શાંતનુ - પ્રકરણ - 11 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાંતનુ - પ્રકરણ - 11

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અગિયાર

‘ઓહ’ શાંતનુને એમ હતું કે હવે પછી અનુશ્રી તરફથી એને કોઇ જ આંચકો નહી મળે... પણ... એટલે થોડાક આઘાતને કારણે એ ફક્ત આટલું જ બોલી શક્યો.

‘આઇ નો શાંતુ તને ફરીથી લાગતું હશે કે અનુ અમદાવાદમાં એક મંથ રહી અને મને એકવાર તો એ મળી શકી હોત? એટલીસ્ટ કૉલ તો કરી શકી હોત...બરાબર ને?’ અનુશ્રીએ તરત જ શાંતનુનાં મનની વાત જાણી લીધી. અનુશ્રી શાંતનુને એમનેમ ‘બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર’ એટલે કે બી.એફ.એફ નહોતી માનતી.

‘ના ના અનુ એવું જરાય નથી અનુ. તમે હવે મેરીડ છો એટલે આઇ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે હવે અમુક લીમીટસમાં જ રહેવા માંગો છો. તમે મને મળવાની ટ્રાય કરી હોત અને એને કારણે જો તમને કોઇ તકલીફપડી હોત તો મને વધુ દુઃખ થયું હોત એટલે જે થયું એ સારા માટે જ થયું.’ શાંતનુ ખોટું બોલ્યો અલબત એ અનુશ્રીની મર્યાદાઓ સમજી રહ્યો હતો પણ અનુશ્રીને સારું લગાડવા પુરતું પણ બોલ્યો.

‘થેન્ક્સ અગેઇન શાંતુ અને એટલે જ મેં અહિયા આવીને તરત જ તને કોન્ટેક્ટ કર્યો. અમસ્તી પણ એકલી છું થોડાં દિવસ એટલે હું તારી સાથે ફ્રી થઇ ને વાત કરી શકીશ અને આ અઢાર મહીના ની ભેગી થયેલી વાતો આપણે આ એક અઠવાડિયામાં જ કરી લઇશું.’ અનુશ્રીના ચહેરા પર આનંદ દેખાઇ રહ્યો હતો.

‘ચોક્કસ, કેમ નહિ. બટ અનુ, એક વાત પૂછું?’ શાંતનુ બોલ્યો.

‘પૂછને?’ અનુશ્રીએ જવાબ આપ્યો.

‘આઇ એમ શ્યોર કે સુવાસભાઇએ અરેન્જડ મેરેજ જ કર્યા હશે હેં ને?’ શાંતનુ મંદ મંદ મુસ્કુરાઇ રહ્યો હતો.

‘હા કેમ એવું પૂછે છે?’ અનુશ્રી ને આશ્ચર્ય થયું.

‘કારણકે જો એમણે લવ મેરેજ કર્યા હોત તો તમારી સાથે અત્યારે વાત પતાાવીને તરત જ હું તમારે ઘેર જઇ ને એમને એક જન્નાટેદાર તમાચો મારી આવત.’ શાંતનુ હળવાં મુડમાં હતો એનો અનુશ્રીને ખ્યાલ આવી ગયો.

‘ઓહ યા..શાંતુ મારે તને એનાં માટે પણ સોરી કહેવાનું છે. હું અમદાવાદ હતી ત્યારે મમ્મા એ મને બધીજ વાત કરી. હી શૂડ સે સોરી ટુ યુ શાંતુ. પણ મને ખબર છે એ એમ નહી કરે એટલે પ્લીઝ એમનાં વતી મારાં સોરી સ્વીકારી લે.’ અનુશ્રી બોલી.

‘અરે યાર તમારાં માટે તો ગમે તે...’ આટલું કહીને શાંતનુ રોકાઇ ગયો.

‘દોસ્તી કરવી કોઇ તારી પાસેથી શીખે શાંતુ.’ અનુશ્રી હસીને બોલી.

‘માય પ્લેઝર મેમ.’ શાંતનુ એ વિવેક કર્યો.

‘તારે તૈયાર નથી થવાનું શાંતુ? ઉઠી ને તરત જ મારી સાથે ચેટ કરી રહ્યો છે ને?’ અનુશ્રી બોલી.

‘થઉં છું યાર. શું ઉતાવળ છે? આજે તો છેક બપોરની અપોઇન્ટમેન્ટ છે.’ શાંતનુને અનુશ્રી સાથે વાત ચાલુ રાખવી હતી.

‘છી ગંદો..વાસ આવે છે...છેક અહીં સુધી. જા જા નહાઇ લે.’ અનુશ્રી હસી રહી હતી.

‘હા હા... મેં તો હજી બ્રશ પણ નથી કર્યું.’ શાંતનુ પણ હસવા લાગ્યો.

‘છીઇઇઇ, હાઉ કમ યુ બીકેમ સો લાઉઝી શાંતુ?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘અરે આટલાં વર્ષે તમે કોન્ટેક્ટ કર્યો અને હું એમ કહેત કે ફ્રેશ થઇ જાઉં તો એમાં કેટલો ટાઇમ જાત?... એટલે.’ શાંતનુએ અનુશ્રીને સમજાવવાની કોશિશ કરી કે એણે કેમ હજી બ્રશ પણ નથી કર્યું.

‘હમમ..ઇટ્‌સ ઓકે, પણ સાંભળ મારે ઇશી ને થોડી બહાર લઇ જવી છે. ઇટ્‌સ ઓન્લી સિક્સ થર્ટી. નજીકનાં પાર્કમાં હું એને રોજ ફરવા લઇ જાઉં છું. પ્લસ કલાક પછી અમર પણ મારી સાથે સ્કાઇપ પર ચેટ કરશે એટલે આપણે કાલે મળીશું. જો કે તું મને વ્હોટ્‌સ એપ્પા પર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે ઓકે?’ અનુશ્રીએ જવાની મંજુરી માંગી.

‘શ્યોર, હવે તો તમારાં કોન્ટેક્ટમાં રહીશ જ, ચલો તમે લોગઆઉટ કરો એટલે હું પણ કરી દઉં.’ શાંતનુ બોલ્યો.

‘કેમ પહેલાં હું કેમ? તું કર હું પછી કરીશ.’ અનુશ્રી બોલી.

‘લેડીઝ ફર્સ્ટ.’ શાંતનુ હસ્યો.

‘હા હા... ઠીક છે આજે હું માની લઉં છું પણ પછી તો રોજ તારે જ ફર્સ્ટ લોગઆઉટ કરવું પડશે, પ્રોમીસ મી.’ અનુશ્રી એ શાંતનુને ફરજ પાડતાં કહ્યું.

‘ઓક્કે જી, આજથી એક નિયમ, જો અનુ કહે વહી સહી, બસ?’ શાંતનુ બોલ્યો.

‘ધેટ્‌સ લાઇક અ ગુડ બોય..ચલ લોગઆઉટ કરું છું..બાઆઆઇઇઇ...’ અનુશ્રીએ કેમેરા સામે હાથ હલાવ્યો.

‘બાય અનુ.’ શાંતનુએ પણ કેમેરા સામે હાથ હલાવ્યો.

બે-ત્રણ સેકન્ડ પછી અનુશ્રીનો કેમેરા બંધ થઇ ગયો અને એ લોગ-આઉટ થઇ ગઇ. લગભગ બે મિનીટ સુધી શાંતનુની નજર એનાં લેપટોપના સ્ક્રીન પરથી હટી જ નહી.

‘હવે લેપ્પી બંધ કરી ને બ્રશ કરવા જા.’ એ સતત અનુશ્રીનું

પ્રોફાઇલ પિક્ચર નિહાળતો રહ્યો હતો ત્યાં જ વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રીનો

મેસેજ આવ્યો. જેમાં ખડખડાટ હસતાં અસંખ્ય સ્માઇલીઝ હતાં.

‘ઓલરેડી કરી જ રહ્યો છું.’ શાંતનુએ સામો જવાબ આપ્યો.

‘વાહ એક હાથમાં બ્રશ અને બીજા હાથમાં સેલ? શાંતુ હું તારા જેવી સ્ટુપીડ નથી. કાલે મળીએ છીએ ને પાછાં, ગો ટુ યોર રૂટીન, હેવ અ નાઇસ ડે...ગુડ નાઇટ.’ આમ કહીને અનુશ્રી ઓફલાઇન થઇ ગઇ.

શાંતનુ મનોમન હસી રહ્યો હતો. એને એ બાબતની સાબીતી મળી ચુકી હતી કે ભલે અનુશ્રી એની જીવનસાથી ન બની અને ભલે ઓગણીસ મહીના જેટલાં લાંબા સમય સુધી બન્ને એકબીજાં ને મળ્યાં પણ ન હતાં તેમ છતાં આજે પણ અનુશ્રી અને શાંતનુની ટેલીપથી પહેલાંની જેમ જ કામ કરી રહી હતી. આ ટેલીપથી એ જ તો શાંતનુને અત્યારસુધી અનુશ્રીએ એણે છેતરતી નથી એની સતત સાબીતી આપી હતી.

અત્યારે શાંતનુ ખુબ ખુબ ખુશ હતો. એ લીવીંગ રૂમમાં ગયો અને જ્વલંતભાઇને શોધ્યા પણ એ ન મળ્યાં. આગળ વધીને જોયું તો તે રસોડામાં મહારાજ સાથે આજે શું રસોઇ બનાવવી એની માથાફૂટ કરી રહ્યાં હતાં. શાંતનુ અંદર જઇને જ્વલંતભાઇને રીતસર વળગી જ પડ્યો. મહારાજ આશ્ચર્યચક્તિ થઇને આ બધું જોઇ રહ્યાં હતાં કારણકે શાંતનુએ આજસુધી આવું વર્તન કોઇ દિવસ નહોતું કર્યું. પણ એ મહારાજ હતાં અને જ્વલંતભાઇ તો શાંતનુનાં પિતા હોવા છતાં મિત્ર વધુ હતાં એટલે એમને શાંતનુનાં આ આનંદનું કારણ સમજતાં વાર ન લાગી.

‘અરે અરે અરે...શાંતનુભાઇ, લાગતા હૈ આજ ફીરસે વો ખુશી કી ઘડી વાપસ આઇ!’ એમને અચાનક ભેટેલા શાંતનુ ને કારણે ગુમાવેલા બેલેન્સ ને પાછું મેળવતાં મેળવતાં જ્વલંતભાઇએ પ્રાસ મેળવ્યો.

‘સિર્ફ ખુશી હી નહી પપ્પા, આજતો મેરી ઝીંદગી ખુદ સામને ચલ કે મુજસે મીલને આઇ.’ આજે મહિનાઓ પછી શાંતનુએ જ્વલંતભાઇને પ્રાસાનુપ્રાસમાં જવાબ આપ્યો.

અનુશ્રીના લગ્ન પછી શાંતનુ અને જ્વલંતભાઇએ પ્રાસમાં વાત કરવાનું મૂકી જ દીધું હતું અને જ્વલંતભાઇએ પણ એને કોઇ દિવસ આ બાબતે પૂછીને હેરાન નહોતો કર્યો. પણ આજે એને ખુબ મૂડમાં જોઇને એમનાંથી કુદરતી રીતે પ્રાસ માં બોલાઇ ગયું અને એમનાં સુખદ આશ્ચર્ય સાથે શાંતનુએ પણ પ્રાસમાં જ જવાબ આપ્યો.

‘ખુબ સરસ શાંતનુ, હું આજે બહુ ખુશ છું, તમને ખુશ જોઇએ.’ જ્વલંતભાઇ બોલ્યાં એમનાં ચહેરા પર આનંદ સાથે સંતોષ છલકતો હતો કે શાંતનુ આખરે નોર્મલ થઇ ગયો, ભલે એ એમનાંથી પોતાનું થોડુંક દુઃખ છુપાવતો પણ એમને ખબર હતી કે એ અનુશ્રીનાં વિરહમાં આજસુધી ખુબ જ હિજરાઇ રહ્યો હતો.

‘થેન્ક્સ પપ્પા.’ શાંતનુ હસીને બોલ્યો.

‘તમારે મારાં બે કામ કરવા પડશે.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં.

‘બે શું બસ્સો કામ કરું આજે તો.’ શાંતનુએ ઉત્સાહ દેખાડ્યો.

‘ના મારે ફક્ત બે જ કામ કરાવવા છે. એક તો આ મહારાજ ક્યારના મારું માથું ખાય છે. એક્ચ્યુલી કાલે માર્કેટમાં ગયો હતો તોપણ શાકભાજી લાવવાનું હું ભૂલી ગયો હતો એટલે મેં કીધું કે તમે દાળ મુકો ત્યાં હું સામે પેલા નેપાજી નાં ગલ્લે થી થોડાં રીંગણા લઇ આવું તો ના પાડે છે. કહે છે આજે એમને ઘેરે જવાની ઉતાવળ છે.’ જ્વલંતભાઇએ પહેલું કામ કહ્યું.

‘તો ફિકર નોટ, ઘરમમાં પેલાં સુકા વટાણા તો છે ને? ઉસળ બનાવી નાખોને? નહાઇને હું સામેથી સેવ લેતો આવીશ, વ્હેર ઇઝ ધ પ્રોબ્લેમ પપ્પા?’ શાંતનુએ તરત જ ઉકેલ શોધી આપ્યો આજે એ એટલો ખુશ હતો કે એને પોતાની સહુથી ભાવતી વાનગી ખાવાનું મન પણ થઇ ગયું.

‘સેવ-ઉસળ? સવારે?’ જ્વલંતભાઇ ને આશ્ચર્ય થયું.

‘હા પપ્પા પ્લીઝ બહુ મન થયું છે આજે.’ શાંતનુએ જ્વલંતભાઇને રીતસર વિનંતી કરી.

‘ઠીક છે..મહારાજ ચાલો ઉસળ બનાવી દયો એટલે તમારે પણ ઘેરે વહેલાં જવાય. જોયું? કેટલો ડાહ્યો છે મારો દીકરો? આપણો પ્રોબ્લેમ એણે બે સેકન્ડ્‌સમાં ઉકેલી દીધો.’ જ્વલંતભાઇએ મહારાજને સેવ-ઉસળ બનાવવાનું જ કીધું અને એને કારણે એમણે ઘરે વહેલું જવા મળશે એ જાણીને મહારાજ પણ ખુશ થઇ ગયાં.

‘ઓકે અને તમારું બીજું કામ પપ્પા?’ શાંતનુ એ જ્વલંતભાઇને બીજું કામ યાદ દેવડાવ્યું.

‘અરે હા...બીજું અને મહત્વનું કામ. શાંતનુ હવે બ્રશ કરો ઓલરેડી પોણાદાસ થઇ રહ્યાં છે, ઘડિયાળ જોઇ?’ જ્વલંતભાઇએ શાંતનુને યાદ દેવડાવ્યું.

‘ઓહ...સોરી..હમણાંજ ફ્રેશ થઇ જાઉં. લવ યુ પપ્પા બોસ!’ શાંતનુએ જ્વલંતભાઇને પહેલીવાર આમ ‘પપ્પા બોસ’ કહ્યું હતું પણ જ્વલંતભાઇને જરાપણ આશ્ચર્ય ન થયું કારણકે શાંતનુ આજે મહિનાઓ પછી અનુશ્રીને મળ્યો હતો.

બ્રશ કરી, નહાઇને અક્ષયને પણ આ ખુશ ખબર આપ્યાં અને એને અને સિરતદીપને આ આનંદનાં સમાચાર હમણાં ન કહેવાનું કહ્યું કારણકે અનુશ્રીએ શાંતનુને કહ્યું જ હતું કે સિરતદીપને કૉલ કરવાની જ છે. આ આનંદનાં સમાચારની ઉજવણી માટે શાંતનુએ અક્ષય અને સિરતદીપને પોતાને ઘેરે રાત્રે ઘેરે ડીનર પર પણ આમંત્રિત કર્યા.

શરૂઆતમાં તો અક્ષયને શાંતનુનું આમ વર્તવું જરાક વધુ પડતું

લાગ્યું પણ અનુશ્રી શાંતનુ માટે શું છે એને કારણેજ શાંતનુ આજીવન અપરણિત રહેવાનો છે એ હકીકત પર જ્યારે એણે ધ્યાન દઇને વિચાર કર્યો ત્યારે એને લાગ્યું કે શાંતનુનું આમ વર્તવું જરાય અયોગ્ય તો નથી. જ રાત્રે અક્ષય અને સિરતદીપ જ્યારે ડીનર પર આવ્યાં ત્યારે એ બન્નેને ખુશ જોઇને જ્વલંતભાઇ ને શાંતનુ કાયમ એકલો રહેશે એ વિચાર થોડુંક દુઃખ જરૂર આપી ગયો, પણ એમણે આ બાબતે શાંતનુ સાથે વર્ષ પહેલાં જ ચર્ચા કરી લીધી હતી અને શાંતનુ એનાં આ નિર્ણય પર અફર રહેવાનો જ છે એનો એમને ખ્યાલ હતો જ.

અનુશ્રીના દોઢ વર્ષે અચાનક દેખા દીધાં બાદ હવે એ અને શાંતનુ રોજ વહોટ્‌સ એપ્પ પર ફરીથી કલાકો નાં કલાકો વાતો કરતાં કોઇ કોઇ વાર એલોકો સ્કાઇપ પર પણ કેમેરાથી ચેટ કરી લેતાં. આ દરમ્યાન અનુશ્રી એકવાર એકવાર તો અચૂક ઇશિતા ને કેમેરા પર લાવતી અને શાંતનુને પોતાનાં હાથે જ ‘હાઇ’ કરાવતી. આમનેઆમ એક ઔર અઠવાડીયું વીતી ગયું અને અમરેન્દ્ર અને એની મા ભારતથી પાછાં પણ આવી ગયાં. અનુશ્રીએ હવે શાંતનુને કડક સુચના આપી દીધી કે હવે વ્હોટ્‌સ એપ્પ પર એજ એને સામેથી મેસેજ કરે તો જ શાંતનુએ એનો જવાબ આપવો અને શાંતનુએ એને સામેથી એને કોઇજ મેસેજ ન કરવો. કારણકે પોતાની બાબતે અમરેન્દ્ર થોડો પઝેસીવ છે એવું અનુશ્રીને શાંતનુ ને કહ્યું પણ એ કોઇવાર અમરેન્દ્ર અને શાંતનુની ઓનલાઇન મુલાકાત કરાવી દેશે પછી વાંધો નહી આવે એમ પાછું ઉમેર્યું. જો કે શાંતનુને અમરેન્દ્ર સાથે કોઇજ મતલબ ન હતો એને તો અનુશ્રી સાથે પેટ ભરીને વાત કરવા મળે છે એ બાબતથી પુરતો સંતોષ હતો. અમરેન્દ્ર જોબ ઉપર જાય પછી જ અનુશ્રી શાંતીથી એની સાથે વાત કરી શકે એટલે મોટેભાગે એ રાત્રે અથવાતો વહેલી સવારેજ એની સાથે જ વાત કરતો. અનુશ્રી રોજ કોઇને કોઇ બાબતે અમરેન્દ્રનાં વખાણ કરવાનું ચૂકતી અને એ શાંતનુને જરાપણ ન ગમતું.

બધી જ રીતે સરળ શાંતનુ જ્યારે અનુશ્રીનાં મોઢે અમરેન્દ્રનું નામ

આવે ત્યારે પગથી માથા સુધી બળી જતો.

આમનેઆમ છ મહીના બીજા વીતી ગયાં. અનુશ્રીના લગ્નને હવે બે વર્ષ થઇ ગયાં હતાં. ઇશિતા પણ હવે એક વર્ષ થી પણ વધુ મોટી થઇ ગઇ હતી. હવે તો અનુશ્રી પણ જોબ કરવા લાગી હતી અને અનુશ્રી દ્ધારા થતાં અમરેન્દ્રનાં વખાણ શાંતનુથી હજીપણ સહન નહોતાં થતાં. જોકે અનુશ્રીએ હજીપણ શાંતનુની સાથે અમરેન્દ્ર ની વાત કરાવી ન હતી એ એક અલગ બાબત હતી. શાંતનુને એમ લાગતું હતું કે અનુશ્રીની લાઇફ એકદમ સેટ છે અને એ ખુબ ખુશ છે. અને અનુશ્રીએ શાંતનુ ને એમ પણ કહ્યું કે હવે જ્યારે એકાદ વર્ષ પછી એ ફરીથી પાછી અમદાવાદ આવશે ત્યારે એ બન્નેની મુલાકાત ચોક્કસ થઇ શકશે કારણકે આ વખતે અનુશ્રી ઇશિતાને લઇને એકલી જ આવવાની હતી.

પણ જ્યારે તમને એમ લાગે કે જિંદગી એકદમ આપણી યોજના મુજબજ સરળ અને એકધારી જઇ રહી છે ત્યારેજ એ તમને સરપ્રાઇઝ આપે છે. શાંતનુએ માની લીધું હતું કે અનુશ્રીને જ્યારે એણે પ્રપોઝ કર્યું હતું અને એણે એને ના પાડી હતી પણ સાથે સાથે એક પ્રોમિસ પણ આપ્યું હતું કે એ એને આગલાં જન્મમાં જરૂર મળશે એટલે હવે એ પ્રમાણે જ બધું બનવાનું છે ત્યારે જ એક એવી ઘટના બની જે ઘટનાએ ધીરેધીરે શાંતનુ અને અનુશ્રીના જીવન નો આકાર બદલવાનું શરુ કર્યું. એક દિવસ રાત્રે શાંતનુ અને અનુશ્રી વ્હોટ્‌સ એપ્પ પર રોજની જેમ ચેટ કરી રહ્યાં હતાં. અનુશ્રી એનાં જોબમાં લંચ બ્રેકમાં હતી. લગભગ અડધા કલાકની ચર્ચા પછી શાંતનુને એમ લાગ્યું કે આજે અનુશ્રી એનાં ઓરીજનલ મૂડમાં ન હતી એટલે એને મુડમાં લાવવા એણે મન મારીને પણ અનુશ્રીનું ધ્યાન અમરેન્દ્ર તરફ દોર્યું.

‘અનુ, આજે તમે એકવાર પણ અમરેન્દ્રમાં વખાણ ન કર્યા.’ શાંતનુએ મેસેજ મોકલ્યો.

‘આજે હું પેલું શું કહેવાય કોપ ભવનમાં છું.’ અનુશ્રીએ જવાબ

આપ્યો.

‘કેમ શું થયું.? બધું બરોબર છે ને?’ શાંતનુ એ પૂછ્યું.

‘ના આજે અમારાં અબોલા છે. અમારાં વચ્ચે સવારના પહોરમાં જ લડાઇ થઇ. નાની મોટી તો થતી રહે છે પણ આજે થોડી સીરીયસ અને લાંબી...’ અનુશ્રી નો જવાબ આવ્યો.

‘ઓહ શું થયું?’ શાંતનુને ચિંતા થઇ, અફકોર્સ અનુશ્રી ની.

‘એ નેકસ્ટ વીક એનાં બે-ત્રણ ફ્રેન્ડસ સાથે યોરપ ફરવા જવાનો છે, ઇનફેક્ટ યુ નો... મોજ-મસ્તી કરવા.’ અનુશ્રીએ પોતાનાં જવાબ સાથે ગુસ્સાવાળું સ્માઇલ મોકલ્યું.

‘ઓહ, રી-લીવીંગ ધ બેચલર્સ લાઇફ હાં?’ શાંતનુએ વળતાં જવાબમાં હસતું સ્માઇલી મોકલ્યું.

‘નોટ ફની શાંતુ, એ તો મને છેલ્લે દિવસે જ કહેવાનો હતો આતો આજે એકસીડન્ટલી મેં એનાં ડ્રોઅરમાં ટીકીટ્‌સ અને એનાં પાસપોર્ટ પર વિઝા નો સ્ટેમ્પ જોયો ત્યારે મને ખબર પડી.’ અનુશ્રી એ જવાબ આપ્યો.

‘ઓહ...પછી?’ શાંતનુને ઉત્કંઠા થઇ.

‘પછી મેં એની પાસે એકપ્લેનેશન માંગ્યું. તો મને કહે કે હી નીડ્‌ઝ અ ચેન્જ.’ અનુશ્રી એ લખ્યું.

‘હમમ...’ શાંતનુને ખ્યાલ આવી ગયો કે અનુશ્રી એની આદત પ્રમાણે માંડીને આખી વાત કરશે જ.

‘શાંતુ, મેરેજ પછી ઇન્ડિયા આવ્યાં સીવાય હું પણ કશે ગઇ નથી અને એનાં પંદર દિવસ પણ સુવાસભાઇનાં મેરેજમાં જ બીઝી રહી હતી, શું મારે ચેન્જ ન જોઇએ?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘ચોક્કસ જોઇએ, તમે એને કહ્યું નહી?’ શાંતનુએ વળતો પ્રશ્ન કર્યો.

‘કહ્યુંને તો કહે કે વાઇફ જોડે જઉં તો મારે જે જલ્સા કરવા હોય એ કેવીરીતે કરી શકું? નફફ્ટ સાલો. મેરેજ પછી હું યુ.એસ આવી અને પછી પછી પાછી ઇન્ડિયા આવી ગઇ બસ મને તો કોઇ ચેન્જ ની જરૂર જ નથી ને ? હું તો વાઇફ છું ને? મારે તો ખાલી ઢસરડા જ કરવાનાં હોય ને?’ અનુશ્રી આ લખતાાં લખતાં પણ ગુસ્સે હશે જ એવું ભાષા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.

‘ઓહ...’ શાંતનુએ ફ્કત આટલો જ જવાબ આપ્યો.

‘યુ નો શાંતુ એ જેની સાથે જઇ રહ્યો છે એમાંનો એનો કોઇપણ ફ્રેન્ડ મને ગમતો નથી. બધાં સાલા પિયક્કડો છે અને ઘેરે આવે તો પોતાની વાઇફ્સ ને બાજુમાં મુકીને ભાભીજી ભાભીજી કહીને મારી આસપાસ ફરવા લાગે. એકદમ ઠર્કી છે બધાં. હું અમર ને કાયમ કહું છું કે કાં તો તારે આ લોકોને બાહાર બોલાવવા અને કાં તો જ્યારે હું ઘરમાં ન હોઉં ત્યારે આ લોકો ને મળવા બોલાવવા પણ મારું કોણ માને?’ અનુશ્રી એ પહેલીવાર અમરેન્દ્રનાં વખાણ કરવાની બદલે ટીકા કરી હતી અને શાંતનુને કોઇ અગમ્ય કારણોસર મનોમન આ ગમી પણ રહ્યું હતું.

‘તો પછી શું નક્કી કર્યું?’ શાંતનુએ સવાલ કર્યો.

‘પછી તો બહુ ચર્ચા ચાલી. અમે ખુબ ઝગડ્યા. સવારથી અત્યારસુધી મેં એની સાથે હજી સુધી વાત પણ નથી કરી પણ એને તો જાણે કોઇ ફર્કજ નથી પડ્યો. ‘સોરી’ નો એક મેસેજ પણ એણે મને નથી મોકલ્યો બોલ. મને એમ કે મારી સાસુ મને ટેકો આપશે પણ મા તો કાયમ દીકરા તરફે જ હોય છે અહીયા તો. એણે એનું ડીસીઝન સવારે જ કહી દીધું કે યોરપ ઇઝ ઓન!’ અનુશ્રીએ પૂરી ઘટના કહી.

‘સેડ, તો હવે?’ શાંતનુ એ પૂછ્યું.

‘કશુ નહી શાંતુ, લાઇફ ગોઝ ઓન.. હું અને મારી દીકરી અમે જલસા કરીશું.’ છેવટે અનુશ્રીએ સ્મીત વાળા સ્માઇલથી સાથે મેસેજ મોકલ્યો.

‘ધેટ્‌સ ધ સ્પીરીટ અનુ. મને આ ગમ્યું અને હું તો છું જ, જ્યારે પણ એવું લાગે તમે એકલાં પડી ગયાં છો તો મને કહી દેજો આપણે અહી કે સ્કાઇપ પર ચેટ કરીશું.’ શાંતનુએ અનુશ્રીને ટેકો જાહેર કર્યો.

‘અફકોર્સ શાંતુ, આઇ ઓલ્વેઝ કાઉન્ટ ઓન યુ. ચલ મારો લંચ પૂરો થઇ ગયો, કાલે મળીએ બાય!’ આટલો મેસેજ મૂકી ને અનુશ્રી ઓફલાઇન થઇ ગયું.

અનુશ્રી અને અમરેન્દ્ર નો ઝઘડો? અને એપણ આટલો મોટો કે બન્ને એ લગભગ આખો દિવસ વાત પણ નથી કરી એ આમતો દુઃખ ની બાબત હતી પણ શાંતનુને મનોમન આનંદ થઇ રહ્યો હતો. કદાચ તે દિવસે અમરેન્દ્ર એની સાથે જે રીતે વર્ત્યો હતો એ કારણે અથવાતો અનુશ્રીએ પહેલીવાર અમરેન્દ્રની ખોટ કાઢી અને એપણ એક ખોટ નહી પણ અનેક, અને કારણે.

અનુશ્રીના લોગઓફ થયાં પછી શાંતનુ જ્યારે સુવા માટે પથારીમાં પડ્યો ત્યારે એને વિચાર આવ્યો કે ગમેતેમ પણ અનુશ્રી તો એને એનો ખાસ મિત્ર ગણતી હતી અને ખાસ મિત્રએ હમેશાં એનાં મિત્રના દુઃખમાં દુઃખી થવું જો પોસીબલ ન હોય તો એટલીસ્ટ ખુશ તો ન જ થવું જોઇએ. શાંતનુએ તરતજ પોતાની ખુશી પર કંટ્રોલ કરી દીધો અને આગળુ શું થશે એની રાહ જોવામાં પોતાનું ભલું છે એમ વિચાર્યું.

અનુશ્રી સાથેની રોજિંદી ચેટ માં શાંતનુને ખ્યાલ આવ્યો કે અમરેન્દ્રએ આખરે એની જીદ પુરી કરી અને એ અઠવાડિયાના યુરોપ (અનુશ્રીનાં અગ્રેજીમાં ‘યોરપ’) પ્રવાસે ઉપડી ગયો. જે દિવસે અમરેન્દ્ર અને અનુશ્રી આ બાબતે ઝઘડ્યાં હતાં તે દિવસથી અમરેન્દ્રમાં યુરોપ જવાનાં દિવસ સુધી એ બન્ને વચ્ચે અબોલા રહ્યાં હતાં. અમરેન્દ્ર ની ગેરહાજરીમાં અનુશ્રી અને શાંતનુ રોજ સ્કાઇપ પર વાત કરતાં. અમુક વાર તો શાંતનુને વહેમ ગયો કે ક્યાંક અમરેન્દ્રનાં આવાં વર્તાવ થી અનુશ્રી એની તરફ તો નથી ઢળી રહી ને? પણ હજી આમ વિચારવું વધુ પડતું છે અને કોઇ નિષ્કર્ષ પર આવતાં પહેલાં એણે હજી રાહ જોવાનું વધુ પસંદ કર્યું.

અમરેન્દ્ર જે દિવસે એનાં યુરોપનાં પ્રવાસ પરથી પાછો આવવાનો હતો એનાં અમુક કલાક અગાઉ અનુશ્રી એની સાથે સ્કાઇપ પર કેમેરાથી ચેટ કરી રહી હતી.

‘આજે એ પાછો આવે છે શાંતુ...’ ચેટ મેસેન્જર કનેક્ટ થતાં જ અનુશ્રી બોલી.

‘ગુડ..હવે બહુ એને હેરાન ન કરતાં અને તરત જ એને એક હગ આપીને ગ્રીટ કરજો ઓકે?’ શાંતનુએ સલાહ આપી.

‘હગ કરે મારી બલા.’ અનુશ્રી બોલી.

‘પ્લીઝ યાર. એવું ન કરો. એ તમારો હસબંડ છે અને મેલ ઇગો બહુ ખરાબ હોય છે. તમે હવે એનાં ઇગો ને ન છંછેડતાં નહી તો વાતનું વતેસર થતાં વાર નહી લાગે.’ શાંતનુ એ સલાહ આપતાં કહ્યું.

‘મેલ ઇગો માય ફુટ. દુનિયાનાં દરેક મેલ્સ આવો ઇગો લઇને નથી ફરતાં’ અનુશ્રી એ જવાબ આપ્યો.

‘હોય છે યાર દુનિયાનાં દરેક પુરુષને ઇગો હોય જ છે કદાચ તમને ખબર નથી.’ શાંતનુએ દલીલ કરી.

‘તો તને કેમ નથી?’ અનુશ્રીનાં સવાલથી શાંતનુ બધવાઇ ગયો.

‘કોણે દીધું?’ શાંતનુ એ કરવા ખાતર પ્રશ્ન કર્યો.

‘તું મને ઉલ્લુ સમજે છે શાંતુ? શું હું તને નથી જાણતી? ઇટ્‌સ બીન ઓલમોસ્ટ કે પછી મોર ધેન થ્રી યર્સ સીન્સ વી નો ઇચ અધર શાંતુ.

તારી રગ રગ થી વાકેફ છું.’ અનુશ્રી એ ઇમોશનલ દલીલ કરી જે શાંતનુને ચીત કરવા માટે પુરતી હતી.

‘અરે એવું કશું નથી.’ શાંતનુ પાસે હવે કોઇ દલીલ બચી ન હતી.

‘શું કશું નથી? તારી પાસે ઇગો નથી કે તું પુરુષ નથી.’ અનુશ્રી ખડખડાટ હસી પડી.

‘હા હા...તમને ખબર છે કે હું શું છું અને શું નથી, તે દિવસે તમને પ્રપોઝ કરતાં પહેલાં....’ શાંતનુ આંખ મારતો બોલ્યો.

‘બહુ સારું હવે ચુપ થઇ જા સ્ટુપીડ અને મારે તારી પાસે મેલ ઇગો નાં ટ્યુશન્સ નથી લેવાં. સાંભળ આજે મેં એક ડીસીઝન લીધું છે અને મારે તારી સાથે એ શેર કરવું છે, પછી તું મને કહેજે કે મેં જે ડીસીઝન લીધું છે બરોબર છે કે નહી, ઓકે?’ અનુશ્રીએ વાત વાળી.

‘ઓકે શ્યોર મેમ, જેવો આપનો હુકમ...બોલો.’ શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું.

‘આઇ હેવ ડીસાઇડેડ શાંતુ કે હું પણ હવે મારાં માટે પણ જીવીશ. અફકોર્સ મારી ફેમીલી ડ્યુટી પણ સાથેસાથે જ નીભાવીશ. હવે મને જે મન થશે એ જ હું કરીશ. આખીય લોસ એન્જેલીસ સિટીમાં ખુબ ફરીશ, મને ગમતું ફૂડ ખુબ ખાઇશ, હિન્દી મુવીઝ જોઇશ, ખુબ બધું શોપીંગ કરીશ.’ અનુશ્રીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

‘હમમમ...’ શાંતનુ સાંભળી રહ્યો હતો.

‘જો અમરને લગ્ન પછી પણ ફક્ત પોતાની ચોઇસની લાઇફ જીવવી હોય તો મારો શુું વાંક? એણે જો મને કોન્ફીડન્સ માં લઇને યોરપ જવાનું નક્કી કર્યું હોત તો હું એને જરાપણ ના ન પાડત પણહી બીકેઇમ સેલ્ફીશ તો પછી હું પણ હવે આવી રીતે સેલ્ફીશ થઇશ. આઇ શોટ કે ‘માં ઇન લો’ મને સપોર્ટ કરશે પણ આ આખુંય વિક એ તો મારી જ ખોડખાંપણ કાઢી રહ્યાં છે. મેરેજ પછી શું આવું જ થતું હશે? બે વર્ષ અને ધ ચાર્મ ઇઝ ઓલ ગોન?’ અનુશ્રીનાં અવાજમાં નિરાશા હતી.

‘હમમમ...’ શાંતનુએ અનુશ્રીને સાંભળવાનું ચાલું રાખ્યું.

‘પણ હું સેલ્ફીશ બનીને પણ ઘરની ડ્યુટીઝ તો ચાલુ જ રાખીશ પણ મને ગમતી એક્ટીવીટી ને મુકીને તો નહીજ.’ અનુશ્રી બોલતાં બોલતાં રોકાઇ.

‘હમમમ...’ શાતનુ ને એમ કે હજીપણ અનુશ્રીને કહેવાનું બાકી છે.

‘અરે ઓ હમમ...હમમ... હમિંગ બર્ડ વ્હોટ યુ સે? માય સ્વીટ બી. એફ. એફ. મારું ડીસીઝન બરોબર તો છે ને?’ અનુશ્રી એ પૂછ્યું.

‘તમે તમારી ફેમીલી પ્રત્યેની ફરજો ને અવોઇડ કરીને તમારું મન થાય એ નથી કરવાનાં એટલે મને લાગે છે કે તમારું આ ડીસીઝન યોગ્ય છે. આપણો ટેકો! પણ તમારી મેરીડ લાઇફ ને કોઇ નુકસાન ન થવું જોઇએ.’ શાંતનુએ કેમેરી સામે થમ્સઅપ ની સાઇન કરી.

‘થેન્ક્સ શાંતુ, તે મને ખુબ કોન્ફિડન્સ આપ્યો છે એન્ડ આઇ પ્રોમિસ કે હું મારી મેરેજ લાઇફને કોઇજ પ્રોબ્લેમ નહી આવવા દઉં.’ અનુશ્રી હસીને બોલી.

‘ઇટ્‌સ માય પ્લેઝર મેમ.’ શાંતનુએ પણ વળતો જવાબ હસીને જ આપ્યો.

‘ચલ હવે મને ખુબ ઊંઘ આવે છે. આજે છેલ્લીવાર એકલી સુઇ જાઉં? વહેલી સવારે કામદેવ આવશે એટલે ભલે બોલતી ન હોઉં પણ કદાચ મારે એમની એ ડ્યુટી નિભાવવી પડશે ને?’ અનુશ્રી હસતાં હસતાં બોલી.

‘તો પછી અત્યારે હું આવી જાઉં?’ શાંતનુએ આંખ મીંચકારતા કહ્યું.

‘બી ઇન યોર લીમીટ્‌સ શાંતુ. તને ખબર છે ને કે આઇ ડોન્ટ લાઇક સચ ક્રેપ્સ. તારી પ્રપોઝલ વખતે મેં તને તારાં દિલની વાત કરવાની છૂટ આપી હતી બટ ધેટ ડઝન્ટ મીન કે... ફ્રેન્ડ છો તો પ્લીઝ ફ્રેન્ડ બની ને રહે.’ અનુશ્રી અચાનક ગુસ્સે થઇ ગઇ.

‘સોરી, મારો એવો મતલબ ન હતો, આઇ વોજ જસ્ટ કિડિંગ મને એમ કે તમે મને કાયમની જેમ હસીને નાલાયક કહેશો..આઇ એમ રીયલી સોરી.’ શાંતનુ ખરેખર તો ડરી ગયો હતો કે ક્યાંક ગુસ્સે થઇને અનુશ્રી એની સાથે વાત કરવાનું બંધ ન કરી દે.

‘ઇટ્‌સ ઓકે. પણ આગળથી ધ્યાન રાખજે નહીતો તને અહીંથી જ મારીશ.’ અનુશ્રી નાં મોઢાં પર સ્મીત પાછું ફર્યું અને શાંતનુને રાહત થઇ.

શાંતનુએ ફરીથી એક બે વાર સોરી કીધું. એ બાબતે થોડીવાર ચાલેલી ચર્ચા પછી બન્ને એ લોગ-આઉટ કરી નાખ્યું પણ એ પહેલાં બીજા દિવસે અમરેન્દ્ર હશે એટલે ફરીથી કન્ટ્રોલમાં રહીને ચેટ થઇ શકશે એ વાત શાંતનુને યાદ કરાવવાનું અનુશ્રી ચુકી નહી.

શાંતનુને અનુશ્રીનો નિર્ણય ખુબ જ ગમ્યો હતો કારણકે એણે જે નિર્ણય લીધો હતો એ અમરેન્દ્રથી વિરુદ્ધ જઇને લેવાયો હતો. બીજાં દિવસથી જ અનુશ્રી પોતે લીધેલાં એ નિર્ણય પણ અમલ પણ કરવા લાગી. ક્યારેક એ બ્રેકમાં શોપીંગ પર ઉપડી જતી તો ક્યારેક એ બહાર કોઇ રેસ્ટોરાંમાં ખાવા જતી રહેતી. હવે તો ઇશિતા પણ મોટી થઇ રહી હતી એટલે વિકએન્ડ્‌સ માં જો અમરેન્દ્ર ક્યાંક એનાં મિત્રો સાથે ગયો હોય તો અનુશ્રી પણ ઇશિતાને લઇને શોપિંગ કરવા ઉપડી જતી તો કોઇકવાર અમરેન્દ્ર ઘેર હોય તો એને ઇશીતાની જવાબદારી સોંપીને એ હિંદી ફિલ્મો જોવા ઉપડી જતી.

અનુશ્રીના આ નિર્ણયનો એક મોટો ફાયદો શાંતનુને જરૂર થયો. અનુશ્રી હવે વધુ ને વધુ ખુલીને એની સાથે ચેટ કરવા લાગી. જ્યારે અમરેન્દ્ર ઘરમાં આડોઅવળો હોય ત્યારે પણ. અનુશ્રીનાં મનમાં હજીપણ પ્રત્યે એક ખાસ મિત્ર સીવાય કોઇપણ લાગણી નહોતી જ પણ શાંતુને લાગી રહ્યું હતું કે આ રીતે તો આ રીતે એ પોતાની પ્રેમ કથા જ જીવી રહ્યો છે કારણકે આખરે તો એ એની પ્રેમિકા સાથે જ વધુનેવધુ સમય ગાળે છે ને? ભલે ને એ તેને એકતરફી પ્રેમ કરતો હોય અને દોસ્તી પણ પ્રેમનું જ એક રૂપ છે ને? અનુશ્રી જ્યારે જ્યારે પણ શોપિંગ માં જતી ત્યારે જો શાંતનું જાગી રહ્યો હોય તો તરત જ એણે પસંદ કરેલાં ડ્રેસને પહેરીને અને એનો ફોટો લઇને એ વ્હોટ્‌સ એપ્પ પરથી શાંતનુને મોકલતી અને એ ડ્રેસ એેને સુટ થાય છે કે નહી એને એનાં માટે એ દસમ માંથી કેટલાં માર્ક્સ આપશે એમ પૂછતી. આમ કરતાં શાંતનુને રોજે રોજ અનુશ્રીના નવાં નવાં ફોટાઓ જોવા મળતાં અને આમ થતાં શાંતનુએ પોતાનાં સેલફોનમાં અનુશ્રી નાં ફોટાઓનું જે અલગ ફોલ્ડર બનાવ્યું હતું એ વધુને વધુ રીચ થવા લાગ્યું હતું અને એ જ્યારે નવરો પડે ત્યારે એનાં આ દરેક ફોટાઓ સતત જોયે રાખતો. શાંતનુનું મન હવે હવે સદાકાળ ખુશ રહેતું અને એ બાબત એના કામમાં પણ મદદરૂપ થવા લાગી. એ દર મહીને પોતે જ સેટ કરેલાં ટાર્ગેટસ ને વધુ આસાનીથી અચીવ કરવા લાગ્યો હતો.

આ બાજુ અમરેન્દ્ર પણ ધીરેધીરે વર્કોહોલિક થવા લાગ્યો હતો પણ અનુશ્રીને હવે એની કોઇ જ પરવા ન હતી. એણે એની જિંદગી ઇશિતા અને કદાચ પોતાનાં શ્રેષ્ઠ મિત્ર શાંતનુને પણ અર્પણ કરી દીધી હતી. અનુશ્રી અને શાંતનુ વધુનેવધુ એકબીજા સાથે જોડાવા લાગ્યાં પણ શાંતનુનો પ્રેમ તો એકતરફી જ રહ્યો. જો કે શાંતનુને ક્યાં ફર્ક પડતો હતો?

ઇશિતા પણ હવે ઘણુંબધું બોલવા લાગી હતી. એક દિવસ સ્કાઇપ પર ચેટ કરતાં કરતાં અચાનક શાંતનુએ અનુશ્રી પાસે ઇશિતા સાથે ચેટ કરવાનું મન કર્યું. અનુશ્રીએ તરત જ ઇશિતાને ખોળામાં લીધી. ઇશિતા સતત શાંતનુને જોઇ રહી હતી.

‘ઇશી, સે...હાઇ શાંતનુ અંકલ કેમ છો?’ અનુશ્રીએ પોણા બે વર્ષની ઇશિતાને બોલવાનું કહ્યું. ખરેખર તો એ શાંતનુને ઇશિતા દ્ધારા ‘અંકલ’ કહેવડાવી ને ચીડાવવા માંગતી હતી.

‘હાઇ...શાંતુ...તું કેમ છે?’ સાવ નિર્દોષતાથી અને કુદરતી રીતે જ ઇશિતા બોલી. શાંતનુ સાથે લગભગ રોજ થતી વાતો દરમ્યાન અનુશ્રી એને ‘શાંતુ’ કહીને જ બોલાવતી એ ઇશિતાનાં મગજમાં ઠસી ગયું હતું અને એટલેજ એણે શાંતનુને ‘શાંતુ’ કહીને આજે અનુશ્રી અને શાંતનુ બન્ને ને સુખદ આશ્ચર્ય આપ્યું.

‘છે ને મારી દીકરી મારાં જેવી જ? તને શાંતનુ અંકલ તો શું શાંતનુ પણ ન કીધું પણ સીધેસીધો જ મારી જેમ જ શાંતુ કહી દીધો.’ ઇશિતાનાં બોલ્યાં પછી પહેલાં તો અનુશ્રી અવાક જ થઇ ગઇ પણ તે હસી રહી હતી.

‘બાળકો ઇશ્વરનું રૂપ હોય છે એવું મેં સાંભળ્યું અનુ પણ આજે એ સાબીત પણ થઇ ગયું. ભલે ઇશીએ સાવ બાલસહજ નિર્દોષતાથી આવું કહ્યું પણ એમાં પણ ઉપરવાળા નો સંકેત છે.’ શાંતનુ ખુબ આનંદિત હતો.

‘બાળસહજ નિર્દોષતા!! માય ગોડ શાંતુ, તું કેટલું ભયંકર ગુજરાતી બોલેે છે હેં?’ અનુશ્રી ખડખડાટ હસી પડી.

‘હમમમ...’ શાંતનુ પણ જવાબમાં આટલું બોલી ને હસી રહ્યો હતો.

‘પણ ક્યા સંકતની વાત તું કરે છે શાંતુ?’ ઇશિતાને બહાર રમવા મોકલતાં અનુશ્રીએ શાંતનુને પૂછ્યું.

‘એમ જ કે આપણી દોસ્તીનાં મૂળિયાં કેટલાં મજબુત છે. બાય ધ વે મૂળિયાં મીન્સ રૂટ્‌સ અને દોસ્તી મીન્સ ફ્રેન્ડશીપ ઓકે?’ હવે શાંતનુ ખુબ હસી રહ્યો હતો. અને એને ખ્યાલ હતો કે અનુશ્રી નું રીએક્શન શું હશે.

‘બહુ સારું ચાંપલા, નાલાયક. એટલું ગુજ્જુ તો મને આવડે છે હોં કે?’ પહેલાં ખોટો ગુસ્સો દેખાડીને પછી તો અનુશ્રી પણ ખડખડાટ હસી પડી.

‘આઇ વીલ ઓલ્વેઝ ટેઇક કેર ઓફ ધીસ ફ્રેન્ડશીપ અનુ.’ શાંતનુ એ હવે અનુશ્રી સાથે આ મિત્રતાની વૈકલ્પિક વ્યવસ્થા મનોમન સ્વીકારી લીધી હતી.

‘યુ ઓલરેડી આર શાંતુ.’ અનુશ્રી બોલી.

તે દિવસે ચેટ કરતાં વાતેવાતે શાંતનુ અને અનુશ્રી ખુબ હસ્યાં. કહે છે કે જ્યારે તમે ખુબ હસો ત્યારે તમારે કદાચ ખુબ રડવું પણ પડે છે અને એ દિવસ દુર ન હતો જ્યારે અનુશ્રીને ખુબ પડવું પડ્યું અને અનુશ્રીને કારણે શાંતનુને પણ...

એક રવિવારે સવારથીજ શાંતનુ અનુશ્રીના ઓનલાઇન થવાની રાહ જોઇ રહ્યો હતો. વ્હોટ્‌સ એપ્પ પર પણ એનું ‘લાસ્ટ સીન એટ...’ છ કલાક જુનું દેખાડતું હતું. શાંતનુ આડુંઅવળું સર્ફિંગ કરી રહ્યો હતો અને વારેવારે વ્હોટ્‌સ એપ્પ અને સ્કાઇપ પર અનુશ્રી ઓનલાઇન છે કે નહિ એ ચેક કરી લેતો. બપોરે જમ્યાં પછી શાંતનુ ફરી ઓનલાઇન થયો એને થયું કે અત્યારે તો લોસ એન્જેલીસમાં રાતનાં એક વાગ્યો હશે એટલે અનુશ્રી ક્યાં થી ઓનલાઇન હશે? પણ એનાં આશ્ચર્ય વચ્ચે અનુશ્રી સ્કાઇપ પર ઓનલાઇન હતી. શાંતનુને તરત જ વ્હોટ્‌સ એપ્પ ચેક કર્યું તો એ ત્યાં પણ ઓનલાઇન હતી. અનુશ્રીએ પણ કદાચ શાંતનુને ઓનલાઇન જોયો હશે એટલે એણે સ્કાઇપ પર તરત જ એને કૉલ કર્યો. શાંતનુએ ક્લીક કરીને કૉલ રીસીવ કર્યો.

‘હાઇ..અત્યારે?’ અનુશ્રીના મોડી રાત્રે ઓનલાઇન હોવાથી શાંતનુ

આમતો થોડીક ચિંતા માં હતો પણ તેમ છતાંય ખુશ થઇ ને બોલ્યો.

‘શાંતુ...આજે અમરે મારાં પર હાથ ઉપાડ્યો.’ આટલું બોલતાં જ અનુશ્રી ખુબ જોરથી રડવા લાગી.

‘વ્હોટ ધ હેલ? એની હિંમત કેવી રીતે થઇ? તમે કશું કહ્યું નહી?’ અનુશ્રીનું રુદન સાંભળતાની સાથે જ શાંતનુ એનાં સ્વભાવ વિરુદ્ધ બે સેકન્ડ્‌સ માં જ ગુસ્સે થઇ ગયો.

અનુશ્રી થોડીવાર રડતી જ રહી. શાંતનુ એને શાંત કરવાની કોશિશ કરતો જ રહ્યો. આજે પહેલીવાર શાંતનુને અનુશ્રી પાસે એ જાતે નથી એનું દુઃખ થયું.

‘એની પાસે અમારાં માટે ટાઇમ નથી શાંતુ. મેં ખાલી એટલું જ કહ્યું કે આજે વિક-એન્ડ માં તો અમારી સાથે રે? આજકાલ કરતાં છ મહિના થઇ ગયાં શાંતુ એ કોઇ દિવસ ઘેરે એક સાથે ચોવીસ કલાક નથી રહ્યો.’ અનુશ્રી બોલતાં બોલતાં ડુસકા ભરી રહી હતી અને શાંતનુથી આ જરાપણ સહન નહોતું થતું.

‘હમમ..પછી? શાંતનુ પોતાની હતાશા દબાવતાં બોલ્યો.’

‘ડોન્ટ એક્ટ લાઇક બ્લડી ઇન્ડીયન હાઉસ વાઇફ એમ કહીને એ મને એકદમ ગંદી ગાળ બોલ્યો.’ અનુશ્રી ફરીથી અનહદ રડવા માંડી.

‘શાંત થઇ જાવ અનુ પ્લીઝ..’ શાંતનુ અનુશ્રીને કેમેરામાં દેખાય નહી એમ ટેબલ પર મુઠ્ઠી પછાડી રહ્યો હતો.

‘મેં એને જસ્ટ શટ અપ કેટલું જ કહ્યું અને એણે મને તમાચો મારી દીધો અને જતો રહ્યો.’ અનુશ્રી ફરીથી રડવા લાગી.

શાંતનુથી અનુશ્રીનું આ અનહદ રુદન જરાપણ સહન નહોતું થતું. એની લાચારી હતી કે એને અનુશ્રીને શાંત કરવી હતી તો એ એમ કરી નહોતો શકતો એને અનુશ્રીને તમારો મારનાર અમરેન્દ્રને પણ તમાચો મારવો હતો પણ એ એમ પણ કરી શકતો ન હતો. આટલો ગુસ્સો તો એને ત્યારે પણ નહોતો આવ્યો જ્યારે એણે પોતે સુવાસનો તમાચો ખાધો હતો. પણ ગમેતેમ કરીને શાંતનુએ અનુશ્રીને શાંત કરી.

આ ઘટના પછી અનુશ્રીની રોજની વાતો ઉપરથી શાંતનુને બે વાત સ્પષ્ટ થઇ ગઇ. અમરેન્દ્રને બે નશાઓનું વળગણ થઇ ચુક્યું હતું. એક તો સફળતાનાં નશાનું જે એને એની કંપનીમાં ઇનામ અકરામ તો અપાવી રહ્યાં હતાં પણ અઠવાડીયાનાં દરેક દિવસે એ ઘેર નહી પણ ઓફીસમાં જ રહેવાનું પસંદ કરતો હતો. એ સવારે ફક્ત ન્હાવા માટે જ ઘેરે આવતો. ધીરેધીરે તો અનુશ્રીએ પણ એની ચિંતા કરવાની મૂકી દીધી હતી અને એનાં કહેવા પ્રમાણે એ અમરેન્દ્ર જ્યારે ઘેરે આવવાનો હોય ત્યારે જ પોતાની જોબ ઉપર જતી રહેતી. ફક્ત શનિ-રવી એ ઘરે રહેતી અને અમરેન્દ્ર ફક્ત નહાઇ અને કપડાં બદલી અને જો નાસ્તો તૈયાર હોય તો એ ખાઇ અને બીજી કોઇજ વાત કર્યા વીના ફરી ઓફિસે જતો રહેતો. અનુશ્રી હોય કે ન હોય એનો એને કોઇજ ફરક પડતો ન હતો અનુશ્રીની ગેરહાજરીમાં અનુશ્રીની ગેરહાજરીમાં અનુશ્રીના સાસુ એનાં માટે નાસ્તો બનાવી દેતાં.

અમરેન્દ્રને બીજો નશો થઇ ચુક્યો હતો એનાં મિત્રોની ખરાબ સંગત નો. એનાં મિત્રોની અતિ શરાબ પીવાની લત અને અન્ય કુટેવો અમરેન્દ્ર ને બરોબર લાગી ગઇ હતી. આની ઉપર સતત મળતાં જતાં પ્રમોશન્સ અને સેલરી રાઇઝ પણ એનાં અભિમાની સ્વભાવમાં ઔર વધારો કરતાં હતાં. જ્યારે એને પોતાનાં પ્રેમ એટલેકે અનુશ્રીની કોઇ કદર ન હોય તો ઇશિતાનું તો એ શું ધ્યાન રાખે? એકવાર જ્યારે અડતાલીસ કલાક સુધી અમરેન્દ્ર ઘેરે ન આવ્યો, જે અનુશ્રી માટે નવી વાત ન હતી, પરંતુ અનુશ્રીના સાસુને એની ચિંતા થઇ એટલે અનુશ્રીએ અમરેન્દ્રનાં સેલફોન પર કૉલ કર્યો ત્યારે એને ખબર પડી કે એ તો ત્યારે લોસ એન્જેલીસ થી દુર લાસ વેગસમાં હતો અને કેસીનોમાં મિત્રો સાથે જુગાર રમવામાં મસ્ત હતો.

અનુશ્રી ફક્ત અને ફક્ત ઇશિતા માટે જ ચુપ હતી અને આ બધું સહન કરતી હતી. એણે શાંતનુ પાસેથી એવું વચન પણ લઇ લીધું કે આમાનું કશું પણ એ એનાં મમ્માને કે સિરતદીપને નહી કહે. શાંતનુને ઘણીવાર અનુશ્રીને એમ કહેવાનું મન થતું હતું કે એ અમરેન્દ્રથી છૂટી થઇ ને ભારત કાયમ માટે પછી આવી જાય પણ એ રડતો હતો કે ક્યાંક અનુશ્રીને એની આ સલાહમાં એનો કોઇ સ્વાર્થ ન દેખાય.

અનુશ્રી તો હજીપણ થોડી આશાવાન હતી કે એનું લગ્નજીવન કોઇપણ રીતે બચી જશે એટલે એણે એકવાર અમરેન્દ્ર સાથે વાત કરવાની કોશિશ કરી. પોતાની જરાઅમથી ટીકા પણ ન સાંભળી શકનાર અમરેન્દ્ર જ્યોર આ ચર્ચા દરમ્યાન અનુશ્રી એને એની એકપછી એક ભૂલો ગણાવવા માંડી ત્યારે એનો ગુસ્સો સાતમે આકાશે પહોંચી ગયો. અને પછી આગમાં ઘી રેડવાનું કામ કર્યું અનુશ્રીના સાસુએ. અમરેન્દ્રમાં બે ત્રણ વાર અમરેન્દ્રને મરી-મસાલા ઉમેરી ને વાત કરી હતી અને અમરેન્દ્ર ઓલરેડી ગુસ્સે હતો જ એટલે જ્યારે અનુશ્રી આ બાબતે ચર્ચા કરી હતી ત્યારે જ જવાબમાં અમરેન્દ્રએ એને બે-ત્રણ તમાચા મારી દીધાં એમાંનો એક તમાચો અનુશ્રીની આંખ ની સહેજ નીચે જ વાગ્યો અને જેમાં અનુશ્રીને અમરેન્દ્રની વીંટી વાગી ગઇ અને એને ખુબ લોહી નીકળ્યું.

આ ઘટના પછી અનુશ્રી લગભગ એક અઠવાડિયું શાંતનુથી સ્કાઇપ પર ચેટ કરવાથી દુર રહી પણ જ્યારે એને લાગ્યું કે હવે કદાચ શાંતનુને ખ્યાલ નહી આવે કે એની આંખ નીચે ઇજા થઇ છે. ત્યારે એણે સ્કાઇપ પર શાંતનુ સાથે ચેટ કરવાની શરુ કરી. પણ શાંતનુને તો કેમેરા પર અનુશ્રીને જોતાં ફક્ત બે મીનીટમાં જ ખ્યાલ આવી ગયો કે અનુશ્રીને આંખ નીચે કશુંક વાગ્યું છે.

‘સીડી પરથી પડી ગઇ હતી...’ એવું ચીલાચાલુ બહાનું અનુશ્રીએ જણાવ્યું પણ શાંતનુએ ખુબ આગ્રહ કર્યો પછી એણે સાચી હકીકત જણાવી. કાયમની જેમ એ ખુબ રડી.

શાંતનુની હતાશા હવે ચરમસીમાએ હતી પણ એ લાચાર હતો. એ કશું જ કરી શકે એમ ન હતો. એક તો એ અનુશ્રીથી ખુબ દુર હતો અને બીજું અનુશ્રી આટલું બન્યાં પછી પણ આશાવાન હતી કે અમરેન્દ્રનો સ્વભાવ સુધરી જશે, ફક્ત અને ફક્ત ઇશિતા માટે. ઇશિતા પણ હવે બે વર્ષની થઇ ચુકી હતી અને થોડું ઘણું સમજતી પણ હતી અને એનાં ભવિષ્ય વિષે પણ શાંતનુ ખુબ ચિંતિત હતો એટલે એ રાત્રે પોતાની હતાશામાં શાંતનુ પણ એકાંતમાં ખુબ રડ્યો. અનુશ્રીનું સ્કાઇપ પર આવવું ખુબ ઓછું થઇ રહ્યું હતું. શાંતનુ સમજતો હતો કે એને પૂછી પૂછી ને બહુ હેરાન કરવી એ યોગ્ય ન હતું. વ્હોટ્‌સ એપ્પ પર પણ અનુશ્રી આખો દિવસ ઓફલાઇન રહેતી અને કોઇકવાર જ મેસેજ કરતી.

પણ એક દિવસ...

‘પપ્પા હું સરખેજ જાઉં છું એક અપોઇન્ટમેન્ટ છે.’ બપોરે ત્રણેક વાગ્યે પોતાની બેગ લઇને શાંતનુએ ઘરનાં દરવાજા પાસે પોતાનાં શુઝ પહેરતાં જ જ્વલંતભાઇને કહી રહ્યો હતો ત્યાં જ એનો સેલ રણક્યો. આશ્ચર્ય વચ્ચે એ અનુશ્રીનો કૉલ હતો.

‘અનુશ્રી નો કૉલ? એ પણ સીધો? અત્યારે તો ત્યાં રાતના લગભગ દોઢ વાગ્યા હશે.’ શાંતનુ સ્વગત બોલ્યો અને કૉલ રીસીવ કર્યો.

‘શાંતુ...શાંતુ...’ અનુશ્રીના અવાજમાં ઘરઘરાટી હતી અને સાથે સાથે પૃષ્ઠભુ માંથી ઇશિતાનો રડવાનો અવાજ પણ આવતો હતો.

‘શું થયું અનુ? શું થયું?’ અનુશ્રી કોઇ મોટી મુસીબતમાં છે એ શાંતનુએ સમજી લીધું અને એ નજીકનાં સોફા પર પોતાની બેગ ફેંકી અને ત્યાં જ બેસી ગયો.

‘શાંતુ...શાંતુ...’ અનુશ્રી ફરીથી એવી જ રીતે બોલી.

‘શાંત થાવ અનુ...પ્લીઝ મને કહો કે શું થયું.’ શાંતનુ ની ચિંતા વધી રહી હતી અને સાથે એનું બ્લડ પ્રેશર પણ. શાંતનુને આ રીતે બોલતાં સાંભળીને જ્વલંતભાઇને પણ પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો અને એ પણ તરત જ શાંતનુ ની બાજુમાં આવી ને બેસી ગયાં.

‘શાંતુ બે દિવસ એણે મને ઢોરની જેમ મારી...આજે તો એણે ઇશીને પણ મારી...બે દિવસથી મને ખાવાનું પણ નથી આપ્યું. શાંતુ પ્લીઝ...આઇ વોન્ટ તો કમ ટુ ઇન્ડિયા...પ્લીઝ...તું કઇક કર.’ અનુશ્રી નો અવાજ ખુબ જ નબળો હતો અને એ રીતસર કરગરી રહી હતી.

‘ઓકે ઓકે અનુ પણ...’ શાંતનુ ને વિચાર આવ્યો કે એ અહીયાં બેઠોબેઠો શું કરશે? એ જુદાજુદા રસ્તા વિચારવા લાગ્યો.

‘શાંતુ આઇ બેગ ઓફ યુ...તું મને આમાંથી કાઢ...ઇટ્‌સ અ બીગ હેલ.’ અનુશ્રી હવે અફાટ રડી રહી હતી અને ઇશિતા પણ રડી રહી હતી એ પણ શાંતનુને ખ્યાલ આવ્યો.

‘એ ઘરમાં અત્યારે?’ શાંતનુ એ પૂછ્યું.

‘ના એ તો હમણાં જ સાઉથ આફ્રિકા જતો રહ્યો મને ઢોરની જેમ મારી ને.’ અનુશ્રી બોલી.

‘અને તમારું સાસુ?’ શાંતનુ એ પૂછ્યું.

‘એ મારાં કઝીન દિયર ને ત્યાં છે.’ અનુશ્રી બોલી પણ એ ખુબ જોરજોરથી રડી રહી હતી અને ઇશિતા પણ.

‘તો જલ્દીથી ઘરની બહાર નીકળો અને તમારાં નેબરને ઉઠાડો એ તમને જરૂર હેલ્પ કરશે અનુ.’ શાંતનુએ એ રસ્તો બતાવ્યો. જ્વલંતભાઇને શું બની રહ્યું છે એનો ખ્યાલ આવી ગયો એટલે એમણે ઇશારાથી શાંતનુને એનાં સેલફોનનું સ્પીકર ચાલુ કરવાની સુચના આપી.

‘શાંતુ માય હોમ ઇઝ લોક્ડ ફોર લાસ્ટ કપલ ઓફ ડેઝ. એ આવે

છે અને મને મારી ને જતો રહે છે. આજે એ મને અને ઇશીને મરવા માટે

છોડીને પંદર દિવસ માટે જતો રહ્યો. મને મારી ચિંતા નથી શાંતુ. ઇશી ને હું કાલથી ફ્રુટસ ખવડાવું છું પણ હવે તો એ પણ ખલાસ થઇ ગયાં છે. પ્લીઝ ડુ સમથીંગ.’ અનુશ્રીએ ફરીથી શાંતનુને વિનવણી કરી.

‘ઓકે તમારાં કોઇ સગાં? આઇ મીન પિયર પક્ષના?’ શાંતનુએ બીજો રસ્તો બતાવ્યો.

‘છે પણ એમાંથી કોઇપણ એલ.એ માં નથી બધાં જ દુર દુર રહે છે...પ્લીઝ ઇશી માટે કઇક કર.’ અનુશ્રી રહીરહી ને શાંતનુ પાસે એને આ દોજખ માં થી છોડાવવા વિનવણી કરી રહી હતી.

શાંતનુ પાસે હવે કોઇજ ઉપાય ન હતો. એણે જ્વલંતભાઇને ઇશારો કરીને પૂછ્યું કે એ હવે શું કરે? પણ જ્વલંતભાઇ પણ મજબુર હતાં. અચાનક વીજળીનો ઝબકારો થાય એવી રીતે જ શાંતનુને મગજમાં ઝબકારો થયો.

‘અનુ...લેન્ડલાઇન ફોન તો છે ને?’ શાંતનુએ પૂછ્યું અને મનોમન એનાં શિવને પ્રાર્થના કરી કે અનુશ્રીનો જવાબ હા માં આવે.

‘હા છે...મારી બાજુમાં જ છે પણ તો શું?’ અનુશ્રી જોરથી બોલી.

‘નાઇન વન વન...અનુ... નાઇન વન વન...’ શાંતનુ ને અંતે હાશ થઇ કે એણે અંતે અનુશ્રીને બચાવવાનો ઉપાય શોધી લીધો.

-ઃ પ્રકરણ અગિયાર સમાપ્ત :