લેણા દેણી
આજ કાલ કરતા રાજેશ ને કોમા માં ગયે ૪ વર્ષ થયા. આ ૪ વર્ષમાં માનસી એ ફક્ત એક જ કામ કર્યું હતું અને તે હતું બસ રાજેશ ને સંભાળવાનું . ઘરની બહાર જવાનું જ માનસી એ બંધ કરી દીધું હતું . બહારનાં કામ બધા એના ઘરમાં કામ કરતા ભાઈ કરી આવતા હતા.પોતા માટે એ ફક્ત બે સમય જમતી. બસ બીજો બધો સમય જાણે રાજેશ રાજેશ ને રાજેશ જ હતું .રાજેશ ને ઈજેક્શન આપ્યું કે નહી, રાજેશને કોઈ વસ્તુ નું ઇન્ફેકશન તો નથી થયું ને .
આજે પણ તે રાજેશનાં પલંગ પાસે બેઠી હતી અને એને જોતી હતી.આજે એને એ દિવસો યાદ આવતા હતા જ્યારે તે બંને લગ્નગ્રંથી થી જોડાયા હતા. પહેલે જ દિવસે એને અનુભવ થઇ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે .લગ્ન પત્યા, બધા ઘરે આવ્યા રાજેશે સુહાગરાત માટે હોટલ બુક કરાવી હતી.થોડી વાર માં તેમને ત્યાં જવાનું હતું. ત્યાં માનસીની નણંદ એની પાસે આવી અને એને પૂછ્યું " ભાભી કઈ લેશો ? "
થાક તો એટલો બધો હતો કે ક્યારુણુ એમ થતુ હતુ કે કોઇક કોફી પીવડાવે તો કેટલુ સારુ ? પણ અહિંયા કેમ બોલાય ? એણે ના પાડી . ત્યા એની નજર રાજેશ પર પડી .. રાજેશ એને જ જોતો હતો.
રાજેશે એને ઇશારાથી કહ્યુ કે કંઇક પી લે ને માનસીએ નજરથી જ ના પાડી . થોડી વાર થઈ ત્યા રાજેશ ઉભો થયો અને રસોડા
તરફ ગયો. બધાએ મજાક પણ કરી કે દુલ્હો તે વળી શું લેવા ગયો. રાજેશ ની
બહેન રસોડા માં જ હતી એણે હસીને પુછ્યુ " શું થયુ ભાઇ ? શું જોઇયે છે ? "
રાજેશે કહ્યુ " ના બસ કોફી પીવાની ઇચ્છા હતી, તુ પણ કામમાં હતી તો થયુ કે હું જ બનાવી લઊ. "
રાજેશની બહેન હસતા હસતા બહાર આવી અને માનસી પાસે જઈને ધીરે થી કહ્યુ " ભાભી હમણા તમારી માટે કોફી આવશે "
માનસી શરમાઈ ગઈ . ત્યા રાજેશ આવ્યો અને તેણે એક કપ કોફી માનસીને આપી અને કહ્યુ " મને બનાવતા આવડે નહી ને એટલે વધારે બની ગઈ. "
બધા હસવા લાગ્યાં પણ રાજેશે કોઇની શરમ ન રાખી અને કોફી નો કપ માનસી નાં હાથમા પકડાવી દીધો. અને માનસી એ પણ આનાકાની વગર કોફી પી લીધી . થોડી વારમાં રાજેશ નાં મમ્મી એ આવીને એના મિત્રો ને કહ્યુ " હવે આ બંને ને હોટલ માં લઈ જાઓ બંને બહુ થાક્યા છે . "
માનસી ને બહુ જ શરમ આવતી હતી . પણ તેઓ હોટલમાં જવા નિકળ્યા . ત્યા પહોચીને રાજેશનાં મિત્રો થોડી વારમાં ચાલ્યા ગયા. માનસી એ બધાના ગયા પછી પહેલો સવાલ રાજેશ ને એ જ પૂછ્યો કે
" રાજેશ તને કેવી રીતે ખબર પડી કે મને ત્યારે કોફી ની સખત જરૂરત હતી.
રાજેશે માનસીનો ચહેરો હાથમાં લઈને કહ્યું " આ ચહેરો હવે હું વાંચી શકું છું ને એટલે . "
અને પછી બે હૃદય એક થઇ ગયા.
કેટલી નાની નાની વાતો માં રાજેશ માનસી નું ધ્યાન રાખતો હતો કે માનસી ને કોઈ તકલીફ ન પડે. પણ છેલ્લા ચાર વર્ષમાં માનસી હજારો વાર રોઈ હતી પણ રાજેશ પર એની કોઈ અસર ન હતી. હવે રાજેશ એને સંભાળતો ન હતો.એક દિવસ ઓફીસ થી ઘરે આવતા વખતે રોડ એકસીડન્ટ માં રાજેશ ને માથા મા લાગ્યું અને તે કોમા માં જતો રહ્યો . બધા ડોક્ટર્સ એ કહી દીધું હતું કે રાજેશ ને હવે કદી ઠીક નહિ થાય. પણ માનસી નું મન આ વાત માનવા તૈયાર ન હતું . રાજેશ નાં ઈલાજ માં હવે પૈસાની કમી પણ આવવા લાગી હતી. ડોક્ટર ને ઘરે બોલાવ્યા હતા પણ એને આપવા માટે ફીસ નાં પૈસા નહોતા. કારણ બધાને ખાતરી હતી કે રાજેશ હવે ઠીક થવાનો નહોતો તો પૈસા પાછા મળશે નહી . પૈસા ભેગા ન થવાના કારણે આજે રાજેશ નો હાથ પકડીને માનસી રડી પડી અને બોલી " એક દિવસ હતો જ્યારે તું મારો ચહેરો વાંચી લેતો હતો અને આજે ઘરે ઘરે પૈસા માગવા નીકળવું પડે છે તોય તું ઉભો નથી થતો. "
અને એ જ રાત્રે રાજેશ નું અવસાન થઇ ગયું . જાણે એણે માનસી ની વાત સાંભળી લીધી હતી અને એને રસ્તો કરી આપ્યો હતો. પણ માનસી વિચારતી હતી કે હવે શું ? હવે કેમ જિંદગી ચલાવશે, ક્યા કમાવા જશે ? કેમ ઘર ચાલશે ?
૧૩ દિવસ સુધી રાજેશ નાં મૃત્યુ નું અફસોસ કરવા વાળાં ઓ ની લાઈન લાગી હતી કે જેમણે એની દવાના પૈસા માટે પણ નાં પાડી દીધી હતી . અને બધા પોત પોતાની રીતે નવી નવી સલાહ પણ આપતા હતા, એમાં એક સગા એ કહ્યું કે માનસી આ ઘર વેચીને નવું નાનું ઘર લઇ લે જેનાથી પૈસા પણ બચે અને તારે કોઈ પાસે હાથ લાંબો પણ ન કરવો પડે. માનસી ને આ વાત ગમી. એણે વિચાર્યું કે હા આ જ રસ્તો બરોબર છે. પણ એમ જલ્દી કાંઈ ઘર વેચાઈ થોડી જાય છે. દિવસો જાતા ગયા ને તકલીફો વધતી ગઈ..
૧૬ માં દિવસે માનસી નાં પડોસી આંટી જે મરાઠી હતા તેઓ આવ્યા , અને બોલ્યા " માનસી હું અહિયાં કોઈ અફસોસ કરવા નથી આવી. રાજેશ ચાર વર્ષ થી કોમા માં હતો એને પણ દેખાતું હતું કે તું કેટલી તકલીફ માં જિંદગી જીવતી હતી. હવે એ તો ચાલ્યો ગયો પણ તારે તો તારી આગળની જિંદગી જીવવી જ પડશે ને .તારે એ વિષે પણ વિચારવું તો પડશે જ ને. હું અહિયાં એક વાત કરવા આવી છું. મારો એક દીકરો છે જેને તું પણ ઓળખે છે . એની ઉમર ૫૦ ની આજુબાજુ છે . એણે લગ્ન નથી કર્યા , હું તો આજે છુ ને કાલે નથી . જરૂરત તમને બંને ને છે . તમે બંને લગ્ન કરી લ્યો તો તમારા ત્રણે ની જિંદગી સુધરી જશે .આરામથી વિચારજે પછી જવાબ આપજે . "
આટલું કહીને આંટી ત્યાંથી ચાલ્યા ગયા . એમની આટલી સાફ, સરળ અને સાચ્ચી વાત સાંભળીને માનસી ને બહુ જ અચરજ થયું હતું પણ એ લગ્ન કેવી રીતે કરી શકે ? દુનિયાને શું જવાબ આપે ? થોડીવાર માં માનસી નો દીકરો ઘરે આવ્યો અને રડતા રડતા બોલ્યો " સ્કૂલમાં કહ્યું છે કે વર્ષની ફીસ ભરી જાઓ, નહી તો પરીક્ષામાં બેસવા નહી દઇયે ."
માનસી એ બહુ કોશિશ કરી પણ ક્યાય થી સગવડ ન થઇ . મનન સ્કુલમાં જવા પણ તૈયાર ના હતો. માનસી ને ખબર નહોતી પડતી કે એ શું કરે ? બીજા બે દિવસ નીકળી ગયા.
ત્યાં પડોસ નાં આંટી આવ્યા. એમને જોઇને એમની કહેલી બધી વાતો યાદ આવી . કારણ મનન નાં ટેન્શનમાં એ આ વાત જ ભૂલી ગઈ હતી .
આંટી એ પૂછ્યું " બેટા કઈ વિચાર્યું ? "
માનસી એ ના માં માથું હલાવ્યું .
આંટી એ કહ્યું " દુનિયાની ફિકર કરતી હોય કે એ બધા શું બોલશે તો દુનિયા ને ભૂલી જા , કારણ તારા ઘરમાં તકલીફ હશે ત્યારે આ દુનિયા દેખાશે પણ નહી. "
માનસી ને આન્ટીની આ વાત સાચ્ચી લાગી.
એણે તરત જ કહ્યું " હું તૌયાર છુ આ લગ્ન માટે . "
આંટી પ્રેમ થી ઉભા થયા અને માનસી નાં માથા પર હાથ ફેરવ્યો . અને ચાલ્યા ગયા.
થોડીવારમાં કશ્યપ આવ્યો . પાંચ મિનીટ ચુપચાપ ઉભો રહ્યો અને બોલ્યો " મનન, આપણો દીકરો ક્યાં છે ? " મનન આવ્યો તો કશ્યપે મનન ને કહ્યું " ચલ મનન આપણે ફરવા જશું કે ? "
મનને પ્રશ્નાર્થ નજરે માનસી સામે જોયું . માનસી એ ઇશારાથી હા પાડી . મનને ખુશ થઇ ને કશ્યપ નો હાથ પકડી લીધો . અને બંને બહાર ચાલ્યા ગયા . લગભગ બે કલાક રહીને બંને પાછા આવ્યાં , મનનનાં હાથ માં નવી સ્કુલ બેગ નવા પુસ્તકો અને બહુ બધા રમકડા હતા.
મનનની આંખોમાં ખુશી હતી આ ખુશી જાણે માનસી એ પણ પહેલી વાર જોઈ હતી . મનનની ઉમર જ શું હતી ૮ વર્ષ. અને ૪ વર્ષથી તો રાજેશ કોમા માં હતો. ત્યાં જ મનને કહ્યું અંકલે સ્કુલની ફીસ પણ ભરી દીધી . માનસી એ કશ્યપનો આભાર માનવા ચહેરો ઉપર કર્યો તો જોયું કે ત્યાં કોઈ જ ન હતું . માનસી ને લાગ્યું કે જાણે કશ્યપ એની માટે ભગવાન નો દૂત જ બનીને આવ્યો હતો .
બીજા બે દિવસ માં બંને નાં લગ્ન થઇ ગયા . હર ક્ષણ માનસી , રાજેશ ની માફી માંગતી રહી અને બોલાતી રહી કે રાજેશ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો મને માફ કરી દેજે .
આજે માનસીની બીજી સુહાગરાત હતી . મનન આવીને કહી ગયો " મમ્મી હું તો દાદી સાથે સુઇશ તેઓ કેટલી સરસ વાર્તા સંભળાવે છે. થોડી વાર માં કશ્યપ રૂમ માં આવ્યો. માનસી ની આ બીજી સુહાગરાત હતી તો પણ એને ડર લાગતો હતો. કેવી રીતે થશે આ વ્યક્તિ સાથે પ્રેમ એને સમજાતું ન હતું. ડરેલી ગભરાયેલી એ બેઠી હતી.
કશ્યપ માનસી પાસે આવ્યો તેનો હાથ પકડ્યો અને બોલ્યો " માનસી મને ખબર છે કે હજી તું રાજેશના વિચારોમાં થી બહાર નથી આવી , મેં શારીરિક પ્રેમ માટે આ લગ્ન નથી કર્યા. જ્યાં સુધી તમે એના વિચારો માં થી બહાર નહિ આવી જાવ, આપણે બહુ સારા મિત્રો બનીને રહેશું. માનસી નો હાથ કશ્યપ નાં હાથ પર ચાલ્યો ગયો ને કશ્યપ નો હાથ માનસી નાં માથા પર. એ માથા પર હાથ ફેરવીને બીજી બાજુ મોઢું કરીને સુઈ ગયો.
માનસી અને કશ્યપના લગ્ન ને દસ દિવસ થઇ ગયા. એક દિવસ જમવાના ટેબલ પર કશ્યપ બોલ્યો " મમ્મી ચાલો ને આપણે બધા ક્યાંક ફરી આવીએ. મનન ની સ્કુલ શુરુ થાશે પછી નહિ જઈ શકીએ. કશ્યપ નાં મમ્મી એ માનસી સામે જોયું માનસી પણ ચાર વર્ષ થી ક્યાય નીકળી ન હતી. તેણે હકારમાં માથું હલાવ્યું. ને તૈયારી કરીને બધા ફરવા નીકળી પડ્યા. મસ્તી તોફાન અને હસવામાં આઠ દિવસ ક્યા નીકળી ગયા ખબર જ નાં પડી. બધા ઘરે પાછા આવતા હતા. આખી ટ્રીપમાં એ બધું જોતી હતી ક્યાય કોઈ અડપલા ન હતા. એકદમ નિર્મલ પ્રેમ હતો . કશ્યપ પર હંમેશા એને પ્રેમ આવ્યો. અને કશ્યપના મમ્મીને એ બંને વચ્ચેના સમ્જોતાની પણ બધી જ ખબર હતી પણ એમણે એ બંને વચ્ચે ક્યારેય કોઈ વાતમાં દાખલ નહોતી કરી . ઉપરથી એ માનસીને વધારે જ પ્રેમ આપતા હતા . માનસીએ હવે વિચાર્યુ હતું કે હવે પોતે હૃદયથી કશ્યપને સમર્પણ કરી દઈશ, કશ્યપ સાચ્ચે જ બહુ સારો વ્યકતિ હતો. માનસી પોતાનાં જ વિચારોમાં મશગુલ હતી અને હવે નવી જિંદગી વિષે વિચારીને ખુશ પણ થતી હતી ત્યાં અચાનક શું થયું એ ન સમજાણું અને સામેથી આવતી ટ્રકનાં ડ્રાઈવરે પોતા પરનો કાબુ ગુમાવ્યો અને એમની કાર સાથે ટક્કર થઇ અને બહુ મોટો અકસ્માત સર્જાણો ને એ અકસ્માતમાં જે વિચાર્યું નહોતું એ થઇ ગયું . એ અક્સમાતમાં કશ્યપ અને એના મમ્મી મૃત્યુ પામ્યા. માનસી ને સમજાતું ન હતું કે નસીબ એની સાથે શું રમત રમે છે.
હજી એ વિચારે કે હવે પાછી જિંદગી કેવી રીતે શરુ કરાવી ત્યાં બે દિવસ પછી બેંક મા થી ફોન આવ્યો કે " મેડમ, કશ્યપભાઈ નું ડેથ સર્ટીફીકેટ જમા કરાવી જાજો. મન ન હતું પણ માનસી ને જવું પડ્યું. ત્યાં જઈને એણે બધા પેપર આપ્યા. અને બેંક નાં મેનેજરે એમને એક નાની ફાઈલ આપી જેમાં પાસબુક હતી ચેકબુક હતી જેના પર માનસી નું નામ હતું માનસી એ પાસબુક ખોલીને જોયું તો એમાં ૯૯ લાખ રૂપિયા હતા અને બીજા બે કરોડ નાં સર્ટીફીકેટ હતા. મેનેજરે કહ્યું "તમે ફરવા ગયા એની પહેલા જ સાહેબ બધા માં તમારું નામ ઉમેરી ગયા હતા. "
માનસી ને યાદ આવ્યું કશ્યપે બહુ બધા પેપર માં સાઇન કરાવી હતી અને માનસી એ પૂછ્યા વગર બધા માં સાઇન કરી નાખી હતી.
માનસી નું મગજ કામ નહોતું કરતુ કે થોડા દિવસ પહેલા એને એક એક રૂપિયાની તકલીફ હતી અને આજે તે ત્રણ કરોડ ની માલકિન હતી.. કશ્યપ સાથે આ કેવી લેણા દેણી હતી , કશ્યપ અને એના મમ્મી ફક્ત એને દેવા માટે જ એની જિંદગીમાં આવ્યા હતા. અને માનસી ને બધુ આપીને ચાલ્યા ગયા હતા.
રાજેશ, કશ્યપ અને એના સાસુ નાં ફોટા સામે જોઇને માનસી એ કહ્યું કે તમારા ત્રણે માંથી કોઈ એકે તો જીવતું રહેવું હતું મને સંભાળવા ..હું પણ આ જન્મમાં કોઇક ની લેણા દેણી નો કર્જો તો ચુકવી શકત
નીતા કોટેચા " નિત્યા"