ખીલતી કલી Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખીલતી કલી

ખીલતી કળી..

શાંતિ કાકાને માથે આભ તૂટી પડ્યું. એકનો એક પુત્ર અને પુત્રવધૂ પ્લેન દુરઘટનામાં મૃત્યુ પામ્યાં. વહાલાં પૌત્રને છાતીએ વળગાડી અગ્નિદાહ અપાવ્યો.સગાસંબંધીઓની લાગણીની ભરતીમાં ઓટ આવવા લાગી. પંદર દિવસમાં શાંતિકાકાનું ઘર સૂના પડેલાં કિનારા જેવું થઈ ગયું.પૌત્રે ગજબ પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત કરીને નિયમિત શાળાએ જવા લાગ્યો.ઘરમાં સહજતા ફરી વળી. ઘરમાં પૌત્ર હોય ત્યારે તો પુત્ર શોકની વાતો કોઈ ન કાઢતું હતું. શાંતિકાકા અને શાંતિકાકીએ પૌત્રને સહજતાથી ઉછેળ કરવા લાગ્યાં.પંદર દિવસમાં તો શોક નામનું આવરણ ઘરમાંથી દૂર કરીને પૌત્ર હરશીલની ભાવતી વાનગી મીઠાઈ અને ફરસાણ બનાવવાં લાગ્યાં.જાણે કશું બન્યું નથી એમ એની સાથે બેસીને ખવરાવતાં અને ભારે હૈયે ખાતાં હતાં.

શાંતિકાકા અને શાંતિકાકીની નજર સામે લટકતાં કેલેન્ડર પર ચોંટી રહેતી હતી.અઠ્ઠાવીસ ફેબ્રૂઆરી. હરશીલનો જન્મદિવર હતો. કેમ કરીને કહેવું કે બેટા તારો જન્મદિવસ આપણે આ વરસે નહીં પણ આવતાં વરસે ધામધૂમછથી ઉજવશું.

પુત્રને મૃત્યું પામ્યાને હજુ માંડ વીસ દિવસ થઈ રહ્યાં હતાં.પુત્રે તો બેમહિનાં પહેલાં જ જન્મદિવસ કેવી રીતે ઉજવવો તે નક્કી કરી લીધું હતું. કાકાકાકી અંદરને અંદર મૂંઝાઈ રહ્યાં હતાં. પણ આ મૂંઝવણનો ચમત્કારીક અંત આવ્યો! જ્યારે તેઓ ઘરે આવ્યાં ત્યારે તેમને જોયું કે અઠ્ઠાવીસ તારીખ પર લાલ સ્કેચ પેનથી ચોકડી મારેલી હતી!

શાંતિકાકા એકીટશે લાલરંગની કેલેન્ડર પરની નિશાની જોઈ રહ્યાં હતાં. હરશીલ તેમની બાજુમાં આવીને ઊભો રહ્યો,પણ શાંતિકાકાને ધ્યાનમાં જ ન આવ્યું. " દાદા શું જોઈ રહ્યાં છો? "

"બેટા, આ લાલ ચોકડી. કોણે મારી?"

"કેમ દાદા એમ પૂછો છો?"

"પણ કહે તો ખરો, આ ચોકડી કોણે મારી?"

" દાદા, મેં મારી."

" કેમ?"

"તમને ખબર નથી?"

"શું?"

" શું દાદા તમે પણ"કહી હસવા લાગ્યો.

" કેમ, બેટા તું હસી રહ્યો છે?"

" દાદા.મારો હેપી બર્થ ડે છે !"

" ઓહ.. પણ ચોકડી કેમ?"

" આ વખતે.., નો બર્થ ડે દાદા."

" કેમ બેટા?"

" દાદા,પપ્પા મમ્મીનો શોક છે ને ઘરમાં"

"તને કોણે કહ્યું"

" આપણાં માં હોય, મને ખબર છે. મારી ખુશી માટે તમે ખોટું ખોટું હસો છો. વગેરે વગેરે.નો સેલિબ્રેશન ઓફ માય બર્થ ડે દાદા."

" ના હરશીલ, આપણે તારો બર્થ ડે જરુર ઉજવશું.સાદાઈથી બેટા."

" નાજી.હું કાંઈ નાનો નથી.."

" એટલે શું? મોટો થઈ ગ્યો કે?"

હસતાં હસતાં દાદાએ પૌત્રને પૂછયું.

" દાદા મોટો તો નહીં, પણ સમજણો." કહીં બંને જણ પોતપોતાનાં વિચારોમાં સમયનાં ઉછળતાં પ્રવાહમાં ખેંચાતા ગયાં.

શાંતિભાઈ વારંવાર એમની પત્નીને કહેતાં કે હરશીલ માબાપનાં મૃત્યુ પછી સમજણો થઈ ગયો છે.ધીરગંભીર! બાળપણનાં તોફાનમસ્તી,જિદ્, નાદાનિયત જેવાં રંગો એનાં ચહેરા ઉપરથી જાણે કુદરતે છીનવી લીધાં છે.રંગીલી મોસમ પર માવઠું ફરી વળ્યું છે એવો એ'સાસ થતો હતો.

" શું વિૅચારમાં પડી ગયો,બેટા હરશીલ."

"દાદા,મેં દાદીને છાનાંછાનાં રડતાં જોયા છે અને તમને પાંપણો વચ્ચે આંસુ છુપાવતાં. શા માટે મારી જેમ મોકળા મને રડી નથી લીધું એકવાર!" કહી દાદાને જોઈ રહ્યો. " તમે મારો બર્થડે ઉજવશો પણ દાદીને યાદ આવશે એમનો દીકરો અને તમે અંદર ને અંદર ધીમા તાપમાં મકાઈની જેમ શેકાયા કરશો અને હું સુકાયેલા કિનારાની જેમ તમને જોયા કરીશ. એનાં કરતાં જેમ છે એમ ચાલવા દો".

શું જવાબ આપવો એ ના સમજાતાં એમણે કહ્યું કે જોઈશું.પત્નીને સમજાવ્યું કે તારું દુ:ખ હરશીલથી જોયું જવાતું નથી.પુત્ર કરતાં હયાત પૌત્રનું સુખ જોવું જરુરી છે. અકાળે એનું બાળપણ અસ્ત ન પામવું જોઈએ.હરશીલ પોતાનો જન્મ દિવસ ઉજવવા નથી માંગતો એમ કહ્યું ત્યારે એમની પત્નીએ કહ્યું કે એને બરાબર કહ્યું છે.શાંતિકાકા જોઈ રહ્યાં વિસ્મય ભરી નજરે અને ધીરેથી બોલ્યાં કે શું બરાબર છે? " આવતા વરસે ઉજવશું?"

" આવતું વરસ કોણે જોયું છે? " શાંતિભાઈ અશાંત મને બોલ્યાં. " તો શું તમે ઉજવવા માંગો છો? હજી તો પુત્રને મૃત્યુ પામ્યાને મહિનો પણ થયો નથી?"

"અને હરશીલ હજુ બાળ છે એ ના ભૂલો. જો તો ખરી,દસ વરસનો કળી જેવો છોકરો કેવો કરમાઈ ગયો છે! સમજદારીનાં ભારે એનું અકાળે બાળપણ છીનવી લીધું છે!" કહી શાંતિકાકા પરાણે સોફા પર બેસી તસ્વીર જોઈ રહ્યાં હતાં

" અને એક વાત સમજી લો કે માબાપ વગરનો છોકરો છે. દાદાદાદીનાં પ્યાર ની જેટલી જરુર છે તેટલી જરુર માબાપનાં ડાંટની પણ છે. માટે સમજીવિચારીને એનાં જીવનનાં શિલ્પી બનવાની જરુર છે.જેટલો વહાલો તમારો છે તેટલો વહાલો મારો છે સમજ્યાં.."

" ઠીક છે ,જેવી પ્રભુની મરજી." કહી છાપું વાંચવામાં મન પરોવ્યું.પણ ચેન ના પડ્યું. ઊભા થયા.પુત્રનાં રુમમાં ગયાં. ધીમેથી કબાટ ખોલ્યું. એક થેલામાં બર્થ ડે નો સામાન ભરી ખૂણામાં મૂકી દીધો,જેથી નજરમાં જ ન આવે!

એ રાત્રે શાંતિકાકીને પણ ઊંધ ન આવી.પડખાં ફેરવતાં રહ્યાં.ઊભા થયાં. દવાનો ડબ્બો ખોલ્યો. ઊંધની ગોળી કાઢી. સૂતેલાં પૌત્રને નિશ્ચિંત સૂતોલો જોઈ રહ્યાં.પાણીનાં ગ્લાસમાંનું પાણી લઈ ગોળી ગળી ગયાં.માળા ફેરવવા લાગ્યાં.આંખો ભારે થવા લાગી.પ્રભુને યાદ કરી સૂઈ ગયાં.

***

આજની સવાર અલગ પ્રકારની હતી.હરશીલનાં ચહેરા પર રોનક હતી.દાદાદાદીને પગે લાગ્યો.દાદીએ કંકુનો ચાંદલો કરી આરતી ઊતારી, છાતીએ વળગાડી આશિષ આપતાં કહ્યું કે દીકરાં હોંશિયાર બનજે.દાદાએ બચી ભરતાં કહ્યું કે સુખી થાજે. દાદાએ કહ્યું " આજે, હું તારી સાથે આવું છું શાળામાં "

" કેમ દાદા? "

" તારો બર્થ ડે છે , તારાં મિત્રોને ગીફ્ટ આપવાં "

"દાદા તમે તો સરપ્રાઈઝ આપી" હસતાં હસતાં હરશીલે કહ્યું.

સાંજે શાળા છૂટતાં જ મિત્રો સાથે વાતો કરતાં નીચે ઊતરતાં દરવાજા પાસે દાદાદાદીને જોતાં જ હરશીલ બૂમ પાડી ઊઠ્યો, " એય દાદાદાદી,તમે અહીં ક્યાંથી? " કહી વળગી પડ્યો.

" બેટા,સારો દિવસ છે,ચાલ મંદિરે જતાં આવીએ. " કહી રીક્ષામાં બેઠાં.

મંદિરેથી ઘરે પાછાં ફરતી વખતે કહ્યું કે આજે એનાં ક્લાસ ટીચરે તેમજ પ્રીન્સીપાલ સાહેબે અભિનંદન આપ્યાં હતાં.આજનો દિવસ આનંદમાં પસાર કર્યો હતો.ત્યારે દાદાએ કહ્યું, " હવે તને એક મોટી સરપ્રાઈઝ મળશે.!"

"રીયલી?" કહેતાં બંને જણનાં મોઢા જોવા લાગ્યો. " હા,સાચ્ચે જ; બંને જણ સાથે બોલી ઊઠ્યાં.

રીક્ષા ઘર પાસે ઊભી રહી. લિફ્ટમાંથી બહાર નીકળતાં જ તે આભો બની ગયો. એનાં ક્લાસનાં મિત્રો,ક્લાસટિચર,એને ધેરી વળ્યાં અને જન્મદિવસની વધાઈ આપતાં એને ઊંચકીને ઘરમાં લઈ ગયાં. . પછી તો ધમાલમસ્તી વચ્ચે કેક કાપી.એનાં મામાને જોતાં જ આશ્ચર્યમાં ડૂબી ગયો.એનાં મામાએ પૂછ્યું,' ભાણાભાઈ, કેવું લાગ્યું?" "મામા સરસ.પણ તમે ઓંચિતા?"

" ના, ભાણાભાઈ સરપ્રાઈઝ આપવાની હતી. તારી દાદીનો ફોન આવ્યો હતો. આ બધી તૈયારી તારા દાદીનાં કહેવાથી થઈ !"

" દાદી ક્યાં છે?" કહી આજુબાજુ જોવા લાગ્યો. " અરે, તૈયાર થવા ગઈ હતી. કેવી લાગું છું?" કહી તેને ઊંચકી લીધો અને ગોળગોળ ફરવા લાગ્યાં. અને તે જ વખતે મામાએ ડીજે ચાલું કર્યું.સૌ ઉમંગ આનંદથી નાચવા લાગ્યાં. ઉદાસી ભર્યું ઘર ફરી પાછું કિલ્લોલ કરતું થઈ ગયું. દાદાદાદી અશ્રુભરી નજરે હરશીલ ને ઝરણાં પેઠે ઉછળતો,કૂદતો જોઈ રહ્યાં જાણે કરમાયેલી કળી પર , વસંત પથરાઈ રહી છે મેધધનુષ્યનાં રંગો લઈને!

પ્રફુલ્લ આર શાહ