ડિવોર્સ પછીનો મેળાપ Dr. Siddhi Dave MBBS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિવોર્સ પછીનો મેળાપ

          "હે બા,દર્શન આવી ગયો સ્કૂલેથી?"એવો પ્રશ્ન ખોડા એ એના પ્રશ્ન દર્શનની દાદી એટલે કે પોતાની માને પૂછ્યો.હમણાં એક બે મહિનાથી ખોડાની બયરી પિયર હતી.એટલે ખોડાના બા જ દર્શન અને ગોપીનું ધ્યાન રાખતા.કમળાબા ની ઉમર એમતો સાઇઠેક પણ પોતાના છોકરા ખાતર એના નાના બાળકોને સાચવી લેતા.નાના બાળકોનું ધ્યાન રાખવામાં બહુજ થાકી જતા,પણ કરેય શુ એ સિવાય?બે મહિના પહેલા જ એમની પુત્રવધુ જયશ્રી બે છોકરાને એમને હવાલે કરીને પિયર જતી રહી.
                   @@@બે મહિના પહેલા@@@
         ગામડું ગામ.સીમ પુરી થાય એટલે ગામમાં ગરતા જ પેલા જ મગનભા ખેડુતનું ઘર.મગનભા એટલે કે ખોડા ના બાપુજી.હંમેશા પોતાના ખેતરોમાં જ પરોવાયેલા.એમાંથી જ્યારે થોડો સમય મળે એટલે યોગેશ્વરમાં જઇ આવે.બે ઘડી ભગવાનનું નામ લે.ખોડો થોડો જુવાન થયો ત્યારથી એને શહેર જવાનો ઉપાડો લીધો'તો.ભણવામાં બહુ જાજો પાવરધો ન્હોતો,એટલે પછી મગનભા એ એને સુરત હીરા ઘસવામાં મોકલી દીધો.ગામના ઘણા છોકરાવ ત્યાં ગ્યાતા.
         ખોડો ત્યાં બધા ભેગો કામે લાગી ગયો.ઘરથી દૂર એવા શહેરમાં સારી વસ્તુ કરતા ખરાબ વસ્તુ ક્યાં મળે છે એની પેલા ખબર પડી જાય.કેરીના કરંડિયામાં જેમ એક કેરી બધીને બધાને ખરાબ કરતી હોય છે.એમ જ એની દોસ્તોમાં એક ડંખવાળી બધી રીતે પુરી હોય એવી વ્યક્તિ આવી ગયેલી.આવી વ્યક્તિ પોતેતો બધી રીતે પુરી હોય ,પાછી બધાને એવી વસ્તુઓ શીખડાવે.પોતેતો આખી જિંદગી હેરાન થાય પણ બીજાની જિંદગી પણ બગાડે. જુવાન હોઇ ત્યારે દારૂ,સિગરેટ પીવે ત્યારે કઇ થતું નથી,પણ છેલ્લી જિંદગીમાં જ્યારે બીમારીઓ સાંપડે ત્યારે કોઈ જોવા જતું નથી એને.કુમળી વયમાં ક્યારેક તો એ પણ ખબર નથી હોતી દારૂ સિગરેટ નું વ્યસન કેટલું ગંભીર હોય છે.સમજાય ત્યારે સમય હોતો નથી.ખોડાના મિત્રવર્તુળમાં મિલન નામની ડંખવાળી કેરી હતી."કાઈનો થાય,લે મારા તરફથી,આને તો જિંદગીની મજા કહેવાય,દારૂ નથી પીનારા ક્યાં જાજુ જીવ્યા છે,એક ઘૂંટ તો પિલે, ચાખ તો ખરા,બધાય પીવે જ છે,કોઈને કાઈ નથી થતું."આવા લોભામણા વચનો મિલને કેટકેટલી વાર બોલ્યા અને ખોડાને ફોસલાવ્યો. ખોડાએ શરૂઆતમાં તો ના પાડી પણ એ ધીરે ધીરે ક્યારે મિલનની વાતોમાં આવી ગયો એને જ ખબર નો રઇ.શરૂઆતમાં તો મન ડંખતું કે બાપુજીને ખબર પડશે ત્યારે એમને કેવું લાગશે?પણ ધીરે ધીરે સમય જતો તો એમ એ દારૂના વમળમાંથી જેમ બહાર આવવા માંગતો એટલો અંદર જતો'તો.ધીરે ધીરે એનું મન પણ ડંખતું બંધ થઈ ગયેલું.વાર તહેવાર જ્યારે ગામડે આવતો ત્યારે પણ દારૂ વિના રહી નો શકતો અને છુપીછુપીને દોસ્તો સાથે પી લેતો.
             ખોડાની ઉમર મોટી થવા લાગી હતી.ખોડાની નાતમાં છોકરી જોવાનું ચાલુ કરી દીધું હતું.ખોડાની નાતમાં એવો રિવાજ હતો કે જે કોઈ યુવકને કન્યા સાથે લગ્ન કરવા હોય,એ કન્યાના બાપને અમુક નિર્ધારિત રકમ ચુકવવાની હોય.એ રકમ કન્યાના બાપ જ નિર્ધારિત કરે.આવો રિવાજ આજે પણ ઘણીબધી જ્ઞાતિઓમાં જોવા મળે છે.આમ તો આજે જે સ્ત્રીપુરુષ દર છે એને વધારવા આ રિવાજ સારો કહી શકાય.નાતમાં જેને ઘેર દિકરી જન્મે એ લક્ષ્મીસ્વરૂપ તો હોય જ પણ મોટી થઈને પણ લક્ષ્મીનો સ્ત્રોત જરૂર બની જાય.નાતમાં સૌથી વધુ પૈસાદાર એ બાપ હોય જેને ઘણીબધી દિકરીઓ હોય.આવું ખરેખર હોય છે.એક બદલાવ હંમેશા અવિરત પણે સતત ચાલતો રહે છે ,વર્ષો જુના રીતરિવાજો માંથી અમુક નામશેષ થતા જાય છે અને અમુક નવા બનતા જાય છે.જેમકે લગ્ન વખતે અણુચલું પીરસવાનો રિવાજ.આ રિવાજ માં એવું હોય કે જ્યારે જાન પરણવા આવે ત્યારે બધાને સુખડી,મોળા સાટા.... વગેરે વગેરે ખવડાવાનું હોય.હવે આ રિવાજ એટલા માટે હતો કે પેલા જમાનામાં ચા-નાસ્તો પ્રથા એટલી બધી પ્રચલિત નોતી એટલે કેટલાય ગામડાથી દુર જાન લઈ આવેલા ભૂખ્યા લોકોને જમાડવા આ રિવાજ હતો.એમ જ આમની ન્યાતમાં પણ જયશ્રીના પિતાજી પૈસા લેવામાં માનતા નહોતા. એમનામ જ કંકુ ફેરે જયશ્રીને ખોડા સાથે વળાવી.ખોડા સાથે લગ્ન કરવામાં જયશ્રીના પિતાજીને ચિંતા નોતી કારણકે મગનભાનું સમાજ માં એવું નામ હતું કે જ્યાં દીકરાનું સબંધ માટે માંગુ નાખે,ક્યાંયથી ના નો આવે.બીજું કમળા બા સરળ સ્વભાવના હતા.આખો દિવસ પોતાની છોકરીને તો સાસુ હારે જ રેવાનું હતું.દીકરીનો ધણી તો આખો દિવસ ખેતરીયે ગયેલો હોય.મગનભાએ ખોડા અને જયશ્રીને પરણાવી દીધા.હવે સુરતથી ખોડાને પાછો બોલાવી લીધો અને ખેતરની જવાબદારી સોંપી દીધી.
            જયશ્રી અને ખોડાના લગન પછી ખોડો થોડો જવાબદાર બન્યો હતો.ખેતરમાંને ઘરમાં આખો દિવસ પરોવાયેલો રહેતો.પણ તોય થોડા થોડા દિવસે દારૂનું વ્યસન તો ચાલુ જ હતું.જયશ્રી અને ખોડો ગ્રહસ્થ જીવન ખૂબ જ સારૂ ચલાવતા હતા.એમાં દર્શનના જન્મ પછી તો ઘરમાં બધા ખુશખુશાલ હતા.પછી ગોપીનો જન્મ થયો.બા ને મગનભા આખો દિવસ છોકરાવ ની આસપાસ જ વિતાવી દેતા..આમ જોવોને તો એક આદર્શ કુટુંબનું ઉદાહરણ જ જોઈલ્યો.
               બાજુના ડેલાવાળા ચીચીબેન કમળાબાને જોઈ જોઈને ઈર્ષ્યા કરતા રહેતા.ચીચીબેન એટલે કે મિલનના મમ્મી.મોરના ઈંડા ખરેખર ચીતરવા નો પડે.એમેનેય ઘરે દીકરાની વહુ હતી. પણ કમળાબા જેવું નહીં એવુ હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કહી નાખતા.હંમેશા ઈર્ષ્યા એ બહાર આવ્યા વિના રહેતી નથી.ચીચીબેન તો ત્યારે બળી ઉઠ્યા જયારે જયશ્રીને પહેલે ખોળે દિકરા દર્શનનો જન્મ થયો.ચિચીબેનને તો પોતાની વહુને બે દિકરી આવ્યા પછીએ શાંતિ નહોંતી. એમને તો દિકરો જ જોઈતો હતો.એટલે કેટલાય પૈસા ખવડાવ્યા,કેટલાય ડોકટરો બદલ્યા અને દર વખતે પહેલાથી જોવડાવી લેતા.નહી નહીને  ચારથી પાંચ ભૃણહત્યાના ગુનેગાર બન્યા હશે.ચીચીબેન ભલે ગામડાના હતા તોયે બધી ખબર પડતી હતી.જબરા બહુ.પછી કેટલીયે વાર પછી તેમનેય ત્યાં પૌત્રનો જન્મ થયો.તે દિવસે ગામ ગજવી નાખ્યું.ચીચીબેનને એવું કે હંધુય સુખ મારે ત્યાં જ હોવું જોઈ,બીજાને ત્યાં નહીં.અહીં તો એમની ભૂલ હતી.પોતાને ત્યાં સુખ હોવુ એ તો સર્વની કામના હોય પણ બીજાને ત્યાં પણ સુખ આવે એવું ઇચ્છવું જોઈએ.બીજાને ત્યાં જરાક સુખ આવે તો છળી પડતા.ગમે ત્યાંથી બીજાને નીચું જોવડાવતા.કમળાબા પહેલા બહુ ચીચીબેનને સમજાવતા.પછી તો એમનેય સમજવાનું છોડી દીધેલું.
પહેલા જ્યારે કમળાબા અને ચીચીબેન ને બહુ જ બનતું.આખો દિવસમાં કામ કરી સાંજે ઓટલો જામતો.પણ જ્યારથી કમળાબા એ બે પાંદડાંનું સુખ ભાળ્યું ત્યારથી ચીચીબેને તો બોલવાનું બંધ કરી દીધું.કમળાબા જ કયારેક કયારેક સામેથી બોલાવી લેતા.અમથું નાના છોકરા આવ્યા પછી કમળાબાને સાંજે બેસવાનો સમય નો રહેતો.
                 એકરાતે એવું થયું કે કમળાબા અને મગનભા છોકરાવને મેળામાં શહેર લઇ ગયેલા,બીજા દિવસે પાછા આવાના હતા.અને આ બાજુ મિલન એ ખોડાને દોસ્તો સાથે દારૂની જમાવટમાં લઇ ગયેલો.બહુ જ દારૂ પીવડાવ્યો.ખોડો દારૂ પીધેલ હાલતમાં ઘેર પહોંચ્યો.જયશ્રી એની રાહ જોતી હતી.આજે ખરેખરું ધીંગાણું થયું.ખોડાને ભાન નહોતું કે એ શું કરી રહ્યો છે.આવીને જયશ્રી સાથે બાજવા જ મંડ્યો.જયશ્રી સામું બોલી એટલે મરદે મર્દાનિયત દેખાડવા એને મારવા માંડી. કોઈ દિવસ ચાર પાંચ વર્ષના લગ્નજીવનમાં આવું નહોતું થયું.જયશ્રી તો સમસમી ઉઠી.હજુ ખોડો તો ભાનમાં જ નહોતો.જયશ્રીના શરીર પર લાલ ઉઝરડા પડી ગયા.ગાલ જે પહેલા શરમથી લાલ થતા,એજ ગાલ હવે મારથી લાલ થયી ગયા.જયશ્રી સામે જોર અજમાવે તોય અંતે તો સ્ત્રી જ ને,કેટલું જોર અજમાવી શકે.એ આખી ભયાનક રાત જયશ્રીએ રોઇરોઈને પસાર કરવું.એનું રુદન સાંભળવા નહોતા એના સાસુસસરા કે છોકરા,હતો તો પીધેલ બેભાન હાલતમાં એનો ધણી.એ રાત તો વીતી ગયી પણ એક હૃદયમાં ઘાવ મૂકતી ગયી.હવે જયશ્રીએ નક્કી કરી લીધું તું કે ગમે એમ થાય કા તો આ દારૂ ની લત નહીં કા તો હું આ ઘરમાં નહીં!
                   બીજે દિવસે સાસુ સસરા અને છોકરાવ આવ્યા.ઘૂંઘટ કાઢેલી વહુનો લાલ ચહેરો તો તરત કોઈને નો દેખાણો પણ રસોઈમાં સાસુએ એ લાલ ચહેરો અને રોઇરોઈને ઊંડી ઉતરેલી આંખો ઓળખી લીધી.પછીથી ખબર પડી કે રાતે આવું બધું થયું હતું.જયશ્રી એ બીજા દિવસે ખોડો ઉઠ્યો ત્યારે બધી ઉલટ તપાસ હાથ લીધી કે "કાલે જે બન્યું એ હવે ના બનવું જોઈએ,નહીંતર હું ભલી ને મારૂ પિયર ભલું."ઘર હોય તો ક્યારેક ઝગડો પણ થાય, પણ આ ઝગડો જ્યારે એના વધવાના તબક્કામાં હોય ત્યારથી જ વાળી લેવો જોઈએ,નહીંતર ક્યારે એ એની ચરમસીમા પર પહોંચી જાય એની ખબર ના રહે અને પછી એ ઝગડાનેએવી જગ્યાએથી પાછો લાવવો મુશ્કેલ હોય છે.ખોડાનું તો મગજ પર તો દારૂ પીવાનો અહમ હતો અને પત્ની ને મારવામાં એ પોતાની મર્દાનિયત સમજતો,એટલે જયશ્રીની આ ચેતવણી પર એણે મનાવવાના બદલે ચોખ્ખું સંભળાવી દીધું કે ,"ધણી સામે બોલો તો આવું જ થાશે, પોસાય તો જ રહેવાનું."
          
          " સીતા શમાણી નહીં કોઈ શાણી,
             પ્રલય ટાણે મતી ભ્રષ્ટ કીધી,
             વિનાશ કાળે વિપરીત બુદ્ધિ."
          
           તે દિવસે તો પછી જયશ્રી કાઈ ના બોલી,પિયર જાય તો છોકરાવનું શુ થાય,પિયરમાં તો ભાભી એવી નથી કે બે ચાર દિવસ થી વધારે છોકરાવ સાથે ટકવા દે.બાપા હતા પણ એય હવે ઘરડા થઇ ગયા.એકલી થોડા દિવસ જાય તો ભાભી રહેવા દે,કારણ કે આખો દિવસનું કામ કરવાનું હોય.પણ છોકરાવ સાથે હોય પછી એમનું કામ પણ ના થાય,એટલે જાજા દિવસ ના રોકાવાય.
                  પછી આવો માર જયશ્રીને બે ત્રણ વાર ખાવો પડ્યો જ્યારે સાસુ સસરા અને છોકરાવ ઘરે ના  હોય અને ખોડો દારૂ ઢીચીને આયો હોય.શરૂઆતમાં કમળાબા ખોડાને સમજાવતા.પણ આટલી સમજાવટ પછીયે ખોડો સમજતો નહોતો એટલે બિચારા શુ કરી શકે.એમનેય જયશ્રીની દયા આવતી.હવે કંટાળીને જયશ્રીએ પિયર જવાનો નિર્ણય કરી લીધો.અને બિસ્તરાપોટલા લઈ પહોંચી ગઇ પિયર.આ બાજુ છોકરાવ ને કમળાબા અને મગનભા રાખતા.મગનભા એ તો ખોડા સાથે બોલવાનું જ બંધ કરી દીધું.સાસુ સસરાએ જયશ્રીને પાછી લાવવા માટે મહેનત નો કરી કારણ કે જયશ્રી પાછી આવે તો એને જ સહન કરવાનું થાય.ખોડો થોડા દિવસ તો તોર માં ને તોર માં રહ્યો પણ પછી એનેય જયશ્રી ની યાદ આવવા માંડી. પાછી બોલાવવા જાય એમા એનો અહમ ઘવાય જાય, કારણ કે પોતે જયશ્રીને બહુ હેરાન કરી હતી.
              આ બાજુ જયશ્રીને બધાએ એવી પટ્ટી પઢાવી અને આખું મગજ ધોઈ નાખ્યું.સાસરિયા વિરુદ્ધ બહુ બોલ્યા.એમાંય ચીચીબેન તો સ્પેશલ જયશ્રીના પિયર જઇ ખોટી પટ્ટી પઢાવી.જયશ્રીને સાસરિયા પ્રત્યે પેલા જે દયા હતી એ ઘૃણામાં ફેરવાઈ ગઈ.સમાજમાં ઘણા એવા કડવા લોકો હોય છે જેને કોઈનો પોતાની કરતા વધુ સુખી સંસાર ભાંગવામાં રસ હોય છે.ઘણા દિવસે સાસરિયામાંથી કોઈ તેડું નો આયુ,પછી એને પિયરવાળાએ છૂટાછેડા માટે સમજાવી.જયશ્રી માને એ બીજી,એને આખો દિવસ છોકરાવ ની યાદ આવતી કે એ લોકો શુ કરતા હશે,સ્કૂલે ગયા હશે કે નહીં,એ બાજુવાળા છોકરાવને પોતાના છોકરાવનું પુછતી. પણ આ બધુ ક્યાં સુધી,અંતે કૈક નિર્ણય તો લેવો જ પડશે.બધાએ બહુ કીધા પછી જયશ્રીએ છૂટાછેડા પર સહી કરીને સાસરે કાગળ મોકલ્યા ખોડાની સહી માટે.કોઈ દિવસ ન બોલેલા મગનભા આજે ખોડાને બહુ વઢયા.ખોડોય પોતે કરેલા કામ પર શરમાતો હતો.એને એમ હતું કે જયશ્રી છૂટાછેડા માટે સહી નહીં કરે પણ જયારે ખોડાએ જયશ્રીની સહી ભાળી ત્યારે એનેય મન મક્કમ કરી સહી કરી નાખી.પોતાને જયશ્રીને પાછી લાવવી હતી.પણ હવે શું કરે?
                   ખોડાને આખી વાત પરથી એટલું તો સમજાઈ ગયું કે દારૂ એ માત્ર શરીર માટે નહીં,પણ જીંદગી માટેય હાનિકારક છે.પોતાની હસ્તી ખેલતી જિંદગી માં કોઈવાતનું દુઃખ નહોતું,પૈસેટકે સારું હતું,ઘરનું ઘર,બે દેવ જેવા સંતાનો,અધૂરામાં પૂરું ધણીયાણિ પણ સારી હતી.બસ એ બધું નિભાવી ના શક્યો.હવે એણે દારૂનું વ્યસન પણ છોડી દીધું અને છોકરાવની જવાબદારી ઉઠાવી લીધી.વારતહેવારે મિલન ઘરે આવીને બોલાવી જાય, તોય ખોડો જતો નહીં.આ બાજુ જયશ્રી પોતાના છોકરાવ વિના રહી નોતી શકતી. એને ખોડોય યાદ આવતો,પણ હવે એય શુ કરે.એક દિવસ તો એને છોકરાવની બહુ યાદ આવી તો જાતે જ છોકરાવને જોવા માટે સાસરે પહોંચી ગઈ.છોકરાવ મમ્મીને જોઈ મોજમાં આવી ગયા."મમ્મી તું ક્યાં જતી રહીતી અમને છોડીને,હવે નહીં જા ને?"જયશ્રી રડી પડી.થોડીવાર થઈ એટલે ખોડાના આવવાનો સમય થયો એટલે જયશ્રી નીકળવા માંડી.પણ ખોડો ભેગો થઈ ગયો.જયશ્રી નીકળવા જાતી હતી એમાં ખોડાએ એનો હાથ ઝાલી લીધો.ખોડો મરદ થઈને રોવા મંડ્યો,હવે એને પોતાના અહમની પડી નહોતી.એણે જયશ્રીની માફી માંગી અને છોકરાવના સમ ખાઈ પ્રતિજ્ઞા લીધી કે હવે એ દારૂ નહીં પીવે અને સ્ત્રીઓની ઈજ્જત કરશે.ક્યારેય મારશે નહીં.બસ 'એકવાર જયશ્રી પાછી એના સાચા ઘરે આવી જાય.'અંતે જયશ્રીના રિસમણા પુરા થયા.અંતે જે પતિપત્ની ના છૂટાછેડા થયા હતા એનાજ એકબીજા સાથે લાંબા વિરહ અને જિંદગીની મોટી પરીક્ષા પછી કોર્ટમેરેજનું પરિણામ આવ્યું.ચિચીબેન પણ કોર્ટમાં સાક્ષી તરીકે આવ્યા હતા.પણ એમની ઈર્ષ્યા તો હજુ ચાલુ જ છે.
   "ય સ્વભાવો હી યસ્યસ્તી સ: દુરતિકર્મ
  શ્વાન યદિ ક્રિયતે રાજા તદકિમનાસ્વતી અપાહનમ."
(જેનો જે મૂળ સ્વભાવ હોય છે તે ક્યારેય છોડતો નથી.જો કૂતરાને રાજા બનાવવામાં આવે તો એ ચંપલ ચાટવાનું છોડતો નથી.)
             એટલે મૂળ આપડે આપડું જોયે જવાનું બીજાને જે કરવું હોય એ કરે.હંમેશા બધાનું સારું ઇચ્છવાનું,કારણકે એ બધામાં કોઈ કોઈ આપડેય છીએ જ.
                           (સત્ય ઘટના પર આધારિત)
                       -સિદ્ધિ દવે"પણછ"
                        FINAL year MBBS
                        Jamnagar

તા.ક. મારી યૂટ્યૂબ ચેનલ જોવા માટે યૂટ્યૂબ માં સર્ચ કરો:
       TOP NOTCH bowstring