સે ચીઝ Dr. Siddhi Dave MBBS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સે ચીઝ

કેમેરામાં કેદ કરતી વખતે અનુભવાતી લાગણીઓ.

“સે ચીઝ” કરીને એક ભાઈ એક ફેમીલીનો ફોટો પાડે છે,એ ફોટોગ્રાફર જો થોડો અનુભવી હોય તો એ વિચારે છે કે ‘ફોટો પડાવનારા લોકો એ સરખી રીતે બેસે કે જેથી એમને ફરીથી ફોટો ન પડવો પડે કે પોતાને પૈસા ચુકવનારનું સાંભળવું ન પડે.’ ક્યારેક તે એવું પણ વિચારતો હોય કે ‘મારી પણ આવી ફેમીલીફોટો પડે ને હુય સુટબુટ પહેરીને હેયને મારી પત્ની અને બાળકો સાથે હોય.’ હવે જો કોઈ નવો શીખવ ફોટોગ્રાફર હશે તો એ તો એમ વિચારતો હશે કે ‘હું કઈ રીતે સારો ફોટો પાડું!, એવો ફોટો પાડું કે મારી સરાહના થાય’એ વખતે એનું સંપૂર્ણ પ્રેઝન્સ ઓફ માઈન્ડ એ કેમેરાના બટન પર હોય, એક એક ક્ષણ કે સામેનાં ની ક્ષણને કેમેરામાં કેદ કરવા માટે કર્મપરાયણ હોય, એ અથરો પણ બહુ હોય. જો એ જ ફોટો કોઈ બહુ જ અનુભવી ના હાથમાં હોય તો એને ધીરજ હોય, એને કોઈ જલ્દી પણ ન હોય અને સામેનાને શાંતિથી સમજાવતા હોય, એમના મનમાં કોઈ મોટા ઝંઝાવાતો ન આવતા હોય.અમુક નીરસ માણસો તો ફોટો પાડતા પહેલા ચીઝ પણ ન બોલે, જાણે એમને સામેનાનો ઉતરેલી કઢી જેવો ચહેરો કેદ કરી લેવો હોય. ખરેખર આ માણસ જીવનની વિડંબના છે કે મોટા ભાગના માણસો બીજાને ખુશ જોઈ શકતા નથી.

હવે કોઈ દીકરીનો બાપ પોતાની દીકરીનો ફોટો પાડતો હોય ત્યારે એ શું વિચારતો હશે? હવે તો નાના બાળકોનેય ફોટાની સમજ પડવા લાગી છે. ૧૦ મહિનાનું બાળક હશે ને તમે સામે ખાલી મોબાઇલ એવી રીતે પકડવાનો કે તમે એનો ફોટો પાડો છો ત્યારે નાના છોકરાય એવા એવા પોઝ આપતા હોયને મારા જેવાને તો એવા પોઝ પણ ઈન્ટરનેટમાં સર્ચ મારવા પડે! હવે ધારોકે તમે એ નાના છોકરાની સામે ખાલી મોબાઇલ પકડનારા માણસ છો અને બાળકની નિખાલસતાના પોઝ લઇ રહ્યા હશો તો તમે જરૂર એ બાળકની નિખાલસતા પર મનમાંને મનમાં મરકાતા હશો પણ તમારે મરકવાની જરૂર નથી,કારણ કે આપડે એ છેલ્લી પેઢી હતા કે જેમના બાળપણના ફોટા મોબાઈલમાં પડાયા નથી,શરમ કરો.......આપડે નાના હતા ત્યારે આપડે તો સ્પેશ્યલ ફોટોગ્રાફર પાસે જતા,સરસ મજાના કપડા પહેરીને અને પાછુ એ દિવસે ખાસ તેલ નાખીને માથું બરાબર ઓળીને પેથી પાડીને ઈસ્ત્રી ટાઈટ કપડા ઉપરથી ખાસ પગરખાં પહેરીને તૈયાર થઈને જઈએ ભલે ચંપલ ફોટામાં ન આવવાના હોય...હા.હા.હા..દીકરીના બાપની વાત કરતા કરતા દીકરીના દાદાના ટાઈમે પહોચી ગયા.નાની એવી બાપ જેવી દીકરી આંગણે રમતી હોય એ ફોટો પાડતી વખતે તો બાપને એવી લાગણીઓ થાય કે મારી દીકરી કેવડી મોટી થઇ ગઈ!ખરેખર તો એના શિક્ષણ અને ભરણપોષણ માટે જે બાપના દિ’ બમણા ને રાત ચારગણી થઇ ગઈ હોય,પોતે ઘણી સુવિધાઓ છોડીને,સ્કુટરના પેટ્રોલના પૈસા બચાવીને,જે બાપ ચાલીને જતો હોય અને એને જે બપોરના તડકામાં રસ્તો લાંબો લાગ્યો હોય જાણે ભગવાન દરેક ડગલે પોતાની ડેસ્ટીનેશનને દુર કરતો હોય અને તોય અંતર એટલું જ બાકી રહેતું હોય,એ બાપને પોતાની દીકરી જલ્દી મોટી થઇ ગઈ લાગે.જયારે એ પોતાની ૭ વર્ષની દીકરીનો ફોટો પાડતો હોય ત્યારે એ એના લગ્ન સુધી મનમાં મુસાફરી કરી નાખે.મારી દીકરી મોટી થઈને કેવી લાગશે?એના લગ્નમાં બહુ ઝાઝું તો નહિ પણ તેની આ ક્ષણોને કેદ કરીને હું જરૂર આપીશ.....

હવે જો હાલનાં કોઈ ટીનેજરને ફોટો પાડવો હશે તો.....હાલના કિશોરો અને કિશોરીઓ પોતાની લૂકસ પ્રત્યે બહુ ખ્યાલ રાખી રહ્યા છે,સાથે સાથે સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ વધી રહ્યો છે.પહેલાના જમાનામાં માણસો ઘણા હતા,એક એક ઘરે ઓછામાં ઓછી એક ક્રિકેટટીમ જેટલા માણસ હતા.મોબાઈલ તો હતા જ નહિ એટલે બધા એકબીજા સાથે આખા દિવસ દરમિયાન શું શું થયું એની ચેટીંગ કરતા.હવે તો ઘરે વધુમાં વધુ ૨-૩ ભાઈબહેનો હોય,હવે લોકોને પોતાનો ફોટો પાડવા માટે માણસો ન મળતા હોય કંપનીઓ એ ફ્રન્ટ કેમેરા સાથે સાથે સેલ્ફીસ્ટીક પણ બનાવવા માંડ્યા છે.હાલના યુવાનોને દર પાંચ મિનિટે પોતાની એક સેલ્ફી જોઈએ.હવે સેલ્ફી પાડતો માણસ પોતાના

હરીમુખને એવી રીતે તો જોતો હોય કે હરિમુખ હોય! બસ આજ ચહેરો છે જે પ્રતિષ્ઠિત ફેરનેસ ક્રીમની એરોટાઈઝ માટે લાયક છે. (હરીમુખ=વાનર અને હરિમુખ=ભગવાન વિષ્ણુ) આમ તો સેલ્ફી લેતી વખતે છોકરીઓ થોડી પઝેઝીવ હોય કે મારો ફોટો પેલી કરતા સારો ફોટો આવ્યો નથી.દીપ્સે આ ફિલ્મમાં આવું પહેરેલું. દીપ્સ તો એમ બોલતા હોય જાણે દીપિકા પાદુકોણ એની માસીની દીકરી થાતી હોય. હવે સેલ્ફી કેમેરાની સગવડ તો છે પણ હવે જો માણસે પોતાનો આખો ફોટો પાડીને ફેસબુક પર પ્રોફાઈલ ફોટો મુકવો હોય ત્યારે.... બીજાની જરૂર પડે.મોબાઇલ તો બધા પાસે હોય છે પણ ફોટો પાડવા માટે શિખર સમિતિના કરાર કરવા પડે.એ વખતે ગર્જુડા બનીને કરાર કરવા પડે કે ‘તું મારા ફોટા પાડી ડે તો હું તને બબલી ચોકલેટ આપીશ.’ હવે જે માણસ બબલી માટે એલીજીબલ એ ઉમેદવાર જયારે ફોટો પાડતો હશે ત્યારે એ શું વિચારતો હશે ખબર છે?એ સામેની મોડેલીંગ પોઝ કરીને બેઠેલી વ્યક્તિની મનમાંને મનમાં નિંદા કરશે પછી એ વિચારશે કે કેટલો બકવાસ લાગે છે!અને પછી સામે વાળો પોતાનો ફોટો પણ જલ્દીથી પાડીદે એ માટે જેમતેમ કરી ફટોફટ પાડી દેશે અને એને સારું લગાડવા અને પોતાની ફોટોગ્રાફીને વખાણતા આત્મશ્લાઘી શબ્દો કેશે કે જેથી સામેવાળો ફરીથી ફોટો પાડવાનું કે’ નહિ.આટલું બધું કર્યા પછી પણ જો સામેવાળો ફરીથી ફોટો પાડવાનું કેશે તો તે એવી રીતે જોશે જાણે બબલી ચોકલેટ પેચાઈ ગયી હોય અને એના ભાગમાં એકપણ બબલીનો પીસ ન આવ્યો હોય..... આવી બધી ફોટોસ્વાર્થીતા તો યુવાનો એમાય છોકરીઓમાં ખાસમખાસ...

હવે જો કોઈ મોટી ઉમરના દાદાનો ફોટો પાડતા હોય જેઓ ગંભીર રીતે બીમાર હોય એમનો ફોટો પાડતી વખતે એમના સગાવ્હાલા જાણે સગાસાલા થઇ જાય અને વિચારતા હોય કે બાપુજીનો આ ફોટો એમના બેસણામાં મુકીશું......... એટલે બરાબર દાદા ઓળખાય એવો ફોટો પાડીએ કે લાગે અંતિમ સમયે સ્વામીશ્રી દર્શન દઈ રહ્યા હોય.ગળી ગયેલા અંગોવાળો,બેતાથી બેગણી દિવાળી જોઇને ધોળા માથાવાળા,જેમને હજુ થોડું થોડું ઝાંખું દેખાય છે,ખાવા માટે બત્રીસી વાપરવી પડે છે.તે ફોટોગ્રાફરના બાપુજી મસ્ત મજાના વોકરથી ચાલે છે.જેમને હજી ૫૦૦૦ રૂપિયાની નોટ જોવા માટે જીવવું છે.૨૦૦૦ રૂપિયાની નોટ લેવા બેંકની લાઈનમાં ઉભું રહેવું છે,પણ આ ફોટોગ્રાફર બેટો બેસણા સુધી વાત લઇ જાય ત્યારે જો દાદાને આ ફોટોગ્રાફરની પોતાને કેમેરામાં કેદ કરતી વખતે ઉદભવતી લાગણીઓની જો ખબર પડી જાય તો બાપુજી જે વોકરને એક પરિવહન માટે વાપરે છે એને વિના સંકોચે અસ્ત્ર શસ્ત્ર તરીકે વાપરવા માંડે.....ખરાં! હાલ જેમ લગ્નમાં ફોટોગ્રાફી થાય છે એમ મરણમાં પણ થતી હોય છે, લોકો એમના વડવાઓની છેલ્લી તસ્વીર ખેચાવે છે.તો આ સ્થિતિનો ફોટોગ્રાફર અંગત હોય કે નહિ તે એ જ વિચારશે કે બાપા જીવતા તયે કોઈએ પાણીય પુછ્યું નહિ અને પછી ફોટો પાડવા બેઠા.જો એ બાપાને જીવતા જીવ એક ચાનો પ્યાલો પણ આપ્યો નહિ, હવે કાગડાને દૂધપાક ખાવડાવે છે...પાછા બધા ફોટાને દુધનો પ્યાલો પીવડાવતા હોય છે. જયારે કોઈ માણસ ગુજરી જાય અને પછી ઠાઠડી બાંધે, પછી પાર્થિવ દેહ પર લાલ કપડા અને ફૂલો બાંધે અને છેલ્લે છેલ્લે એ વખતનો ફોટો પાડે ત્યારે એ વખતે કેમેરામાં કેદ કરતી લાગણીઓ એ પાર્થિવ દેહ ની અર્ધાંગીની જે હજી હયાત છે તેના માટે પોતાના પ્રીતમની છેલ્લી ક્ષણોને જોઈ શકે છે.

હવે જો કોઈ ફોટોગ્રાફર લગ્નના પ્રસંગમાં ગયો તો એમ જ વિચારે ‘લાકડે માકડું બેસી ગયું’ એટલે કે પતિપત્ની બેય એકબીજાને યોગ્ય છે,બેઉમાંથી કઈ કાઢી લીધા જેવું નથી.ફોટોગ્રાફર તો દરેક ફોટા પાડતી વખતે ખાસ કરીને જમણવાર બાજુ વધારે ફોટા પાડે.ફોટોગ્રાફર તો એમ જ વિચારે કે ક્યારે આ બેય પોતાનું ફોટોસેશન પૂરું કરે તો હું જમવા ભેગા થાઉં.

પોતાનો છોકરો જયારે પ્રાયમરીમાં ભણતો હોયને સારા ટકા લાવીને જયારે કોઈ ઇનામવિતરણમાં ટ્રોફી લેતો હોય કે ઇનામ લેતો હોય ત્યારે ફોટો પાડતા પિતાને એવો સરસ ગર્વ થતું હોય પોતાના દીકરા પર,એને ખુશી થતી હોય પોતાના ઉછેર પર કે કેવો સરસ મેં દીકરો ઉછેર્યો!નાના બાળકની પુંજી એટલે આ બધા સર્ટીફીકેટ અને મેડલ અને આ બધા ફોટાઓ છે.પૈસા દઈનેય આ ખરીદી શકાય નહિ.બાળક મોટું થઈને આ બધા સાચવેલા ફોટાઓ જુએ તો ગદગદ થઇ જાય.

આ બધી વાત તો થઇ આપડે મારા જેવા મિડલ ક્લાસની....કે જેની પાસે વધી વધીને એક ટચસ્ક્રીન ફોન છે ફોટો પાડવા માટે, પણ જેની પાસે ૩૦૦૦૦ થી શરુ કરીને ૩૦૦૦૦૦૦ ના કેમેરા હોય એનું શું?પહેલી વાત તો એ કે જો એ કોઈ મારા જેવા બિનફોટોગ્રાફર ખોટા ખર્ચા કરે નહિ.પૈસાદાર લોકો ખર્ચે પરંતુ આ કેમેરો જયારે કોઈ અનભિજ્ઞના હાથમાં આવી જાય પછી???એ જયારે કોઈ પ્રોફેશનલ કેમેરો હાથમાં લે તો સામેની ક્ષણ ભલે ને દીકરાના જન્મ થવા જેટલી ખુશીની હોય કે કન્યાવિદાયની વસમીવેળા હોય,એ તો એમજ વિચારે કે આ કેમેરો કેવી રીતે સ્ટાર્ટ થાય?એની અનુભવની લાગણીઓ પ્રશ્નાર્થ હોય.હવે ગ્રુપમાંથી કોઈ દુર્લભ વ્યક્તિને ધારોકે આવડી જાય અથવા તો પહેલેથી આવડતો હોય તો એ ગ્રુપ માટે જાણે રણમાં કિનારો મળી જાય એવી સદનસીબી જેવી વાત કોઈ ન થાય!પરંતુ પેલા દુર્લભ વ્યક્તિ માટે તો પોતાનો ફોટો પડાવવો દુર્લભ બની જાય,એની માટે તો સમુદ્ર્માંય મૃગજળ જેવી બદનસીબીવાળી વાત બીજી કોઈ નહિ.....

કોઈપણ વ્યક્તિ પોતાની પ્રેમિકાનો ફોટો પાડતો હોય કે પછી પોતાની પત્નીનો કે પોતાના બાળકની રમતનો, કે એ હોઈ શકે ઘરડાં મા-બાપની આશીર્વાદ આપતી ક્ષણો, એ હોઈ શકે તોફાન કરતાં મિત્રો.. કે વેકેશન ગાળવા જતાં કુદરતી દ્રશ્યોનો પણ હરેક વખતે તે પોતે ઈચ્છુક હોય જે સંભારણા સાચવવાનો...કોઈ પણ માણસ બાળક હોય કે વયોવૃદ્ધ એ પોતાની જિંદગીનો અમુલ્ય હિસ્સો કે પળો યાદ રાખવા ઈચ્છે છે.કોઈવાર જિંદગીની જિન્દાદિલી માત્રને માત્ર યાદો ધ્વારા વીતી જાય છે.આવેલી પળ તો ચાલી જવાની પરંતુ તેની યાદી સ્વરૂપે,પોતાની જિંદગીના એટલા હિસ્સાને આપડે કેમેરામાં કેદ કરી લઈએ છીએ અને પછી જયારે એની પ્રિન્ટ જોઈએ ત્યારે વારે વારે એ રૂડા અવસરને યાદ કરીએ છીએ.તમને એમ થશે કે શા માટે માનવજીવ ફરિયાદ કર કર કરે છે?દોસ્તો એ ફરીયાદ નથી ફરી ફરીને યાદ છે.માનવજીવ યાદો સાથે બંધાયેલો છે.

“આ કફન,આ કબર,આ જનાજાઓ એ રીતી છે દુનિયાતણી,

માણસ મરી તો ત્યારે જ જાય છે જયારે એને કોઈ યાદ કરવાવાળું હોતું નથી.”

“કભી એક લમ્હા ઐસાભી આતા હૈ જિસમેં બીતા હુઆ કલ નઝર આતા હૈ;

બસ યાદેં રહ જતી હૈ ઔર વક્ત સબકુછ લેકર ગુઝર જાતા હૈ.....”

-સિદ્ધિ દવે”પણછ”