કાલ્પનિક વાસ્તવિકતા - 18 Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - 18

કાલ્પનિક વાસ્તવિકતા –૧૮

ભાર્ગવ પટેલ

એ સાંજે વિશાલ પોતાના રૂમમાં ચોરી છુપી રડતો હતો. રડવાનો અવાજ દરવાજા બહાર ના જાય એ માટે પ્રયત્ન કરતો હતો. ડુસકાથી જાણે એનું હૃદય ભરાઈ ચુક્યું હતું. એટલામાં દરવાજો ખખડ્યો.

“વિશુ! અંદર આવું? કામ છે તારું”, અમીના અવાજમાં ડર અને ગુસ્સાનો મિશ્ર ભાવ હતો.

વિશાલે ફટાફટ નેપકીનથી મોં લુછ્યું અને જેમતેમ સ્વસ્થ થઈને કહ્યું,

“હા દીદી! એક મિનીટ”

દરવાજો ખુલ્યો. અમી અચાનક જ રૂમમાં પ્રવેશી, આસપાસ બધું શંકાભરી નજરે જોયું અને દરવાજો બંધ કર્યો.

“આવ બેસ અહી મારી સાથે”, વિશાલને આદેશ આપતી હોય એમ અમીએ કહ્યું, “મારે તારી સાથે વાત કરવી છે”, કરડાકીભર્યા અવાજે અમીએ કહ્યું.

વિશાલ યંત્રવત રીતે આવીને અમીની બાજુમાં બેઠો. રૂમમાં થોડી વાર માટે નીરવ શાંતિ જળવાઈ રહી. અમી વિશાલને ઘણું બધું પૂછવામાંગતી હતી પણ શરૂઆત કયા સવાલથી કરવી એ વિષે અસમંજસમાં હતી. તો આ બાજુ વિશાલ અમી શું પૂછવાની છે અને પોતે એનો શું જવાબ આપશે એની મથામણમાં ચુપ હતો.

“ગઈ કાલે રાત્રે એટલે મોડે સુધી તું ખરેખર ક્યાં હતો? અને તારી સાથે આવેલો પેલો નકલી મકવાણા કોણ હતો?”

અમીએ એક જ સવાલમાં વિશાલને હચમચાવી નાખ્યો. થોડી વાર તો વિશાલ દંગ જ રહી ગયો કે અમીને આ બધું ખબર કેવી રીતે પડી!?

“કોણ નકલી મકવાણા?”, વિશાલે કશું જ જાણતો ના હોય એ રીતે પ્રતીસવાલ કર્યો.

“જો વિશુ, આ વખતે પ્લીઝ ખોટું ના બોલીશ મને બધી જ ખબર છે કારણ કે હું ઇન્સ્પેક્ટર જાડેજાને આજે જ મળીને આવી છું”

“તું શું કહે છે મને કશું જ ખબર પડતી નથી”, વિશાલે અમીની આંખમાં આંખ નાખ્યા વગર જ કહ્યું.

“મને ખબર છે કે તને બધી જ ખબર છે, અને આજે નહિ તો કાલે તારે બધું મને કહેવું જ પડશે”, કહેતા કહેતા અમીની નજર વિશાલના ભીના તકિયા પર પડી. તકિયાના કવરનો રંગ વિશાલના આંસુઓની ભીનાશને રીતસર ઉજાગર કરતો હતો. તકીયાની નીચેથી કાગળનો એક ખૂણો બહાર ડોકાતો હતો.

“આ બધું શું છે?”, અમીના આટલું કહેતાવેંત વિશાલે વીજના ચમકારા જેવી ચીલઝડપે તકિયો અને કાગળ બંને પોતાની તરફ ખેંચી લીધા.

“લાવ બતાવ એ કાગળમાં શું છે”, અમીએ ગુસ્સાથી કહ્યું.

“કશું નથી! એકદમ કોરો કાગળ છે”, વિશાલે બચાવ કર્યો.

“તું આજકાલ કઈ ધૂનમાં ફરે છે વિશાલ? મને કશું સમજાતું નથી અને હજી તે મકવાણાની વાત તો કહી જ નહિ! તું સાચે જ સુર સાગરમાં છલાંગ મારવા જતો હતો કે આ બધું તરકટ હતું? જો આ એક તરકટ નહતું તો આમ કરવા જવાનું કારણ બતાવ અને જો આ તરકટ હતું જ તો પછી એવું કરવાની શી જરૂર ઉભી થઇ એ કારણ બતાવ! મારી કોમ્પ્લેક્સીટી વધારીશ નહિ પ્લીઝ, આમેય મારે બીજા ઘણા કામ છે”

અમીએ એકીશ્વાસે મનના તુનીરમાંથી વિશાલ સામે સવાલના તીર છોડ્યા.

“એ લોકો મને બરબાદ કરી નાખશે દીદી! મને બચાવી લો પ્લીઝ”, બોલતાની સાથે વિશાલ અમીના ખોળામાં માથું મુકીને ડુસકા ભરવા લાગ્યો.

“શું થયું વિશુ? મને શંકા હતી જ કે તું જરૂર કોઈ મોટા લફડામાં ફસાયેલો છે. હવે બોલ પ્લીઝ, મને બધી જ વાત વિગતે સમજાવ”, અમીનો ગુસ્સાથી તીખો થયેલો અવાજ બહેનની ભાઈ પ્રત્યે રહેલી લાગણીથી ભીનો થયો.

“મને એમણે ફસાવ્યો છે, મારી કોઈ ભૂલ નથી દીદી”

“કોણે? કેમ? કઈ રીતે તને ફસાવ્યો છે? જરા બધું ચોખ્ખું બોલ”, વિશાલની રોકકળ સાસુ સસરાને કે સંકેતને ખબર ના પડી જાય એ વિચારી અમી બેબાકળી થઇ ગઈ.

***

બારણું ખખડવાનો અવાજ આવતા મહેમુદ લેપટોપ સાઈડમાં મુકીને ઉભો થયો. રહીમા થોડા દિવસ પિયર રહેવા ગઈ હોવાથી મહેમુદ ઘરમાં એકલો જ હતો.

“મિસ્ટર મહેમુદ?!”, ઇન્સ્પેક્ટર જાડેજાએ દરવાજો ખોલતાવેંત પૂછ્યું.

“જી સર, મહેમુદ હું જ છું તમે?!”

“હું ઇન્સ્પેક્ટર જાડેજા! આઈ.પી.જાડેજા! લહેરીપુરા પોલીસ સ્ટેશન”, જાડેજાએ કડક અવાજમાં પોતાનો પરિચય આપ્યો.

“હા! આવો સાહેબ”, મહેમુદે દરવાજો આખો ખોલ્યો, “કશી ખબર પડી કે કોઈ બાતમી મળી?”, મહેમુદે સહજતાથી પૂછ્યું.

“શેની ખબર અને કઈ બાતમી?”, જાડેજા ગૂંચવાયા, “આ ઘર મહેમુદ અલી પઠાણનું જ છે ને?”, એમણે કન્ફોર્મ કરવા માટે બીજો સવાલ કર્યો.

“જી સર, હું જ છું મહેમુદ અલી પઠાણ”

“તો તમે કઈ બાતમીની વાત કરો છો? ઇન ફેક્ટ હું કોઈ સુરાગ મેળવવા તમારે ત્યાં આવ્યો છું”

“મને કશું સમજાતું નથી સાહેબ”

“થોડા દિવસ પહેલા તમે તમારી બજાજ પલ્સર લઈને કોઈ યુવતીનો પીછો કરતા હતા એ બાબતે હું તમને મળવા આવ્યો હતો”

“શું વાત કરો છો? ના હોય સાહેબ!”, જાડેજાનો આરોપ સંભાળીને મહેમુદ આશ્ચર્યચકિત થઇ ગયો, “છેલ્લા એક મહિનાથી મારી બાઈક પાર્કિંગમાંથી ચોરી થઇ ગઈ છે, અને મેં એની એફ.આઈ.આર. પણ લખાવેલી છે. મને લાગ્યું તમેં મારી બાઈકની ભાળ મળી હશે એના વિષે મને કશુક કહેવા આવ્યા હશો”

જાડેજા પોતે ડોક્યુમેન્ટની તપાસ કરાવ્યા વગર આવ્યા હોવાની જાણ થતા થોડા છોભીલા પડ્યા.

“એટલે તમારી બાઈક ચોરી થયેલી છે એમ?”, જાડેજાએ ફરીથી મહેમુદને પૂછ્યું.

“અરે હા સર સાચું કહું છું, મારી પાસે એફ આઈ આરની એક કોપી પણ છે. બાઈક ચોરી થઇ ગઈ એટલા માટે તો હું રહીમાને આવી હાલતમાં એના ઘરે પણ છોડવા ના જઈ શક્યો. રીક્ષામાં મુકવા જવું પડ્યું”, પોતાની સગર્ભા પત્નીને ચેનથી પિયરે મુકવા ના જઈ શકવાનો રંજ મહેમુદના શબ્દોમાં દેખાતો હતો.

“રહીમા?”

“મારી બેગમ”, મહેમુદે કહ્યું.

“તમે નોકરી કરતા લાગી છો”, જાડેજાએ વધારે માહિતી માટે પૂછ્યું.

“જી સર, અહી નજીકની સોફ્ટવેર કંપનીમાં જ છું. બીસીએ કરીને ત્યાં જ સર્વિસ કરું છું”

“અચ્છા! લાવો તો નકલ?”

“જી?”

“એફ આઈ આરની નકલ!”

“હા એક મિનીટ આપું સર!”, કહીને મહેમુદ બેડરૂમ તરફ ગયો, “પાણી પીશો સર?”, જતા જતા જાડેજાને પૂછ્યું.”

“ના, આભાર”

મહેમુદ બેડરૂમમાં શોધખોળ કરી રહ્યો હતો અને અહી ઇન્સ્પેક્ટર જાડેજા અમીના કેસમાં મળેલી એકમાત્ર કડી, પોતાની સાથે બીજું જ નવું સંપેતરું લઈને આવી હોવાનો વિચાર કરતા રહ્યા.

“આ લો સર”, મહેમુદે કોપી આપતા કહ્યું.

“હમ્મ્મ્મ, બરાબર! રીપોર્ટ તો ઓથેન્ટિક છે”, બધું વાંચીને જાડેજાએ કહ્યું, “તો તમારી બાઈક સયાજીબાગ પાસેથી ચોરી થઇ એમ ને?”, રીપોર્ટ ફતેગંજ પોલીસ સ્ટેશનના નામે દર્જ હોઈ જાડેજા એ ખાતરી કરવા પૂછ્યું.

“જી સર! પણ તમે કઈ યુવતીની વાત કરતા હતા એ ના ખબર પડી”, મહેમુદે મનમાં રહેલો મુંઝારો વ્યક્ત કર્યો.

“તમારી જ બાઈક વાપરીને થોડા દિવસ પહેલા અલકાપુરીના એક બીઝનેસમેનની પત્નીનો કોઈ શખ્સે સંદિગ્ધતાથી પીછો કર્યો હતો અને એ યુવતીએ ચાલાકીથી બાઈકનો નંબર નોટ કરી લીધો હતો. પછી આર ટી ઓની મદદથી વાહનના માલિકનો પત્તો મળ્યો તો એ નામ તમારું હતું”

“અચ્છા, હવે સમજાયું સર! પણ બાઈક ચોરી કરીને આમ પીછો કરવાનું કોઈ ખાસ કારણ?”, મહેમુદે પૂછ્યું.

“કારણ જ તો નથી પકડમાં આવતું”, જાડેજાએ વલોપાત વ્યક્ત કર્યો, “હજી ચોરીની બાઈકના સ્પેરપાર્ટ્સ વેચવાનો મામલો હોય તો સમજી શકાય પણ આ હરકતનું ચોક્કસ કારણ શું હોઈ શકે એ રહસ્ય જ છે”

“હમ્મ્મ્મ”, મહેમુદે એની ચિંતા જતાવી.

“એની વે, અમારી ટીમ જલ્દીથી જ આ રહસ્ય ઉકેલવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમે ચિંતા ના કરશો મિસ્ટર મહેમુદ પઠાણ. અને હા, જ્યાં સુધી કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી શક્ય હોય તો તમારા પત્નીને પિયરે જ રહેવા દેશો, કારણ કે તમે આખો દિવસ જોબ પર હોય અને આજકાલના ડોમીસ લોકોનું કશું નક્કી ના કહેવાય”, ઘણાય ગુંડા કહેવાતા લોકોને હેન્ડલ કરવાના અનુભવે જાડેજાએ મહેમુદને સલાહ આપી.

“કેમ સર કશું ડેન્જરસ છે?”

“આમ તો કઈ ખાસ નહિ, પણ પ્રીકોશન રાખવું હિતાવહ છે”

“સાચી વાત છે સર”

“સારું ચાલો, કશું અજુગતું લાગે તો મારો સંપર્ક કરજો”, કહીને જાડેજાએ પોતાના પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો.

“ઓકે સર”

“જય હિન્દ”

“જય હિન્દ”

અને જાડેજા વિચારમગ્ન હાલતમાં મહેમુદના ઘરેથી રવાના થયા.

***

બીજે દિવસે સવારે વિવેક અને એનો સાથી એન્જીનીયર સંકેતની કેબીનમાં એના આવવાની રાહ જોતા હતા. આમ તો સંકેત સમયનો પાબંદ હતો પણ આજે એને ઓફીસ આવતા વાર લાગવાની હતી, કારણ કે આજે સવારે એ પોતે મમ્મી પપ્પા અને સાસુ સસરાની ચાર ધામની યાત્રા માટે ટીકીટના રેટ તપાસ કરવા ખંડેરાવ માર્કેટ થઈને આવવાનો હતો.

વિવેક કંટ્રોલરની બધી જ માહિતી પોતાની ડાયરીમાં લઈને આવ્યો હતો અને એ વિષે સંકેત સાથે ચર્ચા કરવા તલપાપડ હતો.

“હા વિવેક ગુડ મોર્નિંગ! બોલ શું થયું કાલે હાર્દિકભાઈની સાઈટ પર?”, થોડી વાર પછી આવેલા સંકેતે પોતાની ચેરમાં બેસતા બેસતા પૂછ્યું.

“ગુડ મોર્નિંગ સર! આ રહી બધી માહિતી જે તમે ગઈ કાલે મંગાવી હતી”, વિવેકે ડાયરી આપતા કહ્યું.

સંકેતે તરત જ ડાયરી પોતાના હસ્તક લીધી અને ધ્યાનથી બધી માહિતી વાંચવા લાગ્યો.

“યુસુઝુ???!!”, સંકેતે બનાવટ કરનાર કંપનીનું નામ વાંચીને તરત ઉદગાર કર્યો, “આવી તો કોઈ કંપની મારા ધ્યાનમાં છે નહિ! કે નથી આપણી આસપાસના કોઈના ધ્યાનમાં”

“હું પણ એ જ વિચારું છું સર! નામ પરથી તો ચાઇનીઝ કે જાપાની કંપની લાગે છે પણ એના ડીલર કે એજન્ટની કોઈ માહિતી મને મળી નથી, મેં ગઈ કાલે જ આના વિષે બધું સર્ચ કર્યું.”

“આવી કોઈ કંપની છે પણ કે નથી??”, સંકેતે પૂછ્યું.

“મને નથી લાગતું સર. ઇન ફેક્ટ આઈસુઝુ કરીને કંપની છે પણ એ તો ટ્રાન્સપોર્ટના વાહનો બનાવે છે, કંટ્રોલર નહિ”, વિવેકે પોતાની તપાસ સંકેતને બયાં કરી.

“હમ્મ્મ્મ, બરાબર”, સંકેતે કહ્યું, “હાર્દિકભાઈને પૂછ્યું આ વિષે?”

“મેં એમને પૂછ્યું પણ કોઈ સરખો જવાબ ના મળ્યો”

“તે કીધું કે આ બીજી કંપનીનું છે એમ?”, સંકેતના મનમાં વિચાર ઝબકયો.

“હા મેં પૂછ્યું, પણ એમણે એવો જવાબ આપ્યો કે આ બધું મને નથી ખબર, કદાચ સ્ટોરવાળાએ સ્પેર પાર્ટ્સ બીજેથી મંગાવ્યા હોય એવું બને”

“બરાબર”

“પણ સર આપણે એક કામ કરીએ તો?”

“શું?”

“આ કેસ ડાયરેક્ટ આપણી કંપનીને જ સોંપીએ તો?”

“એ લોકો કશું નહિ કરે વિવેક! કારણ કે આ બધી ઝંઝટમાં કંપની પોતાનો મેનપાવર અને મનીપાવર ના બગાડે. આમેય એમ એન સી કંપનીને ડાયવર્સીટી અને પ્રોફિટ માર્જીન જ એટલું બધું હોય છે કે આ બધા માટે કોઈની પાસે સમય ના હોય! આ ટોપિક આપણે અહી લોકલી જ રીઝોલ્વ કરવો પડશે એમ લાગે છે”

“બરાબર, તો હવે?”, વિવેકે પૂછ્યું.

“આ બાબતમાં એક માણસ છે જે આપણી મદદ કરી શકે એમ છે”, સંકેતને કોઈ જુનો ચહેરો યાદ આવ્યો.

“કોણ સર?”

“જેનિશ, હા જેનિશ મેકવાન”

“જેનિશ મેકવાન?”, ઓફીસમાં કે અન્ય બાબતોમાં આ નામ પહેલા સાંભળ્યું ના હોવાથી વિવેકે માનવસહજ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“જો વિવેક, આપણે અત્યારે પોલીસની મદદ પણ કોઈ ચોક્કસ પુરાવાઓના અભાવે ના લઇ શકીએ, પ્લસ જાતે આ બધી બાબતોમાં સમય વેડફીશું તો બિઝનેસ ખોરંભે મુકાઈ જશે. જેનિશ મેકવાન એક પ્રાઇવેટ ડિટેકટીવ છે અને મારો સ્કુલ સમયનો ફ્રેન્ડ છે. એને આ બધી બાબત રસપ્રદ લાગશે અને મને ખાતરી છે કે એ જ આ વાતનો નિવેડો લાવી શકશે”

“ગ્રેટ સર! વાઇસ મુવ”

સંકેતે તરત જ કોન્ટેક્ટ લીસ્ટ ફેન્દ્યુ અને જેનિશ મેકવાનનો નંબર શોધ્યો.

ફોનની કોલરટયુન કંઈક આવી હતી,

‘થેંક યુ ફોર કોલિંગ ડીટેકટીવ, યોર પ્રોબ્લેમ વિલ નોટ બોધર યુ મોર ફ્રોમ નાઉ’

સંકેત એવા વિચારમાં હતો કે કોલરટયુન આટલી દિલચસ્પ હતી તો અત્યારે જેનિશ પોતે કેવું બદલાયેલું વ્યક્તિત્વ હશે......