ભૂત બસ ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત બસ

ભુત-બસ

રૂટ નં ૫૦૭ નંબરની બસ સમ્રગ પશ્રિચમ ઝોન ના ડ્રાઇવરો અને કંડકટરો માટે ચર્ચા નો વિષય બની ચુકી હતી.બન્યુ એમ હતુ કે આ બસના કંડક્ટર દયાલજીને છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનુભવ થઇ ચુકયા હતા કે તે આ બસમાં કંડક્ટરગીરી કરવા બિલકુલ તૈયાર ન હતા.બસ નંબર ૫૦૭ શહેરથી છેટે આવેલા સરગાસણ ગામથી મુખ્ય ડેપો સુધીનુ અંતર કાપતી.સરગાસણથી તે બરાબર રાતના ૯:૩૦ વાગ્યે ઉપડ્તી,અને અગિયાર વાગ્યે બસ ડ્રાઇવર અને કંડક્ટર બસ ડેપોમાં જમા કરાવી ઘરે નીકળી જતા.રાતના આ રૂટમાં પેસેંજરો ખુબ ઓછા રહેતા.ડ્રાઇવર અને કંડક્ટરને ગપ્પા મારવા પણ અવકાશ રહેતો.આમ બસ છોડવા માટે કોઇ કારણ નહોતું પણ દયાલજી હરગીઝ તે બસમાં જવા તૈયાર નહોતા.દયાલજી નુ કહેવુ હતુ કે પાછા ફરતી વખતે સર્વોદય સોસાયટી નુ જે સ્ટોપ આવે છે ત્યાંથી બરાબર એક વૃદ્ધ આ બસમાં ચઢતા.બસ આ સ્ટોપે લગભગ ૧૦:૩૦ આસપાસ પહોંચતી.તે વ્યકિત ડેપોની આગળના સ્ટેંન્ડ સરદાર માર્કેટ ની ટીકીટ માંગત.એકદમ કર્કશ અવાજે “ મારું સ્ટેન્ડ કયારે આવશે ?” એમ વારંવાર પુછતા.આ સમયે લગભગ બસમાં કોઇ પેસેન્જર હોતા નથી એટલે દયાલજી નુ ધ્યાન તેમના પર રહે તે સ્વાભાવિક હતુ.દયાલજી નુ આગળ કહેવુ એમ હતુ કે “સરદાર માર્કેટ “ ના સ્ટેંન્ડ આગળ તે ધીરેધીરે બસમાંથી ઉતરતા અને બસ ઉપડે તેટલી વારમાં જ તે ગાયબ ! સરદાર માર્કેટ ના ચાર રસ્તા આગળ પળવારમાં તો તે જાણે હવામાં ઓગળી જતા.

બસ ડેપોના સુપરવાઇઝરે દયાલજી ને કૅન્ટીનમાં જ પકડ્યા.આ વાત સુપરવાઇઝર સુધી પહોંચી ચુકી હતી.તેમણે બઘા સામે ધુંઆફુઆ થતા દયાલજી ને કહ્યુ.

“ દયાલજી,તમારે આ રૂટ પર હજી મહિનો જ થયો છે.હું આવી બકવાસ વાત પર તમારો રૂટ બદલવાનો નથી.

“ હુ બકવાસ કરુ છું સાહેબ! મા-કસમ સાહેબ મારો એક-એક શબ્દ સાચો છે,પુછો આ વ્યાસના બચ્ચાને ? “ દયાલજી એ બસ ડ્રાઇવર વ્યાસને ઉદેર્શીને કહ્યુ.

“ હા,આ દયાલ સાચુ કહે છે.મને પણ એની વાત નો વિશ્ર્વાસ નહોતો પણ કાલે ! “ વ્યાસના ચક્ષુ પર કાલનો બનાવ તરી આવ્યો.

“ પણ કાલે શુ થયુ વ્યાસ ? “ સુપરવાઇઝરે અકળાઇને વ્યાસને પુછયુ.

“ કાલે બરાબર ૧૦:૩૦ વાગે જ્યારે બસ સર્વોદય સોસાયટી આગળ ઉભી રહી ત્યારે બસમાં કોઇ ઉતારૂ નહોતા.આ સ્ટેન્ડ થી એક વિચિત્ર ડોસો બસમાં દાખલ થયો.જેવો એ દાખલ થયો દયાલ ઝડપથી દોડીને મારી પાસે આવ્યા.મને ઇશારો કરીને એણે કહ્યુ કે ‘ તે આ જ ડોસો છે ‘ મેં તેને હિંમત આપતા કહ્યુ કે તુ જા ટિકિટ આપ,આ બ્રાહ્મણ બચ્ચો તારી સાથે છે તને કંઇ નહિ થાય.દયાલે ડરતા ડરતા સરદાર માર્કેટની ટિકિટ આપી.મેં બસની ઝડપ ધીમી કરી અને વારે ઘડીએ હું પાછ્ળ તરફ નજર કરી લેતો.દયાલ તો પહેલી સીટના ખુણામાં લપાઇને બેસી જ ગયો હતો.વારે ઘડીએ વિચિત્ર અવાજે તે ડોસો બોલતો “ મારું સ્ટેન્ડ કયારે આવશે ?” અને જેવી બસ સરદાર માર્કેટ ના ચાર રસ્તા આગળ આવી તરત જ તે બૂમ પાડી બોલ્યો. “ મારું સ્ટેન્ડ આવી ગયુ” મેં મારી નજર બિલકુલ તેના પર જ રાખી હતી.જેવી બસ સરદાર માર્કેટ ઉભી રહી તે આગળ ના દરવાજાથી બસમાં ઉતર્યો.ચાર પાંચ ડગલા તે ચાલ્યો હશે અને પછી તે ગાયબ ! બિલકુલ ગાયબ ! મારી નજર એક ક્ષણ તેના પરથી હટી નહોતી,પણ એ જાણે હવામાં જ ઓગળી ગયો.આ તો આ જનોઇનો આભાર કે હું આ બસ ડેપો સુધી પહોંચાડી શક્યો.પણ હવે હું એ બસમાં પગ નહિ મુકુ”

“ તો તમને બંનેને ભરચક ટ્રાફિક વાળો રૂટ આપીશ અને એક વર્ષ સુધી નહિ બદલુ” સુપરવાઇઝરે બધા વચ્ચે ધમકી આપતા કહ્યુ.”

“ કબુલ છે સાહેબ પણ એ રૂટ તો કયારેય નહિ” વ્યાસે કાન પકડીને કહ્યુ.

“ તો તમારામાંથી કોણ આ રૂટ પર જવા તૈયાર છે ?” સુપરવાઇઝરે તમામ ને ઉદેશીને પુછ્યુ.

ટોળામાંથી કોઇ આગળ આવ્યુ નહિ.

“ મારી માનો સાહેબ,અત્યારે એ રૂટ ને બાજુ પર મુકો.તમને યાદ તો હશે બરાબર દસ વર્ષ પહેલા સર્વોદય સોસાયટી આગળ જ આપણી બસે એક વૃદ્ધ્રને ટકકર મારી હતી.એ માણસ બચ્યો નહોતો.આ એનુ જ ભુત છે,નકકી કોઇ કંડકટર નો ભોગ લેશે.” દયાલજી માથુ હલાવતા બોલ્યો.

“ ટકકર મારી બસ ના ડ્રાઇવરે અને કંડકટર નો ભોગ શુ કામ લેશે ? શુ તમે પણ દયાલ ? “ સુપર વાઇઝરે હસતા હસતા કહ્યુ.

“ સાહેબ,એ સરદાર માર્કેટ ની નજીક જ સ્મશાન આવેલુ છે.એટલે જ એ ડોસો મારુ સ્ટેંન્ડ આવી ગયુ એમ બોલતો લાગે છે.” ટોળામાંથી કોઇ બોલ્યુ.

“તમે બધા એક જેવા ભેગા થયા છો.મારે જ આનુ કંઇ કરવુ પડશે.” સુપરવાઇઝરે જતા-જતા કહ્યુ.

પણ વાત એમ સરળ રીતે પતે તેમ નહોતી.સુપરવાઇઝરે જેટલા પણ બસ- કંડકટર અને ડ્રાઇવરને આ રૂટ લેવા કહ્યુ તેમણે એક યા બીજા કારણોસર આનાકાની કરી.આખરે આ સળગતો મામલો ડ્રાઇવર રતનસિંહ અને તેમના સાથીદાર કમ ચેલા બાબુ પાસે પહોંચ્યો.આ બંને ડ્રાઇવર - કંડકટર ની જોડી ની ડેપોમાં હાક વાગતી.બંને જણા યુનિયન માં આગળ પડતા હતા.એમાંય રતનસિંહ તો યુનિયન ના જોરે પોતાને અનુકુળ ના હોય તેવા સુપરવાઇઝરની બદલી પણ કરાવી શકતા.બસ કે પેસેન્જરનુ જે થવુ હોય તે થાય, રતનસિંહ ની બીડી ફુંકવાનુ ચાલુ હોય ત્યાં સુધી કોઇની હિંમત છે કે તેમને બસમાં ચઢવા કહી શકે !

સુપરવાઇઝર જયારે રતનસિંહ પાસે પહોંચ્યા ત્યારે તેમની બીડી ફુંકવાની ચાલુ જ હતી.સુપરવાઇઝરને જોવા છ્તા તેમણે લગીર પણ ધ્યાન આપ્યા વગર પોતાની ક્રિયા ચાલુ રાખી.

“ રતનસિંહ હું અત્યારે એવી મુસીબતમાં મુકાયો છુ કે તમારા અને બાબુભાઇ સિવાય મારે કોઇ આરો નથી.” સુપરવાઇઝર બોલ્યા.

“ એમ મામલો શુ છે ? “ સમ્રગ વાત જાણવા છતા રતનસિંહે તુમાખીથી પુછ્યુ.

“ અરે આ રૂટ નં ૫૦૭ ની બસ કોઇ ડ્રાઇવર કે કંડક્ટર લેવા તૈયાર નથી.”

“એમ, એવુ તો શુ છે બસમાં ?” રતનસિંહે સવાલ કર્યો.

સુપરવાઇઝરે ફરીથી દયાલજી એ બોલેલી કહાની સંભળાવી.

“ દયાલજી ની વાત સાચી હોય કે ખોટી ! આ ભુત બુત ના ચકકર માં હુ ના પડુ. શુ બોલે છે બાબુ ? “

“ બાપુ બોલે તેમાં કયાંય આઘુપાછુ હોય “બાબુ એ હકારમાં સુર પુરાવતા કહ્યુ.

“ જુઓ રતનસિંહ આ રૂટ હવે તમારા સિવાય કોઇ સંભાળી શકે એમ નથી.તમે જેમ બને તેમ મને જલ્દી જાણ કરો.” સુપરવાઇઝરે રતનસિંહના ખભે હાથ મુકીને કહ્યુ.હ્યુ.થોડીક આનાકાની પછી રતનસિંહ સંમત થયા.

“ બાપુ તમે હા શા માટે પાડી ? “ બાબુએ સુપરવાઇઝરના ગયા પછી પુછ્યુ.

“ બાબુ ,પેલો વ્યાસનો બચ્ચો બહુ દોઢડાહ્યો થાય છે.એને પાઠ ભણાવવનો આ સારો મોકો છે.આ કામ કર્યા બાદ સુપરવાઇઝર કાયમ માટે આપણા હાથ નીચે આવી જશે.અને આપણા બેનો ડંકો વાગશે મફતમાં “ રતનસિંહે પોતાની મુછો ને તાવ દેતા કહ્યુ.

એક પછી એક દસ દિવસ વીતી ગયા.બધુ સામાન્યપણે ચાલી રહ્યુ હતુ.દયાલજી ના ભુત ના અનુભવની વાત હવે હાસ્યનો વિષય બની ગઇ હતી.રતનસિંહ અને બાબુ હષૅભેર બધા ને કહેતા “ એ સર્વોદય સોસાયટીના બસસ્ટેન્ડે તો અમે અડધો કલાક બસ ઉભી રાખીએ છીએ.ભુતને રિસિવ કરવા પણ લાગે છે કે ભુતો પણ અમારા બે થી ડરતા થઇ ગયા છે.” દયાલજી અને વ્યાસ ની હાલત કફોડી થઇ ગઇ છતાં બંને જણા પોતાના પ્રેત અનુભવ વિશે મકકમ રહ્યા.

અગિયારમાં દિવસે બરાબર 9:30 વાગે સરગાસણ થી બસ ઉપડી.એક પછી એક ઉતારૂઓ ચઢતા અને ઉતરતા રહ્યા.રતનસિંહ અને બાબુ માટે આ રોજના જેમ જ એક સામાન્ય દિવસ હતો.સર્વોદય સોસાયટી ના આગલા બસ સ્ટોપે આખી બસ ખાલી થઇ ગઇ હતી.રતનસિંહે બસનુ એસ્કેલેટર દબાવ્યુ , એ વિચારે જેમ બને તેમ જલ્દી ઘરે પહોંચાય.બાબુ ઉભા ઉભા કાયમ ની જેમ છેલ્લો હિસાબ મેળવવામાં વ્યસત હતો.એ જ વખતે તેની નજર સર્વોદય સોસાયટી ના આવી રહેલા સ્ટેન્ડ આગળ ગઇ.એ સ્ટેન્ડ આગળ સફેદ પહેરણ અને લેંઘામાં સજજ એક વૃદ્ધ વ્યકિત ઉભા હતા,આદત મુજબ જ તેનાથી ઘંટડી ખેંચાઇ ગઇ અને ડ્રાઇવર રતનસિંહે તે સ્ટોપ પર બસ ઉભી રાખી.કંડકટર બાબુ ના આખા શરીરમાં ભયની આખી ધ્રુજારી પ્રવેશી ગઇ.તે વૃદ્ધ વ્યકિત ધીમેધીમે બસમાં ચઢયા.તેમના હાથ અને પગ ની કરચલીઓ સ્પસ્ટ દેખાતી હતી.માથાના સફેદ વાળ એટલા લાંબા હતા કે અર્ધા ચહેરાને ઢાંકી દેતા.બરાબર તે આગળ ના દરવાજેથી ત્રીજી સીટે ગોઠવાયા.આ બધી બાબતથી અજાણ રતનસિંહે તેમની આદત મુજબ બસ હંકારી. કંડકટર બાબુ પોતાની જ્ગ્યાએથી ચોંટી ગયા હતા,તેમના આખા શરીરે પરસેવો વળી ચુકયો હતો.એવામાં વૃદ્ધે એકદમ કકૅશ અવાજ કાઢતા કહ્યુ.

“ સરદાર માર્કેટ ની ટિકિટ આપો.”

એવોજ કર્કશ અવાજ જેનુ વણૅન દયાલજી એ કર્યુ હતુ.કંડક્ટર બાબુ ને શુ કરવુ તેની ગતાગમ પડી નહી.તેમના હાથમાં જે ટિકિટ આવી તે લગભગ વૃદ્ધ ની સીટ આગળ નાખી તે ડ્રાઇવર રતનસિંહ તરફ ઘસ્યા.

થોથવાતી જીભે તે એટલુ જ બોલી શકયા. “ બાપુ ! તે ડોસો આવ્યો છે “

“શુ છે બાબુ ? “ કહેતા રતનસિંહે પોતાની પીઠ પાછી ફેરવી. બરાબર તે જ વખતે વૃદ્ધ ચહેરાને ઢાંકતા વાળ હટાવી કર્કશ અવાજે બોલ્યા.

“ મારુ સ્ટેંન્ડ આવી ગયુ ?”

એ કરચલી વાળા ચહેરા વચ્ચે રહેલી લાલ આંખો એ રતનસિંહ ના હોશ પણ લઇ લીધા.રતનસિંહે માડ સ્ટેયરિંગ સંભાળ્યુ.એક કુશળ ડ્રાઇવર ની જેમ તેમણે નજર આગળ કરી પણ સાવચેતીથી નહિ ડરના માર્યા.રતનસિંહ પરમાર નુ કુંટુબ આખા ગામમાં જાણીતુ હતુ.તે હાલના સમય માં પણ ઘરે જોટાળી રાખતા.જીભની લડાઇ હોય કે હાથની તે અને તેમના ચાર ભાઇઓ કોઇને ફાવવા દેતા નહિ,આ સિંહનુ કાળજુ પણ અત્યારે એટલુ થીજી ગયુ હતુ કે તે પાછળ ફરીવાર જોવાની હિંમત ના દાખવી શકયા.

એટલામાં તે વૃદ્ધ ફરીથી બોલ્યા.- “મારુ સ્ટેંન્ડ આવી ગયુ ?”

એકાદ મિનિટ તો અવાચક થઇ રતનસિંહ બસ ચલાવતા રહ્યા.આખરે તેમણે હિંમત એકઠી કરીને બ્રેક મારી બસ ઉભી રાખી.પોતાના દાદા પાસેથી તેમણે અવારનવાર નાનપણમાં સાંભળ્યુ હતુ કે “ ભુત અગ્નિથી ડરે છે.” આજે ડરના માર્યા પણ તે એ વાતનો અખતરો કરી લેવા તૈયાર થયા.પોતાના ખિસ્સામાંથી તેમણે બાકસ કાઢ્યુ.ધ્રુજતા જ હાથે દીવાસળી પેટાવી અને એ સળગતી દિવાસળી પીઠ ફેરવીને પાછળ તરફ કરી.

ફરીથી વૃદ્ધે પોતાની આંખોને ઢાંકતા વાળ સહેજ અધ્ધર કર્યા.એ જ લાલ રંગની તગતગતી આંખો રતનસિંહ ને દેખાઇ.વૃદ્ધે પોતાના હોઠ ખોલ્યા.દાંત વગરના એ મોંએ જબરદસ્ત અટૃહાસ્ય કર્યુ અને કર્કશ અવાજે તે બોલ્યો.

“ બસમાં ધ્રુમપાન ના કરાય “

રતનસિંહના હાથમાંથી તે દિવાસળી પડી ગઇ.ડ્રાઇવર બાજુના બારણેથી તે એટલા ઝડપથી ભાગ્યા કે માંડ પડતા બચ્યા.મુખ્ય બસ ડેપો ના આવ્યુ ત્યાં સુધીતે પાછળ જોયા વગર ભાગતા જ રહ્યા.બીજી બાજુ કંડકટર બાબુ તો ત્યાં બસમાં જ મુર્છિત અવસ્થામાં ઢળી પડયા.બસ શી ખબર કઇ રીતે મુખ્ય ડેપો સુધી પહોંચી ચુકી હતી.

કંડકટર બાબુ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હા,ડ્રાઇવર રતનસિંહ પંદર દિવસની મેડીકલ મુકી ગામડે પહોંચી ગયા હતા.આ ઘટનાના બરાબર ચોવીસ કલાક બાદ બરાબર અગિયાર વાગ્યે જયાં આ બસ ડેપોમાં પડી હતી ત્યાં એક વ્યકિત વૃદ્ધની ચાલે બસમાં ચઢયા.જે બસ ડ્રાઇવર વ્યાસ હતા તેમની પાછળ બીજા બે જણા કંડકટર દયાલજી અને સુપરવાઇઝર પણ બસમાં ચઢયા.બસ ડ્રાઇવર વ્યાસે આગળની ત્રીજી સીટની સામે રાખેલો નાનો કેમેરો કાઢ્યો.

સુપરવાઇઝરે તે કેમેરાના વિડિયોને લેબટોપ માં મુકી જોવાનુ શરૂ કર્યુ.વિડિઓની દરેક ક્ષણે તે ત્રણે ખડખડાટ હસતા રહ્યા.

દયાલજી હસતા હસતા બોલ્યા,” તમે વ્યાસ કમાલની એકટીંગ કરી”

“ હા,એકટીંગ કરતાય ડર વધુ કામે લાગી ગયો.બાકીનુ કામ મેક-અપ અને આ કર્કશ અવાજ કાઢતા યંત્રે કરી નાખ્યુ.પણ આ નાટક ના રાઇટાર તો સુપરવાઇઝર સાહેબ જ છે “

“ શુ કરીએ ? બીજો કોઇ રસ્તો નહોતો.બન્ને ની દાદાગીરી એ નાકમાં દમ લાવી દીધો હતો.બન્ને સામે ઉચાપત ના કેસો તો હતા જ પણ યુનિયન ના જોરે દર વખતે છટકી જતા.હવે આખી જિંદગી સીધી રીતે નોકરી કરશે,નહિંતર મારે તો એટલુ જ કહેવાનુ રૂટ નંબર ૫૦૭ માં ડયુટી આપી દઇશ”

સુપરવાઇઝરની આ કોમેન્ટે ત્રણે જણા ફરીથી ખડખડાટ હસ્યા.