નિરીક્ષકની નજરે... Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિરીક્ષકની નજરે...

નિરીક્ષકની નજરે...

શિયાળાની શરૂઆતી ઠંડી વાતાવરણમાં આગમનના ડોકાચ્યા કરી રહી હતી. પુસ્તક લઈને મેં બાલ્કનીનો દરવાજો ખોલ્યો. સવારના હૂંફાળા તડકાની સોનેરી ચાદર આખી બાલ્કનીમાં પથરાઈ ચમકી ઉઠી હતી. દરરોજ હું દિવસની શરૂઆત વાંચનથી કરું. એટલે ખુરશી ઢાળીને હું પુસ્તક વાંચવા બેઠો, ને ઘરનો ઝાંપો કોઈએ ખોલ્યો. મેં ઉપર બેઠે બેઠે ઈંગલમાંથી નીચે નજર નાખી. મમ્મી તપેલીમાં એંઠવાડ અને રાતની વધેલી ચારેક રોટલીઓ ચાટમાં નાખવા જતી હતી. મમ્મીએ ચાટમાં એંઠવાડ વેડી બાજુના ઓટલા પર રોટલીઓ મૂકી. રોજ ભૂરી દોડતી પૂંછડી પટપટાવતી સમયસર આવી જતી. પણ ભૂરીએ એ દિવસે દેખાડો ન દીધો ! ભૂરીને બોલાવા લે તું તું તું તું.... નો આલાપ પણ ગાયો. બાલ્કનીમાં બેઠા બેઠા મને જરાક નવાઈ લાગી. ખુરશીને અઢેલી પીઠ ટટ્ટાર થઈ. મમ્મીએ ભૂરીની દરરોજની સુવાની જગ્યાએ જઈને નજર ફેરવી જોઈ –––

મમ્મી ઝાંપો ખોલીને અંદર આવી. મેં ઊભા થઈ જિજ્ઞાસાવશ ભૂરી વિષે પૂછ્યું. મમ્મીએ મને ભૂરી વિષે કહ્યું. એની વાત સાંભળતા જ મને તો તરત જ ગલૂડિયાં જોઈ આવવાની ઈચ્છા સળવળી ઉઠી. મેં ક્યારેય નવા જન્મેલા નવજાત ગલૂડિયાંઓને જોયા નહતા. ખાલામાં જન્મેલા ગલૂડિયાં જોવાની ઉત્કંઠા અંદર જોર કરવા લાગી. મેં પુસ્તક ખુરશીમાં મૂક્યું. મારા પગની પાનીઓ નાના ગલૂડિયાં જોવાના ઉત્સાહમાં ઊછળતી ઝપાટાભેર ઝાંપા બહાર પહોંચી ગઈ.

ગલૂડિયાં જોવા બાવરી બનેલી મારી નજર ખાલાના છેક ખૂણામાં સ્થિર થઈ. ભૂરીએ ખાડો કરીને પાથરેલા કોથળામાં ટૂંટિયું વાળી આડી પડી હતી. વિયાયેલી ભૂરીએ જાણે હમણાં જ ગલૂડિયાંઓને જન્મ આપ્યો હોય એવા સાવ નાના-નાના દેખાતા હતા. બે કાળા-ધોળા ને ત્રણ કથ્થાઇ એમ પાંચ ગલૂડિયાંને જન્મ્યાં હતા. હજુ એમની આંખો પણ ખૂલી નહતી. મીંચેલી આંખોએ જ એની માંના પેટે લપાઈને ધાવતા હતા. ઝીણેરો બચ્ચાઓનો આર્તનાદ અને એકબીજા સાથે અડોઅડ ઝૂંમખામાં લપાઈને પડેલા હતા. એક જ હાથની હથેળીમાં આખા આવી જાય એવા સાવ નાનેરાં ગલૂડિયાંઓની આછેરી ગુલાબી ત્વચા કોમળતાથી લપેટાયેલી હતી. ભૂરીના ચાર પગ વચ્ચે જાણે એની આખી દુનિયા ઝૂંમખામાં ધક ધક... ધક ધક... ધબકતી અને ધાવતી ઝળુંબી રહી હતી. પાંચેય ગલૂડિયાં નજર પડતાં જ ગમી જાય એવા નયનરમ્ય હતા. મનમાં કુણી કુણી લાગણીઓની કૂંપળો ફૂટવાં લાગે. ગલૂડિયાં રમાડવા મન ઓગળીને રેલો થઈ જાય. હાથની આંગળીઓ ગલૂડિયાંઓને ઊંચકી લઈ હાથમાં રમાડવા તલસવા લાગે. પણ ભૂરી તો એની ડોક ઊંચી કરીને એકધારું અપલક નજરે મને તાકી રહી હતી. જાણે કહેતી હોય ; જતાં રહો અહીંથી... અત્યારે મારા બચ્ચાઓને હાથ નહિઁ અડકાડવાનો ! પછી હું ત્યાંથી નીકળી વાંચન માટે મારી જગ્યાએ ગોઠવાઈ ગયો.

ગલૂડિયાંઓને લૂમખાં પડેલા જોઈને એ દિવસે મારી ‘ગલૂડિયાં જોવાની’ મહેચ્છા સંતોષાઈ. એ નાનેરાં ગલૂડિયાંઓ એની માંને કેવો ઝીણેરો મીઠો આર્તનાદ કરતાં-કરતાં ધાવતા હતા. એમનું એ રમણીય ચલચિત્ર ક્યાર જો સુધી મારી આંખ આગળ રમે ગયું. મારું મન વિચારવા લાગ્યું ; હવે તો થોડાક દિવસોમાં બચ્ચાઓ સોસાયટીમાં દોડાદોડ કરતાં થઈ જશે. એની માં જ્યાં જશે ત્યાં એની પાછળ પાછળ પીછો કરતાં થઈ જશે. ધાવવા એની માની પાછળ ભૂખ્યા થઈ ભાગમભાગ કરશે. એકાદ પ્યારું બચ્ચું ઉપાડીને હું ઘરમાં રમવા લેતો આવીશ. એવા બાલિશ વિચારો મનમાં ગૂંથવા લાગ્યો.

નાના-નાના ઉંબરા કુદવાનું શિખવીશ. નહીં ચડી શકે તો પાછળ હળવો ધક્કો આપીશ. પણ ધક્કો અડતાં જ તો બિચારું સંતુલન ખોઈ ઢબકી પડશે...! એ પાછું એની મેળે ઊભું થઈ રમવા લાગશે. ફરીથી એની મજામાં નાનકડા પગના બચુકડા બચુકડા ડગ ભરતું દોડવા લાગશે. ઈચ્છા થાય ત્યારે ઝાંપા નીચેની જગ્યાએથી લપાઈને અંદર દોડ્યું આવશે. કટોરામાં મુકેલું દૂધ પૂંછ પટપટાવતું પીશે. દૂધ પીતાં-પીતાં હું એના સુંવાળા નાના માથા હાથ પસવારી વ્હાલ કરીશ. એ આંખો મીંચી નિરાંતે દૂધ ચાટીને પી જશે. પાછું તાજું-માજુ થઈ ઝાંપા નીચેથી સરકીને એમની ટુકડીમાં ગેલ-ગમ્મત કરવા ચાલ્યું જશે. ગલૂડિયાં રમાડવાની ઘેલછામાં રગદોળાતા મનની તંદ્રા અવસ્થા મોબાઇલમાં મેસેજની ટોન વાગતા તૂટી. મનના ખ્યાલોમાંથી વર્તમાનની પળમાં પાછો ધકેલાઇ આવ્યો. ખોળામાં બેઠેલું પુસ્તક મારી રાહ જોઈ રહ્યું હતું. પુસ્તક ખોલી હું પાછો એક બીજી દુનિયામાં ડૂબકી મારી ખોવાઈ ગયો.

પચ્ચીસેક દિવસ પછી તો પાંચેય ભાઈ-બહેનોની ટુકડી એની માંની પાછળ દોડતી થઈ ગઈ. એની માં જ્યાં જાય એની પાછળ પાછળ એ પાંચની લંગરસેના ઠેકડા મારતી હોય. ભૂરી દોડતી દોડતી ઊભી રહે એટલામાં તો પાંચેય એની માંને ધાવવા આંબી જતાં. બે પગ પર સંતુલન બનાવી ઊભા થવા અને ધાવવા મથતા. હજુ ધાવવા મળ્યું જ હોય ને એની માં દોડી જતી. પાછી એ લંગરસેના બચુકડા ઠેકડા ભરતી પાછળ દોડી જતી. એની માં ઊભી રહી સહેજવાર પાછલા પગથી ગળે ખંજવાળે એટલામાં બધા ધાવવા પડાપડી કરતાં. કુદરતે કેવી સૂઝ-બૂઝ દરેક પ્રાણી માત્રમાં મૂકી છે કે એમની માંને ક્યાં ધાવવું અને કેવી રીતે ધાવવું. બચ્ચા એની માંને ધાવવા હજુ માંડ પગ ઉપર ડગુમગુ ઊભા રહી માંડ ધાવવા મળ્યું જ હોય ત્યાં વળી ભૂરી દોડી જતી. બિચારા ભૂખ્યા ગલૂડિયાંઓને ધાવવામાં ભંગ પડાવતી અને રખડાવી-રબડાવી ટલ્લાવ્તી. બેએક તો થાકીને બે પગ ઉપર ઉભડક બેસી હાંફવા લાગતા. ધાવવાની ભૂખ જોર કરતા પાછા બચુકડા ઠેકડા લગાવી દોડવા લાગતા.

મને ભૂરીને જોઈને મનમાં થોડોક અણગમો ખૂંચ્યો. આવી માં કે એના ભૂખ્યા બચ્ચાઓને ધાવવા રબડાવે-રખડાવે છે ! બિચારા ધાવવાની દોડમાં દોડતા-દોડતા ગબડી પડે. થાકીને ઠુસ્સ થઈ જાય. હજુ માંડ માંડ ચાલતા શીખ્યા છેને બિચારાઓને ભૂખ્યા રાખી થકવાડે છે ! આ બચ્ચાઓને ધાવવાની લોભામણીનું દ્રશ્ય હું દરરોજ બાળજિજ્ઞાસુ દ્રષ્ટિએ નિરીક્ષણ કરતો.

દસેક દિવસ પછી મેં જે જોયું એ જોઇને હું ભૂરી વિષે કરેલી ધારણામાં ખોટો પડ્યો. હું જોઈ રહ્યો હતો કે પાંચ ભાઈ-બહેનોમાંથી ચાર ગલૂડિયાંઓ દોડીને તરત જ એની માંને આંબી જતાં. બે પગે સંતુલન બનાવી તરત જ ધાવવા લાગતા. એક પાંચમુ હતું એ ઠેકડા મારી બે પગ ઊંચા કરી ધાવવા જતું ને ધબ્બ દઈને ભોંય પડી ગુંલાટી ખાઈ જતું. છતાંયે ધાવવાના સતત પ્રયત્નો કરતું રહેતું. માંડ થોડુક ધાવવા મળ્યું હોયને પાછી એની માં દોડી જતી. આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે, એક મહિના પહેલા પાંચમાંથી એક પણ એની માંને ધાવવા સક્ષમ નહતા. ત્યારે બે પગે સંતુલન બનાવી ઊભા રહેવાનું નહતા શીખ્યા. હવે એક માહિનામાં ચાર ગલૂડિયાંઓ તો સરળતાથી તરત જ સંતુલન બનાવી ધાવવા માંડતા. ભૂરી એના ગલૂડિયાંઓને પોતાની રીતે સક્ષમ અને બહારની દુનિયામાં પગ મુકવા માટેની તાલીમ આપી તૈયાર કરી રહી હતી. દોડવા-કુદવા પગમાં જોમ ભરી રહી હતી. ખરેખર, ભગવાને તાલીમ આપવાની કેવી અદભુત અક્કલ પ્રાણીઓમાં મૂકી છે !

એક મહિનાની અંદર તો ગલૂડિયાં એકબીજા પર ચડીને ધમાલ કરતાં. એકબીજાની પૂંછડી મોઢામાં દબાવી ખેંચતા. ગળા ને મોઢા ઉપર બચકાં ભરતા. બધા સાથે ટોળાંમાં સૂતાં. કોઈ ગલૂડિયું બિચારું ભર ઊંઘમાં સૂતેલું હોય એની ઉપર માથું મૂકી જાણે એનું ઓશીકું હોય એમ સમજી બિંન્દાસ ઊંઘતા. એકવાતનું મને વિસ્મય થતું. પાંચેય ભાઈ-બહેન એકબીજા સાથે બાઝાબાઝીએ આવી જતાં હોય ત્યારે જરાય અવાજ નહતા કરતાં. એકદમ મૌન રહીને ઝઘડતા. સ્થળ-જગ્યાનું પણ ભાન રાખ્યા વિના. બસ દોડાદોડ અને કૂદાકૂદ... આમથી તેમ... ક્યારેક ભૂરી ખાવા માટે ચાટમાં ગઈ હોય કે ઓટલા સૂઈ ગઈ હોય ત્યારે તો ગલૂડિયાં ઝઘડતા ઝ્ઘડતા એમના સુનિશ્ચિત કરેલા ઇલાકાની પણ બહાર નીકળી જતાં. બીજી સોસાયટીના રખેવાળો આ ગલૂડિયાંને જોઈને ભસતાં-ભસતાં દોડી આવતા. ભર ઊંઘમાં પોઢેલી ભૂરીને બીજા કુતરાંના ભસવાનો અવાજ કાને પડતાં જ કાન સરવાં કરી સતેજ થઈ જતી. એના બચ્ચાઓ સુરક્ષિત છે કે નહિં એ જોવા સડ્ડાકાભેર દોડી જતી. બીજા ઇલાકાના કુતરા ભસતાં જાણે કહેતા હોય કે ; આ અમારો ઇલાકો છે... તમારી હિંમ્મત કઈ રીતે થઈ અમારા ઇલાકામાં પગ મૂકવાની...! લઈ જાવ તમારા ટાબરિયાંઓને અહીંથી.... ભાઉં.... ભાઉં.... ભાઉં.... ભસતાં-ભસતાં વાતાવરણમાં ધૂળ ધૂળ કરી મૂકતાં. કુતરાઓનો પણ કેવો સ્વાર્થ : આ અમારો ઇલાકો છે ને પેલો તમારો. પોતપોતાના ઇલાકામાં જ રહેવાનુ...! ઘુસણખોરી નહીં કરવાની...! કુદરતે આ ‘તારા-મારાનો’ સ્વાર્થ દરેકનામાં મૂક્યો હશે...! કે એમણે ખુદ ઊભો કર્યો હશે...!

ખેર, કુતરાઓ પોતપોતાના ઇલાકામાં ઊભા રહી ઊભી પૂંછડી કરીને રોફ જમાવતા ભસતા રહે.... અને પેલા ગલૂડિયાંઓ તો એમની માંને ઝઘડતી કરી મૂકી પાછા એમની બાલિશ મસ્તીમાં લડવા-ઝઘડવા લાગ્યા હોય. એમને તો ઇલાકો કે બિલાકો એની શું માલુમ હોય...! એતો મોજમાં લડતાં-ખેલતા જ્યાં પહોંચ્યા એ ખરું... કંઈ થાય તો એની માં તો દોડતી બચાવા આવી જ જવાની છે ને...! આવો વિશ્વાસ કે ખ્યાલ કદાચ અંદર ખાને એમને રહેતો જ હશે...! વળી બે ગલૂડિયાં તો એની માં જેવા જ. સામા થઈ જાય પાછા. જાણે કહેતા હોય ; મારી માંને તું ભસે છે...! આવા અણસમજ ગુસ્સામાં આવી જોર કાઢીને મીઠું મીઠું રમુજીક લાગે એવું ભસે બાઉં... બાઉં... બરોબર ભસતા ન આવડે એટલે પાછા એની માં સામે જોઇ એની જેમ જ નકલ ઉતારી સામેના કૂતરાને ભસે. હાઉં... હાઉં... બાઉં... હાઉં... આખરે કોઈકનો પિત્તો ખસે એટલે છુટ્ટી લાકડી રમરમાવતી પડે એટલે ટુકડી વેરાવા લાગે, પછી જ એમની દુશ્મની છૂટી પડે.

જ્યારે લાકડીનો ઘા વાગે ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દાબી દે. ભોંઠા પડી દબાતા અવાજે પોતપોતાના ઇલાકામાં સરકી જાય. ધીરે ધીરે દબાયેલી પૂંછડી બહાર નિકાડી ગોળ આંટીવાળી રૂવાબથી ચાલવા લાગે. એની માંના પક્ષમાં પેલા બે લડવૈયા ગલૂડિયાં એની માંની પાછળ પાછળ બચુકડા ઠેકડા ભરતા દોડતાં હોય. ગલૂડિયાં એની માંની ઊંચી વળેલી પૂંછડી જોઈને જો પોતાની પૂંછ નીચે ઉતરી ગઈ હોય તો સડ્ડાક્ક... દઇને ઊભી કરી દેતાં. જાણે એમની માંને જોઈને એમના જીવનની આંટીઘૂંટીઓ શિખતા હોય.

દરરોજ આખી બપોર ભૂરી અમારા સામેના ઓટલા પર મીઠી નીંદર માણતી સૂઈ રહેતી. ભૂરી આડી પડતાં જ બધા ભાઈ-બહેન એકસાથે ધાવવા તૂટી પડતાં. જે પોચું હોય એ બિચારું ધક્કા ખાતું-ખાતું છેક આઘું હડસેલાઇ જાય. એની માના સ્તનને ખોળતું-ખોળતું બધા વચ્ચે ગુસ પણ મારવા જાય. પણ ફાવતું નહિઁ. છેવટે એની માના ગળાને ચાટવા લાગતું, એમની ભાષામાં કશુંક કહેવા જતાવતું. એની માં આગળના બે પગ વધુ આગળ ખેંચી શરીર ખેંચતી અને વધુ આરામથી ઓટલા પર એનું ભરાવદાર શરીર પાથરતી. દબાઈ ગયેલું ગુલાબી સ્તન નજરે ચડતાં જ ધાવવા હરખઘેલું થઈ કૂદી પડતું. પછી બધા જ ભાઈ-બહેન એકમગ્ન થઈ ધરાઈને ધાવતા. ધાવતા ત્યારે બધા ગલૂડિયાંઓ એમની નાનકડી રુંવાટીદાર પૂંછડીઓ સતત પટપટાવે જતાં. એ અદભુત દ્રશ્ય જોઈને મારા અંદર કુણી-કુણી લાગણીઓના અંકુર ફૂટતાં. સહાજીકપણે હોઠ પર સ્મિત તરી આવતું. કુદરતની રચના પર વારી જવાનું મન થઈ જતું. મનમાં કુદરત સાથે સંવાદ થતો : ભગવાન ! કેવી ગજબની અનોખી રચના તે ઘડી છે...! જો માણસની દ્રષ્ટિ ખૂલી જાય તો હરેક જગ્યાએ તારા જ દર્શન થાય છે. મૂરખ મનુષ્ય માત્ર મંદિરોમાં જ તારા દર્શન કરવા તાકી બેઠો છે, પગથિયાની ઠોકરો ખાઇ, માનતાઓ માની પોતાના માથાં ફોડે છે. કુદરતે જ ઘડેલા જીવોને મનુષ્ય તુચ્છકારે છે, જ્યારે તું તો બધામાં સતત હર પળે ધબકતો જીવતો ફરે છે. તારા આ જીવંત ધબકતા સ્વરૂપને હડધૂત કરી તને ઘર આંગણેથી તગેડી મૂકે છે. અને મંદિરમાં મૂકેલા પથ્થરને લાખો-કરોડો ચડાવી રિશ્વતનો ગુલાલ ચડાવે છે. મનુષ્યમાં આટ-આટલી બુધ્ધિસમજ મૂકી છતાં હર પ્રાણી માત્રમાં તારા દર્શન કરવાની દ્રષ્ટિ એ કેળવી ન શક્યો. કેવો ઊંધો મનુષ્ય અને એના ઉંધા એના કારસ્તાનો..!

ખેર, ભૂરી એમના બચ્ચાઓને ધવડાવી મીઠી નીંદરમાં પોઢતી. ગલૂડિયાંઓ પેટ ભરી ધરાઈને ધાયા પછી સુવાનું તો એમના લીસ્ટમાં હોય જ ક્યાંથી..! પાંચેય ભાઈ-બહેનો પાછા એમની મૌન મસ્તીમાં ખોવાઈ જતાં. ગેલભરી ગમ્મતમાં ખેલતા-રમે જતાં. ક્યારેક એમની માં ઉપર ચડી જતાં. ભૂરીની ઊંઘમાં ખલેલ પડતાં જ એમના બચ્ચાઓને ભસીને ધમકાવતી જાણે કહેતી હોય ; સાલા મસ્તીખોરો...! જાઓ અહીંથી... ઘડીકભર તો તમારી માંને રાહતનો શ્વાસ ખેંચવા દો... જાઓ દૂર જઇ ટળો અહીંથી... મારા ઉપર ચડી જો ઊંઘ બગાડી છે તો ખબર છે તમારી... ભાઉં... ભાઉં... અને ગલૂડિયાં દુમ દબાઈ ભાગી જતાં. સોસાયટીમાં પડેલાં કોઈના સ્કૂટર કે ગાડી નીચે પેસી જઇ ધિંગામસ્તી કરતાં.... એમને નિખાલસ ખેલતા જોઈને હું વિચારતો : અત્યારે આ જે નિર્દોષતાથી એકમેક જોડે જેવા રમે છે, એવી એમની નિર્દોષતા મોટા થાય ત્યારે કેમ કરડાકીમાં ફેરવાઇ જતી હશે...! એકબીજા ઉપર રોફ જમાવી પોતે જ આખી ટુકડીનો ‘એક્કો’ એવા અહમની પુંછ ક્યાંથી ઊગી નીકળતી હશે...?

ભૂરી જ્યાં જતી એની પાછળ-પાછળ નાનકડા ડગ ભરતા ગલૂડિયાં દોડતા. એકાદ તો પહેલા રહેવાની હોડમાં વધુ જોર લગાવી પહેલા થવાની મથામણમાં રહેતું. દોડતા દોડતા પાછળ વાળીને જોવા જાય ને એના નાનકડા પગને ઠેસ વગતા જ ગડથોલું ખાઈ ગબડી પડતું. બધા કરતાં સાવ છેલ્લું થઈ જતું. પાછું ઊભું થઈ જતું. ભદાળું શરીર ખંખેરી ધૂળ ખંચેરી કાઢતું. ફરી પહેલું થવાની હોડમાં ઠેકડા મારતું દોડવા લાગતું.

કેવી એમની નિખાલસતા...! કેવી મનની શુધ્ધતા...! કેવી નિર્ભેળ નિર્દોષતા...! ‘મારુ-તારું’ એવું મનમૂળમાંયે નહિઁ. કોઈનું જડેલું ચામડાનું ચંપલ લેવા ખેંચા-તાણી કરતાં હોય, ને ક્યાંક પવનથી ઝભલું ઉડતું આવી જતું. પછી તો આખી ટોળકી પેલું ચંપલ ત્યાં જ છોડી મૂકી ઝભલાને પકડવા પાછળ દોડ લગાવતા. દોડતા-દોડતા ક્યાંયના ક્યાં પહોંચી જાય. થોડાક સમજણા થયા પછી તો એ બીજા ઇલાકાના કુતરાને ભસતા જોઇને જ ગભરાઈ આકુળવ્યાકુળ થઈ જતા. એમની હવામાં લહેરાતી નાનકડી રુંવાટીદાર પુંછ ડરને માર્યી બે પગ વચ્ચે દાબી દેતા. ઝભલું પકડવાનો વિચાર ત્યાં જ પડતો મૂકી દઈ ત્યાંથી જ વળતાં પગ કરી એમની માંની સોડમાં લપાઈ જવા રફુચક્કર થઈ જતાં.

(નિરીક્ષકે ઘર આંગણેની વાસ્તવિક દુનિયાનું બિલકુલ સચોટ વર્ણન માત્ર અવલોકનશક્તિથી કર્યું છે. આપણી આસપાસ કેટલાયે જીવો એમની નાનકડી દુનિયા બનાવી મોજથી જીવતા હોય છે. એમની એ નાનકડી દુનિયામાં આ નિબંધ એક ડોકિયું (peek) છે. કુદરતના અદભુત સર્જન જોવા શબ્દોને બિલોરી કાચનું સ્વરૂપ આપી તમારી સમક્ષ ધર્યું છે.)

*****

લેખક – Parth Toroneel