Moh books and stories free download online pdf in Gujarati

મોહ.

મોહ.

***

સ્ટેશન આવવાથી પહેલાં જ રાજેશએ નક્કી કરી લીધું હતું કે હોટલને બદલે એ અજયબાબુના ઘરે ઉતરશે. બે જ દિવસનું કામ છે, અનુકુળતા રહેશે. અન્ય સ્નેહી મિત્રો વિશે પણ જાણી શકાશે. અજય બાબુને પત્ર લખી, એણે પૂર્વ સૂચના આપી દીધી હતી.

રાજેશ અને અજયબાબુ, બોકારો સ્ટીલ પ્લાન્ટમાં એક જ વિભાગમાં સાથે નોકરી કરતાં હતાં. અજયબાબુ મળતાવડાં, હસમુખા, લાગણીશીલ અને પાકટ વયના વ્યક્તિ હતાં. લોકોને રાજી રાખવાની કળા તેમણે કેળવી હતી. રાજેશ તે સમયે નવો સવો આવેલો. એને કંઇ પણ જાણવું કે સમજવું હોય તો એ કશાય સંકોચ વગર અજયબાબુથી પૂછી લેતો. બંને અરસપરસ વિચારોની આપ-લે કરતાં. એમ જ લાગે કે જાણે બંને વરસોથી એકમેકને જાણતાં ના હોય ! રાજેશને કંપની તરફથી ઘર એલોટ થયું તોયે એકદમ એમની લગોલગ જ. પછી તો બંને પરિવારો વચ્ચે પ્રેમની પ્રગાઢતા દિવસો દિવસ વધતી ગઈ. જે, રાજેશની ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં બદલી થવા સુધી અકબંધ રહી.

ઘર મળ્યાનાં એક મહિના પછીની વાત છે – તે દિવસે સાપ્તાહિક રજા હતી. અજયબાબુના ઘરે એ બેઠો હતો. ચહાનો દોર ચાલી રહ્યો હતો. રજાના દિવસે માટે આ તેઓની પ્રિય ગતિવિધિ હતી. કોણ જાણે કઈ વાત ઉપર રાજેશએ કહ્યું – ‘મૂકી જ કેમ નથી દેતાં ? એક સામટાં રૂપિયા મળશે. તેનાથી કોઈ નાનો મોટો વેપાર થઇ જશે. બસ, જિંદગીની ગાડી ચાલતી રહેશે.’

‘અરે ભાઈ, નવરાં-ધૂપ બેઠાં બેઠાં ઓવર ટાઈમ મળી રહે છે. કંઇ કહેતાં કંઇ કરવું પડતું નથી. બસ, એજ મોહ ખસવા નથી દેતો.’ – અજયબાબુએ હળવાશથી જવાબ આપ્યો.

એક ક્ષણ માટે રાજેશ વિસ્મિત થઇ ગયો. એને લાગ્યું, શું આ એજ જીવનના જોમ અને જોશથી છલોછલ ભરેલાં અજયબાબુ છે, જેની સાથે એ કામ કરે છે ?’ એણે અવિશ્વાસ સહિત કહ્યું – ‘તમે અને મોહ !?!’

‘કેમ તને વિશ્વાસ નથી થતો ?’

‘એટલે જ તો પૂછ્યું.’

‘હું બીજાઓથી કંઇ નોખો નથી. જ્યાં સુધી પ્લાન્ટમાં રહું છું, એક ઉત્સાહી કામગારની અદાથી મજૂરી કરું છું. ઈચ્છું પણ છું કે ત્યાંના વાતાવરણમાં અટવાયલો રહું. અંગત દુઃખ દરદ થોડી વાર માટે જ સહી, ભૂલી વિસરી જાઉં. ઉમરના આ વળાંક પર પાછળ વળીને જોઉં છું તો બહુ જ બીક લાગે છે. આગળ અંધારું જ અંધારું આંખે આવે છે. આપણી તો ભઈ જેમ તેમ પૂરી થવા આવી. જે બચી છે તે પણ પસાર થઇ જશે.. કારખાનામાં નવી ભરતી બંધ છે. છોકરાઓનું શું થશે ? કંઇ, કશું કરવાને યોગ્ય તેઓ થઇ નથી શક્યાં કે..’ નિઃશ્વાસથી ચહા ઠરીને ટાઢીબોળ નાં થઇ જાય, માટે એમણે વાત અધવચ્ચે મૂકી દીધી.

‘છોકરાઓનો મોહ તો.. કદાચ એટલે જ આ ઢળતી ઉમરે પણ નોકરી મૂકવાની હિંમત કરી શકતો નથી.’ ચહાનો છેલ્લો ઘૂંટડો ભર્યા પછી પરાણે ઊંડો નિસાસો મૂકતાં એમણે વાતનો દોર સાંધવાનો પ્રયાસ કર્યો.

રાજેશ નહોતો જાણતો કે પછીના દિવસોમાં એમનાં છોકરાઓએ કંઇ કર્યું કે નહીં. કારણ કે થોડાં જ મહિના પછી રાજેશનું ટ્રાન્સફર ભિલાઈ થઇ ગયું હતું. બંને પરિવારો પોતપોતાની પળોજણમાં રાચી રહ્યાં હતાં. આજે અમુક જરૂરી કાગળીયાઓ લેવા તે બોકારો આવ્યો હતો. એને અજયબાબુના વિશે કંઇ જ જાણકારી આ દિવસો દરમ્યાન મળી નહોતી. નહિ જ આથી પહેલાં કોઈ પત્ર લખી શક્યો હતો.

સ્ટેશનથી સેક્ટર જવા માટે એ મીની લકઝરીમાં બેઠો. ઘરે પહોંચ્યો ત્યારે નવ વાગી ગયાં હતાં. આજેય રજાનો દિવસ હતો. અજયબાબુ આંગણામાં બેઠાં નવસેકા હૂંફાળા તડકામાં તેલ માલિશ કરી રહ્યાં હતાં. જોતાં જ ઉત્તેજના ભર્યા ઉમળકાથી આવકાર આપ્યો – ‘રાજેશ ! આવ ભઈલા, આવ...આવ.’

લાંબાગાળે મળતાં હોવાથી એ વધુ આનંદિત જણાતા હતાં. રાજેશએ એયરબેગ બાજુમાં મૂકી. કેરીબેગમાં લાવેલું મીઠાઈનું પેકેટ એમની સામે લંબાવ્યું.

‘બીજું કહે રાજેશ, કેમ છો? પ્રવાસ કેવો રહ્યો?’ અજયબાબુએ પેકેટ સ્વીકારીને નેતરના ટેબલ પર રાખ્યું.

‘જર્ની તો મસ્ત રહી. લેટર મળી ગયો હતો?’ રાજેશ હસ્યો હતો.

‘ના મળવાનો ક્યાં પ્રશ્ન જ છે.’

તમે કેમ છો? આપણે મળ્યે એક વરસ વીતી ગયું.’

‘હા ને વળી તેમા ક્યાં શંકાને સ્થાન છે?’ અજયબાબુનો સ્વર સ્હેજ ઉદાસ થઇ ગયો હતો. એમણે ભિલાઈ વિશે પૂછ્યું. ત્યાંની વ્યવસ્થા, સાથે કામ કરનારા કામગારો વિશે અને છેલ્લે ઘર પરિવાર બાબત પૃચ્છા કરી. રાજેશ પ્રેમથી, પ્રસન્નતાપૂર્વક જવાબ આપતો રહ્યો.

એ નેતરની આરામખુરશીમાં શરીરને ઢીલું મૂકીને, પગ પસારી બેસી ગયો હતો. અજયબાબુના ઘરની આ ખુરશીમાં બેસવું એને ખૂબ ગમતું. આ દરમ્યાન આંગણામાં કોઈ ના આવતા એણે પૂછા કરી, ‘આંટી નથી દેખાતાં.’

‘કાકાના ઘરે ગઈ છે. લગ્ન છે. છોકરાઓ પણ ત્યાં જ.. બે ચાર દિવસે આવી જશે.’

એમણે તેલનું મર્દન બંધ કરી દીધું હતું. રાજેશ આશ્વસ્ત હતો. કશી જ ઉતાવળ નહોતી. નહિ જ થાકોડો અનુભવી રહ્યો હતો. એણે છોકરાઓ વિશે પૂછા કરી.

‘મોટો અનિલ, સતત પરીક્ષા આપી રહ્યો છે. ક્યાંય સિલેક્સન થઇ શકે, તેમાં મને શંકા છે.. સૌથી વધુ ચિંતા તો આ છોકરાઓના લીધે જ છે..’ એમની આંખો ક્યાંક શૂન્યમાં સ્થિર થઈને કશુંક અગોચરમાં જોઈ રહી હતી. શરીર વધુ પડતું શિથિલ જણાતું હતું.

‘મારી વાત પર કેમ વિચાર નથી કરતાં?’

‘કઈ વાત પર?’

‘એજ વોલન્ટરી રીટાયરમેંટ. એકી સાથે પૈસા મળી રહેશે. તેનાથી કોક નાનો મોટો બિઝનેસ.. છોકરાઓ પણ તેમાં જ..’ રાજેશની આંગળીઓ ટાઈની ગાંઠ ઢીલી કરવામાં પરોવાયલી હતી.

‘તારી સાથે સંમત નથી, છેક એવુંય નથી પણ..’

‘પણ શું? હવે તો કંપનીએ ઓવર ટાઈમની સિસ્ટમ જ ખતમ કરી નાખી છે.’ રાજેશના ઉઘડતાં ગૌરવર્ણ ચહેરા ઉપર આત્મવિશ્વાસ ઝળહળી રહ્યો હતો.

‘હજુ સુધી ઓવર ટાઈમવાળી વાત તને યાદ છે !?’ સહેજ હળવો મલકાટ અજયબાબુના જાડા હોઠ ઉપર તરી આવ્યો હતો.

‘ક્યારેક ક્યારેક કોઈ વાત કે વસ્તુ હંમેશ માટે યાદ રહી જતી હોય છે.’ રાજેશ સામે મલક્યો.

‘ઓવર ટાઈમ તો બહાનું હતું. તે દિવસે સાચી વાત કહી ના શક્યો. કદાચ હિંમત નહોતી પડી. હું પણ વિચારું છું કે..’

‘શું વિચારો છો તમે?’ એમને ખોતરવાના ઈરાદાથી રાજેશએ પૂછ્યું.

‘એજ, જે તું વિચારે છે.’

‘તો પછી વાર શેની છે?’

‘એટલે કે એ લોકો કંઇ બીજું જ ઈચ્છે છે.’ – એમનો સંકેત પરિવારના બીજાં સભ્યો પ્રત્યે હતો.

‘તેઓ શું ઈચ્છે છે?’

એમણે જવાબ ના આપ્યો. એવું લાગ્યું કે વાતને ટાળી રહ્યાં છે. તેઓ એક પાડોશીની કરમકથા કહેવા લાગ્યાં...

‘પાંચમા ક્વાટરમાં (ઘરમાં) ચેટરજીનો પરિવાર રહેતો હતો. ચેટરજી મારી જેમ જ કામ નહોતો કરી શકતો. નોકરીના ચાર વરસ બાકી રહ્યાં હતાં. એમનાં ઘરવાળા નહોતાં ઇચ્છતાં કે એ વોલન્ટરી રિટાયરમેંટ લે. એને ડાયાબિટીસ હતું. બ્લડપ્રેશર હાઈ રહેતું હતું. સાંધાઓમાં દુખાવો રહ્યાં કરતો. એની સાચી ઉમર સાઈઠથી વધુ હતી. જ્યારે એ બીમાર પડતો, એનાં ઘરવાળા એને હોસ્પિટલના બદલે પ્લાંટ મોકલી કાઢતાં. તે દિવસે પણ તેને પ્લાંટ જવાની જરાય ઈચ્છા નહોતી. તેની વાઈફ અને છોકરાઓએ દબાણ કરીને મોકલ્યો હતો. એ પ્લાંટએ પહોંચ્યો – ટોકન નાખી.. હાજરી પૂરાવી. થોડી વાર પછી એને ચક્કર આવવા લાગ્યાં. એમ્બ્યુલેંસ આવતાં સુધીમાં તો એનાં ધબકારાં કાયમ માટે હૈયામાં જ ધરબાઈ ગયાં. પાંસળીના પાટિયાં બેસી ગયાં. પંખી પિંજરું મૂકીને ઊડી ગયું..’ અજયબાબુ શ્વાસ લેવા થોભ્યાં.

‘નવો નિયમ આવ્યો છે ને કે જે પ્લાંટમાં કામ કરવાના કલાક દરમ્યાન એક્સપાયર થશે, તેના પરિવારના એક સભ્યને નોકરી નિશ્ચિતપણે મળશે. બહાર મરનારની કશીય ગારંટી નહીં. ...ચેટરજીના દીકરાને નોકરી મળી ગઈ !’ અજયબાબુ હળવેકથી પાનું ઉતર્યા..

‘તમે શું કહેવા માંગો છો કે, તમારો પરિવાર પણ...’ – રાજેશ વિચલિત થઇ ઉઠ્યો હતો.

અજયબાબુ ચુપ થઇ ગયાં હતાં. રાજેશને લાગ્યું, એમનાં ચહેરાની કરચળીઓ વધુને વધુ ઝડપથી ઘટ્ટ થતી જઈ રહી છે. બંને મિત્રના હૃદય ફરતે ચારેકોર ઠંડાગાર બરફના પડ બાઝવા લાગ્યાં છે. આંગણામાં આવતો તડકો ધીમે ધીમે ખસવા લાગ્યો હતો. શિયાળુ પવન હાડકાં સોંસરા ઊતરવા મથતો હતો.

કુમાર જિનેશ શાહ

૧૨૬, ૧૦ બી.સી. વિદ્યાનગર, ગાંધીધામ, કચ્છ. ૯૮૨૪૪૨૫૯૨૯.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED