મારી સો ની નોટ Dr. Siddhi Dave MBBS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી સો ની નોટ

  • મારી સો ની નોટ
  • ઘણા વખતે જામનગર માં આટલો બધો વરસાદ પડ્યો.અચાનક વરસાદના આવવાથી,સાથે કોઈપણ જાતની કાગડો છત્રી કે કોટ નો'તો.હું તો ભીંજાઈ પણ મારું બેગ પણ ભીંજાયું ને અંદર પડેલું મારુ સાઈઠ રૂપિયાનું (વોટરપ્રુફ તો નતું જ)એટલે પાકીટે પણ હાર માની લીધી.મારી સાથે મારુ પાકીટ પણ ભીંજાયું સાથે અંદર ના ગાંધીજી પણ ભીંજાયા.
  • હોસ્ટેલ પહોંચીને મેં પહેલા તો બેગમાંથી શુ શુ ભીંજાયું છે,એ જોવામાટે બધી બુક્સ કાઢી અને એ પલળેલી બુક્સ સાથે પલળેલું પાકીટ નિકળ્યું.ધીરે ધીરે પાકીટમાંથી બધું કાઢ્યું.મોટા ભાગના ગાંધીજીના ફોટો બરાબર રીતે ભીંજાયેલા હતા પણ એમાની એક સો રૂપિયાનું મૂલ્ય ધરાવતી નોટે પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકી.સેજ તૂટી ગઈ'તી.હવે પેલા, નોટો જ્યારે ભીંજાયેલી હોય ત્યારે આપણે આપણા નિરીક્ષણમાં પાંખો ચાલુ કરવો પડે અથવા તો એક એક નોટ પર વજનિયું રૂપે કંઈક મૂકવું પડે અને પંખો ચાલુ કરવો પડે...એટલા વજનીયા ગોતવા કરતા મેં મારા નિરીક્ષણમાં જ પંખો ચાલુ કર્યો...આમાં નિરીક્ષણની ખાસ નોંધ એટલા માટે લેવાઈ કે જો પંખો ચાલુ રહી ગયો અને નોટો સુકાઈ ગઈ તો પછી નોટો ને પાંખો આવી જાય અને હવાઈ તશકરી પર ગાંધીજીના ફોટો આખા રૂમમાં ઉડાઉડ કરવા માંડે અને એને ભેગા કરવા, એના કરતાં થોડી વાર નિરીક્ષણ કરવું સારું..
  • હવે મારી આ ફાટેલી નોટ ને મારે વાપરવા માટે સૌથી પહેલા મેં સેલોટેપ મારીને નોટ ને પ્રાથમિક સારવાર આપી.હવે પ્રશ્ન હતો કે આ નોટ ચલાવવી કઇ રીતે?આ પ્રશ્નનો જવાબ શોધતા મને આપડા જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા,નાનપણમાં આવતો પાઠ "ખોટી બે આની" કે જેમાં લેખક ખોટી બે આની ને ચલાવવા કેવા નિષ્ફળ પ્રયત્નો કરે છે એવા પ્રયત્નો મેં શરૂ કરી દીધા.
  • "ટ્રાય ટ્રાય નેવર ક્રાય"એ ન્યાયે મેં પહેલા અમારી હોસ્ટેલની પાછળ આવેલી ડુપ્લીકેટ ભાઈની દુકાને નોટ ચલાવવાનો પ્રયત્ન કર્યો.એ ભાઈ નું નામ ડુપ્લીકેટ નથી પણ ત્યાં બધીજ ડુપ્લીકેટ વસ્તુ મળી જાય.. ફેમસ કંપની કે જેની વેફર્સ એક ફેરિયા પાસે પણ મળી રહે,એવી વેફર્સ ની ડુપ્લીકેટ કંપનીની વસ્તુ તેની પાસે હોય.એ બેય વસ્તુ રાખે સાચી અને ડુપ્લીકેટ બેઉ,આપડે જઈએ એટલે વસ્તુ માંગીએ એટલે પેલા ડુપ્લીકેટ વસ્તુ ભટકાડે. પછી એમ કે કે,' બેન,આ વસ્તુ તમેં એકવાર તો ટ્રાય મારો,નો ભાવે તો આવતી વખતે બીજી લઈ જાજો.'એમ કરીને બધાને ભરમાવી દે.અમે એકવાર આમ ભરમાવાઈ ગયા,પછી તો ધડ કરીને અમે સાચીકંપની ની વસ્તુ જ લેતા.એની પાસે કોલ્ડડ્રિંગ્સમાય કંપનીની સ્પેલિંગ માં ફેરફાર હોય એવી કમ્પનીની વસ્તુ પણ ખરી...આવા ભાઈ પાસે મેં જોઈતો નાસ્તો લઈને સો ની નોટ આપી....એણે પેલા ગ્રાહકની વાતો માં હોવાથી જોયા વિના દલ્લામાં નોટ નાખતા'તા,પણ એનો વેપારી હાથ નોટને સ્પર્શ કરવામાં બાકી રહી ગ્યોતો એટલે એને નોટને અડી,ત્યાં પેલી પ્રાથમિક સારવારમાં લગાવેલી નોટ મૂંગી નો રહી અને એનો પ્લાસ્ટિક સ્પર્શે જ ડુપ્લિકેટભાઈના વેપારી મનને ચેતવી દીધો... અને મારી વફાદાર નોટ ફરી પાછી મારી પાસે જ આવી ગઈ.
  • હવે કોલેજના પ્રોજેકટ માટે ફાઈલ લેવા ગયા, ત્યાં બધા સાથે હોવા છતાં ,મારા નોટને દૂર કરવાના સ્વભાવે બીજાને પાકીટ ખોલવા ન દઈને ,પાકીટ ખોલીને સિફતથી નોટ આપી...પણ એ નોટ મને છોડવા માંગતી ન્હોતી,, પાછી ધોયેલા મૂળાની જેમ પાછી આવી ગયી અને સાથે બધા વચ્ચે જે મોટા ઉપાડે પાકીટ ખોલ્યું હતું એમાં જ પાછી નાખીને ઓનલાઇન પેમેન્ટ કરી દીધું..ઓનલાઇન પેમેન્ટ નો આજ ફાયદો પરચુરણ સાથે રાખવું નો પડે અને આવી ફાટેલી નોટોનો સામનો તો નો કરવો પડે...
  • પણ "કરતા જાળ કરોળિયો,ભોંય પડી પછડાય,વણ તુટેલે તાંતણે ઉપર ચડવા જાય"એમ કરતાં જાળું બનાવી નાખે એમ હજી મેં કરોળિયામાંથી પ્રેરણા લઈને પ્રયત્નો નો છોડ્યા...આ વખતે હું હજુ એક બીજી દુકાનમાં વસ્તુ લઈને નોટ આપવા ગઈ ત્યારે સામે વાળાની તિરસ્કાર નજર નો સામનો ન કરવો પડે ,એ માટે મેં સામેથી જ પ્રામાણિકતા લાવીને કઇ જ દીધું,'જો ભાઈ,આવી નોટ ચાલશે?'સામેથી મીઠા જવાબી વણિકભાઈ બોલ્યા,'ના બેટા, બીજી નોટ હોય તો આપી દેને, કા'તો પછી પૈસા આપજે.'આપડે તો તરત જ નોટ બદલાવી દીધી...બધાને ત્યારે જ પૈસા જોઈતા પણ ખોટે ખોટા મીઠા થાય,'પછી આપજો પૈસા' એમ કે પણ જો ખરેખર કોઈ ત્યારે વસ્તુ લઈ જાય અને પૈસા પછી આપે તો એજ સુગરફ્રી મીઠાશ ,મીઠાની ખારાશમાં તબદીલ થઈ જાય.
  • હવે મેં વિચાર્યું કે બેંકમાં જઈને બદલાવી આવીશ,પણ આવી લપ કોને ગમે અને 'મરતા ક્યા ન કરતા'એમ બસમાં જતી વખતે મેં એમ વિચાર્યું કે, એસ.ટી.બસ આમ તો સરકારી બસ જ છે ને કંડકટર આપણી પાસેથી પૈસા લઈને સરકારમાં પૈસા જમા કરાવે ત્યારે તો આવી નોટ કદાચ ચાલી જાય,કારણકે પાંચ રૂપિયાની નોટ પર પ્લાસ્ટિક વિટાળ્યું હોય તો એ ચાલી જતી હોય તો આ તો સો ની નોટ છે.બસ માં બેસીને કાનમાં ભૂંગળા ચડાવ્યા અને મોબાઇલ માં ગીત ચાલુ કરીને સાંભળતી હતી.એવામાં ખીચોખીચ ભરેલી બસમાં કંડકટરભાઈ આવ્યા મારી પાસે ,મેં તરત જ એ નોટ આપી,ત્યાંજ એને મારી નોટ ફેંકી,,,મેં કંઈજ બોલ્યા વિના તરત જ બીજી નોટ આપી અને મારી વફાદાર નોટને ઉપાડી લીધી.ગમે એમ નોટ ને એ ભાઈએ મારી નોટ ફેકવી નો'તી જોઈતી.મને પણ એ નોટ પ્રત્યે લાગણી થવા માંડી.
  • ‌ હવે શું? અંતે બેન્ક તો એક રસ્તો છે જ.પણ મને એમાં વિચાર આવ્યો કે જીવનમાં ઘણા માણસો ભટકાયા હશે જે પોતે જ ફાટેલી નોટ જેવા હોય,,,પણ ફાટેલી નોટ નો શુ વાંક?એનું મૂલ્ય તોય સો રૂપિયાનું જ થવાનું છે.તો માણસો શા માટે લેતા નહીં હોય!શું ફેર પડે? નોટને રાખવાની તો હોતી નથી,ખર્ચવા માટે જ હોય છે.બધા જ જો એવી નોટોનો સ્વીકાર કરતા હોય તો શું ફેર પાડવાનો તોય એનાથી જે કામ સાધવાનું હોય એ થઈ જાય, તો એ નોટ સાર્થક જ છેને!મારે એ ફાટેલી નોટને શોધવા જવી છે કે જેણે પહેલીવાર આવી નોટ નો અસ્વીકાર કર્યો હોય,અને આવી રૂઢી પડી ગઈ..આવી રૂઢી છે એટલે હવે આપડેય કોઈકની આવી નોટ નો સ્વીકાર પણ કેમેય કરી શકીએ,કારણ પછી આપડી પાસે કોઈ લે નહીં અને મારી જેમ આવા નિષ્ફળ પ્રયત્નો કરવા પડે...પાછું જ્યોતીન્દ્ર દવે જેવું વિશાળ હૃદય પણ નથી કે એમનેમ કોઈને ખોટી બે આની આપી એમ નોટ આપી દઈ મફતમાં....તમે શું વિચારો છો?
  • -સિદ્ધિ દવે'પણછ'