સલ્લુડીનું માટલું. Kumar Jinesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સલ્લુડીનું માટલું.

સલ્લુડીનું માટલું..

**************

સાવ નાનકડું ગામ. એનું ખરું નામ માલિયા. પણ, મીયાણાઓની બહુમતીના કારણે લોક મોઢે તો તે માળિયા મિયાણા જ. માળિયા મિયાણા જેવા ટચૂકડા સ્ટેશને અમુક જ યાત્રી ચઢે ઉતરે. પરંતુ, કચ્છ સુધીના સિંગલ ટ્રેકનું અહીં ક્રોસિંગના હોવાના કારણે લગભગ બધી ટ્રેનો આવતાં જતાં દસ પંદર મિનટ માટે ચોક્કસ રોકાય. રેલવે પ્લેટફોર્મની બિલકુલ સામે કાચા પાકા મકાનોની ગેરકાયદેસર વસાહત ઊભી હતી. ટ્રેન ઊભી રહે કે તરત જ આજુ બાજુની ઝૂંપડપટ્ટીનાં નાના નાના છોકરાઓ ભીખ માગવા દોડી આવે. થોડા મોટા છોકરા-છોકરીઓ ઠંડા પાણીની માટલી લઈને – ‘પાણી લ્યો, પાણી લ્યો’ ની રાડો પાડવા લાગે.. રાતના સમયે તો અહીં ચોરીની પણ ભારે દહેશત હોય.

આ આખા એરિયામાં પીવાના પાણીની બહુ જ અછત છે. અમદાવાદથી સાથે લાવેલું પાણી વીરમગામ સુધી સાથ આપીને સમાપ્ત થઇ જાય. માળિયા પછી આવે સૂરજ બારીનો દરિયાઈ પુલ અને ત્યાર બાદ ચારેકોર રણ પ્રદેશ અને મીઠાંની અસરવાળો પ્રદેશ હોવાને કારણે પાણી સાવ ખારું જ મળે. જે મુંબઈગરો કેમ કરી પીવે ? બિસલરીની લક્ઝરી પણ આ પછીના સ્ટેશને મળે નહીં. સામખીયાળી અને ભચાઉ જેવા સ્ટેશને ત્યારે ટ્રેનો ભાગ્યે જ સ્ટોપ કરતી.

સ્ટેશનની સામેની પાર દોઢેક માઈલ દૂર એક મીઠા પાણીની તળાવડી હતી. માળીયાના છોકરાઓ ત્યાંથી પાણી લઇ આવે. યાત્રીઓ પોતાની તરસ સંતોષે અને વોટર બેગ પણ ભરી લ્યે. યાત્રીની તરસ અને માટલીની સાઈઝના આધારે આ છોકરાઓને પૈસા મળી રહે. ટ્રેન પસાર થઇ ગયાં પછી બધાં જ છોકરાં ફરીથી તળાવડીએ પાણી ભરવા જતાં રહે.. ડોઢ કલાક પછી આવનારી બીજી એક્સપ્રેસ ટ્રેન માટે. આ રોજની કવાયદ એક નાનકડા વેપારમાં ફેરવાઈ ગઈ હતી. ભીખ અને ચોરીના કાદવ વચ્ચે આમ એક રૂપકડું કમળ વિહસતું હતું.

આ ધંધાની શરૂવાત સલમાથી થઇ. એક વખત પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે સલમા તળાવડીથી પાણી લઈને ઘરે જઈ રહી હતી, ત્યારે એક યાત્રી દોડતો દોડતો તેની પાસે આવ્યો. એણે બે રૂપિયાની નોટ અને પોતાની વોટર બેગ તેની સામે ધરી દીધી. સલમાની માટલી ખાલી થઇ ગઈ પણ તેની હથેળી ભરાઈ ગઈ. ભિખારણમાંથી મજુરણ સુધીની લાંબી છલાંગ લગાડવાની ખુશીમાં તેની આંખો સ્વાભિમાનથી ચમકી ઉઠી. પોતાની પહેલી કમાણીને મુઠ્ઠીમાં વાળીને તે જોશ ભેર ઘર ભણી ચાલી પડી. ઘેર આવીને અમ્માને પાણીની કહાણી સંભળાવી અને જયારે અબ્બુને બે રૂપિયા આપ્યાં ત્યારે જાણે આખી ઝૂંપડી સલમાના આમ મોટા થઇ જવા ઉપર ચહેકી ઊઠી. એ બે રૂપિયા ઝૂંપડીનું સપનું અને સહારો બંને હતાં. અબ્બુએ ખુશ થઈને સલ્લુડીના માથે હેતનો હાથ ફેરવ્યો અને સલમાએ નાનકાં અજ્જુના માથા પર..

બીજે દિવસે સલમા ફરી બે રૂપિયા લઇ આવી. બધી ઝૂંપડીઓની હાલત અને હૈસિયત એક જેવી હતી. જેથી સલમાની દેખા દેખી બધી ઝૂંપડીઓથી માટલું, માટલી, કળશો, બાલ્દી નીકળવા લાગ્યાં. પહેલાં બે.. પછી ચાર.. પછી દસ.. પછી વીસ અને હવે તો એટલા કે યાત્રી પાણી લેતી વખતે ભાવ તાલ કરતા થયાં. તળાવડીની દૂરી તો ઓછી ના થઇ પણ માટલીના ભાવ અડધા થઇ ગયાં.

બે રૂપિયાનું માટલું હવે એક રૂપિયામાં વેચાવા લાગ્યું. કેટલીક વાર તો થોડુંક મોડું થઇ જાય ત્યારે છોકરાઓ પેસેન્જરની સામે ભિખારીની જેમ કરગરતાં, હાથ જોડતાં, આજીજી કરીને પાણી લેવાનો આગ્રહ કરતાં. આ બધું જોઈને સલમાને એક અજીબ જાતની નફરત થાતી. જાણે કે તેનો પગ કોક ગંદકીમાં પડી ગયો ના હોય. એવી પરિસ્થિતિથી બચવા માટે એ હંમેશા ઝડપી પગલેથી ટ્રેન આવવાની પહેલાં પાટાની પાસે ઊભી રહી જતી અને ટ્રેન રોકાતાં જ બોગીમાં ફટાકથી ઘૂસીને પાણી વેચી નાખતી.

સલમામાં ગજબની ચપળતા તો હતી જ સાથો સાથ પાણી લેનાર માણસને ઓળખી કાઢવાની પણ સરી કળા હતી. એ યાત્રીની આંખમાં તરસને વાંચી શકતી. એની ટહેલ કદી ખાલી ના જાય. પાણી અચૂક વેચાઈ જાય. બીજા છોકરાઓ તેથી સલમાની ઈર્ષ્યા કરતાં. છતાં સલમા એમની અઘોષિત લીડર હતી.

આજે સલમાને ઉઠવામાં મોડું થઇ ગયું. અજ્જુ આખી રાત તાવમાં કણસતો જાગતો રહ્યો હતો. અમ્મા એના માથા ઉપર મીઠાંના પાણીના પોતા મૂકતી રહી હતી અને સલમા પણ એમાં જોડાયેલી રહી. અજ્જુના કારણે એ આખી રાત સૂઈ નહોતી શકી. સવારે ઉઠવા ટાણે તેનું ડીલ દુખતું હતું. ચાલમાં સુસ્તી હતી. એ ઢસડતી ચાલે તળાવડી પર પહોંચી ત્યાં સુધી બધાં છોકરાઓ પાણી લઈને જતા રહ્યા હતાં. કોણ જાણે આજે ટ્રેન મળશે કે નહીં, એવી આશંકાથી એ ઝડપી ઝડપી પગલાં માંડતી દોડી પડી. સલમા સ્ટેશને પહોંચી ત્યારે ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. બધાં છોકરાઓએ પોતાનું પાણી વેચી નાખ્યું હતું. ‘પાણી – પાણી’ કહેતી તેણે ટ્રેનના બે ઝડપી ચક્કર લગાડ્યા. પણ કોઈએ પાણી ના લીધું. સિગ્નલ નમતાની સાથે તેની આંખો પણ લાચારી અને નિરાશાથી ઢળવા લાગી. તેમ છતાં આખરી ઘા નાખતી હોય એમ સલમાએ દરવાજા પર બેઠેલા એક પેસેન્જરથી કહ્યું – ‘પાણી લઇ લ્યો..ભાઈ !’

પેસેન્જરે અણગમાથી ના પડી - ‘નથી જોઈતું.’

‘લઇ લ્યો સાહેબ, આગળ ગાંધીધામ સુધી પાણી નઈ મળે.’ સલમાનો અવાજ આદ્ર થઇ ગયો હતો.

‘કહ્યું ને કે નથી જોઈતું..’ યુવાન પેસેન્જરે તોછડાઈથી જવાબ દીધો.

યાત્રીની જોરદાર વઢથી એ થથરી ગઈ. આજે જો એનું પાણી વેચાઈ જાત તો આ ટ્રેનનો એક રૂપિયો અને આગલી ટ્રેનનો એક રૂપિયો ભેગો કરીને જડી બૂટીવાળા હકીમ સાહેબને દઈને દવા લઇ આવી... અજ્જુનો તાવ જરૂર ઉતારી શકી હોત. અજ્જુનો વિચાર આવતાં જ એ રડમસ થઇ ગઈ. ગાર્ડની સીટી સાંભળીને કોણ જાણે ક્યારે એના મ્હોંથી નીકળી ગયું – ‘પાણી લઇ લો શેઠ. અજ્જુ બહોત બીમાર હૈ. મહેરબાની હોગી.’ એની ભેજ ભરી આંખો અને ઉતરી ગયેલો માયુસ ચેહરો જોઈને વઢનાર યાત્રીને દયા આવી ગઈ. એણે એની હથેળી ઉપર રૂપિયો રાખતાં કહ્યું – ‘લે, રાખી લે.. પણ પાણી નથી ખપતું.’

સલમા તો સ્તબ્ધ, અવાચક..ટ્રેનની સાથે સરકતા યાત્રીને જોઈ રહી. પછી તેણે પોતાની હથેળી અને માટલીને જોઈ.. હાથમાં એક આખો રૂપિયો હતો અને માટલી હજુ આખે આખી ભરેલી હતી.

‘આજે તો સલ્લુડીને મજા પડી ગઈ. એને રૂપિયો પણ મળી ગયો અને બીજી ટ્રેન માટે ટાંટિયા તોડવા નઈ પડે.’ ...કહેતા કહેતા બધાં છોકરાઓ ફરીથી પાણી લેવા ચાલ્યા ગયાં.

સલમાએ ફરી પોતાની માટલી જોઈ. ‘યા અલ્લાહ.. શેઠ થોડું પાણી જ લઇ લેત. વગર પાણીના પૈસા..’

એને લાગ્યું કે એક અજબ જાતના કાદવમાં એ ગળા સુધી ડૂબતી જઈ રહી છે. તેનાથી બચવા માટે એક વાર તો તેને મન થયું કે રૂપિયાને અહીં જ રેલના પાટા ઉપર ફેંકી દે. આ તો હરામ કહેવાય. તેણે ઘા કરવા માટે એક પળ હાથ ઉપાડ્યો ય ખરો.. પણ તે એવું કરી ના શકી. અજ્જુનો કમજોર ચેહરો આંખમાં તરવરી ઉઠ્યો. એની મુઠ્ઠી વધુ જોરથી બંધ થઇ ગઈ. પોતાની આ વિવશતા ઉપર એની ગાગર જેવી આંખોમાંથી પાણી છલકવા લાગ્યું..

બીજી જ પળે સલ્લુડીએ પોતાનું માટલું ઊંધું વાળી નાખ્યું અને બધું પાણી રેલના પાટા ઉપર રેડી દીધું. તેની આંખો ફરી સ્વાભિમાનથી ચમકી ઉઠી અને એ પોતાનું ખાલી માટલું લઈને ડોઢ મીલ દૂર તળાવડી ભણી ચાલી નીકળી.. બીજી ટ્રેન માટે પાણી લાવવા !

~~ કુમાર જિનેશ શાહ. 126, 10B/C,

વિદ્યા નગર, રાધેશ્યામ બંસલ માર્ગ.

કચ્છ, ગુજરાત. મો.- 9824425929.