‘સત્યના પ્રયોગો’
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી
અમલદારની પાસે મરું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઇ, તેનો રોષ, તેની ઉદ્ઘતાઇ આગળ મારો દોષ અલ્ય થઇ ગયો. દોષની સજા ધકકો નહોતો. હું તેની પાસે મિનિટ પણ નહીં બેઠો હોઉં. મારું બોલવું જ તેને અસહ્ય લાગ્યું. તે મને વિવેકપૂર્વક જવાનું કહી શકતો હતો. પણ તેના અમલના નશાને કશી હદ નહોત. પાછળથી
મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી વસ્તું જ નહોતી. તેની પાસે જનારનું અપમાન કરવું એ તેને સારુ સામાન્ય વાત હતી. પોતાને ન ગમે તવી વાત થઇ કે તુરત સાહેબનો મિજાજ જાય.
મારું ઘણું કામ તો તેની કોર્ટમાં હોય. ખુશામન કરવાનું તો મારાથી બને તેમ
નહોતું. આ અમલદારને અયોગ્ય રીતે રીઝવવા હું માગતો નહોતો. તેની ઉપર ફરિયાદની ધમકી મોકલીને હું ફરિયાદ ન કરું ને તેને કંઇ ન લખું એ પણ મને ન ગમ્યું.
દરમિયાન કાઠિયાવાડની ખટપટનો પણ મને કંઇક અનુભવ મળ્યો. કાઠિયાવાડ એટલે નાનાં અનેક રાજ્યોનો મુલક. અહીં મુસદીવર્ગનો પાક તો ભારે હોય જ. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, હોદ્દો જમાવવા સારું ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ. સાહબોના પટાવાળાની ખુશામત; શિરસ્તેદાર એટલે દોઢ સાહેબ, કેમ કે શિરસ્તેદાર એ સાહેબના આંખ, તેનો દુભાષિયાો. શિરસ્તેદાર ધારે એ જ કાયદો. શિરસ્તેદારની આવક સાહેબની આવક કરતાં વધારે ગણાતી. આમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો. પણ શિરસ્તેદારના ટુંક પગારના પ્રમાણમાં તેનો ખર્ચ અવશ્ય વધારે રહેતો.
આ વાતાવરણ મને ઝેર સમાન લાગ્યું. હું મારી સ્વતંત્રતા કેમ બચાવી શકીશ એ વિચાર મને રહ્યા જ કરે.
હું ઉદાસીન બન્યો. ભાઇએ મારી ઉદાસીનતા જોઇ. કયાંક નોકરી લઇને બેસી જવાથી હું ખટપટમાંથી મુક્ત રહી શકું એ એક વિચાર ચાલ્યો. પણ ખટપચ વિના કારભારું કે ન્યાયાધીશપણું ક્યાંથી મળે?
વકીલાત કરતાં ઍડમિનિસ્ટ્રેશન હતું. ત્યાં રાણાસાહેબને સારુ કંઇક સત્તા
મેળવવાનો પ્રયત્ન કરવાનો હતો. મેર લોકોની પાસેથી વધારેપડતી વિઘોટી લેવાતી હતી.
તે બાબત પણ મારે ત્યાંના ઍડમિનિસ્ટ્રેટરને મળવાનું હતું. મેં જોયું કે ઍડમિનિસ્ટ્રટર દેશી હતા, છતાં તેમનો રુઆબ તો સાહેબથીયે વધારે હતો. તેમનામાં હોશિયારી હતી. પણ તેમની હોશિયારીનો લાભ રૈયતને બહુ મળ્યો એમ હું ન જોઇ શક્યો. રાણાસાહેબને થોડી સત્તા મળી. મેર લોકોને તો કંઇ જ ન મળ્યું એમ કહેવાય. તેમનો કેસ પૂરો તપાસાયો તેમ
પણ મને ન લાગ્યું.
એટલે અહીં પણ હું પ્રમાણમાં નિરાશ થયો. મને લાગ્યું કે ઇન્સાફ ન મળ્યો.
ઇન્સાફ મેળવવા સારુ મારી પાસે સાધન નહોતું. બહુ થાય તો મોટા સાહેબને અપીલ
કરાય. તેનો શેરો થાય, ‘અમે આ કામમાં વચ્ચે નથી પડી શકતા.’ આવા ફેંસલાની પાછળ
જો કંઇ કાયદાકાનૂન હોય તો આશા રહે. અહીં તો સાહેબની મરજી તે કાનૂન.
હું અકળાયો.
દરમિયાન ભાઇની પાસ પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યુંઃ ‘અમારો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે. અમારી પેઢી મોટી છે. અમારો એક મોટો કેસ ચાલે છે. દાવો
ચાળીસ હજાર પાઉંડનો છે. કેસ ઘણો વખત થયો ચાલી રહ્યો છે, અમારી પાસે સારામાં સારા વકીલબારિસ્ટરો છે. જો તમારા ભાઇને મોકલો તો તે અમને મદદ કરે ને તેને પણ કંઇક મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી, તે નવો
મુલક જોશે ને ઘણા નવા માણસોની ઓળખાણ કરશે.’
ભાઇએ મારી પાસે વાત કરી. હું આ બધાનો અર્થ સમજી ન શકયો. મારે માત્ર વકીલને સમજાવવાનું જ કામ કરવું પડશે કે કોર્ટમાં પણ જવું રહેશે એ ન જાણી શક્યો. પણ હું લલચાયો.
દાદા અબદુલ્લાના ભાગીદાર મરહૂમ શેઠ અબદુલ કરીમ ઝવેરીની ભેટ મારા ભાઇએ કરાવી. શેઠે કહ્યુંઃ ‘તમને ઝાઝી મહેનત નહીં પડે. અમારે મોટા ગોરાઓની સાથે દોસ્તી છે.’ એમની તમે ઓળખાણ કરશો. અમારી દુકાનમાં પણ તમે મદદ કરી શકશો. અમારે અંગ્રેજી પત્રવ્યવહાર ઘણો રહે છે. તેમાં પણ તમે મદદ કરી શકશો. તમારું રહેવાનું અમારા બંગલામાં જ થશે, એટલે તમારા ઉપર કંઇ જ ખર્ચ નહીં પડે.’
મેં પૂછયું : ‘મારી નોકરી તમે કેટલી મુદત સુધી માગો છો? મને તમે પગાર શું આપશો.’
‘તમારું કામ એક વર્ષથી વધારે નહીં પડે. તમને ફર્સ્ટ કલાસનું આવવાજવાનું ભાંડું ને રહેવા તથા ખાધાખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉન્ડ આપીશું.’
આ કંઇ વકીલાત ન કહેવાય. આ નોકરી હતી. પણ મારે તો જ્યાંત્યાંથી હિંદુસ્તાન છોડવું હતું. નવો મુલક જોવા મળશે ને અનુભવ મળશે તે જુદો. ૧૦૫ પાઉન્ડ ભાઇને
મોકલીશ એટલે ઘરખર્ચમાં કંઇક મદદ થશે. આમ વિચાર કરી મેં તો પગાર વિશે રકઝક કર્યા વિના શેઠ અબદુલ કરીમની દરખાસ્ત રાખી ને દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયો.