April 2015 (2)
મળી ગયું.
-------------
મને સુગંધનું સરનામું મળી ગયું.
રંગોનું રંગીન અજવાળું મળી ગયું.
શુષ્ક વહેતી મારી જીવન સરિતાને
ભ્રમર ગુંજનનું ટોળું મળી ગયું.
મોસમને આપી દઉં મારી મોસમ
ફૂલ કાંટાનું હસતું જોડું મળી ગયું.
નાનકડી છાબડીમાં નાનું શું ચમન
કારણ પ્રભુ શૃંગારનું મળી ગયું.
રાત હોય કે ખીલતી સવાર
સદા દ્રાર એનું ઉધાડું મળી ગયું.
19-4-15.
----------
આપણાં પ્રેમનો.
---------------
થઈ કોયલ ટહુકો સુણાવો આપણાં પ્રેમનો.
તરસ્યાં છે અધર અધરરસ પીવરાવો આપણાં પ્રેમનો.
ફરી વળ્યો છે વિરહ,થઇને જાણે ગ્રીષ્મની આગ,
થઈ ગુલમહોર શ્રાવણ વરસાવો આપણાં પ્રેમનો.
જોયા કરું ઉદાસી ઢળતા સૂરજની સમી સાંજે,
થઈ આવો આંગણિયે ચાંદ પૂનમનો આપણાં પ્રેમનો.
થઈ ગઈ છે રાત મારી વેરાન તમારા ઈંતજારે,
કરવા એકરાર શમણાંમાં આવો આપણાં પ્રેમનો.
પ્રતિકૂળતાની આંધીમાં ખીલ્યો છે છોડ આપણાં પ્રેમનો,
આવે ના વારો પસ્તાવાનો, આપણાં પ્રેમનો.
પ્રફુલ્લ આર.શાહ
7-4-2015.
---------
મધુરો સહવાસ ના ભૂલી શક્યો.
સુવાસ ફૂલોની ના તોલી શક્યો.
થઈ ગયો ખુદ હું આખરે ફના
વિશ્વાસ તમારો એ ના તોડી શક્યો.
ઢળતી ગઈ સાંજ નામ તમારું રટતાં
સ્મૃતિદોષ,નામ તમારું ઉચ્ચારી ના શક્યો.
જરા અમથી તડ જિંદગી બદલાઈ ગઈ
રેશમની દોરી સમો તાર જોડી ના શક્યો.
રહી ગઈ મનની વાત મારાં મનમાં
ઝલક અંતિમ યાત્રાની જોઈ ના શક્યો.
17-4-15
---------
થયો છું.
----------------
હું મને ગમતો થયો છું.
દર્પણ નીરખતો થયો છું.
લાવીને આશાનાં તોરણો
ખીજાને રંગતો થયો છું.
છે નયનો મારો પટારો
ગમતાને ભરતો થયો છું.
ગમ તો છે પરપોટા જેવા
ફોડી મજા લેતો થયો છું .
કરવા ભાર ક્યારેક ઓછો,
આંસુઓથી ધોતો થયો છું.
રાખવા રસીલાં અધરો
તુજને ગમતો થયો છું.
જોયા કરું છું કોરું આભ
નામ એક લખતો થયો છું.
પ્રફુલ્લ આર શાહ
૧૯-૪-૧૫.
----------
મીઠાં લાગે છે સંભારણાં.
-------------------
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
લોલીપોપનો ખટોમીઠો સળવળે જીભે સ્વાદ
ગમખૂશીનાં વરસતાં વાદળ વચ્ચે
જાય ઝબકી વીજળી સમો પ્રસંગ
યાદગાર .
સૂકી આંખે વાગોળતાં રહીએ બાળપણ.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
હરણ સમી રફ્તારે સતત દોડતાં રહ્યાં
હતું જનૂન,માથે કફન હતી એક લગન.
આંધી તોફોનો વચ્ચે આગળ વધતાં અમે
જિંદગી વાગોળી રહ્યાં ધવાયેલાં યોધ્ધા થઇને.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
કશું સમજું એ પહેલાં આવી પહોંચ્યું
થઈને દર્પણ સમી સાંજે મારું ઘડપણ...
જામ્યો છે મેળો વહાલભર્યો લાગણીનાં
મંડપે .
જોયા કરું મારાં જ પ્રતિબિંબો યાદ કરી કરીને.
રાત ખૂટી પણ વાત ન ખૂટી મીઠાં લાગે છે સંભારણાં.
થાકેલી આંખોને આજ વહાલાં લાગી રહ્યાં છે ઉજાગરાં.
17-4-15
---------
સુખનું સરનામું
---------------
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું.
થઈ ટહૂકો કોયલનો ઊડું.
થઈ સુગંધ પવન પ્રસરું.
મીઠી મધુરી લઈ વાણી
રતુમડાં અધરો શણગારું.
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું.
ચહેરો જાણે મારું ઉપવન
આંખે આંજુ સ્નેહનું કાજળ.
મોસમ તો કરે આવનજાવન
મળેલી પળોને હું વધાવું .
સુખનું સરનામું મને મળ્યું.
હોશે હોશે હું વાંચ્યા જ કરું
April 15
---------
સમી સાંજે.....
ના તું પત્ની,ના હું હવે તારો પતિ.
સમી સાંજે જીવી લઈએ થઈને સાથી.
ના તું મૂંજાઈશ,ના હું મૂંજાઈશ હવે,
ફરશું સાથે દિલનો બોજો માથેથી ઉતારી.
કરી લે જે હૈયું હળવું ખભો મારો માંગી,
રડી લઈશ હું પણ માથું મારું તુજ ખભે ઢાળી.
ના રાખશું આશા,ના કરશું અનાદર એમનો,
ચલાવ્યે રાખશું ગાડી, કરવા તેમને રાજી.
બહું કર્યું મારુંતારું,પણ ના કશું હાથ આવ્યું,
છોડી મોહ ચાવીનો સુખે ભજીશું શ્રી હરિજી.
પ્રફુલ્લ આર શાહ.
૧૪-૪-૧૫.
-----------
શ્યામ તારી સ્મૃતિમાં...
-------
રાધા ઝૂલે થઈ શ્યામની વાંસળી.
લહેરાતાં પર્ણો લહેરાય થઈ કાંબળી.
જોયા કરું હું વહેતાં જમનાજી...
બુંદબુંદ જાણે છલકતાં ઝારીજી.
દોડતી ગૈયા દોડતાં ગ્વાલગોપાલ
ઠેરઠેર પથરાયાં જાણે માખણમિસરીજી.
ઊગતી સવાર કે ટમટમતી ચાંદની
ઊતારે જાણે શ્યામસુંદરની આરતી.
મોરલાઓનો કેકારવ ને મોરપીચ્છ
જાણે ફરફર મલકાતી કલગીજી.
વૃજની રજમાં પડતી પા પા પગલી
અંગઅંગને સ્પર્શે ઝંખના અમી ભરી.
શ્યામ તારી ભૂમિમાં ના રહી મારી મતિ
જ્યાં જોઉં ત્યાં તારી મંગલમય સ્મૃતિમાં...
પ્રફુલ્લ આર શાહ
૯-૪-૧૫.
---------
મારાં અણુઅણુમાં છે સ્પર્શ મોસમનો,ભલે કહેવાવું પથ્થર.
બુંદબુંદમાં વહે વેદનાં નીચોડની,માણે મજા ખુશ્બુની, જેને કહેવાય અત્તર!
આવે છે મુકવાને લેવા સવારસાંજ મા કે બાપ હોંશે હોંશે શાળામાં,
ઝીલતું હોય છે એમની આશાઓનાં ચોપડાંઓનો ભાર મારું દફ્તર.
કોયલનાં ટહુકાથી સૌ કોઈ વીંધાયા છે ના ઈન્કાર થઈ શકે,
પણ નથી વીંધાઈ કોયલ કે નથી સુણ્યો એનો ચિત્કાર.
જીવવા લડવું પડે છે સતત, સંજોગો સામે સતત
ખીલવશું શક્તિ પ્રતિકાર કરવાની,જોવા નહીં મળે બળાત્કાર.
જામ તો હોય છે સતત છલકાતા આપણી જિંદગીનાં,
પણ જોતાં રહીએ બીજાનાં ખાલી જામ
કરી ના શકતાં ઈન્કાર.
પ્રફુલ્લ આર.શાહ
7-4-2015.
--------------
પામવા મંજિલ
---------------
પામવા મંજિલ મારે
આગળ વધવાનું છે,મારે આગળ વધવાનું છે.
નદી છું હું,મારે સાગરને મળવાનું છે.
આવે અવરોધો કરી પાર આગળ વધવાનું છે.
હોય ચઢાણ,ઊતરાણ કે મેદાન આગળ વધવાનું છે.
મોસમની રફ્તારનો ના હવે કોઈ રહ્યો છે ડર,
છે ધ્યેય એક જ મંજિલ પામવા આગળ વધવાનું છે.
સાંજ હોય કે સવાર,પાનખરનો ના છે કોઈ સવાલ
થઈ બહાર ગીતો ગાતા આગળ વધવાનું છે.
ગતિ મારું છે જીવન,ખૂશી મારી છે બંદગી,
વીતેલી વાતોને ભૂલી આગળ વધવાનું છે.
પ્રફુલ્લ આર. શાહ. 5-4-15.
---------------
નિરાંતે
---------
ના ઉંમરનો બાધ આવે,
જોઈ ઝૂલો ઝૂલ્યાં કરું હું નિરાંતે.
ઉપરનીચેનાં હિલોળે મન ચડી જાય
ચકરાવે,
માંડ્યા કરું સુખદુખનાં હિસાબો નિરાંતે!
પવનની પાંખે બેસાડું બાળપણ
ભમ્યાં કરું વનઉપવને કરતાં કલરવ
ભર બપોરે નિરાંતે..
લઈ જાય મુજને આંગળી પકડી
મારાં પૌત્રોપૌત્રી બાગબગીચે,
નીરખ્યાં કરું તેઓને રમતાંખેલતાં
વાગોળ્યાં કરું મારો ઈતિહાસ નિરાંતે.
આપ્યું છે પ્રભુએ તનમન સ્વસ્થ
સમયની ના છે કોઈ કમી
ગુણગાન પ્રભુનાં ગાયા કરું છું
હું નિરાંતે...
પ્રફુલ્લ આર.શાહ
૬-૪-૧૫.
---------------
ક્યારે ફરીશ પાછો
-------------------
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે સુણાવીશ મને વાંસળી વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે રમાડીશ મને રાસ વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે રંગ ફાગુનનાં ખેલાવીશ વ્હાલા
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ભીંજાવીશ વરસાદી હેતમાં વ્હાલા.
તું મારો કાના
હું તારી રાધા
ક્યારે ફરીશ પાછો વિરહી મારા ગોકુળ ગામમાં વ્હાલા.
18-4-15
------------