Daanav books and stories free download online pdf in Gujarati

દાનવ...

દાનવ

આશિષ રાવલ

ચાર્મી ! જેવુ નામ તેવુ જ વ્યકિતત્વ. રૂપાળી ઢીંગલી જેવી એ છોકરી,સદાય હસતી અને હસાવતી. સ્કુલની કોઇ પ્રવુતિ હોય કે ભણવાને લગતી વાત હોય,ચાર્મી બધામાં અવ્વ્લ રહેતી. વકતવ્ય કળામાં તે જયારે ગાંધીજી ઉપર બોલતી ત્યારે એ નકકી કરવુ મુશ્કેલ બનતુ કે પ્રેક્ષકો એની બોલવાની છટાથી વધુ પ્રભાવિત થયા છે કે એના મુખ પર થતા હાવભાવથી. મમ્મી સાથે શોંપિગ કરવા જવુ હોય કે પછી,દાદી સાથેની પુજાવિધી હોય ચાર્મી ને બધુ જ ગમતુ. એ હસતી ત્યારે ગાલ પર ખંજન પડતા અને તેના આંસુ ભલભલા ગુસ્સાને પળવાર માં પીગાળી દેતા. પણ એક રાત્રે આ બધુ જ બદલી નાખ્યુ. ઇન્ટર સ્કુલ કમ્પીટિશનમાં ચાર્મી અને એનુ ગ્રુપ સુંદર થીમ પર ડાન્સ રજુ કરવાના હતા. દર વર્ષે આ કમ્પીટિશનમાં તેની સ્કુલ જ જીતતી. આ વર્ષે પણ સ્કુલ માટે તે જીવન-મરણ નો પ્રશ્ન હતો. છેલ્લા દિવસોમાં પ્રેકિટસ એવી જોરદાર ચાલી રહી હતી કે શાળા સમય પછી પણ વિદ્યાર્થીનીઓ મોડે સુધી રોકાતી. આ વિદ્યાર્થીનીઓને લેવા મુકવા માટે શાળાએ સાંજ પછી પણ સ્કુલ-બસ ની વ્યવ્સ્થા ચાલુ રાખી હતી. આ કમ્પીટિશનના બરાબર અઠવાડિયા પહેલા રેગ્યુલર સ્કુલ બસ ડ્રાઇવર રાજુભાઇ ની તબિયત બગડી. વ્યવ્સ્થા ના ભાગરૂપે રાજુકાકાએ પોતાના દુરના પિતરાઇ ના પુત્ર વિનોદ ને તેમની જ્ગ્યાએ ગોઠવયો. શાળાએ પણ વર્ષોના વિશ્વાસુ રાજુભાઇ ની વાત માન્ય રાખી. વિનોદ ની અમુક આદતોથી રાજુભાઇ વાકેફ હતા,પણ તેમણે વિર્ચાયુ કે ગમે તેમ કરી દસ દિવસ નીકળી જશે ! વળી વિનોદ પાસે હેવી વ્હીકલસનુ લાઇસન્સ પણ હતુ અને તેનુ ડ્રાઇવીંગ પણ સારુ હતુ. ચાર્મીનુ ઘર શહેર થી થોડે દુર હતુ. તેને સૌથી પહેલા પીક-અપ કરવા જવુ પડતુ અને સૌથી છેલ્લે તેને ઉતારવાનુ રહેતુ. સોળ વર્ષ ની આ કન્યાને જ્યારથી વિનોદે જોઇ ત્યારથી તેના અજાણ્યા ખૂણામાં દાનવ પ્રવેશી ચુકયો હતો. બસમાં બેસતા જ ચાર્મી અને તેની બહેનપણીઓ પ્રેકિટસ શરૂ કરી દેતી. ઉછળતી-કુદતી એ ઢીંગલી જેવી છોકરીને એ શેતાની આંખો નીરખ્યા કરતી. બધી બહેનપણીઓને ઉર્તાયા પછી પંદર મિનિટ નો સમય એવો રહેતો કે બસમાં ચાર્મી અને વિનોદ સિવાય બીજુ કોઇ ના રહેતુ. એકદમ વાચાળ એવી એ છોકરી સહજભાવે વિનોદ સાથે વાતો કરતી.

‘શુ નામ તમારુ ? ‘

‘વિનોદ’

’તો તમારી અટક ચોકક્સ ખન્ના હોવી જોઇએ. ’

“વિનોદ ખન્ના ! ” એકદમ ડેંસીગ લાગેને .

આમ બોલી ચાર્મી હસવા લાગતી પણ વિનોદનુ ધ્યાન તેના હસવા પર ઓછુ અને ચાર્મીના સ્કર્ટ નીચે દેખાતા ગોરાપગ પર વધુ રહેતુ.

દુર્ભાગ્ય નો પડછાયો જાણે ચાર્મી ને શોધવા જ મથી રહ્યો હતો. કમ્પીટિશનના છેલ્લા બે દિવસ પહેલા વિદ્યાર્થીનીઓ પ્રેકિટસ માટે અગિયાર વાગ્યા સુધી રોકાવાની હતી. આખરે દાનવ ના હાથમાં એ તક આવી ગઇ જેની તે પ્રતિક્ષા કરીરહ્યો હતો. અગિયાર વાગ્યે પ્રેકિટસ પત્યા પછી ચાર્મી અને અન્ય વિદ્યાર્થીનીઓ બસમાં ગોઠવાઇ. બસમાં ગોઠવાતા પિતા અશોકભાઇ ને ચાર્મીએ ફોન કર્યો. શાળાની વ્યવ્સ્થા અંગે નિરાંત અનુભવતા માતા-પિતાને કશુય વાંધાજનક લાગે એમ નહોતુ. એક પછી એક વિદ્યાર્થીનીઓ પોતાના મુકામે ઉતરતી ગઇ. અરીસામાં સતત ચાર્મી ને જોઇ રહેલા વિનોદનુ હ્રદય અશાંત હતુ. વિનોદ ના મને એ સારા દરવાજા બંધ કરી દીધા હતા કે જયાંથી કોઇ સારા વિચાર પ્રવેશી શકે. રોજના અનુભવે તે જાણતો હતો કે બધી બહેનપણીઓ ઉર્તયા પછી એવી કઇ જગ્યા છે કે જયાં ટ્રાફિક એકદમ ઓછો હોય.

“બાય ! કાલે મળીશુ “ એમ કહેતા દરેક વિદ્યાર્થીનીઓ ઉતરતી રહી. વિનોદના સ્ટીંયરીંગ પરની પકડ વધુ ને વધુ મજ્બુત થતી ગઇ. વિનોદ ધીરેધીરે બસમાં વાગતા સ્ટિયરોનો સાઉન્ડ વધારતો રહ્યો. એ ઘડી આવી ગઇ કે બસમાં

ફકત બે જ જણા રહ્યા. બેખબર ચાર્મી પોતાની મોબાઇલ ગેમમાં મશગુલ હતી ત્યારે નિધાર્રિત મુકામે વિનોદે ધીરેથી બસ ઉભી રાખી. સ્ટિયરો સાઉંડ તેણે હજી વધાર્યો જેથી અંદર આવતો અવાજ કોઇ સાંભળી ના શકે. બસની અંદર ની તમામ લાઇટો તેણે બંધ કરી.

નજીકની સીટે બેઠેલી ચાર્મી હજુ અજાણ હતી.

” શુ થયુ વિનોદ ? અહીંયા બસ કેમ ઉભી રાખી ? “

તે બોલવાનુ પુરુ કરે તે પહેલા વિનોદ તેની એકદમ નજીક આવી ચૂકયો હતો. ચાર્મી ના લાંબા વાળ એ દાનવ ને વધુ માફક આવ્યા. કોઇ બિલાડા ના હાથમાં આવેલુ કબુતર જેમ તરફડિયા મારે તેમ ચાર્મી એ બચવાના પ્રયત્નો કર્યા. ચાર્મી ની બુમો, તેની વેદના બધુજ મોટા સંગીત અને રાત્રી ના અંધકાર માં ભળી ગયુ. ચાર્મી ને એજ દયનીય હાલત માં છોડી વિનોદ ત્યાંથી ભાગી નીકળ્યો.

અશોકભાઇ અને રાધાબેન ચાર્મી ના આવવાની રાહ જોઇ રહ્યા. તે જ વખતે અશોકભાઇ નો મોબાઇલ રણકયો.

“ પપ્પા ! “

એ એકજ શબ્દ મોબાઇલ માંથી નીકળ્યો,પણ એ શબ્દ નહીં ચીસ હતી એ આતંક ની જે ચાર્મી પર તે રાતે ગુજર્યો હતો. અશોકભાઇ નુ મગજ શુન્ય થઇ ગયુ. કલાકો સુધી બંને માતાપિતા ને વળગીને તે રડત્તી રહી. પુત્રી ની દરેક હઠ ને પુરી કરતા પિતા પાસે સાંત્વન માટે આજે શબ્દો નહોતા. ઘડીક માં એમને ક્રોધ આવતો કે એ દાનવ નુ માથુ ધડથી અલગ કરી નાખે તો ઘડીકમાં એ પોતાને કોસતા કેમ આટલી રાત સુધી ચાર્મી ને એકલી જવા દીધી. ! ક્યારેક માણસના જીવન માં એવી ક્ષણો આવે છે કે થોડીક મિનિટો અને સેંકંડો કાઢવી એ વર્ષો કરતા પણ વધારે ખરાબ હોય છે. આખરે ચાર્મી ની પીડા,રૂદન પર ઉંધ સવાર થઇ ગઇ. નાના બાળક ની માફક જ એ મમ્મીને વળગીને સુઇ ગઇ. દાદી પ્રભાબેને સુઝથી કામ લીધુ. પુત્ર અશોક ને તેમણે પોતાના પરીવાર ના નજીક ના મિત્ર રશ્મિકાંતભાઇ ને બોલાવવાનુ કહ્યુ. રશ્મિકાંતભાઇ કુશળ ધંધાદારી અને રાજકારણમાં સારી લાગવગ ધરાવનાર વ્યકિત હતા. અશોક્ભાઇ નુ મગજ તો કામ કરતુ અટકી ગયુ હતુ પણ રશ્મિકાંતભાઇએ બાજી કુનેહ થી સંભાળી. સૌપ્રથમ તો તેમણે શાળાના આર્ચાય ને જાણ કરી. જરૂર જણાય ત્યાં તેમણે વિનોદ જેવા ડ્રાઇવર ની ભરતી માટે અભદ્ર શબ્દો પણ વાપર્યા અને એટલી સલુકાઇથી વાત પણ કરી. આચાર્ય ને તેમણે કડક શબ્દો માં સુચના આપી કે આ વાત તેમના સિવાય કોઇ જાણે નહિ. વિનોદના ઘર નું સરનામું અને તેની સંપુર્ણ માહિતી સવારે શાળા શરૂ થતા જ પોતાને પહોંચાડવાનુ કહ્યુ. પિતા અશોકભાઇ ના ખભે હાથ મુકી તે બોલ્યા. “ અશોક ! હુ જાણુ છું કે આ તારા માટે અઘરો સમય છે,પણ આપણે એક પોલીસ એફઆઇઆર કરવી પડશે. ”

” પોલીસ એફઆઇઆર ! પણ ચાર્મી નુ શુ થશે ? એ આ બધુ સહન કઇ રીતે કરશે ? ના,ના પોલીસ નહી. ”

“ તો તુ શુ ઇચ્છે છે ? ગુનેગાર ને આમ જ જવા દેવો !. પોલીસ ની ચિંતા તુ રહેવા દે. ચાર્મી મારી દીકરી જેવી જ છે. એની લાજ ને આંચ આવે તેવુ હું કંઇ નહીં થવા દઉં. હા, થોડાક પૈસા વેરવા પડશે . ”

“પૈસાની તમે બિલકુલ ચિંતા ના કરો. બસ,મારી દીકરી !” બાકીની વાત અશોક્ભાઇ ના આંખમાથી નીકળતા આસુંઓએજ પુરી કરી દીધી.

રજનીકાન્તભાઇએ પોતાની લાગવગ નો પુરતો ઉપયોગ કર્યો. એ વાતની પુરતી તકેદારી રાખવામાં આવી કે પોલીસથી આ વાત મીડીયા સુધી ના પહોંચે. એવી ગોઠવણ કરવામાં આવી કે FIR લેવા મહિલા પોલીસ અધિકારી ખુદ અશોક્ભાઇ ના ઘરે આવે.

મોટાભાગ ના પ્રશ્ર્નોના જવાબ તો અશોકભાઇ અને રાધાબેને જ આપ્યા પણ કેટલાક સવાલો ના જવાબ મેળવવા ચાર્મી ને મળવુ જરૂરી હતુ. પણ શુ ચાર્મી આ માટે તૈયાર હતી ?

મોરનુ સૌદર્ય એના પીંછાથી હૌય છે. જો કોઇ શિકારી મોરના તમામ પીંછા કાપીને એને છુટો મુકી દે પછી એ મોરનુ શુ અસ્તિત્વ રહે ? કઇ લાગણી વધારે દુ:ખદાયી છે એની કલ્પના કરવી મુશ્કેલ છે ? એના પીંછા કપાયાની પીડા કે એની સુંદરતા ગુમાવવાનો અહેસાસ ? ચાર્મી સાથે પણ આવુ જ બન્યુ હતુ . એની ચારે બાજુ એ દાનવનો ઓછાયો હતો,એ પોતાનુ પ્રતિબિંબ જોવા અરીસા આગળ ઉભી તો રહેતી પણ એ અરીસાંમા બીજો ચહેરો દેખાતો. લુચ્ચો ,ખંધો,વૈશવી હાસ્ય સાથેનો. એ ચહેરા ને હટાવવા તે જેટલો પ્રયત્ન કરતી તેટલી જ તે પકડ વધુ મજબુત થતી. ચાર્મી નુ આખુ શરીર આગની જવાળાઓમાં લપેટાઇ જતુ. આંખમાંથી અમી ઝરણા તો વહેતા પણ એ આગની જવાળાઓને કાબુમાં રાખવા પુરતા નહોતા. ખાસ આ કેસ ક્રાઇમ બ્રાંચ ના મહિલા ઓફિસર દિવ્યા બારીયા ને સોંપાયો હતો. અશોક્ભાઇ અને રાધાબેન ચાર્મી ની એકલી મુલાકાત માટે હરગીઝ ત્તૈયાર ન હતા પણ દિવ્યા બારીયા ના આગ્રહ સામે એમણે નમતુ જોખ્યુ. ચાર્મી ના ચહેરા પરનુ લાવણ્ય ખતમ થઇ ચુકયુ હતુ. ઉજાગરા અને સતત રડવાથી તેની આંખો સુઝી ગઇ હતી,તાવ પણ શરૂ થઇ ગયો હતો. મહામહેનતે ચાર્મી ને પલંગ પર બેસાડી અશોક્ભાઇ અને રાધાબહેન બંધ દરવાજે જ ઉભા રહયા.

થોડીક ક્ષણો એમ જ ગઇ. દિવ્યા બારીયાએ ચાર્મી ની નજીક જઇ એનો હાથ પકડયો. ચાર્મી ની નજરો ઉંચી થઇ. સામેવાળી વ્યકિત ની આંખમાં અપરંપાર અનુકુંપા હતી. ધીરે ધીરે તે આંખો સખત બનવા લાગી અને દિવ્યા બારીયા ના મુખમાંથી શબ્દો નીકળ્યા.

“ બસ, તારા જેટલી જ મારી ઉંમર હશે. દિવસ અને સાલ તો આ શરીરમાં રકતપ્રવાહ ની જેમ એક થઇ ગયા છે. 16/11/1968 નો એ દિવસ. આખા ગામમાંથી હું પહેલી જ છોકરી હતી,જે અગિયારમાં ધોરણમાં ભણવા ગઇ. ગામ અને શાળા વચ્ચે દસેક કિલોમીટરનુ અંતર હતુ. હું જે ગામમાં મોટી થઇ ત્યાં તો છોકરીઓ માટે સાઇકલ પણ મુશ્કેલ હતી. હું ઘરે ઝડપથી પહોંચવા ખેતરો વચ્ચેથી નીકળતી. એ દિવસે શાળાથી છુટી સાંજે હું ઘર તરફ જઇ રહી હતી,ત્યારે બે વરુઓ મારી જ રાહ જોઇ રહ્યા હતા. ખેતરોના મોટા ઘાસના ઓછાયા હેઠળ એમણે એક માસુમ છોકરીનુ વિશ્ર્વ જ ખતમ કરી નાખ્યુ. મારી બુમો સાંભળનાર ત્યાં કોઇ નહોતુ. તેમાંથી એક સરપંચનો છોકરો જીવો હતો. અમે રહ્યા નાની કોમના ! સરપંચ વિશે ફરીયાદ થાય તો ગામમાં રહેવુ જ મુશ્કેલ બને ! સ્ત્રીઓની આબરુ જ એમનુ ઘરેણુ હોય છે. અમે આ વાત કોઇને ના કહી.

અઠ્યાવીસ વર્ષ પછી પણ આ ઘટના એટલી જ તાજી છે. એ દાનવો ના ચહેરા નજર આગળ આવતા જ રૂવાંટા ખડા થઇ જાય છે. એ દિવસ થી મેં નક્કી કર્યુ કે હું એ સ્ત્રીઓ માટે લડીશ જે મારા જેવા અત્યાચાર નો ભોગ બને છે. એટલે તુ મને નહીં કહે તો પણ હુ આ દર્દ અનુભવી શકું છું. એટલે જ તારા જેવો અન્યાય બીજાને ના થાય તે માટે તારે મને થોડીક માહિતી આપવી પડશે. ”

દુ:ખ ને ઘણી વખત દુ:ખ જ હળવુ બનાવી શકે. ચાર્મી ની પીડા દિવ્યા બારીયા ની વાતો પછી થોડીક હળવી થઇ. સ્ટેટમેન્ટ આપતી વખતે તે અનેક વાર રડી. ચાર્મી નો વાંસો પંપાળતા તે હાથ અચાનક કડક થયા. આંખોમાં ફરી એ જ ધિકકાર ઉપસી આવ્યો. મનોમન તે બોલ્યા-“ એ દાનવ ને હું ગમે ત્યાં થી શોધી ને સજા અપાવીશ. ”

પોલીસ તરત જ વિનોદ ના ઘરે ધરપકડ કરવા પહોંચી ગઇ,પણ એ પહેલા તો પંખી ઉડી ચુંકયુ હતુ. ચાર્મીના બળાત્કાર ની પોલીસ તપાસ થાય તો ! એ વાતથી જાણે તે વાકેફ હતો. મિત્રો પાસેથી સારા એવા પૈસા લઇ,તેના દુરના સગા જે આબુમાં ટ્રસ્ટ ના મંદિરમાં સેવા કરતા હતા ત્યાં પહોંચવા નીકળી ચુકયો હતો. બસ ડ્રાઇવર રાજુકાકા સહિત વિનોદની શેરીના દરેક ની કડક પુછપરછ કરવામાં આવી. વિનોદના મિત્રો ને બિન સતાવાર રીતે ધમકાવવામાં પણ આવ્યા પણ કોઇ પાસેથી વિનોદ ની બાતમી ના મળી. વિનોદ ના ફોન ને ટ્રેસીંગ માટે મુકવામાં આવ્યો પણ એકપણ વાર એ નંબર વાપરવાની ભુલ વિનોદે ના કરી.

પંદરેક દિવસ પછી ચાર્મી ની સ્કુલ શરૂ કરાવવામાં આવી, એ વિચારે તે કદાચ આ આખી ઘટનાના વિષચક્ર માંથી બહાર આવે,પણ્ ચાર્મી ને બહેન પણીઓનો સાથ ભારરુપ લાગતો. શિક્ષકોના પ્રશ્ર્નોના જવાબ આપવા તત્પર રહેતી ચાર્મી ને તે શબ્દો ઘણની જેમ માથામાં વાગતા. રાધાબેન ઘરમાં ચાર્મીને ઘડીકવાર પણ એકલી મુકતા નહી. ચાર્મીને પસંદ ખાવાની, પહેરવાની નવી નવી વસ્તુઓ સતત ઘરમાં આવતી રહેતી પણ ચાર્મી તેના પર નજર સુદ્ધા નાખતી નહી. પિતા અશોકભાઇ નુ દિલ વલોવાઇ જતુ હતુ. ચાર્મી નુ મન બદલાય તે માટે તેમણે નાના – નાના પ્રવાસો પણ ગોઠવ્યા. પણ બધુ વ્યર્થ ! ચાર્મી ના ચહેરા પર નો ચાર્મ ઓસરવા લાગ્યો હતો. શરીરમાં હિમોગ્લોબીન લેવલ એકદમ ઓછુ થઇ ગયુ હતુ. મોટેભાગે તે પોતાના રૂમમાં સુવાનુ જ પસંદ કરતી. છએક મહિના વીતી ગયાં. એક સાંજે અચાનક જ રજનીકાન્તભાઇનો અશોકભાઇ પર ફોન આવ્યો. ” જરા ટી. વી ચાલુ કરો અને ન્યુઝ જુઓ અને હા ચાર્મી ને પણ સાથે રાખો. “

ટી. વી પર ન્યુઝ આવી રહ્યા હતા. ” ગુજરાતના બળાત્કાર કેસના સંગીન આરોપી વિનોદ કંસારાનુ આબુમાં અકસ્માત મા થયેલુ મ્રુત્યુ, છ મહિનાથી જેને પોલીસ શોધી રહી હતી તેનો ઇશ્ર્વરે જ કર્યો ન્યાય “

ટી. વી ન્યુઝ માં વિનોદની કરપીણ લાશ બતાવવામાં આવી રહી હતી. ચીસ સાથે ચાર્મી સોફામાંથી ઉભી થઇ.

“ મમ્મી,તે મરી ગયો. તે મરી ગયો મમ્મી. ”

“ હા,બેટા !”

બંને મા-દીકરી એકબીજાને ભેટી ખુબ રડયા. તે દિવસે મહિનાઓ પછી ચાર્મી શાંતિથી સુઇ શકી. આ ઘટના ના બે-એક દિવસ બાદ ચાર્મી નો મોબાઇલ રણકયો. સામે છેડે ઓફિસર દિવ્યા બારીયા હતા.

“ હાય ! ચાર્મી કેવુ ફીલ થાય છે તને ? “

“ મજામાં છુ મૅડમ “

“ હવે , એ બિહામરા નાઇટ-મેર તો નથી આવતા ને ? “”ના,મૅડમ પણ તમે કેવી રીતે જાણો છો આ બધુ ? “

“ કારણ કે હું આ પરિસ્થિતીમાંથી પસાર થઇ ચુકી છુ. ચાર્મી મને તો વર્ષો સુધી સ્વપનાઓમાં એ જ ચહેરા દેખાતા. ખેર,જવા દે એ વાત. મારે તને એક ખાનગી વાત કહેવી છે. ”

“ બોલો ને મૅડમ !”

“ છએક મહિના એ દાનવ ને શોધતા મને લાગ્યા. ગામડે રહેતા તેના મા-બાપ નો ફોન ટ્રેસ કરતા તેની બાતમી મળી. હવે જો તેની ધરપકડ થાય તો આખો કેસ કોર્ટ માં ચાલે અને ન્યાય આવત વર્ષો વીતી જાય. વધારામાં તને માનસિક હેરાનગતી થાય તે જુદી. ”

“ એટલે મૅડમ ? “ ચાર્મી નો ચહેરો સખત થયો.

“ અમારા એક કોન્સ્ટેબલ સાથે મે સેંટિગ કર્યુ. વિનોદ કંસારાને ખુબ દારૂ પીવડાવવમાં આવ્યો. નશાની હાલતમાં આ કેસને અકસ્માત નુ સ્વરુપ આપવુ અઘરુ નહોતુ. ”

“ એટલે મેમ ! તમે મર્ડર “ ચાર્મી એ લગભગ ચીસ પાડીને કહ્યુ.

“ ના, મર્ડર નહી ! એક બહેને બીજી બહેન માટે કરેલો ન્યાય . અને આ વાત તારે આપણા સુધી જ રાખવાની છે. બસ છેલ્લે એક વચન લેવુ છે તારી જોડે. ”

“ બોલો મૅડમ !”

“ કદાચ બીજી કોઇ ચાર્મી જોડે આવુ થાય તો તે રોકવા તારે મજ્બુત બનવુ પડશે “” મૅડમ , વચન આપુ છુ તમારા શબ્દો સાચા થશે તેવુ વ્યકિતત્વ બનાવીશ. ”

“ ખુશ રહે. ” કહી સામેથી ફોન મુકાઇ ગયો.

ઝડપથી દાદરા ઉતરી ચાર્મી નીચે આવી. મમ્મી રાધાબેન ને પાછળ થી વળગી તે બોલી.

”મમ્મી. ઘણા દિવસ થયા આજે તો તારા હાથના ઢોકળા ખાવા છે. “

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED