રતુંબડી.. Kumar Jinesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રતુંબડી..

રતુંબડી..

સૂરજની રક્તિમ બિંદી ચોંટાડીને મે લાલ પરિધાન પહેર્યા અને રાતી લિપિસ્ટીક લગાડી એટલે મન થિરકવા લાગ્યું. આજે વહેલી પરોઢથી મારા તન બદનમાં અકળ સળવળાટ હતો. અંગે અંગમાં અજબ ફરકાટની અનુભૂતિ થતી હતી. હું સવારે ઝાકળથી નાહી ત્યારથી મન ખીલું ખીલું થતું હતું. શણગાર પૂરો થયો એટલે પછીતવાળી તળાવડીમાં ડોક્યુ કરવાની તાલાવેલી ઉપડી. જળના દર્પણમાં સ્વયંને મન ભરી નિહાળીને થયું કે હાશ ! હવે પ્રોફેસર નીકળે તો સારું...

મારો આ રાતોચોળ શ્રુંગાર જોઈને પ્રોફેસર પહેલાં તો મૂછમાં હસે. પછી એ મલકાટ હોઠ સુધી વિસ્તરે. આજે પણ તેના હોઠના ખૂણા વાંકા થયાં. ચશ્માં પાછળની પાણીદાર આંખોમાં મીઠી તરલતા તરવરી. તેઓએ હંમેશની જેમ મારી પાસે આવ્યા. મને એક ટપલી મારીને કહ્યું – ‘રતુંબડી.. !’ મને ઊંડે સુધી થરથરાટી થઇ. રૂવાડા ફરક્યા. કેટલીય કુંપળો જાણે એક સામટી ફૂટી નીકળી. પ્રોફેસર પહેલી આંગળીમાં ચાવી રમાડતાં પોતાની ‘ટચૂકડી’માં બેસીને જતાં રહ્યાં. શેરીના નાકેથી ‘ટચૂકડી’ વળી નહીં ત્યાં સુધી મે જોયાં કર્યું. મને ખાતરી છે કે રીયર વ્યુ મિરરમાં મારા ઉપર નજર નાખ્યા પછી જ તેઓ વળ્યા હશે.

મને યાદ છે, એક ફાગણની એ સવાર.. પ્રોફેસરનો જન્મ દિવસ ફાગણમાં આવે છે. દિવસ ભૂલી જાઉં. મને તો ફાગણના બધાં દિવસો એક સરખાં મધ ઝરતાં લાગે. કોયલ આવીને મારા કાનમાં કાલું કાલું બોલી જાય એટલે હું સમજુ કે હવે ફાગણ આવ્યો. મારું મન મહેંકવા લાગે. એવા એક ફાગણીયા દિવસે પ્રોફેસરે સાવ મારી પાસે આવીને આ ‘ટચૂકડી’ની બ્રેક મારી અને એવા તો જોરથી હોર્ન વગાડયું કે મારા તો કાનમાં ઢાંક વળી ગઈ ભઈસા’બ ! મારા માથે ખોંસેલું રાતું ફૂલ ટપ્ કરતું એની ‘ટચૂકડી’ પર પડ્યું. ગાડીનો ગેટ ખોલી પ્રોફેસરની ‘રૂપાળી’ ખિલખિલાટ કરતી નીકળી.. ‘લ્યો, હવે આને કોઈ કંકુનો ચાંદલો કરો.’ મે મારા માથા પરનો સૂરજ ‘ટચૂકડી’ના કાચ ઉપર ગોઠવી દીધો. રૂપાળીનો હરખ સમાતો નહોતો.

આમ તો પ્રોફેસરની ‘રૂપાળી’ ખરેખર સુંદર હતી. આ રૂપાળી એને કૉલેજમાં મળી’તી કે ટ્યુશન ક્લાસમાં મળી હતી, મને ખબર નથી. બાકી, પ્રોફેસરની સ્ત્રી દાક્ષિણ્ય ભરી શાલીનતા ઉપર જ તે વારી ગઈ હશે, એટલું નક્કી. ઉપરથી શાંત દેખાતો આ ચશ્મીસ પાછો ભીતરથી બંડખોર પણ ખરો. સાંભળ્યું છે કે બહુ તીખી તમતમતી કવિતાઉં લખે છે. હશે, આપણે શું ? તેમાં જ આ ‘રૂપાળી’ લપેટાણી હશે, તે બાપના બંગ્લાનો ધમધમાટ મૂકીને અહીં ‘નિરાંત’માં રહેવા આવી ગઈ. રવિવારની સાંજે બંને તૈયાર થઈને નીકળે ત્યારે પ્રોફેસરની સ્કૂટીને પાંખો ફૂટે. હશે, એમ આપણે શું ?

અલબત્ત, મારા એકાંતનો સાથી તો આ લીલુડો લીમડો જ હતો. આમ તો એ પણ એની માલકણ જેવો જ ખારોચૂસ. છતાં ફાગણમાં એને ઝીણા ફૂલો આવે ત્યારે તેની ફોરમથી મારું એકાંત ભરાઈ જાતું. ઉમરમાં અમે બંને સરખાં એટલે એની સાથે ગુસપુસ વાતો કરતાં ક્યારેય એકલવાયું લાગે નહીં. પ્રોફેસરને તેના ઉપર અનેરું હેત હતું. દીકરાની જેમ ઉછેરતાં. દીકરાના હિપ્પીકટ વાળ ઝીંથરા જેવા થઇ જાય અને બાપ તેને ધમકાવીને હજામને હવાલે કરે તેમ જ પ્રોફેસર આ લીમડાની બિનજરૂરી ડાળખીઓ કપાવીને તેને ‘માણસ’ જેવો બનાવતાં. મને એ હજામત કરેલો લીમડો બહુ ગમતો.

લગ્નના બે વરસ પછીણી શ્રાવણની એક અંધારી રાત મને ક્યારેય નહીં ભૂલાય. વરસાદની ઝરમર શરૂ થઇ હતી. પ્રોફેસર હાંફળા ફાંફળા એક થેલો લઈને ઘરથી નીકળ્યા અને પાછળ પાછળ તેની કઢંગી થઇ ગયેલી ‘રૂપાળી’ કમર પર હાથ રાખી, સાચવી સાચવીને ચાલતી, બહાર નીકળી. અંધારું હોવા છતાં તેનું મ્હોં સાવ ફિક્કું પડી ગયેલું દેખાતું હતું. પ્રોફેસરે તેને સ્કુટી ઉપર બેસાડીને સાવચેતીપૂર્વક સવારી કાઢી. હમણાં હમણાં મે જોયું કે રૂપાળીના રંગઢંગ બદલાઈ ગયા હતાં. આખો દિ’ આંબલી અને કેરીયું ભચેડે અને ઉબકાં ખાધા કરે. લીમડા નીચે પોરો પાથરીને બેડોળ રૂપાળી બેસે અને પ્રોફેસર તેની આગળ થયાં કરે. કૉલેજ અને ટ્યુશનમથી પણ વહેલો આવી જાય. સાવ ઘેલો થઇ ગયો હતો. હશે, તેમાં આપણે શું ?

મારા ભરોસે રેઢું મૂકી ગયેલાં ઘરમાં બે દિવસ પછી પ્રોફેસર પોતાની રૂપાળીને ગાડીમાં બેસાડી લાવ્યા. રૂપાળીના હાથમાં પકડેલું કૂણું કૂણું બાળક જોરથી રડ્યું અને શ્રાવણ મહિને લીમડા ઉપર કોયલડી ટહુકી. બારણું ઉઘાડતાં પ્રોફેસર બોલ્યા, ‘ભલે પધાર્યા જોગમાયા..આવો, પગલાં કરો !’ સાલું મને તો હવે ખબર પડી. હુંયે અકલમઠી, સાવ ભોળી, આટલુંય ના સમજી. પછી તો એ જોગમાયાનું નામ અમે પડ્યું – કુહૂ !

કુહૂ ફુદક ફુદક કરતી લીમડાનાં છાંયડે રમે. ક્યારેક ક્યારેક મારા ફરતે ફુદરડી ફરી જાય. એ લીમડાને અડવા જાય પણ તેની ખરબચડી છાલથી સુંવાળા હાથ ઘવાય એટલે પાછી ભાગી આવે. પ્રોફેસર સાંજે કુહુને ખોળામાં બેસાડીને લીમડા નીચે ચ્હા પીવે અને તરત પોતાની સ્કુટી મારી મૂકે. હમણાં હમણાં બહુ રઘવાયા રહે છે. કામ, કામ ને બસ કામ. કૉલેજ જાય, ટ્યુશનમાં જાય, વિદ્યાર્થીઓને ઘરે બોલાવે. તેમાં એક ‘હીરો’ તો ભારે નખરાળો. ‘ભાભી-ભાભી’ કહી રૂપાળીના પેટમાં ગરી જાય. એ પોતાનાં ‘સર’ને બહુ માન આપે. કુહુને હાથમાં લઇ ઉછાળ્યા કરે. દિવસ રાત ટાણે કટાણે ગમે ત્યારે આવી પડે. સાંભળ્યું છે કે કોઈ શોધ કરી રહ્યો છે. પણ મારો વાલીડો, રૂપાળીની શોધમાં આવતો હોય, એવો વ્હેમ મને થયાં કરે.

લાંબી ચકચકિત ગાડી લઈને ‘હીરો’ આવે અને રૂપાળીની આંખો ચમકવા લાગે. હવે તો એ નામની કે ચામની જ રૂપાળી રહી છે. નહીતર સાચું કહું તો મેંદાની ગુણ જેવી થતી જાય છે. પ્રોફેસરે ઘરમાં ટી.વી., લેપટોપ, સોફા, એ.સી. જેવા ખડકલાં કરીને ઘરના વજન સાથે ઘરેણાઓથી આ રૂપાળીનું વજન પણ વધાર્યું છે. પ્રોફેસર પોતાની રાતી ‘ટચૂકડી’ લઈને દિવસ બે દિવસ ગુમ રહે એટલે પેલો ‘હીરો’ લાંબી ‘ફાંકડી’ લઈને અચૂક આવી પહોંચે. બંધ બારણેથી આવતાં તેમના ખિખિયાટાઓથી મારા પેટમાં મોળ ચઢે. મને ઘરમાં પ્રવેશવાની છૂટ નથી એટલે બારીમાથી ત્રાંસી નજરે જોઈ લઉં. ભીતર ચાલતી મજાક મશ્કરીની દોર છાનો ના રહે, હું ક્યારેક લીમડાને કહું – ‘અલ્યા, જો તો ખરો, શાના ઉધામા ચાલે છે ? લીમડો મ્હોં મચકોડીને કહે – ‘એમાં આપણે શું ?’

એ દિવસે ‘રૂપાળી’ જરા વધુ નખરાળી થઈને પ્રોફેસરની સાથે લીમડા નીચે બેઠી હતી. ચાયની પ્યાલીમાં રવિવારની સાંજ ઓગળતી હતી. આમ તો હું મારામાં જ મગન રહું. કોઈનું ગુસપુસ સાંભળવું ગમે નહીં. પાછી આ કુહૂ મને ક્યાં નવરી પડવા દ્યે છે. મારી સાથે ફેર ફુદરડી રમવું એનો પ્રિય શોખ છે. ક્યારેક મારા ઉપર હિંચકે પણ ખરી. એ સાંજે પણ અમે બંને રમતાં હતાં ને મારા કાને થોડા સંવાદો અફળાયા.. ચાય પીતી ‘રૂપાળી’ ઉપર પ્રોફેસરે પ્રેમની ભૂક્કી ભભરાવી – ‘ચાય પીતી સાંજનો ઠસ્સકોયે કેવો નવાબી છે.. સૂરજનો છે કપ અને ક્ષિતિજની રકાબી છે !’

‘રૂપાળી’ મલકાઈ, ‘જાવ જાવ હવે, તમારી કવિતાની કુટેવ હજુયે ગઈ નથી.’

‘યસ ડીયર, કવિતા નાજુક ઘાસ જેવી દેખાય છે પણ તેના મૂળિયાં બહુ ઊંડા હોય. દોલતની ધમ ધમા ધમથી કચડાઈને થોડી વાર માટે કવિતા કરમાઈ ગઈ હોય તો શું થયું, પ્રેમની હેલીથી એ ફરી જીવંત થઇ જાય છે..’ પ્રોફેસરે લેક્ચર ફાડ્યું.

મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની રહી ચૂકેલી રૂપાળીએ જોયું કે પ્રોફેસર ‘મૂડ’માં છે એટલે લટકાંથી બોલી, ‘આ લીમડાને કાઢી નાખ્યો હોય તો ?’

‘હાય-હાય’.. મારી ચીસ ગાળામાં જ ગુંગળાઈ ગઈ. પ્રોફેસર પણ ટટ્ટાર થઇ ગયાં, ‘અરે, શું વાત કરે છે ! આવો મસ્ત મજાનો લીમડો કંઈ કપાતો હશે ?’

‘કેમ ના કપાય ? ...જુઓ, એક તો એ વરસમાં બે વખત એટલા બધાં પાન ખેરવે છે કે આખું ઘર ભરાઈ જાય છે. સાફ સફાઈ કરીને મારો દમ નીકળી જાય છે.’ રૂપાળીએ દલીલ આગળ ચલાવી, ‘એપ્રિલ-મેમાં પાકેલી લીંબોડીઓ ખરે તેનો ત્રાસ જુદો..’

‘સાલી...જાડી, ક્યાં તારા ડીલને ઘસારો પડે છે ? પાંદડા અને લીંબોડી પ્રોફેસર જાતે બુહારી કાઢતાં હોય છે. અને આ માલી કાકા પણ સવાર સાંજ સફાઈ કરી જાય છે.’ મારી જીભ ઉપર ગાળ આવીને રહી ગઈ.

પ્રોફેસર પણ અકળાયા. ‘યાર, આવો સરસ શીતળ છાંયડો... અને પાછી તને તો ખબર છે, મને પ્રકૃતિ અને વૃક્ષોથી કેટલો પ્રેમ છે !’

‘હા હા, એ તો ઠીક હવે. આપણી પાસે સગવડ નહોતી ત્યારે છાંયડાની ખાસ જરૂર હતી. ઘર તપવાથી બચી જતું અને રાત્રે તેની નીચે સૂવાનો આનંદ આવતો. પણ હવે તો આપણે એ.સી.માં રહીએ છીએ. હવે છાંયડાની શી જરૂર ? અને હા, તેના બદલે તમે કૉલેજ કેમ્પસમાં બીજા પાંચ લીમડા વાવી લેજો ને !’

પ્રોફેસર અને હું બંને સ્તબ્ધ થઈને મૌન રહ્યાં. રૂપાળીએ કોડી ફેંકી – ‘જુઓ.. આ લીમડો કાઢીને ત્યાં આપણે એક એયર-કન્ડીશંડ રૂમ બનાવી નાખીએ. લીમડો ખોટી જગ્યા રોકે છે. એ.સી. રૂમમાં તમે પોતાનાં જ કોચિંગ કલાસીસ ઊભાં કરી લ્યો ને ! પાછો તમારો ‘હીરો’ તમને ખાસી મદદ કરે એવો છે. ગુરૂ-દક્ષિણા તરીકે એને ક્લાસ લેવા આપી દેજો. સોલીડ ઇન્કમ શરૂ થઇ જશે. આજે એજ્યુકેશન ફિલ્ડમાં તો ડોક્ટરોથી વધુ પણ કમાણી છે, તમારાથી ક્યાં કંઈ છુપું છે.’

પ્રોફેસરને ચાય સાથે ખારી સીંગ ખાતા ખાતા ખોરો દાણો વચ્ચે આવી ગયો હોય, એવું મને લાગ્યું. મારું મન પણ ખિન્ન થઇ ગયું હતું. બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. આખી રાત અજંપામાં વીતી. આ રૂપાળીની ધનતૃષ્ણા હતી કે પછી બીજી કોઈ ભૂખ હતી, કશું કહી શકાય નહીં. પ્રોફેસર થોડા દિવસ પછી બધી વાત વીસરી ગયાં હશે એવું મને એના રોજિંદા ક્રિયા કલાપોથી લાગ્યું. હાલ એમના ઘરથી બહાર રહેવાના પ્રસંગો ખાસા વધી ગયા હતાં. કલદારની ફળ પ્રાપ્તિ માટે સમયના હવનમાં પ્રેમ હોમાઈ રહ્યો હતો.

બીજી બાજુ, વાસનાના વિભત્સ નૃત્યની ગતિ તીવ્રતર થતી જઇ રહી હતી. સરની ગેરહાજરીમાં હીરોની લાંબી લચક ‘ફૂટડી’ આવીને ઊભી રહેતી અને મારા તન મનમાં કંપવા થવા લાગતો. એક રાત્રે સાહિત્યના કોક મોટા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોફેસર સુરત ગયાં હતાં. પ્રોફેસરને ટ્રેનમાં બેસાડીને ‘રૂપાળી’ પાછી આવી ત્યારે ‘હીરો’ પણ તેની સાથે હતો. મોડી રાત સુધી લાઈટો બળતી રહી. અંદર શી ખીચડી રંધાતી હોય છે, હવે તેની પંચાત લીમડા જોડે મેં કરવાનું બંધ કરી દીધું હતું. એવું નથી કે ‘એમાં આપણે શું’ વાળો ભાવ છે. બસ, હવે આવી હલકી વાતો વિચારીને પોતાની ગરવાઈ ગુમાવ જેવું લાગતું હતું. મધરાતે પોતાની કારમાં બેસતા બેસતા હીરો જે કંઈ બોલ્યો તે સાંભળ્યું ખરું પણ હું સમજી ના શકી. ‘કાલે સવારે તારું કામ થઇ જશે.. ડોન્ટ વરી !’

સવારે સૌ પોતાનાં કામમાં પરોવાયલા હતાં. કુહૂ મને ‘ટાટા’ કરતી પ્લે હાઉસ જતી રહી હતી. ‘ફૂટડી’ વગર અવાજે, ચાંપલા પગે મારી પાછળ આવીને ઊભી રહી. તેમાંથી બે સાધારણ દેખાવવાળા માણસો એક મશીન લઈને ઉતર્યા. હીરોએ મેજરીંગ ટેપથી અમુક માપ કરીને પછી માણસોને ઇશારાથી કંઇક સમજાવ્યું. બંને માણસોએ મશીનને લીમડાનાં થડ ઉપર ચોંટાડી દીધું. હું હબક ખાઈ ગઈ. હીરોએ સ્વીચ દબાવી અને ઘરઘરાટી બોલાવતું મશીન તેજ રફતારથી ચાલવા લાગ્યું..

‘અરે ! હાય – હાય.. આ શું કરો છો પાપી – હત્યારાઓ ?’ મારે ચીસ પાડવી હતી પણ અવાજ ગળાની ઊંડી ખીણમાં કોક ખડક નીચે દબાઈ ગયો હોય એવું લાગ્યું. મશીનના આરાનો ગોળ પાનો પોતાની સંપૂર્ણ કાતિલતાથી લીમડાની સાથોસાથ મારા કાળજા ઉપર ફરી રહ્યો હોય, એવી પીડા થતી હતી. અત્યાર સુધી મેં સાંભળ્યું હતું કે કસાઈની મોટી મોટી આંખો, વિકરાળ ચેહરો, ભમરાળી મૂછો, લઘરવઘર વાળ અને સ્નાયુબદ્ધ બાવડાં હોય છે. પણ મારા મનની છબી કરતાં તદ્દન વિપરીત એવા સામાન્ય દેખાતા માણસો ઠંડા કાળજે ઇલેક્ટ્રિક કરવત ચલાવતા હતાં. થોડી જ વારમાં લીમડો તરફડીને કડડભૂસ થઇ આંગણામાં ફસડાઈ પડ્યો. મારો સમ વયસ્ક ભાઈબંધ જેવો લીમડો પોતાનાં પાંદડાઓની અસંખ્ય આંખો પહોળી કરીને પોતાનાં હત્યારાઓને તાકી રહ્યો હતો. રૂપાળી હરખાતી હતી. હીરોએ રૂપિયા આપી લીમડાની ‘લાશ’ ઠેકાણે પાડી દેવા કહ્યું. બંને માણસો વધારાના મજૂર લાવીને મારા મિત્રનું શબ ઉપાડી ગયાં. હું મોઢું દબાવીને હિબકે ચઢી ગઈ હતી. ‘હે ભગવાન ! પ્રોફેસર આવશે ત્યારે શું થશે ?’

મારી આશંકા ખોટી નીકળી. પ્રોફેસરે આવીને સૂનું આંગણું જોયું. રૂપાળીને કંઇક પૂછ્યું. તેણે છણકો કર્યો. અને, પછી પ્રોફેસર મૌન થઇ ગયાં. મોતનો મલાજો પાળવા બગીચાની લોન ઉપર રાત સુધી સૂનમૂન બેસી રહ્યાં. મારે તેમના માથા ઉપર હાથ ફેરવવો હતો પણ મેં કાંઈ ના કર્યું. સમય તેમના ઘાવ ઉપર મલમ લગાડતો રહ્યો. લીમડાની જગ્યાએ ‘શહીદ સ્મારક’ જેવો કોચિંગ ક્લાસ ધમધમવા લાગ્યો. છોકરાં છોકરીઓના ઠઠ જામવા લાગ્યાં. રૂપાળીના શરીર ઉપર ‘હીરો’ અને ‘હીરા’ બંનેનો વજન વધવા લાગ્યો હતો. હું પહેલાં પણ મૂકદર્શક હતી અને આજેય વાચાહીન બનીને રહેતી હતી. અલબત્ત, ક્યારેક પ્રોફેસર કુહૂ સાથે રમતાં રમતાં મને પણ ટપલી મારી લેતાં ત્યારે મને મૂળિયાંસોતો રોમાંચ થઇ આવતો.

ફાગણ પૂરો થઇ ઉનાળો ધખવા લાગ્યો હતો. પ્રોફેસરને ભોપાલમાં ભારત ભવન ખાતે કોક મોટો એવાર્ડ એનાયત થવાનો હતો. પ્રોફેસરની ઈચ્છા હતી કે આ વખતે રૂપાળી અને હીરો પણ તેમની સાથે ભોપાલ ચાલે. પણ બંનેએ નોખાં અનોખા બહાના કાઢી પ્રવાસની ના પાડી દીધી. પ્રોફેસર જવાના હતાં એ દિવસે મેં તેમને ખૂબ ગમતો રતુંબડો શણગાર કર્યો હતો. પોતાની ટચૂકડી લાલ ગાડીમાં બેસતા પહેલાં પ્રોફેસરે મલકાઈને મારી સામું જોઈ ટપલી મારતાં કહ્યું – ‘મારી હાળી રતુંબડી ! બહુ ‘ઠસકો’ છે ને કંઈ તારો..’ હું શરમાઈને વધુ રાતી થઇ ગઈ. પ્રોફેસરને તે શું સૂઝયું કે તેણે મારી સામે ‘ફ્લાઈંગ કિસ’ ઉછાળી દીધી. મારા હૃદયમાં લાલ લાલ ફૂલો મ્હોરી ઉઠ્યા હોય એવો સળવળાટ થવા લાગ્યો. અને, પ્રોફેસર જતાં રહ્યાં.

હું આખો દિવસ મગન રહી. મને યાદ છે, પ્રોફેસરને ચંપાનું ફૂલ ખૂબ ગમતું. ક્યારેક સમી સાંજે એ ઠેઠ કોલેજથી ઉપાડી લાવેલું ચંપાનું ફૂલ આંગળીઓમાં રમાડતાં લીમડા નીચે બેઠાં હોય અને વચ્ચે વચ્ચે તન્મયતાથી સૂંઘ્યા કરે ત્યારે મને અદમ્ય ઈચ્છા થાતી કે કાશ ! હું ચંપો હોત અને મારામાંથી મઘમઘતી મહેંક પ્રસરતી હોત.. તો કેવું સારું !! પણ, હું તો પ્રોફેસરની ‘રતુંબડી’ હતી. ખેર, જેવા જેના નસીબ.

દિવસ તો વીતી ગયો. સાંજ ઢળી એટલે મારા પેટમાં ચૂંથાવા લાગ્યું. મને ખાતરી હતી કે ફરી એક વાર હંમેશની જેમ ઘૃણાસ્પદ દૃશ્યોની સાક્ષી થવું પડશે. મારો ફફડાટ સાચો થવાનો જ હતો અને થયો. સાઢા નવના સુમારે હીરોની ‘ફૂટડી’ ચકાચૌંધ લાઈટ બાળતી સડસડાટ મારી સામે આવીને ઊભી રહી. મારા આખા શરીરમાંથી ભય અને ઘૃણાનું લખલખું પસાર થઇ ગયું. જોશથી તેના પર થૂંકીને કહેવાનું મન થયું ‘સાલા નાલાયક, દગાબાજ આવી હોય ગુરુદક્ષિણા ? પણ તમે જાણો છો, હું કશું કહી કે કરી નથી શકતી.

‘હીરો’ મારી સામે જ ‘ફૂટડી’ને લોક કરી ‘નિરાંત’માં પેશી ગયો. ખાણી પીણી ચાલતી રહી. બારીમાંથી જોઈને અંદરની હિલચાલનો કયાસ કાઢી શકાતો હતો. ટી.વી. ઉપર દૃશ્યો ચાલતાં હશે, તેના રંગીન પડછાયાથી ભીતરી દિવાલના રંગો પલટાતાં હતાં. મારી પીડા, ખિન્નતા ને ક્ષોભ સતત વધી રહ્યાં હતાં. મધરાતનો ગજર ભાંગ્યો હશે. હીરો હસતો હસતો બહાર નીકળ્યો. રૂપાળી પાછળ મટકતી ચાલી આવી. તેને આવા પારદર્શક કપડામાં પહેલી વાર જોઈ હતી. આજે તો તે મારા જેવી દુશ્મનને પણ ઈર્ષ્યા થાય, એવી સુંદર લાગતી હતી. હીરોએ પોતાની ફૂટડી રીમોટથી અનલોક કરી. અંદર બેઠો. ગાડી સ્ટાર્ટ કરીને એ.સી. ઓન કર્યું. મને ટાઢક થઇ કે હવે તે જવાનો છે. ત્યાં તો રૂપાળી પણ ગાડીમાં ભરાણી. આ શું ?

હીરો ડ્રાઈવિંગ સીટ પર નહોતો. બંને પાછલી સીટ પર હતાં. ગાડી સ્ટાર્ટ હતી. આવી લાંબી ‘ફૂટડી’ તદન સાઉન્ડ-લેસ ધબકી રહી હતી. સ્વીચ દબાવતા પાવર વિન્ડોના કાળા કાચ પાણીના રેલાની જેમ નીચેથી ઉપર જતાં રહ્યાં. અંદરની લાઈટ ઓફ હોતાં હું કશું જોઈ શકતી નો’તી. મારા મનમાં બળતરા થતી હતી. અંદર એ.સી.ની શીતળતામાં પરસ્પર અથડાતાં ગરમ લ્હાય જેવા શ્વાસોના વિચારમાં મારા આખાય ડીલે પરસેવો વળતો હતો. થોડી વાર સુધી ફૂટડી ધબકતી રહી. પછી ધીમે ધીમે થથરવા લાગી અને પછી તો જાણે તેને હાંફ ચઢી હોય એમ ધ્રૂજવા લાગી. મારાયે અંગે અંગમાં આગ લાગી’તી. પ્રોફેસરની રતુંબડીના પ્રત્યેક ફૂલ અંગારામાં ફેરવાઈ ગયા હતાં. પેલી બાજુ મારી સામે ઊભી લાંબી લચક ગાડી ઊંકાટા કરતી હતી. આ બાજુ મારી આત્મા પારાવાર પીડામાં કણસતી હતી. મારા તેજ તેજ ચાલતાં શ્વાસ તોફાની થઇ રહ્યાં હતાં. પવન મને ઉશ્કેરવા માટે વાવાઝોડામાં પલટાઈ રહ્યો હતો. મારું આખુંયે શરીર ધૂણવા લાગ્યું.

હીરોની ચકચકિત ગાડી પર ઝળુંબતી મારી એક મસ્સમોટી ડાળ આ આઘાત ખામી ના શકી અને ધડીમ કરતી વિન્ડ સ્ક્રીન ઉપર ખાબકી. બીજી જ પળે ફ્રન્ટ ગ્લાસ ધડાકા સાથે ઝીણા ઝીણા કટકાઓમાં ફેરવાઈ ગયો. બેકસીટથી ‘હીરો’ અને ‘રૂપાળી’ હાંફળાફાંફળા બહાર ધસી આવ્યા. હીરોના ચહેરાનું નૂર ઊડી ગયું. રૂપાળી પણ કપડાં સંકેલતી રઘવાઈ થઇ હતી. મારા મનને સહેજ કળ વળી. હીરોને કદાચ હજારોનું નુકસાન થયું હતું. એ ભયંકર ખીજ સાથે બરાડ્યો – ‘ઓ શી..યાર, ઘરની બહાર આવા ગુલમોહર જેવા કાચા પોચા ઝાડ શું લગાડતા હશો ?’

રૂપાળી પણ બેબાકળી થઈને બોલી, ‘પ્રોફેસરે આને ‘રતુંબડી’ કહી કહીને બહુ માથે ચઢાવી છે. કાલે તારા માણસોને મોકલીને આ ગુલમોહરને પણ લીમડાની જેમ કપાવી નાખજે.’

મારા નામની ‘સોપારી’ દેવાઈ ગઈ છે. મને ખાતરી છે કે પ્રોફેસર પરત પાછાં આવશે તેનાથી પહેલાં જ મારી ‘ગેમ’ બજાવાઈ જવાની છે. અલવિદા પ્રોફેસર... તમે આ રતુંબડીને બહુ પ્રેમ દીધો. હવે આવતાં ભવમાં શક્ય હશે તો ચંપો થઈને તમારા આંગણે મ્હોરીશ..મહેંકી રહીશ.

~~ કુમાર જિનેશ શાહ ~~