Satya na Prayogo Part-2 - Chapter - 6 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-2 - 6

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. નાતાલ પહોંચ્યો

વિલાયત જતાં વિયોગદુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો

ચાલી ગઇ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ-મુંબઇ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રપ્તિ થઇ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી. વિલાયતથી મારા આવ્યા પછી અમે સાથે બહુ થોડું રહ્યાં હતાં, અને હું પોતે ગમે તેવો પણ શિક્ષક બન્યો હતો તેથી, તથા પત્નીમાં કેટલાક સુધારા કરાવ્યા હતા તેથી, તે નિભાવવા ખાતર પણ સાથે રહેવાની આવશ્યકતા અમને બન્નેને જણાતી હતી. પણ આફ્રિકા મને ખેંચી રહ્યું હતું. તેણે વિયોગને સહ્ય બનાવી મૂક્યો. ‘એક વર્ષ બાદ તો આપણે મળશું જ ના ?’ એમ કહી સાંત્વન આપી

મેં રાજકોટ છોડ્યુંને મુંબઇ પહોંચ્યો.

દાદા અબદુલ્લાના મુંબઇના એજન્ટ મારફતે મારે ટિકિટ કઢાવવાની હતી. પણ સ્ટીમરમાં કૅબિન ખાલી ન મળે. જો આ વેળા ચૂકું તો મારે એક માસ લગી મુંબઇમાં હવા ખાવી પડે તેમ હતું, એજન્ટે કહ્યું, ‘અમે તો બહુ મહેનત કરી પણ અમને ટિકિટ નથી મળી શકતી. ડેકમાં જાઓ તો ભલે. ખાવાનો બંદોબસ્ત સલૂનમાં થઇ શકશે.’ એ દિવસો મારા પહેલા વર્ગની મુસાફરીના હતા. ડેકનો ઉતારુ થઇને કંઇ બારિસ્ટર જાય? મેં ડેકમાં જવા ના પાડી. મને એજન્ટ ઉપર શક આવ્યો. પહેલા વર્ગની ટિકિટ ન જ મળે એ મારા માન્યામાં ન આવ્યું. હું સ્ટીમર પર પહોંચ્યો. તેના વડા માલમને મળ્યો. તેને પૂછતાં તેણે મને નિખાલસપણે જવાબ આપ્યોઃ ‘અમારે ત્યાં આટલી ભીડ ભાગ્યે જ હોય છે. પણ

મોઝામ્બિકના ગવર્નર-જનરલ આ સ્ટીમરમાં જાય છે, તેથી બધી જગા પુરાઇ ગઇ છે.’

‘ત્યારે શું તમે કોઇ રીતે મારે સારુ જગ્યા ન જ કાઢી શકો?’

માલમે મારી સામે જોયું. તે હસ્યો ને બોલ્યો, ‘એક ઉપાય છે. મારી કૅબિનમાં એક હીંચકો ખાલી હોય છે. તેમાં અમે ઉતારુને લેતા નથી, પણ તમને હું એ જગ્યા આપવા તૈયાર છું.’ હું રાજી થયો. માલમનો આભાર માન્યો. શેઠને વાત કરી ને ટિકિટ કઢાવી.

૧૮૯૩ના એપ્રિલ માસમાં હું હોશભર્ય દક્ષિણ આફ્રિકામાં મારું નસીબ અજમાવવા ઊપડ્યો.

પહેલું બંદર લામું હતું. ત્યાં પહોંચતાં લગભગ તેર દિવસ થયા. રસ્તામાં કપ્તાનની સાથે ઠીક મહોબત જામી. કપ્તાનને શેતરંજ રમવાનો શોખ હતો. પણ તે હજુ નવશિખાઉ

હતો. તેને પોતાના કરતાં ઠોઠ રમનારાનો ખપ હતો તેથી મને રમવા નોતર્યો. મેં શેતરંજની રમત કદી જોઇ નહોતી. તેને વિશે સાંભળ્યું ઠીક હતું. એ રમતમાં અક્કલનો ઉપયોગ સારી પેઠે પડે છે એમ રમનારાઓ કહેતા. કપ્તાને મને પોતે શીખવશે એમ કહ્યું. હું તેને ઠીક

મુરીદ મળ્યો, કેમ કે મને ધીરજ હતી. હું તો હાર્યા જ કરતો. તેમ તેમ કપ્તાનને શીખવવાનું શૂર ચડતું ગયું. મને શેતરંજની રમત ગમી. પણ તે કોઇ દહાડો સ્ટીમરથી નીચે ન ઊતરી.

રાજારાણી ઇત્યાદિ કેમ ચલાવી શકાય તે સમજવા ઉપરાંત આવડત ન વધી.

લામુ બંદર આવ્યું. ત્યાં સ્ટીમર ત્રણચાર કલાક રોકાવાની હતી. હું બંદર જોવા નીચે ઊતર્યો. કપ્તાન પણ ગયો હતો. તેણે મને કહ્યું, ‘અહીંનું બારું દગાખોર છે. તમે વહેલા પાછા વળજો.’

ગામ તો તદ્દન નાનું હતું. ત્યાની પોસ્ટઑફિસે ગયો તો હિંદી નોકરો જોયા. તેથી રાજી થયો. તેમની સાથે વાતો કરી. હબસીઓને મળ્યો. તેમની રહેણીકરણીમાં રસ લાગ્યો.

તેથી કંઇક વખત ગયો. બીજા કેટલાક ડેકના ઉતારુ હતા. તેમની સાથે મેં ઓળખાણ કરી હતી. તેઓ રસોઇ નિરાંતે જમવા સારુ નીચે ઊતર્યા હતા. હું તેમની હોડીમાં બેઠો. બારામાં ઠીક ભરતી હતી. અમારી હોડીમાં ભાર સારો હતો. તાણ એટલું બધું હતું કે હોડીનું દોરડું સ્ટીમરની સીડી સાથે કેમે કર્યું બંધાય જ નહીં. હોડી સીડીની પાસે જાય ને સરકી જાય.

સ્ટીમર ઊપડવાની પહેલી સીટી થઇ. હું ગભરાયો. કપ્તાન ઉપરથી જોઇ રહ્યો હતો. તેણે પાંચ મિનિટ સ્ટીમર થોભાવવા કહ્યું. સ્ટીમરની પાસે એક મછવો હતો તેને દસ રૂપિયા આપી મારે સારુ એક મિત્રે ભાડે કર્યો, ને તે મછવાએ પેલી હોડીમાંથી મને ઊંચકી લીધો, ને સ્ટીમરની સીડી ઊપડી ગઇ હતી. દોરડાથી મને ઉપર ખેંચી લીધો, ને સ્ટીમર ચાલતી થઇ! બીજા ઉતારુઓ રહી ગયા. કપ્તાને આપેલી ચેતવણીનો અર્થ હવે સમજ્યો.

લામુથી મોમ્બાસા ને ત્યાંથી ઝાંઝીબાર પહાેંચ્યા. ઝાંઝીબારમાં તો બહું જ રોકાવાનુંહતું-આઠ કે દસ દિવસ. અહીં નવી સ્ટીમરમાં બદલવાનું હતું.

કપ્તાનના પ્રેમનો કંઇ પાર નહોતો. આ પ્રેમે મારે સારુ ઊલટું સ્વરૂપ પકડયું. તેણે

મને પોતાની સાથે સહેલ કરવા જવા નોતર્યો. એક અંગ્રેજ મિત્રને પણ નોતર્યો હતો. અમે ત્રણ કપ્તાનના મછવામાં ઊતર્યા. આ સહેલનો મર્મ હું મુદ્દલ નહોતો સમજયો. કપ્તાનને શી ખબર કે હું આવી બાબતોમાં છેત અજાણ્યો હોઇશ? અમે તો હબસી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ અમને ત્યાં લઇ ગયેલો. દરેક એક એક કોટડીમાં પૂરાયા. પણ હું તો શરમનો માર્યો કોટડીમાં પુરાઇ જ રહ્યો. પેલી બાઇ બિચારીને શા વિચાર આવ્યા હશે એ તો તે જ જાણે. કપ્તાન બુમ મારી. હું તો જેવો અંદર દાખલ થયો તેવો જ બહાર નીકળ્યો.

કપ્તાન મારું ભોળપણ સમજી ગયો. પ્રથમ તો મને બહુ જ ભોંઠપ લાગી. પણ આ કાર્ય કોઇ રીત હું પસંદ કરી શકું તેમ નહોતું જ, તેથી તરત તે જતી રહી ને મેં ઇશ્વરનો પાડ

માન્યો કે પેલી બહેનને જોઇ મને વિકાર સરખો પણ પેદા ન થયો. મને મારી નબળાઇ તરફ

તિરસ્કાર ઊપજ્યો કે હું કોટડીમાં પુરાવાની જ ના પાડવાની હિંમત ન કરી શક્યો.

આ મારી જિંદગીની આવા પ્રકારની ત્રીજી કસોટી હતી. કેટલાયે જુવાનિયા પ્રથમ

નિર્દોષ હોવા છતાં ખોટી શરમથી દોષમાં પડતા હશે. મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારુ મારે તો પાડ કેવળ ઇશ્વરવો જ માનવાનો રહ્યો છે. પણ આ કિસ્સાથી મારી ઇશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કંઇક શીખ્યો.

ઝાંઝીબારમાં એક અઠવાડિયું ગાળવાનું હતું. તેથી હું એક મકાન ભાડે લઇ શહેરમાં રહ્યો. શહેર ખૂબ ફરી ફરીને જોયું. ઝાંઝીબારની લીલોતરીનો ખ્યાલ માત્ર મલબારમાં જ આવી શકે. ત્યાંના વિશાળ ઝાડો, ત્યાંનાં મોટા ફળો, ઇત્યાદિ જોઇ હું તો ચકિત થઇ ગયો.

ઝાંઝીબારથી મોઝાંબિક ને ત્યાંથી મે માસની લગભગ આખરે નાતાલ પહોંચ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED