલી સંધીય દવા કરીઃ સાકર પીધી, ધાણા પીધા, ધરાખ પીધા, મારાં કડલાં હતાં તે વેચીને ગાયનું ઘી પીધું, ગૂગળ ખાધો, સૂંઠ ખાધી..." એવાં એક શ્વાસે પચીસેક નામ દઈને બાઈ કે’ઃ "વાનાં-માતર ખાધાં-પીધાં. પીપળવા ગામની એક લંઘણ્‌યની નામચા સાંભળીને એની પાસે ગઈ. ઈ કહે કે, પંદર રૂપિયા મોર્યથી મૂકો. અમે અમારી ગા વેચીને રૂપિયા પંદર જોગવ્યા. લંઘીએ કાંઈક મંતરેલું પાણી પાયું...પછેગામના વૈદુંમાં રૂપિયા દસ વાવર્યા. પણ, બાપા..." બાઈના પેટમાં વઢાતું હતું... "આ રોગ મટ્‌યો નહિ. એહ, આમ જોવોને... આંઈ પેટ માથે ડામ સોત દેવરાવ્યા." એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી દેખાડયો.

ગાંડી માનીને પ્રથમ હસતાં હતાં તે ઉતારૂઓને બાઈની આ નિર્લજ્જતા દેખીને શરમ આવી. સહુ એકબીજાંની સામે જોવા લાગ્યાં. પછી વળી અનુકંપા દેખાડી કે, "અરે બાઈ, દેઈનાં દરદ તો દેઈમાં જ સારાં. બારાં નીકળ્યાં દોયલાં છે, બાપા ! ઈશ્વરની લીલા અગાધ છે."

દરમિયાન ’ગુરૂ મહારાજ’ની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા. સાંઈમૌલાની લીલી કુટુંબ-વાડીમાં એક પછી એક મુખે એ એક બીડી, ગરબે ઘૂમતી સ્ત્રી જેવી, ગોળ-કૂંડાળે રમતી હતી. બીમાર બાઈ ગૂંચળું વળતી હતીઃ ચોમાસાની ૠતુમાં રસ્તે ચગદાતા મામણમૂંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું.

"તે હવે ક્યાં જાઓ છો ?"

પુરૂષ કે જેના ચહેરા ઉપર કશી લાગણી જ ઊંઠતી નહોતી, તેણે કહ્યુંઃ "આ લીંબડીની નરસને દેખાડયું, તે કહે રાજકોટ ગોરા સરજન કને જાવ. ગામના મા’જને ચાર રૂપિયા ઉઘરાણું કરીને ટિકિટના દીધા. જઈને દાગતરખાને પડશું."

"હા, બાપા !" બાઈ બોલીઃ "મારાં તો પૂરાં પાપ ઊંવળ્યાં છે. પણ મારાં છોકરાંના ભાગ્ય હશે તો પાછી આવીશ."

"છોકરાં છે ! કેવડાં છે ?" વિદ્વાનને ધૃણા આવી. ’બેકારો પણ બ્રહ્‌મચર્ય ન પાળે !’ એ એના આત્માની ઊંંડી વરાળ હતી.

"એક તો મારી પોટી ધાવણી છે. ચાર અવડયાં-અવડયાં છે..." બાઈએ ભોંયથી એક-બે ફૂટ ઊંંચે હાથ રાખીને, વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે, ખ્યાલ આપ્યો. "ઘરમાં એક મણ દાણો નાખી આવ્યાં છીએ. હળુ-હળુ રાંધીને ખાશે."

વિદ્વાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી. એણે સલાહ આપીઃ "નડિયાદ જાવ ને ! મીરજ કાં નથી જતા ? ત્યાં વાઢકાપનું દવાખાનું છે."

બાઈ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યાં. ભાષા કંઈક અજાણી હોવાનો વહેમ પડયો.

બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંધાવાળાથી ન રહેવાયુંઃ "હવે મીરત્ય ને ફીરત્ય, રાજકોટ ને નડિયાદ... કોણ બેટીનો બાપ આવરદાની દોરી સાંધવાનો હતો ? આવા અબધૂતનાં પગું ઝાલી લ્યો ને !"

ફકીરથી ન સહેવાયુંઃ "દાતારની ટેકરીને માથે કૈક ઓલિયા પડયા છે. મીટ્‌યું મળ્યે મુડદાં ઊંઠે."

જેના કાળા રંગની ઝાંય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આઘેરી બેઠી હતી, તેમાંથી એક બોલીઃ "અરે બાઈ ! આંઈ અંતરિયાળ શું ઉપાય ! કંડોરણે આવે તો એક દિ’માં ફેર દેખાડીએ. ન મટે શું ! કૈકને મટાડયાં છે."

વઢવાણ સ્ટેશને સહુ વિખરાયાં. રહ્યાં ફક્ત ત્રણ જણાંઃ એક વિદ્વાન, બીજો બગોયા ગામનો બોખો સામત કોળી, ને ત્રીજી પોટીની મા સજૂડી. સજૂનો ગૂંચળાકાર હજુ ચાલુ જ હતો.

"સામત પગી !" વિદ્વાને ’ઈન્સાફના આર્તનાદ’ની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડમાંડ વારીને વાતો ચલાવીઃ "આટલી ઉમ્મરે દાંત કેમ પડી ગયા ? ગામડિયા ભૂત ખરા ને, એટલે માવજત નહિ રાખી હોય."

ઘેરથી ઘડીને લાવેલ રોટલાનો ભુક્કો કરીને મોંના પેઢાં વચ્ચે મમળાવતો મમળાવતો સામત હસીને બોલ્યોઃ "દાંત તો ઢાંઢે પાડી નાખ્યા છે ઢાંઢે, બાપા !"

"ઢાંઢે એટલે બળદે ?" વિદ્વાને અર્થની ખાતરી કરી.

"હું બગોયે વાડી વાવતો. જાતજાતની લીલોતરી શાક કરતો. એક દિ’ કોસ હાંકું છું, એમાં મેં ઢાંઢાને ખૂબ માર્યો. કોસ ઠાલવીને ઢાંઢા પાછા વાળું છું, ત્યાં આની નજર પડી..."

સજૂએ વાત ઉપાડીઃ "હું ધોરિયાની કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી’તી એમાં મારી નજર પડી કે, ઢાંઢો એમ ને એમ થાળા ઢાળો પાછલે પગે હાલ્યો જ જાય છે. જોઉં-જોઉં ત્યાં તો પટલને ઢાંઢે ઠેઠ થાળાની કોર સુધી ધકેલ્યા. મેં રાડય પાડી કે, નીકળી જાવ. પણ ઈને તો ઢાંઢો કૂવામાં પડવાની બીક -" આટલું બોલતાં જ બાઈને વેદના ઊંપડી, એ ગોટો વળી ગઈ. ત્યાંથી પાછો વાતનો તાર પટેલે સાંધી લીધોઃ

"એટલે મેં થાળામાં પગ ટેકવીને ઢાંઢાના પાછલા બે પગ વચ્ચે માથું નાખ્યું. ઘણું જોર કર્યું; પણ ઢાંઢો મારે માથે આવ્યો - મને ભીંસી દીધો. મારૂં જડબું થાળાના પાણામાં ચેપાણું. ઢાંઢો મારે માથેથી અળગોટિયું ખાઈને જઈ પડયો કૂવામાં."

બાઈને જરી શાંતિ વળી, એટલે એણે વાત ઉપાડી લીધીઃ

"અને આને મોઢે લોહીનાં પરવાળાં વયાં જાય છે; દાંતનો ઢગલો નીકળી પડયો છે. મારા તો શાકાળા હાથઃ એમ ને એમ, ધોયા વગર, હું તો ધ્રોડી. પટલ કહે કે, મને નહિ, ઝટ ઢાંઢાને બચાવો. હું તો ધ્રોડી ગામમાં. ઝાંપડાને કહ્યું કે, ઝટ ઢોલ પીટો, ઢોલ પીટોઃ તમારા ભાણેજને ચેપી નાખીને ઢાંઢો કૂવે પડયો છે. હું ગામમાં ફરી વળી. માણસું ધ્રોડયાં આવ્યાં. હું ઘરેથી ગોદડાં લઈ આવી."

"ગોદડાં ?" વિદ્વાન ચમક્યો.

"હા, ઢાંઢાનું ડિલ છોલાય નહિ તે સારૂ એને ડિલે વીંટીને પછી રાંઢવા બાંધીને સિંચાય. પછી તો બીજા જણ માલીપા ઊંતર્યા. પણ ઢાંઢો કોઈને ઢૂકડા આવવા ન દ્યે. એટલો ખીજેલ, એટલા ફરડકા નાખી રહેલ, પણ જ્યારે આ પટલ પંડયે લોહી વહેતે મોઢે માંઈ ઊંતર્યાં, ત્યારે ઈ ઢાંઢે રીસ મેલીને બાંધવા દીધું. સૌએ રીડિયા કરીને ઢાંઢાને સીંચ્યો. મારાં છોકરાં ને હુંય એક રાંઢવે વળગ્યાં’તાં. કાઢ્‌યો પણ પગ ભાંગી ગ્યો’તો. આ તે દિ’ પટલના દાંત પડયા. મને મે’નત્ય પડી એટલે કસુવાવડ થઈ ગઈ ને આ રોગ લાગુ પડયો. ઈ ઢાંઢો ભાંગ્યો ને અમારી ખેડયા ભાંગી."

"તે દિ’થી હું ઉભડ બન્યો છું. પાંચ દિ’ કામ કરૂં ત્યાં વળી ખાટલે પડું, ને બે દિ’ એમ ને એમ નીકળી જાય." સામતે કહ્યું.

"પણ તમારે તત્કાળ તમારા રાજને દવાખાને જવું’તું ને ? તમારા લોકોનું ગયું છે જ આમ પ્રમાદમાં." કહીને વિદ્વાને બગાસું ખાઈ આળસ મરડી. ચોપડીનો મોહ વધતો હતો.

"હેં-હેં-હેં-હેં ! દવાખાનું !" સામત પટેલે બોખા દાંતવાળું મોઢું ફાડયું; એની છાતીની એક-એક ગણાય એવી તમામ પાંસળીઓ પણ ચુડેલોના વૃંદ-શી હસી પડીઃ "રાજનું દવાખાનું ?"

બાઈ બોલીઃ "આપડે દરબારે કો’ક એક નોખો લાગો ઉઘરાવીને આંતરડાંની છુબી પાડવાનો એક કારસો તો મગાવેલ છે. જોવો ને ! છુબી પાડયાના વીશ રૂપિયા મેલાવે છે. પણ કે’ છે કે રોગ માતર મટી જાય છે."

વિદ્વાન સમજી ગયોઃ ’એક્સ-રે ફોટોગ્રાફી’ની વાત કરે છે.

"પણ ઈ તો શાહુકાર સારૂ. આપડા સારૂ નહિ. બચાડા શેઠીઆવે મારા બળધિઆને મા’જનમાં લીધો. પણ અમે ક્યાં જાયેં ?"

"અનાથ-આશ્રમ ઘણા છે. કહો તો હું ભલામણ લખી દઉં." વિદ્વાનના દિલમાં દયાના ઝરા છૂટ્‌યા.

"ના, બાપા ! અમારે અણહકનું ખાવું નથી. કાયા હાલશે ત્યાં લગી ઢરડશું. આને હું અસ્પતાલમાં રાખીશ. ઈ સાજી થાશે, એટલે એને ગાડીએ બેસારીને ઘરે વે’તી કરવા જેટલું ભાડું છે. અને હું પગપાળો નીકળીને મહિને-પંદર દહાડે ઘેર પોગી જઈશ."

એક મહાન ગ્રંથકારે ’સ્વાશ્રય’ પર લખેલો લેખ વિદ્વાનને યાદ આવ્યો. બોખો સામત રડવા લાગ્યોઃ

"એંહ, બાપ ! મે’રબાનીથી મને આટલું કરી દેશો ? મને રાજકોટમાં જો કાં’ક મે’નતમજૂરીનું કામ મળી જાય ને, તો હું એમાંથી મારૂં પેટિયું કાઢીને આની પથારી પાસે પડયો રહીશ. મને જો કાંઈ મે’નત્યનું કામ અલાવી દ્યો ને, તો તમે જ મારા પરભુ !"

રાજકોટની ઈસ્પિતાલમાં એ દંપતીને મૂકીને વિદ્વાન પોતાને કામે ચડયો. એની ઘોડાગાડીમાં પૈડાં નીચે કચૂડાટ થતો હતો, તેમાંથી એક જ વેણ સંભળાતું હતુંઃ ’એંહ, બાપા ! મને કાં’ક મે’નત્યનું કામ અપાવી દ્યો ને, તો તમે જ મારાઅ પરભુ !’

દિવાળીની બોણી

જેમ જેમ સાંજ પડતી જતી હતી, તેમતેમ બન્ને છોકરાંની અકળામણ વધતી જતી હતી. બપોરના બાર વાગ્યાથી બન્ને બચ્ચાંને નવરાવી, ધોવરાવી, આંખો આંજી, ચાંદલા કરી, ટાફેટાનાં નવાં ખમીસ પહેરાવી એની બાએ પન્નાલાલની સાથે પેઢી ઉપર મોકલ્યાં હતાં. મુંબઈમાં આ વર્ષે દિવાળીનું ચોપડા-પૂજન રાતના બાર વાગ્યે નક્કી થયું હતું; એટલે સાંજરે બન્ને છોકરાંને તથા છોકરાંની બાને પન્નાલાલે દીવાની રોશની જોવા માટે એક વિક્ટોરીઆમાં લઈ જવાં, અને વળતાં દિવસે બેસતા વર્ષનું બહુ વખણાયેલું ’છેલ-છેલૈયા’નું નાટક બતાવવું એવો ઠરાવ ઘરમાં થયા પછી જ છોકરાંની બાએ રડવું બંધ કરેલું.

પન્નાલાલ છોકરાંને પેઢી ઉપર લઈ આવ્યો તો ખરો, પણ એને આજે દોડાદોડ હતી. સહુ મહેતાજીઓમાં તે નાનો હતો. તરવરિયો ઘોડો હતો, હસમુખો હતો અને દાદર ઉપર એકસામટાં બબે પગથિયાં ઠેકીને ચડવાની ટેવવાળો હતો; એટલે બાકી રહેલી ઉઘરાણીઓ પતાવવા સહુ એને જ ધકેલતા. ચોપડા-પૂજન માટે ગોર, ગોળ-ધાણા, કેળા, નાગરવેલનાં પાન, અબીલ-ગુલાલ, ફૂલનો પડો ને ગુલાબદાનીમાં ભરવાનું સસ્તું ગુલાબ-જળ... વગેરે સામગ્રી પણ એણે જ આણવાની હતી. બાકી રહેલી ખાતાવહીને ખતવવાનું કામ પણ આજે ચોપડા-પૂજન પહેલાં તો તૈયાર થઈ જ જવું જોઈએ એવી શેઠની સૂચના હતી. તમામ મહેતા-મુનીમો અધૂરાં કામ પૂરાં કરવા માટે એકતાર થઈ ગયેલા. પંદરેક લેખણો, કોઈ મોટા ઢોરના મુર્દાને ઢોળતી સમળીઓ જેવી, ચોપડાઓ ઉપર ચીંકાર કરી રહેલી હતી.

"પન્નાલાલ !" ઉપલે જ દાદરે શેઠ રહેતા, ત્યાંથી વારંવાર સાદ પડતો; ને "જી, આવ્યો" કહી પન્નાલાલ ચોપડો ખતવતો ખતવતો હોલ્ડર કાને ચડાવતો, ધોતિયું આજે કોરૂં પહેરેલું તે વારંવાર તંગ કરતો કરતો દોડી જતો. "ભાઈ, હું આવું ?..." "ભાઈ, તમે ક્યાં જાવ છો ?" કહેતાં બન્ને છોકરાં એની પાછળ દોડતાં, અને એણે પહેરેલા ગુલાબી ફેંટાનું છોગું તથા કાછડીનો પાછલો છેડો ખેંચતાં. "હું હમણાં આવું છું, બેટા ! ત્યાં શેઠને ઘેર ન અવાય તમારે..." એમ કહી, છોકરાંને રડતાં મૂકી પન્નાલાલ ઉપલે માળે દોડતો, ’આટલી મીઠાઈ ઘર માટે લાવો !... ફ્રૂટ લાવો ! આ હીરાની બંગડીઓ ઝવેરીને ત્યાં જઈ બદલાવી લાવો !’ એવાં એવાં ઘર-કામ માટે શેઠ પન્નાલાલને મોકલતા. ’અને ખતવણી બધી કરી નાખી કે ?’ એ સવાલ દર વખતે યાદ કરાવતા. ’જી, કરૂં છું...’ એટલો જવાબ મળતો. ’સાંજ પહેલાં થઈ જવી જોઈએ, હો !’ એ ટકોર વારંવાર થતી.

"પન્નાલાલ ! આપણી ’કાર’ નીચે ઊંભી છે તે લઈ જજો, હો કે !" એમ શેઠાણીએ કહ્યું કે તુરત જ શેઠ બોલી ઊંઠ્‌યાઃ "ના, હો ! મારે હમણાં જ બહાર જવું છે."

શેઠાણીનું મોં ઝંખવાણું પડયું. પન્નાલાલ તો, "ના રે ના ! હું હમણાં ટ્રામમાં જઈ આવીશ..." એમ બોલી નીચે દોડયો.

શેઠાણી છેલ્લા ચાર દિવસથી પન્નલાલને કહેતાં કે, "આટલી દોડધામ રહે છે, તો અહીં જ જમી લેતા જાઓ ને, પન્નાલાલ ! ઘેર ધક્કા શીદ ખાઓ છો ?" પણ તુરત જ શેઠે કહેલું કે, "આવા સપરમા દિવસોમાં કોઈને પોતાના ઘરની થાળી ન ત્યજાવવી જોઈએ."

પન્નલાલ ગયા પછી શેઠાણી પડી ગયેલે ચહેરે ઊંભાં થઈ રહ્યાં. "મને જરા મોજાં પહેરાવજો તો !" અને "મારો ટસરનો સૂટ કાઢજો તો !" એવી પતિ-આજ્જ્ઞાઓ સાંભળીને શેઠાણી ધીરે પગલે બીજા ખંડમાં ચાલ્યાં ગયાં. ત્યાંથી એનો અસ્પષ્ટ ઉદ્‌ગાર સંભળાયો કે, "હે પ્રભુ ! વાતવાતમાં હું કાં પાછી પડું ?"

વીસ વર્ષની પોતાની પત્ની વાતવાતમાં ત્રીસ વર્ષના જુવાન પન્નાલાલની આટાલી બધી કાળજી બતાવે છે, તે પચાસ વર્ષના પતિને નહોતું ગમતું.

પન્નાલાલ બજારમાંથી પાછો આવ્યો ત્યારે બન્ને બાળકો એકબીજા ઉપર બિલાડીનાં બચોળિયાંની માફક ખડકાઈને સૂઈ ગયાં હતાં. બન્નેની આંખોનું આંજણ મુંબઈની ગરમીને લીધે રેળાઈને લપેડા-લપેડા થઈ ગયેલા. રડતાં રડતાં ઊંંઘી જવાથી આંખોનાં આંસુ, નાકના શેડા, મોંની લાળો અને બાએ આંજેલું કાજળ એ ચારેય ચીજમાંથી નીપજેલા ખટમીઠા, ચીકણા રસાયન પર માખીઓ દિવાળી માણતી હતી. ઊંંઘમાં ને ઊંંઘમાં બાળકો વારંવાર થોડુંક રડીને લવતાં હતાં કે, "હાલો ને, ભાઈ, દીવા જોવા ! હાલો ને, બા હેઠે ઊંભી છે." બીજો છોકરો જાણે વિક્ટોરીઆમાં બેઠો હોય તેમ બોલતો કે, "ભાઈ, મારે ગાડીવાળાની બાજુમાં બેસવું છેઃ ઘોડો હાંકવો છે... નાઁઈયેરનું પાણી પીવરાવોને, ભાઈ !"

પેઢી પરના બીજા મુનીમો અને મહેતાજીઓ પન્નાલાલની આ વેજાને જોઈ ખિખિયાટા કરતા હતા. વાતો ચાલતી કે -

"દિવાળી ટાણે તે આંહીં મુંબઈમાં કચ્ચાંબચ્ચાં પોસાય ? એ બારકસોને તો દેશમાં જ રવાના કરી દેવાં જોઈએ !"

"શેઠ દેખશે તો નાહકના ચિડાશે."

"- ને અત્યારે ચિડાય એટલે આખા વરસની મજૂરી ધૂળધાણી. કાલે સવારે બોણી બોનસ આપવાના હોય, તેના આંકડા ઉપર અસર થાય જ તો."

"એ ભાઈ... ! પન્નાલાલને કશો વાંધો નથી. એના ઉપર તો શેઠાણીની અમીની આંખ છે..." એમ બોલીને એક આધેડ ઉમ્મરના નામું લખનારે આંખોનો મિચકારો માર્યો.

"પન્નાલાલ ! બાઈ બોલાવે છે." ઉપરથી અવાજ પડયો. અવાજનો જાણે જીવતજાગત પડઘો હોય તેવો પન્નાલાલ વેગથી ઉપર ગયો. પેઢીના મહેતા-મુનીમોએ એકબીજાની સામે મર્માળી નજરો માંડીને નિઃશ્વાસ સાથે ઉદ્‌ગાર કાઢ્‌યોઃ "તકદીર ! બાપા, તકદીર !"

સંધ્યા થઈ ગઈ હતી. છોકરાં સળવળીને ફટાકડાના અવાજ સાંભળતાં ઊંઠ્‌યાં. રોતાં સૂતેલાં એટલે રોતાં જ જાગ્યાં. ટીખળી મહેતાઓએ બન્નેને ઉપરને દાદરે ચડાવ્યાં. "ભાઈ ! દીવા જોવા જવું છે !" એવા રડતા અવાજ સાંભળતાં જ પન્નાલાલ શેઠાણીની સાથે વાતો કરતો કરતો ઝડપથી બહાર નીકળ્યો. ઉપર ચડી ચૂકેલાં છોકરાંને એણે હાથ ઝાલીને હડબડાવ્યાં કે "પાછળ શીદ દોડયાં આવો છો ?"

શેઠની પત્ની દાદર પર આવ્યાંઃ "શું છે, પન્નાલાલ ?"

"ના... કંઈ નથી."

"આ કોણ છે ?"

પન્નાલાલ કશું ન બોલ્યો. "ભાઈ, પેશાબ કરવો છે... ભાઈ, ઝાડે જવું છે..." એવા રૂદન-સ્વરોના જવાબમાં, "કજિયા કરાય નહિ !" એમ ડારતો પન્નાલાલ બન્ને બાળકોને નીચે ઘસડી જતો હતો. શેઠાણી સમજી ગયાં કે, તાબૂત ટાણે વાઘ-દીપડાના વેશ કાઢેલ જેવાં બન્ને ભૂલકાં પન્નાલાલનાં જ લાગે છે. "તે ઝાડે બેસવા આંહી આપણા સંડાસમાં જ ભલે ને જાય !" એમ કહી એણે બન્ને બાળાકોને હાથ ઝાલી, ઘાટણને કહી સંડાસમાં મોકલ્યાં. અગાઉ કદી ન જોયેલાં આરસનાં સાફ અને દુર્ગંધ વગરનાં સંડાસો દેખી પ્રથમ તો આ ’ચાલી’નાં બાળકો મૂંઝાયા; પછી હરખાયાં, બેઠાં બેઠાં રમ્યાં. ફરસબંધી ઉપર હાથ ફેરવવા લાગ્યાં.

પન્નાલાલ ઘણું શરમાયો. શેઠાણીએ પૂછ્‌યુંઃ "તમારાં વહુને આંહી કેમ કોઈ વાર લાવતા નથી ? એ કયા ગામનાં છે ?"

"માધવપુર -" ’ના’ કે ’ની’ પ્રત્યયમાંથી કયો લગાડવો એની મૂંઝવણ થવાથી પન્નાલાલની જીભ ફક્ત ’માધવપુર’ કહીને થોથરાઈ ગઈ. શેઠાણી હસ્યાં.

"હું પણ માધવપુરની છું."

"હું જાણું છું."

"શી રીતે ?"

"મને મારી વહુએ કહ્યું હતું."

"એમને કેમ કોઈ દિવસ આંહીં લાવતા નથી ? મને એકલવાયુ લાગ્યા કરે છે, એટલે એવો સમાગમ હોય તો ઠીક."

"એ બીચારીને નવરાશ ક્યાંથી મળે ?"

દરમિયાન છોકરાં પાછાં આવ્યાં. શેઠાણિએ બન્નેનાં પાટલૂનોના પટા સરખા કરી આપ્યા; હાથ-પગ, મોં ધોઈને નવા ટુવાલ વતી લૂછી દીધાં. "બન્ને ભૂખ્યાં થયાં હશે. ત્યારનાં અહીં છે, તો અહીં નાસ્તો કરવા ન લવાય ?" એમ કહીને બન્નેને હીંડોળે બેસાડી મીઠાઈ દીધી.

એ જ વખતે બહારથી શેઠ પેઢી પર આવ્યા; પૂછ્‌યુંઃ "પન્નાલાલ ક્યાં છે ? નીચે કોઈ બાઈ એને મળવા ઊંભેલ છે. મને શી ખબર કે કોણ હશે ? મેં તો કોઈ મદદ લેવા આવેલી ભિક્ષુક બાઈ સમજીને વગર પૂછ્‌યે જ કહ્યું કે, ’બાઈ, હું ભીખને ઉત્તેજન નથી આપતો. છતાં રાતે પૂજન ટાણે આવજો. અત્યારે નહિ’. ત્યાં તો એણે મારી સામે ઘૂમટો ખેંચી રાખીને શોફરને કહ્યું તે ’આંહી શેઠની પેઢીમાં ’પ’ ઉપર નામ છે.. તેનું મારે કામ છે’."

આટલું કહી શેઠ હસી પડયા. બીજા સહુ હસ્યા; બોલ્યાઃ "વહુથી વરનું નામ લેવાય નહિ ને, સાહેબ ! આપણા શાસ્તરના એ કાયદે છે ના !"

શેઠ ફરીવાર હસ્યા; પૂછ્‌યુંઃ "કેમ, બધી તૈયારી છે ના ? બધા ચોપડા ’કમ્પલીટ’ છે ના ? વરસ બાકીનું તલ જેટલું પણ કામ રહી ન જવું જોઈએ."

"અમે બધા તો રાત સુધીમાં પતાવી લેશું; પણ... એક પન્નાલાલની ખતવણી બાકી રહેશે."

"હજુ બાકી ? બોલાવો પન્નાઅલાલનેઃ ક્યાં છે ?"

"એનાં છોકરાંને ઝાડો-પેશાબ કરાવવા ઉપર લઈ ગયેલ છે."

"છોકરાંને આજે આંહીં ? કામને વખતે ? કાંઈ નહિ - હું જ ઉપર જાઉં છું."

આ દરમિયાન પન્નાલાલ પોતાની નીચે ઊંભેલી પત્નીને શેઠાણી પાસે લાવ્યો હતો. લાજ કાઢીને ફૂલકોર બેઠી હતી. છોકરાંઓએ "હાલો દીવા જોવા ! ભાઈ, હાલોને !" એવી જીદ કરતાં કરતાં એક ફ્લાવર-પૉટ તોડયું હતું; ને શેઠ ઉપર આવે છે તે જ ક્ષણે કબાટના મોટા કાચ ઉપર ચીરો પડયો. શેઠાણીએ એ કાચની અંદર પોતાના બહારથી ચાલ્યા આવતા પતિના પ્રતિબિંબને ચીરાતું દીઠું.

"પન્નાલાલ !" શેઠે બાજુના ખંડમાં જઈને કહ્યુંઃ "કાં કુટુંબ, ને કાં કામકાજ ! બન્ને ન પોસાય. તમારી ખાતાવહી રઝળે છે - જાણો છો ?"

છેલ્લો એક મહિનો થયાં બબે વાગતાં સુધીનો ઉજાગરો ખેંચી રહેલી પન્નાલાલની લાલઘૂમ આંખો ફાટી રહી.

"ને કાલ સવારે બોણી લેવા તો સહુ દોડયા આવવાના !" શેઠે મોજાં કાઢતાં કાઢતાં દુભાઈને ઉમેર્યું.

ગયા એક વર્ષની તનતોડ મજૂરીએ આ એક જ પળમાં જાણે કે પન્નાલાલના શરીરનો મકોડેમકોડો તોડી નાખ્યો.

"કોઈ પણ હિસાબે ખાતાવહી સવાર સુધીમાં પૂરી થવી જોઈએ." શેઠે પન્નાલાલના પ્તેતવત્ બનેલા દેહ ઉપર જીભનો કોરડો લગાવ્યો.

ત્રીજા માળની એ મેડી ઉપરથી નીચે ઊંતરવા દાદર છે કે પરબારો રસ્તા ઉપર ભુસ્કો મારવાનો છે, એ વાત ઘડીભર તો પન્નાલાલ ભૂલી ગયો. કબાટના ઉઘાડા બારણાને એણે ઘડીભર દાદરનું દ્વાર સમજી લીધું. શેઠના ઓરડામાંથી એ પગે ચાલીને બહાર નીકળ્યો કે ગલોટિયાં ખાઈને ? કશી ખબર પડી નહિ. પોતાની પછવાડે સ્પ્રિંગવાળું અરધિયું બાર ચીસ પાડીને જ્યારે બિડાયું, ત્યારે જાણે કોઈએ એના બરડામાં એક ઘુસ્તો લગાવ્યો હોય તેવો શેઠનો દુભાયેલો ઉદ્‌ગાર સંભળાયો કે, "સહુને દિવાળીની બોણી જોઈએ છેઃ કામ નથી જોઈતું."

દાદર પાસે શેઠાણી ઊંભાં હતાં, એની આંખો પન્નાલાલને પેઢીમાં જતો જોઈ રહી. શેઠે એને એનાં સ્ત્રી-બાળકોનાં દેખતાં - અરે, મારા સાંભળતાં ઠપકો આપીને એ જુવાનનું અભિમાન શા માટે હણ્‌યું ? પાંચેય દાદરની સળંગ ગૂંચળાકાર નિસરણી જાણે કોઈ અજગર એને ગળી જવા ચડતો હોય એવી દેખાઈ. પન્નાલાલની પત્ની અને બન્ને બાળકો ચાલ્યાં, તેને એ ’આવજો !’ પણ ન કહી શકી. છોકરાં માની સાથે કજિયો કરીને પાછાં પેઢીમાં ગયાં. "ભાઈ ! દીવા જોવા જવું છે. હાલો, બા નીચે ઊંભી છે" એવી જિકર કરવા લાગ્યાં.

પન્નાલાલ ચોપડો લખવા બેસી ગયો હતો. એણે છોકરાંને ફોસલાવ્યાંઃ "હેઈ ! જુઓ આ દીવા ! કેવા સરસ !" એમ કહી એણે પેઢીમાં લટકતાં ઝુમ્મર, હાંડી અને જાપાની કાગળનાં ફાનસો સામે આંગળી ચીંધી. તોયે છોકરાંએ ન માન્યું. "હેઈ ! જુઓ ! આ કેવા લીલા-પીળા રંગ !" એમ કહી એણે પેઢીની દીવાલ પર ઝુલાવેલી જરિયાની રેટાની કમાનો બતાવી. તોપણ છોકરાંની અવળચંડાઈ ન શમી. "હેઈ ! જુઓ ’ખાઉ-ખાઉ’ !" એમ કહી એણે બારીમાંથી સામે દેખાતી મીઠાઈની શણગારેલી દુકાન દેખાડી.

"ભાઈ, ’ખાઉ-ખાઉ’ લઈ આપો !" એમ કહેતી છોકરાંની રસવૃત્તિ આંખોની રસભોમ ઉપરથી જીભના સ્વાદ ઉપર પટકાઈ ગઈ.

" ’ખાઉ-ખાઉ’ લેવાય નહિ; અહીં બેઠાં બેઠાં જોઈને ’ખાઉ-ખાઉ’ રમાય." એ રીતે બાપે બાળકોની અભિરૂચિને ઉન્નત બનાવવા યત્ન કર્યો.

પણ બચાં ન માન્યાંઃ બાપના ચોપડામાં ડાઘા પાડવા લાગ્યા. એણે છોકરાંને વળ દઈને છૂપી ઝ્રચૂંટીઓ ખણી. રડતાં છોકરાં ફરીવાર સૂઈ ગયાં.

સવારના પોણાચાર વાગ્યે પન્નાલાલ ખતવણી પૂરી કરીને બેસતા વર્ષની શરૂ થતી ટ્રામગાડીમાં બન્ને છોકરાંને ખડકી પોતાની ’ચાલી’ ભેગો થયો.

*

સવારે સહુ મુનીમો-મહેતાઓ સાકરના પડા અને શ્રીફળ શેઠને પગે મૂકીને ’સાલ મુબારક’ કરતા ઓશિયાળે મુખે ઊંભા રહ્યા. શેઠે સહુને ’સાલ મુબારક’ કહ્યું. નાનકડો સુંદર દરબાર ભરાઈ ગયો. મોટા મુનીમ ટીપમાંથી ’નાનાલાલ’, ’દલસુખ’, ’ઓતો...’ વગેરે નામ બોલતા ગયા તે પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો વગેરે નામ બોલતા ગયા તે પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો વગેરે સહુ ધીરે પગલે અને આભારનમ્ર ચહેરે શેમ્ઠની સન્મુખ આવી-આવી તકદીર મુજબ પાંચ, સાત કે અગ્િાયાર રૂપિયાની ’બોણી’ની અક્કેક ઢગલી શેઠના હાથમાંથી વળી-વળીને લેતા. થોડુંક પાછે પગલે ચાલ્યા પછી જ પીઠ ફેરવીને પોતપોતાની જગ્યાએ બેસતા ગયા. દસ મિનિટમાં તો, ’તને શું મળ્યું ?’ "ઓધાને શું મળ્યું ?" એવા પ્રશ્નો ગુંજી રહ્યા. દૂર-દૂરથી આંગળાંની ઈશારતો વડે ઉત્તરો અપાયા.

શેઠે પૂર્ણાહુતિ કરીને કહ્યુંઃ "આ વર્ષે આપણી પેઢીને આટલા મોટા સ્ટાફની જરૂર તો નથી."

સહુના સ્વાસ અધ્ધર ચડી ગયા.

"કોઈ ડરશો નહિઃ કોઈને કમી કરવાના નથી. પન્નાલાલનું એદીપણું મને નથી ગમ્યું. પન્નાલાલ ક્યાં છે ?"

"આવેલ નથી."

"શું આવે ! ખતવણી બાકી રહી હશે. મુનીમજી, એને બોણી પહોંચાડજો, હો કે !"

એ પછી શેઠને ઘેર જ ચહા-નાસ્તો લેવાનો ને સહુએ સાથે ફોટોગ્રાફ પડાવવાનો કાર્યક્રમ હતો.

દલસુખે ને ઓતાએ પોતાની દીકરીઓ સારૂ દસ-દસ રૂપિયાનાં ’ઈમીટેશન’ હીરાનાં એરિંગ લીધાં ને દેશમાં રવાના કર્યાં. સાંજે સહુએ ’છેલ-છેલૈયા’નું નાટક જોયું. બાર બજ્યા સુધી ગ્રામોફોન બજાવ્યાં. પન્નાલાલને ઘેર મોકલવામાં આવેલ રૂ. ૧૧ પાછા આવ્યા હતા ને તે સાથે જ પન્નાલાલનું રાજીનામું આવ્યું હતું.

તે પહેલાં બપોરે શેઠને ઘેર એક નાની વાત બની ગઈ હતી. શેઠે શેઠાણી સારૂ પાંચ હજારનાં હીરા-મોતી આણ્‌યાં. "વિમળા ! આજે તો આ પહેરીને જ નાટકમાં જવું છે. આપણી ’બૉક્સ’ ગ્વાલીઅરના મહારાજાની ’બૉક્સ’ની બાજુમાં જ બુક કરાવી છે."

પોતાના કંઠમાં હીરાનો હાર રોપવા સારૂ લંબાયેલા શેઠના હાથને વિમળાએ ધીરે પણ મક્કમ હાથે પાછા વાળ્યા; એક કરડું હાસ્ય કર્યું.

"કેમ ?"

"મને એ હારમાં પન્નાલાલની આંખો પરોવેલી દેખાય છે." એટલું કહીને એ બીજા ઓરડામાં ચાલી ગઈ.

રોજ પ્રભાતે ઊંઠીને વિમળા પોતાના ચાર માસના ગર્ભાધાનનું ધ્યાન ધરીને બોલતી કે, ’મારા બાળ ! તારી આંખોમાં થોડીક પણ એ ગરીબની આંખોની અણસાર લેતું આવજે !"

ફક્કડવાર્તા

સોમવારનાં તમામ છાપાંઓમાં પહેલે જ પાને સળંગ મોટાં મથાળાં વંચાઈ રહ્યાં હતાં કે -

પકડાયો, પકડાયોઃ બેકાર બુઢ્‌ઢોઃ પાંચ ભૂખ્યાં છોકરાંનો પિતાઃ ઘેર બૈરીઃ મંદિરમાંથી રૂપિયાની કોથળી ચોરતાં પકડાયો.

વિગતવાર હકીકત એમ હતી કે, ઈસારીઆ નામના એક રખડુ આદમીએ રવિવારના રોજ સાંજરે મહાલક્ષ્મીના હિંદુ મંદિરમાં પેસી જઈ દર્શન કરીને લોકો બહાર નીકળતાં હતાં ત્યારે ભીડાભીડમાં એક ગૃહસ્થનાં પત્નીને કેડે ભરાવેલી પૈસાની ચીંથરી ખેંચી લીધી. પણ, સદ્‌ભાગ્યે, ત્યાં છૂપી પોલીસનો એક માણસ ઊંભેલો, તેણે એ દીઠું; ચપળતાથી ઈસારીઆને પકડયો. તરત પૈસાની ચીંથરી ’બાઈ મજકૂર’ને પાછી સુપરદ કરવામાં આવી; અને ચીંથરીમાં ટ્રામ-ભાડા પૂરતો એક આનો પણ હતો કે નહિ તેટલુંયે જાણવાનો સંતોષ મળ્યા પહેલાં તો ઈસારીઓ પોલીસથાણે પુરાયો.

આ બનાવ બીજાં છાપાઓને તો માત્ર કૌતુક અને સનસનાટી પૂરતો જ રસભર્યો હતો, ત્યારે અમારી ’દીનબંધુ’ છાપાની ઑફિસમાં તો એ કાળા કકળાટ તથા ઊંંડા નિઃશ્વાસનો વિષય થઈ પડયો. અમારા અઠવાડિક વિભાગના તંત્રીને તત્કાળ સૂઝ્‌યું કે, આવતા અંકને સારૂ આ ઘટનાની સરસ આખી કથા ગૂંથી શકાશે. એનું લોહી તપી આવ્યું. એણે ઉદ્‌ગારો ઠાલવ્યા કે "આ બાપડા ઈસારીઆની કથામાં જ અત્યારની સમાજ-રચનાનો સરવાળો આવી જાય છે. બસ, એ જ ભીતરનું ખરૂં દર્શન છે. જુઓ તો ! ધંધામાંથી બાતલ કરેલો બિચારોઃ ભૂખે મરતાં બાળબચ્ચાંઃ ઘર માલિક ઘર ખાલી કરાવેઃ પછી ચોરી ન કરે તો શું કરે ? સાલાઓ ! તમે એની જગાએ હો તો બીજું શું કરો ? જીવવાની - ગમે તેમ કરીને જીવવાની - આકાંક્ષા તો કુદરતનો સહુથી પહેલો ને પ્રબલ નિયમ છે. ઈસારીઓ બાપડો અબૂધ, એટલે પકડાઈ ગયો. હવે એ સાલા મૂડીદારોના કાંધિયા લોકો એને નીચોવશે ! સત્યાનાશ જજો આ સમાજનું ! ઠીક, ચાલો : તંત્રીની નોંધવાળા ફરમામાં જ આનું એક પાનું બનાવી કાઢો. આની એક ફક્કડ વાર્તા બનશે."

સામેના ટેબલ પર એક શિખાઉ બહેન ખબરપત્રીની ખુરશીએ કામ કરતાં હતાં, તેને તંત્રીજીએ કહ્યું : "તમે જાઓ : પહેલવહેલાં જે પચીસ લોકો મળે તેઓને પૂછી વળો કે, ’આપ ઈસારીઆને સ્થાને હો તો શું કરો ? આપ એને દોષ દો છો ? આપને એમ લાગે છે કે એને સજા થવી જોઈએ ? કારણ જણાવશો ?’ આ બધા જવાબો ટપકાવી લેજો, દરેક સજ્જનનું નામ લખી લેજો."

"નામ !" સ્ત્રી-ખબરપત્રીએ પૂછ્‌યું.

"કપાળ ! હા, નામઠામ ને ઠેકાણું પણ દરેકનું. એટલું તો સમજો કે આપણા છાપામાં સાચાં નામ વગરની કશી જ હકીકત આપણે છાપતાં નથી."

બહેન ઊંપડયાં. વકીલોથી લઈને શેઠાણીઓ સુધી ઘૂમી વળ્યાં. એક મોટર-ડરાઈવરને પણ મળી લીધું. એમ પચીસને વિચારમાં નાખી દીધાં. આ કોયડો ભારી જટિલ હતો. ઘણાંખરાંએ ઈસારીઆને એક બેવકૂફી સિવાય અન્ય તમામ વાતે નિર્દોષ જાહેર કર્યો. કહેવામાં આવ્યું કે, કાં તો એણે કચ્ચાંબચ્ચાંનાં ખૂન કરીને પોતે આપઘાતનું શરણ લેવું હતું અથવા તો પછી કોઈ અનાથાશ્રમમાં ચાલ્યા જવું હતું.

આ રીતે, એ બનાવમાં તો રસની ઠીક-ઠીક જમાવટ થઈ પડી. અમારો અઠવાડિક અંક એ લેખને કારણે દીપી ઊંઠ્‌યો; સર્વ અખબારો વચ્ચે અમારી નવીન જ ભાત્ય પડી. અમારા તંત્રીને થયું કે, ઈસારીઆના કિસ્સાને આ પછીના અંકમાં પણ નવીન સ્વરૂપે છેડવો. એણે મને બોલાવીને કહ્યું : "નગરના નામાંકિત પુરૂષોની પિછાન-પોથી જુઓ : એમાંથી પચીસ નામ ચૂંટી કાઢો : મુલાકાત લો : ઈસારીઆની કર્મ-કથાથી વાકેફ કરો : પૂછો કે, ’આપ એની જગ્યાએ શું કરત ?’ ગમે તેમ કરીને કંઈક તો તેઓનાં મોંમાથી કઢાવજો. ને તેઓએ કંઈક તો કહેવું જ પડશે : નહિ કહે તો જશે ક્યાં ! ’દીનબંધુ’ છાપાની કટારોમાં તેઓનું મૌન કેવો અર્થ પકડશે, એ તેઓ જાણે છે ! મૌનનો અવળો અર્થ લેવાશે એટલો ઈશારો કરજો જરૂર પડે તો, હો કે !"

"જી હો !"

એટલું કહેતો હું મારી દફ્તર-થેલી લઈને ઊંપડયો. તંત્રીજીનું અરધા દિવસનું કામ તો એ રીતે મને રવાના કરવાથી ખલ્લાસ થઈ ગયું. માત્ર મારૂં જ કામ બાકી રહ્યું. મેં પચીસ નામો કેટલી મહેનતે તારવ્યાં, દરેકની પાસે જઈને ત્રીસ વર્ષના, બેકાર, બચ્ચરવાળ, લાંઘણો કરતા ઈસારીઆની, એને ભાડાને અભાવે ઘર ખાલી કરવાની ધમકી આપતા મકાન-માલિકની અને આવી મૂંઝવણો વચ્ચે એને પૈસાની ચીંથરી ચોર્યાની વિગતવાર કથા કેવી સફાઈથી સંભળાવી - એ આખી વાતના વર્ણનમાં ઊંતર્યા સિવાય હું ફક્ત ટૂંકમાં કહી નાખું છું કે, મને પેલાં મારાં ભગ્િાની-રિપોર્ટર જેવું સરસ ભજવતાં તો ન જ આવડયું.

એક તો હું ’ગેરન્ટી ટ્રસ્ટ કંપની’ના ઉપ-પ્રમુખને મળ્યો. અગાઉ એક વાર મેં બૅન્કની બાબત પર એની મુલાકાત લીધી હતી, એટલે આજ પણ હું પેસી જઈ શક્યો. મેં તો જાણે કે મરણિયા થઈને પેલા બેકાર, બચ્ચરવાળ, ભૂખે મરતા... વગેરે વિગતદાર કથાના નાયક ઈસારીઆની અથ-ઈતિ કથા કહી, અભિપ્રાય પૂછ્‌યો : "આપ એની જગ્યાએ -"

"હું એની જગ્યાએ !!!" શેઠ હેબતાઈ ગયા. પછી મેં એમને મારી ને ઈસારીઅની બન્નેની મૂંઝવણ જ્યારે સમજાવી, ત્યારે પછી એમણે એક સિગરેટ સળગાવી, ખુરશી પર દેહ લંબાવી તત્ત્વાલોચના આરંભી :

"જુઓને, યાર, ભારી વિચિત્ર છે આ આત્મરક્ષણનો પ્રકૃતિ-અંશ. એ પ્રકૃતિ-તત્ત્વ કેવે રૂપે પ્રકટ થશે, તે કોઈ કહી જ ન શકે. હવે તમે જ કહો છો કે ઈસારીઓ માંદો હતો, કામ જડતું નહોતું. બાયડી પણ ખાટલાવશ હતી... પાંચ બચ્ચાં : ઘર ભાડું ચડેલું : રઝળતા થવાની તૈયારી : આમાં એણે કંઈક તો કરવું જોઈએ ને, ભાઈ ! આપણે જ, જુઓને, ઘણાંખરાં પશુ-પ્રકૃતિનાં છીએ : પડયાં-પડયાં લાંઘણો ખેંચીને જાન કાઢી નાખી શકતા નથી - કંઈક કરી બેસીએ છીએ. હવે આ ઈસારીઓ જુઓ : એણે પેલી થેલી -"

"ના જી, ચીંથરી જ હતી." મેં સુધાર્યું.

"- કહો કે ચીંથરી ચોરી; સંભવ છે કે એને ભાન જ નહિ રહ્યું હોય કે પોતે શું કરતો હતો. આમ બધો ગોટાળો છે, ભાઈ ! હાં, પણ એનાં બાળબચ્ચાનું શું થયું ?"

મેં કહ્યું : "મદદનાં કહેણ આવી પડયાં છે. અમે ’ઈસારીઆ સહાયક ફંડ’ ખોલ્યું છે. કદાચ એ અદાલતમાંથી પણ છૂટી જશે."

"હું નહોતો કહેતો ?" કહીને એણે મારી સામે, મારી તાળી લેવા સારૂ, હથેળી લંબાવી.

આમ મને એક સરસ મુલાકાત મળી ગઈ. બહાર નીકળીને મેં બધું યાદ કર્યું; પણ મને લાગ્યું કે, આખી વાતની મલાઈ તો હું ક્યાંક એની ઑફિસમાં જ ભૂલી આવ્યો છું...

પછી પ્રોત્સાહિત બનીને મેં બીજા પકડયા... બેરિસ્ટરને ’દિનબંધુ’ નામનું મારૂં કાર્ડ ગયું, એટલે સડેડાટ મને દાખલ કરવામાં આવ્યો, મેં એમની પાસે એ બેકાર, બીમાર, બચ્ચરવાળ, બાયડીવાળા, ભાડાવિહોણા... ઈત્યાદિ વિગતોવાળા ઈસારીઆની કથા કહી : આખા બનાવની પાછળ રહેલું તત્ત્વ સમજાવ્યું : સમાજરચનાની ઉથલપાથલનો દાવાનલ-તણખો આ એક જ ઘટનાના ભસ્મ-ઢગલાના ગર્ભમાં ગાયેબ રહીને કેવો એકાદ ફૂંકની રાહ જોતો બેઠો છે એનો ફોડ પાડયો.

"મને મૂળ કિસ્સો બરાબર ન સમજાયો;" એમણે કહ્યું.

મેં ફરીને કથા કહી - ડોશીમાઓ શ્રાવણિયા સોમવારની વ્રતકથા જે કડકડાટીથી બોલી જાય છે તે કડકડાટીથી હું બોલી ગયો.

એણે કહ્યું : "આ વાત હું માનતો જ નથી. આવું બને જ નહિ. તમે ઈસારીઆને મળ્યા છો ? શી રીતે જાણ્‌યું કે વાત સાચી છે ?"

મેં કહ્યું : "વાતનું સત્યાસત્ય તો હું બરાબર ચકાસી કાઢીશ. પણ ધારો કે આવું બન્યું જ હોય, તો આપ શું કહો ?" મારે તો હરકોઈ હિસાબે એમનું મંતવ્ય મારા ’દિનબંધુ’ના આવતા અંક સારૂ કઢાવી લેવાનું હતું.

"ના-ના, એ બીજી કોઈ રીતે બન્યું હશે. કંઈક બીજાં ગુપ્ત કારણો હશે. તમે એ શખ્સનું ચારિત્ર્‌ય, એની કારકિર્દી વગેરે તપાસો. આમ અધ્ધરથી વાત ન કરો."

હું ચાલ્યો ઈસારીઆની શોધમાં. એનું ઠેકાણું ’ડોકામરડી’ ગલીમાં હતું. આ ઘરનો અમુક નંબર હતો. હું જઈ પહોંચ્યો. એક અંધારિયો મજલો હતો. ઓરડીઓ પર નામ નહોતાં.

પૂછપરછ કરી. ભોંયતળિયામાં રહે છે ખરો. હું ત્યાં ગયો. દિવસવેળા હતી, છતાં દેવદારનાં ખોખાંનાં પાટિયાંની દીવાલની ચિરાડો અંદર દીવો બળતો હોવાનો ભાસ દેતી હતી.

મેં બારણું ભભડાવ્યું. અંદર કશોક સંચાર થતો હતો, તે એકદમ ચૂપ થઈ ગયો. વાતાવરણમાં જાણે ફટકો પડયો. મેં ફરી બારણું ભભડાવ્યું.

થોડી વારે બારણું ઊંઘડયું. પચીસેક વર્ષની જણાતી ઓરતે અર્ધઊંઘડયા બારણામાંથી ડોકું કાઢ્‌યું.

મેં પૂછ્‌યું : "ઈસારીઓ છે ? એણે જવાબ ન દીધો, પણ ઈસારીઓ ઘરની અંદર ક્યાંયે છૂપાઈ તો નથી રહ્યો એવી કેમ જાણે ખાતરી કરાવતી હોય તેમ આખું જ બારણું ઉઘાડી નાખ્યું.

એ અંધારિયું, ભેજવાળું ઘર હતું છતાં સાફસૂફ હતું. નીચી છત ઉપર ગૂંચળેગૂંચળાં ભરીને ધુમાડા કાઢતો દેશી દીવો બળતો હતો. ત્રણ છોકરાં - ત્રણેય છોકરાં ચાર વર્ષની અંદરનાં - એની ભીની ભોંય પર બેઠેલાં. ધાવણું બાળક એક ખાટલા પર સૂતેલું.

"ઈસારીઓ ક્યાં છે ? મારે જરૂરી કામ છે."

"પોલીસ-ચકલે હશે."

હું ગયો પોલીસ ચકલે. પૂછ્‌યું. પોલીસના હોઠ પર પણ અદ્‌શ્ય બટન બિડાયેલાં હતાં. પછી મેં ’દીનબંધુ’ છાપાની પિછાન દીધી. જાદુ થાય તેમ તેની જીભ ઊંપડીઃ "ઈસારીઆને તો કોર્ટે છોડી મૂક્યો છે."

હું પાછો ઈસારીઆને ઘેર ગયો. એ હજુ નહોતો આવ્યો. બાઈને મેં ખુશખબર દીધા. પણ મારાં અભિનંદનની કશી અસર મેં તેના મોં ઉપર ન દીઠી. એણે એક તૂટેલી ખુરસી લૂછીને મને તે પર બેસવા કહ્યું.

ઈસારીઓ આવી પહોંચ્યોઃ એ ઠીંગણો, ઠીક ઠીક બાંધાનો આદમી હતો. એની ઓરતે એક હરફ પણ બોલ્યા વગર મને ઈસારીઆ તરફ આંગળી ચિંધાડી.

શિકારીઓના પંજામાંથી બચી છૂટેલ સસલા જેવી એની મનોદશા હતી. અમે બેઠા. મેં એને બધી વાત પૂછી. ગરીબ માનવી શરમાઈ જઈને જે નિરાધારીભરી આજ્જ્ઞાંકિતતા સાથે વાત કરે, તે રીતે એણે પણ પોતાની કથા શરૂથી આખર સુધી કહી દીધી. છાપાંમાં આવેલી બીના પૂરતું તો બધું જ બરાબર હતું.

પરંતુ મૂળ જીવન-કથા આમ હતીઃ "અમે ... જિલ્લાનાં વતની. મારા બાપને જમીન છે. અમે પાંચ વર્ષ ઉપર અહીં આવ્યાં છીએ. હું બિસ્કૂટ-ડબલરોટીવાળાની દુકાને ભઠિયારખાનાનું કામ કરતો. પણ ગ્િાયે ઉનાળે મુંને અકસ્માત થિયો. પગ ભાંગેલો. ઈસ્પિતાલમાં રિયોઃ જહાન્નમ જેવું. દોઢ મૈનો રે‘વું પડયું. બા‘ર નીકળ્યો. અસલ ધની સાનો રાખે ! લંગડાને કોન રાખે ?"

"કેમ ન રાખે ? તને અકસ્માત તો ત્યાં બિસ્કિટને કારખાને જ થયો ને ?"

"ના, તિયાં અકસ્માત સાનો થાય ? એ તો બધાં સારાં લોક છે. પગ ભાંગ્યો તે તો રસ્તા પર એક મોટરના ખટારાએ મુંને પટકી દીધો તેથી. દેખોને..." કહીને એણે પાયજામાનો એક પાયજો ઊંંચે ચઢાવી ગોઠણ ઉપરનો જખમ બતાવ્યોઃ હજુ જખમની જગ્યા લાલચોળ અને પોચી હતી; ટેભા લીધેલા તે જગ્યામાં ગૂંથ પડી ગયેલી.

મને તો, આ રીતે, ખૂબ લેખન-સામગ્રી જડીઃ માનવીના ગુનાની પાછળ કેટલાં તત્ત્વોની પરંપરા ઊંભી હોય છે !... પોતાનું મુકદ્દર અજમાવવા દેશાવર ખેડવા નીકળી પડેલો ફક્કડ જુવાન : તન તોડીને મહેનત કરનારોઃ વફાદાર ઓરતઃ નીરોગી બચ્ચાંઃ કાયમી નોકરીઃ સંતોષી જિંદગીઃ એમાંથી એકાએક બેનસીબીનો ઉદયઃ આંધળી ઝડપે દોડતા ખટારાથી જફા થઈ, ઈસ્પિતાલે પડયો, રોજી બંધ પડી, નોકરી ગઈ... પછી ? "પછી હવે તું તારે વતન કાં નથી ચાલ્યો જતો ?"

ઈસાર કહેઃ "જાવાનું દિલ બહુ જ છે. પણ રૂ. ૩૦૦ ખરચી કાંથી જોગવું ? બસ, રૂ. ૩૦૦ હોય ને !"

રૂ. ૩૦૦ તો કેમ જાણે એને મનથી ત્રણ લાખ હોય, તેવી રીતે એ બોલતો હતો.

"તેં ઈસ્પિતાલથી છૂટ્‌યા પછી પકડાઈ જવા સુધીમાં શી રીતે ગુજારો કરેલો ?"

"સારી ચાકરી ન મિલી. એક હોટલમાં વાસણ માંજવા રિયો. પન એમાં નભાવ ન થઈ સક્યો. એક મૈના પર વહુને છોરૂ આવ્યું."

"પણ, ભાઈ ઈસાર, તેં પેલી ચીંથરી શા માટે ચોરી હતી ?"

એણે મારી સામે તાક્યું. એ બોલતો બંધ થયો. ત્રૂટક-ત્રૂટક જબાન ચલાવીઃ "હું સું જાનું ! મૂંને કેમ પૂછો છો ? મુંને સી ખબર પડે કે મેં સા સારૂ ચોરી ? શનિવારે ઘર-ધની કહે કે ભાડું દે નીકર બહાર નિકલ. મુંને નીંદ ન આવી. ઊંઠીને બાર ગ્િાયો. જઈને ઈ કામ કર્યુંઃ બીજી મુંને સી ખબર ! મુંને સી માલૂમ કે સા માટે ?"

"પણ તને ઈજા ન થઈ હોત તો ?"

"તો તો હું ડબલરોટી પકાવતો જ હોત ને ?"

"તને પગ ભાંગ્યો તેની નુકશાની ન મળી ?"

"ના."

"ઈસ્પિતાલનું ખર્ચ કોણે ચૂકવ્યું ?"

"કુંપનીએ."

"કઈ કુંપનીએ ?"

"ખટારાવાલી."

"તું તારી કસૂરથી હડફેટમાં આવી ગયો - કે ખટારાવાળાની ?"

"મારી નહિ - ખટારાવાલાની. આ જુઓ... હું અહીંથી આવતો હતો, ને ખટારાવાલાએ..." એમ કહેતાં કહેતાં ઈસારીએ જમીન પર આંગળી વતી નકશો દોરી બતાવ્યો. "ખટારાવાલાની જ કસૂરઃ એણે જ મુંને જફા કીધી."

"બસ, ઈસાર, તું એ પોઈન્ટને મજબૂતપણે પકડી રાખજે, હો ! ભૂલી ન જતો. એ ખટારાવાળી કંપની પાસેથી નુકસાનીની રકમ આપણે ઓકાવશું જ. એ સાલાઓને અમારા ’દીનબંધુ’ છાપામાં પૂરેપૂરા ઉઘાડા પાડવા છે. આ આંધળી ઝટપે મોટરો હાંકનારાની સામે અમે કંઈ ઓછું નથી લખતા. આજે બરાબર લાગ છે. તું ફિકર કરીશ નહિ. તેં નુકસાની મેળવવા કંઈ પગલાં લીધેલાં ?"

"વકીલ રોકેલો. વકીલે રૂ. ૨૦૦ની નુકસાની માગવા કહ્યુંઃ અરધા એના ને અરધા મારા. પણ આજ દન લગી પત્તો નથી. હું વકીલની આગળ જ ગ્િાયેલો."

વાહવા ! એક પછી એક મુદ્દાઓ હાથ આવતા જાય છે. પચાસ ટકાની ફી આવા લોહીના પૈસામાંથી પડાવનારો વકીલ ! ઠીક છે, બચ્ચા, ’દીનબંધુ’ એ તમામનો કાળ બનશે. વકીલનું નામ મળ્યું. તમામ મુદ્દા મળી રહ્યા. આખી કથાના અંકોડા સંકળાઈ ગયા. ફક્કડ વાર્તા સર્જાવી શકાશે. ગરીબોને શોષનારાઓનું ભયાનક કાવતરામંડળ જગત જોશે.

હવે મારે માત્ર એ ખટારાવાળી કંપનીનું નામ જોઈતું હતું.

"કોનો હતો એ ખટારો ? કોઈ જબ્બર કંપનીનો હશે."

"હવે મારે નામ આપીને સું કરવું છે, ભાઈ !" એમ બોલતો ઈસાર ખૂબ ઉશ્કેરાઈ ઊંઠ્‌યોઃ જાણે કે એને નામ છુપાવવું હતું.

મેં ઊંલટપાલટ ઘણા પ્રશ્નો પૂછ્‌યાઃ જવાબમાં ઈસાર કાંઈક ગોટા વાળતો હતો. એના રોષભર્યા મોંમાંથી સરખાં વેણ પડતાં નહોતાં. એની ગુજરાતી ભાષા ધડા વગરની હતી. એણે કંઈક મારા વિષે ને ’દીનબંધુ’ છાપખાના વિષે કહ્યું.

મેં કહ્યુંઃ "હા, ભાઈ હા ! હું ’દીનબંધુ’ છાપાવાળો જ છું. ને ઘણું કરીને તો અમે એ ખટારાવાળી કંપનીને દમદાટી દઈને તને સારી એવી રકમ કઢાવી દેશું. તું સુખેથી બાળબચ્ચાં સાથે તારે દેશ પહોંચી જઈશ. તને રૂ. ૩૦૦ પૂરતા થઈ પડશે તો ખરા ને ?"

"અરે અલ્લા ! રૂ. ૩૦૦ કોણ દેતું‘તું ? રૂ. ૩૦૦ મળે તો તો ન્યાલ થઈ જાઉં ને ! મારો બાપ અમને આસરો દેસે. બાપડો સારો છે મારો બાપ. પણ રૂ. ૩૦૦ કંઈ એમ પડયા છે તે કોઈ મને ચોરટાને ધરમાદો કરે !"

"ભાઈ ઈસાર, એ બધું તું મારા પર છોડી દે. અમારૂં છાપું મોટા માંધાતાની મૂછના પણ વળ ઉતારે છે. અમે ચમરબંધીનેય ભૂ પાઈ દેશું. તું મને એ કંપનીનું નામ કહે."

એટલા જ શબ્દો એના મોંથી પડયાઃ "એને કોણ પોગે ?... ’દીનબંધુ’ છાપાવાળાને ?"

"હા, હા; હું જ એ છાપા તરફથી આવું છું. મેં તને વારંવાર કહ્યું કે, અમે એ બચ્ચાઓના ભીંગડેભીંગડાં ઉખેડી નાખશુંઃ તું ખટારાના માલિકનું નામ કહે ને !"

"હા, હા, હું ક્યારનો કહું છું કે, ખટારો ’દીનબંધુ’ છાપાવાલાનો જ હતોઃ એણે જ મુને વગાડયું."

મેં અમારા સાતવારિયાના તંત્રીજીને જઈ વાત કરી. એ ચોંકી ઊંઠ્‌યા. એને થયું કે, વહેલામાં વહેલી તકે આ ઈસારીઆને બાળબચ્ચાં સહિત ગુપચુપ એના દેશ ભેળો કરવો જોઈએ; નહિ તો ’દૈનિક સમાચાર’ને અથવા ’સાંજ’ને જો ખબર પડયા કે, જે ઈસારીઆ ઉપર ’દીનબંધુ’ આટલાં આંસુડાં ઢોળી રહ્યું હતું, તે બાપડાને ચીંથરી ચોરવા જવું પડયું તેનું ખરૂં કારણ તો ખુદ ’દીનબંધુ’નો ખટારો હતો, તેમ જ નુક્સાનીનો દાવો ચૂકવવામાં ’દીનબંધુ’એ જ આટલા મહિના ગલાંતલાં કરવામાં કાઢી નાખ્યા છે તો એ આપણા હરીફો આપણો પૂરેપૂરો ધજાગરો ફરકાવવાના.

અમારા તંત્રીજીએ ’મેનેજિંગ ડિરેક્ટર’ને વાત પહોંચાડી. મેનેજિંગ ડિરેક્ટરે ’બૉર્ડ’ પાસે રજૂ કર્યું. વકીલને ટેલિફોન કરીને બૉર્ડે સલાહ લીધી. વકીલોએ બચવાનો મુદ્દો કાઢી આપ્યો કે ખટારાનો તો વીમો ઉતરાવેલ હોવાથી આવા કિસ્સામાં નુકસાની આપવાની હોય જ નહિ.

’દીનબંધુ’ના મેનેજિંગ ડિરેક્ટરે અફસોસ સાથે ઈસારીઆને કશી રકમ આપવાની અશક્યતા જણાવી; કારણ એ જણાવ્યું કે, બીજું તો કાંઈ નહિ... રકમની વિસાત નથી - પણ દાખલો ખોટો બેસે.

આખી વાતમાંથી હું એટલું તો ચોક્કસ સમજી શક્યો કે, ઈસારીઆને આ નિમિત્તે એક પૈસો પણ ચૂકવવો એ વ્યવહારે નીતિ વિરૂદ્ધ થાય અને કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાય. બાકી, સહુનો મત એવો પડયો કે, પેલા ૫૦ ટકા માગનાર વકીલનું આચરણ તો ઘણું જ હીન કહેવાય... પરંતુ... ખાસ કિસ્સાઓમાં આવી આકરી ફી લેવાનું ધોરણ પ્રચલિત છેયે ખરૂં.

વારૂ. વળતે રવિવારે અમારા સાતવારિયાના નવા અંકમાં ઈસારીઆ બેકારની ફક્કડ વાર્તા પ્રગટ થઈ. તેની અંદર પેલો ખટારાનો અકસ્માત અને તે પછીનાં તમામ પરિણામો ટાંકવામાં આવ્યાં. ફક્ત ખટારાના માલિકોનું નામ નહોતું અપાયું.

ગંગા ! તને શું થાય છે ?

ત્રવાડીનો ખાંચો એની સંકડાશ માટે જાણીતો છે. દિવસે દિવસે એ વધુ સાંકડાતો જાય છે. તુળજાશંકર અંતકાળિયાને વૈદું અને ધનેશ્વરકાકને લાલ મિલ પડખેની હૉટલ કામધેનુઓ શાં થઈ પડયાં હોવાથી તેઓએ હમણાં જ નવી મેડીઓ ચણાવી છે. રાતોરાત પાયો લેવરાવીને ખાંચાની બબ્બે હાથ જમીન દબાવી કાઢી છે. મ્યુનિસિપાલિટીના દાંતોમાં દઈને આ મર્દાઈ કરી છે. દરેક વાતમાં છાતી જોઈએ, ભાઈ, છાતી !

એ બન્ને નવાં મકાનોની વચ્ચે એક જૂનું. જીર્ણ ખોરડું જાણે કે ભીંસાઈને ચેપાતું ચેપાતું ઊંભેલું છે. માગશર માસના સવારની પહેલી તડકી માંડ-માંડ જાણે હાંફતી-હાંફતી એ ખોરડાના ઓટલા ઉપર ઊંતરતી હતી, અને રાજારામનાં ડોશી કંકુમા પોતાના દીકરાનાં ત્રણ નાગાંપૂગાં છોકરાંને એ તડકીમાં તપાવતાં બેઠાં હતાં.

તુળજાશંકર અને ધેન્શ્વરનાં બાળકો શિયાળાના અંગે ખાસ બનાવેલ અડદિયા પાકનો અક્કેકો લાડુ લઈને પોતપોતાની મેડીઓની પરશાળમાં ઊંભાં ઊંભાં ખાતાં હતાં. પણ તેથી શું થઈ ગયું ? નીચે બેઠેલાં રાજારામનાં ભૂલકાંને શરીરે લૂખસની જે મીઠી-મીઠી ખૂજલી ઉપડતી હતી, તે શું કાંઈ ઓછી લહેરની વસ્તુઓ હતી ! ડોશી પણ પોતાના માથાના મૂંડા ઉપર અને તામ્રવરણા, કરચલિયાળા હાથ પગ ઉપર ખણી-ખણીને લોહીના ટશિયા કાઢી રહ્યાં હતાં. મેડી પર ઊંભેલાં બાળકોને પોતાના હાથનો અડદિયો ચૂપચાપ ખાઈ લેવામાં પૂરી મજા નહોતી પડતી, એટલે તેઓ નીચેનાં છોકરાંને, "જો, મારે અડદિયો ! તારે છે કાંઈ ?" એમ ટગાવીને નવો સ્વાદ નિપજાવી રહ્યાં હતાં. ખજવાળતાં-ખજવાળતાં એ છોકરાં પેલા આકાશના

ચાંદા જેટલા અપ્રાપ્ય અડદિયા સામે હાથ લંબાવી, કેમ જાણે તે લાડુ વળાવવામાં પોતાના પિતાએ હિસ્સો દીધો હોય તે રીતે માગતાં હતાં કે, "એ... એ...દેને અમારો ભાગ ! એ...એ... અમારો ભાગ !"

એ વખતે ઓચિંતી ઘરની અંદર કશીક ધડાપીટ થઈ, અને ગડગડાટ સાથે વૃષ્ટિ સમાન શબ્દો સંભળાયા કે, "કમજાત સા...લીએ કૂતરી ! તારૂં ને મારૂં મોત કાં નથી આવતું ?"

તડકે બેઠેલાં કંકુમા સમજી ગયાં. મનમાં ને મનમાં બોલ્યાંઃ ’અરેરે, પ્રભાતના પો’રમાં વળી પાછી મારપીટ માંડી ને, દીકરા ! અરે મૂવા, તને હમણાં આ શું ઝોડ વળગ્યું છે તે વહુને વારે-વારે મારી રિયો છે ? હોય, ઘર છે તે કો’ક દિ ઠોંઠ થાપલી હોય. અમેય અમારા સમામાં માર ખાધેલ છે. પણ આમ રોજ ઊંઠીને કાંઈ પાટુએ-પાટુએ મરાતું હશે બાયડીને ?’

ડોશી આમ પોતાની જાણે બબડતા રહ્યાં. એનું માથું ખજવાળવું ચાલુ જ હતું. છોકરાંને પોતાના સાડલામાં લપેટતાં લપેટતાં એ બોખા મોંયેથી ત્રૂટક-ત્રૂટક બોલ્યે જતાં હતાં કે "બાયડી ઉપર... ગભરૂ ઉપર હાથ-પગ ઉપાડયે શી સારાવાટ થવાની હ્‌તી ? આ કૂંડમાં તળશી કરમાઈ ગયાં એ શું અમસ્થાં-અમસ્થાં ?"

ત્રવાડી-ખાંચાના વસનારાં બધા પોતપોતાને બારી-બારણે ડોકાં કાઢીને રાજારામના ઘરમાં ચાલી રહેલી આ ધડાપીટ તરફ સરવા કાન માંડી રહ્યાં હતાં.

મેડી ઉપર બેઠેલા તુળજાશંકર વૈદ એનાં સ્ત્રીને કહે કે, "આ તે બ્રાહ્‌મણોનો વાસ છે વાઘરીવાડો ! રોજ-રોજ કેમ પોસાય !" વહુ કહેઃ "પોલીસ-ખાતાને કહીને એને આંહીંથી ખેસવો ને ! આ તો શેરીની આબરૂ જાય છે."

"એ તો અંતે દાઢી એ જ માગે છે;" વૈદ્યરાજે કહ્યુંઃ "આપણાં ખોરડાં ચણાતાં’તાં ત્યારે મેં એને શું થોડો વિનવ્યો’તો ? ’ભાઈ રાજારામ ! બાપા રાજારામ ! ભલો થઈને મને તારૂં ઘોલકું દઈ દે. મારે મકાનનો મેળ તૂટે છે. હું રૂ. ૨૦૦ રોકડા આપું.’ પણ એ નો’તો માન્યો; આપણી ને

ધનેશ્વરભાઈની મેડીઓ વચ્ચે પોતાનો કૂબો રાખી આપણને નત્યના ભૂંડા દેખાડવાની એની હઠીલાઈ એણે નો’તી છોડી. નાક કપાવીનેય અપશુકન કરાવવું તે આનું નામ ! પણ હવે તો હું હર્યો છું. બ્રાહ્‌મણના દીકરાની દયા હવે ખાવા જેવું નથી. કાંઈક ઈલમ કરવો તો પડશે ના ! કુળવાન ઘરની વહુ-દીકરીઉં વસે ત્યાં આવા કંકાસ કાંઈ રોજ ઊંઠીને પાલવે ?"

એવી કૈં-કૈં વિવેચનાઓ કરી કરીને કોઈ હસતાં તો કોઈ ખીજે બલતાં એમ તમામ પાડોશીઓ પાછાં પોતપોતાને કામે લાગી પડયાં. કંકુડોશી ઓટલાની તડકીમાં મીઠી-મીઠી ખૂજલી ખજવાળતાં બેઠાં રહ્યાં. એની ઝાંખી આંખોમાં પાણીના છાંટા આવી ગયા તેનું કારણ દીકરાનું વહુ પરનું દુરાચરણ હશે, ઊંંચે ચડેલા સૂર્યનાં કિરણોનો આંખોમાં સીધો પડતો અજવાસ હશે, કે તુળજાશંકર ત્રવાડીની એની પત્ની સાથેની ધીરી વાતો હશે તે કળવું કઠિન હતું.

રાજારામ હજુ ઘરમાં જ ઊંભો હતો. પત્ની ઉપરના પોતાના વીરત્વે બહાર મોટો તમાશો મચાવ્યો છે તે ભાન થયા પછી ઘર બહાર નીકળવામાં એને શરમ આવી હતી. પાટુ ખાધા પછી પણ પત્ની મૂંગી જ રહી, અને જીભ વડે પણ સામો જવાબ ન વાળ્યો, ઓયકારો ન કર્યો, તેને પરિણામે રાજારામની મનોદશા ગાંધી-ચેલાઓને લાઠીમાર મારનાર સરકારી સિપાઈઓના જેવી થઈ પડી હતી. ઊંભડક પગે એ નીચે બેઠો; લાલ-લાલ ડોળા ફાડીને પત્નીને પૂછ્‌યુંઃ "મોંમાંથી ફાટ તો ખરી ! તને શું થાય છે ?"

"કાંઈ નથી - શું હોય ?"

"તો ખા આ છોકરીના સમ." વહુના ખોળામાં પેલાં ત્રણ ઉપરાંત એક ધાવણી છોકરી ધાવી રહી હ્‌તી, તેની સામે આંગળી ચિંધાડીને રાજારામે સોગંદ દીધા.

"અત્યારના પહોરમાં શા સારૂ બાળકના સમ દો છો ?"

"મારે જાણવું છે કે તું મહિના-દિ’થી આમ નઘરોળ કેમ બની ગઈ છે ? બે દિવસથી ઘરમાં ખાંડ થઈ રહી છે, તે સંભારીને મને કાં વેળાસર કહ્યું નહિ ? મોં વીલું કરીને કેમ ઘરમાં બેઠી રહે છે ? કોઈ વાતના પૂરા

જવાબ કેમ નથી દેતી ? તને શું થાય છે ?"

દૂધ વિનાના ડાબા સ્તનને ચૂસતી છોકરીએ ભૂખના દુઃખે ચીસ પાડી, એથી વહુએ એને ડાબી બાજુથી ઉઠાવીને જમણા થાનેલા ઉપર ફેરવી. એટલામાં એની આંખો છલછલી પડી.

રાજારામનો રોષ-રક્ત ચહેરો દયાર્દ્ર બની ગયો. એણે પત્નની આંખોનાં પાણી પોતાની આંગળી વતી લૂછતાં-લૂછતાં પૂછ્‌યુંઃ" ગંગા, મારા સમ છેઃ મને દિલ ખોલીને કહે, શી વાત છે આવડા બધા દુઃખની ?"

"તમારા કારખાનાનો વખત જાય છે. હમણાં જાવ. પછી રાતે વાત."

"ના. કારકહનું જાય જહાનમમાં. આજનું પ્રભાત આમ બગડયું છે, એટલે કામકાજમાં મારૂં ધ્યાન પણ સરખું નહિ રહેઃ છેકાછેકી થશે, અને હેડ-ક્લાર્ક ખિજાશે. માટે કહી દે. પછી હું મોકળે મને કામ કરી શકીશ."

નેત્રો નીચાં ઢાળીને ગંગા ફક્ત એટલું જ બોલીઃ "તમને શી ગમ ?"

"પણ શાની ?"

"કાંઈ નહિ... એ તો અમસ્તો મારા મનને મૂંઝારો થાય છે - બીજું કાંઈ નથી."

રેલવેના કરખાનામાં કારકુની કરી-કરી તૂટી મરનારો રાજારામ ક્યારે નવરો હતો જે સ્ત્રીના જીવનની આવી સાદી શબ્દ-રચનાની પાછળ સંઘરાયેલી સમસ્યાને અને આપદાને સમજી શકે ? ’કાંઈ નથી’ની ગૂંચ ઉકેલી ન શકાયાથી એ બોલી ઊંઠ્‌યોઃ "મૂંઝારો શાનો ? હજી તો હું જીવતો છું."

"એવું શીદ બોલો છો ? આ છોકરાં, આપણી ગરીબી અને મારૂં શરીર બગડેલું - એવા નકામા વિચારો આવ્યા કરે છે."

રાજારામે ગંગાના શરીર ઉપર દ્રષ્ટિ ફેરવી. આજે પહેલી જ વાર એણે પત્નીના દેહને નિહાળી-નિહાળીને ઉકેલ્યો. ચોમાસામાં બે કાંઠે છલોછલ વહેતી દીઠેલી નદીને ચાર-છ માસ પછી વૈશાખ માસની વચ્ચોવચ્ચ ઓચિંતી જોવાનું બનતાં એક ખાબોચિયું પણ બાકી ન રહેલું માલૂમ પડે, અને જે લાગણી થઈ આવે, તે લાગણી રાજારામને અંતરે જાગી

ઊંઠી. પરણ્‌યા પછીની તાજી તરૂણાવસ્થામાં પત્નીને અનેકવર ખોળામાં લઈ-લઈને ગાઢ મમતાના પ્રવાહમાં ઝબકોળી હશે; પણ કોઈ વાર નહોતું સૂઝ્‌યું કે ગંગાના ગાલ ઉપર એક મસ હતો, ને કાનની કૂણી બૂટ પછવાડે ઝીણો એક તલ હતો. આજે એ મસ અને એ ગોળાકાર છૂંદણા-શી તલની ટીબકી જાણે કે ગંગાના દેહથી અલગ થવા મથી રહેલા જીવડાં હોય, કોઈ પશુના અંગ પર ચોટેલ ગીંગોડા હોય, તેવું એને લાગ્યું.

રાજરામ વિચારે ચડયોઃ

હું શું સમજીને આ એક પછી એક બાળકના જન્મોની ખુશાલી પામી રહ્યો હતો ! પાડોશીઓ હરેક વખતે પેંડા-પતાસાં વહેંચાવતાં હતાં; મિત્રો દરેક ગર્ભાધાનને તથા પ્રસવને મારૂં મહાન પરાક્રમ અને પરમ ભાગ્ય માન્ય કરતા હતાઃ તે બધાંની પાછળ આ પત્નીના એક વારના ભરચક શરીર ઉપર શી-શી શોષણ-ક્રિયાઓ ચાલી રહી હતી ! મારી ત્રીસ રૂપરડીની કમાણી, અને આ બે મેડીઓ વચ્ચે ચેપાઈ રહેલું મારૂં ગંધારૂં કાતરિયું - એમાં હું આ શો બોજો ખડકી રહ્યો હ્‌તો !

રાજારામની આંખો આડેથી રૂઢિનાં પડળ ધીમે-ધીમે ઊંંચા ચડવા લાગ્યાં. ગંગાને તો એણે તે વખતે એટલું જ કહ્યું કે, "અરે ગાંડી ! એ તો પ્રભુ ની માયા છે. લખપતિઓ તો શેર માટી સારૂ વલખે છે, ત્યારે તું આવા માઠા વિચારો કરી રહી છો ? દાંત આપીને જેણે જણ્‌યાં મોકલ્યાં છે, તે શું ચાવણું આપ્યા વિના રહેશે ?" એમ આશ્વાસન આપીને એ કારખાના તરફ ચાલ્યો તો ગયો, પણ વિચારો એને ઝીણી જીવાતના ઝૂમખાની માફક ઘેરી વળ્યા.

રેલ્વેનું કારખાનું ત્રણ સ્ટેશન દૂર હતું. કારખાનાના નોકરોને સારૂ ખાસ જોડાતી ટ્રેન સવારમાં ઊંપડી ગઈ હતી, એટલે રાજારામ બીજી પેસેન્જરોની ટ્રેનમાં ચડયો. જે ડબ્બામાં પોતે બેઠો ત્યાં જ હાથમાં ધર્માદાના ફંડની પેટી ખખડાવતો રતિશંકર ચડયો. પાંચ વર્ષોથી પોતાના કોઈ માયાવી બાળાશ્રમ માટે પૈસા ઉઘરાવી રહેલ આ રતિશંકરે તે પ્રભાતે પંદર હજારમી વાર પેસેંજરોની સામે ગદ્‌ગદિત અવાજે પેલી સાખી લલકારીઃ

કબીર કહે કમાલ કુંઃ દો બાતાં શીખ લે !

કર સાહેબ કી બંદગી, ભૂખે કું અન્ન દે !

અને તે પછી, ’સર્વ પ્રકારનાં દાનથી જગતમાં અન્નદાન, વિદ્યાદાન શ્રેષ્ઠ છે’ એ સદુપદેશ વડે શ્રોતાઓનાં હૈયાં પિગળાવીને બાળાશ્રમની પિછાન કરાવી જે બાળાશ્રમમાં પાંચ વર્ષનાં નિરાધાર બાળકોને પચીસ વર્ષ સુધી વિદ્યાબ્યાસ કરાવવામાં આવેછે. કોઈને ખબર નહોતી કે, રતિશંકરનો આ બાળાશ્રમ ક્યાં આવ્યો છે. છતાં લોકોએ ટપોટપ એની પેટીમાં પૈસા ટપકાવ્યા. આ દેખીને રાજારામને ઘડીભર આસ્થા બેઠી કે, ’દાંત દીધા તે ચાવાણું દઈ રહે છે.’ પણ એ આસ્થા ઝાઝી વાર ટકી નહિ. પોતાના દરમાયાના ૩૦માંથી ૩૧ થવાને બદલે ’રીટ્રેન્ચમેન્ટ’માં પાંચ ઘટવાની તૈયારી હતી. જે નાના પુત્રની ત્રીજી વર્ષગાંઠ હજુ ચાર જ દિવસ પર ઊંજળીને પોતે ખીર-પૂરી ખાધાં હતાં, તે જ પુત્ર આજે કદાપિ મરી જાય તો પોતાને ખાઝો આઘાત નયે લાગે એવી એની લાગણી બનવા લાગી. રતિશંકરને એણે પૂછી પણ જોયું કે, "અલ્યા, તારા બાળાશ્રમમાં મારા એક છોકરાને દાખલ કરીશ ?" પણ રતિશંકરે તો ત્યાં ને ત્યાં ઉતારૂઓ વચ્ચે ઊંલટાનો એને ફજેત કર્યોઃ "જોજો, ભાઈસાહેબ છતે માબાપે બાળકોને ધર્માદો ખવરાવવા માગે છે ! અલ્યા, તું તે બાપ છો કે કસાઈ ?" વગેરે વગેરે.

દરમિયાન તો ’વર્કશોપ’નું સ્ટેશન આવ્યું. રાજારામે સ્ટેશનના સુંદર બગીચા વડે વિભૂષ્િાત પ્લેટફૉર્મ પર રબ્બર-ટાયરની, સ્પ્રિંગોવાળી બાબાગાડીઓ ફરતી દીઠી. ટૂંકા પગારના દસ કારકુનોની જગ્યા કાઢી નાખીને તાજેતરમાં એક ફાલતુ મોટી જગ્યા સ્થાપવામાં આવેલી, તે ઉપર નિયુક્ત થયેલા અધિકારીનાં ત્રણ છોકરાં એ બાબાગાડીઓમાં બેસી કનકમય તડકામાં ઝગારા કરી રહ્યાં હતાં. એ છોકરાંને અંગે ગરમ મોજાં, કાનટોપી અને ઝબલાંનો સંપૂર્ણ જાપ્તો હતો. ગોદરેજની તિજોરીમાં સંઘરેલ નાણા જેવી એ બાળશરીરોની સંરક્ષા હતી. બાબાગાડી ઠેલનાર નોકરો હતા. પોતાને ઘેર કંકુડોશીના ફાટેલ સાડલામાં લપાઈને બેઠેલ ત્રણ અર્ધનગ્ન છોકરાંને જોઈને રાજારામ ચાલ્યો આવતો હ્‌તો, એથી એના અંતરમાં આ

દશા-ભેદ દેખી છૂરી ચાલવા લાગી. પછી વળી કામકાજમાં એ વાત વિસારે પડી.

ખાંચાનાં લોકોને પાકી ખબર હતી કે ગંગાવહુ નવા જમાનાના પોપલાવેડા કરનારી સ્ત્રી નહોતી. એ તો લોડું હતી લોડુંઃ શરીરેય લોડું ને મનથીય લોડું. નહોતી એ એકલસૂરા સ્વભાવની, કે નહોતી કાચીપોચી, કજિયો બનતાં સુધી કરતી નહિ - ને કરતી ત્યારે આખા ખાંચાને ધરતીકંપના આંચકા લેવરાવતી. વાતોએ ચડતી ત્યારે લાંબા હાથને લહેકે એવાં તો ટોળ-ટીખળ જમાવતી કે સાંભળનારાંનાં શરીરો હસી-હસીને ગોટો વળી જતાં. શેરીમાં ગંગા ’કેસરિયો ઘોડો’ નામથી ઓળખાતી; કેમકે એ વારંવાર લહેકા કરીને મલપતી-મલપતી શેરીમાં, બપોર-વેળાએ ભાયડાઓ ઘેર ન હોય ત્યારે, ગાતી કે-

વા’લા મારા કેસરિયો ઘોડો રે...

ગોપીયુંમાં રમવાને છોડયો !

એટલે જ ગંગાના સ્વભાવમાં થઈ ગયેલો આ નવો પલટો સહુને બિહામણો લાગતો હતો. શેરીમાં ભાત-ભાતની વાતો ચાલતીઃ

કોઈ કહેતું કે,"સવા મહિના ઉપર ગંગા નહાઈ-ધોઈને માથું ઓળતી હતી ત્યારે કોઈ ફકીર આવ્યો’તોઃ જનનો વળગાડ હશે, માડી !"

બીજી કહેતીઃ "ના રે ના; તે દિ’એક વેડવી વાઘરણ માગવા આવેલી, તેને ગંગાએ પોતાના હાથમાંથી શેરડીનો કટકો નો’તો દીધો. વેડવાં ભારી કામણટૂમણિયાં હોય છે. એને તો દેખીને બારણાં જ બીડી દેવાં જોઈએ. ગંગા તો એની જોડેય ધડાકા લેવા બેસે. પછી તો આ દશા થાય જ !"

કારણ ચાહે તે કહો, ગંગા જાણે આગલી ગંગા જ નહોતી રહી એ તો સાફ વાત હતી. એના મનમાં કાંઈક ઊંંડુ-ઊંંડુ ઘોળાતું હ્‌તું. મોટાં છોકરાં એનાથી બીને દાદીમા પાસે જ લપાઈ રહેતાં. ધાવણી છોકરીનાં નેત્રો માતાના મોં સામે તાકી-તાકીને થાકતાં, પણ ત્યાંથી વહાલનું એક ટીપું પણ વરસતું નહિ. ધણી ઉપર એનો મૂંગો ધિક્કાર જ ઝર્યા કરતો. ધણીના પગની

પાટુ કરતાં પણ એનાં આજ સવારનાં વહાલભીનાં વચનો ગંગાને વધારે આકરાં લાગ્યાં હતાં. ધણી એના છૂપા દુઃખમાં ભાગ લઈ શકે તેમ નહોતું. એથી અધિક વેદનાની વાત તો એ હતી કે ગમાર ધણીઓને સ્ત્રીઓના જીવતરની આ જુગ-જુગની જૂની આપદાઓમાં ગતાગમ પણ નહોતી પડતી.

દિવસ આથમતો હતો. શેરીનાં ખોરડાં ધુમાડે લપેટાઈ રહ્યાં હતાં. માળાની શોધાશોધમાં પંખી ચીસાચીસ કરતાં હતાં એ વખતે મરેલા મનુષ્યના ગેબી ઓછાયા જેવી ગંગા લોટો ભરીને નીકળી પડી. શહેરને આથમણે છેડે ઉઘાડા મેદાનમાં, ગટરોના કીચડથી થોડે દૂર, વાઘરીઓના કૂબાનું ઝૂમખું હતું. તેની અંદર ગંગા દાખલ થઈ. કલાક એક ત્યાં થોભ્યા પછી પાછી ત્રવાડીને ખાંચે પેસી ગઈ. ગુપ્ત વેદના ઠાલવવાનું અને ઈલાજ મેળવવાનું ઠેકાણું બ્રાહ્‌મણની દીકરીને શું વાઘરીવાડે જડયું હશે?

*

થોડે દિવસે મોડી રાતે ખાંચાના લોક એકાએક જાગી ઊંઠ્‌યાં. એ ચીસો રાજારામને ખોરડેથી જ સાંભળાતી હતી. ગર્ભાશયમાં વીંટ્‌ય આવતાં જે ચીસ સ્ત્રી-જીવનની તમામ સમતાનાં પડોને ચીરીને બહાર નીકળી પડે છે - અને છતાં સ્ત્રી-હ્ય્દયનો નિકટનો સાથી સગો સ્વામી પણ જેને કદાપિ નથી સાંભળી શકતો, નથી સમજી શકતો, નથી સ્મરણમાં રાખી શકતો તે માયલી આ એક ચીસ હતી. સંગીતના સ્વરો સામે કસ્તુરીમૃગના કાન જે તલ્લીનતાથી મંડાય છે, તેવી તલ્લીનતાથી - કેમકે પારકાંની બદબોઈમાં બજી રહેલું સંગીત સર્વથી વધુ મિષ્ટ હોય છે - રાજારામની ખડકીની ચિરાડે ખાંચાના બૈરાંના દસ-વીસ કાન લાગી ગયા છે. અંદર જાણે કે ચીસો દેતી ગંગાનું માથું ઝાલી ઝનૂનથી આમતેમ ડંડોળતો રાજારામ ભયંકર અવાહે પૂછતો હતો કે -

"રંડા ! આ શું કર્યું તે ! બોલ -નીકર ગળું ચૂસી જાઉં છું."

ગંગા ગોટા વાળતી જીભે કહેતી હતી કે. "એ... એ... એ... ! હું શું કરૂં ? ત્રણ મહિનાથી હું નહાઈ નહોતી."

"નહાઈ નહોતી !" રાજારામને ગમ પડી નહિ. એ બે શબ્દોની

પાછળના સ્ત્રીના અવતારની શી-શી યાતનાઓ સંઘરાયેલી પડી છે, તેની કલ્પના પુરૂષને ક્યાંથી આવે ?

"ઓય ! ઓય મા ! એ પરભુ ! છ મહિના પછી મારૂં શું થાત ! તમારો ટૂંકો પગાર... ચાર છોકરાં... આપણે ત્રણ - એમાં હું પાંચમો જીવ ક્યાંથી ઉઝેરત ! ઓહ ! મારી કેડયના મકોડા ખડી ગયા છે. હું હાડકાંનો માળખો બની રહી છું. મને ગઈ સુવાવડે બે રૂપિયાનું ઘીયે પેટમાં રેડવા નહોતું મળ્યું. દસ દા’ડે મારે ખાટલો છોડવો પડેલો; ગાંસડો લૂગડાં ધોવા જવું પડતું અરધો ગાઉ આઘે. મારો દેઅ કટકે-કટકા થઈ ગયો’તો. એ સાટુ, મારા સાટુ, તમારા સાટુ, અભાગ્િાયા નાના જીવને આ નરકમાંથી ઉગારવા સાટુ - મારે આ કરવું પડયું. અરેરે ! એના નાના રાતા હાથઃ કૂણી આંગળિયુંઃ ગરીબડું મોં... આહા ! કેવાં આવત !"

"માડી રે !" ખડકીને બારણે વાતો ચાલીઃ ’છોકરૂં... વાલામૂઈએ !"

ધડ, ધડ, ધડ લપાટો મારતા રાજારામના મોંમાંથી વધારે ભડકા નીકળ્યાઃ

"રંડા ! બાળ-હત્યા કરી ! લાખો હત્યાનું પાપ લીધું !"

એવી ભયંકર રાત વીતી ગઈ, રાજારામનો ઊંભરો હેઠો બેસી ગયો, તે પછીના એના રાત્રિના બન્ને પહોર નરક-યાતના ભોગવવામાં વીત્યા.ગંગાનું આ કૃત્ય એને જુદી જ નજરે દેખાવા લાગ્યું. ગંગાની ભાંગીતૂટી વાણીમાંથી એણે જ્યારે વિચાર સાંકળીને આખી વસ્તુ ઉકેલી, ત્યારે એ ઠરી જ ગયો. ઉગ્ર આવેશના વમળો વચ્ચે ગૂંગળાઈ જતો આ બ્રાહ્‌મણ બાળ પરોડે પાછો પત્નીનું માથું ખોળામાં લઈને પંપાળતો બેઠો હતો. ’મારાં પાપ ! મારાં પાપ ! હું આ સ્ત્રીને શોષી ગયો ! હું જ આની નાની-શી નરકનો ઉત્પાદક છું !’ એ વાત એને દીવા જેવી દેખાઈ ગઈ.

પ્રભાતે પાછાં ખડકીમાં બેઠાં બેઠાં મીઠી લૂખસની ચલ માણતાંમાણતાં કંકુમા સહુને સમજાવવા લાગ્યાં કે "માડી, વહુને તો રાતે કસુવાવડ થઈ ગઈ !"

"હા... હા ! ક...સુ...વા...વ...ડ થઈ ગઈ - એમ કે ?" ધનેશ્વરની વિધવા બહેને અક્ષરો મરડી-મરડીને છણકો માર્યોઃ "આંઈ બામણનાં ખોળિયાં રહે છેઃ ખબર નહિ હોય ! હમણે ખબર પડશે ! મોટાભાઈ પોલીસ-ચકલે જ ગયા છે."

પોલીસના હાથમાં ગર્ભપાતનો ગુનો આવ્યો, એટલે એ તપાસે ચડી. ધનેશ્વર અને તુળજાશંકરે પોલીસ-ચોકસીમાં સહાય લીધી. પોલીસથી મુદ્દાનો તાંતણો સંધાતો નહોતેઃ ગર્ભપાતની સાબિતી શી ?

"એ મેળવી આપવાનું મારૂં કામ;" તુળજાશંકરે બીડું ઝડપ્યુંઃ "હું તો અનુભવીઃ સમજી શકું ને ?"

અદાલતમાં તુળજાશંકરે સાહીદો ઊંભા કર્યાંઃ એક, આથમણા વાઘરીવાડની જીકુડી વાઘરણ; અને, બીજાં, ખાંચાનાં પાંચ બૈરાં જેમાં ધનેશ્વર ત્રવાડીની વિધવા બહેન પણ હતી. એ પાંચેય જણીઓએ તે રાતની બીનાની કાનોકાન સાંભળેલ સાહેદી પૂરી.

અદાલતમાં જીકુડી વાઘરણને પ્રોસિક્યૂટરે પૂછ્‌યું કે "તારી પાસેથી ગંગા ગાજરનાં બિયાં લઈ ગઈ હતી કે ?"

"ઓહોહોહો !" જીકુડી છણકો કરીને બોલીઃ "ઈમાં શું અવડું પૂછો છો ? કુણ નથી લઈ જાતું વળી ! આ ધનેશર ગોરનાં બૂન સામાં ઊંભાં -" ધનેશ્વર અને તુઅળજાશંકર બેઠા હતા, તેની સામે જોઈ જીકુડી એ કહ્યું : " ડોળા શીદ ફાડો છો, ભા ! રાખોને હવે બધી સદ્ધાઈ !"

માજિસ્ટ્રેટે મીઠાશથી પૂછ્‌યુંઃ "બાઈ, તું શાંત થા; ગભરાય છે શીદ ? જો, મારી સામે જોઈને કહેઃ હું ડોળા નહિ ફાડું. મને કહે - તું આવાં ઓસડિયાં શા સારૂ રાખે છે ?"

"જુઓ ! બાપ સા’બ! પેટછૂટી વાત કરૂં છું. માથે મેલડી છે. અમે વાઘરી લોકઃકૂબામાં રે’નારાંઃ ટાડ-તડકો વેઠી, તૂટી મરી માંડ-માંડ રળનારાં, મરી રઈએ... કળશી છોકરાંને ખવરાવીએ શું ? આ એટલે, બાપા, અમારે અમારાં બાળને હણવા સારૂ જ નીચ ઉપાય કરવા પડે છે."

"દવાઓ વેચો છો ?"

"હા, સા’બ."

"કોને ?"

"લાજમલાજાવાળા ખાનદાન ઊંંચા વરણને, તમારે પગે પડું, સા’બ ! વધુ નો બોલાવશો. અમારી પાપીઓની જીભ હાલે તો તમારા જેવા ભાગ્યશાળીના કાનમાંથી કીડા ખરે, આ કિરટનો વાયરો ગંધાઈ ઊંઠે. બસ ! તમારે પગે પડું છું. અમે બોલીએ તો તમારાં કૂંડામાં ફૂલનાં ઝાડવાં છે ને ઈયે લીલાં ને લીલાં બળી ભશમ થઈ જાય. અમારાં પાપ તો અમારા પેટમાં સમાયેલાં સારાં. પણ હું તો, સા’બ, વચાર જ ઈ કરી રઈ છું કે, આ બધાં આ ધનેશરભાઈ ને આ તુલઝાશંકરકાકો ને આ બોનદીકરીઉં શું જોઈને આ બાપડી ગંગા ઉપર ઊંતરી પડયાં છે ? આ છોડીએ તો મોતમાંથી ઉગરવા સારૂં કર્યું છેઃ ક્યાં એને પાપ ડાંકવાનાં હતાં ? બલોરી કાંચ જેવી આ બાપડી ઉપર - કીડી ઉપર- કટકાઈ કરનારાંને તો તમે ઓળખો સા’બ !"

"સારૂં; જાઓ." કહીને માજિસ્ટ્રેટે રાજારામને પૂછ્‌યુંઃ "તારે કાંઈ કહેવું છે ?"

રાજારામ પોતાની ઘરડી માને ચાર નાનાં બાળકો સાથે હાજર કરી બોલ્યોઃ "મારે એટલું જ કહેવાનું છે કે, આપ નામદાર મારૂં ખોરડું જોઈ આવો; મારા ઘરની ઈસ્કામત તપાસો. મને ’રિટ્રેન્ચમેન્ટ’માં રૂ. ૨૦ પર મૂક્યો છે. મારી વહુ પાંચમી સુવાવડમાંથી જીવતી ઊંઠત નહિ. મારા ખાતામાં પેન્શન નથી, ’પ્રોવીડન્ટ ફંડ’ નથી; અને જિંદગીનો શો ભરોસો ?"

"બાઈ ગંગા, તારે કંઈ કહેવું છે ?"

ગંગાએ ઘૂમટો ડાંકેલું માથું હલાવ્યું. એના હાથ-પગ ખુલ્લા દેખાતા હ્‌તા. કોઈ ખપાટનો ’ચાડિયો’ કરીને મનુષ્યનાં લૂગડાં પહેરાવી ખેતરમાં ઊંભો રાખ્યો હોય એવું તે વેળાનું ગંગાનું સ્વરૂપ હતું.

માજિસ્ટ્રેટે ફેંસલો સંભળાવ્યોઃ

"જગતની સ્થિતિ જ્યારે આઠ-આઠ દિવસે મહાન પરિવર્તન પામી રહી છે, ત્યારે પચાસ વરસો પર ઘડાયેલ કાયદાને ત્રાજવે ન્યાય તોળવા

બેસવું એ ન્યાયાધીશનું દુર્ભાગ્ય છે ને ન્યયની ઠેકડી છે. સમાજમાં સહુથી મોટ અધર્મ તે મહેનતુ માણસોની કંગાલિયત છે. આ આરોપીઓએ પોતાની આવી બેહાલ દશામાં જો બાળકને જન્મ આપ્યો હોત, તો હું તેને ગંભીર અપરાધી ગણત. ગંગા જેવી હજારો સ્ત્રીઓ પાસે બાળકો જનાવવાં એ હેવાનિયત છે. પણ એક ઓરડાવાળા કાતરિયામાં રહેનાર રાજારામને અચોક્કસ મુદ્દતને માટે બ્રહ્‌મચર્ય-પાલનનો બોધ આપવો, એ ખોટી બડાઈ છે. સમય આવી પહોંચ્યો છે કે જ્યારે વિજ્જ્ઞાનની ફરજ દરેક પ્રજાજનને સ્વેચ્છાથી સતતિ-નિયમન કરવાનાં સાધનો સોંપવાની છે. અનેક દીકરીઓને બાપથી, બહેનોને ભાઈથી, ગરીબ ચાકરડીઓને જુલમી માલિકોથી, પત્નીઓને દારૂડિયા કે રોગીઅલ ધણીઓથી ઓધાનો રહે છે; તેની સંતતિ જગત પર ઊંતરવા દેવી, એ જગત પર અત્યાચાર છે. કાં તો પ્રજાની તમામ સંતતિની જવાબદારી ’સ્ટેટે’ ઉપાડી લેવી, ને કાં પ્રજાને પોતાની તાકાત પ્રમાણે સંતતિનો ભાર કાબૂમાં રાખવાની છૂટ આપવી. આરોપીઓને મારે નછૂટકે સજા કરવી પડે છે. કેમકે ન્યાયધીશ કાયદાઓને આધીન છે. બાઈ ગંગાને ફક્ત કોર્ટ ઊંઠતાં સુધીની સાદી કેદ ફરમાવું છું."

પોલીસ-ખાતાને મેજિસ્ટ્રેટ સાહેબ દીવાના બની ગયેલા લાગ્યા. તુળજાશંકરે અને ધનેશ્વરે નક્કી માન્યું કે ન્યાયાધીશને મોટી રૂશ્વત મળી ગઈ છે. ઉચ્ચ જ્જ્ઞાતિના અગ્રેસરોએ પોતપોતાની ન્યાત-વાડીમાં વિરોધ-સભાઓ બોલાવીને રાજારામ, ગંગા તથા મેજિસ્ટ્રેટ ઉપર તિરસ્કારના ઠરાવો કર્યાં.

પ્રમોદરાય વકીલને ઘેર શહેરના તમામ વકીલો તે રાતે એકઠા થયા. ઉઘાડા ઊંઠવાની તેઓની તેઓની ઈચ્છા નહોતી; પણ ઘર-મેળે મળેલી એ સભાએ જે ચર્ચા કરી તેનો મુદ્દો એક જ હતો કે "આનું નામ ચૂકાદો જ ન કહેવાયઃ એમાં ’જજમેન્ટ’ની ભાષા જ નથી."

અને તે દિવસે ત્રવાડીને ખાંચે સંકડાશનો પાર ન રહ્યો.

છાલિયું છાશ

"અલ્યાં, તમે બે જણાં છો તોય ભાળતાં નથી ?" એમ બોલતાં બોલતાં ઘણી જ ચાલાકીથી પોતાના પૂરપાટ દોડતા ઘોડાની લગામ ખેંચીને પ્રવીણચંદ્રે બગી થોભાવી લીધી.

"ભાળે તે ક્યાંથી, ભાઈ ! હવે કાંઈ વાંક છે આંખ્યુંનો !" એમ કહીને ડોસો ને ડોશી પાછાં પોતાની ધૂળ ખંખેરતાં ભોંય પરથી ઊંભાં થયાં. ’તમને વાગ્યું તો નથી ને ?" એમ કહેતો ડોસો ડોશીનાં શરીર ઉપર ઝાપટ દેવા લાગ્યો.

"ના-ના રહી ગઈ. તમને કેમ છે ?" ડોશીએ પણ ડોસાને પંપાળતાં-પંપાળતાં પૂછ્‌યું; ડોસાના ખભા ઉપર હાથ મૂક્યો. જેઓ આંખો વિનાનાં હોય તેને હૈયે હજાર નેત્રો ફૂટે છે.

"અરે વાહ !" જુવાન પ્રવીણચંદ્ર જોઈ રહ્યોઃ માળાં બુઢ્‌ઢાં પ્રણય કરતાં લાગે છે ! અલ્યાં, હવે તો કોરે ખસો."

બગીની પછવાડેની જગ્યા ઉપર ફરાસ બેઠો હતો, તે ક્યારનો ઊંતરીને ઘોડાની લગામ ઝાલી ઊંભો હતો. ઘોડો હજુ નવો જ રૂખડિયાના કાઠી-દરબાર કનેથી પ્રવીણચંદ્રે વેચાતો લીધેલો. પોતાની બંકી ગરદન ધનુષ્ય માફક મરોડીને સફેદ ઘોડો કાનસૂરી રમાડતો હતો. એના બે કાન વચ્ચે પ્રવીણે વીજળીની ત્રિરંગી બત્તીઓનું ઝૂમખું ગોઠવેલું. ઘોડાના શરીર પરનો ચકચકિત સરંજામ એ તેજના બિંબો ઝીલતો હતો. ફરાસના હાથની ચમરી ઘોડાના પેટાળ પર ફરતી હતી.

આજે પહેલી વાર જ બગી કાઢતાં પ્રવીણને ભાન થયું કે, ગામના રસ્તા અતિ સાંકડા છે, અને રાહદારીઓને ડાબી બાજુએ ચલાવવા તેમ જ નિયમમાં રાખવા કોઈ પોલીસનો બંદોબસ્ત નથી. વીસ વર્ષની ઉમ્મર પ્રવીણે એ જ રસ્તાની માટીમાં પાળા ચાલીને કાઢી હતી; છતાં આ સરત એને નહોતી રહી.

"ડોસા, હવેથી ડાબી બાજુએ ચાલવાનું રાખવું, હો કે !" પ્રવીણે ખૂબ લહેકો કરીને કહ્યું.

"ભાઈ, એ તો રતાંધળાં છે." ટોળે વળેલ લોકોમાંથી કોઈએ ફોડ પાડયો.

"રતાંધળાં ? બન્ને જણાં ?"

"હા, બેય જણાં. સાંજ પડી, ને અંધારૂં થાય, એટલ હાઉંઃ ચકલ્યાં જેવું, ધબાય નમઃ !"

"શું કરે છે ?"

"ખેતરમાં મજૂરી કરે છે."

"પણ રાતે બેઉ જણા શી રીતે રહે છે ?"

"અઠે-ગઠે રોડવે. પણ, ભાઈ, એમાં આ એકની દયા ખાવા જેવું નથી. એવાં તો આ ગામડાંઓમાં સેંકડો નીકળશે."

"સેંકડો ? કેમ, કંઈ રોગ છે અહીં ?"

"રોગ શેનો ? ઈ તો ચાળીસ કે બહુ બહુ તો પચાસ વરસ વળોટ્‌યાં, એટલે ખેડુ ને વસવાયાં માતરને રાતનો અંધાપોઃ કુદરતી જ એવું, લોકો ઘણુંખરૂં રતાંધળું જ."

વધુ વાતચીતની વેળા નહોતી. પ્રવીણની બગી પાણીના રેલાની માફક અવાજ કર્યા વગર સરી ગઈ. આંહી ડોસો ને ડોશી પાછાં ડગુમગુ ઘર ભણી ચાલી નીકળ્યાં. રસ્તે ડોસીએ ડોસાને ફોડ પાડયોઃ "આને ઓળખ્યો ? ઊંજમ વહુનો દીકરો પરવીણઃ દેશાવરથી અઢળખ માયા રળીને આવ્યો છે."

"ઊંજમ વહુ ? કઈ ?"

"લે’રચંદની ઘરવાળીઃ રાંડીરાંડ. મોરૂકા કાળમાં બહુ કઠણાઈ હતી. જુઓનેઃ આપણે ચોખામાં પાણીની છાશ કરતાં, તે બોઘરૂં ભરી જાતી."

ડોશીએ જરક ડોસાના કાનની નજીક મોઢું કરીને ઉમેર્યુંઃ "બચાડીને કેવા વખા હતા ને, તે..."

*

બગીને રૂપનગર તરફની સડકે ચક્કર ખવરાવી પ્રવીણ રાતના અંધારામાં રસ્તો ધમધમાવતો પાછો ફરતો હતો. વાંક વાળવા માટે ગાડી ધીરી પડી, તે વખતે એક રબારીએ પાસે જઈ કહ્યુંઃ "ભાઈ, બાપા, જરીક થોભાવશો ? એક વાત કહેવી છે."

પ્રવીણે ઘોડાને રોક્યો. ગોવાળે પડખે ચઢીને કાનમાં કહ્યુંઃ "ત્યાં ઝાંપે ઓલ્યા ભાભાને તમારીએ ગાડીનો ટોચો થયો, ભાળ્યું ?"

"હા."

"એ જ ભાભાને ઘેર છપનિયા મોર્ય ત્રણ ભેંસ્યું મળતી; ચોખામી છાશ ફરતી. વાણિયા-બામણ પણ લેવા જાતાં. તમારી માની એ બહુ કઠણાઈ વેળા, ભાઈ ! તમે તો તે દિ’ ઘોડિયે. બા જાતાંને, એટલે આ જ ડોસાની ડોશી બાની દોણીને ઘરમાં લઈ જઈ, ઘાટી છાશ ભરી, માલીકોર અક્કેક દડબું માખણનું રોજ છાનુંમનું મેલતી, ભાઈ !"

"છાનુંમાનું ?"

"હા, છાનુંમાનું. છતરાયું દીધ્યે તમારી મા લ્યે એમ નો’તાં. કુળવાન ઘરની રંડવાળ્ય હતાં, ભાઈ ! લાખેણું માણસ ! આ ઈ છાશે ને ઈ માખણે તમારી આંખ્યું આજ રતન જેવી ઝગે છે, પરવીણભાઈ ! તમારી વેળા વળી છે, પણ એ ભાભાની ખેડ ભાંગી ગઈ. રતાંધળો ન થાય ? ઉઘાડે માથે ને અડવાણે પગે ખેતરમાં લા બળતી હોય ત્યારે મજૂરી કરે; ને ખાવામાં રોટલા ભેળી ઘૂંટડોય છાશ ન મળે. આંધળા ન થાય ? બાપા, બગી હળવા હાંકીએ. ધોખો કરશો માઃ લે’રાબાઈના દીકરાને કે’વાનો હકદાર છું."

"પણ મને સમજાવો તો ખરાઃ રતાંધળા થવાનાં શું કારણો છે ? કોણ રતાંધળા છે આ ગામમાં ?"

"કાલ્ય સાંજે સીમાડે આવજો; વાત કરશું. ભૂગળી પીશું, બે ઘડી હૈયાં ખોલશું. છાતીમાં ઘણું ભરાણું છે, ભાઈ !"

પ્રવીણ ઘેર ગયો; પણ એની રાત કંઈક વ્યાકુળતાભરી વીતી. રંગૂન શહેરના પાંચ જ વરસના વેપારમાંથી એની સ્થિતિ બંધાઈ હતી. નાનપણમાં એણે એવી ગરીબી વેઠેલી કે મોટાભાઈના વિવાહમાં વરઘોડિયાંને પહેલે દિવસે કંસાર જમાડવા માટેનો ગોળ પણ પાડોશીને ઘેરથી માગી લાવવો પડેલો. નવી લક્ષ્મી તો એક જાદુની માફક ઘરમાં આવેલી પડેલી. આવેલી માયા પાછી ક્યાંય રખેને તણાઈ જાય એ બીકે પ્રવીણ વેપાર સંકેલીને પોતાના ગામમાં બેસી ગયેલો. આશા હતી કે, પડયાં પડયાં મોજ માણશું. મોજ એટલે બીજું તો શું ? એક બંગલો, એક બગી, ઘરમાં કાચનાં બારણાવાળા કબાટ, કબાટમાં રમકડાં, વહુને માટે હેમ-હીરાના પાંચ વધુ દાગીના, અવાર નવાર મુંબઈ ના હલવા, મેવા કે હાફૂસ કેરી અને એક ’ફેમિલી-ડૉક્ટર’ની સગવડ.

પણ પહેલે કોળિયે જ માખી આવી. પ્રવીણને ફરીવાર બગીમાં ફરવા નીકળવાનો વિચાર થઈ શક્યો નહિ. એને પેલાં રતાંધળાં ડોસા-ડોસી યાદ આવ્યાંઃ અને, ’બાપુ ! લોક ઘણુંખરૂં તો અતાંધળું જ સમજવું !’ એ વચન એને બરછી જેવું લાગ્યું. બીજે દિવસે સાંજ પડી, એટલે વહુએ જીવતરમાં પહેલી જ વાર લહાવો લેવો હોય તેવી જાતની તૈયારી બગીમાં ફરવા જવા માટે કરી. વડીલો, કુટુંબીઓ અને પોતાનાં ગામ-લોકોની લાજના કિલ્લામાંથી નીકળીને આજ પહેલી જ વાર એને પતિ સાથે સે’લગાહ કરવાની હતી.

"હું તો નહિ આવી શકું; તમારે જવું હોય તો જાવ." એમ જ્યારે પ્રવીણે કહ્યું ત્યારે વહુનું મોં પડી ગયું. છતાં એ તો બગી કઢાવીને એકલી-એકલી ગઈ.

પ્રવીણ એકલો પગપાળો સીમમાં નીકળી પડયો. એને પહેલો જ મેળાપ થોડે આઘે ભીમા રબારીની સાથે થયો. ભીમો ઊંભોઊંભો પોતાની ભેંસોને વાંભ કરતો હતો. એને ઉઘાડે શરીરે ત્રાંબા જેવો ચળકાટ હતો. એવી વાંભનો અવાજ અરધા ગાઉની સીમ ઉપર દેવળની કોઈ મોટી ઝાલર જેવો પથરાતો હતો. આજ પહેલી વાર પ્રવીણનું ધ્યાન આ રબારીની વાંભ ઉપર ગયુંઃ શો કંઠ ! ભલભલા ગવૈયા પણ પાણી ભરે તેવું બુલંદ, મીઠું ગળું.

"ભીમાકાકા !આવું ગળું કેવી કરામતથી કરી શકાય ?"

"ઠેકડી કરો છો ને, પરવીણભાઈ ! અમારે તો પશુડાંની હારે વાતું કરવી રહી."

"ના, કાકા, હું સાચું પૂછું છું."

"કાંઈ ઈલમ નથી. ભાઈ ! અમારો આહર જ દૂધનો; અમે આચરકૂચર ખાવામાં સમજીએ નહિ. અને ફોગટ-ફોગટની વાતું ન કરીએ; બોલવાનો રસ હોય ત્યારે જ બોલીએ. શા સારૂ ગળાની નરવાઈ ન હોય !"

"ભીમાકાકા, રબારીમાં રતાંધળાં કેવાંક ?"

"રબારી રતાંધળો કોઈ દિ’ હોય જ નહિ. અમાસની અધરાતે પણ અમારી નજર અધગાઉને માથે પોગે."

"અને આ બીજાં લોક ?"

"લોક ઘણુંખરૂં રતાંધળું."

"એમ કેમ !"

"જાણે... જો, ભાઈઃ એક તો અમે સાત વરસની ખોરી જાર ખાયેં ઈ કબૂલ, પણ બાજરાને બહુ ન અડીયેં. દૂધ-ઘી ઠીકઠીક હોય તો જ બાજરો ખાવો પરમાણ; નીકર બાજરાની ગરમી એવી દોયલી છે કે ભલભલાંને ઢાળી દિયે."

પ્રવીણચંદ્રે આ લોક-વિજ્જ્ઞાન પહેલી જ વાર જાણ્‌યું.

"બીજું એમ છે, ભાઈ, કે જ્યારે અમારી ગાય-ભેંસ વિંયાય, ત્યારે ઘરે હોંઈ તો ઘરે ને સીમમાં હોઈં તો સીમમાં અમે ખાખરનાં પાંદના પરડિયામાં ખીરૂં દોહીને કાચું ને કાચું પી જાઈએ."

"તમે ખીરૂં પીઓ ? કાચું ખીરૂં ?"

"હા. તમે એની રાંધેલી બળીએ ન પચાવી શકો, અને અમે નર્યું ખીરૂં પીયેં. પણ ખીરૂં પીધા પછી બે દા’ડા સુધી પાણી કે અનાજ ન લઈએ. જો લીધું, તો ઝાડા હાલ્યા જાય. આ ઈ ખીરાનાં હાડ છે અમારાં. ખીરૂં અમને દીપડા સામાં બથોડાં લેવાની તાકાત આપે છે. ઈ તમારી દવાયુંથી ન થાય. ખીરૂં તમને જરે જ નહિ."

"કેમ ?"

"ઈ લોઢા જેવું અજર છે. પે’લવેતરી ભેંસનું ખીરૂં અમે લાકડાની ભૂંગલીમાં દોઈને ભરી લઈએ, અને એ સુકાઈ ગયા પછી ભૂંગળું તોડીને કાઢીએ. પછી એમાંથી ચાકુએ કરી-કરીને કાપીએઃ માળાના પારા બનાવીએ. એવું વજ્જર તમને પચે ? તમારા કોઠા ક્યાં ! અમારા કોઠા ક્યાં !"

"ત્યારે તમારે રતાંધળા નહી - એમ ?"

"ના, રતાંધળું લોક-વરણ. એને દિ’ આખો ઉઘાડે પગે ખેતર ખૂંદવાનાંઃ આંખ્યું ને કપાળ ઉપર તાપ વરસે. ન મળે ઘેર દૂઝાણાંઃ છાંટો છાશેય તમારા શેઠીયાઓના પ્રતાપમાં પામે છે કંઈ લોક ? નકર દૂધ-ઘીની શી સાડીબાર ! છાશની તાંસળીયે પેટ ભરવા મળતી હોયને, ત્યાં સુધી આંખ્યુંનાં રતન ઝગારા કેમ ન કરે? પણ તમારી શેઠાણીઉં..." ભીમાએ હાથ જોડયા.

"કાં, તોબા કેમ ન કરો છો અમારી શેઠાણીઓથી? હાથજોડય કેમ કરો છો ?"

"એ ભાઈ ! આમ જુઓ તો દેરાં પૂજે. કીડી-મકોડી ન મારે, લાંઘણ્‌યું કરે; ને આમ જુઓ તો છાશને સાટે દળણાંપાણી કરાવીને વસવાયાંનો જીવ લઈ જાય. વાણિયો હાટડે બેસીને ચૂસે, ને વાણિયાણ્‌યું ઘરે વૈતરાં કરાવે એક દોંણી પાંખી, મોરના આંસુડાં જેવી છાશ સારૂ. નીકર લોકના શરીર ! જ્યાં સુધી રોટલો ગળે ઉતારવાની છાલિયું છાશ જડે, ત્યાં સુધી મહેનતુ અને કઠણ બાંધાના લોકોનાં શરીર કાંઈ કથળે કે’ દિ’ ? અટાણે જુઓ તો હજાર રોગ આંખ્યુંના જ ફાટી નીકળ્યા છે લોકોને."

"દવા -"

"હવે તમારી દવાયું ને તમારાં ધરમાઉ દવાખાનાં ને તમારી આખુંમાં સૂયા-ચાકુ ઘાલવાની વાતું રે’વા જ દઈએઃ એમાં માલ નથી. સાવી વાત તો ઘેર-ઘેર દૂઝણાંવાઝણાંની છે. પણ ઈ તો લાંબો રોગઃ એના ઈલમી તો વળી કાળાન્તરે કો’ક જાગશે. અટાણે તો છાલિયું છાશની વાત આવીને ઊંભી રહી છે."

ધણ ઘોળીને ભીમો રબારી ગામભણી આવ્યો. તેની સાથે પ્રવીણચંદ્રે પાછા વળીને આવીઆવી વાતો કઢાવી. બીજે દિવસે એણે બળબળતા બપોરે સીમમાં ભ્રમણ કર્યું. પૈસાનો મદ હજુ ચડેલો નહિ, એટલે સાચી હાલત એની આંખો જોઈ શકી. કોઈ ઉઘાડે માથે, કોઈ કે માથા ઉપરના ફાળિયાના લીરા લપેટેલ, કોઈએ વળી આકડાના પાકલ પાંદ અથવા આવળની ડાળખીઓ માથા પર બાંધેલ - એવા સેંકડોને એણે ખોદતાં, સૂડતાં, વાઢતાં, છાણાં વીણતાં, પાણી વાળતાં, હળ હાંકતાં દીઠાં. પોતાનો પ્રકશ હજુ જાણે ઓછો પડતો હોય તેવી દાઝથી સૂર્ય પોતાનાં કિરણોની નળીઓ મૂકી-મૂકીને આ પ્રત્યેક કંગાળ આંખની રોશની શોષી રહ્યો હતો.

બપોરે ખેતમજૂરો ખાવા બેઠાં. ખોઈમાં એક્કેક લૂખો રોટલો બાધેંલો તે પેટમાં ઉતારીને સહુ પાસેની વાવમાંથી મીઠું કે ભાંભળું - જેવું હોય તેવું - પીતાં હતાં.

’આ લોકોને યુરોપની હેટો ઓઢાડી હોય ! ચીનાઓ સાદડીની મોટી છત્રીઓ જેવી ટોપીઓ ઓઢે છે, તે આંહીં દાખા કરી હોય ! મિસરીઓની પાઘડીઓ પછવાડે બોચી ઉપર લટકતા પડદાનો છાયો હોય છે, તેવું કંઈક...’

તરત જ એને ભીમા રબારીનો એક ઉદ્‌ગાર યાદ આવ્યોઃ "ઈ રોગ બહુ ઊંંડો છે, ભાઈ; બહુ લાંબો છે, એનો ભેદુ તો કોઈ કાળાન્તરે જાગશે, અટાણે તો છાલિયું છાશ..."

હા, છાલિયું છાશઃ આભ ફાટ્‌યું ત્યાં થીગડું દેવા જેવું, થીગડું તો થીગડું. પ્રવીણ આથી વધુ ઊંંડુ સમજે તેમ નહોતોઃ એનું ગજું કેટલુંક? એને એકજ વાતની રામતાળી લાગી ગઈ ! છાલિયું છાશ.

એણે ત્રણ ભેંસો ખરીદી. ઘેર સાથી રાખ્યા. દૂધ પોતે જમાવે. સવારે ચાર વાગ્યે જાગીને છાશનું વલોણું પોતે ઘુમાવે. સવારે સહુ લેવા આવનારાંને બોઘરાં ભરી ભરી પોતે આપે. એના જીવનમાં રસ રહ્યો ફક્ત -છાલિયું છાશનો.

છાશની પરબ બંધાઈ ગઈ. મજૂરમૂલીના લૂખા રોટલા ભીના થયા. પણ સાથોસાથ પ્રવીણની સ્ત્રીનાં નેત્રો પણ અણસૂક અશ્રૂ-ધારા વહાવતાં થયાંઃ માંડ માંડ ઈશ્વરે દિ’ વાળ્યો, દળણા-વાસીદામાંથી માંડ છૂટ્‌યાં, મોજ કરવાની માંડ વેળા મળી ત્યાં ધણીને આ શો ધંધો સૂઝ્‌યો ! બહુ થતું હોય તો પાંચ નોકરો રાખીને છાશ ક્યાં નથી કરાવી શકાતી ?

ના, ના પ્રવીણના અંતરનો ઘા ઊંંડો હતો. એણે બધું નોકરને હાથે ન છોડી દીધું. એ તો ભેંસોના છાણ-વાસીદામાં પણ પોતે જ રગદોળાઈ ગયો. રાતે એનો ખાટલો કોઢ્‌યમાં પડતો. ત્યાં સૂતોસૂતો પ્રવીણ નિયમિત ભેંસોને નીરણ કરતો, પાવડી વતી છાણ વાળતો, ભેંસોની ઘાસ-પથારી કરતો, પ્રભાતે પાણી પાતો.

પ્રવીણ ઢોર ભેળો ઢોર બન્યો. પહેરવા ઓઢવાના એના શોખ ગયા. ગામતરાંની સે’લગાહ ગઈ. મિત્ર-મહેમાનો આવે તો પણ આ નિત્ય-કર્મ છૂટે નહિ. ગામને પ્રવીણે છાશથી તરબોળ બનાવ્યું. માખણ ઊંતર્યા વિનાની જ છાશ વહેંચાતી.

ને એની કોડભરી વહુ રડતી જ રહી.

*

પંદરેક વર્ષોથી ચાલેલો છાશનો અમી-પ્રવાહ હજુ અટક્યો નથી. અખંડ ધારા વહી રહી છે.

ભેંસો પછી ભેંસો એ વધારતો ગયો. વેતર પણ વધ્યાં. લગભગ એક નાનું-શું ખાડું બની ગયું. એને ચારવા પણ પ્રવીણ પોતે જ જવા લાગ્યો. ગૌર-વરણો એનો દેહ ધીમે ધીમે ત્રાંબાનો રંગ પકડતો ગયો. પણ એને સુખ હતુંઃ આરસીમાં જોવાનો મોહ ટળ્યો હતો. છાશની ગોળીમાં એ પોતાનું ભૈરવરૂપ પ્રતિબિંબ ક્યારેક ક્યરેક નિહાળી લેતો.

પણ લોકો છાની-છાની વાતો કરતાં હજુઃ "બહુ મોટો ત્યાગી ! માયા તો હજુ એવી ને એવી બૅન્કમાં પડી છેઃ ઈ કાં નથી વે’ચી દેતો આ લો’કું ને !"

’હા, સાચું’ પ્રવીણને છૂપું-છુપૂં ખટકતું. પણ મોહ મુકાતો નહોતો.

એક દિવસ કુદરતે જ એનો અવાજ સાંભળ્યોઃ રાજપલટાનો એક એવો કડાકો બોલ્યો કે પ્રવીણના હાથમાં કાગળના કટકા જ રહ્યા; માયા હતી તે ગેબમાં ચાલી ગઈ.

પ્રવીણે રાજી થઈને એ કાગળીયાના લાલ-લીલા રૂપાળા કટકા બંગલાનાં બારણા ઉપર ચોંટાડીને શોભા કરી. પેટમાં ઉકળાટ થયો, તે છાલિયું છાશ પીને શાંત પાડયો.

પણ પ્રવીણે તમામ માયા કાગળિયામાં નહોતી રોકીઃ સોનાની લગડીઓએ રાજ-પલટાના વાયરા ન ઉપાડી જઈ શક્યા. એક દિવસ સાંજ પછી અંધારૂં ઊંતર્યાં પછી લગડીનું એક પરબીડિયું વાળી, બગલમાં દબાવી પ્રવીણ બહાર નીકળ્યો. તે દિવસવાળાં જ ડોસો-ડોસી ડગુમગુ ઘેરે જતાં હતાં, તેની પાછળ-પાછળ લપાઈને પોતે પણ ચાલ્યો. રસ્તે તો એકબીજાને ખભે હાથ રાખીને બુઢ્‌ઢાં ધીરે સ્વરે વાતો કરતાં હતાંઃ

"આજ તો રોટલો ભાવે એવું રહ્યું નથી. કૂરજીની ગા તરફડી-તરફડીને મૂઈ, એ નજરે દીઠા પછી ધાન ગળા હેઠે નહિ ઊંતરે."

"કાલ આપણે સીમાડે સંધી ગાયનું ધણ હાંકી નીકળેલો. પચાસેય ગાયું શીતળામાં ગેગી ગઈ. રૂંવે-રૂંવે માતાના દાણા પરોવાઈ ગયા’તા. કાળી લૂ વાતી’તી. ન મળે ઝાડવાની છાંયડી, પાણીની બહોળપ. આંહીં પાદરમાં કોઈએ ઊંભાં રે’વા દીધાં નહિ. સાંજ પડયે પચાસ દૂઝણી ગાયું સીમાડે ઢળી પડી. મોરલા જેવી વાછડિયું ભાંભરડા દિયે છે."

"અને સંધીનું ફટકી ગયું - કે’ છે."

"હા. સંધીની ડાગળી તો સાવ ખસી ગઈ છે. બીજું કાંઈ નથી કરતો; પણ તાંબડી અને નોંઝણું લઈને ઊંભો રે’ છેઃ જાણે ગાયોને દો’વી હોય ને, એમ વાંભ ઉપર વાંભ કરી કરી, નામ દઈ દઈ બોલાવે છેઃ ને પછી બેસી, ગોઠણ વચ્ચે તાંબડી દબાવીને કેમ જાણે દો’તો હોય, એમ હાથના ચાળા કરતો કરતો ગાય છે. સામે જ ગાયુંને તો સમળાઓ ને ગીધડાં ઠોલી રહેલ છે."

"અરેરે ઠાકર ! શો કોપ છે !"

"કોપ તો કાંઈ ન કે’વાય. શીતળાના રોગ કાંઈ ન મટે એવું થોડું છે ? પણ જ્યાં માણસુની દવાએ કોઈ પોગતું નથી, ત્યાં પશુનાં દવાદારૂ કરવાની કોને પડી છે ?"

"હા, રાજ તો જીવતાં-મૂવાં તમામ ઢોરની પાન-ચરાઈ મેલાવે છે. વાછરૂ પેટમાં હોય એનીયે ચરાઈ છોડતાં નથી. નથી મૂવાંના ચામડાંની ભામ લેવાનું ભૂલતાં. પણ દવાદારૂ થોડાં કરે છે !"

"મા’જનનેય એવું સૂઝતું નથી."

"મા’જનની તો પોતાની પાંજરાપોળું જ મડદાંથી ઊંભરાય છે ને રોજરોજ !"

"અહોહો ઠાકર ! દયાવંતો ને દાનેશ્વરીઓ દેરાં-દેવલાંમાંથી નવરાં થાતાં નથી. નત્ય-નત્ય કાંઈ ઓછાં કેસર-ચંદણ ઘસાય છે ! કાંઈ થોડી રસોયું રધાય છે ! કે’ છે કે મુંબઈમાં મૂરખ્યાં હવેલીએ ગાયુંને જલેબી-લાડવા ખવરાવે છે !"

"હેં-હેં-હેં-હેં..." ડોસો દુઃખની દાઝમાં હસી પડયો.

ત્યાં તો ખોરડું આવી ગયું. ખડકીથી માંડીને માયલી કોરના ઓરડા સુધી હાથ ફેરવી-ફેરવીને બેઉ જણાં અંદર પહોંચ્યાં. અંધારે-અંધારે પાણી પીધું. બેઠાં.

ડોસો બોલ્યોઃ" ઠાકરે આખ્યું લઈ લીધી... અરજણ ને જાદવ જેવા દીકરાય ખેંચી લીધા... પણ આ હાથને એવા સજીવન રાખ્યા છે, કે જાણે ચાર દીકરાઃ બે મારા ને બે તમારા !"

"અરેરે !" ડોશીએ કહ્યુંઃ "સંજ્યા ટાણે અરજણ ને જાદવ ક્યાંથી સાંભર્યાં વળી તમને ? રાત આખી નીંદર નહિ આવે. નજર સામે તરવર્યાં કરશે."

"ના. એમ નહિ; પણ આ તો બેમાંથી એક બેઠો હોત ને, તો એને આપણે પરવીણચંદરભાઈની પાસે મોકલત."

"શા સાટુ ? આપણે શી ભીખ માગવી છે વળી ?"

"ના, ના; તમે મૂંઝાવ મા. આપણે એની એક રાતી પાઈયે ન ખપે.

તમે જુઓ છો ને ગામ આખું છાશ લઈ આવે છેઃ આપણો પગ હજુ ઊંપડયો છે ત્યાં જાતાં ?"

"ત્યારે ?"

"બીજું કાંઈ નહિ... પણ આ છાશની હડેડાટની હારોહાર એકાદ ઢોરનું દવાખાનું અને દાગતર રાખવાનું કે’વરાવત. આપણને કાંઈ કે’તાં થોડું આવડે છે ? ઈ મોટા માણસની પાસે તો આપણો અરજણ હોત તો કડકડાટ વાતું કરી આવત. દીકરા વિનાનું તો એવું છેઃ હેં-હેં-હેં-હેં... ! ડોસો પોતાના કંઠમાં ભરાયેલા ડૂમાને એ રીતે હસીને હડસેલવા મથી રહ્યો.

પ્રવીણચંદ્ર ત્યાં ઊંભોઊંભો આ બધું સાંભળતો હતો. એ સાદી વાતોની અસરથી એના ગળામાં પણ જે ખરેડી પડી હતી, તેને ખંખેરવા માટે એનાથી ખોંખારો થઈ ગયો.

"કોણ ઈ ?" ડોસાએ અવાજ કર્યો.

"બાપા !" કહેતો પ્રવીણ પાસે ગયો. "મને ન ઓળખ્યો ? તે દિ’ ઘોડાઘાડીની ઠોકર; લગાડી તને બેઉને પછાડેલાં તે."

"કોણ - પરવીણચંદરભાઈ !"

"હા, જેની છાલિયું છાશ હજી તમે નથી સ્વીકારી તે અભાગી હું."

"તમે અટાણે આંહીં ક્યાંથી, ભાઈ ? આહીં આવો; બેસો"

"પાસે આવીને બેસું તો મને ફરી વાર માખણનું દડબું આપશો, માડી ?"

"માખણનું દડબું !" દોશી કંઈ સમજ્યાં નહિ.

"હા, એ માખણના દડબા જેવો જ સુંવાળો હાથ ફેરવશો મારા મોં ઉપર ?"

"આવ, બાપ; ઊંજમ વહુનો દીકરો ઈ તો મારો જ દીકરોઃ મારો અરજણ અને જાદવ !" ડોશીએ પ્રવીણને ગાલે, કપાળે ને ગળે હાથ ફેરવી પંપાળ્યો.

"ઈથીય વધુ;" ડોસો બોલ્યોઃ "કેમકે તુંને-મુંને તો દીકરા પાળત, પણ આખા ગામને પાળવા કાંઈ અરજણ-જાદવ થોડા જાત !"

"બાપા !" પ્રવીણે કહ્યુંઃ "મને અરજણભાઈ હમણાં જ આખી વાત કહી ગયો."

"કોણ ? અરજણ ! શેની વાત ?"

"ઢોરના દવાખાનાની. આમ જુઓઃ આ શું છે ?"

પ્રવીણે પરબીડિયામાં બુઢ્‌ઢાનો હાથ મૂક્યો.

"આ શું ? હેમ !"

"આ મારી છેલ્લી મૂડી. એમાંથી દવાખાનું ઊંભું કરીશ. અને તમે બેય જણાં હવે ખાશો ? હું જાઉં છું એ ગાંડા થઈ ગયેલ સંધીને ગોતવા."

ડોસા-ડોસી એકબીજાંના હાથ ઝાલીને કેટલી વાર સુધી મૂંગા બેઠાં રહ્યાં !

અણકથી વેદના

"મારી ઓરત બીમાર છે."

"ઓરતની બીમારીમાં તમે જઈને શું કરવાના હતા ? આપણે તો ઓઝલ-પર્દાવાળા છીએ : સમજો છો ને ?"

"ખુદાવંદ !" એ જુવાન ’લાન્સર’ની સજળ બે આંખો અમલદારની સામે તાકી રહી. વધુ તો નહિ એક અઠવાડિયાની જ રજા એ બે આંખો યાચી રહી હતી.

"જાઓ : ત્રણ દિવસની રજા આપું છું."

"ત્રણ દિવસ ! ગરીબપરવર, સ્ટેશનથી મારૂં ગામ પચીસ કોસ છેટું છે."

"ત્રણ દિવસ. જિદ ન કરો. રસાલાના મામલા છે."

"પણ આપ નામદાર વિચાર ક-"

"ચૂપ ! ત્રણ દિવસ : ટંચન !"

’ટંચન’ શબ્દ - અને કલ્યાણસંગનું શરીર ટટ્ટાર બન્યું; એનો જમણો હાથ સલામ કરતો લમણા પર અટક્યો.

"રાઈટ - એબાઉટ-ટર્ન !" અને કલ્યાણસંગનાં ચકચકતાં, કાળાં બૂટ ગોળ કૂંડાળું ફરી ગયાં.

"ક્વિક માર્ચ !" એ ફરમાન પડતાં જ જુવાને કદમ ઉપાડયા.

"ડિ...સ-મિસ !" એ છેલ્લો આદેશ અને યુવાન કૂચકદમ કરતો ’ઓર્ડરલી’-રૂમમાંથી બહાર નીકળી ગયો.

"તેજાજી : બકલ નંબર ૪૫." એ નામની બૂમ પડતાં બીજો જુવાન ઓર્ડરલી-રૂમમાં દાખલ થયો. બહાર ઊંભેલા લશ્કરી સિપાહીઓ અને અમલદારો કલ્યાણસંગના ઊંતરી ગયેલા ચહેરા તરફ જોતા રહ્યા. પણ કોઈ કશું પૂછે તે પહેલાં તો સૂરજને તડકે ઝગઝગાટ કરતાં બટન, બકલ, બિલ્લા, ખંભા પરની સાંકળી અને તોતિંગ બૂટવાળો એ જુવાન પોતાની ઓરડી પર ચાલ્યો ગયો. ’ડરેસ’ ઉતારીને ’બાંડિસ’ છોડતોછોડતો પણ જાણે એ ચાર જ અવાજો હજુ સાંભળે છે : ટંચન : રાઈટ - એબાઉટ-ટર્ન : ક્વિક માર્ચ : ડિ-સ...મિ-સ !

પણ કલ્યાણસંગ સાત વર્ષોથી રસાલામાં રહ્યો છે. એને આ ચાર શબ્દોની નવાઈ નથી. એવા તો કૈકૈં શબ્દોએ એના દેહ-પ્રાણને યંત્ર સમાન બનાવી મૂકેલ છે. ’પોલો’ રમવામાં એ પોતાના ઘોડા ઉપરથી આવા જ હુકમને પરિણામે સાત વાર પટકાયો છે. બહારવટિયાની પાછળ ’ચાર્જ’ કરવામાં એણે ડુંગરો અને કોતરો ગણકાર્યા નથી. એવી ભયાનક જિંદગીએ તો ઊંલટાની આ જુવાનની નસેનસે લાલ મર્દાનગી રેડી છે.

પણ આજે એની નસો ખેંચાય છે; કેમકે પોતાના વતન વાળાકમાંથી એને ઊંડતા સમાચાર મળ્યા છે કે એની પરણેતર સુજાનબાને કસુવાવડ થઈ છે. લશ્કરી પોશાક ઉતારતાં ઉતારતાં એના હાથની આંગળીઓ અડકી તો રહી છે ફક્ત નિષ્પ્રાણ બટનોને કે સાંકળીને; પણ એને અનુભવ થાય છે કોઈ સજીવ, સુકોમળ, રોમાંચક સ્પર્શનો - કારણ કે આ પિત્તળનાં બટન-બિલ્લાને અને બૂટને આઠ માસ સુધી સુજાનબાના હાથ સાફ કરી ગયેલા છે. બાર જ મહિના પર પરણેલા એ જુવાનની રજપૂતાણી આ ઓરડાની ખપાટ-જાળી આડાં જે કંતાન બાંધેલાં છે તેની આડશે બેઠીબેઠી નોકરી પરથી આવતા ધણીની વાટ જોતી; અને વેળા ન ખૂટે ત્યારે એ લશ્કરી સિપાહીનો જે કંઈ લોઢાપિત્તળનો સરકારી સામાન પડયો હોય તે પોલીસની માટી વતી ઘસ્યા જ કરતી : ઘસીઘસીને અંદર પોતાનું મોં જોતી. એના મનનો સંતોષ એક જ હતો કે ’ઈન્સ્પેક્શન’ને દિવસે કલ્યાણસંગની સાફસૂફી સહુથી વધારે ઝળહળી ઊંઠે. ગોળીબારની પરીક્ષામાં પણ દર માસે કલ્યાણસંગે છયે છ કાર્તૂસો ’ગુલજરી’માં જ આંટતો, એનું કારણ સુજાન હતી : રાઈફલની નળીને સુજાનબા કાચની શીશી સમી ચોખ્ખી ને ચકચકતી બનાવતી. બીજું કશું કામ ન હોય ત્યારે કોપરેલના પોતાવાળો ગજ રાઈફલની નળીમાં સુજાન ઘસતી જ બેઠી હોય. ઘરેણાં કરતાં બંદૂક એને વધુ વહાલી હતી....

એટલે જ અત્યારે કલ્યાણસંગને એની ઓરત પલેપલે યાદ આવી. એણે સાદી સુરવાલ ઉપર બાંડિસ કસકસાવીને, અને પોતાના ઘોડાની સારવાર પાડોશીભાઈને ભળાવીને બપોરની ગાડીમાં મુસાફરી આદરી. રાતે દસ વાગ્યે એક નાનકડા જંક્શન પર રેલ્વે અટકી ગઈ. નાની ’બ્રાંચ’ ગાડી તો સવારે ચાલવાની હતી. એની વાટ જોતાં તો કલ્યાણસંગ વળતે દિવસે બપોરે ઘર ભેગો થાય. એણે રાતોરાત પગપાળી મજલ આદરી. હજુ તાજેતરમાં જ બહારવટિયાનો પીછો લેવામાં એને ડુંગરાઓની અંદર ઘોડાની પીઠ પર પાંચ રાતો કાઢવી પડી હતી. લોથપોથ બનેલું શરીર નીંદર માગતું હતું. ચાલતાં ઝોલાં આવતાં હતાં. અક્કેક ઝોલાંની અંદર નાનાં-નાનાં બે-ત્રણ સ્વપ્નાં પણ ઘેરી વળતાં. છતાં કલ્યાણસંગથી બે કલાકનોય વિશ્રામ લેવાય તેવું નહોતું.

એ સમજે છે કે બાપુના તરફથી તો સુજાન મરી જશે તેના સમાચાર પણ ઓરતની રાખ સ્મશાનમાંથી પવન ઉપાડી ગયો હશે તે પછી મળવાના. કદાચ એકનું મૃત્યુ અને બીજી નવી ગરાસણીની પ્રાપ્તિ - એ બન્નેના સમાચાર ભેળા પણ થઈ જશે. અંતરથી કલ્યાણ આ દશા સમજતો હતો; એટલે જ આજની રાત એને પંથમાં વિસામો ન હોય. કસુવાવડ શું અને સુવાવડ શું તેની આ જુવાનને ચોખ્ખી સાન સુધ્ધાં નહોતી. નાનપણમાં ગામની સીમો ખૂંદી આંબાની શાખો ચોરતો; બાર-પંદર વર્ષે નિશાળમાં માસ્તરને સ્લેટ મારી, પાદરમાં ચરતાં કોઈકનાં ટારડાં ઘોડાંને દળી કે લગામ વગર પૂરપાટ દોડાવતો; ને જુવાનીમાં ખભે દસ શેરની બંદૂક નાખી ’ડરીલ’ કરી : એટલે સંસારના ઘાટ શા, તેનું ભાન આ રજપૂત જુવાનને નહોતું. પણ એ તો વગર-સમજ્યે જ સુજાનને મળવા ધસ્યો જાય છે : જાણે કોઈ પોતાનું જીવન-ધન ચોરી જનાર ચોરની પાછળ હડી ન કાઢતો હોય એવું કારમું એનું ધસવું છે. ને ખરેખર એ રાત્રિએ કાળની અને કલ્યાણની વચ્ચે એક અગોચર સરત જ દોડાઈ રહી હતી. પણ યમરાજની રાંગમાં પ્રલયવેગી, મસ્ત પાડો હતો; અને કલ્યાણને બે તૂટી પડતા, કટકા થઈ જવા ચાહતા, લથડતા પગ હતા. પચીસ કોસનું અંતર એને અંધારી, ડુંગરિયાળ ભોમ વચ્ચેથી કાપવાનું હતું. રસ્તે આવતાં ગામડાંની ખળાવાડો પાસે એને ફરજિયાત ધીમા પગ ભરવા પડતા; નહિ તો ચોર ગણાઈને ગોળી ખાવાની દહેશત હતી.

સવારે પહેલા પહોરનો તડકો ચડયે કલ્યાણસંગ જ્યારે બાપુની ડેલીએ પહોંચ્યો, ત્યારે ઘણા મહેમાનોની ઠઠ જામી હતી. કલ્યાનસંગને ઓચિંતાનો આભમાંથી પડે તેમ આવ્યો દેખી કોઈના મોં પર ઠેકડી તો કોઈના ચહેરામાં તિરસ્કારની રેખાઓ તરવરી ઊંઠી. વધારે ઘૃણા અને અચંબો તો સહુને ત્યારે ઊંપજ્યાં જ્યારે કલ્યાણસંગે ભોળે ભાવે કહી નાખ્યું કે, "હું તો ત્રણ જ દિવસની રજા લઈ પગપાળો રાતોરાત આવી પહોંચ્યો છું."

"હોય, ભાઈ; અરસપરસના નેહ-સનેહ એવા છે."

"જાણે પ્રવીણ-સાગરનો અવતાર !"

"રાજપૂત-બચ્ચાની આ રીત છે ?"

"કલ્યાણભા ! ભારી વસમો પંથ ખેંચ્યો તમે તો !"

કલ્યાણ એક ખૂણામાં ચોર જેવો બનીને બેસી ગયો. એણે જોયું કે કસુંબા તો ઘૂંટાતા જ જાય છે, ગરણીમાંથી કસુંબલ ગાળમો ટપકી રહેલ છે, કટોરીઓ ભરાઈભરાઈને દાયરામાં ફરે છે, અને થોડાથોડા સમયને અંતરે અંદરને ઓરડેથી વડારણ આવીને ઊંભી રહે છે; સમાચાર આપે છે કે "જીજી ! સુજાનબાને તો પાછો તાવ ચડયો છે."

થોડી વાર પછી : "જીજી ! ડિલ ટાઢું પડે છે."

વળી થોડી વારે : "ઊંંઘે છે પણ ઊંંઘમાં લવે છે."

આમ ગોલીની જીભના ખબર પરથી અનુમાન દોરીને એક ઘોડેસ્વાર ઊંપડે છે, અને ચાર ગાઉ ઉપર આવેલા ટપ્પાના ગામે રહેતા દાક્તર કનેથી દવાઓ લાવવામાં આવે છે. કલ્યાણસંગ જેને માટે આમ ઝૂરતો-તલસતો દોડયો આવ્યો છે, તેનું કલેવર ત્યાં પડયું છે ઓરડે. ઓરડાની અને ડેલીની વચ્ચે ફક્ત એક જ સંબંધ-તાંતણો છે : વડારણ. વડારણના પ્રત્યેક આગમન વખતે ધર્મગઢ રાજ્યનો જુવાન લાન્સર કલ્યાણસંગ કાન માંડે છે. સ્ત્રીની માંદગીના સમાચારનો પ્રત્યેક બોલ એના ચહેરા પર અક્કેક છમકો ચોડતો ભાસે છે. પણ એનાથી ખબર પુછાય નહિ : એનાથી ઊંર્મિ બતાવાય નહિ. આસપાસનાં ગામોમાંથી સગાંવહાલાંઓનાં કે ઓળખીતાઓનાં બૈરાંનાં માફાળાં ગાડાં અંદર જાય છે... અને બહાર નીકળે છે : એનાં પૈડાં પરની કાંકરી બનીને છૂંદાતો-છૂંદાતો પણ હું અંદર ઓરડે પહોંચવા તૈયાર છું એમ કલ્યાણસંગનું કલેજું બોલી રહ્યું છે; પરંતુ કોની મજાલ છે એ ઓરડે પહોંચવાની ! ક્ષત્રિયોનો મલાજો એમ કેમ તૂટશે !

"કલ્યાણ !" અધરાત ભાંગ્યા પછી દાયરો વીખરાયે રતાંધળા બાપુએ દીકરાને બોલાવ્યો.

"બાપુ !"

"તને કાગળ બે દી‘ પહેલાં જ લખ્યો."

"મને નથી પહોંચ્યો."

"મંદવાડ કાબૂમાં આવ્યો જ નહિ."

"દાક્તરને નહોતા બોલાવ્યા ?"

"દાક્તરને બોલાવ્યે મોટી હો-હો થઈ જાય, અને મહેમાનસેમાનનો પાર ન રહે. એ બીકે અમે બહુ દિ‘ કાઢ્‌યા. હવે તો સારાંસારાં ખેતરડાં હાથમાંથી છૂટી ગયાં ખરાં ને, એટલે મહેમાનોનો હડચો ઝિલાતો નથી, ભાઈ ! પણ પછી દાક્તરને તેડાવ્યા. એણે વાતચીત સાંભળીને દવાયું તો ઘણી દીધી."

"નાડયબાડય ન દેખાડી ?"

"ઓઝલ-પડદાનું કામ : સુજાણે હઠ પકડી કે આડો ચક નાખીનેય દાક્તરના હાથમાં કાંડું ન દઉં. તારાં માએ થરમામીટર મેલીને મોકલેલું ડેલીએ."

"હવે ?"

"હવે તો જો‘છ ને ? દાખડો કરવામાં કાંઈ મણા નથી. મોરલીધર કરે તે ખરી...."

"મારે તો અટાણે પાછું નીકળવું પડશે."

"ઠીક : ખબર દઈ મોકલીશ."

કલ્યાણસંગ ! તારે એક વાર ઓરડે જવાની ઝંખના હતી. તારાં બૂટ, બટન અને બિલ્લા ચકચકિત કરનારીનો ચહેરો છેલ્લી વાર જોવો હતો. ગઢની અંદર પેસનારાં કૂતરાં ને બિલાડાં તારાથી વધારે ભાગ્યવંતાં હતાં. જેણે તારાં પિત્તળ-લોઢાં ઊંજળાં કર્યાં હતાં, તેની પાસે જઈ તારે જોવું હતું કે, એનો પાણી પીવાનો કળશો કેવોક માંજેલો છે ? તારે તપાસ કરવી હતી કે, એની પથારીમાં એનું કરિયાવરમાંથી આવેલું ગાદલું પથરાયું છે કે નહિ ? ઓછાડ કેટલા દિવસથી ધોવાયા વગરનો છે ?

એ કશું જ જોવાનો એને હક્ક નહોતો. ભાંગતી રાતે કલ્યાણસંગ પાછો બાંડિસ બાંધીને નીકળી પડયો. આખે રસ્તે એને તમ્મર આવતાં હતાં. બાપુનો બોલ એને કાને અથડાતો હતો કે ’જેવી મોરલીધરની મરજી !’

કલ્યાણસંગ લાન્સર બરાબર ત્રીજા દિવસની રાતે રસાલામાં હાજર થઈ અમલદાર સામે ’ટંચન’ બની ઊંભો રહ્યો. બટનબિલ્લા જરી ઝાંખાં પડયાં છે.

*

છએક મહિના વીત્યા હશે. એક દિવસને પ્રભાતે ઓર્ડરલીરૂમમાં ફરીવાર પાછો કલ્યાણસંગ ચકચકાટ મારતાં બટન-બિલ્લે ખડો છે; આઠ દિવસની રજા માગે છે.

"એટલા બધા દિવસ શું કરવા છે ?"

"મારા વિવા થવાના છે."

"આઠ દિવસ નહિ મળે; રસાલાના મામલા છે. ચાર દિવસ આપું છું."

"પણ, ખુદાવંદ, મારા બીજી વારના -"

"વધુ વાત નહિ. ટંચન !" કલ્યાણસંગે ચકચકતાં બૂટવાળા પગ ટટ્ટાર કર્યા.

"રાઈટ - એબાઉટ-ટર્ન !" એ ફરી ગયો.

"ક્વિક માર્ચ !" એણે કદમ ઉપાડયાં.

"ડિ...સ-મિસ !" એ ઓર્ડરલી રૂમની બહાર નીકળી ગયો. કલ્યાણસંગ લાન્સર ફરીવાર પાછો ઓઝલ-પરદાવાળીને પરણવા ચાલ્યો ગયો.

જીવન કે મૃત્યુના અવાજ જ્યાંથી સંભળાતા નથી, જે પોતે જ મહાન મૃત્યુની એક સોડ સમાન છે એવા એ ઓઝલ-પરદામાં ફરીવાર એક નવી યૌવનાને જીવતી દફનાવી દઈ ત્રણ દિવસે કલ્યાણ પાછો ફર્યો. બરાબર સુજાનના શબને પાછળ મૂકીને જે રાત્રીએ પોતે નીકળ્યો હતો, તેની સ્મૃતિ એને ઘેરી વળી. એને પડખે પડખે જાને કોઈક ચાલી રહેલ છે, એવો એને વારંવાર વહેમ જતો. પણ કોઈ ત્યાં હતું નહિ. પોતે નવા વિવાહનો રસોલ્લાસ પામી શક્યો નહોતો. પોતાની અને નવી રજપૂતાણીની વચ્ચે સદાય એક કોઈ ઓછાયો આવીને ઊંભો રહેતો. પોતાના અને નવી પરણેતરના હસ્તમેળાપ થયા ત્યારે એક ત્રીજો હાથ - થરથરી ઉઠાય તેવો ટાઢોબોળ અને લાકડા જેવો કઠોર - એ બન્ને હાથોની હથેળી વચ્ચે જાણે કોઈ પેસાડી રહ્યું હતું. આજ પોતે ચાલ્યો જાય છે ત્યારે પણ કોઈ પર્દેનશીન ઓરત જાણે એક હાથમાં કલ્યાણનાં ચકચકિત બટન-બિલ્લા અને બીજા હાથમાં એક વણમાંજેલ પાણીનું પ્યાલું લઈને એની સામે ચાલી આવે છે, અને કહે છે કે, ’આ મારી મોત વેળા વપરાયેલ પ્યાલો, ને આ મને પાયેલું વાશે પાણી...’

કલ્યાણને શરીરે તે રાતે રેબઝેબ પરસેવો છૂટી ગયો. એને ખાતરી થઈ કે, પોતાની જોડેજોડે કોઈ એક પડછાયો અને એક અવાજ ચાલ્યો આવે છે. એનાથી વારંવાર ચીસ પડાઈ જાય છે કે ’પણ હું શું કરૂં ! હું શું કરૂં !’ આ ચીસનો અવાજ નથી નીકળતો : ચીસ અંદર જ સમાય છે. છતાં પોતે જાને આખી દુનિયાને સંભળાવી રહ્યો હોય તેમ પોકારવા મથે છે.

સવાર પડયું. કલ્યાણ લોથપોથ થઈ ગયો. દારૂ એ કદી પીતો નહોતો પણ પહેલવહેલું જે ગામ આવ્યું તેના પીઠામાં જઈ એણે એક-બે પ્યાલીઓ પીધી. એ આગળ ચાલ્યો. ક્યાં જાય છે તેનું એને ભાન પણ ન રહ્યું, પરવા પણ ન રહી. એ કોઈ પણ ઉપાયે પેલા અવાજનું અને પડછાયાનું ધ્યાન ચુકાવીને નાસવા માગતો હતો.

રસ્તે આજે મખમલિયા ડુંગરનો જબ્બર મેળો ચાલે છે. રાસડાની ઝૂક બોલે છે. કલ્યાણ રાસડા સાંભળવા ઊંભો રહ્યો. થોડી વારે પોતે પણ વચ્ચોવચ્ચ જઈ કૂંડાળે ફરવા લાગ્યો. ’કોઈ ગાંડો ! કોઈ પીધેલો ! કોઈ છાકટો !’ એવી ચીસો પડી, અને રાસડો વિંખાઈ ગયો. ત્યાંથી કલ્યાણ માર ખાતો નીકળ્યો. ફરીવાર એણે દાંત ભીંસીને દારૂ પીધો. પછી ચાલ્યો. ચકડોળ અને ફજેતફાળકા ફરતા હતા. એક બેઠકમાં ઓરતો બેઠીબેઠી ખાલી રહેલી જગ્યામાં બેસવા પુરૂષોને બોલાવી રહી હતી.

પાંચ-દસ પુરૂષોને ધકાવી, જગ્યા કરી કલ્યાણ એ ખાનામાં ચડી બેઠો. ને પછી એની બધી મરજાદ છૂટી ગઈ. એ ઘૃણિત અવસ્થા જાણે કોઈને પોતે અંતરિક્ષમાં દેખાડી રહેલ હોય તે રીતે બોલવા લાગ્યો : "કેમ ? હજુય નથી સમજવું કે ? હજુ નથી લાજ આવતી ? સારાં ઓઝલ-પરદાવાળાંનું આ કામ છે કે ?"

અને ચકડોળ ઊંપડયો. બે સ્ત્રીઓના ગળામાં હાથ નાખીને કલ્યાણ રીડિયા કરવા લાગ્યો : "એ જાય ભાગ્યાં ! ઓ જાય ભાગ્યાં ! ઓ...હો...હો...હો... !"

અને એ આકાશ-પાતાળના ફંગોળા ખવરાવી રહેલ ચકડોળમાં કલ્યાણ ઊંભો થઈ ગયો. "ઓ જાય ! ઓ જાય ભાગ્યાં ! ઓ જાય !" એવી ઉન્માદભરી કિકિયારી કરીને એણે પોતાના હાથ છોડી દીધા : છેક ઊંંચે ચડેલા ખાનામાંથી એણે પડતું મૂક્યું... "ઓ જા...ય !" એવો એક ઉચ્ચાર - અને એનો દેહ પછડાઈને ભોંય પર છૂંદો થઈ ગયો.

બૂરાઈના દ્વાર પરથી

કોળી અને કોળણ ચીભડાં વેંચવા બેઠાં હતાં. શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની બે દા’ડા સારૂ શું જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડાં મૂક્યાં હતાં. પણ બે ના ચાર દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના ’બાથરૂમ’માં જઈને એક વાર જો તેલનું મર્દન લઈને માયસોરી સુખડના સાબુથી અંઘોળ કરે,અને ટુવાલે શરીર લૂછે, તો કોળી અને વાણિયા, વચ્ચેનો રૂપ-ભેદ કોણ પારખી શકે ? એવાં એ કોળી અને કોળણનાં લાવણ્‌યવંતાં; ઘાટીલાં અને લાલ ચટકી ઉપડતાં શરીરો હતાં. સંસાર જો તપોવન હોય, અને પરસેવો ટપકાવીને પેટ-ગુજારો કરવો એ જ સાચો યજ્જ્ઞ હોય, તો આ બેઉ જણાં સાચો યજ્જ્ઞ જ કરી રહ્યાં હતાં. બેઉ ઉપવાસી હતાં. ધૂપમાં બેઠાં હતાં. એક આસને બેઠાં હતાં; ધુળના વંટોળા ગરીબના હવનના ધુમાડા-શા ઊંડતા હતા, અને બેઉનાં મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો.

"હવે બે ફાંટ મતીરાં રિયાં છે. ઝટ નીકળી જાય તો ભાગીએ."

"હા, હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે. બે દિ’ના ઘડી લાવી’તી; તેને સાટે ચાર દિ’ ગદરી ગયા. માતાજીએ સે’ પૂરી,ખરૂં ?"

"પણ હવે રોટલા કાંક સુકાણા, હો ! ભેળું કાંઈ શાક આથણું ન મળે ખરૂં ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે.."

"અરે, તમે જુઓ તો ખરા ! હોંશિયાર થઈને આટલાં ચીભડાં કાઢી નાખો ને, એટલે સાંજે ને સાંજે અમરાપર ભેળાં થઈ જઈએ, અધરાત થઈ ગઈ હશે ને, તોય મારી મા ઊંનાઊંના રોટલા ઘડી દેશે, ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હેમત રાખીને આટલા વેચી કાઢો - મારો વા’લો કરૂં."

નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાનાં ધાવણવિહોણાં સ્તનો ચૂસી રહેલ નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉઘાડી થઈ જતી હતી; છોકરો છાતીમાં માથું માર-માર કરતો હતો.

"પણ ઘરાક આવે છે જ ક્યાં ?"

"અરે, આવે શું નહિ ? તમે મોઢાંમાંથી કાંક બોલો તો તો હમણાં આવેઃ મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ જોવોનેઃ આખી પીઠમાં કાછિયા કેવીકેવી બોલી કરીને લલકારી રિયા છે ! તમે તો, ભૂંડા, જીભ જ હલાવતા નથી."

"મને એવું વેણ કાઢતાં ને સમે રાગે નાખતાં આવડે નહિ."

"નો આવડે શું ?" ધીરે સૂરે બાઈ પુરૂષને પઢાવવા લાગીઃ "એ આ સાકરિયા મેવા ! એ આ મધના ઘડા લઈ જાવ !અમૃતના મેવા લૂંટી જાવ !...લ્યો, બોલો એમ !"

લજામણીનો છોડ જાણેઃ એનું જડબું ફાટ્‌યું જ નહિ. નીચે જોઈ ગયો.

"ઓય માટીડો ! નારી ઘડતાંઘડતાં ભૂલથી નર ઘડયો લાગે છે ભગવાને." એમ કહતીકને બાઈ પોતાના ગળચટા સૂર કાઢવા લાગીઃ

"બે જઈના શેર !આ અમરતના કૂંપા બે પૈસાના શેર ! આ સાકર ટેટી બે જઈની શેર ! આ મીઠા મેવા બે પૈસે શેર !"

એક ખેસધારી વેપારી આવીને ઊંભા રહ્યા. ઘેરે વિવાહ છે; સાંજે જાનનાં માણસોને પીરસવા ચીભડાંનું શાક કરવું છે. પૂછે છેઃ "શો ભાવ ?"

"બે પૈસે શેર, બાપા ! અમૃત રોખો માલ !"

"આનાનાં અઢી શેર તો ઓલી દુકાને આપે છે."

"ના, બાપા. અમારે પોસાય નહિ. અમે પરગામથી આવેલ છયેં ! ચાર દિ’થી ખુવારના ખાટલા છે અમારે. નદીમાં કૂંટીયા ગાળીગાળીને, માટલાં સારીસારીને વાડા પાયા છે, ભાઈ ! કેડયના મકોડા નોખા થઈ ગયા છે !"

"ઈ ઠીક; મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે !" રૂના સટ્ટા રમનાર વેપારીએ કોળણને ભોંઠી પાડી. "લે - એક વાત કર, એટલે હું આ આખી ફાંટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે."

"અરે, મારા ભાઈ ! જાનને જમાડવી છે, હજારૂં રૂપિયા ખરચીને વિવાહ માંડેલ છે, એમાં અમને ચાર-છ આના ખટાવતાં શું બીઓ છો ? એમાં તમને કેટલોક કસ રે’શે ?"

"લાંબી વાત નહિ. આનાનાં ત્રણ શેર તોળી દેવાં હોય તો દે. તારાં સડેલબડેલ, અડધાં ચીરેલાં તમામ લઈ જાઉં."

"ના, ભાઈ; અમારા પેટના પાટા ન છૂટે."

"ઠીક ત્યારે; બેઠાબેઠા ફાકો ધૂળ આંહીં બે દિ’ સુધી."

વેપારી ભાઈ હાટડેહાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકોએકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ આ કોળી-બેલડીની ફાંટ ઉપર મંડાય છે.

કોળી-કોળણના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યુંઃ

"આ શેઠિયાવઃ હજારૂંના રળનાર અને હજારૂંના ધુંવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાંની વાતમાં પાઈ-પૈસાની ગણતરી છોડતા જ નથી."

"કોણ જાણે આપણે કઈ મેડિયું ચણાવી નાખીએ છયેં આ કમાણીમાંથી !"

"ઈ વેપારીયુંની વિદ્યા જ અવળચંડી. બાપ દીકરાને પે’લું શાસ્તર જ ઈ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું, અને સામાને છેતરે ઈ ચડિયાતો."

એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊંભી રહીઃ હાથ-પગ અને ડોકમાં હેમના દાગીના છે; પગમાં ચંપલની જોડી છે; ઝીણો સુંદર સાડલો છે; નાની-શી કોથળીમાં પૈસા ઠીકઠીક છે.

"કેમ દે છે ચીભડાં ?"

"બે પૈસે શેર, બોન !"

"અરે, એવું તે હોય ? તમે કોળી તો હવે લુંટવા બેઠાં.. લે, જોખ એક શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે... એમ શેની જોખછ ? જો, કડી ચડી ગઈ છે ત્રાજવાની. ને નમતું જોખ બરાબરઃ છોકરાં ફોસલાવ મા."

"લ્યો, બોન ! આ નમતું." કહીને કોળીએ દોઢ શેરથી જાજેરો માલ જોખી આપ્યો.

"હવે એક ચીર દે આ પાકા ચીભડાંમાંથી." શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માંખો ઉડાડીને એમાંથી ચીર માગી.

"હજી પાછી ચીર, બોન !"

"હાસ્તો, મફત ક્યાં દેછ ? મારો છોકરો ઘેર જતાં જ માગે, ખબર છે ?"

"પણ, બોન - !" કોળણને એ અક્કેક પલકે પોતાનો મહેનતે ઉઝેરેલો વાડો, મથી મથીને ગાળેલ કૂંટીઓ, અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લાગલાગટ પાયેલ પાણી સાંભરી આવતાં હતાં. શિયાળવાં અને હરાયાં ઢોર હાંકી-હાંકી ઉજાગરા તાણેલા.

"લાવ, ચીર દેછ કે ? નીકર આ લે તારૂં ચીભડું પાછું."

ચીર દેવી પડી. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય, એવું દર્દ એના અંતઃકરણમાં થયું.

"આવા જીવ શે થઈ જાતા હશે આ પૈસાવાળાંના ?"

"માટે જ આપણે નિર્ધન રહ્યાં સારાં."

"ના,ના; મને તો દાઝ ચડે છે કો’ક કો’ક વાર."

"દાઝ ન ચડાવીએ, ડાયા ! પારકો પ્રદેશ છેઃ આપણે રિયાં કોળીઃ કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની જ ગંધ આવે."

તેટલામાં તો "પિયુ, પે’લી પેસેન્જરમાં આવજો.."નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક-ગીત ગાતોગાતો બંકડો પોલિસ આવ્યો, અને એક ચીભડું લઈ, કશી ચર્ચા, માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો, ચીભડાં ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી-ગીત ગાતો ગયોઃ

એય બેઈમાન દિલબર, જોબન લૂટાનેવાલા !

કોળી અને કોળણ એકબીજાં સામે જોઈ રહ્યાં. બાઈ તો ઝેર પી ગઈ હતી; હસીને બોલીઃ "આય એક તાલ છે ને !"

"તને ઓળખે છે ?" ધણીની આંખોમાં ઠપકો હતો.

"તમારૂં તે ફટકી ગયું છે કે શું ?"

"ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય, તોય તું દાંત કાઢછઃ કેમ જાણે તારા પિયરનો સગો હોય !"

"હવે જાતી કરોને...” બાઈએ ધણીના વાંસામાં હાથ ફેરવ્યો. "જોને, તમારાં લૂગડાં એક મહિનામાં મેલાંદાટ થઈ ગયાં છે, આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દેઃ ત્યાં ખારોપાટ છે. તે સંધાય લૂગડાં ત્યાં ઘસી-ભૂસી, ચોળીને હડમાનની કૂઈએ રૂપાળાં ધમધમાવી નાખું. હાલો, મારો વા’લો કરૂં - હવે એકાદ લલકારો કરો જોઉં !"

ધણીના કલેજાની કળ જાણે કે આ સુંવાળાં વચનો વડે ઊંતરી ગઈ."માતાના સમ ! મને શરમ આવે છે."

"હેઠ્‌ય નાની વઉ !" કહીને કોમળ કંઠે કોળણે સૂર છેડયાઃ "એ..આ શરબતના કૂંપા લઈ જાવ ! આ દુધિયા માલ લઈ જાવ !"

સાંજ નમતી હતી. વર-વહુના ચહેરા ઉપર પશ્ચિમનાં કેસૂડાં જાણે રંગ ઢોળતાં હતાં. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ-ભરપૂર ખાખરાનાં કેસરિયાં વન ખડાં કર્યાં હતાં. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ એ વન-ફૂલને વેડતી હતી.

"સાંજે આપણે જાયેં ત્યારે ચાર દિ’ના પૈસા તમારી પાઘડીના માંયલી કોરના એક આંટામાં બાંધી લેજો, હો ! રસ્તે કાઠીનું ગામ છે.."

"પણ ઈ તો પાઘડીય નહિ પડાવી લ્યે ? રાતા મધરાસિયાની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે ?"

"ઠીક ત્યારે, હું મારી કેડયે બાંધી લઈશ."

બકરીને હાંકતાં હાંકતાં ફરીથી બાઈએ લલકાર કર્યો કે,"એ..આ ઘીના કૂડલા લઈ જાવ !"

"કેમ કર્યાં ચીભડાં ?" એમ પૂછ્‌તો, જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે "અધમણ જોખો."

"સુમનલાલ !" પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને બીડી પીતા હતા, તેણે આ સુમનલાલને હાથની ઈશારત કરીને બોલાવી લીધાં, ને કહ્યુંઃ "ઉતાવળ કરો મા. એ છે પરગામનાં. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે, એવાં થાકેલાં છે. તમે થોડી વાર થોભી જાવ. આનાંના ત્રણ શેર લેખે આખો ’લૉટ’ આપણે ઉપાડીને પછી વહેંચી લેશું."

કોળી-કોળણે સમજી લીધુંઃ "આપણું ઘરાક ટાળ્યું ઓલ્યે શેઠિયે."

"મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં." કોળીના ધગધગતા મગજમાંથી જાણે કલ્પનાના દસ માનવી અક્કેક ડાંગ લઈને દોડે છે, અને એ વેપારીની ઉપર તૂટી પડે છે.

સુમનલાલ શરમે શરમે થોડી વાર ઊંભા થઈ રહ્યા. એના સલાહકાર ભાઈ કોળી-કોળણ સામે જોઈ હસવા લાગ્યા. પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા-ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી. ખેસધારી ભાઈએ એને પાંચ-દસ મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડયુંઃ "કોલેજમાં પાછા ક્યારે જવાના છો ? કેટલામો નંબર રાખો છો ? હવે ’એલએલ.બી’ થવાને કેટલાં વરસ બાકી ? વિલાયત જશો ને ? કે ગાંધી મા’તમ્યામાં ભળશો ?"

"જે થાય તે ખરૂં." એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ કોળી-કોળણ તરફ વળ્યા. ખેસધારી એ કહ્યુંઃ "કાં ! ઘડીક સાટુ શીદ બગાડો છો બાજી ?"

"મારે મોડું થાય છે."

"વોય ભણેલો ! આ વિદ્યા શું લીલું કરવાની હતી ?"

સુમનલાલે જઈને કહ્યુંઃ "લ્યો, જોખો અધમણઃ હું મજૂર બોલાવું."

કોળી દરેક પાંચ શેરની ધારણમાં અક્કેક શેરે નમતું તોળવા લાગ્યો.

ખેસધારી ભાઈ આવીને ઊંભા રહ્યાઃ "આ બધું તો એકનું એક થયું ને, માળા ગાંડા ! કે કોળો રહ્યો એટલે થઈ રહ્યું !"

"કેમ ?"

"આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આનાનાં ત્રણ શેર તો માગ્યાં’તાં !"

"અમે તો, બાપા રકઝકના કાયર, ચાર દિ’થી સૂકા રોટલા ચાવતાં હોઈએ, ઈ કાંઈ અમનેય થોડું ગમે છે ? પેટમાં પાણાની જેમ ખૂંચે છે, ભાઈ !"

કોળણ બોલતી ગઈ. કોળી જોખતો ગયો. પાંચેક ચીભડાં વધ્યાં. જુવાને કહ્યુંઃ "જોખો એક વધુ ધારણ."

"ના;" કોળણે કહ્યુંઃ "ઈમ ને ઈમ નાખી દ્યો. ધારણ નથી કરવી. ભલે ભાઈ લઈ જાતા. તમારાં પેટ ઠરે, બાપા !"

જુવાન સુમનલાલને આ કોળી-કોળણમાં રસ પડયો. વર્ડઝવર્‌થના ઊંર્મિ-ગીતોમાં કદી આવો રસ નહોતો ઊંપજ્યો. એણે કૌતુકથી પૂછવા માંડયુંઃ "ક્યાંના છો ? ક્યાં વાડા કરો છો ? કેટલા મહિનાની મહેનત ? શી શી મુસીબતો ? કેટલું રળો ? ક્યારે પરણ્‌યાં છો ? કેટલી ઉમ્મર છે બેઉની ? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો ? ટાઢા રોટલા કેમ ખાઓ છો ? આંહીં કોઈ ન્યાતીલાઓનાં ખોરડાં નથી ?

દરેકના જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલૂકાઈ દીઠી. વચ્ચેવચ્ચે વર-વહુના મતભેદનું મીઠું, મર્માળું ટીખળ પણ માણ્‌યું.

પણ આ વર-વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને એ બન્ને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયાં.

સૂરજ દોદાદોડ ચાલ્યો છેઃ ક્યાં જાય છે - આટલો અધીરો બની ક્યાં જાય છે ! પોતાને સાસરે કે પિતૃઘેરે - તે તો એ જાણે ! પણ એની સાથે આ કોળી-કોળણ પણ રવાદ કરી રહ્યાં છે. છોકરાંને કેડે ઝાલીને કોળણ ધણીને એક હાથે બધી લે-મેલ્યમાં સાથ દઈ રહી છે."આ અલીભાઈની અઢી-શેરી દઈ આવોઃ આ છરી લઈ લ્યોઃ આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યોઃ આ લ્યો- આ કાગળમાં વીંટી લ્યોઃ આ તાળું વખારના માલેકને આપી આવોઃ લ્યો, આપણાં લુગડાંલત્તાંની ને તોલાં-ત્રાજવાંની ફાંટ બંધાવુંઃ સૂંડલો મારે માથે મેલોઃ અરે ભાન-ભૂલ્યા, ઈંઢોણી તો પે’લી મૂકો !"

દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો.

સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે; ને બાઈને કહે છેઃ

"તમારૂં કહ્યું બરાબર ઉઠાવે છે, હો !"

"ઉઠાવે નહિ, ભાઈ ? ઊંનાઊંના રોટલા જમવા છે આજ મારી માના હાથનાઃ ખરૂંને, એલા ?"

કોળીના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા.

"પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જાવું છે, કાં ને, એલા ?"

કોળી જુવાનની આંખોમાં આ બધી વાતોની ’સેંક્શન’ થકી આનંદના દીવા રમવા લાગ્યા.

પેલા ખેસધારી ભાઈ પાંચમી બીડીનું ખોખું ચૂસતાંચૂસતાં ક્યાંઈક આંટો દઈને પાછા આવ્યાઃ "કાં સુમનલાલ ! શાક ક્યાં ?"

"ક્યારનું ઘેર પહોંચડાવી દીધું. મજૂર ભેળું"

"ઠીક; મજૂરને પણ ઘરનું બે ટંકનું શાક નીકળશે ! ને તમે તો બહુ રોકાણા ! કાંડા-ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું ?"

એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી.

સુમનલાલે કહ્યું, "હું તો જોઈ રહ્યો છું, કે આ લોકોનું કેવું સાચું સહિયારૂં જીવન છે !"

"કૉલેજમાં આવું નહિ શિખવાતું હોય, ખરૂં ? વાણિયાના દિકરાઓની નિશાળમાં શાકપીઠમાં ખોલવા જેવું છેઃ કેમ,નહિ ?"

"હા, સટ્ટાબજારમાં તો નહિ જ.."

"બરાબર છેઃ ત્યાં બાઈઓ ન મળે ખરીને !"

"એટલે જ આપણે પાંગળા છીએ ને ? બાઈઓ રસોડે આપણા મહેમાનો સારૂ ઊંની ઊંની રોટલી જ ઉતાર્યા કરે છે !"

દરમિયાન કોળી-કોળણ પરવારી રહ્યાં. વહુએ માથાં પર ગાંસડીવાળો સૂંડો ચડાવી લીધો. ઘણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપને માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંંઘી ગયો.

"લ્યો, બાપા, રામરામ ! તમારા પરતાપે વે’લાં વે’લાં અમે ઊંના રોટલા ભેગાં થઈ જાશું."

"પ્રતાપ તમારી મહેનતનો ,બહેન !"

ઉજળીયાત જુવાનના, મોંમાંથી ’બહેન’ શબ્દ સાંભળતાં કોળણને એક નવી દુનિયાનાં દ્વાર ઊંઘડી પડયાં લાગ્યાં.

"હું રાજપર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ."

"જરૂર જરૂર આવજો, ભાઈ; આ ગગાના સમ છે તમને."

કેસૂડાંની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપા-ધારની પાછળ ઊંતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરેહની વાતો ચાલી રહી હતીઃ

પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનનાં માણસોને સુમનલાલનો દાખલો આપી કૉલેજમાં ભણનારાંની વ્યવહારકુશળતાની મશ્કરી માંડતા હતાઃ ’વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે, બાપા !’ એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી.

ઘેરે પોતાની બહેનનાં લગ્ન હતાં, તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરાપરનો કેડો બતાવતો હતોઃ "સવિતા ! એ કેડે બે વર-વહુ ચાલ્યાં જાય છે. એનું તે સાચું સહજીવન. મરતાંમરતાં પણ એ જીવતરનાં તોફાનો સાથે રહી વીંઝે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં, અને રાતના પાંચ-છ કલાકમાં. હું વકીલ થઈશઃ ને તું કુટુંબમાં રોવા-કૂટવાનું કરીશ. મારૂં ભઠિયારખાનું કરીશઃ મારો ક્લાર્ક પણ નહિ બની શકે. ઘૃણા છૂટે છે આ सहनाववतु सह नौ भुनक्तु सहवीत्यं करवावहैના એકવીસ ક્રોડ વાર જૂઠા બોલાએલા એ મંત્ર પર, એ મંત્રનાં આચરનારાં તો ઓ જાય અમરાપરના કેડા ઉપર.."

"માતાના સમ !" અમરાપરને કેડે પુરૂષ ખભે છોકરૂં સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતોઃ "આજ તો મને ખાઈ ગઈ’તી. પાંચ વરસથી વાડા વાવતાં આજે ગળોગળ આવી ગયો’તો. એમાં ઓલ્યા સપાઈએ, ઉપર ચીર્ય માગનારી બાઈએ એ શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી."

"અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ."

"ના, નાઃ આમ લોહીનાં પાણી કર્યેય જો રોટલો ન પમાતો હોય, તો પછી.. મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું ?"

"રોયા, ચોરી.." બાઈએ વરને ચીટીયો ભર્યો.

"માતાના સમઃ કદીક છે ને બે મહિનાની જેલ મળે, એટલું જ ને !"

"બસ, તારે મન એ કાંઈ નહિ ?" બાઈએ પ્રેમના તુંકારા માંડયા.

"ના, રોટલા તો ત્યાંયે મળે છેઃ ઊંલટાનાં બે ટાણાં બબ્બે રોટલા, દાળ અને શાક પેટ-પૂરતાં આપે છે."

"પણ ત્યાં તુને બે વાનાં નહિ મળે; તારાં આંસુડાં નહિ સુકાય."

"શું નહિ મળે ?"

"એક આ તારી ઝમકુ, ને બીજો આ દિકરો ઝીણિયો."

"એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નિચોવું છું ને ! બાકી, આ દુનિયા - આ શેઠ શાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે."

"કેમ આમ હારી જાછ ?" ઝમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યોઃ "હે બહાદુર ! મરદ થઈને આવા માઠા વચાર ! ઠાકર-"

"ઠાકરની વાત હવે નથી ગમતી. ’કીડીને કણ અને હાથીને હારો’ દેનારો મરી ગયો લાગે છે."

"ગાંડા ! સંધ્યાટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે ખંભે તો જોઃ ઝીણિયો જંપીને સૂતેલો છે."

"પણ ત્યારે તું ને હું બેય તૂટી મૂવાં, તોય તાજો રોટલો કેમ ન મળે ? આ મલક બધો બંગલા મેડિયુંમાં મા’લે છે, ગંઠાહાર ને હીરા પે’રે છે; તારા-મારા જેવા દસ નભે એટલી તો એની એઠ્‌ય રોજ ગટરૂંમાં પડે છે; ફોનુંગ્રામ અને ધૂડપાપ વગર એના દા’ડા ખૂટતા નથીઃ ત્યારે આપણને તો પૂરી ઊંંઘેય નહિ ! આ તે શું ?"

"તને વિચારવાયુ ઉપડયો."

"મારૂં મન મુંઝાય છે. મેરકાની ટોળી મહિને પંદરદા’ડે કેટલું પાડે છે - જાણછ ?"

"તું ઝમકુનો દા’ડો ખા - જો હવે વધુ બોલ્ય તો. જો અમરાપરનો સીમાડો આવી ગયો." ઝમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા.

સમાજનો સેવક આ કોળી, એ આઠમની રાતને પહોરે, સમાજની શત્રુતાના ઊંઘડું ઊંઘડું થતા દ્વાર પર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. ઝમકુનાં જનેતા સમાં ફોસલામણાંએ એને ત્યાંથી પાછો વાળી લીધો.

શિયાળવાંની લાળી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાન્ત અકારી હતી. પોતાના પગ-ધબકાર પણ કોઈક પાછળ પડયું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એ બીક ઉરાડવા માટે બાઈ બોલીઃ "કોઈ કાઠીબાઠી ન નીકળ્યો. દેન કોની છે આવવાની ! માતાજીને નાળિયેર માન્યું છે મેં તો."

ત્યાં તો ગામ-પાદરનાં કૂતરાં બોલ્યાં.

કાનજી શેઠનું કાંધું

"ભાઈ બા !"

"કાં મા ?" પરબત પટેલ ગાડું જોડતો હતો.

"મને તો ઝાંખુઝાંખુ એવું ઓસાણ છે, કે આપદ્ગીણે કાનજી શેઠનાં તમામ કાંધાં ભરી દીધાં છેઃ એકેય બાકી નથી."

"હે...હે...હે ખૂંટિયો !" પરબત એના બે બળડ માંહેલા ખૂંટિયાને ફોસલાવતો હતો. ખૂંટિયો ધોંસરૂં લેતો નથી. એનું કાંધ પાકીને ઘારૂં પડયું છે. ખૂંટિયો ખસીને દૂર ઊંભો રહે છે. પરબત એક હાથે ધોંસરેથી ગાડું ઊંંચું રાખીને બીજે હાથે ખૂંટિયા તરફની રાશ ખેંચે છે. ગોધલો તો બાપડો શાંત ઊંભો છે.

"જો માડી !’ ડોશી નજીક આવ્યાં. એની આંખે મોતિયો આવેલ છે, એટલે પરબતની ઉપાધિ એ દેખતાં નથી. એણે તો પોતાનું જ પ્રકરણ ચલાવ્યુંઃ "જાણે...જોઃ પે’લું કાંધું આપણે કઈ સાલમાં ભર્યું ? પરારની સાલમાં. શીતલાના વામાં, જો ને, આપણો ગોધલ્યો મરી ગયો, એટલે વહુની હીરાકંઠી વેચીને રૂ. ૧૮૦નો આ ખૂંટિયો લીધો, ને રૂ. ૧૦૦ ભર્યા કાંધાના. બીજું -"

"ઓય... કમજાત ! અરરર !" એવો અવાજ કાઢતો પરબત બેવડ વળી ગયો. ખૂટિયે એના પેડુમાં પાટુ મારી હતી.

"રાંડ વાંઝણીના !" પેડુ દબાવીને પરબત ઊંભો થયો. "એમ તને પંપાળ્યો પાલવશે ? એમ પાણી પાયા વિનાનો રઝકો બળી જાવા દેશે ! ઊંભો રે’, તારા લાડ ઉતારૂં." એમ કહી પરબતે દાઝમાં ને દાઝમાં ખૂંટિયાના દેહ ઉપર પાંચ પરોણા ખેંચી કાઢ્‌યા. પશુની આંખોમાંથી આંસુની ધાર પડી ગઈ. વળી પાછાં પરબતની માએ, શું થઈ રહેલ છે તે દીઠા વિના, આંધળી આંખો અંતરિક્ષમાં મટમટાવતાં અને ટચલી આંગળીનાં બીજા આંકા પર અંગૂઠો માંડીને કહ્યુંઃ "બીજું કાંધું આપણે ભર્યું શેરડીનો વાઢ કર્યો’તો ત્યારે. જો નેઃ કાનજી શેઠ વાડે ચાર દિ’ રોકાણા, ને સંધોય ગળ જોખીને કાંધા પેટે ઉપાડી ગયા. જો નેઃ આપણે ઘરનાં છોકરા સાટુય મણ ગળ નો’તો રાખ્યો; મેં રાખવાનું કહ્યું ત્યાં કાનો શેઠ કોચવાણા’તાઃ સાંભરે છે ને ?"

આ દરમ્યાન પરબતે પરોણાના પ્રહારથી ટાઢાબોળ થઈ ગયેલા ખૂંટિયાને ધોંસરામાં ઝકડી લીધો હતો, અને એના કાંધા ઉપરના લદબદ થતા ઘારામાં ધોંસરૂં રાતુંચોળ રંગાઈ ગયું હતું. માથે બાંધેલા ફાળિયાનો કટકો દુઃખતા પેડુ ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પરબતે ગાડું ડેલા બહાર લીધું. હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની દાઝ ઊંતરી નથી; એટલે પૂંછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂંટિયાનું પૂછ ઉમેળ્યું. ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખજવાળતાં ખજવાળતાં પોતાની પારાયણ ચલાવીઃ

"પબા, તું જાછ, માડી ? થોડી વાર ઊંભો તો રે’. "એ વખતે ડોશીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આંકા ઉપર હતો. "અને ત્રીજું કાંધુ આપણે ઓલ્યા નાગડા બાવાઓની જમાત આવેલ તયેં ભર્યું. જો નેઃ બાવાઓને માલપૂડાની રસોઈ જમાડવી’તી... લાગો ભરવો’તો... ઉઘરાણું થયું. એમાં ભરવા આપણી પાસે કાંઈ નો’તું... તુંને બાવાઓએ મારીમારીને આખો દિ’ તડકે બેસાડી રાખ્યો’તો. તે પછી, જો ને, આપણે આપણી ઓતીને ઓલ્યા અરજણ પબાણી વેરે નાતરે દઈ રૂપિયા બસો જોગવ્યા. એમાંથી કાના શેઠનેય કાંધું ભર્યું. મને બરોબર સાંભરે છેઃ ઓતડી તે દિ’ રોતી’તી નહિ ? એને નાતરે નો’તું જાવુંઃ સાંભરે છે ? એટલે પછી આપણે એને મારીને ગાડે નાખી’તી."

પરબત પટેલ રાશ તાણીને ગાડું રોકી સાંભળી રહ્યા. એણે કહ્યુંઃ "માડી ! મારૂં હૈયું તો ફૂટી ગયું છેઃ મને કાંઈ નો સાંભરે. હું તો એટલું જાણું કે કાનો શેઠ ખોટું નો કરે. ઈ દિ’માં બે વાર સમાક્ય કરીને બેસનારો ભગતીવંત શ્રાવક પુરૂષ છે. એને વેણે તો સૂકાં ઝાડ લીલાં થાય છે. એનો ચોપડો વરસોવરસ પૂંજાય છે. ઈ ચોપડો બોલે તે સાચું. મને તમે મૂંઝવો મા ! મારે વાડીએ રઝકો સૂકાય છે."

એ જ વખતે પોતાની છલકાતી કેડય ઉપર ત્રણસરો કંદોરો શોભાવતા કાનજી શેઠ ખંભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલચોલ લોહી જેવો ચળકતો રાતો ચોપડો દબાવીને હાજર થાય છે. એણે બળદની નાથ ઝાલીને પૂછ્‌યુંઃ "કાં પબા ! આ ચોખ્ખું કરીને પછે જ જાને, બાપ !"

"કાનાકાકા ! મારે વાડીનું પીત સુકાય છે. કાલ્ય ગ્યો’તો વેઠે, એટલે નહિ જાઉં તો રઝકો બળી જાશે. ને બપોરે વાડીમાં પાણી નહિ રહે રે’ઃ હરજી વડોદો સંધુંય પાણી એના મોલને પાઈ દેશે. તમે મારી મા હારે નક્કી કરી નાખો; જે કરો તે મારે કબૂલ છે."

એ ઘડીએ કાનજી શેઠની નજર ખૂંટિયાના કાંધ ઉપર પડી. એણે મોં આડો ખેશ દીધો. થૂંક્યું. કહ્યુંઃ "પબા ! એલા, દયાનો છાંટો તો રાખ્ય ! આ ધંધા ! આ ખૂંટિયાને કાંધે ધોંસરૂં ! આ ગામામાં કોઈ મા’જન મૂવું છે ? કે હાંઉ, બસ, વાણિયાઓનું આથમી ગયું ? આ રાક્ષસનો દંડ કોઈ કાં નથી કરતા ?"

પરબત ઝંખવાયો.

"એ પલીત !" કાનજીએ દયાથી ઘવાયેલ દિલે કહ્યુંઃ "આના કાંધ માથે થોડું ઘાસલેટ તો રેડય !"

"હા, કાનજીકાકા સાચું કહે છે. ધરમી જીવ છે." એમ કહી ડોશીએ સાદ પાડયોઃ "એ વઉ ! આપણા દીવામાંથી ઘાસલેટ કાઢીને લાવજો."

વહુ લાજ કાઢીને આવી ઊંભી રહી; બોલીઃ "ઘાસલેટાનો છાંટોય ક્યાં છે ઘરમાં ? રઝકાનો ભાતો જૂઠા શેઠને ઘેર નાખી આવીશ, તઈં દેશે ને ! ઉધાર ક્યાં આપે છે ?"

"ખોટાં ! નખશિખ ખોટાં કણબાં ! ઘરમાં ઘાસલેટ ન હોય એવું બને ? પણ જીવમાં દયા જેવી જાત્ય જ નહિ ને ! લટૂડાના મા’જનને કહીને આંહીં આ પાપિયાઓ ઉપર કડક દેખરેખ રખાવ્યા વિના છૂટકો જ નથી."

એમ બબડતા કાનજી શેઠ પરબતની ડેલીમાં પ્રવેશ્યા. ઘરમાં ક્યાં ક્યાં કોઠીઓ છે, વહુના હાથમાં કે ગળામાં શો શો દાગીનો છે એ બધું ટીકીટીકીને જોઈ લીધું. પછી વાત ચલાવીઃ "કાં, પૂતળી ડોશી ! ચોથા કાંધાનું હવે શું કરવું છે ?"

"માડી, કાનાભાઈ ! મને તો એમ ઓસાણ છે કે ચારેય કાંધા ભરાઈ ગયાં છે."

"માડી તમારૂં ઓસાણ સાચું ? કે વેપારીનો ચોપડો સાચો ?"

"સાચો તો વેપારીનો ચોપડો, માડી !" ડોશી ડરતાં ડરતાં બોલ્યાંઃ "ને મારૂં તો હવે હૈયુંય ફૂટી ગયું છે, ભાઈ ! પણ મને વે’મ છે. જુઓ ને, કાનાભાઈઃ એક કાંધુ જાણે કે શીતળાના રોગચાળામાં..." એમ કરીને ડોશીએ આંગળીના વેઢા ગણતાં ચારેય કાંધાની કથા માંડી.

"હેં-હેં-હેં-હેં... !" કાનજી શેઠ હસી પડયાઃ "માડી ! સાઠ્‌ય પૂરાં થયાંને તમને ?"

"હા, માડી !" એ વેણમાં રહેલો કટાક્ષ ન સમજેલી ગભરૂ ડોશીએ કહ્યુંઃ "સાઠને માથે સાત થયાં. આંખે અંધાપો આવી ગયો, બાપ ! પબાનો બાપ જેલમાં જ પાછા થયા ખરા ને, એટલે રોઈ રોઈને મારી આંખ્યું ગઈ, કાનાભાઈ ! પબાના બાપ માથે તર્કટ -"

ડોશીએ પોતાની પરાયણ આદરશે એ બીકે કાનજી શેઠે ચોપડો ઉઘાડીને ત્રણ ભરાયેલાં કાંધા વાંચી બતાવ્યાં.

પરબતના બાપની વાત સાંભારતાં આંસુ પાડવાથી પોતાના મોઢાની ઊંંડી કરચલીઓ ભરાઈ ગઈ હતી, તે સાડલાને છેડે લૂછી નાખીને પબાની મા હરખથી ઊંછળ્યાંઃ "ને, માડી, એની ફારગતી પણ તમારી સહીવાળી તમે લખી દીધી’તી. હંઅં ! મને સાંભર્યું, સાંભર્યું. વાહ !મારો વાલોજી મારે હૈયે આવ્યા, આવ્યા ! વાહ ગરૂડગામી ! વાહ દીનદયાળ !"

"કાં કાં ! શું થયું ડોશી ?"

"તમારી ફારગતી મેં સાચવી રાખી છે."

"એ બરોબર, ફારગતી લખી દીધી હોય તો હાંઉ - મારે કાનની બૂટ ઝાલવાની, કાઢો ફારગતી..."

"રો’ રો’, હું હૈયે આણું છું... એ હા ! આવ્યું, આવ્યું... એ વઉ ! તારી તેલની કાંધીની હેઠળ મેં ઈ ફારગતીની સીઠી દબાવી’તી."

ડોશી હાંફળી હાંફળી ઊંઠી; દોડી. ઘરના છાપરામાં લટકાવેલ શીંકા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું, તેની અંદર તેલનો શીશો મૂક્યો છે, વહુએ નીચે ઉતાર્યું; અંદર કેટલીક ચીંથરીઓ ને ગાભાઓ ખોસેલાં. આંધળી ડોશીની આંગણીએ જાણે અકેક દીવો પેટાયો હોય તેમ એ ચિઠ્‌ઠી ગોતવા લાગી. છતાં કાનજીને કશી અકળામણ નહોતી. આખરે ડોશીએ, દરિયામાં ડૂબનાર જેમ લાકડું પકડે, તેમ કાગળિયો પકડયો.

"આ રહી ફારગતીઃ લ્યો, માડી ! હાશ ! હું સીતેર વરસની ડોશી ખોટી ઠરત, મારા પરભુ !"

કાનજી જરાક ઠરી ગયો, "જોઉં ! લાવો તો, માડી; મારો કોઈ વાણોતર તો ઉચાપત નથી કરી ગયો ને ?"

એ જ વખતે ફલીમાંથી અવાજ આવ્યોઃ "લક્ષ્મી પ્રસન્ન !" અને ફળીમાં એક પહોળા ગળામાંથી મોટો બળખો પડયો.

"લ્યો, આ વાસુદેવ વ્યાસજી આવ્યા. વ્યાસજી સાક્ષીઃ એની સાક્ષીએ ફારગરી વાંચી લે, બાપ કાનજી !"

"શું છે, પૂતળીમા ! વાસુદેવ વ્યાસે કાનજી શેઠના કપાળે કંકુનો ચાંદલો કરતાં કરતાં પૂછ્‌યુંઃ "માડી વ્યાસજી ! તમે આ કાગળ વાંચી જોવોઃ આ કાના શેઠની ફારગતી છે કે નહિ ?"

વાસુદેવ વ્યાસ આજ વીસ વરસથી દરરોજ સવારે પૂતળી ડોશીના ઘેરથી અરધી અરધી તાંબડી કણિક લઈ જાય છે. ઘરમાં ખાવા ન રહે ત્યારે પણ શંકરના આ સેવકની ઝોળી કણબણે પાછી નહોતી વાળી. પબાના બાપા જેલમાં મરી ગયા, તેની પાછળ ડોશીએ વ્યાસજી પાસે ગરૂડ-પુરાણ વંચાવીને રૂ. ૨૦૦-૩૦૦ જેટલો માલ આપેલો. ઘણી વાર પબાને વ્યાસજીએ કહેલું પણ ખરૂં કે "તારા પડખાની વાડીવાળો હરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મરણ-જાપ કરવા હું બેસી જાઉં - તું જો ખરચ કરી શકે તો !" આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વહેવાર હતો. પૂતળી ડોશીને ખાતરી હતી કે, વ્યાસજી તો સોળવલું સોનું છે.

કાનજીએ વ્યાસજીને મારેલ મિચકારા એળે ન ગયા. વ્યાસજીએ કહ્યુંઃ "ના ના, માડી, આ તો વેઠના વારાની ચિઠ્‌ઠી છે !"

"અરેરેરે માડી ! એમ થયું ? તયેં ઈ ફારગતી ક્યાં મૂકાઈ ગઈ હશે ? આ તો હું સીતેર વરસની ડોશી ખોટી પડી ને !"

"ત્યારે હવે ચોથા કાંધાનું કેમ કરશું, પૂતળીમા !" કાનજી મુદ્દાની વાત પર આવી ગયો.

"ઈ ચિઠ્‌ઠી લાવજો, ભાઈ !"

"ચિઠ્‌ઠી ! મેં તમને પાછી આપીને ! તપાસો તમારાં લૂગડાં... મારી પાસે નથી..."

એકાએક પરબતની વહુ લાજના ઘૂમટામાંથી કળકળી ઊંઠીઃ "એ ફૂઈ ! એ... ચિઠ્‌ઠી કાનાભાઈના મોઢામાં રહી ! એ... ચાવી જાય ! લે ! લે ! કાનાભાઈ ! આ ધંધા !"

પૂતળી ડોશી સજ્જડ થઈ ગયાંઃ "ચિઠ્‌ઠી કાનજીભાઈ ચાવી ગયો ? કાનજી દામજીનું ખોરડું ઊંતરી ગયું ? વ્યાસજી ! શંકર આવું સાંખી લ્યે છે ?"

"ડોશી ! ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ને હવે ચીંથરાં ફાડો માઃ ચોથું કાંધું ભરી દ્યોઃ મારે ખોટીપો થાય છે."

સાંજે પરબત વાડી પાઈને પાછો આવ્યો. રાતે ને રાતે કાનજી શેઠ એનો ગોરીઓ ગોધલો કાંધા પેટે છોડાવી ગયા.

બીજે દિવસે સવારે પરબત જ્યારે પહોર-દિ’ ચડયે જાગ્યો, ત્યારે ગમાણમાં એકલા-અટૂલા બેઠેલા બંધુહીન ખૂંટીયાનું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતાં.

કિશોરની વહુ

તે દિવસે લગભગ અરધું ગામ આભડવા નીકળ્યું હશે. મોતીશા શેઠના કિશોરની વહુને સવારે પાંચ વાગ્યે કાઢી ગયા ત્યારે શેરીએ શેરીએ સ્ત્રીઓ એકમોંએ વખાણ કરતી હતી કે "સસરો હોય તો મોતીશા શેઠ જેવો જ હોજો ! રોજ વીસ-વીસ રૂપિયાની તો દવાયું વાપરી છે. ઠેઠ મુંબઈથી મઢ્‌યમું તેડાવી ગોરો સર્જન રોજના પાંચસે રૂપિયે દોઢ દિ’ને બે રાત બેસી રહ્યો. ઠેઠ પાતાળેથી પણ જીવ પાછો વાળે તેવી ભારે ભારે દવાઓની પિચકારીઓ મુકાવી. ખરચ કર્યામાં સાસરે પાછું વાળી નથી જોયું. અને રાતે બે વાગ્યે જ્યારે ગોરો દાક્ટર ટોપી પછાડીને ઊંભો થઈ ગયો, ત્યારે તો શેઠ કાંઈ રોયા છે ! કાંઈ રોયા છે ! આ મોમાં લીલું દાતણ છે ને ખોટું નહિ કે’વાય, ભગવાનઃ આવો સસરો તો જેણે પરભવ પૂરાં પૂજ્યાં હોય તેને જ મળે."

"અને, બાઈ, મડાને ચૂંદડી ઓઢાડવી’તીઃ ઘરમાંથી સાસુએ વહુના ટ્રંકમાંથી જૂનું ઘરચોળું કાઢી આપ્યું; પણ ડેલીએથી સસરે પાછું મોકલી કહેવરાવ્યું કે, ’કિનખાબની સાડી આપણે વિવા વખતે છાબમાં મૂકી હતી, તે લઈ આવો. અત્યારે વહુ જેવી વહુ ગઈ, અને આપણો જીવ એક ગાભામાં ગરી રહે છે ! જો’શે ત્યારે બીજું ક્યાં નથી લેવાતું ? પ્રભુનો પ્રતાપ છે.’

"બાળવામાં પણ અધમણ ચંદન, અને એક ડબો ઘી... આખે રસ્તે છેક સ્મશાન સુધી ’જે જે નંદા ! જે જે જીનંદા !’ કરતા શેઠે પોતે મોઢા આગળ ચાલી ભંગ્િાયાને ખોબેખોબે પાયલી બે-આનીઓ ઉડાડી. ગામને મસાણ-છાપરી નહોતી, તે દુઃખ ત્યાં બેઠાંબેઠાં જ ટાળ્યું. એમ ઘણો ધરમાદો કર્યોઃ મોતીશાએ વહુની પાછળ લખલૂટ વાપર્યું. બાઈ મૂઆ માણસના અવગુણ ન ગાઈએ... પણ વહુ તો હતી લખણની પૂરી, હો !"

મસાણેથી પાછા વળતાં પણ ગામની બજારને એક છેડેથી બીજા છેડા સુધી મોતીશા એવો તો ઠુઠવો મૂકીને, ’વહુ રે ! મારી વહુ ! મારા દીકરા રે ! મારા ઘરના દીવા રે !’ એવા કરૂણ બોલ બોલતા બોલતા રડતા હતા કે જેઓને ઘેર ત્રીજી વારની દીકરા-વહુઓ આવી હતી તેઓને પણ રોવાનું મન થતું હતું. ખીમચંદ ભરાડી (ગામમાં ખીમચંદ શેઠની અટક જ ’ભરાડી’ પડી ગયેલ) વાત કરતો હતો કે, "આ સગે હાથે મેં ત્રણ દીકરા-વહુઓને દેન દીધાં છે, ને સગી આંખે મડદાં બળતાં જોયાં છે; પણ આજે મારીયે છાતી થર્ય નથી રહેતી." મોતીશા શેઠ સાંભળી શકે તેવી રીતે બોલાયાથી એમને વધુ રડવું આવેલું. અને ખીમચંદ ભરાડી એવા મોકાનું બોલેલો કે પાછળથી મોતીશાએ ખીમચંદનું બધું કરજ માફ કર્યું હતું.

ડાઘુઓ થોડી વાર અનાજના ભાવ, અમેરિકાનાં રૂનાં બજાર, ગામનાં વસવાયાં લોકોની વધી પદેલી ફાટ્‌ય... વગેરે પરચૂરણ વિષય પર વાતો કરી શેઠનું મન વહુના શોકમાંથી બીજા વિચારે વાળી લઈને બપોરે બાર વાગે વિખરાયા. તે પછીના અરધા કલાકની અંદર આટકોટવાળા ફૂલા શેઠ, જેતપુર-હાઈસ્કૂલના હેડમાસ્તર મોરારજી ઠેબાણી એમ.એ. રાજકોટના સુધાકર બારિસ્ટરનું ખાસ આવેલું માણસ અને ખમીસાણા ગામડાનો પ્રેમજી વાણિયો એમ ચાર કે પાંચ જણ આવી ગયા. શેઠની ગાદીની નજીક જઈને ગરીબડે મોંએ કાનમાં કંઈક કહી પણ ગયા. એ વાતોમાંથી ’શ્રીફળ’, ’છબી’, ’ઉમ્મર’, ’ગોરો વાન’, ’નમણાઈ’, ’ખાતરી કરો’, ’બીજે થાય નહિ, હોં !’, ’ગૂંજે ઘાલીએ’ એવા શબ્દો ખાસ સંભળાઈ આવતા હતા. એ સહુને મોતીશાએ ટૂંકો જ જવાબ આપ્યો કે, "હું જોઈશ; તમને પૂછ્‌યા વિના નહિ કરૂં." સૌમાંથી ખમીસણાવાળા પ્રેમજી વાણિયાની સાથે મોતીશાએ વિશેષ ચોકસાઈથી વાતો કરી.

ચ૨ૃ

"લ્યો. વેવાણ ! હું ત્યારે રજા લઉં છું. બોલ્યુંચાલ્યું માફ કરજો !" મરેલી વહુનો બાપ, કે જે બાબરાની અંગ્રેજી શાળાનો ’આસિસ્ટંટ’ માસ્તર હતો, તેણે તે જ દિવસે રાત્રે પુત્રીનાં સાસુની રજા માગીઃ હાથ જોડયા. મોતીશા શેઠે એક વિચિત્ર નિયમ રાખેલો કે, કન્યા હંમેશાં પોતાના બરોબરિયાની નહિ પણ ગરીબની જ લેવી.

"બસ, જાવ છો ? બે દિ’ રોકાણા હોત તો દુઃખમાં ભાગ લેવાત..." ચંદનનાં સાસુએ વિવેક કરતાં માથા પરનો ઘૂમટો પેટ સુધી તાણી લીધો. આજે એમણે પણ વહુની નનામી પાછળ પાદર સુધી દોડી દોડી દસ પછાડીઓ ખાધી હતી; શરીરની ખેવના નહોતી કરી.

"મારે રજા પૂરી થઈ ગઈ છે, એટલે નહિ રોકાઈ શકું. વળી ઘેર ઊંઠ્‌યું માણસ નથીઃ છોકરો મા વગરનો છેઃ પરવશ મૂકીને આવ્યો છું."

"ભલે ત્યારે." થોડી વારે સાસુએ આંખો લૂછી, નાકે આવેલ પાણીને છંટકોરી નાખી ઉદગાર કાઢ્‌યો કે,"અરેરે બાઈ ! ભર્યા ઘરમાંથી ગઈ. ભાગ્યમાં નહિ જ ત્યારે ને ! નીકર આ રૂપાળી ઘોડાગાડી, આ મોટર...ને હમણાં હમણાં તો રોજ સવાર-સાંજ ઘોડાગાડીમાં બેસાડીને ચંદનને ફેરવી આવતા. પણ આયખું નહિ ના. એતલે દરદ ઘેરી વળ્યુંઃ કોઈ કારી જ ન ફાવી."

"વેવાણ !" ચંદનના બાપે બીતાં બીતાં કહ્યુંઃ" મને વેળાસર એક ચિઠ્‌ઠીચપતરી બીડી હોત ને... ! હું તો ધારતો હતો કે, ચંદન સાજીસારી છે. મારે ઘેરે તો કોઈ દિ’ નખમાંય કોઈ રોગ નહોતો. આંહીં એકાએક -"

"ના,ભા !" સાસુએ સહેજ કચવાટ બતાવીને કહ્યુંઃ "આંહી એને નથી અમે દળણાંપાણી કરાવ્યાં, કે નથી વૈતરૂં કરાવ્યું. રોગ તો મૂળ તમારા ઘરનો છેઃ પછી તે ચાય તમારો હો, ચાય તો એની માનો હોય. ત્યારથી થોડી ઘગશ ને ઉધરસનું ઠૂસકું તો રે’તાં.."

મહેમાન ઉંબર ઉપર જ સજ્જડ થઈ ગયો. નાક છીંકવાને બહાને પીઠ ફેરવીને એણે આંખોનાં ઝળઝળિયાં લૂછ્‌યાં. વેવાણે વાત આગળ ચલાવીઃ

’બાકી તો, એને કંઈ કહ્યું થાતું ? ’તમે આણામાં પૂરાં લૂગડાં ન લાવ્યાંઃ તમારા બાપે જાનની પૂરી સંભાળ નો’તી લીધીઃ તમારી આંખે ઝાંખ છે. એનો તો અમને સગપણ વખતે કોઈએ ફોડ જ ન પાડયો.’ આવું કંઈક હસવામાંય કહેવાઈ જાય, તો પણ દડ દડ દડ આંસુડાં પાડે, ને આંખ્યું ઘોલર મરચાં જેવી થઈ જાય. બોલે તો નહિ, પણ મનમાં બળીબળીને ભસમ !"

મહેમાન ત્યાંથી નાસવા માગતો હતો; પણ એના પગને જાણે કોઈ શબ ઝાલી રાખતું હતું, ને કહેતું હતું કે, ’મારી પૂરેપૂરી કથા સાંભળતા જાઓ.’

કિશોરની બાએ ફરીવાર વાર્તાનો તાર સાંધ્યોઃ "અને પાછી ઘરમાં થયેલી અક્ષરેઅક્ષર વાતની ફરિયાદ રોજ રાતે મેડીએ જઈને કિશોરને કહેવા બેસે. કિશોર બચાડો દુકાનેથી થાક્યોપાક્યો આવ્યો હોય, એનેય જંપ નહિ. મારો કિશોર તો માવતરની ને કુળની મોટાઈની પાકી અદબ રાખનારો, અસ્ત્રી-ચળિતર સમજનારો, ડાહ્યો- એટલે આવી બાઈડીશાઈ વાતુંને કાન દિયે જ નહિ. પછી તો ધુશકે-ધ્રૂશકે રોવાનું હાલે, ઈસ્ટોલિયા ઊંપડે; ઘર આખાને ઝંપવા ન દિયે. એક વાર તો તમારા વેવાઈ પંડયે ઊંઠીને રાતે બાર બજે બહાર આવ્યા; ત્રાડ નાખી કે, ’વહુને ન પોસાય તો કાલ સવારે કઢાવી દ્યો ખિજડિયા જંક્શનનની ટિકિટઃ જાય બાબરે. આંહીં તે શું કોળી-વાઘરીનું ઘર છે ! જરા ખોરડું તો ઓળખો !"

"અરર ! એટલે સુધી મારી દીકરી -" માસ્તરના મોંમાંથી ઉદગાર સરી પડયો.

"દીકરીની તો શી વાત ! સસરો સાંભળે એમ ચીસું નાખે કે, ’એ.. મને કૂવામાં ભંડારો ! એ... મને અફીણ આપો ! મારે ક્યાંય નથી જાવું. મને બાપ ઊંભી નહિ રાખે !’ એમાંથી તાવ ચડયો, ઠસકું વધ્યું. દવા તો કરાય તેટલી કરી, પણ આવરદા નૈ ને !"

મરેલી પૂત્રી પર ’કોરોનર’ અને ’જ્યુરી’ બેઉની મળીને સરજેલી એક માનવ-શક્તિ વિગતવાર ફેંસલો આપતી હતી; અને એ સાંભળીને બાબરા ગામની ’એંગ્લો-વર્નાક્યૂલર’ શાળાના આસિસ્ટંટ માસ્તર ઘડી લજ્જા, ઘડી ગુસ્સો ને ઘડી પાછો વાત્સલ્યનો કોમળ આંચકો અનુભવી રહ્યા હતા. વળી પાછો એની નજર સામે મરેલી, મા-વિહોણી, તાવલેલી દીકરીનો દેહ તરવરતો હોય તેમ એણે કહ્યુંઃ

"વેવાણ ! મને વેળાસર ખબર આપ્યા હોત તો હું એને પંચગની લઈ જાત. તમારે પ્રતાપે મેંય મારા ટૂંકા પગારમાંથી પૂણી-પૂણી બચાવીને બસો રૂપિયાની મૂડી કરી છે; એટલે હું ચંદનને પંચગની -"

’અરે, તમે શું લઈ જાતા’તા ! મેં ને તમારા વેવાઈએ કેટલું કેટલું કહ્યું કે, ’હાલો પંચગની... હાલો ધરમપુરના સેનિટોલમમાં... કોઈ વાતે હાલો... હું હારે આવું’. પણ માડી રે ! એની તો એક જ હઠ - કે કિશોર એકલો જ સાથે આવે, અમે કોઈ નૈ ! અમે તો એને કડવાં ઝેર ! ત્યારે કિશોર તે જીન-પ્રેસનું કામ સંભાળે, કે રૂ-કપાસની ખરી મોસમ ટાણે બાયડી સાટુ ઠેઠ પંચગની સુધી હડિયું કાઢે ! પણ વહુને તો બચારીને મરવું સરજ્યું’તું ખરૂં ને, એટલે સાચી વાત સૂઝી નહિ. એની તો એક જ હઠ કે ’પંચગની નૈ, ધરમપુર નૈ, ક્યાંય નૈ; જીનને જ બંગલે મને એકલીને કિશોર ભેળા રે’વા દ્યો ! તમે કોઈ નૈ !’ અરે, એનો હાકમ જેવો સસરોય એને કડવા ઝેર થઈ પડયા !"

દીકરી શું આટલી બધી નાદાન થઈ હશે ? પુત્રીનો પિતા ગામડિયાં છોકરાં ભણાવતો ભણાવતો કોઈકોઈ વાર નાની ચંદનને બોટાદકરની ’રાસતરંગ્િાણી’ વાંચી સંભળાવતો, અને કોઈ કોઈ વાર રાતે પરીક્ષા-પત્રો તપાસતો-તપાસતો તેર વર્ષની ચંદનને અંદરના ઓરડામાં બાપની પથારી પાથરતી ’રસની એ રેલ, સખિ, સાંભરે રૂપાળી રાત’-વાળી પંક્તિ કોમળ કંઠે ગાતી સાંભળતો - તે બધું અત્યારે વીસરી ગયો. છેવટે વેવાણના આ એકાદ કલાકના ઉદગારોમાંથી બે-ચાર વસ્તુઓ પકડીને બાબરે ચાલ્યો ગયોઃ એક તો, ચંદન હઠીલી; બીજું, એનું આયખું નહિ; ત્રીજું, કિશોરને એણે સંતાપ્યો, મોતીશાની મર્યાદા ન પાળી, સાસુની શિખામણો ન લીધી; ને ચોથું, મોતીશા શેઠે ચંદનનું મોત સુધાર્યું. આ બધી અસરથી એને પ્યારી પુત્રીના અવસાનનો શોક ઓછો થયો. ઘડીભર એમ પણ થયું કે, મોટા ઘર સાથેનો મારો સંબંધ વધુ બગાડવા એ ન જીવી તે પણ સવળું જ થયું.

ચ૩ૃ

એક જરૂરી બિના કહેવી રહી ગઈ છેઃ આભડીને આવ્યા પછી પહેલી જ વિધિ કિશોરને માથે લાલ પાધડી બંધાવવાની, કપાળે ચાંદલો કરવાની અને જરીક ગોળ ચખાડવાની હતી. જમાડવી જોઈએ તો લાપસી; પરંતુ કિશોરનાં બા અને બાપા, બંને જણાં, ’વહાલી વહુની ચિતા હજુ સળગી રહી છે ત્યાં કંસારનું આંધણ ન મુકાય’ એવું વિચારીને ગોળથી જ અટક્યાં હતાં.

આ વિધિઓમાંથી નિવૃત થઈ કિશોર રોજનાં કામકાજ પર ચડી ગયો હતો. દરેક માણસ સારા અથવા માઠા- ચાહે તેવા આખરી પરિણામને માટે જ ઉત્સુક હોય છે. કિશોરના મન પરથી પણ ચંદનની માંદગીની લટકતી પથારી ખસી ગઈ હતી. છેલ્લા આઠ-દસ દિવસથી તો વહુનાં ક્ષયનાં જંતુઓ રખેને દિકરાને ચોટે એ બીકે કિશોરની બાએ એને ચંદનની પથારી પાસે પણ આવવા નહોતો દીધો; એટલે કિશોરને ખાસ વિયોગ-દુઃખ જન્મે તેવું રહ્યું નહોતું. મેડી ઉપર વારે-વારે સહુને ચડઊંતર કરવી ન પડે તે માટે ચંદનની પથારી તો છેલ્લા એક મહિનાથી કિશોર-ચંદનના શયનખંડમાંથી ખસેડીને ભોંયતળિયે જ લાવવામાં આવી હતી. એમ કરવાનાં બીજાં પણ કેટલાંક કારણો હતાંઃ મોતીશા અને શેઠાણીને કાને એક ચોંકાવનારી વાત તો એ આવી હતી કે છેલ્લા ચાર મહિનાથી રાતમાં ચંદનનાં ઝાડો-પેશાબનાં ’પૉટ’ કિશોર પોતે જ ઉપાડીને છાનોમાનો, કોઈને સંચળ ન સાંભળે તે રીતે લપાઈને, સંડાસમાં નાખી આવતો. એનું ખરૂં કારણ એ હતું કે ચંદન હવે સંડાસ સુધી જઈ શકતી ન હતી. માબાપને તો એમ જ લાગેલું કે વહુ, એ રીતે, દીકરા ઉપર અમલ ચલાવવામાં હદ વટાવી ગયાં હતાં. વસ્તુતઃ તો ચંદન ચાર વિસામા ખાઈને પણ સંડાસમાં જ પહોંચતી, અને કિશોરે આ ભંગી-કામ કરવાની જિદ્દ કરી ત્યારથી ચંદનને ઝાડો-પેશાબ દબાવી રાખવાની ટેવ પડેલી.

આજે પેલો ગોળ ખાધાને ચોથો દિવસ છે. કિશોરનું મન મોકળું થયું છે. ચંદનનું રોગી જીવન સાંભરે છે; પણ તેથી એને વ્યથા નથી - રાહતની લાગણી છે. ’બિચારી રિબાતી હતી તે છૂટી’ એવો અનુકંપાનો ભાવ પણ ઊંઠે છે. વળી પોતાને એકલાપણું લાગશે, વિરહ સાંભરશે તે પહેલાં તો નવા લગ્નની દુનિયાનો કાંઠો શરૂ થઈ જશે એમ પણ એણે માનેલું. પણ હકીકત એથી ઊંલટી બની. મોતીશા શેઠ જો ડાહ્યા હોત તો એણે કિશોરને બહારગામ હિસાબકિતાબમાં ને ઉઘરાણીમાં મોકલી દેવો જોઈતો હતો; અથવા, કંઈ નહિ તો, એને અમદાવાદની પેઢી પર જ મોકલવો હતો. ત્યાંનો મુનિમ વ્યવહાર-કુશળ હતો; કિશોરને નાટક-સિનેમામાં લઈ જાત. પણ ભૂલ એ થઈ કે કિશોરને જીન-પ્રેસના કારખાના પર જ રાખ્યો. કારખાનું ગમે તેમ તોયે જીવતાં જીવોનું જગત છે. ત્યાં બેસનાર માલિક અને ધન-પ્રાપ્તિની વચ્ચે સેંકડો હૈયાંના ઘબકારા સંચાઓના થડકાર જેટલા જ જોરદાર ચાલી રહ્યા હોય છે.

કારખાનાંના સંચા ચલાવનરાં મજૂરોમાં સ્ત્રીઓ મોટી સંખ્યામાં હતી; કેમ કે એને ઓછી રોજી આપવા છતાં કામ દોઢું ઊંતરતું. બહાર ઝાડની ડાળે બાળકોનાં ખોયાં લટકાવીને માતાઓ સંચા ચલાવતી; બચ્ચાં રૂવે ત્યારે ઢીબરડીને પછી ધાવણ પાતી. સાસુ-વહુઓ ઊંઘાડેછોગ લડી-બોલીને પાછી કંઈ ન બન્યું હોય તેવી રીતે કામે લાગતી. સંચો ચલાવતાં બાયડીની આંગળી વઢાય તો દોડીને એનો ધણી સો મજૂરોની વચ્ચે પણ એને ઘાસલેટમાં બોળેલ પાટો બાંધી દેતો, ને પગે ઘવાયેલી સ્ત્રીને નાના બાળકની માફક કેડયે બેસારીને ઘેર લઈ જતો.

આવું પડદા વગરનું મજૂર-જીવન જોયું એ કિશોરને માટે વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું. એનામાં મૂળથી જ મોતીશાના મજબૂત સંસ્કારો ઊંઘડયા નહોતા. વયમાં એ જૂવાન હતો. કોઈ કોઈ વાર મનને નબળું બનાવી મૂકનાર દંપતિ-સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી. તેમાં સ્ત્રી ગુજરી ગઈ, ને આંહીં આ મજૂરોને દુઃખમાં ખદબદતાં છતાં કુળ-પ્રતિષ્ઠા જવાના ભય વિના મોકળામણમાં જીવતાં દીઠાં.

જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે, તે તો અમે જાણતા નથી; પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જૂવાન મજૂરણ ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઈ. અને એ સાંજના ભળભાંખરામાં કિશોરે એના મોં પર દૈવ જાણે શીયે પરિચિત રેખા જોઈ લીધી. દૂરદૂરથી હવામાં ગળાતું એ ટીખળી મજૂરણનું ગીત કાને પડયુંઃ

બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ;

હવે માડી, મંદિરિયે મોકળાણ જોઃ

ભવનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ.

કિશોર ઘેર ગયો. દીવો બળતો હતો, તે બુઝાવી નાખ્યો.ઓરડાની એક ખીંટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઊંતરી ગયેલી સાડીમાંથી ફાડેલો જોડા લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો, તે અમસ્થો અમસ્થો પણ આજે એને ચંદનનાં છેદાયેલાં અંગ જેવો લાગ્યો. તેથી જ બીને બત્તી બૂઝાવી હશે કે કેમ, તે તો એ જાણે; પણ પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો. માંદગીની પથારી પહેલાંનો કાળ અંતરની આંખો સામે ઊંઘડવો શરૂ થયોઃ કોઈક જાણે એને એક ઝાંખો દીવો લઈને જીવન-ગુફામાં ઊંંડે ઊંંડે ઊંંડે દોરી જતું હતું. ગુફાના તળિયામાંથી કોઈનું ડૂસકાંભર્યું વચન સંભળાતું હતું કે, ’ત્યારે તમે મને શા માટે પરણ્‌યા ! શા માટે પરણ્‌યા !’

પ્રત્યેક દિવસે, એક પછી એક રાતે, પ્રત્યેક રાતને કયે કલાકે શું શું બન્યું તે બધું જ મશાલને અજવાળે ભોંયરામાં દેખાય તેવું બિહામણું દેખાયું. એક વાર તો એને પરસેવો વળી ગયો. એણે જોયું કે... ચંદન હિસ્ટીરિયામાં પડી છેઃ સામે ઊંભી ઉભી મા કહી રહી છે કે, ’અરધોઅરધ ઢોંગ, બાપ !’ ને પોતે એક ટાંચણી લઈને ચંદનના પગનાં તળિયે ઘોંચી એ હિસ્ટીરિયાનું સાચઝૂઠ પારખી રહ્યો છે...

’ઓય !" કહી કિશોર ચમકી ગયો. તે વખતે અંધારે અગાસી પર એના બાપ આવીને ઊંભા હતા.

"અંધારૂં કેમ છે, કિશોર ?" કહી મોતીશાએ નોકરને બોલાવી દીવો પ્રગટાવ્યો. પછી વાત છેડીઃ "હવે આપણે જલદી નક્કી કરવું પડશે."

"શાનું ?" એટલું પૂછવાની પણ કિશોરમાં શક્તિ નહોતી. મોતીશાને પણ પ્રશ્નો સાંભળવાની ટેવ નહોતી. એમણે સ્પષ્ટ કર્યુંઃ "આપણા ઘરના મોભા મુજબ વહુના બારમા પહેલાં જ બોલ બોલાઈ જવા જોઈએ. એક દિવસ પણ મોડું થશે તો લોકોને વહેમ પડશે કે તારામાં કંઈ કહેવાપણું હશે; ને પછી સહુનાં મન સંકડાશે. મોડુંમોડું પણ આપણે કરશું તો ખરાં જઃ આભ ધરતીનાં કડાં એક કરીને પણ કરશું. પણ અત્યારે થાય તે સવા લાખનું લેખાય."

કિશોર નિરૂત્તર રહ્યો. બાપે ચલાવ્યુંઃ

"ચાર દિવસમાં પચીસ ઠેકાણાંના તાર-ટપાલ છે. એમાં આટકોટવાળા ફૂલા શેઠ તો વહુને ક્ષય છે એવું સાંભળ્યું ત્યારથી આપણી વાટ જોઈને બેઠા છે. પણ મને સામો પૈસાદાર સગો પોસાય નહિ.. મોરારજી માસ્તરની દીકરી સહેજ ભીને વાને છે એટલે એ તો હીરના ચીરમાં પાણકોરાના થીગડાં જેવું થશે.. સુધાકર બારિસ્ટરે આપણા રાજના દીવાન સાહેબ મારફત મારૂં ગળું ઝાલ્યું છે. પણ અએણે કન્યાને વધુ પડતી કેળવણી આપી છેઃ આપણને પોસાયું - ન પોસાયું.. તો પછી સામો બારિસ્ટર ઠીક નહિ. વળી કન્યા વીસ વરસની થઈ છે. એ કંઈક કહેવાપણું હોયા વિના તો ન જ બને ના ! બધી દ્રષ્ટિએ ખમીસણાવાળો પ્રેઅમજી શેઠ કંઈક ઠીક લાગે છે. એ આપણી શેહમાં દબાતો રહેશે. ને આપણે ઘેર કન્યા આવ્યા પછી સંગીત,અંગ્રેજી વગેરે તારે જે શીખવવું હોય તે શીખવી શકાશે. બે માસ્તરો રાખશું."

"બાપુ !" કિશોરના હોઠના ટેભા તૂટતા હોય એવો અવાજ થયોઃ "મારે જૂદા થવું છેઃ જલદી મજિયારો વહેંચી આપો."

"શું.. ?! માંકડને મોઢું આવ્યું કે ?" મોતીશા શેઠે આજ જીવનભરમાં પહેલી જ વાર દીકરાની જીભ ઊંપડતી દીઠી."માથું ભમી ગયું છે કે ? મારાં બોંતેર કુળ બોળવા બેઠો કે શું ?"

"એક અઠવાડિયામાં મજિયારો વહેંચી આપો - નહિ તો હું કોર્ટે ચડીશ." એટલું કહીને કિશોર ત્વરાથી નીચે ઊંતરી ગામ બહાર ચાલ્યો. નદીની ભેખડ પર બેસીને, ત્યાં એટલો બધો પવન ફૂંકાતો હતો છતાં કિશોરને એટલો ઓછો પડયો હોય તેમ, એ પોતાના પહેરણની ચાળ વડે છાતી પર પવન ખાવા લાગ્યો.

જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને બા-બાપા સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી, તેને આજ કાળ-સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તીણી ચીસ પાડીને કિશોર પુકારી ઊંઠ્‌યો કે "ચંદન ! ઓ ચંદન ! મેં તારૂં ખૂન કર્યું છે."

અનંતની બહેન

સવારની ગાડી બરોબર આવી હતી. સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યો ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકરડા ઉપર ઝાડે ફરીને ઊંઠતી હરી, અને તે પછી ત્યાં શેરીનાં ત્રણથી આઠ વર્ષનાં છોકરાંનું દિશાએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું. ’જગડૂ શેરી’ના આવા રોજિંદા સૂર્યોદયને મનમાં મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરને પગથિયે ચડયો.

ઘર બરાબર ઉકરડાની સામે જ હતું. અંદર આંગણાની સાંકડી ભોંય ઉપર ભદ્રાબહેન જ પાણી છાંટીને રંગોળી પૂરી રહી હતી. સામે ઉકરડા પરનું ગંદુ દ્રશ્ય અનંતભાઈને ન દેખાય તે સારૂ ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડદો બારણા આડો ટાંગી દીધો. અનંતે પૂછ્‌યુંઃ "કેમ, ભદ્રા !"

ભદ્રાએ કોઈ ન સાંભળે તેમ વાક્ય સેરવી દીધું કે, "ભાઈ, વખતસર આવી પહોંચ્યા છો. હું ગૂંગળાઈ ગઈ છું. મને છોડાવી જજો, હો !"

"કોઈ તારો વાળ વાંકો કરી ન શકે." એટલું કહી અનંતે છાતી કાઢી, ખભા પરથી કૅમેરા ઉતાર્યો.

બે મહિના પર અનંત આહીં આવેલો ત્યારે આ જગ્યાએથી ઉકરડો ટાળવા માટે એણે તુલસીના કૂંડાં મુકાવી, પાણી છંટકોરી શેરીનાં લોકોને સ્વીટ્‌ઝરલાંડની સ્વચ્છ, સુંદર પોળોનો સિનેમા બતાવેલો. જગડૂ શેરીના મૂળ મહાપુરૂષ જગડૂશા શેઠનું મોટું ચિત્ર કરાવીને પણ ત્યાં પધરાવેલું. પણ લોકોએ આ બધું એટલું જ આસાનીથી ફેંકી દીધેલું; કેમકે લોકોને તુલસી-કૂંડાં, સિનેમા અને જગડૂશાના ચિત્ર કરતાં મ્યુનિસિપાલટીના જાજરૂની વધુ જરૂર હતી. અને એને માટે જરૂર હતી એક તોપનીઃ મ્યુનિસિપાલિટિને રાજીખુશીથી જગ્યા ખુલ્લી ન કરી આપનારા શેઠિયાઓની આભે અડકતી અટારીઓ તોપખાના વિના ખસે તેમ નહોતું.

પણ આજે અનંત એક બીજા, વધુ ભયાનક બદબો મારી રહેલ, ઉકરડાને ચોખ્ખો કરવા આવ્યો હતો. જગડૂ શેરીની ખીચોખીચ ઉંચી ઈમારતોના ભીતરમાં વધુ ભીડાભીડ કરતી ઊંભેલી બીજી અદ્રશ્ય હવેલીઓ હતી એના ઉપર પણ અનંતે આજ લગી ફૂલ-રોપા જ ઢાંકેલા; એ બધા એળે ગયેલા. આજ એ અદ્રશ્ય ઈમારતોને તોપે ઉરાડવા જ અનંત આવ્યો હતો. પોતાના બાપની જ કુલીનતાની હવેલી એને પહેલાં-પ્રથમ ભાંગવી હતી.

અનંત ઘરમાં ગયો. બા પથારીવશ હતાં, તેને પગે લાગ્યો; જુવાન વિધવા વહુ બાને બદલે દેવની પૂજા કરતી ટોકરી બજાવતી હ્‌તી, તેના સમાચાર પૂછ્‌યા. અનંતભાઈનો સ્નેહાર્દ્ર અવાજ સાંભળીને રસોડાના અંધારામાં બેઠેલી એ વિધવા વહુએ ઘીની દીવાની વાટ સંકોરી દીવો સતેજ કર્યો. દીવાના તેજમાં, પૂજા માટે પહેરેલી આછી કામળી સોંસરવું, એનું તાજું મૂંડાવેલ માથું અનંતની આંખોમાં તરવરી ઊંઠ્‌યું. અનંત પહેલે માળ ચડયો; ત્યાં પોતાની ગાંડી થઈ ગયેલ ભાણેજ ઓરડામાં પુરાયેલી, ફાવે તેમ ગાતી હતી. ઉપલે માળે પિતાજી શ્રી શંકરાચાર્યની મોટી છબીને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. મોં પરની કરડાકી છુપાવ્યા વિના અનંતે પણ પિતાનો ચરણસ્પર્શ લીધો. રજવાડાંના નોકરોની માફક અનંતની કેડયના મકોડા જ માતા-પિતાની સન્મુખ આવતાંની વારે આપોઆપ વળી જવા ટેવાઈ ગયેલા હતા, અનંત એવા વંદનમાં ઉચ્ચ સંસ્કાર કલ્પતો. સાદું ’જે-જે’ એને બાંડું, તોછડું ને કલાવિહોણું લાગતું.

"આવ્યો, ભાઈ !" બાપુએ અનંતના શિર પર હાથ મૂકી કરચલિયાળા, સૂકા મોંએ કહ્યુંઃ "તારો ભડકે બળતો કાગળ મળ્યો હતો. ચાલો આપણે વાતો કરી લઈએ." બન્ને બેઠા.

"મારા કાગળમાં તમે ભડકા ભાળ્યા, પણ તમારી આ ત્રીજા માળની શીતળ મેડીને તળિયે તો તપાસો ! ખરી ઝાળો તો ત્યાં બળે છે. તમે આંહીં જ્વાળામુખી ઉપર જ બેઠા છો."

અનંતે આરંભ જ આવો ભપકાબંધ કરી દીધો; કેમકે એને ડર હતો કે કદાચ જરીક વાર થતાં બાપુની સમક્ષ પીગળી જવાશે, અને માંડમાંડ મોંએ કરેલાં વાક્યો ભૂલી જવાશે.

"તારી સાક્ષરી ને કવિત્વમય ભાષામાં મારા જેવા પેન્શન ખાનાર વસૂલાતી અમલદારને શું સમજાશે, ભાઈ ! સીધું કહેઃ ભદ્રાને છ મહિનાને માટે ખૂણો પાળવા મોકલાવી છે કે નહિ ?"

"શા માટે ? પાંચ વર્ષથી જેણે ભદ્રાને કાઢી મૂકી, વગોવી, મારી નાખવાની કોશિશો કરી એ ધણીનું ચૂડી-કર્મ કરવા ? - એના ખાતર માથું મૂંડાવવા ? ભદ્રાને હવે આજ નવેસર વિધવા બનવાનું શું હતું ! પરણી તે પછી પાંચ મહિનાથી જ એ તો રંડાપો જ વેઠી રહી છે. ચોટલે ઢસરડીને કાઢી’તીઃ યાદ નથી ?"

"ભાઈ !" બાપુ એ દીન સ્વરી કહ્યુંઃ "હું ને તારી બા હવે કાંઠે બેઠાં છીએ. આ ઉંમરે હવે ન્યાતનો ને સમાજનો તિરસ્કાર અમારાથી નહિ સહેવાય. છેલ્લી વારનું પતાવી દઈએ; પછી ભદ્રાને તું તેડી જા. તેં એને જે રંડાપો આજ સુધી પળાવ્યો છે, તેને હવે પૂરેપૂરો ઉજાળી લેવા દે."

"હા; ભદ્રાના રંડાપાની આસપાસ મેં ખૂબ ભાવનાઓ ગૂંથ્યા કરી હતી, તે જ ભૂલ થઈ છે. મને લાગે છે કે કવિતાથી, ચિત્રોથી, ધૂપથી ને ફૂલોથી મેં બેનના જીવતા મોતને શણગાર્યું છે. મારે એ છોકરીને..."

અનંત જોતો હતો કે, બાપુના દિલના ટુકડા થઈ રહ્યાં છે. એની જીભ થોથરાતી હતી; પણ એને તો મનમાં ગોઠવી રાખેલાં વાક્યો હિંમત રાખીને એકઝપાટે બોલી જવાં હતાં, એટલે આગળ ચલાવ્યુંઃ "ગીધડાં ને સમડીઓ હંમેશા મુડદાને ચૂંથે છેઃ જીવતાંને ચૂંથનારાં માત્ર મનુષ્યો જ છે. ભદ્રાને એ પાપીએ શરીરની કઈકઈ જગ્યા ઉપર ઘગધગતા ડામ ચાંપીને હંમેશાંની જીવતું મુડદું બનાવી છે, એ તમેય જાણો છે. જ્જ્ઞાતિયે જાણે છે. એની કલ્પના-માત્રથી જ મારી બાના કેશ એક જ રાતમાં ધોળા બની ગયા હતા. એના મૃત્યુ પર આજ કઈ સગાઈએ ભદ્રા કેશ ઉતારે ને ચૂડીઓ ભાંગે ! એ રાણીગામમાં પગ જ શી રીતે દેશે ! તમે માવતર ઊંઠીને આજ ભદ્રાને જીવતી ચિતામાં મોકલો છો ? એ કરતાં ક્લોરોફોર્મ સુંઘાડી દો ને !"

બાપુ હસતા હતા. બાપુના ઊંંડે ગયેલા ડોળાના ખાડામાંથી એ હાસ્ય રાફડાના ભોણમાંથી કોઈ સાપ જીભના લબકારા કરી રહ્યો હોય તેવું દેખાતું હતું.

"બીજું કાંઈ કહેવું છે, ભાઈ ?" બાપુએ ભયંકર ખામોશીથી પૂછ્‌યું.

"કશું નહિ; ભદ્રાને તમે ત્યાં ઘસડશો, તો એના માથાનો ચોટલો કપાય તે પહેલાં હું મારૂં માથું કપાવીશ..."

સૂરતની કૉલેજનો પ્રોફેસર અનંત હજુ ગઈ કાલે જ ઈબ્સનનાં નાટકના વિદ્યાર્થીઓને ભાષણ આપીને ગાડીમાં બેઠેલો હતો, અને પોતાની સામે કૉલેજને દરવાજે સૂઈ રહેલી ’પિકેટર’ સ્ત્રીઓનો જુસ્સો જોઈને આવતો હતો. એને જ્યારે મધુમતી નામની પિકેટર કન્યાએ ’હિચકારો’ કહી શરમાવ્યો હતો, ત્યારે પોતે પોતાના અંતરાત્માની પ્રમાણિક માન્યતાનો આધાર લીધેલો કે , ’રાજકારણ મારૂં ક્ષેત્ર નથીઃ હું લડીશ સમાજની બદીઓ સામે. ’આજ પોતે એ યુદ્ધ લડી રહ્યો હતો, અને સૂરત-કૉલેજને ફાટકે સૂતેલી મધુમતીને જાણે પોતે આંહી બેઠો પદકારતો હતો કે, ’આમ જો ! શું હું લડવાથી ડરતો હતો ! નહિ નહિઃ स्वे स्वे कर्मे...’

આ વખતે જ દાદર ઉપર કોઈ ધીમેધીમે હાંફતું ચડી રહ્યું હતું. એ અનંતનાં બા હતાં. આજારીની પથારીમાંથી ઊંઠી મહાકષ્ટે બા ઉપર આવતાં હતાં. ભદ્રાના ખભાં પર એણે ટેકો લીધો હતો. ઉપર આવીને બા કઠણ બની બેઠાં. અનંતની સામે આંખો માંડી કહ્યુંઃ "ભદ્રાની વાતનાં ચૂંથણાં ચૂંથો છો ને, ભાઈ !"

અનંતે બહેનની સામે મીટ માંડી. નાની-શી સુંદર નદીના ક્ષીણ પ્રવાહ જેવો એનો દુર્બળ દેહ જાણે કે વહેતો હતો. નદીનાં પાનીની માફક એ પ્રેત-શરીરનાં લોહી-માંસ અણ અદીઠ આગમાં સળગી, વરાળ થઈ ઊંડી રહેલ હતાં. કાલી, મોટી આંખોની આસપાસ દાઝ્‌યો પડી ગઈ હતી. પણ

અનંતની નજર તો બહેનના કેશની બન્ને ગાલો પર ઝૂલતી કાળી ભમ્મર લટો ઉપર હતી. ભાઈ નાનો હતો ત્યારે એ અંબોડામાં કરેણનાં ફૂલ ભરતો, ને એ લટોમાં મોં છૂપાવી ચંદ્ર-વાદળની રમત રમતો. અત્યારે ભાઈનો દેહ બહેનને ભેટી ન શકે; પણ અંદરનો પ્રાણ આંખો વાટે એ લટો પર ચડી, વડલાની ડાળે વાંદરૂં રમે તેમ, ઓળકોળાંબડે રમવા લાગ્યો. ત્યાં તો બાએ ફરીવાર પોરો ખાઈને અનંતને સંબોધી શરૂ કર્યુંઃ

"ભાઈ ! ચીંથરાં શીદને ફાડછ ? આ શેરી ને આ નાત અમારી દુનિયાના છેડા ઠર્યા. હવે આ આંખો આઘેરૂં નહિ જોઈ શકે. અમારી બુદ્‌ધિને તાળાં દીધેલ સમજઃ અમને પેટનાં બાળ ભક્ષનારાં સમજ. બેનને આ ખોળામાં ધવરાવી છે. દૂધ પીતી કરી હોત તો દુઃખ નો’તું; પણ જીવતી રહી છે, એટલે એનો ચૂડો ને ચોટલો ઉતાર્યા વિના અમારે છૂટકો નથી."

"નીકર ?" અનંતે બા સામે જોયા વગર પૂછ્‌યું.

"નેકર હું ને તારો બાપ અફીણ ઘોળશું. તમે સુખી થાજો, ભાઈ ! આજ લગી તમે ’માતૃદેવો ભવ’ના ને પિતૃદેવો ભવ’ના જાપ જપ્યા; તમે આ માના ખોળા ખૂંદ્યાઃ આજ અમારૂં મોત બગાડવા ઊંભા થયા છો, ખરૂં ?"

એ જ વેળા બીજે માળેથી કોઈ ગાતું હતું કે -

કરતા હોય સો કીજિયેં,

અવર ન કીજે, કગ્ગ!

માથું રહી જાય શેવાળમાં,

ને ઊંંચા રહી જાય પગ.

અનંતના વ્યવહારડાહ્યા મોટાભાઈનો એ અવાજ હતો. બહુ વખતસર એ દોહરાના સૂર નીકળતા હતા. ’માતૃદેવો ભવ !પિતૃદેવો ભવ !’ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા. અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગોખીને લાવ્યો હતો, તે ભૂલી જવા લાગ્યો. બા બોલ્યાંઃ

"છેવટે તારે કરવું તો છે તો બેનનું ઘરઘરણું ને ! બહુ સારૂં; ખુશીથી; અમારા પંડય પડયા પછી મનધાર્યું કરજો. પણ અમે બેઠાં તો ધરમને નહિ જવા દઈએ, ભાઈ !"

બાપુ વચ્ચે આવ્યાઃ "તમે એમ ગરમ શીદને બનો છો ? હું ભાઈને સમજાવુંઃ જો, ભાઈઃ તારૂં શું ચાલવાનું ? આ ભદ્રા તો ગરીબ ગાય છે. આપણા ન્યાત-પટેલો એના ભવાડા કરશે; એની બદબોઈ કરી એને જીવતી મારી નાખશેઃ તે કરતાં અમારો માર્ગ શું ભૂંડો છે ? તું સાથે આવીશ તો તારી શેહમાં દબાઈને એનાં સાસરિયાં એને પીડતાં અટકશે. સહુની આબરૂ રહેશે. પછી તું ને તારી બેન મનનું ધાર્યું બધુંયે કરી શકશો."

અનંતનો દારૂગોળો ખલાસ થઈ ગયો. જે માતાના ખોળે બેસી એણે ધાવણ ધાવેલું, વાર્તાઓ સાંભળેલી, ધગધગતા તાવથી તપતું શરીર ઢાળેલું, તે માની છેલ્લી - છેલ્લામાં છેલ્લી - માગણી અનંતને મન પરમ પવિત્ર બની ગઈ. ભદ્રાનો ભોગ અપાઈ ગયા પછી પોતે એક મહાન ક્રાંતિકાર બની શકશે. એ એનું આશ્વાસન હતું.

"ત્યારે જો, બેટા" બાપુએ આખો કાર્યક્રમ રજૂ કર્યોઃ "બેનનું ચૂડી-કર્મ તો આંહીં આપણને મરણના ખબર મળે કે તરત જ કરી લેવું જોઈએ, પણ ભદ્રા તો હઠે ભરાયેલી, તારા આવ્યા વગર એ માનવાની જ નહોતી, એટલે હવે અત્યારે જ કરી નાખીએઃ એક ચૂડલી ભાંગવામાં શી વાર છે !"

અનંતની કલ્પનામાં ભદ્રાના કાંડાનાં કંકણ ’કડડ ! કડાડ ! કડડ !’ બોલતાં સંભળાયાં. એ કડકાટમાં અનંતે સ્વરો ગૂંજતા સાંભળ્યા કે, ’માતૃદેવો ભવ ! પિતૃદેવો ભવ !’ પિતાએ આગળ ચલાવ્યું.

"પછી આજ રાતે ગાડીએ બેસીએ. વચ્ચે લીંબડી, વઢવાણ, લખતર ને વીરમગામથી આપણા ધનશંકર, નરહરિ, હરિહર વગેરે કાણિયાઓ એની વહુઓ સાથે ભેળા થશે. સવારે નાની ગાડી બદલશું. સમાણા સ્ટેશને ઊંતરી ગાડું કરી લેશું. તું ને હું આગળ જઈને ત્રિપુરાશંકરની માફામાફી કરી લેશું; કેમકે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને ભદ્રાની ઉપર વેર વાળવાની પેરવી કરી છે. કોઈ રીતે હાથે-પગે લાગી, બારમા સુધી રોકાઈ બેનના માથાનું ક્ષૌર-કર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું. બેન પાંચેક મહિનાનો ખૂણો પાળી લેશે, એટલે તેડી લાવશું. પછી તું ઠીક પડે તેમ

કરવા મુખત્યાર છે, ભાઈ !"

સહુને આ વિગતો વાજબી લાગી. અનંત નિરાંતે નહાયો, ત્યાં નીચે બાએ શેરીની બાઈઓને એકઠી કરીને ભદ્રાનો ચૂડૂ ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી. સગાંવહાલાં ને જ્જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યાં. અનંતના સ્નેહીઓએ પણ એનામાં આ ઓચિંતી ખીલી નીકળેલી સમાધાન-વૃત્તિ વખાણી.

ચ૨ૃ

સાંજે સંજવારી કાઢવાને બહાને ભદ્રા અગાસી પર ચડી છે. સૂર્યનાં ઢળતાં કિરણો પ્રતાપગઢની દરિયા-ખાડીમાં ખૂતતાં-ખૂતતાં ચાલ્યાં જાય છે. તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતરની ખાડીના કૈં કૈં કીચડમાં ભમે છે... આજથી આઠ જ મહિના પહેલાં ત્રવાડી-ફળિયાની રંડવાળ છોકરી રેવા એક બંગડી વેચનાર જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને, સાંભળવા પ્રમાણે, લખનૌના મહબૂબ મહોલ્લામાં ’ગુલબીબી’ને નામે લીલાલહેર કરે છે... બીજી એક પતિની તજી દીધેલી પચીસ વર્ષની શ્રીમાળણ કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી ફરતી એ તજનાર ધણીનાં ગાણાં ગાય છે... ત્રીજી સુનંદાઃ બાળ રંડવાળ્યઃ એનો સુધરેલો મામો સાસરિયાંને ઘેર જઈ, ભાણીનું માથું મૂડતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો; જલંધરમાં ભણાવી ગણાવી હુશિયાર કરાવી દીધીઃ એણે હમણાં જ દાક્તર ઈન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહિની છાંટી, બળવંતનું ઘર ભંગાવી, બળવંતની જુવાન રૂપાળી બાયડીને બોરબોર આંસુડાં પાડતી દીકરાસોતી ઘરબહાર કઢાવી છે ને પોતે પ્રેમ-લગ્ન કરી બેઠી છે... આ બધા બનાવોએ ભદ્રાના અંતરમાં ઊંંડા પ્રશ્નો ઉઠાડયાઃ હું ક્યાં જઈ રહી છું ? મારે કપાળે શું માંડયું છે ? મારૂં કોણ ? ગાંડી થઈ જઈશ તો ?

પાણીમાંથી નીકળવા ફાંફાં મારતું ઢોર જેમ ભેખડ ઉપર પગ ઠેરવવા મથે, તેમ ભદ્રાનું મન એના વિચારો ઠેરવતું હતું. રાતના દસે ઊંપડતી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંડાંની ચૂડીના કટકા લઈ સ્વર્ગે સંચરેલા સ્વામીનાથને અર્પણ કરવા જવાનું છે. અંધારૂં થયું, એટલે એની યાદદાસ્ત ઢૂકડા-ઢૂકડા ક્યા ક્યા ને કેટલા કેટલા ઊંંડા કૂવાઓ છે તેની ગોત કરવા લાગી. પછી એણે અગાશીની પાળ પરથી નીચે બજારમાં નજર કરી. આંખે તમ્મર આવ્યાં. મન બોલ્યુંઃ ’આ જ ઠીક નથી ?’

એ વખતે થોડે દૂર નેહરૂ ચોકમાંથી કાંઈક અવાજો આવ્યાઃ ’ઝંડા ઊંંચા રહે હમારા’નું જોશીલું ગીતઃ ફટકા અને લાઠીઓની ફડાફડીઃ ઘોડેસવારોની ને તોપખાનાની દોડાદોડ. કાંઈક તુમુલ કાંડ જામ્યો છે. જગડૂ શેરીના શ્રીમંતો દુકાનો વધાવી લઈ મકાનોમાં પેસી રહેલ છે. એક આગેવાન પોળવાસી ગભરાટભર્યો શેરીમાં ઘેરઘેર જઈને કહી રહેલ છે કે, "મામલો વીફર્યો છે, ભાઈઓ ! નવરોજીના પીઠા પાસે બાઈઓના ચોટલા ઝાલીને સોલ્જરો ભોંય પર ખેંચે છે, ચત્તીપાટ પછાડીપછાડીને બંદૂકને કૂંદે-કૂંદે ગૂંદે છે, ને કહે છે કે ગયે વખતે તો જેલમાં બાયડીઓની બંગડીઓજ ભાંગતા, પણ આ વખતે તો ચોટલા મુંડવાના છે. જોજો, ભાઈઓ, ચેતજો ! જહાનમમાં જાય એ સ્વરાજ ને એ ગાં...’

ટપોટપ જગડૂ શેરીનાં ઘરો બંધ થયાં. પાડોશીઓ આ તોફાન જોવા માટે ભદ્રાના ઘરની અગાશીએ ચડયાં, ને એ ભીડાભીડમાં ભદ્રા બહારના દાદરેથી નીચે ઊંતરી ગઈ. બહાર નીકળી મકાનને ખૂણે અંધારામાં એક જ પળ ઊંભી રહી.

કોઈકોઈ વાર એક યુગ કરતાં એક પળની શક્તિ વધારે હોય છે. એવી પળ એટલે કાળની બંદૂક્માં ઠાંસી-ઠાંસીને ઘરબેલી દારૂગોળી.

વંટોળિયાની ગતિથી ભદ્રા નેહરૂ ચોક તરફ ચાલી ગઈ. એના અંગમાં ને અંતરમાં કોઈક અજાણ્‌યું બળ ફાટફાટ થતું હતું. પહોંચી ગઈ, અને લાકડેઓની ફડાફડીમાં કોણ જાણે ક્યાં ગાયેબ થઈ.

બે જ કલાકમાં પાછી શાંતિ છવાઈ. જગડૂ શેરીના લખપતિ શેઠિયાઓ ઘરની બહાર નીકળીને ખોંખારો ખાઈ વાતો કરવા લાગ્યા કે "આપણી શેરી તો પટારા જેવી છે પટારા જેવી ! અપણું જૂથ કેવું જબ્બર અને એકલો’યું ! આંહી કોઈ ગાંધીનું માણસ ન ઢૂંકે, ન કોઈ મસલમાન ફરકે, કે ન કોઈ પોલીસ આપણું નામ લ્યે. આપને ભલા, ને આપનો ધરમ ભલો ! આપણી બાયડિયુંને ભોળવીને આ ધતિંગમાં ભેળવવા કયો બચ્ચો આંહીં ફાવવાનો હતો !" વગેરે વગેરે ચર્ચા કરતા લોકો હાથમાં ઝાલેલા ડંગોરા પછાડીપછાડી ભસતાં કૂતરાંને વધુ ઉશ્કેરતા હતા. ફરીવાર પાછી એ ઉકરડા ઉપર શૌચ કરતી સ્ત્રીઓની પંગત શરૂ થઈ ગઈ હતી, અને ઉપલે માળે ઊંભેલો અનંત બબડતો હતો કે "આંહી તોપ માંડવી જોઈએ - તોપ !"

તે વેળા ઘોડાગાડીવાલો હાજર થયો. અનંત અને બાપુ નીચે ઊંતર્યા. બાપુએ બાને કહ્યુંઃ "ચાલો, બેન તૈયાર છે ને ?"

"બેન તો ઉપર હતી ને ?"

"ના, ક્યારે ? જુઓ તો !"

સાદ પાડયા. સહુ દોડીને ત્રણેય માળ ફરી વળ્યાં. મોટાભાઈએ તો મેડાનું કાતરિયું પણ તપાસ્યું.

"બેન ક્યાં ?"

એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના છ-સાત કૂવાઓ ઉપર પેટ્રોમેક્સ-બત્તીઓ બાળી, અંદર મીંદડીઓ નંખાવી પાણી ડોળી જોયાં. શ્રીમાળીની ન્યાતમાં ઘેર-ઘેર વાતો ચાલી કે "રાંડ ભાગી ગઈ ! ઠીક થયું ! બહુ ઉફાંદ કાંઈ સારી છે, બાપુ !"

ચ૩ૃ

સવારના અગ્િાયાર બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી. ઓરતોની બુરાકમાં મુકાદમની બૂમ પડી કે "બાઈ ભદ્રાની મુલાકાત !" એક ઘંટી દળાતી હતી, તે અટકી ગઈ. કપાળ અને હાથ ઉપર પાટા વીંટાળેલી ભદ્રાને ધક્કા મારતી ઓરત-મુકાદમ મરિયમ જેલને દરવાજે લઈ આવી. બાપુ અને ભાઈ ભદ્રાની મુલાકતે આવ્યા છે.

"જેલર સાહેબ !" ભદ્રાએ પૂરા તોરથી, વિજયના આનંદે ફૂલી ઊંઠતા કંઠનો અવાજ કાઢ્‌યોઃ "હું એક મહેરબાની માગું છું. આ એક પડીકું મારા સગાને સુપરત કરવાની રજા આપો. બદલામાં હું બે મણ વધુ જુવાર પીસી દઈશ.

"ઈમેં ક્યા છે ? ખોલો !" ગોરા જેલરે હોકલીના ગોટેગોટા ધુમાડા કાઢતાં -કાઢતાં એની હિન્દી-ગુજરાતીમાં કહ્યું.

પડીકું ખોલાયુંઃ એક વાંભ જેટલો લાંબો, ઘનશ્યામ-રંગી સુંવાળો ચોટલો હતો.

"બાપુ ! ભાઈ ! લ્યોઃ આજે રાતે જ ગાડીએ ચડજો, ને આ મારા સૌભાગ્યના શણગાર જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી આવજો."

અનંતે એ ચોકડીવાળી સાડીમાં ઢંકાયેલું ભદ્રાનું મૂંડેલું માથું નિહાળ્યું. એના વાનર-હ્ય્દયને ઓળકોળાંબડે રમવાના બાળ-દિનો યાદ આવી ગયા. લટો વિનાની બહેન એનાથી કલ્પાઈ નહિ.

પણ આ એક જ રાતમાં ભદ્રાની આંખો ફરતી કાળી દાઝ્‌યો ક્યાં ઊંડી ગઈ ? એના ડોળામાં આ દીપ્તી ક્યાંથી ? એના જખમી હાથો કયા જોમે છલકાય છે ? ભાઈ-બાપની પાસે ઊંંચી નજર પણ ન કરનાર આ કંગાળ બ્રાહ્‌મણ-કન્યા આજે પહાડ જેવડા કદાવર અને ગોધા જેવા કરડા જેલર સાથે તડાકા ક્યાંથી કરે છે ?

"લ્યો બાપુ !ભાઈ ! હું રજા લઉં છું. તમને સહુને હવે સંતોષ થવો જ જોઈએ. તફાવત હોય તો એટલો જ કે આ દેહ અને આ ચોટલો મેં બીજાં કોઈને દેવા કરતાં આ જન્મભૂમિને દીધાં - કે જે, કાંઈ નહિ તો, છેલ્લે સાડાત્રણ હાથ જમીન તો આપશે !"

બાપુએ નીચે જોયું.

"ને બાપુ ! આંહીં જ્જ્ઞાતિ નથી; સધવા-વિધવા કે તજાયેલીના ભેદ નથી; કંકુ નથી, ચોટલા નથી. વાઘરણોની સાથે આંહીં રહું છું ને ખાઉં છું, પીઉં છું, હો ! આંહીં તો લીલાલહેર છે."

મરિયમ મુકાદમના ધક્કા ખાતી એ જુવાન બ્રાહ્‌મણી કોઈ મસ્ત આનંદે મલકતી અદ્રશ્ય થઈ. જીવતરમાં કાંઈક કરી નાખ્યાનો - સમુદ્રની બહોળી છોળોમાં નહાયાનો - એ આનંદ હતો.

હાય ! પટારા જેવી જગડૂશેરી, તિજોરી જેવી શ્રીમાળી બ્રાહ્‌મણની જ્જ્ઞાતિ, અને પ્રતાપગઢના માજી વસૂલાતી અધિકારીનું આદ્ય ખોરડું એ ત્રણેયમાં એકાએક આ ગાબડું પાડનારી તોપ ક્યાંથી મંડાઈ ગઈ ! એ વિચાર કરતો પ્રોફેસર અનંત પાછો સૂરત જઈ કૉલેજિયનોની સમે ઈબ્સન ઉપર ભાષણ દેવા લાગ્યો.

રોજ દરવાજે દાખલ થતાં કોઈ કહેતું : "હિચકારો !"

એ તો પેલી વંઠેલી પિકેટર મધુમતી !

સદાશિવ ટપાલી

થાવા જ દઉં નહિ ને ! પાટે ચડવા જ દઉં નહિ ને ! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે ! "

આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર સારા બોલ્યા.

"જોયું ! મારી તાળી પણ સાક્ષી પૂરે છે !" એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહી-છલકતી પીઠ પાછળ દોદી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દ્રષ્ટિ તીણું ત્રિશુળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુકલાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો.

લોટ માગવાનો વ્યવસાય મોળો પડયો હતો. મોરૂકા વખતની કણબણો ખોબા ભરીને લોટ દેતી, તે હવે રાંધણિયામાંથી જ ’હાથ એઠા છે, મા’રાજ !" કહીને શુકલોને વિદાય દેતી. જાત-મહેનતના ધંધામાં હીણપ લાગતી, એટલે ભવાનીશંકરકાકાની ડેલીએ શુકલ-ન્યાતના નવરા બ્રહ્‌મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે સદાશિવ ટપાલીની ચર્ચા મંડાઈ.

"ભવાનીકાકા ! ઘર બંધાવા ધોને બાપડાનું ! બિલાડાની જેમ ’વઉ ! વઉ !’ કરી રહેલ છે !"

“એમ કાંઈ ઘર બંધાશે ! મોટો ભાઈ કુંવારો મૂઓ, તેનાં લીલ પરણાવ્યાં નથી, બાપનું કારજ કર્યું નથી. અરે, પોતેય જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પે’રી લીધા છે. આટલી પેઢીથી ન્યાતનાં ભોજન ઊંભે ગળે ખાધાં છે, અને હવે ખવરાવવામાં ઝાટકા શેના વાગે છે !”

“બાપના વખતનું કંઈ ઘરમાં ખરૂં કે નહિ, ભવાનીકાકા ?”

“ખોરડું છે ને ! શીદ ને નથી વેચતો ?”

"પણ પછી એને રે’વું ક્યાં ?"

"એને શું છે ! વાંઢો છે. આપણા ખડવાળા ઓરડાની ઓસરીને ખૂણે ભલેને રોજનાં બે દડબાં ટીપી લ્યે; કોણ ના પાડે છે ?"

"પણ અત્યારે કોણ એ ખોરડાનાં નાણાં દેતું ’ તું ?"

"ન્યાતનું મોં મીઠું થતું હોય, ન્યાતનો ધારો સચવાતો હોય ને એનું પણ સારૂં થતું હોય તો હું રાખી લઉં."

"હા ! ભવાનીકાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે. દીકરા મોટાઃ જુવાન દીકરી ઘરમાંઃ પોતાનું ત્રીજી વારનું પરણેતર... વસ્તાર તો વધે જ ના !"

"ભવાનીકાકાને સળંગ ઓસરીએ એના શીરાબંધ ઓરડા ઊંતરે હોં !"

"મારે તો ઠીક, સાંકડયેમોકડયે ચલાવી લેવાય. પણ આ તો ન્યાતનું ભૂષણ નથી રે"તું; ન્યાતનો ધારો તૂટે છે, શુકલ બામણનાં બસો કુટુંબોનાં મોઢાંમાંથી મીઠો કોળિયો જાય છે."

એ વખતે જ ભવાનીશંકરકાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઈ ઓરડે ચાલી ગઈ. મંગળાની હેલ્ય ઉપર કાગડો બેસે એ રીતે ઊંડી-ઊંડી ને બ્રાહ્‌મણોનાં હૈયાં એ રૂપ ઉપર રમવા લાગ્યાં. કો ઈ ટીખળીએ કહ્યુંઃ "કાકા ! સદાશીવને જમાઈ જ ન કરી લેવાય ?"

"નરહરિશંકર !" કાકા કોચવાઈ ગયાઃ "કાગડાને મોતીના ચારા નીરનાર હું ગમાર નથી. હું અંબાજીનો ઉપાસક દ્‌વિજ-પુત્ર છું. દ્‌વિજો નો પણ શુકલ છું એથી તો દીકરીને દૂધ પીતી કરીશ, પણ કઠેકાણે કેમ નાખીશ ?"

જ્જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં, ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર, લઠ્‌ઠ પગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. “દાક્તર સાહે...બ’, ’ફોજદાર સાહે..બ’, ’હીરાચંદ પાનાચંદ’, ’સપાઈ દાદુ અભરામ’, ’પગી ઝીણિયા કાળા’ અને ’મેતર માલિયા ખસ્તા’ એવા સિંહનાદે એક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો સદાશિવ સડેડાટ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડયા વિના, ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો શુકલ, અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે ‘મારો કાગળ છે ?’ તો જવાબમાં ‘ના જી‘ને બદલે એકલી ‘ના’ જ કહેવાની સદાશિવિયાની તોછડાઈને કારણે નગરશેઠે પોસ્ટખાતાને ફરિયાદ કરી હતી. ‘નૉટ-પેઈડ’ થયેલું પરબીડિયું છાનું વાંચવા દઈને પાછું લઈ જવાની એણે ના પાડેલી, તેથી મ્યુનિસિપાલિટીના નવા ‘કાઉન્સિલર’ જમિયતરામભાઈનો એ ગમારે ખોફ વહોરેલો. પરિણામે એના ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તે નહોતી મળી.

પણ સદાશિવ ટપાલીનો કોળીવાડાને, કુંભારવાડાને, તેમજ ઢેઢવાડાને ભારી સંતોષ હતો. ઘર-ધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તડમાંથી સેરવી આવતો. ઢેઢવાડાના કાગળો એ ઠેઠ રામદેવ પીરના ઘોડાની દેરી સુધી જઈને આપી આવતો. માલિયા ઝાંપડાનું રજિસ્ટર આવેલું, તેની પહોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલી. અને ગલાલ ડોશી કહેતાં કે, “મારા દીકરાનું મનીઆડર આવેલું તે દિ’ હું ખેતર ગઈ’તી તે સદાશીવ બાપડો દિ’ આથમતાં સુધીમાં ત્રણ આંટા ખાઈને પણ તે દિ’ ને તે દિ’ પૈસા પોગાડયે રિયો’તો. તે દિ’ જો મને નાણાં ન મળ્યાં હોત ને, તો તળશી શેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નો’તો !”

ને, તે સાચે જ શું સદાશિવ રૂપાળો હતો ? એની સચોટ સાક્ષી જો’તી હોય તો પૂછો ભવાનીશંકરકાકાની જુવાન દીકરી મંગળાને. પણ ના, ના; મંગળાને એમાં શું પૂછવું છે ? બ્રાહ્‌મણ માબાપનું કિશોરબાળ પૂછ્‌યે જવાબ પણ શો આપવાનું હતું ! પોસ્ટ-ઑફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી, ત્યારે સદાશિવ એને બેડું ચડાવવા આવતો ખરો; પણ એ કદી હસ્યોય નહોતો, મંગળાની સામે ટીકતોય નહોતો; બની શકે તેટલો છેટો રહીને બેડું ચડાવતો. ગામની મેમણિયાણીઓ આડાં બેડાં નાખીને જોરાવરીથી મંગળાનો વારો ટાળતી, ત્યારે સદાશિવ ખડે પગે ઊંભો રહીને મંગળાને રક્ષણ દેતો. પણ એ કાંઈ પ્રેમ કહેવાય ! પ્રેમ શું એવો મૂઢ હોય ! પ્રેમની તો અદ્‌ભુતતા હોવી જોઈએ ને !

મંગળા તો ગામની કન્યાશાળામાં પાંચ ગુજરાતી ભણી હતી. દાકતરે દીકરીઓને અંગ્રેજી શીખવવા ઘેર એક માસ્તર રાખ્યો હતો. ત્યાં જઈને અંગ્રેજી ભણવા માટે પણ મંગળાએ મન કરેલું. પણ ભવાનીશંકરકાકા તો શુક્લની દીકરી અર્ધે માથે ખસી ગયેલ ઓઢણે ’વંઠેલ’ ભાષા ભણવા બેસે તે કલ્પનામાત્રથી જ કંપી ઊંઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી, અને કન્યા શાળાના મેળાવડાઓમાં ગીત-ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા, તે તો કોઈ સારો મૂરતિયો મેળવવાના હેતુથી. કોઈ દરબારી કે સરકારી અમલદાર મળી જાય, તો મંગળાને પણ ભયોભયો; પોતાનો પણ વશીલો; દિકરાઓને કન્ટ્ર્‌રાક્ટનાં બહોળાં કામકાજ હાથમાં આવે... એ બધું એમની ગણતરી બહાર નહોતું.

ચ ૨ ૃ

શુદ્ધ શુક્લ-ઓલાદના એ બ્રહ્‌મપુત્રની આશા બરોબર ફળી; ઈડર રાજના ’પબ્લિક પ્રોસિક્યુટર’ રાંડયાં. ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી. એની ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યુટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ ભવાનીશંકરકાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી ? મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઈ રહેવાનાં હતાં. ટૂંકામાં, પ્રોસિક્યુટર પચાસ માણસોની જાન લઈને એક દિવસ આવ્યા. ઈડરના ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઈને એક કલાક માટે પ્રોસિક્યુટરની જાનમાં આવ્યા, તે બનાવે આખા ગામને હેરત પમાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાનીશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેંત અધ્ધર ચાલતા થયા. પ્રોસિક્યુટરે ચોરાસી જમાડી, તેની તો એઠ્‌ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને ઢેઢવાડા ધરાયા ને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્યાં. ઈડર રાજનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી જલસા કરાવી ગયું, એ તો અવધિ થઈ ગઈ.

આવી જાહોજલાલીથી પરણી ઊંતરેલી પંદર વર્ષની ઉગ્રભાગી મંગળા ઈડર રાજ્યના પ્રોસિક્યુટરની અર્ધાંગના બની. ’અર્ધાગના’ શબ્દ આંહીં અલંકારમાં કે કટાક્ષમાં નથી વાપરેલો. સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો, ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો. ઈડર રાજના પ્રોસિક્યુટરની પડખોપડખ બેઠેલી બહેન મંગળા એના પિતા ભવાનીશંકર પંડયાને તો બરોબર કોઈ ઘટાદાર આમ્ર-વૃક્ષને વળુંભતી માધવી-લતા સમાણી લાગી હતી. પણ આતો આડા ઊંતરી જવાયું. કહેવાનું એ હતું કે, બહેન મંગળા પરણીને સિધાવી તેના વળતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો. પોસ્ટ-ઑફિસ સામે એક બગીચો હતો, તેના બાંકડા ઉપર બેસીને બે-ચાર પૈસાના ભજિયાં કે ગાંઠિયા ખાઈને ફુવારાના નળનું પાણી પી લેતો.

વાણિયાની દુકાનનાં ભજિયાં-ગાંઠિયા ખાઈને સદાશિવ ટપાલીએ બ્રાહ્‌મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો, એનું એક કારણ કહેતાં ભૂલી જવાયું છે, જે દિવસ મંગળાના વિવાહની ચોરાસી જમી, તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું સહેજ જળી ગયેલું રેશમી પિતામ્બર પહેરી, પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસત નો ચક્ચકિત લોટો લઈ ચોટલી ઓળી, ખાસું ચાર ઈંચનું ત્રણ-પાંખિયાળું ત્રિપુંડ તાણી જમવા ગયો, પણ પંગતમાં બેસવા ગયો ત્યારે એને દરેક તડાએ આંહીં નહીં... આંહીં જગ્યા નથી ...’ કહીને તારવેલો, ટલ્લે ચડવેલો. ચોરાસીની ન્યાતમાં તે દિવસ સદાશિવ ટપાલીની દશા દ્રૌપદી-સ્વયંવરમાંના દાસી-પુત્ર કર્ણના જેવી થઈ હતી. દાઝમાં ને દાઝમાં ગમારે બોળી માર્યું કે "શું હું શુક્લ બ્રાહ્‌મણ નથી ?"

એ વખતે કોઈકે અવાજ કર્યોઃ "વાં...ઢો ! ત્રીસ વરસનો ઢાં..ઢો ! "

કોઈ શિકારી શ્વાનના જૂથ ને સિસકારે તેવી મજાની આ શબ્દોની અસર થઈ હતીઃ ખિખિયાટી અને હસાહસ ચાલ્યાં હતાં, કોપાગ્નિમાં સળગતા સદાશિવે જવાબમાં હૈયે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે “વાંઢો વાંઢો કરતાં લાજતા નથી ? શા સારૂ પારકાને તેડાવી દીકરિયું દઈ દિયો છો ? શું અમે મજૂરી કરીનેય બાયડીનાં પેટ પૂરતા નથી ? શું અમને બાયડી વા’લી નથી ? શા સારૂ પારકાને -“

એજ વખતે કાકો ભવાનીશંકર શુક્લ આ રંગભૂમિ પર દેખાયા. એણે સદાશિવની બોચી ઝલી આટલું જ કહ્યુંઃ ‘હું સમજું છું તારા પેટનું પાપ. જા ! બાપનું કારજ કર્યા પછી જ પંગતમાં બેસવા આવજે !”

સદાશિવ ટપાલી ઘેર ચાલ્યો ગયો. પછી એ આખા બનાવમાંથી કક્ત એક જ બિના એ વારે વારે સંભારતો, ને મનમાં ને મનમાં બબડતો કે, તે વખતે બાઈઓની પંગતમાં મંગળા બેઠી’તી ખરી ? એને ખિખિયાટા કર્યા’તા ખરા ? આજ બે વરસે હું શા સાટુ નીમ તોડીંને ન્યાતમાં ગયો ? મંગળાને છેલ્લી વાર જોઈ લેવાનો મોહ કેમ ન છોડયો ? એ ત્યાં બેઠી હતી ખરી ? એ હસી હશે ખરી ? એનાં દેખતાં જ શું ફજેતી થઈ ?’

એ દિવસ થી સદાશિવ ઉઘાડેછોગ વાણિયાના ભજિયાં ખાઈને ન્યાત ઉપર દાઝ કાઢતો હતો.

ચ૩ૃ

ભવાનીકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો થેલો ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળે છે. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યોછે. બન્ને એકલા છેઃ બન્ને મૂંગા છેઃ બન્નેને તાપમાં તપતાંતપતાં, બસ, કેવળ પંથ જ કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા; અને બીજાના માથા પર અનેકમાનવીઓનાં સુખા - દુઃખની છૂપી - અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ - તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ સદાશિવ ના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્ને નું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઈ-શોષાઈ જતીઃ સદાશિવનું જીવન - વહેણ પણ એકલતાની ધરતીમાં ઊંતરીને વરાળ બની જતું. પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાને તો એક ચપતરી મોકલવાનું પણ કોઈ સરનામું નહોતું. ઘણીવાર એની આંગળીઓ ત્રમ્ - ત્રમ્ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત ‘તમો સુખી છો ?’ એટલું લખીને ચોડયો હતો. સરનામું ‘બેન મંગળા, ઠે...’ એટલું લખતાં તો આંગળીઓ પરસેવે ટપકી ગયેલી; ને એ કવરની ઝીણીઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે, કો ઈ ન દેખે તેમ, નદીમાં પધરાવી દીધેલી.

જગતમાં ‘વાંઢા’ જેવો કોઈ ગહન કોયડો છે ખરો ? એને કોઈ પડોશમાં ઘર ન આપેઃ કોઢિયા ને રક્ત્પીતિયા જેવો એ ભયંકર છે. એનું ટીખળ સહુયે કરે; પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ છે. પાડોશના બાળકને જો એ પીપરમીટ લાવીને આપે, તો તે ઘડીથી ‘બબલીની બા’ અને આ પીપરમીટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલી ‘ડીગ્રી’ને ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ ‘બબલીના બાપા’ રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરાં સમજે કે, ‘પીટ્‌યો અમને સંભળાવવા સારૂ આરડે છે !’ એ જો મૂંગો મરી રહે, તો ‘હલકા મનસૂબા’ ગોઠવતો લાગે. એની અનંત વેદનાઓને વ્યકત થવામાં સભ્ય-વાક્ય એક જઃ ’મારે રોટલ-પાણીની વપત્ય વડે છે !’

ચ૪ૃ

“મારૂં કરમ ફૂટી ગયું, ભાઈ ! દીકરી મંગળનો ચૂડો ભાંગ્યો.”

“ઓચિંતનું શું થયું ?”

“હરિ જાણે ! જમાઈની કાયા તો કંચન સરખી હતી; પણ એકાએક હ્ય્દય બંધ પડી ગયું. ઓછમાં પૂરૂં દરબારે મકાન પણ પાછું લઈ લીધું; જમીન આપી’તી તે રાજમાં દાખલ કરી દીધી, અને દીકરીને પહેર્યે લૂગડે બહાર કાઢી.”

“આ તે શો કોપ !”

“હું જાણું છું, ભાઈ, જાણું છુંઃ દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમૂખો સદાશિવિયો તે દિ’ નિસાપો નાખી ગયેલો ને શરાપી ગયેલો. વાઘરીવાડે જઈને કાંઈક કામણટુમણ પણ કરાવતો હતો. એનાં પાપ મંગળાની આડાં ફરી વળ્યાં.”

ભવાનીકાકની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છેઃ જમાઈરાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહિ પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું. એ માધવીલતાનો ઓધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઈ પડયો હતો.

*

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની કીકી એની કેડયે રમે છે. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી. વરના પિત્રાઈઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઈ આ ‘રાંડમૂંડી’ ને માસિક બે રૂપિયા જિવાઈના ઠરાવી આપ્યા છે. ભવાનીકાકાને નવી વહુથી થયેલી બાળગોપાળ-વાડી બહોળી હોઈ આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું; પણ મંગળાનો રંડાપો એને ભારી ઉપયોગી થઈ પડયોઃ નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંગળા જ કરશે; અને એટલી બધી સુવાવડને કારણે મા માંદાંસાજાં રહે છે, તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે.

નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી ગોહિલવાડમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઈ રંગ ઊંઘડતો ! ભવાનીકાકાને નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડયે પોતાની નાની કીકીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા પર પછેડી લઈ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘર-કામ હોય, તેથી બળતે બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઈને જ સદાશિવ હલકારાનો કેડો જાતો. એ રીતે કોઈકોઈ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ટપાલી - ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથું જણ ભળતુંઃ રાંડીરાંડ મંગળા. મંગળાની કીકી સારૂ સદાશિવ પોતાની કેડયે પીપરર્મીટની પડીકી ચડાવી રાખતો. કોઈકોઈ વાર થેલો ઝાડના થડ પાસે મેલીને માટી ખોદી આપતો, ગાંસડી ચડાવતો; પણ અગાઉની માફક જ મૂંગો રહેતો. સામી મીટ માંડતો ખરો, પણ સસલાની માફક બીતોબીતો.

હા ! ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઊંગ્યુંઃ આ ઓરિયાની અંદર મંગળા થોડેક વધુ ઊંંડાણે ઊંતરી જાય.... એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે... એ ક્ષણે જ પોતે નીકળે... નાની કીકી રોતી હોય, મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મૂંડો જરીક બહાર દેખાતો હોય, તે નિશાનીએ દોડીને પોતે મંગળાને એ દડબાં નીચેથી બહાર કાઢે, પાણી છાંટે, પવન નાખે, જીવતી કરે; ને પછી -

આહાહા ! પછી શું ? અદભુત કોઈ નવલકથાના વીરની માફક મંગળાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી; ઘર માંડવું હતું; આ માટીથી ઓરડો લીંપાવવો હતો. મંગળાને માથે ભલે વાંભ એકનો ચોટલો ના હોય, ભલે મૂંડો જ રહે, ભલે એનું રૂપ શોષાઈ ગયું, સદાશિવ તૈયર હતો.

પણ જીવતર ક્યાં નવલકથા છે ! આવા જ કશા દટણપટણની જરૂર ન પડી, એવો એક દિવસ સીધીસાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચંપાતાચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા-મારવાની હિંમત ભીડી.

મંગળા એટલું જ બોલીઃ “આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું."

સદાશિવે દૂર ઉભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યુંઃ ‘આ નદીની સાક્ષીઃ આખી દુનિયાની સામે ઊંભો રહીને તને ને કીકીને હું પાળીશ.”

વૈશાખ શુદ પાંચમની રાતે નદી- કાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ શુક્લ બ્રાહ્‌મણોના હાથની ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્‌યાંઃ પરણવા બેઠેલાં ટપાલી સદાશિવનું ને વિધવા મંગળાનું તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું, વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો.બેશુદ્‌ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બબડતો હતો. ગામના બ્રાહ્‌મણો એને ’સાળો વીશવો આર્યસમાજીડો !’ કહી ઓળખતા.

ત્રણેય જણાં એક પખવાડિયે દવાખાનામાંથી સાજાં થયાં. સદશિવને પોસ્ટ-ખાતામાંથી ‘બરાબર નોકરી કરતો નથી’ તે કારણે રજા મળી. કોળીવાડને પડખે એ બેય જણાંને ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું. કોળીઓ ભેગા થઈને કહે, “મા’રાજ ! તું જો કે’તો હો ને, તો અમે ઈ પચાસેય શુક્લોનાં ઘરમાં આવતા અંધારિયે ગણેશિયા ભરાવીએ.” સદાશિવે હસીને ના પાડી.

ને દુનિયા શું આટલી બધી નફટ છે ! એની નફટાઈની અને એના ભુલકણા સ્વભાવની તે શી વાત કરવી ! સદાશિવ અને મંગળા રોજ પેલા ઓરિયની માટી લાવે છે, ચોમાસે સીમમાંથી ખડની ગાંસડીઓ લાવે છે, ઉનાળે કરગઠિયાંની ભારીઓ લાવે છેઃ નફટ લોકો એ ચાંડાળોથીયે બેદ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે !

બે વરસમાં તો કીકી પણ પોતાની નાનકડી ભારી માથે લઈને માબાપની વચ્ચે ઊંભતી થઈ ગઈ. હૈયાફૂટાં ગામ લોકો એ ત્રણ ગાંસડીઓ પર જ શા સારૂં અવાયાં પડતાં હશે !

- ને શાં ઘોર પાપ બિચારા ભવાનીકાકાનાં, કે સગી આખેં એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડયું ! ઓ અંબાજી મા ! કયા ઘોર પાપે !

મંછાની સુવાવડ

"આજ તો આખી રાત મંછા લવતી’તી ?"

"લવે નહિ ? સુવાવડમાં તે કાંઈ ભાયડાના કાગળો વંચાતા હશે અને સામા જવાબ લખાતા હશે ? રાત-દિ’ એક જ રટણ, માડી !"

"કોનું રટણ ?"

"ધીરજલાલનું ! બીજા કોનું ! પથારીમાંથી ઊંઠીઊંઠીને ઊંભી થવા જાય છે. એનો વર જાણે સામે ઊંભો હોય એમ બોલે છે કે, ’બારણામાં કાં ઊંભા ? ઓરા આવોની ! મારે માથે હાથ મેલોની ?’ ઠીક પડે એમ બકે છે."

"તાવ છે ?"

"તાવ તો ધાણી ફૂટે એવો ભર્યો છે."

"તો ધીરજલાલને તેડાવશું ?"

"અટાણે ? સુવાવડ ટાણે ? જમાઈને ! જગત વાતું કરે કે બીજું કાંઈ ?"

"મળવા કે મોં જોવા એકબીજાંને નહિ દઈએ. આંહીં આવેલ છે એટલા વિચારથી જ દીકરીને શાતા વળશે."

"ભલે, તેડાવો ત્યારે. બાકી, કાંઈ જરૂર નથી. રે’તે-રે’તે બધું મટી જશે. કાંઈક પેટ ભરીને ખાય તો મટે ને ! આજકાલનાં ચાગલાં છોકરાંઃ શીરો મોંમાંય ઘાલતી નથી. અમે તો બાર સુવાવડયું ઉડાડી મેલી ! ટંકેટંકે શેર ઘીનો લદબદતો શીરો ખાઈને પગની આંટી નાખી એ...ય મજાનાં ઊંંઘી રે’તાં."

"ત્યારે તાર કરૂં છું." આવા શીરાથી બેનસીબ રહેવા સર્જાયેલ પુરૂષે હોઠ ઉપર જીભ ફેરવતાં કહ્યું.

"એમાં તાર શો ? પત્તું લખી નાખો ને ! જમાઈ ચાર દિ’ મોડો આવે તો ક્યાં વેગડી વિયાઈ જાતી’તી ! કાગળ તો ચચ્ચાર દા’ડે ચાલુ જ છે ને !"

મંદિર જેમ ફૂલો અને ધૂપની ફોરમથી પરખાય, અને પીરનો તકિયો જેમ પા માઈલ પરથી લોબાનની સુગંધે ધ્રમકે, તેવી જ રીતે શેરીના એક છેડાથી બીજા છેડા સુધી કેવળ ગંધ પરથી જ કળી જવાય કે ઓઘડ માસ્તરનું ઘર સુવાવડું છે. ચાર વાર શેકાતો શીરો, મંછાના ખાટલા નીચે પથરાતો બે વખતનો બકરાંની લીંડીઓનાં છાણાંનો ધીકતો શેક અને એ શેકની બાફમાં બફાતાં એ સુવાવડાં ગોદડાંના ગાભાઃ ત્રણેયમાંથી કોઈ જુગજુગના જૂના જાણે યજ્જ્ઞ-હોમની એક અનિર્વચનીય વાસ ફોરે છે. મકાનના એ ઓરડાએ અને ખાટલા પરના ગાભાએ આવીઆવી તો મંછાની બાની બાર સુવાવડો માણી છે, આશરે ૩૬૦ શેકના ધુમાડા લીધા છે; અને બે સુવાવડો વચ્ચેના ગાળામાં ત્યાં હંમેશાં ઘાસ તથા છાણાંના સંઘરા રહ્યા છે.

મંછાની આ પહેલી - અઘરણીની જ -સુવાવડ હતી, ’કંદોરાબંધ દીકરો’ તાવવેલી મંછાની ગોદમાં પડયો પડયો ધાવણ વગરના સ્તન ચૂસતો હતો. મંછાનાં માવતરે મંછાને કરિયાવર કરેલો, તેના ચાર ટ્રંક ભરાયા હતા. હજારેક રૂપિયાનું તો ઘરેણું આપેલું, લગ્ન વખતે એક ન્યાત જમાડેલી, ને પુત્રનું લગ્ન પણ એક ખેતર વેચીને ઊંજવેલું; પરંતુ આ કંદોરાબંધ’ ભાણેજના ફૂલ-દેહ સારૂ કે તાવમાં ભૂંજાતી દીકરી સારૂં ગોદડું નહોતું અભડાવી શકાયું.

"ઓહોહો ! આ શું ? ગોટેગોટ ધુમાડે ઓરડો ભરાઈ ગયો છે. આ ખાટલા નીચે આવો ચિતા જેવો ભાઠો શો ! મંછા ! મંછા !"

એમ બોલતો એક જુવાન સ્ટેશનેથી આવીને છેક સુવાવડીના ખાટલા પર બેસી ગયો છે, આંખો ચોળતો ને ગૂંગળાતો ચારે મેર જોઈ બૂમો પાડે છે, અને સુવાવડી સ્ત્રીને કપાળે હાથ ફેરવીને બોલાવે છે કે, "મંછી ! મારી મંછી ! ઓ મંછી !"

સુવાવડી શુદ્‌ધિમાં નથી, એ લવે છેઃ "હં ! હં ! મોડી રાતે મને એકલી મૂકીને સ્ટેશને ભાગી જાવને ! ’કટ ! કટ ! કટ ! કટ !’ કરી કરીને આખી દુનિયા સાથે વાતો કરો ને ! હું બધું જ સમજું છું..."

એ લવારા પરથી કલ્પી શકાય કે મંછાનો વર કોઈ સ્ટેશનનો રાતની નોકરી કરનાર ’ડેપ્યુટી’ સ્ટેશન-માસ્તર હશે.

ઓચિંતી મંછા ઊંઠે છે, લોચે છે, ગળું સુકાતું હોય તેમ જીભ વતી હોઠ ચાટે છે.

"પાણી જોઈએ છે, મંછા ?" કહીને જુવાન પાસેની માટલીમાંથી પ્યાલું ભરે છે, પાય છે, વાશી પાણી ગંધાય છે. મંછાને પાણી પિવાડીને પાછી ધીરે હાથે પંપાળે છે. મોટે અવાજે બોલે છે કે "આ ગાભા કેમ પાથર્યા છે ? અરે, કોઈ એક સારૂં ગાદલું તો લાવો !"

સાસુ આવીને ઊંભાં રહે છેઃ "ગાદલું ? સુવાવડમાં નવું ગાદલું ! અમે તો આ ને આ ગાભા માથે જ બાર સુવાવડયો કાઢી નાખી !" હસીને એ કહે છે.

જુવાન પોતાની સાસુના હેડમ્બ-દેહ ઉપર નખશિખ નીરખી રહ્યો. દરમિયાન ઘરની એક જુવાન સ્ત્રી લાજ કાઢીને આવી ઊંભી રહી. એના હાથમાં એક અધોતું ગોદડું હતું.

"લે જા, જા વહુ ! જરાક શરમા. કે’તલ તો દીવાના પણ સુણતલ બી દીવાના !"

સાસુજીના એટલા જ શબ્દે ઘૂમટાવાળી પુત્રવધૂને પાછી વાળી - કોઈ લશ્કરી અમલદાર પોતાણી સામે ઊંભેલા સૈનિકને ’એબાઉટ ટર્નઃ ક્વિક માર્ચ’ ફરમાવી બહાર કાઢે તે રીતે.

"જમાઈએ તો આખું ગામ માથે લીધું."

"હું બજારે બેસી શકતો નથી. મારી ફજેતી થાય છે."

"શેરીએ ને કૂવા-કાંઠે બાઈઓ પણ એ જ બોલે છે કે, આ તે કોનું ખોરડું ! જમાઈ આવ્યો તો આવ્યો, પણ પરબારો સુવાવડીને ઓરડે પેઠો, ખાટલે બેસી ગયો, ખસતો જ નથી. સુવાડેય પોતે, ઉઠાડેય પોતે, મળ-મૂતર પોતે ઉપાડેઃ આ તો દાટ વાળ્યો !"

"છોકરી સારૂ નવું ગોદડું ક્યાંથી લઈ આવ્યો ?"

"પોતાના બિસ્તરમાંથી કાઢીને પાથર્યું."

"મળ-મૂતરનાં ઠામડાં વેચાતાં લઈને ગામમાં નીકળ્યો એ દેખીને તો આપણા ન્યાતીલાએ મારા ઉપર માછલાં ધોયાં."

એ જ વખતે ધીરજલાલ દાખલ થાય છે. એના વાળનું કે લૂગડાંનું ઠેકાણું નથી. ઉજાગરાથી એની આંખો લાલઘૂમ છે.

"કેમ, ધીરજલાલ પારેખ ! આ શું ?"

"રાજકોટથી એકેદમ મોટા દાક્તરને બોલાવવો પડશે. મંછાને ગુહ્ય ભાગે એક લાંબો ચીરો પડેલો છે, ને એમાંથી લોહી વહ્યું જાય છે. આ તમારી કોઈની નજરે કેમ નથી ચડયું ?"

લજ્જાથી ધરતીમાં સમાવા તત્પર હોય એવાં મંછાનાં બા આડું જોઈને મોં આડે છેડો ઢાંકે છે, ઓઘડ માસ્તર આભા બને છેઃ "ધીરજલાલ ! આ તો સભ્યતા ચુકાય છે."

ધીરૂ બોલ્યોઃ "એ ચીરો કોઈના જોવામાં જ ના આવ્યો ? આ તો હમણાં મેં આંહીંની ’મિડ-વાઈફ’ને બોલાવીને તપાસ્યું ત્યારે જ ખબર પડી. નીકર આનું શું થાત ! આ લોહી વહે છે એટલે જ બેભાન છે. એને આનો જ તાવ અને સનેપાત છે. જખમ ’સેપ્ટીક’ બની ગયો છે."

"તમે શું સમજો, ધીરજલાલ !" સાસુ કોચવાયાંઃ "એને તો કંઈક વળગાડ છે, બાપ ! તમારી મૂએલી મા ચોંટી પડી છે, ભા ! ઠાલા-લોહીની અને ચીરાની વાત શીદ કરો છો ?"

"આપણા રામેશ્વર વૈદ અને મોતડી સુયાણી શું કહે છે ?" સસરાએ પૂછ્‌યું.

"આમાં વૈદ-સુયાણીની વાત જવા દઈએ." જમાઈએ કહ્યું.

"એમ કેમ ? રામેશ્વરને તો ચરક ને સુશ્રૂત બેયના શ્લોકેશ્લોક કંઠાગ્રે છે. એણે તો મડાં બેઠાં કર્યાં છે."

"અને મોતડી સુયાણીએ તો હજાર છોકરાં જણાવ્યાં છે; એ તમારે મન કાંઈ નહિ ! એ તો ચોખ્ખું કહે છે કે, આ વળગાડ છે."

"ને રામેશ્વરનો પણ એ જ મત છે કે બધું માનસિક છે." માસ્તરે તપખીરની ચપટી નાકે ચડાવી.

"પણ હું મારે ખરચે દાક્તર બોલાવું."

"દીકરીની એબ જાણીબૂઝીને દાક્તર પાસે દેખાડાય ?"

"નહિ દેખાડીએ તો જીવની જાશે."

"હાય, માડી ! તમારે તો ઠીક કે નવું માણસ મળી રહેશે; પણ આવી કાળ-વાણી કાઢીને અમારી સાત ખોટની દીકરીને કાં મરતી વાંછો !" મંછાની બા ગળગળાં થઈ ગયાં.

"પણ આ ગુહ્ય ભાગના ચીરા પર ટેભા લેવાની જરૂર છે."

"અમે હાથ જોડીએ છીએ તમથી, બાપ ! ઠીક પડે તેમ કરો ! મેં તો બાર સુવાવડયો કાઢી નાખી, પણ આ તો નવાઈ !"

"આ તો સુવાવડ કહેવાય, ધીરજલાલ !" ઓઘડ માસ્તરે શિખામણ આપીઃ "આમાં સારવાર જ ન હોય. એ બૈરાંઓનો કાર્ય-પ્રદેશ છે. તમે મર્યાદા લોપો છો. આર્યધર્‌મ સચવાતો નથી."

"કહું છું કે મેં બાર સુવાવડયો કાઢી નાખી. ટંકેટંકે શેર ઘીનો શીરો ખાઈ, બે વાર ઠીકાઠીકનો શેક લઈ અમે તો કોઈ ભાત્યના પગની આંટી વાળીને પડયાં રહેતાં. આઠ દિવસે તો ખાટલો ઉપાડી મેલીને હરતાંફરતાં જઈ જતાં. તમે અમારે ઘરે આવીને આ પોપલાઈ શી માંડી છે, બાપ ! આ મગનાં પાણી શાં ! આ માથા ઉપર બરફ ને પેટમાં આ પિચકારી શાં !"

ધીરજલાલ પાસે આ દલીલોનો જવાબ નહોતો. એણે રાજકોટ દાક્તરને તાર કરી તેડાવ્યા. એ મંછાની પથારી પર જ ખોડાઈ ગયા જેવો દિવસ-રાત બેઠો રહ્યો. ગુહ્ય ભાગના લાંબા ચીરામાં મળ ન ભરાઈ જાય તે સારૂ એ ત્યાં લોશનનું પોતું રાખીને મંછાને ઝાડે બેસારતો, પેશાબ કરાવતો, પખાળતો. બેભાન મંછાના કપાળ અને પેડુ પર બરફ મૂકી પ્રભુ-પ્રાર્થના કરતો હતો. દરમિયાન મંછા લવતી. મંછાનાં માવતર જમાઈની આ નફટાઈથી ત્રાહી પોકારીને જળકમળવત્ નિર્લેપ રહેતાં. સગાં અને પાડોશીઓ આ તમાશો જોવા આવતાં ત્યારે મંછાની બા પોતાની ’બાર સુવાવડો’ની વાત ગર્વભેર કરવાનું ચૂકતાં નહિ અને ધીરૂ પેલા ચીરાની વાત કહ્યા વગર રહેતો નહિ.

સવાર પડે ને ધીરૂ છેક રસોડા સુધી ચાલ્યો આવે; કહે કે "જરી મગનું પાણી કરી આપજો તો !"

"સાસુ કહેઃ "સારૂં; તમે જાઓ. હું આપી જઈશ. ચૂલો સળગાવવા દ્યો."

અડધો કલાક થાય ને ધીરૂ આવીને ઊંભો જ હોયઃ "દૂધ ગરમ થયું કે નહિ ?" સાસુ કહેઃ "થાય છે."

થોડીવારે વળી પેશબ-ઝાડાનાં ઠામડં લઈને ઊંભો રહેઃ "આમાં પાણી રેડજો તો ! ધોઈ નાખું"

"જરી આ નળિયામાં દેવતા દેજોઃ ધૂપ કરવો છે." "ગરમ પાણી દેજોઃ શરીર લૂછવું છે." આવી આવી નાનીમોટી સતામણીઓ ધીરૂ તરફથી એટલી બધી વધતી ગઈ કે મંછાની બાને જમાઈ કોઈ પૂર્વભવનો વેરી દેખાવા લાગ્યો. અને જમાઈ ઉપરની દાઝને એ દીકરાની વહુ ઉપર ઠાલવવા માંડયાંઃ "તમે શીદ મારા ઉપરવટ થઈને બધું આપો છો ? તમારી દયા શીદ એટલી બધી ઊંભરાઈ જાય છે !"

તાવ ઊંતર્યો છે. મંછા આંખો ઉઘાડે છે. નાના બચ્ચાને ધીરજલાલ પડખામાં સુવારે, તેને ધવરાવે છે. પણ એનું મગજ ખાલી થઈ ગયું છે. એના જ્જ્ઞાનતંતુઓ જળી ગયા છે. એને પોતાની બેહાલ દશાની જાણ નથી. એ સૂતીસૂતી સાંભળે છે કે બા કાંઈક અફસોસ કરે છેઃ આ સહુ સાંભળે તેમ બોલી રહેલ છે કે, "અરેરે માડી ! મારી દીકરીની એબ સગે ભાયડે ઊંઠીને દાક્તરને દેખાડી ! દીકરીને બિચાડીને માથે એને ઘેર પણ આવા જ હવાલ હશે ને ! આટલે નાનેથી દીકરીને વળી ઘર શાં ને વર શાં ? - આ એના મગજમાં નવા જમાનાના વિચારો શા ? એના ભાઈબંધ દોસ્તારો પણ બધા ભણેલા-વંઠેલા, એટલે મારી દીકરીનો દિ’ ઉઠાડી મૂક્યો. પરણ્‌યા પછી સાસરે ને સાસરે રાખી એમાં દીકરીનું ફટકી ગયું."

મંછાની ઢીલી પડેલી મગજ-શક્તિ ઉપર આ માઠા વિચારોના હથોડા પડવા લાગ્યા. ધણી તરફ એનો અણગમો શરૂ થયો. ધણીની સારવાર અને ઝીણીઝીણી ટંટાળ એને અકારી લાગી. વરે પોતાનાં માબાપને દૂભવ્યાં છે, દુનિયા ગ્િાલા કરે એવું બેમરજાદ વર્તન કર્યું છે એવા એવા એના મનતરંગો એને થકવી દેતા, ને એ શુદ્‌ધિ હારતી; બબડતીઃ "તમે આમ કહો છો; મારાં બા-બાપા તેમ કહે છેઃ કોનું ખરૂં ? શીરો ખાવો કે મગનું પાણી પીવું ? ચોકો-પાટલો રાખવો કે આભડછેટ ન પાળવી ? નાના બાબલાને પરણાવીશું ? કે કુંવારો રાખશું ?... તમારી ખાદીને ચૂલામાં નાખો ને ! હું મારાં હીરચીર શીદ હોળીમાં નાખું ? ગાંધીના પંથ કરતાં મારા બાપનાં ગુરૂનો પંથ ચડિયાતો છે !"

"મંછા ! ડાહી થા ! શાંત થા ! લે, પરસેવો લૂછી નાખું, પગ દાબું ?" એવું કહીને ધીરૂ મંછાને પંપાળતો હતો. સાસુ બહાર બેઠી બેઠી નિસાસો નાખીને બોલતી કે,"ફટકી ગયુંઃ બાપ રે, દીકરીનું ફટકી ગયું ! આણે કોણ જાણે શું કરી નાખ્યું !"

ચ૨ૃ

"તમે ઝટ જાઓ, રામવાડીના બાવાજીને તેડી આવો."

"પણ ઓલ્યો આવી જશે તો ?"

"ના રે ના, એ તો ગયો છે ગોદડાનો ગાભો લઈને ધોવા. નદી ગાઉ એક છેટી છે. આવશે તે પે’લાં તો પતાવી લેશું."

ઓઘડ માસ્તર રામવાડીના બાવાને લઈને આવ્યા. બાવાજીની ઘનશ્યામ અઘોરી નગ્નતા તો સ્ત્રી-પુરૂષ સર્વને તીર્થસ્વરૂપ વંદનીય હતી. પ્રથમ તો એમની ચલમને માટે સારામાં સારો ગાંજો તૈયાર રાખ્યો હતો, તેના ગોટેગોટ ધુમાડાનો ધૂપ દઈને પછી બાવાજીએ મંછાને પોતાની સામે બેસારી. રામ-કવચ, હનુમાન-કવચ અને ચંડીપાઠના એક પછી એક પાઠ બોલ્યા. પાણીની એક વાટકી ભરી, તેમાં પોતાના પગનો અંગૂઠો બોળી, મંત્ર ભણી એ પાણી મંછાને પાયું. કોઈ ગંધક જેવા પદાર્થનો ધૂપ દીધેલ એક ધાગો પોતાની જટાની એક લટ સહિત મંછાને કાંડે બાંધ્યો. તોય મંછા અર્ધબેભાનમાં આડુંઅવળું લવતી જ રહી.

"તારે નથી જાવું, એ.....મ ! ચંડાળ ડાકણી તારે આ દેહ નથી છોડવો, એમ ? ઊંભી રહે. ભૂતનાથનો પરચો દેખાદું છું." એવી ત્રાડ નાખીને બાવાજીએ દેવતા પર એક મૂઠી ભરી મરચાંનો ભૂકો ભભરાવ્યો. ઓરડો ધુમાડે ઢંકાઈ ગયો. મંછાનો દેહ, માત્ર કાળા ઓળા જેવો, ’અં...અં...અં...અં...’ એમ ગૂંગળાટ કરે છે. ને બાવાજી જમીન પર હાથ પછાડી ત્રાડ મારે છે કે "બોલ, રંડા ! તું કોણ છે ? એની સાસુ છે કે ! બોલ, નીકળે છે કે નહિ ?"

હાય ! આવી ખરાખરીની જમાવટને ટાણે જમાઈ કાં આવી ચડયો ! મંછાની બા ખડકીએ જ ધ્યાન રાખી બેઠાં હતાં, તેણે દોડી જઈને બાવાજીને બીજે બારણેથી બહાર કાઢ્‌યા. અજ્જ્ઞાત ધીરજલાલ અંદર ગયો ત્યારે હજુ મરચાંના ધુમાડાનાં છેલ્લાં ગૂંચળાં ઓરડામાં સર્પાકારે ભમતાં હતાં. મંછા ઉધરસે બેવડી વળી ગઈ હતી. શો મામલો બની ગયો તે કહેનાર કોઈ નહોતું. તેણે મંછાને હળવે હાથે સુવારી.

મંદવાડ વધે છે એ જાણ જેમજેમ પ્રસરતી ગઈ તેમ તેમ દૂરથી અને ન઼જીકથી સગાંવહાલાં પણ ઊંતરી પડવા લાગ્યાં. "દુઃખમાં ભાગ લેવા આવવું તો જોવે જ ને, બાઈ !" "સગાં થઈને આ ટાણે કામ ન લાગીએ તો પછી શું ઘસીને ગૂમડે ચોપડવાનાં સગાં છીએ !" "અરેરે ! આણાત દીકરીએ હજી મન મોકળું મેલીને ઓઢ્‌યાંપેર્યાંય નથી. આ ચાર-ચાર પેટીઓ ભરીને કરિયાવર પડયા છે...." એવી વાતો ચાલ્યા કરતી, ગળાં ગદ્‌ગદિત થતાં, ને નિસાસા ઉપર નિસાસા પડતા. ઓઘડ માસ્તર મહેમાનોનાં ઘોડાં તથા ગાડાં સારૂ ઘાસચારો અને પરોણાઓ સારૂ ઘી, તેલ, શાક લાવવામાં દોડધામ કરતા; દીકરાની વહુ દળણાંપાણીમાં તેમ જ રસોઈમાં દટાતી; બા સહુને મોંએ વલોપાત કરવામાં રોકાતાં; છોકરાં ખા-ખા કરી ચીસો દેતાં; ગામ-લોક મળવાહળવા હલકતુંઃ એ રીતે, હંમેશાં બનતું આવ્યું છે તેમ, એક ઘરની માંદગી એ અનેક લાગતાંવળગતાંઓને માટે વરાનો, ઉત્સવનો, ગામડામાંથી શહેરમાં હટાણું કરવા આવવાનો ને વેવિશાળ-વિવાહ શોધવાનો અવસર બની ગયેલ છે. રાગી દીકરીની ખદબદતી પથારી ઉપર પ્રેત જેવો ને સહુએ અવગણેલો એક ફક્ત ધીરજલાલ જ બેઠો છે, ઘરમાં સાંકડ ઘણી, તેથી રાત્રિએ છેક મંછાના ઓરડાના બારણા સુધી ઠાંસોઠાંસ પથારીઓ પડતી. પથારીમાં પડયાં પડયાં કોની કોની વહુ-દીકરીઓને કેવીકેવી જાતના વળગાડ લાગુ પડી ગયા હતા તેની જ ઝીણી ઝીણી કથનીઓ ઊંખળતી. મંછાની બા પોતાની નણંદને, કાકીજીને, જેઠાણીને વગેરેને હાથ દાબીને કહેતી કે, "આનેય એની સાસુ વળગી છે, બાપ ! માતાજી એને હેમખેમ ઊંભી કરે તો હું પાણી પીવાય રોકાણા વગર પહેલી પ્રથમ એને વઢવાણ બૂટ-મા પાસે લઈ જઈશ. ત્યાં પહોંચ્યા પછી જ મારે અડદ-મગની અને ઘીની આખડી છૂટશે. આંહીંના બાવાજીની તો કારી ન ફાવી."

મહેમાનો કહેતાંઃ "બૂટ-મા પાસેય ઠીક છે; નીકર સાળંગપર હડમાનજીય ઝોડ તો ભારે કાઢે છે. પારસીઓ પણ ત્યાં તો પારંપાર આવે છે. ગોરાઓ પણ ત્યાં જોવા ઊંતરે છે."

"પણ ભૂવો તો બૂટ-માનો હો ! કાળભેરવનો જ અવતાર. એના હાથની બે અડબોથ પડશે, એટલે મંછીની કાયામાં રાંડ ડાકણ્‌ય કે શાકણ્‌ય એક ઘડીય ઊંભી નહિ રહે !"

"પણ આ રાફડે ભોરિંગ બેઠો છે ને, બાઈ !" મંછીની બાએ ગુપચુપ અવાજે ધીરજલાલને ઉદ્દેશીને કહ્યુંઃ "પથારી જ ક્યાં છોડે છે !"

"ઈ તો બાળબુદ્‌ધિ કે’વાય. એને ગણકાર્યા વિના ઝટ છોકરીને બાપડીને કાં બૂટ-મા ભેળી ને કાં સાળંગપર ભેળી કરો; નીકર જમાઈ એનો જીવ ચૂસી જાશે ક્યાંક."

ઓરડામાં સૂતેલા ધીરજલાલની કાગાનીંદરમાં આ બધી વાતો અરધીપરધી સંભળાઈ, અને એના મગજ ઉપર વિકરાળ ઓળા અધ્ધરથી લટકવા લાગ્યા. જેઠ મહિનાના નિર્જળ આકાશમાં નિષ્પ્રાણ વાદળાં વાયુને રૂંધી રૂંધી જગતને ગૂંગળાવી રહે તેવું એના ચિદાકાશમાં થયું. સાળંગપરના હનુમાન અને વઢવાણનાં બૂટ મા બન્ને જાણે મંછાના રક્તમાંસહીન શરીર સારૂ બાથંબાથા લડતાં દેખાયાં. બન્નેના ભૂવાઓ મંછાના ભયભીત ચહેરા સામે ભમ્મર ચડાવી ડોળા તાણી એના હાડપિંજર પર અડબોથો લગાવતા એકબીજાના જોરની હોડ કરતા ધીરૂને દેખાયા.

સવારે જ્યારે મંછાને બૂટ-મા પાસે અથવા સાળંગપર હનુમાને લઈ જવાની વાત ચર્ચાવા લાગી ત્યારે ધીરજલાલ સાસુ-સસરાને પાયે પડી વારવા લાગ્યો. એણે કહ્યું કે, મને મારૂં માણસ પાછું આપો. હું મારે ઘેર લઈ જઈ એની સારવાર કરીશ, પણ એને દૈત્યોના હાથમાં ન સોંપો. ને મંછાને બીજી કશાની નહિ, શાંત સારવારની, મીઠી હુંફની જરૂર છે. એને વળગાડ નથી. મારી મા હલકટ નહોતી. હું એની છબીને હજુ રોજ મારી આંખે અડકાડું છું. છબીમાંથીયે એ તો નિરંતર મંછા સામે મીઠું મીઠું મલક્યા જ કરે છે. અને મારી કંચન પર મંછા પેટની પુત્રી જેવું હેત રાખે છે, એથી તો એ મૃત આત્મા બહુ પ્રસન્ન રહે છે. ભલા થઈને મારૂં ઘર ન ભંગાવો. હું જીવતરમાં હવે કેટલાંક થીગડાં દઈશ ?"

મંછાની બા ધીરજલાલની આ હુજ્જતથી બેહદ કચવાટ પામ્યાંઃ "તમારે મન વૈદ ખોટા, સુયાણી ખોટી, લાજમરજાદ ઢોંગ, અમારાં સગાંવહાલાં શત્રુ, અમે શત્રુ, અને છેવટ બૂટ-મા ને હડમાન પણ દૈત ઠર્યાં ! તમે અમારી છોકરીનો જીવ લેવા કાં ફર્યા છો ? દેવસ્થાનાંને વગોવ્યે શી સારાવાટ થશે ?"

"તમે જો મારી મંછાને ત્યાં લઈ જશો તો હું ઝેર ખાઈને મરીશ."

"ઝેર ખાવાની બીક બતાવો છો ? અમને કાળી ટીલી ચોંટાડવી છે ! ઝેર ખાવાની ડરામણી ? હાય હાય, માડી ! આ તે કયા ભવનાં વેર ?" સાસુએ મોં ઢાંકી રૂદન માંડયું. ગામ ગાજી ઊંઠ્‌યું.

*

"તમે હવે ઘેર જશો ?" મંછાએ વાત ઉપાડી.

"જઈને શું કરૂં ?"

"નોકરી કરો."

"નોકરી - હં..." ધીરજલાલ વાત પી ગયો. એની નોકરી રદ થઈ હતી. સ્ત્રીની સુવાવડ કરવા પુરૂષ જય, અને બબ્બે વાર તારથી રજા વધારવાની અરજી આપે. એ વસ્તુમાં ’ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ’ને નોકરીની બેપરવાઈ તથા દાંડાઈ લાગવાથી, ’ખાતાને આવી સુવાવડોના વૈભવ - ’લક્ઝરી’ - ન પોસાય’ એવી ટીકા સાથે, બરતરફી ફરમાવી હતી. આ વાત એણે મંછાથી છુપાવી હતી. એણે આટલું જ કહ્યુંઃ "નોકરી મારે નથી કરવી. તું ન ઊંઠે ત્યાં સુધી મારે તારી પથારી નથી છોડવી."

"પણ મારે બૂટ-માની માનતાએ જઈ આવવું છે. કાલે મને ચાળીસ વાસા થાશે. હું નહાઈ નાખીશ."

"આ દશામાં નવાય ? કોલન-વૉટરથી હું તારા શરીરને માલિસ કરી નાખું, નહાવું રહેવા દે. અને, મંછા, તું ઊંઠીને બૂટ-માતાના વહેમમાં ફસાઈશ ! આ તારૂં હાડપિંજર એ દૈત્યની થપાટો ખમી શકશે ?" ભૂવાઓના ભયાનક ઓળા ધીરજલાલની કલ્પનામાં આકાર ધરવા લાગ્યા.

મૃત્યુ સાથેની - અંધકાર સાથેની - દારૂણ લડતમાં એ જુવાન જીત્યો નહિ. આખું ગામ મૃત્યુની ભેરે ઊંભું થયું. ઘરમાં બંધિયાર સ્નાનાગાર તો નહોતું, ચોકડી પણ નહોતી. સાંકડા, ઉઘાડા ફળીમાં બે બાજુ ખાટલા મૂકીને વચ્ચે મંછાને નવરાવી. બીજે જ દિવસે મંછાને ’ડબલ ન્યુમોનિયા’ ઊંપડયો. દાક્તરે આવીને જાહેર કર્યું કે, "ઉઘાડી હવામાં નવરાવવાનું આ પરિણામ છે. મારા હાથમાં કારી નથી." સન્નિપાતમાં મંછા બહુ લવી. પથારી પરથી ઊંઠી ઊંઠી નાસવા લાગી. ભાંગ્યુંતૂટ્‌યું લવવા લાગી કે, "ચાલો ઝટ આપણે ઘેર. ચાલો પૂનમનો ચાંદો ઊંગ્યો : આપણે બન્ને સ્ટેશન પર ફરશુંઃ લો, બબલાને ઉછાળો ! ચાંદા સુધી ઉછાળો ! જો, બૂટ-માનો ભૂવો એને વચ્ચેથી ઝીલવા આવે છે, આપશો નહિ. લઈને ભાગી જાઓ - મને ભલે પકડી જતા. હું મોડી રાતે પણ આવીશ જ ! બબલાને ધવરાવવા આવીશઃ ચાંદો ઊંગ્યો. ચાલો ફરીએઃ ફૂલ-ફૂલ-ફૂલ ઊંગ્યાં."

ત્રણ દિવસમાં તો આત્માએ દેહનું પિંજર ખાલી કર્યું. યમરાજ સાથેના યુદ્ધમાં ધીરજલાલ હાર પામ્યો. યમનો પક્ષ જબ્બર હતો.

માબાપને ખાતરી થઈ કે દીકરી વળગાડથી, જમાઈની અવળચંડાઈથી અને દેવસ્થાનોની ઠેકડીથી જ મૂઈ. ગામ-લોકોએ ધીરજલાલની જડતા ઉપર પીટ પાડી. સહુએ સામસામા દોષ દીધા. મંછા તો માબાપને અને વરને બેઉને વહાલી હતી. બેઉ પક્ષે જાણે કે એને ખેંચાખેંચીમાં જ ખતમ કરી.

ચોટલે ઝાલીને

"તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઈએ;" પ્રોફેસર ઈન્દ્રજિતે ઊંઠતાં ઊંઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યાઃ "સાચેસાચ શું એ તમારો મત છે ? મશ્કરી તો નથી, પ્રોફેસર !"

"ના, ના;" કહીને પ્રોફેસર ઈન્દ્રજિત ફરી પાછા ખુરસી પર બેઠા. "હું કટાક્ષ નથી કરતો; મારો સાચો મત કહું છું. એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે. એ ન માને તો તમારે એને ચોટલે ઝાલીને - હું તો એટલે સુધી સળગું છું કે મુંબઈના ચાર ગુંડાઓ તેડાવીને - પણ એને લઈ જવી જોઈએ."

"શાબાશ, ઈન્દુભાઈ !" સુખદેવ ડોસાના બન્ને ગાલ ઉપર કોઈ જોબનવંતી સ્ત્રીના જેવી ચૂમકીઓ ઊંપડી. "આજ સુધી હું એકલો પડી ગયો હતો. કોઈ મારૂં નહોતું રહ્યું. જેઓને મેં મરતા બચાવ્યા છે, લાગવગ લગાડી જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે, તેઓ પણ આજ મને મારી પુત્રવધૂ પાછી મેળવી આપવાની મદદ દેવાને બદલે ઊંલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે; મને પોતાને આંગણે ઊંભવા નથી દેતા. હું એકલે હાથે મથી રહ્યો છું. મને બીજાનો તો ડર નથી. હુંય નાગાનો સરદાર થઈ શકું છું... મેં પંચાવન વર્ષ પાણીમાં નથી કાઢ્‌યાં. મેંય પાકી ત્રીસ સાલ સુધી મુંબઈ વેઠી છે. હું બધા દાવ રમી જાણું છું. પણ મને ખરેખર, ઈન્દ્રજિતભાઈ, તમારી જ બીક હતી. તમે શહેરના જુવાનોને મારી સામે સિસકારો તો મને એ ફાડી ખાય, એવો મારા દિલમાં ફડકો હતો. પણ જો તમે મારા પગલાંમાં સંમત હો, તો હું એકલો બીજા સહુને પૂરો પડીશ. મુક્તાને હું મારો હાથ બતાવીશ; મારા દીકરાનો ભવ એ કેમ બગાડી શકે છે તે હું જોઈ લઈશ."

સુખદેવ ડોસાએ ’જોઈ લઈશ’ શબ્દના ઉચ્ચારની સાથોસાથ પોતાના શરબતી મલમલના પહેરણની બાંયો ચડાવી. પણ, સાચા વીર-રસની સાથે કરૂણ રસ તો જોડાયેલો જ હોવાથી, ’મારા દીકરાનો ભવ’ એ શબ્દની અસરરૂપે ડોસાની આંખોમાં પાણી પણ દેખાઈ ગયાં.

પ્રો. ઈન્દ્રજિતને કૉલેજમાં જવાનો વખત થયો હતો. કાંડા-ઘડિયાળ ઉપર એની નજર રમતી હતી. પણ સુખદેવ ડોસાને પડખે ખડા રહેવાનો ધર્મ એને ઊંઠવા દેતો નહોતો. એણે કહ્યુંઃ "જુવાનો પર મારો કાબૂ છે એ વાત સાચી; ને હું સ્ત્રી જાતિના હક્કોનો પક્ષકાર છું, મેં જુવાનોને મારાં ભાષણો વડે એ જુસ્સો પિવરાવ્યો છે. પણ હું તમારી મુક્તાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું. વેવિશાળ તોડવાની વાત હોય તો વાજબી હતું. આપણામાં છૂટાછેડા અથવા તલ્લાકનો કાય્‌દો હોત તો પણ માર્ગ થઈ શકત. પણ, એવા કોઈ કાયદાની ગેરહાજરીમાં, પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો સ્વેચ્છાચાર કેમ થઈ શકે ?"

"કહું. એના બાપના ઘરમાં દીકરી વધીને તાડ થઈ ગઈ હતી. પ્રીતમલાલ એને ક્યાં સંતાડત ! હાઈસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઈક વગોણું થયું. ઉઠાડી લીધી. ઘરમાં આખો દા’ડો હાર્મોનિયમ ઉપાડીને બેસતી. ગાતી. નાયકાનું ઘર હોય તેમ લોકોની ઠઠ વીંટળાતી. બાપની ઊંંઘ ઊંડી ગઈ હતી. કોઈ મુક્તાનું કાંડું ઝાલવા તૈયાર નહોતું. એવામાં મારા રમણની વહુ સ્ટવથી દાઝી મૂઈ. શ્રીફળની તો અમારે તેરમા જ દિવસે પડાપડી બોલી. પણા મુક્તાના બાપા સાથેની મારી જૂની મહોબ્બત હું નહોતો ભૂલ્યો. એણે વેવિશાળનો તાર કર્યો ને તરત ચાંદલા થયા. પછી મારા રમણ વિષે આઘાપાછી વાતો સાંભળીને મુક્તા રડી હશે, એટલે મારાં તેડાવ્યાં એનાં માબાપ એને ખાસ લઈને મારે ઘેર આવી આઠ દિવસ રોકાયાં. હું તો અનુભવી ખરો ને, ઈન્દ્રજિતભાઈ !" આંહીં સુખદેવ ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું. "એટલે મેં એક લૉકેટ, બે એરિંગ અને એક ’રોલ્ડ-ગોલ્ડ’નું કાંડા-ઘડિયાળ લાવીને મારા રમણને આપ્યું. ધક્કો મારીને એ શરમાળને બાજુના ઓરડામાં આ બધી ભેટો દેવા મુક્તા પાસે મોકલ્યો. મુક્તાને એ બધા શણગાર પહેરાવી મેં ફોટા સુધ્ધાં લેવરાવ્યા."

"ઓહોહોહો ! આટલી હદ સુધી !" પુત્રના લગ્નનું આવું સંવનન પોષનાર ડોસા પ્રતિ પ્રો. ઈન્દ્રજિતને માન ઊંપજ્યું. "ત્યારે તો તમે ન્યાતમાં સુધારાના છૂપા આદ્યપ્રેરક ગણાઓ, સુખદેવભાઈ !"

"હા, ભાઈ ! પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાણને મોટે સાદે પૂછ્‌યુંય ખરૂં કે, ’કેમ ! મુક્તાને મારૂં ગરીબ ઘર ગમશે કે ?’ ત્યારે વેવાણ બોલેલાં પણ ખરાં કે, ’કેમ ન ગમે ? આવી રાજસાયબી બીજે ક્યાં મળવાની હતી ! મુક્તા જો મૂરખી હોય તો જ મન સંકોડે !’ મેં કહ્યું કે, ’વેવાણ ! મુક્તાને મોંએ હેતનો હાથ ફેરવનાર રમણની બા જો આજ જીવતી હોત તો હું સ્વર્ગનું સુખ પામત. પણ એ ખોટ હું ક્યાંથી પૂરૂં ?’ આ સાંભળીને તો મુક્તાની આંખો પણ પલળેલી હતી એમ મને અમારી ઘાટણે પાછળાથી કહેલું."

"હું તો આ સાંભળીને વધુ દ્રઢ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે. એને તો ચોટલે ઝાલીને -"

"હજુ સાંભળી લ્યો. આમ દીકરીનું દિલ ઠારીને બધાં પાછાં ગયાં. પાછળથી મેં મારા રમણને મુક્તા પર કાગળ લખતો કર્યો. અંદર ટાંકવા હું એને સારી કવિતાઓ પણ શોધી આપતો. ચિત્રો બિડાવતો. ઘણી વાર રમણના કાગળો હું ટપાલમાં નખાવતાં પહેલાં ફોડીને..." આંહીં ડોસાને એની વ્યવહારબુદ્‌ધિએ ’બ્રેક’ મારી, ને એણે વાત કાપી નાખીઃ "હાં ! મતલબમાં બન્યું એવું કે લગ્નનો દિવસ આવી પહોંચ્યો, ને અમે સૌ જાન લઈને જ્યારે છેક રવાના થયા, ત્યારે એ છોકરીએ અવળચંડાઈ માંડી. ઓરડીમાં પુરાઈને રડવું શરૂ કરેલું. એની માએ પંપાળીને પૂછેલું કે, ’શું છે ? રમણલાલ નથી ગમતા ? ઘર નથી ગમતું ? શી બાબતનો તને અસંતોષ છે તે કહે.’ પણ ઢોંગીલીએ માના ખોળામાં માથું દાટીને એટલું જ કહેલું કે, ’મને કારણબારણની કાંઈ ખબર નથી પડતી. પણ મારે નથી પરણવું - ત્યાંય નથી પરણવું ને ક્યાંય નથી પરણવું.’

"ઓહો ! કારણની ખબર નથી, એમ કહ્યું ?" પ્રો. ઈન્દ્રજિતે માનવ-સ્વભાવનો તલસ્પર્શ કરેલો ખરો ને, એટલે એણે પકડી પાડયુંઃ "સમજી શકાય છેઃ છૂપો કોઈનો પ્રેમ... !"

સુખદેવ ડોસાએ આગળ ચલાવ્યુંઃ

"એ તો એ જાણે ને એનાં પાપ જાણે. પણ આવા ધમરોળ માંડયા, એને એની મા પોપલાવેડા કરતી રહી, ત્યારે પછી એનો બાપ આવ્યો. સારી પેઠે કેળવાએલો ને સંસ્કારી બાપ. થોડી વાર તો સાંભળી રહ્યો. દાઝ તો કાન ઝાલીને બે તમાચા ખેંચી કાઢવાની ચડી હતી; પણ દીકરીની મનપસંદગી ઉપરવટ એને જવું નહોતું. એણે કડક અવાજે કહી નાખ્યુંઃ ’મુક્તાને કહો કે આ ઘોલકીની રમત નથી માંડી. ચોવીસ કલાકની મહેતલ આપું છું. પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે."

"ધૅટ્‌સ ઈટ (બરાબર છે) !" પ્રો. ઈન્દ્રજિતે ગળું ફુલાવીને સંતોષ બતાવ્યો. "ચમત્કાર વિના નમસ્કાર નહિ !"

"સીધીદોર થઈ ગઈ, ઈન્દુભાઈ ! - નેતર જેવી સીધી થઈ ગઈ ! બધા ફંદ મૂકી દીધા. ચોવીસ કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે, ’મુક્તા ટાઢિ પડી ગઈ છે. હા પાડે છે’

"એ રીતે ચોખ્ખી સ્વેચ્છાથી લગ્ન કર્યાં. છતાં એ છોકરીએ ચાર દિવસ તો અમારે ત્યાં માંડ માંડ કાઢ્‌યા. ભુરાંટી થઈ. ઘર આખું ચગડોળે ચડાવ્યું. રમણને તો ખાજ ઉપર લાગેલી સિંહણની માફક પાસેય છબવા ન દે. ઈન્દુભાઈ ! શું કહું ? - મારા ત્રીસ વર્ષના પુત્રને એ છોકરીએ તમાચો ખેંચી કાઢ્‌યો. અંદરથી સાંકળ બીડીને બેસી ગઈ. ત્રણ દિવસ ખાધુંપીધું નહિ. મેં એના બાપને તાર કર્યો. એ તેડી ગયો. ત્યારેથી આજ બાર મહિના થયા; નથી આવતી. માબાપ કહે છે કે, જોરાવરીથી લઈ જાવી હોય તો લઈ જાઓ - તમારૂં માણસ છે !"

"મુક્તા પોતે શું કહે છે ?"

"કાંઈ નહિ. બસ, ’નથી આવવું.’ મેં કહ્યું, દાવો માંડીશ. એ કહે, ફાંસીએ કેમ નથી ચડાવતા ! અહીં, બસ, હાર્મોનિયમ બજાવે છે. ટોળાં ભેળાં કરે છે. જગબત્રીસીએ ચડી છે તોયે નફટ થઈને ફરે છે, હરે છે. મેળાવડાઓમાં ને ઉત્સવોમાં ભળે છે, ગરબે રમે છે. લોકો મોઢે ચડીને ફિટકારે છે તોયે નઘરોળની નઘરોળ ! હું ત્રણ-ત્રણ વાર તો રમણને તેડીને અહીં આવી ગયો. ત્રણમાંથી એક વાર માંડ માંડ રમણને એનું મળવું થયું. મેં રમણને ગોખાવી રાખેલું કે, ’પ્રથમ મીઠાશથી વશ કરવા મહેનત લેજે. પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખ દેખાડજે’. બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો. રમણે ઘણું ઘણું પૂછ્‌યું કે, ’હું તને કેમ નથી ગમતો ? મારામાં તેં શી ખોડ દીઠી ? આપણે નવી મોટર લીધી છે. બાપા વાલકેશ્વરમાં બંગલો લેવાના છે’. પણા આખરે એ વંઠેલીને સાન ન આવી. છેવટે જ્યારે રમણે કહ્યું કે, ’હં ! તારે આંહીં કોઈ બીજું પ્રણયપાત્ર છે, ખરૂં ને !’ એટલે તો સાંઢ જેવી એ છોકરીએ મારા રમણને બીજી લપડાક લગાવી દીધી. રાતી આંખ દેખાડતાં મારા રમણને ન આવડયું."

"માફ કરજો - પણ રમણલાલમાં કાંઈ કહેવાપણું તો નથી ના ?"

"રહો, બતાવું. બેટા રમણ ! આંહીં આવ જોઉં !"

અંદરથી કોમળ કંઠનો અવાજ આવ્યોઃ "આવ્યો જી !"

જુવાન દાખલ થયો. એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉમ્મરમાંથી પાંચ વર્ષોના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી. એ માંડ પચીસ વર્ષનો લાગતો હતો. અડકશું તો ભાંગીને ભૂકો થઈ જશે, એવું બિલોરી કાચનું બનાવેલું જાણે એનું બદન હતું. અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી બે આંખો હતી.

"આ મારો રમણ !"

"આ ! પ્રો. ઈન્દ્રજિત આભા બની ગયાઃ "આ પુરૂષ એને પસંદ નથી પડતો ? આટલી હદ સુધીની નફટાઈ ! હું કહું છું કે એને ચોટલે ઝાલી ઉઠાવી જાઓ." એમ કહી ઈન્દ્રજિત ઊંઠ્‌યા.

"જોયું, રમણ ! ઈન્દ્રજિત જેવા પ્રોફેસરે આપણને ન્યાય કર્યો છે. ’ચોટલે ઝાલીને !’ એ એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે. હવે મને છાતી આવી ગઈ. હવે તું મુંઝાઈશ નહિ. હું લાખોનાં આંધણ મૂકીશ. દુનિયાને દેખાડી દઈશ કે કુળવાન માણસ પોતાની આબરૂ સારૂ શું શું કરી જાણે છે."

કુલીન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરૂ પર્વતથી પણ મોટો હતો. સદાય રમણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલીનતા ખાતર જ પિતાનું જીવતર હતું. આબરૂની વેદી ઉપર આત્મ-સમર્પણ કરનાર બાપને રમણ દેવ સમ ગણતો. એ માનતો કે પોતે, મુક્તા અને આખો સમાજ બાપુના કુળની આબરૂ આબાદ રાખવાનાં જ પુનિત સાધનો છે.

એણે પિતાની વાતના વિરામચિહ્‌ન તરીકે હંમેશની માફક ઉમેર્યું કે, "જી હા !"

સુખદેવ ડોસા મુક્તાને ’ચોટલે ઝાલીને’ ઉઠાવી જવાની વેતરણ ઉતારતાં ઉતારતાં બોલ્યાઃ "હું આખી બાજી ગોઠવી રહ્યો છું. એના મુખ્ય પાત્ર તરીકે તારૂં જ સ્થાન રહેશે. તારે મુક્તાને છેલ્લી વારના એક મેળાપના બહાને, તારા તરફથી એને ચાહે તેની સાથે જીવન ગાળવાની ફારગતી આપવાને નિમિત્તે, તેડાવવાની છે. કાગળનો મુસદ્દો હું ઘડી દઈશ. એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ. હું એક મોટરનો ને ચાર માણસોને જોગ કરી રહ્યો છું."

"જી હા !" રમણના રાતા હોઠેથી સનાતન વિરામચિહન સર્યું.

પોતાના ઓરડામાં જઈ રમણ એક ખુરસી પર ઉપર ઢગલો થઈ પડયો. એના કાનમાં પેલા શબ્દો ગાજતા હતાઃ ’ચોટલે ઝાલીને...’એ શબ્દો નવા હતા. કદી નહિ સાંભળેલા. એની આંખો મળી. એણે સ્વપ્ન દીઠું. મુક્તાને ચોટલે ઝાલી ઘસડી જતો પ્રો.ઈન્દ્રજિત દીઠો. એ ઊંઠ્‌યો. મોઢું ધોયું. લખવા બેઠો. આ પહેલી જ વાર એણે પોતાની પ્રેરણાથી કાગળ લખ્યોઃ

મુક્તા,

અરીસામાં બહુ બહુ જોયું કે, તને કંટાળો આવે એવું એવું મારામાં શું છે !

પણ હવે સમજાય છે. આ કંટાળો સ્વયં પ્રેરિત પ્રીતિ જેવો જ સ્વયંભૂ છે. હું ભલે ફૂલનો બનેલ હોઉં, પણ તારી આંખોએ મારા પ્રત્યેક રજકણમાં કીડા ખદબદતા દેખ્યા છે.

પરસ્પર વિનાદીઠ્‌યે થયેલાં અનેક લગ્નો પ્રેમભરપૂર નીવડયાં હશે; પરંતુ તેથી કરીને તારૂં ને મારૂં માબાપોએ તારથી કરી નાખેલ સાટું કશો બચાવ પ્રાપ્ત કરતું નથી.

તને ધૃણા હતી. દબાવી-ડરાવીને તારી જીભમાંથી ’હા’ કઢાવવામાં આવી હતી. સંમતિ-લગ્નનો એ દંભ હતો.

તું કુલીનનું બાળ છે. હિન્દુ કાયદાની ગુલામ છે. વિવાહિત જીવનને ઠેલ્યે તારો ક્યાંયે ઉગાર નથી; જ્યારે હું પુરૂષ તો પાંચ બૈરાં પરણવા પણ સ્વતંત્ર છું. આમ છતાંય તું નાસે છે, એટલે નક્કી કોઈ ભયંકર ધૃણાએ તને વલોવી નાખી હશે. મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે.

મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે. મારા હાથના બીજા કોઈ કાગળથી ભોળવાઈશ નહિ. આ સાથે રૂ. ૧૦૦ની નોટ બીડું છું. ફાવે ત્યાં નીકળી જઈ રક્ષણ મેળવજે.

મારા તરફની આ ફારગતી ગણજે. અદાલતમાં જવું પડે તો આ દેખાડજે.

લિ. રમણ.

રૂ. ૧૦૦ની નોટ સાથે બીડેલા કાય્ગળનું પરબીડિયું ગજવામાં છુપાવીને રમણ બહાર નીકળ્યો. છેક ટપાલ-પેટી સુધી હિંમતભેર પહોંચી ગયો. પરબીડિયું અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઈની થપાટ પડી.

જુએ છે તો - બાપાજી પોતે !

પરબીડિયું આંચકી, ફોડી, અંદર સપાટાભેર નજર ફેરવીને પછી બાપાજીએ બીજી થપાટ ચોડી દીધી. કહ્યુંઃ "ચાલ."

વળતે દિવસે જેને ’ચોટલે ઝાલીને ઉપાડી જવું’ કહી શકાય એવી યોજના કરીને સુખદેવ સસરા પુત્રવધૂને મુંબઈ લઈ ગયા.

મોરલીધર પરણ્‌યો

"એ... સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરૂં છે."

"એ... ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરૂં છે."

"એ... આ પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો."

રોજ સવાર પડે અને શેરીએ શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય. ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેરઘેર આ નોતરાં ફેરવતા હતા.

અપચાના ઓડકાર ખાતાં ખાતાં ઘરઘરનાં લોકો કહેતાં કે "હવે તો રોજ રોજ ગળ્યું જમવાનું ભાવતું નથી."

"પણ આજ તો હરખ-જમણ છે, એટલે દૂધપાક-પૂરી હશે."

"હા, તો તો જશું." એમ ખાવાની લાલસા થાકીપાકી છતાં આળસ મરડીને, હિંમત રાખીને, હોશિયાર બનીને જઠરમાં જાગ્રત થતી.

ઘચરકા-વિકારની દવા કરાવવા માટે વૈધની દુકાને ચડેલો દર્દી ’તમારે હમણાં પખવાડિયું ચરી પાળવી પડશે..." એવી વૈધરાજની માગણી સાંભળીને ઊંભો થઈ જતો; કહેતો કે, ’તો તો અઠવાડિયા પછી જ વાત; હમણાં ન્યાતમાં ને સગાંવહાલાંમાં વિવાડો છે અને દેખીપેખીને ચરી પાળવા ક્યાં બેસીએ, ભાઈસાહેબ !’

એવો એ મહાન વિવાડો હતો. જમણ-ભોજન સિવાયનું સર્વ જગત ક્ષણભંગુર હતું. પ્રજા પાસે દોલત નથી, એ વાત ગલત હતી. લોકોનાં હૈયાંમાં ગુલામીની વેદના સળગે છે, એ કથન વાહિયાત હતું. પ્રજાએ, ઓહોહો, કેવી સમદ્રષ્ટિ કેળવી હતી ! જવાલામુખીના શિખર પર બેસીને પણ વિવાડો માણવાની કોઈ અલૌકિક આત્મશક્તિ આ આર્ય જાતિના કલેવરમાં પડી હતી. પાસે શબ પડયું હોય તોયે વિવાહ તો ચાલુ જ હતા. જમી કરીને લોકો સ્મશાને જતા, સ્મશાનેથી આવીને જમણવારમાં જતા.

ઢોલીનો ઢોલ ચારેય પહોર ધ્રૂસકતો હતો. વાઘરાંને, ઝાંપડાંને અને કૂતરાંને અધરાતે એંઠવાડ વહેંચાતો હતો. ગીતો બસૂરાં-બસૂરાં તોયે ગવાતાં હતાં. વાધ, ચિત્તા અને દીપડાનું કોઈ વૃંદ હોય તેવા વેશધારી બેન્ડવાજાંવાળાઓ ખાસ ત્રીસ રૂપિયાને રોજે રાજધાનીમાંથી આવીને ગામ લોકોની સમૃદ્‌ધિની સાબિતી આપતા હતા. સંગીતનો મિથ્યા મોહ કોઈએ રાખ્યો જ નહોતો.

બે છલોછલ ટ્રંકો ભરીને કપડાંલતાં સાથે મોરલીધર પરણવા ઊંતર્યો. રાજથળી દરબારની ખાસ બે ઘોડાની ગાડી એને સ્ટેશને લેવા ગઈ હતી. પોતાના ગામના દેશાવર ગયેલા ભાઈઓ પૈકી જેની જેની સ્થિતિ સારી બંધાયેલી માલમ પડતી તેને તેને દરબાર આ રીતે ગાડી સામી મોકલવાનો શિરસ્તો રાખતા. મોરલીધરનાં સગાંવહાલાંઓ તથા ગામના આગેવાનો સ્ટેશન લેવા ગયેલ, ત્યાં પણ તેઓએ ચા-નાસ્તાની સગવડ કરી હતી. મોરલીધર લગ્ન કરવા ઊંતરે છે એ સહુને મન મોટો બનાવ થઈ પડયો હતો. સ્ટેશનેથી ગામ પાંચ ગાઉ દૂર હતું, એટલે રાસ્તામાં પણ એક-બે ગામડાંને પાદરે ચાપાણીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગામના સોનીની બે દુકાનો હમણાં હમણાં રોજગાર વિના બેઠી હતી, તેને ધમધોકાર ઉધોગ ઊંઘડયો. દેશના ચાલુ ઘાટ ઉપરાંત મોરલીધર હાથની બંગડીના અને પગના છડાના કેટલાક પરદેશી સુંદર નમૂનાનો પણ લાવેલ તે ફેશનના દાગીના તૈયાર થવા લાગ્યા. એવા નાના કસ્બાતી ગામમાં પરણેલી સ્રીઓથી કાનમાં એરિંગ ન પહેરાય. તે છતાં પણ મોરલીધરને આ ઝૂલતા, ફૂલોની મંજરીઓ જેવા, ગાલ પર ઝલક-ઝલક ઝાંય પાડતા અલંકારોનો બડો મોહ હતો, તેથી ગામ-લોકોથી કશું કહી ન શકાતું. ઊંલટું એમ બોલાતું થયું કે, "હોય, ભાઈ; નસીબદારનાં ઘરનાં નહિ પે’રે તો પે’રશે કોણ બીજું ?"

એ દેખીને તો ગામની બીજી બે-ત્રણ કન્યાઓએ પણ એરિંગોની હઠ કરી, અને માવતરોએ મોરલીધરની કુલીનતાની નકલ કરવામાં કશો જ વાંધો લીધો નહિ.

રોજની બેઠક ચાલુ થઈ. મોરલીધરને ઘેર ચાનું તપેલું ચારેય પહોર સગડીચૂલા પર ઊંકળતું થયું. કેટલાક તો ત્યાં આવીને જ દાતણ કાઢતા.

ઔદિચ્ય બ્રાહ્‌મણોની ન્યાતનું નાક ગણાતા મહેશ્વર મહારાજ રોજ આવીને કહેતા કે, "આ વખતે તો મોરલીધરભાઈ પાસેથી લગનની ચોરાસી જમ્યા વગર છૂટકો નથી. નહિ તો અમે બ્રહ્‌માના પુત્રો લીલા માંડવા હેઠ લાંધશું."

મામલતદાર, કે જેને ભૂતનાથની માનતાથી પિસ્તાલીસમે વર્ષે પુત્ર સાંપડયો હતો. તેમણે આવીને જણાવ્યું કે, "જુઓ, શેઠ, અત્યારથી સવાલ નોંધાવી જાઉં છું કે ભૂતનાથની જગ્યામાં ત્રણ ઓરડા ખાલી રહેલ છે, તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા તમારે આ વેળા કરાવી આપવાની જ છે."

"ખુદ સાહેબ ઊંઠીને વેણ નાખે છે, મોરલીધરભાઈ !" બીજા શેઠિયા બોલી ઊંઠતાઃ "સાહેબનું વેણ કંઈ લોપાશે !"

એ રીતે સ્વામીનારાયણનું મંદિર એક વધુ ઘુમ્મટ માગતું હતું. પાંજરાપોળને ચાર દુકાનો ઉતારી હોટલોનાં ભાડાં રળવાં હતાં. અને તે તમામે આવીને મોરલીધરભાઈના લક્ષ પર આ માગણીઓ નોંધાવી દીધી. મોરલીધર એટલે ગામ-લોકોને મન તો સોનાનું ઝાડવુંઃ સહુ ખંખેરવા લાગી પડયાં.

મોડી રાતે બીજા સહુ વીખરાતા ત્યારે દાક્તર સાહેબ એકલા જ બેસી રહેતા. મોરલીધરનો તમામ આધાર દાક્તર પર હતો. દાક્તર અનેક પુસ્તકો ઉથલાવીને, ફેરવી-ફેરવીને ડોઝ, પડીકી, માલીસનું તેલ વગેરે એકસામટી ત્રેવડી ઔષધિઓ આપતા. સૂર્યસ્નાન, શીર્ષાસન વગેરે કુદરતી ઈલાજો પણ ચાલુ કરવામાં આવ્યા હતા.

મોરલીધરનું આ નવું વેવિશાળ આટલી નાની વય છતાં પણ ત્રીજીવારનું હતું. ચાર વર્ષની અંદર જ એણે બે વહુઓના જાન ગુમાવ્યા હતા.દેખીતી રીતે આ એક દુર્ભાગ્યની ઘટના કહેવાય છે. તકદીરમાંથી બાયડી ખડે એ ગરીબ માણસને માટે આપત્તિની અવધિ જ છે; પરંતુ સુખી ઘરનો જુવાઅન અંતઃકરણને અતલ ઊંંડાણે એક ભયાનક ગર્વ અનુભવે છે એ શુ સાચી વાત હશે ? બે નીરોગી અને અલમસ્ત સ્રીઓનાં યૌવનનો ભુક્કો કરી નાખવો એ શું સામર્થ્યની વસ્તુ નથી ગણાતી ? છૂપુંછૂપું, ઊંંડેઊંંડે, એકાંતે, એકાદ મિત્ર સાથેના ઠઠ્‌ઠામાં ’બહાદરિયો ખરો; બબેને શોષી ગયો !’ એવું કંઈક બોલાય છે ખરૂં ?

ખેર ! મોરલીધરના જીવનની એ પાતળી ખીણમાં ડોકિયું કરવાની શી જરૂર છે ? અંદર જોતા તમ્મર આવે તેવી કૈક કંદરાઓ માનવીના પ્રાણમાં પડેલી છે. લોકોને તો ફક્ત આટલી જ ખબર હતી કે કાલીકટમાં એને એની બીજી વહુ અચાનક મરી ગયાના સમાચાર મળેલા, એટલે હરિચંદ નામના એના મહેતાની બહેન વેરેનું વેવિશાળ ત્યાં એણે પરબારૂં જ કરી લીધું હતું.

લગ્નની તિથિ જોવરાવવામાં હવે હરિચંદની જ વાટ જોવાતી હતી. હરિચંદના બાપનો કશો ધડો નહોતો. એ એક ’રિટાયર’ થયેલા સનંદી વકીલ હતા. અરધાપરધા સાગરઘેલડા હતા. કંઈક છાપાંબાપાં અને એલફેલ ચોપડીઓ વાંચવાની વધુ પડતી ટેવને કારણે વિચારવાયુ પણ થઈ પડેલો, અને ધંધામાં એક પ્રવીણ માણસને ન છાજે તેવા કેટલાક ચોખલિયા સિદ્દાંતો પણ એનામાં ઘર કરી ગયેલા. હાથમાં લીધેલો કેસ સાંગોપાંગ ચાલુ રાખવાની છાતી જ ન મળે. અરધેથીય જો માલૂમ પડે કે અસીલનો પક્ષ જૂઠો છે, તો ધગધગતા પાણીનું વાસણ જેમ કોઈ બાળક હાથમાંથી પાડી નાખે તેમ એ મહેરબાન ઓચિંતા એ કેસને પડતો મૂકતા. પરિણામે એના ’જુનિયરો’ હતા તેઓએ મેડીઓવાળાં ચૂનાબંધ મકાનો પણ કરી નાખેલાં, ત્યારે આ સિદ્દાંતીને ફક્ત મૂછોના ગુચ્છા તથા આંખો ફરતી કાળી દાઝયો સિવાય બીજું કશું જ વધ્યું નહોતું. ગામ લોકો એને રૂબરૂમાં ’બાલીસ્ટર’ કહી બોલાવતાં અને ગેરહાજરીમાં ’વેદિયો’ શબ્દે ઓળખતાં

ઘરમાં પણ એની કિંમત અંકાઈ ગઈ હતી. સ્રી એને નમાલો કહેતી. એક-બે વાર તો સ્રીએ એની ચોપડીઓ પણ ચૂલામાં નાખેલી. દીકરો બાપની આ કંગાલિયત ન સહેવાયાથી દેશાવર ચાલ્યો ગયેલો. પિતાની ભેરે હતી માત્ર પુત્રી ચંપા. છાપામાં કે ચોપડીમાં કંઈક સારો લેખ અથવા છબી આવે તો ’ચંપા ! બેટા, અહીં આવ તો !’ કહી બોલાવતા, અને એને પાસે બેસારી એના માથા પર હાથ મૂકી એ નવું લખાણ કોઈ અજબ છટાથી વાંચી સંભળાવતા.

"હવે ચંપાનો ભવ શીદ બગાડો છો ?" કહેતી સ્રી હાથમાં હાંડલું હોય તો હાંડલું ને સાવરણી હોય તો સાવરણી લઈને દોડી આવતી. "તમારો ને મારો બગડયો તે ઘણું છે ! એના મગજમાં શીદ ભરો છો આ પસ્તીના ડૂચા ! એને વેઠવાનું છે પારકું ઘર : એટલું તો ભાન રાખો !"

"ના, મારે તો ચંપને પરણાવવી જ નથી."

"લ્યો, જરા લાજો - લાજો બોલતાં."

"અરે ગાંડી, વિલાયતના વડા પ્રધાન મૅકડોનાલ્ડની દીકરી, એના બાપ ભેળી જ રહીને બાપનો વહીવટ કરે છેઃ ખબર છે ?"

"હા, એટલે તમેય રાખજો ચંપાને તમારી પસ્તીનો વહીવટ કરવા."

"બસ, હું બનીશ મૅકડોનાલ્ડ, ને મારી દીકરી ચંપા બનશે મારો મંત્રી : ખરૂં ને, બેટા ચંપા ?"

ચંપાને બાપની અનુકંપા આવતી. છાનીછાની આવીને ચંપા બાપુ પાસેથી રોજનું નવું છાપું જોઈ જતી. મા આઘીપાછી હોય ત્યારે બાપુને ચાનો વાટકો પણ ઝટઝટ તલસરાં બાળીને કરી દેતી.

બહેન ચંપાનું સગપણ એના ભાઈ હરિચંદે કાલીકટમાં બારોબાર મોરલીધર વેરે કરી નાખેલું અને તેના સમાચાર એણે પોતાની બાને પહોંચાડેલા - કે જેથી બા તાબતડોબ બાજુના કોઈ ગામડામાં જઈને હરિચંદનું સગપણ પણ કરી કાઢે. મોરલીધરને બીજી કોઈ કન્યા આટલી સસ્તી સાંપડત નહિ; અને હરિચંદનું વેવિશાળ પહેલી વારનું છતાં વગર કોથળીએ થાત નહિ. ચંપાનો વકરો એ રીતે ખપ લાગી ગયો અને બન્ને ભાઈ-બહેનનાં લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. ફક્ત ચંપાનો બાપ ’બાલીસ્ટર’ જ આમાં રાજી નહતો. એ ઘરના મેડા ઉપર બેસીને બબડતો જ રહ્યો. સ્રીએ કહી દીધું કે, "બબડી લ્યો જેટલું બબડવું હોય એટલું. હું દીકરીને ક્યાં - કોઠીમાં છાંદી મૂકત ! એણે તમારૂં શું બગાડયું છે ? બાપ છો કે વેરી ? એનું ઘર બંધાય છે એય જોઈ શકતા નથી ?"

હરિચંદની જ રાહ જોવાતી હતી. ’બાલીસ્ટર’ની પરવા તો નહોતી મોરલીધરને કે નહોતી બીજા કોઈને. એને તો ચંપાના વેવિશાળની ખબર પણ ત્યારે જ પડી, જ્યારે ચંપાને એક દિવસના છાપામાં આકાશી વિમાન ઉરાડનારી કુમારી એમી જોનસનનું ચિત્ર દેખાડવા બોલાવતાં બાપે એના કપાળમાં ચોખાવાળો ચાંદલો અને શરીર પર હેમના નવા દાગીના દીઠા.

તે દિવસે એ મેડેથી ઊંતર્યો ત્યારે ત્રણ-ત્રણ પગથિયાં સામટાં ઊંતર્યો. એનાં ચશ્માં ફૂટ્‌યાં, એ પડતો પડતો રહી ગયો. એણે સ્રીને ફાટી આંખે પૂછ્‌યુંઃ "હે, ચંપાનું વેશવાળ કર્યુ ? મોરલીધર વેરે ? મને પૂછ્‌યું પણ નહિ ?"

"લ્યો, હવે જાવઃ મેડે ચડીને નિરાંતે પસ્તી વાંચો. વેવાર હલાવવાની જો રતિ નથી, તો પછેં બીજાંને હલાવવા તો ધો !"

એ મેડે ચડી તો ગયો, પણ ત્યારથી નીચે જમવા પણ નહોતો ઊંતરતો. મા ચંપાની સાથે એનું ’ઠોસર્યુ’ - અર્થાત્ ભાણું - મેડે જ પહોંચાડતી. બાપે ચંપાને તે દિવસથી છાપાં બતાવવાં બંધ કર્યા, વાતો પણ બંધ કરી. થાળી દેવા જતી ચંપા બાપની છાતીમાંથી એક પછી એક ડોકિયાં કરી રહેલ પાંસળીને નિહાળતી અને બાપની ભીની આંખોના ઊંંડા ખાડામાં નાની નાની બે ચંપાઓને આંસુમાં નહાતી જોતી.

આખરે હરિચંદ પણ એનું વેવિશાળ થઈ ગયું હોવાનો તાર મળવાથી પરણવા ઊંતર્યો. રતિવિહોણા બાપનો પોતે રાંક પુત્ર, ઉંમર હજુ નાની છતાં બાહોશીથી બહેનને ઠેકાણે પાડી, પોતેય ઠેકાણે પડી શક્યો, માનું હૈયું ઠાર્યુ, અને બાપની હાંસીને સ્થાને પોતાની ડાહ્યપ સ્થાપી દીધી - એથી હરિચંદનું દિલ ભર્યુ ભર્યુ બની ગયું હતું. વિવાહ પણ સૌ જોઈ રહે એવો મોભાસરનો કરવાની એની ઉમેદ હતી. મોરલીધરના લગ્ન ઉપર એમના અંગ્રેજ આડતિયાની પેઢીનો જે પારસી મૅનેજર આવવાનો હતો તેને પોતે પણ પોતાની જાનમાં એકાદ ટંક બપોર પૂરતો લઈ જાય એવો એનો મનોરથ હતો. એટલી ઈજજત-આબરૂ પરદેશ ચરબી ચડાવનારી વિલયતી કંપનીનો પારસી મૅનેજર એક વણિકના પુત્રની જાનમાં એક ટંક આવે એ પ્રતિષ્ઠાએ કંઈ જેવીતેવી છે ! પોતે ગામમાં દાખલ થયો તે દિવસે વિવાડાના ઠાઠમાઠ અને ઉછરંગ જોતાં એને પણ ’કૉંટો’ આવી ગયો કે સહુનું ઝાંખું પડી જાય એવી જુક્તિ પોતે પોતાના ઘરનાં લગ્નોમાં જમાવશે. અનેકની આંખોમાં આજે ચંપાના અહોભાગ્યની અદેખાઈ થતી હશે, એ વિચાર અત્યારે હરિચંદના હૈયામાં ફૂલેલ ડોકવાળા કબૂતર-શો ઘૂઘવી રહ્યો હતો.

મેડે બેઠેલ બાપે હરિચંદને પાસે બોલાવ્યો; કહ્યુઃ "ભાઈ, મારે એક વાત કહેવી છે."

"તમારે ચંપાના નવા સંબંધ વિષે કાંઈ જ કહેવાનું નથી. બીજું જે કહેવું હોય તે કહો."

"પણ, ભાઈ, આમાં બેનનો ભવ -"

વધુ ન સહેવાયાથી હરિચંદ ઊંઠી ગયો. લગ્ન લખવા માટે એણે મહાજન તેડાવ્યું. બીજાંને ત્યાં ફક્ત ચા મળે છે પણ હરિચંદ તો કેસરિયાં દૂધનો કઢો પિવરાવવાનો છે, એ સાંભળીને મહાજનમાં ન ખપે એવા પણ ઘણા માણસો હાજર થયા. નીચે સ્રીઓ પણ ગાવા એકઠી મળી. મહાજનમાં પ્રશંસા ચાલીઃ

"હરિચંદે પણ નાની ઉંમરમાં નામના સારી કાઢી."

"બેનને ભારી ઠેકાણે પાડી ! ભાઈ હોય તો આવા હોજો !"

"નીકર, ભાઈ, આ ઘરનું કામ સો વરસેય સરેડે ચડે એવું થોડું હતું !"

"બાપ બચારા સાગરઘેલડોઃ સળી તોડીને બે તણખલાંય ન કરી શકે. ક્યાં છે બાલીસ્ટર, હેં હરિચંદ ?"

"મેડે બેઠા છે."

"બોલાવો તો ખરા ! દીકરીના બાપે હાજર તો રે’વું જોવે ને ?"

"એ વેદાન્તમાં ઊંતરી ગયેલને આ સંસારી માયા ગમતી નથી." એમ વાતો થાય છે, અને જ્યાં નીચેના ઘરમાં પહેલું -

માંડવડે કાંઈ ઢાળોને બાજોઠી, કે કંકુ ઘોળો રે કંકાવટી...

એ ગીત ગવાઈ ગયા પછી -

કે રાયવર, વેલેરો આવ !

સુંદર વર, વેલેરો આવ !

તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે...

- એ રસભર્યુ, કન્યાના હ્ય્‌દયમાં નવવસંતના વાયુ-હિલ્લોળ જગવતું, પોઢેલા પ્રેમપંખીને હૈયાના માળામાંથી જાગ્રત કરતું, સ્થળ-કાળના સીમાડા ભૂંસાડીને હજારો યોજન પર ઊંભેલાં વિજોગીઓની વચ્ચે મિલન કરાવતું, તલસાવતું, પલ-પલની વાટડીને પણ યુગ સમી વસમી કરી મૂકતું બીજું ગીત ઊંપડયું, અને અહીં બ્રાહ્‌મણના મંત્રોચ્ચાર મંડાયા, નગરશેઠે લેખણ લઈ લગ્ન કંકોતરી લખવા માંડી ત્યારે સહુના કાન ફાડી નાખે તેવો આર્તનાદ પડખેના મેડામાંથી સંભડાયો. એ રૂદનમાં હજાર વીંછીના ડંખો હતા; એકસામટા સાત જુવાનજોધ પુત્રો ફાટી પડયાની વેદના હતી. એવું રૂદન માનવીના ગળામાંથી જીવનમાં એકાદ વાર માંડ નીકળે છે. જાણે કોઈ સળગતા ઘરની અંદરથી પંદર માણસોનો આખો પરિવાર ઊંગારવા માટે ચીસો પાડી રહ્યો છે.

"આ શું થયું ?" કોણ રૂવે છે?" પૂછતાં સહુ સ્તબ્ધ બન્યા. વિલાપ વધારે વેધક બન્યો. રસ્તે રાહદારીઓ ઊંભા રહી ગયાં. જાણે કોઈની હત્યા થતી હતી.

"કોણ રૂવે છે ?"

હરિચંદ જોવ જાય ત્યાં તો ચોધાર આંસુડે છાતીફાટ રોતો, જાણે ગાંડો થઈ ગયો હોય તેવો એનો પિતા આવ્યો. ચિતાના ઢેળાખામાંથી બળતુંબળતું શબ ઊંઠ્‌યું હોય એવી એની દશા હતી.

"આ શું ! બાલીસ્ટર કેમ રૂએ છે ! શું છે, બાલીસ્ટર !"

નાના બાળકની માફક તરફડિયાં મારીને રોતો, કપાળ કૂટતો ચંપાનો પિતા બોલી ઊંઠયોઃ "મારી ચંપાને ગરદન મારો, ચાય કૂવે હડસેલો; પણ તમે એને સાત પેઢીને શીદ આમ સળગતી આગમાં હોમી રહ્યા છો ?"

"પણ શું છે એવડું બધું, અરે બાલીસ્ટર !"

"તમે દાક્તરી તપાસ કરાવો."

"કોની ?"

"મોરલીધરની. તમે ડાહ્યાઓ કાં ભૂલો ? એટલુ તો વિચારો, કે એની પહેલી વહુને આખે શરીરે વિષ્ફોટકવાળું બાળક અવતરેલું; અને બીજીને ત્રણ કસુવાવડો થઈ હતી. એના રોગની કલ્પના તો કરો. મારી ચંપાને - મારી ફૂલની કળી જેવી ચંપાને રૂંવે રૂંવે ફૂટી નીકળશે, એની સંતતિને ય લાગી જશે. એનો છૂપો રોગ -"

સહુ સમજી ગયા હોય તેમ એક્બીજાનાં મોં સામે જોવા લાગ્યા.

"ચાં-દી." કોઈકનો ધીરો સ્વર ઊંઠ્‌યો.

"મારી ચંપાને તમે પાલવે ત્યાં પરણાવો, હું આડો નહિ પડું. મારો હરિચંદ ભલે બહેનને વેચીને પોતાનો સંસાર બાંધે. પણ આ નરકમાં ! તમે કોઈ દાકતરી તપાસ કરાવો." પિતા પાગલની પેઠે રોતો હતો. "નીકર મારાને મારી ચંપાના તમને એવા કકળતા નિસાસા લાગશે કે તમારી બહેનો-દીકરીઓનાં ધનોતપનોત નીકળી જશે. હું જિંદગીમાં કદી રોયો નથી. મારૂં આ પહેલુ અને છેલ્લુ રોણું સમજજો તમે, મહાજનના શેઠિયા ! હજારો દીકરીઓના સાચા માવતર ! ઘરેણાં-લૂગડાંના ધારા બાંધો, લાડવા-ગાંઠિયાના ધોરણ ઠરાવો; પણ તમને કોઈને કેમ સૂઝતું નથી કે વર-કન્યાનાં શરીરની શી દશા છે !"

મહાજન થંભી ગયું હતું. તેમાં બે ભાગલા પડયા. બે સૂર ઊંઠ્‌યાઃ

"શરીર-પરીક્ષાનું આ એક નવું તૂત, ભાઈ !"

"એમાં ખોટું શું છે ?"

"કાલ તો કહેશો કે, વરનું નાક ચપટું છે તે મોટું કરાવો."

"એમ વાતને ડોળો મા. ચાંદી-પરમિયાનો રોગી ચાય તેટલો પૈસાવાળો હોય તો પણ કુંવારો રહે."

"એ...મ ?" મોરલીધરના પક્ષકારોની આંખો સળગીઃ "કોને રોગ છે ! કોણ કુંવારો રહેશે ? કોણ કન્યાને સવેલી લઈ જવા માગે છે ? આવી જાય બેટો પડમાં."

"આ કકળાટમાં અમે લગન નહિ લખી શકીએ, ભાઈ !" એમ કહીએ મહાજન ઊંઠી ગયું.

ઢોલી, બૈરાં અને પુરોહિત પાછાં ચાલ્યાં ગયાં.

હરિચંદ અને મા ચંપાને સમજાવવા લાગ્યાંઃ "તું તારે એમ જ કહેજે કે, બસ, મારે મોરલીધર વેરે જ પરણવું છે : ભલે એ રોગ્િાયલ હોય. હું સતી છું. બીજા મારે ભાઈ-બાપ છે."

ચંપાની કાળી કાળી મોટી આંખોમાંથી જવાબરૂપે આંસુ ઝર્યા.

દક્તરી પરીક્ષાઃ દાક્તરી પરીક્ષાઃ વરકન્યાની દાકતરી પરીક્ષાઃ ઘરેણા-લૂગડાં અને કેળવણી કે કુલીનતા કરતાંય વધુ જરૂરીઃ એ મંત્ર ગામમાં રટાવા લાગ્યો. અનેક માબાપોએ પોતપોતાનાં પરણાવી રાખેલાં સંતાનોની ઊંંડી વેદનાઓના તાગ લીધા, તો તળિયેથી આ ભયંકર વાતો નીકળી પડી.

પણ મોરલીધર આ વાત ઝાઝી ચર્ચાય એવું ઈચ્છતો નહોતો.

"મારે સર્ટિફિકેટ શા માટે લાવી આપવું ? શું ગામમાં એ એક જ કન્યા છે ? અરે, એની આંખ આંજીને એની છાતી સામે જ બીજી કોઈ પણ કન્યા લઈ આવું - ને એ ધૂળ ફાકતાં રહે. લાખ વાતેય મારે લગ્નનું મૂરત ખડવા દેવું નથી."

અને થોડા જ કલાકોમાં ચંપાના અંગ ઉપરથી ઘરેણાંનો ઢગલો ઊંતરી ગયો, ને ગામના એક કરજદાર સટોડિયાની વીસ વરસની દીકરીના શરીરને એ જ આભૂષણો શોભાવવા લાગ્યાં. નક્કી કરેલાં મુહૂર્તે મોરલીધર ચંપાના ઘરની સામેને જ ઘેર નાખેલા માંડવામાંથી મૂછે તાલ દેતો ધરાર બીજી ’નસીબદાર’ કન્યાને ગાલે પેલાં એરિંગો ઝુલાવવા ઉપડી ગયો, અને ’ભાગ્યહીન’ ચંપા જોતી રહી ગઈ.

હરિચંદની સોહાગ-રાત્રિ તો આવી આવીને પાછી કેટલે દૂર ચાલી ગઈ !

ભનાભાઈ ફાવ્યા

મામાના અગાધ અંતઃકરણમાં આનંદ છે કે નહિ તેનો તાગ લેવાનું એક અચૂક માપ હતુંઃ ચા પીધા પછી કે જમ્યા પછી જો મામા સૂડીની વચ્ચે વાંકડી સોપારીનાં એક પછી એક દૂધિયાં ફાડિયાંનો ચૂરો પડતો જ રહે, તો સમજવું કે મામાના જીવનમાં આજે નવી ઘડી સંકેલાઈ છે. ધોબી કપડાંમાં જે ઘડીઓ પાડે છે, તેવી જ જાતની જીવન વ્યવહારમાં પણ ઘડીઓ પાડવાનો ઘણાને શોખ હોય છે. મામાની જીંદગી પણ આવી ’ઘેડય’ પાડેલી ચાદર હતી.

આજે મામાની સૂડી ચાલુ છે. "ભનાભાઈ ! બીજી સોપારી લાવજો તો !" એમ કહે છે ત્યાં તો બાવીસ વર્ષના જુવાન ભનાભાઈ છલંગો મારીને મામી પાસે દોડે છે. કબાટનું તાળું, કે જેની ચાવી મામીની કમરે જ રહેતી, તે ઉઘાડીને મામી વાંકડી સોપારી કાઢી આપે છે; અને આજે તો બે ઘડી નિરાંતે વાતો કરાશે એમ સમજીને મામી ઓરડાની બારીએ આવીને ઊંભાં રહે છે. બન્નેની આંખો સામસામી હસે છે. મામી પૂછે છેઃ "પણ આવડું બધું શું છે આજ ?"

"ભનાભાઈ ફાવ્યાઃ બીજું શું !" એમ કહીને મામાએ ભાણેજ તરફ દોંગી દ્રષ્ટિ માંડી. ભનાભાઈ ખાસ કોઈ કુદરતી લજ્જા પામીને નહિ પણ આવા પ્રસંગે લજ્જા પામવી જોઈએ એવા સભાન પ્રયત્નથી, નીચે જોઈ ગયા.

"શું, ભનાભાઈને વટાવ્યા ?" ગામના દાક્તર મામાને મળવા આવેલા, તેણે આનંદ પામીને પૂછ્‌યું.

"હા, વટાવ્યા !" મામાનું ગળું ફુલાઈને બોલી ઉઠ્‌યુંઃ "ભનો ખાટી ગયો ! બીજા કૈંક પડયા રહ્યા."

"કેમ શું કન્યા બહુ રૂપાળી મળી ?" મામીએ પોતાની મતિ પ્રમાણે ’ખાટી જવા’નો અર્થ બેસાર્યો.

"સસરાજી શાહુકાર મળ્યા ?" દાક્તર સાહેબે પોતાના ગજથી માપ્યું.

"બધી વાતે ઘેડય બેસી ગઈ. ભલા માણસ !" મામાની સૂડી જોરથી ચાલી."કન્યા રૂપાળી ને ભણેલીગણેલી. સાસરાનો ધીકતો વેપાર, અને એ કન્યા સિવાય બીજું કોઈ સંતાન ન મળે - અને હવે થવાનો સંભવ નથી, હો ભનાભાઈ ! મૂંઝાશો મા !" એમ કહીને મામાએ ફરીવાર શરમાવાનો પાઠ ભજવવાની તક દીધી.

દાક્તર સાહેબે પોતાના અનુભવના બોલ કહ્યાઃ "બસ, તો તો પછી હવે નાહકનું ભનાભાઈએ બી.એ. સુધી ટિપાવા શીદને જવું ! સાચી કોલેજ સસરાની પેઢી. વેપારમાં પાવરધા બનીને પછી એક આંટો અમેરિકા મારી આવે, એટલે વિદ્યા... વિદ્યાઃ હાઉં મારા ભાઈ ! આમ રઝળ્યે આરો નહી આવે. અને કાલની કોને ખબર છે, યાર ! હું તો કહું છું કે પરણી પણ વેળાસર લેવું . જે કંઈ સ્થિતિ બંધાઈ જાય તે આપણા બાપની. બાકી, સમય બહુ બારીક છે, યાર !"

"થઈ રહેશેઃ બધું જ ઘીને ઘડે ઘી થઈ રહેશે." મામાના હાથ સોપારી વાંતરતા હતા, પણ એના કપાળની પાછળ અનેક વેતરણો ચાલુ હતી. લમણાંની નસો ફુલાઈને બહાર નીકળી હતી. તે ઉપરથી જણાઈ આવે કે અંદર એકસામટી ઘણી ક્રિયાઓ ચાલી રહેલ છે. દાક્તરે કહ્યુંઃ "ભાઈ ! હું તો અંગત અનુભવની વાત હોવાથી કહું છું. અમારે બિન્દુની વહુને એક વર્ષથી જ્વર લાગૂ પડયો છે. પણ ખૂબ કાળજી લઈ ઈન્જેક્શનો ઉપર ઈન્જેક્શનો આપ્યે જઈએ છીએ. બે વર્ષ એમ-નાં એમ કાઢી નાખે ને, તો એની દાદીનો તમામ વારસો બિન્દુને મળી જાય તેમ છે. મોટી સાસુ બે વર્ષમાં તો સ્વધામ પહોંચવાનાં જ, એટલે વહુ જો બે વર્ષ ખેંચી કાઢે ના, તો બિન્દુને બે પેઢીની નિરાંત -"

"થઈ રહેશે. અને તેમ છતાં આપણે ક્યાં ભનાભાઈને પૈસા સાટુ વરાવ્યા છે ? પૈસા તો પગનો મેલ છે મેલ. આતો આવા પૈસાદારોને જ ગરજ કરતાં આવવું પડે છે. એ લોકોની જ દીકરીઓ રઝળી પડેલી હોય છે. મને મિત્રોએ બહુ ગળે ઝાલ્યો, એટલે વળી મેં હા પાડી. બાકી ભનાભાઈને તો દસ નાળિયેર આવતાં હતાં. પૈસાની શી પડી છે એને !"

આટલું બોલતાં બોલતાં મામાને પાંચ-છ વાર ખોંખારા ખાઈ ગળાની સોપારી સાફ કરવી પડી.

"જે જે ત્યારે. હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ(અંતઃકરણનાં અભિનંદન), ભનાભાઈ ! વિશ યુ ગુડ લક (સદભાગ્ય ઈચ્છું છું) !" કહીને દાક્તર સાહેબ ઊંઠ્‌યા.

"સવારે તો ભનાભાઈનું મોં લાલઘૂમ થઈ ગયેલું અને આંખમાં ધુમાડા ઉઠ્‌યા હતા." મામીએ મામાની તથા ભાણેજની વચ્ચે નજરને નચાવતાં નચાવતાં કહ્યુંઃ "નાકનું ટેરવું રાતુંચોળ -"

"હવે બેસો ને, મામી !" ભાણેજે રીસ કરી.

"શા માટે વળી ?" મામાએ ટટ્ટાર બનીને પૂછ્‌યું.

"એના ગોઠિયા બધા ભઠવતા હતા કે ભનાભાઈએ એક દિવસની મુલાકાતમાં કન્યાની કઈ એવી પરીક્ષા કરી નાખી તે વેવિશાળ કરી બેઠા ! એ તો સસરાની લક્ષ્મી પર મોહી પડયા - દીકરી પર નહિ ! ને એણે કૉલેજ માં ’ઈચ્છાવર’ વિષે બહુ મોટાં ભાષણો કર્યાં’તાં એ ક્યાં ઊંંઘી ગયાં ! ને એને તો વારસો જોવે છે વારસો ! એવું એવું કહીને બધા ખીજવતા હતા, એટલે ભાઈસાહેબના કપાળે ઢેલડીઓ ચડી ગઈ; ડળક ડળક પાણી પડયાં."

"હા-હા !" મામા મહેનત કરીને હસ્યા. ’ભનાભાઈની તો છાતી જ ક્યાં છે છાતી ! કાળજાં કૂતરાં ખાઈ ગયાં છે. નીકર માથું ભાંગી નાખે એવો જવાબ ન દઈએ ! કહેવું’તું ને કે ’ઈર્ષા શેના કરો છો ? તમને ન મળી એટલે ? નાળિયેર આવ્યું હોત અને પાછું વાળ્યું હોત તો તમને બધાને સાચા બહાદુર કહેત !’ બાકી - ટેબલ ઉપર છટાથી મામાએ સૂડીનો ટકોરો દઈ તાલ મેળવતાં મેળવતાં શબ્દો ઉચ્ચાર્યાઃ "એ તો બધા ઘાએ ચડયા છે ઘાએ. સારી કન્યા જો મળે ને," સૂડીનો ટકોરો - "તો અત્યારે આ ભરમના કાળમાં જ મળે." - ટકોરો - "ભણી ઉતર્યા પછી તો બાંધી મૂઠી ઉઘાડી પડી જાય." - પાછો ટકોરો - "નોકરી સારૂ ફાંફાં મારતાને કંકુને ચાંદલે કોઈ કન્યા દેવા ન આવે. પછી તો મૂઆ પડયા ! અથવા તો મળે કોઈ બોદો રૂપિયોઃ અવતાર આખો ઝેર થઈ જાય. ભનાભાઈ, એ કલ્પનાને ઘોડે ચડનારાને રહેવા દે. એ બધા એવા તો પડવાના છે ને, કે છોતરેછોતરાં ઊંડી જશે. કેટલા કૉલેજવાળાઓ ગોટાળે ચડીને પાયમાલ થયા છે ! ઈચ્છા-લગ્ન ! પસંદગીનાં લગ્ન ! સ્વયંવર ! એ તો બધા શબ્દો જ મીઠા લાગે છે; અને અનુભવ તો ઝેર જેવા નીવડયા છે. આ જોતો નથી ? હું અને તારી મામી ફક્ત એકબીજાંના ફોટોગ્રાફ જોઈને જ પરણ્‌યા’તાં. પંદર વરસ વીતી ગયાં, છતાં એકધારો સંબંધ ચાલ્યો જાય છે ને ! એનું નામ ઈચ્છા-લગન ! લો ચાલો, સૂઈ જાઓ બે ઘડી. ઘાએ ચડો મા, અને થઈ જાઓ મુંબઈના વસવાટ માટે તૈયાર !"

ભનાભાઈના બરડામાં હાથ થાબડીને મામા પોતાના ઓરડામાં પેઠા. પાછળ મામી પણ ગયાં. ઓસીકે જઈ ઊંભાં રહ્યાં. પૂછ્‌યુંઃ "હેં, સાચું કહો છો ? કન્યા રૂપાળી તો છે ના ?"

"અરે, તમારા સમઃ નમણી છે. એથી રૂપાળી - વરથી વધુ રૂપાળી - વહુ જોવામાં માલ પણ નથી. અવતાર બગડે. અને મારે તો આ ભાઈસાહેબના મગજમાં કોઈક ભૂંસું ભરાવશે એવી બીકે લગન સાથોસાથ જ કરી નાખવાં હતાં. પણ બહેનનો જીવ કોચવાય, એકનો એક દિકરો કોળીનાળીની પેઠે પરણી લે છે એમ બહેનને લાગે, એટલે જ મેં છ મહિનાની ધીરજ રાખી છે. લો જાઓ, પધારો; સૂવા દો હવે નિરાંત કરીને." એમ કહીને બપોરના બાર વાગ્યે મામાએ માથા ઉપર કાશ્મીરી શાલ ઓઢી લીધી.

ચ૨ૃ

અઠવાડિયાંમાં તો મુંબઈથી ત્રણ ચાર તાર આવી ગયા. સસરાએ ભનાભાઈને જલદી તેડાવ્યા. મામા પરના કાગળમાં સવિસ્તર લખ્યું કે "મારી પેઢીમાં અત્યારથી જ બેસાડું તેથી તેમને હીણપ જેવું જણાતું હોય, ઘરજમાઈનું આળ ચડતું હોય, તો અહીં મેં એક ભાગીદાર ઊંભો કરીને શ્રી ભનુનો જીવ ન દુખાય તેવો સ્વદેશી વસ્તુનો વ્યાપાર નિરધારી મૂક્યો છે. માટે ઝટ મોકલો. શાંતાનો અભ્યાસ જોરથી આગળ ચાલે છે."

આવી ગોઠવણથી પ્રસન્ન બની ભનાભાઈએ બિસ્તર અને બેગ બાંધ્યાં. મામાએ કહ્યું કેઃ "વધુ સરસામાન ન લઈ જતો. તારા સસરાને ત્યાં અઢળક વસ્તુઓ ભરી છે." મામાના નાના દીકરા રમણે ભનાભાઈનું કાંડા-ઘડિયાળ માગ્યું. તે તરત જ ભનાભાઈએ છોડીને આપી દીધું, કહ્યું કે "ત્યાં મને તો માગ્યા ભેગું જ મળી રહેશે." એમ, પોતે કોઈ કલ્પવૃક્ષની છાંયડીમાં જતા હોય તે રીતે, એણે ઘણીખરી ચીજો ભેટ-સોગાદમાં દઈ દીધી. બુધવાર, દિશાશૂળ, હોળીની સામી ઝાળ વગેરે બધા જ અપશુકનીયાળ દિવસો વટાવીને ચોખ્ખે દહાડે સાંજની ટ્રેનમાં ભનાભાઈનું ઊંપડવું નક્કી થયું.

ગામ નાનું, બનાવ પ્રમાણમાં મોટો, મામાની પ્રતિષ્ઠા જબ્બર, એટલે ઘણાં લોકો વળાવવા ઘેર એકઠાં થયાં. પોતાના છોકરાઓ સંબંધે કાં તો નોકરીની, કાં સ્કોલરશીપની અને, બેશક, સારાં સાસરિયાં શોધી દેવાની પણ વિનંતિઓ કરવા અનેક ઓળખાણવાળાંઓ આવ્યાં. "ભનાભાઈ ! બાપા ! અમારે તો તમારો વશીલો બંધાણો છે.વાડય વિના વેલો ચડતો નથી. તમારી ચડતી કળા દેખીને અમારી આંખો ઠરે છે. મોટી પાયરીએ ચડયા છો. તે હવે બાની ચાકરી કરીને તમે વર-વહુ બેઉ તમારા હાથ ઠારો." એવું એવું ઘણું બધું બોલાઈ ગયું.

ભનાભાઈનાં આધેડ વયનાં બા ભારેખમ મોં કરીને સહુની વચ્ચે બેઠાં હતાં. તેની સામે નજર કરીને કોઈ બોલ્યુંઃ "બાએ બિચારીએ સંસારનું સુખ ક્યાં ભાળ્યું છે ! એ તો સ્વપના જેવું થઈ ગયું. હવે તમે પાછો દિ વાળ્યો, ભનાભાઈ !"

"અરેરે ! રાંડી પુત્ર શે’જાદો..." એટલું બોલતાં બાથી રડી પડાયું.

મળવા આવનારાઓમાં એક ભનાભાઈની બા જેવડી જ વિધવા બાઈ હતી, અને એ વિધવાની સોળેક વરસની પુત્રી હતી. સહુ જ્યારે ભનાભાઈના આ નવપ્રાપ્ત સૌભાગ્યથી વિનોદ, આનંદ અને વિનતિઓ કરી રહ્યાં હતાં. ત્યારે આ ત્રિવેણીબહેનનું મુખ પડી ગયું હતું, પણ રંગમાં ભંગ ન પાડવા એ મહેનતથી મોં મલકાવતાં હતા.

’ત્રિવેણીબહેન !" મામીએ પૂછ્‌યું, "આજે લલિતા કેમ નથી દેખાતી ?"

"આ રહી. હું અહીં છું." લલિતા એની બાની પીઠ પાછળ લપાઈને બેઠેલી, ત્યાંથી બોલી.

"મોં સંતાડીને કેમ બેઠી છો ?"

"ના, મેં ક્યાં સંતાડયું છે ?" એમ કહેતી લલિતા ટટ્ટાર થઈ બેઠી.

"આ ત્રિવેણીબહેનની લલિતા." મામીએ સહુ સામે નિહાળીને કહ્યું.

બધાં એકબીજાંને સામે તાકી રહ્યાં. કોઈ બોલ્યુંઃ "ભાગ્યની વાત છે, બાઈ !"

લલિતાનું મોં ગાલનાં મૂળ સુધી લાલલાલ થઈ ગયું. એ પાછી બાની પાછળ લપાઈ ગઈ.

ભનાભાઈ ઘૂમાઘૂમ કરતાં પોતાનો સરંજામ સજતા હતા. વાળની લટો કપાળ પર પડતી હતી. તેને ઝટકાવી વારંવાર ઠેકાણે નાખતા હતા.

"લ્યો, ભનાભાઈ ! આવજો. માયા રાખજો !" કહેતાં ત્રિવેણીબહેન ઉઠ્‌યાં.

"કાં, ત્રિવેણીમાશી ! લલિતાબહેન ! ઊંઠશો ! આવજો. તમારી આશિષ." ભનાભાઈએ એટલું કહ્યું ત્યાં ત્રિવેણીબહેન ટોળાથી થોડે દૂર ચાલ્યાં ગયાં. ભનો પણ એની પાછળ ઘસડાયો. લલિતા આગળ નીકળીને થાંભલી સાથે શરીર ટેકવી પડખું ફરીને ઊંભી રહી.

"ભનાભાઈ ! બાપા ! એક ભલામણ કરવી છે." વિધવાએ ઓશીયાળું મોં કર્યુ.

"હા, કહો ને, માશી !" ટાઈમ થઈ જતો હોય તેમ બતાવવા ને વાત ટૂંકી કરાવવા ભનાભાઈએ કાંડાં પર નજર કરી - પણ કાંડે ઘડિયાળ નહોતું.

થોથરાતી જીભે વિધવાએ હળવેથી કહ્યુંઃ "બીજું તો શું ! આ લલિતાને લાયક કોઈ ઠેકાણું જડે તો ધ્યાન -"

"બા !" થાંભલીને અઢેલી ઊંભેલી લલિતા એના શરીરના ટુકડેટુકડા થઈ જતા હોય તેવી વેદના સંઘરતી બોલીઃ "બા, હવે ચાલશો ? મોડું થાય છે."

મોડું શાનું થતું હતું તે તો લલિતાને માલમ. બાએ કહ્યુંઃ "બેટા, આ અબઘડી જ આવી, હો !" આટલું કહીને પાછું એણે ભનાભાઈને પજવવા માંડયુંઃ "તમે તો જાણો છો, ભાઈ ! બધી વાત જાણો છો કે આના બાપની નજર કોના ઉપર હતી. એ ગુજરી ગયા ત્યારે તમે જ એના મોંમાં પાણી દઈને સદગતિ કરાવેલી કે લલિતાનું કાડું તમે -"

એટલું કહેતી કહેતી એ આધેડ વિધવા એકીસાથે હસી પડી તેમ જ થીગડાંવાળા કાળા સાડલાના છેડા વતી આંખો લૂછવા લાગી. ભનાભાઈને સૂઝ ન પડી કે શો ઉત્તર વાળવો. એ ચારેય બાજુ જોતો જાણે કોઈની સહાય શોધતો હતો. એને નાસી છૂટવું હતું.

"બા ! હું તો જાઉં છું." કહેતી લલિતા ખડકી બહાર નીકળી પાછી દિવાલની ઓથે ઊંભી રહી.

"એ આવી, હો, બેટા !" એટલું બોલીને ગરજવાનને અક્કલ ન હોય તે પ્રમાણે, પાછું ચલાવ્યુંઃ "એ તો હોય, ભાગ્યની વાત. તમારૂં સુખ અને ચડતી કળા દેખી મારી આંતરડી ઠરે. પણ આ તો ઓલ્યું તમને બધું ગમતું ખરૂં ને ! વાંકો સેંથો - ને કાનમાં એરિંગ - ને સાંજે ફરવા નીકળવાનું - ને ગાવું વગાડવું - બાઈસિકલ ને પોટુગરાપ - ને ઉંમર પણ બે વરસ વધુ થઈ ગઈ - એટલે અહીં નાના ગામમાં ન્યાતનાં માણસો ગ્િાલા કરે જ ને ! એથી હવે બહારગામ ઠીક-ઠીક સુધારાવાળું ઠેકાણું જડે તો એમ કે ઝટ કરી નખાય. તમે તો ચતુર છો; બધું સમજો છો. દાંતને જીભની ભલામણ શી હોય !"

લલિતાએ સાંજના ઠંડા પહોરમાં બહાર ઊંભાં ઊંભાં બાનો એકેએક શબ્દ સાંભળ્યો. પોતાનાથી ઊંંચા સાદે ચીસ પાડી બેસાશે એવી બીકે એ ત્યાંથી ચાલી નીકળી તોયે બા હજી ખસી જ નહિ. કોઈ પનિહારી જળાશયને આરે પોતાના ફૂટેલા ઘડાનાં ઠીકરાં એકઠાં કરે છે તેની પોતાને સાન ન હોય, ને પછી ભાનમાં આવતાં હાથમાંથી એ ટુકડા પોતાની મેળે જ નીચે પડી જતા હોય, એવી વલે આજે લલિતાની વિધવા માતાની થઈ પડી. ત્રણ વાર એણે "લ્યો બાપા, આવજો !" એમ કહી વિદાય લીધી. તે છતાં પોતે ભનાભાઈના મુખ સામે જોતી જ રહી. ખબર નથી કે છૂટા પડવાની વિધિમાં શું તૂટે છે. કંઈક તૂટતું તો હતું જ.

"ભાઈ !" એ ત્રુટી સાંધતો મામાનો સાદ આવ્યોઃ હવે પછી વાતો ખૂટશે કે નહિ ? ગાડીનો વખત ભરાઈ ગયો છે." એમ કહેતાં મામા એ વિધવા તરફ ફર્યાઃ "ઓહો, ત્રિવેણીબહેન છે ! ત્રિવેણીબહેન ! ભનો તો ચાલ્યો."

"હા, ભાઈ ! બહુ ખુશી થવા જેવું છે."

"મને તો ઘણું ય હતું લલિતા વેરે કરવાનું, ત્રિવેણીબહેન ! પણ સાતમી પેઢીએ આપણે સગોત્રી નીકળીએ છીએ. એટલે હું લાચાર થઈ પડયો."

"ના, એમાં શું, ભાઈ !" કહીને વિધવા પગે લાગી રસ્તો લીધો.

એ ઘેર પહોંચી ત્યારે ઘરમાં દીવો નહોતો. પાચ-છ દીવાસળી બગડયા પછી જ ફાનસ પેટાવી શકાયું. જોયું તો લલિતા ડામચિયા ઉપર જ માથું ઢાળીને ઊંભી ઊંભી ઝોલું લઈ ગઈ હતી. ડામચિયા પરનું ગાદલું લલિતાનાં આંસુમાં ભીંજાયું હતું. તે જ વખતે ભનાભાઈને મુંબઈ લઈ જનારી ગાડી જંગલમાં પાવા વગાડતી સૂસવાટ વેગે ચાલી આવતી હતી. લલિતાની રાંડીરાંડ બાને જાણે પચીસ વર્ષનો પેટનો દીકરો ફાટી પડયો હોય તેવી વેદના હતી; છતાં છાતી ઉઘાડીને રડવાનો એને અધિકાર નહોતો.

ચ૩ૃ

પહેલાં દુખણાં લઈને સાસુએ જમાઈના હાથમાં અગ્િાયાર રૂપિયા મૂક્યા. તે ઘડીથી જ ભનાભાઈનું દિલ હર્ષ-ગદગદિત બની ગયું. પછી તો જમવામાં બે-ત્રણ શાક અને રોટલીની સાથે કંઈક ને કંઈક મિઠાઈ તો લેવાની ખરી જ. સાયબી પણ એવી કે એક વાર શાક ઠંડું પિરસાયું ત્યારે તરત જ સસરાએ વાટકો પછાડયો હતો. સાંજે ઘેર જતાં ક્યાં કોને, કયા શુભ-અશુભ અવસરે કેટલી કેટલી રકમના વધાવા અથવા ઝબલાં-ટોપી મોકલવાનાં છે તે વિષે સાસુ-સસરાની વાતચીતોઃ શાંતાનો કયો દાગીનો જૂનો થઈ ગયો છે, અને સોનીને ત્યાં એનો કયો નવો ઘાટ ઘડવા લઈ જવાનું છે, એની વાટાઘાટઃ બેંકમાં બાપનું, માનું, શાંતાનું એમ સહુનાં જૂદાં જૂદાં ચાલુ તેમ જ ’ફિક્સ્ડ ડીપૉઝીટ’નાં ખાતાંઃ દાકતરોનાં બિલઃ નોકરોના ફેરફારઃ દૂધવાળીનું દૂધ બદલવાની જરૂરઃ ભંગ્િાયાણી રિસાઈ છે, અને બીજા કોઈ ભંગીને આવવા પણ નથી દેતી માટે મ્યુનિસિપાલિટીમાં ખબર આપવી જોઈએ તેની ચર્ચાઃ એવા વિધવિધ વાર્તાલાપોથી કુટુંબનું જીવન રસાયું હતું. ભાવિ વારસ પોતાની ભવિષ્યની મિલકતો ઉપર પ્યાર કેળવવા લાગ્યો. બેંકમાં જમાઈને નામે પણ અલાયદું ખાતું ખોલવવાનું નક્કી થયું. ખરેખર, ભનાભાઈના જમણા પગની ભાગ્ય-રેખા જોઈને પાંચ વર્ષ ઉપર રેખાશાસ્ત્રીએ ભાખેલી વાણી અક્ષરે અક્ષર સાચી પડી.

પેઢી ઉપર પણ ’આ પરદેશી રાજસત્તાના અમલમાં નીતિનો વેપાર ન જ કરી શકાય’ એ જૂની માન્યતાઓના ચૂરેચૂરા થઈ જાય તેવી સચોટ દલીલો ભનાભાઈ કરવા લાગ્યા. એમણે સસરાના મિત્ર સાથે સ્વતંત્ર કામ આરંભી દીધું. પરંતુ એ રીતે ચાર-છ મહિનામાં બે-ત્રણ ધંધા બદલાયા, કેમકે વેપારીની અનીતિ અને કૂડ ભનાભાઈને ફાવતાં નહોતાં. ભનાભાઈની અણઆવડતનો દોષ બીજા દ્વેશીલાઓ કે અબુધો કાઢતા; પણ એ સાચો નહોતો.

પોતાનાં ઉચ્ચ નીતિ-તત્વોના માચડેથી એ સસરાની વેપાર પધ્ધતિ પર શરવૃષ્ટિઓ કરવા લાગ્યા. પ્રથમ-પહેલાં તો આવા સિધ્ધાંત-ભક્ત જમાઈને માટે સસરાના મંડળને મોટું માન પેદા થયેલું. પણ ધીરે ધીરે એમની મશ્કરી મંડાઈ ગઈ. પેઢીની ઉપરની જ મેડીમાં એમનો મુકામ હતો. તેથી રાત્રિએ ત્યાં સુનારા નોકરોચાકરો માટે ભનાભાઈ એક રમકડું બની ગયા.

શાંતાને તો ભનાભાઈ હવે કોઈ કોઈ વાર સસરા ખાસ ઘેર જમવા તેડી જાય ત્યારે જ જોઈ શકતા. કોઈક વાર શાંતા નિશાળેથી કંઈક કારણસર પેઢી પર આવતી ત્યારે દીદાર થતા. પેઢીના નોકર પાસેથી ભનાભાઈ શાંતા વિષે ઘણી માહિતીઓ મેળવતા. કોઈ વાર એને કવિતા લખીને મોકલતા પણ શાંતા બિચારી ’પૃથ્વી છંદ’માં લખેલ ગુજરાતી સૉનેટની -

કલાપ તુજમાં ગૂંથું સુમન વ્યોમ-ઊંગી વેલનાં

ઉતારૂં શશિ-તેજની ફરફરંત ઝીણી ઓઢણી’’

- એવી પંક્તિઓમાં ભરેલા નિગૂઢ અર્થો સમજી શકતી નહોતી. પૃથ્વી છંદ એને વાંચતાં પણ આવડતો નહોતો. એને તો ધૂન હતી પરીક્ષા પસાર કરીને વિદ્યા- પ્રવીણ થવાની. એ જવાબો મોકલતી, તેમાં લાગણીની ભાષા જ નહોતી. એ એક જ વાત પર ભાર દેતી કે, ’તમે હવે જલદી કોઈ લાઈન પકડી લ્યોઃ નકામો વખત ન ગાળો, મારે હમણાં સ્કૂલના ઉત્સવમાં સંવાદ ભજવવાનો પાઠ કરવાનો હોવાથી કાગળ નહિ લખી શકું તો માફ કરજો’ વગેરે વગેરે.

આમ ભનાભાઈનાં બન્ને ફેફસાં ઉપર સોજા ચડવા લાગ્યા. એનો જીવ શાંતાના આવા જવાબથી ઊંલટો ઊંચક થઈ ગયો. પછી એના હૃદયમાં ઈર્ષ્યા જાગી ઉઠી. શાંતાના ભણતર માટે સસરાને આગ્રહ કરનાર પોતે જ હતો તે ભૂલી જઈ ને એણે હવે વાંધા ઉઠાવવા માંડયા કે, "આમ ભણ ભણ કરવાથી શરીર બગડશે... આ સંવાદો અને નાટકોમાં જાહેર પાઠ લઈને નાચવું એ બરાબર નથી... બૂટ શા માટે પહેરો છો ? ચંપલ અથવા સપાટ જ હોવાં જોઈએ. શાંતાને માથું ઉઘાડું રાખવાની ટેવ પડી છે તે મારા મામાને ઘેર કેમ પોસાશે ? એણે તો, ઊંલટું, મામાની લાજ કાઢતાં પણ શીખવું જોઈએ. પોલકાંની બાંય આટલી બધી ઊંંચી કેમ ચાલશે ? ને વાળ કપાળે જરા ઊંંચા ઓળવા પડશે; નહિ તો મારી બાને આવા પાતરવેડા ગમશે નહિ.’

આવી-આવી સૂચનાઓ જ્યારે નોકરની મારફત પોતાના ભાવિ સ્વામીનાથ તરફથી આવવા લાગી, ત્યારે શાંતાનો શ્વાસ ઊંડી ગયો. એ તો ઘડીઘડી ઘરમાં રડવા લાગી. માને આ બધી વાતની જાણ થઈ ત્યારે તેણે શાંતાના બાપુને કહ્યુ કે, "આપણે તો એમ સમજીને સગપણ કર્યું છે કે જમાઈ ને દીકરી આપણે ઘેર રહી આપણો વહીવટ કરશે. પણ આ માવડિયો તો મારી શાંતાને એના મામા અને મામીના કેદખાનામાં નાખવા માંગે છે. અત્યારથી જ આટલી ખોડખાંપણો કાઢી રહ્યો છે, તે પરણ્‌યા પછી શું નહિ કરે ? એ તો મારી દીકરીને કહેશે કે, પાણી ભરી આવઃ લૂગડાં ધોવા ગાંસડો બાંધીને નદી-કાંઠે જાઃ ને કાં પાંચ મહેમાનોનાં વાસણ માંજી નાખ. ના, બાપુ ! મેં મારી ખોટની દીકરીને એ માટે કેળવીને તૈયાર નથી કરી. મારે તો દીકરી દઈને દીકરો લેવો હતો."

આ રીતે શરમેધરમે એકાદ વર્ષ નીકળી ગયું છે. બહુ બજાવેલા ગ્રામોફોનની ચાવી ઉતરી જાય, બહુ ફેરવેલા સ્ક્રુના પેચ ઘસાઈ જાય, બહુ લખેલી ટાંક ઠરડાઈ જાય એ રીતે ભનાભાઈની માનસિક શક્તિના આંટા પણ બૂઠા થઈ ગયા છે. એક વાર માર્ગ ચૂકેલો મુસાફર અનંત ભૂલભૂલામણીમાં પડી જાય, તે રીતે એને રસ્તાની ગમ નથી પડતી. એને સંદેહ પડી ગયો છે કે આખી દુનિયા મારી ઠેકડી કરી રહી છે. મિત્રો કે સ્નેહીઓ તો ઠીક પણ ત્રાહીત અણઓળખીતાઓ પણ જો કશી વાતચીત કરી હસી પડે તો ભનાભાઈને એમ જ ઠસાઈ જાય છે કે, એ સાલાઓ મારી જ કશી મજાક કરે છે. બીજી બાજૂથી, પોતે આવો ભોટ અને શાંતા શાળાના મેળાવડામાં પુરૂષ-પાઠ કરીને તાળીઓના ગડગડાટ સાથે ઈનામ મેળવે, એ એને પોતાનું અક્ષમ્ય અપમાન લાગ્યું. એણે શાંતાને કહી મોકલ્યું કે, "આ બધું નહિ પોસાય".

બીજે જ દહાડે ભનાભાઈના મામા કામપ્રસંગે મુંબઈ આવેલા તેને સ્ટેશન પર વળાવવા જઈને શાંતાના પિતાએ એકાંતે ઊંભા રાખીને વિનતી કરી કે, "મહેરબાની કરીને ચિરંજીવી ભનુને કોઈક લાઈન પકડી લેવા સમજાવો."

મામા બોલ્યા, "હવે વળી લાઈન શી પકડવી હતી ? તમારા જેવા સમર્થનો હાથ પકડયો છે ના !"

"ના, એમ તો નહિ ચાલે."

"કેમ ?"

"મારી શાંતાનું મા-માટલું હું ધર્મશાળામાં ઉતારવા તૈયાર નથી."

"મારૂં ઘર એટલે - "

"- એટલે ધર્મશાળાઃ ભનુનું સ્વતંત્ર ઘર નહિ."

" તો પછી મને કશી પરવા નથી. મારા ભાણેજને માટે ડઝન એક શ્રીફળો હું ગજવામાં લઈને જ ફરૂં છું."

એવી ટપાટપી બોલી ગઈ. વેવિશાળ તૂટ્‌યું. એનો કડાકો સાંભળીને ભનાભાઈ મામાને ગૃહે જવા પાછા વળ્યા.

ચ૪ૃ

પોતાથી નીચલી પાયરીની કન્યા જ લેવી જોઈએ, અને સાળા મુંબઈગરાઓની પુત્રીઓ કોઈ પણ જુવાને ન સ્વિકારવી, એવું પ્રચાર-કામ જોશભેર ઉપાડવા એને મન થયું. એના ઘવાયેલા અંતઃકરણમાં એક જ વાતની રૂઝ વળતી હતી કે, હવે હું, વિના વાંકે તજેલી બાપડી લલિતાનો હાથ ગ્રહીને એની વિધવા માતાની રક્ષા કરીશ.

લલિતાનું સ્મરણ થતાં જ એના હૃદય-પટ પર જૂનાં સંભારણાંની રેખા ફૂટવા લાગીઃ જૂનાગઢ કૉલેજમાં પોતે ભણતો ત્યારે લલિતાને તથા એની બાને લઈ પોતે ગ્િારનાર પર ચડયો હતો. સાસુને આગળ નીકળી જવા દઈને પછી બંને જણાં આંકડા ભીડીને બબ્બે પગથિયાંની છલાંગો મારતાં ચડયાં હતાં. લલિતાની ઓઢણી ખભા પર ઢળી પડીને અંબોડામાંથી છટકેલી લટો ગ્િારનારની વાદળીઓ જેવી ફરર-ફરર થતી હતી. પોતે ’શકુન્તલ’ના તાજા મોંએ કરેલા પ્રેમ-શ્લોકો બોલતો હતો, અને વણસમજ્યે પણ લલિતા હૃદયનાથની વિદ્વતા પર વારી જતી દેખાતી હતી. અને પોતે કૉલેજ જોવા લઈ ગયેલો ત્યારે એની સામે હસી પડનાર વિદ્યાર્થીઓને "હસો છો શું જોઈને !" એવી ધમકી લલિતાની નજરોનજર સંભળાવી હતી. એવો જે હું, તેનું મૂંગું આરાધન કરતી લલિતા મારે માટે ઝૂરતી બેઠી હશે. બીજા સાથે પરણવું એને ગમ્યું જ નહિ હોય.એક વાર મને દિલ આપ્યા પછી બીજાની સ્ત્રી થતાં એ બાપડીને જુગના જુગ જાય. સારૂં થયું કે હું છૂટો થયો. લલિતાની પ્રાર્થના સાંભળીને જ પ્રભુએ મારી આવી દશા કરી મને પાછો વાળ્યો હશે. કેવું દયામણું મોં કરીને એ બેઠી હશે ! કેવું ઠપકાભર્યું મૌન ધારણ કરીને એ મારી સન્મુખ હૈયાફાટ રડી ઊંઠશે ! એ ઠપકો હું શિર પર ચડાવીશ. આ વખતે મામા ગમે તેટલું કહેશે તો પણ હું કોઈ શ્રીમંતની કન્યા સ્વિકારવાનો જ નથીઃ ભલે ને કરોડોનો વારસો મળતો હોય. લલિતાનાં એક આંસુ ઉપર હું એ કરોડોને ઓળઘોળ કરીશ. આ વખતે મામાની દલીલો કે બાનાં ફોસલામણાં મારી પાસે નહિ ચાલે - નહિ જ ચાલે. ગરીબ, પિતાહીન પુત્રીનો પાલનહાર થવામાં મારૂં જીવન કુરબાન થજો ! હું શ્રીમંતોના ફાસલામાંથી બચીને પાછો ચાલ્યો આવ્યો એ સારૂં જ કર્યું.

આમ આ યુવાનના દિલમાં હજુ એવી ભ્રમણા હતી કે પોતે કોઈ ઉજ્જવળ કારકિર્દીને જાણીબૂઝીને જતી કરી પાછો ફર્યો છે. એ આવ્યો અને મામાએ જ્યારે કચવાટ દર્શાવી કહ્યું કે, "ભનાભાઈ ! ભાગ્યદેવીને ઓળખી ન શક્યા. હાથે કરીને હીરો ખોઈ બેઠા." ત્યારે ભાણેજે ભોં ખોતરતાં ખોતરતાં કહ્યું કે," તમે જ મને ધકેલ્યો હતો."

"મેં ! ના, તેં તારી પસંદગીથી જ વેવિશાળ સ્વીકારેલું, ભાઈ ! પણ આજકાલના જૂવાનિયાના મગજમાં રોજરોજ હજાર ઉધામા જાગે તેનું શું કરવું ? તેં જ ઉતાવળ કરી, ભાઈ ! નીકર તારે ટોંક-ટોંક કરવાની શી જરૂર હતી કે શાંતાએ આમ પહેરવું ને તેમ ઓઢવું ! આંહી આપણે ઘેર એક વાર આવી જાત, તો પછી એ બધી ઘેડયો આંહિ ક્યાં નહોતી પાડી શકાતી ! એક વાર આપણા દબાણમાં આવ્યા પછી આપણે ચાહે તે ઘાટ ઘડી શકીએ ને !"

આમ મામાને ’ઘેડય’ અને ’ઘાટ’નું સ્મરણ થયું, જીવનમાં આજે પહેલી જ વાર એને હાથે વાળેલી ’ઘેડય’ બગડી. સોપારીનાં ફાડિયાં આજે ખોરાં નીકળતાં હતાં.

"કશી પરવા નહિ. હવે મને મારા નિશ્ચયમાંથી ચળાવશો મા !" એટલું કહીને ભનાભાઈ જરીક વીખરાયેલે જુલફે, ઝભ્ભાના ગજવામાં હાથ નાખી, રાત પડયા પછી ગામ-લોક કોઈ ન દેખે તેમ ગામમાં ચાલ્યા ગયા, અને પીપળાવાળી શેરીમાં મહાલક્ષ્મીની દેરી પાસેની પોતાની પ્રિય ખડકીનું કમાડ ખખડાવ્યું.

પવનની લહેરીમાં પોતાના માથા પાસે કોઈ ખડખડાટ હસતું લાગ્યું. એણે ઊંંચું જોયુંઃ ટોડલા ઉપર આસોપાલવનાં પાંદડાંનું સુકાયેલું તોરણ જ અટ્ટહાસ્ય કરી રહ્યું છે. બારસાખની બન્ને બાજુ કંકુનાં તાજાં ત્રિશૂળો ને થાપાઓ છે. બારસાખ પરના ગણેશ તાજા સિંદૂરે રંગેલા છે. એ બધાં જાણે ભનાભાઈની સામે જાણે કે તાકીતાકીને જોતાં હતાં. તોરણનાં સૂકલ પાંદડાં કટાક્ષના સ્વરો કાઢી ખખડતાં હતાં. ખડકી ઊંઘડીઃ "કોણ છે ?"

"ત્રિવેણીમાશી !"

"કોણ - ભનાભાઈ ! ઓહો, બાપ ! ક્યારે આવ્યા ? ઓચિંતાના ? બહુ સારૂં થયું." એમ કહીને વિધવાએ હેતનાં વારણાં લઈ દસેય આંગળીના ટચાકા ફોડયા. "આવો આવો અંદર !"

ભનાભાઈએ અંદર જતાં વિધવાના ઘરના ફાનસને ઝાંખે અજવાળે માણેકથંભ દીઠો. માંડવો જાણે તાજેતરમાં સમેટ્‌યો હોય એ બતાવતી વળીઓ ત્યાં પડી હતી. ગળું ખોંખારીને ભનાભાઈ કંઈ પૂછે તે પહેલાં તો ત્રિવેણીમાશી બોલી ઊંઠ્‌યાંઃ "તમને કંકોતરી મળી હતી બેનની ?"

"કોની ?"

"લલિતાબેનની. બેનનાં લગન હજી ચાર મહિના ઉપર જ કર્યાં, બાપ ! હું જઈને બાને હાથોહાથ કંકોતરી દઈ આવી હતી. મને સરનામાની ખબર નહિ, અને બેન કહે કે, બા, જરૂર-જરૂર દઈ આવ્ય માશીને. તમને નહિ મળી હોય, ખરૂં !"

લલિતા પરણી ગઈ ! મારી થવા નિર્માયેલીને કોણ ચોરી ગયો ? મારી રાહ ચાર મહિના પણ ન જોવાઈ ! કોઈ ઘરડોખખ, કોઈ કૂબડો-કાણો, કોઈ રોગી દુરાચારી, કોઈ સંતતિ-ભૂખ્યો ધનવાન, આવો કોઈ કાગડો દહીંથરૂં ઉપાડી ગયો ! શું નાણાંની લાલચે માસીએ દીકરી વેચી મારી ! મારી તજેલીને બીજું ઠેકાણું તો ક્યાંથી મળી જ શકે ? માશીએ દીકરીને કૂવો દેખાડયો કે શું ?

ઉધ્ધારક બનીને દોડયો આવનાર એ યુવાન જ્યારે એક પલમાં આવી વિચાર-સૃષ્ટિમાં ગતિ કરી રહ્યો હતો, ત્યારે એને અડધું જ ભાન હતું કે માશી શું કહી રહેલ છે. માશી તો ભોળે ભાવે કહેતાં હતાં; પણ એવા જ નિર્મળ ભાવથી વરસતી ચાંદની જેમ કામાતુરને વગર ઈચ્છાએ દગ્ધ કરે છે, એ જ રીતે માશીનાં વેણ ભનાભાઈના કલેજા ઉપર એક પછી એક અંગાર ચાંપી રહ્યા હતાંઃ

"બાપુ ! તમે ક્યાંક ઠેકાણું ગોઠવી દેશો એવી આશાએ તો છ મહિના વાટ જોઈ. ગામલોકોએ તો ગ્િાલા કરવામાં મણા ન રાખી. ’વાંકા સેંથાળી’, ‘બૂટજોડાળી’, ’પારસણ’ વગેરે વેણની તો તડાપાટ વરસે. બેન બચા’ડી બાર ન નીકળી શકે. એનાં આંસુડાં કે’દીય ન સુકાય. રાતમાં ઝંખે ઝંખે તે કાંઈ ઝંખે ! આવી, આંગળી રોખી થઈ ગઈ. પછી મેં તો માડી, બધી પંચાત મેલીને અમારા તડા બા’રના એક જુવાનને જોઈ કાઢ્‌યો. બરાબર લલિતાની જોડય મળી ગઈઃ એને બાપડાને ’હીણા કુળનો’ કહીને કોઈ દેતું નો’તું, ને બેનને ’પારસણ’ કહીને કોઈ લેતું નહોતું. મેં તો વર જોયોઃ બીજું કશું - ઘરેય ન જોયું ને કુળેય ન જોયું. ભાવનગરના છાપખાનામાં સાંચો હાંકે છે. રૂપિયા પોણોસો પરસેવો નિતારીને નીતિના રળે છે. સંચે બેઠેલો મેં જોયો, પણ કાળામશ લૂગડામાંય દેવના ચક્કર જેવી કાંતિ દીઠી. લલિતાનેય દેખાડયો. સામસામાં મન ઠરેલાં લાગ્યાં. કહું કે, ન્યાતનું ઘર જાય પૂછડાંમાં. આંખ્યું મીંચીને મેં તો કરી નાખ્યું. વિવા ટાણે ન્યાત સંપી ગઈ. કોઈ મારે ઘરે ન ડોકાણું. મેં કહું કે, ન આવો તો મારે શી સાડીબાર છે ! મેં એકલે હાથે ગારગોરમટી કરી, વડી-પાપડને સેવ વણ્‌યાં. પાંચ દીમાં વિવા પતાવ્યા. જમાઈને કહ્યું કે,"બાપુ, લૂગડાંના ગાભા લાવીશ મા ! શુકનની વાળી લઈને હાલ્યો આવજે. ચાનો વાટકો પીને વળતી ગાડીએ તેડી જજે ! પછી તારે ઘેર જઈ ભલે મારી દીકરીને સોને મઢજે કે અડવી ફેરવજે."

માશીએ અહિં શ્વાસ ખાધો,ને ભનાભાઈએ નિઃશ્વાસ નાખ્યો. માશીએ વાત આગળ ચલાવીઃ

"આ એમ પરણાવીને મેં તો મારી દીકરી વળાવી. પછી બે મહિના ભેળી રહીને પણ આવી. ને, ભાઈ, મારી તો આંતરડી ઠરી, હો ! અહો ! શું જમાઈનો સ્વભાવ ! શું એની સબૂરી ! શી એની નજર પોગે ! કહે કે, ઘી-દૂધ ઓછાં ખાઈશ, પણ આ મચ્છરવાળા ગામમાં મકાન તો હવાઉજાસવાળું જ રાખીશઃ ને લલિતાને નળની સગવડ હોય ત્યાં જ રહીશ. મનેય કહે કે, બા, તમને અહીં મચ્છરદાની વગર નહિ સૂવા દઉં. લલિતાની આંખ્યો બહુ ઉઠણી ખરી ને, તો જમાઈ કહે કે, ’ના, ચૂલે નહિ, શગડી પર કોયલે રાધો !’ એક વાર મેં જમાઈને પૂછ્‌યુ કે, ’બાપુ ! કાંઈ કહેવા જેવુ !’ ત્યાંતો બાપડો દડ-દડ-દડ પાણીડાં પાડીને બોલ્યોઃ ’બા, મારા ઘરમાં તો દેવી આવી છે. મારા જેવા ઘાસલેટમાં આળોટનારને આવું ભાગ્ય ક્યાંથી ? ઈશ્વરને કહું છું કે, મારૂં સપનું ઉડાડીશ મા, હે નાથ !’ આમ બોલીને જમાઈ કાંઈ રડયો છે, કાંઈ રડયો છે. ભનાભાઈ ! શું કહું ! મને રાંડીરાંડને - કરમફૂટી હતી એને - આવું સુખ જડયું એ તમ જેવા, બા જેવાં ને મામા જેવાને આશીર્વાદે, ભાઈ !"

ભનાભાઈ ઊંભા હતા. એને તમ્મર આવી રહ્યાં હતાં. એના હૈયામાં ધખધખાટ હતો. હજુ એને થઈ રહ્યું હતું કે, ’હું જેને માટે થઈને પાછો આવ્યો, જેને ઝંખી રહ્યો છું, તેણે મને છેતર્યો શું !’

’બેન તમને બહુ યાદ કરતી’તી, હો, ભાઈ ! સાંભળ્યું છે કે - ખમ્મા, એને બે મૈના પણ ચડયા છે, તો તો હું તેને તેડી આવીશ. તમે હમણાં અહીં જ રે’શોને !"

"હા, માશી ! હું અહીં જ છું."

એમ કહી, ’બીજે ક્યાં - જહન્નમમાં જાઉં’ એવું મનમાં બબડી ભનાભાઈ કોણ જાણે કોના પર ચિડાતા, રસ્તામાં કૂતરૂં સૂતેલું તેને ઠેબું લાગવાથી માંડમાંડ તેનાં બચકાંમાંથી બચી છૂટતા, અંધારૂં હોવાથી વિના શરમે પલાયન કરતા ઘેર પહોંચ્યા. તે વખતે રાતનું વાળુ કરીને મામા સારી દૂધલી સોપારી શોધતા ઓસરીમાં બેઠા હતા.

એ સૂડી-સોપારીના કકડાટથી અને મોંના બચબચાટથી કોઈ અકળ, અગમ ત્રાસ અનુભવતો આ તરૂણ ઘરમાં પેસવાને બદલે સીધેસીધો ચાલતો થયો. સડક વટાવી. સ્ટેશન વટાવ્યું. દૂર ઊંભેલા સિગ્નલની લાલ બત્તી એની સામે તાકી રહી હતી. તળાવની પાળે ટિટોડી બોલતી હતી. કોઈ પીધેલા જેવા એ જુવાનનું શરીર ખોળામાં લઈ કરૂણામયી કુદરત એને વાયરો ઢોળતી હતી. નશો ઊંતરતાં એને પોતાની પામરતાનો થાક સમજાયો. તારાઓ એને કહેતા હતા કે, લલિતા સુખમાં પડી એથી આનંદ પામ !

સુખમાં પડી ! લલિતા ભલે સુખમાં પડી ! એકવાર એ અહીં આવશે તો હું એના બાળકને ખોળામાં લઈને રમાડીશ. હું એ બચ્ચાંના ગાલ અને હોઠ પર ચૂમી કરીશ. એના કૂણા કિસલય-શાં આંગળાંના તમાચા મારા બેવકૂફ ગાલો પર ચોડાવીશ. અને હવે તો હું જ લલિતાને કહીશ કે, ’બહેન ! ગરીબડી કોઈ બીજી લલિતા જડશે આ જગતમાં ક્યાંક ? હોય તો મારી ભલામણ કરીશ ? મને વેલાને વાડય દેખાડીશ ?’

આવી ઊંર્મિઓમાં નહાતો એ યુવાન અરધી રાત સુધી સિગ્નલને ઓટે સૂતો રહ્યો. વીંછીના ડંખ પર ફૂકવાથી વળે છે તેવી શાતા એને થોડી વાર વળી.

કેશુના બાપનું કારજ

કંકુમાનું મોં કાળા સોગ્િાયા સાડલાના ઘૂમટામાંથી બોલતું હતું. એ મોઢાનો અવાજ જાણે કબરના ખાડામાંથી આવતો હતો. એના હાથમાં ટપાલનું પત્તું હતું. "ભાઈ, આ વાંચ ને, બાપુઃ શું લખ્યું છે ભાઈજીએ ?"

બાવીસ વરસના દીકરાનો મિજાજ ફાટી ગયો હતો. એ બોલ્યોઃ "બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્‌યાં છે કારજ ખાવાનાં !"

"પણ તું વાંચ્ય તો ખરો !"

કેશુ કાગળ વાંચે છેઃ

"ભાઈ કેશવલાલ તથા અમારાં ગંગાસ્વરૂપ વહુ બાઈ કંકુને માલમ થાય જે માધભાઈનો ઘાસ ઘણો મોટો લાગ્યો છે. અમારી છાતી ભાંગી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તમે ત્યાં આકોલામાં જ માધાભાઈની ઉત્તરક્રિયા કરવાનં છો. તો, વહુ, આ બહુ અઘટિત ગણાશે. કેશુની વહુનો ખોળો પણ ત્યાં દેશાવરમાં જ ભરી નાખેલો, તેનું મેણું ન્યાત અને કુટુંબમાં હજી બોલાય છે. તમારે અહીં દેશમાં આવીને કારજ કરવું જોવે. હજુ તમારે દીકરા-દીકરી પરણાવવાનાં છે. આપણું નામ વગોવાય છે. ગામમાં હલાતું નથી. અમારા માધાભાઈ જેવો દસ હજારની આબરૂવાળો જીવ -"

"હં, દસ હજારની આબરૂ !" કેશુએ કાગળ વાંચતાં વાંચતાં ધીરજ છોડી. "મારા બાપે મરતાં લગી પણ દસ હજારનો ભરમ સાચવી રાખ્યો એ પાપ મારે ભોગવવું રહ્યું. અંત સુધી ઓશીકા હેઠ હિસાબની ચોપડીઓ દબાવી રાખી. મોટાં ખોરડાં લેવાની વાતો કરી. ખોટેખોટી આબરૂ સારૂ થઈને આજ લગી તરકટ હાંક્યું. ને હવે એનાં પરિણામનો વારસો મારે વેઠવો."

"ચોપડીમાં માંડેલું કાંઈ ન નીકળ્યું, હેં ગગા !"

"કાંઈ જ નહિ."

"તું શું સમજ ! નક્કી ધારશીકાકો એ નામની એક ચોપડી ઉપાડી ગયો. એ જ ત્યાં અંત ટાણે બેઠો‘તો."

"અરે બા ! બોલો મા ! બોલો મા !"

"ઠીક, કાંઈ નહિ. આપણે કાંઈ ઘેર જઈને કારજ કર્યા વિના છૂટકો છે !"

"પણ અહીં પચીસ-પચાસ રૂપિયા વાવરો ને નાતીલાં જમાડી લ્યો, તો શો વાંધો છે !"

"બાપુ ! તું પરણીને બેઠો છો. તારા બાપે ઈ દસ હજારનો ભરમ રાખ્યો, તો તારૂં ઘર બંધાણું. પણ હજુ બે બેન્યો અને નાનેરો ભાઈ બાકી છે. અને કારજ કરશું નહિ તો નાતીલાં નાક કાપી લેશે. ભરમ પણ ઊંઘડી જાશે."

"બા ! વહુને હજુ હમણાં જ કસુવાવડ થઈ ગઈ છે. આ મુસાફરીનો હડદો - ને ત્યાં રોવાકૂટવાં -"

"રોવાકૂટવાં તો કરવાં જ જોવે ને, ભાઈ ! સો પેઢીનો ચાલતો આવતો ધરમ કાંઈ, વઉ ચાર ચોપડી ભણીને આવી છે તેટલા સારૂ, લોપાય છે ? અને હું તો આજ છું ને કાલ નહિ હોઉં. પછી કટંબકબીલામાં આભડવા, મોંવાળવા જવું તો એને જ પડશે ને ! હજુ તો એને સરખો રાગ કાઢીને રોતાંય આવડતું નથી ! મોં વાળવામાં તો ઘડીક થાય ત્યાં છાતી દુખવા આવે છે. એ બધું આવે અવસરે જ શિખાય છે ના ! જો ને, પ્રેમજીકાકાની વહુ હજી પરણીને ચાલી આવે છે ત્યાં તો મનેય ટપી જાય એવું મોં વાળે છે."

"પણ, બા, મારી પાસે ભાડાની જોગવાઈ જેટલુંય નથી. ને મારી નોકરી જાશે."

"મારી પાસે એક ગંઠો ને વહુની એક મગમાળા છે. ઈ ક્યાંક મેલીને પૈસા ઉપાડીએ. બાકી, તારે બાપે મરતાંમરતાં જીભ કચરી છે કે, મારી વાંસે મેશુબ અને જલેબીની નાત કરજો, એટલે એની સદ્‌ગતિ તો કર્યે જ મારે છૂટકો છે."

કેશુ બે ઘડી વિચારમાં પડી ગયો. બાપને અને બાને આખો જન્મારો કૂતરા-બિલાડાનો જ સ્નેહસંબંધ હતો. પણ બાપ મૂઆ પછી બા બિચારાં બાપના જીવની સદ્‌ગતિ સારૂ મથે છે !

કેશુ ઊંઠ્‌યો. ઘરમાં ગયો. રાતી ટીબકીવાળા કાળા સોગ્િાયા સાડલામાં સ્ત્રીનું લોહી વિનાનું શ્વેત, માંદલું અને શોકાતુર મોં મીઠું દેખાતું હતું. એ કાંઈ બોલતી નહોતી. બાના વેણ એણે સાંભળ્યા હતાં. એટલે ડોકમાંથી મગમાળા કાઢીને હાથમાં લઈને જ એ ઊંભી હતી. પણ એના કલેજામાં સ્ત્રીના આ અવાચક અધીનતા એટલી કરૂણ લાગી કે એણે મગમાળા દેવાની ના પાડી હોત તો પોતાને વધુ ગમત.

"તું આ એકાદ મહિનાનો કુટુંબવાસ સહન કરી લઈશ ને ? રોતાંકૂટતાં આવડશે ?"

"મહેનત કરીશ." ફિક્કા મોઢામાંથી હસતો જવાબ નીકળ્યો.

કેશુ, એની સ્ત્રી, બા, બે બહેનો ને એક ભાઈ સ્ટેશને ગયા. સાડાપાંચ ટિકિટોનો ખોબો એક રૂપિયાની જ્યારે ટિકિટની બારી પર કેશુએ ઢગલી કરી, ત્યારે કેશુને થોડીક કમકમાટી આવી ગઈ. ત્રણ દિવસની મુસાફરી દરમિયાન સહુ બાઘોલાં જેવાં બેસી રહ્યાં. બાનું ને ભાભીનું કાળા ઘૂમટામાં દટાયેલું મોં બાળકોને બિહામણું લાગતું હતું. છોકરાં જરીકે હસતાં કે આનંદથી વાતો કરતાં એ બાથી સહેવાતું ન હતું. વહુએ એક વાર છૂટો શ્વાસ લેવા સારૂ બારીમાં ડોકું રાખીને ઘૂમટો ઊંંચો લીધેલો કે તરત બાએ ટપારેલું કે, "માડી ! ચાર દિ‘ તો સમતા રાખીએ ને ! કાગડો-કૂતરો નથી મૂઓ : સસરો હાલ્યો ગયો છે."

તે પછીથી આખી મુસાફરીમાં વહુએ ઉધરસનાં ઠસકાં છેક ગળે આવેલાં તે પણ ચાંપી રાખ્યાં હતાં. કેશુ મોટે મોટે સ્ટેશને ગરમ ભજિયાં લાવીને બાને આગ્રહ કરી કરી આપતો. ખાતાં પહેલાં બા થોડુંક રડતા હોય એવું જણાતું. ભજિયાં આવે ત્યારે છોકરાં બાના મોં સામે દયામણી આંખે તાકી રહેતાં, ને બા ખાય ત્યાર પછી, હસવા-આનંદવાનું ન બની જાય તેની સંભાળ રાખી, ખાતાં. એક સ્ટેશને કેશુ એની તાવલેલી સ્ત્રી સારૂ બે મોસંબી લઈ આવ્યો. તે પછીથી બાએ ભજિયાં ઠેલ્યાં હતાં.

ગામને પાદર જ્યારે કુટુંબ આવી પહોંચ્યું ત્યારે "કંકુમા આવ્યાં !" "કેશુભાઈ આવ્યો !" એવા હર્ષનાદ કરતાં છોકરાં એકઠાં થઈ ગયાં અને ગામમાં ખબર દેવા દોડયાં ગયાં. છોકરાંને માધાબાપાના કારજનો દિવસ શીતળા-સાતમ, ગણેશચોથ કે દિવાળીના પડવા કરતાં વધુ પ્યારો હતો. તે દિવસે રવિવાર ન હોય તો સારૂંઃ છૂટ્ટી લઈ શકાય એ ઝંખના છોકરાં ઝંખી રહ્યાં હતાં. ન્યાતમાં કોણકોણ માંદું છે એની દાક્તર કરતાં નિશાળિયાઓ કનેથી વધુ ચોક્કસ ખબર મળી શકતી. પૂતળીમાનો દા‘ડો ગયાને પંદર દિવસ થઈ ગયેલા, તેથી છોકરાંઓ બહુ જ કચવાતાં હતાં. હવેલીમાં આવનારી સ્ત્રીઓ પણ જ્યારે આમ સાંભળતી કે પશા દેવાણીની દાદીને તો પાંચ દિ‘ થયાં દરદમાં ઘટાડો થતો આવે છે, ત્યારે તેઓ ચિડાઈ ઊંઠતી કે, "ડોશી તો અવગતણી છે. ડાબલો સંતાડયો છે તે જીવ જાતો નથી. ભોરિંગ જેવી છે, બાઈ ! એના લાડવા ખાવાનું નામ જ લેશો માં કોઈ. જેમ જેમ આપણે મરતી વાંછશું તેમતેમ ઈ ડાકણ્‌યની આવરદા વધતી જાશે."

હવેલીમાં આમ વાતો કરતી બાઈઓને છોકરાંએ ખબર આપી કે કંકુમા ને કેશુ આવી પહોંચ્યાં છે. સાંભળીને સહુની નાડયમાં જીવ આવ્યો.

દિવસ આથમ્યો. કંકુમાના હાથ ઝાલીને એને રોવડાવતાં રોવડાવતાં તેમ જ પો‘રે-પો‘રે પછાડીઓ ખવરાવતાં ન્યાતીલાનાં બૈરાંઓ જ્યારે ઘેર લઈ જતાં હતાં, ત્યારે શેરીએ ઊંભેલી નાનીમોટી સ્ત્રીઓ-સાસુઓ, વહુઓ, દીકરીઓ, વિધવાઓ ને નાની બાળકીઓ નિહાળી નિહાળી જોતી હતી. એક વાત ઉપર સર્વે શેરીઓનો સરખો જ મત પડયો કે, "કેશુડાની વહુને તો, મૂઈ, ડિલનો વળાંકો જ ક્યાં છે ! ગળામાંથી રાગ કાઢે તો એના બાપના જ સમ !"

"આ તો ઓલી ભણેલી ને ? અંહં, ગોંડળ રાજની નિશાળમાં ભણેલી. કે‘ દિ‘ મોળાકતેય નહિ રહી હોય. નાનપણે દેદો કૂટ્‌યો હોય તો આજ ડીલ વળે ને !"

"બળ્યાં ઈ ભણતર, બાપ ! કુળનો જૂનો ધરમ, રીતભાત, ચાલચીલ - બધાં માથે મીંડું મુકાઈ જાય છે."

"મેં તો મારી પાતડીને એટલા સારૂ જ કકા-બારખડી કરાવીને જ ઉઠાડી લીધી." પાર્વતીની બા ચેતી ચૂકેલાં હતાં.

"પણ હવે છાજિયાં લેતી વખતે આ ભણેલીનું શું થશે ?"

"જોયા જેવું થાશેઃ ધાવશેર લેશે ધાવશેર ! છાજિયાંની છટા તો એવા તિતાલી હાથમાં હોય જ શેની ?"

ચાર વરસ ઉપર કેશુ જ્યારે પરણીને પાછો આવતો હતો ત્યારે ગામમાં વાત ઊંડેલી કે એ ચાર અંગ્રેજી ચોપડી ભણેલીને સામૈયામાં ઉઘાડે મોઢે બેસારીને કેશુડો ગામ સોંસરવો નીકળવાનો છે. તે વખતે પણ શેરીએ શેરીનું નાકું છલોછલ હલક્યું હતું. બાઈઓ ઉપરાઉપરી ખભા ઝાલીને જોવા મળી હતી. પણ આ ફજેતીથી ડરી ગયેલો કેશુ લોકોને અચંબામાં ગરકાવ કરતો, ’દિકરો આમન્યામાં રહ્યો ખરો !’ એવી શાબાશી પામતો પોતાની ભણેલીને બેવડે ઘૂમટે ઢાંકીને ઘેર લઈ આવ્યો હતો. તે દિવસે શેરીએ-શેરીએ નિરાશા છવાઈ હતી. પણ આજ કેશુની ભણેલીનું નિરિક્ષણ કરવાનો અવસર આવવાથી તે દિવસનો વસવસો કાંઈક સંતોષાયો ખરો. નાની નવલીની રાંડીરાંડ ફઈએ તો નવલીનો કાન આમળીને એમ પણ કહ્યું કે, "આમ જો આમ, આડા સેંથા લેવાની સવાદણ્‌ય ! પારકે ઘેર જઈશ તે દિ‘ તારાયે આવા હાલ થશે. સૌ ઠેકડી કરશે. મને સંભારજે તે દિ‘."

એ બધું દીવાટાણે તો પતી ગયું. હવે કારજનો કયો દિવસ ઠરે છે તેની વાટ જોતાં સહુ બેઠાં.

ચ૨ૃ

ઘણાં વર્ષોનું અવાવરૂ ઘર પડયું હતું. તે ત્રણ નાનાં ભાંડરડાં ઝાડવાઝૂડવા લાગ્યાં. એક બાજુ કેશુએ પુરૂષોને માટે પાથરણું પાથર્યું, અને બીજી બાજુ બા તથા વહુ એક પછી એક આવતાં સ્ત્રીઓનાં ટોળાંની સાથે મોં વાળવા લાગ્યાં. પોતે આવેલ છે એ વાત અછતી ન રહી જાય તેટલા સારૂ દરેક કુટુંબની બાઈઓ જુદાં જુદાં જૂથ બાંધીને આવતી હતી. દરેકની સામે બાને નવેસરથી રડવું પડતું. અને દરેકની ઉપર પોતાના અંતરના ઊંભરાતા પતિ-પ્રેમની ઘાટામાં ઘાટી છાપ પાડવા સારૂ વધુમાં વધુ ધડૂસકારા કરી કૂટવું પડતું, લાંબામાં લાંબું રૂદન-સંગીત કરવું પડતું, અને માધાબાપા કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા એ આખીયે છયે મહિનાના મંદવાડની કરૂણ કથા માંડીમાંડીને, જમાવટ કરીને, નિસાસા મૂકી મૂકીને, ’અરેરે !’ના ઉદ્‌ગારો ઉચિત સ્થાને કાઢીકાઢીને અવાજને ટાણાસર ગળગળો કરીને, કોઈ કાબેલ કળાકારની જુક્તિથી વર્ણવવી પડતી હતી. પડખામાં બેઠેલાં વહુ રીતરિવાજમાં આવાં અણઘડ કેમ રહી ગયાં છે તેનો, વહુને દુઃખ ન લાગી જાય તેવો, ખુલાસો પણ કેશુની બાને સહુ પાસે આપવો પડતો.

મોડી રાતે પહેલા દિવસનો મામલો પૂરો થયો ત્યારે બેસી ગયેલ સાદે અને લોથપોથ થાકી ગયેલ શરીરે બાએ કેશુની પાસે આવીને કહ્યું : "ભાઈ, જોજે હોઃ ઉતાવળો થઈ આપણો ભરમ ઉઘાડો પાડીશ મા ! જગતમાં બધું ભરમે-ભરમે જ ચાલે છે. સારા ઘરનું મરણું છે. એટલે ઘણાં કાણિયાં કારજે આવશે. એમાં ક્યાંક બેમાંથી એક બેનને ઠેકાણે પાડી દેવી છે. પણ તું ભરમ ખુલ્લો કરીશ મા !"

એ જ ટાણે ખડકીમાં લાકડીનો ઠબઠબાટ સંભળાયો. અને "કેશુ ઘરમાં છે કે ?"ની બૂમ પડી. માએ કહ્યું : "ગગા, જા જા. પીતાંબર ભાઈજી આવેલા છે. રાતના નહિ ભાળે. તું દોરી લાવ્ય." ફળિયામાં દીવો નહોતો, કેમકે ખડકી મજિયારી હતી.

પીતાંબર ભાઈજીની અવસ્થા ૬૫ વર્ષની હતી. આવીને એણે કેશુનો હાથ ઝાલ્યો. "દિકરા ! અટાટની પડી, હો ! માધાભાઈની દેઈ પરદેશમાં પડી ! માંડયું હશે ના !" એવું કહી ભાઈજી રડી પડયાં. કેશુને ભાઈજીના આ રૂદને ખાતરી કરી આપી કે પોતે નિરાધાર નથી.

"બેટા ! તારી મા ઘરમાં છે ને ? મારા વતી ખરખરો કરજે. એ તો બહુ સારૂં છે કે તારા જેવો દિકરો ભગવાને દીધો છે. દેશાવરમાં તારે સારી પાયરી બંધાણી છે. શું વરસના હજાર-બારસે તો મળતા હશે ને, ભાઈ !"

કેશુ ઉતાવળો બનીને ઊંંધું વાળશે એ બીકે માએ અંદર કમાડ આડે બેઠાંબેઠાં બેઠે અવાજે છતાં ભાઈજી સાંભળે તેમ કહ્યું કે, "ગગી, કહે ભાઈજીને, કે તમારે પુન્ય-પ્રતાપે બધી સરખાઈ છે. સાચા પરતાપ ઘરડાના. ખાતાંપીતાં છૈયે."

"હા ! દીકરો કર્મી ખરો. ને વળી બીજું પણ પડે તો ખરૂં જ ના ! ખરીદી કરવામાં, મુસાફરીમાં, વેચાણમાં, બોણીમાં નોખો કસ તો રે‘તો જ હશે ના ! માણસ કંઈ અમસ્થા કાળાં પાણી થોડાં વેઠે છે ?"

"તમે શું ધાર્યું છે, વહુ ?"

"ગગી, ભાઈજીને કહેઃ મેશૂબ ને જલેબી."

કોઈ ગહન પ્રશ્ન પોતાની સામે આવી પડયો હોય તેમ ભાઈજી વિચારે ચડી ગયા. માએ પૂછાવ્યું : "કેમ ચૂપ રહ્યા ? કાંઈ કહેવું છે ?"

"કહેવાનું તો આટલું, કે શું શું કરવું તેની કુલમુખત્યારી તમારી છે. પણ મેં આંહીં આખી અવસ્થા કાઢી નાખી છે. ઈજ્જતઆબરૂની આ વાત છે. હજી છોકરાં વરાવવાં-પરણાવવાં બાકી છે. મારો માધોભાઈ પડી-પેપડીનો ખાતલ નો‘તો એય સૌ જાણે છે. વળી એ બાપડો કામીને મેલી ગયો -"

કેશુની ધીરજ ન રહી : "પણ શું મેલી -?"

મા વખતસર વહારે ધાયાંઃ "તો ભાઈજી કહે તેમ. મારે મોળું દેખાવા દેવું નથી. મારે તો પે‘લું ને છેલ્લું આ ટાણું છું. મારૂં મોત તો વળી કેશુ સુધારે ત્યારે ખરૂં !"

"તયેં, વહુ, સો રૂપિયા વધુ કડવા કરી નાખીને સાટા ને મોહનથાળ ઉમેરો એટલે પચાસ ગાઉ ફરતો ડંકો વાગી જાય !"

"ગગી !" બાએ સંભળાવ્યુંઃ "ભાઈજીને કહે કે આંહીં ઓરડામાં આવે. પેટછૂટી એક વાત કહેવી છે."

પીતાંબર ડોસા અંદર જઈને બેઠા. બોલ્યાઃ "મારામાં વિશ્વાસ રાખજો. મારૂં પાણી મરે નહિ. જે કહેવું હોય તે કહો. જે આંટીઘૂંટી હોય એનો આપણે ઉકેલ કરીએ."

"ત્યારે, ગગી, ભાઈજીને કહે, કે તમારો ભાઈ ગમે ત્યાં ક્યાંક બધું ઠેકાણાસર મેલીને તો સૂતા છે; પણ ચોપડાનો હેરફેર થઈ ગયો છે. ઠેકાણાની ખબર નથી. અટાણે નાણું હાથવગું નથી. ઈ બધું હાથ આવે ત્યાં સુધીની જોગવાઈ જો હમણાં થઈ જાય તો હું તમારા ભાઈનું મોત હરકોઈ વાતે ઊંજળું કરવા તૈયાર છું."

"અરે રામ ! વહુ ! દીકરા ! વખત ખરાબ છે. અગાઉના જેવો અમારો કાળ હવે રહ્યો નથી. બીજે ક્યાંક વેણ નાખવા જાયેં એમ મારૂં ધ્યાન પડતું નથી. ઘરમેળે સમજીએ તો જ ઠીક."

"તો એમ."

"કહું ? દુઃખ નહિ લગાડો ને ? મારે કાંઈ અવિશ્વાસ નથી. પણ વે‘વારે વાત કરવી પડે છે, આ ખોરડું હું થાલમાં રાખું - હું પોતે જ રાખું. પાંચસો રૂપિયા ગણી આપું. મારે કાંઈ ખોરડું જો‘તું નથી. ખોરડાનાં બટકાં ભરાતાં નથી. તમે તમારે રહો છો તેમ રહો. ફક્ત તમે ને કેશુ દસ્તાવેજ કરી આપો. વેળા કઠણ છે. મારા છોકરાં માંડી વાળેલ છે. સાત પેઢીની શરમ ઘડીવારમાં ધોઈ નાખે તેવા છે એટલે જ હું દસ્તાવેજનું કહું છું. કહેતાં તો ઘણીય જીભ કપાય છે."

થોડી વાર સુધી તો ઘરમાં જાણે કોઈ શબ પડયું હોય તેવી શૂન્યતા પ્રસરી રહી. પીતાંબર ભાઈજીએ પાછું કહ્યુંઃ "ને, વહુ, દીકરા, એક મુદ્દાની વાત મને સાંભરી આવે છે. પણ પાંચમે કાને વાત પોં‘ચવી ન જોઈએ."

"છોકરાંવ ! તમે મેડી માથે જાવ !" એમ કંકુમા છોકરાંને દૂર કરી, ઘૂમટો રાખી બેઠાં. પીતાંબર ભાઈજીએ આજુબાજુ જોઈ, લાંબી ડોક કરી રહસ્ય ઉચ્ચાર્યું કે, "વાત પેટમાં રાખજો. હું બધુંય સમજું છું. સહુની બાંધી મૂઠી જ સારીઃ ઉઘડાવવી એ ખાનદાનનું કામ નથી. મારે કે‘વાનું એ છે કે બર્માવાળા બબલો શેઠ આંહીં મધુસૂદન મા‘રાજના દર્શને આવેલ છે. હમણાં જ ઘરભંગ થયા છે. કરોડપતિ છે. અવસ્થા કાંઈ બહુ નથી. મારાથી પાંચ વરસ નાનેરા છે. તમારી વિમુડીનું ત્યાં કરીએ. નામ નથી પાડવું, પણ મોંમાગ્યા આપે એમ છે. શરીર કડેધડે છે. એક દાક્તર ને એક વૈદ તો હારે ફેરવે છે. કારજ બરાબર ઊંજળું કરીએ. મધુસૂદન મા‘રાજની પધરામણી ઘેર કરાવીએ. વિમુને હાથે જ મા‘રાજને ચરણે રૂપિયા એકાવન મેલાવવા. બબલો શેઠ ભેળા આવે. કન્યાને જોઈ લ્યે. પછી તો હું છું જ ના ? ઘેર બેઠે ગંગા ! બોલોઃ છે ઊંલટ ?"

ઘણી વારે એક ઊંંડો નિઃશ્વાસ મૂકીને કંકુમાએ ડોકું ધુણાવ્યું.

પીતાંબર ભાઈજીએ ઘરનું થાલ-ખત કરાવી લઈને કારજમાં જો‘તા માલતાલની વેતરણ માંડી. કેશુ આ રહસ્ય-ગોષ્ટિ વખતે મેડા ઉપર હતો. એની વહુને તાવ ચડેલો, તેથી માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકતો હતો. એને લાગતું હતું કે જાણે આ ઘર નથી, પણ કોઈને ફાંસી દેવાનું ઠેકાણું છે.

આવા તકલાદી શરીરવાળી વહુ પોતાને તકદીરે ક્યાંથી આવી ! બાની સાથે એક વર્ષ ખૂણો પળાવવા એ આંહી શી રીતે રહી શકશે ! ઘરમાં તો આજથી રોજેરોજ ધડાપીટ અને મોં ઢાંકવાં શરૂ રહેશે. મામા-માશીઓ પણ આજુબાજુથી કાણ્‌યે આવશે. એ બધાંનાં રાંધણાંમાં આ રોગીલી સ્ત્રીની શી ગતિ થશે ! આ ભણેલી છે, એટલે જૂની રીતભાતો જોતી-જોતી સળગી જશે. એવા વિચાર કરતો કેશુ પોતાં મૂકતો હતો, ત્યાં બાનું કાળા સાળુમાં વીંટાયેલું ડોકું દાદર પર દેખાયું. પોતે કાંઈક ગુનો કરતો હોય તેમ કેશુ ચોંકીને ઊંભો થઈ ગયો.

"અટાણથી મેડીએ ચડીય ગયાં, માડી ! એમાં શેનાં ઠરીએ !" એટલું કહીને એ ડોકું નીચે ઊંતરી ગયું.

તે વખતે વહુ તાવમાં બેશુદ્ધ હતી. કેશુએ એને હડબડાવીને કહ્યું :

"ભલી થઈને ઊંઠ ને ! જરાક કઠણ થા ને ! અત્યારે આમ પડવાનો વખત છે ?"

વહુએ આંખો ઉઘાડી. કેશુએ ફરી કહ્યું :

"અત્યારે આમ પડવાનો વખત છે ?"

વહુ ઘેનમાં ને ઘેનમાં આંખો મીંચી ગઈ.

બા દિલથી દુષ્ટ નહોતાં. બાની દયામાયાનાં બિંદુ શોષી જનાર દાનવ હતો સમાજ. એણે ફરીવાર મેડી નીચેથી પૂછ્‌યું : "કેશુ ! વહુને ગરમ ઉકાળો પાવો છે, ભાઈ ! મારી પાસે ચપટીક ચીંથરીમાં બાંધ્યો છે. ચૂલો કરૂં ?"

"કાંઈ નહિ, બા; રાત કાઢી નાખીએ."

ચ૩ૃ

અગ્િાયારમા દિવસની તૈયારીને ઓળખાવવા માટે ’હડેડાટ’ એ એક જ શબ્દ પૂરતો થઈ પડશે. હડેડાટ મોટા તાવડા, કડાયાં, તપેલાં, ચોકીઓ, પાણી ભરવાના ઢોલ ને દાળ ઉકાળવાનાં દેગડાં ન્યાતને ડેલે હાજર થયાં. ઘીના ડબા ખરીદાયા. અનાજના કોથળા, ખાંડની બોરીઓ, કેસર, એલચી વગેરે માટે દોડાદોડ થઈ રહી. માધાકાકાની સાથે જેઓને દસ વરસથી બોલ્યા વહેવાર પણ નહોતો, અને કંકુમાને પૈસાનું શાક પણ જેઓ નહોતા લાવી આપતા, તે જ કુટુંબીઓ આજ સવારથી ભાઈ કેશુની પડખે ખડા થઈ ગયા. "દીકરા, જે કામ હોય તે ચીંધજે, હો ! ખડે પગે હાજર છીએ." "અરે, એમ ચીંધવા વાટ શી જોવી ? હાથોહાથ કરવા માંડીએ !" "લ્યો, હું ઘીના ડબા ખરીદી આવું : કૂરિયા જેવું ઘી !" "ખાંડ અમારા ભાણેજની દુકાને અસલ માલ છે." "જો ન્યાતના મોઢામાં સારો સબડકો દેવો હોય, તો તુરદાળ ફૂલાભાઈને હાટે વન નંબર છે." એમ લાગતાવળગતાને ખટાવવાની જિકર થવા લાગી. કેશુભાઈને પૂછવા પણ કોઈ રોકાતું નથી. પીતાંબર ભાઈજી બધો આંકડો પરબારા જ ચૂકવવાના છે. બા બિચારાં સારો અવસર થોડાક સારૂ બગડી જાય એ બીકે ચૂપચાપ છે. તે સિવાય એને તો આજ, કાલ ને પરમનો દિવસ - એ ત્રણ તો છાતી છૂંદી નાખવાના દિવસો છે. એને ક્યાં ફુરસદ હતી ? મહેમાનોનાં ધાડાં ઊંતરવા લાગ્યાં હતાં.

રાતના બાર વાગતાં સુધી બજાર જાગતી હતી. છોકરાંને પણ પિતાઓ જાગરણ કરાવતા હતા. અધરાતે સાદ પડયો કે, "હાલો લાડવા વાળવા. ઘાણ થઈ ગયો છે."

પચાસેક જણાં ભેળાં થઈ ગયાં. "એલા કંદોઈ ! માલ કેવોક બનાવી જાણછ ! જોજે હો, છૂટે હાથે વાવરજેઃ હાથ ચોરતો નહિ. કેશુની શોભા વધે એમ કરજે." એમ કહી કહી કાકા-બાપાઓ માલની ચાખણી પર ચડયા. છોકરાંને ઠાંસોઠાંસ ખવરાવ્યું, અને ખોઈમાં પણ મીઠાઈ પકડાવી ઘેર વિદાય કર્યાં કે "માળાં રેઢિયાળ ! સમજે જ નહિ કાંઈ ! જાવ, હવે ફરી આવ્યાં છો તો કાન ખેંચી કાઢશું." પછી ડેલા સુધી જઈને ધીરેથી કહેતા કે "સવારે પાછી વે‘લી આવજે. હો નવલી ! ઘેર શિરાવતી નહિ."

કેશુના મોંમાં જીભ નહોતી રહી, કેમકે એક વાર એનાથી કહેવાઈ ગયું હતું કે, "કૂરજીકાકો કામમાં તો મદદ કરાવતા નથી, ને નાસ્તામાં સહુથી મોખરે આવે છે." બસ, આટલા વેણથી કૂરજી એવો તો રિસાયો હતો કે, કુટુંબ આખું વીફરેલું. કૂરજી બોલતો જતો હતો કે, "પૂળો મૂકોને એના કારજમાં ! નવી નવાઈનો પરદેશથી રળી આવ્યો છે ! મને ચોર કહ્યો ! હું શું એના લાડવા ચોરી ગયો ! એ શાહુકાર ને હું ચોર ! એનાં સાટાજલેબીમાં કીડા પડજો કીડા !"

અવસર બગડી જાત. પણ કંકુમા મોંમાં ખાસડું લઈને કૂરજીકાકાને મનાવી લાવ્યાં. કેશુની જીભ ચૂપ નહિ રહે એમ સમજીને પીતાંબર ભાઈજીએ એને "વહુ માંદાં છે, માટે જા : ત્યાં પાસે રહે" એમ કહી ઘેર મોકલી દીધો.

પછી હડેડાટ વરો હાલ્યો.

"બા ! તમારી પાસે કાંઈ ખરચી છે ? એકાદ -બે રૂપિયા આપો ને ! આ માંદી સારૂ જૂનાગઢથી મોસંબી મંગાવવી છે."

"ખરચી તો મારી પાસે હવે ન મળે, ભાઈ ! કારજમાં ચીજવસ્તુ જોવે તે સહુ બે આના ચાર આના કરી કરી લઈ ગયા. પાછું આ કાણિયાં સહુ આવ્યાં છે, તેનાં ગાડાંના બળદ સારૂ ને ઘોડા સારૂ ખડ-ખાણ મારી ખરચીમાંથી જ લેવાણાં છે."

"ત્યારે શું કરશું ! પીતાંબર ભાઈજી પાસે જાઉં ?"

"બેટા, અટાણે ત્યાં કારજની જણશો લાવવાનો દેકારો બોલતો હશે, ને તું અટાણે ઘરણ ટાણે સાપ કાં કાઢી બેઠો ?"

"બા, વહુના નાકની ચૂંક છે. ક્યાંક મેલીને રૂપિયા લઈ આવું ?"

"ભાઈ, સૌભાગ્યની ચૂંક તે ક્યાંય વેચાતી હશે ? તું જરાક તો સમજ ! અને અટાણે ભરમ ફોડવા કાં ઊંભો થયો ? બધુંય કર્યું કારવ્યું ધૂળ થઈ જાશે. આ છોકરીઓ રઝળી પડશે. એક દી ખમી ખા. ઈશ્વર સારાં વાનાં કરશે. વિમુડીનાં ભાગ્ય ઊંજળાં હશે, તો તારે મોસંબી મોસંબી જ વરસી રે‘શે !"

"એવું તે શું છે, બા ? ફોડ તો પાડો !"

બાએ બબલા શેઠની વાત ઈશારે સમજાવી. કેશુનો શ્વાસ ઊંંચે ચડી ગયો.

દરમિયાન ડેલે સહુના જીવ અધ્ધર થઈ ગયા છે. ન્યાતનાં હજાર માણસ થાળી ઉપર બેસી ગયાં છે. પીરસવાની તૈયારી છે. તે વખતે રંગમાં ભંગ પડી જાત. પણ ડાહ્યા આગેવાનોએ અણીને ટાણે ઉગાર કરી લીધો. વાત આમ હતીઃ ખબર આવ્યા કે કુટુંબમાં ધના ઓઘડનો જુવાન દીકરો ક્ષયની પથારીએ અંતકાળ છે. આગેવાનો એકબીજાની સામે ટગરટગર જુએ છે, ત્યાં તો એનું કાળું મોઢું લઈને બીજો એક જણ આવ્યો, ને કહ્યું કે "મામલો ખલાસ છે."

"ઠીક, હવે ચૂપ !" ભવાન અદાએ આંખનો મિચકારો કર્યો. "હવે ધનાને જઈને કહી આવો કે ભલો થઈને વાત દાબી રાખે. એની વહુ છે ડાયલી; માંડશે રાગડા તાણવા. માટે કે‘જો કે મૂંગી મરી રહે ને મડદું ઢાંકી રાખે. કે‘જો - ચૂંચાં ન કરેઃ નીકર નાત આખીના નિસાપા લાગશે. અને માંડો ઝટ પીરસવા. એલા મઘરા બાંઠિયા, ઝટઝટ કાકડી વઘારી નાખ. તેલ સમાયે મૂક્ય. ક્યાં તારા બાપનું વરે છે ! ઝટ મરચાં વઘારિયાં કરી નાખ. એલા, કઢીને હવેજ કર્યો કે નહિ ? ઓલ્યા ઓધા કંદોઈને કહો - ઝટ ઝટ ચાલાકી રાખીને ભજિયાનાં ઘાણ ઉતારે !" એમ ચીવટથી કામ લેવાયું. અદા ખડી ચોકી રાખીને ઊંભા રહ્યા. સહુને તાણ કરી કરી ખવરાવ્યું. કેટલાયનાં મોંમાં બટકાં દીધાં. એવો તો મો‘રો રાખ્યો કે કોઈને ગંધ પણ ન આવી કે કુટુંબમાં કંઈક માઠું બની ગયું છે.

"હાં, હવે ઝટ બોલાવો બાયડિયુંને ! અને ઓલ્યા મૂરખા ધનાને કહેતા આવજો કે હમણાં પ્રાણ-પોક ન મૂકેઃ ખબરદાર જો ઘરમાં કોઈ રોયું-કૂટ્‌યું છે તો !"

સ્ત્રીઓની પંગત પણ પતી ગઈ. અદા ખડી ચોકીએ જ ઊંભા છે.

"હા, હવે દઈ આવો પીરસણાં ! દરબારમાં, કામદાર સા‘બને ત્યાં, ફોજદાર સા‘બને ત્યાં, અને કારકુનોને ઘરેઘરે, જ્યાં ન ખપે ત્યાં સીધાં ભરો."

એ પણ પતી ગયું. અદાનો તા‘ જ આટલું કરાવી શકે.

"પતી ગયું ? કોઈ ભૂખ્યું નથી ના ? તો બસઃ હવે ભલે ધનો પ્રાણપોક પડાવતો."

"વરાનું કામ છે, ભાઈ ! છાતી રાખીયેં તો જ હેમખેમ પાર ઊંતરે. અકળાયે કાંઈ કામ આવે ?"

સાંજ ટાણે સમગ્ર કુટુંબ ને ન્યાતના પુરૂષો ધનાના છોકરાને દેન પાડવા લઈ ગયા. એ બધું કામ પણ એટલી જ બાહોશીથી લેવાયું. ધનો જ્યારે સૂનમૂન હૈયે દીકરાની બળતી ચિતા સામે ડોળા ફાડીને એકલો બેઠો હતો, ત્યારે બાકીના જ્જ્ઞાતિજનો મરનારની ઉમ્મર વિષે ચર્ચા કરતા હતા. સહુનો નિર્ણય એવો થયો કે ત્રીસ વર્ષના જુવાનની વાંસે કારજ તો ન કરાયઃ ગોરણીઓ અને છોકરાં જમે.

પાંચમે દિવસે કેશુની માંદી વહુના છેલ્લા છડા અને ચૂંક વેચીને આકોલા પહોંચવાના પૈસા જોગવ્યા. તાવભરી પત્નીને ગાડામાં નાખીને જ્યારે એ સ્ટેશન જવા નીકળ્યો, ત્યારે ગામ-પરગામથી ભેગા થયેલા પચાસ બ્રાહ્‌મણોએ એના ગાડાની પાછળ દોડીદોડીને "હે સાળા ઓટીવાળ ! સાળાએ કુળ બોળ્યું ! સાળાની પાસે બામણને દેવા પૈસા નો‘તા ત્યારે કારજ શીદ કર્યું બાપનું ? જખ મારવા ? સાલાની બાયડી રસ્તામાં અંતરિયાળ જ રે‘જો !" એવાંએવાં બ્રહ્‌માસ્ત્રો છોડયાં.

ગામે પણ એ જ વાત કરીઃ "મૂરખે આટલા સારૂ થઈને કર્યા-કારવ્યા ઉપર પાણી ફેરવ્યું."

બબલા શેઠનું વેવિશાળ તો વચ્ચેથી કોઈ બીજો જ ઝડપી ગયો, એટલે વિમુડી બિચારી ઠેકાણે ન પડી શકી.

એક મહિનો જવા દઈને પછી પીતાંબર ભાઈજીએ કંકુમાને કહેવરાવ્યું કે "મારા છોકરાઓને સંકડાશ પડે છે. નાનેરાની વહુ આણું વાળીને આવી ગયાં છે. એટલે કંકુવહુને કહો કે ત્યાંથી ફેરવી નાખે. આપણા એકઢાળિયામાં ઓરડી છે ત્યાં રહેવા આવી જાય."

થોડાક દિવસ પછી પીતાંબર ભાઈજીની ગાય વિયાણી, પણ વાછડી મૂએલી અવતરી. દીકરીઓનાં નાનાં છોકરાં માંદાં પડવા લાગ્યાં. વધુ શંકાનું કારણ તો ત્યારે પડયું, જ્યારે દીકરીનો ભાણો તાવમાં પડયો.

ખૂણો પાળતી ઘરડી વિધવા અમસ્તીયે ઘર-આંગણામાં આઠેય પહોર ને સાઠેય ઘડી કોને ગમે ? ઉપરાંત પાછો સહુને વહેમ ભરાયો કે કંકુમાનાં પગલાં સારાં નથી.

એક દિવસ કંકુમાએ કારજના ખર્ચનો હિસાબ ચોખ્ખો કરવાની વાત ઉચ્ચારી, એથી પણ ભાઈજીને ઓછું આવ્યું.

ટૂંકામાં, કંકુમાને એકઢાળિયાવાળી ઓરડી ખાલી કરવી પડી. નજીકમાં કોળી-ખેડૂતોનો પા હતો, ત્યાં ઊંકા પટેલે એક ખોરડું કાઢી આપીને પોતાના જૂના ભાઈબંધ માધાભાઈનો મીઠો સંબંધ જીવતો કર્યો. ઉકા પટેલ ખેડૂત હતા, એટલે વનસ્પતિના જૂના, સુકાઈ ગયેલા રોપાને પણ ગોતીગોતી પાણી સીંચીને પાછો કોળાવવાનો એનો સ્વભાવ પડી ગયેલો. કંકુમા ને એનાં બે-તણ બાળકો પણ ઉકા પટેલની નજરે થોરની વાડયમાં રઝળતા પડેલા આંબાના નાના રોપ જેવા લાગતાં.

ન્યાતમાં ગ્િાલા થવા લાગી કે, ડોશી જુવાન દીકરીઓને લઈને હલકા વરણમાં રહેવા ગયાં ! કેશુ ઉપર કાગળ પણ લખાયો કે, કંકુમાએ ખૂણો પાળવાનું મેલીને સીમમાં જઈ ખડની ભારીઓ તાણવા માંડી છે, એ કાંઈ કુળની રીત કહેવાય !

કંકુમા બિચારાં હજુય બાતમી મેળવતાં હતાં કે કેશુના બાપને ઓશીકેથી નાણાંની વિગતની ચોપડી કોણ ચોરી ગયો !

’લાડકો રંડાપો’

"રાતે ફાસ્ટ ગાડી વખતે ગામમાં રોતું રોતું કોણ નીકળેલું ?"

"ગુલાબની ફુઈ. ગુલાબ હમણાં મરી ગયો ને, તેની કાણ્‌યે આવેલી. એને ગુલાબના ભાઈ ઘોઘલાએ કાલ રાતે બૂરે હવાલે કાઢી."

"શું ઘોઘલો આવ્યો ?"

"ગામડામાં ક્યાંક ’પિકેટિંગ’ કરતો હશે, ત્યાં ચોથે દિવસે માંડ ખબર પહોંચાડયા ત્યારે આવ્યો. ને પંદર દિવસમાં તો સગી ફઈને, આધેડ અવસ્થાની રાંડીરાંડ બાઈને, દુકાનીની કરી નાખી."

"શા સારૂ ?"

"ગુલાબડાની વહુને માટે કાંઈક કંકાસ થયો લાગે છે. નવા જમાનાનું લોહી ખરૂં ને ? જૂના રીતરિવાજ માયલું રહસ્ય સમજી શકે નહિ. પોતાનો ધોકો પછાડે."

"બાયડીઓના રીતરિવાજમાં માથું મારવું એ પુરૂષ માણસનું કામ જ નથી. ડોશી શાસ્તર તો નોખું એક શાસ્તર જ છે. એના ગૂઢારથ તો ડોશીઓ જ જાણે. એમાં ઘોડો કુદાવવો એ આપણું કામ જ નહિ."

કસ્બા-ગામની બજારે પોતપોતાની દુકાનો વાળતા વાળતા ચાર-છ વેપારીઓ પ્રભાતને પહોર આવું નિગૂઢ તત્ત્વ ચર્ચી રહ્યા હતા, અને ભંગ્િાયાઓએ પરોઢિયામાં તાજી જ ઝાડુ મારેલી બજાર ઉપર પોતાનાં હાટડાંનો પૂંજો છાંટતા હતા.

"ગુલાબડાની ફઈ તો બચાડી ભારી ધર્મિષ્ઠ માણસ છે. ટેકીલી શ્રાવિકા છે, હો ! તકલાદી નથી. હરરોજ ચોવિયારઃ મહિનાની દસેદસ તથ્યનો અપવાસઃ સાધુ-સાધ્વી હોય ત્યારે ખડે પગે સેવાઃ ઘંટીને અડવાની અને સગા દીકરાની વહુની સુવાવડ કરવાની બાધા."

"સુવાવડનું પાપ તો શ્રાવકના શાસ્તરમાં બહુ મોટું કહ્યું છે ને !"

"હા, અને આ ગુલાબડાની ફઈ એ બાબતમાં ભારે ટેકીલી છે. એક વાર એના ફળીમાં પાડોશીને ઘેર બાઈને પીડ ઊંપડી. ઘરમાં કોઈ ન મળે. બાઈ ચીસોચીસ પાડે. પણ ગુલાબની ફઈ કોઈને ખબર આપવા જેટલા પાપમાંયે ન પડી. સમાયક કરીને બેસી ગઈ. પાડોશણ બાઈને એમ ને એમ બાળક અવતર્યું. નાળ પણ એણે હાથે વધેર્યું."

"પાળે એનો ધરમ છે, ભાઈ !"

"ઘોઘલે આવી અશરાફ, ધર્મિષ્ઠ ફઈના નિસાસા લીધા. બાઈ રાતે ધા નાખતી જતી‘તી."

ઝાડુ વાળવાનું કામ પૂરૂં થયું. વેપારીઓ થડા ઉપર બેસી ગયા. થડાને તેમ જ ત્રાજવાં-તોલાંને પગે લાગ્યા. સંસાર ચાલ્યો જાય છે તે જ ઢબે ચાલવા લાગ્યો. પોતપોતાના પરિવારનાં પેટ પૂરતી ચણ્‌ય એકઠી કરવા સિવાય સવારથી રાત સુધી બીજી ઉપાસના નહોતી. ઉત્તર ધ્રૂવના બરફ ઢંકાયેલા પ્રદેશની માફક અહીં પણ વિચાર-સૃષ્ટિ થીજી ગયેલી હતી. જિંદગીની પળેપળ જાણે એક જ વાત બોલતી હતી કે, ’શી ઉતાવળ છે ! પડયા છીએ. પરિવર્તનની શી દોડાદોડી છે ! હાલવા દ્યો ને !’

’ઘોઘલો’ તો એની બાએ પાડેલું હુલામણું નામ હતું. ફઈએ ’ઓળી ઝોળી પીપળ પાન’ કરીને પાડેલું નામ તો હિંમતલાલ હતું. હિંમતલાલની ઉમ્મર વીસ વર્ષની હતી. હિંમતલાલ સાત અંગ્રેજી તો ભણ્‌યા હતા, પણ ગામ-લોકોએ તો ’ઘોઘલો’ ’ઘોઘલો’ જ કહ્યા કરી એની મરી ગયેલી માના હેત-હુલાવ સદા અણભૂલ્યા રખાવ્યા હતા. હિંમતલાલની છોકરવાદી પણ ચાલુ જ હતી, અને એ રીતે ’ઘોઘલો’ નામને સાર્થક કરતી. હિંમત જ્યારે ગઈ કાલે ગામડાના કિચડ ખૂંદતો આવી પહોંચ્યો, ત્યારે મોટાભાઈ ગુલાબને ગુજરી ગયાં ચાર દિવસ થઈ ગયા હતા. ભાલના ભૂખપરા ગામે પડેલા હિંમતને ડાંસ કરડવાથી તાવ ચડયો હતો. ગુલાબનું સર્પદંશથી મરણ થયું એ ખબર મળતાં જ ચડતે તાવે એ ઘેર ધસી આવ્યો હતો. આવ્યો કે તરત જ એ ઘરની અંદર પેસી ગયો. ખડકીમાં બેઠેલા એના કુટુંબી, કાકા, મોટાબાપા ફાટી આંખે જ જોઈ રહ્યા, કે આ છોકરો નથી મોં ઢાંકીને રોતોઃ નથી પૂછવાય રોકાતો કે, મારા ભાઈને શું થયુંઃ નથી બૈરાંને ખબર આપતો કે જેથી એ બધાં મોં વાળેઃ પરબારો "ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" એવા ગાંડા અવાજ કરતો એ રાંડેલી જુવાન વહુના ઓરડામાં દોડયો જાય છે. એની આંખોમાં લાજ-શરમ કે વિનય નથી. અવસરની ગંભીરતા એ સમજતો નથી.

"ભાભી ! ભાભી ! મારાં ભાભી ક્યાં !"

બારી-બારણાં બીડેલા એ કાળા ઓરડાને ઊંંડે ખૂણે એક આકાર બેઠો છે. નથી હલતો કે નથી બોલતો. છાપરા ઉપરના સહેજ ખસી ગયેલા નળિયામાંથી જરીક જેટલું - આંખની કીકી જેવડું ચાંદરણું પડે છે. એના ઝાંખા અજવાળામાં દેખાય છે બુટ્ટાદાર રેશમી સાડલોઃ કોઈ પીરની કબર પર ઓઢાડેલી સોડય સમાન નિષ્પ્રાણ ને નિશ્ચલ. અંદર કોઈ શ્વાસ લે છે તેટલા પૂરતું જ જાણે એ કફન હલે છે.

"ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" હિંમતનો સ્વર ફાટી ગયો. ઓરડામાં હજાર શબો સૂતાં હોય તેવી નીરવતા હતી. ફક્ત એ રેશમી સાળુના ઓઢણા નીચેથી જરીક સંચાર થયો. અંદરના કલેવર ઉપર કંઈક રણઝણાટ થયો. એ હતો સોના-રૂપાના દાગીનાનો ઝંકાર. કલેવર હતું તેણે કેવળ નિઃશ્વાસ જ પડતો મૂક્યો. કોઈ શક્તિધર્મીઓના ગુપ્ત દેવી-થાનકનો જ આ દેખાવ હતો. કોઈનો જાણે ભોગ દેવાતો હતો. ઓરડો કદાચ હમણાં ચીસ પાડશે એમ ધારીને કોઈકે જાણે એને મોંએ ડૂચો દીધો હતો. ઓરડો રૂંધાઈ ગૂંગળાતો હતો. એનું અંગે-અંગ તાવમાં તપતું હતું.

ઓચિંતો સોનાનાં કડાં પહેરેલ એક હાથ એના કાંડા પર જોરથી પડયો. એ ઝબકીને ફર્યો. ઘૂમટે ઢાંકેલ એ બીજી આકૃતિ હતી. એ હિંમતનાં ફઈબા હતાં. ફઈબાએ કહ્યુંઃ "તને કંઈ ભાન છે કે નહિ ? પાધરો ’ભાભી’ ’ભાભી’ કરતો ત્યાં દોડયો ગયો ! ભાભી ખૂણે બેઠી છે એ તો સમજ ! બહાર જા, અને અમને અમારી રીત તો કરવા દે !"

ફઈએ ધકેલીને હિંમતને બહાર કાઢ્‌યો. પછી એ ઘરમાં ગયાં. ખૂણો પાળનારીને ઠપકો દીધોઃ "તમે પણ અજ્જડ થઈને બેઠાં રહ્યાં ? દેર હાલ્યો આવે છે તોય મોં ન વાળ્યું ? એટલીયે ભાન નથી બળી ! હું તો કેટલેક ઠેકાણે દોડા કરૂં ? રસોડે દસ કાણિયાંની રસોઈ તો કરાવું ને ! ઘીનો ડબો લાવીને મૂક્યો છે, તોય તમે તપેલીમાં ઘી હજી કાઢ્‌યું નથી ? રોટલીઓ ઝબોળવા જોશે ને ? લ્યો, હવે એક વાર મોં વાળી લઈએ. સામાં વેણ કહેતાં આવો જોઉં."

ફઈજીએ ને વહુએ રૂદન આદર્યું. ચાર દિવસમાં લગભગ ચાલીસ-પચાસ વાર એ પાઠ બોલાયો હતો. વિધવાને કંઠે વેણ ચડી ગયાં હતાં. એ રડતી રડતી બોલતી ગઈઃ "ચાંદલે-ચૂડલે ચોર પડયાઃ ઢોલિયે ધાડયું પડીઃ પલંગે પોકાર પડયાઃ તડકે બેસી તેલ છાંટ્‌યાઃ માથાં વાઢી ધડ રખડાવ્યાંઃ કૂણી કાતળીએ વાઢ પડયા." એ હતી રૂદનની ટૂંકો. એવી તો ઘણી હતી. વહુ ચૂક્યાં ત્યાં ફઈ સુધારતાં ગયાં.

રૂદન બંધ પડયું તે દરમિયાન બીજાં સગાં પરગામથી આવી ગયાં હતાં. કુટુંબની બાઈઓ પણ હાજર થઈ ગઈ હતી. મહેમાન બૈરાંએ ફઈબાની તારીફ આદરીઃ "સારૂં થયું કે બેન ઝટ આવી પહોંચ્યા. નીકર આ બાપડી નાની બાળને આવો લાડકો ખૂણો કોણ પળાવત !"

"એને બચાડીને પછી ક્યાં ઓઢવાપે‘રવાના દી રહ્યા છે !’ ફઈબાએ અનુકંપા વહાવી; "ઘરમાં નથી સાસુ કે જેઠાણી, જે એના લાડકોડ પૂરે."

"હા, જે કહીએ તે અત્યારે તો તમારા અંગમાં છે, બેન !" વખતવહુ બોલ્યાંઃ "તમે છો તો રોજેરોજ એના માથે નવાનવા સાડલા નાખો છો. દાતણ, પાયલું ને પાણીનો લોટો પણ એની પાસે જ મૂકો છો. બબે તો ચાકળા નાખી દીધા છે. ઓ બાપડી લાભકુંવરનું જોયું‘તું ને ! નખેદ સાસુએ ખૂણામાં ઘાલીને સારો સાડલોય નો‘તો ઓઢાડયોઃ ગાભા પે‘રાવ્યા‘તા !"

"ડોકમાં દાગીનાય નાખ્યા છે ના ?"

"હા જ તો." ફઈએ વહુનો ઘૂમટો જરીક ડોકનો ભાગ દેખી શકાય તેટલો ઊંંચો કરીને કહ્યુંઃ "મારી ડોકની ગુલછડી અને ચંદણહાર - બેય પે‘રાવેલ છે."

"એનાંય ઘરાણાં હશે તો ખરાં ને ?"

"હશે... પડયાં હશે ક્યાંઈક. અટાણે ક્યાં ખોળવા ? મારાં એ એનાં જ છે ને !"

"ફઈજી ! મારી મોહનમાળા તો ઘીનો ડ-"

"હાં હાં માડી !" વહુને ફઈએ બોળી મારતી અટકાવીઃ "તમારાથી અટાણે કાંઈ જ ન બોલાયઃ સાદ જ ન કઢાય. ઓરડોયે તમારો બોલાસ ન સાંભળે એવું રાખવું. તમારે તો ખૂણો પાળવાનો છે. એ તો પછી બધું થઈ રહેશે." ફઈએ વહાલપથી વહુના વાંસામાં હાથ ફેરવ્યો. એ પોચો હાથ એક ઠેકાણે જરાક અટક્યો હતો. આંગળી દાબીને ફઈએ વહુને સંકેતમાં સમજાવ્યું હતું.

ખરી વાત એ હતી કે મહેમાનોને રોટલીમાં પીરસવા સારૂ ઘીનો એક ડબો લાવવા માટે વહુનો એકનો એક દાગીનો ઘરાણે મુકાઈ ગયો હતો. બાકી દાગીના હતા જ નહિ.

"બેન ! તમે છો તે કેવી ઘરની રીત સચવાય છે ! બેન તો કુળનું ઢાંકણ છે, હો !"

"એમાં ક્યાં પાડ કરીએ છીએ, બાપુ ! ભાઈનું આબરૂદાર ખોરડું : આજ ભાઈનું ગામતરૂંઃ મારે ગુલાબ ઓચિંતો ફાટી પડયોઃ ઘોઘલો સાવ છોકરવેજા. ખબર પડી કે તરત ધા નાખતી આવી છું. આંહીં જોઉં તો વહુ સૂનમૂન પડેલીઃ વહુને તાણ આવે. પછી વહુને હડબડાવવાં પડયાં કે, ’બાઈ ! આમ પડયું રિયું કામ આવે કાંઈ ? અત્યારે તો કેડય બાંધીને કૂટવું જોઈએ ને ! મરણ જેવું મરણ છે !’ હાથ ઝાલીને ઉઠાડયાં."

વખતવહુએ પણ યાદ કરીને કહ્યુંઃ "અને, બેન, મરણ થયું તે ઘડીથી જ વહુ તો હિસ્ટોરિયાના તાણમાં ને તાણમાં પડી ગયાં. બોલે નહિઃ રોવે નહિઃ ડોળા ફાડીને જોયા કરે. ડિલે લૂગડાંના ઢંગ નહિ. અમે તો મૂંઝાઈ ગયાં. અમારે છાજિયાં લેવા સારૂ ઊંભા થઈ રહેવું પડેલું. પછી અમરતમાએ ત્રાડ નાખી કે, ’તમે બધાં વહુને પંપાળો છો શા સારૂ ! હાથ ઝાલીને ઊંભી કરો, આંહી લાવો અને નાખો આપણી સહુની વચાળે !’ આ એમ છાજિયાં લેવરાવ્યાં‘તાં. પછી તો, બેન, તમે આવીને એને બરાબર ચાલાક કરી દીધાં છે. હવે વાંધો નહિ આવે."

"લાડકો ખૂણો છે, બાઈ ! મારી કાયા બેઠી છે ત્યાં લગી તો કચાશ નહિ રહેવા દઉં."

કાળા સાડલામાં ઢંકાયેલું એક બીજું શરીર હાથમાં તપેલું લઈને અંદર આવ્યું. પણ મોં ઢાંકેલું હતું. એણે કહ્યુંઃ "દસ વાગી ગયા, બેન ! રોટલી ઊંતરે છે. મહેમાનને હવે જમવા બેસારી દેશું ને ? આ તપેલામાં ઘી કાઢી દેજો."

"વહુ ! ઘી કાઢી દેજો તમારે હાથે. ડબો તમારે પડખે જ પડયો છે."

’લાડકો ખૂણો’ માણનારીએ ઘીનું તપેલું ભરી દીધું.

"વાહ ! કૂરિયા જેવું ઘીઃ ભારે ફરસું !" એક જણીએ ઘૂમટામાંથી નીરખીને ઘી વખાણ્‌યું.

"મે‘માનને મોઢે તો ઘર પ્રમાણે દેવું જ જોવે ને !"

એમ કહીને ફઈએ સહુને જમવા ઉઠાડયાં. ઓરડામાંથી જાણે ભમતાભમતા ઓળા નીકળ્યા. ઓરડો ખાલી થયો. એ પ્રેતસૃષ્ટિ પૈકીનો એક જ બુટ્ટાદાર સાડલો ’લાડકા ખૂણા’માં શ્વાસ પણ ગભરાઈને ખેંચતો બેઠો રહ્યો. એના મોં ઉપર, એની આંખોમાં, એના અંતરમાં શું શું થતું તે અગમ્ય જ રહ્યું. કવિની કલ્પના કે ગ્રંથકારની આલેખન-શક્તિ ન ભેદી શકે એવાં જે ગાઢ ઊંંડાણો છે, તેમાં ’લાડકો ખૂણો’ તો સહુથી વધુ અતલ અને અંધકાર ભર્યો છે. એ ઓળાના માથા ઉપર માત્ર એક ચાંદરણું - આંખની કીકી જેવડું નાનું ચાંદરણું - નીરખી રહ્યું હતું. આકાશ જાણે માનવીનાં છીદ્રો જોતું હતું.

રસોડું ગાજે છે - દાળશાકના નહિ, પણ ઘીના સબડકાથી ગાજે છે. કુટુંબની નાનેરી વહુઓ રોટલીઓ ઉતારે છે. એક પછી એક એ ફળફળતું ફુલકું ઘીના ભર્યા તપેલામાં ઝબોળાતું જાય છે. ઝબોળવા બેસનાર પણ દિવાળી ડોશી છે. (ઘરનું માણસ ઘી ઝબોળવા ન બેસી શકે; એને હાથે સંકોચ થવાનો સંભવ છે.) ઝબોળ્યા પછી પણ ઘી નીતરી ન જાય તે સારૂ ફુલકું ચારેય બાજુથી ઝાલીને, વચલા ખાડામાં ઘી સહિત, મહેમાનની થાળીમાં ફગાવાય છે. થાળીમાં એ ઘીનો વીરડો એક બાજુ ભરાઈ રહે તે સારૂ દરેક મહેમાન થાળીને પગના પોંચા ઉપર ટેકવે છે. વીરડામાં બોળાઈ-બોળાઈને બટકું લાંબા ઘૂમતા સોંસરવું થઈને એ શોકાર્ત મોંમાં સબડકો ગજાવતું સમાઈ જાય છે. રોટલી ઝબોળવા બેઠેલ દિવાળી ડોશી વચ્ચે ટપારે છે કે, "ચૂલે રોટલી કોણ ઉતારે છે, ભા ! એને કે‘જો કે રોટલી મોટી થાય છેઃ સમે ફેરે ઉતારો."

રસોડાની સામે જ ’લાડકા રંડાપા’વાળો ઓરડો હતો. એની આરપાર બીજે છેડે નાની બારી હતી. બારી બંધ હતી. પણ એની ચિરાડમાંથી કોઈક ગૂંગળાતો અવાજ માંડમાંડ પેસતો હતોઃ "ભાભી ! ઓ ભાભી ! ભાભી !"

ભાભીના આખા દેહને ભુજપાસમાં દાબીને ’લાડકો ખૂણો’ બેઠો હતો. એણે ભાભીની ગરદન ચાંપી રાખી હતી.

ચિરાડ સોંસરવો રૂંધાતો એ ગદ્‌ગદિત અવાજ ફરી વાર બોલ્યોઃ "ભાભી ! આ બધું શું થઈ ગયું ! ભાભી, મારે એક વાર તમારૂં મોઢું જોવું છે. આ તરડમાંથી મને જોઈ લેવા દો."

ને રસોડામાંથી સબડકા સંભળાતા હતાઃ દાળના નહિ, ઘીના.

ચ૨ૃ

મોં-સૂઝણું હજુ નહોતું થયું. અજવાળી પાંચમના પરોઢિયામાં કેવળ તારાઓ જ જાગતા હતા, અને છાતી સોંસરી જાય એવી કારમી ટાઢમાં એકલા અભરામનો જ ટપો પહેલો ફેરો નાખવા નીકળ્યો હતો. ફઈ જાગી ગયાં. વહુની પથારી ખાલી દીઠી. પોતાના પહેરામાંથી ખૂનનો તોહમતદાર ગુમ થયો દેખીને પહરેગીરને જે ફાળ પડે, તે જ ફાળ ફઈને પડી. ઓસરીમાં કંઈક ઝીણો બોલાસ સંભળાયો. ફઈ ઊંભાં રહ્યાં. ઝાંખે દીવે ફઈનું ફાળે ગયેલું ને વાળ વીંખાયેલું મુખમંડળ વહુને પોતાના ઝીણા વાયલના નવાનકોર ઘૂમટામાંથી પણ વિકરાળ દેખાયું.

"ક્યાં ગયાં‘તાં ?"

"શેરીમાં દિશાએ બેસવા."

"એકલાં ? રસ્તે લોકોનો અવરજવર મંડાઈ ગયા પછી નીકળાય ?"

"શું કરૂં ? હું બે દા‘ડાથી અકળાતી હતી. પેડુમાં ને પેટમાં વાઢ્‌ય આવતી હતી. ઘરમાં નથી વાડો કે નથી આડશ. ફળીમાં ઘોઘોભાઈ સૂતા છે. ક્યાં જાઉં ?"

"બા‘ના આપવાં હોય તો હજાર આપી શકાય. વરસ જેવડી શિયાળાની આખી રાત પડી‘તી, તેમાં ક્યારેય વખત ન મળ્યો, તે ઠેઠે સવારને પો‘ર શેરીમાં ગયાં ? ને તેય એકલાં ?"

"તમે ભરનીંદરમાં હતાં. રાતે બાર બજ્યા પછી તો બાઈઓ ઊંઠી. તે પછી પણ શેરીમાં તો અવરજવર ચાલુ હતો. તમે ના પાડી; કહ્યું કે, એક કલાક પછી જાશું. પછી તમને ઝોલું આવી ગયું. હું કેમેય કરી સૂઈ ન શકી. પેટ ને પેડુ બેયમાં વાઢ્‌ય આવતી‘તી. માથું ફાટતું‘તું. તમે હમણાં જાગશો, હમણાં જાગશો, એમ થતું‘તું. પછી મારીય આંખ જરીક મળી. મને બહુ બીકાળાં સ્વપ્નાં -"

"હવે તમારાં સ્વપ્નાંની પરડ મારે ક્યાં સાંભળવી છે ? તમે આટલાં મોડેરાં અને એકલાં શેરીમાં ગયાં, એમાં આપણું મા‘ત્યમ નહિ. બૈરાંની જાતને મન અને શરીર ઉપર કાબૂ તો હોવો જ જોઈએ ને ? એમાં હાજત દબાવવાથી ક્યાં મરી જવાનાં હતાં ! આ અમારા સામું તો જોવો ! આપણા કુટુંબમાં જ તમારી નજર સામે પચાસ તો રાંડીરાંડો છે. અમે બધાં પણ બાળરંડાપા જ વેઠીએ છીએ ને ! અમારે તો લાઠીની શૂળી જેવાં સાસરિયાં હતાં. મારા સસરાનું તો નગરશેઠનું ખોરડું હતું. આખી રાત ને આખો દી છ-છ મહિના સુધી ઘરમાં ને ડેલીમાં માણસોની ઘમસાણ્‌ય બોલતી. પણ પૂછી જોજો જઈનેઃ કોઈએ આ તમારી ફઈજીના લાડકા રંડાપામાં ક્યાંયે રજતલ જેટલીયે એબ દીઠી છે ? મન ઉપર અંકુશ રાખવા દોયલા છે. આજકાલનાં નાનડિયાનું ગજું નહિ. અસલી ગજાં જ નોખાં. તમને કાંઈ થયું ? એકલાં લોટો ભરીને હાલી નીકળ્યાં શેરીમાં !"

વહુના મોંમાં જીભ જ ન રહી. એને પણ દિલમાં પસ્તાવો થયો કે પોતે ભૂલ કરી છે. એને હવે યાદ આવ્યું કે અભરામનો ટપો છડિયાં લઈને જ્યારે રસ્તા ઉપર નીકળ્યો હતો, ત્યારે મારૂં કોરૂં પહેરેલું વાયલ તો તારોડિયાના તેજમાં ચોખ્ખું દેખાઈ ગયું હશે ને ! અભરામ ટપાવાળાનાં છડિયાંએ મને ઓળખી લીધી હશે ને ! અરેરે ! એ બધાં મારા માટે શું ધારશે ? એ બધાં કેટલે ઠેકાણે મારી વાતો કરશે ? અત્યારે સ્ટેશન પર પણ મારી વાતો થતી હશે ને ? સવારે ગામમાં ખબર પડશે તો ? લોકો મારા ઉપર કેવકેવા વહેમ લાવશે !

"ને હજી તો આવા દસ મહિના ખેંચવાના છે." ફઈએ યાદ આપ્યુંઃ "અત્યારથી હૈયું હારી બેઠે ખૂણો પળાશે ? કોળીવાઘરી જેવું કહેવાશે. આપણી જાત કોણ ? ખોરડું કયું ? તમારે સગાં કેવાં કુળવાન ! હજી તો મારા સસરાની ત્રીજી જ પેઢીએ અમારે ઘરે સુલતાનપર ગામની નગરશેઠાઈ હતી..."

એવી એવી ખાટીમીઠી શિખામણો આપતાં તો પ્રભાત થવા આવ્યું. અને ઓસરીમાં ગોદડું ઓઢીને પડેલા ઘોઘલાએ આ ચર્ચા કાનોકાન સાંભળી લીધી. એ નાદાન છોકરાને આજે પહેલી જ વાર જ્જ્ઞાન થયું કે લાડકા રંડાપાનો ખૂણો શોભાવતી ભાભીઓ અને બહેનોને ઝાડા-પેશાબની વાતોમાં પણ વિધિ કરવાની હોય છે, તપ તપવાનાં હોય છે. ઘોઘલો હજી હમણાં જ સત્યાગ્રહની લડાઈમાં જેલ વેઠી આવ્યો હતો. જેલમાં એને ચક્કી પીસવાનું કામ કરવું પડેલું. સાંજે છ વાગ્યામાં તો બરાકોમાં પુરાઈ જવાનું હતું. ખૂનીઓ અને ડાકુઓને પણ પોતાના ભેળા પુરાતા. ત્યાં જેલમાં તો એ લોકોને સારૂ પણ ઝાડા-પેશાબનાં ઠામડાં બરાકોમાં મુકાતાં; ત્યારે આ લાડકો રંડાપો કઈ જાતનું કારાગૃહ હશે ? ક્યા ભયંકર અપરાધની એ સજા હશે ? આવા દસ મહિનાને અંતે ભાભીના શરીરનું શું થશે ? એના દિલની ગતિ કેવી બની જશે ? ’ભાભી’ પણ ’ફઈબા’ની જ નવી આવૃત્તિ બની જશે ને ? વિચાર કરતાં કરતાં શિયાળાની પરોઢે ઘોઘલાની આંખો મળી ગઈ. પણ એ નિદ્રા નથીઃ તંદ્રા છે.

સ્વપ્ન શરૂ થાય છે. ઝાડની ડાળીએ ઠેકતાં વાંદરાં જેવાં ધડા વગરનાં છતાં ઉગ્ર એ સ્વપ્નો છે. એને દેખાય છે કે એક ચરૂ ઊંકળે છે. ચરૂ નીચે ફઈબા જેવી અસંખ્ય આકૃતિઓ જ્વાલાઓને સ્થાને ઊંભી છે. ખદખદતા એ ચરૂની પાસે શરીર વગરના બે હાથ દેખાય છે. એ બે હાથો ભાભીને - તથા ભાભીના જેવી જ મસ્તીખોર, ગેલતી વહાલભરી માનવાકૃતિઓને - ઉઠાવીને ઉઠાવીને ચરૂમાં નાખે છે. પછી એને ઓગાળીને કરેલો રસ ચરૂમાંથી બકડીએ બકડીએ ભરીને પેલા બે હાથ એક લોઢાના બીબામાં રેડે છે. પછી બીબાની પેટી ઉઘાડીને એક પછી એક આકૃતિઓને બહાર કાઢે છે. એ દરેક આકૃતિ જીવતી થાય છે. ભવાં ચડાવે છે. એના આગલા બબે દાંત લાંબા થવા લાગે છે. એમાંની એક લંબદંતી ઘોઘલાના ઘરમાં ઘૂસે છે. ઘોઘલો પોતાની નવી પરણેલી વહુ સાથે વાતો કરે છે. લંબદંતી કમાડની ચિરાડમાંથી ડોકાય છે; કહે છેઃ ’નથી ઓળખતી ? હું તારી ભાભીજી ! મારા દેખતાં વર સાથે વાતો ? ચાલ ચાલ દેવ-દેરે ! ચાલ ફુલકોરબાઈ આર્જાજીની પાસે ! હું તારી સુવાવડ નહિ કરૂંઃ મને મહારાજે બાધા દીધી છે. ચાલ, સંઘ નીકળ્યો છે પાંચ તીર્થોની જાત્રાએ.’

"ભાભી ! ભાભી ! ભાભી !" એવી ચીસો પાડતો ઘોઘલો જાગી ઊંઠ્‌યો ત્યારે ફઈ એને ઢંઢોળી રહ્યાં હતાં કે, "ભાઈ ! બાપુ ! ભલો થઈને ઊંઠીશ હવે ! વહુનાં માબાપ અત્યારની ગાડીએ ઊંતર્યાં છે, ને અમારે હમણાં અહીં ધડાપીટ કરવી પડશે. મહેમાનને માટે બેસણું તો પાથર. હમણાં આવી પોગશે બધાં."

બપોરે શાંતિ વેળાએ હિંમતે ભાભીના બાપ પાસે વાત મૂકી કે, "તમે એને તમારે ઘેર તેડી જાવ. આંહીં એને દસ મહિનામાં મારાં ફઈ અને મારૂં કુટુંબ મારી નાખશે."

"શી રીતે લઈ જાઉં ! મારી ઈજ્જત જાય."

"પણ હું રજા આપું છું ને ! ઘરનો ધણી તો અત્યારે હું જ છું ને ? હું મારાં ભાભીને રાજીખુશીથી છૂટાં કરૂં છું."

"હિંમતલાલ ! વહેવાર બહુ વિકટ છે. હું દીકરીને લઈને ગામમાં પેસું, એટલે મને તો ન્યાત ફોલી જ ખાય. મને ગોળ બહાર મૂકે, તો મારાં છોકરાં ક્યાં વરે ?"

"તમને તમારી સગી દીકરીની દયા નથી ? આટલુંયે બળ નહિ બતાવો ? કોણ - તમારો ચત્રભુજ શેઠ તમને ન્યાત બહાર મૂકશે ? એ સગા દીકરાની વહુને ફસાવનારો -"

"હિંમતલાલ ! ભલા થઈને એ વાત કરો મા !"

"કેમ એને તો ન્યાત કાંઈ નથી કરતી ? પેટની દીકરીને પંચોતેર વર્ષના લખપતિ વેરે પરણાવનારા માકા શેઠનો વાળ કોઈ વાંકો નથી કરતું. કોળણોને ઘેર પડયા રહેનારા તમારા મહાજનના શેઠિયા તો મૂછે તાવ દઈ ફરે છે. રાંડીરાંડોની થાપણો ઓળવનારાઓ તો એનાં છોકરાં-છોકરીને વરાવે-પરણાવે છે. અને તમને દીકરીને આગની ઝાળમાંથી કાઢવા સારૂ ન્યાત-બહાર મૂકશે ? જુવાન બાઈનો પુરૂષ ફાટી પડે એ આપદામાં એને આશ્વાસન દેવાનો, દુઃખ વિસરાવવાનો, બીજે સદ્‌વિચારે ચડાવવાનો મને કે તમને હક્ક નહિ ?"

"ભાઈ, લોકાપવાદને કોણ જીત્યું છે ? મારૂં ગજું નથી. દીકરીનું વળી જે થાય તે ખરૂં ! જેવાં એનાં તકદીર ! કોઈ શું કરશે ? આખા જન્મારાના રંડાપા કરતાં મોત શું ખોટું છે ! અમારા ભત્રીજાની દીકરીને એનો ધણી મૂઆ પછી ખૂણામાં ને ખૂણામાં ક્ષય લાગુ થઈ ગયો. બિચારી વહેલી છૂટી ગઈ."

ચ૩ૃ

માબાપ ગયાં. લાડકો ખૂણો ઝાલીને ભાભી બેઠી રહી.

દિયર અને બાપ વચ્ચે થયેલી વાતચીતો એને કાને કમાડની ચિરાડે પહોંચાડી હતી. સગો જન્મદાતા પણ પોતાની આબરૂનો જ વિચાર કરી રહ્યો છે ! એને હજુ છોકરાં વરાવવાં છે ! માટે એ મારૂં મોત પણ થવા દેવા તૈયાર છે ! એ પોતાના મનને પૂછવા લાગીઃ હું આ ધર્મ કોના સારૂ સાચવી રહી છું ? ગુલાબને સારૂ ? ના, ના; આ ભીડાભીડમાં, આ વિધિક્રિયામાં, આ લાડકા ખૂણામાં ગુલાબની તો ઝીણી યાદ પણ ક્યાં રહી છે ? હું ખૂણો તો પાળું છું એવી બીકે કે લોકો શું કહેશે ! કયા લોકો ? દિયરે બાપની પાસે વર્ણવ્યા તે બધા ? શું કહેશે ! તેઓનાં કુકર્મોને માટે તો કોઈએ કાંઈ કહ્યું નથી, ને મારા માટે કહેશે ? શું કહેશે ? કહીકહીને શું કહેશે ? વંઠેલીઃ નિર્લજ્જઃ કુળબોળામણઃ બસ ને ?

એવી ઘટમાળ દસેક દિવસ ફરતી રહી. અગ્િાયારમી સાંજે સંચાની માફક ભાભીની આંગળીઓ ગરદન ઉપર ફરતી હતી. અને ગળાના દાગીના ઉતારી ઉતારીને નીચે ઢગલી કરતી હતી. ત્યાં ફઈ આવ્યાં. હાથમાં રેશમી કપડાંની જોડય હતી. કહ્યુંઃ "લ્યો, આજ તો આ પે‘રજો ! આજ મારાં સાસરિયાં કાણ્‌યે આવવાનાં છે."

"મારે નથી પે‘રવાં."

"કાં ? અને આ શું ? આ દાગીના કેમ કાઢી નાખ્યા ?"

"પાછા લઈ જાવ."

"એટલે... ખૂણો પાળવો આકરો થઈ પડયો ? કે તમને કાંઈ ઓછું પડયું ? પે‘રી લ્યો. છોકરમત કરો મા !"

વહુ ચૂપ રહી. ફઈના હોઠ તપી ગયાઃ "આ માથું કોણે ભમાવી નાખ્યું તે હું જાણું છું. ઘોઘલે કાન ફૂંક્યા છે પરમ દી પરોઢિયાના ! માડી રે, કામ વંઠ્‌યું !"

ફઈએ કપાળ કૂટ્‌યું. એ ધડાકા સાંભળીને હિંમત ઓરડામાં ધસી આવ્યો. એણે ભાભીને ઘૂમટો ઉઘાડીને ઊંભેલી દીઠી. એક વારનું ગુલાબી મોં ચિતામાં શેકાયેલું હોય તેવું દીઠું. ફઈ બોલ્યાંઃ "તારે ખૂણો છાંડીને -"

""ફઈબા !" ઘોઘલાએ કહ્યું : "તમે આ લાડકા ખૂણામાં રોજ દીવો પેટાવજો ને અહીં રહેજો. હું ભાભીને લઈને જાઉં છું."

"ક્યાં ?"

"ગમે ત્યાં."

"ના રે, બાપુ ! હું તો આ હાલી તમારી મોઢા આગળ. સાચવો તમારૂં ઘર."

ધડાપીટ કરતાં ફઈ ગયાં. વળતે દિવસે દિયર-ભોજાઈ પણ ગયાં.

સાંજે ઘર ઉજ્જડ પડયું હતું. ઓરડામાં રેશમ રઝળતાં હતાં. લાડકા ખૂણાને છાપરાનું ચાંદરણું પૂછતું કે, ’પહેરનારી ક્યાં ગઈ ?’ અને લોકો વાતો કરતાં હતાં.

એકાદ મહિનો વીતી ગયા પછી એ ખડકીનું તાળુ ઊંઘડયું છે. અંદર વસવાટ શરૂ થયો છે. રૂંધાઈ રહેલ એ ઓરડામાં સૂર્યનાં કિરણો અને આકાશની વાયુ-લહેરીઓ જાણે કે સાતતાળી-દા રમતાં રમતાં દોટાદોટ કરી રહ્યાં છે. બારી-બારણાં હસી હસીને બોલતાં હોય ને જાણે !ઃ ’ફઈબા નથી, ફઈબા નથી.’

ખડકીના માથે ’કાર્ડબોર્‌ડ’ના પૂંઠા ઉપર મોટા અક્ષરો લખ્યા છે કે, ’વછિયાતો અને વિદ્યાર્થીઓ માટે વીશી. નાના અક્ષરે ભાત પાડીને અંગ્રેજી અક્ષરો કોતર્યા છે કે, ’વર્ક ઈઝ વર્શિપ’ (કામ એ જ પૂજા છે). ફળિયામાં બપોરની વેળાએ ઘોઘાભાઈ ઉર્ફે હિંમતલાલ અજીઠાં વાસણોનો ખડકલો માંજે છે. સફેદ છાયલવાળી ભાભી ઓસરીમાં કમોદ ઓઘાવી રહી છે. બન્નેનાં મોં ઉપર ઊંંડી પ્રસન્નતા ઝલકી રહી છે. બન્ને વાતો કરે છેઃ

"કાલથી બે વિદ્યાર્થી વધે છે, ભાભી ! આજ જમવા આવેલા તે બાપડા બહાર નીકળીને વાતો કરતા હતા કે, આજ જાણે માના હાથની રસોઈ મળી."

ભાભીની નેત્ર-જ્યોતમાં જાણે નવું દિવેલ પુરાયું. "ને, ઘોઘાભાઈ, ઈસ્પિતાલવાળા ઓલ્યા દરદીના બાપા પણ હવેથી આંહીંથી જ થાળી લઈ જાશે. આપણે એ દરદીના સારૂ ઝીણા ચોખા લઈ આવશું ને ?"

"હાહા, બચાડા દલપતરામ કારકુનથી પણ બોખા દાંતે મોટા ભાત ચવાતા નથી."

"વછિયાતોને તો, ભાઈ, તમારે થોડીક તાણ કરીને જમાડવા, હો ! સ્ટેશનોની વીશીમાં ખાધેલું ને, એટલે આંહીં શરમાઈને ભૂખ્યા રહે છે માંહીંમાંહીં તો."

એવી બપોર વેળાએ કાંડે સોનાનાં કડાં, ડોકમાં એક્કેક-બબે હેમના દાગીના, લાલ-લાલ અટલસનાં કાપડાં અને કાળા ઝીણા સાડલા પહેરીને દસ-બાર બાઈઓ નીકળે છે. હાથમાં એક્કેક-બબે ધર્મ-પોથીઓ હોય છે. જતીજતી એ બધી આ ખડકીમાં ડોકિયાં કરે છે. પરસ્પર હસતી હસતી વાતો કરે છે કે -

"માડી રે ! પાછાં પેઠાં આ તો ગામમાં."

"રંડાપામાં ધૂળ નાખી. ખૂણો પાળવાને સાટે તો ભઠિયારખાનું ખોલ્યું."

"નાની બાળ અલકમલકનાં માણસું સાટુ વીશી માંડીને બેઠી. અરે મૂઈ ! બાળવિધવાને દેવદેરાં ન સૂઝ્‌યાં, ધર્મધ્યાન ન ગોઠ્‌યાં, સાધુસાધ્વીની સેવાયું ન ગમી - ક્યાં જાતી ઝીંકાણી !"

"લ્યો હાલો હાલો, આપણે શાસ્તરનું ભણતર ખોટી થાય છે. આપણે શું કરીએ ? ભોગ એના !"

"કાલે આર્જાજી આંહીં વોરવા ચડતાં‘તાં. હું ભેગી હતી તે મેં ચેતાવી દીધાં"

રૂમઝૂમ રૂમઝૂમ જીભો ચલાવતી સુવર્ણે મઢેલી ધર્મપૂતળીઓ શાસ્ત્રો શીખવા માટે સાધુ-સ્થાનકે ચાલી ગઈ. કમોદ ઓઘાવતી ભાભીથી જગતના બોલ ઝિલાયા નહિ.

ઘોઘલાભાઈની વીશી તો પરગામના અનેક વિદ્યાર્થીઓની અને વછિયાતોની મા બની ગઈ.

કોઈકોઈ વાર કામ ઓછું હોય. ભાભીને એકલવાયું લાગતું હોય, ઘોઘાભાઈ નળાખ્યાન ગાતા હોય, હિસ્ટીરિયા નામનો અતિથિ અંગ ઉપર આવું આવું કરતો હોય - તે વખતે ઘોઘલાની પાસે એક રામબાણ ઔષધ હાજર હતુંઃ

"ત્યારે હવે ફઈબાને તેડાવશું કે, ભાભી ! લાડકો ખૂણો અધૂરો છે તે પૂરો કરશું કે ?"

હસી પડીને ભાભી પાણીની હેલ્યો લાવવા મંડતા.

ઘૂઘા ગોર

ખડકીનું બાર ભભડયું અને મારા મોંમાંથી ઉદગાર પડયોઃ "કમબખ્ત રવિવાર પણ પારકા બાપનો-"

કમાડ ઊંઘડતાં જ દીદાર થયાઃ

હાથમાં ઘીનો અડધો ભરેલો લોટો, ખંભે સીધું ભરેલી લાંબી ઝોળી, કપાળે ત્રિપુંડ, ભમ્મરોને ભેળી કરતો ભસ્મનો ચાદલો, મોંમાં તમાકુવાળું પાન અને બેતાલીશ વર્ષે પણ હસતું મોઢું; છેલ્લાં પાંચ વર્ષો થતાં જે પહેરતા તે જ ફાટેલ પોશાકઃ એ જ ચેકનો થીગડેદાર કોટ, એ ખાદીનો ફેંટો, ને કફનાં બુતાનને સ્થાને રાતા દોરા બાંધેલ ખમીસઃ ફેરફાર ફક્ત થીગડાંની સંખ્યામાં થયો હતો.

આ તો ઘૂઘો ગોર ! મારો ’કમબખ્ત’ શબ્દ એણે નક્કી સાંભળ્યો હશે. પછી તો "આવો ! ઓ-હો-હો-" વગેરે મારા વિવેકના નળની ચકલી મેં પૂરેપૂરી ઉઘાડી નાખી. પણ ’કમબખ્ત’ શબ્દે પાડેલી અસર, વિક્ટોરિયા રાણીના બાવલા પર વર્ષો પૂર્વે કોઈએ લગાવેલ અસાધ્ય કાળા લેપ જેવી જ, ઘૂઘા ગોરના વદન પર રહી ગઈ.

સોગંદ પર કહું છું - હું બૅરિસ્ટર છું એટલે સોગંદનામાનો સંસ્કાર ઊંંડો પડી ગયો છે - કે ઘૂઘા ગોરને જોઈને મને હર્ષ થયો. કોઈક બીજાને ઘેર કાળ જેવા થઈ પડનાર એ ગોરનું મારે ઘેર આગમન મને ગમતું. બીજે ઘેરે એ લેવા જતાઃ મારે ત્યાં એ આપવા આવતા. એ આપી જતા - અનુભવોનો ખજાનો.

"કેમ, ઘૂઘા ગોર ! કહોઃ આટલે ઝાઝે દિવસે કાં ડોકાયા ?"

"આ લગનવાળો ફાટી નીકળ્યો છે ના, ભાઈ !" ઘૂઘા ગોરે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય, ને પોતે જાણે દાક્તર હોય, એવો હર્ષ પ્રકટ કર્યો."ને તેમાં પાછું આ વખતે તો, ભાઈ, બેવડે દોરે કામ છેઃ જ્યાં જ્યાં લગન, ત્યાં ત્યાં મરણ; એટલે સપ્તપદી ને સરાવણું બેઉ વાત ભેળી. બેઉ વાતે લાભ સવાયા છે. પાઘડી, ધોતિયાં, ગોદડાં,ગાદલાં ને શ્રીફળોનો પાર નથી રહ્યો."

"હાં, આ વર્ષે એવી તે શી અજાયબી બની છે, ઘૂઘા ગોર, કે લગન ને મરણ જોડાજોડ ?"

"હું તો મારી ઊંંડી વિચારણામાંથી એમ માનું છું, ભાઈ," ઘૂઘા ગોરને પોતાની એક ફિલસૂફી હતીઃ "કે, કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે ’વિવા ત્યાં વરસી ને લગનમાં વિઘન’ના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવ આ કરી રહ્યો હોય; અથવા તો સુખેદુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયાજયૌ" એ ગીતાપાઠ ભણાવવાનો કાળનો સંકેત હોય - અર્થાત્, "હે લોકો, લગનમાં હર્ષને વિષે કે મરણમાં શોકને વિષે ચિત્ત ન જવા દેવું’ એવી આ કોઈ અંતરિક્ષની શિખામણ હોય."

ઘૂઘા ગોરની ફિલસૂફી ગરમાગરમ શીરા જેવી સરલતાથી ગળે ઊંતરી જનારી છે. મને એમના મનનું સમત્વ દંભી નથી લાગ્યું; કેમકે મેં એમને પણ કદી લગન કે મરણમાં ભિન્ન લાગણીઓથી દ્રવતા દીઠ્‌યા નથી.

"વિવાડો પણ ભારી ઊંપડયો છે, હો ભાઈ ! હજુ તો કૃષ્ણપક્ષમાં કેર થવાનો છે." ઘૂઘા ગોરે જાણે કોઈ ભીષણ આપત્તિ સામે મને ચેતવ્યો.

"આપણી લગ્નની પધ્ધતિમાં આટલે વર્ષે પલટો ને સુધારો તો ઘણો ઘણો થઈ ગયો હશેઃ નહિ, ઘૂઘા ગોર ?"

"હા, ભાઈ !" ઠાવકું મોઢું કરીને મને ઉત્તર આપ્યોઃ "બે-ત્રણ મોટા ફેરફારો તો હું અવશ્ય જોઈ શક્યો છુંઃ એક તો, પાટિયાં બદલાણાં છે."

“પાટિયાં ?"

"હા, પૂર્વે જે પાટિયામાં ’ભલે પધાર્યા’ અને ’વેલ-કમ’ લખાતું, તેને બદલે હવે ત્યાં ’પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં’ એ વાક્ય લખાય છે. એક હાથની મધરાશી, એક હાથનું પાટિયું, અને ચપટી સોનેરી રંગની ભૂકી - એ ત્રણ ભેગાં થાય છે એટલે માંડવે માંડવે ’પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં’ એ શબ્દો શોભી ઊંઠે છે."

"ઓહો !" મને આમાં સાહિત્યનો વિષય જણાયો. હું એક નિષ્ફળ બૅરિસ્ટર ખરો ને, એટલે સાહિત્યકારનું ટટ્ટુ પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો.

"હા,ભાઈ !" ઘૂઘા ગોરે ખાતરી આપીઃ "હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો. કન્યાદાનનો સંકલ્પ કરાવવા બેઠો તે જ વખતે કન્યાની માએ માગ્યુંઃ ’મારૂં શું ?’ કોઈ વાતે એનું ’મારૂં શું’ ચૂપ ન થયું. વરના પિતાએ આવીને ’હેં-હેં-હેં’ દાંત કાઢતે કાઢતે સો-સો રૂપિયાની પાંચ નોટો વેવાણના હાથમાં સેરવી, ને એ પાંચેયને કાપડાની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું. પાછળથી હું જ્યારે વરના બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે, ’ગોર ! આ અમારી પાંચ ભાઈયુંની કમાણી એક છોકરો પરણાવવામાં સાફ થઈ ગઈ છે’. લ્યો, ભાઈઃ ઈ માંડવે પણ મેં ’પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં’નું પાટિયું વાંચ્યું હતું."

"બીજો ફેરફાર?" મેં પૂછ્‌યું.

"બીજું, વરરાજાનો પોષાક હવે મહાન પરિવર્તન પામ્યો છે. સુરવાળ, અચકન અને માથે ધોળી ટોપી - નખશિખ ખાદીના પોષાકની લખનવી ટેડાઈ હવે આવી છે. તેમ વરરાજાઓનાં શરીરોએ પણ મહાન પલટો લીધો છેઃ મુખ ઉપર વ્યસનોને રમતાં જોઈ શકાય."

"બસ, બીજો કોઈ ફેરફાર નહિ ?"

"ના, આર્યત્વના અસલી પાયા મોજૂદ છેઃ ઉપર નકસીકામ જ બદલતું રહ્યું છે. ને જ્યારે જ્યારે મેં મોંને એક ખૂણે સળગતી બીડી રાખીને મારી ’સપ્તપદી’ની ચર્ચા ઉપાડતા, વાતો પૂછતા વરરાજા જોયા છે, ત્યારે મને એવી કલ્પના થઈ છે કે કેમ જાણે તેઓ જવતલ-હોમના અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય !"

ઘૂઘા ગોરની કહેણી એકધારી અને અણઉતાવળી હતી. એનો અવાજ ઊંંચો-નીચો કે તીવ્ર-કોમળ ન બનતો. એ અવાજ પણ અપરિવર્નશીલ રહેતો. એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરઘાનો તાલબંધ ઘોષ યાદ આવે છે.

"પણ તમને આ ’પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં’વાળી વાત કેવી લાગે છે ?" મેં ઘૂઘા ગોરને પૂછ્‌યું.

"એથી વધુ સારી વાત તો મને આજ હાથ લાગી છે, ભાઈ !" એમ કહીને એણે આંખોને વિશેષ પ્રદીપ્ત કરી."એક શેઠિયાને ઘેરે લગ્ન હતાં. પરણાવવા હું ગયો’તો. વર-કન્યાને માયરે આવતાં બહુ વાર લાગી, એટલે મેં એ ઘરના ભરવાડ નોકરને પૂછ્‌યું કે, ’કાં, ભાઈ, હવે કેટલીક વાર છે ?’ એણે મને જવાબ આપ્યો કે ’હવે ઝાઝી વાર નથી, ભાઈ; બેય સરાડયાં છે’.

’સરાડયાં છે ?’ ધંધો વકીલાતનો છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો.

ઘૂઘા ગોરે કહ્યુંઃ "એક ઢોર જ્યારે હરાયું હોય, ધણમાં સરખું જતું-આવતું ન હોય, ત્યારે માલધારીઓ એ રેઢિયાળ ઢોરને બીજા કહ્યાગરા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છેઃ એને ’સરાડયા’ કહેવાય. હવે તમે જ વિચારો, ભાઈઃ આ જે છેડાછેડી બંધાય છે, એને ’પ્રભુતામાં પગલાં માંડવા’ની તમારા કવિએ આપેલી ઉપમા બંધબેસતી છે? કે ભરવાડોએ આપેલી ’સરાડવા’ની ઉપમા વધુ ચોટદાર છે !"

ખરેખર, ઘૂઘા ગોરની આ ઉપમા પાસે મને ન્હાનાલાલ કવિની ઉપમા કુચ્ચા લાગી. લગ્ન એટલે બે માનવ-પશુઓનું સરાડવુંઃ હરાયા માનવીને પાળેલા માનવી જોડે જોરાવરીથી સાથી બનાવવું. બેમાંથી જે બળૂંકું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયુક્તિ તે આ લગ્ન.

"પણ", મને સમસ્યા થઈ, કેમકે હું નારી-સન્માનની - ’શિવલ્રી’ની - બાબતમાં જરા ઉધ્ધત વિચારો ધરાવું છું. "હેં ઘૂઘા ગોર,બેમાંથી ઝાઝાં હરાયાં કોણ જોયાં છે તમે ? - પુરૂષ કે સ્ત્રી ?"

"નવા જમાનામાં તો સ્ત્રી જ ને, ભાઈ !" ઘૂઘા ગોરે મારા મતમાં અનુમતિ આપી. અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી ખુશામદ. એટલે તરત જ મેં મારી બૈરીને કહ્યુંઃ "પાંચ શેર ઘઉં લાવો."

"ન લાવતાં, હો બેન !" એટલું કહેતાં જ ઘૂઘા ગોરનું મોં છોભીલું પડયું. મને નવાઈ લાગી. મેં પૂછ્‌યુંઃ "કેમ ?"

"અહીં એકાદ ઠેકાણું તો શુધ્ધ વિશ્રામનું રહેવા દ્યો, ભાઈસા’બ !"

"કેમ ?"

"તમે સમજ્યા નહિ, ભાઈ !" એણે વાત બદલાવીઃ "ભીલ જેને લૂંટે તેને પે’લાં તો લોહીલોહાણ કરે જ કરેઃ અણહક્કનો માલ ન લ્યે. તેમ હું ગોરપદું લઉં છું ત્યાં ત્યાં છેતરીને લઉં છુંઃ અણહક્કનું નથી લેતો, ભાઈ. હમણાં જ ગામમાં જઈશ. એક રાંડીરાંડ રેંટિયો કાંતીને ઉદર ભરે છે. મરતી સાસુને એણે અગ્િાયારશનું પુણ્‌ય બંધાવ્યું છે. મને બોલાવ્યો’તો; પૂછ્‌યું’તુંઃ ’હેં ભઈલા ! આવ ને, બાપ; એક વાત પૂછું. આ અગ્િાયારશનું પૂણ્‌ય આપવા જો હું પરભાસ જાઉં, તો તો પચાસ રૂપિયા પડેઃ ક્યાંથી કાઢું ? તું કંઈ ઓછે નહિ કરી દે, હેં ભઈલા ?’ સાંભળીને ધડીવાર તો મારૂં હૃદય ઊંકળી આવ્યું. ઉજળિયાત વર્ગની રાંડીરાડની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે. મન થયું કે કહી દઉંઃ ’બેન ! આ ધતિંગ શીદ કરે છે ?’ પણ બીજો જ વિચાર આવ્યોઃ કોઈ બીજો ગોર જાણશે ને, તો આને આડું અવળું ભંભેરીને પોતે વધુ કિંમત લઈ સંકલ્પ કરાવશેઃ તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લઉં ! આ એટલા માટે જાઉં છું. રૂપિયા બે-ત્રણ પડાવી આવીશ. સરગની નીસરણી ને સાખિયો મારે ઘેરથી લઈ જઈશ. એવાં ઊંંઠાં સાંજ પડયે એકાદ-બેને શું હું નહિ ભણાવી શકું ? બાર મહિને મારા ઘર જોગા દાણા ન ઊંભા કરી શકું ?"

"હજુય શું લોકશ્રધ્ધા એવીને એવી જ રહી છે, ઘૂઘા ગોર ? મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઈ ચૂકી છેઃ કેમ કે હું આંહીંની ક્રાંતિ વિષે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો."

"શ્રધ્ધા તો બેવડી બની છે. દા’ડે - દા’ડે જોર પકડતી જાય છે. બેશક, એમાં થોડી ’સાઈકોલોજી’ આવડવી જોઈએ."

"સાઈકોલોજી !" ઘૂઘા ગોરના મોમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય પામ્યો.

"હા,ભાઈ." ઘૂઘા ગોરે મને પૂર્ણ ગંભીરતા ધરીને કહ્યુંઃ "પ્રત્યેક ધંધામાં - શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં - સાઈકોલોજીનું થોડુંક જ્જ્ઞાન પણ બહુ કામ આપે છે. દાખલો આપુંઃ હું ગામડે જાઉં છું. ટીપણું લઈ જાઉં છું; બીજી બધી જાદુગરી કરૂં છું. પણ હું ફાવું છું. જ્યારે ભનો પંડયો, પોતળો દવે કે શામો તરવાડી નથી ફાવતા; કેમકે સાઈકોલોજીનું તેમને ભાન નહિ."

એટલું કહી, તમાકુની ચપટી હોઠ પાછળ ચડાવી ઘૂઘા ગોરે મને સમજ પાડીઃ

"બાઈઓ મારી પાસે જાતજાતની વાતો જોવરાવવા આવેઃ ’ગોર, જૂઓ તો ખરાઃ મને મહિના કેમ ચડતા નથી ?... મને આભડછેટ કેમ વખતસર આવતી નથી?... મને સોણામાં સરપ કેમ આવે છે ?’ વગેરે વગેરે. આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે ! એ તો સાઈકોલોજીથી કામ લેવું જોવે. એક સાઈકોલોજી, ને બીજી ’કોમનસેન્સ’.

એ શબ્દે મને ફરીવાર ચોંકાવ્યો. હું કાંઈ પૂછું એ પૂર્વે જ ઘૂઘા મહારાજે સમજ પાડીઃ

"કોમનસેન્સ તો રોંચા ભરવાડોની કેટલી બધી તીવ્ર ! ભરવાડોનાં લગન હંમેશાં સામટાં થાય; સામટાં એટલે એક જ માંડવે અને એક જ વિધિએ; પચાસ-સો વર-કન્યાઓ. એમાં એક વાર ગોરે તમામ વરઘોડિયાંને ચાર આંટા ફેરવી લીધા ત્યાં એક ભરવાડે આવીને ગોરનું ધ્યાન ખેંચ્યુંઃ ’એલા એ હેઈ ગોર !’ કે, ’શું છે, ભાઈ ?’ કે, ’આમ તો જોઃ આ મારી છોકરીની છેડાછેડી કેની હારે બાંધી છે ? માળા, આ તો તેં કેની હારે ફેરા ફેરવી નાખ્યા ? ’કે, ’કા ?’ ’અરે, કાં-કાં શું કરછ ? આ તો મારી કન્યાને કો’કના વર હારે ફેરા ફેરવી નાખ્યા !’ ગોરની મત મૂંઝાઈ ગઈઃ હવે શું થાય ? ભરવાડે કહ્યુંઃ ’હવે એમાં મૂંઝાઈને કાં મરી રિયો ? ઉબેળ દે ઉબેળ ! ચાર આંટા આમ ફેરવ્યા છે ને, તે હવે ચાર આંટા પાછા ફેરવીને ઉબેળી નાખ્ય, એટલે હાઉં - છૂટકો થઈ જાય’.

"રાંઢવાં અને રસીઓના, નાડીઓનાં અને નોતરાં-નોજણાંના વળ ચડાવવાની ને વળ ઉતારવાની જે સાદી સમજ, જે કોમનસેન્સ, તેને આમ ભરવાડે સંસારનો કોયડો ઉકેલવામાં પણ કામે લગાડી, ભાઈ ! એને ધરમ અને શાસ્ત્રો આડાં આવ્યાં ક્યાંય ! એના લગન-સંસાર આપણાં બામણ-વાણિયાંથી વધુ મજબૂત ચાલે છે, કેમકે એ ઉબેળ દેવાનું જાણે છે. આ કોમનસેન્સ અમારે શીખવી જોઈએ."

ઘૂઘા ગોરમાં મને વધુ ને વધુ રસ પડયો. મને થયું કે વિધાતાની ભૂલ થઈ હતી. મારે બદલે ઘૂઘા ગોરને જ જો બૅરિસ્ટર થઈ આવવાનાં સાધનો મળ્યાં હોત, તો એ મારી માફક સસરાનો ઓશિયાળો ને સ્ત્રીનો દબાયેલો ન રહ્યો હોત.

"લ્યો ત્યારે, ભાઈ, રજા લઉં છું ! હજુ એક ઠેકાણે એક વિધવાના કેશ-વપનની ક્રિયા બાકી છે. બહુ વખત લીધો ભાઈનો."

એમ કહેતા ઘૂઘા ગોર ઊંઠ્‌યા. ’કોઈ એક વિધવાના કેશ-વપનની ક્રિયા’ એ શબ્દો પણ ઘૂઘા ગોર લાગણીની એકેય ધ્રૂજારી વિના બોલી ગયા. મારા કુતૂહલના દીવામાં એ શબ્દોએ નવું દિવેલ રેડયું.

"એ વાત કોઈ બીજે વખતે કહીશ, હો ભાઈ !" ઘૂઘા ગોરે મારી ઉત્સુકતા વાંચી લીધી.

એમને વળાવવા બહાર નીકળતાં નીકળતાં મેં એને પૂછ્‌યુંઃ "ઘૂઘાભાઈ, એક પ્રશ્ન - વાંધો ન હોય તો."

"એક નહિ, બે."

"તમને કેટલાં વર્ષ થયાં ?"

"બેતાળીશ."

"લગ્ન કર્યાં જ નથી ?"

"ના."

"કેમ ?"

"સાત-સાત..." એટલું કહીને એણે પોતાના મસ્તક પર અસ્તરા પેઠે આંગળી ફેરવી.

"શું સાત ?"

"સાત રાંડીરાંડો મારા ઘરમાં છેઃ એક બાર વર્ષની, બે સોળ-સોળની, એક પચીસની... એનાં બાળકો, વૃદ્ધ પિતા.. બાવીશ વર્ષે તો મારે એ સૌનો દાદો બની જવું પડયું. સાત રાંડીરાંડોની વચ્ચે જુવાન કન્યાને પરણીને હું ક્યાં પગ મૂકું ? ક્યાં સમાઉં ? કયું સુખ ભોગવું ? અને, ભાઈને કહું કે, મજા છે. આખા દીનો થાક્યો લોથ થઈ ગોદડાં માથે પડું છું. સ્વપ્નાં વનાની નીંદર આવે છે. જુવાનીનાં પચીશ તો નીકળી ગયાં, ને હવે સાતેક વરસ બેઠો રહું તો રાંડીરાંડ બેનોનાં ને ભાઈઓનાં ને ફઈઓનાં છોકરાં ચણ્‌ય ચણતાં થઈ જાય. કાઢ્‌યાં એટલાં ક્યાં કાઢવાનાં છે ! લ્યો બેસો, ભાઈ !" કહેતા ઘૂઘા ગોર ચાલી નીકળ્યા.

મેં મારી મેડી પરથી જોયુંઃ ઘૂઘા ગોરની ગતિ ગંભીર હતી. એની દૃષ્ટિ ધરતી તરફ ઢળેલી હતી. એની પડખે જ લગ્ન-ગીતો લલકારતી સ્ત્રીઓ નીકળી હતી.

ઘૂઘા ગોરનું મોં ઊંંચું પણ ન થયું.

થોડા દિવસ પછી મેં ઘૂઘા ગોરને રેલવે-સ્ટેશને જૂદા રૂપે જોયાઃ માથે સફેદ ફાળિયું, મૂછો બોડેલી; છતાં એવો ને એવો ચમકતો, સમત્વભર્યો ચહેરો. પૂછ્‌યુંઃ "કેમ ? કઈ તરફ ?"

"કાંઈ નહિ,ભાઈ ! સારૂં છે. એ તો મારી એક જુવાન ભાણેજનો વર એકાએક દેશાવરમાં ગુજરી ગયો છે, અને બાઈ એકલી, કશી જ આજીવિકા વગરની થઈ પડેલી પાછી આવી છે. સીમમાં ખેતર નથી ને ગામમાં ઘર નથી; તે જાઉં છું હવે તેડી લાવવા."

"આંહી જ રાખશો ?"

"હા જ તો, ભાઈ !"

"ત્યારે તો તમારો બોજો વધ્યો !"

"એનું કશું નહિ, ભાઈ ! કહીશ કે, "બાઈ, તું મને કંઈ ભારે નથી પડવાની. હું વળી વર્ષે બે-પાંચ સરાવણાં વઘુ કરાવીશ. તારા જોગા દાણા ને તારૂં અંગ ઢાંકવાનાં બે ધોતિયાં મને શું મને શું નહિ મળી રહે ? અરે, જજમાનોને મારીઝૂડીને મેળવીશ."

એટલું જ કહીને એ મારાથી જૂદા પડયા ત્યારે મારી દૃષ્ટિ સ્ટેશન સામેની એક આલેશાન ઈમારત પર હતી. એ મકાન ’વનિતાધામ’નું હતું. વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ધાંધલ મચી ગયેલું. એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા. તેનું કુટુંબ, ભાઈ-ભત્રીજા, સાળાઓ અને બનેવીઓ ત્યાં પોતાનો ગરાસહક્ક ગણીને રહેતાં હતાં. પ્રત્યેક વિધવા અને ત્યક્તાને પોતાની આશ્રિત ગુલામડી સમજતાં હતાં, દૂધમાં પાણી ભેળવી પીરસતાં વગેરે વગેરે ફરિયાદો ઘણા મહિના પછી માંડ માંડ દુનિયામાં પહોંચી શકી હતી - અને વર્તમાનપત્રોએ ’સનસનાટી’ મચાવી હતી.

ગરાસ માટે

આજથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરૂં ધાંધલ મચી ગયું હતું.

દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ-ટુકડી સાથે પડાવ નાખ્યો હતો; અને સામી ચોપાટમાં ગરાસદાર ભાઈઓનો ડાયરો મળતો, વળી વીંખાતો, કસુંબા પિવાતા, તડાકા થતા, અને પાછા સૌ ઊંઠી ઊંઠીને ચાલ્યા જતા. પડછંદ તેમ જ ઠીંગણા એ ગરાસદારોનાં મોં ઉપર અને મેલાં, ફાટેલાંતૂટલાં લૂગડાં ઉપર માનસિક ગૂંચવાડાની અને આર્થ્િાક સત્યાનાશની કથની આલેખાઈ હતી.

ગઢની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવ-જા થતી તેના ઉપર પોલીસ-પહેરેગીર બારીક ધ્યાન આપતો હતો.

બહારથી ગઢની અંદર જનારાં બાઈઓનાં ટોળાંને પણ પોલીસ તેમ જ તેના ઉપરી અમલદાર ઝીણી નજરે જોતા હતા.

ટોળા માંહેની કોઈક ડોશી સામી ચોપાટે બેઠેલા પુરૂષોને હસીને કહેતી પણ હતી કે, "કુંવર અવતર્યા ને ? નરવ્યા છે ને કુંવર ? સારૂં બાપા ! મારી આંતરડી ઠરી. આ ઝબલું લઈને જાંઈ છીં, ભા !"

એમ કહેતે કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર શ્રીફળ વગેરે જે લઈ જતાં હતાં તે ખુલ્લાં કરી બતાવતાં હતાં.

અવારનવાર ગોલી આવીને ડેલીએ પુરૂષોને ખબર દઈ જતી કે,"માએ કહેવાર્યું છે કે, કુંવર નરવ્યા છેઃ કાંઈ ઉચાટ કરશો નૈ."

"તો પછેં-" અમલદાર જે ચોપાટમાં બેઠા હતા તે ચોપાટમાંથી એક પુરૂષે ગોલીને હાકોટો માર્યોઃ ’તો પછે કુંવરનું મોં અમને જોવા દેતાં શું ભે છે તારી માને ! દિ ને રાત કુંવર-કુંવર કરી રિયાં છો રોગાં.." બોલતો બોલતો એ પુરૂષ પોતાના ડોળા ઘુમાવતો હતો.

"સથર્યા રો’ ને, મારા બાપ !" સામી ચોપાટેથી બીજો જણ ઠંડે કોઠે જવાબ દેતો હતોઃ "આકળા થઈ ગ્િાયે કાંઈ કુવર હશે ઈ મટીને કુંવરી થોડો થાઈ જાહે ? અને ઉતાવળા શીદ થવું પડે છે, ભા ! મહિનો નાહીને કુળદેવીને પગે લગાડયા પછેં પેટ ભરી ભરીને જોજો ને ! બાકી, તમારે શી બીક છે ? ગઢની ચારેકોર તો તમે ચોકી મુકાવી દીધી છે. તમારો બંદોબસ્ત ક્યાં જરાકેય કાચો છે !"

"કાચો શા સારૂ રાખીએ ?" સામી ચોપાટે રેશમી કબજા નીચે મલમલનું પહેરણ પહેરીને બેઠેલએ જુવાન ગરાસદાર ઢોલિયેથી પગ નીચે ઉતારીને બોલ્યોઃ "ગરાસ કાંઈ વડવાઓએ કો’કના સાટુ નથી કામી રાખ્યો. લીલાંછમ માથાં વાઢીને.."

એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે ’લીલાંછમ માથાં’ વાઢીને જમીન જીતવાની વાત હવે બહુ મશ્કરીને પાત્ર બની ગઈ છે, એટલે એ ચૂપ રહ્યો.

સાંજ પડી. દિવસ આથમ્યો. એક સાંઢિયો ડેલીએ આવીને ઝૂક્યો. અને સામી ચોપાટેથી "લ્યો, મામા આવી પોગ્યા !" એવો આનંદ-ધ્વનિ થયો, ઊંંટના અસ્વાર ઊંતરી સૌને હળ્યામળ્યા, અને ઊંંટના કાઠાની મોખરે બાંધેલી એક નાની ટ્રંક છોડીને સાંઢિયા-સવારે ચોપાટમાં મૂકી.

"આ પેટીમાં કુંવરનું ઝબલું છે. ગઢમાં લઈ જાવ." ઊંંટ પર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઈને વહેમ પડી જ ન શકે.

અને જેના ચપોચપ બીડેલા ઢાંકણામાંથી પવન પણ આવ-જા કરી ન શકે એવી એક નવીનકોર તાળાબંધ ટ્રંકમાં ભરેલી સામગ્રી વિષે તો વહેમ જ કોને પડે ? ગોલી ટ્રંક લેવા આવી, અને એણે મહેમાનનાં ઓવારણાં લઈને કહ્યુંઃ "કુંવર અવતર્યા ત્યારથી બોન તો ભાઈભાઈ ઝંખે છે. આપ પધાર્યા ને માને કાં ન લેતા આવ્યા ?"

"બોનને નારાયણ કહેજે. ને મા તો શું આવે, બાપા ! અટાણે આફૂડા-આફૂડા વહેમ ઊંઠે ને ! બાકી તો, ઈશ્વર જ્યાં દીકરો દેવા બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંચકી લઈ શકે ?"

એમ કહીને એ આવેલ મહેમાને સામી ચોપાટમાં બેઠેલા પેલા સોનેરી બટનના ’સેટ’વાળા, મલમલિયા પહેરણવાળા ને રેશમી કબજાવાળા ગુસ્સેભર્યા જુવાન સામે નજર માંડી; માંડતાં જ કહ્યુંઃ "ઓહો ! મારા બાપ ! તમે અહીં જ બેઠેલ છો એ તો ખબર જ નહિ." એમ કહી, સામી ચોપાટે ચડી, એ પુરૂષને બથમાં લઈ હેતપ્રીત ઊંભરાઈ જતાં હોય તે રીતે ભેટ્‌યો.આંહીં સૌરાષ્ટ્રમાં જ કટ્ટર શત્રુઓ એ રીતે ભેટી શકે છે.

આંહીં ડેલીએ જ્યારે આવી વૈરભાવે ટપકતી હેતપ્રીતનો તમાશો મચ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓરડે એક સુવાવડી સ્ત્રીના ખાટલાની સામે મહેમાને આણેલી ટ્રંક ચૂપચાપ, ઉત્કંઠાભેર ઊંઘાડી રહી હતી. વીસેક વર્ષની લાગતી, રૂપાળી, પણ સૌભાગ્યની ચૂડીવિહોણી અને પતિ-મરણ પછી મહાકષ્ટે સાચવી રાખેલા ગર્ભના પ્રસવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટ્રંકના તાળામાં ફરતી ચાવીને ચિચૂડાટે ચિચૂડાટે રગેરગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો. ટ્રંકનું ઢાંકણ ઊંઘડે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલા એક તાજા જન્મેલા બાળકને દૂર ખેસવી પણ દીધું હતું - કેમકે એ બાળક નારી જાતિનું હતું.

ટ્રંક ઊંધડી. ખૂલતાં જ કોઈક ઓકારી આવે તેવી બાફ નીકળી પડી, ને ઉપલું લૂગડું ખેસવતાં એક ચાર વાસાનું બાળક દેખાણું. બાળકને ઉપાડીને સુવાવડી બાઈના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં ટાઢુંબોળ લાગ્યું. પણ એ બાળક જીવતું હતું કે મૂએલું તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધીરાઈમાં નહોતી.

"મરો રે મરો, રાંડની જણિયું !" એમ કહેતે જ સૂતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટ્રંકમાંથી નીકળેલા બળકને ઘા કરી નીચે નાખી દીધું. અને હૈયે શૂળા પરોવાયા હોય એવી વેદનાથી એણે પોતાનું માથું કૂટ્‌યુંઃ "મારો ભાઈ લાવ્યો તેય મરેલો છોકરો ! મલકમાં ક્યાંય છોકરા મળતા નથી ! મારે અભાગણીને હવે મારી આબરૂ તે કેમ કરીને સાચવવી ? પાંચ દી તો ખેંચી નાખ્યા. હવે હું કેટલુંક ખેંચી શકીશ ?"

ખસિયાણી પડેલી એ ગોલીઓએ ટ્રંકમાંથી નીકળેલા મૂએલ બાળકને એક બાજુ ગોટો વાળી મૂક્યું, ને મધરાત પછી પાછલા વાડામાં ખાડો ખોદી દાટી દીધું. દાટતાં દાટતાં બેઉ જણીઓ વચ્ચે વાત ચાલીઃ

"હવે ?"

"હવે તો ભાઈએ ફરી ઘોડાં દોડાવ્યાં છે. કહે છે વડલીના સૂતારને ઘેર પંદરેક વાસાનો છોકરો છે."

"ત્યારે આ મૂવો ઈ કોનો હશે ?"

"કીને ખબર છે, માડી ? ભગવાન જાણે ! અટાણે કાંઈ નાતજાત જોવાની હોય ?"

"હજી તો ટ્રંક ઊંઘડતી’તી ત્યાં જ પેટની છોકરીને કેવી ઠેલી દીધી ?"

"અવતાર ! અરે અભાગી અવતાર !"

"અભાગણી તો જૂઓઃ પંદર વરસની જુવાન્ય સાઠ વરસનાને પરણીને આવી, અને પાંચ વરસ બેઠાંબેઠ કાઢ્‌યાં પછેં ગામેતીને મૂવા ટાણું આવ્યું ત્યારે આને આશા રહી ! આમાં તે છોરૂ જણ્‌યાનો સવાદ શો, મારી બાઈ !"

"પોતાની છોકરીને તો મારશે, પણ પારકા કેટલા છોકરાની હત્યા લેશે !"

"ટ્રંકમાં ઘાલીને છોકરો લાવતાં એના ભાઈનું કાળજું ન કંપ્યું ?"

"ગરાસ ખાવો છે, માડી ! કાળજાં કંપે તો કામ કેમ આવે ?"

દિવસ પર દિવસ ખેંચાયે જતા હતા. સાત મહિનાપર મૂએલા એ ગામના બુઢ્‌ઢા ગામેતીની જુવાન વિધવાએ ચૂડો ભાંગતેભાંગતે ગર્ભનું જતન કર્યું હતું. કાણ્‌યો માંડીને છાતીફાટ રોવાના તમાશા કરવા પડયા, અને ગર્ભનું જતન કરવું પડયું - નહિ કે પુત્ર-પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી, પણ નિર્વંશ મૂએલા ગામેતીનો રૂપિયા પંદર હજારનો ગરાસ એના સગા ભાઈના દીકરાને ભાગે ન જાય તેવી એક જ દાઝનાં માર્યાં.

વીસ વરસની યુવાન બાઈની આ કામના કુદરતી નહોતી. એ કટ્ટર દાઝ એનામાં ઉત્પન્ન કરનારાં તો એનાં પિયરિયાં હતાં અને ગામના કેટલાક બેકાર, કંગાલ ભાગદારો એને પડખે ચડી ગયા હતા. ’બાઈ ! તને આ તારા ભત્રીજા જિવાઈનો ટુકડોય ખાવા નહિ આપે’ એવી ડરામણી દેખાડીને તેમણે સૌએ સ્ત્રીને એના સ્ત્રીત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે ચડાવી હતી.

નાખી દીધેલી પોતાની પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઈને બાઈ નવા છોકરાની વાટ જોતી પડી રહી.

વળતા દિવસે ગોલીએ આવી ખબર આપ્યા કે, "પંદર ગાઉ માથેથી વડલી ગામના સુતારનો દસ વાસાનો છોકરો વેચાતો લઈને આપણો સવાર આવેલ છે પણ મરી ગયો છે."

"હવે ?"

"ભાઈએ કે’વાર્યું છે કે, બોનને કહીએઃ ફિકર ન કરે; એક દિ આમ ને આમ કાઢી નાખે. ભાઈ બીજી તજવીજ કરે છે."

બપોર થયાં ત્યાં ડેલીએથી અમલદારનું કહેણ આવ્યુંઃ"બાઈને કહો કે અમારે કુંવર જોયા વગર છૂટકો નથી."

બાઈએ કહાવ્યુંઃ"મારે છે માતાની માનતા, કે સવા મહિને ના’ઈને માતાએ જઈ કુંવરને પગે ન લગાડું ત્યાં સુધી કોઈને દેખાડીશ નહિ. માટે જો કોઈ આ ઓરડે આવ્યા, તો હું જીભ કરડીને મરી જઈશ. જાવ કહી દ્યો જે અમલદાર હોય તેને."

મામાએ અને ગામના બીજા પડખે ચડી ગયેલ ગામેતીઓએ શીખવેલો આ પાઠ હતો. બહેન એ પાઠ પથારીમાં પડી પડી ભજવતી હતી. એ જવાબ સાભળીને અમલદાર ચૂપ થઈ સવા મહિનો પૂરો થવાની વાટ જોતો બેઠો.

પાંચમે દિવસ બાજુના ગામડાના ઢેઢવાડામાં એક બનાવ બનતો હતો. વીસેક વાસાના એક છોકરાની મા ઢેઢડી પાણી ભરવા ગઈ હતી. પાણીનું બેડું લઈને એ પોતાની ખડકીમાં દાખલ થાય છે તે જ ઘડીએ બેડું પછાડીને ઘરની વંડી તરફ ધસે છે. વંડીએથી એનો ધણી વંડીની બહાર ઊંભેલા એક ગરાસદારને પોતાનો છોકરો ચોરીછૂપીથી આપી રહેલ છે.

"તારાં.. મરે રે મરે, મારા રોયા !" એમ ચીસ પાડતી એ ઢેઢડી પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ઝાલી ઝોંટ મારે છે. એ ઝોંટમાં ને રકઝકમાં ઢેઢડીના છોકરાનો જીવ જાય છે.

ધણીએ બાઈને પાટુ લગાવીને કહ્યુંઃ "રાંડ ! તારો છોકરો સામા ગામનો કુલહોલ ગરાસ-ધણી થાત, ને આપણને પચાસ રૂપૈયા મળત. રો હવે મારા બાપનું મોં વાળીને !"

"તારા ગરાસમાં મેલને અંગારો, રોયા ! રૂપૈયાને મારે શું કરવા છે ! મને પારકાના ગરાસ સારૂ છોકરા વગરની કરી !" એક કહીને એ ઢેઢડીએ બાળકના શબ પર હૈયાફાટ રૂદન માંડયું.

ત્રણ પારકા છોકરા મૂઆ તે પછી પણ નજીક અને દૂર, ગામડે ગામડે, તાજા જન્મેલા છોકરાઓની શોધ ચાલુ હતી. બ્રાહ્‌મણથી લઈ ભંગી સુધી હરકોઈ ઘરનો ’દીકરો’ ચાલે તેમ હતું. જેમને જેમને ’દીકરો’ બનાવી દેવામાં નાનો-મોટો સ્વાર્થ હતો તે સર્વની લાગણીઓએ એક ’દીકરો’ નક્કી કરવાને સારૂ જેટલાં છોકરાંને જોખવામાં પડે તેટલાંનો ભોગ લેતાં જરીકે થરથરાટી અનુભવી નહોતી.

છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ છેક જ નિરર્થક છે, અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા, ત્યારે એક રાત્રીએ સુવાવડી બાઈને એની નાની પુત્રી સહિત ગઢમાંથી પાછલી દિવાલેથી ઉપર ચડાવીને બહાર કાઢી. ચોકિયાતોને રાજી કરી એને પિયર લઈ જવામાં આવી. નાની બાળકીને પણ મારી નાખવામાં આવી, અને જાહેર કરવામાં આવ્યું કે, કુંવર ગુજરી ગયા છે.

આ ખબર ડેલીએ પડયા એટલે અમલદાર પડાવ ઉપાડી ચાલ્યા ગયા. અને મૂએલા ગામેતીના વારસાનો કબજો પેલા મલમલના પોશાકવાળા પિતરાઈને સોંપી દેવાનું ઉપલી કચેરીમાંથી નક્કી થઈને આવી ગયું. એ-નો એ જ અમલદાર જાગીરની સોંપણ કરવા પાછો આવ્યો.

"ઊંભા રો’, સાહેબ !" એમ કહી નવા હક્કદારે પેલી વિધવા બાઈના ભાઈને તેમ જ ’દીકરો’ પેદા કરવાની પ્રવૃતિમાં શામિલ એવા બે બીજા બે ગામેતીઓને તેડાવ્યા. ડાયરાની વચ્ચે એ નવા હક્કદારે જાહેર કર્યું કે,"ભાઈઓ, હવે તો દીકરો હતો કે દીકરી એની કોઈ તકરાર રહી જ નથીઃ છતાં હું એમ જ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઈઓ ફક્ત આ ’ગીતા’ ઉપાડે, એટલે હું અરધો ગરાસ મારાં કાકીને કાઢી દેવા અટાણે ને અટાણે તૈયાર છું, ને હું એ વચન પાળવા માટે આ ’ગીતા’ ઉપાડું છું."

એમ કહીને એણે ગામના એક ટીપણું જોનાર જોષી પાસેથી આણેલી ફાટેલી-તૂટેલી એક ચોપડીને ઉપાડીને આંખે લગાડી. આંખે લગાડનાર અભણ હતો; તેથી એને ખબર પણ નહોતી કે, આ ગીતા છે કે ગજરામારૂની વાર્તા.

અમલદાર બ્રાહ્‌મણ હતો. એ તો ત્યાં દિગ્મૂઢ બની ગયો. આગળ બેઠેલા એ બન્ને ગામેતીઓએ અને બાઈના ભાઈએ, જેમણે આટલાં બાળકોની હત્યા કરતાં આંચકો નહોતો ખાધો, તેમણે જવાબ દીધોઃ

"’ગીતા’ તો અમે નહિ ઉપાડીએ !"

દરિયા પરી

"નહિ, બહેન, વાવટા ઉપર તો બાનો ભરેલો રૂમાલ જ ચડાવશું. આજના શણગારમાં તો એનાં જ સંભારણાં હોય."

"મારી પેટીમાં બાએ પરોવેલો એક પડદો પડયો છેઃ આપણાં નામોની ભાત પાડેલો. એ લઈ આવું?"

"લઈ આવ જલદી. પણ જલદી જલદી, હો ! પેલી આવી પહોંચશે."

ઘરમાં બન્ને બહેનો તોરણ સારૂ, ખીલીઓ સારૂ ને હથોડી સારૂ દોડાદોડી કરે છે. ઘરને શણગારી રહી છે. કોઈની બીક લાગતી હોય તેમ હાંફળીહાંફળી થાય છે. નાની બહેન પડદો લઈને આવી પહોંચી.

"હવે... નિસરણી?"

"નિસરણી શોધવાનો વખત નથી. લે, ચડી જા - મારા ખભા પર." એમ કહીને મોટી બહેને એક પગ વાળી પગથિયું બનાવ્યું. નાની ઊંંચે ચડીને ડગમગ થતી ઘરનાં બારણાંની ઉપર બારસાખે તોરણ ચોડવાની ખીલીઓ મારવા લાગી. બન્નેનાં સુંવાળાં શરીર પર પરસેવો નીતરી ગયો. વાળ અને વસ્ત્રો વીખરાઈ ગયાં.

"કાં, તોફાની છોકરીઓ ! શું થાય છે !" એમ કહેતાં દાક્તર પરસાળે ચડયા. બન્ને દીકરીઓ દોડીને બાપુને હાથે બાઝી પડી. દાક્તરની ઉમ્મર ચાલીસેક વર્ષની હશે. કદાવર, ગૌરવરણા બદન પર હમણાં હમણાં શોષાઈને થોડી કરચલીઓ પડી છે. પ્રેમ-ઝરતી ઝીણી આંખો છે. આંખો જાણે ઓરડામાં બે પુત્રીઓ ઉપરાંત કોઈને શોધી રહી હોય તેવી સહેજ વિહ્‌વળ છે.

"કાં, બેટા!" બન્નેના ખભે હાથ મૂકીને દાક્તરે પૂછ્‌યુંઃ "આ શું સર્કસ માંડયું છે! તમને આવડી મોટી છોકરીઓને બા વળી શાની આટલી યાદ-"

ઓચિંતા સાવધાન બનીને એણે જીભ કચરી; ધીરે અવાજે પૂછ્‌યુંઃ "ઘરમાં કોઈ છે નહિ ને? જલદેવી છે અંદર?"

"ના, બાપુજી, એ તો - નવી બા તો - દરિયે નહાવા ગયાં છે. જુઓ તો, બાપુજી! અમે કેવી શોભા કરી છે! આ બધાં જ તોરણ ને પડદા બાના હાથનાં જ કરેલાં. પેલો ચંદરવો-"

"હા, એ તો તું પેટમાં હતી ત્યારે બાએ ભરેલો." દાક્તરને યાદ આવ્યું.

"અમે એ વાવટા પર ચડાવશું."

"વાહ! સરસ છે. પણ...બેટા, મને આ વરસોવરસ ઊંજવવું નથી ગમતું. બધું ફરી સાંભરી આવે છે."

"બાને સંભારવું તમને નથી ગમતું, બાપુ?"

"નથી ગમતું - કેમકે નથી સહેવાતું." દાક્તરનું ગળું સહેજ ઝલાયું. એણે ખોંખારો ખાધો. "ને પાછું આ બધું ઘરમાં કંઈ સહુને ગમે એવું થોડું છે? કોઈને નારાજ કરવાથી ઊંલટું ઘરમાં ગમગીની -"

"પણ આપણે બાની જન્મગાંઠની વાત કરશું જ નહિ, બાપુ ! આજે અમારા જૂના માસ્તર સાહેબ આવે છે ખરા ને, તેના સ્વાગતની શોભા કહીને ચલાવશું."

"હાં,બરાબર." કંઈક યાદ આવ્યું હોય તેમ પિતાએ ઉમેર્યુંઃ "એને પણ એ સ્વાગત મીઠું લાગશે. બરાબર છે, નાનીની વાત બરાબર છે. તું ભારી દુત્તી છોકરી છે,હો ! મારા બંને ખાપરા-કોડિયા ભારી ખેપાન છે!" એમ કહીને એ માતાવિહોણી દીકરીઓની હડપચીઓ પોતાના બન્ને હાથે પકડીને બન્નેનાં મોં સાથે દાક્તર પોતાની આંખો મસળવા લાગ્યા. દસ વર્ષ પહેલાંની પોતાની સહચરી આજે જાણે ઘરમાં ફરીવાર સજીવન બનીને આવી જણાઈ. સોળ અને તેર વર્ષનાં બેઉ નમાયાં બાળકો બાપુના લાડમાં જનેતાના લાડલડામણનું સુખ પીવા લાગ્યાં. ત્રણેય જણાં જાણે કે નમાયાં હતાં. ત્રણેયને જાણે તે ઘડીએ એ અદીઠ જનેતા એકસામટાં ગોદમાં સંઘરતી ઊંભી હતી.

એ ખાડીનું બંદર હતું. મોટો દરિયો ત્યાંથી થોડે દૂર હતો. દરિયાની દિશામાં બન્ને બાજુએ ઊંંચા, કાળા ખડકની હારોએ, ધરતીની બે ભુજાઓએ જાણે કે સમુદ્રને પોતાના આલિંગનમાં લીધો હોય તેવી રીતે, એક બીજ-આકારની ખાડી રચી કાઢી હતી. દાક્તરના બેઠા ઘાટના, નાના, ઘાટીલા બંગલાની આસપાસ મોટું ચોગાન વીંટાયું હતું. દીવાલોની બહાર ખાડીનો રસ્તો હતો. રસ્તો નહાવાના ઘાટ પર લઈ જતો હતો. આ પહાડી શહેરના સમુદ્રનું પાણી અનેક રોગોને મટાડતું હોવાથી દેશ-દેશાવરનાં ઘણાં આજાર સ્ત્રી-પુરૂષો આવતાં, અને સ્નાન કરી સાજાં થતાં. દરિયાનાં નીલાં પાણી અને ભૂખરાં વાદળની ભોંય વચ્ચે અબોલ ઊંભેલી ખડકમાળા સવારે સોનાંના દેવળો જેવી જણાતી, ને સાંજે કોઈ પ્રલયમાં ગરક બની ગએલા પહાડોનાં પ્રેતો બેઠાં હોય તેવી લાગતી. ધીકતી પ્રેક્ટીસવાળા દાક્તર શહેરના દેવદૂત ગણાતા. ખડકમાળને છેક છેડે રહેતા ગરીબ ખારવાઓ અને ’ઢેઢિયા’, ’શિયાળિયા’ વગેરે નામના ટાપુઓમાં રહેતા માછીમારો વારંવાર હોડી લઈને દાક્તર સાહેબને દર્દીઓને જોવા તેડી જતા. આજે એવી જ એક ’વિઝિટ’માંથી દાક્તર પાછા આવેલ હતા.

ચોગાનના દરવાજામાં કોઈનાં પગલાંનો સંચાર થયો, અને દાક્તર એ તરફ વળ્યા. "ઓહો, માસ્તર સાહેબ! આવી પહોંચ્યા!" એમ કહી એ પગથિયાં સુધી જઈ મહેમાનને હાથ ઝાલી અંદર લાવ્યા. "છોકરીઓ, આ તમારા માસ્તર સાહેબ. મળો તો ખરી!" એમ કહીને એણે અંદરના ઓરડામાં ચાલી ગયેલી દીકરીઓને સાદ કર્યો. થોડી વાર પહેલાંની તોફાની બાળકો જેવી દીકરીઓ લપાતી લપાતી બહાર આવી, અને મહેમાનને નમસ્કાર કર્યા.

"બહેનો તો બહુ મોટી થઈ ગઈ!" એવા મહેમાનના ઉદ્‌ગારના જવાબમાં દાક્તરે કહ્યુંઃ "ના રે ના, મારાં બચોળિયાં હજુ તો એવાં ને એવાં નાનાં જ છે. આવો આવો, આંહી લતા-મંડપમાં બેસીએ. ત્યાં પરસાળમાં બહુ ગરમી છે. તમે ઠીક આવ્યા, હો માસ્તર! મારે તમારી બહુ જરૂર હતી. આંહી ખૂણામાં પડયા છીએ, એટલે કોઈ કોઈ વાર સહેજ એકલવાયા જેવું લાગે છે."

"ત્યારે હવે અહીં ક્યાં સુધી પડયા રહેવું છે? ખાડીની બહાર નહિ નીકળો? અહીં જ જિંદગી કાઢશો?"

"જિંદગી તો અહીં જ નીકળવાની હવે. અહીં જન્મ્યા, અહીં ઊંછર્યા, જે ચાલી ગઈ તેની સાથે સુખનો સંસાર અહીં ગાળ્યો - ને નવી આવી છે તેની સાથે પણ કિલ્લોલ કરૂં છું. ભાગ્યદેવીની એકંદરે કૃપા છે અહીં."

"નવાં તો...જલદેવી ને?"

"હા, મારી જલદેવી. હમણાં આવશે. દરિયે નહાવા ગઈ છે. ભલી રોજની સવાર, ને ભલો એનો દરિયો. એને તો હંમેશાં દરિયામાં ઝબોળાયે જ જંપ વળે. ગમે તે થતુ હોય, પણ દરિયામાં ખાબક્યા સિવાય એક દહાડોય ખાલી નહિ."

"બીમારી છે કંઈ?"

"ના ના, બીમારી તો ખાસ ન કહેવાય. પણ કેટલાંક વર્ષોથી સહેજ ઉત્પાતિયો જીવ રહે છે ખરો. મને કશી ગમ નથી પડતી. પણ દરિયામાં ખાબકવું એ એનો એક જ આનંદ છે."

"એ હું જાણું છું. નાનપણથી જ અમારા ગામમાં એ એની ટેવ હતી."

"ઓહો! તમે એના બાપના ગામમાં શિક્ષક હતા ત્યારના જાણતા હશો, ખરૂં? બસ, એ બાલ્યાવસ્થાની દરિયા પરની એની પ્રીતિએ જ એના મન પર ઊંંડી અસર કરી છે. રોજ ઊંઠીને દરિયો. અંદર, બસ, પડી જ રહે. અહીંના લોકો બિચારાં થોડાં સમજે છે! એ બધાંએ તો નવીનું નામ દરિયાપરી પાડયું છે ! પણ તમે હવે આવ્યા છો, ને એના બાળપણની જૂની વાતો યાદ કરાવશો, એટલે એને સુખ થશે; એની ગમગીની થોડી ઊંડશે." દાક્તરનું મોં દીન બની ગયું.

"એમ? એવું માનવાનું કશું કારણ?" મહેમાન સહેજ ચમક્યા.

"કારણ છે, છે." સાંભળીને મહેમાનનો ચહેરો વધુ ઝંખવાયો.

એ વખતે "લો! તમે આવી પહોંચ્યા!" એવો રૂપાની ઘંટડી-શો મીઠો કંઠ સંભળાયો, અને મોટી આછી શાલમાં લપેટાએલા દેહવાળી નવી પત્ની અંદર આવી. એના ખભા પર ઢળકતા વાળની લટો હજુ નીતરતી હતી.

"આવો, પધારો, જલદેવી! હું પાછો આવી ગયો છું." એમ કહી કોમળ પગલે દાક્તર સામા જઈ પોતાની નવીને અંદર લીધી. બાવીસેક વર્ષની એની જુવાની હશે. દરિયાઈ સૌંદર્યભર્‌યા કુંભ-શો એનો દેહ હતો. સમુદ્ર પોતાનાં પ્યારાં હોય તેને પોતાને નીલે રંગે રંગે છે. એવી, સમુદ્ર-સ્નાન કરી કરીને શામળી પડેલી આ તરૂણીની ચામડી એક વેળા ચળકાટ મારતી હશે. અત્યારે તો નિસ્તેજ હતી.

"તમે આજ ઢેઢિયા બેટમાં વિઝિટે ગયા હતા ને? સારૂં થયું કે સાજાનરવા પહોંચી ગયા. મારો જીવ ક્યારનો બળતો હતો." બોલતી બોલતી એ ભીંજાયેલી લટો ઝાપટવા લાગી.

"અરે, પણ આ મહેમાનને તો ઓળખ! જળની દેવી પૃથ્વીનાં પરિચિતોનેય ભૂલવા લાગી!"

જલદેવીએ પરોણાને નિહાળ્યો. ઓળખવામાં એકાદ પળ વધુ થઈ. "ઓહો! માસ્તર સાહેબ! અહીં ક્યારે આવ્યા?"

"હમણાં જ." પરોણો મીટ માંડીને આ જૂના પ્રિયજન સામે તાકી રહ્યો.

"કાં, જલદેવી!" દાક્તરે પૂછ્‌યુંઃ "આજે તો દરિયાનું પાણી ચોખ્ખું ને શીતળ હતું ના?"

"ચોખ્ખું! અહીંની તમારી ખાડીનું પાણી કે’દહાડે વળી ચોખ્ખું અને શીતળ હતું! હંમેશા તાતું-તાતું અને જીવ વગરનું. ખરેખર, દાક્તર, અહીંની ખાડીનું પાણી માંદું છે."

"માંદું!" માસ્તર સાહેબને એ વિશેષણ વિચિત્ર લાગ્યું.

દાક્તર હસી પડયાઃ "જલદેવી! અમારા જગ-જાણીતા આરોગ્યજળને તેં પણ ભલું વિશેષણ લગાડયું! ઠીક ઠીક; જો, જલદેવી, મારે જરા કામ છે. હું દવાખાને જાઉં છું. તું આપણા અતિથિને થોડી વાર સંભાળજે."

દાક્તરને એવું કશું જ જરૂરી કામ નહોતું. એના અંતરમાં આજે પ્રસન્નતા હતી. જલદેવી તરફ સૂર્યના છેલ્લા કિરણની કુમાશે ઝલકાતી એક કરૂણાભરી દૃષ્ટિ ફેરવીને એ ચાલતો થયો. મનમાં સુખ હતું કે, જલદેવી આટલાં વર્ષોથી જેને સારૂ ઝૂરે છે તે મિત્રના એકલ-મેળાપમાંથી એને શાતા મળશે.

બે જણાં એકલાં પડયાં. જલદેવી કહેઃ "આ મારો લતા-મંડપ. દાક્તરે મારા સારૂ પોતાને હાથે જ રોપેલો છે."

"તમે અહીં જ બેસો છો?" પરોણાએ પ્રારંભ કર્યો.

"હા, લગભગ આખો દિવસ અહીં જ ગાળું છું."

"દીકરીઓ?"

"દીકરીઓ પરસાળમાં બેસે છે. દાક્તર ઘડીક મારી કને, તો ઘડીક દીકરીઓ કને બેસે છે."

"કેમ એકલવાયાં રહો છો?"

"સહુને શાંતિ રહે છે. એકલતાની એકલતા, અને વળી સમાગમ પણ સહેજે નજીકમાં જ."

અતિથિની આંખો પીગળતી હતી. એને જૂના પ્રસંગો સાંભર્યાઃ "છેલ્લે આપણે મોતીનગરમાં મળેલાં, ખરૂં?"

"હા, દસ વર્ષ ઉપર."

"મેં કદી આ નહોતું કલ્પેલું."

"શું?"

"- કે તમે દાક્તરને પરણશો."

"ના, તે વેળા તો આ છોકરીઓની બા હયાત હતી ખરી ને?"

"તેમ ન હોત તો પણ તમે દાક્તરની સાથે જીવન જોડો એ કલ્પના જ થઈ શકતી નથી."

"કેમ? દાક્તર સાહેબ તો બાપડા બહુ ભલા, ભદ્‌રિક અને ખાનદાન છે. મારા પર બહુ મમતા રાખે છે."

"પણ છતાં એનું જીવન અને તમારૂં જીવન કેટલાં જુદાં છે! મેળ મળી શકે જ નહિ. આ શી રીતે બન્યું?"

"કંઈ નહિ. એ વાત જ ન ઉખેળીએ. ગઈ ગુજરી!"

"તમે એને મારી વાત કરી છે ખરી-મારી મૂર્ખાઈની?...મારૂં તમારી પ્રત્યેનું છેલ્લું બેવકૂફ પગલું-માગણી કરવાનું?"

"ના ના; પણ એ જાણે છે કે જગતમાં તમે એક જ મારા સાચા અને પરમ મિત્ર છે."

"ત્યારે આજે જીભ ખોલીને એક વાત પૂછું? તમે શા સારૂ મને તરછોડયો?"

"માસ્તર, મારે જ તમને આજે એક વાત કહેવી છે. મેં જેને મૃત્યુ સુધી સંઘરી રાખવા ધારેલું તેને આજ તમારી પાસે ઠાલવવા માગું છું. એટલું જ કહું છું કે એ સમયે મારાથી તમને ‘ના’ સિવાય બીજો જવાબ આપી શકાય તેવું નહોતું."

"હા." અતિથિએ નિઃશ્વાસ નાખ્યોઃ "તમારા દિલમાં મારે માટે મિત્રતા સિવાય બીજું કશું જ નહોતું, તે હું જાણું છું."

"એટલું જ નહિ," જલદેવીએ ખડકની શિખરમાળાને ભેદી નાખે તેવી નજર ચોંટાડીનેએ ખડકોની પાછળ પડેલા અસીમ મહાસાગર ઉપર જોવા પ્રયત્ન કર્યોઃ "માસ્તર સાહેબ, તમે જાણતા નહોતા કે મારૂં અંતર ને મારો આત્મા તે વખતે બીજાને અપાઈ ચૂક્યાં હતાં!"

"તે વખતે? હોય નહિ. દાક્તરને તો તે વખતે તમે ઓળખતાં પણ ક્યાં હતાં?"

"દાક્તરની વાત હું નથી કરતી." જલદેવીનું હાસ્ય દરિયાની રૂપેરી માછલીના ઝલકાટ જેવું દેખાયું.

"પણ ત્યાં મોતીનગરમાં તો કોઈ એવો જુવાન નહોતો!"

"સાચું. પણ મારી તો એક અજબ ઘેલછા હતીઃ ન મનાય તેવી ઘેલછા." હજુ એની આંખો સાગરને શોધી રહી હતી. સાગરની આડે પહાડો હતા, ઝાડી હતી.

"તમે મને આખી વાત નહિ કહો? કહો, એક વાર કહી નાખો."

"એ આખી વાત અકળ અને અગમ છે. હું કેમ કરીને કહું?"

"મને પોતાને જ સમજાતું નથી, કે એ શું થઈ ગયું. પણ હું બંધાઈ ગઈ હતી, વચને બંધાઈ ગઈ હતી. મારો કોલ-એ કોલની વાત મેં દાક્તરને પણ નથી કરી. કહ્યું છે એટલું જ કે તે વેળા હું બીજાને કોલ દઈ ચૂકી હતી. વધુ કશું નહિ. તમને હું શું કહું? ગાંડપણ - એ બધું ગાંડપણ જ હતું. તમે મને ચસ્કેલી જ ગણશો."

"મને જરૂર કહો. હું કશું નહિ કહું."

અચાનક દરિયા ઉપર બંધાઈ રહેલા જલદેવીના દૃષ્ટિદોરને જાણે કે છેદી નાખતો એક જુવાન ચોગાનમાં આવતો હતો. માંદલા જેવો તોયે મધુર એનો ચહેરો હતો. હાથમાં ફૂલના હારતોરા હતા.

"જય જય જલદેવી!" કહીને જુવાને નમસ્કાર કર્યા.

"જય જય! કાં, બહેનોની પાસે આવ્યા છો ને? બહેનો અંદર હશે, હો!"

"નહિ, હું બહેનો પાસે તો સવારે જ ગયો હતો. અત્યારે તો તમારી પાસે જ આવેલો છું."

"હાં હાં! કેમ?"

"કલાકાર તરફની આ ભેટ ધરવા; તમારી જન્મગાંઠને પ્રભાતે."

"મારી જન્મગાંઠ?" જલદેવી અચંબો પામી. "કોણે કહ્યું?"

"સવારમાં બહેનોએ જ કહ્યું કે આજે બાની જન્મગાંઠ છે. માટે આ શણગાર -"

"હાં હાં, બાની જન્મગાંઠ! હવે હું સમજી. ઠીક ઠીક. કંઈ નહિ. બરાબર છે. લાવો લાવો ફૂલ. બહુ ઉપકાર થયો, હો!" બે-ચાર એકસામટી ઊંર્મિઓનું વલોણું ચાલતું હોય એવી મહેનતે જલદેવીએ સુખનો ભાવ ધારણ કર્યો. "બેસો બેસો, કલાકાર! શી કલાને સાધવા માગો છો હવે!"

"શિલ્પીની કલાનેઃ મુલાયમ માટીમાં આકારો પ્રગટાવવાની કલાને. મનુષ્યની આંગળીનાં ટેરવાં લળી લળીને હોંકારો આપે એવી માટીના હ્ય્દયમાં હું મારા અનુભવો આંકીશ. અત્યારે જ મારી નજરમાં એક સાચું અનુભવેલું દૃશ્ય રમે છે. એને હું જીવતું કરીશ."

"એવું વળી શું છે?" જલદેવીએ મરક મરક થતા હોઠે, કલાકારને રીઝવતી પોતાની આંગળીઓની આસપાસ એક મોટી લટ વીંટાળી લટોમાં ગૂંચળાં પાડયાં.

"એ મારી ભવ્ય કૃતિ બનશે. એક દરિયાપરીને હું ખડક પાસે તરફડતી બતાવીશ; ઝૂરતી ને સ્વપ્ન જોતી બતાવીશ."

"દરિયાપરીને?" જલદેવી એના અર્ધઘેનમાંથી, સ્વપ્નાવસ્થામાંથી સફાળી જાગી ઊંઠી. "શું દરિયાપરી? ઝૂરતી?"

"હા, કિનારે ધગધગતી રેતીમાં ઊંભેલા એક કૂબામાં ઝૂરતી. જોજો, હું એને સ્વપ્નમાં હૂબહૂ ઝૂરતી બતાવીશ. દરિયાપરી એટલે એક ખલાસીની સ્ત્રી. ખલાસી દેશાવર ગયેલો; પાછળથી બાઈ એને બેવફા બની. બીજાને પ્યાર દીધો. ખલાસી દરિયામાં ડૂબી મૂઓ છે; પણ એ ઝૂરતી દરિયાપરીની પાસે, એની પથારી આગળ, એ ડૂબેલો ખલાસી અધરાતે આવીને ઊંભો છે એવું હું ગોઠવવા માગું છું. દરિયામાંથી નીકળીને આવ્યો હોય એ રીતે એનાં કપડાં પણ ભીનાં, નીતરતાં બતાવીશ."

"ડૂબેલો ખલાસી? અધરાતે આવે છે?" જલદેવીની આંખોની કીકીઓ જાણે ઊંલટી બનીને બહારને બદલે અંદર જોઈ રહી હતી.

"હા, વૈર લેવા સારૂ ઘેર આવે છે. પણ એને હું સંપૂર્ણ સજીવન નહિ બતાવું. ફક્ત ઓળો બનાવીને ગોઠવીશ. તમને મારી આ કલ્પના પાયા વિનાની લાગે છે? નહિ, એ તો મારા અનુભવની વાત છે. હું મારી માટીમાં અસત્ય દોરવા નથી માગતો."

"મરેલો માણસ પાછો આવે એ તમારા અનુભવની વાત?" મહેમાને પૂછ્‌યું.

જલદેવીનું કૌતુક ભયાનક બનતું હતું. એ બોલી કે, "બરાબર. હું આખો બનાવ જીવતોજાગતો જોઈ શકું છું. મને એ આખી વાત કહો."

"હા, હું એક જહાજમાં જાપાન ગયેલો. જાવા ટાપુના એક બંદરે નાંગરેલું અમારૂં જહાજ વળતી સફરે ઊંપડયું ત્યારે અમારા જહાજનો ટંડેલ બીમારીને બિછાને એ બંદરની ઈસ્પિતાલમાં જ રહી ગયો. તેને બદલે ત્યાં વસતા એક લંકાવાસીને લેવામાં આવ્યો."

"લંકાના વાસીને?" કોઈ સમજતું નહોતું કે જલદેવી આવી વાતમાં આશ્ચર્ય શા માટે બતાવી રહી છે. પણ એની ગરદન તો પસીને ટપકવા લાગી હતી.

"હા, રસ્તામાં એ જહાજની ઓરડીમાં એકલો જ બેઠો હતો. તૂતક પરના ટોળામાં એ નહોતો આવતો. તૃષાતુર જેમ પાણી ગટગટાવે તેમ એ આપણા દેશની ભાષા ભણી રહ્યો હતો. એક દિવસ એ નાખુદા પાસેથી જૂનાં છાપાંનો થોકડો લાવીને આપણું છાપું વાંચે છે. ઓચિંતો એ ચીસ પાડી ઊંઠ્‌યોઃ આપણી બોલીમાં પોકાર્યું કે, ’હાય! હાય ! પરણી ગઈ ! મને કોલ દીધા પછી બીજાને પરણી ગઈ? ફિકર નહિ. હું આવું છું. તને લેવા આવું છું. નહિ છોડું.’ આટલું બોલીને એણે એ છાપાની કાપલીના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી તો અમારૂં જહાજ દરિયામાં ડૂબ્યું. મેં માન્યું કે એ ડૂબી મૂઓ હશે. પણ પછી મને ખબર પડયા છે કે એ જીવતો નીકળ્યો. એ જીવે છે. કોઈ દિવસ એ બેવફાઈનો બદલો લેવા આવી પહોંચશે. આ બનાવમાંથી મેં કલ્પના પકડી છે. મારી પ્યારી માટી એને એક દિવસ સજીવન કરી બતાવશે. જોજો, વાટ જોજોઃ હસી ન કાઢતા. એ કૃતિ તો દેશભરમાં નામના કાઢશે. હા-હા-હા-હા, લો ત્યારે હવે હું જઈશ, હો!" હસીને એ ક્ષીણ દેહ ઊંભો થયો.

"એક પલ ઊંભા રહો. આવું ક્યારે બન્યું? કેટલો વખત થયો એ કન્યાને?" જલદેવીએ ગાલે આંગળી ઠેરવીને પૂછ્‌યું.

"બરાબર સાડાત્રણ વરસ. નથી મનાતું? કાંઈ નહિ. લો ત્યારે, જય જય."

કલાકાર ચેટક કરીને ચાલ્યો ગયો તે વેળા જલદેવી પરસેવે રેબઝેબ હતી. અકળામણ થતી હોય તેમ એ ઊંઠી. "અહીં બહુ ગરમી છે" એમ કહી એ લતા મંડપની બહાર જઈ લાંબા શ્વાસ લેવા લાગી. દરિયાકાંઠાની સવારની શીતળ હવાનાં લહેરિયાં એનાં ફેફસાંને જાણે ઓછાં પડતાં હતાં. બન્ને જણાં ફરીવાર એકલાં પડયાં.

મહેમાન મિત્રે જલદેવીના મોં પર ગભરાટ જોયો. પણ એ આખી વાત સમજ્યો નહોતો. એણે આશ્વાસન આપવા માંડયુંઃ "દેવી, તમારૂં દિલ એ વાતથી દુભાયું છેઃ ખરૂં? પણ એથી વધુની ધારણાય તમે શી રીતે રાખી શકો?"

"ધારણા?" જલદેવીના અંતર-તાર જુદી જ દિશામાં સંધાયા હતાઃ "ડૂબી મૂએલો માનવી એ રીતે પૃથ્વી પર પાછો આવે એવી ધારણા?"

"ઓહો, તમે પેલા પાગલ કલાકારની દરિયાઈ પરીકથાનો વિચાર કરો છો?"

"માસ્તર સાહેબ, છેક જ એ એક પાગલની પરીકથા નથી."

"હાં-હાં, ત્યારે તો એ મૂએલા ખલાસીની વાતે તમને ગભરાવ્યાં છે! સમજેલો કે ઘરનાં લોકોએ આજનો ઉત્સવ તમારાથી ગુપ્ત રાખ્યો તેથી - તમારા પતિ અને બાળકો એ જૂની સ્મૃતિની દુનિયામાં જીવે છે, અને તમને એમાં દાખલ કરતાં નથી, તેથી-તમે દુભાયાં હશો."

"ના રે ના, પતિના ઉપર મારી એકલીનો જ કબજો માગવાનો મને શો હક્ક હોઈ શકે? એમ તો એ બાપડાંને બધાંને હું પણ મારી સૃષ્ટિની બહાર રાખીને જ જીવી રહી છું ના?"

"ત્યારે શું તમને દાક્તર ઉપર ખરો પ્રેમ નથી?" અતિથિનો અવાજ ધીરો પડી ગયો.

"પ્રેમ તો અપાર છે. મારો પ્રાણ ઠાલવીને એને ચાહતાં શીખી છું. એટલે જ આ બધું આટલું ભયાનક - આટલું અગમ્ય અને અકલ્પ્ય - થઈ પડયું છે ના?"

"દેવી! તમે મને આજે તો તમારૂં દર્દ કહી નાખો."

"ના, આજે નહિ. કોઈ બીજે દિવસે વાત."

અંદરથી નાની દીકરીએ સામું જોયા વિના નીચે મોંએ જ સાદ પાડયોઃ "બા, બાપુજી આવી ગયા છે. તમને અને માસ્તર સાહેબને અંદર આવવા કહે છે."

બન્ને અંદર ચાલ્યાં. કપડાં ઉતારીને ઝૂલતા પાયજામા તથા પહેરણમાં શોભતા દાક્તર સામા આવ્યાઃ "બસ, હવે હું પરવારીને જ આવ્યો છું. હવે તમારી સેવામાં ખડે પગે હાજર છું, જલદેવી!"

"રહો, હું આવી!" એમ કહેતી જલદેવી પાછી લતામંડપમાં દોડી; ફૂલહાર ને તોરો લઈ પાછી આવી. નાની પુત્રી હર્ષે પોકારી ઊંઠીઃ "ઓહો! અત્યારમાં આવાં સુંદર ફૂલ ક્યાંથી!"

બા કહેઃ "આપણા પેલા કલાકાર ભાઈ આપી ગયા." હસીને ઉમેર્યુંઃ "આજે તો જન્મગાંઠ ખરી ને!"

દીકરીઓનાં મોં ઝંખવાણાં પડી ગયાં. મોટીએ નાની સામે નજર કરી. એ નજર બોલતી હતી કે, ’સવારે તેં જ ઉતાવળી બનીને કલાકારને સાચું કહી નાખ્યું હતું’.

આખી વાતને એટલેથી જ કાપી નાખવા પ્રયત્ન કરતા દાક્તર બોલ્યાઃ "હાં - એ તો કાંઈ નહિ - લો, ચાલો હવે."

"નહિ." જલદેવીએ કહ્યુંઃ "ચાલો, છોકરીઓ, હું પણ તમારાં સહુનાં ફૂલોની સાથે બાને માટે આ મારી ભેટ ધરીશ." એમ કહી માયાળુ પગલે એ પરસાળમાં ગઈ. મેજ પર ફૂલ-છલકતો થાળ હતો. તેમાં પોતાના તરફથી હારતોરા ધર્યા.

દાક્તરની આંખોમાંથી આંસુ દડી પડયાં. બન્ને દીકરીઓ બીજા ઓરડામાં ચાલી ગઈ. મોટી બોલીઃ "બાપડીનું અંતર ભોળું છે, હો!"

"છે ભોળું!" નાનીએ અંગૂઠો દેખાડયોઃ "બાપુજીને નચાવવાના બધા ચાળા! અત્યાર સુધી લતામંડપમાં માસ્તર સાથે બેસીને એકલી કોણ જાણે શીય વાતો કરતી હતી! બાપુ આવે એટલે બધી વાચાળતા કોણ જાણે ક્યાં મરી જાય છે. માયલા ભેદની -"

"ચૂપ, ચૂપ! તું પાપમાં પડે છે, ગાંડી!"

"પાપ તો પાપ. બાકી, આપણે ને એને શું? એ આપણા માયલું માનવી જ નથી. એની ને આપણી દુનિયા જ જુદી છે. બાપાજી કોણ જાણે ક્યા પાપે એને આ ઘરમાં ઘસડી લાવ્યા છે. જોજે, એક દિવસ આપણી નજર સામે જ એ ગાંડી થઈ જવાની. એની મા પણ ગાંડી થઈને જ મરેલી."

"ભલી થઈને તું ચૂપ થા. બાપુજીને ખાતર તું જીભ બંધ રાખ."

"બળ્યું!"

ખડકોની ધાર ઉપર એક નાની પગથી બંધાએલી છે. એ પગથી ઊંંચેથી ધીરે ધીરે ઢોળાવ પકડીને તળેટીમાં સમુદ્ર તીરે ઊંતરતી જાય છે. તળેટીમાં આરામ-ભવનો, સંગીતાલયો ને ’બૅન્ડ-સ્ટેન્ડો’ બંધાયાં છે. હાથમાં હાથ પરોવીને પરદેશી પ્રવાસીઓનાં જોડલાં પગથી પર ચાલ્યાં જ આવે છે. એ પ્રવાહ તૂટતો જ નથી. વાયરામાં રંગરંગનાં વસ્ત્રો લહેરાઈ રહ્યાં છે, સંધ્યાકાળનો સૂર્ય દરિયામાં ઊંતરતો ઊંતરતો એ ખડકોનાં શિખરોને, ખાડીને, હારબંધ ઊંભેલા ગુલમોરનાં ઝાડોને અને માળા તરફ ઊંડી આવતાં પક્ષીઓને પોતાની આંખની છેલ્લી ગમગીનીમાં રંગતો જાય છે. આખરી શોભામાં હંમેશાં જે ઉદાસી જે રહેલી છે, તે નથી હસવા દેતી કે નથી પ્રાણ ઠાલવીને રડવા પણ દેતી.

દાક્તરે પત્નીને કહ્યુંઃ "જોયાં! છોકરાં તો બંન્ને માસ્તરની અને કલાકાર ભાઈની સાથે દોટાદોટ ચાલ્યાં જાય છે, આપણે છેટું પડી ગયું."

"આપણે અહીં જ બેસીએ." જલદેવી બોલી.

"અહીં બાંકડો અલાયદો છે."

"ના, અહીં ખડકના પથ્થરો પર બેસવું જ ઠીક પડશે."

"આખરે દરિયાનો જીવ ખરો ને! પાણી ભાવે, ને પથ્થર ભાવેઃ ખરૂં?"

"ખરૂં. આવો, અહીં બેસીએ. મીઠી એકાંત છે."

"હા. ને આજ થોડી વાતો કરી નાખીએ."

"વાતો વળી શાની?"

"પહેલાં તારી, ને પછી આપણી બન્નેની, વહાલી દેવી! હવે આપણું ગાડું આમ નહિ જ ચાલે એમ મને ખાતરી થઈ છે."

"તો હવે શું કરશું?"

"પરસ્પર પૂર્ણ વિશ્વાસનું, ખુલ્લા દિલનું, અગાઉના જેવું સહજીવન."

"હા! હા!" જલદેવીએ નિઃશ્વાસ મૂક્યોઃ "ઘણુંયે ઈચ્છું છું કે એમ બને. પણ હવે તો એ અશક્ય જ બની ગયું."

"હું એ સમજું છું. તારા કેટલાક ઉદ્‌ગારો પરથી -"

"ના ના, તમે નથી સમજતા - કશું જ નહિ."

"જલદેવી! હું સમજું છું. તારા જેવી નિખાલસ દિલની જુવાન સ્ત્રીને માટે બીજવરની પત્ની બનવામાં હ્ય્દયનો મેળ ન જ મળી શકે."

"શાથી એમ માન્યું?"

"મને મનમાં એમ થયા જ કર્યું છે. આજે એ વધુ સ્પષ્ટ બન્યું. મરનાર સ્ત્રીના ઉત્સવમાં હું ભળ્યો તે તને ન ગમ્યું. પણ હું શું કરૂં? માણસ પોતાના ભૂતકાળને એમ સહેલાઈથી નથી ભૂંસી શકતો - હું તો નહિ જ ભૂંસી શકું."

"હું સમજું છુંઃ ન જ ભૂંસી શકાય."

"તમને એમ લાગ્યા કરે છે, દેવી, કે મારૂં હ્ય્દય મરનારની ને તારી વચ્ચે વહેંચાયેલું છેઃ જાણે છોકરીઓની બા હજુય મારા જીવનમાં અંતરીક્ષે રહીને રસ લઈ રહી છે. એટલે તું મારી સાથે છેલ્લાં અઢી વર્ષથી દેહસંબંધ નથી રાખી શકતીઃ ખરૂં?"

શાંતિ સાચવીને જલદેવી પથ્થર પરથી ઊંઠી બોલીઃ "ત્યારે શું તમે મારા અંતરમાંનું બધું જ આરપાર જોઈ લીધું છે એમ તમને લાગે છે?"

"આજે તો છેક તળિયા સુધી જોવાઈ ગયું."

"ના ના, દાક્તર! તમે બધું જ નથી જોઈ શક્યા."

"હું જાણું છું કે હજુ બાકી છે."

"બાકી છે એ જાણો છો?"

"હા. તને આ સ્થળ, આ વાતાવરણ, આ દુનિયા જ અસહ્ય થઈ પડયાં છે. આ ડુંગરા જાણે તારી છાતી પર ચડી તને છૂંદી રહ્યા છે. આ ખાડી, આ હવા - આ બધું તને સાંકડું દેખાય છે. ઊંંચે આકાશ પણ જાણે કે તારે જોઈએ તેટલું પૂરૂં પહોળું નથી. હવામાંયે જાણે તારા શ્વાસ ગૂંગળાય છે."

"સાચું છે. દિવસ ને રાત, શિયાળો અને ઉનાળો - એ બધાંનો ભાર મને ચગદે છે. મને જાણે દરિયો બોલાવ્યા કરે છે."

"માટે જ મેં નક્કી કર્યું છે કે દરિયાનું બિચારૂં બીમાર બાળ પાછું પોતાને દરિયાઈ ઘેર જવાનો સમય પામે."

"એટલે તમે શું કહો છો?"

"કહું છું એમ, કે આપણે અહીંનો વસવાટ છોડીને ક્યાંઈક દરિયામાં, કોઈ તારૂં હૈયું ઠરીને બેસે એવા દરિયાઈ સ્થાને, રહેવા જાશું. ત્યાંના સ્થળફેરથી તને શાતા વળશે. તારૂં શરીર આરામ પામીને નવું લોહી મેળવશે. મેં એ ચોક્કસ કર્યું છે. અહીંનો વહેવાર હું સંકેલવા પણ મંડી ગયો છું."

"તમે ધરતીના જીવઃ તમારૂં મારી સાથે શું થશે? ના ના, હું તમારા જીવતરનો નાશ કેમ કરૂં?"

"નાશ નહિ થાય. તારી સાથે હું ગમે ત્યાં - ઉત્તર ધ્રૂવમાં પણ - સુખ પામીશ. વળી, તને - મારાથી અત્યારે લાખો જોજન દૂર પડી ગયેલીને - હું પાછો મારા હૈયા સુધી લાવી શકીશ. તને ખોવાયેલીને હું ફરી પ્રાપ્ત કરીશ."

ધીરે રહીને નમેલાં પોપચાં પ્રયત્નપૂર્વક ઊંંચાં કરીને, એક વાર પતિની સામે નિહાળી લઈ જલદેવી નિષ્પ્રાણ સ્વરે બોલીઃ "મને પાછી મેળવવાનું - અરેરે! તમારાથી એ નહિ થઈ શકે. એ જ વાત મારા હ્ય્દયને ચીરી રહી છે. તમને મારે હવે આજ તો સીધેસીધી બધી વાત કહી નાખવી જ જોઈએ. બધું મોઘમ રહેવાથી ગોટાળો વધે છે, ને મારે ખાતર તમારૂં સત્યાનાશ નીકળવા બેઠું છે."

"તારે જે કહેવું હોય તે કહી દે."

"અહીં પાસે આવો; બેસો."

"બોલો, ચાલો."

"તમે તે દિવસે મારા બાપુને ઘેર આવીને મારી માગણી કરી. તમારો આગલો સંસાર સુખી હોવાથી નિખાલસ વાતો કરી. એ બધું યાદ છે?"

"શબ્દેશબ્દ યાદ છે. મારો આગલો સંસાર સાચેસાચ બહુ -"

"નાના, એ મુદ્દો મારી વાતનો નથી. પણ મેં તમને કહેલું કે, મારા પૂર્વસંસારમાં પણ એક પ્રેમપ્રસંગ કંઈક જીવન-જોડાણ - જેવું હતું, એ યાદ છે?"

"જીવનના જોડાણ જેવું? હશે. પણ અત્યારે એ વાતને ઉખેળવાની શી જરૂર છે? હું એ નામનું પણ અનુમાન કરી શકું છું. માસ્તર -"

"ત્યારે એ નામ સાચું નથી. તમે ભૂલ્યા છો. માસ્તર તો ફક્ત મારા માયાળુ મિત્ર જ હતા."

"માસ્તર નહિ? બીજો કોઈ?" દાક્તરની વ્યાકુળતામાં ભોંઠામણ તેમ જ નિરાશા દેખાતાં હતાં. "દેવી! માસ્તર તારા જૂના બંધુજન હોવાથી એનો ફરી મેળાપ તને ખીલતી બનાવશે એ આશાએ તો મેં એને અહીં તેડાવ્યા છે."

જે પતિને પોતે ચાહી ન શકતી, તેના દિલની આવી ઉદારતા દેખીને જલદેવી અંદરથી ચિરાઈ ગઈ.

"ત્યારે બીજો કોણ? ત્યાં એવો કોઈ જુવાન તો નહોતો."

"એવો કોઈ ત્યાં નહોતો, ખરૂં; પણ અમારા ગામને ખોળે જાપાન તરફનું એક મોટું જહાજ પડેલું મરામત માટે એ યાદ છે? એનો સિંહાલી ટંડેલ યાદ છે? મારૂં પહેલું વેવિશાળ એની સાથે થયું હતું."

"તું આ શું કહે છે, દેવી! એ અજાણ્‌યા પરદેશીની સાથે તારૂં વેવિશાળ? એની સાથે તારો પરિચય ક્યાંથી? એકબીજાનાં જીવનની ઓળખાણ ક્યાંથી?"

"કશું જ નહિ. બધું નજીવું. પરિચય ટૂંકો. દરિયે હું ફરવા જતી, ને અમે બેઉ વાતો કરતાં. હું એટલું જ જાણી શકેલી કે એ અસલ લંકાનો વતની, પણ નાનપણથી જ દરિયાઈ સફરે ગયેલોઃ દેશવિદેશ દીઠેલા. બીજી ઝીણી માહિતીમાં અમે ઊંતર્યા નહોતાં. વાતો કરતાં, પણ માત્ર દરિયાનાં જળચરોની, દેવમાછલીઓની, જળઘોડાની, નાગકન્યાની, જળ-કૂકડીઓની, ભયંકર ટાપુઓની, ભાતભાતના સૂર્યાસ્તોની, વાંવાઝોડાંની, ડૂબતાં વહાણોની. સાંભળી સાંભળીને હું એને નિહાળતી. દરિયો અને એ બેઉ એકાકાર બનેલા દેખાતા. મને એ જળદેવતા જણાતો. એની આંખો - હા, એની આંખો - મને મારી ઈચ્છા જાણે ખેંચ્યા કરતી. અમે એક દિવસ એકાંતે મળ્યાં. એણે પોતાની ચાવીઓના ઝૂડાની વાળી કાઢીને મારી આંગળીઓમાંથી કાઢી. બન્ને વીંટીઓને પેલી વાળીમાં પરોવીને મને કહ્યું કે, ’જો, આ દરિયાની સાક્ષીએ આપણે બેઉ જોડાઈએ છીએ’. એટલું કહીને એણે ખૂબ જોરથી એ વીંટીઓ પરોવેલી વાળીનો ઘા કર્યો. દરિયાનું પાણી પાતાળ જેટલું ઊંંડું હશે ત્યાં એ વીંટીઓ જઈ પડી અને ડૂબી ગઈ." એટલી કથાને અંતે જલદેવીની મીટ પાછી દરિયા પર મંડાઈ.

"તેં શા સારૂ આવું કરવા દીધું, દેવી?"

"કોણ જાણે. મને ખબર નથી. પણ સારૂં થયું કે એ ચાલ્યો ગયો. પછી મને ભાન આવ્યું. એ બધી મૂર્ખાઈ પર હું હસી પડી. મેં એને કાગળ લખ્યો કે, તારે ને મારે કંઈ નથી. લાંબે દહાડે એનો કાગળ આવ્યો. એ કાગળમાં મારા વિષે કશો ઈશારો જ ન મળેઃ જાણે સંબંધ તૂટ્‌યો જ નથી! એક જ વાત લખેલી - ઠરેલે અક્ષરે, સમતાથી લખેલી કે, ’હું પાછો તને લેવા આવવાનો જ છું. મારી વાટ જોજે’. મેં ફરીને લખ્યું - વધુ મક્કમ શબ્દે લખ્યું - કે, તારે-મારે કાંઈ નથી’. પણ એનો જવાબ તો એ-નો એ જઃ ’આવું છું. વાટ જોજે.’ એક રૂમસામથી, એક જંગમ બેટથી, ત્રીજો ચીનથીઃ એમ ત્રણ કાગળો મળ્યા."

"તારા ઉપર શું આ રખડુ પરદેશીએ જાદુ છાંટ્‌યું?"

"ઓહો! ભયંકર માણસ, દાક્તર! બહુ ભયંકર."

"તો, દેવી, હવે એ વાતને વીસરી જા. હવાફેરથી તને આરામ મળી જવાનો."

"ના ના, આરામ હવે મળશે નહિ. એ આશા રાખશો નહિ. હું એને મારા અંતર પરથી ઉખેડી શકતી નથી. આંહીં કે બીજે ક્યાંય - એ વશીકરણ અતિ ભયંકર ને અકળ છે."

"પણ હવે તો એ વાતને વર્ષો વીતી ગયાં. હવે શું છે?"

"સાચું. હું લગભગ ભૂલી ગઈ હતી. પણ એક દિવસ, ત્રણ વર્ષ પહેલાં એક દિવસ જાણે ઓચિંતો એ મારી સામે આવીને સદેહે ઊંભો રહ્યો - બરાબર જ્યારે મારે બાળક અવતરવાનો સમય નજીક હતો ત્યારે જ."

દાક્તર ઘડી ઘડીમાં આવેશ બતાવે તેવા છીછરા નહોતા પણ એની ગંભીરતા તે ઘડીએ ખૂટી ગઈઃ "દેવી! હવે મને ઘણું ઘણું સમજાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી તમે મારી પથારી તજી છે, શરીરસંબંધ છોડયો છે અને પરપુરૂષની સ્મૃતિમાં જ પડી જઈ પારકાની માળા જપી પોતાનાને અવગણ્‌યો છે!"

"દાક્તર! ઓ વહાલા!" પોતે બેઠેલી તે પથ્થરને ઉખેડી નાખવા મથતી હોય એમ હાથ દબાવીને એ બોલી ઊંઠીઃ "એવું ન બોલો. તમારા સિવાય મેં બીજા કોઈની કાળજી નથી કરી."

"ત્યારે શા સારૂ મારી સાથેનો પતિ-પત્ની સંબંધ તેં બંધ પાડયો છે?"

"એ વાત ભયંકર છે - ન ઉચ્ચારી શકાય તેવી ભયંકર છે. શું કહું? છોકરો મરી ગયો તેની આંખોનો ભેદ તમને યાદ છે? એ ગેબી આંખો -"

"દેવી! એ તો કેવળ તારી ધગેલી કલ્પના જ છે. એવું કશું એ બાળકની આંખોમાં નહોતું. સાધારણ બાળકોના જેવી જ એની આંખો હતી."

"ના, દાક્તર, છોકરાની આંખો દરિયાના રંગપલટાની સાથે રંગો બદલતી હતી. ખાડી જ્યારે સૂર્યના તાપમાં ચળકતી પડી હોય, ત્યારે એની આંખોમાં પીળો કનકવર્ણો ઝલકાટ ઊંઠતો. દરિયો જ્યારે તોફાને ચડતો ત્યારે એની આંખો ડોળાઈને ઘૂમાઘૂમ કરતી."

"હશે; પણ તેથી આપણને શું? એ બાપડો તો ચાલ્યો ગયો છે!"

"દાક્તર! નજીક આવો. વધુ કહું." પોતે પાસે જઈને પતિને ધીરે સાદે કહ્યુંઃ "એવી જ આંખો મેં અગાઉ દીઠેલી છે."

"ક્યાં? ક્યારે? કોની?"

"મારા બાપુને ગામ, રોહિણી ટાપુ ઉપર, દસ વર્ષ પૂર્વે. એ જ પરદેશીની આંખો." "દેવી!" દાક્તરનું દિલ વલોવાઈ જતું હતું.

"હવે તમને સમજાશે કે શા માટે મારાથી તમારી સાથે સ્ત્રી-સંબંધ ન રાખી શકાયોઃ શા માટે હું ભયથી ત્રાસતી દૂર ને દૂર ભાગતી રહી. ફરીવાર એ આંખો મારાથી જોઈ ન શકાત."

ચ૩ૃ

દાક્તરના ખુલ્લા, બહોળા મકાનને જાણે એક અદૃશ્ય દીવાલ વીંટળી વળી હતી. સુખનાં અજવાળાં એ દીવાલની બહાર ઊંભાં ઊંભાં અંદર આવવા છલંગો મારી રહ્યાં હતાં. ઘરમાં ચાર જણાં હતાં; પણ પ્રેતો વસતાં હોય એવું ભૂતિયું ઘર બન્યું હતું. હસમુખા ચહેરાઓ અરધું હસી હસીને પાછા કરમાઈ જતા. ગૂંગળાટ જાણે મુક્ત શ્વાસને રૂંધતો હતો. બન્ને દીકરીઓ માબાપનાં શૂન્ય, અગમ્ય મોંઢા જોઈને એકાદ નાના સ્મિતની રાહ જોતી.

*

આજે સંધ્યા છે. ઘરથી થોડે વધુ આઘે - પણ ખાડીની ઊંલટી જ બાજુમાં - મોટાં ઝાડોનાં ઝાંખરાં નીચે મોટી પુત્રી અને માસ્તર ઊંભાં છે. મોટી બોલે છે કે, "હું ક્યાં જાઉં? શી રીતે છૂટું, માસ્તર સાહેબ! બાપુજીનું શું થાય? નવી બા એની સંભાળ નહિ લઈ શકે. એને ધ્યાન નથી. એ તો ભૂલી પડેલી ગાય છે. બાપુ બિચારા પોતાની આસપાસ આનંદી ચહેરા જોવા ઉત્સુક રહે છે. હું અહીં નહિ હોઉં ત્યારે એ કોના ચહેરા સામે જોઈ આંખો ઠારશે? નવી બાની ગમગીની બાપુને ભરખી જશે."

"પણ અહીં તો દેશ-વિદેશો ભેગા થાય છે; આવો સપ્તરંગી સમુદાય મળે છે. એનાથી શા સારૂ તમે તરતાં ને તરતાં રહો છો?"

"દુનિયા સાથે અમારે જાણે કશી સ્નેહગાંઠ જ નથી રહી. અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે."

એ જ વખતે દૂરથી,

દરિયાના બેટમાં રહેતી,

પ્રભુજીનું નામ લેતી હું દરિયાની માછલી.

મને બારણે કાઢવી નો’તીઃ હું દરિયાની માછલી.

- એવું ગીત ગાતી ગાતી નવી બા ખડકોમાં ફરીને ચાલી આવે છે. એના આખા શરીરમાં તરવરાટ છે. કોઈ અકળ કારણસર ઉત્તેજીત થઈ હોય તેમ એ આવીને બોલી ઊંઠીઃ "વાહ! અહીં સરસ છે, હો!"

"બેસો ને, જલદેવી!" માસ્તરે કહ્યું.

"ના ના, બેસવું તો નથી જ. ઊંભવાનું ને દોડવાનું મન થાય છે. દરિયામાં દૂર પેલું ક્યું જહાજ દેખાય છે, ભલા?"

"ઉત્તર દેશનું જહાજ લાગે છે." પુત્રી બોલી.

"બોયા પાસે થઈને ત્યાં મછવા ઊંભા છે તે ઠેકાણે અડધો કલાક રોકાશે. પછી પેલી બાજુ થઈને ખાડીમાં આવશે."

"અહીં રોકાશે?"

"હા, ખાડીમાં કિનારે એક જ દિવસ નાંગરશે."

"ને પાછું કાલે ચાલ્યું જશે, ખરૂં? અસીમ મહાસાગરની સફરે નીકળી પડશે. આહા! એ બધા મુસાફરોની સાથે જઈ શકાતું હોત! અસીમ સાગરમાં પૃથ્વી દેખાય જ નહિ. કેવું સુખ!"

"તમે કદી મોટી સફર કરી જ નથી શું?"

"ના રે ના, ખાડીમાં જ ફર્યા છીએ." પુત્રીએ નિઃશ્વાસ નાખીને કહ્યુંઃ "આપણાં પનારાં જ સૂકી પૃથ્વી સાથે પડયાં, ત્યાં બીજું શું થાય!"

માસ્તરે કહ્યુંઃ "ગમે તેમ તોય પૃથ્વી આપણું ખરૂં વતન છે, આપણી માતા છે."

"ના ના." જલદેવી બોલી ઊંઠીઃ "મને તો લાગે છે કે લોકો જો પહેલેથી જ જળ ઉપર - અરે, જળની અંદર જળચરોની માફક - રહેતાં હોત તો વધુ સુખી થાત અને સારાં થાત. મને એમ થાય છે કે મનુષ્યો ધરતીને ટેવાઈ પડયાં છે, પરંતુ એનાં ઊંંડાં અંતરમાં તો ઉદાસી અને છુટકારાની ઝંખના જ ભરી છે. જમીન સાથે જાણે સહુને જકડાઈ રહેવું પડે છે."

"એમ તો ન હોય. માણસો એવાં ઉદાસ ક્યાં દેખાય છે, જલદેવી? મોટે ભાગે તો, ઊંલટાં, સહુ દુઃખને વીસરી જઈ લહેર ઉડાવે છે."

"એ લહેર મને તો આવતા દોહ્યલા દિવસોની એંધાણી જ લાગે છેઃ દૂર દૂર ચાલ્યાં આવતાં તોફાનનાં વાદળાં જેમ આ ચળકતી પડેલી ખાડી ઉપર થોડી વાર મધુરો વાદળી રંગ છવરાવે છે, ને થોડી વાર પછી એકાએક બધું કેવું કાળુંઘોર!"

"જલદેવી, તમે કેમ ગમગીન બની ગયાં! હજુ હમણાં તો તમે હસતાં રમતાં હતાં."

"કંઈ નહિ, કંઈ નહિ. એ તો જરા મારૂં ગાંડપણ છે." એમ કહીને જલદેવી ચારેય બાજુ ચકળવકળ જુએ છેઃ "દાક્તર ક્યાં ગયા? મને કહ્યું હતું છતાં હજુ કેમ ન આવ્યા? તમે ઝટ જશો? એને કહેજો કે ઝટ આવે; કેમકે હું હવે એને કલ્પનામાં જોઈ શકતી નથી."

"જોઈ શકતાં નથી?" માસ્તર તાજ્જુબ થયા.

"તમે સમજ્યા નહિ. ઘણી વાર એ જ્યારે મારી પાસે નથી હોતા ત્યારે હું યાદ કરી કરીને મથું છતાં એની મુખમુદ્રા મને યાદ જ ન આવેઃ જાણે એવું થાય છે કે હું એને ખોઈ બેઠી. એ દશા મને અસહ્ય થઈ પડે છે. ભલા થઈને ઝટ જાઓ ને!"

જલદેવી ઝાડની ડાળી ઝાલીને વ્યાકુળ ચિત્તે ઊંભી રહી. માસ્તર ગયા તેની પાછળ "માસ્તર સાહેબ, હું તમને રસ્તો બતાવું..." એમ કહેતી, નવી બાથી ફાળ ખાતી મોટી બહેન પણ ચાલી ગઈ. નવી બાની સાથે એ ઝાંખરાં નીચે એકલાં ઊંભાં રહેવામાં એને ભય હતો.

એકલી ઊંભી ઊંભી જલદેવી જાણે પોતે પોતાની સાથે ગુપ્ત વાતો કરતી હોય તેમ ગણગણતી હતી. એ સમયે ચોગાનની જાળીની બહાર ઝાડનાં સૂકાં પાંદડાં સળવળ્યાં. એક મુસાફર હાથમાં નાની બૅગ લઈને જાળીની બહાર ઊંભો રહ્યો. જાળીની નજીક આવ્યો. અંદર ડોકાઈને બાગમાં નજર કરી. ઓચિંતી એણે જલદેવીને દીઠી. સ્થિર બની ગયો. નજર ચોડીને જલદેવીને નિહાળી રહ્યો. ધીરે સાદે બોલ્યોઃ "દરિયાપરી!"

ઝબકેલી જલદેવીએ ચોંકીને પછવાડે જોયું. પરદેશીને દીઠો. દેખતાં જ જાણે ઓળખાણ પડી હોય તેમ બોલી ઊંઠીઃ "ઓ પ્યારા! આખરે તમે આવી પહોંચ્યા!"

"હા, આખરે આવી પહોંચ્યો છું, દરિયાપરી!" દરિયાના વમળમાંથી ઊંઠે તેવો એનો આર્તસ્વર આવ્યો. એનું ડોકું હલ્યું.

એક પલમાં તો જલદેવી બદલી ગઈ. અવાજ ફાટી જાય એવી ચીસ પાડીને બોલીઃ "તમે કોણ છો? શા માટે અહીં આવ્યા છો? કોને શોધો છો?"

"હું ધારૂં છું કે તમને જ." ઠંડોગાર અવાજ મળ્યો. એ બે આંખોની મીટ અચલ હતી.

જલદેવી ધ્રૂજી ઊંઠી. પરદેશીની સામે તાકી રહી, ને પાગલની પેઠે બોલી ઊંઠી કે, "એ જ આંખો!"

"આખરે ઓળખાણ પડવા માંડી ને! મેં તો તને એકદમ ઓળખી કાઢી, મારી દરિયાપરી!"

"તમે મારી સામે શા માટે તાકી રહ્યા છો? ડોળા ન કાઢો. હું હમણાં ચીસ પાડીને લોકોને બોલાવીશ."

"ચૂપ! દરિયાપરી! હું તને કશી જ ઈજા નથી કરવાનોઃ તું ગભરા નહિ."

જલદેવી પોતાના હાથ આંખો પર ઢાંકીને બોલીઃ "ભલા થઈને મારી સામે એમ તાકી ન રહો."

તારની વાડ ઉપર પોતાનું મોં ટેકવીને પરદેશી બોલ્યોઃ "દરિયાપરી! હું આ ઉત્તર દેશના જહાજમાં આવ્યો છું."

જલદેવીએ છાની એક દૃષ્ટિ નાખીને પૂછ્‌યુંઃ "તમારે મારી સાથે શું છે?"

"મેં તને કોલ દીધેલો ને, કે હું વહેલો વહેલો આવી પહોંચીશ!"

"નહિ, અહીં હવે કદી ન આવશો. તમારી અને મારી વચ્ચે હવે શું છે તે? બધું જ સમાપ્ત થઈ ગયું છે, એ તો તમને ખબર છે."

જાણે કે એ જવાબને સાંભળ્યો જ ન હોય તેમ મુસાફર એ-ના એ ઠરેલા અવાજે બોલ્યોઃ "મારે આવવું તો હતું ક્યારનુંય; પણ આથી વહેલું ન બની શક્યું. ખેર! આખરે આવી તો પહોંચ્યો છું ને!"

"શા માટે? શા માટે? શા માટે તમે અહીં આવ્યા?"

"તને તેડી જવા માટે."

"મને તેડી જવા માટે? તમે જાણો તો છો, કે હું પરણી ગયેલી છું."

"જાણું છું."

"તે છતાં મને તેડી જવા આવ્યા છો?"

"બેશક, બેશક!"

"ઓ પ્રભુ! ઓહ! ત્રાસ!" એવું લવતી જલદેવીએ બે હાથ વચ્ચે માથું દબાવી દીધું.

"દરિયાપરી! તારે મારી સાથે નથી આવવું?"

"ના, ના, ના! કદી નહિ આવું-નહિ આવી શકું. મારામાં હિંમત નથી."

મુસાફર તારની વાડ ટપીને અંદર આવ્યો. નજીક જતાં જતાં કહ્યુંઃ "દરિયાપરી! હું જાઉં તે પહેલાં તને એક વાત કહી દઉં."

એને નજીક આવતો દેખીને જલદેવી પોકારી ઊંઠીઃ "દૂર રહેજો. પાસે ન આવતા. મને અડકતા નહિ. હું કહું છું કે મને અડકતા નહિ."

તોયે પ્રવાસી મક્કમ પગલે ધીરે ધીરે નજીક આવ્યો. બોલ્યોઃ "દરિયાપરી! તું શા સારૂ મારાથી આટલી ગભરાય છે?"

"મારી સામે એમ આંખો રાખીને તમે ન તાકી રહો." એટલું બોલીને એ આંખોમાં કોઈ કાળ ભાળતી હોય એમ જલદેવીએ પોતાની આંખો આડે હાથ દાબી દીધો.

"તું ગભરા નહિઃ બી નહિ."

"દેવી! તારે બહુ રાહ જોવી પડી, ખરૂં?" એવો અવાજ દેતા દાક્તર કમાનની બાજુથી ચાલ્યા આવ્યા. હજુ એણે મુસાફરને દીઠો નહોતો. જલદેવી દોડીને દાક્તરને બાઝી પડીઃ "ઓ દાક્તર! મને આનાથી બચાવો!"

એણે આંગળી ચીંધાડી. મુસાફરની આકૃતિ અચલ ઊંભી હતી. "કોનાથી? આનાથી?... કોણ છો તમે? શા માટે મારા બાગમાં દાખલ થયા છો?"

મુસાફરે જલદેવીની સામે આંગળી કરીને કહ્યુંઃ "હું તો એમની સાથે વાત કરવા માગું છું."

"મારી સ્ત્રી સાથે શી વાતો કરવી છે તમારે?... તું એને ઓળખે છે, જલદેવી?"

"દાક્તર! એ પોતે જ પેલો - મેં કહ્યું હતું તે - મનુષ્ય છે."

"હાં હાં, પણ તમારે મારી પત્નીની સાથે શી નિસ્બત છે હવે? તમે જાણો છો ને, કે વર્ષોથી એ મને પરણી ચૂકી છે?"

"હા, મેં એ ત્રણ વર્ષ પર જ જાણ્‌યું."

"તમે શી રીતે જાણ્‌યું?" જલદેવીથી વચ્ચે પુછાઈ ગયું.

"જહાજમાં જૂનાં છાપાં વાંચતાં તમારા એ લગ્નની વાત જાણી."

"લગ્ન! હા, લગ્ન!" જલદેવીથી બોલી જવાયું.

"દરિયાપરી!" પ્રવાસીએ દાક્તરના અસ્તિત્વની પરવા કર્યા વિના જલદેવીને સંબોધન કર્યુંઃ "મને અજબ લાગેલું. હું તાજુબ થયેલો; કેમકે પેલી બે વીંટીઓ - દરિયાપરી! એ પણ શું લગ્ન નહોતું!"

"ઓહ!" જલદેવીએ ચહેરો ઢાંક્યો.

"આટલી ધૃષ્ટતા કરનાર કોણ છે તું?" દાક્તરની આંખો લાલ બની. પણ પ્રવાસીએ એના તરફ નજર ન કરતાં જલદેવીને જ પૂછ્‌યુંઃ "એ તું ભૂલી ગઈ શું?"

દાક્તરથી ન રહેવાયું. એણે પ્રવાસીની નજીક જઈ ઉગ્રતાથી કહ્યુંઃ "તારે જે વાત કરવી હોય તે મારી સાથે કરવાની છે. બોલ, શા સારૂ તું મારી સ્ત્રીની પાછળ પડયો છે?"

પ્રવાસીનો ઉચ્ચાર એક જ હતોઃ "મેં દરિયાપરીને વચન દીધેલું કે હું જેમ બનશે તેમ જલદી આવીશ; ને એણે પણ મને કોલ આપેલો કે પોતે મારી વાટ જોશે."

"તું શા માટે મારી સ્ત્રીને તુંકારે બોલાવી રહ્યો છે? અહીં અમારા સમાજમાં પારકાની સ્ત્રી સાથે એવી તોછડાઈની છૂટ નથી."

"હું એ બરાબર જાણું છું. પણ પ્રથમ દરજ્જે તો એ મારી જ છે."

"તારી? હજુ -"

જલદેવી દાક્તરની પછવાડે લપાઈ ગઈ; છુપાઈને બોલીઃ "એ મને નહિ છોડે - કદી નહિ છોડે."

દાક્તરઃ "તારી! એ તારી છે?"

વિદેશીઃ "તમને એણે મારી ને એની બે વીંટીઓની વાત નથી કરી?"

દાક્તરઃ "પણ એથી શું? એ વાતની તો સમાપ્તિ ક્યારની થઈ ચૂકી છે. તને એણે લખી પણ નાખ્યું હતું, એ તું જાણે છે."

પ્રવાસીઃ "પણ એણે અને મેં બંનેએ કોલ કીધા હતા કે અમારી એ વીંટીઓની વિધિને સાચા લગ્નની વિધિ જ સમજવી." જલદેવી વચ્ચે બોલી ઊંઠીઃ "પણ મારે એ નથી ગણવી. હું કહું છું કે મારે એ કશું જ નથી જાણવું. મારી સામે એમ ન જોઈ રહો. હું નથી આવવાની - નથી જ આવવાની."

પોતાની ખીજમાં થોડો તિરસ્કાર અને ઠેકડી ઉમેરીને દાક્તરે કહ્યુંઃ "આવી છોકરવાદી દાવે તું અહીં તારો હક્ક સાબિત કરવા આવ્યો છે? તારૂં ભેજું ઠેકાણે છે કે નહિ?"

"સાચી વાત. તમે કહો છો એ અર્થમાં તો મારે ’હક્ક’ જેવું કશું ન જ હોઈ શકે."

"એટલે?" દાક્તર તપ્યાઃ "એટલે શું તું એને જોરાવરીથી લઈ જવા માગે છે?"

"ના. એમ કરવાથી શો લાભ? જો દરિયાપરી મારી સાથે આવવા ચાહતી હોય, તો તેણે મુક્ત મનથી જ આવવાનું છે."

"મુક્ત મનથી?" જલદેવી ચમકીને બોલી ઊંઠી.

"ને તને હજુ વિશ્વાસ છે, એમ ને?"

"મુક્ત મનથી!" જલદેવી જાણે કોઈ મંત્ર રટતી હતી.

દાક્તરઃ "નાદાન! તારી અક્કલ ઠેકાણે નથી લાગતી. જા, તારે રસ્તે ચાલ્યો જા. તારી સાથે અમારે કશી જ નિસ્બત નથી."

પ્રવાસીનું તો આ બધી ઠેકડી કે ધમકી સામે લક્ષ જ નહોતું. પોતાના ધ્યાનમાં એ અવિચલ ઊંભો હતો. એણે ખિસ્સામાંથી ઘડીયાળ કાઢીને જોયું. પછી થોડો જલદેવીની નજીક આવ્યો, ને બોલ્યોઃ "દરિયાપરી! મારે જહાજ પર જવાનો સમય થયો છે. મેં મારી ફરજ બજાવી છેઃ મેં તને આપેલો કોલ પાળ્યો છે. એટલે તારે હવે કાલની સાંજ સુધીમાં વિચાર કરી રાખવાનો છે."

"અહીં કશો વિચારબિચાર કરવાનો છે જ નહિ." દાક્તર ફરીવાર તપ્યા.

એની સામે નજર કર્યા વગર વિદેશીએ જલદેવીને કહ્યુંઃ "અત્યારે તો હું જહાજની સાથે ખાડીમાં જાઉં છું. કાલે રાતે હું અહીં આવીને તને શોધીશ. તું અહીં બાગમાં જ ઊંભી રહેજે; કારણ કે મારે તારી એકલીની સાથે જ છેલ્લી પતાવટ કરવી છે. સમજી, દરિયાપરી? અત્યારે તો હું રજા લઉં છું; પણ જોજે, હો, ભૂલતી નહિઃ કાલે રાતે-"

"નહિ નહિ." જલદેવી વિનવણીના સ્વરે બોલીઃ "કાલે ન આવશો - અહીં કદી પણ ન આવશો."

એ જવાબની અવગણના કરીને પ્રવાસી જાણે પોતાનું આગલું વાક્ય પૂરૂં કરતો હોય તે રીતે બોલ્યોઃ "અને એ વખતે જો તારી ઈચ્છા મારી સાથે મહાસાગરે આવવાની હોય -"

"ઓહ! મારી સામે એમ ન તાકો." જલદેવી વચમાં જ બોલી ઊંઠી.

વિદેશીએ અધૂરૂં વાક્ય આગળ ચલાવ્યુંઃ "તો તું ઊંપડવાને માટે તૈયાર રહેજે."

દાક્તરે જલદેવીને કહ્યુંઃ "તમે ઘરમાં જાઓ."

"મારાથી નથી જવાતુંઃ મારા પગ નથી ઊંપડતા."

પ્રવાસીએ ઉમેર્યુંઃ "યાદ રાખજે, દરિયાપરી! કે કાલે જો તું મારી સાથે નહિ આવે, તો પછી બધી વાતનો અંત સમજવો."

"અંત!" જલદેવીએ ધ્રૂજતાં ધ્રૂજતાં એની સામું જોયું. "સદાને માટે અંત?"

ડોકું ધુણાવીને વિદેશીએ કહ્યું કે, "હા; પછી તો, દરિયાપરી, કોઈથી એ નિર્ણય નહિ ફરી શકે. હું ફરી કદાપિ આ ધરતી પર પગ નહિ મૂકું. તું ફરી કદી મને મળી શકશે નહિ, ને મારા સમાચાર પણ તને પહોંચશે નહિ. પછી તો મને તારા પૂરતો તું મરી ગયેલો જ માનજે. માટે જે કરવું હોય તેનો શાંતિથી વિચાર કરજે. રજા લઉં છું."

એમ કહીને એ વાડ પાસે ગયો. ઠેકીને બીજી બાજુ ઊંતરી ગયો. થોડી વાર સ્થિર ઊંભો રહ્યો. છેલ્લું વાક્ય બોલ્યોઃ "દરિયાપરી! કાલે સાંજે સફર માટે તૈયાર રહેજે. હું તને તેડવા આવીશ."

ધીરે પગલે, શાંતિથી, કોઈની દહેશત વિના દરિયાકાંઠાની પગથી ઉપર એ પ્રવાસી ચાલ્યો ગયો. જલદેવીની નજર થોડી વાર સુધી એની પાછળ પાછળ ચાલી ગઈ. પછી જાણે સ્વગત બોલતી હોય તેમ એણે ઉચ્ચાર્યુંઃ "મુક્ત મનથી! એણે કહ્યું, જોયું? એણે કહ્યું કે જો મારે આવવું હોય તો મુક્ત મનથી આવવું."

દાક્તર બોલ્યાઃ "દેવી! તું શાંત પડ. હવે શું છે? ખુદ તારા જ મોંએથી એણે સાંભળી લીધું કે એને ને તારે કશી નિસ્બત નથી. આટલેથી જ આખી વાત ખલ્લાસ થઈ જાય છે."

"ત્યારે...કાં તો કાલે, નહિ તો પછી સદાને માટે ખલ્લાસ. એ જહાજમાં મહાસાગરે નીકળી જશે પછી -!"

"પછી કશું નહિ, દેવી! આપણે છૂટ્‌યાં!"

"પણ કાલે એ આવશે તો?"

"તો તને એ મળી જ ન શકે એવું હું કરવાનોઃ હું એને પોલીસના હાથમાં સોંપાવીશ."

"નહિ નહિ, દાક્તર! એવું ન કરશો. હું એને પૃથ્વીનો કેદી નહિ બનાવું. એ તો છે અસીમ સમુદ્રનો જીવઃ એને હું કેદી નહિ કરાવું."

"જલદેવી! હાય! ઓ જલદેવી! તને શું થઈ રહ્યું છે?"

"દાક્તર! મને મારા પોતાના મનનાં ભૂતોથી બચાવો."

"જલદેવી! આની પાછળ શું છે? કાંઈક છે ખરૂં?"

"છે, છેઃ ખેંચાણ છે, પ્રલોભન છે."

"હજુયે પ્રલોભન રહ્યું છે?"

"હા, એ માનવી જાણે કે સાક્ષાત દરિયો છે."

એ આખી રાત દાક્તરે જાગતા ગાળી. એની દાક્તરી વિદ્યાએ જલદેવીનો રોગ જોઈને હાથ ધોઈ નાખ્યા. આખી રાત જલદેવી શાંત પડી હતી. પણ એ શાંતિના અતલતલમાં તોફાન હતું. એનો તલસ્પર્શ અશક્ય હતો. જલદેવી સમુદ્રની સૃષ્ટિનું પ્રાણી હોવાની એને ખાતરી થઈ. સમુદ્રના જીવો સમુદ્ર જેવું જ જીવન જીવે છેઃ સમુદ્રમાં ભરતી-ઓટ સમાન જ એ જીવાત્માઓની ઊંર્મિઓના જુવાળ ચડે-ઊંતરે છે. એવાં સમુદ્રવાસી પ્રાણીઓ કે માનવીઓ ધરતી પર ન ઊંતરી શકે. એનાં મૂળ પૃથ્વીમાં ન બાઝે. મેં મોટી ભૂલ કરી. જલદેવીને ધરતી પર આણીને મેં પાપ કર્યું. હું માત્ર એના પરના પ્રેમને કારણે બીજું કશું જ વિચારી ન શક્યો. હું મારી ને એની વચ્ચેનું વયનું અંતર પણ ન વિચારી શક્યો. એને અહીં લાવ્યા પછી પણ મેં મારા સંસ્કારોનો વિકાસ ન આપ્યોઃ એ હતી તેવી જ મને વહાલી લાગી. આજ એ દરિયાનું જળચર જ રહી, ને હવે માછલી જેવી ઝૂરે છે. એનો પ્રાણ પેલા પ્રવાસીની પાછળ ધસે છે. એના અંતરમાં છૂપું વશીકરણ તોફાન મચાવી એને ચીસો પડાવે છે. શું કરૂં? એને જવા દઉં? તો મારૂં, એનું સહુનું શું થશે?

બીજે દિવસે જલદેવીએ પહેલી જ તકે કહ્યું કે, "આજે તમે ક્યાંય ટાપુમાં વિઝિટે ન જતા, હો કે!"

"ભલે, તું આજે નહાવા નથી ગઈ?"

"ના, આજે તો નહાવાનો સવાલ જ નથી. પણ, દાક્તર, આવો; આપણે ફરીને વાતો કરી કાઢીએ, બધું અધૂરૂં જ રહ્યું છે."

બેઉ ઘરમાં જ બેઠાં. જલદેવીએ વાત ઉપાડીઃ "આપણું દુર્ભાગ્ય હતું કે બીજાં કોઈ નહિ ને આપણે બે સંસારમાં જોડાયાં."

"એમ કેમ કહે છે?"

"સાચું જ કહું છું. એ જોડાણમાંથી - એટલે કે જે રીતે એ જોડાણ થયું તેમાંથી - વિષવૃક્ષ જ ઊંગ્યું."

"બસ, તને એમ જ લાગે છે?"

"જુઓ, હવે આપણે એકબીજાંને ક્યાં સુધી છેતરશું? હવે તો સત્ય ન છુપાવીએ. સાચી વાત તો એ જ છે, કે તમે ત્યાં મારા પિતાને ઘેર આવ્યા અને મને વેચાતી લીધી."

"વેચાતી લીધી? વેચાતી?"

"હા; ને હું પણ તમારાથી ચડિયાતી નહોતી. મેં પણ સાટું કબૂલ્યુંઃ મારી જાત વેચી."

"જલદેવી! આટલે સુધી કહી નાખવાની તારી છાતી ચાલી શકે છે? સાટું?"

"ત્યારે એને બીજું શું કહેશો? તમારાથી તમારા ઘરની શૂન્યતા - એકલતા - સહેવાતી નહોતી, ને તમે કોઈ સ્ત્રીની શોધમાં હતાઃ ખરૂં?"

"ખેર! તને ઠીક પડે તેમ કહે."

"તમે મને બે-ચાર વાર મળ્યા, વાતો કરી અને પછી મારી માગણી કરી. એથી વધુ મારી શી તપાસ તમે કરી હતી, ભલા? મને તમે ક્યાં પૂરી પિછાની હતી?"

"વારૂ!"

"હું પણ અનાથ હતી. દિશાશૂન્ય હતી. એકલી ને અટૂલી હતી. મને પણ એકલતા ખાઈ જતી હતી. તમે આવ્યા. મને જિંદગીભર ભરણપોષણ આપવા વચન દીધું -"

"જલદેવી! મેં શું તારા ભરણપોષણની જ વાત વિચારી હતી? એથી ઊંંચું કંઈ જ નહિ?"

"એથી ઊંંચું ઘણું ઘણું. તેમ છતાં મારે એ નહોતું સ્વીકારવું જોઈતું - કોઈ પણ લોભે નહિ. મારે મારી જાતને નહોતી વેચવી જોઈતી - કોઈ પણ કિંમતે નહિ. એથી તો મારા મનની મુક્ત પસંદગીની હલકામાં હલકી મજૂરી અથવા ચીંથરેહાલ ગરીબી બહેતર હતી."

"ત્યારે શું આપણે સગજીવનમાં ગાળેલાં આ પાંચ-છ વર્ષનો કાળ તારે મન દુઃખમય જ નીવડયો ને?"

"ના, એવું ન માનતા, દાક્તર! મને તો તમે જીવ સાટે સાચવી છે. મને સુખી કરવા સારૂ મનુષ્ય મથી શકે તેટલા તમે મથી છૂટ્‌યા છો; પરંતુ ખરી વાત એ છે કે મેં તમારા ઘરમાં મુક્ત મનથી પગ નથી દીધો."

"મુક્ત મનથી નહિ? હાં હાં, ગઈ કાલ સાંજના તારા એ શબ્દો મને સાંભરે છે."

"બસ, એ શબ્દોએ મારી જીવન-સમસ્યાને સ્પષ્ટ કરી આપી છે. હવે હું ગોટાળાની બહાર નીકળી ગઈ છું. હવે હું જોઈ શકું છું."

"શું?"

"કે આપણું ભેળાં રહેવું એ ખરેખરૂં લગ્ન નથી."

દિલમાં દાઝો પડતી હોય, એક પછી એક અંગારા ચંપાતા હોય, તેવી વેદના પામતા દાક્તર બોલ્યાઃ "હા, હવે આપણે જ જીવન જીવીએ છીએ તે ખરૂં લગ્ન નથી."

"હવેનું - અને અગાઉ પણ એમ જ. પ્રથમ પગરણથી માંડીને અત્યાર સુધી કદી જ એ સાચું લગ્નજીવન નહોતું. મારૂં પહેલાનું એ લગ્ન પરિપૂર્ણ અને સાચું લગ્ન બની શક્યું હોત."

"પહેલાનું એટલે ક્યું?"

"મારૂં - એની સાથેનું."

"હું તારૂં કહેવું જરીકે સમજી શકતો નથી."

"ઓહ! દાક્તર! હવે આપણે પરસ્પરને છેતરવાનું છોડી દઈએ. પોતાની જાતની છેતરપિંડી પણ હવે ન ઘટે."

"એટલે તારે શું કહેવું છે?"

"કહેવી છે એક જ વાત - કે મુક્ત મનથી આપેલો કોલ પણ લગ્નની ગાંઠ જેટલો જ બંધનરૂપ છે."

"પણ તું શું -"

"હું માગું છું, દાક્તર, કે મને મુક્ત કરોઃ મારો છુટકારો કરો!"

"જલદેવી! જલદેવી!"

"હા, છુટકારો માગું છું. ને કહી રાખું છું કે સરવાળે તો આપણાં બન્નેનાં જે રીતે જોડાણ થયાં છે તેને પરિણામે એ જ સ્થિતિ આવીને ઊંભી જ રહેવાની."

પોતાની વેદનાને દબાવવા મથતા દાક્તરથી એટલું જ બોલાયુંઃ "આખરે શું આ સ્થિતિ આવી પહોંચી, દેવી! હું તને ન જીતી શક્યો. પૂરેપૂરી ન જ પામી શક્યો."

"ઓ દાક્તર! તમને ચાહવાનું જો મારાથી બની શક્યું હોત, તો કેટલી આનંદ-ભેર હું તમને ચાહત! પણ હું બરાબર જાણું છુંઃ એ કદી જ નહિ બની શકે."

"ત્યારે શું તું છૂટાછેડા માગે છે? કાયદેસરનો સંપૂર્ણ છૂટકારો?"

"તમે મને હજુયે ન ઓળખી ન શક્યા, દાક્તર! એ કાયદાની વિધિઓની મને જરીકે પરવા નથી. એ બધી ઉપલક બાબતોની શી જરૂર છે? હું તો એટલું જ માગું છું કે આપણે એકબીજાંને મુક્ત મનથી અરસપરસ છૂટા કરવાં."

"અને પછી? આપણાં બન્નેનાં જીવનની શી ગતિ થશે તેનો તેં વિચાર કર્યો છે, દેવી?" દાક્તરે પોતાના બંને હાથમાં પોતાના માથાના વાળ જકડી લીધા.

"એની કશી ફિકર નથી. ગમે તે થાઓ. ફક્ત એક વાર મને મુક્ત કરોઃ મારી સ્વતંત્રતા મને પાછી આપો - આજે ને આજે જ આપો. આજે એ આવશે, અને મારે એની સામે પરિપૂર્ણ મુક્ત માનવી તરીકે ઊંભાં રહેવું છે. હું બીજાની બૈરી છું એ વાતની ઓથ લઈને મારે એને ના પાડવી નથી. એને તો મારે મુક્ત અને છેલ્લો નિશ્ચય કહેવો છે. મુક્ત દિલે મારે પસંદગી કરવી છેઃ કાં તો એને પાછો ચાલ્યો જવા કહેવું છે, ને કાં એની સાથે મારે ચાલી નીકળવાનું છે."

"એની સાથે? એ પરદેશીને પૂરો ઓળખ્યા વિના તું તારી આખી જિંદગી સોંપી દઈશ?"

"તમને પણ મેં ક્યાં પૂરા ઓળખ્યા હતા! ને છતાં તમારા હાથમાંય મેં મારી આખી જિંદગી સોંપી હતી ને?"

"પણ, દેવી, તે વખતે તો તારા ભવિષ્યનો તને ઝાંખો ઝાંખોયે ખ્યાલ હતો. ને આ માણસ તો કોણ છે, ક્યાંનો છે એ કશું જ તું નથી જાણતી." "નથી જાણતી તેથી જ એ ભયાનક છે. ભયાનક છે માટે જ મને ખેંચી રહેલ છે. એ અગમ્ય છે તેથી જ તેમાં ઝંપલાવવા હું તલખી રહી છું. મને એ જાણે હાથ ઝાલીને અતલમાં ઘસડી જાય છે."

"દેવી! હવે મને ગમ પડે છે. તું દરિયાની સાથે એકાકાર બની ગઈ છે. તું પણ ભયંકર છેઃ મને ખેંચે છે ને ધક્કો મારે છે; મને તરફડાવે છે ને ડરાવે છે."

"માટે જ મને રજા આપો. આપણે મિત્રો તરીકે છૂટાં પડીશું. મને તમારાં તમામ બંધનોમાંથી, હ્ય્દયની તમામ ગ્રંથિઓમાંથી મોકળી કરો."

"દેવી! તને વીનવીને કહું છું કે આજે એક દિવસ આપણે ભેળાં રહીએ, હું ને તું બન્ને શાંતિથી વિચાર કરીએ. તને હું એમ કેમ છોડું? મને હક્ક નથી? તારી રક્ષા કરવી એ મારી ફરજ છે. તારી રક્ષાનો એ મારો હક્ક અને મારો ધર્મ બજાવવો જ રહ્યો."

"મારી રક્ષા!" જલદેવી હસી પડી. "શું કોઈ બહારના શત્રુથી મને રક્ષવાનો સવાલ છે? ભય મારા ભીતરમાંથી ઊંઠેલ છે. અંતઃકરણના ઊંંડાણે એ ભયંકર લાલચ સળગી ઊંઠી છે. તમે મને શી રીતે રક્ષવાના હતા?"

"એ લાલચ સામે શું તું લડીશ નહિ?"

"હા, મારી ઈચ્છા હોત તો હું લડત; પરંતુ મને એમ જ થયા કરે છે કે જાણે હું એની છું. હું એની સામે ટક્કર લેવા માગતી નથી. દાક્તર, મને ઝટ મોકળી કરો."

"તું એને ચાલ્યો જવા દેઃ એ ભયંકર આફત તારા માથા પરથી ઊંતરી જવા દે. પછી હું તને મુક્ત કરીશ. પછી તને ફાવે તે માર્ગે તું જજે."

"ના, ના, કાલે તો બહુ મોડું પડી જાય."

"દેવી! બીજું તો કંઈ નહિ, પણ આ બચ્ચાંની દયા ખાઈને આજે બંધ રહે."

એ વખતે બન્ને દીકરીઓ ફરતીફરતી બાપુ પાસે આવે છે. માથી જાણે ભય પામતી હોય તેમ બંને એની સામે દૃષ્ટિ સુધ્ધાં કરતી નથી.

"બાપુ!" મોટી બોલીઃ "અમે બેઉ ગોઠવણ કરીએ છીએઃ આજે રાત્રે અમારે ખાડીના બંદર પર જવાનું છે."

"અમે બંને પણ ગોઠવણ કરીએ છીએ, બચ્ચાં!" દાક્તરે કહ્યુંઃ "જલદેવી જાય છે. દરિયાની માછલી દરિયે જાય છે - એને પિયર રહેવા માટે."

"હેં બા! સાચી વાત, નવી બા?" કહેતી નાની પુત્રી જલદેવી તરફ ધસીને એને બાઝી પડવા ગઈ. ઓચિંતી જાણે આગ દેખીને ડરી ગઈ હોય તેમ ઊંભી રહી. "તમે અમને અહીં છોડીને જાઓ છો, બા?"

એને ઉશ્કેરાયેલી દેખીને જલદેવીએ પૂછ્‌યુંઃ "કેમ નાની, શું થાય છે તને?"

"ના... કંઈ નહિ, બા! તમે એકલાં જ જશો? બાપુ પણ જાય છે?"

"ના, બેટા; હું તો ત્યાં વારંવાર આંટોફેરો જતો રહીશ." નાની પુત્રી એકાએક મોં ફેરવીને ધીરે ધીરે ચાલી ગઈ. જલદેવીએ પૂછ્‌યુંઃ "નાનીને શું થયું? એ કેમ ચમકી ગઈ છે?"

"તમે નથી જોતાં, બા, કે નાની દિવસ-રાત શાને માટે તલખતી ઘરમાં ઘૂમી રહી છે?" મોટીએ કહ્યું.

"તલખતી?"

"હા, તમે આ ઘરમાં આવ્યાં ત્યારથી જ તલખતી ફરે છે."

"હોય નહિ શા સારૂ?"

"તમારા મોંના એક મીઠા બોલ સારૂ." મોટી પુત્રીનું મોં પણ આંસુ છુપાવવા માટે ફરી ગયું.

"હાશ! હાશ!" જલદેવીએ નિઃશ્વાસ ઠાલવ્યોઃ "આ ઘરમાં જ મને ઠરી બેસવાનું એકાદ ઠેકાણું સાંપડયું હોત!"

સંધ્યાનો છેલ્લો પહોર હાંફતો હાંફતો દરિયાપાર ઊંતરી ગયો. જલદેવીના ભાગ્ય-નિર્માણની છેલ્લી ઘડી ચાલી આવતી હતી. અડધો કલાક જ બાકી હતો. પણ આખરી નિર્ણય પહેલાંનો એ અડધો કલાક હતોઃ લોહી નિચોવી લે તેવી એ થોડી પળો હતી.

પતિના ઘરમાંથી ઊંખડી જવામાં પોતાને કશી જ વેદના નથી એવું જલદેવીનું માનવું હતું. એના જીવનના ઝાડને મૂળિયું જ ત્યાં બાઝ્‌યું નહોતું. એક ઓરડો, એક કબાટ, એક ટ્રંક કે એક બૅગ પણ એવી નહોતી કે જેને એ પોતાની કહી શકે. એના મમત્વને બાંધનાર કોઈ દોરી ત્યાં નહોતી. ઘર છોડતી વેળા ત્રણ પહેર્યાં વસ્ત્રો ઉપરાંત એક બચકી પણ એને લેવાની નહોતી. એક ચાવી પણ કોંઈને સોંપી જવાની નહોતી.

અને પતિ જબરજસ્તીથી રાખશે તો? હા, પતિએ છેલ્લા પછાડા મારતાં ધીરજ હારીને એમ પણ કહી નાખેલું કે, "હું તને ઘરમાંથી નહિ જવા દઉં!" તોયે શું? જોરાવરીથી એ જલદેવીના દેહને ઘરમાં રૂંધી શકશે કદાચ; પણ જલદેવીના મૂક અંતઃકરણના નિર્ણયને, એની પસંદગીને, એના પ્યારને કોણ બાંધવાનું હતું!

પતિએ ઘણી ઘણી ફોસલાવી કે, "તને કાલથી જ સઘળું સ્વાતંત્ર્‌ય આપું. તને ફાવે તે જીવન સ્વીકાર. તારૂં પોતાનું જીવતર પાછું વહેવા દે." પણ એનું પોતાનું જીવતર ક્યું? એ તો જે દિવસ જલદેવી દાક્તરને પરણવાની હા પાડી બેઠી હતી તે દિવસથી જ એ જીવતર કોઈ અકળ વાવાઝોડામાં ઘસડાઈ ગયું હતું; કેમ કે એણે જેને રાહ જોવાનો કોલ આપ્યો હતો, તેને જ તે દિવસે તજ્યો હતો. એ જ માનવી પોતાના કોલ પ્રમાણે બંધાઈ રહીને આજે એને સાચું જીવન જીવવાની ફરી એક તક આપવા આવતો હતો.

એ આવી પહોંચ્યો. જાહાજનો પહેલો પાવો વાગ્યો ને એનાં પગલાં બોલ્યાં, ગઈકાલે જ્યાં ઊંભાં રહેવા કહેલું ત્યાં જ જલદેવી ઊંભી હતી. પતિ પણ છેલ્લા પછાડા મારતો ને ચિરાઈ જતો ઊંભો હતો. વાડયના સળિયા ઉપર ડોકું કાઢીને વિદેશી ઊંભો રહ્યો. બોલ્યોઃ "દરિયાપરી! તૈયાર છો ને?"

દાક્તર વચ્ચે બોલી ઊંઠ્‌યાઃ "તમે જુઓ છો કે એ તૈયાર નથી."

"ના, ના, હું એનાં ટ્રંક-પેટી કે પ્રવાસના પોશાક માટે નથી પૂછતો. એને જે જોઈએ તે બધું જ મેં જહાજ પર તૈયાર રાખ્યું છે. હું તો માત્ર એટલું જ પૂછું છું, દરિયાપરી, કે તમે મારી સાથે આવવા તૈયાર છો ને?"

"ઓ...ઓ!" જલદેવીએ ચીસ પાડીઃ "મને ન લોભાવો! ન ઘસડી જાઓ!"

"જો, દરિયાપરી!" જહાજ પરથી વાગતી ઝાલરને ઉદ્દેશી પરદેશીએ કહ્યુંઃ "જો, આ પહેલો ઘંટ બજી ગયો. જહાજ પર ચડવાનો એ પહેલો ઘંટ. હવે હા કે ના કહી દે." જલદેવી હાથ મસળે છેઃ "જીવતરમાં, બસ છેલ્લી જ વારની પસંદગી કરવાની છે? પછી ફરી વાર શું કદી જ નહિ ફેરવી શકાય?"

"કદી જ નહિ. ને અડધા કલાક પછી તો અતિ મોડું થઈ ગયું હશે."

તીણી નજર ચોડીને જલદેવીએ પૂછ્‌યુંઃ "આટલી દૃઢતાથી તમે શા સારૂ મને જકડી રહ્યા છો?"

"કેમકે આપણે બન્ને એકીસાથે જડાયાં છીએ."

"સોગંદ લીધા હતા તેટલા કારણે શું?"

"નહિ, સોગંદ કોઈને ન બાંધી શકેઃ ન સ્ત્રીને ન પુરૂષને. હું તો તને વળગી રહ્યો છું; કેમકે મારાથી બીજું કશું બની શકતું નથીઃ હું છુટકારો પામી શકતો નથી."

ધ્રૂજતે કંઠે જલદેવી બોલીઃ "તમે વહેલા કેમ ન આવ્યા?"

પરદેશી તાર ઠેકીને અંદર ગયો. તરત જલદેવી હટી ગઈ. પતિની પાસે ભરાઈ ગઈ. પૂછ્‌યુંઃ "તમારે શું જોઈએ છે?"

"મારે જે જોઈએ છે તે જ હું તારા અંતરમાંથી સાંભળી રહ્યો છું. અંતે તું મારી જ બનશે."

દાક્તરે ધૈર્ય ગુમાવ્યું. એ આગળ ધસ્યા. બોલ્યાઃ "મારી સ્ત્રીને કશું પસંદ કરવાપણું રહેતું નથી. હું પોતે જ પસંદગી કરવા અને એને રક્ષવા અહીં ઊંભો છું. તું ચાલ્યો જા. ફરીને કદી આવતો ના. નહિ તો - તું જાણે છે ને કે તારા શિર પર કાળ ભમી રહેલ છે?"

"ઓ વહાલા દાક્તર!" જલદેવી બોલી ઊંઠીઃ "નહિ નહિ, એ નહિ, હો!"

પરદેશીએ પૂછ્‌યુંઃ "તમે શું કરશો?"

"હું તને કેદ કરાવીશ."

"હું પણ એ સારૂ તૈયાર જ રહું છું. એટલા સારૂ તો -" પોતાની છાતી પરના અંદરના ગજવમાંથી એણે રિવૉલ્વર કાઢીઃ "એટલા સારૂ તો મેં આ સાથે જ રાખી છે."

દોડીને જલદેવી દાક્તરની આડે ઊંભી રહીઃ "નહિ હો! એને ન મારશો. એ કરતાં તો મને જ ઠાર કરો!"

"ન એને કે ન તમને, દરિયાપરી! આ મોત તો મારા પોતાના સારૂ જ છે; કેમ કે હું સ્વતંત્ર માનવી તરીકે જ જીવવા અથવા મરવા માગું છું."

જલદેવીનાં અધબીડયાં હ્ય્દયદ્વાર પૂરેપૂરાં ઊંઘડી ગયાં. માતાને દેખી ખીલો ઉખેડી નાખવાનું જોર કરતા વાછરૂની માફક એણે છેલ્લો તરફરાટ અનુભવ્યો. પતિ તરફ જોઈ એણે કહ્યુંઃ "સાંભળો, દાક્તર, સ્પષ્ટ સાંભળી લેજો. તમે તમારા સત્તાબળથી ને લાગવગથી મને જકડી રાખી શકો તેમ છો. ને એ જ તમારો વિચાર છે, તો સુખેથી રાખો; પરંતુ મારા દિલને - મારા તમામ વિચારોને, મારી આકાંક્ષાઓને, મારી વેદનાઓને - તમે નહિ બાંધી શકો. એ બધાં તો ધસી રહ્યાં છે એક અગમ દુનિયામાં, કે જે દુનિયામાં જીવવા મારૂં નિર્માણ હતું, ને જે દુનિયામાંથી તમે મને રોકીને અહીં કેદ પૂરી છે."

"જલદેવી!" દાક્તરનાં કડકાઈ અને રોષ નીતરી ગયાં. એ દીન વદને બોલ્યોઃ "દેવી! હું તને મારી પાસેથી ધીરે ધીરે સરી જતી જોઉં છું. એ અકળ, અગમ, અસીમ અને અપ્રાપ્ય સંસારની ઝંખના તને આખરે ઘોર અંધારી કો રાત્રિમાં ઉતારી દેશે."

"હું પણ એ સમજું છું. એ કાળપંખીની કાળી, નિઃસ્તબ્ધ પાંખો મારા ઉપર ફફડી રહી છે."

"હું તને ઉગારી શકું તેમ નથી. બચવાની બારી રહી નથી, એટલે હવે છેવટે હું આપણા બંધો છોડી નાખું છુંઃ તને મોકળી કરૂં છું. હવે તું સંપૂર્ણ સ્વતંત્રતાથી પસંદગી કરી શકશે."

"સાચોસાચ!" જલદેવીએ થંભી જઈને પૂછ્‌યુંઃ "શું તમે સાચોસાચ કહો છો? ખરા અંતરથી કહો છો?"

"હા હા, ચિરાતા અંતરના ઊંંડામાં ઊંંડા ખૂણામાંથી ચીસ પાડીને કહું છું, કે તું બંધનમુક્ત છે."

"સાચે જ, દાક્તર! સાચોસાચ તમે મને મુક્ત થવા દેશો? મને ચાહે ત્યાં જવા દેશો?"

"હા, કારણ કે હું તને પ્રાણતુલ્ય ચાહું છું."

"હું તમારા અંતરની આટલી બધી નજીક આવી ગઈ, એમ? તમે મને હ્ય્દયની છેક ગોદમાં લઈ લીધી?"

"આટલાં વર્ષો સાથે રહ્યાં તેને લીધે."

"ને હું શું આ વાત સમજી ન શકી?"

"કારણ કે તારૂં દિલ બીજે દોડી રહ્યું હતું. ને હવે તો તું મારાથી - મારાં સ્વજનોથી - સહુથી સંપૂર્ણ સ્વતંત્ર છે, દેવી! તું સુખેથી મુક્ત મનથી પસંદગી કરી લે. તારી પાંખો જ્યાં લઈ જાય ત્યાં ઊંડી જા. તારી સ્વતંત્રતા અને તારી જવાબદારી પર તું નિર્ણય કરજે."

"મારી સ્વતંત્રતા અને મારી જવાબદારી!"

જલદેવીની મનોદશામાં આ સ્વતંત્રતાની નવપ્રાપ્તિથી નવો પલટો આવ્યો. નવા અવતારની લહરી વાઈ ગઈ. જે દીવાલો વટાવીને એ મૂંઝાયેલો પ્રાણ મહાસાગરે ઊંડી જવા માગતો હતો, તે દીવાલો અદૃશ્ય બની. પંખીનું પિંજર તૂટી ગયું. આસપાસ જીવનની નિઃસીમ વિશાલતા દીઠી. એનો આત્મા બોલી ઊંઠ્‌યોઃ "દાક્તર! વહાલા! બધું જાણે બદલી જાય છે."

જહાજની ઝાલર ફરીવાર ગુંજી ઊંઠી. ભૂરા વાળ અને વાદળી આંખોવાળો વિદેશી અનિમેષ નેત્રે ઊંભો હતો. તેણે કહ્યુંઃ "દરિયાપરી, સાંભળો છો? છેલ્લો ઘંટ વાગી ચૂક્યો. ચાલો!"

એરણ પર હથોડો પડે એવી મક્કમ વાણી કાઢીને જલદેવી એ વિદેશી પ્રિયતમની સામે સ્થિર દૃષ્ટિએ બોલીઃ "આ બધી વાત પછી તો હું કદી તમારી સાથે નહિ આવું."

"નહિ આવો?"

"ના, ના..." કહેતી જલદેવી દાક્તરને બાઝી પડી. "હું તમારાથી અળગી નહિ થાઉં. હવે શા સારૂ જાઉં?"

દાક્તર ચકિત બની ગયા. "જલદેવી! દેવી!"

વિદેશીએ છેલ્લી વાર પૂછી જોયુંઃ "બસ, બધું ખતમ થઈ ગયું ને હવે તો?"

"બસ, બધું જ ખતમ -"

"હાં, સમજ્યોઃ મારી ઈચ્છાના બળ કરતાં વધુ બળવાન કોઈક તત્ત્વ અહીં લાગે છે."

"તમારી ઈચ્છાનો હવે મારા મન પર છાયામાત્ર પણ કાબૂ નથી રહ્યો. તમે મારા મનથી કે’દાડાના મૂએલા માનવી સમાન છો. એ મૂએલનું પ્રેત જાણે કે સમુદ્રેથી ઘેર આવેલું તે આજે પાછું ચાલ્યું જાય છે. હવે મને તમારૂં ભયંકર ખેંચાણ રહ્યું નથી. તમારૂં વશીકરણ પૂરૂં થઈ ગયું."

"તો છેલ્લા પ્રણામ, દરિયાપરી!" વિદેશી વાડય વટાવીને બહાર ઊંતરી ગયો. ત્યાંથી બોલ્યોઃ "આજથી તમે પણ મારા જીવનમાં કોઈ ડુબેલા વહાણ સમ બની રહેશો. ને હું જાણે કે એ વહાણમાંથી ઊંગરી આવેલ મુસાફર છું એમ સમજીને જીવન પૂરૂં કરીશ." એટલું કહીને વિદેશી ચાલી નીકળ્યો.

દાક્તરથી હજુ જાણે કે મનાતું નથી કે શું સાચું છે, "જલદેવી! દરિયાના ભરતી-ઓટ જેવા જ જુવાળ તારા હ્ય્દયમાં ચડે-ઊંતરે છે. આ પલટો ક્યાંથી આવ્યો?"

"પલટો આવ્યા વિના રહે જ કેમ? મુક્ત બનીને, પૂરેપૂરા છુટકારાની દશામાં પસંદગી કરવાની આવી ખરી ને!"

"ત્યારે શું તને એ અગમ સૃષ્ટિ આકર્ષતી નથી?"

"નથી એ આકર્ષતી, કે નથી બિવરાવતી. એના વશીકરણને અધીન જો મારે થવું હોત તો હું ચાલી જાત, એમાં દાખલ થઈ જાત. પણ એનો આધાર મારી પસંદગી ઉપર હતો. માટે જ હું આખરે એને ફેંકી દઈ શકી."

"હવે હું સમજી શક્યો છું, દેવી, કે તારા અંતરમાં આ સમુદ્ર માટેની ઝંખના, આ અજાણ્‌યા પરદેશી પ્રતિનું ખેંચાણ, આ તલખાટ અને વેદના - બધાં માત્ર સ્વતંત્રતા માટેના જ વધતા જતા પછાડા હતાઃ બીજું કશું જ નહોતું."

"એ તો હું નથી જાણતી. પણ, ઓ વહાલા દાક્તર, તમે આજે મારા રોગની સાચી પરખ કરી. તમે મારા ખરા વૈદ્ય બન્યા. તમે છેવટનો ઉપચાર કરવાની હિંમત બતાવી."

"હા, છેલ્લામાં છેલ્લી અણીને ટાણે, ખરા સંકટની ઘડીએ અમે દાક્તરો દરેક જાતનું જોખમ ખેડી જાણીએ છીએ. એ તો ઠીક, પણ હવે, દેવી, હવે ફરીવાર શું તું મારી નજીક આવી રહી છે?"

"સાચે જ હું તમારી ગોદમાં આવી પહોંચી છું, આવી શકું છું; કેમકે હવે તો મુક્ત બનીને, મારી જવાબદારી સમજીને આવી છું."

"જલદેવી! મારી દેવી!" પત્નીના મુખની સુધાને તૃષાતુરની પેઠે પી રહેલી એની દૃષ્ટિ કોઈ જલચરની લાંબી ડોકની માફક લંબાઈ ગઈ હતીઃ "સાચે જ શું હવે આપણે પરિપૂર્ણપણે એકબીજાંને સારૂ જીવી શકશું? પરસ્પર, એક અણુયે જગ્યા અન્ય કોઈને માટે ન રહે એવી રીતે જીવનને ભરચક કરી લેશું?"

"ચોક્કસ, ભૂતકાળનાં સંભારણાં પણ આપણાં બન્નેનાં સજીવન રહેશે. તે આપણાં સંતાનોને -"

"આપણાં! ખરેખર શું તું એને આપણાં કહી શકે છે?"

"હું એને મારાં કરી લઈશ, એનાં દિલ જીતી લઈશ."

"હવે શું બોલી શકાય!" એટલું કહીને દાક્તરે સ્ત્રીના હાથ પોતાની આંખે અડકાયા. ત્યાં તો ફરતી ફરતી દીકરીઓ માસ્તર સાહેબની સાથે આવી પહોંચી. તેઓના વાર્તાલાપમાંથી ગળાઈને તૂટક શબ્દો આવતા હતા કે, "બસ, આ વર્ષે તો આ વિદેશી જહાજની છેલ્લી સફર છે. ઉનાળાનો આપણો આનંદ ઊંડી જશે. બા પણ પિયર ચાલ્યાં જશે."

"ના ના, બચ્ચાંઓ!" દાક્તરે હર્ષ-ગદ્‌ગદિત બની સંભળાવ્યુંઃ "હવે અમે વિચાર બદલ્યો છે. બા હવે નથી જવાની; અહીં જ રહેશે."

"સાચેસાચ શું, બા!" કહેતી નાની પુત્રી, વાત્સલ્ય-ઝૂરતા હરણ-બાળ જેવી, નવી બાના મોં સામે તાકી રહી. "તમે અહીં અમારી સાથે જ રહેશો, બા?"

"હા, બેટા, તમે મને રાખશો તો હું રહીશ."

"જો તો! કેવું પૂછે છે બા! તમે રાખશો તો!" નાની પુત્રી હસતા હોઠ ઉપરથી આંસુની ધારા વહી જતી હતી.

"આ તો આશ્ચર્યની વાત!" માસ્તર સાહેબ જોઈ રહ્યા.

જલદેવીએ હસીને કહ્યુંઃ "માસ્તર સાહેબ! એ તો એવું છે કે એક વાર પૃથ્વીને તીરે ફેંકાઈ ગયા પછી જળનો જીવ જળમાં પાછો પહોંચી શકતો નથી. દરિયાની માછલી હોય તો તરફડી મરે છે, પણ માનવી હોય તો ધરતીમાં ઘર કરી ધીરે ધીરે પૃથ્વીના જીવનને ટેવાઈ જાય છે - જો સ્વતંત્ર મનથી નક્કી કરે તો."

"ને - જો પોતાના શિર પર જવાબદારી લઈને કરે તો." દાક્તરે હસતાં હસતાં ઉમેર્યું.

"સાચું કહ્યું." એટલું કહી જલદેવીએ સ્વામીનો હાથ ઝાલ્યો. દીકરીઓ બાના પડખામાં લપાઈ ગઈ. બધાં ઘરમાં ચાલ્યાં.

પરદેશી જહાજ નિઃસ્તબ્ધ ગતિથી મોટા દરિયા તરફ ચાલ્યું જતું હતું. સૂતેલા સમુદ્રજળ જાગતાં હતાં. આસમાની આંખોવાળો વિદેશી વિચારિ રહ્યો હતો કે આ તારાઓ પણ શું કોઈ ભાંગેલી, ડૂબેલી નૌકામાંથી બચી નીકળેલા મુસાફરો જ હશે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED