આજે સંતાનોનાં શિક્ષણમાં,
ઘડતરમાં, પિતાની ભૂમિકા
નટવર આહલપરા
આ લેખ મારા મિત્રસમા અને સંતાનોના પિતાઓને સમર્પિત છે. સલાહ નહીં પણ સ્નેહ સ્વરૂપે લેખ કર્યો છે. સૌ પ્રથમ એક સુવિચાર જોઈએ,
હે માતા-પિતા દરરોજ તમે તમારા બાળકના અભ્યાસની પુછપરછ કરવા, રસલેવા અર્ધો કલાક કાઢશો તો ઘડપણનાં વીસ વર્ષ સુધરી જશે !
અહીં જે પિતાના સંતાનો બાલમંદિરથી કોલેજ સુધી અભ્યાસ કરે છે તેવા પિતાશ્રીઓને પ્રેમથી સંબોધન કરવું છે.
‘મા તે મા’ કહેવાય તો પછી ‘પિતા તે પિતા’ કેમ ન કહેવાય. આપણે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આટલું ન કરીએ? પિતા-સંતાન વચ્ચે અંતર ઘટે તે માટેનો પ્રયાસ લેખ છે.
(૧) લાગણી: પિતા તરફથી પણ બાળકને ભરપૂર લાગણી મળવી જોઈએ.
(૨) જરૂરિયાતો: ફી, પુસ્તકો, પ્રવાસ ફી, ખિસ્સા ખર્ચ અને ગણવેશ અંગે કાળજી રાખવી.
(૩) સવાર-સાંજનું ભોજન સાથે: આ યુગ યંત્ર યુગ મોંઘવારીનો યુગ-પૈસા કમાવાની દોટ સૌ મૂકતાં હોય છે. તેના વગર જીવી પણ ન શકાય. છતાં સવાર-સાંજ અનુકૂળતાએ ઘરના સભ્યો સાથે મળી ભોજન કરે તો બાળકમાં સમૂહજીવનની ભાવના આપોઆપ વધશે.
(૪) સરખામણી ન કરવી: બે કે તેથી વધુ સંતાનો હોય તો તેમના ગુણોની સરખામણી ક્યારેય ન કરવી. વ્યક્તિગત વિશેષતા-મર્યાદાની જાણ અંગત રીતે કરવી. આમ કરવાથી બાળકની આત્મ સૂઝ વિકસશે. લઘુતાગ્રંથી/ગુસ્તાગ્રંથી નહીં આવે.
(૫) ઉદારતા: કોઈ વસ્તુ બાળકના હાથે તૂટી-ફૂટી જાય, કાંઈ નુકસાન કરે તો તેને ઉદારતાથી માફ કરી-આ ઘટનામાંથી તેને બહાર કાઢી ભયમુક્ત કરવો જોઈએ.
(૬) ભેટ: બાળકના જન્મદિને, તેણે મેળવેલી સફળતા સમયે સારાં પુસ્તકોની ભેટ અચૂક આપવી જે તેની આજીવન મિત્ર અને માર્ગ દર્શી બની રહેશે.
(૭) આશ્વાસન: પરીક્ષામાં નિષ્ફળતા મળે, ભણ્યા પછી નોકરી ન મળે, ધંધો બરાબર ન ચાલે તેવા સમયે તેની છે તે બરાબર સમજાવી તેની હિમ્મત ટકાવવાથી તે નિરાશાથી દૂર રહેશે.
(૮) જવાબદારીની સોંપણી: બાળકની ઉંમર વધતાં ઘરની નાની-મોટી ખરીદી, સારા-માઠા પ્રસંગે બજાવવાની જવાબદારીમાં ક્યાંક તેની સાથે હાજર રહી-ક્યાંક તેને માથે જવાબદારી સોંપી દેવાથી તેનું સામાજિક ઘડતર થશે. પછી તે ક્યાંક જતાં અકળાશે નહીં.
(૯) ‘હું તો ફી ભરી દઉં.’ ‘મારું બાળકતો એની મેળે બધું કરીલે.’ ‘અમે એમાં માથું ન મારીએ.’ આ વાક્યો સાંભળ્યા છે અને સાંભળું છે જેને પિતાની છટકબારી, આળસ અને ઉદાસીનતા ગણું છું.
(૧૦) ભલે બાળકને પિત્ઝા, આઈસ્ક્રીમ કે ચોકલેટ ખવડાવો પણ તેના હાથમાં પુસ્તક પણ આપો.
(૧૧) કેળવણી મંડળોમાં લલિતકળા અને ખેલકૂદ મહોત્સવ, નવરાત્રી ઉત્સવ કે વિદ્યાર્થીઓનો કે વિશિષ્ટ પ્રતિભાના સન્માન સમારંભ હોય ત્યારે હજારો કામ પડતા મુકી પિતાએ ગૌરવભેર ઉપસ્થિત રહેવું જોઈએ અને ગૌરવ લેવું જોઈએ.
(૧૨) સંતાનોને સાંભળવા જોઈએ. ગુસ્સો કે ક્રોધ કરી તેને ઉતારી પાડવાથી પહેલા તો આપણું લોહી બળે છે.
(૧૩) સવારની શાળા હોય. બાળકોની સાથે પિતાએ પણ વહેલા જાગી. બાળકની સાથે ચા, દૂધ નાસ્તો લેવા જોઈએ. પ્રયત્ન કરો મજા આવશે.
(૧૪) રાત્રે વહેલા સુઓ. બાળકોને સુવડાવો બીજે દિવસે સ્ફૂર્તિ જ સ્ફૂર્તિ હશે. નિયમ બનાવી વહેલા સુવાનું રાખો.
(૧૫) બાળકોને વિજ્ઞાનનગરી, લોક વિજ્ઞાનકેન્દ્ર, ફનવલ્ડ, વોટસન મ્યુઝિયમ, ચિલ્ડ્રન લાયબ્રેરી, લેંગ લાયબ્રેરી, પ્રસિધ્ધ મંદિરો, ટોયઝ લાઈબ્રેરી, પ્રવિણ પ્રકાશન-પુસ્તક શોરૂમ, બાગ-બગીચા, નદી, સરોવર પ્રાણીસંગ્રહાલય, ડેમ વ. ફરવાના, જ્ઞાન-આનંદ મેળવવાના સ્થળે લઈ જાઓ.
(૧૬) પિતા તરીકે સંતાનોને સરસ ફોલ્ડર આપી તેના પરિણામ પત્રક, પ્રગતિ પ્રમાણપત્રો ફાઈલ કરી આપવા જોઈએ.
(૧૭) રમતગમત માટે બાલભવન, ઈનડોર સ્ટેડિયમ, જિલ્લા રમતગમત અધિકારી, બહુમાળી ભવન, ક્રિકેટ ક્લબ વ. ની મુલાકાત લેવી જોઈએ.
(૧૮) ધો. ૧૦ અને ૧૨ પછી ક્રિમીલી એર સર્ટિફિકેટની જરૂર પડે છે તો તેના માટે અગાઉથી જુની કલેકટર ઓફિસે સિટી મામલતદાર ઓફિસનો સંપર્ક કરવો જોઈએ.
(19) નોકરી, ધંધો કે કારખાનામાંથી બાર-પંદર કલાક કામ કર્યા પછી ઘરે આવો ત્યારે બાળકો સાથે રમી જુઓ તમારો થાક, દુઃખ ભૂલાઈ જશે. મોબાઈલ લઈ વોટસએપમાં એકાગ્ર ન થાઓ. સર્ચ ભલે કરો પણ તમારું બાળક તમારી સામે પરિણામ કે પ્રમાણપત્ર લઈ ઊભું છે તેના ચહેરા પરની ખુશી પણ સર્ચ કરો પછી જુઓ તમને ટોનિક મળશે.
(૨૦) હવે ઓનલાઈન પ્રવેશ મળે છે તેની માહિતી થી વાકેફ રહો.
(૨૧) જ્ઞાતિમાં ઘણી શાળામાં શિક્ષક-શિક્ષિકાઓ, કોલેજમાં, યુનિ.માં પ્રાધ્યાપકો, જી.ટી.યુમાં, ગુજરાતની ટેકનિકલ કોલેજોમાં, સચિવાલયમાં, કલેકટર કચેરી, બહુમાળીભવનમાં વ.માં ફરજ બજાવે છે. તેમનું ફોનનં. સાથેનું નામ-સરનામા વાળુ લીસ્ટ બનાવો. કોઈ કામ અટકશે નહીં. બસ, ‘પૂછતો નર પંડિત.’
(૨૨) જો આપણે પાનની દુકાને અડધો કલાક, નોકરી-ધંધેથી છુટી મિત્રો સાથે ગપાટા જ મારતા હોઈએ તેના કરતાં સમયસર ઘરે આવી બાળકની નોટબુકસ જોઈએ. તેની સાથે વાતો કરીએ, રમીએ. પીઠ થાબડીએ. શાબાસી આપીએ તો એનો જેવો આનંદ અન્યત્ર નહીં મળે.
(૨૩) પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના સંતાનો રાહુલ અને પ્રિયંકાની શાળાનો સમય સવારનો હતો. બાળકોની સાથે રહી શકાય. તેની સાર સંભાળ લેવા અને રમવા ખેલવા રાજીવ ગાંધીએ રાહુલ-પ્રિયંકાની શાળાનો સમય બપોરનો કર્યો હતો. તો આપણે શું ન કરી શકીએ?
(૨૪) બામ, ડોબો, ગડબો, બુધ્ધ વ. જેવા શબ્દો પિતાએ, બાળક માટે ન ઉચ્ચારવા જોઈએ. શિસ્ત શીખવાડો પણ પાંજરાપોળ જેવી નહીં.
(૨૫) એક ઉદાહરણ લઈએ કે સંતાનના પિતા પાન, ફાકી, ગુઠકા ખાય છે કે સિગારેટ, ચા કે અન્ય પીણુંપીવે છે. અંદાજે મહિને આવા પિતાનો ખર્ચ એકહજાર ગણી એતો ૧૨ મહિનાના ૧૨ હજાર થાય. પણ બાળકોની સાથે દૂધ, છાશ પીએતો ? હું એક ઝાટકે વ્યસન બંધ કરવાનું નથી કહેતો. પ્રયત્ન કરો. તમારી પાછળ તમારી પત્ની, સંતાનો છે. વિચારો, આજથી જ આ પળે વિચારો. જો પુસ્તકો, ફી, શિષ્યવૃત્તિ સંસ્થામાંથી લેતા હોય તો આપણા મોજશોખ ખાતર સંતાનોના પેટ ઉપર કાતર ન ફેરવવી જોઈએ.
(૨૬) મંદિર જઈએ. ઘરમાં પાઠ-પૂજા, માળા ભલે કરીએ. પણ બાળક રડતું હોય, જીદ કરતું હોય તો તેને છાનું રાખવું, સમજાવવું, વ્હાલ કરવું એ પાઠ-પૂજા કે માળા જ છે. બાળક ઈશ્વરનો અંશ છે તો તેમાં જ ઈશ્વરના દર્શન કરીએ. ગુણ, સંસ્કાર, ધર્મ ઘરમાંથી જ આપીએ.
(૨૭) તેની એકાગ્રતા વધારવા ચિત્રપોથી, રંગ આપીએ. ભલે દીવાલ બગાડે, કાગળ બગાડે, આડી-અવળી રેખા દોરે, તેનામાં એકાગ્રતાના બીજ રોપાશે. તેને ‘બાળવિશ્વ’, ‘બાલસૃષ્ટિ’, ‘ધીંગામસ્તી’ જેવા બાળ સામયિકો આપો. જોડકણાં બોલો, બોલાવડાવો,.
(૨૮) બાળક વિજ્ઞાનનો પ્રયોગ, ટેકનિકલ મોડેલ, ક્રાફટસ, નિબંધ વ. બતાવે અને પિતા કહે, ‘હમણાં રાખ, પછી જોઈ લઈશ.’ આ ‘પછી’ કયારેક ‘પછી જ’ રહેતું હોય છે અને સંતાનને અને આપણે ભયંકર પરિણામ વેઠવું પડે છે !
(૨૯) બાળક કોરી પાટી છે. તેનો સારો-ખરાબ વિકાસ છ વર્ષમાં જ થાય છે. તેમાં જેવી લીટી પાડીએ તેવી પડે. નાના છોડ જેવું બાળકનું છે. નાના છોડને વાળી શકાય. મોટા વડલાને વાળી શકાતો નથી.
(૩૦) હોળી, ધૂળેટી, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, મકરસંક્રાન્, પંદર ઓગસ્ટ, છવ્વીસ જાન્યુઆરી જેવા ઉત્સવમાં સંતાનો સાથે પિતાએ પણ જોડાઈ આનંદ લેવો જોઈએ.
(૩૧) સંતાનોના પુસ્તકો-નોટબુકસ ખરીદવા, ફી ભરવા, બાળકોને લેવા-મુકવા, વાલી મિટિંગમાં, પરિણામ લેવા, પેપર જોવા, વર્ગ શિક્ષકને મળી સંતાનનો રીપોર્ટ લેવા જવું જોઈએ. હોંશથી જવું જોઈએ.
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કહે છે કે, ‘દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક, આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે. અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. મને વારસામાં મારા પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મ શિસ્ત મળ્યાં હતા.
લેખના અંતે પ્રિય પિતા મિત્રોને ફરીથી એટલું જ કહેવાનું કે, આ મારી કોઈ સલાહ નથી પણ ચિંતા છે, ચિંતન છે, સ્નેહ છે. હજી સમય છે. જાગીએ, સૌને જગાડીએ ! જે ઘરમાં દાદા-દાદી છે બાળકોનું સુરક્ષા કવચ છે. એવા ઘરનો પિતા નસીબદાર છે !