સાચો સપૂત
ઝવેરચંદ મેઘાણી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
સાચો સપૂત
રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી. એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતાં હતાં.
રાજાજી આવી ચડ્યા. પૂછ્યું કે “રાણીજી, રોવું શીદ આવે છે ?”
રાણી બોલ્યાં : “જુઓ, સામેના ગોખલામાં ચકલા-ચકલીનો માળો જોયો ? એ માળામાં બે નાનાં બચ્ચાં છે. ચકલો બેઠો બેઠો જોયા કરે છે.”
રાજા પૂછે છેઃ “એ ચકલી બચ્ચાંને શા માટે મારે છે ?”
રાણી બોલ્યાંઃ “ચકલાંની સગી મા મરી ગઈ છે. આ ચકલી તો એની નવી મા.”
“તેથી તમને શું થયું ?”
રાણી કહેઃ “રાજાજી, હું મરી જઈશ, પછી મારાં બચ્ચાંની પણ આવી દશા થશે, એવું મનમાં થાય છે; માટે મને રડવું આવ્યું.”
રાજા કહેઃ “ઘેલી રાણી ! એવું તે કાંઈ બને ? હું શું એ ચકલા જેવો નિર્દય છું?”
રાણી કહેઃ “રાજાજી, વાત કરવી સહેલી છે.”
રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ‘ફરીવાર કદી હું પરણીશ જ નહિ.’
રાણી માંદાં પડ્યાં. મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે, “તમારો કોલ સંભારજો હો ! મારાં કુંવરકુંવરીની સંભાળ રાખજો.” એટલું બોલી રાણી મરી ગયાં.
રાજાએ પંદર દિવસ શોક પાળ્યો. મોટાં મોટાં રાજની કુંવરીઓનાં કહેણ આવ્યાં. રાજાજીએ પરણી લીધું.
નવી મા ઘરમાં આવી. રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વીસરી ગયા. કુંવર અને કુંવરીને દુઃખનો પાર ન રહ્યો.
ભાઈ-બહેન જ્યારે બહુ જ મૂંઝાયાં ત્યારે શું કરે ? રાજમહેલમાં એનો એક રખેવાળ હતો; એનું નામ ભૈરવ. ભાઈ-બહેન એ ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ ખેરે.
રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ. કુંવર-કુંવરીને છાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો.
એમ કરતાં કરતાં થોડાંક વરસ વીત્યાં.
એક દિવસ મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢ્ઢો પુરુષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. બેય જણાં શી વાત કરતાં હતાં ?
રાણી કહેઃ “જુઓ આ હીરામાણેકનો ઢગલો, તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો.”
વજીર કહેઃ “શું કામ ?”
રાણી કહેઃ “ખૂન.”
વજીર કહેઃ “કોનું ?”
રાણી કહેઃ “રાજકુમારનું.”
વજીર તો ચમકી ઊઠ્યો ને બોલ્યો કે “અરેરે ! રાણી માતા ! એ કુંવરને તો મેં મારે બે હાથે રમાડ્યો છે. એ જ હાથે હું એને મારું ?”
રાણી બોલીઃ “નહિ મારો તો હું તમારો પ્રાણ લઈશ.” ધ્રૂજતો ધ્રૂજતો
વજીર બોલ્યોઃ “શી રીતે મારું ?” રાણી કહેઃ “આ કટારથી.”
વજીર ધ્રૂજી ઊઠ્યો. એ બોલ્યો કે “ના, ના, કટાર મારતાં મારો હાથ થરથરે. હું એને ઝેર પાઈને મારીશ.”
રાજકુમારી આ બધી વાત સાંભળી ગઈ. એ તો દોડતી દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરની સ્તુતિ કરવા લાગી.
ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું બહુ વિકરાળ. માથે મોટા મોટા વાળ. લાંબી દાઢી અને રોતી રોતી આંખો. રાજકુમારી તો દોડીને એને વળગી પડી ને બોલીઃ “ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ !”
એ પુરુષ પૂછે કે “અરે છડી, તું કોણ છો ? તું મને ઓળખતી નથી. હું તો આ જંગલનો બહારવટિયો છું. તને મારી બીક નથી લાગતી ?”
રાજકુમારી બોલીઃ “ના ! તું ખોટું બોલે છે, તું તો મારો ભૈરવભાઈ. પાંચ વરસ પહેલાં અમે ભાઈ-બહેન તારા ખોળામાં રમતાં તે તું ભૂલી ગયો, ભૈરવભાઈ ?”
ભૈરવ ગળગળો થઈ ગયો. એણે પૂછ્યુંઃ “બહેન, ભાઈ ક્યાં છે ? એને કેમ છે?”
રાજકુમારી રોઈ પડી ને બોલી કે “ભાઈને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે.”
બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો. રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો.
વજીર કહેઃ “રાજકુંવર, લ્યો આ શરબત પી જાવ.”
રાજકુંવર બોલ્યોઃ “વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે; છતાં લાવો પી જાઉં.”
એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે, ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું. જમીન પર એ પડી ગયો. મરતાં મરતાં બોલ્યો કે “રાજકુંવર અહીંથી પરદેશ ભાગી જજો; નહિ તો તમારો પ્રાણ જશે.”
રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણાં પરદેશ ઊપડ્યાં. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું, બહેન-ભાઈના પગમાં કાંટા વાગતાં જાય છે, શરીરે ઉઝરડા પડે છે, ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યાં જાય છે.
એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે. ભૈરવભાઈ પાસે એક તલવાર. પણ એકલો કેટલાં વરુને મારી શકે ? પછી એણે કહ્યુંઃ “તમે ભાઈબહેન ભાગો. મને એકલાને મરવા દો.”
પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા, કાપી કાપીને વરુઓનાં મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય, ત્યાં ત્રણે જણાં આઘાં આઘાં નીકળી જાય. વળી વરુઓ દોડતાં દોડતાં આવી પહોંચે. ફરી વાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવરાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયાં.
સવાર પડ્યું. એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું. પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહિ, વાંકું વળી જાય. રાજાને બ્રાહ્મણો કહે કે, ‘કોઈ બત્રીસલક્ષણા માણસનો ભોગ આપો.’
રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહેઃ ‘આ જ બત્રીસલક્ષણો માણસ, આપી દ્યો એનો ભોગ.’
રાજકુંવર કહેઃ “મને મારો છો શા સારું ? જીવતો રહીને જ હું એ ઇંડું ચડાવી દઈશ.” એમ કહીને એણે દોરી ખેંચી. ઇંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું, માણસો વાહ વાહ કરવા લાગ્યા.
ભાઈ-બહેન ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં બીજી એક નગરી
આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થતો હતો. દેશ-દેશના રાજાઓ ભેગા થયા હતા.
બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી ઉપર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથણીએ કહ્યું કેઃ ‘હે દેવી! જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ ને અરધું રાજપાટ આપીશ.’
હાથણી આખી સભામાં ફરી વળી. પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહિ. ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઈ, ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર ? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર.
બધા ય બોલી ઊઠ્યાઃ “હાથણી ભૂલી. હાથણી ભૂલી. આ ભિખારીની સાથે કંઈ રાજકુમારી પરણે ખરી કે ?”
બધા કહે કે “હાથીને બોલાવો.”
હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો; હાથી ત્યાં પહોંચ્યો, ને એના ઉપર કળશ ઢોળ્યો.
રાજકુમારી પોતાના બાપને કહેઃ “બાપુ, મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઈ-બાપ.”
પછી બેઉ પરણ્યાં. રાજકુંવર અરધા રાજપાટનો ધણી બન્યો છે, અને લીલા લહેર કરે છે. પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે.
પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભરતો. પોતાના બુઢ્ઢા બાપુ સાંભરતા. કોઈ કોઈ દિવસ એની આંખમાં પાણી આવતાં. પછી એણે પોતાના સસરાની રજા માગી; કહ્યું કે છ મહિને પાછો આવીશ.
રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગાઉમાં ગાડાં ચાલે એટલો કરિયાવર દીધો. હાથીઘોડા દીધાં. ડંકાનિશાન દીધાં. આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો.
આંહીં તો બાપુ બુઢ્ઢા થઈ ગયા છે. કુંવર અને કુંવરી ચાલ્યાં ગયાં ત્યારથી એને ઠીક લાગ્યું નહોતું. રાણી એને રીઝવ્યા કરે; પણ દેવનાં બાળક જેવાં પોતાનાં બે છોકરાંને કાંઈ ભુલાય ? રાજા તો ઝૂરી ઝૂરીને રાતદિવસ કાઢે. રાણી ઘણું ય મનાવે, છોકરાંનાં વાંકાં બોલે, પણ રાજાનું મન માને નહિ એણે રાણી સાથે અબોલા લીધા.
રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહિ. આખો રાજકારભાર બગડ્યો. સારા માણસો ભાગી ગયા. ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા, પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું.
રાજાજી તો ઝંખે કે ‘ક્યાં હશે મારાં કુંવર ને કુંવરી ? એને કોણ ખવરાવતું હશે? કોણ સુવાડતું હશે ?’
એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટેગોટા ઊડે છે. ચાકરો આવીને કહે કે, કોઈ પરદેશી રાજા ચડી આવે છે, એની પાસે અપરંપાર સેના છે.
રાજાની પાસે સેના નહિ, હથિયાર નહિ. રાજા શું કરે ? મોઢામાં ખડનું તરણું લીધું, હાથમાં અવળી તલવાર ઝાલી અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો.
પરદેશી રાજાએ આ જોયું. જોતાં એ સામો દોડ્યો. દોડીને બુઢ્ઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઊઠ્યોઃ “બાપુ, બાપુ, મને પાપમાં કાં નાખો ?”
રાજાએ કુંવરને ઓળખ્યો. કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા. કુંવરની આંખોમાં પણ આંસુ માય નહિ.
ગાજતેવાજતે બધાં નગરમાં ગયાં. કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઊઠ્યું.
નવી માને ખબર પડી. એના પેટમાં ફાળ પડી. એણે તાંસળી ભરીને અફીણ ઘોળ્યું. જ્યાં મોઢે માંડવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો. તાંસળી પડાવી લીધી. માના ખોળામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો. માનું હૈયું ઊભરાઈ આવ્યું. મા માફી માગવા મંડ્યા. કુંવર કહેઃ “માડી ! કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ.”
કુંવર ગાદીએ બેઠો. રાજારાણી વનમાં તપ કરવા ગયાં. રાજ આખું આબાદ થયું. ખાધુંપીધું ને રાજ કીધું.