કન્ફેશન.. Kumar Jinesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કન્ફેશન..

કન્ફેશન..

***

હું બપોરે જમવા આવ્યો ત્યારે પોલીસની જીપ મારા ઘરની નીચેવાળા ચોગાનમાં ઊભી હતી. યમ્મી એજેન્સીના સ્ટાફને બોલાવીને PSI કૈંક પૂછપરછ કરતા હતાં. હું પરિસ્થિતિ પામી ગયો હતો એટલે સીધો ઇન્સ્પેકટર જાડેજા પાસે પહોંચી ગયો. તેઓએ મિત્ર ભાવે હસ્તધૂનન કરી મારા હાથમાં એક ફડફડીયો પકડાવ્યો. એમનો ઈશારો મળતા જ હું અમારા ઘરની સામે પડ્યા પાથર્યા બકાલાવાળાઓના મૂખી જેવા ધનાભાઈના ઝૂંપડે ધસી ગયો. મારી સાથે જાડેજા સાહેબ અને કાન્સ્ટેબલ વાસણભાઈ પણ ખરા..

ધનાભાઈ અને રામીબેન રઘવાયા બહાર આવ્યા. મેં હાથમાં પકડેલો નોટીસનો કાગળ પહેલાં તો એમને દેખાડ્યો અને પછી સંયમ જાળવવાના અભિનય સાથે વાંચી સંભળાવ્યો.. "ધનાભાઈ ! આ નોટીસ નગરપાલિકા અને એસ.આર.સી. (સિંધુ રિસેટલમેન્ટ કોપોરેશન, ગાંધીધામ) તરફથી આવી છે. તમે લોકોએ આ વિસ્તારમાં ચિલ્ડ્રન પાર્ક માટે ફાળવેલી જગ્યા ઉપર ગેર કાયદેસર દબાણ કરીને પોતાના ઝૂંપડા ઊભાં કરી લીધાં છે. એક મહિનામાં આ આખી જગ્યા ખાલી કરી નાખવાની રહેશે. નહીતર કાયદાની રૂએ તમને બધાને ખસેડવાની ફરજ પાડવામાં આવશે."

ધનાભાઇ, રામીબેન અને તેમના સાથીદારોએ પહેલેથી જ પરિસ્થિતિ સૂંઘી લીધી હતી. "ભલે સાહેબ" એવો ટૂંકો પણ તદન નિરાશામાં ડૂબેલો જવાબ આપીને બંને ઝૂંપડીમાં પેશી ગયાં. હું જાડેજા સાહેબનો આભાર માનીને પોતાના ઘરનો દાદરો ચઢતા ચઢતા દાઢમાં મલકતો હતો.

જમતી વેળાએ છાતી ફૂલાવીને પોતાના પરાક્રમની ગાથા ઘરમાં સૌને ગાઈ સંભળાવી.. કે, કેવી રીતે અરજી લખીને મેં આ વિસ્તારના રહીશો પાસે સહીઓ કરાવીને કાયદાનો સાથ મેળવ્યો. જાડેજા સાહેબ સાથેની મારી મૈત્રી અને એસ.આર.સી.ના ક્લાર્કનો પરિચય પણ તેમાં કામ લાગ્યો અને, આપણા ઘરની સામે પ્રસ્તાવિત ચિલ્ડ્રન પાર્કના સાર્વજનિક પ્લોટ ઉપર દબાણ કરીને ઝૂંપડા બાંધનારા આ બકાલા વાળાઓની શાન ઠેકાણે લાવી દીધી.. હવે એમને જગ્યા ખાલી કર્યે જ છૂટકો !

અમારું શહેર સંપૂર્ણપણે પ્લાન સિટી છે. અહીં દરેક વિસ્તારના પોતાના કમ્યુનીટી સેન્ટર, ચિલ્ડ્રન પાર્ક, હોસ્પિટલ જેવા જનહિતના પ્લોટ્સ ફરજીયાતપણે એલોટ કરાયા છે. અમારા ઘરના સામેના ભાગમાં ઉત્તર ગુજરાતના ગામે ગામથી આવેલા લોકો વરસોથી ઝૂંપડાં બાંધીને રહે છે. આખા શહેરમાં બકાલાની રેંકડી ફેરવે. આમ તો તેઓ પણ વેપારી જેવા જ થઇ ગયા છે. છતાં નબળી આર્થિક સ્થિતિ, અશિક્ષા, અઢઘડ જીવન શૈલી અને સંતાનોની ફૌજના કારણે મારી આંખમાં ખૂંચતા હતાં. વિસ્તારની શોભા હણનારા આ લોકો સમજાવટથી માને એમ નહોતા. પાછું એમનામાં ગજબનો સંપ. એક અવાજે સૌ ભેગાં થઇ જાય. એટલે મેં એરિયાના શિક્ષિતોને વિશ્વાસમાં લઈને આ દબાણ હટાડવાની સુકાન પોતાના હસ્તક કરી લીધી. આજે કોકનું ઘર ઝૂંટવી લેવાનો કારસ્તો ઘડીને હું હરખાતો હતો !

ઈશ્વર જાણે, આ વાત કેમ કરતા ઈશ્વર જાણી ગયો. કદાચ તેને ના પણ ગમી હોય. જે હોય તે, એને પોતાના નેણો ચઢાવ્યા અને ઈશ્વરની આ નજીવી હરકતના પરિણામે આખા કચ્છની ધરતી ધ્રુજી ઉઠી. ઉપરોક્ત ઘટનાને હજુ 10-12 દિવસો જ વીત્યા હતાં. હું સવારે દુકાન જવાની તૈયારીમાં હતો અને ધરતી ડોલી. હાથમાં પકડેલો દૂધનો ગ્લાસ છૂટી ગયો. મા, પત્ની અને દીકરીને બાથમાં લઈને ઘરથી બહાર ભાગ્યો. દાદરો ઉતરતા યાદ આવ્યું કે નાનકડી દીકરી હજુ બેડરૂમમાં જ સૂતી છે. હે ભગવાન !

હું ચાલુ ધરતીકંપે અંદર ધસી ગયો. એક હાથમાં દીકરીને ઉપાડી અને બીજા હાથે ઢાળીને સામે આવતા કબાટને ટેકો આપી બહાર આવ્યો. ધનાભાઈ દાદરા ઉપર જ ઉભાં હતાં. તેઓએ સામે ધસીને દીકરીને મારા હાથેથી ઝૂંટવી લીધી. બીજી જ પળે અમારો દાદરો તૂટીને બિલ્ડીંગથી છૂટો પડી ગયો ! અલબત્ત, મારો પરિવાર નીચે હેમખેમ ઊભો હતો.. અમે પરિસ્થિતિનો તાગ પામીએ ત્યાં સુધી તો અડધું શહેર જમીન દોસ્ત થઇ ગયું હતું. નાસ-ભાગ, રો-કકડ અને અફરા તફરી મચી જવા પામી હતી.

બપોર થઇ. પેટમાં આંટીઓ વળવા લાગી. ધનાભાઈ અને રામીબેને બધાં જ બકાલાવાળા પાસે જે કંઈ શાક હતું તે બધું ભેગું કર્યું. હવે એ શાકને ખરીદનારું કોઈ ના હતું અને લીલું શાક સાંજ સુધી તો આમેય બગડી જવાનું હતું. પ્રોવિઝન સ્ટોરવાળા ભાઈએ મગની દાળ અને ચોખા આપ્યા. લાકડાઓ પેટાવ્યા. મંડપ સર્વિસથી લાવેલા મોટા તપેલાઓમાં દાળ-ચોખા અને શાક નાખીને ખીચડી બની. આખે આખો વિસ્તાર ધૂળિયા રસ્તા ઉપર રામીબેનની ખીચડી ખાવા બેસી ગયો. પેટનો ખાડો પુરાયો એટલે જીવમાં જીવ આવ્યો. બધાં હળી મળીને રાહતના કામોમાં લાગી ગયા હતાં. ત્યાં તો સૂરજ દગો દઈને ક્ષિતિજ પરથી ઢળી પડ્યો..

26મી. જનવરીની કકડતી પોષી રાત હાડકાઓમાં સોંસરી ઉતરતી હતી. બાળકો હેબતાઈને રડવાનું ભૂલી ગયા હતાં. ઘરમાં બધું જ પડ્યું હતું પણ લેવા જાય કોણ ? દાદરો તૂટી ગયો હતો. હું સાહસ કરીને અંદર જવા મથું તો કોઈ જવા જ ના દ્યે. છેવટે એજેન્સીની ઓસરીમાં પડેલા યમ્મી બિસ્કીટના ખાલી કાર્ટૂનસ્ ઉપાડી લાવ્યો. ખોખાઓ તોડીને ખુલા આકાશ નીચે પાથર્યા. બધા હારબંધ ગોઠવાઈને સૂવાનો ડોળ કરી ઠુંઠવાતા પડ્યા હતા.. અને, ઉપરથી ટાઢ કહે મારું કામ !

રામીબેન પોતાના આજુ બાજુના ઝૂંપડામાંથી ગોદડાઓ લાવીને બોલ્યા.. "ભાઈ ! તમે લોકો આ ઓઢી લ્યો. તમને આમ રે'વાની ટેવ નથી. છોકરાં માંદા પડશે. અમે તો તાપણું કરીને આખી રાત જાગશું. તમારા ઘરની ચિંતા નઈ કરતા. કોઈને ફરકવા નો દઈએ.."

જેમને બે-ઘર કરવા હું મરણીયો થયો હતો તેઓએ મને પોતાના ઘરની સઘળી હૂંફ આપી દીધી. આજે એ ઘર બારવાળા હતા અને હું જ દર-બ-દર હતો. આંસુનો ડૂમો છાતીમાં બાઝી ગયો હતો. ભયંકર ઠાર અને થાક વચ્ચે પણ આંખ વારંવાર ઊઘડી જતી હતી. આખી રાત સમી, હારીજ, નાનાપરા, મહેસાણા, રાધનપુરના ગામેં ગામથી લોકો ટેમ્પો ભરી ભરીને પોતાના સગા વ્હાલાઓના ખબર અંતર પૂછવા અને તેમને સહાય કરવા આવી પહોંચતા હતા. એક બાજુ માણસાઈનો મહેરામણ લહેરાતો હતો અને બીજી બાજુ હું અંતર આત્માના ડંખથી પીડાતો લજ્જાનાં સાગરમાં ડૂબતો જાતો હતો..

સવારના સૂરજને મેં પોતાના આંસુનો અર્ઘ્ય આપીને આવકાર્યો. પશ્ચાતાપમાં મન ભરીને રડી લીધા પછી મારા મનનું આકાશ એકદમ સ્વચ્છ હતું. ધનાભાઈનો હાથ પકડીને દબાવ્યો ત્યારે અમારા બંનેની આંખમાં એક એક ઝાકળ-બિંદુ થથરતું હતું. રામી બહેને મને કંઈ પણ કહેતા રોકી લીધો. અમારી વચ્ચે શબ્દો થીજી ગયા હતા. આજે તેર તેર વરસ પછી પણ એ શબ્દો આંખમાં પીગળીને તેને ભીની કરી રહ્યા છે. અત્યાર સુધી મેં માત્ર વાંચ્યું - સાંભળ્યું હતું કે પાપને પોકારવાથી તેનો ભાર હળવો થઇ જાય છે. આજે આપ સૌ મિત્રોની સમક્ષ સજળ નયને મને મારા પાપનું કન્ફેશન કરવું છે..

હું કહેવાતો સાક્ષર, જે માનવતાને પારખી ના શક્યો, એ બધું આ નિરક્ષરો વગર પ્રયત્ને પામી ગયા હતા. આજે પણ આ વેળા હું મારા મનને સતત ડંખતા અપરાધ બોધથી મુક્તિ મેળવવા લખી રહ્યો છું. પોતાની નાનાપને સ્વીકારવામાં જરાય નાનપ અનુભવતો નથી. વરસોથી કચડાયલી મારી આત્મા આજે શાતા અનુભવે છે.

***

તા.ક. - ધનાભાઈ પોતાના બધા જ સાથીદારોને લઈને શહેરના દૂર વિસ્તારમાં જતા રહ્યા છે. આજે પણ અમારી શેરીમાં રામીબેન બકાલાની લારી લઈને આવે ત્યારે અમારા ઘરે બેસીને ઠંડુ પાણી અચૂક પી જાય. શાક ભાજીની આપ લે તો માત્ર બહાનું હોય છે. દરઅસલ અમે અરસ પરસ સંવેદનાઓનો જ વિનિમય કરતા હોઈએ છે..

કુમાર જિનેશ શાહ

126, 10 બી.સી., વિદ્યા નગર.

આર્ય સમાજ માર્ગ, ગાંધીધામ.

કચ્છ, ગુજરાત. 9824425929.