સત્યના પ્રયોગો - ભાગ-2 - 23 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-2 - 23

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૩. ઘરકારભાર

મુંબઇમાં અને વિલાયતમાં ઘર માંડીને હું બેઠો હતો તેમાં ને નાતાલમાં ઘર માંડવું તેમાં ભેદ હતો. નાતાલમાં કેટલોક ખર્ચ કેવળ પ્રતિષ્ઠાને અર્થે રાખી રહ્યો હતો. નાલાલમાં હિંદી બારિસ્ટર તરીકે અને હિંદીઓના પ્રતિનિધી તરીકે મારે ઠીક ખર્ચ રાખવું જોઇએ એમ મેં માનેલું, તેથી સરસ લત્તામાં ને સારું ઘર રાખ્યું હતું. ઘરનો શણગાર પણ સારો રાખ્યો હતો. ખાવાનું સાદું હતું પણ અંગ્રેજ મિત્રોને નોતરવાનું રહેતું, તેમ જ હિંદી સાથીઓને પણ નોતરતો, તેથી સહેજે તે ખર્ચ પણ વધ્યું. નોકરની ભીડ તો બધે જણાય જ. કોઇને નોકર તરીકે રાખતાં મને આવડ્યું જ નથી.

મારી સાથે એક સાથી હતો. એક રસોઇયો રાખ્યો હતો. તે કુટુંબીરૂપ બન્યો.

ઑફિસમાં જે મહેતા રાખ્યા હતા તેમાંથી પણ જેમને રાખી શકાય તેમને ઘરમાં રાખ્યા હતા.

આ અખતરો ઠીક ફળ્યો ગણું છું. પણ તેમાંથી મને સંસારના કડવા અનુભવો પણ

મળ્યા.

પેલો સાથી બહુ હોશિયાર ને મારી સમજ પ્રમાણે વફાદાર હતો. પણ હું તેને ન ઓળખી શકયો. ઑફિસના એક મહેતાને મેં ઘરમાં રાખ્યા હતા. તેની આ સાથીને અદેખાઇ

થઇ. તેણે એવી જાળ રચી કે જેથી હું મહેતા ઉપર શક લાવું. આ મહેતા બહુ સ્વતંત્ર સ્વભાવના હતા. તેમણે ઘર અને ઑફિસ બન્ને છોડયાં. મને દુઃખ થયું. તેમને અન્યાય થયો હશે તો? આ વિચાર મને કોરી રહ્યો હતો.

તેવામાં જે રસોઇયાને મેં રાખ્યો હતો તેને કંઇ કારણસર બીજે જવું પડ્યું. મેં તેને મિત્રની સારવારને સારુ રાખ્યો હતો. એટલે તેને બદલે બીજા રસોઇયાને રોકયો. આ માણસ ઊડતાં પંખી પાડનાર હતો એમ મેં પાછળથી જોયું. પણ, મને કેમ જાણે તેવાની જ જરૂર ન હોય

તેમ તે મને ઉપયોગી થઇ પડ્યો.

આ રસોઇયાને રાખ્યાને બે કે ત્રણ દિવસ ભાગ્યે થયા હશે, તેવામાં તેણે મારા ઘરમાં

મારી જાણ બહાર ચાલતો સડો જોઇ લીધો ને મને ચેતવવાનો નિશ્ચય કર્યો. હું વિશ્વાસશીલ અને

પ્રમાણમાં સારો છું એવી માન્યાતા લોકોમાં ફેલાઇ હતી. તેથી આ રસોઇયાને મારા જ ઘરમાં

ચાલતી ગંદકી ભયાનક જણાઇ.

હું ઑફિસેથી બપોરના ખાણાને સારુ એક વાગ્યે ઘેર જતો. બારેક વાગ્યાનો સુમાર હતો. એવામાં આ રસોઇયો હાંફતો હાંફતો આવ્યો ને મને કહ્યું, ‘તમારે કંઇ જોવું હોય તો ઊભે પગે ઘેર ચાલો.’

મેં કહ્યું, ‘આનો શો અર્થ ? મને તારે કહેવું જોઇએ કે શું કામ છે. આવે ટાણે મારે ઘેર આવવાનું ને જોવાનું શું હોય ?’

‘નહીં આવો તો પસ્તાશો. હું તમને આથી વધારે કહેવા નથી માગતો,’ રસોઇયો બોલ્યો.

તેની દઢતાથી હું તણાયો. મારા મહેતાને સાથે લઇને હું ઘેર ગયો. રસોઇયો આગળ

ચાલ્યો.

ઘેર પહોંચતાં તે મને મેડી ઉપર લઇ ગયો. જે કોટડીમાં પેલો સાથી રહેતો હતો તે બતાવીને બોલ્યો, ‘આ કોટડી ઉઘાડીને જુઓ.’

હું હવે સમજ્યો. મેં કોટડીનો દરવાજો ઠોકયો.

જવાબ શાનો મળે? મેં ઘણા જોરથી દરવાજો ઠોકયો. દીવાલ ધ્રૂજી. દરવાજો ઊઘડયો.

અંદર એક બદચાલ ઓરત જોઇ. મેં તેને કહ્યું, ‘બહેન, તું તો અહીંથી ચાલી જ જા. હવે કદી ફરી આ ઘરમાં પગ ન મૂકજે.’

સાથીને કહ્યું, ‘આજથી તમારો ને મારો સંબંધ બંધ છે. હું ખૂબ ઠગાયો ને મૂરખ

બન્યા. મારા વિશ્વાસનો આ બદલો નહોતો ઘટતો.’

સાથી વીફર્યો. મારું બધું ઉઘાડું પાડવાની મને ધમકી આપી.

‘મારી પાસે કંઇ છૂપું છે જ નહીં. મેં જે કંઇ કર્યું હોય તે તમે સુખેથી જાહેર કરજો.

પણ તમારી સાથેનો સંબંધ બંધ છે.’

સાથી વધારે તપ્યો. મેં નીચે ઊભેલા મહેતાને કહ્યું, ‘તમે જાઓ. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને મારી સલામ કહો ને કહો કે મારા એક સાથીએ મને દગો દીધો છે, તેને હું

મારા ઘરમાં રાખવા નથી માગતો, છતાં તે નીકળવાની ના પાડે છે. મહેરબાની કરીને મને

મદદ મોકલો.’

ગુનો રાંક છે. મેં આમ કહ્યું તેવો જ સાથી મોળો પડયો. તેણે માફી માગી.

સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં માણસ ન મોકલવા આજીજી કરી ને તુરત ઘર છોડી જવાનું કબૂલ કર્યું. ઘર છોડ્યું.

આ બનાવે મારી જિંદગીની ઠીક ચોખવટ કરી. આ સાથી મારે સારુ મોહરૂપ અને અનિષ્ટ હતો, એમ હું હવે જ સ્પષ્ટ રીતે જોઇ શકયો. આ સાથીને રાખવામાં મેં સારું કરવા બૂરા સાધનને સહ્યું હતું. મેં કડવીની વેલમાં મોગરાની આશા રાખી હતી. સાથીનું ચાલચલણ સારું નહોતું. છતાં મારા પ્રત્યેની તેની વફાદારી મેં માની લીધી હતી. તેને સુધારવાનો પ્રયત્ન કરતાં હું પોતે લગભગ ખરડાયો હતો. મારા હિતેચ્છુઓની સલાહનો મેં અનાદર કર્યો હતો.

મોહે મને આંધળોભીંત બનાવ્યો હતો.

જો મજકૂર અકસ્માતથી મારી આંખ ઊઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત. મારી સેવા હમેશાં અધૂરી રહેત, કેમ કે તે સાથી મારી પ્રગતિને અવશ્ય રોકત. તેને મારો કેટલોક વખત દેવો પડત. મને અંધારામાં રાખવાની ને આડે દોરવાની તેની શક્તિ હતી.

પણ જેને રામ રાખે તેને કોણ ચાખે ? મારી નિષ્ઠા શુદ્ઘ હતી. તેથી મારી ભૂલો છતાં હું ઊગર્યો ને મારા પ્રાથમિક અનુભવે મને સાવધાન કર્યો.

પેલા રસોઇયાને કેમ જાણે ઇશ્વરે જ પ્રેર્યો હોય નહીં ! તેને રસોઇ આવડતી નહોતી.

તે મારે ત્યાં રહી ન શકત. પણ તેના આવ્યા વિના મને બીજું કોઇ જાગ્રત ન કરી શકત. પેલી બાઇ કંઇ મારા ઘરમાં પહેલી જ આવી હતી એમ નહોતું. પણ આ રસોઇયા જેટલી બીજાની

હિંમત ચાલે જ શાની ? સાથીના ઉપરના મારા અનહદ વિશ્વાસથી સહુ વાકેફગાર હતા.

આટલી સેવા કરી રસોઇયાએ તે જ દહાડે ને તે જ ક્ષણે રજા માગીઃ

‘હું તમારાં નહીં રહી શકું. તમે ભોળા રહ્યા. મારું અહીં કામ નહીં.’

મેં આગ્રહ ન કર્યો.

પેલા મહેતાની ઉપર શક ઉપજાવનાર આ સાથી જ હતો એ મને હવે જણાયું. તેને ન્યાય દેવા મેં સદાય દુઃખની વાત રહી. તૂટયું વાસણ ગમે તેવું મજબૂત સાંધો છતાં તે સાંધેલું જ ગણાશે, આખુ કદી નહીં થાય.