જુની ગર્લફ્રેન્ડ ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુની ગર્લફ્રેન્ડ

જુની ગર્લફ્રેન્ડ

“સારથી ઇન્ફોટેક” ના પાર્સલ ડિલીવર કરતી વખતે વિશાલ ની નજર ઓફિસ રૂમ તરફ ગઇ. કાચની કેબિન ની અંદર બેઠેલા વ્યકિતત્વ ને જોતા તેનુ હ્રદય પળવાર થંભી ગયુ.

“ હા, તે ભાવના જ છે, બીજુ કોઇ નહિ તે ભાવના જ છે. ” એકાદ ક્ષણ માં તો તેણે કોલેજ કાળના કેટલાય સંસ્મરણો વાગોળી નાખ્યા. વિશાલ ની ધ્યાન અવસ્થા ચાલુ જ રહી હોત જો સામેથી કાઉન્ટર પર બેઠેલા વ્યકિત એ ડિલીવરીનુ પેમેંટ લેવાનુ યાદ ના કરાવ્યુ હોત. હ્રદય ના સ્પંદનો ને તેણે બીજી તરફ વાળ્યા. ફરીથી એ ઓફિસ રૂમ તરફ નજર કરી. કમ્પ્યુટર માં મશગુલ એ યુવતીની તસવીર દૅઢ કરી એ ઝડપથી બહાર નીકળી ગયો.

“બાર વર્ષ, પુરા બાર વર્ષ “ તે મનમાં ગણગણ્યો. બાઇક આજે રોજ કરતા ઝડપથી ચાલી રહ્યુ હતુ અને વિશાલ નુ મન પણ. સ્વ સાથેનો વાર્તાલાપ તેને અનેરો આનંદ આપી રહ્યા હતા.

‘બિલકુલ એવી જ લાગે છે, હા થોડીક સ્થુળ થઇ ગઇ છે. પણ એનો ચહેરો બિલકુલ બાર વર્ષ પહેલા હતો તેવો જ. જયારે હું ! દાઢીમાં પણ હવે ધોળા આવવાના શરૂ થઇ ગયા છે. મેં એને કેવી સ્ટાઇલ થી પ્રપોઝ કર્યુ તુ ! બધા મિત્રો વચ્ચે કેવો વટ પડી ગયો હતો ! કોઇ માનવા જ તૈયાર ન હતુ ભાવના મારી ગર્લફ્રેન્ડ છે ! એ જમાનો જ અલગ હતો મારો જમાનો ! ‘

જે માણસ નો વર્તમાન નબળો હોય તે ભુતકાળ ને વધુ યાદ કરે છે. વિશાલ પાસે તો અનાયાસે આવેલો અવસર હતો, પોતાના મહાન ભુતકાળ ને યાદ કરવા માટે.

ઘડીક વારમાં તે પોતાના જોકસ પર હસતી ભાવના ને યાદ કરતો અને ઘડીક વાર માટે તે ભાવના ના સુંવાળા સ્પૅશ નો આનંદ કરતો. ઓફિસ સુધી પહોંચતા તો તેણે કોલેજ કાળમાં જે ઝાડ નીચે તેઓ બેસતા તેના છાંયાને પણ મનથી સ્પૅશ કરી લીધો. આવી સુંવાળી યાદો ને સ્મરતો તે ઓફિસ રૂમ માં પ્રવેશ્યો ત્યારે તેની હાલત તપોભંગ થયેલા

ઋષિ જેવી થઇ. વાસ્તવિકતાના અહેસાસે તેને નિરાશાથી ભરી મુકયો. આ એ ઓફિસ હતી જયાં તેના મોંઢામાંથી ફકત આવા શબ્દો નીકળતા, ” યસ સર !, ઓકે સર !, હમણાં જ પતાવી દઉં છુ સર ! “ . આ બંને પરિસ્થિતિ વચ્ચે અકળામણ અનુભવતો તે જયારે ઓફિસે થી બહાર નીકળ્યો ત્યારે તેના મનમાં સવાલો વધુ હતા. “ ભાવના અમદાવાદ માં કેટલા સમય થી છે ? તેના લગ્ન થયા હશે ? કોની સાથે થયા હશે ? આ ઓફિસમાં નોકરી કરતી હશે કે પછી ? “

ઘર આવી ચુકયુ હતુ. ડોરબેલ વગાડતા જ મનીષા નો ચહેરો જોવા મળ્યો. પોતાના પતિના ચહેરા પર કેવા ભાવ છે તે બિચારી મનીષા ને કેવી રીતે કળાય ? વિશાલે બને તેટલી તોછડાઇ બતાવી, ” લે આ બૅગ મુકી દે ! બરાબર રીતે ! કમસેકમ આ ટી. વી તો ધીમુ કરો. ” આજે નાની નિહારીકા પર પણ તેણે બિલકુલ લક્ષ ના આપ્યુ. જે ગુલાબી ખયાલો તે બાઇક પર કરી રહ્યો હતો તે આ ઘરમાં કરવા મુશ્કેલ દેખાયા. જમવાની પ્લેટ ને પણ તેણે બીજા ગ્રહ ની વસ્તુની જેમ દીઠી.

“ બીજુ કંઇ નવુ નથી બનાવી શકતા ? બસ રોજ આનુ આજ ! “ તે તોછડાઇ થી બોલ્યો.

“ અરે ! તમને ભાવે છે એટલે તો બનાવ્યુ છે “ મનીષા એ પ્રત્યુતર વાળતા કહ્યુ.

“ બસ ! રહેવા દે હવે “ વાતને તેણે હાથ ઉંચો કરી પુરી કરવાનો ઇશારો કર્યો.

જમવાનુ ઝડપથી પતાવી તે બાલ્કની માં પહોંચ્યો. પોતાના બે રૂમ રસોડાના ઘરને તેણે મનોમન ગાળો આપી. બાકીનો રોષ તેણે મનીષા પર ઠાલવ્યો. એવુ નહોતુ કે મનીષા સાવ બેડોળ હતી. તેની અને મનીષા ની જોડીમાં લોકો મનીષા ની સુંદરતાના જ વખાણ કરતા. પણ અત્યારે મનીષા ના ઘરની સામાન્ય સ્થિતિ તેને પોતાની તમામ સમસ્યાઓનુ મુળ લાગી. કોલેજ ના બીજા વર્ષ માં તે અને ભાવના ગળાડુબ પ્રેમમાં હતા. ભાવના ખાસા તવંગર પરિવાર માં થી આવતી હતી. બંને સાથે ફરવા જતા ત્યારે મોટાભાગનો ખર્ચો ભાવના જ ઉપાડતી. સ્માટૅ અને તવંગર બહેનપણી મળવાથી વિશાલ અલગ જ અવકાશમાં વિહરી રહ્યો હતો. ભાવના ને સંભળાવવા તે જેટલો સમય શાયરી ઓ લખતો એટલો જ સમય તે કંઇ વાંચતો કે લખતો. પોતાના થડૅ કલાસ રીઝલ્ટ ને પણ તે જમાપાસુ ગણતો. તેના મનમાં સતત એ હવાઇ તુકકા ચાલતા કે લગ્ન માટે ભાવના ના બાપાને રાજી કઇ રીતે કરવા ?

નસીબની બલિહારી ! બીજા વર્ષ ના અંતમાં હ્રદયરોગના હુમલામાં ભાવના ના પિતાનુ મૃત્યુ થયુ. ભાવનાની મમ્મીની તબિયત પણ ખાસી કથળી. એટલે એવુ નકકી કરવાંમાં આવ્યુ કે ભાવના તેના મમ્મી સાથે તેના મોટાભાઇ જે મુંબઇ રહેતા ત્યાં રહેવા જાય. ભાવનાની માનસિક પરિસ્થિતી, કુંટુંબનો આગ્રહ, મમ્મીની બગડતી તબિયત વિશાલ ની પ્રિયતમાને અમદાવાદ છોડવા મજબુર કરી રહી હતી. બંને એકબીજા સાથે સતત ફોન, પત્રો દ્રારા સંપૅકમાં રહેશે તેવા કોલ થયા. તે વખતે મોબાઇલ યુગ આવ્યો નહોતો. પત્રોની અને ફોન ની સંખ્યા દિવસે-દિવસે ઘટવા લાગી. મુંબઇ ના ઘરે ભાવનાની ભાભી ની તેના પર સતત નિગરાની હોય કે ભાવનાનો ઓછો થતો રસ વિશાલ ના પ્રેમ નો દીવો ઓલવાઇ ચુકયો હતો. અધુરામાં પુરુ તે આ દીવો ફરીથી પ્રગટાવવા જયારે મુંબઇ ગયો ત્યારે ભાવના એ બીજા એક પુરૂષ સહાધ્યાયીના કરેલા વખાણ પર તેણે ભાવનાનો ઉઘડો લીધો. તે વખતે ભાવના આટલુ પુરૂષ આધિપત્ય સ્વીકારવા તૈયાર ન હતી. તે રીસાઇને ચાલી ગઇ. પત્રો માં લાખ મનામણી કરવા છતા તે ના માની તે ના જ માની ! આમ, વિશાલ નુ ત્રીજુ વર્ષ બે વિષય માં નાપાસ સાથે પુરુ થયુ. વિશાલ ના પિતા એ દીકરાને અલ્ટિમેટમ આપી ધંધામાં જોડાવાનુ કીધુ પણ આપણા કોલેજ ના નંબર વન રોમિયોને તે ધંધો પોતાની છાપ ને બગાડતો લાગ્યો. વિશાલે અનેક ઓછી મેહનતે થઇ શકે એવા ધંધા શોધ્યા, કર્યા અને દર વખતે દેવાળું ફૂંકયું. ઘરની પરિસ્થિતી દિવસે દિવસે બગડી રહી હતી અને કોલેજના એ સુપરસ્ટાર ને આખરે 9 am થી 6 pm વાળી નોકરી સ્વીકારવી પડી. કોલેજમાં છોકરીઓને લટ્ટુ બનાવનાર આ રોમિયો લગ્નના ઘણા ઇન્ટરવ્યુ માં નાપાસ થયો. એ વખતે મનિષા ના કુંટુંબ તરફથી જયારે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવાંમાં આવ્યો ત્યારે વિશાલ ના પરિવારે હાશકારો અનુભવ્યો. પણ અત્યારે વિશાલ ની માનસિક પરિસ્થિતી કંઇક અલગ હતી. તેણે પોતાની તમામ નિષ્ફળતાના કારણો શોધ્યા, . અને તે બધાનુ કારણ હતુ “ મનિષા અને તેનુ સામાન્ય ઘર “ . પોતાની ઓછી આવકમાં પણ રાજીખુશીથી રહેતી પત્ની તેને ડંખ આપતા જોડા જેવી લાગી. મન અનેક વિચારો કરીને થાકી જાય છે ત્યારે ઉંધ ના શરણે જાય છે. બીજા દિવસે તે રોજ કરતા મોડો ઉઠયો. સવારે પણ તેનુ વર્તન મનિષા સાથે તોંછડું જ રહ્યુ. ઓફિસે પહોંચી તેણે પહેલુ કામ ‘સારથી ઇન્ફોટેક ‘ ના પાર્સલ ને અલગ કરવાનુ કર્યુ. દરેક પાર્સલ ઉપર તેને ભાવનાની છબી દેખાઇ. તેણે વિર્ચાયુ કે બરોબર બે વાગે તે આ ડિલીવરી આપવા જશે. રિશેષ ટાઇમ હોવાથી તે વખતે મોટાભાગનો સ્ટાફ ફ્રી હશે અને ભાવના જોડે સરળતાથી વાત કરી શકાશે. બે વાગતા સુધીમાં તો તેણે પચાસેક વખત તે પાર્સલ સામે જોયુ. ડિલીવરી વાનમાં બેઠેલો ડ્રાઇવર પણ આ અવળા રૂટ થી પરેશાન થયો. બરાબર બે વાગી ચુકયા હતા. વિશાલે ત્રીજા માળ ઉપર રહેલા “ સારથી ઇન્ફોટેક “ ના બોર્ડ તરફ નજર કરી, અને જવા પગ ઉપાડયા. આખા રસ્તે પોતાની જાતને ભાવના આગળ કઇ રીતે રજુ કરવી તેના વિચાર તેણે અનેક વખત કર્યા હતા. પણ હવે જ્યારે તે પળ નજીક આવી ત્યારે તેના મનમાં અનેક કુશંકા પેદા થઇ. લિફટ માં જવાને બદલે તેણે આપોઆપ સીડીનો રસ્તો લીધો. ” “ સારથી ઇન્ફોટેક “ ના કાઉન્ટર પર પહોંચયો ત્યારે રિશેષ ટાઇમ હોવાથી તે ખાલી જ હતુ. કાઉન્ટર પર ઉભા –ઉભા તેણે કોમ્પ્યુટર રૂમ તરફ નજર કરી. ” હા, તે ત્યાં જ બેઠી હતી. ! તેની ગલૅફ્રેન્ડ ભાવના ત્યાં જ બેઠી હતી. કોમ્પ્યુટરમાં આંકડાઓ સાથે મશગૂલ થયેલી ! “ આવો સમય ગુમાવવો તેને પાલવે તેમ નહોતો.

તે ઝડપથી કાઉન્ટર વટાવી, કોમ્પ્યુટર રૂમ સુધી પહોંચી ગયો. કાચની કેબિન નો દરવાજો

તેણે ખોલ્યો ત્યાં સુધી ભાવના નુ ધ્યાન કોમ્પ્યુટરમાં જ હતુ. દરવાજો ખોલતા જ બંનેની નજરો ટકરાઇ. ભાવના નુ પહેલુ રિએકશન એક આઘાત નુ જ હતુ. વિશાલ ને

‘સરપ્રાઇઝ ‘ બોલવાની જરૂર જ ના ઉભી થઇ. ત્રણ-ચાર પળ ની બંને તરફ ખામોશી છવાઇ રહી. આ ખામોશી પછી, ભાવના ના મોંઢે પહેલા શબ્દો નીકળ્યા. “ વિશાલ, તુ ! “

આ શબ્દો બોલતા ભાવના ની નજર વિશાલ ની ટી-શટૅ પર રહેલા કુરિયર સર્વિસ ના લોગો પર ગઇ જે વિશાલ થી છાનુ ના રહ્યુ. વિશાલે વાતની શરૂઆત કરતા કહ્યુ.

” સરપ્રાઇઝ તો તેં મને આપી છે ! તુ અમદાવાદ માં કયારે આવી ? કેટલા સમયથી છે ? આઇ, મીન કેટલા વર્ષો પછી તને જોઇને ! “

” હા, અમદાવાદ માં તો એક વષૅ થી મારા પતિ સાથે આવેલી છું. પણ સારથી ઇન્ફોટેક માં તો હમણા અઠવાડિયા જ છું “

આ કથનમાં પતિ શબ્દ પર મુકેલો ભાર વિશાલ ને ખુંચ્યો છતાં તેણે ક્રુત્રિમ સ્મિત સાથે પુછ્યુ. “ એક વર્ષ થી તુ અમદાવાદ માં છે તો જુના દોસ્તોને યાદ કરવા “ બાકીનુ વાકય તેણે પડતુ મુકીને કહ્યુ “ હવે, તો તુ અહીંયા જોબ કરે છે તો અવાર-નવાર મળવાનુ રહેશે “

“ જોબ ! વિશાલ હું અહીં જોબ નથી કરતી સારથી ઇન્ફોટેક મારા પતિ અશ્વિન આચૉય ની જ છે. ” આટલુ બોલતા ભાવના ના ચહેરા પર ગૅવભેર સ્મિત આવી ગયુ.

“ધેટસ, વેરી ઇમ્પ્રેસીવ !” –અણગમતા ભાવ ને દબાવતા વિશાલે કહ્યુ.

“ અને, તુ શુ કરે છે ? “

“ હું, નેશનલ કુરિયર સર્વિસમાં છુ “

આટલુ બોલી વિશાલે ઝડપથી પુણૅવિરામ મુકી દીધુ. એ પુણૅવિરામનો અથૅ ભાવનાને સમજતા વાર ના લાગી.

વિશાલે પોતાનો દાવ ફેંકતા કહ્યુ. ” હું, કાલે જ પશાભાઇ ની કેંટીન માં ગયો હતો. જયાં આપણે રોજ મળતા હતા! યાદ છે તને ? “

“ યસ, એ પશાભાઇની કેંટીન ! સાવ નાદાન હતા નહી આપણે ? “ –આ કથનમાં નાદાન શબ્દનો ઉપયોગ ભાવનાએ જાણીબુઝીને કર્યો.

”હા, પણ ખુબ મજા આવતી હતી નહી ? “ વિશાલે વાતને ફરીથી ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કર્યો.

એટલાંમાં ભાવનાએ કાંડા ઘડીયાળ તરફ નજર કરી અને બોલી, ” અરે ! સવા બે થઇ ગયા. મારે હજી ઘણા ફોન કોલ કરવાના છે. વિશાલ તુ નહી માને, મારા મિસ્ટર અશ્વિન નુ કહેવુ છે કે બિઝનેસ એકદમ પ્રોફેશનલી થવો જોઇએ. એમ તો આ બધાની હું બોસ છુ, પણ અત્યારે મારી ડયુટી મારે એકયુરેટ બજાવવાની જ ! “

“હા, એવુ જ હોવુ જોઇએ “ વિશાલ નો સ્વર ધીમો થઇ રહ્યો હતો.

“ બાય ધ વે, આપણે એવુ કરીએ તો સાંજે પાંચ વાગ્યા પછી અહીંયા નીચે એક કોફીશોપ છે. ત્યાં મળીએ તો ? “

વિશાલ ની ડુબતી નૈયા ને જાણે કિનારો મળી ગયો. ” ચોકક્સ કેમ નહિ ? “ તે બોલ્યો.

કોફી શોપ માં મળવાના આગળ ના દરેક કલાક વિશાલ માટે યુગ સમાન બની ગયા. હવે ફરીથી એના પંડમાં એ કોલેજછાપ રોમિયો પ્રવેશી ચૂકયો હતો. પાંચ વાગતા સુધી તો તેની ધીરજ રહી નહી. તે “સારથી ઇન્ફોટેક”ના દરવાજા સુધી જઇને પાછો આવ્યો . ભાવના ને નિહાળી ફરીથી કોફીશોપ ના ખુણા ના ટેબલે ગોઠવાયો. સાંજના 5:30 થઇ ચૂકયા હતા, હજુ સુધી ભાવના ના આવવાના કોઇ વાવડ નહોતા. એટલાંમાં જ તેના ટેબલ પર એક છોકરો દોડતો આવ્યો. જેના હાથમાં ચિટ્ઠી હતી. કોમ્પ્યુટર પર ટાઇપ કરેલી.

“દીદી ને આપકો યે દેને કો કહા હે “ એમ કહી તે ઝડપથી ભાગી ગયો. સાચવીને વિશાલે ચિટ્ઠી ખોલી જે આ પ્રમાણે હતી.

“ વિશાલ તુ આજે અચાનક મને મળવા ઓફિસમાં આવી ચડયો એ પણ એકઝેટલી રિશેષ સમયે ! મતલબ કે તે મને એકાદ વાર તો અહીં જોઇ છે. તુ કયો સંબંધ તાજો કરવા આવ્યો હતો ? કઇ યાદગીરી વાગોળવા ? કોલેજ કાળના સંબંધોનો કોલેજ પતવા સાથે આવી જતો હોય છે . કારણ કે અહીં રિયલ લાઇફ માં હું ‘ભાવના અશ્વિન આર્ચાય ‘ છું. એક બિઝનેસમેન ની પત્ની, એક બાળકીની માતા અને બીજુ ઘણુ બધુ. આપણા વચ્ચે અહીં એક જ સંબંધ શકય છે, નોકર અને માલીક નો ! અને હા કુરિયર સર્વિસ નુ કામ કાઉન્ટર પર જ પતી જતુ હોય છે તેથી આગળ નહિ. મને મળવાનો કે કોન્ટેક કરવાનો પ્રયત્ન ફરી કરતો નહિ. મારા પતિ ને એ બિલકુલ પસંદ નહિ આવે અને તારી પત્નીને પણ નહિ જ ગમે. સંબોધન કરતી નથી. ”

-ભાવના અશ્વિન આર્ચાય

પત્ર ટુંકમાં લખાયો હતો પણ તેના લખાણે આ રોમિયા ના મગજમાં શુન્યાવકાશ ભરી દીધો. થોડીક ક્ષણો તે અવાચક મુદ્રામાં બેસી જ રહ્યો. ખાતરી કરવા તેણે ચિટ્ઠી ફરી વાર વાંચી પણ દરેક શબ્દ તેને હજારગણો કડવો લાગ્યો. બે-ત્રણ ગાળ તેણે ભાવના ને આપી. તેનુ મગજ ઘુંઘવાયેલુ હતુ. મનોમન જગતના દરેક પૈસાદાર માણસને તેણે હલકી કોટીના ગણ્યા. એક વાર મારી પાસે પૈસા આવવા દે તે વારંવાર ચપટી વગાડતો સ્વગત બબડવા લાગ્યો.

પોતાના એક નશાખોર મિત્રને ફોન કરી તેણે કહ્યુ. ”ચકલા આજ માટે વ્યવ્સ્થા કરવી પડશે “ . સામે છેડેથી હકારમાં જવાબ મળતા તે મોટરબાઇક લઇ ઝડપથી ત્યાં પહોંચ્યો. દારુના કડવા ઘુંટોએ તેના અનુભવની કડવાશ તો ઓછી કરી પણ તેનો બબડાટ ચાલુ જ રહ્યો. એવી જ નશાની હાલતમાં તે ઘરે પહોંચ્યો ત્યારે અગિયાર વાગી ચુકયા હતા. મનિષા અનેક વખત તેનો ફોન ટ્રાય કરી ચુકી હતી. અનેક શંકા-કુશંકા કરતુ પરિવાર આતુરપણે તેની રાહ જોઇ રહ્યુ હતુ. નશાની હાલતમાં ડોર ખુલ્લો હોવા વિશાલે ડોરબેલ દબાવી રાખી. સમજુ પત્ની આંખથી જ સાસુને ઇશારો કરી અત્યાર પુરતુ સાચવી લેવા કહ્યુ. પણ વિશાલ ! મનિષા ને જોઇ ને વિશાલ ને ફરીથી પોતાની નિષ્ફળતા યાદ આવી.

હટ સાલી ! બોલતા તેણે મનીષા ને દુર હડસેલી. તેનો બબડાટ ચાલુ જ રહ્યો.

“તે મારી જિંદગી બરબાદ કરી નાખી. જાણે છે મારા લગ્ન કોની સાથે થવાના હતા ? ‘ભાવના સાથે’. તારા બાપે મુસીબતનુ પોટલુ મને વળગાડી દીધું. વિશાલ બોલતો જ રહ્યો. ખિસ્સામાંથી ચિટ્ઠીનો ઘા મનિષા પર કરી આખરે એ પુરુષત્વ નિઢ્રાના શરણે ગયુ. ડુચો વાળેલી ચિટ્ઠી આજની તમામ ઘટનાને સાક્ષી આપવા પુરતી હતી.

બીજા દિવસે તે રોજ કરતા મોડો ઉઠયો. તેનુ માથુ ભારે દુખતુ હતુ. મનિષા ઘરમાં નહોતી. સાસુને કારણ આપ્યા વગરજ તે વહેલા સવારે નીકળી ગઇ હતી. વિશાલ ની માં એ તત્કાળ પુરતી પારકી માંની ફરજ બજાવી. માં ના દરેક વેણે વિશાલ ને તથ્ય સમજાયુ આમાં મનિષા નો શો દોષ ? સસુરગ્રુહે ફોન લગાડવા છતા કોઇ જવાબ ના આવ્યો ત્યારે વિશાલની અધીરાઇ વધતી ગઇ.

“ હવે, તો એક છોકરી છે અમારા બંનેની, માની જશે” એવુ વિચારી તે મનિષા ને મનાવવા જવાનો હતો. ત્યાં જ ડૉરબેલ રણકી. હાથમાં એક જુની બેગ સાથે મનિષા દાખલ થઇ. વિશાલ કંઇ બોલે તે પહેલા તેણે બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા.

“ લો, આ વાંચી જોવો ! મારે વર્ષો પહેલા તેનો નાશ કરી નાખવાનો હતો. પણ કદાચ સમય આ જ દિવસની રાહ જોઇ રહ્યો હતો. ”

વિશાલે તે કાગળ ધ્યાનથી વાંચ્યા. દરેક કાગળ વાંચતા તેનુ દિલ ધબકવા લાગ્યુ. કાગળ લખનાર વ્યકિત કોલેજ કાળ દરમિયાન મનિષાના ગળાડુબ પ્રેમમાં હતો. દરેક કાગળ ના અંતે સંબોધન હતુ.

–તારો અશ્વિન

મનિષાએ વિશાલ ની આંખમાં આંખ પરોવીને કહ્યુ. ‘ હું અને અશ્વિન આર્ચાય કોલેજકાળમાં ખુબ નજીક હતા. તે બધી રીતે પરફેકટ હતો. રૂપાળો, શ્રીમંત ઘરનો અને પોતાનુ સર્વસ્વ આપવા તૈયાર. પણ ભાગ્યને કંઇક બીજુ જ મંજૂર હતુ. પપ્પાને હર્ષભેર આ સંબંધ ની વાત કરી ત્યારે તેમણે એક ઝાટકે ના પાડી. કારણ ફકત એટલુ જ કે તે આપણી જ્ઞાતિનો નથી. જો હું જ્ઞાતિ બહાર લગ્ન કરુ તો બીજા નાના ભાઇ-બહેન શુ થાય ? કદાચ હું ભાગીને લગ્ન કરી લેત પણ એજ અરસામાં પિતાને અકસ્માત થયો અને તેમની જિદ આગળ મારે નમતુ જોખવુ પડયુ. અશ્વિને મને સમજાવવા અનેક પત્રો લખ્યા. મનમાં અસંમજસ ચાલતી રહી પણ આખરે દીકરીનુ પલ્લુ જીત્યુ. મેં અશ્વિન ને કાયમ માટે ભુલવાનુ નકકી કર્યુ. તમારી સાથે લગ્ન કર્યા અને મનને મનાવી લીધુ. પણ આટલા વર્ષો પછી ! “ બોલીને મનિષા એ તુચ્છ નજરે વિશાલ સામે જોયુ. વિશાલ તે આંખોનો તાપ સહન ના કરી શકયો. વિશાલ ની નીચી નજરને થોડીક વાર નીરખી મનિષા ઉભી થઇ. રસોડામાંથી તે બાકસ ની પેટી લઇ આવી. મુખ્ય રૂમ માં જ તેણે પત્રો ને આગ ચાંપી. થોડીક ક્ષણોમાં તે રાખ થયેલો ભુતકાળ પવન સાથે રૂમ માં ઉડવા લાગ્યો.